સત્યની સ્ટ્રીટ લાઈટ્સ પર અન્ધશ્રદ્ધાનાં જાળાં

સત્યની સ્ટ્રીટ લાઈટ્સ પર અન્ધશ્રદ્ધાનાં જાળાં

-ગુણવંત શાહ

અમીતાભ બચ્ચન જેવો મહાન અભીનેતા આટલો અન્ધશ્રદ્ધાળુ હોઈ શકે ? પુત્રવધુ ઐશ્વર્યાને મંગળ ન નડે તે માટે અભણ માણસો કરાવે તેવી ધાર્મીક વીધીઓ બચ્ચન પરીવાર કરાવે ત્યારે દેશના કરોડો માણસોને શી પ્રેરણા મળશે ? અમીતાભ છીંક ખાય તોયે સમાચાર બની જાય તેવો મોભો તે ધરાવે છે  વીજ્ઞાન અને ટેકનૉલોજી તરફથી મળતા બધા જ લાભો પામ્યા પછી પણ આપણી વીજ્ઞાનવૃત્તી ખીલવાનું નામ નથી લેતી. હીન્દુ પ્રજાની અન્ધશ્રદ્ધા શીક્ષણને ગાંઠતી નથી. અન્ધશ્રદ્ધા અને ચમત્કારના પ્રશ્ને ભણેલા અને અભણ વચ્ચે ઝાઝો તફાવત નથી. હજી આપણે સૌ માંદળીયા યુગમાં જીવીએ છીએ. સચીન તેન્ડુલકર સાંઈબાબા પાસે કૃપાની યાચના કરવા જાય છે. રૅશનલીસ્ટ કરુણાનીધીના નીવાસ ગોપાલપુરમાં સાંઈબાબાની પધરામણી થઈ ત્યારે મુખ્ય પ્રધાનની પત્ની દયાલુ અમ્માલે બાબાનાં ચરણોમાં દંડવત્ પ્રણામ કર્યાં અને સ્વજનો વચ્ચે બાબાની હથેળીમાં પ્રગટ થતી ચમત્કારી વીંટી મેળવવા માટે પડાપડી થઈ હતી.

આપણા સમાજને લક્ષચંડી યજ્ઞની નહીં, નસબંદી યજ્ઞની જરુર છે. દેશની ગરીબી બચરવાળ છે તેથી વીકાસર વીકાસરમાં ફેરવાઈ જાય છે. ખાલી પેટ અને ભરેલાં ગર્ભાશયોની સંખ્યા વીકરાળ છે. નવાં મન્દીરો બન્ધાય છે; પણ નવાં સંડાસો તૈયાર થતાં નથી. ટીવી પર બધી ચેનલો અન્ધશ્રદ્ધા પીરસતી રહે છે. ક્યારેક ગ્રહદશાની ચર્ચા થાય છે, તો ક્યારેક રુદ્રાક્ષની માળાનો મહીમા કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર, હસ્તરેખાશાસ્ત્ર, જ્યોતીષશાસ્ત્ર ફેંગશુઈ અને વળી ટેરોટનાં પાનાં પરથી ભવીષ્ય ભાખવામાં ગપ્પાંબાજીને ચાર ચાંદ લાગી જાય છે. જયલલીથા પોતાના નામમાં એક અક્ષર ઉમેરાય તેવું કરીને ન્યુમરોલોજી સાથે જોડાયેલી અન્ધશ્રદ્ધાને દૃઢ કરે છે. નવી ખરીદેલી કારની નેઈમ-પ્લેટ પર અમુક આંકડા આવે તે માટે લોકો રુશ્વત આપે છે અને રાહ જુએ છે. સીઝેરીયન ઓપરેશન શુભ દીવસે અને શુભ મુહુર્તમાં થાય તેવી ગોઠવણ કરવામાં ભણેલા લોકો અભણ લોકો કરતાં ખાસ આગળ છે.

