સ્પર્ધા જીતવા જ્ઞાનની જરુર છે

‘કૌન બનેગા કરોડપતી’ કાર્યક્રમ લાખો–કરોડો લોકો રસપુર્વક નીહાળી રહ્યા છે. એ કાર્યક્રમને પગલે પગલે દેશભરમાં સામાન્ય જ્ઞાનનાં પુસ્તકો છપાવા માંડ્યાં છે અને લોકો ચપોચપ એ ખરીદી પણ રહ્યા છે. આ કાર્યક્રમના બહાને સામાન્ય જ્ઞાનનું મહત્ત્વ સમજાયું એ એની વીધાયક બાજુ છે. જો કે આનાથી લોકોમાં કરોડપતી બની જવાની એક ઘેલછા ઉભી થઈ અને એક પ્રકારના જુગાર તરફ લોકો આકર્ષાયા એ એનું નકારાત્મક પાસું પણ છે. પણ રેસ, લોટરી કે જુગારની વૃત્તી દુનીયાભરની પ્રજામાં એટલી પ્રબળપણે પડેલી હોય છે કે એને કૃત્રીમ માર્ગો દ્વારા અંકુશમાં લેવાનું કાર્ય હમ્મેશાં મુશ્કેલ જ હોય છે.

જે લોકો આ કાર્યક્રમ ધ્યાનથી જુએ છે, એમને એક વાતનો ખ્યાલ આવ્યો હશે કે અમીતાભ બચ્ચન પ્રશ્ન પુછે ત્યારે ઘણાખરા લોકો આંખો મીંચીને ઈશ્વરને પ્રાર્થના કરતા હોય છે ! કાં તો સ્પર્ધક પોતે પ્રાર્થના કરતો હોય અને કાં એની સાથે આવેલાં એનાં સ્વજનો પ્રાર્થના કરતા હોય. કોઈ યુવાન આવી ગયો હોય તો સામે પ્રેક્ષકોમાં બેઠેલી એની મા આંખો બંધ કરીને પ્રાર્થનામાં ડુબી ગઈ હોય અને કાં તો કોઈની પત્ની કે પતી આવ્યાં હોય અને એ લોકો પ્રાર્થના કરી રહ્યાં હોય.

આ રીતે એક યુવક આ હરીફાઈમાં ભાગ લેવા આવ્યો અને એને પ્રશ્ન પુછવામાં આવ્યો કે ત્રીપુરાનું પાટનગર કયું છે ? પેલો યુવક અચાનક પ્રાર્થનામાં લીન થઈ ગયો અને હોઠ હલાવવા લાગ્યો. પ્રશ્ન એ છે કે સવાલ સામાન્ય જ્ઞાનને લગતો હોય અને જેને માટે પુસ્તક કે અખબારો વાંચવા જરુરી હોય, એમાં પ્રાર્થના કેટલી ઉપયોગી ? ત્રીપુરાની રાજધાની અગરતલા છે એ માહીતી તો સામાન્ય જ્ઞાનના કોઈ પણ પુસ્તકમાંથી મળી આવે અથવા મોઢે હોય. આ જાણકારી માટે કોઈ દૈવી શક્તીના ચમત્કારની જરુર જ નથી.

વાસ્તવમાં, આપણી પ્રજા અતીધાર્મીક બની ગઈ અને ધર્મના મુળભુત સીદ્ધાન્તોને સમજીને જીવનમાં ઉતારવાને બદલે ક્રીયાકાંડો અને ચમત્કારોમાં ખોવાઈ ગઈ એનું આ પરીણામ છે. એમાં પણ નવી પેઢીમાંથી આવતો કોઈ યુવક પ્રાર્થનામાં સરી પડે અને આ પ્રશ્નનો જવાબ પ્રાર્થનાથી નહીં; પણ સામાન્ય જ્ઞાન સુધારવાથી મળે એટલી સીધી–સાદી વાત ન સમજી શકે, એ અત્યન્ત ચીન્તાજનક અને વીચારવા લાયક બાબત ગણાય. દર વર્ષે પરીક્ષામાં બેસતા હજારો વીદ્યાર્થીઓમાંથી ઘણા આ રીતે જ એમને પ્રશ્નપત્ર આપવામાં આવે એ પહેલાં પ્રાર્થના કરતાં હોય છે અને ઘણા તો ઉત્તરવહી ઉપર પ્રથમ પોતાના ઈષ્ટદેવનું નામ પણ લખતા હોય છે.

