સત્યની શોધ અને સ્વીકાર – 1

પ્રકૃતીની વાસ્તવીકતા

–મુરજી ગડા

દુનીયાની બધી જ ધાર્મીક વીચારધારાઓએ સત્યને આગવું મહત્ત્વ આપ્યું છે. ગાંધીજીએ તો ‘સત્ય એ જ ઈશ્વર’  કહ્યું હતું. જ્યારે ધર્મોએ સાચું બોલવું, સાચું કરવું વગેરે પાયાની વાતો કરી છોડી દીધું છે. સાચું બોલવા અને કરવા ઉપરાન્ત સત્યમાં ઘણું વધારે સમાયેલું છે. કોઈએ પણ બધાં ક્ષેત્રોને લગતા સત્યને વીસ્તૃત રીતે આવર્યુ હોય એવું જણાતું નથી.

આનું એક કારણ એ છે કે સત્યની વીસ્તૃત વ્યાખ્યા કરવી અશક્ય કહી શકાય એટલી અઘરી છે. બીજું કારણ એ છે કે સત્ય આપણી ચારેબાજુ મોજુદ હોવા છતાં અદૃશ્ય છે. એ કુદરતના નીયમોના રુપમાં સંતાયેલું છે. એને શોધવું પડે છે. માત્ર આંખોથી નહીં; પણ બધી જ જ્ઞાનેન્દ્રીયોથી જાણવું/ અનુભવવું પડે છે અને બુદ્ધીથી સમજવું – ચકાસવું પડે છે. આ લેખમાળામાં એને શક્ય એટલા વીસ્તારથી સમજવાની કોશીશ કરશું. જ્ઞાનેન્દ્રીયો અને બુદ્ધીથી પર એવા કહેવાતાં સત્યોની પણ ચર્ચા કરશું. આની શરુઆત સાવ સાદા ઉદાહરણથી કરીએ.

શરીરનો કોઈપણ ભાગ અગ્નીને અડતાં બળવા લાગે છે. વધારે બાળીએ તો મૃત્યુ પણ થઈ શકે છે. દરેક વ્યક્તીએ જાતે અનુભવેલું કે બીજાઓના બહોળા અનુભવે સ્વીકારેલું આ એક સત્ય છે. માણસ જ નહીં, પ્રાણીઓને પણ આની ખબર છે. એટલે જ બધાં પ્રાણીઓ અગ્નીથી દુર રહે છે. સજીવોના સામુહીક અનુભવના આધારે મેળવેલું દુનીયાનું આ કદાચ સૌથી પહેલું જ્ઞાન છે જે સત્ય છે. એના વીશે ક્યાં પણ મતભેદ નથી.

બધાં જ સજીવ સહેલાઈથી બળે છે. મૃત સજીવોનાં અવશેષ પણ સહેલાઈથી બળે છે. જ્યારે જુજ અપવાદ બાદ કરતાં મુળભુત નીર્જીવ પદાર્થ સહેલાઈથી બળતા નથી. આની પાછળ કુદરતનો નીયમ છે જે અનાયાસે નહીં; પણ બુદ્ધીથી શોધાયો છે. તે ઉપરાંત શું ધીરે ધીરે બળે છે, શું ભડકો થઈને બળે છે, બળી શકે એવા પદાર્થને નીયન્ત્રણમાં બાળીને આપણા ઉપયોગમાં કેવી રીતે લેવાય વગેરે બધું સારી એવી બુદ્ધી અને મહેનત પછી શોધાયું છે.

આવો જ બીજો દાખલો લઈએ. પાણીમાં પથ્થર ડુબે છે અને લાકડું તરે છે – એ જોઈને આદીમાનવે લાકડાંના ટુકડાઓને સાથે બાંધીને પાણીમાં લાંબુ અન્તર કાપવા તરાપા બનાવ્યા. તરાપાની મર્યાદા સમજાતાં લાકડામાંથી હોડી બનાવી. ત્યારે ધાતુઓ શોધાઈ નહોતી. આજે આપણે જાણીએ છીએ કે લોખંડ પાણીમાં ડુબી જાય છે. પણ એ જ લોખંડના ટુકડાને તગારા જેવા આકારમાં ઘડીએ તો એ પાણી પર તરે છે. એ તગારાને પાણીથી પુરું ભરીએ તો પાછું ડુબી જાય છે.

