વીજ્ઞાન અને આધ્યાત્મવાદ

અરવીંદવાદીઓ, થીઓસોફીસ્ટો, રામકૃષ્ણ મીશનના સ્વામીઓ, મહેશયોગીઓ વગેરે આધ્યાત્મવાદના સમર્થનમાં વીજ્ઞાનના જ્ઞાનનો બહોળો ઉપયોગ કરવા લગ્યા છે. આ સંદર્ભમાં આઈન્સ્ટાઈને જાહેરમાં નીવેદન બહાર પાડેલું કે, ‘પાદરીઓ ઈશ્વરના અસ્તીત્વના પ્રમાણરુપે મારી થીયરી ઓફ રીલેટીવીટીને ટાંકે છે તે ઉચીત નથી, મારી થીયરી ઓફ રીલેટીવીટી અને ઈશ્વરના અસ્તીત્વને કશો પણ સંબંધ નથી.’

એ જ પ્રમાણે ક્વોન્ટમ વીજ્ઞાનના અચોક્કસતાના નીયમનો (Principle of Uncertainty) સગવડીયો અર્થ તારવવામાં આવે છે કે, ‘વીજ્ઞાનની મર્યાદા છે જ્યાંથી વીજ્ઞાનનો અંત આવે છે, ત્યાંથી આધ્યાત્મવાદનો પ્રારંભ થાય છે. દૃષ્ટા,  દૃષ્ટી અને દૃષ્ય એક જ છે, ઈતી ઈતી.’

ઈલેક્ટ્રોનનું સ્થાન અને ગતી બંને એકીસાથે ચોક્કસપણે જાણી શકાતા નથી. જો ચોક્કસ સ્થાન મળે તો તે જ ક્ષણે તેની ગતી ચોક્ક્સપણે મળી શકતી નથી અને ચોક્કસ ગતીની માપણી કરવામાં આવે તો તેનું ચોક્કસ સ્થાન કળી શકાતું નથી. ઈલેક્ટોનનું સ્થાન શોધવા માટે તેને પ્રકાશીત કરવું પડે. પ્રકાશના કીરણોની તરંગલંબાઈ (wavelength) ઈલેકટ્રોનના વ્યાસ કરતાં હજારોગણી મોટી છે, એટલે ઈલેક્ટ્રોન પ્રકાશના કીરણોની ઝપટમાં આવતું નથી. મોટા છીદ્રોવાળી ચાળણીમાંથી નાના કાંકરાઓ ચળાઈ જાય તેમ ઈલેક્ટ્રોન પ્રકાશના કીરણોમાંથી પસાર થઈ જાય છે, પકડાતા નથી. અર્થાત્ તેનું ચોક્કસ સ્થાન મુકરર થઈ શકતું નથી. જો અત્યંત નાની તરંગલંબાઈના કીરણોનો મારો ઈલેકટ્રોન પર કરવામાં આવે તો ઈલેક્ટ્રોનની ગતી, નાની તરંગલંબાઈના કીરણોની પ્રચંડ શક્તીથી સ્થાન મળે છે, પણ તે જ ક્ષણે તેની અસલ ગતી શી હતી, તે  ચોક્કસપણે માપી શકાતી નથી.

આ મર્યાદા વીજ્ઞાનની નથી, પણ કુદરતે જ આ મર્યાદા લાદેલ છે. કારણ કે ઈલેક્ટોનનો વ્યાસ જે છે તે છે. પ્રકાશની તરંગલંબાઈ જે છે તે છે. તેમાં ઘટાડો કે વધારો થઈ શકે તેમ નથી. તો શું વીજ્ઞાનીઓએ હાથ જોડીને બેસી રહેવું ? નાજી, તેમણે Statistical Probability ના ગણીત આધારીત એક ગણીતી-સમીકરણ શોધ્યું કે જેનાથી તેઓ ઈલેક્ટ્રોનના સ્થાન અને ગતી સોએ સો ટકા ચોક્કસ તો નહીં, પણ લગભગ ચોક્કસપણે જાણી શકે છે. આવા કામચલાઉ ગણીતી સમીકરણની સહાયની વીજ્ઞાનીઓએ બસો જેટલા મુળભુત કણોની આગાહી કરી અને તેમની પ્રાયોગીક ધોરણે ભાળ પણ મેળવી અને છતાં થીયરી ઓફ રીલેટીવીટી અને ક્વોન્ટમ વીજ્ઞાન અંતીમ સત્ય છે, એવો દાવો વીજ્ઞાન કરતું નથી. હજારો પ્રયોગો એક થીયરીને સીદ્ધ ભલે કરતા હોય, પણ તેમાં એકાદ અપવાદ હાથ લાગે તો તે અપવાદ તે થીયરીનો છેદ ઉડાડવા માટે બસ છે. વીજ્ઞાનીઓ થીયરી ઓફ રીલેટીવીટી કે ક્વોન્ટમ વીજ્ઞાનમાં નાનો સરખો અપવાદ શોધવાના પ્રયાસો કરી રહ્યા છે અને તેમને આવો અપવાદ કુદરતની પ્રયોગશાળામાં હાથ લાધશે, ત્યારે આ થીયરીઓનો છેદ ઉડાડવામાં તેઓ જરા પણ ખચકાશે નહીં. કારણ કે વીજ્ઞાન તેમના માટે બાહ્યજગતની ગતીવીધી સમજવા માટેનું સાધન છે. ફીલસુફીની ભાષામાં કહીએ તો Matter is Primary,  અને  Mind યાને વીચારવીશ્વ અથવા મનોવ્યાપાર Matter પર આધારીત છે.

અર્થાત્ વીજ્ઞાનનો પાયો જ Materialism યાને ભૌતીકવાદ છે. ભૌતીકવાદના વીરોધમાં આધ્યાત્મવાદીઓ વીજ્ઞાનનો ઉપયોગ કરે છે, ત્યારે તેમણે વીજ્ઞાનનું અવળું કે સગવડીયું અર્થઘટન કરવું પડે છે. દૃષ્ટા, દૃષ્ટી અને દૃષ્ય એક છે- એ આવા અવળા અર્થઘટનનું દૃષ્ટાંત છે. આર્થર એડીંગ્ટન, જેમ્સ જીન્સ, પોલ ડેવીસ, કાપ્રા જેવા પ્રખર વીજ્ઞાનીઓ આધ્યાત્મવાદની તરફણ કરે છે, ત્યારે તેઓ પણ વીજ્ઞાનનો અવળો અર્થ કરે છે, કરવો પડે છે, એટલે જ તો હું તેમને વીજ્ઞાની સાધુબાવાઓ કહું છું.

