આકાશવાણી

રોમેન્ટીક નામવાળી વર્જીન એરલાઈન્સના પ્લેનમાં લન્ડન છોડી હું અને મારી પત્ની ન્યુ જર્સી આવી રહ્યાં હતાં.

મારી પત્ની હંસાએ કહ્યું, ‘કોઈ ભગવાન પસન્દ કર.’

મેં પુછ્યું, ‘કાંઈ કારણ ?’

‘તેં જોયું નહીં ! લન્ડનમાં ટેલીફોન પર જવાબ આપતાં પહેલાં બધા ભગવાનનું નામ બોલે છે તે ?’

વાત એમ બની કે લન્ડનમાં હૉટલમાંથી મારી પત્ની હંસાએ મીના પન્ડ્યાને ફોન જોડ્યો. તે ‘હેલો’ બોલી અને પછી ફોન હેન્ગ અપ કરી દીધો. ‘રોંગ નમ્બર હતો; કોઈ મન્દીરમાં જોડાઈ ગયો હતો.’પછી મેં તે જ નમ્બર જોડ્યો. સામેથી સ્ત્રીનો અવાજ આવ્યો, ‘હરે રામ, હરે કૃષ્ણ.’

મેં પુછ્યું, ‘ઈઝ ધીઝ ટેમ્પલ ?’

પછીથી વાતો કરતાં ખબર પડી કે તે મીનાબહેન જ હતાં.

જ્યારે અમે કનુભાઈ ઋષીને ફોન કર્યો ત્યારે સામેથી જુની રંગભુમીના રાજાનો અવાજ આવ્યો : ‘શીવશમ્ભો.’

આપણને લાગે કે લાઈન સીધી કૈલાસમાં લાગી ગઈ કે શું !કનુભાઈ શીવશમ્ભો’ એટલું જોરથી બોલ્યા હતા કે સામેની વ્યક્તી ભડકીને ભાગી જાય.

મેં કહ્યું કે,‘જો આપ સ્વયં શમ્ભુ હો તો હું હરનીશ છું.’

આખી જીન્દગી મેં જ્યારે પણ ફોન ઉઠાવ્યો છે ત્યારે જાહેરાત કરી છે કે ‘હું હરનીશ જાની બોલું છું.’હવે આ લંડનનો અનુભવ તદ્દન નવો હતો. અમારા દશ દીવસના રહેવાસ દરમીયાન ‘જૅ સી કૃષ્ન’, ‘જય સ્વામીનારાયણ’, ‘જય અમ્બે’, ‘જય જલારામ’ વગેરે વગેરે સાંભળવા મળ્યું. સૌથી આશ્વર્યજનક ‘જય સન્ત દેવીદાસ’ સાંભળવા મળ્યું. ટેલીફોન ઉપરના આ ટાઈપના ‘ગ્રીટીંગ્સ’નું કારણ શું હોઈ શકે ? તેઓ પોતાના ભગવાનની જાહેરાત કરે છે, પોતાના ભગવાનનો પ્રચાર કરે છે; કારણ જે હોય તે પરંતુ વીચાર આવે છે એ લોકો અન્દરોઅન્દર અથડાતા હશે ત્યારે શું થતું હશે ?

‘જલારામ બાપાની જય. તમે સાંજે શું કરો છો ?’ ‘જય સ્વામીનારાયણ, આજે સાંજે સ્વામીનારાયણના મન્દીરમાં જવાના છીએ.’ ‘ઓહ ! તો તમે કશું ખાસ નથી કરતા, તો આવો આજે સાંજે.’

કદાચ એમ પણ બને કે ‘સન્તોષીમા’ના ગ્રીટીંગ્સવાળા ‘મેલડીમાતા’વાળા જોડે સમ્બન્ધ ન પણ રાખતા હોય.લન્ડનમાં પરધર્મીઓ આ લોકોને ફોન કરતાં હશે ત્યારે તેમની શી દશા થતી હશે ? ન્યુ જર્સીના વીષ્ણુભાઈ ન્યુ યોર્કના મહેશભાઈને ફોન કરે ત્યારે મહેશભાઈ ફોન ઉઠાવી બોલે, ‘હું મહેશ.’

સામેથી સંભળાય, ‘હું વીષ્ણુ.’

અન્તરીક્ષમાં ક્યાંક કોઈક બોલતું હશે કે, ‘હું બ્રહ્મા અહીં લટકું છું.’

