માનવતા એ જ દેશભક્તી

માનવતા એ જ દેશભક્તી

–વલ્લભભાઈ ઈટાલીયા

માણસ પ્રદર્શનપ્રેમી પ્રાણી છે. માણસ જે છે એનાથી સારો દેખાવાનો સતત પ્રયાસ કરતો રહે છે; જે છે એનાથી સારો બનવાનો પ્રયાસ ભાગ્યે જ કરે છે. કાર્યવૃત્તી નહીં; પ્રદર્શનવૃત્તી માણસને વધારે પસંદ પડે છે. સદીઓથી આપણને ખોટા વીચારો, ખોટી માન્યતાઓ પીરસવામાં આવ્યાં છે. આપણે સાચી દીશામાં વીચારવાની શક્તી બહુ ઝડપથી ગુમાવી રહ્યા છીએ.

સ્વપુર્ણ મહારાજ ફરતાં ફરતાં એક અજાણ્યા ગામમાં પહોંચે છે. ગામની નીશાળમાં રાતવાસો કરે છે. બરાબર બીજા દીવસે પંદરમી ઑગસ્ટ હતી. સવારમાં શાળામાં ધ્વજવંદન વગેરે વીધી પત્યા પછી શાળાના આચાર્યશ્રીએ આગ્રહ કર્યો એટલે સ્વપુર્ણ મહારાજે દેશભક્તીના પોતાના વીચારો રજુ કર્યા. કાર્યક્રમ પુરો થયો; બધા વીખરાયા. ગામના એક દાદા ત્યાં બેઠા રહ્યા. દાદાએ મહારાજને કહ્યું, ‘બાપુ, મને તમારા દેશભક્તીના વીચારો ખુબ ગમ્યા છે. હું હવે નીવૃત્ત છું. મારાથી થઈ શકે એવું દેશભક્તીનું કોઈ કાર્ય મને બતાવો. મારે હવે દેશભક્તી કરવી છે.’ સ્વપુર્ણ મહારાજે ધ્યાનથી એ દાદાની સામે જોયું અને એક ક્ષણ પછી જવાબ આપ્યો, ‘તમારા વાળ અને શરીર ખુબ મેલાં થયાં છે. કપડાં પણ ખુબ ગંદાં અને વાસ પણ આવે છે.  સામેની નદીએ જઈને પહેલાં શરીર અને કપડાં કાળજીથી ધોઈ આવો, પછી યોગ્ય લાગે તો પાછા આવજો. દેશભક્તીનું બીજું કાર્ય પણ બતાવીશ !

દેશપ્રેમ અને દેશદ્રોહ બંને અલગ અલગ છેડાના શબ્દો છે. બંને વચ્ચે બહુ મોટી ભેદરેખા છે; પરન્તુ આપણે ઘણીવાર એ ભેદને પારખવામાં માર ખાઈ જઈએ છીએ.

મજુરોને એમના પરસેવાનું વાજબી મહેનતાણું આપે એ માલીક દેશભક્ત છે અને મજુરોનું શોષણ કરનાર માલદાર દેશદ્રોહી છે. સન્તાનને  રેઢીયાળ  ઢોરની માફક રામભરોસે છોડી મુકનાર માવતર દેશદ્રોહી છે અને સન્તાનને સારી રીતે ઉછેરવામાં, ભણાવવામાં અને કેળવવામાં પુરતી કાળજી લેનાર મા-બાપ દેશભક્ત છે. મોટી મોટી સભાઓમાં નીરર્થક ભાષણો ઠોકીને પ્રજાનો કીંમતી સમય બરબાદ કરનારા નેતા દેશદ્રોહી છે અને સભામાં ખપ પુરતા સમાજોપયોગી વીચારો વહેંચનાર નેતા દેશભક્ત છે. ચાલુ પીરીયડે પોતાના નખ કાપવામાં અને વાળ હોળવામાં સમય વેડફતો શીક્ષક દેશદ્રોહી છે અને પીરીયડમાં એકે એક પળનો ઉપયોગ કરી વીદ્યાર્થીઓને સાચું માર્ગદર્શન આપતો શીક્ષક દેશપ્રેમી છે. થોડીક મુશ્કેલી પડે અને પત્ની તથા બાળકોને નોધારાં છોડી આપઘાત કરી લેનાર માણસ દેશદ્રોહી છે અને ગમે તેવી વીકટ પરીસ્થીતીમાં પણ માર્ગ શોધીને કુટુમ્બને સંભાળી લેનાર માણસ દેશભક્ત છે. સન્તાનપ્રાપ્તી માટે કોઈ સ્ત્રીને દવા આપનાર ડૉક્ટર દેશભક્ત છે; પરન્તુ સન્તાનપ્રાપ્તી માટે કોઈ સ્ત્રીને મંત્રેલો દોરો આપનાર માણસ દેશદ્રોહી છે. મહેનત કરીને સમસ્યાનો ઉકેલ શોધનાર માણસ દેશભક્ત છે; પરન્તુ ‘મારા ગ્રહ સુધરશે ત્યારે આપો આપ મારો ઉદ્ધાર થઈ જશે’ એમ માનીને બેસી રહેનાર માણસ દેશદ્રોહી છે.

પાંચ પ્રકારના દેશદ્રોહીઓ ઝટ આપણી નજરે ચડતા નથી:

(1)   સત્તાને પોતાની જાગીર સમજતા સત્તાલાલસુ અને ભ્રષ્ટ   રાજકારણીઓ.

(2)   દેશના અર્થતંત્રને ખાડે લઈ જનારા કરચોરો અને આર્થીક ગુનેગારો.