-આર. કે. મહેતા

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.18/11/1992ના રોજ પ્રકાશીત થયેલ ચર્ચાપત્ર …

‘ગુજરાતમીત્ર’ તેમજ આર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રકાશન સમીતીના સૌજન્યથી સાભાર..

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.com/

15 Comments

 1. 457 01 BHAUTIK-VAAD ANE ADHYAA-TMA-VAAD Side A Download
  458 02 BHAUTIK-VAAD ANE ADHYAA-TMA-VAAD Side B Download

  Above (2)lectures by Swami Sachchidanandji Maharaj will throw some light on VIGNYAAN & ADHYAA-TMA-VAAD.

  Pl. go to http://www.Sachchidanandji.org Click lectures, Click search, find numbers 457 & 458 and Click to listen.

  Like

 2. ભારતના મૂર્ધાન્યોમાં જ નહીં પણ વિદેશોમાં અને તે પણ પાશ્ચાત્ય વિકસિત દેશોમાં પણ વત્તે ઓછે અંશે બે ફેશનો પ્રચલિત છે. એક છે વહેમ જે ખાસ કરીને સુચારુ ભવિષ્ય અને આર્થિક ઉન્નતિ માટે છે. વાસ્તુશાસ્ત્ર, ફેંગસુયી, જાતજાતની સુશોભનની રમકડા ટાઇપ કે બીજી કોઇ કૃતિઓ જેવી કે માછલીઓ,મોઢામાં ચલણી સીક્કા વાળા દેડકા, લાફીંગ બુદ્ધ, નજર ન લાગે તે માટે આંખનો ડોળો, મનીવેલ, ગુડલક પ્લાન્ટ, ઇજીપ્તનું બનાવટી મમી, પ્રવેશદ્વારે ગણેશ કે બે રાક્ષસના ડોકા વિગેરે વિગેરે કોઇ અન્ત નથી. આ ઉપરાંત જાતજાતના નંગોવાળી વીંટીઓ તો ખરીજ.

  જેમ કોંપ્યુટરમાં શોર્ટ કટ હોય છે તેમ જીવનને સુખસમૃદ્ધ બનાવવા માટે આવા શોર્ટકટ ચલાવવામાં આવે છે.
  તમારે તમારા મગજને કે મનને સુધારવુ છે. તો તેને માટે પુસ્તકો વાંચવાની અને આત્મખોજ કરવાની કે એવી કોઇ મહેનત કે શારીરિક કે બૌધિક શ્રમની જરુર નથી. તમે “યોગા કરો”, “આર્ટ ઓફ લીવીંગના ક્લાસ જોઈન કરો.”
  તમારે સ્વભાવ બદલવો છે? તો અમૂક રીતે તમારા અક્ષરોના વળાંકો કેળવો. જેમ અક્ષરના વળાંકો અને સ્ટાઇલ થી માણસનું મન પારખી શકાય છે તેમ અક્ષરોની સ્ટાઇલ બદલવાથી મનની સ્ટાઇલ પણ બદલાશે. જેમ ધુમાડો છે તો અગ્નિ હશે કારણ કે અગ્નિ હોય તો ધુમાડો થશે.

  ચમતકૃતિઃ ઘટાદાર વૃક્ષો વાંદરા ખેંચી લાવે છે માટે આપણે વાંદરા ખેંચી લાવો તો ઘટાદાર વૃક્ષો આપોઆપ ફૂટી નિકળશે. વૃક્ષોની રોપણી અને પછીની માવજત અને ઉછેરી માવજતનો શ્રમકરવાની શી જરુર છે?

  આતો બધી ખાધેપીધે સુખી પણ માનસિકરીતે અસંતુષ્ટ માણસોની ફેશનની વાત થઇ.
  પણ આવામાણસો અસ્તિત્વ ધરાવતા હોય તો તેમની ઉપર નભતા જીવો ઉત્પન્ન ન થાય એવું કોણે કીધું? ઈશ્વર કંઇ એવો નગુણો નથી.

  “લોભસ્ય તુ મૂર્ખાણાં પાખંડ્ડયાઃ અજાયતઃ” અને ગુજરાતીમાં કહેવત છે કે લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. ઓછી મહેનત એ પણ એક લોભ છે.

  બીજી ફેશન છે બાપુઓમાં. બાપુઓ બે જાતના હોય છે. પોતાને મૉડર્ન માને તેવા. અને બીજા પરંપરાવાદી. બન્નેને ઠીક ઠીક બહોળો અનુયાયી વર્ગ અથવા અને શ્રોતા ગણ હોય છે. પરંપરાવાદીઓ સામાન્યરીતે ભક્તિમાર્ગી અને નિરુપદ્રવી હોય છે. જોકે આશારામ જેવા કેટલાક અપવાદ હોઇ શકે. પણ તમે તેમને સાંભળીને મુસ્કરાઇ શકો છો. ગુસ્સે થવાની જરુર નથી. તેઓ ભલે ગુસ્સો કરે.

