હવે સાહીત્યનું તીર્થ– નવસારી !

નવસારીમાં સાહીત્ય પરીષદનું અધીવેશન તારીખ ૨૫-૨૭ ડીસેમ્બર, ૨૦૦૯ દરમીયાન મળી રહ્યું છે એ આનંદદાયક ઘટના છે. સાહીત્ય પરીષદના અધીવેશનની જવાબદારી માથે લેવાનું કામ કપરું છે. આ અધીવેશનના આયોજનમાં નાની નાની અનેક બાબતોને ધ્યાનમાં લેવી પડે. દેશ–વીદેશ અને  મુંબઈ સહીત સમગ્ર ગુજરાતમાંથી આવેલા સેંકડો ડેલીગેટ્સનાં નીવાસ, અલ્પાહાર, ભોજનની વ્યવસ્થા કરવાનું કામ, સ્થળની પસંદગી, ઓડીયો સીસ્ટમનું સુપેરે આયોજન, મહેમાનોનું યથોચીત સ્વાગત, મનોરંજક કાર્યક્રમોનું આયોજન, બેઠક વ્યવસ્થા, સાદગીપુર્ણ પરંતુ પ્રભાવશાળી મંડપવ્યવસ્થા – આ બધું ખુબ મહેનત માગી લેનારું કામ છે.

૧૯૯૭૭માં શ્રી ચન્દ્રકાંત પંડ્યાના નેજા હેઠળ નવસારીમાં ગુજરાતી સાહીત્ય પરીષદના જ્ઞાનસત્રનું સુપેરે આયોજન થયું હતું. શ્રી મહેશભાઈ કોઠારીના અધ્યક્ષ સ્થાને એ સમયે જ્ઞાનસત્રના આયોજન માટે સમીતીની રચના થઈ હતી અને એ વખતે થયેલી વ્યવસ્થા ઉડીને આંખે વળગે એવી હતી. રસીકોની ઉપસ્થીતીની દૃષ્ટીએ પણ જ્ઞાનસત્રને ઠીક ઠીક સફળતા મળી હતી તે વખતે. આ વખતે શ્રી સતીશભાઈ પંડ્યાએ ગુજરાતી સાહીત્ય પરીષદનું અધીવેશન નવસારીમાં આયોજવાનું બીડું ઝડપ્યું છે. શ્રી મહેશભાઈ કોઠારી તથા શ્રી પ્રેમચંદભાઈ લાલવાણીના સંગાથે અધીવેશનનું સુગ્રથીત આયોજન થશે એ નીશ્વીત છે. ત્રણેય મહાનુભાવોને મહાવરો હોવાથી અધીવેશનના આયોજનમાં કોઈ કચાશ નહીં રહે એ પણ નીઃશંક છે.

આમ છતાં, દર વખતે ગુજરાતી સાહીત્ય પરીષદના અધીવેશનની પુર્ણતા પછીના દીવસો કે મહીનાઓ દરમ્યાન, આવાં અધીવેશનોની સાર્થકતા અંગે ચર્ચાઓ થતી રહે છે. રાબેતા મુજબની ચર્ચાઓ, અભ્યાસલેખોનું વાચન, વક્તવ્યો, વીશ્લેષણો, વીવેચનો, ટીકાઓ, સાહીત્યના કોઈ એક પાસા/પ્રવાહનું સુક્ષ્મ કે ઉપરછલ્લું વીહંગાવલોકન, સાંપ્રત સાહીત્યના લેખાંજોખાં તથા રાત્રે કવીસંમેલન અને/ અથવા હસાયરો કે મુશાયરો, ગુજરાતી સંસ્કૃતીના સંદર્ભમાં સાંસ્કૃતીક કાર્યક્રમો સાથે પરીષદનું અધીવેશન પુરું થયા પછી ગીરા ગુર્જરીને કે ગુજરાતી સાહીત્ય સર્જનને કયા પ્રકારનો અને કેટલો લાભ થયો કેટલો વેગ મળ્યો એની ચર્ચા જાહેરમાં અને ખાનગીમાં થતી રહે છે અને તે થતી રહેવાની છે.