પ્રત્યેક ક્ષણને પવીત્ર ગણે તે ખરો ભક્ત અને પ્રત્યેક ક્ષણને સરખી ગણે તે સાચો નાસ્તીક ગણાય. ૧૩નો આંકડો અશુભ ગણાય તેવું ક્યા મહામુર્ખે કહ્યું છે ? મારા દીકરાએ મુમ્બઈના બહુમાળી મકાનમાં હઠપુર્વક તેરમો માળ પસંદ કર્યો હતો. મારી દીકરીનાં લગ્ન કમુરતામાં થયાં હતાં. હીન્દુઓ શુભ મુહુર્ત જોવડાવવાનું તુત ક્યારે છોડશે ? અમાસને દીવસે ટ્રેનના ડબ્બાઓમાં ઓછી ભીડ હોય એવું શા માટે ? મારા દીકરાની લગ્નવીધી પણ મારાં (વીધવા) મોટાં બહેને કરાવી હતી. દેશી કેલેન્ડરનાં ખાનાંમાં વીચીત્ર શબ્દો વાંચીને મન વીચારે ચડી જાય છે. વીંછુડો બેસે એટલે શું ? સંકટચોથ એટલે શું ? પંચાંગ પ્રમાણે બધી તીથીઓ સાથે જોડાયેલી વીધીઓ પ્રમાણે જીવવાનું માણસ નક્કી કરે, તો એ જીવનમાં બીજું કશુંયે કરી ન શકે. આવતા એપ્રીલની ૧૪મી તારીખે બાબાસાહેબ ડૉ. આંબેડકરજયંતી અને વલ્લભાચાર્યજયંતી  છે. તે જ દીવસે ‘મીન માસનાં કમુરતાં પુરાં થાય છે’ એવું કેલેન્ડરના ખાનામાં લખાયું છે. વળી ૨૨મી  જુનના ખાનામાં લખ્યું છે: ‘જૈનોનો કેરીત્યાગ.’ ‘સત્યની સ્ટ્રીટ લાઈટ્સ પર અન્ધશ્રદ્ધાનાં કેટલાં જાળાં?’

પ્રત્યેક ધર્મમાં પડેલી સુવાસ બાજુ પર રહી જાય અને કેવળ કર્મકાંડ સાથે જોડાયેલી અન્ધશ્રદ્ધા જામી પડે ત્યારે ધર્મનો મર્મ ખતમ થાય છે. કેરી ખતમ થાય છે અને બાવાજીના આશ્રમમાં અથાણાંનું માર્કેટીંગ થતું રહે છે. અન્ધશ્રદ્ધાળુ હોવું એ ‘ધાર્મીક’ હોવાની નીશાની નથી. એ જ રીતે નાસ્તીક માણસને ‘અધાર્મીક’ ગણવાનું યોગ્ય નથી. આસ્તીક માણસની અપ્રામાણીકતાનો કોઈ બચાવ ન હોઈ શકે. તે જ રીતે જુઠા માણસની નાસ્તીકતા પણ નઠારી ગણાય. નાસ્તીક માણસ આપોઆપ રૅશનલીસ્ટ બની જાય એવો વહેમ ખાસો લોકપ્રીય છે. એ વહેમને કારણે ક્યારેક છીછરા દાવાઓ કરવાની ઉતાવળ થતી રહે છે. કોઈ રૅશનલીસ્ટ જુઠો, રુશ્વતખોર, અને કરુણાશુન્ય હોય, તો તે નાસ્તીક હોય તોયે ‘રૅશનલ’ ન ગણાય. કોઈ ધાર્મીક ગણાતો માણસ શોષણખોર, દંભી અને અંધશ્રદ્ધાળુ હોય તો તેને ‘ભગત’ ગણવામાં જોખમ છે. મુળે વાત પ્રામાણીક  જીવનશૈલીની છે. સ્તાલીન અને માઓ ઝેડોંગ નાસ્તીક હતા; પરન્તુ તેમને ‘રૅશનલ’ કહેવાનું યોગ્ય નથી. બન્ને નેતાઓએ પોતાના જ દેશના લાખો નીર્દોષ મનુષ્યોની કતલ કરાવી હતી. તેમને ‘વીવેકબુદ્ધીવાદી’ કહેવામાં ‘વીવેક’ અને ‘બુદ્ધી’ની ક્રુર મશ્કરી થાય છે. આપણી સંસ્કૃતીમાં તર્કને ૠષીનો દરજ્જો આપવામાં આવ્યો છે. શંકરાચાર્યે વીવેકને મુગટમાં જડેલો મણી (વીવેકચુડામણી) ગણાવ્યો છે. તર્ક અને વીવેકની ઉપાસના નાસ્તીક અને આસ્તીક બન્ને કરી શકે છે. રૅશનલીઝમનો સમ્બન્ધ મુળે સત્યની શોધ સાથે છે. એ શોધ પવીત્ર છે.

