ધર્મ અને નૈતીકતા

સાધારણ રીતે એવું માનવામાં આવે છે કે, ધર્મ દ્વારા મનુષ્યને નૈતીકતાનો પાઠ શીખવા મળ્યો. સ્થુળ રુપે જ્ઞાન, કર્મ અને ભક્તી આ ત્રણ ધારાઓમાં ધર્મને વીભક્ત કરવામાં આવ્યો છે. પરંતુ સર્વસાધારણને ધ્યાનમાં રાખી વીચાર કરવામાં આવે તો ભક્તીનો જ અધીક પ્રભાવ જોવા મળે છે. ધાર્મીક સ્થળોમાં ભક્તીનું જ વાતાવરણ વીશેષ હોય છે. તેની પાછળ  નૈતીકતા અને ચરીત્રશુદ્ધીની વાતોની ઉપેક્ષા થઈ રહી છે. ભક્ત પોતાના ઉપાસ્યની તરફ ઢળે એ માટે ભક્તી સાહીત્યમાં છ ભાવ સુચવ્યા છે. જેમાં મધુરભાવ સર્વોત્કૃષ્ટ છે. મધુરભાવમાં ભક્ત પોતાને સ્ત્રી માને અને ભગવાનને પતી અથવા પ્રેમી માને છે. આ ઉપરાંત એનાં બે રુપ પણ છે- પતીભાવ અને જારભાવ. પતીભાવમાં સામાજીક મર્યાદાઓ રહે છે જ્યારે  જારભાવમાં આ મર્યાદાઓ તોડવામાં આવે છે. સાધનાની દૃષ્ટીએ પતીભાવની તુલનાએ જારભાવને ઉત્કૃષ્ટ માનવામાં આવે છે- એનું બીજું નામ સખીભાવ પણ છે. જેમાં મોટા ભાગના ભક્તો, પુરુષ હોવા છતાં સાડી પહેરે છે, આંખમાં સુરમો  આંજે છે અને લલાટે ચાંદલો પણ કરે છે. એટલું જ નહીં, મહીનાના ચાર દીવસ રજસ્વલા હોવાનો ઢોંગ આદરે છે.

ભક્તીવાદી પરંપરાઓમાં અત્યારે પણ રાસલીલાનો પ્રચાર પર્યાપ્ત છે. જેમાં એક વ્યક્તી ભગવાન કૃષ્ણ અને અન્ય ગોપીઓના સ્વાંગમાં રાસલીલા અને વીવીધ પ્રકારની શૃંગારીક ચેષ્ટાઓ/અડપલાઓ પણ કરે છે. મહાકવી જયદેવ કૃત ‘ગીત–ગોવીંદ’માં તેનું સ્પષ્ટ આલેખન જોવા મળે છે. કૃષ્ણ કોઈક ગોપીને આલીંગન કરે છે, કોઈકને ચુંબન. તો વળી, કોઈકને એકાંતમાં લઈ જઈને વસ્ત્રાહરણ પણ કરે છે. શું આ જ પ્રેમનું સાચું સ્વરુપ છે ? કે પછી કોઈ સામંતની વીલાસીતતાનું આલેખન છે ? ભ્રમરને પ્રેમીની ઉપમા આપી છે જે ક્યારેક એક ફુલ ઉપર તો ક્યારે બીજા ફુલ ઉપર બેસે છે. શું આને જ સાચો પ્રેમી કહેવાય? પ્રેમીકાને પણ આવી રીતે પ્રેમી બદલવાનો અધીકાર આપવામાં આવે છે ખરો? કાવ્યોમાં અનેક સ્ત્રીઓ સાથે સંપર્ક રાખનાર પુરુષને ‘રસીક’ કહેવામાં આવે છે, જ્યારે અનેક પુરુષો સાથે સંપર્ક રાખનારી સ્ત્રીને ‘દુરાચારીણી’ કહેવામાં આવે છે.