એ બતાવે છે કે ધર્મના હાર્દને સમજ્યા વીના એના કોઈ મુદ્દા ઉપર વધુ પડતો ભાર મુકવામાં આવે ત્યારે એનું આવું પરીણામ આવે. જે વીદ્યાર્થી એમ સમજે છે કે ઈશ્વર કે ખુદાને પ્રાર્થના કરવાથી કે કોઈ માનતા માનવાથી પરીક્ષામાં પાસ થઈ જવાશે કે પછી કરોડપતી બની જવાશે, એ વીદ્યાર્થી પુરુષાર્થનો મર્મ નહીં જ સમજે. એના મનમાં એવો વીચાર નહીં આવે કે આખું વર્ષ વર્ગમાં હાજર રહીને નીષ્ઠાથી ભણીએ તો પરીક્ષા સારી જ જાય અને ગુણ પણ સારા આવે. આમ, પુરુષાર્થને બદલે એ વીદ્યાર્થી પ્રારબ્ધવાદી બની જાય અને સમગ્ર જીવન પ્રત્યે એનો દૃષ્ટીકોણ પણ પ્રારબ્ધવાદી જ બની રહે. પરીણામે પરીક્ષામાં પાસ થવાનું હોય કે પછી વેપાર કે નોકરીમાં સફળતા મેળવવાની હોય, એ તો પ્રાર્થના અને માનતાઓ જ કરતા રહેશે !

આપણે ત્યાં વર્ષોથી શાળામાં સવારમાં વીદ્યાર્થીઓ પાસે પ્રાર્થના કરાવવાની પરમ્પરા ચાલી આવે છે. એમાં મુળ તો ‘અસત્યો માંહેથી પરમ સત્ય તરફ જવાની અને ઉંડા અન્ધારામાંથી પરમ તેજ તરફ ગતી કરવાની’ જ વાત હોય છે. બાળપણમાં કે કીશોરાવસ્થામાં વ્યક્તી રાગદ્વેષ, ખટરાગ કે હીંસા જેવી વૃત્તીઓ છોડે તો એ આગળ જતાં સારો નાગરીક બને એવી ભાવના એની પાછળ હોય એ સમજી શકાય તેમ છે; પણ આપણે જોઈએ છીએ કે એ જ વીદ્યાર્થી જ્યારે મોટો થઈને જીવનમાં પ્રવેશે ત્યારે જો વેપારી બને તો કરચોરી કરે છે, સંઘરો કરે છે અને ભળસેળ પણ કરે છે. નોકરીમાં જાય તો કામચોરી કરે છે અને હળતાળો પણ પાડે છે. જો પ્રાર્થનાનું સારું ફળ મળતું હોય તો આપણા દેશમાં આટલી હદે ભ્રષ્ટાચાર, કરચોરી અને ભેળસેળ જેવાં દુષણો જ જોવા ન મળવાં જોઈએ ! પણ વ્યવહારમાં બને છે તો એનાથી ઉલટું જ. કદાચ સ્વામી વીવેકાનન્દ આપણા નાગરીકોની આ વાત જાણી ગયા હશે, એટલે જ એમણે કહ્યું કે, ‘પ્રાર્થના માટે લમ્બાયેલા બે હાથ કરતાં કોઈની મદદ માટે લમ્બાયેલો એક હાથ વધુ સારો છે.’ પ્રાર્થના અન્તે તો માણસને સ્વકેન્દ્રી જ બનાવે છે. મોટે ભાગે માણસ પ્રાર્થનામાં પોતાને માટે જ કશુંક માંગતો હોય છે. સમાજ કે દેશના હીત માટે પ્રાર્થના કરનારા લોકો કેટલા ? ‘મને ખુબ પૈસા મળે કે નોકરીમાં મને પ્રમોશન મળે કે મેં લોટરી ખરીદી હોય એમાં મને ઈનામ લાગે’ એવી પ્રાર્થના કરવામાં આવે તો પ્રાર્થનાનો મુળભુત હેતુ જ માર્યો જાય છે.