કઈ વસ્તુ પાણી પર તરી શકે છે, તરે ત્યારે કેટલી અન્દર અને કેટલી બહાર રહે છે, ક્યારે ડુબે છે વગેરે બધું કુદરતના નીયમને આધારે થાય છે. આ બધું શોધી, માણસે એનાં સમીકરણો બનાવ્યાં છે. એના આધારે આજે લોખંડ–ધાતુનાં બનેલાં તોતીંગ જહાજો મહાસાગરોમાં ફરે છે. લોખંડની બનેલી સબમરીન પાણીમાં ડુબકી મારીને પાછી સપાટી પર આવી શકે છે, વગેરે વગેરે…

માણસ પણ પાણીમાં તરતાં શીખી શકે છે, ચત્તો સુઈને શાંત પાણીની સપાટી પર સ્થીર રહી શકે છે; પણ કોઈ માણસ પાસે એવી શક્તી નથી કે તે બાહ્ય સાધન વગર પાણી પર બે પગે ચાલી શકે એમાં કુદરતના નીયમનો ભંગ થાય છે જે શક્ય નથી.

આવી બધી નાની મોટી શોધો વૈજ્ઞાનીક વીચારપદ્ધતીથી થઈ છે. એ જ્ઞાન કહેવાય છે. દરેક જણ આ જોઈ અને અનુભવી શકે છે એટલે એ સત્ય પણ છે. વીજ્ઞાનના વીષયમાં જ્ઞાન અને સત્ય એકરુપ થઈ જાય છે.

શીક્ષીત લોકોમાં પણ વીજ્ઞાન વીશે ઘણી ગેરસમજ પ્રવર્તે છે. એટલે અત્યાર પુરતી વીજ્ઞાનની વાત બાજુ પર રાખીએ. માત્ર એક ચોખવટ કરવી છે કે વીજ્ઞાનના કહેવાતા નીયમો વૈજ્ઞાનીકોએ ‘બનાવ્યા’ નથી. નીયમ તો કુદરતી છે, પહેલેથી જ છે. વૈજ્ઞાનીકોએ એમને ‘શોધ્યા’ –સીદ્ધ કર્યા છે અને આપણી ભાષામાં સમજાવ્યા છે. આ શોધખોળ વણથમ્ભી ચાલી રહી છે.

કુદરતના નીયમોમાં ભેદભાવ નથી કે પક્ષપાત નથી. કોઈની પણ જાતી, વર્ણ, ધર્મ, નૈતીકતા કે ચારીત્ર્યનો એને ફરક પડતો નથી. બધાને તે એકસરખી રીતે લાગુ પડે છે. આ અફર સત્ય છે. આ સત્યનો સ્વીકાર કરવો રહ્યો.

અગ્ની અને પાણી સાથેના આપણા અનુભવ સહેલાઈથી સમજાય એવા છે અને સર્વત્ર સ્વીકારાઈ ગયા છે. એ જ પ્રમાણે પ્રકૃતીનાં કેટલાંક તત્ત્વો સમજવા, પ્રમાણમાં સહેલા છે. જ્યારે અન્ય તત્ત્વો સમજવા અઘરાં છે. એમાંના એક એવી પૃથ્વીની વાત કરીએ.

પૃથ્વી એટલી મોટી છે કે આપણા દૃષ્ટીબીન્દુથી, આપણા વેન્ટેજ પોઈન્ટથી એનું સમ્પુર્ણ કદ દેખાતું નથી. આ મર્યાદીત અવલોકનને લીધે પ્રાચીનકાળમાં બધાએ પોતપોતાની રીતે જે અર્થધટન કર્યું તે અધુરું હતું, એકબીજાથી ઘણું અલગ હતું અને મુળભુત રીતે તો ખોટું જ હતું. બધી જ પ્રાચીન સંસ્કૃતીઓએ બનાવેલા અને આજ સુધી સચવાયેલા પૃથ્વીના (અને આકાશના) નકશા આ વાતના પુરાવા છે. બધાએ પૃથ્વીને સપાટ બતાવી હતી. પોતાના પ્રદેશને પૃથ્વીના કેન્દ્રસ્થાને બતાવ્યા હતા. એમનાં અવલોકનના આધારે એ વાજબી હતું; પણ તે સત્ય નહોતું.

