‘માનવસેવા’ એજ ‘માધવસેવા’

‘માનવસેવા’ એજ ‘માધવસેવા’

(ભાગ–૨ છેલ્લો)

દીનેશ પાંચાલ

આસ્તીકોએ ઈશ્વરના નામે માનવતાનાં જે કામો કર્યાં છે તેના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે. વર્ષોથી કેટલાક લોકો હૉસ્પીટલોમાં ગરીબોને વીનામુલ્યે ભોજન પહોંચાડે–જમાડે છે. કેટલાક ખાટલે ખાટલે ફરી ગરીબ દરદીઓને દુધ, ફળો, દવા વગેરે પુરાં પાડે છે. નવસારીમાં રામજી મન્દીરમાં વીના મુલ્યે દરદીઓના ટેસ્ટ વગેરે કરી આપવામાં આવે છે. ત્યાં સુધી કે જે ટેસ્ટ એમની લેબોરેટરીમાં ન થઈ શકતા હોય તે બહાર કરાવીને તેના પૈસા મન્દીર ચુકવે છે. એ સીવાય મન્દીરમાં ધોરણ 11 – 12ના ટયુશનો વીના મુલ્યે અપાય છે. વળી વીધવા સહાયથી માંડી ગરીબોને રોજેરોજનું ભોજન તો ખરું જ. શોધવા નીકળો તો પ્રત્યેક શહેરમાં માનવકલ્યાણની પ્રવૃત્તીઓ કરતા અનેક લોકો મળી આવે છે. રામજી મન્દીર સીવાય કાલીયાવાડી જલારામ મન્દીર, વીરપુર (સૌરાષ્ટ્ર)માં જલારામ મન્દીર તથા ધ્યાની કૃપાના આશ્રમમાં પણ આવી પ્રવૃત્તી થાય છે. સુરતમાં ‘છાંયડો’ નામની સંસ્થા ગરીબીના તાપમાં તપી રહેલા દરદીઓ માટે રાહત છાંયડો કરે છે. નવસારીમાં ચીન્તામણી ટ્રસ્ટ અને મહાવીર ટ્રસ્ટ પણ ગરીબ દરદીઓ માટે રાહત દરે સારવારનો પ્રબન્ધ કરે છે. કેટલાં નામો ગણાવીએ ? વલસાડમાં આર.એન.સી. હૉસ્પીટલ તો આખે આખી ગરીબો માટેની હૉસ્પીટલ છે. ત્યાં આંખના દરદીઓના તમામ ઓપરેશનો વીના મુલ્યે કરવામાં આવે છે. સુરતની ખબર નથી; પણ નવસારીમાં ડૉ. શ્રોફ સીવાય ડૉ. રાજન શેઠજી આવી માનવતાની પ્રવૃત્તી કરે છે. નવસારીમાં જ એક પારસી ડૉ. ભરુચા હતા. તે તો વળી ગરીબ દરદીઓ પાસે પૈસા તો ન જ લેતા, ઉપરથી દરદી પાસે બસના પૈસા ન હોય તો તે પણ પોતે આપતા. સુરતના શ્રી રાજેન્દ્ર કર્ણીક અને શ્રી ઈશ્વર પટેલ તરફથી ધરમપુરમાં ચાલતી એમની માનવકલ્યાણની પ્રવૃત્તી વીશે તો આખો લેખ લખવો પડે એવા મોટા પાયા પર તેઓ માનવતાનાં કામો કરે છે. એ બધા જ માણસો આસ્તીક છે. આસ્તીકો ગરીબોને મફત જમાડે, માંદા પડે તો મફત સારવાર આપે, દીકરાઓ ન રાખે તો ઘરડાંઘરમાં મફત આશ્રય આપે, અને અન્તે મૃત્યુ પામો તો મફત અગ્નીસંસ્કાર પણ કરી આપે છે. નાસ્તીકો માનવતાની આવી રોકડી કે નક્કર પ્રવૃત્તી કરતા હોય એવું જાણમાં નથી. જો કરતા હોય તો તેમને મારા લાખો સલામ. બલકે સમાજમાં માનવતાનું સરક્યુલેશન ચાલુ રહે તે માટે એવી પ્રવૃત્તી પર પ્રકાશ પાડવાનું પણ મને જરુર ગમશે.

