માનવ કલ્યાણનાં કામો આસ્તીકોએ વધારે કર્યાં છે

માનવ કલ્યાણનાં કામો આસ્તીકોએ વધારે કર્યાં છે

(ભાગ–૧)

દીનેશ પાંચાલ

ઘરમાં અમે પતીપત્ની બે જ રહીએ. બન્ને સાથે બીમાર પડ્યાં. બાથરુમ સુધી પણ ન જવાય એવી અશક્તી આવી ગઈ. સાંજે ખાઈશું શું તેની ચીન્તા થઈ. મીત્રો દ્વારા જાણ થઈ કે નવસારીમાં ગ્રીડ આગળ ‘સ્વામીનારાયણ’ સમ્પ્રદાયના બેનર હેઠળ જરુરતમન્દ લોકોને ઘરબેઠાં ટીફીન પહોંચાડવામાં આવે છે. ત્યાં ફોન કર્યો. તો માત્ર પાંત્રીસ રુપીયામાં બે જણ જમી શકે એટલું સુન્દર ભોજન ટીફીનવાળો ઘરબેઠાં આપી ગયો. બે દીવસ પછી નવી મુશ્કેલી આવી ! બ્લડ–પ્રેશર વગેરેની દવા ખુટી ગઈ હતી. મૅડીકલ સ્ટોર ઘરથી ત્રણ કીલોમીટર દુર. જવું કેવી રીતે ? તપાસ કરતાં જાણવા મળ્યું કે નવસારીમાં ‘બાપાસીતારામ’ના ઉપક્રમે રાહત દરે મૅડીકલ સ્ટોર ચાલે છે. એ લોકો દશ ટકા કમીશન તો આપે જ, ઉપરથી ઘરબેઠાં દવા પણ પહોંચાડે. એ માટે તેઓ કોઈ વધારાનો સર્વીસ ચાર્જ કે પેટ્રોલના પૈસા ના લે. વળી કમીશન બાદ કર્યા પછી ધારો કે તમારું બીલ સાતસો અઠ્યાસીનું થતું હોય તો બાર રુપીયા તેઓ સાથે લઈને જ આવે, જેથી પૈસાની આપલેમાં પણ કોઈ અગવડ ન પડે. આવી સુન્દર, રાહતભરી વ્યવસ્થા નીહાળી પ્રથમવાર વીચાર આવ્યો – ‘આ બાપાસીતારામ કોણ હશે ?’ એમનું નામ ઘણીવાર સાંભળ્યું હતું; પણ એમના વીશે વીગતે જાણવાની ઈચ્છા થઈ. ગમે તેમ પણ, માંદગીમાં ભોજન અને દવા અમને પલંગ પર મળ્યા ત્યારે અનાયાસ પેલા ભજનનું સ્મરણ થયું‘ગરુડે ચઢી આવ્યા ગીરધારી…!’

      માંદગીના બીછાને સુતાંસુતાં બે વાત સમજાઈ : પહેલી એ કે ભગવાનના નામે આટલી સુન્દર માનવસેવા થઈ શકતી હોય તો, એ ભગવાન સાચે જ ન હોય–કાલ્પનીક હોય તો પણ, માણસના દીલમાં એ કદી ન મરવો જોઈએ. બીજો વીચાર એ આવ્યો કે જે ભગવાનના નામે દુ:ખી લોકોને સહાય મળતી હોય એ ભગવાન ભલે પથ્થરનો કેમ ન હોય, સમાજ માટે તો એ જીવતા માણસ કરતાં પણ વધારે ઉપયોગી ગણાય. ભગવાનના નામે ભક્તોને પણ માનવસેવા કરવાની પ્રેરણા મળતી હોય તો આખો સમાજ બાપાસીતારામ કે સ્વામીનારાયણ સમ્પ્રદાયનો ઋણી ગણાય.