(3)   ગરીબ, નીરાધાર અને લાચાર કામદારોનું શોષણ કરનારા માલેતુજારો.

(4)  ઉંચો પગાર ખાઈને પ્રજાનાં કામોને ટલ્લે ચડાવતા અધીકારીઓ અને કામચોરી કરતા પગારદારો.

(5)  ભોળી પ્રજાને હાથીના દાંત બતાવી, એમના અજ્ઞાનનો દુરુપયોગ કરતા કર્મકાંડીઓ, પાખંડીઓ અને સાધુબાવાઓ.

માંગીને પોતાનું પેટ ભરનાર અપંગ ભીખારી દેશભક્ત હોઈ શકે; પરન્તુ લાંચ ખાઈને રાષ્ટ્રના ઝંડાને સલામ મારનાર નેતા કદી દેશભક્ત ન હોઈ શકે. ભણવાની ઉંમરે તમાચો મારીને બાળકને નીશાળનાં પગથીયાં ચડાવનારા મા-બાપ દેશભક્ત હોઈ શકે; પરન્તુ ભણવાની ઉંમરે પ્રેમથી બાળકને મજુરીએ મોકલનાર મા-બાપ કદી દેશભક્ત ન હોઈ શકે. જરુર જણાય ત્યારે માવતરને ઠપકો આપતો પુત્ર દેશભક્ત હોઈ શકે; પરન્તુ માવતરને ઘરડાંઘરમાં ધકેલી દેનાર પુત્ર કદી દેશભક્ત ન હોઈ શકે. શાળામાં સમયસર આવનાર નબળો વીદ્યાર્થી દેશભક્ત હોઈ શકે; પરન્તુ શાળામાં મોડો આવનાર તેજસ્વી શીક્ષક કદી દેશભક્ત ન હોઈ શકે. આચાર્ય ઘંટડી વગાડે ને સમયસર ચા હાજર કરી દેનારો પટાવાળો દેશભક્ત હોઈ શકે; પરન્તુ સમયસર ચા ન મળે ને લડી-ઝઘડી પડતો આચાર્ય કદી દેશભક્ત ન હોઈ શકે. મુશ્કેલીના સમયમાં પોતાનું શરીર વેચીને સન્તાનોનું ભરણ–પોષણ કરનારી વેશ્યા દેશભક્ત હોઈ શકે; પરન્તુ મુશ્કેલીના સમયમાં સન્તાનોને નોધારાં છોડી આપઘાત કરનારી કે રઝળતાં મુકી બીજા જોડે ભાગી જનારી માતા કદી દેશભક્ત ન હોઈ શકે. અરે, પોતાના પૈસાનો શોખથી શરાબ પીનારો સંસારી દેશભક્ત હોઈ શકે; પરન્તુ પારકા પૈસાના મેવા-મીઠાઈની ફરાળ કરીને ફાંદ વધારનારો સન્યાસી કદી દેશભક્ત ન હોઈ શકે.

મીત્રો, કટ્ટરવાદી દેશભક્ત હોઈ શકે; પરંતુ કોમવાદી કદી દેશભક્ત ન હોઈ શકે. પક્ષમાં એકતા જળવાય એ રાષ્ટ્રની ખરી તાકાત નથી; પ્રજામાં એકતા જળવાય એ રાષ્ટ્રની ખરી તાકાત છે. આપણે અંદરો અંદર એકતા જાળવવામાં હંમેશાં વામણા પુરવાર થયા છીએ. પ્રત્યેક માણસ હીંદુ કે મુસલમાન તો હોય; પણ પહેલાં તે ભારતીય હોવો જોઈએ.

પચાસ અંગ્રેજો વેપાર કરવા ભારત આવ્યા અને પચાસ કરોડ ભારતીયો ઉપર બસ્સો વર્ષ સુધી રાજ કરી ગયા ! અંગ્રેજો વીદેશથી સૈનીકો લઈને નહોતા આવ્યા. આઝાદી માટે લડતા આપણા જ દેશબાન્ધવો ઉપર લાઠીઓ અને ગોળીઓ વીંઝનારા બધા સીપાઈઓ ભારતીય હતા. જલીયાંવાળા બાગમાં ગોળી છોડવાનો હુકમ તો જનરલ ડાયરે કર્યો; પણ એ હુકમનો અમલ કરનાર બધા સીપાઈઓ ભારતીય જ હતા ! જો આપણામાં એકતા હોત તો પોતાના જ દેશ બાંધવો પર બેફામ ગોળીઓ છોડતી વખતે એમાંથી એક પણ ભારતીય સીપાઈનાં બાવડાં ધ્રુજ્યાં કેમ નહીં ? પોતાનાં જ ભાઈ-બહેનોને બેરહેમીથી વીંધી નાખનાર સીપાઈઓના અંતરાત્માએ બળવો કેમ ન કર્યો ? અંગ્રેજોએ બસો વર્ષ સુધી આપણામાં અંદર અંદર ભાગલા પાડીને રાજ કર્યું એવું માનીને આપણે આપણી નીર્બળતાઓનો બચાવ તો નથી કરી રહ્યા ? વાસ્તવમાં અંદરો અંદર લડીને બરબાદ થઈ જવા માટે આપણાથી વધારે ઉત્સુક પ્રજા વીશ્વમાં ક્યાંય નથી. આંતરીક કુસંપ અને વીખવાદ જલીયાંવાળા કાંડ વખતે પણ હતા, છઠ્ઠી ડીસેમ્બરના અયોધ્યાકાંડ વખતે પણ હતા અને ગોધરાકાંડ વખતે પણ હતાં.

