વીજ્ઞાન અભીયાન…

ખગોળવીજ્ઞાનમાં અનુસ્નાતક થયેલ ભારતીય ખગોળવીજ્ઞાની વધુ અભ્યાસાર્થે જર્મની ગયો. થોડા સમય પછી સુર્યગ્રહણ થવાનું હતું. તેના ચોક્કસ સમયની ગણતરી આ ભારતીય ખગોળ વીજ્ઞાનીએ કરી. બરોબર આજ સમયે સુર્યગ્રહણ થયું. ભારતીય ખગોળવીજ્ઞાની સુર્યગ્રહણના સમયે હોસ્ટેલમાંથી બહાર આવી, ‘દે દાન છુટે ગ્રહણ’ ની બુમો પાડવા લાગ્યો. તેના સહાધ્યાયીઓ તેના આવા બેહુદા વર્તનથી ડઘાઈ ગયા. જર્મન મનોવીજ્ઞાનીએ આ ખગોળવીજ્ઞાનીના બેહુદા વર્તન માટે તેના સર્વાંગી પરીક્ષણ કર્યુ અને તારવ્યું કે માનવીના મગજમાં જુદા જુદા વીભાગો હોય છે અને તેમની વચ્ચે સતત સમન્વય કરનાર સેતુ પર કોઈક પ્રકારનો અવરોધ છે. જેથી તેના એક વીભાગમાં ખગોળવીજ્ઞાન છે. જ્યારે બીજો વીભાગ જુની રુઢીગત પરંપરાગત અંકીત થયેલ છે. અને તેમની વચ્ચે જે સમન્વય થવો જોઈએ તે થતો નથી. એટલે તે આવું બેહુદુ વર્તન કરે છે. અર્થાત તેના બેહુદા વર્તન માટે તે જે સમાજમાં ઉછરેલ છે તે જવાબદાર છે.

બાળકમાં જીજ્ઞાસાવૃતી સતેજ હોય છે અને દરેક બાળક સવાલ કરે છે. ‘આ શુ છે ?’ આમ શા માટે થાય છે ? આ કેવી રીતે થાય છે ?’ આ ભાવી વીજ્ઞાનીના સવાલના જવાબમાં તેમને એમ કહેવામાં આવે કે રાહુ કેતુ સુર્યને ગ્રસી જાય છે. તો તે વીચાર તેના મગજમાં એટલા પ્રમાણમાં અંકીત થઈ જાય છે. ખગોળ વીજ્ઞાની થાય અને છતાં ગ્રહણના સમયે રુઢીગત જે વીધી કરવામાં આવતી હોય તેનું પાલન ‘આદત સે મજબુર’ના ન્યાયે કરે છે. જ્યારે બાળક સવાલ કરે કે સુર્યગ્રહણક શા માટે થાય છે. ત્યારે તેને સમજાવવામાં આવે કે તે માત્ર ચન્દ્રનો પડછાયો છે તો તેની જીજ્ઞાસાવૃત્તી સંતોષાશે અને સાથે સાથે તેની બુદ્ધીનો વીકાસ થશે.

