Rationalist jan to tene re khie…

રૅશનાલીસ્ટ જન તો તેને રે કહીએ…

પ્રા. રમણ પાઠક

મનુષ્ય એક સામાજીક પ્રાણી છે, પરીણામે તેણે એક જ જીન્દગીમાં અનેક વ્યક્તીત્વોમાં જીવવું પડે છે. કદાચ એમાંના કોઈ પણ વ્યક્તીત્વમાં તે એક પુર્ણ કે સાચો તે જ પુરુષ નથી હોતો. દા.ત. એક જ માણસ એક સન્દર્ભે પતી હોય છે, તો યુગપત્ રીતે એ જ વ્યકતી વળી અન્યત્ર એક પુત્ર કે સુપુત્ર હોય છે. સાથે સાથે જ તે પીતા પણ હોઈ શકે. છીન્ન વ્યક્તીત્વ તે આજના સમાજમાં આપણી સમસ્યા છે; પણ એ મુદ્દો અત્રે અપેક્ષીત નથી. આ તો સામાન્ય જનની વાત છે. ઘણીય વાર આપણને પ્રશ્ન થાય કે આમાં હું ખરેખરો ‘હું’ કયો છું ? સ્પષ્ટ જવાબ ભાગ્યે જ મળે. એમ કહેવાય છે કે સેક્સમાં તલ્લીન કે તદ્રુપ તથા સમગ્રે સંડોવાયેલી વ્યક્તી તે જ તે સાચી અને પુર્ણવ્યક્તી હોય છે;  અને એથી જ એ ઘડીઓમાં તે સંપુર્ણ સુખી કે આનંદ–તરબોળ હોય છે. જો કે અત્રે આજે કોઈ મનોવૈજ્ઞાનીક સમસ્યા યા અવસ્થાનું પૃથકકરણ અપેક્ષીત નથી; આ તો બસ, અને કેવળ સામાન્ય જનની જ (common man) વાત કરું છું.

ખેર, હવે વ્યક્તીત્વની ઈતર વહેંચણીની વાત કરીએ: વ્યક્તી ઘરમાં ‘અમુક’ પુરુષ હોય છે; પરન્તુ કાર્યાલયમાં, શીક્ષણસંસ્થામાં કે નોકરીના સ્થળે છ–આઠ કલાક તે પોતે જ એક જુદી જ વ્યક્તી હોય છે, અર્થાત્ તેણે ભીન્ન વ્યક્તીત્વ ધારણ કરીને જ વ્યવહરવું પડે છે, અને એ પોતે ત્યારે પોતાને બરાબર ઓળખતો હોય છે. પરંતુ કેવળ નોકરી ધંધાના સ્થળ પુરતું જ શા માટે ? એક જ દીવસમાં, એક જ વ્યક્તીએ અનેકવીધ રુપો ધરી વ્યવહરવું પડે, અને પોતે જ પોતાને પ્રશ્ન પુછવો પડે કે શું આ ‘હું’ તે જ પેલો     મુળ–સાચો ‘હું’ છું ! ખેર, આજનો મુદ્દો જરા જુદો છે. આજે તો સામાન્ય જીવનની તથા સામાન્ય જનની વાત કરવી છે.

