અંધશ્રદ્ધાનું અંધારું પેઢી દર પેઢી વીસ્તરતું જાય છે

અંધશ્રદ્ધાનું અંધારું પેઢી દર પેઢી વીસ્તરતું જાય છે

ઘણીવાર વીચાર આવે છે, એ કયું પરીબળ હશે જે માણસને હોમ-હવન, પુજા-પાઠ, વ્રત-ઉપવાસ જેવાં કર્મકાંડો તરફ દોરી જાય છે ? અશીક્ષીતોનું તો સમજ્યા પણ ડોક્ટરો, વકીલો, પ્રૉફેસરો, એંજીનીયરો, સાહીત્યકારો અરે ! કેટલાક વીજ્ઞાનીઓ સુધ્ધાં કર્મકાંડો કે ગુરુ-બાબાઓમાં અતુટ શ્રદ્ધા રાખે છે. એનો ખેદ વ્યક્ત કરીએ તો લોકો લખનારા પર ‘નાસ્તીક કે પાપી’ જેવાં વીશેષણો ઠોકી દે છે !

આ લખનારે ઘરમાં આજપર્યંત સત્યનારાયણની કથા, પુજા કે યજ્ઞો કરાવ્યાં નથી. ઉપવાસો કર્યાં નથી. રામકથા સાંભળી નથી. કાશી-મથુરા કે હરદ્વાર ગયો નથી. છતાં એકંદરે સુખી છું. બીજી તરફ જેઓ એ બધામાં રચ્યાપચ્યાં રહે છે, છતાં તરેહ તરેહનાં દુ:ખોમાં રીબાતાં જોવા મળે છે. એવી સેંકડો ઘટનાઓનો ઝીણવટથી અભ્યાસ કર્યા પછી એવું સમજાય છે કે સુખ-શાંતીનાં મુળીયાં તો ક્યાંક બીજે છે – કર્મકાંડોમાં નથી. પણ જેમને એ માર્ગે પરમ શાંતી મળે છે, તેમનો મેં કદી વીરોધ કર્યો નથી. શક્ય છે ક્યાંક મારું તારણ ખોટું હોય… આપણી જાણ બહારનું કોઈ અકળ કારણ ભાગ ભજવતું હોય. સ્વ. કવી શ્રી રમેશ પારેખની પંક્તીમાં કહું તો- એમ ના કહેવાય કે વરસાદ ના પડ્યો….. કહો કે આપણે ના પલળ્યાં…..!’

ખગોળશાસ્ત્રીઓ બ્રહ્માંડમાં નવા તારા, નક્ષત્રો કે ગ્રહો શોધે છે. સ્વર્ગ-નર્કના ઈલાકા તેમના દુરબીનમાં ક્યાંય દેખાયાં નથી. ધર્મગુરુઓએ પઢાવેલા મોક્ષના પાઠ માણસને એવા કંઠસ્થ થઈ ગયા કે ગાય હતી જ નહીં અને માણસ જીવનભર ખાલી ખુંટાને ઘાસ નીરતો રહ્યો ! એક હાથમાં તપેલી અને બીજા હાથમાં ઘાસ….. દુધનું ટીપુંય મળતું નથી પણ કર્મકાંડો વગર માણસને ચાલતું નથી.

વર્ષો પુર્વેનો એક પ્રસંગ યાદ આવે છે. એકવાર અમીતાભ બચ્ચન અને વીનોદ ખન્નાની ફીલ્મ ‘મુકદ્દરકા સીકંદર’ જોવા અમે ગયાં હતાં. સાથે નાનો બાબો હતો. એ અમીતાભ બચ્ચનને ઓળખતો થયો હતો પણ વીનોદ ખન્નાનો એને ઝાઝો પરીચય ન હતો. એની પ્રશ્નોત્ત્તરી શરુ થઈ. ‘પપ્પા, અમીતાભ બચ્ચન સીકંદર છે તો મુકદ્દર કોણ છે?’ મેં ભોળા ભાવે સાચો જવાબ આપ્યો- ‘બેટા, મુકદ્દર કોઈ માણસ નથી. મુકદ્દર એટલે નસીબ- ભાગ્ય !’ પણ એના મનનું સમાધાન ના થયું. એણે પ્રશ્નોત્ત્તરી ચાલુ રાખી. બીજા પ્રેક્ષકો પણ ડીસ્ટર્બ થતાં હતાં. મને લાગ્યું કે આ અઢી ફુટનો અમીતાભ સૌની ઐસીતૈસી કરી નાખે તે પહેલાં એને ચુપ કરવો જરુરી છે. તેથી મેં વીનોદ ખન્નાને બતાવીને કહ્યું- ‘આનું નામ મુકદ્દર…..!’ એના મનનું સમાધાન થઈ ગયું. પણ બહુ મોટી ઉંમરનો થયો ત્યાં સુધી એ વીનોદ ખન્નાને મુકદ્દર સમજતો રહ્યો હતો.