એક્સરે

ખાલીપણું તો એકલાથી ન થયું સહન,

પંખી નથી તો ડાળનો હીસ્સો નમી ગયો.

એક પળ જે મારાથી અળગા નથી રહ્યા,

એ કહે તારા વગર જીવી શકાય છે.

સાવ સુક્કી ભઠ નદીની રેત પણ,

બેઉ કાંઠે આજ ખળખળવા મથે.

અંકીત ત્રીવેદી (કવીના કાવ્યસંગ્રહ ‘ગઝલપુર્વક’- ઈમેજ પબ્લીકેશન, મુંબઈ – અમદાવાદ, રુપીયા : ૭૫/- મન ભરીને માણવા જેવો અને દીલભરીને પામવા જેવો સુગન્ધીદાર ગુલદસ્તો..)

-ગુણવંત શાહ

૧૯ ફેબ્રુઆરી ૨૦૦૭ના ‘અભીયાન’ના અંકમાં ઘણાં વર્ષોથી પ્રગટતી લેખકની કટાર ‘કાર્ડીયોગ્રામ’માંથી સાભાર….

સંપર્ક : શ્રી ગુણવંતભાઈ શાહ, ‘ટહુકો’ – ૧૩૯ – વીનાયક સોસાયટી, જે.પી. રોડ, વડોદરા – ૩૯૦ ૦૨૦ – ભારત ફોન: (0265) 2340673

‘સન્ડે ઈ-મહેફીલ’ – વર્ષ : બે – અંક : 97એપ્રીલ 15, 2007 માટે ‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકન : uttamgajjar@gmail.com

લેખક-પરીચય

ગુજરાતી વાચકને હવે આ નામનો પરીચય આપવો પડે એવું રહ્યું નથી. રાંદેર-સુરતમાં ૧૯૩૭માં જન્મેલા આ ‘શાહ’ભાઈ અસ્સલ પટેલ છે. ‘લોકો’ જેને વાંચવા-સાંભળવા ઉત્સુક હોય તેવા માત્ર બે-પાંચ જ લેખકો-વક્તાઓનાં નામોની યાદી તૈયાર થાય તો તેમાં ગુણવંત શાહનું નામ આગળ હોવાનું જ. એમનું કોઈ એક જ પુસ્તક પસન્દ કરવાનું અમને કોઈ કહે તો અમે એમનું ‘સ્મરણાત્મકથા’ પુસ્તક ‘બીલ્લો ટીલ્લો ટચ’ છાતીએ વળગાડીએ. જો કે પસન્દ અપની અપની..બાકી ગુણવંત શાહને જાણવા-માણવા ઈચ્છનારને તો એમનું કોઈ પણ પુસ્તક કે એક નાનકડો લેખેય પુરતો થાય. છતાં,  ટુંક સમયમાં જ જે પુસ્તકની ત્રણ આવૃત્તીઓ થઈ અને સાઉથ ગુજરાત યુનીવર્સીટીમાં જે એમ.એ.ના અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક તરીકે મુકરર થયું તે ‘બીલ્લો ટીલ્લો ટચ’ (પ્રકાશક: આર.આર.શેઠની કંપની, મુંબઈ -૪૦૦ ૦૦૨ અથવા અમદાવાદ – ૩૮૦ ૦૦૧) પુસ્તક વાંચવા કશાય જોખમ વીના દીલથી ભલામણ કરીએ…

