‘વીવેકપંથી’ એટલે તંત્રી ગુલાબ ભેડાનું આઠ વરસનું સંતાન…

‘વીવેકપંથી’ એટલે તંત્રી ગુલાબ ભેડાનું આઠ વરસનું સંતાન…

– વલ્લભભાઈ ઈટાલીયા

(વીવેક બુદ્ધીવાદી માસીક વીવેકપંથીના એક સોમા અંકનો વીમોચનસમારોહ 2010ની 13મી જુને મુમ્બઈ ખાતે યોજાઈ ગયો. આ પ્રસંગે વીમોચક ભાઈ શ્રી. વલ્લભ ઈટાલીયાએ પોતાના પ્રભાવક પ્રવચનમાં વીવેકપંથીની વીશેષતાઓ અને તંત્રી શ્રી. ગુલાબ ભેડાની સજ્જતા અને સજ્જનતાને બીરદાવી, સભાગૃહમાં શ્રોતાઓને ભાવવીભોર કર્યા હતા. પ્રસ્તુત છે પીસ્તાળીસ મીનીટ સુધી પીનડ્રોપ શાંતી વચાળે થયેલા તે પ્રવચનના કેટલાક અંશો…આલેખનઃ ઉત્તમ + મધુ ગજ્જર સુરત)

આટલા બધા રૅશનાલીસ્ટો એક સાથે જીન્દગીમાં પહેલી વાર મેં જોયા છે. રમણભાઈ પાઠકને ખબર પડશે તો બે વરસ વધારે જીવશે.

જગતની નેવું ટકા સમસ્યાઓ માણસની બુદ્ધીનું જ પરીણામ છે. ઈશ્વર, ધર્મ, ભુતપ્રેત, સ્ત્રીઓ પરના પ્રતીબન્ધો, શોષણ, દમન, કુરીવાજો, વહેમો, અન્ધશ્રદ્ધા, જ્યોતીષ, વાસ્તુશાસ્ત્ર અને કર્મકાંડો જેવાં દુષણો માણસની બુદ્ધીની જ નીપજ છે. એકલી બુદ્ધી વીનાશક બની શકે. દાઉદ ઈબ્રાહીમ અને ઓસામા બીન લાદેન પાસે ઓછી બુદ્ધી નથી. બુદ્ધીને નીયંત્રીત કરવા માટે અને યોગ્ય દીશામાં વાળવા માટે એક ડ્રાયવરની જરુર પડે છે. બુદ્ધી એટલે મોટરકાર અને ‘વીવેક’ એટલે બુદ્ધી નામની ગાડીનો ડ્રાયવર. વીવેકબુદ્ધી વીનાનો માણસ એટલે ‘કોકપીટ’ વીનાનું વીમાન ! સૌ પ્રથમ તો આ સામયીકનું અર્થસભર નામ ‘વીવેકપંથી’ રાખનારને હું ધન્યવાદ આપું છું.

બીજા ધન્યવાદ આ એક સોમા અંકના સંપાદક ભાઈ કીરણભાઈ ત્રીવેદીને આપું છું. આગળના નવ્વાણું અંકોમાંથી સાંગોપાંગ પસાર થઈ, તેમાંથી મોતી વીણવાનું કામ જરાયે સહેલું નથી. તેમણે તે ઐતીહાસીક કામ સુપેરે પાર પાડી આપણા હાથમાં મુકી દીધું. તે માટે તેમને દીલથી ધન્યવાદ…

‘વીવેકપંથી’ આપણને ગમે છે તેનાં દસ કારણો કયાં ? મારી સમજ પ્રમાણે તે રજુ કરું –

(૧) તંત્રી ગુલાબ ભેડાની સજ્જતા અને સજ્જનતા

એક નીતાંત ‘સારો માણસ’ જ સારો કલમનવીસ બની શકે અને એક સારો કલમનવીસ જ સારો તંત્રી બની શકે. ભીતરમાં ગંદકી ભરી હોય અને બહાર ઉજળાં કે ભગવાં વસ્ત્ર પહેરી દેવાથી અંદરની ગંદકી દેખાતી તો બન્ધ થાય છે; પરન્તુ ગન્ધાતી બન્ધ થતી નથી. ભીતરમાં કચરો પડયો હોય ત્યારે શબ્દ અને શાહીની પવીત્રતા જોખમાય છે. ગુલાબભાઈ એક એવા માણસ છે કે જેમણે પોતાનાં કપડાં કરતાં પોતાના અંતરને હમ્મેશાં વધારે ઉજળું રાખ્યું છે. સારો માણસ જ એ છે, જે મફતનું ખાતો નથી, મફતનું લેતો નથી, બીજાને નડતો નથી અને પોતાને ભાગે આવેલી જવાબદારીમાંથી કદી છટકતો નથી ! કેટલાક તંત્રીઓ સામે મળે ત્યારે તેમને દંડ કરવાનું મન થાય; પણ ગુલાબભાઈ સામે મળે ત્યારે દંડવત્ કરવાનું મન થાય.

(૨) ગુલાબભાઈને એમના જેવા જ સારા, સમર્થ અને સમર્પીત સાથીઓ મળ્યા –

ગુલાબભાઈને દામજીભાઈ સાવલા, રાયચંદભાઈ શાહ જેવા બીજા અનેક સમર્પીત અને સમર્થ સાથીઓ મળ્યા. સાથે સદાના સમર્પીત એવાં પત્ની વીણાબહેન અને એમની એક માત્ર દીકરી પ્રૉ. હર્ષા બાડકર જેવા સ્વજનોનાં સાથ–સંગાથ મળ્યા. ભઈ, નસીબદાર છે ગુલાબભાઈ !