ક્યારેક તો આપણને કોઈની સામે વાંધો હોય અને ઝઘડો ચાલતો હોય ત્યારે એ ઝઘડામાં આપણો જ વીજય થાય એવી પ્રાર્થના આપણે કરીએ છીએ. પ્રશ્ન એ છે કે સામેનો હરીફ પણ આ જ રીતે પ્રાર્થના કરતો હોય તો ઈશ્વર કોની પ્રાર્થના સ્વીકારે ? અત્યારે આધુનીક યુગ એક મોટી પ્રતીસ્પર્ધામાં ફેરવાઈ ગયો છે. કોઈ પરીક્ષામાં કોઈ વીદ્યાર્થી પ્રથમ ક્રમે આવે એનો અર્થ જ એ કે બીજા લોકોને પાછળ રાખીને એ આગળ આવ્યો છે. તો બીજા બધા મારાથી પાછળ રહે એવી પ્રાર્થના કરવામાં કયો તર્ક, કેટલી નૈતીકતા અને કેટલી સચ્ચાઈ ? કોઈ અદાલતમાં કોઈ કેસ ચાલતો હોય અને બન્ને પક્ષકારો કોઈ દેવીદેવતા કે પીર– ઓલીયાની માનતા માને ત્યારે કોની માનતા ફળે ?

એને બદલે માણસ પોતે વધુ સારો માણસ બને, સારા નાગરીક તરીકે એ જીવન જીવે, કોઈને ઉપયોગી થવાનું એનામાં બળ આવે, એનાથી કોઈના જીવનમાં પરીવર્તન આવે એ અર્થની પ્રાર્થના વધુ સાર્થક અને માનનીય ગણાય. જો કે મક્કમ મનોબળ કે આત્મવીશ્વાસ ધરાવતા માણસને તો એવી પ્રાર્થનાની પણ જરુર હોતી નથી. એકવાર એ મનમાં સમાજને ઉપયોગી થવાનો નીશ્ચય કરી લે એટલે એની સામે અનેક રસ્તા આપોઆપ ખુલી જાય છે, પણ મનોબળ જેમ નબળું એમ માણસ વધુને વધુ પાંગળો બનતો જાય છે, પ્રાર્થનાવાદી થતો જાય છે અને પછી એની એ મનોદશાનો લાભ કે ગેરલાભ સંગઠીત ધર્મોના બની બેઠેલા રક્ષકો ઉઠાવે છે. એને એવો તો પંગુ બનાવી દે છે કે જીવનભર એ માનતાઓ જ માનતો રહે છે અને પોતાની સફળતા કે નીષ્ફળતા માટે દૈવી શક્તીઓને યશ કે અપયશ આપતો રહે છે. આ મનોદશામાંથી એ બહાર આવીને સ્વતન્ત્ર બુદ્ધીથી વીચાર કરતો થાય પછી આવાં બધાં વળગણો ખરી પડે છે અને એનું વ્યક્તીત્વ ખરા અર્થમાં સ્વતન્ત્ર બને છે. એ સીવાય તો એ પોતાના મનોબળની બહારની દુનીયાની જાતજાતની શક્તીઓને જ આધીન હોય છે.

પ્રાર્થના જેવી જ પરીસ્થીતી ધ્યાનની છે. આ બન્નેનો હેતુ માણસ બધી વૈચારીક ગડમથલ છોડીને એક જ મુદ્દા પર મન કેન્દ્રીત કરી મનની શાન્તી મેળવે એ છે. પણ મનોવૈજ્ઞાનીકો કહે છે કે માણસનું મગજ ક્યારેય વીચારોથી ખાલી હોતું જ નથી, થઈ શકતું પણ નથી. દરેક પળે એ મગજ તો સક્રીય જ હોય છે અને કશાક વીચાર કરતું હોય છે. આથી, વીચારમુક્ત કે વીચારશુન્ય બનવાની વાત પણ મુળભુત રીતે પ્રકૃતીથી વીરુદ્ધ છે. માણસ સતત કામ કરે અને કામ બદલે એ જ આરામ છે, તેમ માણસ પોતે પોતાની ફરજ નીષ્ઠાથી બજાવે એ જ એનું ધ્યાન, એ જ એની સમાધી છે અને એ જ એની પ્રાર્થના–બંદગી છે. એને બદલે જાતજાતની શીબીરોમાં જઈને ધ્યાનના અને વીચારશૂન્યતાના પ્રયોગો કરવાથી માણસનું મગજ અને એની સક્રીયતા નબળી પડી જવાની પણ પુરી શક્યતા રહેલી છે. આત્મપ્રતીતીથી વધુ મોટી કોઈ ચીજ નથી. તમે જે કરી રહ્યા છો, એ અંગે તમારી જાતને પુરી વીશ્વાસમાં લઈ શકો પછી કોઈ બાહ્ય ઉપચારની જરુર જ ક્યાં રહે છે ? આપણે પોતે સાચા માર્ગથી ફંટાઈ ગયા હોઈએ તો કોઈ ગુરુ કે બાહ્ય માર્ગદર્શનની જરુર રહે.