આ બધી માન્યતાઓ ખોટી હોવાનું 400 વરસ પહેલાં બહાર આવ્યું ત્યારે મોટો હોબાળો થયો, જેણે ઘણા લોકોનો ભોગ લીધો. જ્યારે વહાણવટું ખીલવા લાગ્યું અને યુરોપીયનો દુનીયામાં ફેલાવા લાગ્યા ત્યારે પૃથ્વી સપાટ નહીં; પણ ગોળ હોવાનું સ્વીકાર્યા વગર છુટકો નહોતો. કેટલાક સાગર ખેડુઓએ તો વહાણમાં પૃથ્વીની પ્રદક્ષીણા પણ કરી.

ખ્રીસ્તી ધર્મગુરુઓએ આ વીષયમાં જરુરી પીછેહઠ કરી. એમણે પૃથ્વીના ખરા આકાર સાથે અન્ય ખગોળીય સત્યનો પણ સ્વીકાર કર્યો. થોડાં વર્ષો પહેલાં, ચર્ચ દ્વારા ભુતકાળમાં ઘણાને સહન કરવું પડ્યું હતું એ માટે ખ્રીસ્તીઓના વડા પોપે અફસોસ દર્શાવી જાહેરમાં એમની માફી માંગી હતી. હવે જુજ અપવાદ બાદ કરતાં દુનીયાના બધા લોકો ભુગોળ અને ખગોળ વીશેનાં વૈજ્ઞાનીક સત્યો સ્વીકારી રહ્યા છે.

થોડાં વર્ષો પહેલાં પ્રવાસ દરમીયાન એક જૈન ધર્મશાળામાં રહેવાનું થયું હતું. એ ધર્મશાળાના પ્રાંગણમાં જૈન માન્યતા પ્રમાણેની પૃથ્વીનું મોટું મોડલ હતું. થાળી જેવા ગોળ આકારના કુંડની વચ્ચોવચ થાંભલા જેવો એક ઉંચો આકાર બનાવેલો હતો, જેને મેરુ પર્વત કહ્યો હતો. એ સીવાય બીજી કોઈ પર્વતમાળા નહોતી. તે ઉપરાન્ત એકમાત્ર પર્વતના તળીયાની આસપાસ સાત ખંડ અને સાત સમુદ્ર બતાવાયા હતા. એવી જ રીતે વર્ષો પહેલાં પાલીતાણાની તળેટીમાં ‘સાચી ભુગોળ’ નામે અડધા કલાકની એક ફીલ્મ જોઈ હતી. એમાં પણ આ જ પ્રકારની વાતો કહેવાઈ હતી.

જે લોકો હજી પણ પૃથ્વીનું પ્રમાણભુત સ્વરુપ સ્વીકારતા નથી એમને પુછવાનું કે, એમની માન્યતાથી અલગ હોય એવું સત્ય અન્ય કોઈ શોધે, એ સ્વીકારવામાં એમનો અહમ્ આડે આવે છે કે પછી બીજું કંઈ કારણ છે ? વધુ અગત્યની વાત એ છે કે સત્યને અવગણી, અસત્યનો સાથ આપી એનો પ્રચાર કરવામાં કયો ધર્મ પળાય છે ?

આપણી કામની વસ્તુ જ્યારે કામ કરતી અટકી જાય ત્યારે નકામી થયેલી તે ચીજ–વસ્તોનો યોગ્ય નીકાલ કરીએ છીએ. તો પછી કોઈ માહીતી કે માન્યતા ખોટી પુરવાર થતાં એને ભુલી જઈ સત્યને સ્વીકારવામાં શી તકલીફ છે ? મનની સફાઈની વાતો દરેક ધર્મમાં  કરેલી છે. એ જ રીતે મગજની સફાઈની પણ જરુર છે. એની વાતો ક્યાંય કરવામાં આવી હોય એમ લાગતું નથી.