  પહેલા પ્રકારના પોતાને જ્ઞાનમાર્ગી કહેડાવે છે. એમાં તમે રજનીશને ગણી શકો. તમે એવુ ખચિત સમજશો કે જ્ઞાનને તર્ક સાથે સંબંધ છે માટે આવા બાવાઓ તર્કબદ્ધ દલીલો (શંકરાચાર્યની જેમ) કરીને પોતાની વાત સમજાવતા હશે. જો તમે આવું માનતા હો તો તમે ખાંડ ખાઓ છો. રજનીશ તમને તર્ક કરીને સમજાવશે કે તર્ક એક ફોગટની વાત છે. કારણકે તર્ક એ માહિતિ ઉપર આધાર રાખે છે અને જેમ વધુ માહિતિ તેમ તમે ખોટી વાતને પણ સાચી ઠેરવી શકો. માટે તર્ક ત્યાજ્ય છે. તર્ક એક જાતની હિંસા છે. “સાધ્યં ઇતિ સિદ્ધં”.
  હવે આનો સૌથી મોટો ફાયદો બાવાજીને એ છે કે તેઓ જે બોલવું હોય તે બોલી શકે અને જે તારવવું હોય તે તારવી શકે. વળી તેઓ સર્વજ્ઞ છે તે તેમાં અભિપ્રેત છે.
  રજનીશે કહ્યું “શક્તિ અવિનાશી છે. તેનો કદી નાશ થતો નથી. સ્પંદન એ એક શક્તિ છે. શ્રીકૃષ્ણે વૃન્દાવનમાં બંસરીના સુરો રેલાવ્યા. એ સ્પંદનો નાશપામ્યા નથી. વિજ્ઞાન હજી એવા ઉપકરણો શોધી શક્યું નથી. પણ જ્યારે વિજ્ઞાનદ્વારા એવા શક્તિશાળી સંવેદનશીલ ઉપરણ શોધી કઢાશે ત્યારે તે બંસરીના સૂરો સાંભળી શકશે. મારા મિત્ર વાડીભાઈ પટેલ કહેછે કે રજનીશ તેમના આશ્રમમાં ક્યારેક તો પાદ્યા હશે જ. તે અવાજ પણ ભવિષ્યમાં સાંભળી શકાશે.
  ફિલમના હીરો અને હિરોઈન જેમને માનાર્થે હિરાભાઇ અને હિરીબેન કહેવું ઠીક રહેશે. તેઓને જાતજાતના પાત્રોના રોલ ભજવવા પડે. રામપુરમાંથી રામપ્રસાદજી છત્રપતિ શિવાજી ટર્મીનસ ઉપર ઉતરે ત્યાથી વાર્તાની શરુઆત થાય. ગામડાની ગોરી ઘણી માસુમીયત વાળી હોય અને ગ્રામ્ય લઢણ વાળી ભાષા બોલતી હોય. આવું કંઈક તો ગ્રામ્ય પ્રેક્ષકગણ માટે સામેલ કરવું પડે જેથી ગ્રામ્યપ્રેક્ષકવર્ગ તાદાત્મ્ય સાધી શકે.
  હવે આજ હિરાભાઇ અને હિરીબેનના કોઇ ટીવી શોમાં મુલાકાત ગોઠવાય અને એંકર સાથે પ્રશ્નોત્તરી થાય ત્યારે જે ભાષાની ફિલ્મો થકી તેમને ખ્યાતિ મળી હોય હોય તેને કંઇક અંશે અવગણી, “અમે કંઈ જેવાતેવા નથી” એમ ગર્ભિતરીતના સૂચન અર્થે અંગ્રેજી શબ્દોનો ઠીક ઠીક ઉપયોગ કરે એટલે કે વર્ણસંકર અંગ્રેજીમાં ફાડે. “એન્ડા..(and)” એ તેમનો માનીતો શબ્દ છે. મોડર્ન બાવાઓમાં પણ આ લક્ષણ વ્યાપક છે. અંગ્રેજી અને ફીઝીકસમાં રહેલા જ્ઞાનથી તેઓ વંચિત નથી અને પોતાનું કહેવું અવૈજ્ઞાનિક નથી એ વાત ઉપર તેઓ ભાર મૂકવા માગતા હોય છે. જોકે તેમનું અંગ્રેજી હિરાભાઇઓ અને હિરીબેનો કરતાં ઘણૂં સારુ હોય છે. પણ ફિઝીક્સવાતો કરે ત્યારે રજનીશની જેમ દાળમાં કોળૂં જાય છે.અને તેમની અદાઓ કંઈક અંશે હિરાભાઇઓને મળતી આવે છે. અને ભાષાના શબ્દો થકી થતી રમતો વરવી લાગે છે.
  તાજેતરમાં રજનીશથી અભિભૂત થયેલા એક મૂર્ધન્યશ્રી એ વાત કરી કે રજનીશની વાતમાં કેટલું ઉંડાણ છે. “માણસ મરતી સમયે જીવવાના વિચારો કરે છે. અને જીવતા સમયે મરવાના વિચારો કરે છે… આ કેવો વિસંવાદ …? વાત છે ભાઇ રજનીશની એટલે ઉદાહરણ પણ પાશ્ચાત્ય ભુમિકાવાળું હોય. અને તે એક્ટરની અદાની વાત જે આ વાતની પરિપેક્ષ્યતામાં આપઘાત કરવાનો અભિનય કરતો હોય છે. અહો રુપં અહો ધ્વનિ.
  કદાચ આ વિસંવાદ નથી પણ દ્વંદ્વ છે. માણસના મનમાં બે આયામો વાળી વાતો જ નહીં અનેક આયામો વાળી વાતો હોય છે. આ વાતમાં કશું અસાધારણ નથી. હવે આ વાતને ઉલ્ટાવીએ તો કેવું થશે?
  માણસ મરતી વખતે મરવાના વિચારો કરે છે. અને જીવતી વખતે જીવવાના વિચારો કરે છે. એટલે કે મરતી વખતે મૃત્યુથી ડરતો નથી પણ તેને તાબે થાય છે. અને જુઓ જે જીવતો હોય તે વખતે જીવવાનું વિચારે છે તે કેવો શ્રેષ્ઠ મેનેજર થાય છે. દરેક સફળ મનુષ્યની પાછળ આ સત્ય છૂપાયેલું હોય છે. વિશ્વામિત્રે રામને આજ વાત કરી કે જેનું મનોબળ દ્રઢ છે તે ગ્રહોની ગતિને ગણકારતો નથી. અને ગ્રહોને પોતાના લાકડીના પ્રહારોથી ફંગોળે છે.(હવે અમે રહ્યા દેશી તેથી દેશી ઉદાહરણ આપ્યું)
  રજનીશની બીજી વાત: એક માણસે કોયલના (કે કાગડાનાના) માળામાંથી બે બચ્ચા પકડી લીધા. તેને પાંજરામાં પૂરી દીધા. તેને એમ કે કોયલના મીઠા બોલ સાંભળવા મળશે. પણ પછી બચ્ચા બોલ્યા “કૉ… કૉ… કૉ..”. એટલે તેણે તેમને છોડી દીધા. બોલવાથી મૂક્તિ મળે છે. (તાત્પર્ય મૂક્તિમાટે મૌન જરુરી નથી. મૌનથી બંધનમાં પડાય છે.)

  સંસ્કૃતમાં આનાથી જરાજુદું લખ્યું છે.
  આત્મનઃ મુખદોષેણ બદ્ધ્યન્તે સુકસારિકા, બકાસ્તત્ર ન બધ્યન્તે, મૌનં સર્વાર્થ સાધનં
  પોતાની વાણીથી પોપટ અને મેના (પાંજરામાં) બંધનમાં આવે છે. બગલાને કોઇ બાંધતું નથી. માટે મૌન રહેવું સારું.
  તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ કોઇએક ઉદાહરણ ઉપરથી વૈશ્વિક નિર્ણય ન તારવી શકાય. તેને માટે પંચ તંત્રની વાતો રજનીશ આગળ મેદાનમારી જાય છે. અને બાવાજીની દશા અતો ભ્રષ્ટઃ તતો ભ્રષ્ટઃ જેવી થાય છે.
  ઘણાને મોરારી બાપુને મળતું માન પસંદ પડતું નથી. પણ અગાઉ કહ્યું તેમ તે નિરુપદ્રવી છે. અને તેમનું વાચન સાધારણ તો નથી જ. તેમને મેં એક વખત (ટીવીમાં કોઇ ચેનલ ઉપર) ગણપતિજીને લગતી ઋચાઓ અર્થસભર રીતે, મોઢે જ બોલતા સાંભળેલા. તે ઉપરથી લાગે છે કે આ માણસ નાખી દેવા જેવો કે સામાન્ય કોટીનો કે સમાજનું અહિત કરનારો નથી જ નથી.