વીજ્ઞાનનો સ્નાતક હાથ પર મંત્રેલું માદળીયું બાંધે છે કે ઉપગ્રહ ને અવકાશમાં ફંગોળવા માટે શુભ ચોઘડીયા જોવાય છે. એવા અવલોકનો કરી કોઈ એમ કહે કે ‘સાક્ષરતા અભીયાનનો કોઈ અર્થ ખરો ?, તો તે જાણ્યે અજાણ્યે સાક્ષરતા અભીયાનનો વીરોધ કરે છે. આપણા દેશમાં નીરક્ષરતા વ્યાપક છે ત્યાં સાક્ષરતા અભીયાનની આવશ્યકતા સવીશેષ છે પણ ભલે તે અક્ષરજ્ઞાન પુરતી સીમીત હોય. વીજ્ઞાનનો સ્નાતક હાથ પર મંત્રેલું માદળીયું બાંધે છે. એમાં આપણા સમાજમાં પ્રર્વતતી પછાત માનસદશાનું પ્રતીબીંબ થાય છે. જેને નીવારવા માટે વ્યાપક પાયે વીજ્ઞાન-અભીયાનની આવશ્યકતા છે. સોવીયેટ રશીયામાં ૧૯૧૭ની રાજ્યક્રાંતી પછી લેનીનના નેતૃત્વ હેઠળ પ્રચંડ વીજ્ઞાન અભીયાન ચલાવવામાં આવ્યું. પ્રચારના બધા માધ્યમો દ્વારા લોકોને વીજ્ઞાનમય બનાવવાના સરકારી સ્તરે અને સમાજના દરેક ક્ષેત્રે ભગીરથ પ્રયાસો થયા. તે એટલે સુધી કે વીજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે પછાત ગણાતો દેશ. ૧૯૫૭માં અવકાશમાં સ્પુટનીકને વહેતો કરી બધાથી મોખરે થઈ ગયો.

આ કાર્ય એટલું ભગીરથ છે કે દરેક જાગૃત ભારતીય નાગરીકે આ દીશામાં યથાશક્તી ફાળો આપવો પડશે. સમાચાર પત્રો, સામયીકો, રેડીયો. ટી. વી. પણ આ અભીયાનમાં સભાનતા પુર્વક કામ કરશે. તો બે દશકામાં ભારતની હવા બદલી જશે. નુતન ભારતીય નાગરીકોને વીજ્ઞાનની ગળથુથી મળશે, બાકી વીજ્ઞાનનો સ્નાતક માદળીયું બાંધે છે એવા ઉપરછલ્લા અવલોકનો કરી સાક્ષરતા અભીયાનમાં દોષ જોવાની વક્ર ર્દષ્ટીથી કોઈ અર્થ સરશે નહી.

-આર. કે. મહેતા

ગુજરાતમીત્ર તા. ૩૧મી મે ૧૯૯૨

આર. કે. મહેતા સ્મૃતી-ગ્રંથ પાન નં. ૬૩

 

14 Comments

  1. વ્યાપક પ્રમાણમાં વિજ્ઞાન અભિયાન ચલાવવાની આવશ્યકતા છે. આપના સક્રીય પ્રયત્નો બદલ ધન્યવાદ.

    Like

  2. આપની વાત સાવ સાચી છે.

    વીજ્ઞાનનું અભીયાન ચલાવવા માટે વીજ્ઞાનના પારીભાષીક અંગ્રેજી શબ્દોનું સરળ ગુજરાતી આપવું પણ અત્યંત જરુરી છે એવું મને લાગે છે. વીજ્ઞાનનાં અંગ્રેજી પુસ્તકોને સરળ ગુજરાતીમાં ઉતારવાં જોઈએ. રશિયા અને જપાન જેવા દેશોની વીજ્ઞાન પ્રગતીમાં એમની ભાષામાં ઉપલબ્ધ પુસ્તકો-માહીતીનો ફાળો કદાચ સૌથી મહત્ત્વનો હશે.
    આખા દેશના અનુસંધાનમાં જે તે પ્રાદેશીક ભાષામાં જ્ઞાન મળી રહે એમ થવું જોઈએ.

    Like

    1. આપણે ત્યાં વીજ્ઞાનના દરેક ક્ષેત્રમાં નીષ્ણાતો છે અને તેઓ ધારે તો ગુજરાતની પ્રજાને વીજ્ઞાનને સરળ ભાષામાં સમજાવી શકે તેમ છે, પણ સવાલ એ છે કે આ નીષ્ણાતોને આવી પ્રવૃત્તી માટે સમય હોતો નથી. જો સમય હોય તો લખવાની ફાવટ હોતી નથી.

      Like

  3. ગોવિંદભાઈ,

    રૅશનાલિસમ આધારીત આ બ્લૉગ હું ઘણી વાર વાંચતો હોંઉ છું.