આ તો એક નીર્દોષ બાબત છે. આવી એકેડેમીક બાબતોમાં કોણ શું માને છે એથી બીજા કોઈને કંઈ ફરક પડતો નથી. ફરક માત્ર આપણને પડે છે. એમાં આપણી મનોવૃત્તી છતી થાય છે. પોતાને ઉદાર મતવાદી અને પ્રગતીશીલ ગણાવતા આપણે અજ્ઞાની, જડ અને દમ્ભી પુરવાર થઈએ છીએ.

સૌને સમજાય એવું એક સરળ ઉદાહરણ હતું. બાકી ધર્મના નામે, ધર્મની ઓથે, ધર્મના કાર્યક્ષેત્રમાં ન હોય એવા વીષયોમાં ઘણું અગડમ્ – બગડમ્ ફેલાવવામાં આવે છે એની પણ વાતો કરવી છે.

શ્રદ્ધા – અન્ધશ્રદ્ધા વીશે આજ સુધી ઘણું લખાયું છે. વર્ષોની એ ચર્ચાનો સાર ટુંકમાં કહેવો હોય તો એ જ કે, ‘અન્ધશ્રદ્ધા ઓછી કરવા આપણે કોશીશ કરતા રહેવું જોઈએ; પણ શ્રદ્ધાને છોડવી ના જોઈએ.’ વાત તો સાચી છે; પણ શ્રદ્ધા અને અન્ધશ્રદ્ધા વચ્ચેનો ભેદ કોણ નક્કી કરે ? અને કોઈ કરે તોય બીજા એને સ્વીકારશે એવું માની ન લેવાય.

આપણને જે નજર સામે દેખાય છે, અનુભવાય છે એને અવગણીને પરમ્પરાથી ચાલી આવતી કોઈ માન્યતાને પકડી બેઠા રહીએ, એને અન્ધશ્રદ્ધા સીવાય બીજું કંઈ ન કહેવાય. પૃથ્વી વીશેની આગલી ચર્ચા તો અન્ધશ્રદ્ધા કરતાં પણ બદતર છે. ઘણી અન્ધશ્રદ્ધાઓ તાર્કીક રીતે અયોગ્ય હોય તોય; એમને ખોટી પુરવાર કરવી અઘરી હોય છે. પૃથ્વીના કદ, આકાર, પર્વતમાળાઓ, મહાસાગરો વગેરે બધા શંકા કે પ્રશ્નોથી પર છે. એમના અસ્વીકાર માટે અન્ધશ્રદ્ધાથી પણ આકરો શબ્દ શોધવાની જરુર છે.

સત્ય સામે આવીને ઉભું છે. હવે પુરાણી માન્યતાને છોડીએ. ક્રમશ: રસીક ભાગ બીજો 13 જાન્યુઆરી, 2012ને શુક્રવારે

 લેખકસમ્પર્ક:

શ્રી મુરજી ગડા, 1–શ્યામ વાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 ફોન: (0265) 231 1548 સેલફોન: 97267 99009 email: mggada@gmail.com

કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્રમંગલ મન્દીરમાસીકના ૨૦૦૯ના ઓગસ્ટ માસના અંકમાંપ્રકૃતીની વાસ્તવીકતાવીભાગ અન્તર્ગત પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર

દર સપ્તાહે મુકાતારૅશનલ વીચારોમાણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com/

વળી, જીજ્ઞાસુઓ માટે અને આરૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભસંગ્રહ સારુ તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈમેઈલ આઈડી પર, પોતાનું સરનામું આપી, એક મેઈલ લખે તો તેને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

અક્ષરાંકન:ગોવીન્દ મારુ – 405, સરગમ સોસાયટી, કાશીબાગનવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ:એરુ એ. સી.– 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 16–12–2011

16 Comments

 1. સત્ય કથા નથી, અનુભવ નથી કેવળ મતભેદ છે સંસ્મૃતિનો અને જોવાનો( દ્રષ્ટિ-કોણનો).

  Like

 2. મુ. શ્રી મુરજીભાઈ,

  આપે લખ્યું છે: “મનની સફાઈની વાતો દરેક ધર્મમાં કરેલી છે. એ જ રીતે મગજની સફાઈની પણ જરુર છે. એની વાતો ક્યાંય કરવામાં આવી હોય એમ લાગતું નથી.”