  દરેક વસ્તુ તરંગ અને કણ બંને છે. ફ્રાન્સના લ્યુઇસ દ બ્ર્ગોગ્લી એ આ વાત પ્રતિપાદિત કરેલી. પ્રકાશને સામાન્યરીતે તરંગ માનવામાં આવતો હતો. પણ ફોટો એલેક્ટ્રિક ઇફેક્ટમાં તેનું અસ્તિત્વ કણ તરિકે પ્રતિપાદિત થયું તેથી વેવીકલ થીએરીનો જન્મ થયો. આ વાત ઇલેક્ટ્રોનને પણ લાગુ પડે છે. પ્રકાશના કિરણોની તરંગ લંબાઇ એલેક્ટ્રોનના વ્યાસ કરતાં હજારો ગણી વધારે છે તે કારણથી જ આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરિ શકતા નથી તે વાત બરાબર નથી. પણ દરેક બાબતના પરિમાણમાં એક અનિશ્ચિતતા હોય છે તેને શ્રોડીન્જરે અનસર્ટેઇન્ટી પ્રીન્સીપલ તારવેલો. અને તે અનસર્ટેઇન્ટીટી દરેક કોન્સ્ટન્ટની વેલ્યુ ઉપર આધાર રાખે છે. અને આવા અનેક કોન્સ્ટન્ટો છે. સ્ટીફન હોકીન્સે અનંત વિશ્વોના અસ્તિત્વની કલ્પના કરી છે જેમાં આ કોન્સ્ટ્ન્ટોની અલગ અલગ પોસીબલ વેલ્યુ હોય.
  આપણું વિશ્વ એક એવું વિશ્વ છે જેમાં એવી ઓપ્ટીમમ વેલ્યુ આવી જેથી વિશ્વ જેવું છે તેવું થયું. જો કોન્સ્ટન્ટોની વેલ્યુમાં થોડોક પણ ફેર હોત તો પરમાણુઓ અને અણુઓ બન્યા ન હોત.
  પણ અંતિમ ખોજ એ રીલેટીવીટી નથી. પણ યુનીફાઈડ થીયેરીની છે જે હજી શોધવાની બાકી છે. આપણે ફક્ત ચાર (ક્ષ, ય, ઝેડ અને ટી જ્યાં ટી એ સમયનું પરિમાણ છે) પરિમાણોને જાણીએ છીએ વાસ્તવમાં તે ૨૨+૪ પરિમાણો છે. આ વાત બહુ ચર્ચા અને જગ્યા માગી લે છે. પણ શંકરાચાર્યની થીયેરી પ્રમાણે દરેક પરમ કણ તત્વ એ સજીવ છે. અને વિશ્વ પણ સજીવ છે જે અગમ્ય બ્રહ્મમાંથી મેટર-એનર્જીની ડ્યુઆલીટીમાં ઉત્પન્ન થયું. અને કારણ કે તે સજીવ છે તેથી આપણે સૌ જીજીવિશાવાળા છીએ. ભૌતિકશાસ્ત્રીઓ આ પરમ તત્વ ને શોધી રહ્યા છે. અને તેઓ માને છે કે આ વિશ્વ સજીવ છે. પણ કેવી રીતે તે છેતે જાણવાની કોશીસ ચાલુ છે. આઈનન્સ્ટાઇને પણ કહેલું કે આ સજીવ સૃષ્ટિ પ્રોબેબીલીટીના સિદ્ધાન્ત પ્રમાણે થઇ નથી.

  Like

 3. શ્રી આર. કે. મહેતાનો લેખ ઉપલબ્ધ કરવા બદલ ગોવિંદભાઇનો ખૂબ ખૂબ આભાર.

  ભાષા અને વિષય બંને અઘરા છે. પણ એટલું જરૂર છે કે, ઇશ્વરના અસ્તિત્વ બાબતે વિજ્ઞાનીઓ સમર્થન આપે છે- એવા કાઢેલા તારણો સાચા નથી; એમ શ્રી આર.કે.મહેતા કહે છે.

  હું તો એવું કહુ છુ કે, વિજ્ઞાનીઓ કહે કે ઇશ્વર છે – ત્યારે જ સ્વીકારવું એવું તો હોઇ ના શકે. ઇશ્વરના અસ્તિત્વને સ્વીકારીને કોઇકની સત્તા સ્વીકારીને માનવી અહમ્ વગરનો તો બને છે. જેના પણ ઘણાં લાભો છે. માત્ર વ્યક્તિગત નહી સામાજિક પણ ખરા. અલબત્ત વિજ્ઞાનીઓના તારણો એ વૈજ્ઞાનિક બાબત છે. તે અંગે બે-મત હોઇ ના શકે.

  આ લેખ પરની કોમેન્‍ટમાં શ્રી શિરીષભાઇ દવે, એ જે ચર્ચા છેડી છે, તે અદભૂત છે.

  ગોવિંદભાઇ મારુએ તા.૨૪/૧/૧૦ ના રોજ મૂકેલી પોસ્ટ ઉપર શિરીષભાઇએ એના એ જ દિવસે એટલે કે તા.૨૪/૧/૧૦ ના દિવસે જ આટલી સમૃધ્ધ માહિતી પૂરી પાડી છે. આ ઇન્સ્ટન્ટ છે. જે શિરીષભાઇનું વિશાળ વાંચન છતુ કરવા ઉપરાંત તેમના વિચારપૂર્ણ મનનું ચોક્ખુ દર્શન કરાવી જાય છે. શિરીષભાઇને આપીએ તેટલા અભિનંદન ઓછા પડે એમ છે.

  શિરીષભાઇ તેમના જ્ઞાનનો લાભ એક બ્લોગ બનાવીને આવા લખાણોને મઠારીને ચોક્કસ દિશા આપીને રજૂ કરવો જોઇએ. અને જ્યાં પણ સંદર્ભને અનુરૂપ બાબત હોય ત્યાં પોતાના જે તે લેખ કે નિબંધની લીન્‍ક આપવી જોઇએ. જેથી બ્લોગ પરનું સુવ્યવસ્થિત લખાણ વાંચકોને ઉપલબ્ધ થાય. – શિરીષભાઇ, પાસે બધુ જ છે. બસ એક બ્લોગ શરૂ કરે – તેમના પોતાના જ લખાણોનો; તો વાંચકોને ઘણો લાભ મળશે.