    આ લેખમાં આપે રાહુ-કેતુની વાત લખી એ અંગે થોડીક સ્પષ્ટતા કરવાની ઈચ્છા છે.

    પરંપરાગત જ્યોતિષના વિરોધીઓ એ રાહુ-કેતુ ને ગાળ આપવામાં કંઈ બાકી રાખ્યું નથી. જ્યોતિષ સામે કોઈનો વિરોધ હોઈ શકે, એ વિશે મારે કશું કહેવું નથી.

    પણ જ્યોતિષના બે ભાગ છે. એક ખગોળશાસ્ત્ર અને બીજુ ફલકથન.
    રાહુ-કેતુ એ માત્ર ફલકથનના ભાગ નથી, પણ ખગોળશાસ્ત્રની એક મહાન ગાણિતીક સિદ્ધી છે.

    પૃથ્વીની સૂર્ય ફરતેની ભ્રમણકક્ષા અને ચંદ્રની પૃથ્વી ફરતેની ભ્રમણકક્ષાઓ જ્યાં છેદાય, એ કાલ્પનીક બિન્દુઓને રાહુ અને કેતુ કહેવાયા છે.
    આ કાલ્પનીક બિન્દુઓની ગતિના અભ્યાસથી સૂર્યગ્રહણ અને ચંદ્ર ગ્રહણની ચોક્કસ ગણતરી કરી શકાય છે.
    વરાહમિહિરે આવનારા વર્ષોમાં થનારા ગ્રહણોની મિનિટ્સની ચોક્સાઈ સાથે ગણતરી રાહુ-કેતુના ઉપયોગથી જ કરી હતી.
    તો રાહુ-કેતુ માત્ર દુષ્ટ ગ્રહો નથી પણ Mathematical models છે, જે લગભગ પંદરસો વર્ષ પહેલા (કે એથી પણ પૂર્વે) ગ્રહણની ચોક્સાઈપૂર્વક ગણતરી કરવા વપરાયા.
    ભલે એમના ફલકથનને ગાળ આપીએ, રાહુ-કેતુ ફક્ત તેમના ગાણિતીક સૌંદર્ય માટે સન્માનનીય છે.

    અંધશ્રદ્ધાને ભાંડવાના પ્રયાસમાં ક્યાંક પાપડી ભેગી ઇયળ બફાઈના જાય એ ઈરાદાથી આ સ્પષ્ટતા કરી.

    Like

    1. પ્રીય હેમંતભાઈ,
      રાહુ-કેતુને ગ્રહ તરીકે પ્રસ્થાપીત કરીને બહુજન સમાજને લુંટનારા જ્યોતીષીઓનો વીરોધ કરેલ છે. પરંતુ રાહુ-કેતુ અંગે આપના તરફથી કરવામાં આવેલ સ્પષ્ટતા/વીશેષ માહીતીને હું આવકારુ છું. ખગ્રાસ સુર્યગ્રહણ આ અંગે આગામી 21-21/07/2009ના રોજ યોજાયેલ કાર્યશીબીરમાં આ અંગે ચર્ચા કરીશું.
      આભાર.

      Like

  4. વાત સાચી છે . પણ શ્રધ્ધાના બળને અવગણી ન શકાય, એટલું તે શક્તીશાળી હોય છે.

    પણ હા! શ્રધ્ધા અને અંધ શ્રધ્ધા વચ્ચે બહુ પાતળી રેખા હોય છે.