થોડા મહીનાઓ પહેલાં કીમમાં મળેલા સાહીત્ય પરીષદના જ્ઞાનસત્ર દરમીયાન મંચ ઉપરથી જ પરીષદમાં ચાલતી કથીત વાડાબંધીનો પણ ઉલ્લેખ થયો હતો અને દલીત સાહીત્યના સંદર્ભમાં, ગુજરાતી સાહીત્ય સર્જન અંગે પણ નીરાશાભાવ વ્યક્ત થયો હતો. આવું બધું તો ચાલતું રહે, એવુ વીચારીને બીજું અધીવેશન મળે ત્યાં સુધી આવી ઘટનાઓ કે વીચારને ભુલી જવાં કે વીસારે પાડી દેવાનું કામ સરળ છે અને બહુધા એમ જ થતું રહે છે.

જ્ઞાનસત્ર હોય કે અધીવેશન, બે કલાક માટે આયોજકોને  ઈચ્છીત હોય એ વીષયવસ્તુને એરણ ઉપર મુકવાનો અધીકાર હોવો જોઈએ. ગુજરાતી ભાષાનો મૃત્યુઘંટ સંભળાઈ રહ્યો છે, ગુજરાતી સાહીત્યનો વાચકવર્ગ  ઘટી રહ્યો છે, ગુજરાતી વાચક હવે સસ્તા સાહીત્યવાચન તરફ વળી રહ્યો છે, ગુજરાતી સાહીત્ય સર્જનમાં વાસ્તવીકતાનો પડઘો નથી પડતો, આવી ફરીયાદો અને ચીંતાઓ પરીષદના અધીવેશન કે જ્ઞાનસત્ર દરમીયાન કે એ પછી વ્યક્ત થતી રહે છે. સાહીત્ય પરીષદના અધીવેશન દરમીયાન સર્જીત સાહીત્યની, બદલાતા જતા સામાજીક સંદર્ભની, સમાજ અને સાહીત્યના સંબંધની ચર્ચાઓ થાય છે; પરંતુ આવા અસંતોષ, આક્રોશ કે ભદ્ર ભાવનાઓની અભીવ્યક્તી પછી પણ આવાં અધીવેશનથી ગુજરાતી સાહીત્ય જગતમાં ઉત્સાહનો કેટલો સંચાર થયો એ પ્રશ્ન પણ પુછાતો રહે છે. આવો સીલસીલો ઘણાં વર્ષોથી ચાલતો આવ્યો છે અને કદાચ ચાલતો રહેવાનો છે.

