આર. કે. મહેતા – અમારા અજોડ ચર્ચાપુરુષ

raman-pathak1

પ્રા. રમણ પાઠક

‘વાચસ્પતી’

 

       શ્રી રમણીકભાઇ મહેતા આર. કે. મહેતા તરીકે એક Shooting Star જેમ, અરે ધુમકેતુની જેમ, અમારી દક્ષીણ ગુજરાતની વૈચારીક આલમમાં પ્રવેશ્યા અને વળી એમ જ એકાએક અર્દશ્ય થઇ ગયા. 521એથી અમને તો ગંભીર, ન પુરાય એવી ખોટ પડી જ. દક્ષીણ ગુજરાતે એક સમર્થ પ્રગતીશીલ વૈજ્ઞાનીક વીચારક ગુમાવ્યો. વીજ્ઞાનના પ્રકાંડ જ્ઞાતા હોવું અને સાથે સાથે સંપુર્ણ વૈજ્ઞાનીક અભીગમ સેવવો ને પાળવો એવું સુભગ સંયોજન વીરલ હોય છે. રમણીકભાઇનું જીવન તથા ચીંતન આવા સજાગ સંયોજનમાંથી ઘડાયેલું હતું. માટે જ તે એટલું સમાજોપયોગી પણ હતું.

       ‘ગુજરાતમીત્ર’ માં શ્રી આર. કે. મહેતાના ચર્ચાપત્રો પ્રગટ થવા લાગ્યાં અને તત્કાળ તેઓએ સર્વ જાગ્રત શહેરીજનો-વાચકોનું ધ્યાન આકર્ષ્યું. કારણ કે એ નક્કર સત્યજ્ઞાનથી ઘટ્ટ હતાં, પ્રગતીશીલ, ક્રાંતીકારી વીચારધારાવાળા હતા અને સાથે સાથે જ એમાંથી મીશનરી ધગશ-જીવનકાર્યના ઉત્સાહનો રંગ પ્રગટતો હતો. લેખો લખવા કે ચર્ચાપત્રો પ્રગટાવવા- એ કાંઇ  આર. કે. મહેતા સાહેબ માટે કોઇ શોખ કે કીર્તીક્ષુધા, પ્રસીદ્ધી મોહ નહોતાં, એ તો એમનું જીવનકાર્ય હતું, મીશન-જીવનધ્યેય હતું, જેને માટે તેઓએ અંગત જીવનની ઘણી પ્રાપ્તીઓનો ભોગ આપ્યો હતો. તેઓ માનતા કે સંપુર્ણ વૈજ્ઞાનીક જીવનાભીગમવાળી માર્કસવાદી-સમાજવાદી જીવનવ્યવસ્થા સ્થાપીત થાય, તો માનવ જીવન સુખી, શાંત અને સમૃદ્ધ બને. રશીયાની સામ્યવાદી વ્યવસ્થા તુટી પડ્યા પછી પણ, શ્રી આર. કે. મહેતા ની માર્કસવાદમાંની શ્રદ્ધા ડગી નહોતી, કારણકે મુડીવાદ ખાનગીકરણ તથા માર્કેટ ઇકોનોમી આદી વ્યવસ્થાઓનાં ભયંકર જોખમોથી તેઓ પુરા જ્ઞાત હતા; અને તેઓ સદાય સાચા જ છે: ગરીબ, પછાત, વસતીથી ખદબદતા દેશોમાં ‘લેઝ ફેર’ નીતીથી કે વ્યવસ્થાથી નીચલા વર્ગોને સોસવાનું અને શોષાવાનું જ આવે. સોવીયેત સંઘના પતન પછી પણ, માર્કસવાદનું મહત્વ સમજાવતાં ઘણા લેખો ચર્ચાપત્રો તેઓએ લખેલાં.