      ન્યાય ખાતર એટલું સ્વીકારીએ કે કેટલાક ધર્મઝનુની આસ્તીકોએ તેમના ભગવાનને પણ સમાજમાં ઉજળે મોઢે જીવવા દીધો નથી. એવા આસ્તીકોની જેમ નાસ્તીકો કદી ઈશ્વરના નામે યુદ્ધે નથી ચડ્યાં. ધર્મઝનુની શ્રદ્ધાળુઓની જેમ કદી તેમણે નાસ્તીકોના નામે લોહી નથી રેડ્યું. પરન્તુ આ બધી જ વાસ્તવીકતાના લેખાંજોખાં પછી દીલથી જે અનુભવીએ છીએ તે રજુ કરવાનું યોગ્ય લાગે છે. બન્ને પક્ષના ગુણ દોષોનો હીસાબ માંડીને છેલ્લો આંકડો કાઢીએ તો પણ આસ્તીકોનું પલ્લું જ ભારે રહે છે. આસ્તીકોએ ધર્મને નામે રક્તકાંડો આચર્યાં હશે ત્યારે આચર્યાં હશે; પણ આજે સ્થીતી રક્તકાંડને બદલે રક્તદાન તરફ વળી છે. ધર્મના નામે માનવતાનાં સેંકડો કામો થઈ રહ્યાં છે. બાકી આસ્તીકો ધર્મ કે શ્રદ્ધાને નામે જે કર્મકાંડો કરાવતા રહે છે તેનો હું પ્રખર વીરોધી રહ્યો છું. આ સ્થળેથી જ લખ્યું છે કે મોરારીબાપુની રામકથા કરતાંય તે નીમીત્તે યોજાતો રક્તદાન કેમ્પ સમાજને વધુ ઉપયોગી છે. માનવતાનો એ શ્રેષ્ઠ કર્મકાંડ છે. એમ પણ લખ્યું છે કે ભુતકાળમાં ધર્મના નામે માણસે પીપડાં ભરીને લોહી વહાવ્યું છે. તે લોહીનું એક એક ટીપું ધર્મ પાસેથી જ વસુલ કરવું જોઈએ. દોસ્તો, આનંદની વાત એ છે કે તેમ થઈ પણ રહ્યું છે. મોરારીબાપુની રામકથાનો જ દાખલો લઈએ તો ત્રીસ ચાળીસ વર્ષો પુર્વે એ કથામાં માત્ર રામરાવણની જ વાતો થતી. આજે હવે રામકથામાં રક્તદાન કેમ્પ યોજી હજારો બોટલ રક્ત ભેગું કરવામાં આવે છે. નમ્રભાવે લખીએ કે આ લખનારે ઘરમાં કદી કોઈ કથા–યજ્ઞો કે પુજા કરાવી નથી; પણ કલમ દ્વારા સરસ્વતીની સાધના હમ્મેશાં કરી છે. આટલું સ્વપ્રશંસા માટે નહીં; પણ આસ્તીકતાના ફાયદા વર્ણવવા લખવું પડે છે. ભલાં કામોને કલમથી બીરદાવવાનું બન્યું છે, ત્યારે માનવતાવાદીઓ તેનો સાનુકુળ પડઘો પાડવાનું ચુક્યા નથી. માબાપે ત્યજી દીધેલા એક અંધ દીકરાની  આપવીતી લખેલી ત્યારે લોકોએ ઉદાર હાથે દાન આપ્યું હતું. નવસારીના ડૉક્ટર રાજન શેઠજીએ ભદરપાડામાં આદીવાસી બાળકો માટે સ્કુલ બાંધવાનું બીડું ઝડપ્યું છે એ વાત અત્રેથી પ્રગટ થતાં ભારતીય મુળ (NRI)ના એક દાતાએ રુપીયા એક લાખનું દાન શાળા માટે આપ્યાના સમાચાર જાણવા મળ્યા. હજી દાન આપવા માટેના સંદેશાઓ મળતા રહે છે. આશરે તેરેક લાખનું દાન મળવાથી ભદરપાડામાં એ શાળાનું બાંધકામ ચાલુ પણ થઈ ગયું છે. આવું જાણીએ ત્યારે એહસાસ થાય કે ઈશ્વરનું તપ ફળતું હોય કે ન ફળતું હોય; પણ મા સરસ્વતીના આશીર્વાદથી થયેલો ‘કલમનો કર્મકાંડ’ એળે જતો નથી. ગમે તેટલો વીરોધ કરીએ તો પણ એ સચ્ચાઈને કેવી રીતે અવગણી શકીએ કે આ શાળાના બાંધકામમાં મદદ કરનારા તમામ માણસો આસ્તીક છે… એક પણ માણસ નાસ્તીક નથી !

      દોસ્તો, એકલું કમ્પ્યુટર દેશનું ભલુ કરી શકતું નથી. એકલી શાળા દેશનો વીકાસ કરી શકતી નથી. લૅબોરેટરીથી સત્યને સાબીત કરી શકાય છે; પણ સત્યને જીવાડી શકાતું નથી. કેમકે લૅબોટેટરીનાં પ્રયોગસીદ્ધ સત્યો કરતાં, જીવનનાં નક્કર સત્યો વધુ કઠીન હોય છે. જીવનની વાસ્તવીકતા એ છે કે કમ્પ્યુટર, લૅબોરેટરી કે શાળા–કૉલેજો બાંધવા માટે નાસ્તીકોએ પણ મોરારીબાપુની રામકથા પર જ આધાર રાખવો પડે છે. નાસ્તીકો વીજ્ઞાનકથાઓ યોજીને લોકો પાસે એક પાઈ કઢાવી શકતા નથી. રામચન્દ્રજીએ તેની હયાતીમાં કેટલાયનાં ડુબતાં વહાણ તાર્યાં હતાં. તેમના નામથી આજે પણ પથરા તરે છે. સમાજમાં શ્રદ્ધાનો ઈલાકો એવો સમૃદ્ધ અને વીશાળ છે કે તે દ્વારા આવા નક્કર સર્જનાત્મક કામો થઈ શકે છે. નાસ્તીકોની નાસ્તીકતા હજી પા પા પગલી માંડી રહી છે. તેમના પ્રાઈવેટ  પ્રીમાઈસીસ નથી. (બલકે રૅશનાલીસ્ટોની સભા પણ મંદીરના ઓટલે ગોઠવવી પડે એવી સ્થીતી છે) આસ્તીકો પાસે ઓટલાની ખોટ નથી. નાસ્તીકો પાસે (ચર્ચાપત્રોના ચોતરા સીવાય બીજી) કોઈ પોતીકી સ્થાવર જંગમ મીલકત નથી.