(૩) અભ્યાસપુત તંત્રીલેખો

‘વીવેકપંથી’ના તંત્રીલેખોમાં વીણી લેવાતા મોટે ભાગે કરંટ ટૉપીક, નવીદૃષ્ટીવાળાં નીરીક્ષણો, માર્ગદર્શક અને વજનદાર નવા વીચારો અને વાચકોને હમેશાં કંઈક નવું આપવાનો ઉમળકો જ એમના લેખોને જીવંત બનાવે છે. પ્રેમ, સેક્સ, લગ્નેતર સમ્બન્ધો, ફરજીયાત મતદાન, બોધકથા, રમુજીપ્રસંગો વગેરે જેવા વીષયોની વીવીધતા તેમના તંત્રીલેખોમાં જોવા મળે છે. ગુલાબભાઈની કલમ દ્વારા એમના ચીન્તન–અનુભવનો નીચોડ આપણા સુધી પહોંચે છે.

(૪) ગુલાબભાઈની વીનમ્રતા

ગુલાબભાઈએ જાહેર કર્યું છે કે પોતાની 79 વર્ષની જીન્દગીમાં પુરાં 63 વર્ષ આમ–વ્યક્તીની જેમ ધાર્મીકતામાં વીતાવ્યાં છે. રૅશનાલીઝમમાં તો તેઓ પોતાને પંદર વર્ષનું બાળક જ સમજે છે. 1993-94માં મુમ્બઈના ‘સમકાલીન’ દૈનીકમાં પ્રા. રમણ પાઠકની ‘સંશયની સાધના’ કૉલમ શરુ થઈ અને મુમ્બઈમાં રૅશનાલીઝમના વીચારોનું જાણે વાવાઝોડું જ આવ્યું ! રમણભાઈ જે લખે તે છાપવા માટે છાતી જોઈએ અને તત્કાલીન તંત્રી  હરી દેસાઈએ સલમાન ખાનની છાતી બતાવી ! ગુલાબભાઈની વીશેષતા એ છે કે જરા પણ ભુલ થાય તો જાહેરમાં માફી માંગી લે. કહે છે, ‘હું વીદ્વાન નથી અને હવે વીદ્વાન બની શકું એમ પણ નથી; કારણ કે મારું વાચન ઓછું છે અને યાદદાસ્ત કમજોર છે.’ કોઈની નીન્દા ન કરે, કટાક્ષ નહીં, મહેણાં–ટોણા નહીં અને સૌના મીત્ર. સૌને લાગે કે ગુલાબભાઈ મારા છે.

(૫) પારદર્શક વહીવટ

સંસ્થા કે આ સામયીક હજી રજીસ્ટર્ડ પણ થયાં નથી; છતાં પાઈ–પાઈનો ચોખ્ખો અને ખુલ્લો હીસાબ. પુ. મોરારીબાપુએ રુપીયા પચીસ હજાર મોકલ્યા અને કહ્યું કે, ‘રસીદની જરુર નથી.’ ત્યારે ગુલાબભાઈનો જવાબ સાંભળો, ‘તમે રસીદ નહીં સ્વીકારો; તો હું આ પૈસા નહીં સ્વીકારું !’ રસીદ આપ્યા વીના એક પણ પૈસો લેવાનો નહીં અને રસીદ લીધા વીના એક પણ પૈસો ખરચવાનો નહીં.

(૬) એમની સક્રીયતા અને કાર્યરીતી

અનેક ગોષ્ઠીઓનું આયોજન કરતા રહે છે. લક્ષ્મીદાસ ખટાઉ, લલીત નગર શેઠ, ડૉ. હર્ષીદા પંડીત, ડૉ. ઉદય મહેતા, ડૉ. પ્રભા પુરોહીત, ડૉ. દાભોલકર જેવા મુમ્બઈના એમના અનેક સાથીઓ તો ખરા જ. આ બધા મહાનુભાવો સાથે ચર્ચાવીચારણા કર્યા પછી જ જે તારણ આવે તે ‘વીવેકપંથી’ના માધ્યમથી વાચકોને વહેંચે.  સમ્પુર્ણ લોકશાહીને વરેલી એમની કાર્યરીતી નમુનેદાર છે.

(૭) ઓપન ફોરમ

ગુલાબભાઈએ રૅશનાલીઝમને કેન્દ્રમાં રાખીને વીચાર–વીરોધી ચર્ચાઓને પણ ‘વીવેકપંથી’માં હમ્મેશાં પુરતું સ્થાન આપ્યું છે. ગાંધીજી, સ્વામી સચ્ચીદાનંદજી, મોરારીબાપુના ચીન્તનને પણ ‘વીવેકપંથી’માં સ્થાન મળ્યું છે. વળી, કાન્તી ભટ્ટ કે ગુણવંત શાહ જેવા લેખકો વહેમ–અન્ધશ્રદ્ધા વીરુદ્ધ કશુંક લખે તો ‘વીવેકપંથી’ તે છાપે. સાથે જરાયે મતભેદ જણાય તો પોતાનું વીનમ્ર મંતવ્ય પણ ટાંકે. આમ થવાથી, વીષયોનું વૈવીધ્ય તો જળવાય જ, લોકપ્રીય લેખકોના મત સામે રૅશનલ મત શો હોઈ શકે તેયે સૌ જાણે અને વધારેમાં તો આ વીચારધારા બહારના વાચકોનેયે આ માસીક પોતીકું લાગે. કેટલીકવાર તો ડૉ. યાસીન દલાલ અને ડંકેશ ઓઝા જેવા અનેક મીત્રોના, તંત્રીને ખખડાવતા પત્રો પણ છપાયા છે.

(૮) ઉત્તમ વાચન–સામગ્રીનું ચયન –

ઉત્તમ, પથદર્શક અને જીવનપોષક વાચન–સામગ્રી એ ‘વીવેકપંથી’નું હૃદય છે. ભગીની સંસ્થાઓ કે સામયીકો જેવી કે ‘સત્યશોધક સભા’, ‘વીજ્ઞાન જાથા’ વગેરેની કામગીરીની પણ સહર્ષ નોંધ લેવાતી રહે છે. સૌ પ્રત્યે અને સઘળી રૅશનલ કામગીરી માટે સમાદર એ એનો વીશેષ. કશુંય નીરર્થક નહીં છપાય.