આજનો મુદ્દો જરા જુદો એટલા માટે કે, આજકાલ આપણો સમાજ સાંસ્કૃતીક સંક્રાંતીકાળમાંથી પસાર થઈ રહ્યો છે. બેત્રણ કે ચારપાંચ સંસ્ક્રૃતીઓ એક સાથે અને વળી પોતપોતાના અલગ અલગ સાંસ્કૃતીક અસ્તીત્વ સાથે એકંદરે શાંતીથી સહજીવન જીવી રહેલી જોવા મળે છે;  અને  બહુધા એક શાંત સંઘર્ષ પ્રવર્તમાન છે;  જેમાં ટકરાવ નથી હોતો, યા ક્યાંક હોય તો તે સ્વલ્પતમ હોય છે; જે અવ્યવસ્થાઓ નથી સર્જતો. દા.ત. એક જીન્સ–જર્સીમાં સુસજ્જ યુવતીની પાછળ, બે વેંતનો ઘુમટો તાણીને સહજભાવે મુસાફરી કરતાં સાસુ તમને શાંતીથી બેઠેલાં જોવા મળશે. એ બન્ને વચ્ચેય કોઈ સંઘર્ષ નથી, બલકે સહજતા હોય છે. ટુંકમાં, ભારતમાં અઢારમી સદી અને એકવીસમી સદી સાથે સાથે સહઅસ્તીત્વથી જીવતી જોવા મળે છે. જો કે કયારેક સંધર્ષ અણગમતુંરુપ પણ  ધારણ કરી બેસે ! પરંતુ એકંદરે સમાધાનથી જ ચાલે છે, અને પ્રાય: એટલે જ સમાજ સરળતાથી ગતી કરી રહ્યો છે. કદાચ અહીં એક જ સમયે બે સહભાવી દૃશ્યો રોજ જોવા મળે છે. પીતા ધાર્મીક ‘ગણવેશ’માં સજ્જ થઈને, કદાચ પુજાનો થાળ હાથમાં લઈને, ઉઘાડે પગે, ધર્મસ્થાન પ્રતી ગતી કરતો જોવા મળે, ત્યારે એ સાથે હાથમાં રેકેટને રમાડતો સ્પોર્ટસ ‘ગણવેશ’માં સજ્જ યુવાન પુત્ર પણ હોય. કશું જ ગંભીર બનતું નથી; પણ જો એવું સંતાન રૅશનાલીસ્ટ હોય; ત્યારે વળી તેની કપરી કસોટી થાય છે. ખાસ તો, ઘર કરતાંય વધુ તો નોકરી–ધંધાને સ્થળે: દા.ત. તમારી સંસ્થાનો સ્ટાફ સત્યનાયણની કથા યોજે, અને ધારો કે તમે રૅશનાલીસ્ટ છો ! તમારા સ્ટાફ સાથેના તમારા સંબંધો પણ અદ્યાપી શાંતીમય સહઅસ્તીત્વના જ રહ્યા છે. વળી, તમે એકદમ મળતાવડા, સુમેળમાં માનનારા અને કડવાશ ટાળવાનો અભીગમ ધરાવનારા, એકંદરે નમ્ર પુરુષ છો. ત્યારે કરશો શું ?

આજકાલ ખાસ કરીને, રૅશનાલીસ્ટ જુથોમાં તથા વ્યક્તીઓમાં આ પ્રશ્ન અવારનવાર ગંભીરતા ધારણ કરતો રહ્યો છે. એક દાખલો (કદાચ સાચો જ) યાદ આવે છે: દક્ષીણ ગુજરાત યુનીવર્સિટીમાં જ્યારે ડૉ. બી. એ. પરીખસાહેબ કુલપતી હતા; ત્યારે સ્ટાફે સત્યનારાયણની (કે એવી કોઈ) કથાનું આયોજન કર્યું. ડૉ. પરીખસાહેબ તો પાકા રૅશનાલીસ્ટ, એટલે તેઓ માટે એક ગંભીર સમસ્યા ઉદ્ ભવી: વાસ્તવમાં તો, યુનીવર્સીટી કેમ્પસમાં આવી કથા યોજવાની મંજુરી આપવાની જવાબદારી પણ પરીખસાહેબના જ હાથમાં હશે ! વળી સાહેબ પ્રકૃતીએ મક્કમ છતાં, સુમેળવાદી શાંત–પ્રસન્ન પુરુષ; બાકી તો આવો પ્રસ્તાવ એક ગંભીર સંઘર્ષનો મુદ્દોય બની રહે. સાહેબે તો યથાયોગ્ય માર્ગ કાઢયો; કદાચ સાહેબનો હોદ્દો અમુક નીર્ણાયક સત્તા ધરાવનાર હતો; જેથી અમુકતમુક સરળતાઓ પણ પ્રાપ્ત થાય. પરંતુ ધારો કે, કોઈ સાવ સામાન્ય સ્ટાફ મેમ્બર રૅશનાલીસ્ટ હોય તો ? ત્યારે તેણે સૌનાં સ્થાન–માન–ગૌરવ જળવાય એવો માર્ગ કાઢવો પડે… એ માટે ઘણી જ ઘણી સમજદારી તથા મક્કમતા અને સાથે સાથે જ ઉચીત વ્યવહારપણું અનીવાર્ય બને; જે સર્વ કોઈ જણમાં ન પણ હોય. આજકાલ રૅશનાલીસ્ટ વર્તુળોમાં આવા પ્રશ્નો અવારનવાર ઉદ્ ભવે છે, ચર્ચાય છે, મતભેદ પડે છે, માર્ગ નીકળે છે… પરંતુ મામલો વીચારણીય તો છે જ.