      અન્તે બચુભાઈ કહે છે– ‘નાસ્તીકોએ જ્યારે જ્યારે અન્ધશ્રદ્ધાને નાબુદ કરવાની ટહેલ નાખી છે ત્યારે સમાજે તેમની વાત ગંભીરતાથી સાંભળી છે. સુરતની સત્યશોધક સભા આજે જીવે છે તે એ વાતની જ સાબીતી છે કે શ્રદ્ધાળુઓ અન્ધશ્રદ્ધામાંથી બહાર આવવા માંગે છે. પરન્તુ ઈશ્વરને ન માનવાની સલાહથી કે પ્રાર્થનાને ભીખારીવેડા ગણાવવાની વાતથી તેમની જન્મજાત લાગણી પર કારી ઘા થાય છે. ઉત્તમ એ જ કે ઈશ્વરમાં માનવું તે અન્ધશ્રદ્ધા ગણાતી હોય તો પણ એવી એકાદ અનીવાર્ય અન્ધશ્રદ્ધાને છોડી દઈને સમાજની બીજી સેંકડો અન્ધશ્રદ્ધા દુર કરવાની કોશીશ કરવી જોઈએ. ‘ઈશ્વર છે કે નહીં’નો મુદ્દો હાલ મુલતવી રાખવો જોઈએ. બચુભાઈ ઉમેરે છે– ‘‘ખાનગીમાં કહું છું જોજો વાત બહાર જાય નહીં. નાસ્તીકો રૅશનાલીઝમના બુલડોઝર વડે સમાજનું ડીમોલીશન કરશે તો પણ લખી રાખજો, ‘ભગવાન’ નામનો તોતીંગ હીમાલય બાવીસમી સદીમાં પણ મીટાવી શકાવાનો નથી. લાગી શરત… !

ધુપછાંવ

‘રૅશનાલીસ્ટો ભલે એમના નીરીશ્વરવાદમાં રાચતા રહે;

પરન્તુ સાચા શ્રદ્ધાળુઓએ તો અન્ધશ્રદ્ધાને ઉઘાડી પાડવી જ જોઈએ.

ગણેશોત્સવ અને નવરાત્રી ઉત્સવમાં પ્રવેશેલા મદીરાપાનને

કારણે મુળ ધર્મ બદનામ થતો અટકવો જોઈએ. મન્દીરોમાં

ઘી–દુધનો વ્યર્થ બગાડ થતો હોય, મુર્તીના દર્શન માટે

ધક્કામુક્કી વચ્ચે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડતું હોય;            

તો એવી પુજાને સમયનો બગાડ જ ગણી શકાય !’

–સુરેશ દેસાઈ લીખીત ચર્ચાપત્રમાંથી

ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતની તા. 10 જુલાઈ, 2011ની રવીવારીય પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટારજીવન સરીતાના તીરેમાંથી.. લેખકના અને ગુજરાત મીત્રના સૌજન્યથી સાભાર

સંપર્ક:

શ્રી દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી 396 445 ફોન: (02637) 242 098) સેલફન: 94281 60508

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/

ળી, જીજ્ઞાસુઓ માટે અને આરૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભસંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈમેઈલ આઈડી પર, પોતાનું નામસરનામું આપી, એક મેઈલ લખે તો તેને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

અક્ષરાંકન:ગોવીન્દ મારુ405, સરગમ કો. ઓ. હાઉસીન્ગ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, વીજલપોર. પો: એરુ એ. સી. – 396450 જી. : નવસારી. સેલફોન: 9974062600 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 04–08–2011

14 Comments

 1. શ્રી દિનેશ પંચાલ ઈશ્વરમાં માનસની શ્રદ્ધાને “અનિવાર્ય અંધશ્રદ્ધા” તરીકે ઓળખાવીને બીજી અંધશ્રદ્ધાઓને નિશાન બનાવવની સલાહ આપે છે તે સમજી શકાય છે, બધી અંધશ્રદ્ધાનાં મૂળમાં આ કહેવાતી શ્રદ્ધા છે, પરંતુ સ્ટ્રૅટેજી તરીકે એમનું સૂચન વ્યવહારૂ છે.

  આટલું સ્વીકાર્યા પછી મારે કહેવું પડે છે કે એમણે આસ્તિકોની ઉદારતાની જે છણાવટ કરી છે તેમાં ઘણું વિચારવા જેવું બાકી રહી જાય છે. આવા કેટલા આસ્તિકો છે, જે આવાં કામો કરે છે? ખરેખર આવાં દાન ધરમ કરવા માટે ધનવાન હોવાનું પણ જરૂરી છે. તે સિવાય નિર્ધન કે મધ્યમ વર્ગીય આસ્તિક તો આવું કરી નથી શકતો!