(૯) કદી હાર નહીં માનવાની ગુલાબભાઈની જીદ

મહારાષ્ટ્રમાં આમ તો વર્ષોથી જ ડૉ. શ્રીરામ લાગુ અને ડૉ. દાભોલકરની ‘અન્ધશ્રદ્ધા નીર્મુલન’ની પ્રવૃત્તીઓ ચાલતી જ હતી. પરન્તુ, રમણભાઈની ‘સંશયની સાધના’ કૉલમ થકી મુમ્બઈ વસતા ગુજરાતીઓમાં રૅશનાલીઝમની ઝુમ્બેશે વેગ પકડ્યો. ગુલાબભાઈ અને મુમ્બઈગરા મીત્રો એકઠા થયા. ‘વીવેકપંથી’ માસીક શરુ કરવાનું નક્કી કર્યું. ગુલાબભાઈ નીવૃત્ત, પોતાની જ્ઞાતીનું મુખપત્ર સંપાદીત કરવાનો ચાલીસ વરસનો અનુભવ એમની ગાંઠે, સમય તો ખરો જ, રૅશનાલીઝમનો અભ્યાસેય ખરો અને વીશેષ તો દુધમાં પાણી ભળે તેમ મીત્રોમાં જ નહીં; વીરોધીઓમાંયે ભળી જવાની એમની સુઝ. બસ, આ એમની મુડીને ધ્યાનમાં લઈ એમને તંત્રી બનાવી દેવાયા ! માંડ બે–પાંચ અંકો કરી શકાય તેટલાં નાણાં ગજવે ! મોટે ભાગે બને છે તેમ, સંસ્થાના સબળ પીઠબળ વીનાનાં કે કેવળ લવાજમ અવલમ્બીત સામયીક ઝટ આર્થીક સંકડામણમાં આવી પડે. તેવું જ બન્યું ‘વીવેકપંથી’નું. સૌ મીત્રોએ નક્કી કર્યું – ‘વીવેકપંથી’ બન્ધ કરવું.. સૌથી મોટો આઘાત ગુલાબભાઈને લાગ્યો. તેમણે પોતાની સઘળી જવાબદારીની શરતે એક વરસ ચલાવવા દેવાની સમીતીને આજીજી કરી. સૌને એમની નીષ્ઠા અને પરીશ્રમી પ્રકૃતી પર પાકો ભરોસો. તે મંજુરી મળી.

ગુલાબભાઈ સીધા આવ્યા સુરત. સદા સહાય–તત્પર ઉતમ–મધુ ગજ્જરને ત્યાં મુકામ. તેમની સંગાથે સુરતના બધા મીત્રોને મળ્યા. ગુલાબભાઈને બળ મળ્યું ને ‘વીવેકપંથી’ બેઠું થયું. કુદરતે ગુલાબભાઈને દીકરાથીયે સવાઈ એવી દીકરી, પ્રાધ્યાપીકા હર્ષા બાડકર  દીધી છે. દીકરો નથી; પણ હવે આપણે જોઈએ છીએ કે આ 80ની લગોલગના દાદા પોતાના 8 વરસના દીકરા ‘વીવેકપંથી’ને અછોઅછો વાનાં કરી દુલારથી ઉછેરી રહ્યા છે..

(૧૦) જીવનસંગીની વીણાબહેનનો બીનશરતી ટેકો

મેં ઘણીવાર ગુલાબભાઈને કહેતાં સાંભળ્યા છે કે, ‘વીણા જ મારા હાથ–પગ છે.’ ઉમ્મરને કારણે ‘વીવેકપંથી’નાં બધાં જ કામો માટે જાતે દોડા–દોડી કરી શકતા નથી. વીણાબહેને નોકરી ધર્મ, પરીવાર ધર્મ અને ‘વીવેકપંથી’ ધર્મ – ત્રણે એક સાથે, એકબીજાને અન્યાય ન થાય એ રીતે નીભાવી જાણ્યા છે. પ્રાધ્યાપીકા દીકરી હર્ષા બાડકરે પણ ગુલાબભાઈને કદી દીકરાની ખોટ વર્તાવા નથી દીધી. આ પ્રસંગે હું, વીણાબહેન અને હર્ષાબહેનને એમની આ નીઃસ્વાર્થ સેવા બદલ જાહેરમાં અભીવન્દના કરી આભાર માનું છું. વીણાબહેને  પતી જોડેના સાથ–સંગાથના સમયનો ત્યાગ નથી કર્યો; પરન્તુ પતીને તેનાં કાર્યમાં સાથ–સંગાથ આપ્યો છે. પતીના મીશનને પોતાનું મીશન માની પતી સાથે ખભેખભા મીલાવનાર વીણાબહેન વન્દનીય છે.

આટલું કહ્યા પછી રૅશનાલીઝમ અને વીવેકપંથીના વધુ વ્યાપ માટે થોડાં સુચનો કરવા મન થાય છે

(૧) રૅશનાલીઝમના આ કાર્યમાં બહેનો કેમ ઓછી છે ?

આ સભામાં હું માત્ર વીસેક ટકા બહેનોને જોઈ રહ્યો છું. બહેનોના સમર્થન, સહયોગ અને શામેલગીરી વીનાની કોઈ ઝુમ્બેશ સફળ થવાની ઝાઝી આશા નથી હોતી. આજના ધર્મ–સમ્પ્રદાયના પ્રસારમાં કે ગઈ કાલની દેશભક્તીની લડતોમાં બહેનોની સક્રીય શામેલગીરી છે અને હતી. બહેનોનું પ્રમાણ શી રીતે વધારી શકાય ? એનું ઉદાહરણ પણ ગુલાબભાઈએ જ પુરું પાડ્યું છે. એમણે વીણાબહેન અને બહેન હર્ષાને રેશનાલીઝમની કામગીરીમાં ભાગીદાર બનાવી દીધાં છે. ઉત્તમભાઈ મધુબહેનને, તો હું પણ મારી પત્ની મીતાને સાથે લઈને આજે અહીં આવ્યો છું. આમ, આપણી સંખ્યા તો આજે જ બમણી થઈ જાય. રૅશનાલીઝમની સબળ ‘મહીલા–પાંખ’ હોય એ દીવસોની મને પ્રતીક્ષા છે.