શીવશમ્ભોવાળા કનુભાઈનાં પત્ની નલીનીભાભીએ અમને જણાવ્યું કે ‘કનુને ટેલી–માર્કેટીંગની નોકરીમાંથી‘શીવશમ્ભો’ના સંબોધનના આગ્રહને કારણે પાણીચું મળ્યું હતું. પોતે બોલતા હતા એટલે નહીં; પરન્તુ સામેવાળા પાસે બોલાવતા હતા તેથી.’

જ્યારે કનુભાઈને મળવાનું થયું ત્યારે તેમણે જણાવ્યું કે, ‘મારા ગુરુ માને છે કે આ રીતે આપણા અને સામાના મનમાં એક પવીત્ર વીચારની ફુંક મારી શકીએ છીએ.’

આ ગુરુ કોણ છે ?

‘હરનીશપુરાણ’માં એક વાર્તા છે કે એક ગરીબ બ્રાહ્મણે જંગલમાં જઈને ખુબ તપ કર્યું અને ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાન પ્રગટ થયા. ગરીબ બ્રાહ્મણને કહે, ‘માગ તારે જે માગવું હોય તે.’ ગરીબ બ્રાહ્મણ બોલ્યો, ‘પ્રભુ ગરીબીને કારણે મારી પત્ની મને ત્યજી ગઈ છે. મારો દીકરો મારું માનતો નથી. પ્રભુ, જીવનમાં ઘણી તકલીફો છે.’ પ્રભુ કહે- તારે ભવસાગર તરવો હોય તો ગોઠવણ કરી આપું, મોક્ષ જોઈતો હોય તેમાં નામ લખાવી દઉં; પરન્તુ બૈરીને પાછી બોલાવવા માટે તારે પન્ડીત, મહારાજ કે અજમેરીબાબાનો સમ્પર્ક સાધવો પડે.’

પછી પ્રભુએ આગળ ચલાવ્યું. ‘વાત એમ છે કે હું ભગવતગીતામાં લખવાનું ભુલી ગયો છું કે હું અને ગુરુ એક સાથે તને મળીએ તો તારે કોને પહેલાં પગે લાગવાનું. કોઈ ભોજપુરી ગુરુએ તે લખી દીધું કે,

‘ગુરુ ગોવીન્દ દોનોં ખડે, કીસકો લાગું પાય,

પહેલો લાગુ ગુરુ કો, જીસને ગોવીન્દ દીયો બતાય’

‘ગુરુ અને હું સાથે ઉભા હોઈએ ત્યારે મને પહેલાં પગે લાગવું જોઈએ. એમ જો ગુરુએ શીખવાડ્યું ન હોય તો તે ગુરુ કેવા ? સામાન્ય રીતે મારી અને ગુરુ વચ્ચે સમજુતી છે કે અમારે બેએ એક સાથે ક્યાંય જવું નહીં. આમેય અમે બન્ને સાથે ઉભા હોઈએ તો કલીયુગના લોકો ગુરુથી જ અંજાય છે અને ગુરુને હેલીકોપ્ટરમાં ફેરવે છે. આ બાબાએ અને મહારાજોએ લોકોને એવાં ગોગલ્સ પહેરાવ્યાં છે કે એમને બાબાઓ અને મહારાજો મારાથી મોટા દેખાય છે અથવા એમ કહીએ કે માત્ર એ લોકો જ દેખાય છે.

‘અને ટીવી પર તો ‘ટીવી ગુરુ’ઓનો વર્ગ ઉભો થયો છે. તમે મારા આશ્રમમાં નહીં આવો તો કાંઈ નહીં. હું તમારા ઘરમાં આવીશ. ગુરુની દયાનો પાર નથી ! આ ગુરુઓ હવે ટીવી પર ઝળકતા થઈ ગયા છે. ઈન્ટરનેટ દ્વારા દાન સ્વીકારે છે. ઈન્ટરનેટ દ્વારા આશીર્વાદ મોકલે છે. ટીવી પર દેખાવડા જુવાન ગુરુઓની માંગ વધારે છે. ગુરુ સ્ટુડીઓમાં બોલે અમે પાછળ ઓડીયન્સ બતાવીશું. ટુંકમાં ટીવી હવે મનોરંજનનું સાધન નથી રહ્યું. આ મારી માયા છે કે ગુરુની ! મને ખબર નથી.’

કલીયુગના ગરીબ બ્રાહ્મણે ભગવાન તરફ જોયું અને બોલ્યો, ‘ફરગેટ એબાઉટ ભવસાગર. તમારી પાસે પન્ડીત મહારાજનો ફોન નમ્બર છે ?’

ભગવાન કહે, ‘તે તો મોઢે છે. લખ 01144-176-176.’ બ્રાહ્મણે તે લખી લીધો. ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા.

