અંધશ્રદ્ધાનો આઘુનીક મુકામઃ ઈન્ટરનેટ

અંધશ્રદ્ધાનો આઘુનીક મુકામઃઈન્ટરનેટ

ઉર્વીશ કોઠારી

આ સત્યઘટના છે. મહેરબાની કરીને તેને અવગણશો નહીં. (અહીં કોઈ બાબા–બાપુ, સંત–ફકીર, સાંઈ–ગુરુની કેટલીક તસવીરો હોય છે.) એક અફસરને આ તસવીરો (ધરાવતો ઈ-મેઈલ) મોકલ્યા પછી બે મીલીયન ડૉલર મળ્યા. આ મેઈલ આગળ ન મોકલીને, મેઈલની સાંકળ/ચેઈન આગળ વધતી અટકાવવા બદલ રૉબર્ટે ૨.૧ મીલીયન ડૉલર ગુમાવ્યા…પ્લીઝ આ ઈ-મેઈલની ૨૦ કૉપી મોકલો અને પછી ફક્ત ચાર જ દીવસમાં જુઓ, શું થાય છે ! આ ચેઈન લેટર શીરડીથી આવ્યો છે. તમને ચોક્કસ ૪૮ કલાકમાં જ સારા સમાચાર સાંભળવા મળશે.

*****

ઈન્ટરનેટનો ઉપયોગ કરતા લગભગ દરેક જણને આ અને આવા જુદા જુદા ઈષ્ટદેવોની આણ આપતા ઈ-મેઈલ મળતા હશે.  આ પ્રકારના મેઈલનું શું થતું હશે ? અંદાજ લગાડી શકાય છેઃ થોડા લોકો આવા ઈ–મેઇલ વાંચીને, મનોમન રમુજ પામીને તેને કચરાટોપલીમાં/ટ્રૅશ તરીકે નાખી દેતા હશે. બીજા થોડા લોકો શ્રદ્ધાપુર્વક, ખરેખર આવા ૨૦ મેઈલ મોકલવાથી ફાયદો થશે ને ન મોકલવાથી નુકસાન થશે એવું માનીને બીજા ૨૦ જણને મેઈલ મોકલી આપશે. ત્યાર પછી ૪૮ કલાક વીતી જાય અને કોઈ સારા સમાચાર ન આવે તો તે આખી વાતને ભુલી જશે અને ફરી કોઈ માતા-પીતા-બાવા-બાપા-બાબાની આણ આપતો મેઈલ આવે ત્યારે પંદર-વીસ-પચીસ જણને મોકલી આપશે. પરંતુ મોટા ભાગના લોકો આ મેઈલમાં લખેલી વીગત માની લે એટલા ભોળા/શ્રદ્ધાળુ હોતા નથી. એ લોકો ઈ-મેઈલ ફોરવર્ડ કરવાથી રાતોરાત લૉટરી ન લાગી જાય એટલું સમજવા જેટલા  બુદ્ધીશાળી છે.  ‘આમ તો હું આવા બધામાં માનતો નથી’ એવું કહેવું તેમને ગમે છે. પણ… તોંતેર મણનો પણ’ એ છે કે ‘આમ તો હું આવા બધામાં માનતો નથી, પણ આ મેઈલ ફોરવર્ડ કરવામાં એકેય રુપીયાનો ખર્ચ નથી. મને કે બીજા કોઈને કશું નુકસાન નથી અને (હેં હેં હેં) કોને ખબર ? કદાચ કંઈક થાય પણ ખરું ! આ તો જસ્ટ જોકીંગ, હોં !’ પ્રગટપણે કે મનોમન આ પ્રકારનું કંઈક કહીને, તે વીસ જણને ઈ-મેઈલ ફોરવર્ડ કરી આપશે. આવી રીતે એડ્રેસના ખાનામાં લચકેલચકાં સરનામાં ધરાવતા ઈ-મેઈલ જ્યારે પણ મળે ત્યારે હસવું કે રડવું એ જ સમજાતું નથી ! ખરેખર તો કપાળ કુટવાનું મન થવું જોઈએ. પણ આવા દરેક પ્રસંગે કપાળ કુટીએ તો કપાળ ચંદ્રની સપાટીની જેમ ગોબાચ્છાદીત થઇ જાય.

