શ્રી વીકાસ ઉપાધ્યાય તેમના લેખ ‘કહેવાતી જ્યોતીષ વીદ્યા’ માં કહેવાતી જ્યોતીષ વીદ્યાની ઘણી ક્ષતીઓ તરફ અંગુલી નીર્દેશ કરેલ છે, પણ સાથે સાથે જયોતીષ વીદ્યામાં સાચા જ્યોતીષીઓ આ વીદ્યામાં વૈજ્ઞાનીક ઢબે સંશોધન કરે, એવો મીથ્યા આશાવાદ પણ સેવ્યો છે. વૈજ્ઞાનીક ઢબે જ્યોતીષનું સંશોધન શક્ય છે? જ્યાં જ્યોતીષનો પાયો તદ્દન અવૈજ્ઞાનીક-કાલ્પનીક અને બીનપાયેદાર છે ત્યાં તેનુ વૈજ્ઞાનીક સંશોધન, વૈજ્ઞાનીક ઢબે થાય એ જ મીથ્યા આશાવાદ છે.
ગ્રહોની ગતીવીધી પરથી વ્યક્તીનું કે જાતકનું ભાવી તેના જન્મ સમયે જે ગ્રહોની ગોઠવણી હોય તે નક્કી કરે છે અને જેના ભાગ્યમાં તે જ થશે-એ છે જ્યોતીષનો મુળભુત પાયો. જો તેમજ હોય તો મહારાષ્ટ્રના ભુકંપમાં એક જ સમયે માત્ર દસ સેકંડમાં ૩૦,૦૦૦ જાતકોનું મૃત્યું થયું, તે બધાના ગ્રહો એ જ સમયે શું વાંકા હતા? જ્યોતીષનો પ્રારંભ થયો ત્યારથી આવી ગોઝારી ઘટનાઓ અસંખ્ય થઇ ગઇ-અને છતાં જ્યોતીષે તેની કલ્પીત થીયરીને તજવાની કોઇ વૈજ્ઞાનીક જીજ્ઞાસા આજ સુધી દર્શાવી નથી. માહારાષ્ટ્રના ભુકંપે જ્યોતીષની થીયરીનો સમુળગો છેદ ઉડાડી નાખેલો છે. વીજ્ઞાન વાસ્તવીકતાને અગ્રસ્થાન આપે છે. એટલે જે વીદ્યા વાસ્તવીકતાને સ્વીકારતી નથી તે વીદ્યાનું વૈજ્ઞાનીક ઢબે સંશોધન શક્ય નથી. બાકી રહ્યું જ્યોતીષનું ગણીત. જે ખોગળ વીજ્ઞાન પર આધારીત છે. તેમાં સંષોધન કરવાની કોઇ આવશ્યકતા છે જ નહીં. કારણ કે જ્યોતીષનું ગણીત આર્યભટ્ટના જમાનાથી જરાપણ આગળ વધ્યું જ નથી. બલ્કે તેમાં ઘણી ભુલો હતી જે રાજા જયસીંહે જયપુર અને અન્ય સ્થળોએ વેધશાળાઓ સ્થાપી, અને નવેસરથી અવલોકનો કરી નવા પંચાગો બનાવ્યા, અને છતાં આધુનીક ખોગોળ વીજ્ઞાનની સરખામણીમાં એકડે એક ઘુંટવા સમાન છે. આ સંદર્ભમાં જ્યોતીષીઓએ તેમના ટીપણાઓની હોળી કરવાનો સમય પાકી ગયો છે. શ્રી રજનીકુમાર પંડ્યાએ જેની પ્રશસ્તી કરી છે તેવા શ્રી નીતીન ત્રીવેદી અને શ્રી અજય દવે આ દીશામાં પહેલ કરશે?
શ્રી રજનીકુમાર પંડયાને ‘કોસ્મીક યોજના’ ના વારંવાર દર્શન થાય છે. શું મહારાષ્ટ્રના ભુકંપની પાછળ કોઇ પુર્વ યોજીત ‘કોસ્મીક યોજના’ હતી? ‘કોસ્મીક યોજના’ પીશાચી હોય ખરી?
