અગમજ્ઞાની ઓક્ટોપસ : વૈશ્વીક અન્ધશ્રદ્ધાનું મનોરંજક પ્રતીક

અગમજ્ઞાની ઓક્ટોપસ : વૈશ્વીક અન્ધશ્રદ્ધાનું મનોરંજક પ્રતીક

ઉર્વીશ કોઠારી

દર ચાર વર્ષે રમાતા ફુટબોલ વર્લ્ડકપમાં દરેક વખતે બે-ચાર સ્ટાર ખેલાડીઓનાં નામ સતત ચર્ચાતાં રહે છે. ટુર્નામેન્ટના  શ્રેષ્ઠ ખેલાડી બનવા માટે તેમની વચ્ચે જાણે હોડ જામે છે. પ્રસાર માધ્યમોમાં તે એવા છવાય છે કે ફુટબોલના ‘ફ’ સાથે લેવાદેવા ન હોય એવા લોકો પણ તેમના વીશે જાણતા થઈ જાય.

એ પરમ્પરા પ્રમાણે ફુટબોલ વર્લ્ડકપ 2010માં એક ખેલાડી છવાયેલો છે. જો કે, તે મેદાન પર નહીં, પણ એક્વેરીયમમાં છે અને તે ફુટબોલ રમતો નથી; પણ ફુટબોલની સ્પર્ધાઓની ભવીષ્યવાણી કરે છે. તમામ સાચી આગાહીઓ કરી ચુકેલો પોલ નામનો ઓક્ટોપસ વર્લ્ડકપનો ખરો સ્ટાર હોય એમ, આ વર્ષે તે પ્રસાર માધ્યમોમાં છવાયો છે. મેચ પહેલાં જર્મનીના નીવાસી પોલ સમક્ષ એકસરખું ભોજન ભરેલાં બે કાચનાં પારદર્શક ઘન પાત્રો મુકવામાં આવે છે. બન્ને પાત્રો પર એક-એક દેશના રાષ્ટ્રધ્વજ લગાડેલા હોય છે. ‘ઓરેકલ ઓક્ટોપસ’ (અગમજ્ઞાની ઓક્ટોપસ) તરીકે ઓળખાતો પોલ જે રાષ્ટ્રધ્વજવાળા પાત્રમાંથી ભોજન આરોગે, તે ધ્વજવાળો દેશ વીજેતા.

પોલ જર્મનીમાં હોવાથી શરુઆતમાં તેની સેવાઓ ફક્ત જર્મનીની મેચ હોય ત્યારે જ લેવાતી હતી. પરન્તુ જર્મની સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગયા પછી પોલે બીજી આગાહીઓ ચાલુ કરી અને તે પણ સાચી પડવા લાગી. અન્તે ફાઈનલમાં સ્પેન જીતશે એવી પોલની આગાહી પણ સાચી પડી.

ફાઈનલમાં સ્પેન જીતે કે ન જીતે; પણ પોલનો ‘સ્ટ્રાઈક રેટ’ – આગાહીઓ સાચી પડવાનો સીલસીલો પહેલી નજરે કોઈને પણ પ્રભાવીત કરી શકે એવો છે. તેણે જર્મનીની જીતની જ નહીં, બે વાર તેની હારની પણ આગાહી કરી હતી અને તે સાચી પડી. સેમી ફાઈનલ આવતાં સુધીમાં પોલની આગાહીનો દબદબો એવો થઈ ગયો હતો કે જર્મનીની હારની ઓક્ટોપસે કરેલી આગાહીને કારણે જર્મન ટીમ મેદાનમાં ઉતરતાં પહેલાં મનથી હારી ગઈ હોય, એવી સંભાવનાઓ પણ વ્યક્ત થઈ.

પોલની આગાહીઓની સફળતાના પગલે ફરી એક વાર સાયકીક પાવર્સ/ચૈતસીક શક્તીઓની વાતો થવા લાગી છે. આ પ્રકારની શક્તી ધરાવતાં બીજાં પ્રાણીઓ પણ ફુટી નીકળ્યાં છે અને આ પ્રકારના જુના કીસ્સા યાદ કરવામાં આવ્યા છે.

આઠપગા અઠંગ જ્યોતીષ પોલની આગાહીઓ ‘બે ઘડી મનોરંજન’ અને માર્કેટીંગના તીકડમ તરીકે માણવાની મઝા આવી શકે; પણ ‘ચૈતસીક શક્તી’ અથવા ‘દીમાગી શક્તી’ જેવા ભારેખમ શબ્દો દ્વારા ઓક્ટોપસ-ચર્ચાને વીજ્ઞાનના મેદાનમાં લઈ જવા જેવી નથી. કારણ કે રમતના મેદાનની જેમ વીજ્ઞાનના મેદાનમાં અન્ધશ્રદ્ધાઓ અને માન્યતાઓ નહીં; પણ શંકા, સવાલ અને સાબીતીઓની બોલબાલા હોય છે.

