‘ઉંઝાજોડણી’ એટલે શાસ્ત્રીય(વૈજ્ઞાનીક) જોડણી – ૧

–પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’

      જ્ઞાની પુરુષને સત્ય સમજાવવું, એ સરળ કાર્ય છે. એ જ રીતે સમ્પુર્ણ જ્ઞાનીને સત્ય સમજાવી શકાય. પરન્તુ જે અર્ધદગ્ધ છે, તેને સત્ય સમજાવવું અત્યન્ત દુષ્કર છે.

–ભર્તૃહરી

     ગુજરાતી લેખનક્ષેત્રે ‘ઉંઝાજોડણી’ બાબતમાં ખરેખર ભર્તૃહરીના આ સુભાષીત જેવું જ બન્યું છે. ગુજરાતના જે સાક્ષરો ઉંઝાજોડણીનો વીરોધ કરે છે, તેઓને કયા વર્ગમાં મુકી શકાય, એ તેઓ સીવાયના સમજદાર કે વીચારશીલ શીક્ષીતોને તો સહેજે ખ્યાલ આવી શકે. ‘સાક્ષરા: વીપરીતા:’ –એવો ખેલ ગુજરાતી લેખનક્ષેત્રે જામ્યો છે. આ પ્રશ્ન જ, અર્થાત્ ‘ઉંઝા– જોડણી’ એ મુળભુત રીતે તો વીજ્ઞાનનો, ભાષાવીજ્ઞાનનો પ્રશ્ન છે. તદનુસાર, સમજી લો અથવા તો સ્પષ્ટત: સમજાય છે કે સવાલ લેખન–પદ્ધતી (રીતી)નો છે, જેને ભાષા–પદાર્થ કે એના સૌંદર્ય–ગરીમા સાથે કોઈ જ સમ્બન્ધ નથી. છતાં આવા પ્રશ્નો અકારણ જ ઉભા કરવામાં આવે છે. તો કોઈ વળી કાવ્યના છંદો અને અક્ષરમેળ વૃત્તોની ચીન્તા વ્યકત કરે છે. એવા સમક્ષ અહીં જ એક દાખલો પ્રસ્તુત કરું:

ભુરો ભાસ્યો ઝાંખો

દુરથી ધુમસે પ્હાડ સરખો !

–નર્મદ

        આ એક જ (પહેલી જ) પંક્તીમાં કવીએ હ્રસ્વ–દીર્ધ પરત્વે ત્રણ છુટ લીધી છે, અર્થાત્ કોશગત જોડણી મુજબ, દીર્ધ ‘ઊ’વાળા ત્રણ શબ્દોમાં, એનો હ્રસ્વ ઉચ્ચાર કરવો રહે છે. નર્મદે આ કાવ્ય રચ્યું, એને સવાસો–દોઢસો વર્ષ આસાનીથી વીતી ગયાં, કવીને તો આ બાબતે કશી ફરીયાદ કરવાપણું હતું જ નહીં; કારણ કે ત્યારે આ સાક્ષરમાન્ય ગણાતો જોડણીકોશ પણ ન હતો અને એની મીથ્યા માન ખાટી જનારી અગડમ્ બગડમ્ જોડણી પણ નહોતી જ ! ત્યાર બાદ ગાંધીયુગમાં તો બ.ક.ઠા. જેવા વીદ્વાનોએ સ્પષ્ટ ઘોષણા કરી કે હ્રસ્વ–દીર્ધની છુટ લઈ શકાય. પરન્તુ આ દીર્ઘ સમયગાળા દરમીયાન આ કાવ્ય કદાચ લાખો વાર વંચાયું–ઉચ્ચારાયું હશે, અદ્યાપી ક્યારેય ક્યાંયથી એવી ફરીયાદ સાંભળવા નથી મળી કે, કવી નર્મદે હ્રસ્વ–દીર્ધની લીધેલી છુટને કારણે આ કાવ્યના પઠનમાં કે અભ્યાસમાં આયાસ પડે છે અથવા કષ્ટ અનુભવાય છે.

        હકીકત તો એવી છે કે, સાર્થ જોડણીકોશ મુજબ જોડણી કરવાથી કે એના નીયમો અનુસરવામાં અપરમ્પાર કષ્ટ પડે છે. એનું કારણ એ છે કે પ્રસ્તુત કોશમાં જે જોડણી સ્વીકારવામાં આવી છે તથા એના જે નીયમો બાંધવામાં આવ્યા છે, એમાં કોઈ જ ભુમીકા યા વૈજ્ઞાનીકતા પ્રવર્તતી નથી. માટે જ હું એને અગડમ્ બગડમ્ જોડણી ગણાવું છું. જોડણીના નીયમોમાં પ્રથમ જ નીયમ એવો છે કે, ‘સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મુળ પ્રમાણે કરવી.’ આ નીયમનું પાલન કરવા ઉત્સુક એવા ‘લેખક’ માટે તત્કાળ પ્રશ્ન એ ઉદ્ ભવવાનો કે કયો શબ્દ તત્સમ ? એ જાણવું જ કેવી રીતે ? ગાંધીજી કાંઈ ભાષાવીજ્ઞાની નહોતા, તેઓ એ ક્ષેત્રનું કોઈ જ જ્ઞાન ધરાવતા નહોતા. તેઓનો શુભ આશય તો ફક્ત એટલો જ હતો કે, ‘જ્યાં જ્યાં ગુજરાતી લખાય, ત્યાં ત્યાં સર્વત્ર એનાં લખાણમાં જોડણી એક સરખી જ લખાવી જોઈએ.’ તેઓની હાકલ કે ઈચ્છા જે એવી છે કે, ‘હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધીકાર નથી !’ આવા ફરમાનનો, આવી શુભેચ્છાનો સાચો અર્થ પણ આપણી ઉંઝાજોડણી વીરોધી એવા, એનો અક્ષરેય નહીં સમજનારા ‘સાક્ષરો’, કરી શકતા નથી. ગાંધીજીએ જોયું, નોંધ્યું કે ગુજરાતી લેખનમાં એકન્દરે સર્વત્રે મનફાવે તેમ જોડણી કરવામાં આવે છે, તે અવ્યવસ્થા નાબુદ થવી જોઈએ અને બધે જ એકસરખી જોડણીમાં લેખન થવું ધટે. તેઓનો ઉપર્યુક્ત ફરમાનનો અર્થ બસ, આટલો જ છે. એને બદલે અમુકતમુક સાક્ષરો તથા ગાંધીવાદીઓ એવું ખોટું સમજે છે, ખોટું જ અર્થઘટન કરે છે કે, બસ, કોશગત માન્ય જોડણી એ આખરી નીર્ણયજનીત છે, એમાં હવે કોઈ ફેરફાર નહીં ! મતલબ કે ફેરફાર કરવો એ ગાંધીજીની આજ્ઞાનું ઉલ્લંઘન છે. સાચી વાત તો એ છે કે, સ્વયમ્ ગાંધીજીએ એ પછી કહેલું જ કે, ‘આથી જોડણીમાં સુધારા કરવાનાં દ્વાર સદન્તર બન્ધ થઈ જતાં નથી.’ આવી સ્પષ્ટતાનું કારણ વળી એ હતું કે, જોડણીકોશ પ્રગટ થતાંની સાથે જ, કેટલાક ગુજરાતી સાક્ષરોએ એની અનેક ક્ષતીઓ–અસ્પષ્ટતાઓ સામે અસ્વીકારની લાગણી દર્શાવી હતી. માટે સાહેબો, કૃપા કરીને ઉંઝાજોડણી વીરુદ્ધ ગાંધીજીનો હવાલો ન આપો; કારણ કે એ બીલકુલ અસ્થાને છે.

        હવે ઉપર ટાંકેલા નીયમ–૧ની અવૈજ્ઞાનીકતાની ચર્ચા કરીએ: કોઈ પણ બોલાતી જીવન્ત ભાષામાં તત્સમ–તદ્ ભવ એવા ભેદ હોતા જ નથી ! અહીં ‘બોલાતી’ શબ્દનો પુરો વૈજ્ઞાનીક અર્થ યથાર્થ પામવો પડશે. મતલબ એ જ કે, બોલનાર એટલે કે સમ્બન્ધીત ભાષાના સામાન્ય ભાષકો કયો શબ્દ તત્સમ અને કયો તદ્ ભવ એ તત્વત: જાણતા જ નથી હોતા; કારણ કે એની કશી આવશ્યકતા જ નથી હોતી. ભાષા બોલવી, એટલે એનો ફક્ત એટલો જ અર્થ થાય કે અમુક વીચાર કે ઘટના, ચોક્કસ મૌખીક ઉચ્ચારણો દ્વારા સામાને વીદીત કરવી. એ સંદર્ભે, કોઈ પણ ભાષાના શબ્દો તે એ ભાષાના જ શબ્દોમાં, એમાં તત્સમ–તદ્ ભવ જેવો કશો ભેદ, બોલવાની ક્રીયા સન્દર્ભે પ્રવર્તતો જ નથી. આપણા તમામ શબ્દો ગુજરાતી એટલે ગુજરાતી જ. હા, એવો ભેદ જરુર છે; પરન્તુ એ તો વીદ્વાનો માટે ફક્ત અભ્યાસના એક વીષય તરીકે જ. વળી, તત્સમ શબ્દો જાણે કેવળ સંસ્કૃતના જ હોય, એવું આ કોશકર્તાઓ સમજ્યા છે. પરીણામે અંગ્રેજી, ફ્રેન્ચ, પોર્ટુગીઝ શબ્દોય તત્સમ હોઈ શકે છે અને છે જ, એની જોડણીનું શું ? આવી તમામ મુંઝવણો અને અવ્યવસ્થાનો એક માત્ર રામબાણ ઈલાજ ઉંઝાજોડણી છે.

      શબ્દકોશ (સાર્થ જોડણીકોશ)ની જોડણીવ્યવસ્થા, સુચન કે આજ્ઞા સદન્તર નીષ્ફળ ગઈ છે, એ દીવા જેવી સ્પષ્ટ હકીકત છે. મતલબ કે, પ્રસ્તુત કોશના જન્મને આજે આઠ દાયકા ઉપરાન્તનો સમય વ્યતીત થઈ ગયો; છતાં આજે પણ ક્યાંય પુરેપુરી કોશમાન્ય જોડણીમાં લખાયેલું જોવા મળતું નથી, સીવાય કે વીદ્વાનોનાં અમુક ચોક્કસ લખાણો. બાકી કોઈ, પણ નગરમાં ફરીને જુઓ, દુકાનો વગેરેનાં પાટીયાં, મકાનો આદીનાં નામો પુરેપુરી કોશમાન્ય જોડણીમાં લખાયેલાં જોવા મળતાં જ નથી. અરે ! શીક્ષણસંસ્થાઓના ખુદનાં પરીપત્રાદી લખાણોમાંય જોડણીની ગમ્ભીર અવ્યવસ્થા જોવા મળે છે. અખબારોએ, સામયીકોએ તો જાણે સત્યાગ્રહ જ આદર્યો છે કે, કોશમાન્ય જોડણી તો નહીં જ ! (પરીક્ષાની મોસમમાં ખુદ ગુજરાતીના જ પ્રશ્નપત્રો જોડણીની દૃષ્ટીએ જરા તપાસી જોવા વીનન્તી ! કારણ એ જ કે ગુજરાતીના શીક્ષકોને પોતાનેય કોશગત જોડણી આવડતી નથી !)

