રૅશનાલીઝમ જન્મજાત છે તેમજ (2) શું ઈશ્વર: જુગારી, ખુશામતખોર કે રુશ્વતખોર છે ?

રૅશનાલીઝમ જન્મજાત છે

માનવ સીવાય કોઈ પ્રાણીએ ઈશ્વરની કલ્પના કરી નથી. ઉત્ક્રાંતીના ક્રમમાં માનવ પ્રાણીએ માનવ સ્વરુપ મેળવ્યા પછી, ખુબ જ છેલ્લા તબક્કામાં, ખુબ ઓછા સમયથી, તેણે ઈશ્વરની કલ્પના કરી છે, જે સમય આજે ચાલી રહ્યો છે. અન્ય પ્રાણીની સરખામણીમાં  માનવી બુદ્ધીશાળી હોવાથી જુદો પડે છે. બુદ્ધીના વીકાસક્રમમાં તેને છેલ્લાં થોડાંક હજાર વર્ષથી એક મોટો તર્ક પકડાઈ ગયો અને તે ઈશ્વરની કલ્પના, જે બુદ્ધીથી સમજાવી શકાય એમ નથી. પરન્તુ અવૈજ્ઞાનીક–અજ્ઞાનયુગ દરમ્યાન તે સ્વીકારાયો છે.

દરેક માણસ જન્મે નાસ્તીક અને રૅશનલ હોય છે, કેમ કે તે બુદ્ધીના ઉપયોગથી પોતાનો વીકાસ કરવાનો પ્રયાસ કરે છે, ઉપરાન્ત તે સામાજીક પ્રાણી હોવાને કારણે અન્ય માણસના હીતનું બહુધા વીચારે છે. આ બધું તદ્દન કુદરતી ક્રમમાં, સ્વાભાવીક છે. પરન્તુ ચોક્કસ તબક્કે ખોટો તર્ક પકડવાથી માણસ ગેરમાર્ગે દોરાયો. પોતે સામાજીક પ્રાણી હોવા છતાં માણસ માણસ વચ્ચે ઈશ્વરને કારણે તેણે ભેદભાવ રચ્યા. પોતાનું સ્વાભાવીક માનવવાદી વલણ ત્યાગી, તેણે ઈશ્વરવાદી વલણ અપનાવ્યું. આ બધું અકુદરતી, માનવસર્જીત હોવાથી તે જન્મજાત નથી; પરન્તુ સંસ્કાર(ખરેખર તો કુસંસ્કાર)થી માણસ મેળવે છે. માણસ જેમ જેમ પોતાની ગેરમાર્ગે દોરાયેલ પ્રવૃત્તી ત્યાગી, વીવેકબુદ્ધીથી દરેક ક્ષેત્રે વર્તતો થશે, તેમ તેમ તેનામાં રહેલાં માનવવાદી વલણનો વીકાસ થતો જશે. રૅશનાલીઝમનો એ જ ઉદ્દેશ છે.

– ‘નીરાંત’

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.29/01/2011ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર … ચર્ચાપત્રી અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખક/ચર્ચાપત્રી – સંપર્ક: સેલફોન: 98252 59615

(2)

શું ઈશ્વર: જુગારી, ખુશામતખોર કે રુશ્વતખોર છે ?

આજકાલ ઈશ્વરના અસ્તીત્વ વીશે ચર્ચા ચાલે છે; પરન્તુ ધારો કે ઈશ્વર હોય તો વીશ્વના સંચાલનમાં ઉચીત–અનુચીત બાબતે સામાન્ય બુદ્ધીથી વીરુદ્ધ તો વ્યવહાર ન જ કરે ને ? દરેકને ઉચીત વીકાસની વાજબી તક તે આપે જ. ઘણા આસ્તીકો એમ માને છે કે માનવીના વીકાસમાં, વાસ્તુશાસ્ત્ર મુજબ તેનું ઘર વાઘમુખું છે કે ગૌમુખું તેના પર, તેના દરવાજાથી માંડી અસંખ્ય વસ્તુઓ કઈ દીશામાં છે તેના પર છે. એ જ રીતે, જ્યોતીષ મુજબ તેના ઘરના બાંધકામની શરુઆત કયા સમયે કરી, તેમ જ તે ત્યાં રહેવા જે સમયે ગયા હોય તેના ચોઘડીયા પર તેનાં સુખશાન્તી આધારીત છે. એ રીતે કર્મકાંડ મુજબ ચોક્ક્સ જ્ઞાતીના માણસ પાસે ચોક્ક્સ વીધી કરાવી હોય તેના પર, શરીરનાં અંગો પર મંત્રેલી કે પવીત્ર ગણાતી વસ્તુઓ ધારણ કરી હોય તેના પર તેની પ્રગતી આધાર રાખે છે. આવું જ્યારે આસ્તીકો જાહેર કરે છે, ત્યારે એમ થાય કે ઈશ્વર આપણી સાથે જુગાર રમે છે કે શું ? આને ન્યાયી વ્યવહાર કહેવાય ખરો ?