માણસને પણ ધર્મગુરુઓએ કેટલાક ખોટા જવાબો ગળથુથીમાં ઘુંટાવ્યા છે. દીકરો સમજણો થયા પછી સત્ય સમજી શકે; પણ માણસ ડૉક્ટર, વકીલ કે એન્જીનીયર થાય તો પણ પેલાં ધાર્મીક અસત્યોને ફગાવવા તૈયાર નથી. કર્મકાંડોથી મુકદ્દર નથી બદલી શકાતાં. છતાં તે તરેહ તરેહના કર્મકાંડો કર્યે રાખે છે. લગ્ન ન થતાં હોય તો લોકો અખબારોમાં  જાહેરાત આપવાને બદલે બ્રાહ્મણોને ખેરાત કરે છે. કોઈને બાળક ન થતાં હોય તો ગાયનેકોલૉજીસ્ટને બદલે પામીસ્ટને મળે છે. વરસાદ ન પડે (અથવા અમીતાભ બચ્ચન બીમાર પડે) તો આખો દેશ યજ્ઞો કે પુજાપાઠ કરાવે છે. ધંધો ના ચાલતો હોય તો ગુરુવાર કરે છે. એ યાદ રાખવું પડશે કે વ્રત કરો પણ જીભ પર ઈમાનદારીનું સત ના હોય તો મુશ્કેલી ઉભી થાય. કોઈ યુવાન ઉપવાસમાં એક ટાઈમ અન્નનો ત્યાગ કરે. પણ દીવસમાં ગુટકાની ચોવીસ પડીકી આરોગી જાય ત્યારે સમજવું કે એ અમૃત ત્યજીને ઝેર પીવાની ભુલ કરે છે. (ભુલ પણ કેવી…? અન્નનો અપરીગ્રહ અને વ્યસનનો વ્યાસંગ…!) મળસ્કે ઉઠીને અગીયાર વાર માળા ફેરવો પછી ગલ્લા પર બેસીને બાવીસ ગ્રાહકોને લુંટો તો બચી ન શકાય. આજનો કહેવાતો ધર્મ માણસને અનીતીથી બચાવે એવી ઢાલ બની રહેવાને બદલે પાપને પોષતી દીવાલ બની ગયો છે.

મોરારીબાપુની ચેતવણી અવગણવા જેવી નથી. ‘બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે.’ રોજ માળા કરો પણ વ્યવહારમાં કર્મ કાળાં કરો તો બચી ના શકો. કર્મકાંડોથી નહીં, (થઈ શકવાનું હોય તો) સદ્દકર્મોથી જ માણસનું કલ્યાણ થઈ શકે છે. સ્વર્ગ–નર્ક હોય કે ન હોય; પણ માનવતા અને સૌજન્યપુર્ણ વર્તાવ જેવું સ્વર્ગ બીજું એકે નથી. સુખી થવા માટે ધર્મગ્રંથો કરતાંય માણસનાં મન વાંચવાની વીશેષ જરુર છે. યાદ રહે સુખશાંતી મંદીરમાંથી નહી; મનમાંથી પ્રગટે છે. રોજ મળસ્કે ઉઠીને ગીતાના ચાર અધ્યાય વાંચતો માણસ કોકની મીલકત પચાવી પાડવા કાવાદાવા કરે તો કૃષ્ણ રાજી ન થાય બલકે હાલત કૌરવો જેવી થાય. કોક નાસ્તીક મંદીરે ન જાય પણ ઝુંપડપટ્ટીમાં જઈને ભુખ્યાં બાળકોને અન્ન કે વસ્ત્રો પુરાં પાડતો હોય તો સંભવત: ઈશ્વર એને ખુદ પુછે- ‘બતા તેરી રઝા ક્યા હૈ ?’

તાત્પર્ય એટલું જ – ધર્મ એટલે ઘીનો દીવો, અગરબત્ત્તી કે નારીયેળ નહીં. ધર્મ એટલે ફરજ, પ્રામાણીકતા, માનવતા, ઈમાનદારી અને દુ:ખીઓનાં આંસુ લુછવાની ભાવના. સ્વામી વીવેકાનંદે કહેલું- ‘ઈશ્વર સામે જોડાતા બે હાથ કરતાં દુ:ખીઓનાં આંસુ લુછવા આગળ વધતો એક હાથ વધુ ઉપયોગી છે !’ ખરી વાત એટલી જ, કોઈ પણ ધર્મ પાળો પણ માનવધર્મને અગ્રક્રમે રાખો. ધર્મને નામે અધર્મની આરતી ના ઉતારો. પથ્થરની મુર્તી સમક્ષ થાળ ભલે ધરો પણ ઝુંપડપટ્ટીનાં ભુખ્યાં બાળકોને પણ થોડું ભોજન આપો. શીવલીંગ પર દુધ  રેડશો તો એ ગટરમાં ચાલ્યું જશે. ભુખ્યાઓનાં જઠરને શંકરનું લીંગ સમજીને એમાંનું અડધું દુધ એ સુકી ગટરમાં ઠાલવો. શંકરના આશીર્વાદ જરુર મળશે. શ્રદ્ધાથી મનને શાંતી મળતી હોય તો બેશક શ્રદ્ધાનું સ્થાન હાથરુમાલ જેવું છે. તે ગજવામાં શોભે-ખભે નહીં. માણસ મૈયતમાં ખભે ટુવાલ નાંખતો હોય છે. બુદ્ધીનું ઉઠમણું થાય ત્યારે તે  અંધશ્રદ્ધાનો ટુવાલ ખભે નાખીને ફરે છે. આખું જીવન પાપ કરો પછી પાપ ધોવા ગંગામાં ડુબકી મારો ત્યારે ખીસ્સાનો રુમાલ ટુવાલ બની ખભે આવી પડે છે.

