જેમી એન્ડ્રયુ

હાથ–પગ ન હોવા છતાં 14 હજાર ફુટથી ઉંચા શીખરની ટોચે પહોંચી, જગતને અચંબામાં મુકી દેનાર પર્વતારોહક જેમી એન્ડ્રયુની આજે વાત કરવી છે. તેની જવાંમર્દીની વાત જાણશો તો અચુક તેને સેલ્યુટ કરવા તમારા હાથ ઉંચકાઈ જશે.

જેમી એન્ડ્રયુ

ડૉ. જનક શાહ અને ભારતી શાહ

આજે એક એવા પર્વતારોહકની વાત કરવી છે જે હાથ–પગ ન હોવા છતાં 14 હજાર ફુટથી ઉંચા શીખરની ટોચે પહોંચી ગયો. તેનું નામ છે જેમી એન્ડ્રયુ. તેની જવાંમર્દીની વાત જાણશો તો તમારી આંખો ચકીત થઈ જશે. 44 વર્ષના જેમીએ પોતાના શોખને કારણે 15 વર્ષ પહેલાં પોતાના હાથ–પગ ગુમાવી દીધા હતા તે જ શોખને પુરો કરવા માટે 14,691.6 ફુટ (4,478 મીટર) ઉંચી મૈટરહોર્ન માઉન્ટેન પર આરોહણ કરી જગતને અચંબામાં મુકી દીધું હતું.

તેના સુરક્ષીત હાથ–પગના સહારે તેણે આટલી ઉંચાઈ ક્યારેય સર નહોતી કરી. આ આલ્પસનું અને યુરોપનું સૌથી ઉંચું શીખર હતું. સને 1865થી આરોહકો આ શીખર સર કરવા પ્રયત્નશીલ બન્યા હતા. આ પર્વતારોહણ શરુ થયા પછી લગભગ 500 જેટલા પર્વતારોહકો મોતને ભેટ્યા હતા. 1200 જેટલા પર્વતારોહકોને બચાવી લેવામાં આવ્યા હતા. આજે હાથ–પગ વગરના આ સાહસીક પર્વતારોહકની ગગનચુંબી શીખરને સર કરવાની મર્દાનગીભરી વાત સાંભળીશું તો અચુક તેને સેલ્યુટ કરવા હાથ ઉંચકાઈ જશે.

જેમી 3 ઓગસ્ટ, 1969ના રોજ જન્મ્યો હતો અને ગ્લાસગોની બહાર બેર્સડનમાં ઉછર્યો હતો. તે બેર્સડનની સ્કુલમાં ગયો અને પછી ગ્લાસગોમાં ભણ્યો. શાળાનું શીક્ષણ લીધા પછી તેણે એડીનબર્ગ યુનીવર્સીટીમાંથી ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. થોડો વખત નોર્થ વેલ્સના બેન્ગોરમાં રહી તેણે એમ.એસસી.નો અભ્યાસ પુરો કર્યો અને પછી એડીનબર્ગ પાછા આવી ત્યાં વસવાટ કર્યો. 1995માં તેણે એન્જીનીયરીંગ છોડી દઈને ઈન્ડસ્ટ્રીયલ રોપ એસેસ ટેક્નીશ્યન તરીકેનો વ્યવસાય શરુ કર્યો, જેમાં તેને વીવીધ ઉંચી ઈમારતોના બાંધકામ અને જાળવણી માટેના કાર્યને દોરડાની મદદથી ચડવા–ઉતરવાનું રહેતું. આ પ્રકારના પ્રોજેક્ટમાં તેને તેલકુવા બનાવવાનું, કમાનદાર પુલોના સમારકામનું, પાવર સ્ટેશનને સ્વચ્છ કરવાનું અને રેલવેના પુલનું રંગવાનું કાર્ય કરવાનું રહેતું. થોડા સમયમાં તે એડીનબર્ગની રોપ એસેસ કમ્પનીનો ટીમ લીડર, સૅફ્ટી સુપરવાઈઝર અને રોપ એસેસ ટ્રેનર સુધીના પદ પર પહોંચી ગયો.