ધારો કે પોલ ઓક્ટોપસના કરીશ્માને વીજ્ઞાનના મેદાનમાં લઈ જઈએ તો ?


ભવીષ્યદર્શનની ભારે કસોટી


ઓક્ટોપસની કહેવાતી ચૈતસીક શક્તી અને રમતમાં વીજેતા નક્કી કરી આપવાની તેની ખુબીને વૈજ્ઞાનીક માન્યતા આપતાં પહેલાં ઘણા પ્રયોગ કરવાના થાય.

ઓક્ટોપસ સ્પર્ધામાં ઉતરેલા બન્ને દેશો (એટલે કે દેશનો રાષ્ટ્રધ્વજ ધરાવતાં  ખોરાકનાં પાત્રો)માંથી કોઈ એકની પસંદગી કરી લે, ત્યાર પછી એ જ પ્રયોગનું જુદી જુદી રીતે પુનરાવર્તન  કરવું રહ્યું.  જેમ કે, પાત્રોની જગ્યા બદલ્યા પછી એ જ પરીણામ મળે છે ? તેની પર લગાડેલા રાષ્ટ્રધ્વજની અદલબદલ કર્યા પછી પણ ઓક્ટોપસ અગાઉના જ દેશને પસંદ કરે છે ? અગાઉ ઓક્ટોપસે નાપસંદ કરેલા દેશનો રાષ્ટ્રધ્વજ બન્ને પાત્રો પર લગાડેલો હોય, તો ઓક્ટોપસ શું કરશે ? અને બન્ને બોક્સ પર,  કોઈ એક દેશને બદલે બન્ને દેશના રાષ્ટ્રધ્વજ સાથે લગાડેલા હોય તો ? બન્ને પાત્રો પર દેશના રાષ્ટ્રધ્વજને બદલે લાલ અક્ષરે ફક્ત તેમનાં નામ લખવામાં આવ્યાં હોય તો ?

વર્લ્ડકપ દરમીયાન જે બે દેશો વચ્ચે મેચ હોય, તેમના રાષ્ટ્રધ્વજ ધરાવતાં બે જ પાત્ર ‘અગમબોધી’ ઓક્ટોપસ સમક્ષ મુકવામાં આવતાં હતાં. પણ બેને બદલે આઠ-દસ પાત્રો મુકવામાં આવે, તેમાંથી બે પર જેમની મેચ હોય એવા દેશોનો રાષ્ટ્રધ્વજ હોય અને બાકીનાં પાત્રો પર તૃતીયમ્ દેશોના રાષ્ટ્રધ્વજ હોય, તો પણ ઓક્ટોપસ ભવીષ્યદર્શન કરીને વીજેતા દેશના ધ્વજવાળા પાત્રની જ પસંદગી કરશે ?

આગળ જણાવેલી જુદી જુદી સ્થીતીમાં પ્રયોગો કર્યા પછી પણ ઓક્ટોપસ કોઈ એક જ દેશ તરફ આંગળી ચીંધે એટલે કે તેના ધ્વજવાળા પાત્રમાંથી ખાય એવી શક્યતા બહુ ઓછી છે. છતાં દલીલ ખાતર એવું માની લઈએ કે ઘણીખરી કસોટીઓમાં ઓક્ટોપસ કોઈ એક જ દેશ તરફ આંગળી ચીંધે છે, તો ?

તો પણ ઓક્ટોપસ ભવીષ્ય જોઈ શકે છે/ભાખી શકે છે એવું માની લેવાય નહીં. કારણ કે ઓક્ટોપસને અને મેદાન પર રમનારી મેચને કશો સમ્બન્ધ ન હોઈ શકે. એવો કોઈ પણ સમ્બન્ધ સ્થાપીત કરતાં પહેલાં કમ સે કમ એટલું સાબીત કરવું પડે કે ઓક્ટોપસ દરેક દેશને તેના રાષ્ટ્રધ્વજથી ઓળખે છે ! (નાગરીકશાસ્ત્રનું આટલું જ્ઞાન ધરાવતો ઓક્ટોપસ ફક્ત ભવીષ્ય જ નહીં, વર્તમાન વીશે પણ ઘણું બધું જાણતો હોઈ શકે.) બીજી તરફ, જીવશાસ્ત્રનો અભ્યાસ કરનારા કહે છે કે ઓક્ટોપસમાં રંગ ઓળખવાની ક્ષમતા હોતી નથી.

ઘણા લોકો ‘ચૈતસીક શક્તી’ અને ‘મગજની ક્ષમતા’ વચ્ચે ભેળસેળ કરે છે. કહેવાતી ચૈતસીક શક્તીના અસ્તીત્વ વીશે વીજ્ઞાન હમ્મેશાં શંકા સેવે છે; પછી તે પ્રાણીઓની વાત હોય કે માણસની. ચૈતસીક શક્તીનો દાવો કરનારા લોકો પણ કદી વીજ્ઞાનને પુરેપુરો સન્તોષ થાય અથવા વૈજ્ઞાનીક કસોટીની શરતો પુરી થાય એવો દેખાવ કરી શક્યા નથી.