       કેટલાક વીદ્વાન મીત્રો વળી, એવી ફરીયાદ કરે છે કે, ઉંઝાજોડણીના સ્વીકારથી શબ્દોના અર્થમાં ગોટાળા ઉભા થઈ શકે, અનેક ગરબડો ઉદ્ ભવે. આવી દહેશત એ સામાન્ય મનોવ્યાપારનું પરીણામ છે. દાખલા તરીકે ઘાસતેલના દીવા આવ્યા, ત્યારે સામાન્ય લોકો દીવેલનાં કોડીયાંના દીવાની તરફેણ તથા તારીફ કરતાં કહેતા કે, એથી આંખોને ઠંડક મળે છે. પછી એ જ અપવાદ (નીન્દા) વીજળીના ગોળા અને ટ્યુબ–લાઈટ સુધી ફટકારાતો જ રહ્યો. આજેય અનેકોને મેં એવું ભારપુર્વક કહેતા સાંભળ્યા છે કે ગેસ પરની રસોઈ ચુલા જેવી સ્વાદીષ્ટ નથી લાગતી ! એ જ મનોદશા આ ઉંઝાજોડણી પરત્વે પ્રવર્તી રહી છે. એમાં આવા વાંધાવચકા વાંચતા સ્પષ્ટ સમજાય છે. બાકી ઉંઝાજોડણીથી ગુજરાતી લેખન એકદમ સરળ અને એકસરખું બની જાય છે. એ જોઈને મહાત્મા ગાંધીજીનો આત્મા ખુશી અને તૃપ્તી જ અનુભવે. મારી બાજુના મકાનનું નામ ‘અમરદિપ’ (હ્રસ્વ ‘ઇ’) એવું લખાયું છે, એ જોઈને મહાત્માજીનો આત્મા જરુર પીડાતો હશે. ઉંઝાજોડણીના સ્વીકારથી એ આપોઆપ ‘અમરદીપ’ (દીર્ધ ‘ઈ’નું ચીહ્ન) બની જાય. આમ, ઉંઝાજોડણી એ ગુજરાતી લેખનનું સરલીકરણ તથા શુદ્ધીકરણ જ છે. હા, ફરીયાદ ફક્ત એક જ થઈ શકે કે એથી અનેકાર્થી શબ્દોની સંખ્યા થોડી વધે. બાકી દુનીયાભરની ભાષાઓમાં અનેકાર્થી શબ્દો તો છે જ. શબ્દોનો અર્થ વાક્યમાં એના વીનીયોગથી જ સ્પષ્ટ સમજાય છે. દા.ત. મારો બનાવેલો જુનો અને જાણીતો દાખલો: ‘મારા પીતા ચા પીતા નથી !’

–ક્રમશ:

ભરતવાક્ય

     ઉંઝાજોડણી એટલે ગુજરાતી ભાષાપરીષદે (મુળ ભાષાશુદ્ધી–અભીયાન) તેના ઉંઝામાં મળેલા અધીવેશનમાં ઠરાવ્યા મુજબ, ગુજરાતી લીપીમાં હ્રસ્વ અને દીર્ધ એમ બબ્બે ‘ઇ’–‘ઉ’ ને બદલે એક જ ‘ઈ’ અને એક જ ‘ઉ’ વાળી, જોડણી જેમાં ‘ઇ’ માટે દીર્ધ ‘ઈ’નું ચીહ્ન ( ી ) અને ‘ઉ’ માટે હ્રસ્વનું ચીહ્ન ( ુ ) અપનાવવાનું ઠરાવવામાં આવ્યું, તે મુજબની નવી કે સુધારેલી જોડણી.

–પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’

ગુજરાતમીત્ર, દૈનીક, સુરતમાં વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી એમની, (શનીવાર તા. 24 ડીસેમ્બર, 2૦11ની) લોકપ્રીય કટાર રમણભ્રમણમાંથી, લેખક અને ગુજરાતમીત્રના સૌજન્યથી સાભાર…

સમ્પર્ક: પ્રા. રમણ પાઠક, A-4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કૉમ્પ્લેક્સ, બારડોલી – 394 641 ફોન: (02622)- 222 176 સેલફોન: 99258 62606

જીજ્ઞાસુઓ માટે અને આરૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા નવા વાચકો માટે, આગલા બધા જ લેખોની પીડીએફ ફાઈલોની મેં ઝીપફાઈલો બનાવી છે.. દરેક ઝીપમાં વીસ પીડીએફ છે.. જે વાચકોને સન્દર્ભસંગ્રહ માટે કે મીત્રોને મોકલવા માટે તેની જરુર જણાય તો મને મારી ઉપરોક્ત ઈમેઈલ આઈડી પર, પોતાનું નામસરનામું આપી, તેઓ એક મેઈલ મને લખે તો તેમને તે સઘળી ઝીપ ફાઈલ મોકલી આપીશ.. વીચારો વહેંચાયેલા અને વાગોળાયેલા સારા એમ મને લાગે છે..

અક્ષરાંકન:ગોવીન્દ મારુ, 405સરગમ સોસાયટી, કાશીબાગ, નવસારી કૃષી યુનીવર્સીટીના પહેલા ગેટ સામે, વીજલપોરપોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન: 99740 62600 ઈ.મેઈલ :  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ – 5–01–2012

131 Comments

  1. ઊંઝા જોડણીમાં જેને લખવું હોય તે લખી શકે, સરળ છે. સાક્ષરો ઊંઝા જોડણીનો વિરોધ કરે તે સ્વાભાવિક છે. વર્ષોથી જે લોકો જે રીતે લખતા આવ્યા હોય તેને બદલવું એ કઠીન કામ છે.

    અત્યારે હું જે ગુગલનું સોફ્ટવેરથી લખું છું તેમાંથી જોડણી થઈનેજ નીકળે છે એટલે કોઈ સવાલજ રહેતો નથી. “ઈ” અને “ઇ” ના ભેદને હું ગણકારતો નથી. મને ભગવદ ગોમંડળમાં થોડી તકલીફ પડતી હતી, પણ ગુગલનું સોફ્ટવેર સારું લાગે છે.

    ઘણા વર્ષો પરદેશમાં રહેવાથી, હું ગુજરાતી બહુ સારી રીતે જાણતો નથી, પરંતુ મારું માનવું છે કે એકજ જાતની જોડણી કરવાથી શબ્દોના અર્થ બદલાઈ જતા હોય છે. દા.ત. પાણી અને પાણિ. પૂરી અને પુરી વિગેરે., એટલે સાક્ષરોને ઊંઝા જોડણીની વાત ગળે ઊતરતી નહિ હોય.

    આજકાલ લોકોને જોડણી વિષે જ્ઞાન પણ નથી અને નવું શીખવા તૈયાર પણ નથી. લોકોને ઘરેડમાંથી કાઢી શકાતા નથી. એટલે મને એવું લાગે છે કે નવું જનરેશન ઊંઝા જોડણી અપનાવશે, તો તે તરફ પ્રયત્નો કરવા જરૂરી છે.

    Like

    1. તમારી વાત સાવ સાચી છે.હુ ઉન્ઝા જોડ્ણી સાથે સહમત છુ. દીપક જાની

      Like

  2. hu bahu bhanelo nathi pan hu evu manu chhuke panini munie je vyakaran ni rachana kari ene maanvu joie etlunj nahi maan aapvu joie.
    urdu bhashaamaa farsi arbi shabdo vadhu hoy chhe .
    ketlak arbi shabdone urdumaa arbini ritej lakhvano aagrah rakhay chhe.dakhala tarike ” aadatan”shabd urdumaa lakho to arbini ritej lakhavaano aagrah rakhay chhe .etle urdumaa aadatan lakho to arbi prmane lakhvo padechhe etle emaa” n “lakhatoj nathi
    hamna maru kampyutar biji bhashaa lakhi aaptu nathi . nahitar hu lakhi batavatke aadatan kem lakhay
    nane modhe moti vat lagti hoy to mane maaf karjo.

    Like

  3. If ‘Jodani’ in English meant as ‘Spelling’, in one country i.e. in Malaysia (Kuwalalumpur city) english words are spelt differently, e.g. Electric is spelt as Elektric, Computer is spelt as Komputer, Economic is spelt as Ekonomik, Jeans is spelt as Jins, etc. Still there is no confusion in understanding the meaning. The meaning of the word has to be interpreted and understood with reference to context in which it is used. So there should not be any grumbling about using ‘Unza’ jodni in Gujarati language.

    Like

  4. Prof: Raman Pathakjiye sundar vicharvinimaya kariyo chhe.
    Gandhiji vidvan bhashvignani na hata. Temne aa khshetranu koij gnan na hatu. Tatsam ane Tadbhav na jankar pan na hata.
    Sachi vaat. Navjivan Prakashan Mandir dwara prakashit Gandhijini atmakatha,” Satyana prayogo athava Aatmakatha” tenu sundar udaharan chhe. Purushvachak ane streevachak shabdo no upayog juo.

    Lokbhasha ke pradeshik bhasha na shabdo na uchharo ” Bar gave boli badlai” na satya same “THEORY BASED SPELLING” kyan? Mehanani lokbolina uchhar Vs Hurti lokbolina uchhar…shaboma utaro ane lekh lakho. Banne bhasha no lokboli thaki potana vicharo sambharnari vyaktine sandesho aapvano chhe. Sorthi lok-sahitya manvu hoi to Jhaverchand Meghani ne vancho. Hurtioma rahine jivan jivata parsioni boli mani juo!

    Aapna NATAKO ane FILMOMA bolati bhashana uchhara keva artificial laage chhe? Tyan vaprata uchharone (Dirgha ane Hrashva) kevi rite lakhanma janmavavu?

    Bhadram Bhadra Uvacha,” Mohamayi nagarini ek mulyapatricani aavashakyata chhe. Agnirathaviramsthan javu chhe.

    How many miles?…Gujaratikaran : ketala mile? ‘ Mile’ shabda swikari lidho ne?

    In English, British spell ” Colour”…Americans spell, “color”

    Spoken English, American pronounciation is totally different than British and that is different than what a Tamilnadu scholar speaks.