જેમીને હમ્મેશાં પર્વતારોહણ કરવા તરફનો ખુબ લગાવ રહ્યો હતો. તેણે એક દસકાથી સક્રીય પર્વતારોહક અને પહાડના સફળ આરોહક તરીકેની કારકીર્દી બનાવી હતી. યુરોપ અને વીશ્વભરમાં તેણે ઘણી પર્વતમાળાના આરોહણનો પ્રવાસ ખેડ્યો હતો. સ્કૉટલેન્ડમાં તેણે ઘણા પહાડોને પ્રથમવાર ખુંદ્યા હતા. આ ઉપરાંત ફ્રાન્સ, આફ્રીકા વગેરે દેશોના પર્વતોના આરોહણથી અજાણ ન હતો. આ સમયમાં ટેકરીઓ પરની સ્પર્ધાત્મક દોડ, સ્કીંગ અને ઘણી આઉટ્ડૉઅર રમતોમાં નીપુણ બન્યો હતો. આ ઉપરાંત એડીનબર્ગ યુનીવર્સીટી માઉન્ટેઈનીઅરીંગ ક્લબનો પ્રમુખ બન્યો હતો.

25મી જાન્યુઆરી, 1999ના રોજ જેમી અને તેનો નીકટનો મીત્ર અને ફ્લૅટમાં સાથે રહેનાર જેમી ફીશરે લેસ ડ્રોઈટસના 4000 ઉંચા પર્વતનું આરોહણ કરવાનું બીડું ઝડપ્યું. આ પર્વત મોન્ટ બ્લાન્ક પર્વતમાળામાં આવેલો હતો. તેનો ઉત્તરનો ભાગ અતી સુંદર હતો પણ ચઢવા માટે અતી કપરો હતો. તેમાંય શીયાળામાં તો ખાસ આકરો હતો. બીજા દીવસના અંતે બન્નેએ સારી પ્રગતી કરી હતી અને પવર્તના ટોચ તરફની બાજુ પર પહોંચી ગયા હતા. અચાનક અનપેક્ષીત અને અસાધારણ પ્રખર તોફાન પર્વતને ઘમરોળવા લાગ્યું. બન્ને પર્વતની ટોચ નજીક સાંકડી છાજલી જેવા ભાગમાં તે બર્ફીલા તોફાનમાં ફસાઈ ગયા. બર્ફીલી હવા 90 માઈલ પ્રતી કલાકની ઝડપે ફુંકાઈ રહી હતી. પાંચ રાત્રી સુધી તેઓ ખાધા પીધા વગર, ઠંડીમાં આશ્રય વગર જીવન–મરણ વચ્ચે ઝોલા ખાતા રહ્યા. 31મી જાન્યુઆરીએ જીવવાની આશા બંધાઈ. આલ્પ્સ ટેકરીના ઈતીહાસમાં પ્રથમ વાર વીશ્વભરમાં હેડ લાઈનમાં સમાચાર છપાયા કે આરોહણ કરતા ફસાયેલા આરોહક માટે બચાવ ટુકડીને હેલીકોપ્ટરમાં મોકલવામાં આવી છે.

તેઓ આ તોફાનમાં પાંચ દીવસ ફસાયેલા રહ્યા અને તેમાં ફીશરનું મૃત્યું થયું. જો કે બચાવ ટુકડી એન્ડ્રયુને ત્યાંથી બહાર કાઢી લાવી પણ તેના હાથ–પગ ઠંડીથી થીજી ગયા હતા. ડૉક્ટર પાસે તેના હાથ પગ કાપવા સીવાય બીજો કોઈ રસ્તો ન હતો. ઑપરેશન પછી તેને કૃત્રીમ હાથ–પગ અપનાવવા પડ્યા.  સાડા ત્રણ મહીનામાં તો તે કૃત્રીમ પગોથી ચાલતા શીખી ગયો અને જલ્દીથી હૉસ્પીટલમાંથી મુક્તી મેળવી; કારણકે તે પોતાનું કેટલુંક કામ જાતે કરવા સક્ષમ બન્યો હતો. કેટલાક વર્ષો પછી એન્ડ્રયુ પવર્ત તરફ પાછો ફર્યો. તે ફરીથી તેનો મીત્ર અવસાન પામ્યો હતો ત્યાં જવા માંગતો હતો. તેણે ફરીથી એડીનબર્ગના નાનકડા પર્વતોનું આરોહણ કરવાનો અભ્યાસ શરુ કર્યો. આ વખતે તેના પાર્ટનર તરીકે સ્ટીવ જોન્સ રહ્યો. કૃત્રીમ પગોથી ચાલવા સક્ષમ બનતા ફરીથી અકસ્માત પહેલા કામ કરતો હતો તે જ રોપ એસેસ કમ્પનીના ફુલ ટાઈમ મેનેજર તરીકે કામ કરવું શરુ કર્યું. થોડા જ સમયમાં તે મેનેજમેન્ટ ટીમનો એક મુલ્યવાન સર્જનાત્મક સભ્ય તરીકે ગણાવા લાગ્યો. જુન, 2000માં જેમી લાંબા સમયથી તેની સાથી એવી એન્ના વેઈટ સાથે લગ્ન સમ્બન્ધથી જોડાયો.