  ખરેખર તો મન પણ મગજની જ પ્રવૃત્તિ છે એ સમજાય તો મન અને મગજ બન્નેની એક સાથે સફ઼ાઈ થઈ જાય!

  Like

  1. You are right. The proper words to use would be heart and mind. (Heart is to be taken as conventional term and not a medical term.)

   Like

 3. Beautiful article and the topic on “In search of Truth” has been explained in very simple and effective words………. Congratulations, Mr. Murji Gada….. Waiting eagerly for the second part of the article

  Like

 4. very nice, and our all main religeon people, need to give this knowledge to our community.Thanks Murjibhai.

  Like

 5. ભાઈશ્રી મુરજીભાઈ,
  આપણે એમ સ્વીકારીએ કે કુદરત એ સર્વોપરી છે તો “કુદરતના નીયમો એ જ સત્ય” એવી વ્યાખ્યા ભૌતીક જગત માટે કરી શકાય.
  વીક્રમ દલાલ

  Like

 6. સચ્ચિદાનંદ સ્વામીજીના પ્રવચનમાંથી લખું છું.

  જે પ્રજા સત્યને શોધી શકે છે તે પ્રજાજ મહાન થતી હોય છે. જે પ્રજા સત્યને શોધી નથી શકતી તે લાખ પ્રયત્ને પણ મહાન નથી થઇ શકતી. સત્ય શોધવાના ચાર ઘટકો છે. શાસ્ત્ર, આર્ષ પુરુષો, પોતાના અનુભવો અને પ્રયોગ શાળા.

  કોઈ પણ ધર્મ, સંપ્રદાય કે રાષ્ટ્ર શાસ્ત્ર વિનાનું હોયજ નહિ. શાસ્ત્ર એક પ્રકારનું બંધારણ છે. શાસ્ત્રો વર્ષો પહેલાંની પરિસ્થિતિની સાપેક્ષમાં લખાયેલા હોય છે. આજે ઘણું બદલાયું છે, તો સત્યના સ્વરૂપમાં પણ ઘણો બદલાવ દેખાય છે. પ્રાચીન કાળમાં જે સત્ય શોધ્યું તે ત્રણે કાળમાં એનું એજ રહેવાનું છે, તે બરાબર નથી. “આઈનસ્ટાઇન”ના સિદ્ધાંત પ્રમાણે એક સત્ય બીજી જગ્યાએ અસત્ય થઇ જાય છે. વડોદરાને મોટું શહેર કહેવું કે નાનું શહેર કહેવું? આણંદ અને નડિયાદની દ્રષ્ટિએ મોટું છે અને મુંબઈની સરખામણીમાં નાનું શહેર છે. બે-ચાર હજાર વર્ષો પહેલા જે નિર્ણયો થયા તેમાંના ઘણા નિર્ણયો આજે ચાલી શકે, પણ તમે શત-પ્રતીશક એજ સત્ય આજે ચલાવવા માંગો તો દુનિયા પણ તેટલીજ જુની થઇ જાય. શાસ્ત્ર હંમેશા વ્યાખ્યેય હોય છે, તેને મીણના નાકની જેમ ફેરવી શકાય છે. જે શાસ્ત્રને આખુંજ તેમનું-તેમ માથાપર ઉપાડનારો છે તેને વેદિયો કહેવાય છે.

  આર્ષ-પુરુષો એટલે હંમેશા સાચુંજ બોલનારા, સાચુંજ માનનારા અને સાચુંજ આચરનારા. આવા મહા પુરુષો ઘણા દુર્લભ છે. દુનિયાના એકે-એક મહાપુરુષો એમના જમાના કરતાં જુદાજ પડ્યા છે. આવા પુરુષો પોતાની વાતમાં મક્કમ રહેતા હોય છે અને તેમનું સત્ય સિદ્ધ થતું હોય છે. (બ્રુનો અને ગેલીલિયો)

  પોતાના અનુભવો. ગાંધીજીએ સત્યના પ્રયોગો લખ્યા છે. બહુ થોડા લખ્યા છે. ઉત્તર્વર્તી બહુ લખ્યા નથી, તેમણે કહ્યું કે જો ઉત્તર્વર્તી અનુભવો લખું તો જીવતા માણસોને અન્યાય કરી બેસું. પોતાના અનુભવો છે, એથી વધારે સત્યની મોટી પ્રયોગશાળા નથી.