      મન વીચારે ચઢ્યું. સમાજનું વધારે ભલું કોના દ્વારા થઈ શકે– આસ્તીકો દ્વારા કે નાસ્તીકો દ્વારા…? ત્રણ જવાબ જડ્યા (1) ભલા માણસ દ્વારા…! (2) ભલા માણસ દ્વારા…! (3) ભલા માણસ દ્વારા…! હવે એ ભલા માણસની વ્યાખ્યા સાંભળો. એ ભલો માણસ આસ્તીક પણ હોઈ શકે અને નાસ્તીક પણ હોઈ શકે. સમાજમાં પ્રત્યેક જોડે તે માનવતાથી વર્તતો હોય તો તેની નાસ્તીકતા એક મીલીગ્રામ જેટલીય નુકસાનકારક નથી. બીજી તરફ ટીલાંટપકાં કરતો કોઈ શ્રદ્ધાળુ દુષ્ટ હોય, અપ્રામાણીક હોય, ધર્મના નામે તેના દીમાગમાં ઝનુન ભરેલું હોય તો તેની આસ્તીકતા સમાજ માટે સળગતા કાકડા કે પેટ્રોલબૉમ્બ જેવી જોખમી ગણાય. દોસ્તો, આંખ સામે દેખાતી હકીકત તો એવું જ માનવા પ્રેરે છે કે સમાજમાં માનવકલ્યાણનાં સૌથી વધુ કામો આસ્તીકોએ કર્યાં છે. ઈશ્વર વીશેની તેમની માન્યતા કદાચ ભુલભરેલી હોય શકે; પણ તેમની શૈલી ભલાઈભરેલી છે. તેમણે પરમેશ્વરને નામે પાણીની પરબો માંડી છે, શ્રદ્ધાના નામે શીરામણનો પ્રબન્ધ કર્યો છે, માધવને નામે માનવસેવા કરી છે અને ભક્તીના નામે ભલાઈનાં અનેક કામો કર્યાં છે. વાત જુઠી હોય તો તમારું ખાસડું અને મારું માથું !

      એક સત્ય સૌએ સ્વીકારવું પડશે. સંસારમાં માણસને ભગવાન કરતાં માણસની વધુ જરુર પડે છે. એથી આસ્તીકોએ શ્રદ્ધાનો વીનીયોગ કરીને માણસની જીન્દગી સુખમય બનાવવાની કોશીશ કરી છે. માણસની આંખ સામે દેખાતાં દુ:ખોનો વીચાર કરવાને બદલે નાસ્તીકોએ ન દેખાતા ભગવાન પાછળ વધુ ધમપછાડા કર્યા. શ્રદ્ધાળુઓએ ઈશ્વર સામે દીવડો જરુર સળગાવ્યો; પણ પછી દીવાસળી હોલવીને તુરત તે માણસના દુ:ખદર્દો ઉકેલવાના કામે લાગી ગયો. નાસ્તીકોની કેસેટ ‘નથી.. નથી..!’ પર જ ઘુમરાતી રહી. ભલા માણસ, માની લઈએ કે ઈશ્વરનું અસ્તીત્વ નથી; પણ માણસનું અસ્તીત્વ તો છે ને ? માણસના જીવનમાં હજારો દુ:ખદર્દો પણ છે. તો એ બધાં વીશે શા માટે ન વીચારવું જોઈએ ? આસ્તીકો જુઠા ઈશ્વરને સ્વીકારીને પણ, માનવતાના માર્ગે વળી શક્યા એટલે સમાજમાં આસ્તીકતાનો પ્રભાવ રહ્યો. નાસ્તીકો ચપટીક સત્યને છેડે કરોળીયાની જેમ લટકતા રહ્યા.