ઝાઝો હોબાળો કર્યા વીના થોડીક વાત ગાંઠે બાંધી લેવા જેવી છે: (1) ભગત-ભુવાથી ભાગ્યના લેખ મટતા નથી. (2) સદ્ કર્મોથી જે કલ્યાણ થઈ શકે તે કર્મકાંડોથી નથી થતું. (3) પુજા– પાઠ કરાવવાથી સંતોનો પરીક્ષામાં પાસ થતાં નથી. મોરારીબાપુની સલાહ કાનની બુટ ઝાલીને માનવી પડશે- ‘ઘરમાં ઉદ્ ભવેલી સમસ્યાનો ઉપાય હરદ્વારમાંથી ન મળે. એ તો ઘરમાં જ ઉકેલવી પડે ! (બચુભાઈ ઉમેરે છે– ‘માથાનો દુ:ખાવો પગના તળીયે બામ ઘસવાથી દુર ન થાય.) આગ પ્રવાહીથી હોલવી શકાય; પણ તે પેટ્રોલ હોય તો ન ચાલે. સંસારની સમસ્યાઓને વીવેકબુદ્ધીના પાણીથી હોલવી શકાય. અંધશ્રદ્ધાનું પેટ્રોલ છાંટશો તો ભડકા મોટા થશે. સગો પીતા દૈવીશક્તી પ્રાપ્ત કરવા માટે પોતાના દીકરાનો બલી ચઢાવે ત્યારે જે ભડકો થાય છે તેની જ્વાલાઓ પેપરના પાને પ્રગટી ઉઠે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એવા ભડકા વીશેષ થાય છે. (હમણાં એવા સમાચાર મળ્યા કે સૌરાષ્ટ્રના કોઈ ગામમાં સગી માતાએ દીકરાનો બલી ચઢાવી દીધો.) એકવીસમી સદીમાં કમ્પ્યુટર, ઈન્ટરનેટ અને ઉપગ્રહોની બોલબાલા ભેગી અંધશ્રદ્ધાઓની બલા પન રેસમાં ઉતરી છે. ચુંટણીમાં પંજો જીતે કે કમળ તેથી ખાસ નુકસાન નથી, પણ જીવન વ્યવહારમાં અંધશ્રદ્ધા બીનહરીફ ચુંટાતી આવી છે તે ઓછા દુ:ખની વાત નથી. ચાલો આપણે સૌ ભેગા મળી એવા પ્રયત્નો કરીએ કે વીવેકબુદ્ધીનો વીજય થાય અને અંધશ્રદ્ધાની ડીપોઝીટ ડુલ થાય.

જરા વીચારો તો ખરા કરોડો માણસોના હજારો ધર્મો અને સેંકડો ભગવાનો… દુ:ખ સૌનાં સરખાં… લોહી સૌનું સરખું… આંસુ અને આઘાતોમાં કોઈ ફેર નહીં… સૌના ભોગવટા, જીવનવટા અને સ્મશાનવટા સરખાં તો ધર્મવટા કે સંપ્રદાયવટા કેમ જુદા…? ઈન્સાન સૌ સરખા તો ભગવાન કેમ જુદા…? અંધશ્રદ્ધાળુઓનું તો સમજ્યા પણ શા માટે એક વકીલ કે ડૉક્ટરની કારમાં સ્ટીયરીંગ આગળના અરીસા પર લીંબુ અને મરચું લટકતાં જોવા મળે છે ? શીક્ષીત લોકો આ એકવીસમી સદીમાંય હજી અંધશ્રદ્ધામાં કેમ અટવાય છે ? સુરેશ દલાલે સાચી ફરીયાદ કરી છે- ‘ભણેલાં આટલાં અભણ કેમ ? ચાલો વીચારીએ…..

દીનેશ પાંચાલ

બાનો ભીખુ સાહીત્ય પ્રસાર ટ્રસ્ટ, નવસારીના ઉપક્રમે ‘ગુજરાતી સાહીત્ય પરીષદ’નું 45મું અધીવેશન– 25-27 ડીસેમ્બર, 2009ની સ્મરણીકા ‘લાટસાહીત્ય’ ના વીભાગ-3 (નીબંધ અને નાટક)માંથી.. લેખકના અને ‘લાટસાહીત્ય’ના સૌજન્યથી સાભાર…

સંપર્ક:

શ્રી દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી-396 445 ફોન: (026370 242098) સેલફોન: 94281 60508

અક્ષરાંકન:ગોવીન્દ મારુgovindmaru@yahoo.co.in

મારા ‘અભીવ્યક્તી’ બ્લોગ https://govindmaru.wordpress.com/ પર પોસ્ટ કર્યા તારીખ– 24–03–2010


‘આ લેખ તમને ગમે તો  govindmaru@yahoo.co.in પર મને એક મેઈલ લખજો. પીડીએફ મારી પાસે તૈયાર જ છે, તરત મોકલીશ.’


30 Comments

  1. તમે સુખી છો તેથી તમને સત્યનારાયણની કથાની જરૂર નથી પડી-મારું માન્વું છે કે દુખી લોકોને બીજું કોઇ આશાનું કિરણ ન દેખાતા ઇશ્વર તરફ જુએ છે. અને આમાં લોભી પણ વધુ ધનની લાલસામાં ભ્ગવાનનો ઉપયોગ કરે છે. જ્યારે હોસ્પીટલમાં સ્વજન માંદુ હોય તો જીવને તસલ્લી ભગવાનના વિચારોમાંથી મળતી હશે.

    Like

  2. સ્વામી વિવેકાનંદે ખરું જ કહ્યુ છે કે “જે ધર્મ ગરીબના, વિધવાના આંસુ લુછતો નથી કે ગરીબ ભુખ્યા ના મોંમાં રોટલા નો ટુકડો મુકતો નથી એવા કોઇ ધર્મ માં હું માનતો નથી.”