  જેને આપણે અદ્રશ્ય જગત કહીએ છીએ, તે દ્રશ્ય જગત પર બહુ મોટો પ્રભાવ નાંખે છે અને આ અદ્રશ્ય જગતને તમે જોઈ શકો, જાણી શકો અને સમજી શકો તો એ તમારા દ્રશ્ય જગત પર બહુ મોટી અસર ઉત્પન્ન કરે છે. આ અદ્રશ્ય જગતને જોવા માટે પ્રયોગશાળા એટલે કે લેબોરેટરી બનાવવામાં આવી. પ્રાચીન કાળમાં રોગનું નિદાન “પ્રતિભા” થી થતું કારણકે ત્યારે પ્રયોગશાળાઓ ન હતી. વૈદ્યો નાડી, જીભ, આંખ વિગેરેથી રોગનું નિદાન કરતા, અત્યારે પ્રયોગશાળા અનિર્વાર્ય થઇ ગઈ. માત્ર પ્રતિભાથી કે ઊંટ વૈદાથી દવા ન આપી શકાય. બહુ ઝડપથી દુનિયા આગળ દોડી રહી છે અને તે મુજબ આપણે દોડવુંજ પડશે. જો ન દોડો તો પછાત રહી જાવ અને પછાત રહી જાવ તો તમારું શોષણ થાય. આજે ચારે તરફ સત્યને શોધવા પ્રયોગશાળાનુંજ વાતાવરણ છે અને તે જમાના અનુરૂપ યોગ્યજ છે.

  http://www.sachchidanandji.org/cgi-bin/playlect.cgi?../SATLECT/mp3ss619.htm:SATLECT
  સત્યની શોધમાં

  Like

 7. શ્રી.મુરજીભાઈની લેખનશૈલી પણ મને તો અનુસરણીય લાગે છે. તર્કબદ્ધ ઉદાહરણો દ્વારા સમજણ. વાહ ! ’કોઈ માહીતી કે માન્યતા ખોટી પુરવાર થતાં એને ભુલી જઈ સત્યને સ્વીકારવામાં શી તકલીફ છે ?’ ખરી વાત, આજે પણ પૃથ્વી સપાટ જ (માન્યતામાં !) રહી હોત તો વહાણવટુંથી માંડી અવકાશ સંશોધનના જે હજારો ક્ષેત્ર ખીલ્યા છે તે ના ખીલ્યા હોત. અને માનવજાતનો વિકાસ એ દીશાએ કુંઠીત થઈ ગયો હોત.

  ભાગ-૨ ની પ્રતિક્ષા રહેશે. આભાર.

  Like

 8. સત્ય એટલે શું ?
  શાસ્ત્રોમાં સત્યના બે પ્રકાર ગણાવ્યા છે.એક કહેવાય છે ઋત અને બીજો કહેવાય છે સત્ય.ઋત એટલે એ વસ્તુ કે વિચાર કે જે સમયની ચૂડમાં સપડાય નહીં. એટલે કે સમયના વહેણ સાથે એ વસ્તુ કે વિચારમાં કોઇ ફેરફાર થાય નહીં. જેમ કે ગુરૂત્વાકર્ષણનો નિયમ, અથવા જન્મેલાનું મૃત્યુ થવાનું જ છે એવું વિધાન.અને સત્ય એટલે રોજિંદા જીવન દરમિયાન થોડા ઘણા સમય માટે ન બદલાતી વસ્તુ કે વિચાર જેમ કે હું આજે જીવિત છું, પણ કાલે ન પણ હોઉં. અથવા હું પહેલા બાળક હતો, હવે યુવાન છું અને પછી વૃદ્ધ થઇશ આ ત્રણે વિધાન સત્યતો છે જ પણ તે ત્રણેની સાથે ભૂત,વર્તમાન અને ભાવિ સંકળાયેલા છે ને !