‘પશુપક્ષીઓનાં મગજની ક્ષમતા’ – આખો જુદો વીષય છે. દુરદેશાવરથી સ્થળાંતર કરી, એક ચોક્કસ સ્થળે આવી પહોંચતાં પક્ષીઓની ‘દીશાશોધન’ની ક્ષમતા, પોપટની ‘અનુકરણવૃત્તી’, મધમાખીઓનું ‘ગણીતજ્ઞાન’ … આ યાદી અનન્ત છે. પરન્તુ તેમની આ ક્ષમતા માટે ચૈતસીક શક્તી નહીં; પણ ઉત્ક્રાંતીની પ્રક્રીયા કારણભુત છે. એ દીશામાં વધુ ને વધુ અભ્યાસ થતાં એક પછી એક ક્ષમતા પાછળનાં રહસ્યો ઉકલી રહ્યાં છે અને વૈજ્ઞાનીક કારણો સામે આવી રહ્યાં છે; તે કોઈ પણ ચૈતસીક, અગમનીગમ શક્તીને ટક્કર મારે એવાં છે. છતાં, તેની ઝાઝી પ્રસીદ્ધી કે ચર્ચા થતાં નથી. લોકોને ‘ગુઢતાના ગાઢ ધુમ્મસ’માં મહાલવામાં જેવી મઝા આવે, એવી વીજ્ઞાનના પ્રકાશમાં નથી આવતી. ઓક્ટોપસને મળેલી પ્રચંડ પ્રસીદ્ધી અને લોકપ્રીયતા તેનું તાજું ઉદાહરણ છે.


ભવીષ્યકથન: શક્યતા અને વાસ્તવીકતા


કોઈ જાતના વર્ણન વીના, ફક્ત બે વીકલ્પોમાંથી એકની પસંદગી કરતો ઓક્ટોપસ આટલો ‘શ્રદ્ધેય’ બની શકતો હોય, તો આઠને બદલે બે પગ અને ઘણું વધારે ચડીયાતું દીમાગ ધરાવતા ભવીષ્યવેત્તાઓનો ધંધો ધમધોકાર ચાલે એમાં શી નવાઈ ? કેમ કે, માણસના મનમાં ભવીષ્યના અંધારીયા ઓરડામાં કંઈક જોવા મળે તો જોઈ લેવાની જબરી તાલાવેલી હોય છે.

ભવીષ્ય જાણવાનું કોઈ પદ્ધતીસરનું શાસ્ત્ર છે કે કેમ, એ શાસ્ત્ર દાવા પ્રમાણે સચોટ છે કે કેમ – આ બધા સવાલો વીશે સદીઓથી ચર્ચા થતી રહી છે અને હજુ સુધી તેના સન્તોષકારક જવાબ મળ્યા નથી.

સામાન્ય વૈજ્ઞાનીક અભીગમ ધરાવનારા લોકો જ્યોતીષશાસ્ત્રનો વીરોધ કરે છે એટલો જ; બલકે એનાથી પણ વધારે જ્યોતીષના નામે ચાલતી લુંટનો, ધતીંગનો અને લોકોને મુરખ બનાવવાના ધંધાનો વીરોધ કરે છે. વૈજ્ઞાનીક અભીગમનો પાયાનો નીયમ છે ખુલ્લું મન. કોઈ પણ જ્યોતીષી પરીક્ષા આપવા આવતા વીદ્યાર્થીની જેમ નહીં; પણ પોતાની કળામાં પારંગત સંગીતકારના જાહેર કાર્યક્રમની જેમ જ્યોતીષશાસ્ત્રનો પદ્ધતીસરનો પરીચય આપે અને તેની થીયરીની વૈજ્ઞાનીકતા પ્રયોગો દ્વારા સીદ્ધ કરી બતાવે, તો એ સ્વીકારવામાં ગમે તેવા વૈજ્ઞાનીક અભીગમધારીને વાંધો ન જ હોઈ શકે.

પરન્તુ એ ન થાય ત્યાં સુધી જ્યોતીષનો મોટા ભાગનો ધન્ધો સામેવાળા  પાત્રની નબળી, અસલામત, અસ્થીર માનસીકતાના જોરે અને રાજકારણીઓને ટક્કર મારે એવા વાક્–ચાતુર્ય ઉપર ચાલતો હોય છે. (ચરોતરી બોલીમાં ‘રાશી’ કહેવાય એવા) રાશી ભવીષ્યથી માંડીને  લોકોના જીવનના અંગતતમ  નીર્ણયોમાં જ્યોતીષીઓ પર શ્રદ્ધા ધરાવતા લોકોનું પ્રમાણ બહુ મોટું છે. તેમાંથી અડધાઅડધ લોકો હકીકતે ભવીષ્ય જાણવાની જીજ્ઞાસાથી નહીં; પણ વર્તમાન સંઘર્ષમાં ટકી રહેવાનું બળ મેળવવા કે પોતાના ડગુમગુ નીર્ણયને બહારથી ટેકો મળે એ માટે જતા હોય છે.