આજકાલ  સમાજમાં રૅશનાલીસ્ટોની સંખ્યા દીનપ્રતીદીન વધતી જાય છે; ત્યારે તો આ સમસ્યા સંભવત: વધુ વીવાદાસ્પદ કે ચર્ચાક્ષમ અને કશોક ઉકેલ કે ઉકેલો માગતી ઘુરકી રહી છે એમ કહી શકાય. મીત્રો અમારા જેવા પાસેથી માર્ગદર્શન માંગે છે  કે, આવા સંજોગોમાં રૅશનાલીસ્ટોએ કરવું શું ? ત્યારે તાજેતરમાં જ એક એવી નમુનેદાર અને નેત્રદીપક ઘટના બની ગઈ; જેનું અત્રે બયાન અચુક માર્ગદર્શક બની રહેશે. કારણ કે ઘટના નોંધપાત્ર છે;   તો સાથે સાથે સંબંધીત  રૅશનાલીસ્ટ પુરુષ પણ તે ક્ષેત્રે અગ્રણી સભ્ય છે. તેઓએ આપસુઝથી જે અભીગમ અખત્યાર કર્યો, તે ખરેખર જ રૅશનાલીસ્ટો માટે પ્રેરક તથા વીચારણીય બની શકે તેમ છે. ખરે જ, રામકથાકાર વીદ્વાન પુરુષની ઉદારતા, બૃહદ્ સમજદારી અને રૅશનાલીસ્ટ મીત્રની આપસુઝ– કોઠાસુઝને કારણે કશોય સંઘર્ષ ઉદ્ ભવવાને બદલે, કથાપ્રસંગ ખુબ ખુબ મંગલમય દીપી ઉઠયો.

શ્રી ગંગાધરા સહકારી કેળવણી મંડળ સંચાલીત શ્રી એન. જે. પટેલ મહીલા પી.ટી.સી. કોલેજના લાભાર્થે એકાદ માસ પહેલાં વીદ્વાન કથાકાર શ્રી પ્રફુલ્લ શુક્લ (ખેરગામવાળા)ની  ‘શ્રીરામ કથા’ યોજવામાં આવી હતી. હવે આ જ સંસ્થામાં, આપણા લબ્ધપ્રતીષ્ઠ રૅશનાલીસ્ટ, સુરતની સત્યશોધક સભાના સહમંત્રી શ્રી ગુણવંત વી. ચૌધરી મદદનીશ  શીક્ષક તરીકે સેવા આપી રહ્યા છે. બન્યું એવું કે શ્રી ચૌધરી એક નીવડેલા ઉદ્ ધોષક હોવાથી, આચાર્યશ્રીએ તેઓને મુખ્ય  ઉદ્ ધોષકની કામગીરી સોંપી; જે શ્રી ગુણવંતભાઈએ પોતાના ઈતર કાર્યક્રમો રદ કરીને પણ સ્વીકારી ! યાદ રાખો કે, આ જવાબદારી એક રૅશનાલીસ્ટ માટે કપરી જ હતી; કારણ કે, આ ‘શ્રીરામ કથા’ હતી, પણ ગુણવંતભાઈ એક સાચા રૅશનાલીસ્ટ તરીકે પોતાની ફરજ યથાર્થ સમજ્યા. વળી, આ સમગ્ર કથા દરમીયાન, પુ. શ્રી પ્રફુલ્લભાઈ અને આપણા શ્રી ગુણવંતભાઈ વચ્ચેના સંબંધો પણ ઘણા ઉષ્માભર્યા તથા નીકટવર્તી રહ્યા. એ બદલ આ બંને વીચારપુરુષોને ખરેખર ધન્યવાદ ઘટે છે ! શ્રી ચૌધરી એક ઉત્તમ કલાકાર છે; તેઓએ કથાકાર પુ. શ્રી શુકલનું એક સુંદર પોટ્રેટ પણ બનાવ્યું અને તેઓને અર્પણ કર્યું; જે તેઓશ્રીને ખુબ ગમ્યું, અને તેઓશ્રીએ શ્રી ગુણવંત ચૌધરી (એક રૅશનાલીસ્ટ)ને આ પ્રદેશના ‘રત્ન’ કહીને બીરદાવ્યા…..