અકસ્માત થયા પછીથી જેમી એન્ડ્રયુ ઘણી બધી રમત–ગમતની પ્રવૃત્તીમાં ભાગ લેવા લાગ્યો હતો. જેમાં સ્વીમીંગ, દોડ. સ્કીંગ, સ્નો–બોર્ડીંગ, પેરાગ્લાઈડીંગ, કેવીંગ, ઓરીએનટીઅરીંગ અને સેઈલીંગ ખાસ હતી. પર્વતારોહણમાં પાછા વળવાની વાત તેના સૌથી શ્રેષ્ઠ ધ્યેયને અને ઉચ્ચ પ્રકારના પડકારોનો સામનો કરવાના તેના સંકલ્પને સ્પષ્ટ કરે છે. તેણે સ્થાનીક ટેકરીઓ અને એડીનબર્ગ આજુબાજુથી અને નાની નાની સ્કેટીશ ટેકરીઓથી શરુઆત કરી જે ચકાસણી માટે પુરતુ હતું. પરન્તુ જુન, 2000માં તે બ્રીટનના સૌથી ઉંચા પર્વત બેન નેવીશના શીખરને ચડી ગયો અને ચેરીટી માટે 15,000 પાઉન્ડ એકત્ર કર્યા તે નાની સુની વાત નથી. જેમી ફરીથી સક્રીય પવર્તારોહક બન્યો અને સ્કોટલેન્ડ, ઈંગ્લેન્ડ, વેલ્સ એન્ડ ફ્રાન્સના વીવીધ માર્ગો પરના પહાડો ખુંદવા લાગ્યો. મે, 2001માં તે તેના એક ડૉક્ટર અને તેને બચાવનારાઓ સાથે કેમોનીક્સ પાછા ફરીને કોસ્મક્સ અરેટે પર આરોહણ કર્યું. એપ્રીલ, 2002માં જેમીએ લંડનની મેરાથોન દોડમાં ભાગ લઈ ચેરીટી માટે 22,000 પાઉન્ડ એકઠા કર્યા. 2002માં પાછા આવીને તેણે આલ્પ્સ, મોન્ટ બ્લાન્ક અને પશ્ચીમ યુરોપના અનેક ઉંચા પર્વતો પર આરોહણ કર્યું. જાન્યુઆરી, 2004માં જેમી અને બીજા ત્રણ વીકલાંગ પર્વતારોહકો સાથે આફ્રીકાના ઉંચામાં ઉચા પર્વત કીલીમાંજરો પર આરોહણ કર્યું. આરોહણથી પર્વતના ઢોળાવ પર આવેલા તાન્ઝાનીયાન લેપરસી સેન્ટર માટે 5,000 પાઉન્ડ એકઠા કર્યા.