ગોધરાકાંડ પછી અમદાવાદમાં તોફાનો ફાટી નીકળ્યાં. તોફાનોના બાવીસ દીવસ પછી અમદાવાદથી એક મુસ્લીમ યુવકનો મને પત્ર મળ્યો. લખ્યું હતું; ‘વલ્લભભાઈ, તમે મને ઓળખતા નથી; પરન્તુ પાંચ વર્ષ પહેલાં હું સુરત નોકરી કરતો હતો ત્યારે કૉન્ગ્રેસ હાઉસમાં કોમવાદ પર તમારું પ્રવચન સાંભળેલું. હાલ હું અમદાવાદમાં એક અખબારમાં પત્રકાર છું. તોફાનવેળાએ હું પ્રેસ પર હતો. મારી પત્ની અને મારી 9 વર્ષની દીકરી ઘરે હતાં. મારો-કાપોના નારાઓ સાથે એક ટોળું અમારા ઘર તરફ ધસી આવ્યું. મારી પત્નીએ પરીસ્થીતી પામી, ભાગવાની કોશીશ કરી. મારી નવ વર્ષની દીકરીને તેડવા ઘરમાં બુમ મારી પણ ક્યાંય દેખાઈ નહીં. દીકરી ક્યાંક આગળ દોડી ગઈ હશે એવું માની, મારી પત્ની જીવ બચાવવા ભાગી. ભાડાનું ઘર હતું. બધું સળગાવી દેવાયું. મોડી રાતે જેમ તેમ કરીને મેં મારી પત્નીને શોધી કાઢી. પરન્તુ મારી નવ વરસની દીકરીનો ક્યાંય પત્તો ન લાગ્યો. ચાર દીવસ શોધખોળ કરી. આખરે પાંચમા દીવસે અમે થોડાક પોલીસ અધીકારીઓ સાથે અમારા સળગી ગયેલા ઘરમાં તપાસ કરવા ગયા. અડધા સળગી ગયેલા લાકડાના કબાટમાંથી મારી નવ વરસની દીકરીની ભુંજાઈ ગયેલી લાશ મળી આવી ! ટોળાના ભયથી દીકરી કબાટમાં પુરાઈ ગઈ હશે એમ મારું માનવું છે. મારે એક જ દીકરી હતી અને અમે કુટુમ્બ નીયોજન અપનાવેલું. એને અમારો દીકરો માની ઉછેરેલી. વલ્લભભાઈ, મારે ચાર પ્રશ્નોના ઉતરો જોઈએ છેઃ

‘(1) બધાં કહે છે કે બાળક ખુદા-ભગવાનનું સ્વરુપ છે. ભગવાનને જ જીવતા સળગાવીને અયોધ્યામાં મંદીર કે મસ્જીદ કોના માટે બાંધવાં છે આપણે ?

(2) મને આર્થીક કોઈ તકલીફ નથી. હું પત્રકાર છું અને મારી પત્ની શીક્ષીકા છે. અમે અઢાર હજાર રુપીયા મહીને કમાઈએ છીએ અને અમારો ખર્ચ મહીને દસ હજારથી વધારે નથી. અમારા ઘરની મીલકત સળગાવી દેવાઈ, એનો અફસોસ નથી; પરંતુ અમારી સૌથી મોટી મીલકત તો અમારી દીકરી હતી ! દુનીયાનો કયો ધર્મ અમને અમારી દીકરી પાછી આપશે ?

(3)  હું અને મારી પત્ની ધર્મથી મુસલમાન છીએ; પરંતુ અમારી 9 વર્ષની દીકરીને હીંદુ કે મુસલમાન શું કહેવાય એનીય ખબર નહોતી ! જેને કોમવાદ સાથે કોઈ સમ્બન્ધ નહોતો એવી મારી નીર્દોષ દીકરીને શા માટે સળગાવી દેવામાં આવી ?

(4) મારા ઘરમાં મૌલાના આઝાદ સાહેબની સાથે સાથે ગાંધીજી અને સરદાર પટેલની તસ્વીરો પણ હતી. એ ઝનુની ટોળામાંના માણસોનાં ઘરમાં અહીંસાના પુજારી ગાંધીજીની તસ્વીર પણ હશે ખરી ? જવાબ આપી શકો તો આપનો ઋણી રહીશ.’

આ વેધક પત્ર વાંચીને હું લગભગ ભાંગી પડ્યો. ધ્રુજતા હાથે મેં કલમ હાથમાં પકડી. લખ્યું કે, ‘મીત્ર, જે માણસના ઘરમાં મૌલાના, ગાંધી અને સરદાર સાહેબની તસ્વીરો હોય એ માણસ મુસલમાન હોઈ શકે, હીંદુ હોઈ શકે; પરંતુ કદી કોમવાદી ન હોઈ શકે. દીકરીના અકાળ મૃત્યુથી માવતરને કેટલો આઘાત લાગે છે એનો મને અનુભવ નથી; પરન્તુ હું પણ એક પંદર-સોળ વરસની દીકરીનો બાપ છું. મારી દીકરીને સાયકલ વાગી જાય અને સહેજ જ ઘુંટીની ચામડી છોલાય ત્યારે; મને મારું હૃદય છોલાતું હોય એટલી વેદના થાય છે. નવરાત્રીમાં ઉઘાડા પગે દીકરી ગરબા રમતી હોય અને તેને પગમાં જરાક કાંકરે ખુંચે ત્યારે; મને મારા હૈયામાં એ કાંકરી સીધી ખુંચતી હોય એટલી પીડા થઈ જાય છે. તમારી નીર્દોષ દીકરીની હત્યાથી મેં મારી દીકરી ગુમાવી હોય એટલી વેદના અનુભવી રહ્યો છું. મારાં થોડાંક આંસુઓ તમારા પતી-પત્નીનાં હૈયામાં લાગેલી આગને ઠારી શકતાં હોય તો હું એને મારું સદભાગ્ય સમજું છું.’

