શ્રી ચંદ્રકાંત બક્ષીની કટાર ‘સ્પીડબ્રેકર’ (ગુ.મીત્ર ૨૧-૦૨-૧૯૯૧) ના સંદર્ભમાં લખવાનું કે જે દેશોમાં વીજ્ઞાન અને ટેકનોલોજીનો વીકાસ થયો ન હોય, તે દેશની ભાષામાં વીજ્ઞાનના પારીભાષીક શબ્દો ન હોય તે સ્વાભાવીક છે. જાપાનમાં વીજ્ઞાન અને ટેકનોલોજીનો વીકાસ બહુ મોડો થયો એટલે જાપાને અંગ્રેજી શબ્દોને અપનાવી લીધા છે, એટલું જ નહી પણ તેમની લીપીમાં અંગ્રેજી શબ્દો લખવાનું પણ શક્ય નથી. એટલે તેમણે વીજ્ઞાનના અંગ્રેજી શબ્દોની જોડણી સુધ્ધાં સ્વીકારી લીધેલ છે તેમ તેમના પાઠ્યપુસ્તકો પરથી જણાશે.
ભારતમાં વીજ્ઞાનનો વીકાસ થયો નહી એ હકીકત છે એટલે ભારતની ભાષામાં વીજ્ઞાનના પારીભાષીક શબ્દો મળે નહી એ સ્વાભાવીક છે. એ શબ્દો માટે મારી મચડીને સંસ્કૃત શબ્દો યોજવાનો વ્યાયામ થાય છે ખરો, પણ તેથી અંગ્રેજી શબ્દોની સચોટતા છે તે આવી શકતી નથી. ‘સ્ટેશન’ માટે ‘અગ્નીરથવીરામ સ્થાન’ કે ‘ટીકીટ’ માટે ‘મુલ્યપત્રીકા’ જેવા ભદ્રંભદ્રીય શબ્દોના સ્થાને ‘સ્ટેશન’ અને ‘ટીકીટ’ શબ્દો વધુ પ્રચલીત થઇ શકશે. વીજ્ઞાનમાં રેડીએશન, એક્સ-રે, ટીસ્યુ સેલ જેવા શબ્દોને ગુજરાતીમાં આત્મસાત કરવા જોઇએ. આમ કરવાથી ગુજરાતી ભાષા સમ્રુદ્ધ થશે. પંદરમી સદીના વીજ્ઞાનની ભાષા ‘લેટીન’ હતી પણ પંદરમી સદી પછી યુરોપના દેશોએ આ ‘લેટીન’ શબ્દોને એવી રીતે આત્મસાત્ કર્યા કે આજે મુળ લેટીન શબ્દો ભુલાઇ ગયા છે.
સંસ્કૃત ભાષામાંથી વીજ્ઞાનના પારીભાષીક શબ્દો યોજવાનો વ્યાયામ કરવા કરતાં આપણી તળપદી ભાષામાં એવા શબ્દો મળી આવશે કે જેમાંથી વીજ્ઞાનના સચોટ શબ્દો મળી શકશે. મધ્યકાલીન યુગમાં ગુજરતમાં વહાણવટુ સારા પ્રમાણમાં વીકસીત થયું હતું અને વહાણવટાને લગતા શબ્દો આપણી તળપદી ભાષામાં પ્રચલીત હતા. સ્વ. ગુણવંત રાય આચાર્યે આ શબ્દોને તેમના સાહીત્યમાં જીવંત કર્યા છે.
ગુજરાત મીત્ર ૨૩-૦૩-૧૯૯૨
આર. કે. મહેતા સ્મૃતી – ગ્રન્થ પ્રુષ્ઠ: ૩૪