      સ્મૃતી આધારે લખીએ કે થોડા વખત પર નાસ્તીકો રચીત એક કવીતા વાચવા મળી હતી. પુરા શબ્દો યોગ્ય ક્રમમાં યાદ રહ્યાં નથી પણ કંઈક આ મતલબની એ રચના હતી. નાસ્તીકો ભગવાનને કહે છે– ‘અમને આંખ મળી છે તે તારા દર્શન માટે નથી… હાથ મળ્યા છે તે તારી સામે જોડવા માટે નથી… પગ મળ્યા છે તે તારા મન્દીરે આવવા માટે નથી…!’ વગેરે વગેરે. બચુભાઈ કહે છે, ‘દોસ્ત આંખ દર્શન માટે ભલે નથી; પણ તે વડે દુ:ખીઓનાં દુ:ખ તો જોઈ શકાય છે ને…! તેં કેટલાંનાં દુ:ખો જોયાં ? હાથ ભગવાન સામે ભલે ના જોડ; પણ હાથ વડે કોકનાં આંસુ તો લુંછી શકાય છે ને…! તેં કેટલાંનાં આંસુ લુંછ્યાં ? પગ વડે ચાલીને ભલે તું મન્દીરે ન જા પણ; એકાદ વાર પુટ્ટાપર્થી જઈને દુ:ખીઓની સેવા તો કરી જો…! તેં કેટલાની સેવા કરી ?’

      મુળ વાત એટલી જ કે વીજ્ઞાન અને ટેકનોલૉજીના રંગે રંગાયેલું રૅશનાલીઝમ ખુબ ઉપયોગી છે એને કરોડો સલામ; પણ માણસને વીજ્ઞાન અને ટેકનોલૉજી સીવાય પણ બીજી ઘણી વસ્તુઓની જરુર પડે છે – તે છે શ્રદ્ધા, માનવતા, કરુણા, પ્રેમ. એ બધા વીના એકલું રૅશનાલીઝમ એકડા વીનાના મીંડા જેવું છે. ઈશ્વર વીશેના સાચા જ્ઞાનથી માણસ વંચીત રહી જશે તેનું એટલું નુકસાન નથી, જેટલું માનવતાથી વંચીત રહેવાથી થાય છે.

હીરણ્યકશ્યપ નાસ્તીક હતો. તેણે પોતાના જ પુત્ર પ્રહ્લાદને જીવતો સળગાવી દેવાની કોશીશ કરેલી. સ્તાલીન પણ ક્રાન્તીકારી નાસ્તીક હતો. પણ ક્રાન્તીના નામ પર તેણે પચાસ લાખ માનવોની હત્યા કરેલી. આવું કોઈ શ્રદ્ધાળુ કરે તો તે પણ એટલી જ ઘૃણાને પાત્ર ગણાય. ખરી વાત એટલી જ, દુનીયામાં ઈશ્વરનું ન હોવું એટલું નુકસાનકારક નથી, જેટલું માણસમાં માનવતાનું ન હોવું નુકસાનકારક છે. માણસ માટે રૅશનાલીઝમ કે એથીઝમ કરતાંય હ્યુમેનીઝમ વધુ જરુરી છે. યાદ રહે, પાણી વીશેનું વીજ્ઞાન–એચ.ટુ.ઓ. જાણી લઈએ તો તે ઉચીત જ ગણાય; પણ એટલું જાણી લીધા પછી તરસ્યાને પાણી પાવાની માનવતા ન દાખવીએ તો એવા કોરા જ્ઞાનનો કોઈ ફાયદો નથી. માનવતા વીનાનું કોરુ વીજ્ઞાન દયા વીનાના ભગવાન જેવું ગણાય. (શ્રદ્ધા અને ભક્તીના નામે સમાજમાં માનવતાનાં કેટલાં સુંદર કામો થઈ રહ્યાં છે તે અંગેની રસપ્રદ ચર્ચા સાથે આવતા અંકે પુરું દી.પાં.)

આવતા શુક્રવારે આ સ્થળે આ લેખનો બીજો અને છેલ્લો ભાગ વાંચવાની ધીરજ ધરવા વાચકોને ખાસ વીનન્તી છે. છતાં આ લેખ અંગે આપના પ્રતીભાવો તો અહીં જરુર લખી શકશો.. ગોવીન્દ મારુ

ધુપછાંવ

બાળકની આંખમાં આંસુ આવે તો એ આંસુનું રાસાયણીક બંધારણ

શરીરવીજ્ઞાન (Biology) દ્વારા જાણી શકાય છે. પણ એક માતા, દીકરાના

આંસુનું બંધારણ જાણીને નહીં; આંસુનું કારણ જાણીને તે દુર કરે છે.

દીકરાને બાયોલૉજી કરતાં બા વધુ રાહતદાયક લાગે છે.