    Like

  5. “વીજ્ઞાનનો સ્નાતક હાથ પર મંત્રેલું માદળીયું બાંધે છે. એમાં આપણા સમાજમાં પ્રર્વતતી પછાત માનસદશાનું પ્રતીબીંબ થાય છે. જેને નીવારવા માટે વ્યાપક પાયે વીજ્ઞાન-અભીયાનની આવશ્યકતા છે. ”
    ધર્મનું આ બાહ્ય કલેવર અત્યારે આ વિજ્ઞાન યુગમા નકામું અને બોજારૂપ છે.
    ધર્મ અને રાજકારણનો યુગ સમાપ્ત થઇ ગયો છે. હવે વિજ્ઞાન અને અધ્યાત્મનો યુગ છે.ખરું જોતા હજી સુધી ધર્મની સ્થાપના થઇ જ નથી. આજે આપણે જેને ધર્મ કહીએ છીએ,તે બધા ધર્મ નથી, પંથ છે, સંપ્રદાય છે, મજહબ છે. માનવીએ સંપ્રદાયોથી ઉપર ઉઠવાનુ છે, અને એક માનવધર્મ વિકસાવવાનો છે. વિજ્ઞાનની ભૂમિકા પર જ સાચા ધર્મની સ્થાપના થવી જોઇએ.

    Like

  6. વાત સાચી છે, પણ પંદર-વીશ વર્ષ પહેલા કોઈ એક વ્યક્તીએ કરેલા એ વર્તનની અત્યારે શુ પ્રસ્તુતતા છે? “અગાઉની પેઢી”ને વીજ્ઞાનના પાઠ ભણાવવાને બદલે નવી પેઢી પર ધ્યાન કેન્દ્રીત કરીએ – એમાં “return of investment” સારુ મળશે :).

    And look at the bright side: કચ્છ, વડોદરા અને સુરતની Amateur Astronomy Clubs આ સુર્યગ્રહણને માણવા માટે તડામાર તૈયારીઓ કરી રહી છે. It’s truly exciting!

    http://kutchastronomy.blogspot.com/
    http://aaavadodara.org/main/

    Like

    1. સહમત. નવી પેઢી ઉપર જ ધ્યાન કેન્દ્રીત કરવાનું છે.
      એમાં “return of investment” સારુ મળશે જ.
      ઉપરોક્ત બન્ને લીન્ક ખોલીને પ્રભાવીત થયો. આપનો ખુબ ખુબ આભાર.

      વધુમાં https://govindmaru.wordpress.com/2009/07/10/solar-eclips/ લીન્ક સહજ આપની જાણ માટે છે.
      અમે ચાર મીત્રો પણ આત્મીય વીધ્યા મંદીર સ્કૂલ, સુરત સેન્ટર ખાતે સુર્યગ્રહણને માણવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

      Like

  7. ગીતામાં શ્રી કૃષ્ણે “ધર્મસંસ્થાપનાર્થાય” કહીને પોતાનું અવતારકૃત્ય ધર્મની સ્થાપનાનું કહ્યું એ જ બતાવે છે કે ધર્મ અસ્થાપનક્ષમ છે !!! ધર્મની સ્થાપના કરવી પડે એ જ એની નબળાઈ ચીંધે છે !

    અધ્યાત્મનું એવું નથી. કારણ કે અધ્યાત્મ એ શાશ્વતી તત્ત્વ છે. ધર્મનું ક્ષેત્ર સાંકડું છે, ને અધ્યાત્મની કને એ ખાબોચીયું છે. (એટલે જ એનો દુરુપયોગ થતો રહ્યો છે.) અધ્યાત્મ એ વળી વ્યક્તીગત બાબત પણ છે. ધર્મને બચાવવો પડે છે, કારણ કે આસુરી તત્ત્વો એને રંજાડી શકે છે ! સત્ત્વ, રજસ અને તમસમાંનું સૌથી છેલ્લી કક્ષાનું તત્ત્વ પણ જેને રંજાડી જાય એ ધર્મની નબળાઈનો આંક કેટલો ઉંચો ગણાય!!!