  માણસ જીવે ત્યારે મૃત્યુની અને મરવાનું આવે ત્યારે જીવવાની વિચારણા કરે – તે બાબતની એક કવિતાપૂર્ણ રજુઆત.
  http://wp.me/pdMeq-2i મૃત્યુને જીવન માં ફેરવી દઉં.

  Like

 4. શિરીષભાઇ તેમના જ્ઞાનનો લાભ એક બ્લોગ બનાવીને આવા લખાણોને મઠારીને ચોક્કસ દિશા આપીને રજૂ કરવો જોઇએ. અને જ્યાં પણ સંદર્ભને અનુરૂપ બાબત હોય ત્યાં પોતાના જે તે લેખ કે નિબંધની લીન્‍ક આપવી જોઇએ. જેથી બ્લોગ પરનું સુવ્યવસ્થિત લખાણ વાંચકોને ઉપલબ્ધ થાય. – શિરીષભાઇ, પાસે બધુ જ છે. બસ એક બ્લોગ શરૂ કરે – તેમના પોતાના જ લખાણોનો; તો વાંચકોને ઘણો લાભ મળશે.

  Like

 5. સામાન્ય રીતે વિજ્ઞાનને સમજવા માટે સુક્ષ્મ બુદ્ધિની તથા પ્રયોગોઅને અવલોકનનોની જરૂર રહે છે જ્યારે અધ્યાત્મ મહદઅંશે શ્રદ્ધા સાથે સંકળાયેલ છે. એવી કોઈ પણ વ્યક્તિ નથી કે જેમાં વધતાં ઓછા અંશે બુદ્ધિ અને શ્રદ્ધા ન હોય. હવે જેનામાં જેટલા પ્રમાણમાં બુદ્ધિ હોય તેટલા પ્રમાણમાં વિજ્ઞાનને સમજી અને સમજાવી શકે તે જ રીતે જેટલા પ્રમાણમાં શ્રદ્ધા અને સાધના હોય તેટલા પ્રમાણમાં અધ્યાત્મને સમજી અને સમજાવી શકે. જ્યાં સુધી રામકૃષ્ણ મીશનના સંન્યાસીઓને લાગે વળગે છે ત્યાં સુધી તેમાંના મોટા ભાગના સારી રીતે શિક્ષિત સંન્યાસીઓ હોય છે કે જેઓ અભ્યાસુ અને સારી બૌદ્ધિક યોગ્યતા ધરાવતા હોય છે વળી, તેઓ સન્યાસી થયા છે તે જ દર્શાવે છે કે તેઓ શ્રદ્ધાળું પણ છે. તો જેનામાં શ્રદ્ધા અને બુદ્ધિનો સમન્વય હોય તે વિજ્ઞાન અને અધ્યાત્મનો સમન્વય જરૂર કરી શકે. તેવી જ રીતે કોઈ વૈજ્ઞાનિક શ્રદ્ધાળું હોય તો તે સંશોધન કરતા કરતા પણ ઈશ્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા ધરાવી શકે. તેથી કોણે શું કરવું તે સહુ કોઈએ પોતાની મેળે નક્કી કરવાનું હોય છે. હા, લોકોએ તેમની વાત માનવી કે ન માનવી તે માટે લોકો સ્વતંત્ર હોય છે.

  Like

 6. આધ્યાત્મ અને વિજ્ઞાન જુદા ન હોઇ શકે. વિનોબા ભાવે કંઈક અંશે આવું માનતા હતા. અને તે વિશ્વનીય પણ છે. શ્રદ્ધાને બુદ્ધિથી અલગ કરવી અને આધ્યાત્મને શ્રદ્ધા સાથે જોડવી તે બરાબર નથી. નારાયણભાઇના એક પ્રવચનમાં મેં સાંભળેલ કે દરેક બાબતને બુદ્ધિથી ચકાશો. અને તે પછી બુદ્ધિ જે નિર્ણય લો તેના ઉપર શ્રદ્ધા રાખો. તેમણે વાપરેલા શબ્દો યોગ્ય જ છે. અને તેથી શ્રદ્ધાને બુદ્ધિથી અલગ કરીને ન સ્વિકારાય.

  આવું કરીએ એટલે જોકે ઘણા ગુંચવાડા ઉભા થાય. જેમકે આપણા મોટાભાગના ક્રિયા કર્મો બુદ્ધિગમ્ય ન હોય. ગાંધીજીએ આ બાબતમાં કહ્યું છે કે તેવે વખતે તે બાબતોમાં તેની ઉપયોગિતા જોવી. અને તેથી જ્યારે બુદ્ધિદ્વારા થતી ચકાસણીથી ગુંચવાડો એટલે કે મન અને બુદ્ધિ વચ્ચે વિસંવાદ થાય ત્યારે આપણે આનંદ અને નુકશાનના પ્રમાણને આધારે નિર્ણય લેવો.

  દાખલા તરીકે મૂર્તિપૂજા. ઈશ્વર તો નિરાકાર છે અથવા અગમ્ય છે. છતાં આપણે ભાવપૂર્વક તેની પૂજા કરીએ છીએ. આ જે ઈશ્વરની મૂર્તિ છે તે પ્રતિકાત્મક છે.

  આ જે શિવલિંગછે તે વિશ્વમૂર્તિ શિવનું પ્રતિક છે. વિશ્વમાં બધા ઉત્પત્તિ, જીવન અને લયને પામે છે. આપણા શરીરના મોટાભાગની ક્રિયાઓ આપણા આધિપત્યની બહાર છે. આપણે રક્તકણોને કે શ્વેત કણોને આદેશ આપી શકતા નથી.તેમજ એવા ઘણા કણો અને રસાયણો છે જેમાં આપણો કશો જ ફાળો નથી અને તેઓ જ્યારે જરુર પડે ત્યારે ઉત્પન્ન થાય છે અને તે બધાની વચ્ચે સંવાદો થાય (આપણને ખબર પણ નથી કે તેઓ સંવાદ કરે છે કે નહીં અને કરે છે તો કેવી રીતે કરે છે) અને જ્યાં જરુર છે ત્યાં જઇ પહોંચે છે અને પોતાની ફરજ બજાવે છે. આટલું બધું સીલેટીવ રીતે કોણ કરે છે. આપણે તો કરતા નથી જ. જો બધા પરમ કણો જડ છે તો તેઓ થકી બનતા પરમાણુઓ, અણુઓ, ડીએનએ-ઓ, આરએનએ-ઓ બધું જ જડ જ હોય. પરમ કણો એવા તે કેવા અને એવી તે કેવીરીતે સીલેક્ટીવલી રીતે એકબીજા સાથે જોડાણો કરે છે કે જેથી તેઓ એકબીજાના પૂરક બને. તો તારવણી એજ નિકળે કે મનુષ્યથી ઉપર એવું કોઇ છે જે આપણે ન સમજ્યા હોઇએ તેવા હેતુથી આ બધું કરે છે. અને તે વિશ્વ જ હોઈ શકે.