આઝાદીની ચળવળ વખતે ગોધરાની ધરતી પરથી ગાંધી, મૌલાના આઝાદ, સરદાર સાહેબ, લોકમાન્ય તીળક અને નહેરુ જેવા સમર્થ નેતાઓએ ગોધરાની પ્રજા સમક્ષ પ્રવચનો કર્યાં છે. ગોધરાની ધરતી પર આ નેતાઓએ રાતવાસો પણ કર્યો છે. ગોધરાની એ જ ધરતી પર  કેટલાક કોમવાદી  નરાધમોએ નીર્દોષ યાત્રાળુઓને ચાલુ ટ્રેનમાં જીવતા સળગાવી દીધા અને ત્યાર પછી જે તોફાનો થયાં એમાં બુદ્ધની સમતા-કરુણા, મહાવીરની જીવદયા અને ગાંધીની અહીંસા ભડકે બળી. શહેરના ઋજુ, સંવેદનશીલ, આદરણીય સાક્ષર શ્રી ભગવતીકુમાર શર્માએ મને કહ્યું કે, ‘વલ્લભભાઈ, ક્યાં ગયું આપણું બધું જ્ઞાન, આપણાં શાસ્ત્રો, આપણી સંસ્કૃતી ? માનવ–દહનનું  આ નગ્ન તાંડવ જો  લાંબું ચાલશે તો મને તો ડર છે કે ક્યાંક મારું હૃદય બંધ ન પડી જાય !’

મીત્રો, જ્યારે કોઈ બે દેશ લડે છે ત્યારે બન્ને દેશને પચાસ-પચાસ ટકા નુકસાન થવાનો સંભવ હોય છે; પરન્તુ જ્યારે કોઈ એક જ દેશની બે કોમ લડે છે ત્યારે સોએ સો ટકા નુકસાન એ જ દેશને થાય છે. પચીસ પચીસ સદીઓથી બુદ્ધ અને મહાવીર આપણને માણસ બનાવવા મથી રહ્યા છે, અને આપણે…..! હજુ કેટલી સદીઓ લાગશે માણસને માણસ બનતા ?

પ્રસાદ

માણસમાં શક્તી ઘટે તો ગ્લુકોઝના બાટલા છે; માણસમાં લોહી ઘટે તો બ્લડના બાટલા છે; પણ માણસમાં માણસાઈ ઘટે ત્યારે કોઈ બાટલા છે ?

લેખક–સંપર્ક:

શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા,

સંપર્ક : 74–બી,  હંસ સોસાયટી, વરાછા રોડ, સુરત – 395 006

મોબાઈલ : 98258 85900 ઈ મેઈલ: vallabhitaliya@gmail.com

અક્ષરાંકનગોવીન્દ મારુgovindmaru@yahoo.co.in

લેખક પરીચય

મુળ ભાવનગર જીલ્લાના પાંચટોબરા ગામના વતની, 1963માં જન્મેલા અને સુરતમાં ભણી વાણીજ્યના સ્નાતક થયેલા શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા, સુરતના હીરા ઉદ્યોગના એક અગ્રણી ઉદ્યોગપતી તો છે જ; પણ તેઓ સાહીત્યસેવી, વીચારક, એક કુશળ વક્તા અને પ્રસીદ્ધ નીબંધકાર પણ છે. સાવ ઓછું લખ્યું છે એમણે અને હવે તો વ્યાવસાયીક વ્યસ્તતાને પરીણામે લગભગ બંધ જ; પરંતુ જેટલું લખ્યું છે તે તેમને પ્રથમ કક્ષામાં સ્થાપીત કરવા માટે પુરતું છે. કલા–સર્જનમાં મુલ્ય તો ક્વૉન્ટીટી(જથ્થા)નું નહીં; પણ ક્વૉલીટી(ગુણવત્તા)નું જ લેખાય. એમની બીજી સીદ્ધી તે વળી તેઓની વક્તૃત્વપ્રતીભા. પંદર મીનીટ બોલવા મળી હોય તો ચૌદમી મીનીટે તો એમણે આસન ગ્રહણ કરી લીધું હોય. એટલી સુયોજીત એમની સજ્જતા ! કવીત્વનાં છાંટણાંથી આકર્ષક અને આનંદપ્રદ એવું એમનું પ્રવચન સાંભળવું એય મોટો લહાવો.

શ્રી અને સરસ્વતીનું આવું સહઅસ્તીત્વ આ હસ્તીમાં છે. સફળ, બાહોશ વેપારી–ઉદ્યોગપતી તો તેઓ છે જ; પરંતુ એ સૌથીય મોટી વાત તો એ કે તેઓ નમ્રતા અને સૌજન્યથી શોભતા, પ્રસન્ન વ્યક્તીત્વના માલીક એવા ‘માણસ’ છે. શ્રી વલ્લભભાઈ એટલે મીઠો મધ જેવો મધુરો ‘માણસ’–સાચો અને પુરો..

––પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’ (બારડોલી) અને ઉત્તમ ગજ્જર (સુરત)

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા, જોતા રહો મારો બ્લોગ https://govindmaru.com/

ગોવીન્દ મારુનવસારી

પોસ્ટ તારીખ – 28/05/2010

24 Comments

 1. જે દેશ પાપમાં ખદબદતો હોય, અંધકારમાં રગદોળાતો હોય અને અભિમાન ગબડાતો હોય, એ દંભી દેશની ધરતી અપવિત્ર કહેવાય છે, અને એ અપવિત્રતા દુર કરવા આવી રીતે મનુષ્યોના ભોગ લેવાય છે.

