સાહીત્ય અને વીજ્ઞાન

       ગુજરાતી સાહીત્ય પરીષદનું ૨૫મું રજતજયંતી જ્ઞાનસત્ર આજે ૨૬, ૨૭ અને ૨૮મી ડીસેમ્બર, ૨૦૦૮ દરમીયાન  શ્રી નારાયણભાઇ દેસાઇના પ્રમુખસ્થાને કીમ (જી.સુરત) મુકામે મળનાર છે. આ અવસરે ‘સાહીત્ય અને વીજ્ઞાન’ શીર્ષકસ્થ આર. કે. મહેતા સાહેબનું તા.૨૯/૦૨/૧૯૯૧ ના રોજ ગુજરાતમીત્રમાં પ્રગટ થયેલ ચર્ચાપત્ર પ્રસ્તુત છે.

      વધુમાં ઉક્ત ચર્ચાપત્રના અનુસંધાને ‘સાહીત્ય અને વીજ્ઞાન વીશે વીશેષ’ શીર્ષકસ્થ ગુજરાતી સાહીત્ય પરીષદના તે સમયના પ્રમુખશ્રી ડૉ. જયંતભાઇ પાઠકનો પ્રતીભાવ  તા. ૯/૦૧/૨૦૦૯ ના રોજ ‘અભીવ્યક્તી’ બ્લોગ ઉપર ઉપલબ્ધ થશે.

_______________________________________________

 

સાહીત્ય અને વીજ્ઞાન

 

      પ્રતીવર્ષ ગુજરાતી સાહીત્યની પરીષદ ભરાય છે. સાહીત્યકારો નવલકથા, નવલીકા, કાવ્ય અને નાટકના વીષયોની ચર્ચા કરે છે. વીજ્ઞાન પણ સાહીત્યનું એક અંગ છે અને હોવું જોઇએ એવું જ્ઞાન આપણા સાહીત્યકારોને હોય તેમ જણાતું નથી. સાહીત્ય પરીષદોની કાર્યવાહી આ વાતની પ્રતીતી આપે છે.

      આલ્બર્ટ આઇન્સ્ટાઇન કીશોરાવસ્થામાં હતા, ત્યારથી સાપેક્ષવાદ (Theory of Relativity) ની રુપરેખા તેમના મનમાં રમતી હતી. જો હું પ્રકાશની ગતીએ વીચરું તો જગત કેવું ભાસે ! એવી કલ્પનામાં તેઓ રાચતા. આવી કલ્પના તેમના જગતમાં કીશોરાવસ્થામાં ઉદભવી શી રીતે ? જર્મનભાષામાં આધુનીક વીજ્ઞાનના દરેક પાસાંને ચર્ચતા સરળ અને સુગમ પુસ્તકો વીપુલ પ્રમાણમાં હતા. આલ્બર્ટ આઇન્સ્ટાઇને કીશોરાવસ્થામાં આવાં પુસ્તકોનું અધ્યયન કર્યું અને જર્મન સાહીત્યે જગતને સર્વશ્રેષ્ઠ વીજ્ઞાનીની ભેટ ધરી.

      ગુજરાતમાં સાંપ્રદાયીક પરીબળો બળવત્તર થતાં જાય છે, એમ ગત ચુંટણીના પરીણામો સીદ્ધ કરે છે. જેટલા પ્રમાણમાં વીજ્ઞાનનું જ્ઞાન, વૈજ્ઞાનીક ર્દષ્ટી અને બુદ્ધીવાદ ગુજરાતમાં ફાલશે, તેટલા પ્રમાણમાં સાંપ્રદાયીક અને પ્રત્યાધાતી પરીબળોની લોકમાનસ પરની પકડ ઢીલી પડશે. આ પરીબળોનું ચલણ બંગાળ અને દક્ષીણ ભારતમાં નહીવત છે, કારણ કે ત્યાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના પ્રમાણમાં વીજ્ઞાનનું જ્ઞાન, વૈજ્ઞાનીક ર્દષ્ટી અને બુદ્ધીવાદનું પ્રમાણ વીશેષ છે. જો આપણે ગુજરાતની ઉગતી પ્રજાને જ્ઞાનવીજ્ઞાનમાં આગળ લાવવા ઈચ્છતા હોઈએ, તો વીજ્ઞાનને સાહીત્યમાં પ્રાધાન્ય આપવું પડશે.