વીચાર આવે કે લેટેસ્ટ ટૅકનોલૉજી ધરાવતા ઉપગ્રહો, દરીયાના પેટાળમાંથી પસાર થતા સબમરીન કૅબલ, આઘુનીકતમ કમ્પ્યુટર પ્રોગ્રામ, વાયરલેસ કનેક્શન, ઓપ્ટીકલ ફાયબર વગેરેની સહીયારી કમાલને માતાજીના ‘પરચાના પોસ્ટકાર્ડ’ના સ્તરે ઉતારી દેનારાને શું કહેવું ? ઈન્ટરનેટને ભાંડવાનું, તેને સર્વ દુષણોનાં મુળ તરીકે ઓળખાવવાનું બહુ સહેલું છે; પણ ખરો સવાલ માણસના મનમાં ખદબદતી લાલચથી માંડીને અંધશ્રદ્ધા જેવી વૃત્તીઓનો છે. આ વૃત્તી આહાર, નીદ્રા કે ભય જેવી મુળભુત નથી; છતાં તેનાં મુળીયાં એટલાં જ ઉંડાં જતાં રહ્યાં છે. આદીકાળમાં તેનો આરંભ પ્રાકૃતીક પરીબળો પ્રત્યેના ભય અને વીસ્મયમાંથી થયો હશે. પછી તેમાં લાલચ અને ટુંકા રસ્તે સમૃદ્ધ થઈ જવાના ધખારાનો રંગ ભળ્યો. એવી અંધશ્રદ્ધાને આસ્તીકતા કે અઘ્યાત્મ સાથે કશો સંબંધ નથી. પરચાના પોસ્ટકાર્ડ કે ઈ-મેઈલ મોકલનાર અને લૉટરીની ટીકીટ ખરીદનારની માનસીકતામાં ખાસ ફરક હોતો નથી. બન્નેને પોતાની કોઈ આવડત કે મહેનત વીના, બસ એમ જ, કશુંય કર્યા વીના, પૈસાદાર બની જવું છે અને એ માટે બુદ્ધીનું ગમે તેવું પ્રદર્શન કરતાં પણ ખચકાટ થતો નથી. કોને ખબર, પ્રદર્શન કરીને પણ સમૃદ્ધ થઈ જવાય તો ? સોદો ખોટો નથી ! ઘરેડીયા અંધશ્રદ્ધાળુઓ સાથે કામ પાડવાનું પ્રમાણમાં ઓછું મુશ્કેલ છે. તેમની સરખામણીમાં ‘આપણે તો આવા બધામાં માનતા નથી, પણ નુકસાન શું છે ?’ એવું માનનારા લોકો વધારે રીઢા હોય છે. તેમાં કહેવાતા ભણેલાગણેલા, સમાજ જેને ‘ડૉક્ટરો-એન્જીનીયરો’ જેવા સન્માનસુચક વર્ગમાં મુકે છે, તેમની સંખ્યા પણ મોટી હોય છે. તેમને પોતાની અંધશ્રદ્ધા રુપી દોણી સંતાડીને, છાશની લાઈનમાં ઉભા રહેવું છે. ભણતર તેમને ફક્ત અંધશ્રદ્ધા છુપાવવાનો દંભ શીખવી શક્યું છે. તેમના મનમાંથી અંધશ્રદ્ધાનો મેલ કાઢી શક્યું નથી. એટલે જ,  ‘એમાં આપણને ક્યાં કશું નુકસાન છે ?’ એમ કહીને એ લોકો અંધશ્રદ્ધાનો ગળચટો ગળપટ્ટો બાંધી લે છે અને ‘કોઇને ખબર નહીં પડે’ એમ વીચારીને હરખાય છે.