આમ મુળ મર્મ સમજવાને બદલે જો લોકો મહેનત કરવાની, વાંચવાની, અભ્યાસ કરવાની વૃત્તી જ છોડી દે અને પોતાનું કામ કોઈ બાહ્ય શક્તી કરી આપે એની પ્રાર્થના કરતા રહે તો એનો ઉદ્ધાર કઈ રીતે થાય ? દેશ અને દુનીયાને લગતી કોઈપણ માહીતી આજે તો ઈન્ટરનેટ જેવા માધ્યમો વડે બીલકુલ સહેલાઈથી પ્રાપ્ત છે. ઈન્ટરનેટ ઉપર બેસો એટલે કલાકો સુધી એમાં જ ખોવાઈ જશો. એ ધ્યાન અને એ સમાધી એવી છે જે દુનીયાભરની માહીતી આપીને તમને જ્ઞાન અને શાણપણની ઉંચાઈએ લઈ જશે. પ્રાર્થના કે ધ્યાનનું ભયસ્થાન જ આ છે. બાળપણથી જ બાળકના મનમાં ઠસી જાય કે જીવનમાં ગમે તે સમયે એ મહેનત કર્યા વીના કોઈ બાહ્ય શક્તીને રીઝવવાથી કે એને પ્રાર્થના કરવાથી સફળતા મેળવી શકાશે, ત્યારે સમજવાનું છે કે બાળકનો ભવીષ્યનો રસ્તો કુંઠીત બની જવાનો છે. જે બાળક સવારમાં પ્રાર્થના કરે છે એ જ બાળક પરીક્ષા સમયે કોઈ જાતના ડર વીના ચોરી કરે તો શું સમજવું ? ધર્મ કે પ્રાર્થના જેવાં ઉપકરણો એની સ્વતન્ત્ર વીચારશક્તી કે  વીવેકબુદ્ધી ન ખીલવી શકે તો એના ઉપર ફરીથી વીચાર કરવો જ રહ્યો.

કોઈ વેપારી કે ઉદ્યોગપતીને પુછો કે ‘ધન્ધા–રોજગાર કેમ ચાલે છે ?’ તો જવાબમાં મોટે ભાગે તો એ આકાશ તરફ હાથ ધરીને કહે છે કે, ‘ઉપરવાળાની કૃપા છે’. ભાગ્યે જ કોઈ વેપારી કહેશે કે મેં મારા પુરુષાર્થથી ધન્ધો વીકસાવ્યો છે. ઘણીવાર તો એવું પણ બને કે એણે કરચોરી કરી હોય, સંઘરાખોરી અને કાળાબજાર પણ કર્યાં હોય, એ પછી જો એ પોતાની ‘પ્રગતી’નો યશ ઉપરવાળાને આપે તો વાસ્તવમાં એ યશ નહીં; પણ ‘ઉપરવાળા’ને અપયશ આપી રહ્યો છે. આપણે ત્યાં તો ધાર્મીકતાનો હાહાકાર એટલો છે કે દાણચોરો અને ભાડુતી હત્યારાઓ પણ પુજાપાઠ કરતા હોય છે અને ધાર્મીક ક્રીયાકાંડોમાં રાચતા હોય છે.

‘કૌન બનેગા કરોડ પતી’ તો એક પ્રકારનો જુગારનો કાર્યક્રમ છે. એમાં કંઈક જીતવાની સાથે મેળવેલી રકમ હારવાની પણ જોગવાઈ છે. આવા જુગારમાં જીત મેળવવા માટે પણ જો લોકો આંખો મીચીને પ્રાર્થના કરતા હોય તો લાગે છે કે પ્રાર્થના કે  ધ્યાન કે ચીત્તની એકાગ્રતા જેવી બાબતનો અર્થ જ આપણે સમજ્યા નથી.

યાસીન દલાલ

ગુજરાત સમાચાર, દૈનીકના તા. 5 નવેમ્બર, 2011ના અંકમાંથી  લેખકના અને ગુજરાત સમાચાર દૈનીકના સૌજન્યથી સાભાર

(ગુજરાત સમાચાર દૈનીકમાં વર્ષોથી ડૉ. યાસીનભાઈની વીચાર વીહાર નામે ક્રાન્તીકારી અને લોકપ્રીય કૉલમ પ્રકાશીત થાય છે..)