  એ જ રીતે, નાસ્તિકો પણ સામાન્ય પરિવારમાંથી આવતા હોય તે આવું કઈં કરી શકવાના નથી. બીજી બાજુ ધર્મ અને ધનની સત્તાને સીધો સંબંધ રહ્યો છે.એટઅલે ધનવાન માનસ નાસ્તિક હોવાની શક્યતા આપના દેશમાં ઓછી છે. મારી પાસે ધન હોય અને કોઈ સ્કૂલ બાંધવા માટે મદદ માગે અને હું આપું – બસ, એટલા પરથી જ તમે મને આસ્તિક માની લો એ સમજાય એવી દલીલ નથી. દાન લેનારા એમનો ઈશ્વર વિશેનો અભિપ્રાય જાણીને દાન નથી લેતા.
  પરંતુ, એ તો વ્યક્તિગત ધનવાન આસ્તિકની વાત થઈ. આટલાં બધાં દાનપુન, છતાં દેશમાં આટલી ગરીબાઈ કેમ છે? ધનવાનો વધુ ને વધુ ધનવાન કેમ બનતા જાય છે? દાન પ્રથાએ આ અન્યાયી સમાજ વ્યવસ્થાને ટકાવી રાખવામાં ‘કુશન’નું કામ કર્યું છે. આની સાથે પુનર્જન્મ, સ્વર્ગ-નર્ક ઘણી બધી અંધશ્રદ્ધા જોડાયેલી છે. કર્મના ફળનો સિદ્ધાંત પણ એની સાથે જોડાયેલો છે. આ જન્મમાં સારાં કામ કરો તો આવતા જન્મમાં એનું સારૂં ફળ મળશે. આ વ્યવ્સ્થામાં માત્ર ધનના જોરે દાન કરનારે જ આવતા જન્મમાં સારા બદલાની આશા રાખવી રહી. ગીતામાં કહ્યું છે કે “શુચિનાં શ્રીમતાં ગેહે યોગભ્રષ્ટઃ અભિજાયતે” યોગભ્રષ્ટ નો પુનર્જન્મ પવિત્ર અને ‘શ્રી’મંત કુટુંબમાં થાય છે.અહીં ‘શુચિનામ'(પવિત્ર) તો સમજાયું ‘શ્રીમતામ’ શા માટે?
  સમાજની અત્યારની સ્થિતિ વિશે વિચારીએ અને ખરા નિષ્કર્ષ પર પહોંચીએ તો એવી આર્થિક વ્યવસ્થા ઊભી કરવાનું વિચારશું જેમાં દાનનું મહત્વ નહોય. ધનવાન આસ્તિકો આવી વ્યવસ્થા ઊભી થવા દેશે?
  દિનેશભાઈ લખે છેઃ “નાસ્તીકો માનવતાની આવી રોકડી કે નક્કર પ્રવૃત્તી કરતા હોય એવું જાણમાં નથી. જો કરતા હોય તો તેમને મારા લાખો સલામ. બલકે સમાજમાં માનવતાનું સરક્યુલેશન ચાલુ રહે તે માટે એવી પ્રવૃત્તી પર પ્રકાશ પાડવાનું પણ મને જરુર ગમશે.” હવે કોણ જઈને એમને રિપોર્ટ આપશે કે પંચાલસાહેબ, હું નાસ્તિક છું પણ મેં આ દાન કર્યું છે…! જરુર સમાજવ્યવસ્થામાં પરિવર્તનની છે, ધનવાન આસ્તિકોની હું ટીકા નથી કરવા માગતો, પણ એમનાં સારાં કામો દાન પ્રથાને પણ વાજબી ઠરાવવા માટે પુરાવા તરીકે વપરાય તે અસ્વીકાર્ય છે.
  તે ઉપરાંત, રક્તદાન કેમ્પો તો ઘણી સંસ્થાઓ કરે છે ઘણા મૂક સેવકો આવાં બીજાં પણ કામ કરે છે. ધન નહીં તો સમયનું દાન આપતા હોય છે, જાતે ઘસાય છે અને બીજાને મદદ કરે છે. આ વાતને આસ્તિકતા સાથે જોડવાનો પણ અર્થ નથી.

  Like

 2. In life all things are needed to make progress. It is a good article to read..

  Thanks,

  Pradeep H. Desai

  Like

 3. શ્રી દિનેશભાઈના નાસ્તિકતા અને આસ્તિકતાના વિચારો બહું સજ્જડ અને સચોટ છે. કંઈ લખવાનું બાકી રાખ્યું નથી છતાં બે-ચાર લાઈનો ઉમેરવાનો પ્રયત્ન કરું છું.