  અને આ વિશ્વ જ બધાની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ કરે છે. તેથી વિશ્વરુપે આ સામુહિક જીવને આપણે અહોભાવથી જોઇએ છીએ. અને તેના પ્રતિક રુપે શિવલીંગની પૂજા કરીએ છીએ અને આનંદ અનુભવીએ છીએ. ત્રિમૂર્તિ શિવ (ભવ શર્વ અને રુદ્ર) પણ એક પ્રતિક છે. જો સૂર્ય ચંદ્ર અને અગ્નિ હોય તો જ આપણે જોઇ શકીએ. તેથી શિવ ત્રીનેત્ર છે. બીજા બધાજ પ્રતિકોની વાતો કરી શકાય.

  વિશ્વ અને પરમકણ (અત્યારે પરમકણ માટે બે થીયેરી છે. સુપર સ્ટ્રીંગ અથવા એ-કણ)
  અને તેના આંતરજોડાણોથી થતા પરિબળો. પણ આ સુપરસ્ટ્રીંગ ૨૨+૪=૨૬ પરિમાણોમાં જીવે છે. અને આ ૨૬ પરિમાણોના ગણિત થકી યુનીફાઈડ થીયેરી વિશ્વ એક જ તત્વનું બનેલું છે તે સિદ્ધ કરી શકાય છે. પણ પ્રાયોગિકરીતે બધું ઘણું બાકી છે અને રહેશે.

  તેથી જ કહ્યું છે કે હે વિશ્વમૂર્તિ શિવ અમારા પરમ સામુહિક જ્ઞાનરુપી સરસ્વતિ દેવી પણ સદાકાળ તારા વિષે લખ્યા કરે તો પણ તારી વાત પૂરી થાય તેમ નથી.

  ટૂકમાં બ્રહ્માણ્ડના તત્વજ્ઞાનને રસપ્રદ બનાવવા ગીતાની રચના કરવામાં આવી જેને વિષે એવું કહેવાય છે કે શ્રીકૃષ્ણએ ઉપનિષદરુપી ગાયને દોહીને તે માખણરુપી (સ્વાદિષ્ટ) ગીતા બનાવી. આ બધું પ્રતિકાત્મક છે અને તે વેદ ઉપનિષત અને જૂના પૂરાણોમાં છૂટું છવાયું પડેલું છે.

  ઇતિહાસ અને તત્વજ્ઞાનને લોકભોગ્ય સ્વરુપમાં રીતે કેવી રજુ કરી શકાય તે આપણે આપણા પૂર્વજો પાસેથી શિખવાનું છે.

  Like

  1. જે બાબત બુદ્ધિ સ્વીકારી ચુકી છે તે તો વિશ્વાસ થઈ ગયો. જે બાબતમાં બુદ્ધિ અવઢવમાં છે અને જુદા જુદા વિકલ્પોને આધારે જેના બળે કોઈ એક કામચલાઉ નિર્ણય તે લે છે તે બળ શ્રદ્ધાનું છે. બુદ્ધિએ કરેલ આ નિર્ણય આખરી નથી હોતો અને સમય અને અનુભવને આધારે તેમાં ફેરફાર થતાં રહે છે.

   Like

 7. પ્રવીણભાઇ ઠક્કર્શ્રીએ મારી ઠીક ઠીક પ્રશંસા કરી છે. ઈશ્વર કરે કે જેથી હું સાચે સાચ એવો બની શકું. શુભેચ્છા તરીકે સ્વિકારી લઉ છું. સહ્રુદય પૂર્વકનો આભાર.

  Like

  1. પ્રવીણભાઈ એ જે આપની પ્રશંસા કરી છે તેને મારો પણ ટેકો છે. મારો પણ એવો મત છે કે આપે એક બ્લોગ બનાવવો જોઈએ. જો આપ બ્લોગ બનાવશો તો તે વાંચવા માટે પહેલ વહેલો હું આવીશ.

   Like

 8. આપે આર. કે.મેહ્તાનો લેખ અમારા જેવા બ્લોગર મિત્રોના વાચનના લાભાર્થે રજૂ કર્યો અને પ્રતિભાવો મળ્યા તેમાં ભાઈ શિરીષ દવેના પ્રતિભાવે વાચકોની પ્રશંસા મેળવી તેમાં હું પણ સામેલ થઉં છું. શ્રી શિરીષભાઈ આપ આપનો બ્લોગ જરૂર શરૂ કરો અને અમારા જવાં અધુરા અને ધાર્મિક્તા/આધ્યાત્મિકતાના કાંઠે ઉભી છબછબીયાં કરનારના માર્ગ દર્શક બનો તેવી હાર્દિક વિનંતિ કરું છું.
  શ્રી ગોવિંદભાઈએ આર.કે.મહેતાના લેખ બ્લોગ ઉપર રજૂ કરી શિરીષભાઈ જેવી વ્યક્તિનો પરિચય અનાયાસે કરાવી દીધો જે મારા જેવા અનેક બ્લોગર મિત્રો માટે આશીર્વાદ રૂપ બની રહેશે !
  આવજો ! મળતા રહીશું !
  સ-સ્નેહ
  અરવિંદ

  Like

 9. પ્રવીણભાઇ, અતુલભાઇ, અરવિંદભાઇ સર્વે ના બ્લોગ વિષેના સૂચનને માનપૂર્વક આવકારું છું. પણ મારા ખ્યાલ પ્રમાણે તેમાં એક શરત એવી છે કે રોજ કંઈ લખવું પડે. અને તે મારા માટે થોડું મુશ્કેલ છે. હાલમાં કેટલાક વખતથી એક સોલીસીટર ફર્મનું કોમ્પ્યુટરાઇઝેશનમાટેનું સ્કોપ ઓફ વર્કનું અને તેમના ડૉક્યુમેન્ટસના ક્લાસિફિકેશનનું કામકરું છું તેથી ઠીક ઠીક સમય ફાળવવો મુશ્કેલ છે. પણ જો રોજ લખવું જરુરી ન હોય તો મને ગાઈડ કરશો તો આભારી થઇશ.