સંપર્ક:

શ્રી યાસીન દલાલ, માનદ્ સંપાદક,સૌજન્ય માધુરીમાસીક,આશીયાના’, 5, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર સોસાયટી, રાજકોટ-360 007 ફોન: (0281-257 5327) ઈ.મેઈલ: yasindalal@gmail.com

ડૉ. યાસીનભાઈ અહીં ‘ધ્યાન’ની વાત પણ છેડી છે. ‘દીવ્ય ભાસ્કર’ની પુર્તી ‘સન્ડે’માં એક કૉલમ આવે છે ‘સન્ડેકી પાઠશાળા’. તા. ૧૩ નવેમ્બર ૨૦૧૧ના અંકમાં આવેલી તેમાંની એક વાત અહીં લખવા મન લલચાયું તેથી નીચે તે લખું છું. ગોવીન્દ મારુ..

‘વરસો પહેલાંની વાત છે. સંતનગરમાં એક પ્રસીદ્ધ મહાત્મા સંત જ્ઞાનેશ્વર પોતાનો આશ્રમ બાંધીને રહેતા હતા. એક દીવસ સવારે પુજાપાઠ કર્યા બાદ તેઓ આશ્રમની સામે જ વહેતી નદીકીનારે ભ્રમણ કરી રહ્યા હતા. અચાનક તેમને બાળકની ચીસો સમ્ભળાવા લાગી. જ્ઞાનેશ્વરની નજર નદીમાં ડુબતા બાળક પર પડી. તેમણે ક્ષણભરનોયે વીચાર કર્યા વગર નદીમાં ઝમ્પલાવ્યું. બાળકને બચાવીને જ્યારે તેઓ બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે નદીકીનારે એક સાધુ ધ્યાનમાં મગ્ન બેઠા હતા. મહાત્માએ તે સાધુને બોલાવ્યો, સાધુએ આંખો ખોલી અને મહાત્મા જ્ઞાનેશ્વરની નજર સમક્ષ જોઈને તરત પ્રણામ કર્યા. મહાત્માએ સાધુ ને પુછ્યું, ‘‘ વત્સ, તું અહીં શું કરી રહ્યો છે ?’’ સાધુએ કહ્યું, ‘‘મહારાજ, હું ધ્યાનમાં બેસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.’’ મહાત્માએ પુછ્યું, ‘‘શું તારું મન એમાં લાગે છે ?’’ સાધુએ કહ્યું, ‘‘મહાત્માજી, ધ્યાનમાં મન તો નહોતું લાગતું. મન તો અહીંતહીં ભટકતું હતું !’’ સંતે પુછ્યું, ‘‘તને આ બાળકની ચીસો સમ્ભળાઈ હતી ?’’ ‘‘હા મહારાજ, પણ ત્યારે તો હું ધ્યાન ધરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.’’

સાધુની વાત સાંભળી સંત જ્ઞાનેશ્વરે તેને સમજાવતાં કહ્યું, ‘‘વત્સ, તું ધ્યાનમાં કેવી રીતે સફળ થઈ શકે ? ભગવાને તને કોઈની સેવા કરવાની તક આપી અને એ જ તો તારું પહેલું કર્તવ્ય હતું. જો તેં આ કર્તવ્યનું પાલન કર્યું હોત તો ધ્યાનમાં કદાચ મન લાગી જાત. ભગવાને રચેલી સૃષ્ટીરુપી બગીચો બગડી રહ્યો છે. સૃષ્ટીનો આનંદ માણવો હોય તો પહેલા આ બગીચાને સજાવતાં શીખો.’’ સાધુએ મહાત્માના પગ પકડી લીધા અને કહ્યું, ‘‘મહારાજ, તમે મને જીવનનું રહસ્ય કહી દીધું.’’

બોધ:

જો તમે માનવમાત્રની સેવા નથી કરી શકતા તો પુજાપાઠ વ્યર્થ છે. દરેક મનુષ્ય ભગવાનની જ છબી છે. માટે મનુષ્યની સેવા જ ભગવાનની સાચી સેવા છે. (લેખકનું નામ આપ્યું નથી.) લીંક ­–

http://epaper.divyabhaskar.co.in/epapermain.aspx?edcode=57&eddate=11/13/2011%2012:00:00%20AM&querypage=3