નીયતીમાં જરા પણ ફેરફાર થઈ શકે નહીં, વીધીના લેખ મીથ્યા થાય નહીં, એવી માન્યતા છે; છતાં મતલબી આસ્તીક એમ પણ કહેશે કે નીયતી જાણી પણ શકાય, એમાં પોતાની ઈચ્છા પ્રમાણે ફેરફાર પણ કરી શકાય. એ માટે ચોક્કસ માણસ પાસે ચોક્કસ વીધી કરાવવાથી ધારેલું પરીણામ મેળવી શકાય. જો એમ હોય તો, આને દૈવીશક્તીનું જુગારીમાનસ કહેવાય ને ? નહીં કહેવાય કે ?

કેટલાક માણસો અસંખ્ય ખોટાં અને અમાનવીય કામો કરી, પાપમુક્તી માટે ભક્તીનું રુપાળું નામ આપી, દૈવીશક્તીની ખુશામતનો રસ્તો અપનાવી, દાનરુપે લાંચ પણ આપે છે અને એ રીતે ખોટાં કામ કરવાની જાણે ‘પરમીટ’–પરવાનો મેળવે છે ! ઈશ્વર ખુશામતથી ખુશ થઈ કંઈ પણ વધારે આપે, એટલે કે અન્યાયી વલણ અપનાવે એ વાત શું વાજબી લાગે છે ખરી ? ઈશ્વર મીથ્યાભીમાની હોય ? તે ખુશામતથી ખુશ થાય ? ઈશ્વર ખુશામતખોર અહંભાવી, રુશ્વતખોર કે ફુલણજી છે કે ?

આસ્તીકોએ એટલું તો સ્વીકારવું જ રહ્યું કે ઈશ્વર જુગાર ન રમે, ખુશામત પસંદ ન કરે, મીથ્યાભીમાની પણ ન હોય, લાંચ સ્વીકારે એવો લાંચીયો પણ ન હોય અને જો એ એવો હોય તો તે ઈશ્વર નહીં, શેતાન જ કહેવાય.

ધર્મના આવા વીરોધાભાસો નહીં સમજાવી શકવાને કારણે, ‘આ બધું ગુઢ છે, માનવબુદ્ધીથી પર છે, અનુભુતીનો વીષય છે, બ્રહ્મલીલા છે’ – એવુંતેવું સમજાવી ભ્રમો ફેલાવવાનું હવે આપણે બંધ કરવું–કરાવવું જ રહ્યું.

માનવે પોતાના વીકાસ માટે પોતાના પર જ આધાર રાખવો પડે છે એ દેખીતું છે અને સીદ્ધ છે. માટે આવી અબૌદ્ધીક વાતો ત્યાગી, માનવકલ્યાણ પર ભાર મુકી, વૈજ્ઞાનીક અભીગમ જાળવીને પ્રયત્નો કરવાની જરુર છે.

– ‘નીરાંત’

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.17/01/2011ના રોજ પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર … ચર્ચાપત્રી અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખક/ચર્ચાપત્રી – સંપર્ક : સેલફોન: 98252 59615

દર સપ્તાહે રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ : https://govindmaru.com/

અક્ષરાંકન : ગોવીન્દ મારુ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ– 11/02/2011

15 Comments

 1. માનનિય ગોવિંદભાઈ, પ્રણામ…….

  (૧) આપણે પશુ પક્ષીની ભાષા-બોલી સમજી નથી શક્તા એટલે કહિ ના શકીએ કે તેઓ પરમાત્માને જાણતા નહિ હશે….કોને ખબર…… અને નકામો વિવેક લડાવી મારીને ભોળા લોકોને પરમાત્મા વિમુખ કરવા ન જોઈએ, કદાચ તેઓનુ ગાવાનુ, મસ્તી કરવાનુ જ પરમેશ્વરની સ્તુતિ મહિમા હોઈ શકે, કેમ કે એ આપણા મનને શાંતિ અને આનંદ આપે છે.

