નવસારીમાં ‘સર્જન’ ના નેજા હેઠળ ચાલતા ચીલ્ડ્રન થીયેટરનો દ્વીતીય વાર્ષીક ઉત્સવ યોજાયો હતો. જેમાં (૧) છેલ્લી રમત, (૨) ચલો જીતવા જંગ અને (૩) જંગલ કેડીએ મીચ્યાં લોચન. આ ત્રણે એકાંકીઓમાં બાળ કલાકારોએ શીસ્ત, અપુર્વ ધીરજ અને ખુબ જ ઉત્સાહથી પોતાની ભુમીકાને સરસ રીતે ભજવી હતી. ત્યારે એક વાતની ખાતરી થઇ કે નાના બાળકોને યોગ્ય માર્ગદર્શન મળે તો બાળકો સુંદર અને સરસ કાર્ય કરી શકે છે તેની અનુભુતી થઇ. નવસારીને સંસ્કારી નગરી તરીકે નવાજવામાં આવે છે. પરંતુ આજે પશ્ચીમી આધુનીક વાતાવરણની બાળ માનસ ઉપર વીપરીત અસર થવાથી બાળકો ખોટા માર્ગે દોરવાઇ રહ્યા હોવા અંગેની વીગતો વર્તમાનપત્રો દ્વારા જાણવા મળે છે.
ત્યારે આ પશ્ચીમી આધુનીક વાતાવરણની બાળ માનસ ઉપર માઠી અસરથી બાળકોને દુર રાખવા માટે તેઓનામાં કલાનું સિંચન કરવા નવસારી ખાતે એક માત્ર સંસ્થા ‘સર્જન’ ના સર્જકો સર્વશ્રી પીયુષ ભટ્ટ, રૂમી બારીઆ તેમજ રોહીન્ટન બારીઆએ નીઃસ્વાર્થ ઉપાડેલ આ ભગીરથ કાર્ય દાદ માંગી લે છે. બાળ કલાકારોને તાલીમ આપવી ખુબ જ અઘરી છે. તેમ છતાં આ કાર્ય અંગેની તેઓની સુઝ અને જહેમત બદલ આ ત્રીપુટી ખરેખર ધન્યવાદને પાત્ર છે.
વધુમાં બાળ કલાકારોને વર્ષ દરમ્યાન તાલીમ આપવા અંગેની બાળકો પાસેથી કોઇ ફી લેવામાં આવતી નથી. બલ્કે વર્ષ દરમ્યાન શ્રી ભટ્ટ પોતાના જ મકાનમાં બાળકોને દરરોજ તાલીમ આપી કલાકારોનું સર્જન કરે છે. બાળકોમાં સંસ્કારના સીંચન માટેના આ ઉમદા કાર્યમાં થીયેટર વગરના આ ચીલ્ડ્રન થીયેટરને દાતાઓ દ્વારા દાનનો પ્રવાહ વહેવડાવી ‘સર્જન’ ના સર્જકોને સમર્થન આપવામાં આવશે તો જ આ દાનના પ્રવાહથી બે વર્ષના અંકુરરૂપી આ ‘સર્જન’ નો છોડ અવશ્ય વટવૃક્ષ બની રહેશે.
–ગોવીન્દ મારુ
‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૬/૦૪/૧૯૯૨ના રોજ પ્રકાશીત થયેલ આ ચર્ચાપત્ર …
grat and happy to you
LikeLike