       ‘ગુજરાતમીત્ર’ ની આંતરીક વાત કરું તો, તંત્રીવીભાગમાં  શ્રી આર. કે. મહેતાના ચર્ચાપત્રો ખુબ આદરણીય તથા મુલ્યવાન ગણાતાં. ગુજરાતી વર્તમાનપત્રોમાં બેત્રણ જ દૈનીકો એવાં છે, જે ચર્ચાપત્ર વીભાગને આટલું સજાગ તથા સભાન મહત્વ આપે છે, જેમાનું એક તે ‘ગુજરાતમીત્ર’ તંત્રીવીભાગ તથા વ્યવસ્થાવીભાગના એક સીનીયર-મોસ્ટ અને પીઢ સભ્યશ્રી ચંદ્રકાંત પુરોહીત જાતે જ ચર્ચાપત્ર વીભાગ સંભાળે, બધાં જ ચર્ચાપત્રો વાંચી જાય અને પોતે જ સુધારા વધારા વીચારે, કરે-કરાવે. તેઓએ મને એક વાર કહેલું કે,  ‘આર. કે. મહેતાના ચર્ચાપત્રો બહુ જ સરસ પરફેક્ટ આવે છે, હું એમાં કદી સુધારા કે કાપકુપ કરતો નથી. માણસ વીદ્વાન લાગે છે.’ જવાબમાં મેં ખ્યું કે, ‘મારા મૃત્યુબાદ જો “રમણભ્રમણ” કોલમ તમારે ચાલુ રાખવું હશે, તો હું ભલામણ કરું કે, એ શ્રી આર. કે. મહેતાને સોંપજો ! યોગનુયોગએ અમારાં નામ પણ મળતાં આવે છે. પરંતુ હું રહ્યો, ‘રમણભ્રમણ’ પણ ચાલે છે, જ્યારે મહેતાસાહેબ જ ઉપડી ગયા(તા.૧૩મી ડીસેમ્બર,૧૯૯૩ ના રોજ દેહવીલય); એય કેવી કરુણ વીધીવક્રતા ! છેલ્લા વીસ વર્ષથી (આજની તારીખે ૩૫ વર્ષથી) ‘ગુજરાતમીત્ર’ માં હું ‘રમણભ્રમણ’ નામની કોલમ લખું છું, જેના વીચારો પણ એકંદરે શ્રી મહેતાના વીચારોને જ મળતા છે: સમાજવાદ તરફી, ગરીબો પ્રત્યેની હમદર્દીવાળા, રેશનાલીઝમના પ્રચારક અને તદ્દનુસાર જીવનની પ્રત્યેક સમસ્યાને જોનારા-મુલવનારા એવા માનવતાવાદી.

       વાસ્તવમાં, અમારો પ્રત્યક્ષ પરીચય થાય, એ અગાઉ વર્ષો સુધી ‘રમણભ્રમણ’ તથા સમાન વીચારની ભુમીકા પર જ મીત્રો બની રહ્યા. મહેતાસાહેબ ભારે જાગ્રત પુરુષ, મારા લખાણમાં ક્યાંક પણ વીચારદોષ લાગે કે લાંબો પત્ર આવ્યો જ છે. એમાં પછે કશી ખોટી શેહશરમ કે બાંધછોડની વાત નહીં. ઉપરાંત પણ તેઓ લાંબા-લાંબા પત્રો પાઠવી મને માર્ગદર્શન આપે, એમ એઓ વીજ્ઞાન તથા વૈજ્ઞાનીક માર્કસવાદ પરત્વે મારા ગુરુ. મે તેમના પત્રોનો આધાર લઇ, ઘણા લેખો લખ્યા હશે. નમ્રતાપુર્વક કહું કે, કેટલીક બાબતો પરત્વે હું પણ તેઓને જાણકારી અર્પણ કરતો, કારણ કે આપણાં શાસ્ત્રો તથા પ્રાચીન ભારતીય સંસ્કૃતી-ફીલસુફી વીશેનો તેમનો અભ્યાસ પ્રમાણમાં ઓછો, વળી ભારતવીષયક રશીયન પુસ્તકોને આધારે તેઓ પ્રાચીન ભારતીય સીદ્ધીઓને મુલવે. દા.ત. એક વાર મેં તેઓને કહ્યું કે, ‘પંચાંગ રચવા બાબતે આપણા પુર્વજો કદાચ ત્યારે વીશ્વભરમાં સૌથી વધુ જાણકાર હતા…. ગ્રહો-નક્ષત્રો આદીની ગતીવીધી બાબતે એવી ઝીણીઝીણી, સુક્ષ્મ ગણતરીઓ તેઓએ કરી છે !’ 