  (૨) બીજુ એ કે મનુષ્ય વિવેક્પંથી નથી હોતો, જન્મતા વેંત જ એ અવિવેકી બનીને, સ્વાર્થી બનીને માસાહારી બનીને માતાને ધાવવા (માંસહારે ભાષામાં માતાના સ્તનો ચુસવા) લાગી જાય છે. અગર બાળક ને વિવેક હોત તો પોતાની માતાને જન્મવા માટે ત્રાસ ના આપત અને એ આપ્યા પછી પણ માતાનુ માંસ ના ચુસત. એટલે મનુષ્ય જન્મે જ અવિવેક સાબીત થઈ ગયો. હા માતા જરુરથી વિવેકી કહી શકાય પણ એનો વિવેક પણ સ્વાર્થ નો વિવેક થયો કહેવાય, કેમ કે એની બાજુની જ પથારીમાં માતા વગરનુ બચ્ચુ રડતુ હોય અને એને એ માતા પોતાનાને જ ધવડાવે છે એટલે એ પણ સ્વાર્થી વિવેક થયો કહેવાય.

  (૩) માણસ બુધ્ધિશાળી નથી હોતો પણ જ્યારે એ નીતીનિયમોની વાતો શીખે છે ત્યારે જ બુધ્ધિશાળી બને છે. જ્યારે બે વરસના નાના બાળકના હાથમાં પ્લાસ્ટીકનુ બેટ આપી ને જુઓ, બોલને મારીને કંટાળી જશે પછી એ એની જોડે રમનારને જ મારશે અને ક્રુરતાનો આનંદ ભોગવશે, ત્યારે એની બુધ્ધિ તો ક્રુર કહેવાય કે નહિ? ભૌતિક પ્રગતિ થવાથી મનુષ્ય બુધ્ધિશાળી નહિ પણ દરેકે દરેક મારગે પોતાનો જ ઘાતક આજે બની ગયો છે. વધારે ભણી ગણીને વધારે પાપ આદરે છે અને જગતનુ નિકંદન કાઢે છે જ્યારે એક અભણ માણસ ભણેલા કરતા ઓછા પ્રમાણમાં પાપ આદરે છે અથવા તો એના પાપો સામાન્ય હોય છે.

  (૪) માર્કેટમાં હજારો બ્રાંડના સાબુ મલે છે પણ મને તો ડવ જ ગમતો હોય તો બીજા સાબુ મારા માટે નકામા જ થયાને અને મે ડવ સાથે સંવાદ કરીને મારો આનંદ પુરો કરી લિધો એવી જ રીતે પરમેશ્વર પણ જે લોકો એમને યાદ કરે છે એમની જોડે પોકારનારનો અને પોતાનો આનંદ પુરો કરે છે એટલે પરમેશ્વરનો વ્યવહાર સ્વાર્થી નથી. જે ચાહે એને જ એ ફળે, પરમેશ્વર જુગારી નથી જ. જુગારી હોત તો લોકોને બંદી બનાવી દિધા હોત પણ એ તો વધારે દયાળુ છે એટલે જ સ્વતંત્રતા આપી છે જેને માન્વુ હોય એ માને અને જેને ન માનવુ હોય એ ખાડામાં પડે તો પણ પ્રભુ દુઃખી થાય છે બોલો……

  (૫) હવે ધારો કે આ લેખ હુ કોપી કરી ને મારા બ્લોગ ઉપર મારા નામે ચડાવી દઉ તો તમને ગુસ્સો આવશે કે નહિ?? તો પછી આ જગતનો તાત પરમેશ્વર છે તો પછી એનો બધો જ જશ બીજુ કોઈ લઈ જાય તો પ્રભુને ગુસ્સો નહિ આવે? એટલે જે કોઈ પરમેશ્વરની મહિમા કરે છે એને એ જરુરથી ફળે જ છે. જેવી રીતે નોકર શેઠની, મુલાજીમ માલિકની, શિષ્ય ગુરુની, પુત્ર પિતાની, વગેરે વગેરે…