પોતાનું કશું ન જતું હોય એવી બીજી કેટલી બાબતોમાં આ લોકો આટલો ઉત્સાહ બતાવે છે, એ વીચારવા જેવું છે.  ટૅકનોલૉજીને મળતા માણસના પરચા’ ઈન્ટરનેટની સૌથી મોટી લાક્ષણીકતા – મફત અને તરત – સારી માહીતી જેટલી જ ખોટી માહીતીને, દુષણોને, અંધશ્રદ્ધાને પણ લાગુ પડે છે. કારણ કે વીજ્ઞાન નીતીનીરપેક્ષ હોય છે. એ વીજ્ઞાનનો ગુણ પણ છે અને તેની મર્યાદા પણ.  ‘પાપી માણસ સ્વીચ પાડે તો લાઈટ ચાલુ ન થાય. એના માટે તો તપ કરવાં પડે તપ !’ એવું વીજ્ઞાનના નીયમોને આધીન બાબતોમાં હોતું નથી. ઈન્ટરનેટ પર અંધશ્રદ્ધાનો ફેલાવો કરવો કે સ્વસ્થ વૈજ્ઞાનીક અભીગમનો, એ ટૅકનોલૉજી નહીં; માણસો નક્કી કરે છે. ઈન્ટરનેટ પર અંધશ્રદ્ધા સામેની ઝુંબેશો ચાલે છે; છતાં બહારની દુનીયાની જેમ ઈન્ટરનેટના માઘ્યમમાં પણ અંધશ્રદ્ધાનું પલ્લું ભારે રહે છે. કારણ કે ટૅકનોલૉજી નવી છે; પણ તેને વાપરનારા તો એના એ જ છે. ભણ્યા પછી જેમના મનમાંથી અંધશ્રદ્ધા દુર થઈ શકી નથી, એવા લોકો ટૅકનોલૉજીનો ઉપયોગ પોતાની અંધશ્રદ્ધા પોસવામાં અને તેમાં રાચવામાં જ કરે એ સ્વાભાવીક છે.

ઈન્ટરનેટનો ઉપયોગ કરી જાણનારા લોકો તેનો ઉપયોગ કમ સે કમ પરચાનાં પોસ્ટકાર્ડની જગ્યાએ ન કરે એટલી અપેક્ષા રહે છે. પરંતુ અંધશ્રદ્ધાળુઓની કઠણાઈ જ એ છે કે વૈજ્ઞાનીક સાધનો વાપરીને અવૈજ્ઞાનીક માન્યતાઓનો પ્રચારપ્રસાર કરવામાં તેમને છોછસંકોચ કે લાજશરમ નડતાં નથી. એમાં તેમને કશો વીરોધાભાસ લાગતો નથી. તેમને એવો સીધોસાદો વીચાર પણ આવતો નથી કે વીસ જણને ઈ-મેઈલ ફોરવર્ડ કર્યા પછી, તેમાંથી કોઈને ત્યાં સરનામું ખોટું હોવાને કારણે ઈ-મેઈલ ન પહોંચે કે કોઈ ઈ-મેઈલ ખોલીને ન વાંચે કે કોઈના મેઈલ બોક્સમાં આવો ઈ-મેઈલ સીધો કચરાપટ્ટી/સ્પામ/જંક મેઈલના ફોલ્ડરમાં જતો રહે તો શું થાય ? વીસ ઈ-મેઈલ મોકલ્યાનું પુણ્ય મળે કે ન મળે ? બધા સવાલોના તેમની પાસે એક જ જવાબ છેઃ ‘આપણને ક્યાં કશું નુકસાન છે?’ અંધશ્રદ્ધાળુ ન હોવા છતાં, કોઈને લાગતું હોય કે ‘હશે બીચારા ! છો ને ઈ-મેઈલ મોકલ્યા કરે ? આપણને શું નુકસાન છે ? ન વાંચવો હોય તો ડીલીટ કરી નાખવાનો !’, તો મોટા ભાગના કીસ્સામાં આવું વલણ ઉદારતા કે સહીષ્ણુતા કરતાં વધારે અવઢવ સુચવે છે. ઈન્ટરનેટ પર ફરતા અંધશ્રદ્ધા અને ખોટી માહીતીને લગતા ઈ-મેઈલનો ત્રાસ એટલો વધી ગયો છે કે ક્યારે કોણ કઈ વીગત સાચી માની લેશે, એનો હંમેશાં ફડકો રહ્યા કરે.