-ઉત્તમ ગજ્જર (સુરત) અને બળવંત પટેલ (ગાંધીનગર)

વળી, જીજ્ઞાસુઓ માટે અને આ રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભસંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈમેઈલ આઈડી પર, પોતાનું નામસરનામું આપી, તેઓ એક મેઈલ મને લખે તો તેમને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

 અક્ષરાંકન:ગોવીન્દ મારુ govindmaru@yahoo.co.in

 પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

 પોસ્ટ કર્યા તારીખ – 24–06–2011

 

18 Comments

 1. મને ઘણી વખત વિચાર આવે છે કે ભારતમાં અટ એટલા યજ્ઞો થાય છે, અટ એટલા મહારાજો વ્યાખ્યાનો કરે છે, કથાઓ કરે છે અને છતાં પરિણામે આપણી અધોગતિ અવિરતપણે વધુને વધુ શિખરો સર કરતી જાય છે. શું આપણી તાસીર જ ભ્રષ્ટ અને નિમ્ન છે? આઝાદી પછી અટ એટલા વર્ષે પણ કોઈ સુધારો નહિ? અંધશ્રદ્ધા નાબુદીની તો વાત દુર રહી, વધતી જાય છે. બવલાઓની નાગચૂડ માંથી આપણે ક્યારે છુટશું.

  Like

 2. અમિતાભ બચન ઉપરાંત આ જગતમાં લાખો નેતાઓ અને ભણેલા ગણેલા અંધ્ષ્ધ્ધાળુઓ અસ્તિત્વ ધરાવે છે, અને તેમના પ્રતાપે મહંતો, મુલ્લાઓ, પુજારીઓ, પાસ્ટરો વગેરેના પેટ ભરાઈને ફુલી રહ્યા છે.

  ઝુકતી હે દુનિયા, ઝુકાને વાલા ચાહિયે.

  કાસીમ અબ્બાસ

  Like

 3. શ્રી ગુણવંતભાઈએ બિલકુલ સાચી વાતો લખી છે. ભારત દેશના લોકોને અંધશ્રદ્ધામાંથી કાઢવું એટલે આકાશ જમીન એક કરવા બરાબર છે. અમિતાબ બચ્ચને જયારે તિરુપતિ મંદિરમાં બે-ત્રણ કરોડ આપેલા તે મને ખબર છે, તેના કરતા એટલા પૈસામાંથી સારું એવું લોક કલ્યાણનું કામ કરી શક્યો હોત. હજુ અમેરિકાથી કેટલાયે લોકો બાબરી ઊતરાવવા દેશ જતા હોય છે. ગુજરાત કરતાંયે સાઉથ ઇન્ડિયાના ભણેલા લોકો અમેરિકાથી બાબરી ઊતારવા વધુ પ્રમાણમાં જાય છે એવું મારું માનવું છે. આ લોકો વધુ ધાર્મિક હોય છે, પરંતુ અંધશ્રદ્ધાળુ પણ તેટલાજ છે. જાણે અંધશ્રદ્ધાને ધાર્મિકતા સાથે સીધો સંબંધ હોય એવું લાગે છે. મોટે ભાગે સંપ્રદાયોવાળામાં આ અંશ ઓછો દેખાય છે પરંતુ તેના બદલે વધારે પડતા ગુરુવાદીઓ હોય છે. ગુરુ કહે કે દુધ કાળા રંગનું છે, તો મોટે ભાગેના લોકોને તે અસત્ય સ્વીકારવામાં બિલકુલ વાંધો હોતો નથી. આ લોકોએ પોતાની વિચારશક્તિને ગુરુપાસે ગીરવે મૂકી દીધી હોય છે, અને ગુરુનું એઠું ખાવાની તથા ચરણામૃત પીવાની પણ એટલીજ તત્પરતા રાખતા હોય છે.