ગુજરાતમીત્ર, દૈનીક, સુરતની તા. 3 જુલાઈ, 2011ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટારજીવન સરીતાના તીરેમાંથી…લેખકના અનેગુજરાત મીત્રના સૌજન્યથી સાભાર

સંપર્ક:

શ્રી દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી 396 445 ફોન: 02637 242 098 સેલફોન: 94281 60508

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ:  https://govindmaru.wordpress.com/

વળી, જીજ્ઞાસુઓ માટે અને આરૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે. જે વાચકોને સન્દર્ભસંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત મેઈલ આઈડી પર, પોતાનું નામસરનામું આપી, એક મેઈલ લખે તો તેને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે…

અક્ષરાંકન:ગોવીન્દ મારુ, 405, સરગમ કો. ઓ. હાઉસીન્ગ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર. પો: એરુ એ. સી.396450 જી. : નવસારી. સેલફોન: 9974062600 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ –29–07–2011

19 Comments

  1. સ્વાગત,
    શ્રી દિનેશભાઈ પંચાલે રેશનાલીઝમ અને માનવતા વચ્ચે સેતુ બાંધી આપ્યો છે..
    રેશનાલીઝમ થી કંઇ ઉકેલ આવતા નથી અને ના દેખાતા ભગવાન માં આસ્તિક થયે પણ કંઇ વળતું નથી.
    ” प्रत्यक्ष इति प्रमाणं ” ને અનુસરી જે સુ-યોગ્ય હોય તે આચરવું..
    “આજે ખાધેલો આંબો કોકે વાવેલો છે.. તો કોક ને ખપ લાગશે તેમ સમજી આપને પણ આંબો વાવી જઈએ”
    તે ફોર્મુલા મુજબ આપણા વિચાર અને આચાર બાંધવા..આ સંદેશ શ્રી દિનેશ ભાઈએ આપ્યો છે.
    આમાં આજની/હાલ ની જરૂરીઆત ને અનુસરી સારા કાજ માટે ઉદ્યમી રહેવાને નિર્દેશ છે તે યોગ્ય જ છે..
    ભાઈ શ્રી દિનેશ પંચાલ ને સમજણ આપતા નિર્દેશ બદલ અભિનંદન.!!
    આવતા લેખ ની જરૂર રાહ જોઇશ
    શૈલેષ મહેતા

    Like

  2. It is a very good article to read. The main thing in life is HUMANITY. We are al human beings and we should all help each other irrestective of color, caste , nationality and faith.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Like

  3. કહે કબીર કમાલ કુ, દો બાતેં સીખ લે,
    કર સહાબ કી બંદગી, ઓર ભુખે કો કુછ દે.

    (સંત કબીર)

    “હું એવા કોઈ ધર્મ માં નથી માનતો, જે ગરીબ અને વિધ્વા ના આંસુ નથી લુછતો અને ગરીબ અને ભુખ્યા ના મોં માં રોટલી નો ટુક્ડો નથી નાખતો.”

    (સ્વામી વિવેકાનંદ)

    વૈષણ્વ જન તો તેને રે કહીયે જે પીડ પરાઈ જાણે રે…..

    કાસીમ અબ્બાસ
    (કેનેડા)

