ગુજરાત મીત્ર તા.૨૩-૦૧-૧૯૮૮માં આવેલ સરોજબેન પાઠકનો લેખ ‘નારી સમસ્યાઓ… વીચારે છે’ બદલ તેમને અભીનંદન. તેમણે મન મુકીને કશો ક્ષોભ રાખ્યા વીના નારી સમસ્યાઓનું જે નીરુપણ કરેલ છે તે ખરેખર મનનીય છે (પુરુષો માટે).
યત્ર યત્ર નાર્યઃ પુજ્યન્તે, તત્ર તત્ર રમન્તે દેવતાઃ એ સુત્ર સદીઓથી વીસારે પડ્યું છે. તેના સ્થાને મનુસ્મૃતીના કથનો, સુત્રો અને નીતીનીયમોનું જ પુરુષ સમાજ પાલન કરતો આવ્યો છે, અને સ્ત્રીઓને એ પ્રમાણે વર્તવાની ફરજ પાડતો આવ્યો છે, પછી તે ભલે શીક્ષીત કહેવાતો હોય.
જેમ શોષીતોને શોષકવર્ગથી મુક્તી મેળવવી હોય, તો તેને શોષક વર્ગની સામાજીક, આર્થીક અને રાજકીય વીચારસરણીને તીલાંજલી આપવી પડે છે, તેવી જ રીતે સ્ત્રીઓને ખરેખર સ્વાતંત્ર્ય જોઇતું હોય તો તેમણે પુરુષરચીત નીતીનીયમો કાયદાઓ ઇત્યાદીની માયાજાળને તજવી જ પડશે. પણ દુઃખની વાત એ છે કે હજારો વર્ષોથી સ્ત્રીઓને ગળથુથીમાં જ મનુરચીત વીચારસરણીનું એવું પાન કરવામાં આવ્યું છે કે સ્ત્રીઓએ જ આ વીચારસરણીને આત્મસાત કરેલ છે. પરીણામે મા દીકરીની, સાસુ વહુની દુશ્મન બને છે. એટલે કે ‘ સ્ત્રી’ સ્ત્રીની દુશ્મન બને છે. એટલે સ્ત્રી સ્વાતંત્ર્ય સેનાનીઓએ બે મોરચે સામાજીક આર્થીક, રાજકીય સ્તરે સંઘર્ષ કરવો પડશે.
જો તેમણે ખરી આઝાદી કે જેમાં તેમનું આગવું વ્યક્તીત્વ નીખારવું હોય, તો, તેમણે સમાજવાદી રચના માટે પણ એટલી જ ધગશથી કાર્ય કરવું પડશે. સોવીયેત રશીયા, ચીન અને અન્ય સમાજવાદી દેશોની સ્ત્રીઓની સ્થીતીમાં ગુણાત્મક પરીવર્તન આવ્યું છે એ એક હકીકત છે.
ગુજરાત મીત્ર ૫-૦૨-૧૯૮૯
આર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રુષ્ઠ: ૧૨૬