દર સપ્તાહે રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com/

વળી, જીજ્ઞાસુઓ માટે અને આરૅશનલવીચારયાત્રામાં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભસંગ્રહ માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈમેઈલ આઈડી પર, પોતાનું સરનામું આપી, એક મેઈલ લખે તો તેને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા, ચર્ચાયેલા, વાગોળાયેલા અને જીવનમાં વણાયેલા સારા એમ મને લાગે છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ: એરુ એ. સી. 396 450 જીલ્લો: નવસારી  સેલફોન: 99740 62600 ઈ મેઈલ:  govindmaru@yahoo.co.in

 પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 23–11–2011

 

17 Comments

  1. The author is 100% right. Hard work, honesty and truthful life are required.

    Thanks,

    Pradeep H. Desai

    Like

  2. યાસિનાભાઈ લખે તેમાં કઈં બાકી ન જ હોય. આપણે સૌએ વિચારવાનું એ છે કે આજે ૩૦ વર્ષ પહેલાં નહોતું, એટલું વિશ્વાસનું જોર કેમ વધતું જાય છે? સામાન્ય રીતે લોકો ભીડ પડે ત્યારે આધાર શોધતા હોય છે. આજે શું આપણે ભીડમાં છીએ?

    Like

  3. સરસ માહિતિ અને જ્ઞાન સભર લેખ છે.આભાર.

    Like

  4. જ્ઞાન પ્રાર્થના થકી નથી આવતું. પ્રાર્થના થકી જ્ઞાન પ્રાપ્ત કરવાવાળાઓએ એ જાણવું જોઈએ કે દરેક ધર્મના ધર્મશાસ્ત્રમાં જ્ઞાન ને ઘણુ જ મહત્વ આપવામાં આવેલું છે:

    “જો તમે જ્ઞાન નથી ધરાવતા, તો જ્ઞાનીઓને પુછી લો.”
    “શું જ્ઞાનીઓ અને અજ્ઞાનીઓ સમાન હોય શકે છે? બોધ તો સમજદાર લોકો જ ગ્રહણ કરે છે.”

    ઉપરના બે બોધવચનો મુસ્લીમ ધર્મશાસ્ત્રના છે.

    કાસીમ અબ્બાસ

    Like

  5. મેડીટેશન ઇજ મેડીસીન ફોર માઈન્ડ. બ્રેઇનની કસરત છે. દવા દિવસમાં ૧૫-૨૦ કે ૪૫ મીનીટ લઇ શકાય. તણાવમુક્ત થઇ જવાય. આખો દિવસ દવા ખાયા ના કરાય.એના ફાયદા છે. બાકી ભારતમાં ધર્મનો અતિરેક થઇ ગયો છે. પ્રાર્થના લાચાર, કમજોર લોકની દેન છે. કરોડપતિ જોઈને હસવું આવતું, એક જ આશા બચી હતી, હમારે બચ્ચે કે લીયે, આવું સાંભળી એવું થતું કે બચ્ચે ઠીક સે પાલ નહિ સકતે તો પૈદા કયું કરતે હો? કરોડપતિ પ્રોગ્રામકે લીયે પૈદા કિયે થે? પાંચ પચીસની આશાઓ પૂરી થઈ હશે બાકીના કરોડોનું શું?

    Like

  6. ગોવિન્દભાઇ, હું રસપુર્વક આપની મેઇલ વાંચું છું અને મિત્રોને ફોરવર્ડ કરીને વહેંચું પણ છું.રેશનલ વિચારોના પુસ્તકો પણ ભારતથી લાવીને મારા અંગત પુસ્તકાલયમાં વસાવ્યા છે
    અને મિત્રોમાં વાંચીએ છીએ. હ્યુસ્ટનમાં અમારી એક સંસ્થા છે-હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા.
    વિજયભાઇ શાહ એના પ્રણેતા છે.ગુજરાતી ભાષાના સંવર્ધન માટે એમણે ઘણું કામ કર્યું છે અને
    સતત કરતા રહે છે.શાંત, સૌમ્ય,પ્રેમાળ,મ્રુદુભાષી,વિચારક છે.
    આપની ઈમેઇલની એક ફાઇલ બનાવી છે.
    આપ ઘણું સરસ કામ કરી રહ્યા છો. આભાર, દોસ્ત !

    નવીન બેન્કર
    હ્યુસ્ટન, ટેક્ષાસ, અમેરિકા.
    ૭૧૩-૭૭૧-૦૦૫૦
    ઇ-મેઇલ – navinbanker@yahoo.com

    Like

  7. The title is tempting. It is indeed necessary that you need knowledge to win a competition. Even to pass a SSCE exam you need knowledge. To pass any qualifying exam one needs knowledge. School or college exams are being passed (By majority of students?) by mugging or using guides which provides digested Q & A. A short cut. This is not a right way to qualify.