    Aaje prasidhha thata Gujarat Samachar, Gujaratmitra, sandesh….ane bija news papers vaancho…ketala angareji shabdono upayog thai chhe?

    1998ni saalma Prof:Somabhai Patele ek pushtak lakhiu hatu, ” Gujarati jodani-Samashiya….Ukelni dishama Vicharna” JARUR THI VAANCO.

    Ek udaharan from page,25:

    ” Gujarati dhvanivyavashtha ange thaela sansodhan ane prapya hakikato anusar aaje aapani bhashama upayukta aath svaro ja karyakhsham chhe ane aa hakikat sau koiye swikareli chhe. Aano artha ae ke aaje gujaratima ekaj E ane ekaj U swar kariyakhsham(Functional) chhe.
    ……….
    ” Kharekhar to gujarat vidyapithno kosh pragat thayo ae pachhi jodani ane varnavyavashtha ange je je prashno ubha thai teni samiksha kare evu koi alag tantra ke koshkariyalaya hoi ae aavashyak ganai……………”

    Details are very interesting and eye opening. Junvani maathi aapne samayni saathe chhalvanu chhe.

    Vidvano(?) ke jeyo nava nava vandha vachaka kaadhe chhe teoni sankhiyani saame temana jetlu gnan(?) nahi dharavta lokoni sankhiya…00.01%( Vidvano) vs 99.99% chhe.(Little knowledge about Bhasha-jodani).

    Chalo vadhu vichar vinimai kariye.

    aabhar.

    Amrut(Suman)Hazari.

    Like

  5. ઊંઝા જોડણી એટલે શાસ્ત્રીય જોડણી આવો દાવો તો છે; પરંતુ મારૂ માનવું છે કે ભલે સરલી કરણ થતું, છતાંયે આપણી બોલાતી ભાષા ને ઊંઝા જોડણી પુરેપુરી represent નથી કરતી. ન્હાનાલાલ ના sonates પુરા ઊંઝા જોડણી માં લખી ને સમજાવવા જોઈએ. વળી સ,શ અને ષ વગેરે ના બદલે એક જ સ ચાલે કે નહિ?શ્રી ધ્રુવ ભટ્ટ ની વાર્તા ‘અકુપર’ માં તેમને નવો સ પ્રયોજ્યો છે. કારણ કે બોલીમાં થતી લાગણીઓ ને પુરેપુરી વફાદારી થી લેખિતમાં રજુ કરવા માટે એમને જરૂરી લાગ્યું હશે.પાંચ ગામે બોલી અને ઉચ્ચારો બદલાય છે. તો તે ઊંઝા જોડણી થી કેવી રીતે સમજાવી શકાય? એક વાંચક તરીકે મારો આ જીજ્ઞાસા ભર્યો પ્રશ્ન છે.

    Like

  6. Friends,
    Surti (Hurti) lokbhasha / bolima Dr. Kishore Modini Kavya pushtika ” Ae Vihlo” Jarurthi vancho. This is a NAVTAR KAVYA PRAYOG,Dr.Modi has given to Gujarati Sahitya. Dr. Madhusudan Parekhe temna pushtak…Dariyaparna Sarjakoma Dr.Modini aa prastutina bharpet vakhan karela chhe.
    Yaad aave chhe ke Kavi Chatur Patelni charotarni bhashama Vs Parsibolima kavitao pan sahitya vartulma vanchavi joiye. Sahityama NAVTAR PRAYOGONU SWAGAT KARIYE.

    NAVTAR PRAYOGO KARTA RAHO….TIME IS THE SOLUTION….Badhu swikarai jase…500 varsh pahelanu Gujarati vancho…Dayaramne vancho….200 varsh pahelanu Gujarati lakhan vancho…100 varsh pahelanu vancho…ANE AAJE ANGREJI SHABDOTHI BHARPUR GUJARATI VANCHO…KAYA JANITA LEKHAKO ANGREJI SHABDONO UPAYOG NATHI KARTA ?

    SAMAY ANE JINDAGI PARIVARTANSHIL CHHE.

    Amrut(Suman)Hazari.

    Like

  7. બધા કામને વધારે પડતા સહેલા બનાવવા જ જોઈએ? આપણી બોલીમાં હ્રસ્વ કે દીર્ઘ ઇ અને ઈ તેમ જ ઉ અને ઊ હોય જ છે અને તે પ્રમાણે શબ્દોના અર્થ જુદા જુદા થાય પણ છે તે હકીકતને અવગણવી ના જોઈએ. તેવી જ રીતે સ, શ અને ષ ના અંતર છે તો છે. તો લખવામાં શા માટે ભેળસેળ કરી નાખવી. ખોટી જોડણીને લીધે અર્થ બદલાઈ જાય અથવા સમજફેર કે ગોટાળા થાય તે કેમ ચાલે? મને તો મારું નામ દીર્ઘ ઈ સાથે લખાય તો નથી ગમતું.

    Like

  8. ઊંઝા જોડણી એ નવા યુગનું સંશોધન છે .
    અને અનીવારય છે ,

    ગુજરાતીને જીવતી ધબકતી રાખવા માટે આ એકજ માર્ગ છે ,

    આવતી પેઢી આ પ્રયત્ન ને સો સો સલામ કરવાની છે , અંગ્રેજીયતમાં ફસાયેલા આપણે હવે જાગવાનો અવસર lavya chie .

    koike to આ praytna kidho .

    varsho juna vicharo chodvanma shanpan છે ,

    je લોકોને gujratima lakhvu hoy ya to bharatni koi pan bhashama lakhvu hoy to એપિક વ્રિતે athva એપિક ઈન્ડીક તેક્ષ્ત વેબ્સાઈટ તમારા કોમ્પુટર નીસ્નાતને કહો તે તમારા સ્કીન માં નાખી આપશે , થોડુક શીખી લેજો પછી મજા આવશે .

    હું સંસ્કૃતમાં શ્લોકો લોકોને મોકલું છું.

    ઈશ્વર પુરોહિત

    Like

  9. વહાલા રશ્મીકાન્તભાઈ, ઉપર તમારી કૉમેન્ટમાં તમે વ્યક્ત કરેલી શંકા માટે થોડું સ્પષ્ટીકરણ તમારા વાક્ય સાથે જ કરું છું..ઉ.મ..

    રશ્મિકાન્ત ચં દેસાઈ (ઊંધી ખોપરી)

    ર.દે–બધા કામને વધારે પડતા સહેલા બનાવવા જ જોઈએ ?
    ઉ.ગ.–(હા, બધાં જ કષ્ટદાયક કામોને આપણે સરલ નથી કર્યાં ? એક જ દાખલો : રીમોટ કંટ્રોલ)
    ર.દે–આપણી બોલીમાં હ્રસ્વ કે દીર્ઘ ઇ અને ઈ તેમ જ ઉ અને ઊ હોય જ છે
    ઉ.ગ.–(ના, બોલાતી ગુજરાતીમાં એક જ ‘ઇ’ અને એક જ ‘ઉ’ છે. વૈજ્ઞાનીક, ભાષાવૈજ્ઞાનીક પુરાવા અને સો–દોઢસો વરસ પરની પરદેશી ભાષાવીજ્ઞાનીની નોંધો પણ તમે ઈચ્છો તો તમને મોકલી શકું.)
    ર. દે.–અને તે પ્રમાણે શબ્દોના અર્થ જુદા જુદા થાય પણ છે તે હકીકતને અવગણવી ના જોઈએ.
    ઉ.ગ.–(માફ કરજો. શબ્દનો અર્થ તો તે શબ્દ વાક્યમાં પ્રયોજાય ત્યારે સ્ફુટ થાય છે. દા. ત. ‘તે ચોરે પોતાના ખેતરમાં ખાતર નાંખવા ખાતર શેઠના ઘરમાં ખાતર પાડ્યું.’ હ્રસ્વ–દીર્ઘ ‘ઈ–ઉ’ના ભેદ વીનાના અને એક જ વાક્યમાં વપરાતા ‘ખાતર’ શબ્દના વીવીધ ત્રણ અર્થો, વાક્યમાં તે શબ્દ પ્રયોજાયો ત્યારે કેવા ખુબીથી સ્ફુટ થાય છે ! તેવી રીતે ‘મારા પીતા ચા પીતા નથી’ કે ‘મારી પુત્રવધુ જ વધુ કામ કરે છે.’ કે ‘તે દીનથી તે પ્રધાન દીન બની ગયો’ સમજવામાં શી તકલીફ ?’
    ર.દે.–તેવી જ રીતે ‘સ, શ અને ષ’ના અંતર છે તો છે. તો લખવામાં શા માટે ભેળસેળ કરી નાખવી.
    ઉ.ગ.–(વાત સાચી, તેથી જ ગુજરાતી ભાષાના ઈતીહાસમાં ૧૯૯૯માં ‘ઉંઝા’માં મળેલી પ્રથમ જોડણીપરીષદમાં માત્ર એક ઈ–ઉ માટેનો જ ઠરાવ થયો છે. ‘સ, શ, ષ’ની વાત નથી સ્વીકારાઈ. કોઈ એવા પ્રયોગો કરે તો તે ‘ભાષાપરીષદ’ માન્ય નથી. મુળ ઠરાવ મંગાવશો તો જરુર મોકલીશ.)
    ર.દે.–ખોટી જોડણીને લીધે અર્થ બદલાઈ જાય અથવા સમજફેર કે ગોટાળા થાય તે કેમ ચાલે?
    ઉ.ગ.–(ઉપર એનો જવાબ ઉદાહરણો સાથે આપ્યો છે. ગોવીન્દભાઈના આ ‘અભીવ્યક્તી’ બ્લોગમાં સર્વત્ર એક ‘ઈ–ઉ’ જ પ્રયોજાય છે. એક દાખલો તો બતાવો ‘સમજફેર–ગોટાળા’નો ?)
    ર.દે.–મને તો મારું નામ દીર્ઘ ઈ સાથે લખાય તો નથી ગમતું.
    ઉ.ગ.–(નાનપણથી લખતા હોઈએ એટલે શરુમાં એવું લાગે પછી આંખ ટેવાઈ જાય. જેમ ધોતીયાને બદલે પેન્ટ જોવા–પહેરવા ફાવી અને ગમી ગયા તેમ.)
    આ અંગે કોઈ પુરાવા કે ઐતીહાસીક લખાણો જોવાનું મન થાય તો મને લખજો. મોકલીશ…ઉત્તમ ગજ્જર..સુરત..
    uttamgajjar@gmail.com

    Like

  10. રમણ પાઠકનો લેખ વાંચ્યા પછી મારે આટલું જ કહેવાનું:

    (૧) રમણ પાઠક એવો દાવો કરે છે કે જે વાણીમાં ન હોય એ લેખનમાં પણ ન હોય તો એ પ્રકારના લેખનને વૈજ્ઞાનિક લેખન કહેવાય. આ એમની એક પૂર્વધારણા છે જેને વિજ્ઞાનનો કોઈજ આધાર નથી. જગતમાં ઘણી બધી એવી ભાષાઓ છે જેમાં વાણી અને લેખન વચ્ચે પાઠક કહે છે એવો કોઈ સમાન્તર સબંધ નથી.