ગેરમાર્ગે દોરતી માહીતીનો મારો ઈ-મેઈલમાં વખતોવખત એવી કથાઓ મળતી રહે છે કે ‘ફલાણા ભાઇ થીયેટરમાં ફીલ્મ જોવા ગયા, ત્યારે તેમની બેઠકમાં ટાંકણી ભોંકાઈ. એ ટાંકણી એઈડ્સનો ચેપ ધરાવતી હોવાથી ફીલ્મ જોવા ગયેલા ભાઈને એઈડ્સ લાગુ પડી ગયો’ અથવા કોકા કોલા એટલી જલદ આવે છે કે ડાઘા સાફ કરવાના કામમાં (એસીડને બદલે) તેનો ઉપયોગ કરવામાં આવે છે. માટે કોકા કોલા ન પીશો.’ અથવા ડીયોડોરન્ટ લગાડવાથી કેન્સર થાય છે.’ કથાઓના બીજા પ્રકારમાં એવી લાલચ આપવામાં આવે છે કે મેઇલની સાથે મોકલેલી ઈષ્ટદેવની તસવીર સામે જોઈને મનમાં જેની ઈચ્છા કરો, તે મળી જશે.’

અને આ કામમાં ભગવાનને બદલે માણસ પણ મદદરુપ થઈ શકે છે. એવા મેઈલમાં કાયમી ઓફર હોય છે કે ‘નાઈજીરીયાથી માંડીને બ્રીટન સુધીના કોઈ પણ દેશમાં કોઈ બીનવારસી ભાઈ લાખો ડૉલરનો દલ્લો મુકીને મૃત્યુ પામ્યા છે અને કોઈ ભળતાસળતા બૅન્ક અધીકારી એ ખજાનો તમારા ખાતામાં મોકલી આપવા ઉત્સુક છે. બસ, તમે તમારો બૅન્કનો ખાતાનંબર આપો અને ‘કાર્યવાહીની ફી પેટે’ થોડા ડૉલર મોકલી આપો !’ ઈન્ટરનેટની આલમમાં નાઈજીરીયન ફ્રોડ’ તરીકે જાણીતી આ તરકીબ એટલી જુની અને જાણીતી હોવા છતાં; તેની સાથે સંકળાયેલું લોભનું લોહચુંબક એવું પ્રબળ પુરવાર થાય છે કે એક જાણીતી ‘ગ્રાહક સુરક્ષા સંસ્થા’ના વડા થોડાં વર્ષો પહેલાં આવા જ ‘નાઈજીરીયન ફ્રોડ’માં ઘણા રુપીયા ગુમાવી બેઠા હતા !

ઈન્ટરનેટ પર માણસની મુળભુત નબળાઈઓની જ નહીં; સારપની પણ રોકડી કરનારા લોકોની કમી નથી. પરીણામે ગંભીર બીમારી ધરાવતી અને છેક ૧૯૯૩થી, સાત જ વર્ષની ઉંમર ધરાવતી છોકરી એમી બુર્સની સારવારના બહાને આર્થીક મદદ ઉઘરાવતા મેઈલ આવી પડે છે. ‘આપણું શું જાય છે ?’ પ્રકારનો વર્ગ તેમાં ભોળવાતો નથી. છતાં જેટલાં વર્ષોથી એ છેતરપીંડી ચાલે છે, એ જોતાં તેમાં સફળતાનું સારું એવું પ્રમાણ હશે એવી અટકળ ચોક્કસ કરી શકાય.