  (૬) માણસ કોઈ દિવસ પોતા ઉપર વિશ્વાસ નથી રાખી શકતો. એને કોઈ ને કોઈ પુજ્ય તો હોવા નો જ. શ્રધ્ધળુનો જે જે પુજ્ય પર વિશ્વાસ હોય અને નાસ્તિકનો કોઈ ને કોઈ શોખ તો હશે જે એનો પુજ્ય હશે, વિજ્ઞાનિક નો પુજ્ય એનુ વિજ્ઞાન, ડોકટરનો ભગવાન એની શાખા, એંજીનીયરનો ભગવન એની ટેકનોલોજી, હજામનો ભગવાન એન ઘરાક અને એનો અસ્તરો, વગેરે વગેરે….
  માણસ ક્યારેય સ્વતંત્ર નથી,, પોત પોતાના વિચારોનો ગુલામ હોય છે, અને એ વિચારો સારા કે ખોટા એ એને ખબર નથી હોતી. એ તો સમાજ અને દુનિયા જ એને કહિ શકે. એટલે માણસનો પોતાનો બનાવેલો વિવેક એ તદ્દન જુઠ્ઠોજ હોય છે, એટલે એને એનો કોઈને કોઈ પુજ્ય હોવો જરુરી બને જ છે..!!…… અસ્તુ..

  Like

 2. રૅશનાલીઝમ જન્મજાત છે અને શું ઈશ્વર: જુગારી, ખુશામતખોર કે રુશ્વતખોર છે ?

  નથી જ તેમાં બધા જ સંમ્મત થાય પણ આ સિધ્ધ કરવા વ્યવહારમા જે ખોટી

  માન્યતાઓ છે અથવા ધર્મ પાખંડને નામે ધૂર્ત લોકોએ દાખલ કરેલી વાતને

  સંતોને

  નામે મૂકવી અને સંતવાણીને સમજવા પ્રયત્ન ન કરવો કે મૂળભૂત યમ નિયમ

  સ્વીકારવા,પાળવા તેને બદલે ટીકા જ કર્યા કરવી તે સાચું રેશનાલીઝમ નથી.

  ઘણીવાર રેશનાલીઝમને નામે વિતંડાવાદ ચાલે છે તેને બદલે બન્ને તત્વો અંગે

  વિચારણા કરી રેશનલનું સૂચન કરવું યાગ્ય છે.સંતો કહે જ છે કે ઈશ્વર: જુગારી,

  ખુશામતખોર કે રુશ્વતખોર નથી જ…

  Like

 3. સ્વાગત,

  અંતિમ સુચન બાદ કરતા, ‘નીરાંત’ ની વાત વાંચનાર ને તે માર્ગે આગળ વધતા અટકાવી, શંકા-કુશંકા ના રવાડે ચડાવે છે..
  ભાગવતમાં માં વર્ણવેલા જીવન ની પરિભાષા = ચાર પુરુષાર્થ –> માં ધર્મ પ્રથમ, છે.. અર્થ અને કામ વચ્ચે અને મોક્ષ અંતિમ પુરુષાર્થ છે.
  ‘કારણ’ અને ‘ઈચ્છા’ ના પોષણ અર્થે, ધર્મ યુક્ત રસ્તે, મોક્ષ સાધવા નો છે. એ/આ મૂળ પુરુષાર્થ અર્થેની સમજણ છે.
  આ સમજણ માં સાચા ખોટા ના દ્વન્દ્વ થી ઉપર ઉઠી, ‘મોક્ષ મળશે’ માં નક્કી શ્રધા રાખી, ધર્મ યુક્ત પુરુષાર્થ કર્યે જવાનો સ્પષ્ટ આદેશ છે;
  જે ને આપણે જીવન તરીકે ઓળખીએ છીએ.
  જેમ કે આપણે ‘ધ્યાન પૂર્વક’ ‘અભ્યાસ’ કરીએ અને પરીક્ષા માં ‘જરૂર ઉત્તીર્ણ’ થઈશું એ વિદ્યાર્થી નું જીવન…
  એવુંજ મોક્ષાર્થી નું જીવન !
  આ અવિચલિત ચેતના એજ ઈશ્વર.
  આ ચેતના પ્રત્યે અર્જુન-દ્રષ્ટિ/લક્ષ-શુદ્ધિ કેળવી આપણું જીવન સાર્થક કરીએ.