  ક્યાં છે આ દેશમાં માનવતા, સચ્ચાઈ, શરમ અને સત્યતા, જે લોકો પરમેશ્વરથી ડરતા નથી એ દેશમાં લોકોને સર્વકંઈ હોવા છતાં પણ અશાંત જ રહે છે, કેમ કે તેઓ સૈતાનની બેડીઓમાં ઝકડાયેલા ગુલામો છે.

  હુ આ મુસ્લીમ ફેમીલી માટે આંસુઓની વરમાળા પ્રભુને ભેંટ ચડાવુ છુ, અને મારા ભાઈઓના પાપો માટે પણ આસુ-સહ માફી-ક્ષમા યાચના કરુ છુ.

  ધન્યવાદ સર વલ્લભભાઈ ઈટાલીયા અને સર ગોવિંદ મારુ અને અન્યોને !!

  Like

 2. જે રાષ્ટ્રના પાયામાં કૃષ્ણની ગીતા હોય એ રાષ્ટ્ર્માં આવું કોમવાદી ઝેર ક્યાંથી અને કેમ આવ્યું એ કારણ જાણ્યા વગર એનો ઉપાય મુશ્કેલ છે. મને લાગે છે કે, ઇસ્લામ કે જેના પાયામાં વીસ્તારવાદ અને ઈસ્લામને ના માનનારને મારવાની વૃત્તી સદીઓ પહેલા હતી, એણે ભારતની ભુમી પર જે આતંક અને વીધ્વંશનું બીજ રોપ્યું એને અંગ્રેજોએ ખાતર-પાણી આપ્યા. કોંગ્રેસ, ડાબેરી પક્ષો, આર.એસ.એસ./ભાજપ અને બીજા મફતીયા પક્ષોએ એની ફરતે વાડ કરી. હવે આ કોમવાદી વટવૃક્ષ એટલું મોટુ થઈ ગયુ છે કે એને વડવાઈઓ કાપ્યે મેળ નહીં પડે. એ માટે તો મુળ જ કાપવુ રહ્યું. દરેકે દરેક ધર્મમાં વ્યાપેલી બદી દુર કરી એમના મુળ સીધ્ધાંતોને સામ્પ્રત પ્રવાહોમાં પલોટીએ તો જ એ થશે. એ માટે દરેકે સંકલ્પ કરવો પડશે. જ્યોત સે જ્યોત જલે…

  Like

 3. ઝ્ઝોજો આપણે રેશનલ હોવાનો દાવો કરવો હોય તો કોમવાદનો વિરોધ કરવો પ્ડશે.. કોમનો કોઈ તાર્કિક આધાર નથી. વલ્લભભાઈના પત્ર-લેખક મુસલમાન ભાઈ સાથે થયું એવું કોઇની સાથે ન થવું જોઇએ. પરંપરા દ્વારા મળેલા ખ્યાલો સિવાય કોમ શું છે? અને આવા ધર્મ-ઝનૂની નેતાઓ બંધારણના સોગંદ લઈને સત્તા સંભાળતા હોય છે પણ પોતાની મૂળ વિચારધારા લાગુ કરતી વખતે બંધારણને ઠોકરે ચડાવતા હોય છે.અને આપણે પણ રેશનલ પોઈંટ ઓફ઼ વ્યૂથી આવી ઘટનાઓનો વિરોધ કરતાં અચકાઈએ છીએ. આકાશવાણી અમદાવાદના મારા એક મિત્ર આ જ કારણસર પોતાનું જન્મસ્થાન અમદાવાદ છોડીને ચાલ્યા ગયા. અમદાવાદનાં રમખાણો વખતે મારા એક શીખ કલીગે મને કહ્યું કે ” તુમ લોગોં કો ક્યા હો ગયા હૈ? હમ તો પાર્ટિશન કે બાદ ભાગ કર આયે ફ઼િર ભી હમેં ઇતની નફ઼રત નહીં હૈ.” મારી પાસે જવાબ નહોતો. મેં ધાર્યું હોત તો કોમવાદી જવાબ તો આપી શક્યો હોત, પણ જે શીખે ભાગલા વખતે સહન કર્યું હોય તેના સવાલનો જવાબ આપી શકાય એવો કોઈ તર્ક મારી પાસે નહોતો.