(૨) બાળકો–યુવાનોની નવી પેઢી રૅશનાલીઝમમાં જોડાય –

કોઈ પણ સમાજ કે રાષ્ટ્રનું ભવીષ્ય નવી પેઢીના ખભા પર નીર્ભર હોય છે. બાળકોને નાનપણથી જ રૅશનાલીઝમમાં ભેળવવા માટે  પંચતંત્રની બોધકથાઓ જેવી ‘રૅશનલ બાલવાર્તા’ઓ લખાવી જોઈશે. તેમાં તેને અનુરુપ રસપ્રદ ચીત્રો પણ મુકવામાં આવે અને સાવ નજીવી કીમ્મતે તેમને પહોંચાડાય તો બાળકોમાં નાનપણથી જ વૈજ્ઞાનીક દૃષ્ટીકોણનું ઘડતર થાય.

(૩) રૅશનલ સામયીકોનો વ્યાપ વધવો જોઈએ

ગુજરાતનાં જે રૅશનલ સામયીકો છે એ બધાંનો વ્યાપ વધવો જોઈએ. હાજરો નહીં; લાખો નકલ થવી જોઈએ. કોઈ પણ ઝુમ્બેશ પ્રચાર માધ્યમોના ભરપુર વીનીયોગ વીના આગળ વધારવી મુશ્કેલ છે. એક વાચક દર વર્ષે નીદાન એક કે એકથી વધારે લવાજમ મીત્ર કે સમ્બન્ધીનું ભરવાનું રાખે તો હાલની સંખ્યા બમણી તો થાય જ.

(૪) હુંસાતુંસી– આપસની ટીકાટીપ્પણીઓ બન્ધ કરીએ –

રૅશનાલીસ્ટોએ પોતાના મતભેદો–વીચારભીન્નતા જાહેર માધ્યમોમાં ફેંકવાને બદલે રુબરુ સાથે બેસીને કે ફોન પર લામ્બી વાતચીત દ્વારા ઉકેલવા જોઈએ. વીચારભીન્નતા કે કાર્યરીતી–ભીન્નતા એ વીચારવન્ત માણસનાં લક્ષણ છે જે આવકાર્ય છે; પરન્તુ જાહેર માધ્યમો મારફતે કે ઈન્ટરનેટ દ્વારા હુંસાતુંસી થાય છે ત્યારે રુઢીચુસ્ત વીચારધારા ધરાવનારાઓને મન જોણું થાય, હાંસીપાત્ર બનીએ અને તેમને બોલવાની તક મળી જાય છે. યાદ રહે રૅશનાલીઝમમાં ઝનુન, આક્રમણ કે પ્રત્યાક્રમણને સ્થાન નથી.

(૫) સૌ સાથે ‘અન્ધશ્રદ્ધા’ના વીષયથી વાતોની માંડણી કરીએ; ‘ઈશ્વર છે કે નહીં’ તેવા વીષયથી  નહીં –

બીનરૅશનાલીસ્ટ મીત્રો–સગાંસમ્બન્ધીઓ જોડે ઈશ્વરના અસ્તીત્વની ચર્ચા પ્રાથમીક તબક્કે ટાળીએ. માણસ જ્યારે અન્ધશ્રદ્ધા, દેખાદેખી કુરીવાજો, વહેમો, સ્વર્ગ–નર્ક, પાપ–પુણ્યની જરીપુરાણી માન્યતાઓ, મીથ્યા કર્મકાંડોમાંથી મુક્ત થશે ત્યારે ઈશ્વર વીશેની કપોળકલ્પીત માન્યતાઓ ખેરવી, તેને જાતે જ મુક્ત બનવાનું તેને માટે આસાન બનશે. ત્યાં સુધી ધીરજ ધરવી રહી. ‘ઈશ્વર’ એ એક જ માત્ર અને પ્રથમ પ્રાથમીકતાવાળો રૅશનાલીઝમનો વીષય ન હોઈ શકે. કન્ફ્યુશ્યસ કહેતો, ‘મન થાય તો ઘડીક પુજા કરી લેવી; પછી ઈશ્વરને ભુલી, કામે લાગો.’ ડૉ. શ્રીરામ લાગુએ પણ લખ્યું છે, ‘ઈશ્વરનો જલદ વીરોધ કે જલદ ચળવળ કરવાથી લોકોમાં ઉલટી અસર થાય છે. આપણું વલણ સૌમ્ય હોવું જોઈએ.’

મીત્રો, બધા ધાર્મીક વૃત્તીના માણસો સારા જ હોય એ વાત ખોટી સીદ્ધ થઈ ચુકી છે અને રૅશનાલીસ્ટો બધા જ સારા હોય એવું આપણે કદી સાબીત કરી શકવાના નથી. આનો અર્થ એ થયો કે માણસ ધાર્મીક હોય કે રૅશનાલીસ્ટ, માનવીય સદ્ ગુણો એ જ માનવ માત્રનું સાચું વીત્ત છે.

શાળા–કૉલેજમાં પ્રવચન હોય ત્યારે તેઓ મને અચુક પુછે કે, ‘તમે કયા ભગવાનમાં માનો છો ?’ ત્યારે હું તેમને કહું છું કે, ‘મા–બાપથી મોટા ભગવાનને હું ઓળખતો નથી.’ મારા નવા બંગલાનું નામ છે ‘બા. ઘરના પ્રવેશદ્વાર પર જ મારાં માતા–પીતાનો મોટો ફોટો છે અને તે ફોટા પર એક વાક્ય લખ્યું છેઃ – “માવતર એ જ મંદીર”. આ સીવાય મારા ઘરમાં બીજું કોઈ અલાયદું મંદીર બનાવવાની મને જરુર જણાઈ નથી.

માણસના જીવનના મને ત્રણ જ હેતુઓ દેખાય છેઃ –

(૧) જાતે ક્ષણે ક્ષણે આનંદ લેવો

(૨) બીજાને સદા આનંદ આપવો

(૩) અન્ય કોઈનાયે આનંદમાં કદી આડા ન આવવું..અસ્તુ..