આદર્શ નહીં; પણ માનવસહજ ધોરણે વીચારતાં આટલી હદનું જ્યોતીષ મનોચીકીત્સા જેવું કામ કરી શકે. પરન્તુ જ્યોતીષીઓ આટલેથી ભાગ્યે જ અટકે છે અને માણસને પણ ફક્ત ભવીષ્ય જાણવાથી સંતોષ થતો નથી. તે ભવીષ્ય જાણીને તેને બદલવાનો વ્યર્થ પ્રયાસ કરે છે. તેમાં મદદરુપ કે ગ્રાહકને એ દીશામાં ધકેલતા મોટા ભાગના જ્યોતીષીઓ એક યા બીજા સ્વરુપે છેતરપીંડી  કરે છે. કારણ કે ભવીષ્ય જાણી શકાય છે એ જ સાબીત ન થઈ શક્યું હોય, ત્યાં મન્ત્રતન્ત્ર કે જાપ–યજ્ઞ દ્વારા ભવીષ્ય બદલવાનો દાવો કોઈ રીતે હજમ ન થાય એવો છે.

ભારતના લોકો માટે ‘સ્વાર્થી આશ્વાસન’ હોય તો એટલું જ કે અવૈજ્ઞાનીક બાબતો પર અન્ધશ્રદ્ધા રાખવાની બાબતમાં તે એકલા નથી. સુધરેલા ગણાતા યુરોપ-અમેરીકા સહીત આખું વીશ્વ, પોલ ઓક્ટોપસના માધ્યમથી, ‘હમ તુમ્હારે સાથ હૈ…’ ના પોકાર પાડી રહ્યું છે.

મામલો જર્મન ઓક્ટોપસનો હોય કે દેશી જ્યોતીષીનો, એક હકીકત યાદ રાખવા જેવી છે: ભવીષ્ય એક એવી સસ્પેન્સ નવલકથા છે, જેનું પહેલેથી છેલ્લે સુધીનું પાનું એ જ ક્રમમાં વાંચવામાં અને સસ્પેન્સ વારાફરતી ખુલતાં જાય તેમ તેના વીશે જાણવામાં, સાર્થકતા અને અસલી મઝા છે. બધાં સસ્પેન્સ વીશે સાચી કે ખોટી માહીતી પહેલેથી મળી જાય, તો વાંચવાની (એટલે કે જીવવાની) પ્રક્રીયાની મઝા મરી નજાય ? અને ભવીષ્યની સાચી ખોટી જાણકારીની અસર નક્કર વર્તમાન પર પડે એ નુકસાન તો પાછું વધારાનુ !

ઉર્વીશ કોઠારી

‘ગુજરાત સમાચાર’( http://gujaratsamachar.com/beta/ ) દૈનીકના તા. ૧૩–૦૭–૨૦૧૦ના અંકના પાન આઠ પરથી લેખકશ્રી અને તન્ત્રીશ્રીના સૌજન્યથી સાભાર… ગોવીન્દ મારુ

લેખક સંપર્કઃ

ઉર્વીશ કોઠારી, લુહારવાડ, મહેમદાવાદ387 130 (Gujarat-India) ફોન નંબરઃ 99982 16706 મેઈલઃuakothari@yahoo.com

લેખકનો બ્લોગ :

www.urvishkothari-gujarati.blogspot.com (આ જ વીષયે લેખકે પોતાના આ જ બ્લોગ પર, ૧૪મી જુલાઈએ ‘આગાહીબાજ બાબા પોલ ઓક્ટોપસ’નો કાલ્પનીક રમુજી ઈન્ટરવ્યુ મુકી, મઝા તો કરાવી; પણ તીકડમ્બાજ પ્રસાર–માધ્યમો વીશે આપણને વીચારતા કરી મુક્યા..! જરુર વાંચો..)

અક્ષરાંકનઃ ગોવીન્દ મારુ govindmaru@yahoo.co.in

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/

આ લેખ પસંદ પડે અને મીત્રોને મોકલવા મન થાય તો મારી પાસે એની પીડીએફ ફાઈલ તૈયાર જ છે. મને govindmaru@yahoo.co.in પર મેઈલ લખશો કે તરત મોકલી આપીશ.. આભાર..

ગોવીન્દ મારુનવસારી

July 17, 2010

26 Comments

 1. FIFA એ આ વાત પર ગભિંર વિચારણા કરવી જોઇએ કે મેચો પર કરોડો ડોલર નો ખર્ચ કરવા ના બદલે આ કહેવાતા ઓક્ટોપસ ની સેવાઓ મેળવવી જોઇએ, જેથી જગત ના અબજો લોકો નો મેચ જોવા માટે નો કીમતી સમય બચી જશે. આ કહેવાતો ઓક્ટોપસ જ વર્લ્ડ ક્પ વિજેતા નક્કી કરશે.