નીર્દોષ હોવા છતાં સીતાને ઘરમાંથી કાઢી મુકનાર રામને આદર્શ પતી માનવામાં આવે છે. બીજી તરફ આ અત્યાચારની વીરુદ્ધ કોઈ અવાજ ઉઠાવ્યા વીના ચુપચાપ અત્યાચાર સહન કરવા બદલ સીતાને આદર્શ પત્ની કહેવામાં આવે છે. જો આ જ અધીકાર સીતાના હાથમાં હોત અને સીતાએ આ જ દંડ રામને આપ્યો હોત ત્યારે સીતાને શું કહેવામાં આવત? આ ઉદાહરણો દ્વારા એક પ્રશ્ન ઉપસ્થીત થાય છે કે તો પછી ધર્મનો શો આધાર છે? અનૈતીક હોવા છતાં પણ આજ્ઞાઓનું પાલન અથવા પ્રત્યેક પરંપરાનું નૈતીકતાના આધાર પર મુલ્યાંકન ? સ્વસ્થ મનોવૃત્તી કેળવવા માટે અત્રે સ્પષ્ટ થવું જરુરી છે કે, ધર્મના નામે કે પછી ભગવાનના નામે અનૈતીકતાને આપવામાં આવતું પ્રોત્સાહન ઠીક નથી.

ગોવીન્દ મારુ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૨૪/૧૨/૧૯૯૪ના રોજ પ્રકાશીત થયેલ આ  ચર્ચાપત્ર …


19 Comments

 1. હું આ બાબત પર સહમત થાઉં છું . રામ અને ક્ર્ષ્ણ મહાન રાજાઓ હતા . પણ માનવીય અનેર તકાલીન સામાજીક નબળાઈઓથી પર ન હતા.
  આપણી વ્યક્તીપુજાની ટેવને કારણે આપણે તેમને ભગવાન બનાવી દીધા.
  આ ચાર લેખ વાંચવા ભલામણ
  http://gadyasoor.wordpress.com/category/સર્જક/રશ્મીકાંત-દેસાઈ/
  શ્રી રશ્મીકાંત દેસાઈની વેબ સાઈટ
  http://tatoodi.googlepages.com/home

  Like

 2. પ્રિય ગોવિંદભાઈ,

  દુનિયા ભલે ૨૧મી સદીમાં પ્રવેશી ચૂકી છે પણ મોટેભાગે જન માનસ એ જ જડ પરંપરાઓ, ધર્મના ઓથા હેઠળની અવૈજ્ઞાનિક માન્યતાઓમાંથી હજી બહાર આવી શક્યું નથી. તમારા વિચારો સાથે સહમત છું.

  Like

 3. સ્ત્રી અને પુરુષના પ્રકુતિભેદને કારણે બંને પાસેની અપેક્ષાઓ અલગ રહે છે. સ્ત્રી મહિનામાં એકવાર અંડકોષ ઉત્પન કરે છે જ્યારે પુરુષમાં રોજના હજારો શુક્રાણુઓ પેદા થાય છે. આ કારણે પણ પ્રકૃતિથી પુરુષ વધારે કામુક હોય છે. અપવાદ હોઈ શકે પરંતુ સ્ત્રીમાં માતા બન્યા પછી પ્રેમ અને સહિષ્ણુતાના ગુણો વધુ ખીલે છે. આથી પણ તે પુરુષની ભ્રમરવૃતિને ઉદારતાથી સહી શકે છે. જ્યારે પુરુષનો આધિપત્યનો ભાવ કેટલીકવાર સ્ત્રીને રક્ષણ આપતો હોય સ્ત્રી તે સહી લે છે.
  રામે દિલથી સીતાનો ત્યાગ નહોતો કર્યો આથી પત્નીને સ્થાને અન્ય સ્ત્રી નહી પણ સીતાની પ્રતિમા રાખે છે. રાજા તરીકે દ્રષ્ટાંતરૂપ થઈ સ્ત્રી રાત્રે ઘર બહાર ન રહે એ હેતુથી સ્વસુખનો ત્યાગ કરી એ યુગમાં પ્રજાના હિત ખાતર સીતાને છોડવાની ફરજ થઈ પડી હોય અને આદર્શ પત્ની તરીકે સીતા એ પ્રેમથી આ નિર્ણયનો સ્વીકાર કરીને સ્ત્રીઓ માટે ત્યાગ અને સહનશીલતાનું અપ્રતિમ ઉદાહરણ પુરૂ પાડ્યુ હોય તો બંનેને વંદન થવા જ ઘટે. આપણી અલ્પમતિથી મહાન વિભૂતિઓને ન્યાયના ત્રાજવામાં મૂકી સ્ત્રીઓને થતા અન્યાય સામે અવાજ ઉઠાવવાથી તો સ્ત્રીઓમાં પણ નૈતિકતા ઓછી થવાની શક્યતાઓ વધશે. ચારિત્ર્યવાન સ્ત્રી જ પુરૂષનો દુરાચાર અટકાવી શકે. પણ છૂટને કારણે સ્ત્રી જો દુરાચારી થશે ગમે તેટલો ચારિત્ર્યવાન પુરૂષ પણ તેને અટકાવવામાં સફળ થાય કે કેમ તે શંકા રહે છે. સ્ત્રીઓને થતા અન્યાય માટે મને બહુ લાગી આવે છે છતાં પ્રકૃતિભેદ ભૂલીને અંતિમવાદી થવામાં હું નથી માનતી. પાંચ પતિઓ હોવા છતાં દ્રોપદીને આપણે પવિત્ર માનીએ જ છીએ ને?