સૌને ધન્યવાદ…

– વલ્લભ ઈટાલીયા,

(74–B, Hans Society, Varachha Road, Surat395 006

eMailvallabhitaliya@gmail.com Mobile98258 85900)

પહેલા વાક્યથી શરુ થયેલી શ્રોતાઓની તાલીઓ છેલ્લા વાક્ય સુધી સભાગૃહમાં ગુંજતી રહી…

પછી….

કાને જરાક ઓછું સાંભળતા ગુલાબ ભેડા એકચીત્ત બની વલ્લભભાઈની બધી વાતો સાંભળતા રહ્યા. એક ક્ષણે તો વીણાબહેન અને બહેન હર્ષાનાં હર્ષાશ્રુયે વહેતાં રહ્યાં. પોતાના બોખલા મોંએ મરકમરક હસતા, પ્રતીભાવ આપતા ગુલાબભાઈએ તેમની રમુજી શૈલી અને ઝીન્દાદીલીનો વીચક્ષણ પરીચય કરાવ્યો !

તેમણે કહ્યું, લ્લભભાઈએ આખા પ્રવચનમાં મારી એટલી બધી પીઠ થાબડી છે કે મારો આખો વાંહો હુજી ગયો છે. આ ભાર હવે સહન થતો નથી, સોજો ઉતારવો પડશે. એમ કહી તેમણે, આ સમારોહ માટે રાતદીન જોયા વીના પરીશ્રમનો પરસેવો પાડનાર (જે મુમ્બઈમાં મળવા દોહ્યલા છે) સૌને વારાફરતી સ્ટેજ પર બોલાવ્યા. અડધું સ્ટેજ ભરાઈ ગયું ! સૌનાં નામ દેતા જાય, તેમણે કરેલી કામગીરી ગણાવતા જાય, તેમનો સૌનો ‘વાંહો’ થાબડતા જાય અને આમ, પોતાના ‘વાંહા’નો સોજો ઉતારતા જાય.. અદ્ ભુત દૃશ્ય ખડું કર્યું તેમણે..! સૌ ધન્ય થયા..

અહેવાલ આલેખન અને અક્ષરાંકનઃ –

ઉત્તમ + મધુ ગજ્જર, 53- ગુરુનગર, વરાછા રોડ, સુરત395 006

Phone 0261-255 3591

eMailuttamgajjar@gmail.com

‘નયા માર્ગ’ માસીકના તા. ૧૬ જુલાઈ, ૨૦૧૦ના પાન ક્રમાંક ૧૧થી ૧૪ ઉપરથી, તંત્રી શ્રી ઈન્દુકુમાર જાની તથા વક્તા શ્રી વલ્લભાઈ ઈટાલીયાના સૌજન્યથી સાભાર..

‘નયા માર્ગ’ના જુના–નવા અંકો વાંચવા માટે અમારી વેબસાઈટ

http://sites.google.com/site/vachanyatra/home/nayaa-maarg ની મુલાકાત લેવા વીનંતી.

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા, જોતા રહો મારો બ્લોગ https://govindmaru.com/

ગોવીન્દ મારુનવસારી

પોસ્ટ તારીખ24/07/2010

 

23 Comments

 1. It is a nice article. Ask yourself about your beliefs and actions. It does take time to drop all beliefs but it is not hard to do it.

  Thanks again,

  Pradeep H. Desai
  Indianapolis,In, USA

  Like

 2. Beautiful thoughts very well expressed.
  I have never seen (at least in Gujarat) a rationalist person with more common sense expressing simple practical ideas more effectively than what Shri Vallabhbhai Italia has done here. Congratulations to him and to all concerned, including Gulabbhai , Govindbhai and Uttambhai.
  One small question: Is there anything being done in Gujarat to unite these (financially) small rationalist pamphlets / periodicals in order to increase their effectiveness and durability? Thanks.
  Subodh Shah— NJ, USA. Phone: 732-568-0220

  Like

 3. મુ. શ્રી ગુલાબભાઈને વંદન. શ્રી વલ્લભભાઈને અભિનંદન. એમનો Plan of Action લાગુ કરવા જેવો છે. શ્રી ગોવિંદભાઈની નિષ્ઠા અને શ્રી ઉત્તમભાઈ ગજ્જર જેવા મિત્રોના જાગૃત પ્રયાસોનું જ પરિણામ મનાય કે આવા બધા લેખો એકત્ર કરવાનું સૂચન રજૂ થયું છે. સુબોધભાઈનું આ સૂચન વધાવી લેવા જેવું છે. સૌ વિચારે એવી આશા સાથે.

  Like

 4. ૭૯ વર્ષ નાં યુવાન દાદા ને નમસ્કાર. જ્યારે આજના યુવાનો ને ટીલા ટપકા કરીને ફરતા જોઈએ છીએ ત્યારે હસવું કે રડવું? અને સ્ત્રીઓ તો એમની સ્ત્રી જાતની દુશમન બનીને બેઠી છે. ગુરુઓના પાદ પખાળતી શોષિત બનવા સર્જાઈ હોય તેમ, અને તેમાં ગર્વ અનુભવતી મુરખોની પાછળ ભટકવા માંથી નવરી પડે તો આવા સંમેલનોમાં આવે ને? રામકથામાં રડવા નાં જાય તે અહી આવે? સીતામૈયાની કથાની રાહ જોઈ જાતે રડવા માંગતી સ્ત્રીઓ? આ મોરારીબાપુ ક્યા કમાવા ગયા હતા? ક્યાં મજુરી કરવા ગયા હતા? કોઈના પૈસા કોઈને ભરવી દીધ. કોઈ ડફોળ ભક્તે દાન આપ્યું હશે અથવા ડફોળ ભક્તને આદેશ આપ્યો હશે કે વીવેકપંથીમાં દાન કરવું છે. ખેર ચાલો પચીસ હજાર રુપીયા તો કોઈના સારા કામમાં વપરાયા. ફરી બીજા માંગી લેવાના એ બહાને કોઈની મહેનત નાં રુપીયા સારા કામમાં વપરાય. આ બાપુઓએ પ્રજામાં વિવેક જ રહેવા દીધો નથી. એટલો બધો અંધવિશ્વાસ ફેલાવી દીધો છે કે ૭૯ વર્ષે પણ દાદા ને કામ કરવું પડે છે. ભારતમાં ૫૦ લાખ સાધુઓ એક અનપ્રોડક્ટીવ વેસ્ટ છે. એને દરિયામાં નાંખી દેવા જોઈએ. એમાં આ મોરારીબાપુ જેવા મહાવેસ્ટ, ડેમ અન્પ્રોડક્ટીવ!! બટ ગુડ બિઝનેસ મેન!! બહુ ચાલાક,અસ્મિતા પર્વ યોજે, સદભાવના પર્વ સ્કુલમાં શું જરૂર? જાવને દરિયાપુરમાં યોજો! સાક્ષરો ને અંકે કરી લીધા હવે વીવેકપંથીઓ નો વારો છે ભાઈ.