  કાસીમ અબ્બાસ

  Like

 2. Is a man rational animal? as claimed by some philosophers? Octupus and its colleagues have time and again disproved that theory. Such irrational practices must be criticisized, exposed and opposed vehemently on every occasion. I humbly endorse the respcted Author.

  Like

 3. અગાઉ આપણી ભારતીય અંધશ્રદ્ધા ઉપર ઘણા જ સુજ્ઞજનોએ બળાપો, કકળાટ અને પૂણ્યપ્રકોપ દર્શાવ્યો. કેટલાકે તો આપણી ગરીબી, અજ્ઞાનતા અને અધોગતિનું મૂળ પણ આ અંધશ્રદ્ધાને જ ગણાવી અને ઠીક ઠીક ચાબખા ભારતીયો ઉપર મારી સ્વ વિદ્વત્તા સિદ્ધ કરી.

  હવે તમો સર્વે એ આ ગોરી અંઅંધશ્રદ્ધા જોઇ.

  અંધશ્રદ્ધા વિશ્વવ્યાપી છે. જ્યાં જ્યાં અનિશ્ચિતતા હોય ત્યાં સામાન્ય કક્ષાના લોકો આવી અંધશ્રદ્ધામાં ગ્રસ્ત થઈ જાય છે.

  સુજ્ઞલોકોએ સારા નેતાને ઓળખવામાં થાપ ખાવી ન જોઇએ.

  Like

 4. દવે સરજી, અતિ ઉત્તમ વાત કહી આપે,

  હવે આખુયે જગત ફરીથી અંધશ્રધ્ધા તરફ વળી રહ્યુ છે, એનુ જીવતુ ઉદાહરણ છે હેરી પોટર, ફેંગ શુઈ ની સફળતા અને એ પણ ખિસ્તીય દેશોમાં, કેમ કે વિજ્ઞાન , (આર્ટ્સ કોમર્સ સાઈંસ વગેરે) અને આત્મિક જ્ઞાન, ભારતીયો નહિ તો અન્ય દેશો માટે મોજમસ્તીના કારણે બોજ બની રહ્યુ છે, વિજ્ઞાન શિખવા તનતોડ મહેનત જોઈએ જે મોજમસ્તી કરનારાઓને પોસાતુ નથી અને એ ધનના મદમાં લોકો હવે વધુને વધુ અંધશ્રધ્ધેય વિગ્રહો તરફ આકર્શાય છે અને એટલે જ આજે પોલબાબા, અને જાદુઈ પિક્ચરોની શ્રંખલેય મહત્વતા વધી છે. લોકોને બસ થોડાક્માં વધુ જોઈએ છે

  Like

 5. પાશ્ચાત્ય દેશના લોકો આપણા% દેશને જાદુગર -ચમત્કાર અને બાવા સાધુઓ સાથે જ અંધશ્રધ્ધાથી ભરપુર માનસિકતા ધરાવનાર પ્રજાનો દેશ માનતા અને તેવા ટોણા પણ મારતા રહેતા આ પોલ ઓક્ટોમસે તેવા લોકોની પોલ ખુલ્લી પાડી દીધી ! ઉર્વીશભાઈએ ગુ૴ સમાચારમાં ખુબજ સંદર રીતે આ અંધશ્રધ્ધા માટે ટીખળ કરી ઋદય સોંસરવો ઉતરી જાય તેવો વ્યંગ કર્યો છે !
  જોકે જ્યાં પણ પરિણામ અનિશ્ચિત હોય છે ત્યાં મોટાભગના લોકો પૂર્વના કે પશ્ચિમના આવી અંધશ્રાધ્ધામાં શ્રધ્ધા ધરાવતા જોવા મળે છે ! લોટરી-જુગાર્ વગેરે આવી અંધશ્રધ્ધાના પ્રતિકો છે ! ઈશ્વર બચાવે આવા લોકોને તેવી પ્રાર્થના કર્યા સીવાય અન્ય કોઈ વિકલપ મારી કે આપની પાસે નથી ! ખેર ! દુનિયા આમ જ ચાલ્યા કરવાની છે આપણું તો અરૂણ્યરૂદન સીવાય કંઈ નથી ! અસ્તુ !

  Like

 6. Good article. Paul the Octopus a gimick only. Human mind of a common man most of the time gets attracted to anything that is paranormal in appearance. I say appearance, feeling. I would say such news are worth discouraging…

  Like

 7. અંધશ્રદ્ધા વિશ્વવ્યાપી છે ..આ રીતે પણ પોતાની મેલી વિદ્યા તરફ લોકોનું ધ્યાન ખેંચી ભર્માવવાનું શરુ કરી દે છે
  દિલીપ

  Like

 8. The article is very clear and is able to dispense with the superstitious attitude prevailing allover the world. Such instances prove that human nature is same wherever we go. Being superstitious is not the monopoly of Indians. The scientific inquiry is the only method that should be adopted to prove that all these are nothing but gimmiks to attract the attention of more and more people. More people should come out with the articles against such claims so that the masses who are at times on the borderline get proper direction and refuse to be cheated.