    Like

    1. સ્વામી વિવેકાનંદન કરેલા વિધાન પર ટિકા-ટિપ્પણી કરવા જેટલો હું લાયક નથી, પરંતુ, કોઈપણ નિવેદન તે કયા સંદર્ભમાં કરેલું છે તે વધુ અગત્યનું છે, તેનો એક અંશ આપણે ગમે ત્યાં ના જોડી શકીએ. સ્વામી વિવેકાનંદે પોતે પણ ધર્મનો પ્રચાર કર્યો, અને તેમનો ધર્મ પણ વિધવાનાં આંસુ નથી લુછતો કે નથી તો ગરીબનાં મોંમાં રોટલાનો ટુકડો મુકતો, ધર્મ કરવાથી બધાજ દુ:ખો ટળી જાય તેવી ખોટી માનય્તા એટલે જ અંધશ્રદ્ધા, જે આ લેખનો મુખ્ય વિષય છે, આ કોમેન્ટ અહીં અસ્થાને લાગે છે.

      Like

  3. શ્રી ગોવીંદભાઇ, દીનેશભાઇનો સુંદર, વિચારવંત લેખ આપવા બદલ આભાર. PDF મોકલશોજી.
    એકદમ માખણ જેવો લેખ લખ્યો છે ! ન કોઇ ટીકા, ન કોઇ વિવાદ, બહુ સાલસ શબ્દોમાં સુંદર સમજણ. હળાહળ આસ્તિકને ગળે પણ ઘુંટડો ઉતરી જાય. શ્રદ્ધા એ માનવીના સંસ્કારોને કારણે ઉદ્‌ભવતું પરીબળ છે, જ્યારે તેમાં કોઇ પણ પ્રકારનો સ્વાર્થ ભળે છે ત્યારે તે અંધશ્રદ્ધામાં પરીવર્તીત થાય છે. અંગત વાત કરું તો, મારા વ્યવસાય, રહેઠાણ, અરે મારી પુત્રીનું નામ પણ ’શ્રદ્ધા’ છે. પરંતુ ! છેલ્લા લગભગ પંદરેક વર્ષથી કોઇપણ પ્રકારનાં, સમજણમાં ન ઉતરે તેવા, કર્મકાંડ કે રીતરીવાજોનું અનુકરણ કરવાનું બંધ કરાવેલું છે. આ બાબતે શરૂશરૂમાં કુટુંબ અને મિત્રોનો રોષ પણ વહોરવો પડેલ. વર્ષો પહેલાં ગણપતીના દુધ પીવાની ઘટના ચગેલ, ત્યારે એક મિત્રનાં (અંધ)શ્રદ્ધાળુ પત્નિએ ખાસ આગ્રહપૂર્વક અમને પણ દુધ ચઢાવવા મોકલ્યા ત્યારે ઘર બહાર નીકળી મસ્ત મજાના દુધનો વાટકો બન્ને મિત્રો અડધો અડધો ગટગટાવી ગયેલા !
    હા એ સાચું છે કે શ્રદ્ધા માનવીને વિકટ પરિશ્થિતિમાં પણ ટકી રહેવા માટે પ્રોત્સાહન પુરું પાડે છે. પરંતુ એ આત્મશ્રદ્ધા હોવી જોઇએ. વિવેકાનંદનું જ એક વાક્ય ટાંકુ તો “જુનો ધર્મ કહેતો કે જેને ઇશ્વરમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે, નવો ધર્મ કહે છે કે જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે”
    જો કે જેમ જડતાપૂર્વક કર્મકાંડો ને વળગી રહેવું સારૂં નથી તેમ જ જડતાપૂર્વક દરેક પ્રકારની (નિર્દોષ) શ્રદ્ધાની હાંસી કરવી પણ સારૂં નથી.
    આજે જ રામનવમી છે, પત્નિનો આગ્રહ હોય છે કે વર્ષમાં એક પણ ઉપવાસ કરતા નથી, આજે તો ઉપવાસ રાખો !! મારો પ્રત્યુત્તર : ’મને રામ ખુશ થશે કે નહીં તે વિશે બહુ ખબર નથી, પરંતુ તારા આત્માને ખુશી થતી હોય તો ચાલ આજે ઉપવાસ કરી નાખું’ !!
    બાકી ભુત,ભુવા,બાબાઓ જેવા તત્વોની પાછળ પડી અને ખુવાર મરતા લોકો પોતે પણ નિર્દોષ નથી હોતા, તેમની આંખે પણ સ્વાર્થના પાટા બાંધેલા હોય છે. જે તેમને છતી આંખે અંધ બનાવે છે. તમારે એકનાં બમણા, વગર મહેનતે, કરવા જ હોય તો ’રામ’ કે ’ગોવીંદ’ કોઇ તમને બચાવવા સમર્થ નથી !!!
    આપનો અને લેખકશ્રીનો ફરી આભાર.

    Like

  4. ગોવિંદભાઈ ઘણિ સાચી વાત કરી ..પાખંડીઓની વાતો સાંભળિ જિંદગી સાથે ખેલતા માણસો જોયા છે..આવા લેખ આપતા રેહશો કદાચ આ સમાજ્ની આંખો ખુલે તો..
    સપના

    Like

  5. ગોવીંદભાઇ, સુંદર લેખ.
    આભાર. PDF મોકલશોજી.