    Like

  4. “ખરી વાત એટલી જ, દુનીયામાં ઈશ્વરનું ન હોવું એટલું નુકસાનકારક નથી, જેટલું માણસમાં માનવતાનું ન હોવું નુકસાનકારક છે. માણસ માટે રૅશનાલીઝમ કે એથીઝમ કરતાંય હ્યુમેનીઝમ વધુ જરુરી છે. યાદ રહે, પાણી વીશેનું વીજ્ઞાન–એચ.ટુ.ઓ. જાણી લઈએ તો તે ઉચીત જ ગણાય; પણ એટલું જાણી લીધા પછી તરસ્યાને પાણી પાવાની માનવતા ન દાખવીએ તો એવા કોરા જ્ઞાનનો કોઈ ફાયદો નથી. માનવતા વીનાનું કોરુ વીજ્ઞાન દયા વીનાના ભગવાન જેવું ગણાય. (શ્રદ્ધા અને ભક્તીના નામે સમાજમાં માનવતાનાં કેટલાં સુંદર કામો થઈ રહ્યાં છે ”
    કોઈ પણ ધર્મ કે રેશનાલીસ્ટ માનવતા વગરનો હોય તો સમાજ કે વ્યક્તિને કોઈ ફાયદો નથી તે વાત સહજ સ્વીકાર્ય બની રહેવી જોઈએ. આ વાતમાં કોઈ વાદ-વિવાદ કે મત-મતાન્તરને સ્થાન ના હોઈ શકે ! કમનસીબે આવી માનવતાભરી સંસ્થાઓ આંગળીને વેઢે ઘણી શકાય તેટલી જ છે. ઉપરાંત આવી પ્રણાલિકા સ્થાપનારની વિદાય પછી અનુગામીઓ અત્યંત સ્વાર્થી બની જતા જોવામાં આવે છે પરિણામે લોકોનો વિશ્વાસ ડગી જતો હોય છે. અસ્તુ !

    Like

  5. Govndbhai,

    Mr.Dinesh panchal gave good articles.Who has help poor ill.blind,physical/mently handicapped, people , mercy to animals,honest,do not cheat to others.always in his heart mercy and help to each others that is god,
    do not go to temple to find god.GOD are above sentence,I will be waiting your next part
    Thanks to sent me mail

    Kanti Charan (DOHA-QATAR) GULF

    Like

  6. એઝ યુઝવલ તમારી પાસેથી સારું વાંચન હમેશા પ્રાપ્ત થાય છે અને આ પોસ્ટમાં પણ મળ્યું,આભાર.

    Like

  7. દિનેશભાઈ, મનને ઢંઢોળી દે તેવા આપના વિચારો ખરેખર અનુકરણીય છે…જીવનની આ યાત્રા માટે સુંદર વિચારોનું ભાથું બાંધી આપવા બદલ આભાર…ગોવિંદભાઈ એઝ યુઝવલ, આપને પણ આવા સ-રસ લેખો અમને મોકલી આપવા બદલ આભાર ના પાઠવીએ તો ગુનામાં પડાય..! ( પાછા એમ ના પૂછતા કે ”કોના” ગુનામાં પડાય?)

    Like

  8. આવો સુંદર લેખ લખવા બદલ દિનેશભાઈનો અને અહી પ્રસિદ્ધ કરવા બદલ ગોવિંદભાઈનો ખુબ ખુબ આભાર. હકીકતમાં તો ભગવાન એ તમારો આત્મા છે. તમે આસ્તિક હો કે નાસ્તિક હો એની જોડે તમારા આત્માને કોઈ મતલબ નથી. કોઇપણ ખરાબ કાર્ય કરતી વખતે આત્મા તમને બે જવાબો આપશે, એક મોટા અવાજે ખરાબ કાર્ય કરવા પ્રેરણા આપે છે જયારે અંદરથી ખુબ જ ધીમો અવાજ ના…ના….ના. કહેતો હોય છે, જે તમારો ભગવાન છે.
    મેં મારા બ્લોગમાં એક “એક અભણ વૃધ્ધાશ્રમવાળા ઋષિની વાત” લખી છે તે વાંચી જવા નમ્ર વિંનતી કરું છું.ઉપરના લેખનો જવાબ છે.મારો બ્લોગ નીચે મુજબ છે.

    http://suratiundhiyu.wordpress.com/

    જેમાં પ્રથમ પાનાં ઉપર આ લેખ છે “એક અભણ વૃધ્ધાશ્રમવાળા ઋષિની વાત”

    Like

  9. M. K. Gandhi have said Do not Give Roti, Give Roji. Make poor family self sufficent so they can stand on their foot. In USA Government is giving out so much to poor family but they have not solved the problems and make them dependent on Government.

    Give to the real needy people, who can not help themselves. Human have to go through four Ashrams. Do good self-less karmas and God will take care of you without any doubts.

    God is not entity, it is WIRLESS Energy flowing through out the Universe. God is not creator, the Creativity itself is GOD. God means Generator, Operator and Destroyer.