જરા જુદા પ્રકારના મેઈલ મેરા ભારત મહાન’ કે મેરા ગુજરાત મહાન’ પ્રકારના હોય છે. પહેલી નજરે આંકડાથી અને નક્કર માહીતીથી લદાયેલા જણાતા એ મેઈલની માહીતી માનવી ગમે એવી હોય છે; પણ માનવાજોગ હોતી નથી. એ પ્રકારના મેઈલમાં કરાતા ઘણાખરા દાવા સચ્ચાઈની કસોટી પર પુરવાર થતા નથી. ઈન્ટરનેટ પર સાચી ન લાગે એવી કે શંકા ઉપજાવે એવી કોઈ પણ માહીતી વાંચવા મળે, તો ‘ગુગલ’જેવા ‘સર્ચ એન્જીન’માં જઈને સમ્બન્ધીત વીષય લખીને, તેની સાથે skeptics (સંશય કરનાર), other side (બીજી બાજુ), fraud (છેતરપીંડી) કે hoax (મજાકમાં કરેલી છેતરપીંડી) જેવા શબ્દો લખીને સર્ચ કરવાથી, આ વિષયની પોલ ખુલ્લી પાડતી વીગતો પણ મળી શકે છે.


– અને ‘હેં હેં હેં’, એમાં આપણને કશું નુકસાન નથી !

ઉર્વીશ કોઠારી

લેખક સંપર્કઃ

ઉર્વીશ કોઠારી, લુહારવાડ, મહેમદાવાદ387 130 (Gujarat-India) ફોન નંબરઃ 99982 16706 ઈ–મેઈલઃuakothari@yahoo.com

લેખકશ્રીનો બ્લોગ :

www.urvishkothari-gujarati.blogspot.com

(હજી સુધી કદી મુલાકાત ન લીધી હોય તો એમના આ બ્લોગની વાચન–સામગ્રી માણવા એક વાર અવશ્ય જોવા વીનંતી.  ઉ. મ. ..)

અને છેલ્લે…

આપણને રોજ થોકબંધ મળતી ફોરવર્ડેડ મેઈલ્સ વીશે આટલું કહ્યા છતાં, તમે નીચેની લીંક પર બતાડેલી વીગત જોશો, વાંચશો–સાંભળશો તો આ લીંક સાથે જ આ લેખ અન્યોને ફોરવર્ડ કરવાનો મોહ તમે છોડી શકવાના નથી જ.. ભલે ભઈ, તેમ કરજો !..પણ અમારી ખાસ ભલામણ છે કે નીચેની લીંક ખોલીને તો જોજો જ જોજો…. ત્તમ ગજ્જર..

Annoying Forwards

For those of you who are sick of getting e-mails that tell you to forward it to at least X number of people in the next Y number of minutes so that wonderful things and miracles will happen if you do, or there will be dire consequences if you don’t, then you will enjoy this.


It is hilarious, it is so true and it’s ABOUT TIME someone did this !
Turn on
the sound and   Click here:


http://info.org.il/irrelevant/may02-smilepop-soapbox4.swf

સાભાર પ્રેષકઃ પ્રભુલાલ ભરાડીયા(લંડન)

phbharadia@hotmail.com

‘સન્ડે ઈ–મહેફીલ’ વર્ષઃ પાંચમુંઅંકઃ 173  – August 30, 2009નો આ લેખ સન્ડે ઈ-મહેફીલના સંપાદક મંડળ તેમ લેખકશ્રીની પરવાનગી અને સૌજન્યથી સાભાર

અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ

https://govindmaru.wordpress.com/

આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.. આભાર..

ગોવીન્દ મારુનવસારી

May 21, 2009

21 Comments

 1. Your email is very lovely & THANKS.

  AS PER MY OPINION BETTER WAY IS THAT AS SOON AS U SEE SUCH EMAIL WIHTOUT GOING IN DETAIL ONE HAS TO DELETE IMMEDIATELY.

  Like

 2. ઉર્વીશભાઈના લેખ બહુ ઉંડાણપુર્વક અભ્યાસ કર્યા બાદ લખવામાં આવેલા હોય છે.

  શ્રી ઉર્વીશભાઈનો આ લેખ સહુ વાચક મિત્રોને માણવો જરૂર ગમશે.