  ઈશ્વરમાં શ્રદ્ધાળુઓ ગરીબ હોય કે તવંગર તે તેની યથાશક્તિ દાન કરે છે કે લોક સેવાના કામો કરે છે, અને તેથી હૃદયમાં લાગણી અને ઊર્મિઓનો જે અનુભવ થાય છે તેને નાસ્તિકો સમજી શકતા નથી. કદાચ કોઈ ફળ મેળવવાની આશાએ પણ દાન ધરમ કરતુ હોય, તો પણ શું? પોતાની પુંજીમાંથી પૈસા છોડવા એ કંઈ નાનીસુની વાત નથી. આપણા દિલ્હીમાં બેઠેલા નેતાઓને પૂછી જુઓ કે તેઓ કરોડોના કરોડો સ્વીસ બેંકમાં જમા કરતા જાય છે પરંતુ તેમને સ્કુલ, હોસ્પિટલ કે અન્ય માનવતા ના કામો, પોતાના પૈસામાંથી કરવાનું સૂઝ પડે છે? આ લોકો સમાજના સાચ્ચા નાસ્તિકો છે, કારણકે ઈશ્વરજ નથી તો ઈશ્વરનો ડર કેવો? આવા લોકો સમાજમાં ચારિત્રહીન પ્રજાનું ઘડતર કરે છે, કારણકે તેઓ જે કરોડોની સંપત્તિ છોડી જવાના તેમાંથી તેમના કરતાંયે સવાયા તેમના બેઈમાન વારસદારો પેદા થવાના.

  Like

  1. શ્રી ભીખુભાઈ,
   દિલ્હીમાં બેઠેલા નેતાઓ આસ્તિકો જ છે. બધા ઉદ્યોગપતિઓ આસ્તિક હોય છે. 2G સ્કૅમવાળા પણ ઈશ્વરમાં માને છે.
   જો કે, તમે ઉમેર્યું છે કે આ લોકો સાચ્ચા નાસ્તિકો છે. પરંતુ, સામાજિક નૈતિકતા અને ઈશ્વરમાં શ્રદ્ધા સાથે ચાલે એવું નથી. એટલે સારાં કામો કરે એ આસ્તિક એવો અર્હ્ત કેમ કરી શકાય?

   Like

   1. માનનીય શ્રી દિપકભાઈ, શ્રી ભીખુભાઈએ કરેલી “આસ્તીક” વ્યાખ્યા વ્યાપકર્થે અને ગુઢાર્થે ખરેખર સાચ્ચી જ છે એમા હુ થોડુક ઉમેરુ તો જે આસ્તીક ભારતદેશ અથવા અન્ય દેશને, સમાજને, કુટુંબને, પાડોશીને, અને કોઈપણ નાગરીકને છેતરવા માટે ‘મંદિર/મસ્જીદ/ચર્ચ/ગુરુદ્વારા’ માં પુજાર્થે જાય છે એ તો ખરેખર નાસ્તીક જ છે, એ નરકનો જ ભાગીદાર છે, એના જીવનમાં, ઘરમાં, કુટુંબમા, દેશમાં સમ્રુધ્ધિ હોવા છતાપણ શાન્તિ નથી હોતી. અને જે નાસ્તીક મંદિરમાં ન જઈને પણ દેશ, સમાજ, કુટુંબ, પાડોશી અને કોઈપણ નાગરીક ને મદદ કરવાના કામો કરે રાખે છે એ તો ખરેખર આસ્તીક જ છે કેમ કે માનવસેવા, ભાઈચારાના ગુણ તો “આસ્તીક ગુણ” જ છે અને એવી સેવાભાવનો હુકમ આત્મા નો અવાજ હોય છે એ જે કોઈ અનુસરે છે એ જ (પ્રત્યક્ષમાં નાસ્તીક પણ પરોક્ષમાં) ખરેખર આસ્તીક છે, અને જ આસ્તીકતાની વાત શ્રી દિનેશ પાંચાલજી અને આ બ્લોગ પર પધારતા માનવંતા ભાઈઓ આનંદે છે…..ફરીથી શ્રી દિનેશપાચાલજી અને શ્રી ગોવિંદભાઈજીને ખુબ ખુબ અભિનંદન…….!!!

    Like

 4. ભાઈઓ, આપણા દેશના નેતાઓ અને વહિવટકારો, ઉધ્યોગપતીઓ દુકાનદાઓ, સેવાદારો અને અન્ય સેવકો ઈમાનદાર નથી એનુ કારણ સ્વાર્થી ધાર્મિકતા અને સ્વકેંદ્રીય નાસ્તીકતા જ છે. આપણા દેશની પુકાર પરમાત્મા સુધી નથી પહોંચતી એટલે જ અતિસમ્રુધ્ધિસંપન્ન હોવા છતાંય આપણા દેશમાં શાંતિ નથી, સંપન્નતા નથી, લોકો ગરીબ જ રહે છે. એટલે મારુ તો સુચન છે કે લોકોના પાપો માટે આપને દરેકે દરેક ભાઈઓએ ખરા દિલથી પરમાત્મા પાસે પશ્ચાતાપ ભરી પ્રાર્થના કરતા રહેવાથી દેશનો ઉધ્ધાર થશે. (સતી દ્રૌપદીએ ચિરહરણ વખતે પુજા પાઠ કરવા બેઠી ન હતી, એ તો એના હ્ર્દયદ્રાવક દર્દ ઉચ્ચારીને ક્રુષ્ણને આજીજા કરતી હતી અને એનુ એને ફળ મલ્યુ હતુ) એવી હ્દ્રદય દ્રાવક પ્રાર્થના દરેકે દરેક ભારતવાસી કરતો થઈ જશે તો આ દેશમાં સુખ ભલે ના અવે શાંતિ તો આવસે જ.