  અસ્તુ,
  શૈલેશ મેહતા
  +૧૩૧૨૬૦૮૯૮૩૬

  Like

 4. પહેલા ચર્ચાપત્રનો ઉદ્દેશ એ દેખાડવાનો છે કે બાળક જન્મજાત નાસ્તિક હોય છે. હકીકતમાં સમાજ, ધર્મ , જાતિ બધું મગજ અને સંપર્કોના વિકાસથી જ કેળવાયય છે. ઈશ્વરની કલ્પનામાં પણ સમય-સમયે પર ફેરફાર થતા રહ્યા છે. સર્વવ્યાપી ઈશ્વરની કલ્પનાનો વિકાસ અઢી-ત્રણ હજાર વર્ષ જૂનો હશે. તે પહેલાં વ્યક્તિગત મદદ કરનાર અથવા ગુસ્સે થઈને બદલો લેનાર ઈશ્વર હતો. ઋગ્વેદના ઋષિઓ દેવતાઓને એમના પૂર્વજોના મિત્ર માને છે. તે પછી ઉપનિષદોમાં બ્રહ્મ તત્વનો વિકાસ થયો. તે સાથે જ સર્વસત્તાધીશ ઇશ્વરની સગુણ કલ્પના પણ વિકસી. યહૂદીઓનો ઈશ્વર આદેશ આપીને ચલાવે છે. ગુસ્સે પણ થાય છે.જીસસનો ઈશ્વર મદદ્ગાર છે અને લોકો એની મદદ માગે છે. એ કરુણામય છે. ઇસ્લામનો ઇશ્વર એકમાત્ર સર્વસત્તાધીશ છે. આ બધાં રૂપોનો વિકાસ બહુ જૂનો નથી. લેખકનું કથન સાચું છે.
  રાજેશભાઇને શંકા છે તેમ આમાં કોઇને ગુમરાહ કરવાનો સવાલ નથી આવતો. નાસ્તિકો પણ સારા સમાજજીવન માટે આતુર છે. અ્ફસોસ એ છે કે ઈશ્વરમાં માનનારા લોકોના વર્તનમાં કઈં ખામી નહોત, ધર્મ ધંધો ન બની ગયો હોત તો કોઈ નાસ્તિક પણ ન બન્યા હોત. ઈશ્વરની ચર્ચા હમણાં બાજુએ મૂકીએ, પરંતુ માણસ તો છે જ. આપણો પાડોશી તો છે જ. એની સાથે સારી રીતે વર્તીએ તો આપણે સમાજને કઈંક આપીશું.
  બીજા પત્રમાં પણ ઈશ્વર વિશે જે પૂછેલું છે તેનો ઉદ્દેશ એવું સાબીત કરવાનો નથી જણાતો કે ઈશ્વર ખુશામત પસંદ કરે છે, અથવા જુગારી છે. લેખક આવા સવાલોના જવાબ ’ના’માં આપવા માગે છે. એમનું કહેવાનું એટલું જ છે કે ભક્તોના વર્તનથી ઈશ્વર આ પ્રકારનો દેખાય છે.
  બાકી પ્રાચીન સંતવાણી આપણો સહિયારો વારસો છે.એમાંથી ઘણું મળી શકે.કોઈ સંતે સમાજના આગેવાનોને ખુશ નથી કર્યા. મીરા. નરસિંહ, તુકારામ, કાશ્મીરની લલ દ્યદ… એમનાં જીવન જોઈએ તો દેખાશે કે એમણે એક પ્રકારે વિદ્રોહ કર્યો હતો અને ધર્મને લોકભોગ્ય અને સરળ બનાવ્યો. જીસસ તો લોકનજરે જે પાપી હતા એમની વચ્ચે રહ્યા. મહંમદ પયગંબરનો તો એટલો વિરોધ થયો કે એમને મક્કામાં રહેવાનું અઘરું થઈ પડ્યું.
  પરંતુ એનો અર્થ એ નથી કે આજના ’સંતો’ પાછળ દોડવાથી મોક્ષ મળી શકે.આવા ’સાપને ઘેર પરોણો સાપ’ છાપ ગુરુઓ પહેલાં પણ હતા અને આજે પણ છે. અખો પણ હંમેશાં ચાબખા સાથે પેદા થતો રહ્યો છે.
  બન્ને ચર્ચાપત્રોના વિચારોનું આપણે સ્વાગત કરવું જોઈએ.

