હમણાં જ ‘Torstar Books-New York’ ‘ દ્વારા પ્રકાશીત પુસ્તક ‘The Brain’ હાથમાં આવ્યું. આ ૧૬૦ પાનાનાં પુસ્તકમાં મગજના નીષ્ણાતોને અમેરીકન પ્રજા સમજી શકે તેવી રીતે અને તેવી અદ્યતનમાં અદ્યતન માહીતી સુંદર રીતે અપાઇ છે. એવી જ રીતે, હૃદય-આંખ ઇત્યાદી વીષયઓ પર પણ પુસ્તકો બહાર પડેલ છે.
આપણે ત્યાં વીજ્ઞાનના દરેક ક્ષેત્રમાં નીષ્ણાતો છે અને તેઓ ધારે તો ગુજરાતની પ્રજાને વીજ્ઞાનને સરળ ભાષામાં સમજાવી શકે તેમ છે, પણ સવાલ એ છે કે આ નીષ્ણાતોને આવી પ્રવૃત્તી માટે સમય હોતો નથી. જો સમય હોય તો લખવાની ફાવટ હોતી નથી. સમય અને ફાવટ બન્ને હોય તો વીજ્ઞાનના પુસ્તકોના પ્રકાશકો મળતા નથી. પ્રકાશકોને વીજ્ઞાનના પ્રકાશનમાં ખોટનો ધંધો હોય તેમ લાગે છે. ગુજરાતી સાહીત્ય પરીષદ, નવલકથા અને કાવ્ય સીવાય વીજ્ઞાનલેખનને સાહીત્ય ગણતી નથી.
જર્મન સાહીત્યમાં સુગમ અને સરળ ભાષામાં વીજ્ઞાનનું સાહીત્ય વીપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હતું. આલ્બર્ટ આઇન્સ્ટાઇન તેની કીશોરવસ્થામાં આ સાહીત્યનું વાંચન અને મનન કર્યું અને તેની ‘થીયરી ઓફ રીલેટીવીટી’ કીશોરાવસ્થામાં જ તેના મનમાં રમતી થઇ. તે ૧૬ વર્ષની વયે વીચારતો, ‘ જો હું પ્રકાશની ગતીએ વીચારુ તો, જગત કેવું ભાસે ! ‘ પણ જો જર્મન ભાષામાં વીજ્ઞાનનું સાહીત્ય જ ન હોત તો ?
આપણે દક્ષીણભાષીઓ કરતાં વીજ્ઞાન અને ટેકનોલોજીમાં પાછળ છીએ કારણ કે ગુજરાતી સમાજના મુલ્યો ધનલક્ષી છે, જ્ઞાનલક્ષી નથી. એ બદલવાની હવે આવશ્યકતા છે- કોણ બદલ્શે ? વીજ્ઞાનના પ્રકાશનને ઘેરતું ઉપરોક્ત વીષચક્ર કોણ ભેદશે ? વીષચક્રને ભેદવા પહેલ તો કરવી પડશે.
ગુજરાત મીત્ર ૦૧-૧૨-૧૯૮૯
આર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રુષ્ઠ: ૬૪