  Urvishbhai!!!!!!!!! As usual, you are rockinggggggggggg!

  Like

 9. રાજેશભાઈ, તમારી વાત આંશિક રીતે સાચી છે. વિજ્ઞાન ભણવાથી ઘણો ફેર પડે ખરો. પણ વિજ્ઞાન ભણવાથી પણ ઘણી વખત કશું વળતું નથી. વૈજ્ઞાનિક સિદ્ધાંતો સમજીને તેને આત્મસાત સરીને વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેળવવી પડે છે.

  પ્રમાણ ભાન અને સંબદ્ધતાની પ્રજ્ઞાની ખામી ભલભલા મૂર્ધન્યોમાં પણ હોય છે. ઘણા જ વૈ્જ્ઞાનિકો ખાસ કરીને ભારતીય લોકો પણ આસ્થા અને તર્કને અલગ રાખીને વર્તે છે. તર્કને બુદ્ધિ સાથે સંબંધ છે. પણ જો કોઈ બુદ્ધિને અલગરાખીને શ્રદ્ધાની વાત કરે તો તેના શ્રદ્ધાના વિચારોમાં કદી પરિવર્તન ન થાય.

  અંધશ્રદ્ધા અને પ્રમાણભાન અને સંદર્ભને ચકાસવાની પ્રજ્ઞાની કમી એ બંને સરખા જ ખામી યુક્ત છે. આપણા દેશમાં સામાન્ય કક્ષાના માણસોમાં અનિશ્ચિતતાને કારણે અંધશ્રદ્ધા છે. અને વિદ્વાનોમાં (મીડીયા મૂર્ધન્યોમાં) પ્રમાણભાન અને સંદર્ભને ચકાસવાની પ્રજ્ઞાની કમી છે. બંને એ દેશને પારાવાર નુકશાન કર્યું છે. અને એટલે જ અહીં એકવંશીય રાજકારણ અગણિત નિસ્ફળતાઓ, કૌભાંડો અને મૂર્ખામીઓ દ્રષ્ટિગોચર થવા છતાં ફુલ્યું ફાલ્યું છે અને આપણે નૈસર્ગિક આશિર્વાદો છતાં યુરોપ અને એશિયાના પણ ઘણા દેશોથી ૧૫૦ વર્ષ પછાત છીએ.

  પૉલ મહારાજ ને છાપાવાળાઓએ ખ્યાતિ આપી. અને જેઓએ ઈમોશનલ થઈ ધમાલ કરી તેને લગતા સમાચારોને ચગાવ્યા. અને હવે પોલમહારાજને રીટાયર પણ કરી દીધા. પણ આપણે ત્યાં અંબાલાલભાઈ એમ કંઈ રીટાયર ન થાય.

  Like

 10. ગોવીંદભાઇ, સ_રસ અને સમયસરનો લેખ મુક્યો. આમે ઉર્વીશભાઇના લેખો વાંચવા બહુ ગમે છે. શાથેનું કાર્ટુન (ઠઠ્ઠાચીત્ર !) બહુ જ માર્મિક રહ્યું. આભાર.

  Like

 11. આપણે-સામાન્ય માનવીઓએ- કરેલા કેટલાક ભવિષ્ય કથન પણ સાચા પડતા હોય છે. લોકોને છેતરતા આવડે તેવા લોકો આવી સામાન્ય બાબતોને અસામાન્ય બનાવી પબ્લીસીટી કરી નામ અને/અથવા પૈસા કમાવામાં ઉપયોગ કરે છે જેમાં તે સફળ થયા પછી જાગૃત લોકોની વાત તેઓ કે લોકો બહુ કાને ધરતા હોતા નથી. તકલીફોનો રેલો પગ નીચે ન આવે ત્યાં તો સુધી તૂત ચાલે જ છે.