  Like

 4. ધર્મ અંગે આવા પ્રશ્નો શ્રધ્ધાળુઓને આઘાત્ પહોંચાડે છે. આ અંગે લાયકાત મેળવી, સંતોને પ્રણિપાતેન પૂછાથ્ તો મનનું સમાધાન થાય.
  જેઓ આક્રમક નથી તેઓની જ ટીકાઓ ?

  Like

 5. Dear Govindbhai

  A Purush Pradhan Samaj chhe, Aene mate Ae Strio pan javabdar chhe jemane pita, pati ane putrani Bhulo prtye chup rahya – dhanki.

  Sri.Gunavant Shah nu “MANAVTANU MAHAKAVYA ” (RAMAYAN) Vanchava vinanti

  Like

 6. માનનીય રેખાબેન
  સ્ત્રી સ્વાતંત્ર્ય માટે મારા પણ આગવા વીચારો છે. પણ જમાના જુની માન્યતાઓ જાળવી જ રાખવી પડે , તે અભીપ્રાય કઠે છે.
  એમ જ હોત તો સતીપ્રથા , વીધવા વીવાહ પર પ્રતીબંધ, અસ્પૃશ્યતા … આ બધાં અનીષ્ટો ચાલુ જ રહ્યાં હોત.
  મને તો માનવતા એ જ સાચો દૃષ્ટીકોણ લાગે છે.
  કદાચ એ સંદર્ભમાં એક બાળહત્યા પણ ન્યાયી હોઈ શકે .
  નીલમબેનની આ ચર્ચાસ્પદ પણ આંખો ખોલી નાંખે તેવી વાર્તા વાંચવા ખાસ ભલામણ –
  http://paramujas.wordpress.com/2009/07/23/સંજુ-દોડયો/

  આ વાર્તામાં શું સંજુ ગુનેગાર છે કે, સમાજ?

  Like

 7. પ્રજ્ઞાજુ કહે છે
  “ધર્મ અંગે આવા પ્રશ્નો શ્રધ્ધાળુઓને આઘાત્ પહોંચાડે છે. આ અંગે લાયકાત મેળવી, સંતોને પ્રણિપાતેન પૂછાથ્ તો મનનું સમાધાન થાય. જેઓ આક્રમક નથી તેઓની જ ટીકાઓ ?”

  શ્રદ્ધાની વિભાવનાનો આ દુરુપયોગ નથી? તેઓ માની લે છે કે અમે લાયકાત મેળવી નથી અને ‘સંતો’ સમાધાન કરી શકે. અરે, આ ‘સંતો’એ જ તો દાટ વાળ્યો છે. તેમણે જ તો જુઠાણાઓ નિભાવ્યા છે.

  અહલ્યા અને સીતાના જીવનની સરખામણી કરવા જેવી છે. અહલ્યાના કિસ્સામાં અપકૃત્ય થયું તો હતું પછી ભલે તે ઇંદ્રની વંચનાથી થયું. ‘નબળો ધણી બૈરી પર શૂરો’ એ કહેવત અનુસાર પતિ ગૌતમે શાપ આપીને તેને ‘શલ્યા’ બનાવી દીધી. ‘શલ્યા’ શબ્દનો અર્થ ‘પથ્થર’ તો થાય પણ અહીંના સંદર્ભમાં ‘કામવૃત્તિવિહીન સ્ત્રી’ થાય. ચમત્કારઘેલા આપણને ‘પથ્થર’ અર્થ વધારે ગમ્યો. તે તો જે હોય તે પણ વિચારવા જેવી વાત એ છે કે રામનો પગ અડકવાથી જ અહલ્યા શાપમુક્ત થઈ. સીતાને તો રામના આખેઆખા શરીરનો સ્પર્શ થતો હતો. છતાં તેને એવા કૃત્ય માટે દંડના ભોગ બનવું પડ્યું કે જે થયું જ નહોતું પણ કદાચ થઈ શક્યું હશે એવી કેવળ શંકાને આધારે. તે કેટલે અંશે ક્ષમ્ય ગણાય? રામના સ્પર્શથી પથ્થર જીવતા થાય, રામનું નામ લખવાથી પથ્થરો તરે પણ સીતા તો ડૂબે જ એવું કેવું?