  Like

 4. ભાઈ ચિરાગભાઈ,
  તમારી ટિપ્પણી વાંચીને આશ્ચર્ય થયું. ઈસ્લામે વિધ્વંસનાં મૂળ નાખ્યાં તો ૧૮૫૭માં નાના ફ઼ડનવીસ, ઝાંસીની રાણી જેવા દેશભક્તોએ બહાદુર શાહ ઝફ઼રને ’શહેનશાહ-એ-હિન્દ’ શા માટે જાહેર કર્યા? આ વીરો કરતાં આડવાણી અને નરેન્દ્ર મોદી વધારે દેશભક્ત છે? બહાદુર શાહ ઝફ઼ર તો બાબરના જ વારસ હતા. સંસ્કૃતિઓનું સર્જન શોધી શોધીને વિખવાદો ઊભા કરવાથી નથી થતું. તમે જે વાત કરો છો તે સાચી છે કે નહીં તે જાતે તપાસી જોવાની જરૂર અનુભવતા હો તો એમ. એન. રોયે ઇસ્લામ વિશે લખેલું પુસ્તક વાંચી લેશો. ગૂગલ સર્ચમાં ’એમ. એન રોય, ઈસ્લામ” લખતાં મળી જશે. મુખ્ય વાત એ કે તમને લાગે છે કે તમારો વિચાર રેશનલ છે? તો મારા પ્રશ્નનો જવાબ આપવા વિનંતી છે.
  શૂન્યની શોધ તો ભારતમાં થઈ પણ એને દુનિયામાં પહોંચાડનારા મુસ્લિમ આરબો જ હતા. આજે પણ આ આંકડા ગણિતની દુનિયામાં ’હિન્દુ-અરેબિક’ આંકડા તરીકે ઓળખાય઼ છે. ઔરંગઝેબના ભાઈ દારા શિકોહે ઉપનિષદોનો અનુવાદ ફ઼ારસીમાં કરાવ્યો હતો અને એ ૩૦૦ વર્ષ સુધી હિન્દુસ્તાનની સંસ્કૃતિને જાણવાનું સાધન હતું. આપણે તો દરિયો પાર કરનારને નાતબહાર કરી દેતા હતા. ઇતિહાસ આર એસ એસ વાળા શીખવે એના કરતાં વધારે મોટો અને વધારે રસપ્રદ છે. કોઇને ગુરુ માન્યા વિના જાતે વાંચવાની તૈયારી હોવી જોઇએ. છેવટે મારો પ્રશ્ન યાદ રાખશો, મને તમારા જવાબની આશા અસ્થાને નથી જણાતી.

  Like

  1. દિપકભાઈ,

   1857મા શહેનશાહે હિન્દનુ બીરુદ આપનાર હીન્દુઓ હોવાથી શું મુસ્લીમ ઇતીહાસ જેણે એ પહેલાના 800 વર્ષમાં જે કત્લેઆમ કરી, મન્દીરો તોડ્યા, લોકોને બળજબરી મુસ્લીમ બનાવ્યા એ ખોટું ઠરશે? મારી વાતમાં તમને આડવાણી કે નરેન્દ્ર મોદી કેવી રીતે દેખાયા એ કહેશો? શ્રી રોયનું પુસ્તક મેં નથી વાચ્યું, પરંતુ એનાથી છેવાડાનો મત ધરાવનાર પુસ્તકો મળે તો શું એ મત ખોટો? હું તો કોંગ્રેસની સરકારે ઠરાવેલ પાઠ્યપુસ્તકમા બતાવેલો ઈતીહાસ જ ભણ્યો છું. મોદી તો હવે આવ્યા.

   દારા શિકોહે જે કર્યું અને ઔરંગઝેબે જે કર્યું એ બધું જ અમને ઈતીહાસમાં ભણાવવામાં આવ્યું છે. 0થી9ના આંકડાને “હિન્દુ-અરેબિક” નહી પણ “અરેબીક” આંક કહે છે એવુ અમને ગણિતમાં ભણાવવામાં આવતું હતું. પણ, એથી મુસ્લીમોએ ભારતને જે નુકશાન પહોંચાડ્યું એ ખોટુ નથી ઠરતુ.

   આ બધી દલીલો જો કે મુળ મુદ્દાથી દુર જઈ રહી છે. મારી પહેલાની ટીપ્પણીમા તમને શું રેશનલ ના લાગ્યું એ જણાવશો? કદાચ,મુસ્લીમોની તરફેણ ના કરી એ?

   Like

   1. ચિરાગભાઈ,
    આ સાથે એક લિંક મોકલું છું, આશા છે કે હિન્દુ-અરેબિક આંકડાઓ વિશે સ્કૂલમાં અધૂરું શીખવવામાં આવે છે એ વાત સ્પષ્ટ થશે. આ લિંક જોશો:
    http://en.wikipedia.org/wiki/History_of_the_Hindu%E2%80%93Arabic_numeral_system

    સૌથી છેલ્લી વાત સૌ પહેલાં. ચર્ચા મૂળ મુદ્દાથી દૂર નથી જતી. કોમવાદ દેશદ્રોહ છે જ.
    તમારી વાતમાં મોદી દેખાયા એવા મારા શબ્દો નથી. મેં પૂછ્યું છે કે આડવાણી અને મોદી ઝાંસીની રાણી કરતાં પણ મોટા દેશભક્તો છે? તમે આનો જવાબ નથી આપ્યો અને સવાલ કર્યો છે કે “પહેલાંનાં ૮૦૦ વર્ષ…એ ખોટું ઠરશે?” ના. ખોટું નહીં ઠરે. પરંતુ તમે અહીં પણ સ્કૂલમાં શીખવેલા ઇતિહાસની જ વાત કરો છો! તો મારે શું કહેવું? સ્કૂલ છોડ્યા પછી પણ ઇતિહાસ પર વખતોવખત નજર નાખતા રહેવું જોઇએ.