જેમી એન્ડ્રયુએ તેના નવા મુખ્ય આરોહણો અને દોડોથી અંદાજે 42,000 પાઉન્ડ જેટલી રકમ ધ બ્રીટીશ રેડ ક્રોસ, ધ એક્રોસ ટ્રસ્ટ, ધ જ્હોન મુઈર ટ્રસ્ટ અને ઉપેન્ડો લેપરસી સેન્ટરની ચેરીટી માટે આ રકમ એકત્રીત કરી આપી. માર્ચ, 2003માં બ્રીટીશ રેડ ક્રોસ સાથે યુદ્ધથી પાયમાલ થયેલા અવયવો કાપી નાખેલા હજારો ખાણીયાઓ અને યુદ્ધમાં અસરગ્રસ્ત થયેલા લોકેના અનુભવો જાણવા જેમી એન્ડ્રયુએ અનગોલા તરફની મુસાફરી કરી. 2000ની સાલમાં જેમી એન્ડ્રયુને એ વર્ષનો RADAR (Royal Association for Disability and Rehabilitation) એનાયત કરવામાં આવ્યો. તે સમયમાં તેને Chamber of Commerce Young Scotland Personal Achievement Award પણ એનાયત કરાયો હતો. 2000થી 2003 સુધી તે એડીનબર્ગ યુનીવર્સીટી માઉન્ટેનીઅરીંગ ક્લબનો માનદ્ પ્રમુખ હતો. 2002માં તેણે લોઈડઝ ટીઅસબી/સન્ડે મેઈલ ગ્રેટ સ્કોટ અવોર્ડ મેળવ્યો હતો. હીમ્મત અને નીર્ણયશક્તી માટે તેણે ‘પીટર બર્ડ ટ્રોફી’ પણ જીત્યો હતો. જુલાઈ, 2001માં જેમીએ પોતાના વ્યક્તીગત પ્રોજેક્ટને પુરા કરવા પોતાની કમ્પની છોડી દીધી. પોતાની આત્મકથા ‘Life and Limb’ લખવામાં અને પોતાના સાહસ અને અનુભવોના લેખો ‘ધ ઓર્બ્ઝવર’, ‘સ્કોટલેન્ડ ઓન સન્ડે’, ‘ધ સન્ડે મેઈલ’ અને વીવીધ આરોહણના સમાચારો પ્રગટ કરતા સામાયીકોમાં પ્રગટ કરવા લાગ્યો.

આજે જેમી એન્ડ્રયુ નીયમીત રીતે પ્રવચન આપે છે. જાહેરમાં પ્રેરણાત્મક વ્યાખ્યાનો માટે વીવીધ કમ્પની, પરીષદો, પર્વતારોહણ માટેની ક્લબો, શાળાઓ અને યુનીવાર્સીટી તેને બોલાવે છે. જેમી વ્યાપાર પણ કરે છે. ખાસ કરીને પવર્તારોહણ કરવામાં અને ઈમારતો પર ચડવા માટે વપરાતા દોરડાને લગતા ઉદ્યોગમાં તે ‘Jamie Andrew Equipment Supplies’ નામે કમ્પની પણ ચલાવે છે. 2012માં તે સીધા મેટરહોર્નને ફરીથી ચઢવા ઈચ્છતો હતો પણ તેના જોડીદાર રોજર પેઈનની હત્યા થઈ ગઈ. દુ:ખ હોવા છતાં પણ તે હીમ્મત હાર્યો નહીં. ઓગસ્ટ, 2013માં તેણે ફરીથી એક બીજા બ્રીટીશ આરોહક સ્ટીવ જોન્સ સાથે આરોહણ કરવાનો પ્રયત્ન કર્યો. તેઓએ પરોઢ પહેલાં મસ્તક પરની ટોર્ચના પ્રકાશના અજવાળે ચઢવાનું શરુ કર્યું જેથી તેઓ રાત્રી પહેલા ઠીક ઠીક પ્રમાણમાં અંતર કાપી શકે. તેની સાથે આરોહણ કરવાની વાત સ્ટીવ જોન્સને દીગ્મુઢ કરી દે તેવી હતી. અંધારું હતું. ચોતરફ નીસ્તબધ્તા અને ભયાનકતા હતી. અચાનક આગળ વધવા માટે તેને મન ના પાડતું હતું. જેમી એન્ડ્રયુના પગ કૃત્રીમ હતા અને કેટલાક તો ટ્રેકીંગ માટે ખાસ બનાવેલા હતા પણ તે ઝડપથી જઈ શકતો ન હતો; પરન્તુ સુર્યોદય થતાં તેનામાં વીશ્વાસનું જોમ પુરાયું. શીખરથી 650 ફુટના અંતરે હતા ત્યારે બન્નેએ પાછા પડવું પડ્યું. આગળ વધવું એટલે ઉતરતી વખતે અન્ધકારનું જોખમ વેઠવું, જે અત્યંત ભયજનક હતું. સ્વપ્ન અને ધ્યેય કસોટીની એરણ પર હતા તેને છોડી દેવાં કે જોખમને સ્વીકારવું તેની દ્વીધા હતી; પણ સલામતી તેમની પ્રથમ અગ્રતા હતી. આગળ વધવું તેમના માટે એક મોટી સીદ્ધીનું સોપાન હતું. તેમને તેનું ગૌરવ પણ હતું. જોખમને નજરઅંદાજ કરીને બીજો પ્રયત્ન કરવાનું તેઓએ વીચાર્યું. મનના વીચારોરુપ રાક્ષસો પર કાબુ મેળવી છેવટે તેણે તે હકીકત તરફ ધ્યાન કેન્દ્રીત કર્યુ કે તે જીવતો હતો. તેણે તેની પોતાની જીંદગી પુર્ણ સ્વરુપે જીવી લેવાનો નીર્ધાર કર્યો હતો તે માટે પુરો પ્રયત્ન કરતો હતો. તેને જે જગ્યાએ તેનો મીત્ર અવસાન પામ્યો હતો ત્યાં ફરીથી જવાની અદમ્ય ઈચ્છા હતી. તે ઈચ્છા પુરી કરી તે આગળ વધ્યો અને સંકલ્પના બળે ચાર કૃત્રીમ અવયવોથી સૌથી મોટા પડકારરુપ પેન્ની આલ્પ્સના 14,691.6 (4,478 મીટર) ફુટ ઉંચા મેટરહૉર્ન પર્વત ચઢનાર પ્રથમ પર્વતારોહક બની ગયો. ખાસ વાત તો એ છે કે જેમી એન્ડ્રયુએ પહેલાં હાથ–પગથી સુરક્ષીત હતો ત્યારે પણ આટલી ઉંચાઈ ક્યારેય પણ સર કરી ન હતી. એક ફ્લ્મ બનાવનારના કાફલાએ તેના આ સાહસને ચીત્રપટમાં કંડારવા અને તેને બ્રોડકાસ્ટ કરવાની તૈયારી પણ કરી લીધી છે. ચેનલ–5 પર તેની કથા પ્રસારીત થવા જઈ રહી છે.