  સીતાની અગ્નિપરીક્ષા લેવામાં આવી. તે સમયે સીતાના પ્રશ્નના ઉત્તરમાં રામે કહ્યું કે ‘આ પરંપરાનો આરંભ તમારાથી થશે અને અંત પણ તમારાથી જ આવશે.’ એટલે કે આ અન્યાય ફક્ત તમને જ કરવામાં આવશે. જરા વિચાર કરો. સીતાનો તો કશો દોષ હતો જ નહીં. રાવણ કદાચ બળાત્કાર કરી શક્યો હોત તો પણ તે અપરાધ તેનો જ હોત. સીતા તો કેવળ તેની બલિ (=ભોગ બનેલી વ્યક્તિ, વિક્ટિમ victim) બની હોત. સંભવિત અપરાધની સંભવિત બલિ પાસેથી પ્રમાણ માંગવું કે તે ગુનો થયો નહોતો તે કયા ન્યાયશાસ્ત્રમાં લખ્યું છે? વળી તે પુરાવો પણ એવી રીતે આપવાનો કે જો તે ગુનો થયો હોય તો અપરાધી નહીં પણ બલિ જ જીવતેજીવ બળી જાય? ‘મર્યાદા પુરૂષોત્તમ’ને ન્યાય કે માનવતાની કશી જ મર્યાદા ન નડી? સ્વતંત્ર રીતે વિચારીએ તો એ સ્પષ્ટ છે કે સીતાની અગ્નિપરીક્ષા એ આપણા ધાર્મિક સાહિત્યનું સૌથી અમાનુષી, અન્યાયી અને ઘૃણાસ્પદ કૃત્ય હતું. છતાં તેના કરનારની પૂજા કરવી તે કેટલે અંશે યોગ્ય છે?

  It was not only Ram who rejected Sita. Sita also rejected Ram.

  Once he accidentally met with his sons, and through them, Sita, Ram asked Sita to return to Ayodhya. People believe that the land (‘mother earth’) opened up at her request and absorbed her. This again is the literal interpretation of the word ‘bhoogarbh-pravesh’. Literally, it means getting buried in the earth but actually it means going incognito by changing one’s identity and keeping a low profile. Thus, Sita actually rejected Ram to preserve her self-respect, refused to return to Ayodhya and mingled into the public like an ordinary person. So this was ‘Ramatyaga’ by Sita in response to ‘Sita-tyaga’ by Ram. This was necessary because had she gone back to Ayodhya, there might have been another accusation of infidelity and humiliation. After all she stayed alive but away from her husband for all those years when the boys were growing up only to make sure that her sons get their rights as Ram’s sons.

  Like

 8. આગળ કહી ગયો છું કે સત્ય એટલુ બધુ કડવુ હોય છે કે સત્યના માર્ગે ચલતા જેના ભલા માટે તમે લડત આપતા હોય તેઓ જ ખરેખર સમજી ન શકે તો તેઓ જ તમને મારવા માટે આવે છે. તેથી જ ઘણા સમાજનું ભલુ વિચારનારા પણ શાંત બેસી તમાશો જોતા રહે છે. આપના વિચારમાં પણ ગણી સત્યતા છુપાયેલ હોય છે તેથી જ એની કડવાહટ સમાજ પચાવી શકતો નથી. આપના લેખમાં જણાવ્યા અનુસાર ધાર્મીક સ્થળોએ ભકિત સાથે સાથે નૈતિકતા, ચારીત્રતાનો અભાવ જોવા મળે જ છે. તેથી સમજથી પર ધર્મીક ગુરુ સ્ત્રીમાં માં, બહેન ના દર્શન કરવાને બદલે એક બાજુ આભડ છેદ રાખે છે. અને બીજી બાજુ સ્રી સાથે દુરાચાર આચરતા હોય છે. ધર્મની નૈતિકતા સમાજમા સમાનતા લાવવાની છે. નહી કે અલ્લાહ ઈશ્વરના ભેદ,જાતિ વર્ણના ભેદ કે સ્રી – પુરુષના ભેદ, અમીરી – ગરીબીના ભેદ કરી પોતે મહેલો જેવા મંદીરમાં રહી અને એ.સી. કારમાં ફરી….લોકોને ઉપદેશ આપવો કે મોહ માયા છોડો તો મુકિત મળશે….ખરેખર આમા જ ધર્મની નૈતિકતા અને ચારીત્રતા હોય તો ભવિષ્યમાં અનેક આડંબરો વચ્ચે વાડામાંથી, મંદીર, અને મંદીરમાંથી મહેલ અને મહેલ માંથી મોલ બંધાતા રહેશે અને માનવતાનો કોઈ મોલ રહેશે નહી.