નવસારીમાં ગુજરાતી સાહીત્ય પરીષદનું અધીવેશન મળી રહ્યું છે. ત્યારે નવોદીત સાહીત્યકારોનાં સાહીત્ય સર્જન અંગે, એમની મુંઝવણો અંગે, નવોદીત સાહીત્યકારો સાથેના પ્રકાશકોના અસહકારી અભીગમ અંગે, થોડી પણ ચર્ચા થાય એવી અપેક્ષા રહે છે. એક તરફ ગુજરાતી સાહીત્ય જગતમાં નવોદીતોને આવકાર નથી મળતો; તો બીજી તરફ સ્થાપીત સાહીત્યકારોનું ઢગલાબંધ સાહીત્ય પ્રકાશીત થતું રહે છે ! સુસ્થાપીત થયેલા કલમનવેશોનું રુઢીગત સાહીત્ય વાચકો વાંચે, વાંચે અને કેટલું વાંચે ? પરબ, શબ્દસૃષ્ટી, નવનીત સમર્પણ જેવાં સામયીકોમાં નવપ્રકાશીત પુસ્તકોની યાદી, સાભાર સ્વીકારના શીર્ષક હેઠળ પ્રકાશીત થાય છે. એમાં પોણોસો ટકા પુસ્તકો નવા લેખકો/કવીઓએ જાતે પ્રગટ કરેલા હોય છે. ગુજરાતી સાહીત્ય અકાદમી, લેખક/કવીના પ્રથમ પુસ્તકના પ્રકાશનમાં સહાય કરે છે. પરંતુ ફક્ત એક જ પુસ્તકની મર્યાદા શા માટે ? સરકારશ્રી અથવા સરકારના આર્થીક સહાયના આધારે ચાલતી લાયબ્રેરીઓ દ્વારા પુસ્તક પ્રદર્શન અને વેચાણનું આયોજન થાય છે, એમાં નવોદીતોનાં દશ ટકા કે વીસ ટકા પુસ્તકો હોવાં જ જોઈએ એવો આગ્રહ કેમ નથી થતો ? ગુજરાતી સાહીત્ય પરીષદ પોતે જ અથવા તો રડ્યોખડ્યો કોઈ એક પ્રકાશક નવોદીતોના સાહીત્યના પ્રકાશનની કે વીતરણની જવાબદારી ઉઠાવવા કેમ આગળ નથી આવતા ? જ્ઞાનસત્ર કે અધીવેશન ટાણે, પુસ્તકોનાં પ્રદર્શન અને વેચાણની વ્યવ્સ્થા કરવામાં આવે છે. એમાં નવોદીતોનાં કેટલાં પુસ્તકો વેચાણ માટે મુકવામાં આવે છે ? નવોદીતો સાહીત્યના વેચાણ માટેનો વીભાગ કેમ નથી હોતો ? જે પુસ્તકો પ્રકાશીત થાય છે એની કીંમત અઢીસો રુપીયાથી માંડીને એક હજાર રુપીયા સુધીની હોય ત્યારે મધ્યમવર્ગનો કયો વાચક એ ખરીદીને વાંચવાનો ? ગુજરાતનાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા પુસ્તકાલયોમાં જોઈતું હોય એ પુસ્તક લેવા જઈએ, ત્યારે– ‘શોધી લો, અઠવાડીયા પછી તપાસ કરજો. હજુ ખરીદવાનું બાકી છે’ આવા પ્રત્યુત્તર મળતા હોય ત્યારે પુસ્તકાલયોનાં પગથીયાં કયો વાચક ચડવાનો ? સારું છે કે ગુજરાત સરકાર, પુસ્તકાલયોને લાખો રુપીયાનું અનુદાન આપ્યા પછી એ પુસ્તકાલયોમાં કેવો વહીવટ થયો છે એની તપાસ નથી કરતી. એવી તપાસ થાય તો ગુજરાતનાં સેંકડો પુસ્તકાલયોને અપાતી આર્થીક સહાય બંધ કરી દેવી પડે.         ગુજરાતી સાહીત્ય પરીષદની સામે આવા અને આ સીવાયના ઘણા પ્રશ્નોની ક્યાં તો અવગણના કરવામાં આવે છે, ક્યાં તો ઉપરછલ્લી ચર્ચા કરીને હવે ચર્ચા આગળ વધશે, એવી ઠાલી અપેક્ષા સાથે સમાપન કરી દેવામાં આવે છે. સાહીત્ય પરીષદના અધીવેશનનો પ્રસંગ સાંપડ્યો છે ત્યારે શ્રી સતીશભાઈ પંડ્યા સહીતના આયોજકોએ વીચારવસ્તુ નીશ્વીત કરીને, પરીષદના હોદ્દેદારો પાસે બે કલાકનો સમય માંગીને પરીણામલક્ષી ચર્ચા હાથ ધરવી જોઈએ. ઘણીવાર સ્વાગત પ્રવચનના પડઘા પુર્ણાહુતી સુધી પડઘાતા રહે છે. આપણે ઈચ્છીએ કે સ્વાગત પ્રવચનમાં રજુ થયેલો વીચાર, ચાકડા ઉપર ચઢીને સુંદર આકાર ધારણા કરે.