છેલ્લાં કેટલાક વર્ષોમાં જેમીએ માની ન શકાય તેવી અને તેટલી સીદ્ધી મેળવી છે; છતાં તેને હજી લાગે છે કે તેણે હજુ ઘણું કરવાનું છે. તે ત્રણ વખતનું ભોજન બનાવી શકે છે પણ તેના શર્ટનું ઉપરનું બટન જાતે બંધ નથી કરી શકતો. તે પ્લગની સાથે વાયર જોડી શકે છે પણ તે કોઈ ખીલ્લી ખોડી શકતો નથી. તે કાર ચલાવી શકે છે પણ બાઈક પર સવારી નથી કરી શકતો. તેને પર્વતારોહણ ચાલુ રાખવું છે અને વધુ મેરાથોન દોડમાં ભાગ લેવો છે. તે ઈચ્છે છે કે તે બાર સેકન્ડમાં સો મીટર દોડી શકે તેવી તેનામાં સક્ષમતા આવી જાય. આમ તે ભરપુર, સક્રીય, જીવંત અને સુખી જીંદગી જીવવા ઈચ્છે છે. જેમી પોતાના જીવન માટે ખુબ સરસ વાત કરે છે, “મારા જીવનમાં હું જો કાંઈ શીખ્યો હોય તો તે એ છે કે બહાદુરી એટલે આકરા પડકારો ઝીલી લેવા તે નહીં પણ આકરા નીર્ણયો લેવા તેમાં બહાદુરી સમાયેલી છે. મેં આસ્થાપુર્વક તે સરહદો પાર કરી કે જે વીકલાંગ વ્યક્તી ધારે તો પાર કરી શકે. હું આશા રાખું છું કે મારો અનુભવ અને સીદ્ધીઓ બીજા વીકલાંગો કે જે અવરોધોનો સામનો કરે છે તેમને પ્રેરણા મળી રહે. મને એમ લાગે છે કે આપણી સૌથી મોટી મર્યાદા એ છે આપણે નીયંત્રણને આપણા પર લાદી દઈએ છીએ. હું બીજા લોકોને તે ખોટી માન્યતાઓને ફેંકી દેવા માટે પ્રેરવા ઈચ્છું છું. યાદ રાખજો કોઈ વસ્તુ અશક્ય નથી.”

તાલીમેં નહીં દી જાતી પરીંદો કો ઉડાનોં કી;
વે ખુદ હી તય કરતે હૈ, ઉંચાઈ આસમાનોં કી;
રખતે હૈ જો હૌસલા આસમાન કો છુને કા,
વો નહીં કરતે પરવાહ જમીન પે ગીર જાને કી.