  Liked by 1 person

 9. શાંત બેસીને તમાશો જોવો તે એક વાત છે અને અસત્યને સમર્થન આપીને તેવા કૃત્યોના કરનારાઓની પૂજા કરાવવી તે જુદી વાત છે.

  Like

 10. વાલ્મીકી, તુલસીદાસ વગેરે ‘સંતો’ એ એક ખરાબ વાર્તા ઉપજાવી કાઢી અને રામની પૂજા કરાવવા માંડી. તેનો અસ્વીકાર કરવાને બદલે, ‘અહો રૂપં અહો ધ્વની:’ અનુસાર, બીજા ‘સંતો’એ તેને બિરદાવી અને રામની પૂજા ચાલુ કરાવી. હવે મારે તે જ સંતોનો ચરણસ્પર્શ કરી ને તેમને પૂછીને મનનું સમાધાન કરવાનું કે જેથી બીજા ‘ભક્તો’ તો કુમાર્ગે દોરવાયેલા જ રહે?

  Like

 11. Ramayan ma to aavi Ghani Badhi Bhulo chhe..
  Biju 1 Udaharan to Bali Vadh nu pan chhe
  aam tame Ramayan ni Upar kaik charcha patra add karso
  to roj 1 topic mali jase..

  aavjo…

  Like

 12. Govindbhai Your Post had created lot of interest & one can read lots of “opinions ” as the Comments…some even REVISITING your Blog to post another Comment..That is good !
  My take on this Post is….Manav in Sansar is can easily be a pray of the Maya ( Worldly atractions ) & often BHAKTI MARG brings him to the RIGHT PATH….True Bhakti is one when the Manav elevates himself/herself to that HIGHER level in True Bhakti which is devoid of man-made Rules or Traditions & that He/She is in the DARKNESS of ANDHSHADHDHA….Then Manav is within the PARAM TATVA !
  The ineqalities of MAN v/s WOMAN disappear…Leave the Historical and/or Religious narrations to those who wish to ANALYSIS with this LIMTED- CAPACITY Human Brain ….
  Just my VICHARO !
  Chandravadan ( Chandrapukar )
  http://www.chandrapukar.wordpress.com

  Like

 13. જે તે સમયના જમાનાને અનુરુપ તે તે સમયના મહાપુરુષો થયા. પછી તેમના પછીના સમયમાં એક પછી એક સાહિત્યકારો થયા તેમણે તેમના પોતાના જમાનાને અનુરુપ અથવા તેમના અનુમાનોને અનુરુપ તેમની કથાઓ લખી. તેમની કથામાં ઉમેરા પણ આવ્યા અને વર્ણનો પણ આવ્યા. કેટલાકે દંત કથાઓ પણ ઉમેરી. કોણે શું કર્યું તેનો કશો દસ્તાવેજ રહ્યો નહીં. અને પછી આપણો નવો જમાનો આવ્યો અને તેમાં બાવાઓ, કટાર લેખકો અને છૂટ પૂટ લખતા બ્રહ્મજ્ઞાનીઓ પણ આવ્યા.