  Like

 5. દિપકભાઈશ્રી સપ્રેમ વંદન,

  હુ આપના વિશ્વ્લેષણની જ રાહ જોતો હોઉ છું… ધન્યવાદ પણ મને શૈલેષમહેતાજીનુ સુચન અતિ યોગ્ય લાગ્યુ, એમણે જે કહ્યુ એ આ લેખનો સાર માની લઉ છું અને આપનુ સુચન પણ ધન્યવાદ યોગ્ય છે…… ધન્યવાદ શૈલેષભાઈ……

  Like

  1. રાજેશભાઇ,
   તમે મારા વિશ્લેષણની રાહ જોતા હતા…કહેવાની રીત પરથી લાગે છે કે કદાચ તમને ક્યાંક ખોટું લાગ્યું છે. માફ કરશો. ક્યાંક આપણો દૃષ્ટિકોણ જુદો પડતો હોય તો પણ તમને માઠું લાગે એવી રીતે કઈં પણ કહેવાનો મને અધિકાર જ નથી.
   તમે જે કહો છો, શૈલેશભાઇ જે કહે છે, હું જે કહું છું અને બધા મિત્રો જે કહે છે તેમાં કઈં તાત્વિક ફેર નથી. મેં લખ્યું છે કે આસ્તિકોની વર્તણૂક એવી છે કે પ્રભુનું નામ ખરાબ થાય.
   આપણે સૌ સંમત છીએ કે ધર્મને નામે જે કઈં થાય છે તેમાં ખોટાનું પ્રમાણ વધુ છે. નૈતિકતાનું નામ નથી અને માત્ર ધર્મની આડ લેતા રહીએ એ કેમ ચાલે? આત્મનિરીક્ષણની જરૂર સૌને છે. આપણે કશું વાંચતા નથી અને કોઇકે કહ્યું હોય તેને ધર્મ ગણાવ્યા કરીએ અને ધર્મને સમજવા માટે બીજાનો આશરો લઈએ એ કેવું? આ જોતાં તમે ખ્રિસ્તી હોવા છતાં હિન્દુ શાસ્ત્રો જે રીતે ટાંકી શકો છો એ ખરેખર પ્રશંસનીય છે.ધર્મગ્રંથો તો બધા ધર્મોના વાંચવા જોઈએ.
   મારો અભિગમ એવો છે કે પરલોકની વાતો તો કરીએ છીએ પણ આ લોકની બાબતમાં તદ્દન બેદરકાર છીએ. સામાન્ય સુખોથી વંચિત રહેવાનો લોકોને ઉપદેશ આપવામાં આવતો હોય તો એનો અર્થ એ થશે કે સમ્પત્તિ એક નાના વર્ગના હાથમાં એકત્ર થશે. તે પછી નીતિમત્તા કેમ રહે? ધર્મને નામે દંગાઓ થાય, ધર્મને નામે જાતિગત દમન થાય, ઊંચનીચના ભેદ ઊભા કરાય- મૂળભૂત સુધારા ન થાય તો કેમ ચાલે?
   આપણે તો એક જ શહેરમાં રહીએ છીએ. મળી શકીએ. યોગ્ય લાગે તો મને dipak.dholakia@gmail.com par ‘હલો’ લખશો તો આપણે મળવાનો પણ પ્રોગ્રામ ગોઠવી શકીએ.મારો નંબર છે:૯૮૧૮૮૪૮૭૫૩.

   Like

 6. થઈ પડેલા સાધુઓ-સંતો-ગુરૂઓ અને મંહતોએ ધર્મની સાથે ઈશ્વરને જોડી ધંધો શરૂ કર્યો ત્યારથી ઈશ્વરને નામે દાન લેવા માંડ્યા પરિણામે ઈશ્વર જાણે લાંચીયો કે રુશ્વત ખોર બની બેઠો તેમ પ્રચાર થવા લાગ્યો. બાધા-આખડીને નામે ગ્રહ શાન્તિને નામે તો મંદિરો બનાવવા માટે નાણાં ગમેતેવી કમાણી દ્વારા પેદા કરવામાં આવ્યા હોય તો પણ આ સાધુ-સંતો સ્વીકારવા લાગ્યા અને દાન કરનારને મોક્ષ મળશે જ તેવી હૈયા ધારણા આપી પોતાનો અને ઉભા કરેલા સંપ્રદાયો જ સાચા છે અને તેમનો ઈશ્વર આવી અનૈતિક ધંધા દ્વારા કરવામાં આવેલી કમાણીમાંથી થોડો ભાગ ઈશ્વરને નામે આપી દેવામાં આવે તેવું સમજાવી નાણાં લેતા થયા અને ઈશ્વર લાચીયો અને રુશ્વતખોર ગણાવા લાગ્યો ! ઈશ્વર લાંચીયો કે રુશ્વત ખોર નાજ હોઈ શકે જે નિર્વિવાદ છે.