એલેકઝાન્ડર ગ્રેહામ બેલ નાસ્તીક હશે. જેથી માળા ફેરવવાનો સમય બગાડીને આ ફોનની શોધ કરવા બેઠો અને ફોન શોધીને જેસીકુષ્ન’બોલવાની જગ્યાએ ‘હેલો’ બોલ્યો.

મારી પત્નીએ પાછું પુછ્યું, ‘કોઈ ભગવાન પસન્દ કર્યા ખરા?’ મેં કહ્યું ‘મને કોઈ ભગવાન માટે પક્ષપાત નથી. બધા ભગવાન પાવરફુલ લાગે છે.’ તો પત્ની કહે છે કે, ‘આપણે કોઈક નામ બોલવું જ પડશે.’

તો મેં કહ્યું કે, ‘મને ભગવાન કરતાં ઐશ્વર્યા રાયમાં વધુ શ્રદ્ધા છે અને મને ઐશ્વર્યા રાયનું નામ રટણ કરવાનું ગમે છે.’ તો પત્ની બોલી, – ‘ઓ.કે., એ નામ ચાલશે. ઈશ્વર અને ઐશ્વર્યા, સરખું જ થયું.’ પત્નીએ સ્વીકાર્યું, એ જ મારા માટે મોટી સીદ્ધી હતી !

ઘરે આવ્યા. કોઈકનો ફોન આવ્યો. શુભસ્ય શીઘ્રમ્. મેં ફોન ઉપાડી કહ્યું, ‘જય ઐશ્વર્યા રાય, હું હરનીશ બોલું છું.’સામેથી અવાજ આવ્યો, ‘ઐશ્વર્યા નહીં, જય કરીના કપુર – કરીના કપુર બોલો.’

હરનીશ જાની

(‘માણસ ભલે ગુજરાતમાંથી નીકળી જાય; પરન્તુ માણસમાંથી ગુજરાત નીકળતું નથી’ એમ કહેનાર હાસ્યલેખક હરનીશ જાની ગુજરાતમાં જનમ્યા, મોટા થયા, નોકરી કર્યા પછી છેલ્લાં 40 વર્ષોથી અમેરીકામાં સ્થાયી થયા છે. પ્લાસ્ટીક ઈજનેરની લાંબી નોકરી પછી હાલ નીવૃત્ત છે.) તેમના હાસ્યરચના સંગ્રહ ‘સુશીલા’ (પ્રકાશકહર્ષપ્રકાશન, 403–ઓમ દર્શન ફ્લૅટ્સ, 7મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે, અમદાવાદ–380 007, પ્રથમ આવૃત્તી2009, પૃષ્ઠ સંખ્યા20+128, મુલ્ય રુપીયા100)ના પાન ક્રમાંક54પરથી, લેખકન પુર્વ પરવાનગી અને સૌજન્યથી સાભાર…

સમ્પર્ક:

Harnish Jani

4, Pleasant Drive, YARDVILLE, NJ-08620-USA

Phone: 609-585-0861 Cell: 608-507-7102

E-mail: harnish5@yahoo.com

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/

આ હાસ્ય નીબન્ધ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ..

આભાર..

ગોવીન્દ મારુ નવસારી

November 26, 2009

22 Comments

  1. Oh to be in England……

    And then to be an Indian, a Gujarati, a Kathiawadi or a Charotarwala or Mehsanvi, Surti are all signs of not been able to leave nostalgia.

    When we overdo tresspasing in foreign country’s culture and try to dump our usages, the conflicts begin. Some call it racism.

    Its really high time that we really become globally suiting individuals.

    Chinese, Japanese are far better then we Indians in this field and worst are our 2 neigbhors…..!

    Like

  2. આ હાસ્યલેખ ખુબ ગમ્યો. ખડખડાટ હસાવે એવો લેખ માનનીય શ્રી હરનીશભાઈ લખતા હશે એની ખબર ન હતી. ખુબ ખુબ ધન્યવાદ હરનીશભાઈને તથા આ લેખ અહીં ઉપલબ્ધ કરાવવા બદલ આપને પણ ગોવિંદભાઈ.

    Like

  3. વાહ… હરનીશભાઇ.
    ગોવિંદભાઇ, થેન્ક્યુ. મઝા આવી ગઇ.

    Like

  4. હાહાહા…..
    હરનીશભાઇ નો સરસ હાસ્યલેખ.
    ગોવિંદભાઇ આભાર. મઝા આવી ગઇ.