    જ્યોતીષ અને ગ્રહોને પુર્વજોએ ધાર્મીક ધતીંગની રીતે ક્યારેય જોયા જ નથી. એ બધું પણ એમના સમયનું વીજ્ઞાન કે ગણીત જ હતું. વીશ્વે આપણા ખગોલીય ગણીતજ્ઞોને માન્ય રાખ્યા છે, બલકે માન આપીને ઉંચે આસને બેસાડ્યા છે. કોઈ વીજ્ઞાની માદળીયું પહેરે તેથી વારાહમીહીર ને બીજા આપણા વીજ્ઞાનીઓ–ખગોળશાસ્ત્રીઓ ખોટા પડી જતા નથી – આપણે જ સાંકડાં દેખાઈ જઈએ છીએ !

    આજે તો ગમે તેમ કરીને પુર્વનું તે બધું ધતીંગ ને લેબોરેટરીનું બધું સાચું એવું માનવા–મનાવવાની ફેશન ચાલી છે. પેનીસીલીને જગતને કેટલું નુકસાન કર્યું, લેબોરેટરીમાં જ એને તપાસાયું હતું છતાં ??? જ્યારે અશ્વગંધાને, તુલસીને, પીપળાને કે કુંવારપાઠાને કોઈ માઈનો લાલ ખોટાં પાડી બતાવે !! કરીયાતાને કોઈ પુરું સમજી તો બતાવે !! ગળોને અમૃતા શા માટે કહી, એનું સંપુર્ણ અર્થઘટન કોઈ લેબોરેટીયો કરી બતાવે !!

    રાહુ–કેતુને બગાડી મુકનારા આપણા પાછળથી કુદી પડેલા, ને પોતાને બ્રાહ્મણો કહેવડાવનારાઓ આપણને ખોટી દીશાઓમાં ઢસડી ગયા હતા. આ બે છાયા–ગ્રહોનું ગાણીતીક મુલ્ય સમજવાનું છે; એની પાછળની ધાર્મીક વીધીઓને આગળ કરીને ભારતીયશાસ્ત્રોને અવગણવાનાં નથી.

    ખુદ શ્રીકૃષ્ણે જ ગીતામાં અથર્વવેદને નીંદ્યો છે !! સુપડું સાર ગ્રહણ કરે છે; ચાળણી સારને ફેંકીને ફોફાંને સાચવી–સંઘરી રાખે છે. સુજ્ઞેષુ કિં બહુના !!

    Like

  8. A little correction in explanation of Rahu-Ketu by Shree Hemant Punekar:
    They are points of intersection by lunar orbit through earth’s orbital plane and not earth’s orbit.

    Like

  9. મારી જાણકારી મુજબ..
    સુર્ય અને ચંદ્ર બન્ને પોતાની ધરી પર પૃથ્વીની ફરતે ગોળ ગોળ ફરે છે.બન્ને અલગ અલગ ધરી પર ફરે છે . જો સુર્ય અને ચંદ્ર એક જ ધરી પર ફરતા હોય તો દર અમાસે સુર્યગ્રહણ અને દર પુનમે ચંદ્રગ્રહણ થાત.પણ સુર્ય અને ચંદ્ર અલગ અલગ ધરી પર ફરે છે તેથી ક્યારેક પૃથ્વી ,સુર્ય અને ચંદ્ર એક જ લાઈનમાં આવિ જાઈ છે.જેથી સુર્ય અને ચંદ્ર ગ્રહણની અદભુત ઘટનાનું નિર્માણ થાઈ છે.
    બીજુ કે રાહુ અને કેતુ અંતરીક્ષના કોઈ ગ્રહ નથી કે નથી કોઈ પણ જાતનો પ્રદાર્થ.
    સુર્ય અને ચંદ્રની ધરિ બે જગ્યાએ ભેગી થાઈ છે.તેમાના એક બિંદુને રાહુ અને બીજા બિંદુને કેતુ કહેવાય છે.પણ જ્યોતિષ્યો કહે છે ‘ તમને રાહુ નડે છે ,કેતુ નડે છે’ .પણ આવો કોઈ પદાર્થ જ બ્રહ્માંડમાં નથી તો નડવાનો સવાલ જ ક્યાં ?

    ખુબ ખુબ આભાર…

    Like

Leave a comment