  Like

 12. Very good article. I agree with Urvishbhai The only truth prevailing on the earth is ” Hum Nahin Sudharenge.”
  Shashikant Shah

  Like

 13. અત્યાર સુધીની ઉત્તમ ટીપ્પણે શ્રી દવે સાહેબે આપી છે. ધન્યવાદને પાત્ર છો દવે સાહેબ,

  આજે જગત સ્વભાવની દ્રષ્ટીએ એક લાગી રહ્યુ છે, પશ્ચિમ પુર્વથી આકર્શાઈ રહ્યુ છે અને એવુ જ પુર્વનુ પુર્વકાળથી જ છે. મોટા ભાગે પશ્ચિમીદેશોમાં પુર્વીય વાયરો જેવો કે હિંદુ-ચીની ધર્મ અને લોકોમાં વિશ્વાસ, ખિસ્તીઓનુ મોળા પડવુ, મુસ્લીમોનુ પણ આંશીક ઉદારમતવાદીપણુ. ઉંડાણથી વિચારશુ તો હવે જણાશે કે એકંદરે મનુષ્યોની વિચારવાની પધ્ધતિ એક જ પ્રકારની છે (શ્રધ્ધા અને અંધશ્રધ્ધ બન્નેમાં) ફક્ત એમા પોતપોતાના ધર્મ-રીતી-રિવાજો મુજબ ઓછુ વધતુ હોઈ શકે. આવતી એક બે સદીમાં કદાચ વિશ્વનો ધર્મ એક જ થઈ જશે, જેવી રીતે આજે વૈશ્વીક ભાષામાં અંગ્રેજીનુ મહત્વ છે એવી રીતે સર્વ મનુશ્યજાતીના વિચાર અને સ્વભાવ એક જેવા થઈ જશે એવુ લાગે છે. અને આ બધુ શક્ય થઈ રહ્યુ છે ફક્ત અને ફક્ત મુડીવાદ થી જે વિજ્ઞાનના તાર્કીક આધાર પર ટકેલો છે. જે આજથી ૧૦૦-૨૦૦ વરસ પહેલા કોઈએ વિચાર્યુ જ ન હતુ. છતાંપણ જગત એક બની રહ્યાના એંધાણ હવે છેલ્લા દસ વરસથી વર્તાઈ રહ્યા જ છે. લોકોને એકબીજા પ્રત્યે વિશ્વાસ વધી રહ્યો છે અને મુઠીભર કટ્ટર મુસ્લીમભાઈઓ આતંકવાદ છોડીને પ્રેમવાદ અને બંધુવાદ અપનાવી લે તો જગતને સ્વર્ગ મળી જ જાય. અને એટલે જ વારંવાર કહુ છુ ભૌતિક પ્રગતિ પોતાની જોડે આત્મિક પ્રગતિ પણ સાધે તો જ અંધશ્રધ્ધા પરાજય પામશે અને પ્રુથ્વી પર સ્વર્ગ અવતરશે. “શત્રુને પ્રેમથી જ જીતી શકાય છે, હિંસાથી તો ત્રણ પક્ષો ખુવાર થાય છે” શત્રુ, પોતે અને પ્રુથ્વી.

  Like

 14. અંધ શ્રદ્ધા વિશ્વવ્યાપી છે એકલા ભારત ને વગોવવાનું કોઈ કારણ નથી.મેક્સિકન અને લેટીન અમેરિકન સ્પેનીશ લોકો પણ ખુબ અંધ શ્રદ્ધાળુ હોય છે.અહી પણ ભૂવા જાગળીયા હોય છે.અહી લોટરી રમનારા દરેક એવાજ હોય છે.પ્રમાણ માં ફેરફાર હોઈ શકે પણ હોય તો બધેજ.જ્યોતિષી દરેક ને એવું કહેતો હોય છે કે તમારા નસીબ માં જશ નથી.એમાય સ્ત્રીઓ ને ખાસ.ગમે તેટલું સગા સબંધીઓ માટે કરો પણ તમને જશ ના મળે.બસ દરેક ને આવી ફરિયાદ હોય એટલે પહેલો ઘા રાણાનો લોક એનું સાચું માનવા લાગે.લોકો ને સહાનુભુતિ મળી ગઈ ને એનું કામ થઇ જાય.બીજું થોડું સાયકોલોજી વાપરવાની.

  Like

 15. હા ભૂપેન્દ્ર ભાઈ, તમારી વાત ૧૦૦ ટકા સાચી છે. “તમે બહુ મહેનત કરો છો પણ તમારી કદર થતી નથી. તમને યથા યોગ્ય જશ નથી મળતો.” એવું કોઈને પણ કહેવામાં આવે તો તે તીર સચોટ નિશાન ઉપર પહોંચે છે. અને જો જ્યોતિષી આ વાત તેની સ્ટાઇલમાં થોડી ગણત્રી કરીને કહે એટલે શિકાર ફસાઈ જ જાય.

  રાજેશભાઇની આગાહી વૈજ્ઞાનિક છે. ધર્માંધ મુસ્લીમો અને ખ્રીસ્તી ગુરુઓએ સુધરવાની જરુર છે. કારણ કે તે સૌ ખુલ્લંખુલા કહે છે કે અમારે આખી પૃથ્વીને પોતાના ધર્મની કરવી છે.

  બીજા કોઇ પણ ધર્મના ગુરુઓને આવો કોઇ અભરખો નથી.
  આખી દુનિયામાં એક માત્ર ધર્મ હોય તો પૃથ્વી શું વધુ સુંદર બનશે? વૈવિધ્યતામાં જ સુંદરતા છે. ઈન્ટરનેટ માધ્યમથી પૃથ્વી એક ગામડું થઇ જશે. તહેવારો અને મંદિરો રહેશે પણ બધા માણસો બધે જશે અને એકબીજાના આનંદમાં સામેલ થશે.

  ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં તો થોડે ઘણે અંશે આવું ચાલુ પણ છે.

  રાજેશભાઈ! પ્રસંશા બદલ આભાર.

  Like

 16. શ્રી ઉર્વિશભાઈ તથા ગોવિંદભાઈ,સુંદર આર્ટિકલ બદલ ખૂબ ખૂબ અભિનંદન

  મને આ ઘટનામાં ઈક્તફાકથી વધૂ કશું દેખાતુ નથી.આતો વૈશ્વિક અંધવિશ્વાશનું ઉદાહરણ છે.

  Like

  1. રાજનીભાઇ, સાવ સાચું કહ્યું, આપે ’ઈક્તફાક’ કહ્યું, ગણીતની ભાષામાં વધુ ચોખવટથી કહીએ તો આને ’સંભાવનાનું ગણીત’ ( Probability ) કહી શકાય. કોઇ પણ બે માંથી એકની જીતની પસંદગી કરવાની હોય તો દરેકની સંભાવના ૫૦-૫૦ % રહે જ છે. ચારમાંથી એક માટે ૨૫ % રહે છે. આ ગણીત (જે ૧૦માં ધોરણના વિદ્યાર્થીને પણ સમજાતું હોય છે !) આગળ વધારીએ તો પણ કોઇ બાબત સાચી પડવાની સંભાવના અમુક % તો રહેલ હોય જ છે. આ તો પેલા સાપનું ઝેર ઉતારતા ભુવાઓ જેવું છે, ૧૦૦ લોકોને સાપ કરડે તેમાં ઝેરી સાપ જ કરડવાની સંભાવના કેટલી ? અને બીનઝેરી સાપ કરડેલ લોકો ભુવા પાસે આવ્યા હોય તે આમે, વધુ નુકશાન થયા વીના બચવાના જ હોય. અને જે બચી જાય તેનો પાછો પુરજોશથી પ્રચાર થાય અને ખરે જ ઝેરી સાપ કરડેલા અને યોગ્ય સારવાર ન પામેલા કોઇ અભાગીયાઓ જીવથી હાથ ધોઇ બેસે તેમના સંબંધીઓ પોતાના નશીબને દોષ આપી બેસી રહે, તેનો બહુ પ્રચાર પણ ન થાય ! આમ ડીંડક ચાલ્યા કરે. આમા પણ પોલબાબા આ વખતે સાચા પડનાર સંભાવ્ય %માં આવી ગયા, બાકીના ઘણા બાબાઓ (કોઇ પોપટ વગેરે પણ રેસમાં હતા) ન આવ્યા તેથી પોલબાબાની જયજયકાર !! ઉર્વીશભાઇએ લખ્યા મુજબના વિવિધ પરીસ્થિતિમાં પરિક્ષણો કરવા જોઇએ, ભુતકાળમાં અલગ વિષયો પર થયેલા આવા પરીક્ષણોમાં ઘણાની પોલ ખુલી ગયેલી જ છે !

   (http://en.wikipedia.org/wiki/Probability)

   Like

   1. હું જ્યાંરે ધોરણ ૧૨ માં ભણતો ત્યાંરે ગણિતમાં ‘સંભાવના’ ચેપ્ટર આવતું.ઓક્ટોપસનું તો कौन बनेगा करोडपति જેવુ છે.તેમાં તો ચાર વિકલ્પો આપવામાં આવતા.છતાં હું ક્યાંરેક અઠેગઠે ધારીને બીજા તબક્કા રૂપિયા ૩,૨૦,૦૦૦ સુધી પહોંચી જતો.અહીં તો માત્ર બે જ વિકલ્પો આપવામાં આવ્યા છે.ખરી કસોટી તો ઉર્વીશભાઈએ કહ્યુ તેમાં છે.

    Like

 17. મેં ઓક્ટોપસની ્બુદ્ધી અને ચાતુર્યની ઘણી ડોક્યુમેન્ટરી જોઇ છે- સામાન્ય રીતે તે ગમે તેવા કઠણ ઢાંકણાવાળી બરણીઓ ખોલી શકે છે-બીજું એને કોઇ પણ ખોરાકની (માછલીની ) ગમતી ગંધવાળી બરણી ગમે છે-અને એ તરફ એ દોડે છે. પહેલે દિવસે જ્યારે મેં જાણ્યું ત્યારે હસી કાઢ્યું હતું. આ એક ચોખ્ખું તરકટ છે- ઓકટોપસ વિષે મેં વાંચ્યું પણ છે એ લુચ્ચું પ્રાણી છે.
  મૂર્ખા હોય ત્યાં ધૂતારા હોય જ ને!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s