  Like

  1. ના તેમાં રોજે રોજ લખવું જરૂરી નથી. આપને જ્યારે અનુકુળતા હોય ત્યારે લખી શકો છો. આપ જલદી બ્લોગ શરુ કરો.

   Like

 10. ‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાંતા.18/11/1992ના રોજ પ્રકાશીત થયેલ ચર્ચાપત્ર …તથા
  ‘ગુજરાતમીત્ર’ તેમજ આર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રકાશન સમીતીના સૌજન્યથી
  શ્રી ગોવિંદભાઇ મારુએ મુકેલી પોસ્ટ
  ‘‘અભિવ્યક્તિ ’’માં વ્યક્ત થયેલ શ્રી આર. કે. મહેતાની અભિવ્યક્તિ પરત્વે એક પ્રતિભાવ –

  શ્રી આર.કે. મહેતાના ઉપરના લેખમાં જણાવ્‍યા મુજબઃ- ઈલેક્ટ્રોન પર અત્યંત નાની તરંગલંબાઈના કિરણોનો મારો કર્યા પછી ઈલેક્ટ્રોનનું સ્થાન પ્રાપ્‍ત થઇ શકે છે. પરંતુ તે જ ક્ષણે ઇલેક્ટ્રોનની મૂળ ગતિને માપવાનું પાછુ શક્ય બનતું નથી. આ મર્યાદા વિજ્ઞાનની નથી, પણ કુદરતે જ આ મર્યાદા લાદેલ છે.

  આવો, મર્યાદાવાળી આ વાતની આપણે મૂલવણી કરવાનો પ્રયાસ કરીએઃ-

  વિચારવા જેવો મૂદ્દોઃ- આ મર્યાદા કોની?

  શ્રી આર.કે. મહેતા સાહેબના મત મુજબઃ- ‘‘આ મર્યાદા વીજ્ઞાનની નથી, પણ કુદરતે જ આ મર્યાદા લાદેલ છે.’’

  વિચારવા જેવો મૂદ્દોઃ- આપણી આંખોની નજરથી પારદર્શક કાચની પાછળની વસ્તુ જોઇ શકીએ છીએ. પરંતુ આપણી આંખોની નજર દ્વારા ચામડીની પાર જઇને આપણે આપણા હાડકાં જોઇ શકતા નથી. આ મર્યાદાને કુદરતની મર્યાદા જ કહીશું ને? X-ray ની મદદથી કુદરતે મૂકેલી આ મર્યાદાને વિજ્ઞાને દૂર કરીને આપણી આ નજર મારફત જ આપણાં હાડકાંને જોઇ શકીએ છીએ. જે વિજ્ઞાને શક્ય બનાવ્‍યું છે. તેનો અર્થ થાય કે, જે કંઇ મર્યાદાઓ છે તે બધાને દૂર કરવાની શક્યતાઓ પણ કુદરતે રાખેલી જ છે. એટલે જે કોઇ મર્યાદા(ઓ) છે તે કુદરતની નહીં; પણ તે બધી મર્યાદાઓ તો જે તે સમયે પ્રવર્તતા વિજ્ઞાનની કહેવાય.

  તે બાબતને બીજી રીતે કહી શકાયઃ- હજુ વિજ્ઞાને તે દિશામાં શોધ કરવાની બાકી છે. એટલે કે આજે વિજ્ઞાનને હજુ ઘણી મર્યાદાઓ છે. ભવિષ્‍યમાં કુદરતના રહસ્યરૂપી પડદાને ઉચકીને વિજ્ઞાન ઘણી ઘણી મર્યાદાઓ દૂર કરી શકશે. આથી, મર્યાદા કુદરતની નહીં પણ વિજ્ઞાનની છે.

  શ્રી આર.કે.મહેતા સાહેબે નોંધેલી વાતના અંશોઃ-
   આઇન્સ્ટાઇન ના કહેવા મુજબઃ- ‘પાદરીઓ ઈશ્વરના અસ્તીત્વના પ્રમાણરુપે મારી થીયરી ઓફ રીલેટીવીટીને ટાંકે છે તે ઉચીત નથી, મારી થીયરી ઓફ રીલેટીવીટી અને ઈશ્વરના અસ્તીત્વને કશો પણ સંબંધ નથી.’
   Matter is Primary. (સાદી ગુજરાતી ભાષામાઃ-દ્રવ્ય અથવા પદાર્થ મૂળભૂત-પાયાની બાબત છે.)
   Mind યાને વિચારવિશ્વ અથવા મનોવ્યાપાર Matter પર આધારીત છે. (સાદી ગુજરાતી ભાષામાઃ-વિચાર વિશ્વ પણ દ્રવ્ય અથવા પદાર્થ ઉપર જ આધારીત છે.)
   ભૌતિકવાદના વિરોધમાં આધ્યાત્મવાદીઓ વિજ્ઞાનનો ઉપયોગ કરે છે.
   આર્થર એડીંગ્ટન, જેમ્સ જીન્સ, પોલ ડેવીસ, કાપ્રા જેવા પ્રખર વીજ્ઞાનીઓ આધ્યાત્મવાદની તરફેણ કરે છે –
   ત્યારે, તેઓ પણ વિજ્ઞાનનો અવળો અર્થ કરે છે- કરવો પડે છે. એટલે જ તો હું (શ્રી આર.કે.મહેતા) તેમને વીજ્ઞાની સાધુબાવાઓ કહું છું.

  વિચારવા જેવો મૂદ્દોઃ- ઉપરના ઉલ્લેખો સહીતના શ્રી આર.કે.મહેતાના ઉપરના લેખનો એકંદર સાર શો છે?

  સાર શોધવાનો એક નમ્ર પ્રયાસઃ –

  આઇન્સ્ટાઇને ઇશ્વર વિષે અલબત્ત કોઇ શોધ નથી કરી. બીજા શબ્દોમાં, આઇન્સ્ટાઇનની થીયરી ઓફ રીલેટીવીટીને ઇશ્વર સાથે કોઇ સંબંધ નથી. અને તેથી જ આધ્યાત્મવાદના સમર્થનમાં પાદરીઓ(પાદરીઓ ઉપર ભાર મૂકવામાં આવે)એ જ્યારે આઇન્સ્ટાઇનની થીયરી ઓફ રીલેટીવીટીનો ઉપયોગ કરેલો ત્‍યારે, આઇન્સ્ટાઇને તેના સંદર્ભમાં કરેલી આ સ્પષ્‍ટતાઃ-થીયરી ઓફ રીલેટીવીટી અને ઇશ્વરના અસ્તિત્વને કશો સંબંધ નથી; તે બાબત સ્વીકારવી રહી – તે અંગે બે-મત હોઇ ના શકે.