  Like

 7. GOD DOES NOT NEED ANYTHING,BUT ORGANISER,TRUSTEE GETS WHATEVER IS OFFERED.PARRTLY USED FOR SOCIAL NEED AND BALANCE GOES AS THEIR INCOME. IT IS AN EXPLOITATION OF WRONG BELIEFS .MANY OF US SEE SUCH OFFERINGS TO GOD IN CHILDHOOD . FURTHER IT IS PRACTICED BY ALL, GENERATION AFTER GENERATION.
  PROVOCATION OF THOGHTS BY SUCH ARTICLE CAN ONLY REMOVE ANDH SHRADHA.A GOOD ATTEMPT . I DO APRECIATE.

  Like

  1. My Dear Shuklaji, GOD very much need “our happy givings to him.” It is not a physical givings but spiritual one. Let me make it simple, if you donate any thing to Almighy Father God happily then it is accepted but if you offer HIM keeping any reward in mind, then it becomes null and void for giver. “GOD DOES NOT WANT ANYTHING BUT WISH OF GIVER”
   He is our father HE provides whatever we need without asking or without our knowledge. Whatever you are enjoying, is becasue of blessings of our ALMIGHTH FATHER GOD none-else, without HIS blessins no one can get what he/she has.

   Now question about ORGANISER/TRUSTEEs, they are the middle man between GOD and GIVER. And it is for those who does not know GOD personally or HIS Kingdom. Now appoints HIS ORGANISER/TRUSTEEs who arranges all the money or offerings given to GOD. ORGANISER/TRUSTEE may be a man, organization, trust, and if they are not trusted then at last ‘GOVERNMENT” whom you, me and all are giving tax and in return we are enjoying railway, road, water, saftey etc. GOVERNMMENT is the best trustee of GOD so i urge you to give your actual taxable amount to Government.

   Like

 8. દિપકભાઈ, મને જરાય ખોટુ લાગ્યુ નથી, અને કોઈને ખોટુ લાગે એવુ બને ત્યાં સુધી કરતો નથી. હુ આપની ટિપ્પણીઓ માનભેર વાંચુ છુ, ધ્યાન દઈને વાંચુ છુ મારા ઘણા ગમતા બ્લોગરો છે એમાં આપનુ પણ અવ્વલ સ્થાન છે એટલે હુ આપની ટીપ્પણીઓને ખોળતો રહુ છુ, બીજી કોઈ કલ્પના ના કરશો પ્લીઝ. અને હાલમાં મારી બેબીને ચિકન પોક્ષ નિકળ્યા છે, એટલે મુસ્કેલ છે, મારુ એડ્રેસ નોંધી લેવા વિનંતિ કરુ છુ પ્લીઝ…. “૪૭/૮, સી.વી.ડી. લાઈન્સ, સદર બઝાર દિલ્હી કેન્ટ, નવી દિલ્હી-૧૧૦૦૧૦ અને ફોન નં- ૦૯૭૧૬૯૨૬૨૩૧”

  Like

 9. શ્રી ગોવીંદભાઇ, ’નીરાંતજી’નું વિચારણીય ચર્ચાપત્ર. આભાર.
  ખાસ તો શ્રી દિપકભાઇના પ્રતિભાવના પ્રકાશમાં વધુ સ્પષ્ટ દેખાયું. વાત કંઇ ખોટી નથી. જો કે લેખકશ્રી કેટલાક મિત્રોને કદાચ પોતાનો પક્ષ સમજાવવામાં ઉણા ઉતર્યા હોય તેવું લાગ્યું. પરંતુ એ માત્ર લખાણશૈલિની બાબત છે. વિચારોની બાબતે બહુ વિચારપ્રેરક રજુઆત કરી. લેખકશ્રીનો, આપનો અને ખાસ તો દિપકભાઇનો અને રાજેશભાઇનો પણ આભાર.