સાથે સાથે એ પણ ધ્યાનમાં લેવું રહ્યું કે, પોતાની ફરજના એક ભાગરુપે શ્રી ચૌધરી પોતાનું કાર્ય પુરી નીષ્ઠાપુર્વક અદા કરતા હતા. તે એવું કે, લોકોમાં એવી ગેરસમજ ફેલાઈ કે, ‘ગુણવંતભાઈ આસ્તીક બની ગયા !’ પણ ના, આ જ તો સાચા રૅશનાલીસ્ટની સુયોગ્ય સમજદારીનો ઉત્તમપ્રેરક નમુનો લેખાય: ‘તમારી ફરજ બરાબર અદા કરો ! તમારી માન્યતાઓમાં લેશમાત્ર બાંધછોડ કર્યા વીના ! કથાના દસેદસ દીવસ શ્રી ગુણવંત ચૌધરી તથા તેઓનાં સ્વજનો જાણે તલવારની ધાર પર ચાલતાં રહ્યાં.’ સંસ્થાના એક કર્મચારીનું સ્થાન, ‘શ્રીરામ કથા’નું આયોજન તથા સંચાલન અને એક રૅશનાલીસ્ટ તરીકે પોતાની અડગતા તથા સંસ્થાના હીતાહીત તેમજ પ્રતીષ્ઠા… આ બધું જ શ્રી ગુણવંત ચૌધરીએ બરાબર સાચવી જાણ્યું. (અત્રે નોંધવું ધટે કે શ્રી ચૌધરીના પત્ની શ્રીમતી કરુણાબહેન પણ આ જ સંસ્થાના કર્મચારી છે, અને એ સાથે જ પાકા રૅશનાલીસ્ટ પણ છે જ !) અત્રે એય ખાસ નોંધવુ ઘટે કે, પુ. કથાકારશ્રી પ્રફુલ્લભાઈ પણ કથા દરમીયાન, ઉદારતાથી અમુક ઉચીત રૅશનલ અભીગમને પુરસ્કારતા રહ્યા….

પ્રા. રમણ પાઠક

ભરતવાક્ય:

“શ્રી ગુણવંત ચૌધરી માટે મારે એક જ શબ્દમાં જો કહેવું હોય તો, એટલું જ કહીશ કે, ‘જીવનમાં મળવા જેવી કોઈ વ્યક્તી હોય, તો તે ભાઈશ્રી ગુણવંત ચૌધરી છે.”

પ્રફુલ્લ શુક્લ (કથાકાર)


ગુજરાતમીત્ર, દૈનીક, સુરતમાં વર્ષોથી પ્રગટ થતી એમની, (શનીવાર તા. 25 સપ્ટેમ્બર, 2૦10ની) લોકપ્રીય કટાર રમણભ્રમણમાંથી સાભારલેખક અને ગુજરાતમીત્રના સૌજન્યથી..

સંપર્ક: પ્રા. રમણ પાઠક, A-4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કૉમ્પ્લેક્સ, બારડોલી – 394 641 ફોન: (02622)- 222 176 સેલફોન: 99258 62606

અક્ષરાંકન: ગોવીન્દ મારુgovindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ 22–10–2010

આ લેખ તમને ગમે તો govindmaru@yahoo.co.in પર મને એક મેઈલ લખજો. શુક્રવારથી રવીવાર સુધી હું મુંબઈમાં હોવાથી આ લેખની પીડીએફ ફાઈલ સોમવારે મોકલીશ.