    Like

  6. શ્રી ગોવિંદભાઈ
    સુંદર લેખ ! આત્મ વિશ્વાસ જે ગુમાવે તે બધું જ ગુમાવે અને કોઈનું અવલંબન શોધ્યા કરે પરિ -ણામે કોઈ બાવા-કોઈ ગુરૂ ભટકે અને તેને માનસિક રીતે વધુ અને વધુ નબળો બનાવે આમ શ્રધ્ધા ક્યારે અંધશ્રધ્ધામાં પલટાઈ જાય તે ખબર પણ ના પડે ! મને 70 વર્ષ થયા મેં આજ સુધી કોઈ કર્મ કાંડ કર્યા નથી. હા ઉપવાસ એકટાણાં બાળપણમાં કર્યા હશે પણ સમજણ આવ્યા બાદ કોઈ પાઠ્-પૂજા પણ કરતો નથી અને છતાં મને ક્યારે ય ઈશ્વરની કૃપા મારા ઉપર ના હોઈ તેવું જણાયું નથી. હા જીવનના સાત દાયકામાં મુશ્કેલીઓ અનેક વાર આવી છે અને તેતો તમામના જીવનમાં પાઠ-પૂજા કરનારા પણ આવતીજ રહે છે. માત્ર મુશ્કેલીનો પ્રકાર અલગ અલગ હોઈ શકે ! કોઈને આર્થિક તો કોઈને શારીરીક તો કોઈને કૌટુંબિક કે સામાજિક આવી શકે ! અરે ભગવાન કૃષ્ણ કે રામ ઉપર પણ મુશ્કેલીઓ આવેલી જ હતીને ? કૃષ્ણ ઉપર મણિ ચોરવાનો આરોપ તો રામને રાજગાદી ઉપર બેસવાને બદલે વનવાસ ! પત્નિ સીતાનું અપહરણ વગેરે ! રહી વાત રામ કે કૃષ્ણના જન્મદિવસે ઉપવાસ કરવાની અશોકભાઈની વાત પત્નિના સંતોષ માટે ઉપવાસ રાખવો તે એક વાત થઈ પરંતુ જો વ્યક્તિ પોતાના કે પોતાના પરિવારના સભ્યના જન્મદિનને ઉજ્વતી હોય તો જે ને આપણે ઈશ્વરનું સ્વરૂપ માનીએ છીએ તેમનો જન્મ પણ ઉજવવો જોઈએ અને તે ઉપવાસ રાખી નહિ પણ વિશિષ્ટ વાનગી દ્વારા ઉજાણી કરવી જોઈએ આપની જાણ માટે મેં અમારા પરિવારમાં આવા ઈશ્વરના જન્મ દિને રાખવામાં આવતા ઉપવાસનો ઉપક્રમ વર્ષો થયા બંધ કરી અમે સૌ સાથે સરસ વાનગી આરોગી ઉજવવાની પ્રથા શ્રૂ કરી છે ! અસ્તુ !
    સ-સ્નેહ
    અરવિદ

    Like

  7. Govindbhai,

    You have said the right things. Everything depends upon you. It is a good article.

    THanks so much.

    Pradeep H. Desai
    Indianapolis,USA

    Like

  8. ભણેલાની અંધશ્રદ્ધા ચોક્કસ રીતે અઘાત ઉપજાવનારી છે.

    અંધ શ્રદ્ધા બીન જરુરી છે. બીજી ઘણી વસ્તુઓ પણ બીન જરુરી છે. અને તે બીન જરુરી અને અતાર્કિક ક્રીયાઓને જેમ જીવનશૈલીનો એક ભાગ બનાવવામાં આવે છે તેમ કદાચ આ અંધશ્રદ્ધા વિષે પણ માની શકાય.

    રાષ્ટ્રપ્રમુખ શોભાના ગાંઠીયા છે છતાં તેમને અપાર સુખ સગવડોની વાત જવા દો પણ તેમને ભૂતોથી રક્ષણ આપવા માટે યુનીફોર્મમાં સજ્જ રક્ષકો દંડૂકો હલાવતા હલાવતા આગળ ધપતા હોય છે.

    ઘણી વખત અંધશ્રદ્ધાની ક્રિયાઓની પાછળ આત્મ પ્રદર્શન ની મનોવૃત્તિ કામ કરતી હોય છે.

    ઘણાલોકો બાવાઓઆ શબ્દચાતુર્ય અને શબ્દાનુપ્રાસથી અભિભૂત થઇ જાય છે. ઘણા લોકો બાવા અથવા કહેવાતા મૂર્ધન્યોના તર્કહીન દ્રષ્ટાંતો અને તુક્કાઓથી વિચારોના ઉંડાણની અનુભૂતિ કરે છે.

    આ બધુંજ આશ્ચર્ય કારક જ છે.

    મહાત્મા ગાંધીએ દીશા બતાવેલ કોંગ્રેસનું તેમનાજ પટ્ટશિષ્ય નહેરુદ્વારા સ્વવંશીકરણ અને જનતાના મત થકી એક ચક્રી શાસન અને તે પણ ૫૫+ વર્ષ, અને તેપણ સાર્વત્રિક નિસ્ફળતા છતાં,

    મહાત્મા ગાંધી અને નહેરુવંશીઓના વિચારો અને વર્તનમાં દોનધ્રુવ જેવું અંતર છતાં લોકો તેમાં ભ્રમિત,

    વેદકાળ, સરસ્વતી સંસ્કૃતિ, ઉપનિષતકાળ અને પૂરાણ કાળની એકસુત્રતા છતા તેની અવજ્ઞા અને આર્યન ઈન્વેઝન થીએરી ને સ્વિકૃતિ,

    બાવાઓ અને ખાસ કરીને પોતાને મોડર્ન ગણાવતા બાવાઓની માયા જાળ કે ભરમાળ જેમાં રજનીશ કે જેમણે ગાંધીજીને વાંચ્યા પણ નથી તેમની બેવકુફી ભરેલી વાતો,