  Like

 10. રાજેશભાઈ જ્યાં તાજા જન્મેલા બાળકને સ્વાર્થી ગણે છે ત્યાં જ એમની ભાષામાં તો તે નાસ્તિક જ જન્મે છે તે સાબિત થઈ જાય છે. ખરૂ ને? પણ નાસ્તિક લોકો ખરાબ નથી તે જ તો કહેવાનું છે. ખરેખર જન્મ વખતે બાળક પણ માતા જેટલું જ કષ્ટાય છે પણ કેમ કહે? અને સ્તનપાન એ માતા અને બાળક બંનેનો કુદરતી આનંદ અને તેથી પ્રેમ પણ છે જ. આમ પ્રેમ તત્વ સાથે જ જન્મીને તે આસ્તિક પણ છે. તેને માતામાં સંપૂર્ણ વિશ્વાસ છે. જે ઈશ્વર તે જાણતો જ નથી તેનો વિશ્વાસ કેમ કરે? વરૂબાળની વાત તો આપણે જાણીએ જ છીએ. વરૂઓ વચ્ચે ઉછરતો એ માનવી ક્યાં ધર્મમાં માનતો હતો? ધર્મ એ માનવીની ફિલસૂફી છે જે પ્રેમ તત્વ વગર નકામી જ છે અને સાથે પ્રેમ તત્વ ભળે તો ધર્મથી ઉદ્ધાર પણ છે એટલે નાસ્તિક હોય કે આસ્તિક સંત હોય કે પામર-માનવી જેનામાં પ્રેમ તત્વ વધુ છે તેનામાં જ માનવતા વધુ વિકસવાની છે. નાસ્તિક અને આસ્તિકોનો તત્વ ભેદ જાણ્યા વગર કોઈ એક પક્ષ ફક્ત બહુમતિને કારણે સારો કે ખરાબ થઈ જતો નથી.

  Like

 11. પ્રિય મિત્રો;
  પ્રેમ;
  આપણા ખુબ જ સાદા અનુભવો આપણે ગમે તેવા શબ્દ પ્રયોગ કરીએ, જુદા જુદા હાવભાવ કરીએ તો પણ અન્યને તેનો અનુભવ કરાવવા અસ્મર્થ છે.શબ્દોની અને હાવભાવ અભિવ્યક્તિની આ મર્યાદા છે. આવી સાવ સાદી વાત પણ આપણને સમજાતી નથી. જેમકે કેરીના રસનો સ્વાદ. જેને કદી કેરી જોઈ નથી ચાખી નથી તેને કેવી રીતે કેરીના સ્વાદનો અનુભવ કરાવી શકો? ઊપાય ફક્ત એક અને એક જ છે કે તેને કેરીનો રસ ચખાડો. બીજુ ઉદાહરણ આપું. જન્મજાત આંધળાને પ્રકાશ ની વાતો કરો, તેના ગમે તેવા વર્ણન કરો પણ એકપણ આંધળાને તમે પ્રકાશનો અનુભવ નથી કરાવી શકતા. આંધળાની આંખોનો ઈલાજ એક માત્ર ઇલાજ છે. પણ જો સામેનો માણસ સ્વિકારવા જ તૈયાર ન હોય કે તે આંધળો છે અને તેને આંધળો કહેનારને કે ઇલાજ કરનારને ગાળો દીધે રાખે તો કદાચ તેની પ્રકાશનો અનુભવ કરવાની સંભાવના હોવા છતાં પણ તે ક્યારેય પ્રકાશનો અનુભવ નથી કરી શકવાનો. આપણી બધાની હાલત કાંઈક આવી જ છે. પણ આપણે આપણી જાતને સ્વિકારી નથી શકતા કે આપણે આંધળા છીએ અને પરિણામ સ્વરુપ એક સંભાવનાને સદાને માટે અલવિદા કરી દઈએ છીએ.
  આપણને ખબર નથી પડતી કે જો એક સાદો અનુભવ પણ શબ્દોમા વર્ણવી નથી શકાતો તો પરમાત્માનો અનુભવ કેવી રીતે વર્ણવી શકાય? પરમાત્મા અવ્યાખ્ય છે તેવું સાદું સત્ય આપણને સમજાતું નથી. પછી આપણે તેની જુદી જુદી વ્યાખ્યાઓ કરીએ છીએ, એકની વ્યાખ્યાનુ બીજો ખંદન કરે છે, અને તેની પર ચર્ચાઓ, વિવાદ, તર્કો અને એક યુધ્ધ જેવું વાતાવરણ ઉભું કરી દઈએ છીએ અને આપણું જ લોહી રેડી એક વિકૃત આનંદ લઈએ છીએ. પ્રભુ આપણને દૃષ્ટિ આપે કે આપણે આપણા રોગોને ઓળખી શકીએ તેવી પ્રાર્થના.
  શેષ શુભ.
  પ્રભુશ્રિના આશિષ;
  શરદ

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s