  Like

 5. ગોવિંદભાઇ, આ બહુ જ સુંદર કામ તમે કર્યું. એક સાથે ત્રણ ફાયદા. ‘વિવેકપંથી‘નો પરિચય, આદરણીય ગુલાબદાદાનો પરિચય અને શ્રી વલ્લભભાઇ ઇટાલિયાની વાણીનો પરિચય. હાજી લેખ વાંચતી વેળા વલ્લભભાઇ પોતે બોલતા હોય એવું જ લાગતું હતું. ખૂબ સરસ.

  Like

 6. ખૂબ ખૂબ અભિનંદન વિવેકપંથીના પથદર્શકોને….

  અને આપને પણ, આ સુંદર આલેખન પ્રસ્તુત કરવા બદલ

  Like

 7. Thank you very much for the lucid and effective report. I, and my family, are really obliged by all the rationalists present for our seminar for their active support. It has helped us to grow in the field of rationalism.We hope that even in future we will be able to continue such activities with more and more support.
  Thanks again.

  Like

 8. “વીવેકબુદ્ધી વીનાનો માણસ એટલે ‘કોકપીટ’ વીનાનું વીમાન !”
  “એક નીતાંત ‘સારો માણસ’ જ સારો કલમનવીસ બની શકે”
  “સારો માણસ જ એ છે, જે મફતનું ખાતો નથી, મફતનું લેતો નથી, બીજાને નડતો નથી અને પોતાને ભાગે આવેલી જવાબદારીમાંથી કદી છટકતો નથી !”
  “સૌ સાથે ‘અન્ધશ્રદ્ધા’ના વીષયથી વાતોની માંડણી કરીએ; ‘ઈશ્વર છે કે નહીં’ તેવા વીષયથી નહીં”
  “માણસ ધાર્મીક હોય કે રૅશનાલીસ્ટ, માનવીય સદ્ ગુણો એ જ માનવ માત્રનું સાચું વીત્ત છે.”

  આમ તો વલ્લભભાઇનું આખું પ્રવચન, શબ્દે શબ્દ, રત્નકણિકા સમાન જ છે. છતાં મેં મારા માટે કેટલાક વાક્યો, હંમેશ યાદ રાખવા માટે, ચિન્હીત કર્યા. વડિલશ્રી ગુલાબભાઇનો આ બહાને પરિચય થયો. ગોવીંદભાઇ આપે બહુ સુંદર કાર્ય કર્યું. ’વીવેકપંથી’ને શતાંક ના અભિનંદન.

  Like

 9. “વિવેકપંથી” સાથે જોડયેલા સર્વે ને અભિનંદન.

  શ્રી. વલ્લભ ઈટાલીયા લખે છે:

  માણસના જીવનના મને ત્રણ જ હેતુઓ દેખાય છેઃ –
  (૧) જાતે ક્ષણે ક્ષણે આનંદ લેવો
  (૨) બીજાને સદા આનંદ આપવો
  (૩) અન્ય કોઈનાયે આનંદમાં કદી આડા ન આવવું

  મને ખરેખરા માણસના જીવન નો ચોથો હેતુ પણ દેખાય છેઃ-

  (૪) વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે……………

  કાસીમ અબ્બાસ

  Like

 10. Carry a Heart that Never Hates.

  Carry a Smile that Never Fades.

  Carry a Touch that Never Hurts..

  HAVE A PURPOSEFUL DAY

  IN THE SERVICE OF YOUR OWN FAITH!

  AND DON’T FORGET THAT

  ‘God Blesses Us To Be A Blessing Unto Others’

  સુંદર આલેખન બદલ અભિનંદન

  Like

 11. ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ જ સુંદર આલેખન.

  અંધશ્રદ્ધાના વિષયથી શરૂઆત કરીએ ઈશ્વર છે કે નહીં તેનાથી નહીં.

  માણસના જીવનના મને ત્રણ જ હેતુઓઃ

  (૧) જાતે ક્ષણે ક્ષણે આનંદ લેવો

  (૨) બીજાને સદા આનંદ આપવો

  (૩) અન્ય કોઈનાયે આનંદમાં કદી આડા ન આવવું..અસ્તુ..

  સાચી વાત છે. બહેનોના સમર્થન, સહયોગ અને સામેલગીરીથી જ ઝૂંબેશ સફળ થઇ શકે..

  Like

 12. ગોવિંદભાઇઆ સુંદર આલેખન પ્રસ્તુત કરવા બદલ
  ધન્યવાદ.

  Like

 13. આ મોરારીબાપુ ક્યા કમાવા ગયા હતા? ક્યાં મજુરી કરવા ગયા હતા? કોઈના પૈસા કોઈને ભરવી દીધ. કોઈ ડફોળ ભક્તે દાન આપ્યું હશે અથવા ડફોળ ભક્તને આદેશ આપ્યો હશે … એમાં આ મોરારીબાપુ જેવા મહાવેસ્ટ, ડેમ અન્પ્રોડક્ટીવ!! બટ ગુડ બિઝનેસ મેન!! બહુ ચાલાક,અસ્મિતા પર્વ યોજે, સદભાવના પર્વ સ્કુલમાં શું જરૂર? જાવને દરિયાપુરમાં યોજો!