    જેમને એક્ટીંગ કરતાં આવડતી નથી છતાં બેસ્ટ એક્ટર ગણાય તેવા એસઆરકે અને બીજા ખાનબંધુઓ,

    સંકર-૪ કપાસ ને શંકર સાથે કશી લેવાદેવા નથી, છતાં પણ તે પછીના એક બીયારણને વિષ્ણુ-૪ નામાભિકરણ,

    શંકરભગવાન ધોળા વર્ણવામાં આવ્યા છે (ચંદ્રના કિરણો જેવા, દૂધ જેવા, બરફ જેવા વિગેરે) છતાં બધા ફોટાઓમાં તેમને કાળા જ બતાવવામાં આવે છે,

    આ બધું અજ્ઞાન અને અથવા અંધશ્રદ્ધાને સમકક્ષ જ છે.
    છતાં ચાલ્યા કરે છે…

    મિયાં દુબલે ક્યું?

    આવી ચિંતા ક્યાં સુધી કર્યા કરીશું?

    Like

  9. તદ્દન સાચી વાત છે.શ્રદ્ધા એટલે સેલ્ફ કોન્ફિડેન્સ.બાકી બધું ધૂળ.આપણાં ભારતીયો માટે નીતિ અને ધર્મ ને કશું લાગે વળગતું નથી.આ પૂજ્ય બાપુઓ પણ સલાહો સારી આપતા હોય છે,પણ એમની વગર મહેનત ની અઢળક કમાણી છુપાવી ટેક્ષ ભરતા નથી.આર્થિક કૌભાંડો કરી દેશ ની ઈકોનોમી બગાડનારા,અને પ્રજાના પૈસા ખાઈ જનારા અહીન્સકો કેટલા બધા?પુષ્કળ…અને કશું પણ ઉત્પાદન કર્યા વગર કે એમની સેવા વેચ્યા વગર લોકોના પૈસે લહેર કરી દેશ ની ઈકોનોમી બગાડનારા સાધુઓ કેટલા?લાખો…એક પ્રમાણિક વેપારી કે ઉદ્યોગ પતિ ઉત્પાદન કરે છે,વેચે છે ને કરોડપતિ થાય છે.લોકોને રોજી આપે છે.અને દેશ ની ઈકોનોમી ઉંચી આવે છે.એક અધ્યાત્મિક ધર્મગુરુ એના વાહિયાત વિચારો વેચી કશું ઉત્પાદન કર્યાવગર,વેચ્યા વગર કરોડો ભેગા કરે છે ત્યારે પ્રજાના ખીસા હળવા થાય છે.પ્રજા ગરીબ થતી જાય છે.દેશ ની ઈકોનોમી ને ફટકો પડે છે.લાખો સાધુઓ બેઠા બેઠા ખાય છે,કશું જ કરતા નથી.નિષ્ક્રિય,ગાંજો પીતા,રોગ ફેલાવતા ફરતા હોય છે.એમને માટે ગાંજો કે ચરસ પીવાનો ખર્ચ પણ તમારા મારા જેવાના ખીસા ખાલી કરે છે.એમનો ફળાહાર,દૂધ કોની કમાણી?આપણે આપણા ઘરના બોજા સાથે આવા લાખો સાધુઓ નો બોજો પણ અંધ શ્રદ્ધા ના નામે વેઠીએ છીએ.સામાન્ય લોકો ભલે ઉત્પાદન ના કરતા પણ સેવા તો વેચીએ છીએને?નોકરી તો કરીએ છીએને?આ લોકો શું કરે છે?એક સામાન્ય સાધુ તો એના એકલા પુરતો ખર્ચ કરાવે છે.એકાદ ટંક નું ખાવાનું માંગે પણ મોટા કથાકારો ને મોટા અધ્યાત્મિક ગુરુઓ તો કરોડો પડાવી જાય છે કશું કર્યા વગર.

    Like

  10. જ્યાંથી વિજ્ઞાન પૂર્ણ થાય છે

    ત્યાંથી ધર્મ અને શ્રદ્ધા ની શરૂઆત થાય છે.
    .

    Like

  11. અરે ગોવિંદભાઈ મેં મારા પ્રતિભાવમાં અશોક મોઢ્વડીયાનો ઉલ્લેખ ભૂલથી અર્જુન તરીકે કરી નાખ્યો છે તો તે સુધારી લેવા વિનંતિ.

    અરવિંદ

    Like

    1. માન. શ્રી અરવિંદભાઇ, ભુલથી તો ભુલથી પણ આપે મારું બહુમાન કરી નાખ્યું 🙂 !! ’અર્જુન મોઢવાડીયા’ !!!!!
      આતો જરા મીઠી મજાક કરી લીધી, બાકી આપની એ વાત શાથે સંપૂર્ણ સહમત છું કે જેને આપણે મહામાનવો માનીએ તેમના જન્મદિવસે તો મસ્ત મજાની પાર્ટીસાર્ટી થવી જોઇએ ! (ન માનતા હોય તેને તો આમે ભુખ્યા રહેવાનું કોઇ પ્રયોજન નથી) આ ભુખ્યું રહેવાનું કોણે શોધ્યું તેની કોઇએ તપાસ કરવી જોઇએ. હા, આરોગ્યના કારણોસર ઉપવાસ વગેરે યોગ્ય છે. જો કે મારા જેવા ભક્તજનો ભાગ્યે જ ’ઉપવાસ’ના અર્થમાં ઉપવાસ કરતા હશે !! પંદર જાતની ફરાળી વાનગીઓ અને ઉપર પાછો કિલો એક ’ફળાહાર’. આ તો પેલી ડોશીની વાર્તા જેવું થયું કે ’મેં તો ખુદા કો ફુસલા રહી હું’ !!!
      હશે એ તો, જેવી જેની માન્યતા. પરંતુ સમાજને ભયાનક રીતે નુકશાન કરતી અંધશ્રદ્ધાઓ ની વિરૂદ્ધમાં લોકમત જાગૃત કરતા આવા લેખોને બિરદાવવા એતો આપણી સૌની નૈતિક ફરજ છે જ. આ માટેના સૌ મિત્રોના પ્રયાસને મારા વંદન.