20 Comments

 1. રમણભાઈનો આભાર, આવા સારા લેખ બદલ. ગુણવંતભાઈને મળવા્નો અવસર મળશે તો આનંદ જ થશે. એમણે જે કર્યું તે જ ઉત્તમ રીત છે. કાં તો તમે આવી કથાઓમાં જાઓ નહીં અને જાઓ તો વિતંડાવાદ ઊભો ન કરો. વળી આયોજન દરમિયાન એક જવાબદારી સંભાળવી એને આસ્થા સાથે સંબંધ નથી. રામ વિશે રેશનાલિસ્ટિક ચર્ચા કરવી હોય તો કથાકારને રેશનાલિસ્ટ મંચ પર નોતરવા જોઇએ. નાસ્તિકો અંદરોઅંદર જ ચર્ચા કર્યા કરે એ તો અધૂરૂં ગણાય. બધા સંમત હોય એ ચર્ચા કેવી? ખરી ચર્ચા તો આસ્તિક સાથે જ થશે.
  ધર્મ પાછળના તર્કને નકારવો એ જુદી વસ્તુ છે, પરંતુ, ધર્મ શા માટે આવ્યો એ સમજવું તો જરૂરી છે. તે સિવાય રેશનલિસ્ટો પણ અંધશ્રદ્ધાળુ જેવા જ બની જશે. એ્ટલે ખરેખર તો બધા રેશનલિસ્ટોએ ધાર્મિક પૂર્વગ્રહ વિના બધા ધર્મગ્રંથ વાંચવા જોઇએ અને કઈ સ્થિતિમાં એની રચના થઈ એ સમજવાનો પ્રયાસ કરવો જોઇએ. ઇતિહાસમાં નજર કરશું તો જોઈ શકશું કે ઘણુંખરૂં સાહિત્ય ધાર્મિક કથાનક સ્વરૂપે જ મળશે. એની અવગણના કરવાને બદલે સાચાં સામાજિક અર્થઘટનો લોકો સમક્ષ રજૂ કરવાં જોઇએ.

  Like

 2. i am still curious to know how gunvantbhai could handle both the responsibilities to the satisfaction of others and himself — particularly how he introduced the KATHAKAR and his KATHAKARI as udghoshak.

  did he say the kathakar was talking nonsense and spreading superstitions just to fool the poor gullible masses and helping perpetuate privileges of a parasite class ?

  or did he introduce the KATHAKAR in respectful non-committal parlance as is done with any religious man and leave the matter to him and his audience?

  Like

 3. એક રૅશનાલીસ્ટ તરીકે પોતાની અડગતા તથા સંસ્થાના હીતાહીત તેમજ પ્રતીષ્ઠા

  બધાનો સમતોલ વિચાર કરી રેશનલરીતે સહજતાથી જીવતા અને જીવવાદેતા

  રેશનાલીસ્ટને સ લા મ

  Like

 4. દિલીપભાઈની કોમેન્ટ આ લેખને સાચા અર્થમાં પરિપૂર્ણ કરે છે….રેશનાલીસ્ટ હોવું એનો મતલબ એ નથી કે,ફક્ત ધર્મ કે એના નિયમોનો વિરોધ જ કરવો….ધર્મ કહે છે,પાપ ના કરો…પણ ધર્મગ્રંથો કોને પાપ કહેવાય એ પણ જણાવે છે…..હવે રેશનાલીસ્ટ આ વિધાનનો વિરોધ કરે તો એને અણસમજુ જ કહેવાય….આતો ખાલી એક ઉદાહરણ છે….
  અહિયાં મને એક સવાલ થાય છે….શ્રી રમણ પાઠક વારંવાર કહે છે….એક રેશનાલીસ્ટ તરીકે,પ્રતિષ્ઠ અને વિદ્વાન રેશનાલીસ્ટ, સુયોગ્ય કામગીરી કરનાર રેશનાલીસ્ટ,એક સચોટ ઉદાહર પૂરું પાડનાર રેશનાલીસ્ટ…વગેરે…વગેરે…
  લો હવે તો રેશનાલીસ્ટ પણ એકબીજાના ગુણ-ગાન ગાવા લાગ્યા….
  આતો ” કુવામાંથી નીકળ્યા ને ખાઈ માં પડ્યા ” જેવું થયું……

  Like

   1. ગુજરાતી ગીત-સંગીતનું સૌથી પ્રખ્યાત ગીત ” તારી આંખનો અફીણી ” કે જેના કંપોઝર શ્રી અજીત મર્ચન્ટનો ઈન્ટર્વ્યું જોયો તો તે ગીત શ્રી દિલીપ ધોળકિયાએ ગાયું હતું…એટલે થોડી ગફલત થઇ ગઈ એ પણ બે જગ્યાએ…તે બદલ ક્ષમા યાચું છું….ધ્યાન દોરવા બદલ હિમાંશુભાઈ તમારો આભાર….