  રેશનાલિઝમઃ અજવાળું અને આગ – ઉર્વિશ કોઠારી
  http://bhajanamrutwani.wordpress.com/2008/11/24/rationalisam/

  Like

 3. આવા ઈમેઈલની અંદર એક ટ્રેકર મૂકેલું હોય છે (કાયદાની રીતે ટ્રેકર મૂકવું ગુનો છે) જેના વડે આવી મેઈલના સર્જકને જાણ થતી રહે છે કે એણે મોકલાવેલી ઈમેઈલ કોને મળી અને એણે કોને ફોર્વર્ડ કરી. આવી રીતે તેઓ ઈમેઈલ ડેટાબેઝ તૈયાર કરે છે. કોઈ તમને કહે કે તમારા બધા મિત્રોના ઈમેઈલ એડ્રેસ આપો તો તમે આપવાના નથી, પણ જો એ વ્યક્તિ તમને “ડોન્ટ ડ્રીંક એન્ડ ડ્રાઈવ” એવા મેસેજ સાથેની રસપ્રદ લખાણ/ચિત્રો સાથે મેઈલ મોકલશે તો તે મેઈલ તમે તમારા બધા મિત્રોને મોકલશો અને એ મેઈલમાં રહેલા છૂપા ટ્રેકર વડે એ વ્યક્તિને તમારા બધા મિત્રોના ઈમેઈલ એડ્રેસ મળી જશે! આવી રીતે મેળવેલા ઈમેઈલ એડ્રેસ લાખોની સંખ્યામાં બજારમાં વેચાય છે અને જાહેરાતોનો મારો કરવા વપરાય છે!

  Like

 4. ઉર્વિશભાઈ, ગોવિંદભાઈ

  વાત ખૂબ સાચી છે, આવા કેટલાય ઈ મેલ આવતાં રહે છે, કેટલાક આપણું શું જશે એ વિચારે ફોરવર્ડ કર્યા કરે, અને કેટલાક ડીલીટ કરી દે….. પહેલાના લોકો આવા હેન્ડબિલ છપાવતાં અને ઉપજાવી કાઢેલી કોઈક વાર્તાની નીચે ફલાણાં માતાજી કે દેવતાના નામ પર હજાર નકલો છપાવીને લોકોને વહેંચવાની તાકીદ કરવામાં આવતી, કરો તો આમ અને ન કરો તો તેમ થશે એવું ય હતું….. તો ઈન્ટરનેટથી ફક્ત પ્રવત્તિનું માધ્યમ બદલાયું છે, ભાવના નહીં.

  જો કે આજે પણ ગામડાઓમાં આવા હેન્ડબિલ છપાવીને વહેંચનારાઓનો તોટો નથી, જેમ ઈ મેલ ફોર્વર્ડ કરનારાઓની સંખ્યા ય નાની નથી…

  અનિવાર્ય અનિષ્ટ છે, એવી કોઈક સગવડ મળે જેનાથી એક ક્લિકથી જેટલા લોકોના એકાઉન્ટમાં એ ઇ-મેલ હોય ડીલીટ થઈ જાય ?… !! 🙂

  સરસ લેખ…..

  Like

 5. આ સાચી વાત છે. હાલમાં કૈટરિના કૈફ઼ની તસવીરોનો ઉપયોગ વાયરસ મોકલવા માટે થયો હતો. એના ચાહકો દુ:ખી થઈ ગયા.
  ફ઼ાયદાની આશા અને અંધશ્રદ્ધાને કારણે આપણે ફ઼ોરવર્ડ ન કરતાં ડરતા હોઈએ છીએ. ઇંટરનેટ માત્ર માણસોને નહીં માણસોની અંધશ્રદ્ધાને પણ સંગઠિત કરે છે. આપણે ટેક્નોલોજીના પ્રશંસક છીએ, સાયન્સના નહીં.