      Like

      1. આભાર અશોકભાઈ…

        ગઈ કાલે રજા હોવાને કારણે વહેલી સવારે ઉઠીને આ પોસ્ટ પબ્લીશ કરીને હું બહારગામ ગયો હોવાથી માન. શ્રી અરવીંદભાઈની કમેન્ટ મુજબ આપનું નામ સુધારવાની મને તક મળે તે પહેલાં જ આપશ્રીએ હળવી મજાક સાથે ઉદારતા દાખવી તે હ્રદયને સ્પર્શી ગઈ..

        -ગોવીન્દ મારુ

        Like

  12. શ્રી અશોકભાઈ
    આપની મીઠી મજાક માણી આનંદ આવ્યો ! આપનો અને શ્રી ગોવિંદભાઈનો આભાર ! આપની વાત સાચી છે સામાન્ય રીતે જે ઉપવાસ રાખવામાં આવે છે તે ખરેખર તો રોજિંદી વાનગીઓમા ફેરફાર ( CHANGE OF FOOD ) સીવાય કંઈ હોતું નથી. બે-પેટ કરી વાનગીઓ આરોગવામાં આવતી હોવા છતાં આજ તો ઉપવાસ રાખ્યો છે તેનું ગાણું આખો દિવસ ચલાવાય અને પૂણ્ય સંચય કર્યાનો સંતોષ મેળવી લઈ ઈતીશ્રીઃ અનુભવાય !
    સ-સ્નેહ
    અરવિંદ

    Like

  13. મે ભરતભાઈના બ્લોગમાં વાચ્યુ હતુ કે…

    સાક્ષ્રરતાતો જુવો…!
    ‘અહીં થૂકશો નહીં’ એવુ લખ્યુ છે..
    ત્યાં જ લોકો થૂકે છે…

    સુરતનો મારી જાણકારીનો એક ડૉક્ટર છે. તેની પાસે M.D ની ડિગ્રી. શ્રી સ્વામિનારાયણ ધર્મ પાળે છે…કાંદા, લસણ,આદુ જેવા કંદમુળ નથી ખાતો… આ ડૉક્ટર શું દર્દીનો ઈલાજ કરવાનો…. જે પોતેજ અંધશ્રદ્ધાના રોગથી પિડાય છે…

    આ લેખનું પી.ડી.એફ ડોક્યુમેંટ મોકલી આપજો…

    Like

  14. Post selection is fanstastic as always you do.

    This message is required to be repeated indiawide in one & another form untill Old generation imbibe it & new generation digest it. Thanks to this one of the form.

    My generation, I believe, has imbibed this message and has changed a lot. Youngs has now taken over the world for oppertunities and becoming realistic. Time/Money/Efforts are being spent on Good Karma. We need a symbol of mercy by god and for that one photo, in pocket, is enough.

    I love this part of writing and eagrely waiting for sequels.

    Regards to readers.
    Durgesh Variya

    Like

  15. khub saras vichar sharni che tamari Govind bhai.kharekhar positive thinking che.tamari aa post vachine kharekhar mane anand thyo.mane aashaa che k tame tamara aava vicharo loko saame muktaa rahon aamj, je thi ek bhanelo abhan ,abhan nahi pan bhaneloj rahe. thank you:)

    Like

  16. “કે સુખ-શાંતીનાં મુળીયાં તો ક્યાંક બીજે છે – કર્મકાંડોમાં નથી..”

    લેખકનું આ વિધાન સાચું છે કે નહી તેનો આધાર કર્મકાંડની વ્યખ્યા ઉપર છે.વૈદિક જમાનામાં વિવિધ દેવોને રીઝવી મન વાંછીત ફળ મેળવવા કરવામાં આવતા યજ્ઞો અને તેમાં હોમાતા બલી આહૂતિ ની ક્રીયા એટલે કર્મકાંડ એમ સમજવામાં આવતું. આપણે આંકડા શાસ્ત્રની દ્રષ્ટિએ અડસટૃ ે એ કહી શકીયે કે આવી ક્રીયાઓમાં થી અમુક ટકા સફળ થતી પણ હોય. જેનું કારણ ય જ્ઞ વિધિ નહી પણ બીજું કોઇ અજ્ઞાત કારણ હોય. તો આ સફળતાથી યજમાન સંતુષ્ટ થાય અને મનમાં ખોટો વહેમ ઘર કરી બેસે અને તેને એમ જ લાગ ેકે આ સફળતાનું કારણ તેણે કરેલી વિધિ જ છે. આતો જેમ વહેમીલા દર્દિઓને”પલાચેબો ેફફેચત” થાય છે તેમ આ વિધિઓ વહેમીલી વ્યકિતઓ માટે છે. છતાં આ વિધિઓથી મનને સંતોશ થતો હોય તો તેમ કરવામાં વાંધો પણ નથી.મારું માનવું છે કે આવા પ્રકારના વહેમ દૂર કરવા માટે કેટલાક સમજદાર ઋષિઓએ ઉપનિશદો રચ્યાં જેનો વેદોના જ્ઞાનકાંડમાં સમાવેશ થાય છે.
    girish desai

    Please Visit my blog and reflect
    girish-desai@sbcglobal.net

    Like

  17. “કે સુખ-શાંતીનાં મુળીયાં તો ક્યાંક બીજે છે – કર્મકાંડોમાં નથી.”