    Wireless energy is in both living and non-living things. Respect that energy, i.e, nature.

    Like

  10. શ્રી દિનેશભાઈ પાંચાલનો લેખ “માનવ કલ્યાણનાં કામો આસ્તીકોએ વધારે કર્યાં છે” ના અનુસંધાને રૅશનાલિસ્ટ એન. વી ચાવડા, નિવૃત્ત શિક્ષક અને લેખકનું ચર્ચાપત્ર આજે (૩૧/૦૭/૨૦૧૧) સુરતનું દૈનિક “ગુજરાતમિત્ર” માં પ્રસિદ્ધ થયું છે. જે ચર્ચાર્થે રજુ:

    આદિવાસીઓની સાચી સેવા

    પુંજીપતિઓ પાસેથી દાન ઉઘરાવીને તેમાંથી ગરીબ–વંચિત આદિવાસીઓની સેવા કરવી એ પ્રવૃત્તી ચર્ચા–વિચારણાનો અને પ્રચારનો વિષય હરગિઝ નથી. પરંતુ આઝાદીના ૬૩ વર્ષ પછી પણ આ ગરીબ અને નિર્બળ આદિવાસીઓને એમના બંધારણીય અને માનવીય અધિકારો હજી કેમ મળ્યા નથી ?

    આવી સેવા પ્રવૃત્તિ જો કોઈ આસ્તિકો કરતા હોય તેથી તે બિરદાવવા યોગ્ય બની જતી નથી. આ નિર્બળ આદિવાસીઓને તેમના બંધારણીય હકો અને અધિકારોથી વંચિત રાખનારા અર્થાત તે આપવામાં નિષ્ફળ જનારા સરકારી અધિકારીઓ અને પ્રધાનો પણ આસ્તિક જ હોય છે. અર્થાત અહીંયા આ ઘટનામાં સેવા કરનારા જેમ આસ્તિક છે તેમ પોતાની ફરજ અને કર્તવ્યમાં તદ્દન નિષ્ફળ જનારા પણ આસ્તિક છે.

    વાસ્તવમાં પુંજીપતિઓના દાનમાંથી આદિવાસીઓની થતી આ સેવાઓ કુસેવા પૂરવાર થાય છે. કારણ કે એમાં એમને કાયમ માટે ભિખારી બનાવી રાખવા જેવું, પુંજીપતિઓના ઓશિયાળા અને તેમની સમક્ષ કાયમ તેમના હાથ ફેલાવી, લાચાર બનાવી રાખવા જેવું કાર્ય છે. ખરેખર તો આ નિર્બળ આદિવાસીઓ સ્વાવલંબી, આત્મનિર્ભર અને સ્વમાની બને એવા કર્મશીલ બનાવવામા જ એમની સાચી સેવા રહેલી છે. તેઓ પોતાના બંધારણીય અધિકારોની પ્રાપ્તી માટે સરકાર સામે અવાજ ઉઠાવી આંદોલન પણ ચલાવે એવી જાગૃતિ અને શિક્ષણ તેમનામાં લાવી તેમને તેમના હક અને અધિકારો સરકાર પાસેથી અપાવવામાં જ એમની સાચી સેવા સમાયેલી છે.