  Like

 9. સત્ય અને અસત્ય વચ્ચે કેવળ એક અક્ષર “અ’ નો તફાવત છે, છતાં બન્ને એક બીજાના કટ્ટર વિરોધાભાસી છે.

  કોઈએ એ સત્ય જ કહેલ છે કે “સત્ય એ જગતના બધા ધર્મો કરતા ઉત્તમ ધર્મ છે.”

  સત્ય અને અસત્ય ના કાર્ય વિષે આ પણ એક કહેવત છે કે “સત્ય જોડા પહેરીને તય્યાર થાય ત્યાં સુધીમાં અસત્ય પુરા જગતમાં ફરી વળે છે.”

  ઉર્દુ ભાષાની એક કહેવત આ પ્રમાણે છે:

  “સચ્ચે કા બોલબાલા, જુઠે કા મું કાલા”.

  કાસીમ અબ્બાસ

  Like

 10. This article is an eye opener. To open an eye means to know the truth. When a person looks at the happenings around him/her,with closed eyes, means he/she does not know what is the truth. He/She is mechanical & does not use his/her brain. Because it is said in PURAN, it is the only TRUTH for them.

  Let us study a scientific research which has established a fact/truth that the sex of an off spring is decided by the male partner’s chromosomes/genes…XX, YY, XY, YX….The details of the subject GENETICS, gives the truth that MALE PARTNER and NOT THE FEMALE PARTNER is responsible for deciding the sex of their child…BOY OR GIRL.

  Even today, in India (Let us limit ourselves to INDIA) in rural as well as in Urban area woman is tortured for the birth of a Girl, she delivers. PURUSHPRADHAN society. Only male child can send his parents to SWARG or give MOX..This is the teaching , Hindu Dharma gives. And blind followers believe it even today. Why STRIBHRUNHATYA ?

  Let us restrict ourselves to the PRACTICAL LIFE, DAILY SOCIAL LIFE WE LIVE AND ITS EFFECTS on society, and how to eradicate the blind believes from the society. ,rather than discussing the theories and Dharma & holy books & who said what…..Our goal has to be eradicate blind belief from the society. Sadhuo and Shastrio and Swamio can be a best carrier of the result oriented solution to the problem.

  The EARTH was flat at one time, now every single person on the crust of this earth knows and believes that the earth is round.

  Kavi Akha has said , ” Ek murakhne evi tev, Pathhar etla puje dev, Pani dekhi kare snan, tulsi dekhi tode paan, ae Akha vadhu utpat, Ghana Parmeshwar ae kyani vaat?

  ” Tilak karta trepan thaya, Jaymala na naka gaya, katha suni futya kaan, Akha, toe na aviyu BRHAMGYAN….Let us say…..SATYAGYAN.

  Gandhiji wrote “SATYA NA PRAYOGO” only after putting SATYA in practice. We have to follow him. Is it possible, in today’s world ?

  UNDA ANDHARETHI,PRABHU, PARAM SATYE TU LAI JA.

  BE PRACTICAL AND NOT THEORIST.

  Like

 11. શ્રી મુરજીભાઈનો સત્ય અંગેનાં લેખમાં એમણે સત્ય હકીકતો રજુ કરી છે.
  સુંદર વાંચવાલાયક લેખ.અભિનંદન.ગાંધીજીએ સાચું કહ્યું હતું કે ભગવાન સત્ય છે
  એના કરતા સત્ય એ જ ભગવાન છે એમ કહેવું જોઈએ.
  વિનોદ પટેલ
  http://www.vinodvihar75.wordpress.com

  Like

 12. Very good explanation to understand well about shradha and andh shradha.Seeing is believing .I like this subject TRUTH.

  Like

 13. સત્ય આપણી ચારેબાજુ મોજુદ હોવા છતાં અદૃશ્ય છે. એ કુદરતના નીયમોના રુપમાં સંતાયેલું છે. એને શોધવું પડે છે. માત્ર આંખોથી નહીં; પણ બધી જ જ્ઞાનેન્દ્રીયોથી જાણવું/ અનુભવવું પડે છે અને બુદ્ધીથી સમજવું – “””ane aatmaa thee j””” ચકાસવું પડે છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s