  Like

 6. ઈંટર નેટ વાપરતા સર્વે રેશનલ થીંકીંગ ધરાવનાર હોય છે કે આધુનિક વિચાર સરણી ધરાવે છે તેમ માનવું વાસ્તવિકતાનો ઈંકાર કરવા જેવો છે. અંધ શ્રધ્ધાળુઓ અને આત્મ વિશ્વાસ વગરના હો તરફ ફેલાયેલા છે અને તે લોકો ઈનટર નેટ અને સેલ ફોનનો પણ આવઓ જ ઉપયોગ કરી રહ્યા છે. અગાઉ આવા પોસ્ટ કાર્ડ લખવા માટે જણાવવામાં આવતુ અને તેમાં થોડો પણ ખર્ચ થતો તો આજે આ ઈંટર નેટની સેવાતો મફત છે માટે તેનો ઉપયોગ આવા તત્વો કરી રહ્યા છે. મારાં ઉપર આવી ઈ-મેલ અનેક વાર આવી છે અને હજુ આવતી રે છે અને હું વાંચ્યા વગર ડીલીટ કરી નાખતો હોવા છતાં આજ સુધીમાં મને કોઈ નુકશાન થયું નથી. આવા મેલ કરનારાઓને પણ જણાવતો રહું છું કે મને આવી મેલ મોકલવાની તકલીફ લેવી નહિ તેમ છતાં આવ્યા કરે છે અને હું ડીલીટ કર્યા કરું છું. વ્યક્તિનો પોતાનો આત્મ વિશ્વાસ મકકમ અને દ્રઢ હોય તો કશું થતું નથી તે બહુ જ સ્પષ્ટ છે . ટૂંકમાં દરેક વ્યક્તિ ઉપર આવી વાતો આધાર રાખતી હોય છે.

  Like

 7. હકિક્ત ને ખુબજ સરળ અને સચોટ રીતે રજુ કરવવાનો જે પ્રયત્ન છે તે પ્રસંસનીય છે., આવી માન્યતા ના મૂળ ઘણાજ ઊંડા છે, ઈંટર નેટ વાપરતા સર્વે રેશનલ થીંકીંગ ધરાવનાર હોય છે તે કદાચ સર્વેની માન્યતા હોઈ શકે પરંતુ તે આપણી ભ્રમણા થી વધુ કશું નથી તે હકીકત છે. આપણે અનેક સંકુચિતતાથી પીડિત વર્ગ માં આવી છીએ જેમાંથી બહાર નીકળવું એટલુ જ જરૂરી છે.

  Like

 8. જંક/સ્પામ ઈ-મેઈલમાં અમેરીકા પછી ભારતનો બીજો નંબર આવે છે.મારા જી-મેલ એકાઉન્ટમાં ફોવર્ડ ઈ-મેઈલોનો ઢગલો આવે છે.મોટા ભાગના સ્પામના ડબ્બામાં જકડાય જાય છે.બધાને ખબર છે કે ઈન્ટરનેટ આજે દરેક માણની જરુરીયાત છે અને ‘ઈ-મેઈલ’ લોકો સુધી પોહચવાનો સીધો રસ્તો છે.આવા ઈ મેઈલ આકર્ષક હોય છે,ઘણા ભોળા લોકો તેમાં ભેરવાઈ જાય છે.આજકાલ તો મોબાઈલ SMS પણ ફોર્વડ થઈને આવે છે. 😀

  Like

 9. દુનિયા કેટલી પણ આગળ વધે, સાયંન્સ કેટલી પણ ત્રર્રકી કરે,
  છતા માણસનુ મગજ નહી બદલાય. વિસમી સદી હોય કે એક્વીસમી
  સદી માણસની અંધશ્રધ્ધા નથી બદલાવાની.તદન સાચી વાત છે
  આવી ઈ-મેલ ઘણી આવતી હોય છે.

  Like

 10. ખૂબ સરસ માહિતી
  મેઈલમાં કરાતા ઘણાખરા દાવા સચ્ચાઈની કસોટી પર પુરવાર થતા નથી. ઈન્ટરનેટ પર સાચી ન લાગે એવી કે શંકા ઉપજાવે એવી કોઈ પણ માહીતી વાંચવા મળે, તો ‘ગુગલ’ જેવા ‘સર્ચ એન્જીન’માં જઈને સમ્બન્ધીત વીષય લખીને, તેની સાથે skeptics (સંશય કરનાર), other side (બીજી બાજુ), fraud (છેતરપીંડી) કે hoax (મજાકમાં કરેલી છેતરપીંડી) જેવા શબ્દો લખીને સર્ચ કરવાથી, આ વિષયની પોલ ખુલ્લી પાડતી વીગતો પણ મળી શકે છે.