    –એન. વી. ચાવડા, કડોદ

    Like

  11. નક્કી કરેલું કે અહીં કોમેન્ટ્સ આપવી નહિ કે મિત્રો ગાળાગાળી સમજતા હોય છે કે સાચી વાત ખમાતી નથી.હા પ્રતિભાવ મારા ઉગ્ર શબ્દોમાં જરૂર હોય પણ હું ગાળો લખું તેવો અભદ્ર તો નથી જ.આ લેખ વાંચ્યા પછી થયું કે પ્રતિભાવ આપવો જરૂરી છે.
    દિનેશ પાંચાલ હવે વૃદ્ધ થઇ ચુક્યા છે.હવે ગરુડે ચડી ગિરધારી દેખાવા લાગ્યા ને?નાસ્તિકોની આસ્તિકતા ઉપર આવવા લાગી ધીમે ધીમે.વૃદ્ધત્વ અસહાય અવસ્થા ભગવાન તરફ દોરી જતી હોય છે.હવે આસ્તિક ધર્માંન્ધોએ કરેલા અપકૃત્યો નહિ દેખાય.નાસ્તિકોએ કરેલા દેખાવા લાગ્યા.સ્ટાલીને ૫૦ લાખ મારી નાખ્યા?કયા રેકોર્ડમાં લખ્યું છે?હિટલરે આશરે ૬૦ લાખ યહુદીઓને મારી નાખેલા કે વર્લ્ડ વોર હતું.મિત્ર દેશોએ સર્વે કર્યો હોઈ શકે,અને તે આંકડો પણ આશરે હોય.ચુસ્ત સામ્યવાદી સરકારની કોઈ માહિતી બહાર જતી નહોતી.એમાં વળી સ્ટાલીને આટલા માર્યા તે કઈ રીતે બહાર ગયું હોય?
    માણસ મરે તે જ ખોટું છે ભલે નાસ્તિક મારે કે ધાર્મિક મારે.
    આજ સુધી આસ્તીકોએ કરેલા સારા કામો કેમ યાદ નો આવ્યા?બાધા આસ્તિકો ખરાબ ના હોય તે વાત દીવા જેવી છે.આસ્તિકો સેવાના કામો કરે છે તેવા નાસ્તિકોને કરતા કોણે રોકી રાખ્યા છે?કેમ કે ધર્મના નામે પૈસા આ દેશમાં ખૂબ મળે.તેટલાં નાસ્તિકોને ના મળે.બીજા દેશોમાં સેવાના કામ કરવા પૈસાની જરૂર હોય ત્યારે ધર્મની આડશ લેવી પડતી નથી.પુટ્ટીપુર્થી નો જાદુગર હવે ભગવાન દેખાવાનો.સેવા કરવા ૪૫,૦૦૦ કરોડ ભેગા કર્યા હશે?અને એની ખાનગી રૂમમાંથી હજુ ખજાના નીકળે જાય છે.આ અન પ્રોડકટીવ જાદુગરો દેશની ઇકોનોમી બગાડી રહ્યા છે તે નહિ દેખાય,પ્રજા આવા લોકોને લીધે ભિખારી બનતી હોય છે.આવા લોકો અબજો ભેગા કરશે અને થોડા કરોડની સેવા કરશે.એમાં આપણે વાહ વાહ કરીશું.આવા લોકો ચાર હાથે લુંટીને અડધા હાથે પાછું આપે એ આપણ મુરખોને દેખાતું નથી.
    કોઈ રેશનલ મિત્રને ફોન કર્યો હોત તો તે પણ ટીફીન અને દવાઓ આપી જાત કે નહિ?મૂળ વાત દિનેશભાઈ હવે વૃદ્ધ થયા.એટલે જ હું કોઈ લેબલ મારતો નથી કે રેશનલ છું કે આસ્તિક છું કે નાસ્તિક છું..આતો મન ભરીને ધર્મોને વખોડવા,અને રેશનલ પુસ્તકોના વિમોચન વખતે મોરારીબાપુને બોલાવવાના.
    આતો પેલા જૈનો જેવું થયું કે માંસાહારને વખોડવાનો અને પાલીતાણામાં માંસાહારી દલાઈ લામાને બોલાવવાના.

    Like

  12. માણસના વીચારો અને કર્યો સમાજના હીત માટેના હોય તેટલું જ જરૂરી છે. એને આસ્તીકતા કે નાસ્તીક્તા સાથે સંબંધ નથી. ગાંધી અને ગોડસે બંને આસ્તીક જ હતા. વીજ્ઞાનનો વીકાસ રૂંધવામાં સ્થાપીત ધર્મોનો ફાળો ઘણો મોટો છે. એરણની ચોરી કરીને સોયનું દાન આપતા ધર્મગુરુઓને બીરદાવી ન શકાય. દરેક કાર્યનું મુલ્યાંકન અલગથી થવું જોઈએ અને તેને આસ્તીકતા કે નાસ્તીક્તા સાથે જોડવી જોઈએ નહીં.
    વીક્રમ દલાલ