કોઈકે તેને પુછ્યું કે તેના મીત્રનું મૃત્યું નકામુ ગયું હતું કે કેમ? ત્યારે તેણે જવાબ આપ્યો કે, “તેનું મૃત્યુ એ એક કરુણ બીના હતી; પણ હું કહીશ કે તેની જીંદગીનું બલીદાન નકામું નથી ગયું. તે હમ્મેશાં કહેતો કે ઘેટાની જેમ 1000 વર્ષ જીવવા કરતાં વાઘની જેમ એક દીવસ માટે જીવવું વધારે સારું છે. તે પ્રમાણે જ તે જીવ્યો હતો.” અકસ્માત પછીનાં વર્ષોની જીંદગીને તેણે હસતાં–હસતાં વીતાવી છે. તેના બાળકો, 10 વર્ષનો આઈરીસ અને 7 વર્ષની જોડીયા બહેનો લીઆમ અને એલીક્ષે ભાગ્યે જ વીચાર્યું હશે કે તેમના ડેડી વીકલાંગ છે. તેમના બેઠકખંડમાં સુશોભન માટેની અભેરાઈ પર તેના બન્ને કૃત્રીમ હાથ અને પગ સહજતાથી રાખવામાં આવ્યા હતા. તે કહે છે, “તમને તે વીચીત્ર લાગશે પણ તમે મને મારા હાથ–પગ પાછા આપવાનો પ્રસ્તાવ કરશો તો હું ચોક્કસ ના પાડીશ. તે ગુમાવવાનો મને સહેજ પણ રંજ નથી. મને મારી રોજીંદી જીંદગી કઠીન નથી લાગતી. મારે પ્રેમાળ પત્ની છે અને ત્રણ બાળકો છે. હું અનુભવું છું કે હું પુર્ણપણે એક સુખી માનવી છું. પર્વત ખુંદતી વખતે મને એમ લાગે છે કે હું જીવંતતાથી ભરપુર જીંદગી જીવી રહ્યો છું. તેનાથી મારી જીંદગી હરી–ભરી બની જાય છે. ભલે તેમાં જોખમ રહેલું હોય પણ પર્વતારોહક તરીકે એ જોખમ સામે સાવચેત રહેવું સામાન્ય વાત છે. પરન્તુ જીંદગી જીવી લેવી તે જ એક સૌથી મોટું જોખમ નથી?”

કૃત્રીમ હાથોને જાદુઈ ચાલની જેમ રમાડતાં તે કહે છે કે તે એક દડાની રમતની નાની જાળી જેવા છે. હાથ–પગ ગુમાવ્યા પહેલાં તેને હાથચાલાકીના ખેલ ગમતા અને ત્યારે તેને ખબર ન હતી કે ફરીથી તેને જાદુના ખેલ જેમ આ હાથનો ઉપયોગ કરવો પડશે. કૃત્રીમ હાથ–પગનું કલેક્શન તેના જીવનમાં વણાઈ ગયેલું છે. તેના અભ્યાસ ખંડમાં તે તેના વીવીધ ખાનામાં કૃત્રીમ હાથ–પગ રાખે છે. તેમાં વધારાના પ્લાસ્ટીક પગ, તાર વાળવાના પક્ક્ડ સાથેના કૃત્રીમ હાથની જોડી, ગોલ્ફ ક્લબ પક્ડી રાખવાનું હોલ્ડર અને બીલ્યર્ડના દડાને ફટકારવાની એક ખાસ સ્ટીક પણ છે.