  ખ્યાલ અપના અપના!

  ત્યારે
  સંત શ્રી મોરારી બાપુ નાં હસ્તે નિવૃત્ત જીવન જીવવાની માર્ગદર્શિકા “નિવૃત્તિની પ્રવૃતિ”નું વિમોચન થયું.
  ગુજરાતી લીટરરી અકાદમી ઓફ નોર્થ અમેરીકા દ્વારા યોજાયેલ સ્વર્ણીમ ગુજરાત ઉત્સવ ની વિદેશ યાત્રા ના અન્વયે ઉજ્વાતા સાહિત્ય સત્સંગ અને રામ કથામાં સંત શ્રી મોરારી બાપુ નાં હસ્તે તા.૭/૭/૨૦૧૦ ના રોજ નિવૃત્ત જીવન જીવવાની માર્ગદર્શિકા “નિવૃત્તિની પ્રવૃતિ”નું વિમોચન થયું.

  લગભગ ૨૦૦૦થી વધુ શ્રોતાજનોને સંબોધતા શ્રી અંકીત ત્રિવેદીએ પુસ્તકનો અલ્પ પરિચય આપી ૯૧ વર્ષના કેલીફોર્નીયા થી પધારેલ શ્રી હરીક્રિષ્ણ મજમુદાર અને હ્યુસ્ટનથી પધારેલ શ્રી વિજય શાહ નો પરિચય આપ્યો.

  ગુજરાતી લીટરરી અકાદમી ના પ્રમુખ શ્રી રામ ગઢવી અને ઉપપ્રમુખ શ્રી ચંદુકાંત શાહ માનપુર્વક બંને અતિથિઓને બાપુ પાસે લઇ જઈ બાપુ દ્વારા થતા આ વિમોચનને સહાયભુત થયા. સાંજે સંપૂર્ણ મૌન સેવતા બાપુએ પુસ્તક વિમોચન કરી પુસ્તક સમગ્ર જન સમુદાયને બતાવ્યુ.

  અમેરિકાનાં ઓથર હાઉસ દ્વારા પ્રસિધ્ધ થયેલુ આ પ્રથમ ગુજરાતી પુસ્તક છે જેમાં નિવૃત જીવનને પ્રવૃતિમય બનાવવાના વ્યવહારીક અને પ્રેરક કીમિયા છે. આકર્ષક કવરમાં બહુરંગી તસ્વીરો સાથે મોટા ટાઇપમાં એસીડ ફ્રી કાગળ પર છપાયેલુ પુસ્તક ભેટ આપવા માટે ઉત્તમ છે. ૧૮૪ પાના અને ૮ X ૮ ની સાઇઝમાં છપાયેલ આ પુસ્તક દરેક પુસ્તક વેચતી વેબ સાઈટ જેવી કે એમેઝોન અને બાર્ન્સ એન્ડ નોબલ પર પ્રાપ્ય છે. વિશ્વભરમાં આ પુસ્તકનું વિતરણ ઓથર હાઉસ.કોમ દ્વારા થાય છે. તેમનો સંપર્ક નં ૧-૮૮૮-૨૮૦-૭૭૧૫ એક્ષ્ટેન્શન ૫૦૨૨ છે.

  Like

 14. બાપુ અતિશય બોલી ને એનર્જી વેડફી ચુક્યા હોય છે,માટે મૌન પાળતા હોય છે,એમાં અભિભૂત થઇ જવાની શું જરૂર?ફરી બોલવા માટે એનર્જી એકઠી કરવી પડતી હોય છે.મોદી પણ મૌન બેકલાક પાળે છે,પછી એ બફામ વાણી વિલાસ કરતા હોય છે.આપણે વ્યક્તિ પૂજકો એક ખાલી વકૃત્વ કલાની મહારથ ને ટોચે પહોચાડી એના બકવાસ સંદેશાઓ અને બાલીશ વાતો માં કેમ અભિભૂત થઇ જતા હોઈશું?આજ બાપુ દીકરીના લગ્ન માં લખલૂટ ખર્ચ કરે છે,જે એમના મુર્ખ ભક્તો ની મહેનત ની કમાણી વેડફે છે.આજ બાપુ ઈનકમ ટેક્ષ ની ચોરી કરતા હોય છે અને ઇનકમ ટેક્ષ વિભાગ ની નજરે ચડી જતા છાનામાના ટેક્ષ ભરી દેતા હોય છે,આજ બાપુ કહેતા હોય છે ભણવાની જરૂર નથી ભજન કરો(પઢાઈ હાર ગઈ,ભજન જીત ગયા)આવા ચીપ સંદેશા આપકી અદાલત માં જાહેર માં લાખો દર્શકો ની હાજરી માં અપાઈ ગયા છે.આજ બાપુ કદી કોમી તોફાનો વખતે બહાર નીકળતા નથી અને સ્કુલ માં સલામત જગ્યાએ બેઠા બેઠા થોડા ગ્રામજનો અને અને ચમચા સાક્ષરો ની હાજરી માં સદભાવના પર્વો અને અસ્મિતા પર્વો યોજી ને ખાલી પ્રસિદ્ધિ મેળવતા હોય છે.આજ બાપુ ને ૧૫ લાખ ની વ્યાસપીઠ બેસતા અને ૧ લાખ નાં તંબુ માં વસતા ભારત નાં લાખો ગરીબો યાદ જ આવતા નથી અને એક કાળી કંબલ કોઈ સ્ત્રી ને આપી ગાંધી ની નકલ કરતા શરમ પણ આવતી નથી.આ રીયાલીટી છે.મૂરખ મહાત્મા અને ભણેલા ઘેંટાઓ અને અભિભૂત વૃદ્ધો યહી મેરા ખયાલ.