       એટલે મહેતાસાહેબ કહે, ‘હું તો માનું છું કે ગ્રેગોરીયન પંચાગને આધારે આ લોકો આપણું પંચાગ પ્રતીવર્ષ બનાવે છે.’

       મેં કહું, ‘ના સાહેબ, એવું નથી જ, શુભ-અશુભ ચોઘડીયા, કાલયોગ, પનોતી, વીંછુડો, તીથીની ગણતરી, પંચક, હોરા આદી ગણતરીઓ ભારતીય ખગોળવીદોની છે, જેનો ઉલ્લેખ સુદ્ધા ગ્રેગરીના પંચાગમાં ક્યાંય નથી.’

       અને એમના સ્વભાવ મુજબ મારી વાત સાચી લાગતાં, મહેતાસાહેબે એ સ્વીકારી લીધી.

       અમારી મૈત્રી ગાઢ અને જીવનભર તેવી જ રહી, બાકી અમારી વચ્ચે મતભેદોય તીવ્ર, કારણકે મારી વીચારસરણી ચુસ્ત વૈજ્ઞાનીક નહીં, અર્થાત્ હું મારી પોતાની મૌલીક વીચારણાને આધારે નવાં નવા તારણો પ્રસ્તુત કર્યા જ કરું, જે મહેતાસાહેબ જેવા વીજ્ઞાનનીષ્ઠ પુરુષને સ્વાભાવીક જ ના રુચે. તેઓ ઉગ્ર પ્રત્યાઘાત આપે જ કે, ‘તમારી માન્યતા વ્યક્તીગત કહેવાય. આવી અવૈજ્ઞાનીક વાતો જાહેરમાં ના મુકો ! એથી જનતાને નુકસાન થવા સંભવ છે. તમે સેમ્પલ સર્વે કર્યો છે ? એ ના કરો, ત્યાં સુધી આ તમારો અંગત કે થોડા માણસોનો છુટક અનુભવ ગણાય, માટે મહેરબાની કરીને એનો પ્રચાર ના કરો ! “

       દા.ત. યોગનાં આસનો, પ્રાણાયામ આદી બાબતે પણ અમારી વચ્ચે આવો ઉગ્ર મતભેદ ચાલેલો, હું આજેય આવા અવૈજ્ઞાનીક વ્યાયામોને હીતાવહ નથી માનતો. શ્રી મહેતાએ લખ્યું કે, હું તો આસનો કરું છું, એથી શરીર હળવું અને સ્ફુર્તીમંત રહે છે.’

       મેં લખ્યું કે, ‘મહેરબાની કરીને છોડી દો !’

       આખર હું જ સાચો ઠર્યો, પરંતુ તે એટલી બધી દુ:ખદ રીતે કે મને થાય છે કે હું જુઠો ઠર્યો હોત, તો જ ઉત્તમ નીવડત. જુઠો ઠર્યાના આંસું સારવાનું ને પશ્ચાતાપ કરવાનું એક ઉત્તમ સ્થળ તો રહેત. આ તો કેવળ નીરાધાર આંસું સારવાનું જ ભાગ્યમાં આવ્યું.

       અમે આમ જાહેરમાં જ ઝઘડતા. વચમાં અમુક વ્યવહારદક્ષ પુરુષોએ સલાહ આપી કે, ‘આપણે રેશનાલીસ્ટો સંખ્યામાં ખુબ થોડા જ છીએ. માટે જાહેરમાં અંદરઅંદર ઝગડો નહીં, એથી આપણું આંદોલન નબળું પડે.’