    Like

 5. મારા મત અનુસ્સર:

  રૅશનાલીસ્ટ જન તો તેને રે કહીએ…

  જે માનવતાને સૌથી મોટો ધર્મ માનતો હોય.

  કાસીમ અબ્બાસ

  Like

 6. સુંદર લેખ. હોદ્દાવાળી રેશનાલીસ્ટ વ્યક્તી તો ધર્મ સંકટમાં મૂકાઈ જતી હોય એ સમજ્યા પણ સામાન્ય રેશનાલીશ્ટ આમ વ્ય્ક્તીને રોજબરોજ આમાંથી પસાર થવું પડે છે, અને આનો સરસ રસ્તો ગુણવંતભાઈની માફક કાઢવો પડે. અમો ઘણા ધાર્મીક પ્રસંગોમાં યજમાનનું માન રાખીને હાજરી આપતા હોઈએ છીએ અને ભાગ લેતા હોઈએ છીએ એક સોસીયલ ઈવન્ટ સમજીને, જેમ કોઈના લગ્ન પ્રસંગમાં હાજરી આપીએ છીએ એ રીતે એક વ્યહવાર સમજીને. “I don’t believe in it” કહીને સમાજ્થી અળગા રહેવું એ બીજો રસ્તો!

  Like

 7. રેસ્નાલિસ્ટની ફરજ બરોબર બજાવી કહેવાય.

  Like

 8. ખૂબ સુંદર લેખ. ગુણવંતભાઇ જેવા સાચુકલા કલાકારને બિલકુલ નવા પરિપ્રેક્ષ્યમાં રજૂ કરીને રમણભાઇએ મોટુ કામ કર્યું છે. શ્રી રમણ પાઠક અને શ્રી શશિકાંત શાહ જેવા કટારલેખકો આવી સારી સારી, પ્રેરક વાતો અને વ્યક્તિઓને પોતાની કટારોમાં સ્થાન આપે છે એનાથી એમની કટારોની ગરિમા ઓર વધે છે.

  Like

 9. શ્રી દીપકભાઈની વાત સાથે શબ્દશઃ સહમત છું તેથી પુંરાવર્તન કરવાનું ટાળું છું.

  Like

 10. મારા મત મુજબ રેશનાલીસ્ટ એટલે માત્ર ને માત્ર ધર્મ અને ધાર્મિક વ્યક્તિઓનો વિરોધ . રેશનાલીસ્ટ મિત્રોએ રેશનાલીસ્ટ નો ગુજરાતી અર્થ જણાવવો જોઈએ . રેશનાલીસ્ટોએ અંધશ્રદ્ધાનો વિરોધ કરવા ને બદલે આખા ધર્મ અને ધાર્મિક સમાજના વિરોધી બનવાનું પસંદ કર્યું છે . રેશનાલીસ્ટો માત્ર તાંત્રિકો , રખડતા સાધુ બાવાઓ અને ધતિંગ કરતા ચેલાઓના અનુસંધાનમાં જ ધર્મ ને જાણ્યો છે . રેશનાલીસ્ટોએ માત્ર રામાયણ ,ગીતા , મહાભારત જેવા સરળતાથી ઉપલબ્ધ ગ્રન્થો વાંચી તેમાંની કેટલીક ટીકાઓ કરી ધર્મને બદનામ કરવાના અસફળ પ્રયત્નો કર્યા છે .તેઓએ બીજા પણ પૌરાણિક ધાર્મિક ગ્રન્થોનો અભ્યાસ કરી પછી તારણ કાઢવું જોઈએ . કોઈ રેશનાલીસ્ટે રેશનાલીસ્ટ ગ્રન્થ લખ્યો હોય એવું ધ્યાનમાં નથી , જયારે ધર્મમાં કેટલાંય સંતો ,મહાત્માઓએ કેટલાંય ગ્રંથ લખ્યા છે તો શું આ બધા ગ્રંથો વ્યર્થ , ખોટા કે ગપગોળા છે .ભારતમાં અયોધ્યા પર ઐતિહાસિક ચુકાદો આવ્યો કે અહિયાં રામલલાનું મંદિર હતું , કેમકે ત્યાં અનેક પુરાવાઓએ સાબિત કર્યું છે ભારતમાં ધર્મ અને ધાર્મિકતા સદીઓથી ચાલી આવે છે . કેમ ત્યાં ( કોર્ટમાં ) કોઈ રેશનાલીસ્ટે પોતાની રેશનાલાઝિમ બતાવી નહી કે આ બધું ખોટું છે , ધર્મ જેવું કઈ ના હોય . રેશનાલીસ્ટ કે રેશનાલાઝિમ માત્ર સમાચાર પત્રની પૂર્તિમાં કે બ્લોગ પરના લેખમાં જ અસ્તિત્વ છે , વાસ્તવમાં આવું સમાજમાં કાંઈ નથી . જાહેરમાં હું રેશનાલીસ્ટ કે ધર્મ ( કોઈ પણ હોય ) નો વિરોધી કહેવા વાળા શોધે તોય મળે તેમ નથી . રેશનાલીસ્ટ એ ઇસ્લામમાં પ્રવર્તે છે તેઓ ( ધર્મના કટ્ટર વિરોધી ) એક આંતકવાદ પણ ગણાવી શકાય .