નવસારીમાં યોજાનારું ગુજરાતી સાહીત્ય પરીષદનું અધીવેશન દુરવર્તી અસર પાડનારું બની રહે એવી શુભેચ્છા.

: શર્મન સુવાસ :

પટેલ જ્ઞાતીનાં એક બહેન, લૅસ્ટર–યુકેમાં રહેતાં બાળકોને શનીરવી ગુજરાતી શીખવે છે. ગુજરાતી માતાપીતાઓ પણ બાળકોને ગુજરાતી શીખવા મોકલે છે. કૅનેડામાં બી.એસ.સી.માં અભ્યાસ કરતી મારી ભત્રીજી ભલે ભાંગ્યુ–તુટ્યું પરંતુ ગુજરાતી વાંચે છે ખરી. સામાન્ય રીતે યુ.કે., કેનેડા કે અમેરીકામાં જ જન્મેલાં ગુજરાતી બાળકો એમના વડીલો સાથે ઘરમાં પણ અંગ્રેજીમાં જ વાતો કરે છે; પરંતુ એવા પણ કુટમ્બો છે જેમાં વડીલો ઘરમાં ગુજરાતી બોલવાનો જ આગ્રહ રાખે છે.

– સુરેશ દેસાઈ

તંત્રી, ‘પ્રીયમીત્ર’ સાપ્તાહીક,

તા 17 જુલાઈ, 2009ના નવસારીના ‘પ્રીયમીત્ર’ સાપ્તાહીકના સૌજન્યથી  સાભાર…..

સંપર્ક:

શ્રી સુરેશ દેસાઈ, તંત્રીશ્રી, ‘પ્રીયમીત્ર’ સાપ્તાહીક, દેસાઈ એન્ડ દેસાઈ ઈન્વેસ્ટમેન્ટસ, નવસારી હાઈ સ્કુલ શોપીંગ સેંટર, દુધીયા તળાવ, નવસારી – 396 445          Mobile-9824375241

e.mail: sdesai_priyamitra@yahoo.com

7 Comments

  1. હાલ રજીસ્ટ્રેશનની કર્યવાહી શરુ થઈ નથી. રજીસ્ટ્રેશનની કર્યવાહી શરુ થયેથી આ બ્લોગ ઉપર જાણ કરવામાં આવશે. વધુ વીગત માટે સાહીત્ય પરીષદના અધીવેશનના આયોજક શ્રી સતીશભાઈ પંડ્યાનો મોબાઈલ નં. 9328218514 તેમજ ફોન નં 02637 (ઓફીસ) 256899 (ઘર) 257234 અને 324764 ઉપર સંપર્ક કરવા વીનંતી છે.

   Like

 1. “સ્વાગત પ્રવચનમાં રજુ થયેલો વીચાર, ચાકડા ઉપર ચઢીને સુંદર આકાર ધારણા કરે.” અએવી ઘણી સુંદર રજુઆત અધિવેશન પહેલા જ આ લેખમાં કરી આયોજકોનુ ધ્યાન દોર્યુ અને અનેક પ્રશ્નો જે કદાચ વર્ષોથી ચર્ચાતા આવ્યા હશે તેની છણાવટ લેખમાં થઈ જેથી નવસારીના આ અધિવેશનના આયોજકો તે પ્રત્યે અત્યારથી સજાગ રહી કાર્ય કરી શકે જેથી દરેકને અધિવેશનો યોગ્ય લાભ મળી રહે……….આભાર

  Like

 2. ઘણી જ સાચી અને સારી રજૂઆત. અધિવેશન એક મેળાવડો હોય છે જેમાં આવું બધું જોવા મળે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s