       મહેતાસાહેબ તો માની ગયા. એમણે મારા અમુક લખાણનો વીરોધ કરતો લાંબો પત્ર મને લખ્યો. મેં એમને સમજાવ્યું કે, ‘તમારો વીરોધ જાહેરમાં પ્રગટ કરો ! લોકોને સત્ય વીચારવા દો ને જાણવા દો ! આપણે લોકહીતાર્થે વીચારીએ તથા લખીએ છીએ. પછી  અંગત પત્રવ્યવહારથી શો લાભ ? હું તો તમારા વીચારો જાણું જ છું….. વાદવીવાદ એ ઝગડો નથી અને એથી કશી બદનામી થતી નથી. છતાં થાય તો રેશનાલીસ્ટ-વૈજ્ઞાનીક વીચારક એવી પરવા ન જ કરવી જોઈએ….. અને અંગત રીતે મને કદી ખોટું તો લાગતું જ નથી.’

       મહેતાસાહેબને મારી વાત એકદમ સાચી લાગી ને એમણે તે સ્વીકારી લીધી. પછી મારી વીરુદ્ધ ઉગ્ર ચર્ચાપત્રો ફટકારવા માંડ્યા.

       આવા સત્યનીષ્ઠ, વીવેકનીષ્ઠ(રેશનાલીસ્ટ), તટસ્થ તથા ગહન વીચારક હતા, શ્રી  આર. કે. મહેતા; જેઓ વળી અંગત જીવનમાં એકદમ પ્રેમાળ અને મળતાવડા હતા. એમની આગ્રહી ચુસ્તામાંય નમ્રતા હતી. ‘ ના સાહેબ…’ એમ કહી, શાંતીથી, આદરથી, સૌજ્ન્યપુર્ણ ઢબે તેઓ પોતાનો મત સમજાવતા. વ્યાખ્યાનો તથા લખાણોમાં એટલા જ આખાબોલા અને ઉગ્ર બની શકતા. આવા વીરલ લેખક-વીચારક હતા. શ્રી રમણીકભાઇ મહેતા; જેઓની મોટી ખોટ ગુજરાતમાં હવે કોણ પુરી શકશે ? ન જાને !

આર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રુષ્ઠ: ૧૭-૧૯

 

6 Comments

  1. બન્ને રમણભાઈ સાથે મતભેદ રહેતો પણ મનભેદ કદી નહીં .કેટલીક વાતો જેવી કે”:ગરીબ, પછાત, વસતીથી ખદબદતા દેશોમાં ‘લેઝ ફેર’ નીતીથી કે વ્યવસ્થાથી નીચલા વર્ગોને સોસવાનું અને શોષાવાનું જ આવે”.ખૂબ વિચાર વમળ ઉભી કરતાઆજે લેઝ પરથી વિચાર આવે છે કે-
    ઈઝરાયલનો યુરી ગેલર નામનો યુવાન આંખને એકાગ્ર કરીને લોખંડના સળિયા સામું જોતો તો સળિયા વળી જતા! વીજળીનાં કિરણોને ઘનીભૂત કરી એકત્રિત કરીએ તો તે લેઝ ર બીમ બની જાય, એનાથી લોખંડને કાપી શકાય એવી શક્તિ ઉત્પન્ન થાય છે. પ્રસિદ્ધ અમેરિકન વિદ્વાન અને ચિંતક થોરો કહે છે : ‘પ્રાચીન યુગની સર્વ સ્મરણીય વસ્તુઓમાં ભગવદ્‌ ગીતા અને ઉપનિષદો જેટલી શ્રેષ્ઠ વસ્તુ કોઈ નથી. તેમાં એટલું ઉત્તમ અને સર્વવ્યાપી જ્ઞાન છે કે તેની સાથે આધુનિક જગતનું સર્વ જ્ઞાન સરખાવતાં! કાન્ટ, શોપન હોવર, ઇમર્સન, મેક્સમુલર વગેરે પશ્ચિમના અનેક અગ્રગણ્ય ચિંતકોએ આ જ મહાન ગ્રંથમાંથી પ્રેરણા મેળવી હતી-જેવી અમારી શ્રધ્ધા હતી-છે પણ .ખોટા અર્થગ્રહણથી સમાજ શોષણની તેઓની વાત સાથે હંમેશ સંમત થતા.
    તેઓ આગળ અમારી ગાંગાતેલી જેવી ચર્ચા કરવાની શક્તી…બન્નેના વિચારોને વંદન

    Like

Leave a comment