    (૨) ભાષાવિજ્ઞાનમાં વાણી અને લેખનની વચ્ચે સમાન્તર સંબંધોની કેટલાક વિદ્વાનો વાત કરે છે તો એની સામે છેડે ઘણા બધા વિદ્વાનો એમ પણ કહે છે કે એ બેની વચ્ચે સમાન્તર સંબંધો હોતા જ નથી. જેમ કે ચેક ભાષાવિજ્ઞાનના વિદ્વાનો. કોઈ પણ વિદ્વાન વૈજ્ઞાનિક લેખ લખે ત્યારે એણે પ્રતિપક્ષને પણ ગણતરીમાં લેવો જોઈએ. રમણ પાઠક એવું કરતા નથી. એનો અર્થ એ થયો કે એમને જોડણીના સંદર્ભમાં ભાષાવિજ્ઞાનમાં કયા પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે એની ખબર જ નથી. એઓ, અને ઊંઝા જોડણીના ઘણા બધા સમર્થકો પણ, એક પૂર્વધારણા લઈને ચાલે છે અને પૂર્વધારણાને બીજાઓ પર લાદવાનો પ્રયાસ કરે છે. જે બરાબર નથી.

    (૩) રમણ પાઠક અને ઊંઝા જોડણીના મોટા ભાગના સમર્થકો એવી દલીલ કરે છે કે વિદ્યાપીઠના જોડણી કોશમાં આપવામાં આવેલા જોડણીના નિયમો વૈજ્ઞાનિક નથી. હું એમની વાત સાથે સંમત થાઉં છું પણ સાથોસાથ હું એમ પણ માનું છું કે જોડણીના જડબેસલાક કહી શકાય એવા વૈજ્ઞાનિક નિયમો ઘડી શકાય નહીં. કોશના ઘડવૈયાઓએ એવો પ્રયત્ન કરવા જેવો ન હતો.

    (૪) જે વાણીમાં ન હોય એ લેખનમાં પણ ન હોય- આ સિદ્ધાન્ત વાસ્તવમાં તો અમેરિકન સંરચનાવાદી ભાષાવિજ્ઞાને આપેલો. જે ભાષાઓની પોતાની લેખનવ્યવસ્થા ન હતી એ ભાષાઓની લેખનવ્યવસ્થા ઘડવા માટે આ નિયમ ઉપયોગી બને પણ જે ભાષાની પાસે પોતાની એક નિશ્ચિત એવી લેખનવ્યવસ્થાને બદલવા માટે આ નિયમ ઉપયોગી ન બને.

    (૫) અમેરિકન સંરચનાવાદી ભાષાવિજ્ઞાન પછી તો ભાષાવિજ્ઞાનમાં ઘણા બધા સંપ્રદાયો આવ્યા અને ગયા. એમાં લેખન વિષે સૌથી વધારે ચિન્તન કદાચ ચેકોસ્લોવેકિયામાં વિકસેલા ભાષાવિજ્ઞાને કર્યું છે. રમણ પાઠકે આ લેખ લખતાં પહેલાં એનો પણ અભ્યાસ કરવો જોઈતો હતો. એ ભાષાવિજ્ઞાનીઓ માને છે કે વાણી અને લેખન બન્ને જુદી જુદી વ્યવસ્થાઓ છે અને એકને બીજા સાથે જોડવાના કેટલાક નિયમો હોય છે. એનો અર્થ એ થો કે વાણીના પોતાના નિયમો હોય. એ જ રીતે, લેખનના પણ પોતાના નિયમો હોય. અને એ જ રીતે, વાણી અને લેખનને જોડવાના પણ કેટલાક નિયમો હોય. એનો અર્થ એ થયો કે બાળક જ્યારે લખતાં શીખે ત્યારે એ કેવળ પોતે જે બોલે છે એને કઈ રીતે લેખનમાં મૂકવું એ નતી શીખતું. એ વાણીના પણ નિયમો શીખતું હોય છે, લેખનના નિયમો પણ શીખતું હોય છે અને એ બન્નેને જોડવાના નિયમો પણ શીખતું હોય છે.

    (૬) જે વાણીમાં ન હોય એ લેખનમાં પણ ન હોય એવો સિદ્ધાન્ત આપણે સ્વીકારીએ ત્યારે આપણે એવો નિયમ પણ સ્વીકારતા હોઈએ છીએ કે જે વાણીમાં હોય એ બધું જ લેખનમાં પણ હોય. જો એમ હોય તો ‘કેરી’માં આવતા ‘કે’ અને ‘કેળું’માં આવતા ‘કે’ માટે જુદાં જુદાં ચિહ્નો હોવાં જોઈએ. કારણ કે આપણે ‘કૅરી’ બોલીએ છીએ પણ ‘કૅળું’ બોલતા નથી.

    (૭) જે વાણીમાં ન હોય એ લેખનમાં પણ ન હોય એ સિદ્ધાન્ત સ્વીકારીએ તો ગુજરાતના ઘણા બધા સામાજિક વર્ગો માટે કેટલાક પ્રશ્નો ઊભા થશે. જેમ કે ઘણા ગુજરાતી સામાજિક વર્ગો ‘ળ’ને બદલે ‘ર’ બોલે છે. એમ હોવાથી આપણે એમને કહેવું પડશે કે ભાઈ, તમે ‘કળા’ ન લખો, ‘કરા’ લખો. કેમ કે રમણ પાઠક એવું કહે છે કે જે વાણીમાં ન હોય એ લેખનમાં પણ ન હોય. એ જ રીતે, ‘ણ’ અને ‘ન’ વિષે પણ વિચારી શકાય.

    (૮) રમણ પાઠક કહે છે કે ગુજરાતીઓ જોડણી સાચવતા નથી. પણ, એ માટે વિદ્યાપીઠ કે શબ્દકોશ એ બેમાંથી કોઈને ય પણ જવાબદાર ન ઘણી શકાય. એ માટે ગુજરાતી પ્રજાને જ જવાબદાર ગણી શકાય. માનો કે ન માનો પણ એ એક હકીકત છે કે મોટા ભાગના ગુજરાતીઓ એમની માતૃભાષાને વફાદાર નથી. એમ હોવાથી એઓ જોડણી, ઉચ્ચાર કે વ્યાકરણની ઝાઝી ચિન્તા કરતા નથી. આ ભાષાવફાદારીનો સિદ્ધાન્ત સમાજભાષાવિજ્ઞાનમાં ઘણો વિસ્તારથી ચર્ચાયો છે.

    (૯) ભાષાવિજ્ઞાની ચોમ્સકી optimal orthographyની વિભાવના આપે છે. એ કહે છે કે ‘an optimal orthography would have one representation for each lexical entry’. એટલે કે જે ભાષામાં શબ્દ માત્ર એક જ રીતે લખાતો હોય એ ભાષાની orthographyને optimal કહી શકાય. પછી, એ અંગ્રેજી ભાષાની orthographyની વાત કરતાં કહે છે કે અંગ્રેજી ભાષાની orthography optimalની નજીક છે. હું પણ માનું છું કે ગુજરાતી ભાષાની orthographyને બને એટલા optimal બનાવવાના પ્રયાસો કરવા જોઈએ પણ એમ કરતાં પહેલાં ગુજરાતી ભાષાના લેખનસ્વરૂપન ઇતિહાસને અને બીજાં અનેક પાસાંને પણ ધ્યાનમાં લેવાં જોઈએ. કેવળ જે ન બોલયા એ લખાય એવી માળા જપવાનો કોઈ અર્થ નથી.

    Like

  11. સરસ લેખ. જો કે આ પહેલાં ‘ગુજરાતમીત્ર’માં આ લેખ વાંચ્યો હતો આથી અહીં ફરીથી ખોલીને વાંચ્યો ન હતો, પણ ઉત્તમભાઈના કહેવાથી એમાં આવેલી કૉમેન્ટ જોવા માટે ફરીથી ખોલ્યો.
    મને જ્યારથી જાણ થઈ ત્યારથી હું ઉંઝા જોડણીનો સમર્થક છું. ઉત્તમભાઈએ કહ્યું તેમ શરુઆતમાં જોવું ગમતું હોતું નથી, પણ પછીથી આંખ ટેવાઈ જાય છે. જો કે હાથ વડે લખતાં હજુ સાર્થ જોડણી લખાઈ જતી હોય છે, પણ કંપ્યુટર પર ફાવટ આવી ગઈ છે. હું સાર્થ જોડણીનો ઘણો આગ્રહી હતો, અને સાચી જોડણી લખવાનો હંમેશાં પ્રયાસ કરતો-કરું છું. પરંતુ મને લાગે છે કે સાર્થ જોડણી વૈજ્ઞાનીક નથી, જેમાં નીયમો કરતાં અપવાદો વધુ છે. ગુજરાતી જોડણીમાં હજુ પણ જરુરી ફેરફારો કરીને એને વધુ વૈજ્ઞાનીક બનાવવી જોઈએ, જેથી એ સરળ પણ બનશે જ. વળી શબ્દોના અર્થ તો આખા વાક્યમાં પરસ્પરના શબ્દોના સંબંધો પરથી જ સ્પષ્ટ થતા હોય છે, એ રીતે જોઈએ તો હજુ ઘણા સુધારાને અવકાશ છે, જેમ કે અનુસ્વાર.

    Like

  12. સંસ્કૃતમાંથી આજની આ ગુજરાતી સુધી પહોંચતાં પાંચ પેઢી વીતી ગઈ છે.આજની ગુજરાતી તે સંસ્કૃતની દીકરીની દીકરીની દીકરીની દીકરીની દીકરી છે !! એણે ક્યાં સુધી આ દાદીનો છેડો પકડીને ચાલ્યાં કરવાનું ?!

    આપણે ભારતીય સંસ્કૃતીની કેટકેટલી પરંપરાઓ છોડી દીધી છે ? પહેરવેશ, રહેણીકરણી, જીવનવ્યવહારો, ખોરાક અને બોલી સુદ્ધાં આપણે બદલી નાખ્યાં છે. પણ સંસ્કૃતની આંગળી છોડાતી નથી. અરે, બીજાની વાત જવા દો, આપણી ભાષાએ પણ સંસ્કૃતનું ઘણુંબધું છોડ્યું જ છે. બલકે વીરામચૂહ્નો તો આપણે બહારથી/વીદેશથી લઈ આવ્યા છીએ !!