    This mugging & DIGESTED Q & A, books may help to pass exam but then whole life will be ruined.

    The world in this 21st century is so much advanced in scientific knowledge that those who do not march with it stay behind. Kaun Banega Karorepati gave boosting to achive knowledge.is the interest generated to serve selfishness. It is a good catalysis.

    Everybody knows that BOOKSTORES are being closed because of NO CUSTOMER.This is partly because of COMPUTER. But many bookstores are making profit because they sell MATAJI ni Stuti and Vrat katha and …known or unknown Bhagavan’s or Mataji’s stuti books. Religious andhapo created this situation because people are selfish and they want favourable results by reading these books.

    GYANI SE GYANI KARE GYANKI BAAT, GADHESE GADHA KARE LAATAM- LAAT…..

    KNWLEDGE IS SUPREME GOD…There is no other God in this world…ONE CAN ACHIEVE “MOX” BY KNOWLEDGE ONLY.

    Amrut(Suman)Hazari.

    Like

  8. This is a very good eye opening articale. It is well known that we are not ready to impliment in our day to day life, we may read it with interest but simply refused to change.
    I,have seen very many genious do “TILA-TAPKA, PUSHPHAR” to their computer and new acquied auto.
    Still they belive that Bhagvan first than Vignan.

    Like

  9. gauttam bhudhdhana vicharo mane bahuj game chhe
    govind bhai mane aashre 1944 ni salmaa sindhnaa skkar sher maa mane ek urdu book vanchva mali tenu thoduk lakhan hu hindi maa tamara email upar lakhish tamne yogy lage to chhajo urdu bhashana aghara shabdo no hu arth pan lakhish
    chhapashe ke nahi eno javab mane mara e mail upar aapine mane aabhaari karsho . ataai

    Like

  10. સ્પર્ધા જ્ઞાન લક્ષ અને જીવન .. આ ચાર વિષયો ને શ્રી યાસીન દલાલ નો માતબર લેખ આવરી લે છે..
    કારણ વગર કાર્ય નથી હોતું.. એક ની જરૂરિયાત એ બીજા નું કાર્ય બને છે અને તે અર્થે તેનું જીવન બને છે..
    આમ દરેક નું કાર્ય જે એક-બીજા નું પોષક હોય તે તેમનું જીવન બની જાય છે.. આમાં સ્પર્ધા ની બાદબાકી થઇ જાય છે અને જીવન પોષણ પ્રત્યે લક્ષ અને આદર કેળવાય છે.. આમ જીવન સમૃદ્ધ બને છે..
    સ્પર્ધા એ માનવ સર્જિત એવું બળ છે, જેના થી જીવન નો હ્રાસ થાય છે..અને તે ષડ રિપુ – “કામ ક્રોધ લોભ મહ મદ માત્સર્ય” ને પોષે છે..
    ઔદ્યોગિક ક્રાંતિ એ વ્યવસાય લક્ષી સ્પર્ધા સર્જી અને વિનાશક વિશ્વ યુધ્ધો થયા અને એ સ્પર્ધા ના પરિણામે આજે પાછો જન-સમુદાય યુદ્ધ/વિનાશ ની કગારે ઉભો છે.
    જો કુદરત નું અવલોકન કરશો તો સમજાશે કે તેમાં સ્પર્ધા નથી..
    મોટા તોતિંગ વૃક્ષ ની છાયામાં નાનો છોડ પણ નિર્ભય તા થી પાંગરે છે..
    આવું દરેક સ્તરે જોવા મળશે..
    જીવન લક્ષી એજ ખરું જ્ઞાન સ્પર્ધા વિનાનું એજ જીવન અને મોક્ષ એજ લક્ષ
    સુંદર પ્રસ્તુતિ બદલ શ્રી યાસીન દલાલ નો વાંચકો વતી આભાર..
    અસ્તુ,
    શૈલેષ મહેતા..

    Like

  11. ગોવિન્દભાઇ, હું રસપુર્વક આપની મેઇલ વાંચું છું અને મિત્રોને ફોરવર્ડ કરીને વહેંચું પણ છું.રેશનલ વિચારોના પુસ્તકો પણ મારા અંગત પુસ્તકાલયમાં છે.અને મિત્રોમાં વાંચીએ છીએ. આપ ઘણું સરસ કામ કરી રહ્યા છો. આભાર..!