    Like

  13. યોજનાબધ્ધ રીતે માનવ કલ્યાણનાં કામો ફક્ત અને ફક્ત આસ્તીકો જ સતત વિચારે છે અને કરે છે, પણ નાસ્તીકો માનવ ક્લ્યાણના કામો સતત વિચારતા નથી હોતા પણ એમના પ્રયોગોમાંથી અમુક્ના જ સારા કામો અજાણતા જ થઈ જતા હોય છે એવુ ઈતિહાસ કહે છે. બિલ ગેટ્સે કોઈ દિવસ માનવ ક્લ્યાણનુ કાર્ય હાથ ધર્યુ ન હતુ પણ છતાંય એના કાર્યો આજે માનવક્લ્યાણ્મય ઉપસી આવ્યા છે. ટોમસ આલ્વા એડીસને માનવકલ્યાણ નો રાગ આલાપ્યો ન હતો પણ એના કામો આજે માનવ ક્લ્યાણમય ઉપસી આવ્યા છે. ન્યુટન, આઈન્સ્ટાઈને, અબ્દુલકલામ આઝાદ, વગેરેએ બાળપણમાં કે યુવાનીમાં માનવકલ્યાણ્નો મુદ્દો ઉઠાવ્યો ન હતો પણ ઢળતી ઉંમ્મરે તેઓના કામો તેઓની જાણ વગર જ માનવક્લ્યાણ કરી ગયા એવી રીતે દરેકે દરેક નાસ્તિકોનુ સમજવુ. નાસ્તિકોના કામો ભલે માનવકલ્યાણમય ભાસે પણ માનવૌધ્ધારક તો નથી જ હોતા, ઘણી વખત તો માનવઘાતક પણ બની શકે છે એટલે આસ્તીકો પ્રભુ અને માનવોના ક્લ્યાણનો ઉધ્ધારનો મુદ્દો કેંદ્રે રાખીને ચાલતા હોવાથી તેઓના નેવુ ટકા કામો માનવ કલ્યાણના જ હોય છે એટલે લેખનુ મથાળુ તદ્દન સાચ્ચુ જ છે એ બદલ દિનેશ પાંચાલજીને અને દરેક સુજ્ઞમહાજનોને અભિનંદન…….!!!!

    Like

    1. “અબ્દુલકલામ આઝાદ” ?? રાજેશભાઇ !?
      અહીં અજાણતાં જ ડૉ.અબ્દુલ કલામ (ભુ.પૂ. રાષ્ટ્રપતિશ્રી, વૈજ્ઞાનિક) અને મૌલાના અબુલ કલામ ’આઝાદ’ (સ્વાતંત્ર્ય સેનાની, સ્કોલર, શિક્ષણવિદ્‌)નાં નામ વચ્ચે ગોટાળો થયો લાગે છે ! જો કે સારૂં છે, અનાયાસે જ બે મહાપુરુષોનું ઐક્ય થયું. આભાર.

      Like

      1. ધન્યવાદ અશોક ભાઈ, જો કે ગોકુળ નાનુને ભક્તો અનેક ના જેમ જ ઈંટરનેટ એક વાપરનારા ત્રણ-ચાર જણ એટલે ઉતાવળે લખાયેલુ લખાણ મને ઠેબુ ખવડાવી ગયુ પણ આપના ટેકાએ મને બચાવી લીધો, ખુબ ખુબ ધન્યવાદ, માનનીય, અનુકરણીય અને આદરણીય શ્રી અબ્દુલ કલામ આઝાદ (ભારતના એક માત્ર ઈચ્છનીય ભુ. પુ. રાષ્ટ્રપતિશ્રી અને મહાન વૈજ્ઞાનિક) માટે પુરતુ ધ્યાન ન રાખવા બદલ હુ લજ્જીત અનુભવુ છુ અને આપ સહુની ક્ષમા ચાહુ છુ. જો કે આપે મૌલાના શ્રી અબુલ કલામ આઝાદશ્રી ને જોડી દિધા એ બદલ પણ ખુબ ખુબ આભાર.

        Like

Leave a comment