જયન્ત પાઠક
તા.૨૯-૦૨-૧૯૯૧ ના ‘ગુજરાતમીત્ર’ ના અંકમા ચર્ચાપત્ર વીભાગમાં ‘સાહીત્ય અને વીજ્ઞાન’ શીર્ષક હેઠળ પ્રગટ થયેલ શ્રી આર. કે. મહેતાના ચર્ચાપત્ર સંબંધમાં આ લખી રહ્યો છું- એમણે મને વીચારવાનો અનુરોધ કર્યો છે એટલે.
ચર્ચાપત્રના પ્રથમ ત્રણ પરીચ્છદોમાંથી ઉપસ્થીત થતા કેટલાંક મુદ્દાઓ વીશે વીચાર કરવાનું પ્રાપ્ત થાય છે, પહેલા પરીચ્છેદોમાં શ્રી મહેતા લખે છે કે ‘વીજ્ઞાન પણ સાહીત્યનું એક અંગ છે, અને હોવું જોઈએ એવું જ્ઞાન આપણા સાહીત્યકારોને હોય તેમ જણાતું નથી.’ એમની વાત ખરી છે. જ્ઞાનની અનેક શાખાઓ છે, એમાં સાહીત્ય, વીજ્ઞાન, તત્વજ્ઞાન, સાહીત્ય-ભુગોળ આદી સૌનો સમાવેશ થાય. વીજ્ઞાન સાહીત્યનું એક અંગ છે એમ કહેવા કરતાં તે જ્ઞાનની એક શાખા છે એમ કહેવું વધારે સાચું ઠરે. માત્ર સાહીત્યકારોમાં જ શ્રી મહેતા કહે છે તેવા જ્ઞાનનો અભાવ નથી, બીજાઓમાં પણ છે. તેથી તો વીજ્ઞાનની અકાદમી, સાહીત્યની અકાદમી, તત્વજ્ઞાનની પરીષદ, ઈતીહાસ પરીષદ એમ અલગ સંસ્થાઓ સ્થપાય છે ને પોત પોતાના ક્ષેત્રમાં કાર્ય કરે છે.
ચર્ચાપત્રનો બીજો પરીચ્છેદ, ‘સાહીત્ય’ને ‘વીજ્ઞાન’ની વીભાવનાના ચર્ચાપત્રીની ચીત્તમાં રહેલા ગુંચવાડાનો પરીચાયક છે. સર્વ શાખાઓમાં પ્રવર્તતાં જ્ઞાન એકબીજાને ઉપકારક હોઈ શકે એ એક વાત.. બીજું, સાહીત્યનો સામાન્ય અર્થ તે કોઈ પણ વીષયમાં માહીતી ને માર્ગદર્શન આપનાર લખાણ સામગ્રી. બેંકની કોઈ યોજના સમજવી હોય તો હું એનું સાહીત્ય [Literature] માંગુ ને વાંચુ, ‘સાહીત્ય’ નો બીજો ને વીશીષ્ટ અર્થ તે શબ્દ-અર્થની રસ-આનંદ આપતી વીશીષ્ટ રચના આવી રચના કોરી બુદ્ધીનું પ્રવર્તન નથી હોતું, સાથે કલ્પના, સંવેદન, આત્મલક્ષી-વ્યકતીગત તત્વ પણ હોય છે. ઉપરાંત સાહીત્યની વીચારણાને લગતા શાસ્ત્રની પણ સાહીત્યમાં ગણના થાય છે. અહીં વીજ્ઞાન અને શાસ્ત્ર વીશેની મારી સમજ પણ સ્પષ્ટ કરી લઉં.
વીજ્ઞાન તે મારે મતે જેમાં નીર્ણયો, પરીણામો, નીરાકરણો અટળ-અફર હોય તે. જેમ કે બે ભાગ હાઈડ્રોજન અને એક ભગ ઓક્સીજન ભળે એટલે પાણી થાય. આ પરીણામ અટળ છે, અફર છે. બીજી કોઈ રીતે પાણી ન થાય. શાસ્ત્રના નીર્ણયો પરીણામો, નીરાકરણો આવાં અફર-અટળ નથી. એમાં ભીન્નતાને અવકાશ હોય છે. ઉદાહરણ તરીકે, સાહીત્યને એનું શાસ્ત્ર છે. એક વ્યકતી કાવ્યની એક વ્યાખ્યા કરે તો બીજો બીજી વ્યખ્યા આપે, આપી શકે. મને ‘મનોવીજ્ઞાન’ કરતાં ‘માનસશાસ્ત્ર’ શબ્દ વધારે પસંદ છે, કારણ એમાં નીર્ણયો, નીરાકરણો પરત્વે મતાંતરને અવકાશ છે. જે મત કે ઉકેલ ફ્રોઈડનો હોય તેનાથી જુદો યુગનો હોય, હોઈ શકે.