    લેખકનું આ વિધાન સાચું છે કે નહી તેનો આધાર કર્મકાંડની વ્યખ્યા ઉપર છે.વૈદિક જમાનામાં વિવિધ દેવોને રીઝવી મન વાંછીત ફળ મેળવવા કરવામાં આવતા યજ્ઞો અને તેમાં હોમાતા બલી આહૂતિ ની ક્રીયા એટલે કર્મકાંડ એમ સમજવામાં આવતું. આપણે આંકડા શાસ્ત્રની દ્રષ્ટિએ અડસટૃ ે એ કહી શકીયે કે આવી ક્રીયાઓમાં થી અમુક ટકા સફળ થતી પણ હોય. જેનું કારણ ય જ્ઞ વિધિ નહી પણ બીજું કોઇ અજ્ઞાત કારણ હોય. તો આ સફળતાથી યજમાન સંતુષ્ટ થાય અને મનમાં ખોટો વહેમ ઘર કરી બેસે અને તેને એમ જ લાગ ેકે આ સફળતાનું કારણ તેણે કરેલી વિધિ જ છે. આતો જેમ વહેમીલા દર્દિઓને“placebo effect” ની અસર થાય છે તેમ આ વિધિઓની અસર આવી વહેમીલી વ્યકિતઓ ને થતી હશે. છતાં આ વિધિઓથી મનને સંતોશ થતો હોય તો તેમ કરવામાં વાંધો પણ નથી.મારું માનવું છે કે આવા પ્રકારના વહેમ દૂર કરવા માટે કેટલાક સમજદાર ઋષિઓએ ઉપનિશદો રચ્યાં જેનો વેદોના જ્ઞાનકાંડમાં સમાવેશ થાય છે.

    હવે કાંડનો અર્થ છે પ્રકરણ.તો કર્મકાંડ એટલે કર્મનું પ્રકરણ. આપણે સહુ દરરોજ જુદા જુદા કર્મો કરી આપણી જીવન કીતાબમાં નવા નવા પ્રકરણો ઉમેરતા રહીએ છીએ. જેવા કર્મો કરીએ તેવા જ ફક્ષ મળે ને? બદ્ધેુ આટલા માટે જ કીધું હતું કે યજ્ઞયાગ અને બલી દાનથી કોઇ ફાયદો નથી થતો. આપણા કરેલા કર્મોમાં જ આપણી સુખ શાંતીના મુળીયાને પોશે છે કે હણે છે. માટે જીવન કીતાબમાં નીત નવિન પ્રકરણો ઉમેરતા પહેલા વિવેકથી વિચારો. આ છે સાચો કર્મકાંડ
    During my previous comment I forgot to mention the other
    meaning of karmakand. sorry about that.
    Girish

    Like

  18. GOVINDBHAI,
    SUNDER ARTICLE…..
    ” ANDHSHRADHANU AJWADU PEDHI DAR PEDHI VISTARTU JAY CHHE ” MAR 23 2010 NO ARTICLE KHAREKHAR SARAS CHHE ABHNANDAN AAVA LEKH LAKHTA RAHESO AAVO SARO LEKH HOY TO MANE MAIL KARSO.
    THANK YOU
    HEMANT SHAH

    Like

  19. સાચી વાત છે કે અંધશ્રદ્ધા ખરાબ છે, પરંતુ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની એક સ્પષ્ટ ભેદરેખા છે. શ્રદ્ધાથી નુકશાન થતું નથી, અને આ શ્રદ્ધા વાસ્તવિકતામાં માનવીનું મનોબળ મજબુત કરે છે, જ્યારે અંધશ્રદ્ધા તે જ મનોબળને નબળું કરે છે. શ્રદ્ધા કે અંધશ્રદ્ધાને ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી, એ આ વિષય પર ટિપ્પણી કરનારા સહુ ભૂલી જાય છે. કહેવાતો હિંદુ માણસ પણ મુશ્કેલીમાં અંઢશ્રદ્ધાથી સરખેજનાં રોજા કે શાહઆલમની દરગાહે દર શુક્રવારે કષ્ટ નિવારણ અર્થે જતો હોય છે, તો આમાં ધર્મ કયાં આવ્યો? માટે મારા મતે તો આ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વિષયની ચર્ચા ધર્મને અડ્યા વગર કરીએ તો જ આપણે મૂળ વિષયવસ્તુને વળગી રહી શકીએ. ઉપરની ઘણી બધી કોમેન્ટ્સ લોકોની પોતાની હૈયાવરાળ દર્શાવે છે, જેમાં ક્યાંકને ક્યાંક ધર્મને સાંકળવાનો પ્રયાસ થયો છે. જો આપને કોઈ ધર્મ ના પાળતા હોવા છતાં તેના ઉલ્લેખ વગર આપણું એક પણ કાર્ય (ટિપ્પણી કરવા જેટલું પણ નહી) ના કરી શક્તા હોઈએ તો આવા અંધશ્રદ્ધાળુઓ અને આપણી આપણી અશ્રદ્ધામાં કોઈકતો સામ્ય આપણને દેખાવું જ જોઈએ એવું નથી લાગતું?

    Like

Leave a comment