    Like

  5. કાકાની દલીલ ખોટી નૉ’તી! કોઈ ને “જય શ્રી ક્રુષ્ણ” ,”જય જીનેન્દ્ર”, “જય સ્વામીનારાયણ”, “હરી હોમ” ,”હરે ક્રીષ્ણા” કહેવામા શુ વાધો છે? હવે તો અમેરીકન પણ કહે છે!
    કાકા એમના અમેરીકાના પ્રવાસે હરીભાઈને ત્યા ઉતરેલ ત્યારે ઘરના બધા શોપીન્ગમા ગયેલ, કાકા ઘરે એકલા હતા ત્યારે પડોસી અમેરીકને ડોર બેલ વગાડ્યો, હરીભાઈના નેબર હુડમા એકબીજાના ઘરેથી વસ્તુઓ ઉછીની લેવાનો રીવાજ,
    અમેરીકન પડોસીનુ Lawn mower દશેરાના દિવસેજ ઘોડુ ના ચાલે તેમ lawn બરાબર ઉગી હોય ત્યારે જ ના ચાલે, એટલે ચાલુ કરવાના ઘણા પ્રયત્નો પછી
    Lawn mower ઉછીનુ લેવાના આઈડીયાથી હરીભાઈનો ડોર બેલ વગાડ્યો અને
    કાકાએ બારણુ ખોલ્યુ તો અજાણી વ્ય્ક્તી ને જોઈને અમેરીકનને નવાઈ લાગી અને
    પુછ્યુ ” Hari home?” કાકા એ જવાબમા સામેથી કહ્યુ.., ” હરી હોમ!”

    હર્નીશભાઈ You are my kind of man! Congratulations!

    મહેન્દ્ર શાહ.

    Like

  6. કટાક્ષ અને વ્યંગપૂર્ણ સરસ હાસ્ય લેખ વાંચવાની મજા પડી.

    હરનિશભાઇને અભિનંદન આભાર આપનો, ગોવિંદભાઇ.

    Like

  7. ગોવિંદભાઈ, તમારી વાર્તા ખરેખર માંઝ્ઝા પમાડી ગઈ…લોકોને ભગવાનનું ભૂત કેટલે અંશે વળગું છે તેનું સુંદર નિરૂપણ કરી આપ્યું છે.રજૂઆત રસપ્રદ લાગી..ખુબ ખુબ આભાર..તમારી વાર્તાઓનો સંગ્રહ પી ડી એફ ફાઈલ માં મોકલશો તો આભારી થઈશ.

    Like

  8. હરનીશભાઈને ધન્યવાદ અને ગોવિંદભાઈનો આભાર. હરનીશભાઈના હાસ્યની જય !

    Like

  9. અંધશ્રધ્ધાના કીલ્લાની તો વાત જ થાય એવી નથી,
    મુશ્કેલી આપણે …. ભારતમાં મહાન માણસોને ૧૦૦ ટકા સ્વીકારી લઇએ છીએ,
    પણ ભલે થોડા તો થોડા ગોવીન્દભાઇ , ગુલાબભાઇ ભેડા જેવા પણ છે તેને પણ આનંદની વાત માનવી રહી,
    હરનિશભાઇનો લેખ તે રીતે સરસ અને અર્થપુર્ણ છે,
    બળવંત

    Like

  10. કટાક્ષ અને વ્યંગપૂર્ણ સરસ હાસ્ય લેખ…….

    Like

  11. મારા ક્લાયન્ટોમાં તો ઘણી જાતના લોકો છે. તેથી રોજ કોઈને જય સ્વામી નારાયણ, જય જીનેન્દ્ર, હરિ ૐ, જય કૃપાળુ મા, જય સાંઈનાથ, જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, સલામ આલેકુમ, નમસ્કાર અને … એમ જાત જાતનું અભિવાદન કરતો રહું છું. જેને જે ગમે તેને પુજે – આપણે તો ગ્રાહક સચવાવો જોઈએ. આમ જોવા જાવ તો ભગવાનમાં તો ભાગ્યેજ કોઈકને રસ હોય છે, બાકી મોટા ભાગના તો પ્રસાદીયા ભગત છે. જેવો દેશ તેવો વેશ. બાકી થોડા સમય માં હરનિશભાઈએ કહ્યું તેમ હિરોઈનોને યાદ કરવાનું પણ શરુ થઈ જાય. અને વળી કોઈ કટ્ટરવાદીઓ જય ઓસામા તો વળી અમેરીકનો જય ઓબામા શરુ કરેઓ તો ય કાઈ નવાઈ નહીં

    Like

  12. I m thankful to you all, those who are happy to read my essay-and thank you to Govindbhai- You all are very kind.

    Like

  13. મુ. ગોવિંદભાઈ

    હરનીશભાઈ ની હમેશા જ્ઞાન સાથે જ ગમ્મત હોય છે.