  Like

 5. તમારા લેખોમાં છેલ્લા કેટલાક સમયથી ધર્મને કે શ્રધ્ધાળુ/અંધાશ્રધ્ધાલુંઓને ધુત્કારવા / નિંદા કરવાને બદલે આ પ્રકારના સમતોલ વિચારો જોઇને ઘણો જ આનંદ થયો. જે લોકો ત્રીસ વરસથી મોટા છે એમના વિચારો બદલવાની શક્યતા ઓછી છે. એને બદલે, કિશોરો, યોવકોમાં કુતુહલતા પ્રેરાય, એ લોકો ખુલ્લા મગજથી દુનિયાને જોતા શીખે – એવી પ્રવૃત્તિઓમાં મને વધુ રસ પડે છે. સરસ લેખ બદલ આભાર.

  -મેહુલ.

  Like

 6. મને તો આ આસ્તિક અને નાસ્તિકની વાત જ મૂળભુત રીતે કન્ફ્યુસીંગ જણાય છે. ઈશ્વરના દર્શન કરવા મંદિરમા જનારા પોતે ખૂબ જ આસ્તિક છે તેવો બાહ્યાડંબર કરી સમાજ અને પોતાના સ્વને પણ છેતરતા હોય છે તેમને આપણે અર્થાત સમાજ આસ્તિકનું લેબલ લગાડી છે. જેમકે રેડ્ડી બંધુએ બાલાજીને 45 કરોડનો તાજ પહેરાવ્યો ! વાસ્તવામાં આ રકમ તો દેશ-સમાજ અને સરકારને છેતરી એક્ઠી કરેલી અને સ્વને પીડ્તો અપરાધભાવે આ દાનનું કૃત્ય કર્યું ગણાય ! આ સામે ક્યારે ય મંદિરમાં કે આશ્રમમાં કે કોઈને ગુરૂ તરીકે પણ નહિ સ્વાકારનારને સમાજ નાસ્તિકનું લેબલ લગાડી દે છે જ્યારે વાસ્તવામાં આ જ વ્યક્તિ માનવતાના અનેક કાર્યો મૂંગે મોઢે પોતાની મર્યાદિત આવકમાંથી પણ કરતી રહેતી હોવા છતાં સમાજ તો નાસ્તિક તરીકે જ ઓળખવાનો છે. અરે ! આવી સહાય મેળવનાર વ્યક્તિ પણ તેને નાસ્તિક જ કહેતો હોય છે. આવા સંજોગોમાં કોણ નાસ્તિક કે કોણ આસ્તિક ! આસ્તિક એ જ કે જે મંદિરમાં જાય, પાઠ-પૂજા ટીલા-ટપકાં કરે તે જ ! કાઠીયાવાડમાં સ્વતંત્રતા પહેલા અનેક બહારવટિયા થઈ ગયા આમાના મોટા ભાગના જ્યારે ગામ ભાંગવા-લૂંટવા કે હત્યા કરવા નિકળતા તે પહેલાં માતાજી કે અન્ય પોતાના આરાધ્ય દેવની પૂજા-આરતી વગેરે કરી કંઈક માનતાઓ રાખી નિકળતા તો આ લોકો આસ્તિક કે નાસ્તિક ? મારું કન્ફ્યુસન દૂર કરશો ?

  Like

  1. અરવિંદ સાહેબ, આત્મિકતાના આધાર પ્રમાણે કહિએ તો “બહારવાટિયો” ગમે તેટલો સારો કેમ ના હોય છેવટે એ લુંટીને અને મારીને જ લાવે છે ને, પાપીની પણ આંતરડી કકળાવવી એ તો શૈતાની સ્વભાવ થયો કહેવાય, અને એવુ કરનારને જેસલ જેવા હાલ થાય જે ઢળતી ઉંમ્મરે જે પશ્ચાતાપ કરીને સંત બની ને અમર બની જાય નહિ તો વાલિયામાંથી વાલ્મીકી બની જાય એવો ઘાટ મે મારી નજર સમક્ષ મુંબઈમાં ઘણા ગુંડાઓને ગણપતિ/નોરતા ના મોટા મોટા મંડપો બનાવી ધાર્મીક બનતા જોયા છે. એટલે બહારવાટિયાઓ છેવટે વ્યવહાર જ કરે છે.