    તમે પૂછો છો કે “મારી પહેલાની ટીપ્પણીમા તમને શું રેશનલ ના લાગ્યું એ જણાવશો?” મને લાગે છે કે બહેન તમન્નાની ટિપ્પણી પર મેં જે લખ્યું છે તે કદાચ જવાબ તરીકે કામ લાગશે. સવાલ આત્મ-નિરીક્ષણનો છે. વલ્લભભાઈ અને ગોવિંદભાઈ જે પ્રયાસ કરે છે તે મારી સમજ પ્રમાણે આપણી ઘણી પરંપરાગત સમજણની ખામીઓ તરફ઼ ધ્યાન દોરવાનું છે. આપણે પરંપરાગત વિચારોથી અલગ થઈને કઈંક નવું વિચારીએ એ રેશનાલિટીની પહેલી શરત છે. કારણ કે પરંપરા બંધિયાર જળ છે.
    તમારા સવાલનો ઉત્તરાર્ધ છે: “કદાચ,મુસ્લીમોની તરફેણ ના કરી એ?” આનો જવાબ તો કદાચ ઉપરના જવાબમાંથી જ મળી જાય છે. પરંતુ હું એવી છાપ ઊભી થવા દેવા નથી માગતો કે જવાબ ટાળું છું. તમને જ્યાં બુદ્ધિગમ્ય રીતે લાગતું હોય ત્યાં મુસ્લિમોની તરફ઼ેણ ન કરશો. આનો બીજો પક્ષ એ છે કે જ્યાં બુદ્ધિગમ્ય લાગે ત્યાં તરફ઼ેણ કરવી. ઉદાહરણ તરીકે મારા લખાણની એક-બે લિંક મોકલું છું. વાંચી જવા વિનંતી છે. આ ટિપ્પણીઓ મુસ્લિમ ચેનલ પર કરેલી છે એની નોંધ લેશો.
    http://www.twocircles.net/2010mar27/islamic_banking_boiled_ice_cream.html
    અને
    http://www.twocircles.net/2010mar10/women_s_reservation_bill_what_it_means_muslim_representation.html

    તમે ઇચ્છો તો શ્રી ગોવિંદભાઈ પાસેથી મારું ઇ-મેઈલ એડ્રેસ પણ લઈ શકો છો. આ ચર્ચા અંગત સ્તરે ચાલુ રાખવી હોય તો તમારું સ્વાગત કરીશ.

    Like

 5. તમારી વાત સાચી છે, માણસાઇ મારી પરવારી છે,
  દેશ દાઝ તો એમના હ્રદયમાં ભડકતી અમાનુષી આગ નું નામ છે, બાકી દેશ કહે તો નથી કે કોઈ નિર્દોષ ને હણો,
  અરે ! જો દેશ દાઝ ખરે ખર હોય તો આપણાં જ હાથે દેશ દાઝ ના નામે અપણા દેશને બરબાદ ના કરી એ,
  અરે ! જે એ વિચારતા નથી કે દેશ દાઝ ના નામે જે નુકશાન કરીએ છીએ એ તો પડ કોવાડા પગ પર કરીએ છીએ,
  એ નુકશાન બીજા ને નહિ આપણ ને જ થાય છે,
  પણ જેણે બુદ્ધિ નું દેવાળું કાઢ્યું, એ ને શું કહેવાય !
  શું આને દેશ ભક્તિ કહેવાય ?
  – તમન્ના

  Like

 6. બહેન તમન્ના,
  તમે સાચું કહો છો.દેશદાઝનો અર્થ એક કોમનું હિત એવો થતો હોય તો કશું કહેવાપણું નથી રહેતું. તો આપણે મહંમદ અલી ઝીણાને પણ સાચા માનવા જોઇએ. જસવંત સિંહ અને આડવાણીને ઝીણાનો કઈં વાંક દેખાતો નથી! કોમવાદીઓ કોઈ પણ ધર્મના હોય, સરખા જ હોય. પણ પાકિસ્તાનની અત્યારે જે હાલત છે તે જોઇએ તો સમજી શકાય કે આજે ત્યાં મસ્જિદો પણ સલામત નથી તો કોમની સલામતીની તો વાત જ ક્યાં રહી? અને બાંગ્લાદેશની રચના થઈ તે વખતે પણ ત્યાં બધા મુસલમાન જ હતા, પણ ધર્મને નામે જુદા થયા પછી ધર્મ એમને એક ન રાખી શક્યો. ભાષાને નામે અલગ થયા. એટલે ધર્મને નામે, કોમને નામે લડાઈઓ કરાવવી એ દેશદ્રોહ છે. વલ્લભભાઈએ બહુ સારાં ઉદાહરણો આપ્યાં છે. આપણે ધર્મની આઈડેન્ટીટીને મુખ્ય માનશું તો અવશ્ય વર્ણની આઈડેન્ટિટી પર સરકી પડીશું અને હું બ્રાહ્મણ છું એટલે મને દલિતોની સમસ્યાઓ દેખાશે જ નહીં! મારી આઇડેન્ટિટી મુસલમાન હશે તો અવશ્ય હું કાં તો સુન્ની હોઈશ અથવા શિયા! આમ આપણે વધારે ને વધારે નાના વર્તુળમાં અભિમન્યુની જેમ ઘુસતા જશું અને ક્દી બહાર આવી શકીશું નહીં. ’ભારતીય’ સિવાયની કોઈ પણ આઇડેન્ટિટી્માં ’ભારત’ નથી.

  Like

 7. ભાઈ આપણી તો આન્ખ માંથી પાણી આવી ગયા.આપણે તો કશું લખી નહિ શકીએ.હું તો દીકરી વગર નો બાપ છું.જે નથી એને miss કરી રહ્યો છું.

  Like

 8. સુન્દર. વલ્લ્ભાઇ ઇટાલિયાના વિચારો પ્રગટ કરવા બદલ અભિનન્દ અને આભાર.

  Like

 9. પેલા મુસ્લિમ યુવકની કથા વાંચીને આંખમાં આંસુ આવી ગયા.
  શ્રી વલ્લભભાઈનો લેખ વાંચીને નાના પાટેકર અભિનિત ‘ક્રાંતિવીર’ ફિલ્મનો છેલ્લો સીન યાદ આવી ગયો.

  દરેકે વાંચવા જેવો લેખ છે..

