તા.૮/૦૩/૧૯૯૨
૮ માર્ચ સ્ત્રીમુક્તી દીને જાગૃત સ્ત્રીઓની પ્રવૃત્તી પર પ્રકાશ પાડવું ઉચીત બની રહે છે:
૧૯૭૫નું આંતરરાષ્ટ્રીય મહીલા વર્ષ, ત્યાર પછીનું મહીલા દશક, સાર્ક બાલીકા વર્ષ અને હવે આ બધી રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય ઘટના પ્રવૃત્તીઓ સમાજને સ્ત્રીઓની સમસ્યાઓ, સ્ત્રીનો દરજ્જો- તેની સ્થીતી સમજવા માટેની અનીવાર્યતા તરફ ગંભીર ધ્યાન ખેંચે છે. ભારત જેવા દેશમાં સ્ત્રીઓને આઝાદીના પ્રથમ ચરણે જ સમાન હક્ક અને અધીકારો બંધારણ દ્વારા મળ્યા તેની નોંધ સાથે સમાજના રાષ્ટ્રીય મુખ્ય પ્રવાહમાં સ્ત્રીની સામેલગીરીની ઉણપની નોંધ પણ લેવી જોઈએ. આંતરરાષ્ટ્રીય મહીલા દશક પછી પણ સ્ત્રી મુક્તીનો પથ વીકટ હોવા છતાં પગદંડી પર પગલાં તો મંડાઈ જ રહ્યા છે.
જાગૃત સ્ત્રીઓ અને સ્ત્રી સંગઠનો સ્ત્રીનો દરજ્જો, આર્થીક સ્થીતી, સામાજીક સ્થીતી, રાજકીય પ્રવૃત્તીમાં ભાગ, સાંસ્ક્રૃતીક ક્ષેત્રે સાચા અર્થમાં સ્ત્રીની સામેલગીરી, સંચાર માધ્યમો દ્વારા સ્ત્રીને દૅર્ષ્ટીમાન રાખવાની પ્રવૃતી પર સ્ત્રી દૅષ્ટીથી વીચારવાની અનીવાર્યતા પર ભાર મુકવો, પર્યાવરણ, કાયદો, ધાર્મીક અને સામાજીક રીતે રીવાજોની સ્ત્રીઓ પર અસર, આમ નાના મોટા પ્રત્યેક મુદ્દા પર સ્ત્રીની દૅષ્ટીથી સ્ત્રીને કેન્દ્રમાં રાખી વૈચારીક પ્રક્રીયાના મંથન તરફ ગતીશીલ છે. નાના મોટા સ્ત્રીજુથો સાથે ચર્ચા, મીલાપ, સંમેલન, વક્ત્વ્ય, પરીસંવાદ, લેખો, પુસ્તકો, ગરબા, ગીતો, નાટકો, રેલી, અત્યાચારો વીરુદ્ધ અવાજ ઉઠાવવા, અસ્તીત્વની સભાનતા માટે સ્ત્રીઓને પ્રેરવા જાગૃત મહીલાઓ પ્રતીબદ્ધ છે અને પ્રક્રીયા દ્વારા જ વર્તમાન માળખામાં વૈચારીક પરીવર્તન માટે કાર્યરત છે.
શ્રી આર. કે. મહેતાએ જાગ્રત સ્ત્રીઓના કાર્ય માટે ભગીરથ પ્રયાસ શબ્દનો ઉપયોગ કર્યો. જાગૃત સ્ત્રીઓ લોકભાષા બોલીના સ્ત્રીઓ માટેના શ્બ્દો, કહેવતો, ભાષા, ગાળો (અપશબ્દો) સુદ્ધાં પર પોતાની દ્રષ્ટી કેન્દ્રીત કરી જરુરી વીરોધ દ્વારા સમાનતા માટે આગ્રહ સેવે છે. સ્ત્રીના વ્યક્તીત્વ અને અસ્મીતાનું ગૌરવ કરી પુરુષની નકલ નહીં પણ પરસ્પરના સહયોગથી સંતુલીત વીશ્વના સર્જનના જાગૃત સ્ત્રીઓના સ્વપ્નાં સેવે છે અને એને સાકાર કરવા પ્રયાસો કરે છે. એક ભાઈએ એકવાર અમારો પરીચય કંઈક આમ આપ્યો. ‘ભગીરથ પુરુષાર્થ દ્વારા આ લોકોએ શેરી નાટક ક્ષેત્રે વલસાડમાં બેતાજ બાદશાહની પદવી મેળવી એમ કહીએ તો ચાલે.’ અલબત્ત, સાંભળવા ગમે તેવા વખાણ હતા. પરંતુ પુરુષની સર્વોપરીતાની ગંધ તો નીકળીને નીકળી જ, કદાચ આદતવશ પણ એમ થાય. પરંતુ જ્યાં જરુર જણાય ત્યાં દરેક સ્તરે અને સ્થળે પોતાની જાગ્રત દૅષ્ટી કેન્દ્રીત કરી સ્ત્રીના અસ્તીત્વ અને વ્યક્તીત્વની નોંધ માટે ‘અસ્તીત્વ’, ‘સહીયર’, ‘અવાજ’, ‘ઉદૃગાર’, ‘સેવા’, ‘આસ્થા’, ‘જનવીકાસ’ જેવા અનેક સ્ત્રી સંગઠનો સતત પ્રયત્નશીલ રહે છે.
અને છતાં ‘સ્ત્રી મુક્તી’ની દીશાનો માર્ગ વીકટ છે અનેક કાયદા ઘડાય છે આર્થીક પ્રવૃત્તીઓ માટે પણ પ્રોત્સાહક કાર્યક્રમ અપાય છે સરકાર દ્વારા પણ શક્ય તેટલા પગલાં લેવાય છે. ‘શ્રમશક્તી’ જેવા મહત્વના અહેવાલો પ્રસીદ્ધ થાય છે. અન્ય પ્રય્ત્નો પણ ચાલે છે છતાં માળખાગત વૈચારીક પરીવર્તન માટે હજી ઘણા પ્રયાસોની જરુરત પણ વર્તાય છે જ. જાગૃત સ્ત્રીઓના પ્રયાસો છતાં, સરકારના કે અન્ય સ્વૈચ્છીક સંસ્થાઓના પ્રયત્નો છતાં પણ મુલ્ય પરીવર્તન માટેના અવીરત પ્રયાસો તો સતત કરવાના રહેશે જ.
આ પરીવર્તનની શરૂઆત સ્ત્રીઓથી થાય તો જ એનો મહિમા છે.દબાતી કચડાતી સ્ત્રી આત્મ સન્માન સાથે ગાંધી ચીંધ્યા માર્ગે અન્યાય સામે લડશે તો જ સમાજની કાયા પલટ થશે.આ શરૂઆત પ્રથમ તો ઘરોમાં થવી ઘટે અને તો જ સાચી જાગૃતિ આવી શકે બાકી સમાજની બાહ્ય સુધારવા તો સ્ટ્રીટ લાઈટનો પ્રકાશ ઘરમાં લાવવા જેવી વાત છે.
LikeLike