   Like

 7. ઈશ્વર શું છે? ઈ એટલે કે તે. અને શ્વર. કોનો શ્વર? પોતાના આત્માનો. તમારા આત્માનો શ્વર…જે તમારો માહ્યલો કહે તે તમારો ભગવાન. લોકો ધર્મના નામે કહેલી બધી વાતોનું પાલન કરે છે. કારણ ભગવાનનો ભય. ભય વિના પ્રીતિ નહિ. હકીકતમાં તો ધર્મને નામે કે કંઈ કેટલા રીવાજો થકી લોકોનું ભલું થાય કે ઉપયોગી થાય તેવા નિયમો બનાવવામાં આવ્યા. વખત જતા ગુરુઓ કે સંતો કે કથાકારોએ તેનો ગેરલાભ ઉઠાવ્યો. કાયદો બનાવવામાં આવે છે તે લોકોના ભલા માટે જ હોય છે, પરંતુ તેનો ગેરલાભ ઉઠાવીને લોકોને ભયભીત કરીને લાંચ લેવાની શરુ થઇ.
  આપણે ત્યાં ધર્મના નામે ઉપવાસ કરવામાં આવે છે અને તે પણ અસલતો ફક્ત ઘરડા માણસો કરતા. કારણ કે અઠવાડિયામાં મોટી ઉંમરે પેટને આરામ મળે. ખોરાક પચી જાય.પરંતુ આજે તો એમાં પણ હોશાતુંશીમાં નાના નાના બાળકો ઉપવાસ કરેછે. બધા લોકોના પેટને આરામ મળે એવો હેતુ હતો તેની જગ્યાએ લોકો ઉપવાસને દિવસે વધારે ભારે ખોરાક ખાય છે. અગિયારસને દિવસે પેટમાં અગિયાર જાતના રસ પધરાવે છે.તેજ રીતે મુસલમાનો નમાજ પઢે કે હિન્દુઓ પૂજા કરે ત્યારે નમાજ પડતી વખતે કે સાષ્ટાંગ પ્રણામ કરતી વખતે ઘરડા લોકોને ધર્મના નામે કસરત કરે એવું સાયન્ટીફીક આયોજન હતું. નાસ્તિકોમાંથી કેટલા લોકો રોજ કસરત કરે છે?
  ધર્મને નામે લોકોની સુખાકારી માટે બધા વૈજ્ઞાનિક દ્રષ્ટિએ નિયમો બનાવવામાં આવ્યા જેનો ગેરલાભ લઈને લોકોએ ફાયદા ઉઠાવ્યા. જ્યાં સુધી તમે માંદા નહિ પાડો ત્યાં સુધી શરીરની કોઈ કાળજી નથી લેતું. પરંતુ ધર્મના નામે આ બધું નિયમિત થાય તે માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા હતા. જો ધર્મના બધા નિયમો (ભ્રષ્ઠ નહિ) નું બરાબર પાલન થાય તો નાસ્તિકો પણ આસ્તિક જ ગણાય ને! હકીકતમાં તો નાસ્તીકોનો વાંધો આ ભ્રષ્ઠ નિયમો માટે જ છે.
  વિપુલ દેસાઇ
  http://suratiundhiyu.wordpress.com/

  Like

 8. Dear Shri Govindbhai Maru:

  I have attached “Manav-Seva Ej Sacho-Dharm” as a Comment to Shri Dinesh Panchal’s “Manav-Seva Ej Madhav-Seva”. Kindly attach this with Other Comments. Thanks.

  Fakirchand J. Dalal

  —– Original Message —–
  From: F. J. Dalal
  To: govindmaru ; Fakirchand & Manjula Dalal ; Mavjibhai
  Sent: Saturday, August 06, 2011 3:19 PM
  Subject: ???????? ?? ???? ????