  Like

 10. સુધારો કરવો હોય તો પ્રદિપભાઇની વાત માનીને વર્તો. કેવળ પ્રવચનો,પુસ્તકો અને પેનના જોરે કશું પ્રાપ્ત થતું નથી.સુધારા માટે તો દરેક વ્યકિતએ પ્રામાણિક પુરુષાર્થ કરવવો પડે છે. ગાંધીજી અને વિનોબાનો દાખલો આપણી સમક્ષ મોજુદ છે જ. કથા વાર્તા અને ‘ડાન્સ ઇન્ડિયા ડાનસ” જેવી
  પ્રવૃત્તિઓમાં સમય વ્યતીત કરતી માનવ મેદની જયાં લગી પુરુષાર્થ કરવા હાથમાં પાવડા,ઝાડુ લેવા નહીં પ્રેરાય ત્યાં લગી કશું વળવાનુ નથી.

  Like

 11. Most of society is doomed everywhere. Essential quality of love and affection , brotherhood and fraternity, spirit of sacrifice for our fellowmen is largely dipped to a very low point.
  This is expressly evident when we observe status of relationship among members of a family as a unit. Gigantic efforts and total focus to imbibe unity and friendship among people are required. Cannot perceive if that utopean ideal can ever taken place even in a small nation or society………….?
  Nevertheless hope of evolution has to be kept alive. Great intellectuals like Shri Vallabhbhai have helped the society from total collapse.
  My pranaam to him.

  Like

 12. શ્રી વલ્લભભાઈ ઈટાલીયાનો લેખ વાંચી એમને સલામ કરવાનું મન થયું. કારણ કે એમણે લાગણીઓની વાત વહેતી મુકી છે, નહિં કે લડાવવાની. હિંસાને તો ધુત્કારવાની જ હોય. કોઈ ને પણ્ અન્યાય થતો હોય તો ફ્ક્ત એક જ બાજુ ન બોલી શકાય તેવું એમનું કહેવું છે. તેમણે નિર્દોષોની તરફેણ કરી છે. એમનામાં જે લાગણીઓ છે તેને સલામ.. એમની લાગણીઓને તોલવાની ન હોય.

  Like

 13. નમસ્કાર, દેશદ્રોહ અને દેશભક્તિનો તફાવત સરસ ઉદાહરણો વડે સમજાવ્યો. જો કે માનવતા અને દેશપ્રેમ વચ્ચેનો સંબંધ બહુ સ્પષ્ટ થયો નહીં ! માનવતા એ દેશ-કાળથી પર એવો સર્વસ્વિકાર્ય ગુણ છે, જ્યારે દેશભક્તિ એ સ્થળ-કાળને સાપેક્ષ છે. અંગ્રેજોના શાસન સમયે આઝાદીના લડવૈયાઓ, સરકાર અને સરકારનો પગાર ખાનારાઓ માટે દેશદ્રોહી ગણાય શકે, આજે તેઓ દેશભક્તો ગણાય. આજે પણ વિશ્વભરમાં પોતાના અલગ પ્રદેશોની માંગ કરનારાઓ દેશદ્રોહીઓ ગણાય છે ને ? કોઇ ને કદાચ અલગ પ્રદેશ મળી જાય તો તેઓ ત્યાંના ઇતિહાસમાં મોટા દેશભક્તો ગણાવા લાગશે. સામાન્ય રીતે દેશભક્તિ એ રાજ્યભક્તિનો પર્યાય મનાય છે. રજવાડાઓના સમયમાં પણ રાજાની વિરુદ્ધ જનારને રાજ્યદ્રોહી ગણવામાં આવતો, તેઓ બહારવટે ચડતા, પોતાના જ લોકોને રંજાડતા અને રાજ્યના સિપાઇઓ જ તેને ઝબ્બે કરવા કે ઠાર મારવાની તાકમાં રહેતા.
  તમે જો કરાંચી કે લાહોરમાં જન્મેલા હોય તો, સ્વતંત્રતા પુર્વે કરાંચી કે લાહોરની ધુળ માથે ચડાવો, ત્યાંની ધરતીને વંદન કરો તો તમે દેશભક્ત ગણાતા, અત્યારે આવું કરો તો દેશદ્રોહી ગણાશો.
  તમે પાકિસ્તાનનાં એક દર્દીની સારવાર કરી અને તેનો જીવ બચાવો તે માનવતા છે, અને સરહદ પર ઘુસણખોરી કરતા એક પાકિસ્તાની ત્રાસવાદી પ્રત્યે માનવતા બતાવવા જાઓ (ઠાર ન મારો) તો તે દેશદ્રોહ છે !
  લેખ સરસ છે, પ્રેરણાદાયી છે, પરંતુ “માનવતા એ જ દેશભક્તિ” તેવો કોઇ સિધ્ધાંત ગળે ઉતરતો નથી, કદાચ એ મારું અજ્ઞાન પણ હોય છતાં આટલા પુરતું હું ક્ષમા માગીશ. શ્રી વલ્લભભાઇ અને આપનો ખુબ આભાર.

  Like

 14. અશોક્ભાઇ, માનવતા વિનાની દેશભક્તિ નકામી છે. દેશભક્તિ અને રાજભક્તિ પણ ચર્ચાનો વિષય બની શકે.

  Like

 15. This blog touch my hert and i am very sad for this .wonderful blog sir i am proud of you becuse one gujarati who motivate the people.keep it up

  Like

 16. પ્રિય અશોક
  આ નવી શ્રેણી ચાલુ કરી એમાં તે બીજાના લેખો ઉપર હસ્તે મુખ પુષ્પ વેર્યા હોય એ પણ વાંચવા મળશે ખરું ?
  જો એ મારું માનવું સત્ય હોય તો મને લાગે છે કે એ વ્યાજબી કહેવાય . તારા આ નવીન તમ વિચારો માં ખુબ
  સફળતા માળશેજ એમાં મને કોઈ શંકા જણાતી નથી .

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s