  અહિ, રવિવારે અમેરિકાના મંદિરો હાઉસફુલ જતા હોય છે. તેમાંય મોટા સ્વામીનારાયણના મંદિરો વધારે હાઉસફુલ જતા હોય છે. આમાંના મોટે ભાગેના લોકો સ્વામીનારાયણમાં માનતા નથી હોતા અને લોકો મહાપ્રસાદ ખાવા માટેજ જતા હોય છે. રસોઈ પણ સરસ હોય છે એટલે ઘરે ખાવાનું બનાવવાની ખટપટ નહિ અને મફતમાં બહાર ખાવાનું મળે મિત્રો સાથે ગપ્પાં મારીને ટાઇમ પસાર. આપણા ગુજરાતી લોકોને કોઈ પહોચી ન વળે. મંદિરને પણ તેનું વળતર મળી જતું હોય છે. કારણકે તેમની વ્યવસ્થા ઘણી ઉત્તમ પ્રકારની છે. તદ ઉપરાંત તેમનું સ્વાદિષ્ટ ચોક્ખું ફરસાણ અને મીઠાઈ બજાર કરતાં ખુબ ખપે છે અને આમ મંદિરને પણ ધુમ આવક થાય છે. આ એક બીઝનેસ કરવાની અમેરિકન સ્ટાઈલ છે. જે મંદિરો આવું નથી કરી શકતા તે લોકો ભારતથી ગુરુઓ, ગુરુ-માંઓ, સ્વામીઓ વિગેરેને બોલાવતા હોય છે અને કથા, કમિશનના બેઝ પર કરાવીને મંદિરના ખર્ચા કાઢતા હોય છે. આમાં મંદિર કરતાં ગુરુઓને ફાયદોજ ફાયદો હોય છે. કથાના કમીશન ઉપરાંત, પધરામણી, ભવિષ્યની આવક ઊભી કરતાં નવા ચેલા-ચેલીઓ અને દેશ-વિદેશ જોવાના મળે, દેશની ગરમીથી બચાય અને તબિયત સુધારીને જાય. આજકાલ આ ધંધામાં મંદી આવતી હોય એવું લાગે છે.

  પાછા વિષય પર આવીએ. અંધશ્રદ્ધાની બાબતમાં લાલુ પ્રસાદ તેની લકી ખુરસી અને ભેંશ લઈને દિલ્હી ગયેલો તેની બધાને ખબર છે. ઘણા રાજકારણના નેતાઓ જ્યોતિષો અને તાંત્રિકોની સલાહ લઈનેજ કામ કરતાં હોય છે. આપણા દર્દ ભરેલા, કરુણ ઈતિહાસમાંથી હજુ કોઈ શીખતું નથી. સ્વામી સચ્ચિદાનંદના પ્રવચનમાં જણાવ્યા મુજબ “પાણીપતના યુદ્ધમાં જ્યોતિષોના મુરત જોવામાં પેશ્વાએ એક લાખ મરાઠા સૈનિકો ગુમાવ્યા હતા. નાસ્તિક્તાની બાબતમાં સ્વામીજી કહે છે, “નાસ્તિકતા સારી પણ જનુન પૂર્વકની સાંપ્રદાયિકતા અને હદ-બેહદની અંધશ્રદ્ધા નાસ્તિકતા કરતાં પણ ખોટી.”