  તેમણે તેમની પ્રજ્ઞા પ્રમાણે અભિપ્રાયો અને અથવા બોધપાઠો આપ્યા.
  “વાયુ પૂરાણ” એ જુનામાં જુનું પૂરાણ ગણાય છે. આ પૂરાણ અન-પાણીનીયન સંસ્કૃત ભાષામાં છે. તેના જુના પાઠમાં “રામ” વિષે એક જ વાક્ય છે. કે તે બળવાન રાજા દશરથના પૂત્ર હતા અને તેમણે લંકાના રાજા રાવણને મારેલો. તે પૂરાણમાં વિષ્ણુના દશ અવતારો ગણાવાયા છે ખરા પણ રામને વિષ્ણુના અવતાર તરીકે ગણવામાં આવ્યા નથી. તેજ પૂરાણમાં કૃષ્ણને વિષ્ણુના અવતાર ગણવામાં આવ્યા છે. પણ તેમાં તેમના જીવનમાંના અનેક પ્રસંગોમાં પૂરાણકારને મન મહત્વનો પ્રસંગ ફક્ત શ્યમંતક મણી વાળો જ રહ્યો છે. શ્યમંતક મણી ચોરાયાનું જે આળ કૃષ્ણ ઉપર આવેલું, તેમાંથી તેઓ કેવીરીતે મૂક્ત થયેલા તે વાત કરી છે.

  વસુદેવને કંસે જેલમાં પૂર્યા હતા અને તેમને જે કોઈ સંતાન જન્મે કે તૂર્તજ તેને કંસ મારી નાખતો હતો સાવ એવું આ પૂરાણકારે લખ્યું નથી. આ પૂરાણકારે એમ તો વસુદેવના બધા સંતાનો અને તેમના નામ પણ જણાવ્યા છે. એટલે કે કંસ તે સંતાનો ઠીક ઠીક મોટા થયા પછી તેમને મારી નાખતો હતો એવું લાગે છે. કૃષ્ણભગવાન જેલમાં જન્મ્યા હતા અને યમુના નદીમાં પૂર આવ્યું હતું એવી પણ કોઇ વાત આ પૂરાણકારે કરી નથી. આ પૂરાણકારે એમ લખ્યું છે કે કંસ વસુદેવના સંતાનોને મારી નાખતો હતો એટલે વસુદેવ કૃષ્ણને પોતાના મિત્ર નંદને ઘરે મૂકી આવ્યો હતો. આથી વિશેષ કૃષ્ણ વિષે લખ્યું નથી.

  ભાગવત પૂરાણમાં નવું કેટલું અને જુનું કેટલું એ સંશોધનનો વિષય છે. એટલે કે મૂળ કેટલું અને ઉમેરા કેટલા એ જાણવું જરુરી છે. જે કંઈ પાણીનીયન સંસ્કૃતમાં હોય તેને ઈશુના જન્મની બે ત્રણ સદીની આસપાસનું માનવું જોઇએ. અને તેના ઉપરથી મહાપુરુષોને મૂલવવા ન જોઈએ. પણ જે કંઈ કથાનક છે તેને કથામાં આવતા વળાંકો ઉપરથી તારવવું જોઇએ અને તેના ઉપરથી મહાપુરુષોનું મુલ્યાંકન કરવું જોઇએ. કથાનકમાં આવતા વર્ણનો અને સંવાદો ઉપરથી મહાપુરુષોનુ મૂલ્યાંકન ન કરી શકાય. કારણકે આ બધું તો જે તે સમયના સાહિત્યકારોએ પોતાના અનુમાનો અને માન્યતા પ્રમાણે કથાને પોતાની અને પોતાના સમાજમાં રસપ્રદ અને લોક ભોગ્ય બને તે પ્રમાણે લખ્યું હોય છે. વેદ વિષે જ એવું કહેવાય છે કે તેમાં કોઇ ફેરફાર કરવાનો કોઇને હક્ક નથી.

  તુલસીદાસનું રામયણ ઐતિહાસિક દ્રષ્ટીએ કચરાટોપલીમાં નાખવું જોઇએ એમ ગાંધીજીએ કહેલું છે. પણ બોધ પાઠ અને સાહિત્યિક દ્રષ્ટિએ તે બેનમૂન છે.કાલીદાસના રામ મનુષ્યરુપે વર્તે છે. વાલ્મિકીના રામ વિષ્ણુનો અવતાર છે. પણ વાલ્મિકીના રામાયણમાં ઘણા ઉમેરણો છે તો પણ આદર્શ રાજા તરીકેનું મૂલ્યાંકન થઇ શકે તેમ છે. સંવાદોને અવગણીએ તો પણ રામ રાજા તરીકેની કસોટીમાં ખરા ઉતરે છે.

