ગ્રામ વીકાસ અને આરોગ્ય સંભાળની સુવાસ

૧૯૯૪ થી આરોગ્ય સેવાની સાથે ગ્રામીણ વીકાસના કાર્યો માટે સમર્પીત ‘ગ્રામ સેવા ટ્રસ્ટ’ ને ૧૩ વર્ષ પુરા થયા છે. આ વીતેલા વર્ષોમાં ખારેલ ખાતે ૫૦ પથારીની સુવીધા ધરાવતી હોસ્પીટલમાં જનરલ મેડીસીન, સર્જરી, પ્રસુતી, સ્ત્રીરોગો, બાળરોગો, નેત્રરોગો, દાંતના રોગો, કાન-નાક-ગળાના રોગો, ચર્મરોગો, ઓર્થોપેડીક, માનસીક રોગોની સારવાર ઉપલબ્ધ છે. સીકલસેલ/થેલેસેમીયા માટે ઇલેક્ટ્રોફોરેસીસ મશીન, થાઇરોઇડ હોરમોન વીગેરેની સ્પેશ્યલ તપાસ માટે મશીન તથા બ્લડ કેમેસ્ટ્રીની તપાસ માટે સંપુર્ણ ઓટોમેટીક બાયોકેમેસ્ટ્રી એનાલાઇઝર વસાવવામાં આવ્યું છે. અદ્યતન એરકન્ડીશન લેબોરેટરી, એક્ષ-રે, સોનોગ્રાફી, ફેઝીયોથેરાપી, આંખના નંબર કાઢવા માટે ઓટો રીફેક્ટોમીટર, બાળ વીભાગ માટે નીઓનેટલ રીસસીટેશન ટ્રોલી, ૨૪ કલાક એમ્બ્યુલન્સની સુવીધા, અન્નપુર્ણા ભોજનાલય તેમજ રાહત દરે દવા માટે મેડીકલ સ્ટોરની વ્યવસ્થા પણ છે. હોસ્પીટલમાં મફત સગર્ભા તપાસ, સરકારની ચીરંજીવી યોજના દ્વારા મફત ડીલીવરી કરવામાં આવે છે.

પુર્વના ડાંગ જીલ્લા તથા વાંસદા વીભાગના ૩૦૦ ગામોના ગરીબ અને આદીવાસીઓને સ્વચ્છતા, ગુણવત્તા તથા રેશનલ સારવાર આપવામાં આવે છે. તબીબી સેવા રાહત દરે અને આર્થીક સ્થીતી ખુબ જ વીષમ હોય તેવા ગરીબને ની:શુલ્ક સારવાર પણ આપવામાં આવેછે.

મહાત્મા ગાંધીની વીચારસરણી અને સંસ્થાના અનુભવો વડે સમાજના વીકાસમાં મહીલાઓ વધુ રચનાત્મક રીતે જોડાય, એ દીશામાં પ્રયાસ થઇ રહ્યા છે. વીવીધ તાલીમો તથા પ્રવૃત્તીઓ દ્વારા બાળ આરોગ્ય, આરોગ્ય તથા શાળેય શીક્ષણ માટે જાગૃતી, આર્થીક સ્વનીર્ભરતા, સામાજીક દુષણો વીગેરે માટે મહીલાઓની ક્ષમતા વધારવામાં આવે છે. આ તાલીમોથી બેનોને વીવીધ વીકાસની પ્રવૃત્તીઓમાં અગ્રતા (Leadership) લેવાના ઉદાહરણો પણ સાંપડ્યા છે.

ગ્રામ્ય વીસ્તારમાં તબીબી સેવા માટે ડૉ. અશ્વીનભાઇ શાહ તથા ડૉ. હર્ષાબેન શાહ (તબીબી દંપતી અને ટ્ર્સ્ટીઓ) ને “અશોક ગોંધીયા” એવોર્ડથી સન્માનીત કરાયા છે. આમ, આ સંસ્થાએ વંચીતો, ગરીબો તથા આદીવાસીઓના સર્વાંગી વીકાસની જ્યોત પ્રજ્જવલીત કરીને એક મશાલના સ્વરૂપમાં સેવાના કાર્યોના ઝળહળતા તેજ લીસોટા સમગ્ર પંથકમાં પ્રસાર્યા છે.

સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલ કેઇસ સ્ટડીઓ પૈકીની બે કેઇસ સ્ટડીઓ સને ૨૦૦૭-૦૮ના વાર્ષીક અહેવાલમાંથી તેઓના સૌજન્યથી નીચે મુજબ ટપકાવ્યા છે:

વાસ્તવીકતા/મજબુરી:

રહેજ ગામ ગણદેવી (તાલુકા મથક)ની ઘણું નજીક છે. આ ગામની નજીક સરકારી તથા ચેરીટેબલ આરોગ્ય કેન્દ્રો આવેલ છે, છતાં રાધાબેન એની છઠ્ઠી સુવાવડમાં પણ તબીબી સારવાર કે તપાસ કરાવી ન હતી. ‘ગ્રામ સેવા ટ્રસ્ટ’ ની હોસ્પીટલના ગ્રામ્ય ફીલ્ડ આરોગ્ય કાર્યકરે વારંવાર પુર્વ પ્રસુતી તપાસ માટે તેણીને સમજાવી હતી પરંતુ એનુ કોઇ પરીણામ આવ્યું નહોતું.

રાધાબેનને સુવાવડ વખતે હોસ્પીટલમાં લાવવા માટે ગ્રામ્ય કાર્યકરની સમજાવટ સફળ નીવડી. તેણીએ ૨.૨ કીલોની બાળકીને જન્મ આપ્યો. બાળક નબળું હોવાથી હોસ્પીટલમાં નવજાત શીશુને ધનીષ્ઠ સારવારમાં રાખવાની તબીબી સલાહ આપવામાં આવી. પરંતુ રાધાબેન બાળકીને હોસ્પીટલમાં રાખવા તૈયાર ન હતી. અને કોઇને જણાવ્યા વીના હોસ્પીટલમાંથી ભાગી ગઇ.