  માનવસેવા એજ સાચો ધર્મ

  ધાર્મિક અને ધનવાનોની અંધશ્રદ્ધાને દિનેશ પંચાલે બિરદાવી તે અત્યંત અયોગ્ય છે. આથી ધર્મને નામે જે ધતિંગ ચાલી રહ્યું છે તેને સમર્થન આપવા જેવું મહાપાપ ગણીએ તો સમાજની સાચી સેવા થઇ ગણાય. તે વિચાર પરિવર્તનનું મહા કાર્ય જે રેશનાલીસ્ટો કરી રહ્યા છે તેને હાનીકારક નીવડશે. કલમનો કર્મકાંડ બધા ન કરી શકે. બહુ ઓછા લોકો જે આજે કરી રહ્યા છે તેને ઘણી સફળતા મળી રહી છે.અંધશ્રદ્ધા કોઈ પણ રીતે સમર્થનને પાત્ર ન ગણી શકાય. આજની સમાજ વ્યવસ્થા ઘણા ફેરફારો માંગી રહી છે. વિચારોને સમઝ પૂર્વક રજુ કરવામાં આવે તો આજના વૈજ્ઞાનિક યુગમાં તે પવનવેગે ફેલાવી શકાશે. આખા વિશ્વમાં ધર્માંધ લોકોએ ત્રાસ ફેલાવ્યો છે. લોકોનું ધન વેડફી નાખવામાં તેમણે પાછી પાંની કરી નથી. અને હજુ પણ મંદિરો બાંધવાનું ચાલુજ છે. પરદેશમાં અને અમેરિકામાં ભણેલાઓ પણ અભણ લોકોની માફકજ ડોલરની `છતના છાકા’ ની જેમજ રેલમછેલ કરી રહ્યા છે. આમાં કોને શું કહેવું તે સમજાતું નથી.ધનનો મોટે ભાગે દુરુપયોગ જ થઇ રહ્યો છે. થોડા રોટલીના ટુકડા કુતરાને ફેંકી દેતા હોય તેમ લોકોમાં ગેરસમજ ફેલાવવા માટે થોડી લોકોપયોગી પ્રવૃત્તિ કમને કરી રહ્યા છે. જોકે જે થાય છે તેની સામે સમજુ માણસોને વાંધો નથી. દિનેશભાઈએ ઘણા બધા દાખલાઓ આપ્યા તે એક રીતે સારુજ કર્યું છે. છતાં આજે અમેરિકાના ધનવાન અબજોપતિઓ આખા વિશ્વમાં શિક્ષણ અને આરોગ્યની દિશામાં અઢળક ધન ખર્ચી રહ્યા છે તેનો નિર્દેશ પણ નથી કરાયો.આ વાત મને જરાયે સમજાઇ નહિ. કદાચ તેમની સામે ભારતનું ચિત્રજ હોઈ શકે. વિશ્વની કોઈ પણ સરકારો સમાજનું સર્વાન્ગીપણે વિકાસનું કામ કદી કરી ન શકે એ સમજી શકાય એવું છે. ત્યારે ધનવાનો ઉંચી હવેલીયો ઉભી કરે તે સામાજીક્તાનું અજ્ઞાન ગણીએ તો તે ખોટું નથી. આ તો એક સાદી સમજની વાત ગણાય. પણ ધનનો આવો છાક ખરેખર અનુચિત અને બિલકુલ સમજનો અભાવ દેખાડી આપે છે. બિરલાએ પણ મંદિરો બાંધ્યા. અંબાણીએ મુંબઈમાં મહેલ બાંધ્યો. બીજા એકે ઈંગ્લેન્ડમાં સૌથી ઉંચો મહેલ બનાવ્યો અને લગ્નમાં લાખ્ખો ખર્ચી કાઢ્યા. આ બધ્ધાએ સારા કામમાં પણ પૈસા ખર્ચ્યા છે. પરંતુ આ ધનનો અહં શાનું પ્રદર્શન કરે છે? આથીજ ઘણા ધર્મોમાં અ-પરીગ્રહ અને સંયમનો ઉપદેશ આપ્યો છે. બીજી બાજુ જાણીતા ધર્મ ગુરુઓ અને મંદિરોએ અઢળક ધન ભેગું કર્યું છે. તેઓ પોતે તો તેનો ઉપયોગ કરી શકવાના નથી. ત્યારે પ્રશ્ન થાય છે કે `આ ધનનો કોઈ સારો ઉપયોગ ખરો’? આ ધન સમાજમાંથી મેળવ્યું છે અને યોગ્ય એટલું પોતાને અને પરિવારને માટે રાખીને બાકીનું સમાજ કલ્યાણ માટે વપરાય તેમાં કશું અજુકતું તો નથી થતું. બીજી બાજુ જોઈએ તો સમાજ સેવા બીજી અનેક રીતે થઇ શકે. દાખલા તરીકે પુખ્તવયના માણસોને અક્ષરજ્ઞાન, અપંગને રસ્તાની બીજી બાજુએ લઇ જવું, હોસ્પીટાલમાં દર્દીની માવજત કરવા જવું વિગેરે આમાં ધર્મ શ્રદ્ધાળુઓએ જ વધુ સેવા કરવાની વાત કેવી રીતે આવી ગઈ? આ પ્રકારની વિચાર કરવાની રીત સામે હું વિરોધ કરું તો તે સહેજે સમજી શકાશે. દાન પ્રથા એ ધર્મ પ્રથા એટલા માટે ચલાવી છે કે તેથી સ્વર્ગમાં પહોચી જવાય. આવી ખોટી અંધશ્રદ્ધાને આજની વૈજ્ઞાનિક દુનિયામાં ઉચ્ચ ન ગણાવી શકાય શિક્ષણથી પ્રશ્નોના ઉકેલ કાયમીરીતે થઈ શકે. ભૂખ્યાને અન્ન આપવાથી માત્ર આજ્નોજ પ્રશ્ન ઉકલે, પણ કાલનો એજ પ્રશ્ન રહેવાનો. દાનને બદલે સંસ્થાકીય ઉપાય, એ કાયમી ઉકેલ છે. રેશનાલીસ્ટો આ પ્રકારની દુનિયામાં વિચારે છે. આ વિચાર શૈલીને ઉતારી પાડવાનું કાર્ય માત્ર આજનાજ ધાર્મિક દાન સાથે કદી સરખાવી ન શકાય “સમાજ-પરિવર્તન વિચાર-પરિવર્તનથીજ થઇ શકે, ધર્મ અને તેની અંધશ્રદ્ધાથી કદી નહિ થઇ શકે” છેવટે માત્ર એટલુજ કહેવાનું છે કે રેશનાલીસ્ટોની અને ધાર્મિક દાનપ્રથામાં `ભવિષ્ય અને માત્ર આજજ” એવો `આસમાન અને જમીન’ જેવો ફરક છે. લેખન કળાનો ઉપયોગ વિચાર પરિવર્તનના માર્ગમાં આડે ન આવી શકે ખોટી ધાર્મિકતાનો અંત વૈજ્ઞાનિક પદ્ધત્તીએ ઝડપથી થઇ રહ્યો છે અને થશેજ. વિજ્ઞાને જે ફેરફારો માનવ જાતને પીરશ્યા છે તે ભવોની અને ભવિષ્યની વાતોમાં રાચનારાઓ કદી નહિ કરી શકે. ધર્મોએ રક્તકાંડ ફેલાવીને શાંતિપ્રિય દુનિયાને રંજાડી છે. વિજ્ઞાન અને વિચાર તેને જરૂર ઉગારશે વાંચન, વિચાર, વાણી અને વર્તન સમૂળી ક્રાંતિ દુનિયાને બક્ષી શકશે અંધધર્મશ્રદ્ધા દુનિયાને વિનાશને પંથે ડુબાડી રહી છે.

  –ફકીરચંદ જે દલાલ, યુ એસ એ

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s