જેમી એન્ડ્રયુ ફક્ત પર્વતારોહક જ ન બની રહેતા પોતાના કૌશલ્યને ઉપયોગમાં લઈને તેણે સુપ માટેના ચમચાઓ અને છીબાઓની મદદ વડે ‘બાયોનીક બાઈક’ બનાવી. હાથ–પગ ગુમાવનારા અપંગ લોકો ચલાવી શકે તેવી સાઈકલ પણ તેણે 44 વર્ષની ઉમ્મરે બનાવી. હાથ–પગ વગરના વીકલાંગ માટે સાઈકલ ચલાવવી કેટલી પડકારભરી હતી તે જાણતો હતો; પણ નાની નાની તકલીફોને તો તે કદી ગણકારનારો ન હતો. આથી રસોડાના છરી–ચપ્પા–ચમચાના ખાનામાં ધાડ પાડીને ખાસ નવીન રીતથી તેના વડે રેસીંગ બાઈક બનાવી. બ્રેક મારવામાં ઉપયોગ કરી શકાય તેવી રીતે તેણે ત્રણ વપરાયેલા ચમચા ગોઠવ્યા. પેડલ પર કૃત્રીમ પગ બરાબર ચોટી રહે તે માટે છીબા પર મેગ્નેટનો ઉપયોગ કરી તેને પેડલ પર ગોઠવ્યા. બીજા વધારાના ભાગોને શ્રેષ્ઠ પ્રકારના ગુંદરથી ચીટકાવ્યા. તેની પત્નીએ તેને ચેતવ્યો કે વપરાયેલા કે પ્લાસ્ટીકના ચમચાને બદલે સારી ગુણવત્તાવાળા ચમચાનો ઉપયોગ કરવો વધુ હીતાવહ છે. તેણે પોતાના મગજનો ઉપયોગ કરી સરસ મજાની બાઈક બનાવી. પેરાલીમ્પીક્સના શુભારંભને પ્રોત્સાહન આપવા જેમીએ ઓલ્મીપીક સ્ટેડીયમમાં ચઢવાની મીકેનીકલ પદ્ધતીને બતાવા આ કૃત્રીમ હાથ–પગ હોવા છતાં દસ મીનીટમાં 160 ફુટ જાતે ચઢીને દોરડા ચઢવાની રીતનું પ્રદર્શન કર્યું.

જેમી એન્ડ્રયુએ સાબીત કરી આપ્યું કે સફળતાનો આધાર વીશ્વાસ પર નીર્ભર હોય છે. જે વ્યક્તી નકારાત્મક રીતે વીચારે છે, તે ક્યારેય પ્રભાવશાળી બની શકતો નથી. વ્યક્તીએ પોતાનું જોમ ક્યારેય ગુમાવવું ન જોઈએ. વ્યક્તી હીમ્મતપુર્વક આગળ વધે તો તે પોતાનું ભાગ્ય બદલી શકે છે. સફળતા મેળવવા માટે દૃષ્ટી, ઉત્સાહ, જુનુન અને વીશ્વાસની જરુર હોય છે. વીશ્વાસ કુકડા જેવો હોય છે જે પરોઢ થતાં પહેલાં અંધારામાં પ્રકાશનો અનુભવ કર્યા પછી તે તેની બાંગ પોકારે છે. સામાન્ય વ્યક્તી ભાગ્યમાં વીશ્વાસ રાખે છે, જ્યારે બુદ્ધીમાન લોકો પોતાનું ભાગ્ય લખવામાં વીશ્વાસ રાખે છે; કારણકે તે એવું માને છે કે તે ખુદ પોતે પોતાનો ભાગ્યવીધાતા છે. બીલ ગેટ્સ સહીત દુનીયાના દર વીસ ધનવાન લોકોમાંથી સાત લોકો એવા હોય છે જેમણે પોતાની શાળા કે કૉલેજનો અભ્યાસ પુરો કર્યો નથી હોતો. મહાન બનવા માટે વધુ રાહ જોવાની હોતી નથી; પણ ખુદ પોતાના પર વીશ્વાસ રાખવાનો હોય છે. પોતાની જાત પર ભરોંસો રાખનારનાં કદમોમાં એક દીવસ સફળતા ઝુકી પડે છે. ક્રીકેટનો મહાન ખેલાડી હમ્મેશાં લગન અને મહેનતથી પોતાની મેચ રમતો હોય છે. ક્યારેક તે ઝીરો પર આઉટ થઈ જાય છે પણ પછીથી તે રમવાનું નથી છોડી દેતો; પણ પછીની મેચ વધુ જોશ અને વીશ્વાસપુર્વક રમે છે. મનુષ્ય દ્વારા હીમ્મત, પરીશ્રમ અને વીશ્વાસથી કરેલું કાર્ય અવશ્ય સફળ થાય જ છે. આત્મવીશ્વાસથી પ્રયત્ન કરનારને માટે કોઈ પણ અવરોધ, તકલીફ કે પીડા તેની સફળતાને રોકી શકતાં નથી. કઠોર મહેનત કે વીશ્વાસ કોઈ સફળતાની ગેરંટી નથી દેતા પણ સફળ થવા માટેની શક્યતા 20 ટકા વધારી દે છે. ભાગ્ય પર ભરોસો રાખો પણ તેના પર આધારીત ન રહો; કારણકે મહેનત વગર ભાગ્ય કયારેય ચમકતું નથી. હજારો સલામ છે જેમી એન્ડ્રયુને જેણે પોતાના બાવડાના બળે ગગનચુંબી સાહસોના શીખરો સર કર્યા.