    જોડણી અંગેની ચર્ચાઓ ગોવર્ધનરાનીય પહેલાંથી ચાલતી આવી છે. અત્યાર સુધીમાં કુલ ૯ વખત જોડણી અંગે નીષ્ણાતોની સમીતીઓ મળી ગઈ. બધી સમીતીઓમાં પંડીતોને જ બોલાવાયા છે ! સામાન્ય માણસનો પ્રતીનીધી એમાં પ્રવેશી જ શક્યો નથી. ગાંધીજીને પણ, કહેવાય છે કે ખ્યાલ ન રહે એ રીતે એમના વખતમાં બની તે સમીતીમાં પંડીતોનું જ જોર રહ્યું હોઈ સુધારાઓને અવકાશ જ ન રહ્યો.

    કોશની પ્રથમ આવૃત્તી વખતે ‘સુધારાઓ’ શક્ય હોવાનું કહેવાયેલું પણ પછી તો કોશસંપાદકે લખેલું કે જોડણીના નીયમોમાં ફેરફાર ન હોય !! આમ આપણી ગુજરાતી બંધીયાર બનાવી દેવાઈ હતી !

    Like

  13. તા. ૯–૧૦ જાન્યુઆરી, ૧૯૯૯માં ઉંઝા મુકામે મળેલી ગુજરાતની ‘પ્રથમ જોડણી પરીષદ’માં બે દીવસની વીસ્તૃત અને સઘન ચર્ચાવીચારણાને અંતે, ભાષાવીજ્ઞાનીઓ, સાહીત્યકારો, તંત્રીઓ–પત્રકારો, શીક્ષકો–પ્રાધ્યાપકો વાલીઓ જેવા ત્રણસો જેટલા સભ્યોની મળેલી આ પરીષદે સર્વાનુમતે ઠરાવ્યું :
    • ‘અખીલ ગુજરાત જોડણી પરીષદ’નો ઠરાવ •
    ગુજરાતીમાં ‘ઈ–ઉ’ની જોડણીના પ્રવર્તમાન નીયમો અતાર્કીક અને ઘણી વીસંગતતાઓથી ભરેલા છે, તેમ જ ગુજરાતી ભાષામાં ‘ઈ–ઉ’નું હ્રસ્વત્વ–દીર્ઘત્વ અર્થભેદક ન હોઈને એ અવાસ્તવીક પણ છે. તેથી હવે પછી તે નીયમો છોડી દેવા અને લેખનમાં સર્વત્ર એક ‘ઈ’ અને ‘ઉ’ યોજવા. ‘ઇ’ માટે દીર્ઘ ‘ઈ’ ( ી )નું અને ‘ઊ’ માટે હ્રસ્વ ‘ઉ’ ( ુ )નું ચીહ્ન રાખવું.
    (ઉંઝા: તા. 9–10 જાન્યુઆરી, 1999º
    ઉંઝા મુકામે ભરાયેલ પરીષદમાં આ નીર્ણય થયો હોઈ આ પ્રમાણેની એક જ ‘ઈ–ઉ’વાળી જોડણી, ‘ઉંઝાજોડણી’ તરીકે ઓળખાય છે.

    અક્ષરાંકન: uttamgajjar@gmail.com

    &&&&&&&&

    આજે હાઈ સ્કુલમાં ભણાવાતા વ્યાકરણમાંથી…
    ગુજરાતી વ્યાકરણ અને લેખન
    (પ્રથમ ભાષા)
    ધોરણ –આઠ
    પ્રકાશકઃ ગુજરાત સરકારનું
    ‘ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ’
    ‘વિદ્યાતન’, સેક્ટર ૧૦–એ, ગાંધીનગર–૩૮૨ ૦૧૦
    પ્રથમ આવૃત્તિઃ૨૦૦૪, પુનર્મુદ્રણઃ ૨૦૦૫, ૨૦૦૬
    વિષય–સલાહકારઃ ડૉ. ચંદ્રકાન્ત શેઠ અને ડૉ. રતિલાલ બોરીસાગર
    લેખન અને સંપાદનઃ ડૉ. પોપટલાલ જે. પટેલ

    પ્રકરણઃ ૪ ઉચ્ચરિત અને લિખિત ભાષા
    પાનઃ ૬૫ ઉપરથી સાભાર…(આજે પણ શાળામાં ભણતાં કોઈ વીદ્યાર્થીની વ્યાકરણની ચોપડી મંગાવી તમે પાન : ૬૫ પરથી આ લખાણ સરખાવી જોજો..)

    ‘ગુજરાતીમાં આપણે નાનો ‘ઇ’ અને મોટો ‘ઈ’ તથા નાનો ‘ઉ’ અને મોટો ‘ઊ’ એવા લઘુ–દીર્ઘના ઉચ્ચારો કરતા નથી; જેમ કે
    ‘પાણિ’ અને ‘પાણી’
    ‘પુર’ અને ‘પૂર’ વગેરેમાં આપણે એક જ પ્રકારનો ‘ઈ’ અને એક જ પ્રકારનો ‘ઉ’ ઉચ્ચારીએ છીએ. જ્યારે લખવામાં એમાં ‘હ્રસ્વ સ્વર’ અને ‘દીર્ઘ સ્વર’ એવો ભેદ જાળવીએ છીએ અને એ જ પ્રકારની જોડણીનો આગ્રહ રાખીએ છીએ.
    &&&&&&
    ધોરણ આઠથી બાળકોને આપણે સાચી વાત બતાવી દઈએ છીએ કે ઉચ્ચારણમાં હવે બે ‘ઈ–ઉ’ ટક્યા નથી; પણ લખવામાં આગ્રહ રાખીએ છીએ ! આ કઈ જાતની વાત ? ‘ઈ–ઉ’ એક જ છે એ સત્ય વાત બાળકોને ઠસાવ્યા પછી; તે સત્યને લખવામાં આચરવાનું નથી; ‘અસત્ય’ આચરવાનું ! ‘સત્ય જુદું’ ને આચરવાનું ‘જુઠું’ એવું શીખવવું બાળકોને ? આ આપણી શરમ નથી ? ..ઉત્તમ ગજ્જર..સુરત.. uttamgajjar@gmail.com

    Like

    1. ઉત્તમભાઈ, મને લાગે છે કે તમે અહીં ઊભો કરેલો મુદ્દો (પાઠ્યપુસ્તકમાં હ્રસ્વ-દીર્ઘની વાતનો સમાવેશ કરવાનો) હું ચૂકી ગયો છું. હવે તો આ ચર્ચા પણ બંધ થઈ ગઈ છે. એમ છતાં એ વિષે થોડીક વાત: મને લાગે છે કે પાઠ્યપુસ્તક બનાવનારાઓને આ મુદ્નો્ાની રજુઆત કરતાં આવડ્યું નથી. મેં અહીં મારા વિદ્યાર્થીઓને ભણાવવા માટે જે પુસ્તક તૈયાર કર્યું છે એમાં એક પ્રકરણ છે: લેખન અને વાણી વચ્ચેના સંબંધો. મેં એમાં ગુજરાતી ધ્વનિ-લેખન વચ્ચેના સંબંધોની વાત કરતાં કહ્યું છે કે ધ્વનિ અને લેખન વચ્ચે કાં તો સમાનતાના કાં તો અસમાનતાના સંબંધો હોઈ શકે. સંપૂર્ણ સમાનતા એક આદર્શ પરિસ્થિતિ હોય છે જે બહુ ઓછી ભાષાઓમાં જોવા મળે છે. એ જ રીતે, સંપૂર્ણ અસમાનતા પણ બહુ ઓછી ભાષાઓમાં જોવા મળે છે. ગુજરાતીમાં ઇ-ઈ અને ઉ-ઊ બન્ને એક જ રીતે બોલાય છે એ એક પ્રકારની અસમાનતા છે અને એમાં કશું ખોટું નથી. એટલે પાઠ્યપુસ્તકના લેખકોએ એમ કહેવું જોઈએ કે જગતની ઘણી બધી ભાષાઓમાં જે ધ્વનિઓ બોલાતા નથી એ લિપિમાં હોય છે અને જે લખાય છે એ બોલાતા નતી. ગુજરાતી ભાષા પણ એમાં અપવાદ નથી. તો વિદ્યાર્થીઓને આ અસમાનતા સ્વાભાવિક લાગત. આવી અસમાનતા માટે બે કારણો જવાબદાર હોય છે. એક તે ભાષાપરિવર્તન. ધ્વનિ બદલાય પણ એની સમાન્તરે લેખન ન બદલાય ત્યારે આવું થાય. અને બીજું તે ભાષાને ભાષાઆયોજન. ગુજરાતી ભાષામાં જે અસમાનતા જોવા મળે છે એ માટે આપણું ભાષાઆયોજન જવાબદાર છે. જ્યારે જોડણીકોશ બનાવ્યો ત્યારે આપણા વિદ્વાનો પાસે બે વિકલ્પો હતા. એક તે સંસ્કૃત ભાષા પરત્ત્વે વફાદાર રહેવાનો વિકલ્પ અને બીજો તે સંસ્કૃત ભાષાને બાજુ પર મૂકીને ગુજરાતી ભાષામાં જે કંઈ થાય છે એને વફાદાર રહેવાનો વિકલ્પ. જોડણીકોશના ઘડવૈયાઓએ આમાંનો પહેલો વિકલ્પ સ્વીકાર્યો. જો એમણે બીજો વિકલ્પ સ્વીકાર્યો હોત તો કદાચ આજે પરિસ્થિતિ આવી ન આવી હોત. આમાંનો કયો વિકલ્પ વૈજ્ઞાનિક અને કયો અવૈજ્ઞાનિક એ પ્રશ્ન અહીં લાગુ પડતો નથી. ભાષાઆયોજનમાં કેવળ વિજ્ઞાન જ નહીં, સંસ્કૃતિ, ઇતિહાસ, છાપખાનાં જેવાં અનેક પાસાં પણ ધ્યાનમાં લેવાં પડતાં હોય છે. હવે જે પ્રશ્ન છે તે એ કે એ વિદ્વાનોએ જે અભિગમ સ્વીકાર્યો હતો એ અભિગમ અને એ અભિગમે ગુજરાતી ભાષાને જે પ્રકારનો આકાર આપ્યો છે એને આપણે બદલી શકીએ ખરા? મને ‘જોડણીસુધારો’ શંજ્ઞા નથી ગમતી. એને બદલે હું ‘જોડણીઆયોજન’ સંજ્ઞા પસંદ કરીશ. કેમ કે ‘જોડણીસુધારો’ એવું સૂચવે છે કે આપણી જોડણીમાં ક્યાંક ‘બગાડ’ થયો છે અને આપણે એ બગાડને કાઢી નાખવાનો છે. આ જોડણીઆયોજન કાંઈ ઊંઝા પરિષદથી કે મારાથી કે તમારાથી ન થાય. એ માટે સરકારે એક સમિતિ બનાવવી જોઈએ. અને લેખન અને વાંચન (જોડણીને આ બે સાથે વધારે સંબંધ છે) એ બન્નેની સાથે સંકળાયેલા મહાનુભાવો સાથે ચર્ચા કરવી જોઈએ. એમાં પ્રકાશકો પણ આવી જાય, અખબારો અને સામયિકો પણ આવી જાય, કમ્પ્યુટરના માણસો પણ આવી જાય અને પ્રાથમિક શાળાના શિક્ષકોથી લઈને તે કોલેજ સુધીના અધ્યાપકો પણ આવી જાય. સાચું પૂછો તો આપણામાંના ઘણા બધાને ભાષાઆયોજન શું છે અને એ કઈ રીતે કરવું જોઈએ એ વિષે ઝાઝી સમજ જ નથી. આપણી આ મર્યાદા આપણા વિચારોને સાચા હોય તો પણ અપંગ બનાવી દે છે.