  મારું માનવું છે કે હિન્દુસ્તાનની આખી પ્રજાને રાષ્ટ્રવાદી બનાવવામાં આવે, કારણકે રાષ્ટ્રિયતાનો ગુણ માણસને ઘણા દુષ્કૃત્યો કરતાં અટકાવશે અને સાથે સાથે બીજા સારા ગુણો વિકસાવશે, કેમકે પશ્ચિમના દેશોના લોકોમાં રાષ્ટ્રવાદ જોવાનો મળશે અને સાથે સાથે આ લોકો એટલાજ પ્રમાણિક સાહસિક અને પુરુષાર્થી પણ છે. હજ્જારો જુવાન સૈનિકોના ભોગે બિન લાદેનને મિટાવી દીધો, એજ એનો પુરાવો છે. હવે સવાલ એ કે પ્રજાને કેવી રીતે રાષ્ટ્રવાદી બનાવી શકાય? પાકા ઘડાને તો કંઈ કરી શકાય નહિ, પરંતુ પ્રાથમિક સ્કુલથીજ તેનામાં રાષ્ટ્રવાદ કુટી કુટીને ભરવામાં આવે, જેવી રીતે મદરેસામાં ભણાવવામાં આવે. રાષ્ટ્રવાદનો વિષય કોલેજ ભણી રહે ત્યાં સુધી રાખવામાં આવે તો કંઈ આવતી પેઢીને પરિણામ જોવાનું મળશે. અસ્તુ.

  Like

 4. Respected Shri Gunvantbhai:
  Though I agree with the ideas you have presented to infuse the way of thinking, I request you to be clear about (1) Religion, (2) Rituals–Karmakand (3) Superstition. I believe that the superstitions are no good and of no use. Even Amitabh Bachchan or Laluprasad believes in it and does some rituals, the act is not acceptable. Mr. Bhikhubhai says that Indian people are visiting India for BABRI ceremony. This is one of the superstition. But let me tell you, all are not superstitious but when they visit India, they would love to gather all friends and relatives and celebrate. Moreover this BABRI function is one of the family trend ritual which is called KARODHU. The Babri, Janoi and Lagna ceremonies are the part of the Hindu life. As far as I know the Lagna(marriage) ceremony is also considered as a legal tie between two adults. All rituals may or may not be religious. I presume that you are not questioning any religion and if so, I do not want to enter in to the controversy. We may question superstitions and the rituals pertaining to or supporting superstitions. But we should not criticize the rituals which have become the part of life. Like, JAP, or daily Pooja, etc. The rational thinking will say that this every Jap,Tap, Pooja, etc are humbug as well as the marriage ceremony, including registration of marriage is of no use as the marriage itself is rationally thinking is a permission to have sex. But to control the free sexual behavior by an individual some control is required and hence the ceremony.

  As Shri Bhikhubhai said, the Indian American especially Gujjus are going to the temples on Sundays. Bhikhubhai, let me tell you that the temples in USA are the socializing places. To socialize with the people known and even unknown, they are visiting temples, not for free food or Superstitions.

  The rational way of thinking requires to consider all the aspects about the subject and come to the conclusion and not to jump to the conclusion and since one is a rational, and he criticize, his conclusion is final.

  Murrabbi Gunvantbhai, Though I respect you and I love to read your articles, I do not want to hurt you by giving my comments on whatever you have pen down. All Thinkers can not accept any comment and as far as I know, even Mahatma Gandhi was not an exception. So please discard all this if you feel like.

  Like

 5. અંધશ્રધ્ધાને ભણેલાં, અભણ, ગરીબ કે શ્રીમંત સાથે કાંઈ જ લેવાદેવા નથી. તે તો કેવા (સંજોગોમાં) વાતાવરણમાં માનવનો જન્મ થયો છે તેના પર આધાર રાખે છે.

  જેમ અંગ્રેજો ગયાને અંગ્રેજી ભાષા છોડતાં ગયા તેમ. અઠવાડિક, યા માસિકના પ્રકાશન બહાર પડે તેને “મેગેઝિન” કેમ કહેવાય ? સંપૂર્ણ ગુજરાતીમાં પ્રકાશિત થતાં સાપ્તાહિક્નું નામ “ઓપિનિયન” હોય તો આનો શું જવાબ છે ? એ જ રીતે માનવ મન ‘સત્યના દીવાનાં પ્રકાશમાં અંધશ્રધ્ધાનાં જાળાં’ નહી તો બીજું શુંભાળે..??