  Like

 11. શ્રી ગોવીંદભાઇ, હંમેશની જેમ, આજે પણ એક ઉત્તમ લેખ.
  કાઠિયાવાડીમાં આવા મેઇલને ’ગાજર’ લટકાવ્યું કહેવાય !! મહેનત વગર કંઇક મેળવવાની ખોરી દાનતને લીધે તો આવા ધતિંગ ચાલે છે. ‘નાઈજીરીયન ફ્રોડ’ વર્ગના લગભગ દરરોજ બે-ત્રણ મેઇલ મારા સ્પામબોક્ષમાં આવે છે. જો કે હજુ સુધી આવા, ૨૦ મેઇલ મોકલો ટાઇપના, મેઇલ આવેલ નથી ! કદાચ લોકોને મારૂં પણ ભલું થાય તેમાં રસ લાગતો નથી !!
  મને લાગે છે કે આપણે જે અર્થમાં ’અંધશ્રદ્ધા’ કહીએ છીએ તે અજ્ઞાની કે ભોળા લોકો માટે સાચું હશે, તેઓને સાચું જ્ઞાન (અને વિજ્ઞાન પણ) સમજાવવું જરૂરી છે અને સમાજનાં હીતમાં પણ છે. પરંતુ આ મેઇલ કે SMS દ્વારા આવા ધતિંગોને ફેલાવતા લોકોને અંધશ્રદ્ધાળુ નહીં પણ ’લાલચુડા’ કહેવાય ! તે લોકો કંઇ એટલા નાદાન પણ નથી કે તેઓ બીક કે ધાર્મિકતાને લીધે આવા પ્રચારો કરતા હોય, આવી લિંક શરૂ કરનારને પોતાનું આર્થિક કે તેવું કોઇ (જેમ કે ભક્તો વધારવા વગેરે) હીત હોય છે અને આ લિંકને આગળ ધપાવનારાઓને મફતમાં કંઇક ફાયદો મેળવી લેવાની લાલચ હોય છે.
  હા, ટેકનોલોજી તો બેધારી તલવાર છે, અણુભંજનની પ્રક્રિયાથી વિજળી પણ મળે અને હિરોશિમા પ્રકારનું દારૂણ મોત પણ !! કોને શું જોઇએ તે તેની વ્યક્તિગત પસંદ છે. આપ જેવા સમજુ લોકો ફક્ત માર્ગદર્શન કરી શકે. આપનો, ઉર્વિશભાઇનો અને ઉત્તમભાઇનો આભાર.

  Like

 12. Dear Govindbhai,

  I am regualrly receiving your mails. Due to time contrain am not able to give my comments. Sorry. but this blog compel me to give my comments.

  Fantastic. Thank you very much for such eye opening sharing. keep it up.

  Like

 13. આ નાઈજીરિયન ફ્રોડ વાળા પાછા સુંદર છોકારીયોના ફોટા પણ મોકલે.ઉંમર નો કોઈ બાધ નહિ.ઓચિંતી વગર ઓળખે પ્રેમ કરે.કરોડો રૂપિયાના હીરા પણ મળે.તો ભાઈ જાતે જ લઇ લો ને !મફત માં જોઈતું હોય તો છેતરાવું પણ પડે.યુરોપ થી મેલ આવે કે લોટરી લાગી છે.વગર ટીકીટ લીધે?અંધ શ્રદ્ધા વિરુદ્ધ લખીએ તો પણ લોકો નારાજ થઇ જાય છે,આસ્થા નો સવાલ છે.ઘણા એવા પણ છે કે અહી આ બ્લોગ માં આવીને રેશનલ વિચારો ના વખાણ કરશે પણ મન થી તો એવા ને એવાજ હોય છે.ટૂંક માં અરવિંદભાઈ જેવું બધું ના જોઈતું ભૂસી નાખવાનું.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s