      Like

      1. માનનીય બાબુભાઈ કહે છે તેમ આ ચર્ચા બંધ થઈ છે પણ એને બંધ કરવા જેવી નથી. એમનો સમય જ્યારે પણ અનુમતી આપે, આમાં તેઓ પધારે એવી આશા રાખીએ.

        ૧) “આ જોડણીઆયોજન કાંઈ ઊંઝા પરિષદથી કે મારાથી કે તમારાથી ન થાય. એ માટે સરકારે એક સમિતિ બનાવવી જોઈએ. અને લેખન અને વાંચન (જોડણીને આ બે સાથે વધારે સંબંધ છે) એ બન્નેની સાથે સંકળાયેલા મહાનુભાવો સાથે ચર્ચા કરવી જોઈએ. એમાં પ્રકાશકો પણ આવી જાય, અખબારો અને સામયિકો પણ આવી જાય, કમ્પ્યુટરના માણસો પણ આવી જાય અને પ્રાથમિક શાળાના શિક્ષકોથી લઈને તે કોલેજ સુધીના અધ્યાપકો પણ આવી જાય.”

        ૨) “સાચું પૂછો તો આપણામાંના ઘણા બધાને ભાષાઆયોજન શું છે અને એ કઈ રીતે કરવું જોઈએ એ વિષે ઝાઝી સમજ જ નથી. આપણી આ મર્યાદા આપણા વિચારોને સાચા હોય તો પણ અપંગ બનાવી દે છે.”

        ઉપરની એમની બન્ને વાતો ધ્યાનથી જાણવા જેવી છે. આરંભમાં કાકાસાહેબે પ્રસ્તાવનામાં અછડતો ઉલ્લેખ કરેલો કે હજી ઘણું બાકી છે જ્યારે મ.પ્ર. દેસાઈએ જોડણીના નીયમોમાં સુધારા હોય જ નહીં એવું લખીને બારણાં બંધ કરેલાં. જોડણીના નીયમો બનાવવાને બદલે ‘આયોજન’નો અભીગમ હોત તો આજે ‘કોશની અંદર’ પણ ભુલો જોવા મળે છે તે દશા ન હોત. સુથારસાહેબે લખ્યું છે તેમ “ જ્યારે જોડણીકોશ બનાવ્યો ત્યારે આપણા વિદ્વાનો પાસે બે વિકલ્પો હતા.” એના અનુસંધાને મારી એક અધુરી અને મુંઝવતી સમજ મુજબ કહું કે શબ્દકોશ બનાવતી વખતે શબ્દોની પસંદગી સીધી સમાજમાંથી કરી અને સાથે સાથે સારા લેખકોનાં પુસ્તકોમાંથી શબ્દો શોધ્યા હતા…પણ તત્સમ શબ્દો માટે જે નીયમો સંસ્કૃતના તૈયાર હતા તેનો મેળ બેસાડવામાં, જ્યારે તદ્વવ કે દેશ્ય શબ્દોને નીયમોમાં ઢાળવામાં કાંઈક તકલીફો પડી જણાય છે. (એમના શબ્દ ‘ભાષાઆયોજન’માં આ વાત આવી જાય છે એમ માનું છું.)

        કોશ બનાવતી વખતે તો ખરું જ પણ પછી જે જે સમીતીઓ થઈ – રામજીભાઈના નોંધવા મુજબ ૯ – તેમાંના વીદ્વાનોએ પણ બીજા વીકલ્પનો વીચાર કર્યો ન હોય તો ક્યાંથી પ્રશ્ન ઉકલે ?

        ૩૩ નીયમોમાંનો પ્રથમ નીયમ ઘણી બધી તકલીફોને નોંતરનારો બન્યો છે જ્યારે છેલ્લો નીયમ આયોજકો (!)ની અવઢવનો જ પડઘો પાડતો જણાય છે !!

        હવે કોશનું નવું પ્રકાશન થઈ રહ્યું છે પણ તેય નવી આવૃત્તી હોય તેમ લાગતું નથી….પુરવણીને જોડવા અને કેટલાક ઉમેરા સીવાય નવું કાંઈ નહીં હોય એમ લાગે છે. આયોજનબદ્ધ કામ થવા વીશે તો શંકા જ રહેવાની છે. અધ્યાપકો, શીક્ષકો, પ્રકાશકો, લેખકો…અરે, સાહીત્ય પરીષદ અને ખુદ ગુ. વીદ્યાપીઠનો કોશવીભાગ પણ જોડણીની ભુલો કરે છે !! કોશનાં સંસ્કરણો એક પછી એક પ્રગટ થતાં જાય છે પણ નીયમોમાં ઉંડાં ઉતરવાની વાત કોઈ કરતું જ નથી. કોશમાં કેટકેટલી ભુલો છે, તેને સુધારવાનું કે નીયમોનો વીચાર કરવાનું તો ક્યારે થશે કોને ખબર ?!

        Like

  14. શ્રી બાબુભાઈએ પોતાની વાત વિદ્વતાપૂર્વક રજુ કરી છે અને ગમે તેટલા સુધારા થાય તો પણ ઉચ્ચરિત અને લિખિત ભાષામાં કઈંક અંતર તો રહેવાનું જ છે, કારણ કે ભાષા પ્રાદેશિક પ્રભાવથી મુક્ત નથી રહેતી. આમ છતાં અમુક સમાનતા તારવી શકાય છે, જેમ કે, ઇ-ઈ અને ઉ-ઊ વચ્ચે ભેદ નથી.

    શ્રી જુગલભાઈ સંસ્કૃતની આંગળી પકડીને ન ચાલવાની વાત કરે છે, પરંતુ એ માત્ર લિખિત ભાષાને જ લાગુ પડે છે. હું તો માનું છું કે આજથી સાતસો-આઠસો વર્ષ પહેલાં ગુજરાતમાં વિદ્વાનો સંસ્કૃત બોલતા હશે ત્યારે પણ ઇ-ઈ અને ઉ-ઊ એકસરખા જ લાગતા હશે! કારણ કે આ ઉચ્ચારો આજે લુપ્ત થઈ ગયા છે એવું નથી. એ કદી અલગ હતા જ નહીં! એક સરેરાશ સ્વર છે અને હતો, જે ઇ અને ઈ તેમ જ ઉ અને ઊ વચ્ચે છે. એટલે, ક્યારેક એમાં સ્વર ટૂંકો સંભળાય કે લાંબો સંભળાય, પરંતુ આ સરેરાશ સ્વરની સીમાની આસપાસ જ. દશાંશમાં અંતર માપો તો ખ્યાલ આવે કે એ કદી અંતિમ છેડા સુધી નથી પહોંચતો.

    હિન્દીમાં અંતે કદી ‘ઉ’ ન આવે ‘ઊ’ જ આવે છે – હિન્દૂ, બહૂ સોનૂ, મોનૂ, નાથૂ વગેરે. આપણે ત્યાં આ ઉચ્ચારો લાંબા છે કે ટૂંકા?

    મરાઠીએ અંતે માત્ર ‘ઈ’ લખવાનું સ્વીકાર્યું છે. પરંતુ મરાઠી માનુસે ‘શિલા’ કે ‘શીલા’ સાથે છેડતી કરવાનું નથી વિચાર્યું; માત્ર ‘પ્રગતી’ અને ‘નીતી’ ને પોતાને અનુકૂળ બનાવ્યાં છે!
    આપણે માત્ર સંસ્કૃતની જોડણી પર આપણે રાતોરાત ગુજરાતી જોડણીનું પાટિયું મારી દીધું છે, એ વાત ધ્યાનમાં લઈએ તો ગુજરાતીની માન્ય જોડણી શી હોઈ શકે એ મુદ્દો બને છે.

    અને ગુજરાતીની જોડણી સંસ્કૃતથી અલગ હોવાનું સ્વીકારીએ તો આપણે ‘ઋ’ અને ‘શ’ અને ‘ષ’ વિશે પણ વિચારવું જોઈએ. ‘પૃથ્વી’ લખવાનું શા માટે સાચું છે અને ‘પ્રુથ્વી’ શા માતે ખોટું છે? આપણે ઉચ્ચાર પ્રમાણે લખવાની વાત કરતા હોઇએ તો આ તફાવત સમજાવવો જોઈએ અને ન સમજાવી શકીએ તો ‘પ્રુથ્વી’ જોડણી સ્વીકારી લેવી જોઈએ.એ જ પ્રમાણે ‘કષ્ટ’ને બદલે ‘કશ્ટ’ લખ્યું હોય તો શા માટે ખોટું ગણાય? કૄષ્ણને શા માટે કૃશ્ણ તરીકે પૂજી ન શકાય?
    હકીકતમાં આપણે શીખ્યા છીએ કે ‘ઋ’ સ્વર છે પરંતુ એ અર્ધું સાચું છે. ‘ઋ’ની અંદર એક સ્વર છે જે ”ઇ અને ‘ઈ’નો ભાઈ છે. રશિયન જેવી ઇન્ડો-યુરોપિયન ભાષામાં આ ત્રીજો સ્વર આજે પણ છે અને એ માત્ર ‘ર’ સાથે જ નહીં બીજા વ્યંજનો સાથે પણ વપરાય છે.