  Like

 6. કવ્યેંદુ ભાઈની વાત સાચી છે. મોટે ભાગેના લોકો સોસીઅલ વિઝીટ માટે જાય છે. તદ ઉપરાંત મહા પ્રસાદ, ઇન્સ્યોરન્સના તથા રીઅલ એસ્ટેટના એજન્ટો વિગેરે તેમના ધંધાર્થે તથા અમુક સંપ્રદાયના લોકો(જેનું ટોળું નાનું હોય તેવા) નવા ભક્તો શોધવા પણ જાય છે એ મેં જોયું છે તથા અનુભવ્યું પણ છે. બીજા અન્ય ધંધાઓ વાળા તથા કોઈ કંઈ સ્પેસીઅલ કારણ લઈને પણ જાય છે.

  એક ટાઈમમાં હું પણ જતો હતો, કારણ એજ કે ભગવાનના દર્શન અને પેટ ભરીને ખાવાનું. જો ખાવાનું નહિ મળે તો ત્યાં જવાનું એટલું આકર્ષણ રહેતું નથી. આજના સંજોગોમાં પણ હું ખાત્રી પૂર્વક કહું છું કે, જો મહા પ્રસાદ બંધ કરવામાં આવે તો આ ટોળાને વિખરાતા વાર લાગશે નહિ અને પાછુ તેને ભેગું કરવા ઘણા પ્રયત્નો કરવા પડે એટલે આ લોકો પ્રસાદ બંધ કરી શકે નહિ.

  Like

 7. કોઈ રૅશનલીસ્ટ જુઠો, રુશ્વતખોર, અને કરુણાશુન્ય હોય, તો તે નાસ્તીક હોય તોયે ‘રૅશનલ’ ન ગણાય

  If you believe in this sentence, you’d realize that you are alienating a large population for their beliefs. Should one not practice “કરુણા” towards people who are superstitious and help them get out of it, rather than telling people that they are plain wrong?

  And why are we so intolerant towards other people and claiming that “rationalists” are better than other set?

  In my humble opinion, people can be won over by love and not by being judgmental.

  How does Amitabh doing some ritual affect you or other people, for everyone to follow him? If that is the logic, there could be several good deeds such as charity that he could have done, did you or anyone else follow it?

  So, please stop using people in public life as an example for others to follow.
  They are easy target because they are visible.

  ખાલી પેટ અને ભરેલાં ગર્ભાશયોની સંખ્યા વીકરાળ છે. નવાં મન્દીરો બન્ધાય છે; પણ નવાં સંડાસો તૈયાર થતાં નથી.
  I agree with this completely. What we lack is the understanding of the world we are in, problems we face or will face.

  I would say, animals live better than us (in terms of eating, reproduction etc).
  We are not civilized.

  Like

 8. The Dictionary meaning of “Rationalist” is as under

  Rationalist

  –noun
  1.
  the principle or habit of accepting reason as the supreme authority in matters of opinion, belief, or conduct.
  2.
  Philosophy .
  a.
  the doctrine that reason alone is a source of knowledge and is independent of experience.
  b.
  (in the philosophies of Descartes, Spinoza, etc.) the doctrine that all knowledge is expressible in self-evident propositions or their consequences.
  3.
  Theology . the doctrine that human reason, unaided by divine revelation, is an adequate or the sole guide to all attainable religious truth.

  If Amitabh Bachchan is following some rituals as per his own idea. there is no ban him and No rational person need to criticize him. If his action promotes his fans to follow, it is up to them and the responsibility is not Amitabh as this is his personal belief and he is not asking anyone to follow him.

  The reason behind ’empty stomach and womb filled uterus’ is our democratic system and vote banks. and little bit of religious systems, so called secularism. The problem identification and its solution needs the brain storming.
  The rational way of thinking does not give any solution which the scientific brain storming will point out the direction for the action.Here in above, we are just discussing what we thing useful and wasteful. But we do not know the problem basically. whether it is Religion, Poverty, Politics or what?

  Shri Gunvantbhai pen down what he thinks. What is wrong or right. Few of us, supported his idea. At the same time, we have taken this discussion in other direction and hence this clarification.