ફરી સાહીત્યની વાત ઉપર આવું. સાહીત્યનો ભાઈશ્રી મહેતાનો ઉલ્લેખ, મને સમજાય છે ત્યાં સુધી પેલા બુદ્ધી, કલ્પના, સંવેદન, વ્યકીગતતાવાળા સાહીત્ય પરત્વે છે. આમાં તો વીશ્વભરનાં વીજ્ઞાનો આવે, ધર્મ આવે, તત્વજ્ઞાન આવે, ઈતીહાસ-ભુગોળ આવે, એમાં તો ‘ડીવાઈન કોમેડી’ રચાય ને ‘પેરેડાઈઝ લોસ્ટ લખાય; ‘મહાભારત’ રચાય ને ‘રઘુવંશ’ લખાય. ‘ગુજરાતનો નાથ’ રચાય ને ‘દેવો ધાધલ’ લખાય.
કહેવાનું એ છે કે વીજ્ઞાન પણ સાહીત્યની સામગ્રી, સાહીત્યનો વીષય બની શકે. એચ. જી. વેલ્સ વીજ્ઞાનની સામગ્રી ને ભુમીકા લઈને નવલકથાઓ કરે, ને ડૉ. નગીનભાઈ મોદી વાર્તાઓ રચે. મહત્વ સામગ્રીનું નથી. રચનાનું છે. નવલકથા, વાર્તા, નાટક, નીબંધ વીજ્ઞાનનો વીષય કરીને, વીજ્ઞાનને સામગ્રી તરીકે યોજીને લખાય ને તે સાહીત્ય થાય. પશુપંખીઓ વીશે, પર્યાવરણ વીશે, ધર્મ વીશે, તત્વજ્ઞાન વીશે આપણે ત્યાં સાહીત્યીક સ્વરુપમાં લખાયું છે ને સાહીત્ય ગણાયું છે. ‘સીદ્ધાંતસાર’ ‘ધર્મ વીચાર’ ‘આપણો ધર્મ’ સાહીત્યની કૃતીઓ તરીકે સાહીત્યના ઈતીહાસમાં પ્રતીષ્ઠીત છે. ચર્ચીલને સાહીત્યનું નોબલ પારીતોષીક મળે ને બટ્રાન્ડ રસેલ પણ સાહીત્ય પારીતોષીકના અધીકારી બને.
ત્રીજા પરીચ્છેદમાં મને કોઈ તાત્વીક મુદ્દો સમાયેલો દેખાતો નથી. એ અંશ વધારે તો શ્રી મહેતાની ઈચ્છા-આકાંક્ષાનો, મીશનનો ધોતક છે, ગુજરાતની ઉગતી પ્રજા વીજ્ઞાનની રીતે વીચારે એટલે કે તટસ્થતાથી, પ્રમાણીકતાથી, વીનમ્રતાથી, બુદ્ધીવીવેકથી વીચારતી-વર્તતી થાય તે સર્વથા ઈષ્ટ છે, એમાં મતભેદ નથી. મજાની વાત તો એ છે કે આ બાબતમાં કેટલીકવાર વીજ્ઞાન ને સાહીત્યને સામસામા મુકવામાં આવે છે; સાહીત્યને વીજ્ઞાનનું વીરોધી ગણવામાં આવે છે. અસ્તુ.
ગુજરાતમીત્ર તા.૪-૦૩-૧૯૯૧
આર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રુષ્ઠ: ૧૫૫-૫૬
સુંદર વાત ફરી વાચીને પણ આનંદ
સ્વામી સચ્ચીદાનંદની આ વાત- સાહીત્ય અને વીજ્ઞાન માટે પણ ખુબ યોગ્ય લાગે છે.પ્રાચીનતામાંથી પ્રેરણાનાં તત્વો ગ્રહણ કરવાં જોઈએ.પણ પ્રાચીનપંથી ન થવું જોઈએ.થવું જોઈએ અર્વાચીનપંથી.
હવે ઈંટરનેટ પર પણ માણી શકાય છે!
LikeLike