    આ સાથે એક લિંક મોકલું છું – http://www.languagehelpers.com/Russian/TheRussianAlphabet.html. એમાં રશિયન આલ્ફાબેટના સાઉંડ પણ આપ્યા છે. આમાં જે ધ્વનિચિત્ર અંગ્રેજીના blb જેવું જોવા મળે એનો સાઉંડ સાંભળવા પ્રયાસ કરશો. આ સ્વર ઇ-ઈનો ભાઈ છે, જે આખી જીભ અંદર ખેંચીને બોલાય છે. આ સ્વર આપણી પાસે નથી. ઋગ્વેદના જમાનામાં હશે તો હશે, પરંતુ એ વખતે પણ એ માત્ર ‘ર’ સાથે ‘ઋ’માં બચ્યો હતો એમ ખાતરીપૂર્વક કહી શકાય એમ છે. આ સ્વર વાળા રશિયન શબ્દો સાંભળીએ તો ક્યારેક ‘ઇ’ સંભળાશે, ક્યારેક ‘ઉ’. આ ત્રુટિ આપણા કાનની હશે્ કારણ કે આપણા કાન આ સ્વર સાંભળવા ટેવાયેલા નથી. આ જ કારણે આપણે ગુજરાતીઓ ‘કૃશ્ણ’ કહીએ છીએ પણ હિન્દી વાળા ‘ક્રિશ્ણ’ બોલે છે! એ જ ‘ઉ’ અને ‘ઇ’નો શ્રુતિદોષ! દક્ષિણ ભારતીયો ઉ કે ઇ નથી બોલતા. એવું જ ‘જ્ઞાન’નું છે. દક્ષિણ ભારતીયો એનો ઉચ્ચાર jnyaan અથવા dnyaan કરે છે. આપણે ગ્નાન કહીએ છીએ જો ‘ગ્ન’ જ બોલવો હોય તો આ ‘જ્ઞ’ની જરૂર શી છે?

    આપણી જોડણી કટાઇ ગઈ છે એટલે ઊંઝણની જરૂરિયાતનો તો ઇન્કાર થઈ શકે એમ નથી. સવાલ માત્ર એ છે કે ઊંઝકો નવું ઊંઝણ વાપરવા માગે છે કે જરીપુરાણા ઊંઝણથી કામ ચલાવવા માગે છે.

    લાંબો પ્રતિભાવ થયો છે તે બદલ વાચકોની અને શ્રી ગોવિંદભાઈની ક્ષમા માગું છું

    Like

  15. હું તો ગોવીંદભાઈને ખાસમ્ ખાસ અભીનંદન આપીશ કે એમને બ્લોગાંગણે માનનીય શ્રી સુથારસાહેબ આવ્યા છે. એમના વાક્યે વાક્યે વીદ્વત્તા અને માર્ગદર્શન છે.

    બીજા શ્રી દીપકભાઈ પણ ખરા.

    આ નીમીત્તે ભાષાને બહુ કીમતી વીગતો મળી રહી છે. હું ઉંઝાના સમર્થકો પાસેથી જે સાંભળતો આવ્યો છું તેમાં આજના આ બંને મહાનુભાવોનાં વક્તવ્યો જાણે કે નવી દીશા દેખાડે છે. ઉંઝાજુથમાં આજે બેત્રણ વીદ્વાનો છે તેઓ નેટ પર નથી; ને શ્રી જયંત કોઠારી ગયા બાદ ઉંઝાને શાસ્ત્રીય વાતો કરવા માટે જાણે કોઈ નથી એમ લાગ્યાં કરે છે.

    શ્રી સુથારસાહેબનું આ વાક્ય –
    “જોડણીના જડબેસલાક કહી શકાય એવા વૈજ્ઞાનિક નિયમો ઘડી શકાય નહીં. કોશના ઘડવૈયાઓએ એવો પ્રયત્ન કરવા જેવો ન હતો.”

    તથા શ્રી દીપકભાઈનું આ વાક્ય –
    “આપણી જોડણી કટાઇ ગઈ છે એટલે ઊંઝણની જરૂરિયાતનો તો ઇન્કાર થઈ શકે એમ નથી. સવાલ માત્ર એ છે કે ઊંઝકો નવું ઊંઝણ વાપરવા માગે છે કે જરીપુરાણા ઊંઝણથી કામ ચલાવવા માગે છે.”

    બીજી પણ ઘણી વીગતો સહીત મને તો આ બે વાક્યો બહુ ગમી ગયાં છે !!

    Like

  16. ઉત્તમ લેખ સાથે મનનીય ચર્ચા. દરેકે કોઈ પણ જાતની ઉગ્રતા વગર પોતાની વાત રજૂ કરી તે વધારે ગમ્યું. આપણે આપણાથી અલગ વિચારોને સાંભળીએ, આદર કરીએ એ કેટલી મોટી વાત છે. સૌને સલામ.

    Like

  17. Mitro,
    Lekhan Vs Jodani (Unjhajodani)….Ek vat thai.

    Swarbaddha sangeetma jyare shabdone swarankanothi swaroma bandhavana hoi chhe tyre uchharo hrashva ke dirgh pan karva pade chhe. Sangeetni dunia sawarbadhha uchharoni dunia chhe.

    Lekhan hoi ke sangeet / Gayeki hoi…shabdo to dictionarymathij leva pade chhe.

    Uhharone payano niyam banavine jo jodanima E ke U (Harshva ke Dirgh) na uchharo ane pachi lekhanma vaparvana hoi to swikar karvoj joie.

    Ahi me sangeetne charchama lavine ek navi kshitij kholi chhe. Sauna vicharo avkarya chhe.

    Aabhar.

    Amrut(Suman)Hazari.

    Like

    1. સંગીતમાં અને છંદમાં પણ જોડણીનું મહત્વ નથી. સંગીત અને છંદ નદીની જેમ પોતાનો માર્ગ બનાવે છે. એમાં ખાડા પણ આવે અને ટેકરા પણ આવે. નથી નદીને એની પરવા કે નથી સંગીત કે છંદને વ્યાકરણના નિયમોની પરવા. આ વિધાઓના વિદ્રોહી સ્વભાવને ધ્યાનમાં લઈને જ વિદ્વાનોએ એમને અનુકૂળ નિયમો બનાવ્યા છે – કવિની છૂટ, યતિભંગ વગેરે! હકીકતમાં પંડિતોનું કઈં ચાલ્યું નહીં એટલે જ આ છૂટના નિયમો બન્યા છે.
      એક વાર જરૂરી સોફ્ટવેર બની જાય તે પછી માન્યતાની પણ જરૂર નહીં રહે. ઉદાહરણ તરીકે આપણે બ્રિટિશ ઇંગ્લિશ શીખ્યા છીએ, પરંતુ કમ્પ્યુટરમાં અમેરિકન ઇંગ્લિશ ચાલે છે. અને એ આપમેળે જ આપણને અમેરિકન બનાવી દે છે.ક્યાંય વિરોધ જણાય છે.

      Like

  18. (૧) ઊંઝા જોડણી એવું સ્વીકારીને ચાલે છે કે જ્યારે આપણે ગુજરાતીમાં લખતા હોઈએ છીએ ત્યારે આપણે ગુજરાતી ભાષાના એક એક ધ્વનિઘટક પ્રમાણે અક્ષર લખતા હોઈએ છીએ. એનો અર્થ એ થયો કે જ્યારે હું ‘સગપણ’ શબ્દ લખું છું ત્યારે હું મારા ચિત્તમાં રહેલા ‘સ’, ‘ગ’, ‘પ’ અને ‘ણ’ ધ્વનિઘટકોને એક ચોક્કસ એવા ક્રમમાં મૂકતો હોઉં છું. પણ, આ પૂર્વધારણા સ્વીકારી શકાય એમ નથી. કેમ કે, આ પૂર્વધારણા ગુજરાતી ભાષામાં અક્ષરની (સિલેબલની) રચનાપ્રક્રિયાને ધ્યાનમાં લેતી નથી. આપણે ફરી એક વાર ‘સગપણ’ શબ્દ વિશે વિચારીએ. આ શબ્દમાં ચાર letters છે પણ અક્ષર (syllables) તો બે જ છે: એક ‘સગ’ અને બીજો ‘પણ’. આમાંના ‘સગ’ના ‘ગ’માં ‘અ’ તો છે જ નહીં. તો પણ આપણે ‘સગ્’ એમ નથી લખતા. હવે જો આપણે જે બોલાય એ જ લખાય એવો નિયમ સ્વીકારીએ તો આપણે આ પ્રકારના શબ્દોમાં ‘ગ્’ ખોડો જ લખવો પડશે. જ્યારે આપણે એક નિયમ બનાવીએ અને એવું કહીએ કે આ નિયમ શાસ્ત્રીય અથવા તો વૈજ્ઞાનિક છે તો એ નિયમ બધી જ પરિસ્થિતિને લાગુ પડવો જોઈએ. એ નિયમ કેવળ હ્રસ્વ-દીર્ઘને લાગુ ન પાડી શકાય.

    (૨) હું એવું માનું છું કે જ્યારે આપણે લખતા હોઈએ છીએ ત્યારે આપણે ધ્વનિનું લિપિમાં રૂપાન્તર નથી કરતા. આપણે જે તે શબ્દને એના દૃશ્યસ્વરૂપે રજુ કરતા હોઈએ છીએ. એટલે કે જ્યારે હું ‘લિપિ’ શબ્દ લખું ત્યારે હું આ શબ્દમાં ‘લિ’ હ્રસ્વ બોલાય છે અને ‘પિ’ પણ હ્રસ્વ બોલાય છે અને એમ હોવાથી મારે બન્નેમાં હ્રસ્વ-ઇ વાપરવાનો છે એવું હું નથી વિચારતો. હું તો મારા ચિત્તમાં સંગ્રહ કરવામાં આવેલા એ શબ્દના દૃશ્યસ્વરૂપને રજુ કરતો હોઉં છું. એનો અર્થ એ થયો કે જોડણીને ધ્વનિ અને લિપિ વચ્ચેના સંબંધો સાથે જેટલું લાગેવળગે છે એના કરતાં એને આપણી જે તે શબ્દ સાથે સંકળાયેલી દૃશ્યસ્મૃતિ સાથે વધારે લાગે વળગે છે. ગુજરાતી પ્રજા જોડણીદોષ વધારે કરે છે એ માટે જોડણીકોશ કે બીજા કોઈને દોષ દેવાને બદલે હું એમ કહીશ કે આપણી ગુજરાતી લેખનવ્યવસ્થા સાથે જોડાયેલી સ્મૃતિ નબળી પડી ગઈ છે. અને આમ થવા માટે એક બાજુ આપણી શિક્ષણવ્યવસ્થા જવાબદાર છે તો બીજી બાજુ આપણી માતૃભાષા પરત્ત્વેની વફાદારીમાં આવેલી ઉણપ જવાબદાર છે. મારા એક પણ શિક્ષકે મને ક્યારેય એમ નથી કહ્યું કે મારી જોડણી નબળી છે. એને પરિણામે આજે પણ મારી જોડણી કાચી જ રહી ગઈ છે.