  Like

 9. Very nice article. I’m big fan of Gunavantbhai. His thoughts are original and his ability to play with words is marvelous. Absolutely, can’t agree anymore with the content.

  Like

 10. શ્રી ગોવિંદભાઈ,
  સાદર નમસ્કાર.
  આ સમગ્ર સમાજમાં અજ્ઞાનવસ કે અંધકારવસ જે દુર્બુદ્ધિ ફેલાયેલી છે તેને સમગ્ર રીતે અને ઝડપથી ભૂંસી સકાય તેમ નથી. આજે રાજકારણીઓ, ન્યુઝ ચેનલો, બની બેઠેલા ધર્મગુરુઓ, ટીવી સિરીયલો, ન્યુઝ પેપર્સ, ફિલ્મો, મોબાઇલ્સ, ઈન્ટરનેટ વગેરે વગેરે અજ્ઞાન ફેલાવનારા અને સમાજને ખોટે રસ્તે દોરનારા માધ્યમો છે. ન્યુઝ પેપર સહીત બધા જ માધ્યમો ખોટી જાહેરખબરો આપીને સમાજને બેવકૂફ બનાવે છે.પૈસા કમાવવાની લાહ્યમાં સત્યથી વિકુઠા પડી કામ કરી રહ્યા છે. વરસો પહેલા કોઈ માં ને પોતાના સંતાનને મણગોટા પહેરાવતી જોયને નઝર સુરક્ષા કવચ બનાવીને ૨ રૂપિયાના ૨૫૦૦ રૂપિયા લઇ ને અનેક અગ્યાનીયોને છેતરે છે. કોઈ કવચ ફ્રીઝનું વાસી ખાવાનું ખાઈ ને જે બીમારી થાય છે તેમાંથી નથી બચાવી શકતું તેના માટે doctor ની જ જરૂર પડે છે. આહારની શૈલી જ શારીરિક અવદાસા માટે જવાબદાર હોય છે એ સુધારીયા વગર બીજું કોઈ તેલ કે તાવીજ ક્યાય અસર નથી કરતુ.

  જય ભારત
  વિજય ટંકારીયા

  Like

 11. GOOD .
  I READ YOUR ARTICLES ABOUT VASTU SHASTRA .ITS FACT WHICH U HAVE WROTE.

  REGARDS,
  JAGDISH PATEL

  Like

 12. આદરણીય શ્રી ,
  આપના વિચારો અને પ્રયત્ન મને ગમ્યા પરંતુ સાથે સાથે જોડણી ઉપર પણ ઉરતું ધ્યાન અપાય તો વધુ સારું.
  આભાર
  પંકજ

  Like

  1. જોડણી બાબતે આપ સાચા છો.. મારા બ્લોગ ઉપરના લેખ ઉન્ઝા જોડણીમાં છે. આ સાથે 05 પીડીએફ ફાઈલો ઈ.મેઈલથી મોકલું છું જે તમને આ જોડણી પરીવર્તનની વાત કહેશે..

   Like

 13. આદરણીય શ્રી,
  સાહિત્યની સાવરણી મન સાફ રાખવાનું, પ્રફુલ્લીત રાખવાનું ઔષધ છે.

  Like

 14. kharekhar bhartiy praja jevi bhaneliabhan ane kharab vastu ni nakal karnar praja vishva ma jadvi mushkel chhe teno dakhlo aa lekh mathilevohoi to amitabhbachchan bhale vastav ma andhshraddhalu hoi praja e teni nakal karvani koi jarur nathi nakalj jo karvihoi to amitabh ni nastik film joya pachhi badhaye nastik banvu joiye pan aagal lakhyu tem kharabni nakal karnar praja chhe. sudharo karvama samay lagase pan te jarur thase prayatno chalu rakhavathi safalta male chhe upadelu kam chhodi devathi safalta malti nathi ane aa prayatno ne karanej aapane aa blog upar vicharvimarsh kariye chhe ane blog par pratibhavako ni sankhya vadhti jai chhe.

  aabhar govindbhai maruno.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s