    Like

  12. Most of the people do “Yaachna” meaning begging for some selfish motive and that too without putting any serious effort. Their attention ( not Dhyan) is solely on result not on effort.While Prarthna is an unselfish request made on behalf of some other being.During prarthana our Dhyan ( not just attention) should be on the well being of others.And for that we must put sincere effort. Only words,by any means, are not sufficient.
    Shlok 47 of adhaya 2 of Gita explains very clearly.

    Karmanyevadhikarate ———

    Like

  13. સ્પર્ધા જીતવા જ્ઞાનની જરૂર છે, એ દીવા જેવી સ્પષ્ટ વાત છે. આ લેખમાં ધર્મ અને જ્ઞાનની ચર્ચા કરીને પ્રાર્થના અને ધર્મને પુરેપુરો હેઠો પાડવાનો પ્રયત્ન થયો છે. કોઈને પ્રશ્ન પૂછવામાં આવે અને મનની એકાગ્રતા કરવા માટે આંખ મીંચે તો એ સ્વાભાવિક છે. જરૂરી નથી કે તે પ્રાર્થનાજ કરતો હોય. જેને પ્રશ્ન પૂછાયો હોય તેના સ્નેહી જનો કદાચ તેના ઈષ્ટદેવને પ્રાર્થના કરે તો તે સ્વાભાવિક છે.

    દુનિયાના કોઈપણ લોકશાહી દેશમાંથી ઘોડાની રેસ અને લોટરી તથા કસીનો દુર કરી શકાયા નથી. દુનિયા રહેશે ત્યાં સુધી આ દુષણો તો રહેશેજ. ચાણક્યે તો દરેક દેશમાં/શહેરમાં વેશ્યા ગૃહની આવશ્યકતાને પણ સ્વીકારી છે જેથી ભદ્ર કુળની સ્ત્રીઓ સલામત રહી શકે.

    શાળામાં થતી પ્રાર્થનાથી કંઈ નુકશાન નથી. જોકે આજકાલ તો ધર્મ-નિર્પેક્ષતાને લીધે પ્રાર્થના કરવામાં નથી આવતી એવું મારું માનવું છે. માં-બાપના સંસ્કારો પણ બાળકના ઘડતરમાં મુખ્ય ભાગ ભજવે છે. જો સંસ્કારોનું સિંચન બહુ સારી રીતે થયું હોય તો તે મોટો થઇ જીવનમાં પ્રવેશે ત્યારે ચોરી, લાંચ, ભેળસેળ વિગેરે બદીઓથી દૂર રહી શકે છે.

    “કૌન બનેગા કરોડપતિ” એ ઘણો સારો શો છે. જો કોઈ એને જુગાર માને તો તે તેના ગૌણ પક્ષની વાત થઇ અને તે બરાબર નથી. સમયસર સાચો જવાબ આપવાનો એ બુદ્ધિ અને હોશિયારીનું કામ છે અને આ તેનો મુખ્ય પક્ષ છે. આ એક સામાન્ય લોકો માટે જ્ઞાન વર્ધક શો છે. અહી આ લેખમાંતો જ્ઞાનની તરફદારી કરીને વિરોધાભાસ ઊભો કરી દીધો છે. અમેરિકામાં આ શો અમે કાયમ જોતા હતા, ઘણું જાણવાનું મળતું જે પુસ્તકો વાંચવાથી પણ મળતું ન હતું. અને સાચું કહું તો મને કોઈ દિવસ જુગાર રમવાની ઈચ્છા થયેલી નહિ. જે આ શોમાં જીતશે તેને હું જુગારી કહેવા કરતા હોશિયાર “સ્માર્ટ’ કહીશ. આ શોથી ભલે લોકોને પૈસાદાર થવાની તમન્ના થાય, થવીજ જોઈએ અને તે પણ જરૂરી છે જેથી તેનો આર્થિક વિકાસ થાય.

    યાસીનભાઈ દલાલની અંધશ્રદ્ધાની મોટેભાગેની વાતો બહુ વાસ્તવિક છે કારણકે આપણો દેશ તો અંધશ્રદ્ધામાં ડૂબેલો દેશ છે. અહી લોકો શ્રદ્ધા-અંધશ્રદ્ધાના ભેદને સમજી નથી શકતા અને ડહાપણની મોટી-મોટી વાતો કરે છે તે પણ સમજી શકાય છે.

    શ્રી ગોવિંદ ભાઈનું માનવતાનું દ્રષ્ટાંત ગમ્યું. અસ્તુ.

    Like

Leave a comment