  Like

 15. Rationalist or not ?
  That is not the question !
  Are you a Real Human or not ?…and that is the Question !
  You don’t want any labels…If so, there are “Real Humans”either as a Rationalist or as a Devotee of “some Mahatma”….Do not swear or insult others with whom your thoughts do not agree. After expressing your “thoughts” which you think to be “only right”you let others speak for the “views” expressed.
  Humans are not pefect Beings …all can err !
  Missed the point….Vandana to Gulabbhai for the dedicated work he is doing. Thanks, Govindbhai for publishing this as a Post !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Govindbhai Thanks for your recent visit to my Blog !

  Like

  1. કોઈ પૂર્ણ નથી. હું પણ નથી. આમાં કોઈને અપમાન કરવાની નથી, સત્ય વાત છે. સત્ય હંમેશા કડવું લાગે છે. ડૉક્ટર સાહેબ આપ નાના હશો ત્યારે આપના કોઈ વડીલ, શીક્ષકે આપના બ્રેનમાં, અચેતન મનમાં ભરાવી દીધું હોત કે પઢાઈ હાર ગઈ ભજન જીત ગયા તો આપ ડોક્ટર બન્યા નાં હોત !! આપના સબ્કોન્શીયાસ માઈન્ડ માં ક્યાંક કોઈ એવો મેસેજ ટાઈપ થઇ ગયો હશે કે ડોક્ટર બનવું છે તે સારું છે માટે આપ ડોક્ટર છો.. આવા જનતા ને જાહેર માં સંદેશા નાં અપાય કે ભણવા કરતા ભજન સારું. બાપુ જ્યારે આવું કહેતા હતા ત્યારે મુર્ખ ઓડીયન્સ તાળીઓ નો ગડગડાટ કરતુ હતું અને મને ક્રોધ ચડતો કે આ શું નાદાની છે? આટલો મોટો માણસ અને આવા ચીપ વન લાઈનર થી તાળીઓ મેળવે છે? આના પગ લોકો પકડે છે? મુર્ખ સાક્ષરો આના ગુણગાન ગાય છે? આજે પણ ગોંડલની એક કોલેજમાં એક આવી નાદાન છોકરી ચાલુ કલાસે હાથમાં માળા લઈને રામ નામ જપતી હોય છે,માનસિક બીમાર. એક ગાંધી નોઆખલીમાં ચાલુ તોફાને ફરતો હોય છે કોઈ મારી પણ નાખી શકે.એની નકલ કોઈ કરે તે નકલ છે તેવું કહેવામાં અપમાન શાનું? માટે જ આવા સાધુઓનો ધંધો ચાલે છે જયારે કોઈ સાચી વાત કરે તેને વખોડવામાં આવે છે ત્યારે. ટેક્સ ની ચોરી કરે તે મહાત્મા? બાલીશ તુક્કાઓમાં પ્રજાના પૈસા વેડફે તે મહાત્મા? સારી વ્યાખ્યા છે મહાત્માઓની. આવા ડીવોટીઓને લીધે જ તો એમનો બિઝનેસ ચાલી રહ્યો છે, આવા મુર્ખ ડીવોટી જ મનુષ્ય છે, બાકી બધા પશુઓ? કેમ? ભગવાનને વખોડો છે? તો ભગવાન મનાતાં લોકો ને કેમ છોડી દો છો? જે ને જોયો નથી તેને વખોડવામાં શું સાર? જીવતા ભગવાનોને સાચી વાત જણાવો?

   Like

 16. Bhupendrasinhji…
  I do not disagree…I do not say you are not telling the truth.
  What I was expressing is …you had stated your “point of View” ….you had done the right thing, & to keep defending your position is where we differ….Having said that, this Blog or any Blog, you are free to express your thoughts. And on your Blog you are the Master !
  As regards, your analysis of I becoming a Doctor, you may have point…but remember the Human Brain is not that simple…a “brainwashing” can become a factor in “one” & not in “all”…..so many lies can encircle us, but the person with the “strong mind” picks the right path !
  You can argue against this too…instead of that I want you think what deeper message I am trying to convey.
  I really “admire” your passion for the “truth” like a warrior. Yes “you fight” but do not display your anger with your desire to “respond” to all with the counter-point of view….just like a warrior with the Pride can lose a battle, your message may be ‘ineffective” by repeated defence !
  I wish you well…Make you remain Healthy ! May you spread the “Truth” to many & remove the “misconceptionns” in this World !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Bhupendra, I hope you will read this & keep your calm…think what I had written…control your “urge” to respond….after thinking you still have the “desire” to say something. who am I to stop you ??? My BEST WISHES are always for you& your Family !

  Like

  1. ડો સાહેબ,
   ખુબ આભાર આપનો.આપની અનુભવવાણી શિરોમાન્ય.
   મજબુત મનોબળ વાળાં નું ભગવાન પણ બ્રેન વોશ ના કરી શકે.પણ એવા કેટલા હોય આ જગત માં?ખુબ થોડા.લગભગ મોટા ભાગે તો બ્રેન વોશ થઇ જાય તેવાજ હોય તેના માટે મારે લખવું પડે છે.કે ચાર માણસો ભલે વિચારશીલ હોય તે તો અંજાઈ જવા નાં નથી.પણ લાખો લોકો એવા છે વિચારતા જ નથી ત્યારે આવા સંદેશ ખુબ નુકશાન કરે છે.ચિંતક કહેવાતા સાક્ષરો જ્યાં આ મૂર્તિ માં અંજાઈ જાય છે ત્યાં સામાન્ય માણસ નું શું ગજું?આપનું દિલ દુભાયું હોય તો ક્ષમા કરશો.

   Like

 17. Bhupendra, read your counter-comment to my Comment.
  I see your point !
  Even by repeating “the view” can we change ALL in this World ???
  Yes….when you see the “untruth” elsewhere you MUST voice your “point of view” again.
  Even if you do “forcefully & logical way” your expressed view on the same Post, eventually becomes “ineffective”
  Just my view !
  I really admire your “passion” for the Truth, your “vanchan of Books” & your march in the “footsteps of your Father” ….I salute you !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  I had visited your Blog & posted my Comment there too !…Hope to see you on Chandrapukar !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s