અપને હૌસલે કો યે મત બતાઓ કી
તુમ્હારી પરેશાની કીતની બડી હૈ
અપની પરેશાની કો યે બતાઓ કી
તુમ્હારા હૌસલા કીતના બડા હૈ.

ડૉ. જનકભાઈ શાહ અને ભારતીબહેન શાહ

‘ડીસેબલ્ડ’ નહીં પણ ‘સ્પેશ્યલી એબલ્ડ – ફીઝીકલી ચેલેન્જ્ડ’ માનવીઓના મનોબળની વીરકથાઓનો સંગ્રહ ‘અડગ મનના ગજબ માનવી’ ‘અભીવ્યક્તી’ બ્લૉગને ભેટ મોકલવા બદલ ડૉ. જનકભાઈ શાહ અને સુશ્રી. ભારતીબહેન શાહનો દીલથી આભાર..

‘અડગ મનના ગજબ માનવી’ પુસ્તકના (પ્રકાશક : માનવવીકાસ અને કલ્યાણ ટ્રસ્ટ, એમ–10, શ્રીનન્દનગર, વીભાગ–4, વેજલપુર, અમદાવાદ – 380 051 પ્રથમ આવૃત્તી : 2016 પૃષ્ઠ : 90 + 4, મુલ્ય : રુપીયા 120/– ઈ.મેલ : madanmohanvaishnav7@gmail.com )માંથી, લેખકદમ્પતીના અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : ડૉ. જનક શાહ અને સુશ્રી. ભારતી શાહ, 101, વાસુપુજ્ય–।।, સાધના હાઈ સ્કુલ સામે, પ્રીતમનગરના અખાડાની બાજુમાં, એલીસબ્રીજ, અમદાવાદ – 380 006 ફોન : (079) 2658 1534 સેલફોન : +91 94276 66406 ઈ.મેલ : janakbhai_1949@yahoo.com  વેબસાઈટ : http://janakbshah.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 01–08–2022

8 Comments

  1. હાથ–પગ ન હોવા છતાં ૧૪ હજાર ફુટથી ઉંચા શીખરની ટોચે પહોંચી, જગતને અચંબામાં મુકી દેનાર પર્વતારોહક જેમી એન્ડ્રયુની જવાંમર્દીની વાત માણી આનંદ
    લખ લખ સલામ

    Liked by 1 person

  2. હાથ–પગ ન હોવા છતાં ૧૪ હજાર ફુટથી ઉંચા શીખરની ટોચે પહોંચનાર પર્વતારોહક જેમી એન્ડ્રયુ જવાંમર્દ ને લાખ લાખ સાલમ.
    લેખ પણ ગણો પ્રેરણાદાયી રહ્યો.

    Liked by 1 person

    1. sain Bolt set the current 100m world record at the 2009 IAAF World Championships, clocking an astonishing 9.58 seconds for the feat.

      https://www.google.com/search?gs_ssp=eJzj4tTP1TdIzjXOMjRg9BIsLU7MzFNIys8pUShKTc4vSgEAi4cJyQ&q=usain+bolt+record&oq=hussain+bolt+&aqs=chrome.2.69i57j0i10i131i433j46i10i433j0i10j0i10i131i433l2j0i10j0i10i131i433j0i10l2.16843j0j7&sourceid=chrome&ie=UTF-8

      હાથ–પગ ન હોવા છતાં 14 હજાર ફુટથી ઉંચા શીખરની ટોચે પહોંચી ગયેલા જેમી એન્ડ્રયુ મેરાથોન દોડમાં બાર સેકન્ડમાં સો મીટર દોડવા ઈચ્છે છે તો તેના મનોબળને સલામ કરો….

      Like

  3. અપને હૌસલે કો યે મત બતાઓ કી
    તુમ્હારી પરેશાની કીતની બડી હૈ
    અપની પરેશાની કો યે બતાઓ કી
    તુમ્હારા હૌસલા કીતના બડા હૈ.
    This story circulating widely fir changing our attitude – awaiting for his film will inspire Millions.
    Many thanks to Dr Janak Shah & Bharti Bahen & to Govind Bhai to give such an inspiration story – re logging.

    Liked by 1 person

Leave a comment