      ગુજરાતી સાહીત્ય પરીષદના પ્રમુખશ્રી જયંતભાઇ પાઠક વીચારશે કે ?

 

ગુજરાતમીત્ર તા.૨૯-૦૨-૧૯૯૧

આર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રુષ્ઠ: ૧૫૪-૫૫

2 Comments

  1. આ પરિષદનો વિગતે અહેવાલ આપશો
    સર્વોદયના તો ઘણા જાણીતા વિચારો છે જ…
    જમાનો ક્યાં જઈ રહ્યો છે, ક્યાં જવો જોઈએ, તેનું કોઈ ખાસ ભાન હોય, એવું મોટા ભાગના સાહિત્યકારોમાં આજે દેખાતું નથી. તેઓ તો આનાથી ઊલટી દિશામાં જ જઈ રહ્યા હોય, એમ લાગે છે. પોતાની આસપાસ જે નાની-મોટી સમસ્યાઓ છે અને જે નાનાં-મોટાં સુખ-દુ:ખ દેખાય છે, તેમાં સાહિત્યકારો ગૂંચવાઈ જાય છે, અને તેને લીધે પેલી પારનું દર્શન એમને નથી થતું. એમનામાં કરુણા પણ હોય છે, પરંતુ તેનું ઊંડાણ બહુ ઓછું હોય છે. કેટલાક સાહિત્યકારો મજૂરોના પગાર વધે, તેટલામાં જ પોતાની કરુણા સમાપ્ત કરી લે છે. કેટલાકની કુટુંબનિયોજન જેવાં કામોમાં જ સમાપ્ત થઈ જાય છે. કવિ-હૃદય માટે કરુણા, સહાનુભૂતિ વગેરેની વૃત્તિ બહુ જ જરૂરી હોય છે, પરંતુ તે આટલામાં જ સીમિત થઈ જાય તો એનું ચિત્ત નાના કુંડાળામાં જ કેદ થઈ જાય છે, અને વ્યાપકપણે તેમ જ સમગ્રપણે વિચારી શકતું નથી.
    માણસની બધા પ્રકારની વૃત્તિ શુષ્ક બની જાય, અને પછી આવું કામ કરીને થાકેલો માણસ ઘરે આવે ત્યારે તેને સિનેમા, રમત-ગમત વગેરેથી આનંદ અપાવવાની કોશિશ કરીએ, તો હું કહીશ કે આ સાચો આનંદ નથી, સાચો આનંદ મેળવવાની આ રીત નથી. આ તો આનંદ મેળવ્યાનો ઢોંગ છે, ભ્રમ છે. તેથી હોવું તો એમ જોઈએ કે માણસ જે કામ કરતો હોય, તેમાં જ એને આનંદ મળી રહેવો જોઈએ. માણસને આનંદ ચોવીસે કલાક મળવો જોઈએ. આપણને જો આપણા કામમાં જ આનંદ મળી રહેતો હશે, તો પછી તે મેળવવા અલગ ફાંફાં મારવાં નહીં પડે. કામ જ આનંદપૂર્ણ હોવું જોઈએ. દરેક કામ માણસ આનંદપૂર્વક કરી શકે એવું હોવું જોઈએ. આનંદ જીવનની દરેક કૃતિમાં હોવો જોઈએ. કળા-સાહિત્યનો અર્થ જ એ છે કે તે સહુને આનંદ આપે છે.

    બીજી એક વાત. ક્યો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે, તેનોયે ખ્યાલ રાખવો પડશે. જેમ સહુને આનંદ આપનારી જે કળા છે, એ જ સાચી કળા છે, તેમ જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જતો હોય, એ જ સાચો આનંદ છે. આમ, સાહિત્ય માણસને આવો સાચો આનંદ મેળવી આપે, સાહિત્ય લોકોનાં ચિત્તને શુદ્ધ કરે, સાહિત્ય લોકોનાં દિલને ઉન્નત કરે, સાહિત્ય સમાજને સંસ્કૃતિ તરફ આગળ વધારતું રહે. આમાં જ સાહિત્યની સાર્થકતા છે.

    Like

  2. Govindbhai,
    The point you have put forward for ‘scientific attitude’ for general awareness is very much true.
    I am living in Bangalore from last 3 years, and i very much agree to your remark on south Indians nature. I had not noticed earlier but suddenly it came to mind that number of students/youngsters who chew ‘tobacco’ or smoke here is very less compared to Gujarat.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s