ઘરે નવજાત બાળકી પર પુરતું ધ્યાન આપી શકાયું નહીં કારણકે રાધાબેનને ઘર તથા તેના છ બાળકોનું ધ્યાન રાખવાનું હતું, સાથે જ તેણી પોતાના જીવનનીર્વાહ માટે દાતણ વેચતી હતી. બાળકી નબળી થતી જતી હતી. એનું વજન વધતું ન હતું. સંસ્થાએ તેણીને ઘરે જ આવક થાય તે માટે ઘોડીયાઘરના કાર્યકરની નોકરી આપવાની તૈયારી બતાવી. રાધાબેને તથા એના પતીને આ બાળક જોઇતું ન હોવાથી આ બીન જરુરી બાળક (Unwanted Child) ની કાળજી તેણીની મોટી બેનને બાળકીને રાખવી પડે છે. બાળકનો વીકાસ રુંધાયો છે અને આજે ૦૯ મહીને બાળકનું વજન ફક્ત ૩.૪ કીલોગ્રામ જ છે.

ગરીબાઇની મજબુરી તથા અજ્ઞાન માબાપના આવા વલણને કેટલાયે નવજાત શીશુ અસ્વીકૃત થતા હોય છે, જેનાથી બાળકને સહન કરવું પડે છે. આ છે વાસ્તવીકતા…….

માહીતીથી નવજાગૃતી:

સામાન્ય રીતે ગામોમાં બેનોની સગર્ભાવસ્થા અને પ્રસુતીને બેનોની જ જવાબદારી ગણવામાં આવે છે. સગર્ભાબેનના પતી એની સાથે તપાસ માટે મોટે ભાગે હોસ્પીટલમાં જતા નથી. આ જવાબદારી ઘરનો મહીલાવર્ગ લેતો હોય છે. આથી પુરુષવર્ગ બેનોની સુવાવડ દરમ્યાનની મુશ્કેલીઓ વીષે ઓછા માહીતગાર રહે છે. પ્રસુતીની જવાબદારી સંપુર્ણ બેનોની છે એમ માને છે.

આ માટે સંસ્થા દ્વારા નવદંપતીઓ માટે કાર્યશાળા રાખવામાં આવી હતી. તેમાં ૩૮ નવદંપતીઓને સલામત માતૃત્વ, શરીર રચના તથા પ્રજજન વીષે માહીતી, સુખી દાંપત્યજીવનની ચાવી, લીંગભેદ વીગેરે માટે ચર્ચા તથા રમતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યા હતા.

આ કાર્યશાળા પછી લલીતાબેન સગર્ભા થયા. કાંતીભાઇને સુવાવડ દરમ્યાનની કાળજીનું મહત્વ સમજાયું હતું. આથી કાંતીભાઇ સગર્ભાવસ્થા દરમ્યાન દરેક તપાસ વખતે લલીતાબેન સાથે હોસ્પીટલમાં ગયા હતા. સુવાવડ વખતે પણ કાંતીભાઇ હાજર રહ્યા હતા. પ્રસુતી માટે સીઝેરીયન ઓપરેશન કરવું પડ્યું હતું. કાંતીભાઇની હાજરી લલીતાબેનને તથા તબીબોને ખુબ મદદરુપ થઇ હતી.

આ કાર્યશાળામાં મળેલ માહીતીને લીધે આવેલ જાગૃતી દરેક દંપતી માટે ઉપયોગી છે, જો દરેક દંપતી અનુસરે તો….

સદીઓથી બહુજન સમાજના મનમાં ઘર કરી ગયેલી ખોટી માન્યતાઓ તેમજ અંધશ્રધ્ધાઓના અંધારીયા કુવામાંથી બહાર કાઢવાના ‘ગ્રામ સેવા ટ્રસ્ટ’ દ્વારા યોજાતા આ ભગીરથ કાર્યમાં નવસારીની વીજ્ઞાન મંચના સ્થાપક મંત્રી અને આ બ્લોગર તેમજ સાથીમીત્ર શ્રી ધર્મેશ કાપડીયા પણ સહભાગી થયા હોવાનુ વીજ્ઞાન મંચને ગૌરવ છે.

આ હોસ્પીટલ ફક્ત દાન પર જ નીર્ભર હોવાથી દીલાવર દાતાઓને આર્થીક માદદ કરવા ખાસ સુચન છે. સંસ્થાને પ્રાપ્ત થતા દાન ૮૦-જી(૫) હેઠળ કરમુક્ત છે. વધુ વીગત માટે સંસ્થાની વેબસાઇટ www.gramseva.org ની મુલાકાત ઉપયોગી થશે.

સંપર્ક:

ડૉ. અશ્વીનભાઇ શાહ, મેનેજીંગ ટ્ર્સ્ટી

ગ્રામ સેવા ટ્રસ્ટ, રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૦૮, ખારેલ.

તા. ગણદેવી. જી. નવસારી-૩૯૬૪૩૦

ગુજરાત રાજ્ય, ભારત દેશ

ફોન: (૦૨૬૩૪) ૨૪૬૨૪૮, ૨૪૬૩૬૨ ફેક્સ: ૨૪૬૫૪૩

E-mail: gstkharel@yahoo.com, gram_seva@yahoo.com

Website: www.gramseva.org

ગોવીન્દ મારુ


5 Comments

  1. ગ્રામ સેવા ટ્રસ્ટને હ્રદયપુર્વક અભીનંદન

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s