`આપણો સુર્ય આપણી પ્રુથ્વીથી ૧૩ લાખ ગણો મોટો છે. આપણો સુર્ય એક તારો જ છે. આપણા વીશ્વમાં સુર્ય જેવા અબજ*અબજ*૧૦૦૦૦ તારાઓ છે. આ છે ‘કોસ્મોસ’.અર્થાત્ કોસ્મોસના પ્રમાણમાં આપણી પૃથ્વી એક રજકણ છે. મહારાષ્ટ્રનો ઓસ્માનાબાદ જીલ્લો આ રજકણની રજકણ છે. આ ‘કોસ્મસ’ ના સમયના પ્રમાણમા માનવીનું આયુષ્ય એક આંખનો પલકાર છે. આવા અગાધ અને અનંત ‘કોસ્મસ’ મહારાષ્ટ્રના કોઇ ખુણામાં આવેલ ઓસ્માનાબાદ જીલ્લાની કીલ્લારી અને આસપાસના ગામોમાં ૧૯૯૩ના સપ્ટેમ્બર માસની ત્રીસમી તારીખે સવારના ૪ કલાકે ભુકંપ થાય તેવી કોઇ પુર્વ યોજના કરે એમ માનવું જ હાસ્યાસ્પદ છે. આવી માન્યતાના મુળમાં આંખના પલકારા જેટલું આયુષ્ય ધરાવતા માનવીની કલ્પના છે કે ‘કોસ્મસ’ ની પાછળ કોઇ ‘સુપુર કોન્સીયસનેસ’ (Super Consciousness) કામ કરી રહી છે, જે કુદરતની દરેકે દરેક ઘટનાનું સંચાલન કરે છે.
જેમ જ્યોતીષીઓ ગ્રહો પર માનવીય ગુણોનુ આરોપણ કરે છે અને શત્રુ છે, મીત્ર છે, શુભ છે-અશુભ છે. ઇત્યાદી કહી લોકોને ઉંઠા ભણાવે છે, તેવી જ રીતે આધ્યાત્મવાદીઓ ‘કોસ્મસ’ને પોતાની જેવી ‘Consciousness’ નું આરોપણ કરે છે. આ એક કલ્પના છે જેનો કોઇ પ્રાયોગીક પુરાવો સાંપડેલ નથી, અર્થાત્ આવી કલ્પના અવૈજ્ઞાનીક છે.
કોસ્મોસ યાને કુદરત એના નીયમ પ્રમાણે વર્તે છે. મહારાષ્ટ્રનો ભુકંપ પણ કોઇ કુદરતના નીયમ પ્રમાણે થયો છે વીજ્ઞાનીઓ ભુકંપના વીજ્ઞાનને હસ્તગત કરવાના સધન પ્રયાસો કરે છે, અને જ્યારે તેમને ભુકંપનું વીજ્ઞાન સંપુર્ણપણે લાધશે, ત્યારે તો ભુકંપની આગોતરી જાણ કરી સંભવીત ભુકંપના વીસ્તારના લોકોને અન્ય સ્થળે ભાગી જવાની આગોતરી સુચના આપી શકશે. આમ વીજ્ઞાન કહેવાતી ‘કોસ્મીક યોજના’ ને નીષ્ફળ બનાવશે. તેમજ કહેવાતા વીધીના લેખ પર મેખ મારશે.
ગુજરાતમીત્ર ૭-૧૧-૧૯૯૩
આર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રુષ્ઠ: ૧૭૩
આધુનીક વીજ્ઞાન હોલોગ્રાફીક થીયરી કે સ્ટ્રીંગ થીયરી વડે પુરવાર કરે છે કે બ્રહ્માંડની દરેક વસ્તુઅ એક્બીજા સાથે કુલ 11 પરીમાણોથી જોડાયેલી છે. આપણે માત્ર 3 જાણીએ છીએ અને 1 અનુભવીએ છીએ. જ્યોતીષને સાવ નકારી પણ ના શકાય. એમાં જે છે એનો વ્યવસ્થીત અભ્યાસ કરીને એને સુધારી શકાય.