    મને આ લેખ ની પીડીએફ મારા પર મોકલશો.

    કિરીટ કાપડિયા

    Like

  14. જોરદાર અને ધારદાર હાસ્ય. હરનિશભાઇ અહર્નિશ લખતા રહો.

    Like

  15. Congrats for the writeup. Continue, I am enjoying and learning a lot from your material. Thanks.

    Like

  16. WHA..GURU GOVIND and BHAGWAN HARNISH.
    IT is now a problem to me, to WHOM I should BOW FIRST, when you both are present here.

    I have marked ALWAYS GURU START IN THE NAME OF BHAGWAN AND WHEN HE SEES HIS BLIND FOLLOWERS ARE TOTALLY BLIND HE PUT BACK HIS BHAGWAN AND HE BECOME BHAGWAN BECAUSE NOT HE BUT HIS FOLLOWERS ARE CONSIDERING HIM BHAGWAN, THAN WHY NOT HE CAPTURE THE POST ALLOTTED TO HIM…

    BEAWARE HARNISHBHAI……GURU GOVIND IS AFTER YOU…..

    Like

  17. “गुरु गोविंद दोऊ खडे काको लागु पाय
    बलीहारी गुरु आपकी, गोविंद दियो बताय”

    ગુરુને વધુમાં વધુ માન આપવાની ગુરુઓ દ્વારા પ્રચ્છન્ન રીતે પ્રયાસ હોય છે.

    મધ્યયુગની શરુઆતથી ભક્તિમાર્ગ સાથે ગુરુભક્તિનો પણ ઉદય થયો લાગે છે. શિખધર્મમાં તે ચરમસીમા ઉપર લાગે છે. ગુરુનો મહિમા અપાર છે.

    જેઓ બ્રહ્મજ્ઞાન સમજવાની પહોંચ ધરાવતા નથી, અને તેમની મુસ્લિમ ધર્મ અંગિકાર કરવાની શક્યતા બને તેટલી નાબુદ કરવા માટે અને તેમને હિંદુ ધર્મમાં પકડી રાખવા માટે ગુરુભક્તિનો ઉદય થયો છે.

    ઘણા લોકો (ગુરુઓ) ભગવાન થવા માગતા નથી તેથી તેમને પોતા માટે ગુરુ થવું વધુ યોગ્ય લાગ્યું. હાલમાં પણ ઘણા ગુરુઓ છે અને ભગવાનો પણ છે. રજનીશ પણ કોઇ અગમ્ય કારણસર ભગવાન રજનીશમાંથી ઑશો રજનીશમાં પરિવર્તિત થયેલા. “ગુરુ” પણ થઇ શકત પણ તેઓ પોતાની જાતને “ઈંટરનેશનલ” સમજતા હોવાથી કદાચ તેમને “ઑશો” શબ્દ હસ્તગત કરવો પસંદ પડ્યો.

    દેશી અને વિદેશી ગુરુઓનું લેવલ લગભગ સરખું હોય છે અને તેઓ સૌ કોઇ પોતાને સર્વજ્ઞ માનતા હોય છે, તેથી બહુ હરખશોક કરવાની જરુર નથી. તેમની તાકત વિશાળ છે અને તેમાંના કેટલાકના કરતુતો પણ ગુન્હાહિત હોય છે. પણ જ્યારે તેઓ છીંડે ચડે ત્યારે તેમને “હો હા હો હો હા હો” કરી લપેટમાં લેવા અને કાયદેસરની કાર્યવાહી કરવી. આથી વિશેષ સુજ્ઞજનો કંઇ કરી શકે તેમ નથી એ વાત પણ તેમણે (સુજ્ઞ જનોએ) સમજવી જોઇએ.

    ઘણી વસ્તુઓ નિરર્થક અને અપ્રમાણ હોય છે અને તેને આપણે ચલાવી લઇએ છીએ. કેટલાક સેવાભાવીઓ દંડો લઇને પાછળ પણ પડતા હોય છે અને આ લડત લાંબી અને આત્મીય જનો સાથે હોય છે અને તેથી તેમની (સેવાભાવીઓ) પાછળ પણ વૃદ્ધત્વ દંડો લઇને પડે છે.

    જ્યાંસુધી સમાજમાં અનિશ્ચિતતા હશે ત્યાં સુધી ગુરુઓનું પ્રભૂત્વ રહેશે. યોગ્ય એ છે કે સમાજને યોગ્ય નેતાગીરી મળે.

    shirish dave

    Like

Leave a comment