  જેના હાથમાં સત્તા છે તે સમાજના નિયમોને પોતાના લાભ માટે બદલી ન શકે. આજની તારીખમાં પણ કાયદાની દ્રષ્ટિએ ધોબીની વાત અવગણી ન શકાય. રામનો બચાવ ઠીક ઠીક રીતે થઇ શકે છે. અને તેથીજ કદાચ મહાત્મા ગાંધી એ રામરાજ્યની લાવવાની વાત કરી કે જેમાં નકારી ન શકાય તેવા સત્યનો આદર થાય પછી ભલે તે વાત નાનામાં નાના માણસ તરફથી આવતી હોય.

  કૃષ્ણભગવાનની રાધા વિષે જાતજાતની વાતો છે. એક પૂરાણમાં તે કૃષ્ણની મામી છે. અને બાલકૄષ્ણને જોઇને તેની કામવાસના જાગી ઉઠે છે અને કૃષ્ણભગવાન તેને ૬૪ રીતે સંતોષે છે.

  બધા પૂરાણોની દયાનંદ સરસ્વતીએ ઝાટકણી કાઢી છે.

  પણ ભક્તિમાર્ગ એક એવો માર્ગ છે જે માણસને નશો કરાવે છે. અને તેનાથી મૂક્ત થવું મૂશ્કેલ છે અને તેથી જ કદાચ આમ જનતાનો મોટો ભાગ મૂસ્લિમ શાસન હોવા છતાં પણ તે શાસકો દ્વારા મુસ્લિમ બનાવી ન શકાયો. જે ભણેલા હતા અને વેદ જ્ઞાતા હતા અને જેમણે સનાતન ધર્મના રહસ્યને આત્મસાત કર્યું હતું તેઓ પણ ધર્મ પરિવર્તના ભોગ ન બની શક્યા. પણ જેમના ઉપર બળજબરી કરવામાં આવી અને જેઓ લાલચમાં આવ્યા તેઓ જ ધર્મ પરિવર્તનનો ભોગ બન્યા.

  કૃષ્ણ એક એવી વ્યક્તિ હતા કે જેની સાથે જ્ઞાનીઓ અને અજ્ઞાનિઓ સૌ કોઈ આકર્ષિત હતા. જ્ઞાનીઓ ગીતા થકી અને ભક્તિમાર્ગીઓ બાલકૃષ્ણની બાળલીલા થકી.

  જ્યારે સંવાદના અને પ્રસારના સાધનો અને શિક્ષણનો વ્યાપ મર્યાદિત હતો ત્યારે ભક્તિમાર્ગ કંઇક અંશે યોગ્ય હતો. પણ હવે જ્યારે વિજ્ઞાનનો વ્યાપ અને શિક્ષણનો વ્યાપ અમર્યાદિત છે ત્યારે હવે હિન્દુઓએ ભક્તિ માર્ગના કોચલામાંથી બહાર નિકળવું જોઇએ.

  પૂરાણની કેટલીક વાતો પ્રાકૃતિક બનાવોની પ્રતિકાત્મક કથાઓ છે. અને તેનામૂળ વેદમાં છે.
  ગૌતમ અને અહલ્યા, ઉષાની પાછળ બ્રહ્માનું પડવું, ત્રણ ડગલામાં જગતને આવરી લેવું એ બધી વાતો કુદરતી બનાવોનું કાવ્યાત્મક પ્રસ્તુતિકરણ છે. એટલે તેમાંથી કોઇ મનગમતો સાર કાઢવાની તસ્દી લે તે યોગ્ય નથી.

  Like

 14. ઘરમ અને ઘામિર્ક બાબતો વઘુ ન ૫ડતા અા૫નો લેખ અા૫ની સમજ મુજબ બરાબર છે. અલ્‍લાહ, ઇશ્‍વર બઘા માને છે. બસ એ સત્‍ય છે.

  Like

 15. ધર્મના નામે કે પછી ભગવાનના નામે અનૈતીકતાને આપવામાં આવતું પ્રોત્સાહન ઠીક નથી.

  આખીએ વાતનો સાર તો આટલો જ છે ને. સમજુ માણસે સાર ગ્રહણ કરી લેવો જોઈએ – બાકી ઝાઝી વાતે ગાડા ભરાય.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s