LikeLike
મને સ્વામી વિવેકાનંદની વાત ટાંકવાનું મન થાય છે…
‘તમે જ્યોતિષ અને બીજી ગુહ્યવાતો ઘણુંખરું નબળા મનમાં જોઈ શકશોઃ એટલે આ બધી વાતો આપણા મનમાં દ્રઢ થવા જાય કે તરત ડૉકટરને મળવું, પૉષ્ટીક આહાર લેવો અને આરામ કરવો’
LikeLike
વિજ્ઞાનની વાત આવી એટલે લખવાની ઇચ્છા થઈ. ચિરાગ પટેલના જણાવ્યા મુજબ બ્રહ્માંડની પ્રત્યેક વસ્તુ એકબીજા સાથે ૧૧ પરીમાણોથી જોડાયેલી છે જેમાંથી એકને અનુભવીએ છીએ – ગુરુત્વાકર્ષણ. અને આ પરીબળને જ ધ્યાનમાં લઈએ તો – લ્યુનેટીક માણસો પુનમની આસપાસના દિવસોમાં વધારે અસ્થિર બને છે, કેમ ? લેખકશ્રી આ ઘટનાને કઈ રીતે સમજાવશે ? આપણી સામાન્ય માણસોની સમજ છે કે પુનમના દિવસોમાં ચંન્દ્ર પૃથ્વીની વધુ નજીક હોય છે અને આ અંતર જો દરિયાના પાણીને પણ પોતાની તરફ ખેંચીને ભરતી લાવી શકતું હોય તો માનવ શરીર તો પ્રવાહીથી ભર્યું પડ્યું છે આ પ્રવાહી પર ચંન્દ્રના ગુરુત્વાકર્ષણની અસર ન થાય ? માનવીનું મગજ પણ પ્રવાહીમાં તરતું છે તો તેના પર પ્રેસર ન આવે ? અરે ! વધારે સુક્ષ્મતાથી વિચારીએ તો માનવીના દરેક કોષ (cell)માં પણ પ્રવાહી છે તેના પર અસર ન થાય ? આવી અસરોનો અભ્યાસ કરીને જ્યોતીષશાસ્ત્ર રચાયું હોય તેવું ન બની શકે ? આજે સુંઠના ગાંગડે ગાંધી થનારા મહારાજોના કારણે જ્યોતીષશાસ્ત્રની અવગતી થઈ હોય એવી પુરેપુરી શક્યતા છે. માનવીના અળવીતરા સ્વભાવને કારણે પૃથ્વીના પેટાળમાં ઘણા ફેરફારો થયા છે (ગેસ અને તેલના કુવાઓએ પૃથ્વીના પેટાળમાં પોલાણો ઉભા કર્યા છે, જેનાથી પૃથ્વીના દળ (mass)માં ફેરફારો થયા અને ગુરુત્વાકર્ષણમાં પણ ફેરફારો થયા હશે. આથી નવેસરથી અભ્યાસ થવો જરુરી છે એ વાત સાથે સંમત, પણ જ્યોતીષશાસ્ત્ર ખોટું છે એવું તારણ ખોટું. ખરેખર તો બાળક જ્યારથી કન્સીવ થાય ત્યારથી સેલ ડીવીજન પર ગુરુત્વાકર્ષણની અસર થાય આથી જન્મસમયના બદલે કન્સીવ થયાના સમયને આધારે આ શાસ્ત્ર રચાવું જોઈએ. માફ કરજો લખાણ લંબાઈ ગયું………
LikeLike
‘ગુજરાતમિત્ર’માંનો આ લેખ ‘જ્યોતીષનો પાયો જ અવૈજ્ઞાનીક છે’ વાંચીને આનંદ સહિત આશ્ચર્ય થયું…!
લેખમાંની વાસ્તવિકતાને ધ્યાનમાં લેતા હજી પણ ‘ગુજરાતમિત્ર’માં અવારનવાર રાશિફળ, જ્યોતિષ વિધાની તરફેણ કરતા લેખો ધંધાર્થે પ્રસિદ્ધ કરે છે. તો ‘ગુજરાતમિત્ર’એ હલકા મગજના વાચકોને ગુમરાહ કરવાનું બંધ કરવું જોઇએ.
LikeLiked by 1 person