  Like

  1. રૂપેનભાઈ ખુબ જ તાર્કિક અને બૌદ્ધિક ભાષામાં કોમેન્ટ કરી છે….રામાયણ,મહાભારત કે ગીતા જેવા ગ્રંથો જે સાગરબંધુઓએ આપણને એટલે કે સામાન્ય પ્રજાને સીરીઅલ કે ફિલ્મ દ્વારા સમજવાની તક આપી એનો આ રેશનાલીસ્ટ પીડિતોએ ધર્મ અને એના ગ્રંથોને બદનામ કરવાનો સરળ અને સસ્તો ઉપાય ગણ્યો…..બાકી શાસ્ત્રોની ચર્ચા તો શું કરી શકવાના?????

   જે રેશનાલીસ્ટ ધાર્મિક તહેવારોનો વિરોધ કરે છે એજ પોતાના ઘરે જોર-શોરથી તહેવાર મનાવે છે…..દશેરામાં રાવણ થોડી બળાય….હા…પણ ફાફડા-જલેબી તો ખાવા જ પડે ને!!!!! શરદપૂનમની રાતે દૂધ-પૌંઆ અને ઉત્તરાયણમાં કેટલો ધ્વની પ્રદૂષણ અને બિચારા પક્ષીઓની જાન જાય પરંતુ પતંગ તો ચગાવા જ પડે ને અને તલ-સિંગની ચીક્કી તો ખાવી જ પડે ને!!!!!

   સાહેબ આ બધા તો ડબલ-ઢોલકી બજાવવા માટે પોતાની તો શું બીજાના સ્વમાન કે ઈજ્જતની પરવા પણ ના કરે…..

   બાકી ધર્મનો વિરોધ કરવો હોય તો કરો ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ વિષે…..હાહાહા…..હિંમત હોય તો કરે ને!!!!!!

   અમીચંદો હિંદુ ધર્મમાં પણ હજી રેશનાલીસ્ટ સ્વરૂપે જીવે છે….એ દુખની વાત છે….

   Like

 11. સરસ લેખ,રૅશનાલિઝમ શું છે ? તે જાણવું હોય તો જમનાદાસ કોટેચા દ્વારા સંપાદિત ‘રૅશનાલિઝમ મારી દ્રષ્ટીએ’ પુસ્તક વાંચવુ જોઇએ.અને આ પુસ્તકનું લોકાર્પણ પ્રખ્યાત રામકથાકાર મોરારીબાપુએ કર્યુ હતું. રૅશનાલિઝમ કોઇ ‘વાદ’ નથી. રેશનાલિઝમ વિવેકબુદ્ધિથી જીવન જીવવાની એક શૈલી છે,એક સત્ય છે,નૈતિકતા છે,માનવકલ્યાણનું કાર્ય છે.મારી દ્રષ્ટીએ રૅશનાલિઝમ કોઈ સમુદાય કે વર્ગ નથી.રેશનાલિઝમમાં “મારુ જ સાચુ નહીં,પણ સાચુ એજ મારુ” હોય છે.