  પરંતુઃ-

  આર્થર એડીંગ્ટન, જેમ્સ જીન્સ, પોલ ડેવીસ, કાપ્રા જેવા પ્રખર વિજ્ઞાનીઓએ(..પ્રખર વિજ્ઞાનીઓ ઉપર ભાર મૂકવામાં આવે)આધ્યાત્મવાદની તરફેણ કરી ત્યારે આઇન્સ્ટાઇને તે વિષે કોઇ અભિપ્રાય આપ્‍યાની વાત શ્રી આર.કે. મહેતાએ કરી નથી.

  માટે ગેરસમજ કરવાની જરૂર નથી કેઃ-

  આર્થર એડીંગ્ટન, જેમ્સ જીન્સ, પોલ ડેવીસ, કાપ્રા જેવા પ્રખર વિજ્ઞાનીઓ કે જેઓ આધ્‍યાત્મવાદના સમર્થક છે, તેઓ ખોટા હોવાનું કે ઠેરવવાનું કોઇ તારણ કે કારણ શ્રી આર.કે. મહેતાએ રજુ કરેલું છે.

  વિશેષઃ-

  આધ્યાત્મવાદીઓ અને વિજ્ઞાનીઓ બંનેની એક-બીજાથી વિરોધી હોવા બાબતનો અછડતો ઉલ્લેખ શ્રી આર.કે.મહેતાના ઉપરના લેખામાં છે.

  સાથે સાથે, શ્રી આર. કે. મહેતાએ જ નોંધ્યું છે તેમ આધ્યાત્મવાદીઓ અને વિજ્ઞાનીઓમાં સામાન્ય (common) બાબત છે કેઃ-

  આધ્યાત્મવાદીઓ ભૌતિકવાદના વિરોધમાં વિજ્ઞાનનો ઉપયોગ(હ્રાસ) કરે છે –

  એ જ રીતેઃ-

  પ્રખર વિજ્ઞાનીઓ પણ આધ્યાત્મવાદની તરફેણમાં વિજ્ઞાનનો ઉપયોગ (હ્રાસ) કરે છે.

  તો પછીઃ-

  શ્રી આર.કે.મહેતાના (અંગત) અભિપ્રાય મુજબઃ- પ્રખર વિજ્ઞાનીઓને વિજ્ઞાની સાધુબાવા કહેવાનું તાર્કીક રીતે જોતાં (ભાર મૂકવામાં આવે) કેટલે અંશે યોગ્ય કહી શકાય?

  શ્રી આર.કે. મહેતાના ઉપરના લેખમાંથી નીચે મુજબનો નીચોડ નીકળે છેઃ-

  (૧) પ્રખર વિજ્ઞાનીઓ, કે જેઓ, તર્કસંગત ના હોય તેવી કોઇ બાબત સ્વીકારતા હોતા નથી; તેઓ પણ આધ્યાત્મવાદને સમર્થન આપે છે. શ્રી આર.કે.મહેતાએ નોંધ્યા મુજબ તો આવા વિજ્ઞાનીઓ વિજ્ઞાનનો અવળો અર્થ કરીને પણ આધ્યાત્મવાદને સમર્થન આપે છે.

  (ર) આધ્યાત્મવાદીઓ તો આધ્યાત્મવાદને સમર્થન આપે જ છે. જે કોઇ વિચારણાની બાબત નથી. આવા આધ્યાત્મવાદીઓ આઇન્સ્ટાઇનની થીયરીનો હવાલો આપીને આધ્યાત્મની વાત કરે છે.

  (૩) મારી દૃષ્‍ટિએઃ- આર.કે. મહેતાના ચર્ચાપત્રમાં રજુ થયા મુજબ આધ્યાત્મવાદને આધ્‍યાત્મવાદીઓ તથા પ્રખર વિજ્ઞાનીઓ પણ સમર્થન આપે છે. તો પછી આધ્યાત્મને બાકીના બધા સમર્થન આપે તે યોગ્ય જ ગણવું રહ્યુ ને?
  શ્રધ્ધા-વિશ્વાસ પરના વિચારો માટે Pl. visit: http://wp.me/pdMeq-2O

  નમ્રતા સાથેની સ્પષ્‍ટતાઃ

  શ્રી આર.કે.મહેતાનો ઉલ્લેખ તેમણતે દર્શાવેલા મુદ્દાને લીધે છે. શ્રી આર.કે. મહેતાના વ્યક્તિગત વિરોધ તરીકે આ બાબતને ન જોવા માટે વિનંતી. પ્રખર વિજ્ઞાનીઓને વિજ્ઞાની સાધુબાવા તરીકે ગણવાનો અભિપ્રાય ઘડવા માટેની શ્રી મહેતાની સ્વતંત્રને પડકારવાનો કોઇ જ ઇરાદો નથી. શ્રી મહેતા તો દેવ થઇ ગયા. તેમનો આભાર માનવો જોઇએ કે, આવી બાબતમાં વિચારણા કરવા માટે તેમના લેખથી દિશા મળી છે. તેમનો લેખ લખવા માટે તેમણે લીધેલા એ શ્રમને બિરદાવીને તેમને શ્રધ્ધાંજલી સાથે પ્રણામ કે જેનાથી વિચારવા માટેની એક દિશા તે પરમ સદગત આત્માએ આપણને બધાને પૂરી પાડી છે.

  Like

  1. બ્લોગરમીત્રો- શ્રી શીરીષભાઈ, પ્રવીણભાઈ, અતુલભાઈ, અરવીંદભાઇ અને નટવરભાઈના વીતંડાવાદ વીનાના પ્રતીભાવ/સુચનોથી પ્રભાવીત થયો. સૌનો આભાર ..
   હું અઠવાડીયે એક જ પોષ્ટ રજુ કરું છું. તે મુજબ સમયના અભાવે અઠવાડીયે કે દશ દીવસે એકાદ પોષ્ટ સાથે શ્રી શીરીષભાઈ પોતાનો બ્લોગ શરુ કરે તેવી હાર્દીક વીનંતી છે.
   -ગોવીન્દ મારુ

   Like

 11. ઇતિહાસ અને તત્વજ્ઞાનને લોકભોગ્ય સ્વરુપમાં રીતે કેવી રજુ કરી શકાય તે આપણે આપણા પૂર્વજો પાસેથી શિખવાનું છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s