  Like

 12. રૂપેનભાઇએ રૅશનાલિઝ્મ વિશે જે મુદ્દો ઉઠાવ્યો છે તે બાબતમાં એક-બે વાત કહેવા માગું છું. તર્કથી ઘટનાઓને સમજવાના પ્રયાસ પહેલાં લગભગ અઢી હજાર વર્ષ ગ્રીક ચિંતક સોક્રેટિસથી શરૂ થઈ ગયા હતા.આ પરંપરામાં ત્રણ મુખ્ય ફિલોસોફર દ’કાર્તે (૧૫૯૬–૧૬૫૦) રૅશનલિસ્ટ હતા પરંતુ ઈશ્વરમાં માનતા હતા. બીજા સ્પિનોઝાએ એમ કહ્યું કે ઈશ્વરનું અસ્તિત્વ માત્ર ફિલોસોફીમાં છે. ત્રીજા લાઇબનિત્સે કહ્યું કે ઇશ્વર ‘સારો’ છે પરંતુ એ સારાપણાનો ગુણ એનાથી સ્વતંત્ર પણ છે! પરંતુ ઈશ્વર છે એમ દર્શાવવા એમણે તર્કનો રસ્તો લીધો. દ’કાર્તેએ કહ્યું કે જે કઈં સ્પષ્ટ અને વિલક્ષણ ન હોય તેનો અસ્વીકાર કરો; પ્રશ્ન નું નાના-નાના ભાગમાં વિભાજન કરીને ચર્ચા કરો. આ ગણિતની રીત થઈ (અને લાઈબનિત્સે તો કલન ગણિતની પણ શોધ કરી છે). આ જ પ્રક્રિયા આગળ વધતાં ઈશ્વરના અસ્તિત્વને નકારતા ચિંતનનો જન્મ થયો. ઇશ્વર અને ધર્મ વચ્ચે એવો સંબંધ છે કે આપણે ઇશ્વરને સ્વીકારીએ તો ધર્મ આપમેળે જ એની પાછળ આવી જાય. આમ રૅશનલિસ્ટ (અથવા એથિસ્ટ) ભગવાનને ન સ્વીકારે તો ધર્મને પણ ન જ સ્વીકારે. મોટા ભાગે ધર્મ પ્રત્યેની વિરક્તિની પાછળ ધાર્મિક પાખંડો કારણભૂત હોય છે. એટલે દ’કાર્તેએ સૂચવેલી રીત લાગુ કરીએ તો સમાજમાં વિચારવાની પ્રવૃત્તિ વધે અને પાખંડો આપમેળે જ ઓછાં થશે. આ કારણસર વ્યવહારના સ્તરે રૅશનાલિસ્ટે રિફૉર્મિસ્ટની ભૂમિકા ભજવવી જ પડે છે. અને એમાં તો સૌ સાથે મળીને કામ કરી શકે ને? હમણાં ઈશ્વરને છેડવાની જરૂર નથી. ધર્મગ્રંથો વાંચવાની તમારી દલીલ ખૂબ જ વાજબી છે. આપને પાખંડ સામે લડવું હોય તો શાસ્ત્રમાં શી સ્થિતિ છે તે કહેવું પડશે, એનું દ’કાર્તેની પદ્ધતિથી પૃથક્કરણ કરવું પડશે. ઍટલે ધર્મગ્રંથો વાંચવા જ પડશે. પરંતુ સવાલ એ છે કે આસ્તિકો ધર્મ ગ્રંથો વાંચે છે ખરા? કારણ કે ધર્મ કે ધર્મ ગ્રંથોની વાત આવે ત્યારે એમને બહુ ખોટું લાગી જતું હોય છે. રૅશનલિઝ્મ આપણને જાતે વિચારવાનો અધિકાર આપે છે.

  Like

 13. Our Minds should be Clean, Clear, unclutterred and receptive. Human biases and prejudices colour our Thinking. We all need Open Minds to absorb and appreciate Newer and Fresher Ideas. They are a breeze of pleasing thoughts. Let us prepare our minds to visit newer vistas.

  Fakirchand J. Dalal

  9001 Good Luck Road,
  Lanham, Maryland 20706.
  U.S.A.

  sfdalal@comcast.net

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s