    (૩) ગુજરાતી પ્રજા જોડણી જ ખોટી લખે છે એવું નથી. એ વ્યાકરણ પણ ખોટું લખે છે. મેં તાજેતરમાં જ ‘સન્ધિ’માં પ્રગટ કરેલા એક લેખમાં ગુજરાત સરકાર કેટલું ખોટું ગુજરાતી લખે છે એના કેટલાક નમૂના આપ્યા હતા. એમાં ગુજરાતી સાહિત્ય અકાદમી (ગાંધીનગર) જે ભાષા વાપરે છે એનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહીં, મેં આપણા કેટલાક અગ્રગણ્ય સાહિત્યકારો, ખાસ કરીને સુરેશ જોષી પછીના સાહિત્યકારોનાં અસંખ્ય લખાણો વાંચીને એમાં આવતા વ્યાકરણદોષોની પણ એક યાદી બનાવી છે. એ લેખકોમાં પાચેક તો દિલ્હીની સાહિત્ય અકદામીના એવોર્ડ્ઝ મેળવી ચૂકેલા છે! એ યાદી સો એક પાનાના પુસ્તક જેવડી થાય છે. આપણા ઘણા બધા સાહિત્યકારોને ભૂતકાળ વાપરતાં નથી આવડતું. એમને ક્યારે કર્તા પડતો મૂકાય અને ક્યારે કર્તા પડતો ન મૂકાય એની પણ ખબર નથી. એટલું જ નહીં, એમને એક કાળમાંથી બીજા કાળમાં કઈ રીતે જવું એ પણ નથી આવડતું. એમનાં લખાણોમાં મોર્ફોલોજીકલ એગ્રિમેન્ટના પણ ઘણા બધા પ્રશ્નો છે. ‘તે’ અને ‘એ’ના ઉપયોગ વિષે તો અપાર અવ્યસ્થા પ્રવર્તે છે. જેમ જોડણીકોશના રચયિતાઓએ જોડણીના નિયમો બનાવતી વખતે કેટલોક વિચાર ન કર્યો એમ ‘એ’ અને ‘તે’ની વાત કરતી વખતે પણ વ્યાકરણશાસ્ત્રીઓએ યોગ્ય વિચાર ન કર્યો. એક વાર હરનિશ જાનીએ મને પુછેલું કે બાબુભાઈ, ગુજરાતી ભાષામાં ‘એ’ અને ‘તે’ ક્યારે વપરાય? મેં એમને કહેલું કે આંગળી ચીંધીને બતાવી શકાય એના માટે ‘તે’ વાપરવો અને જેનો ઉલ્લેખ અગાઉ થઈ ગયો હોય એના માટે ‘એ’ વાપરવો. પણ, આપણ મોટા ભાગના સાહિત્યકારો ‘તે’ અને ‘એ’ને એકબીજાના પર્યાય તરીકે વાપરે છે. કોઈ કહેશે કે આ તો ભાષાપરિવર્તન છે; હું કહીશ કે ના, આ તો ગુજરાતી ભાષાના થઈ રહેલા ધોવાણનો એક નમૂનો છે. હું જે કહેવા માગું છું તે એટલું જ કે જેમ જોડણી કાચી છે એમ આપણી પ્રજાનું વ્યાકરણ પણ કાચું છે.

    (૪) તો પછી આનો ઉકલે શું? હું માનું છું કે આપણે જોડણીકોશમાં આપવામાં આવેલા જોડણીના નિયમોને આજે સ્વીકારી શકીએ એમ નથી. તો સામે છેડે, ઊંઝા જોડણીને પણ સ્વીકારી શકાય એમ નથી. એ સંજોગોમાં આપણે એક ત્રીજો જ માર્ગ શોધવાની જરૂર છે.

    Like

    1. શ્રી બાબુભાઈની વાતો વિચાર માગી લે છે. એમની વિદ્વત્તા સામે હું “અખાડે કા ઉલ્લૂ, ઔરોં કા ઉસ્તાદ” જેવો છું. એટલે કેટલાક મુદ્દાઓ બાબતમાં મારી વાત ભ્રાન્તિમૂલક હોય તો એ સુધારવાની એમને વિનંતિ કરૂં છું.

      હું સંમત છું કે ઊંઝામાં થયેલા સુધારા બહુ વ્યાપક નથી અને માત્ર ઇ-ઈ, ઉ-ઊ પૂરતા મર્યાદિત છે. આના માટે પસંદ કરાયેલાં ચિહ્નો બાબતમાં મારો મત એમનાથી જુદો છે, પરંતુ ‘ઇ-ઈ’ અને ‘ઉ-ઊ’ના અભેદ વિશેની એમની ધારણાને હું પ્રગતિ માનું છું હજી સુધી ઊંઝકોએ જે નથી કર્યું એના માટે એમને ‘ધીમા’ ગણાવી શકાય પરંતુ ‘ગેરરસ્તે દોરનારા’ ગણાવતાં પહેલાં બે વાર વિચાર કરવો પડે તેમ છે. [અહીં ‘એમ’ લખાય કે ‘તેમ’ એ (અથવા તે) મને ખબર નથી!].

      શ્રી બાબુભાઈ કહે છે કે “… કેમ કે, આ પૂર્વધારણા ગુજરાતી ભાષામાં અક્ષરની (સિલેબલની) રચનાપ્રક્રિયાને ધ્યાનમાં લેતી નથી. અહીં એમણે “આ પૂર્વધારણા” એટલે ઊંઝકોની પૂર્વધારણા એવું કહ્યું છે. વાસ્તવમાં સિલેબલ વિશે આપણે ત્યાં વ્યાકરણમાં શાળાના સ્તરે શીખવાડવામાં જ નથી આવતું. એટલે સાર્થકો, ઊંઝકો અને સામાન્ય જન આ બાબતમાં સરખા છે.

      ‘સ-ગ-પ-ણ’ શબ્દમાં ‘સગ’ અને ‘પણ’ એવાં બે સિલેબલ્સ છે પરંતુ કોણ આ શીખ્યું છે? વિદ્વાનોની વાત જવા દો, બાકી મને તો નિશાળમાં કોઈએ નથી શીખવ્યું. સિલેબલ્સનો કન્સેપ્ટ માત્ર અંગ્રેજી મારફતે જ જાણ્યો છે…તે તો બહુ પાછળથી! આમ શબ્દ રચનાને સમજવાની કચાશ વ્યાકરણના પાઠ્યક્રમની કચાશ છે. આ બાબતમાં વિચારવું જોઈએ એ વાત સાથે હું સંમત છું.

      પરંતુ. “સગપણ” શબ્દમાં ‘ગ’ હલન્ત લખવો જોઇએ એ ગળે નથી ઊતરતું (શ્રી બાબુભાઈ એની હિમાયત કરે છે એમ નથી કહેતો; માત્ર એમણે આ ઉદાહરણ દ્વારા ઊંઝકોની ધારણાને પડકારી છે).

      શ્રી બાબુભાઈએ એક વાત એટલી બધી સાચી કહી છે કે આ દિશામાં કોઈનું ધ્યાન કેમ નથી ગયું? “જ્યારે આપણે લખતા હોઈએ છીએ ત્યારે આપણે ધ્વનિનું લિપિમાં રૂપાન્તર નથી કરતા. આપણે જે તે શબ્દને એના દૃશ્યસ્વરૂપે રજુ કરતા હોઈએ છીએ.” ખરેખર જ આપણે શબ્દનું દૃશ્ય જોતા હોઈએ છીએ.

      પરંતુ, શ્રી બાબુભાઈ આનાથી આગળ જઈ શકતા હતા. સ-ગ-પ-ણ આ ચાર ધ્વનિઘટકો ખરેખર તો ધ્વનિચિત્રો છે. ભાષામાં ધ્વનિ, ધ્વનિ-નામ અને ધ્વનિચિત્ર હોય છે. અંગ્રેજીમાં ‘અ-આ-ઍ’ ધ્વનિઓ માટે A ધ્વનિચિત્ર છે,O અને U પણ છે, Away, Arsenal, Accept, Our, Under વગેરે. એનાં ધ્વનિનામો ઍ, ઓ અને યૂ છે.

      આપણી ભાષામાં અ. સ. દ વગેરે ધ્વનિઓ છે અને એનાં ધ્વનિનામો પણ અ. સ. દ વગેરે છે. અને અહીં જે અક્ષર તરીકે દેખાય છે તે અ. સ. દ ધ્વનિચિત્રો છે. અરબીમાં l જેવું ધ્વનિચિત્ર છે, એનું ધ્વનિનામ ‘અલિફ’ છે અને ધ્વનિ ‘અ’ છે. સંસ્કૃત આધારિત ભાષાઓના ઉચ્ચારોમાં જે ધ્વનિ છે તે જ ધ્વનિનામ છે એટલે શ્રી બાબુભાઈ કહે છેતે શબ્દ-દૃશ્ય જોઈએ છીએ ત્યારે આપણે આ ધ્વનિઘટકો નથી જોતા, ધ્વનિચિત્રોની સીરીઝ જોઇએ છીએ. ધ્વનિના ઘટકો તો અમૂર્ત હોય. ધ્વનિ ન દેખાય તો એના ઘટકો પણ ન દેખાય.

      આ ધ્વનિચિત્રો છે એ સમજવા માટે અંગ્રેજીનું ઉદાહરણ બરાબર રહેશે કારણ કે એમાં ધ્વનિ, અને ધ્વનિનામ અલગ છે. C (સી- ધ્વનિનામ) U (યૂ -ધ્વનિનામ) અને P (પી- ધ્વનિનામ) – આ ત્રણ ધ્વનિચિત્રોને એક શ્રેણીમાં ગોઠવીએ તો ઉચ્ચાર ‘કપ’ થાય છે! આમ શ્રેણીમાં આવ્યા પછી C,U,Pનું મૂલ્ય બદલાઈ જાય છે. આપણે ત્યાં ધ્વનિ અને ધ્વનિનામ એક હોવાથી ગુંચવાઈ જઈએ છીએ. ‘સ’ ધ્વનિચિત્ર જોઈને આપણે ‘સ’ બોલીએ છીએ ત્યારે એવું માની લઈએ છીએ કે આપણે ‘સ’ ધ્વનિ ઉચ્ચાર્યો. હકીકતમાં આપણે ‘સ’ ધ્વનિનામ કહેતા હોઇએ છીએ.

      અંગ્રેજીમાં જેમ સીરીઝમાં આવ્યા પછી ધ્વનિચિત્રો એક અથવા વધારે ધ્વનિઓનું પ્રતિનિધિત્વ કરે છે તે જ રીતે ગુજરાતીમાં પણ ધ્વનિચિત્રો એક કરતાં વધારે (એટલે કે બે) ધ્વનિઓનું પ્રતિનિધિત્વ કરે છે. ‘સગપણ’ના પહેલા સિલેબલ ‘સગ’ નો ‘ગ’ હલન્ત ધ્વનિનું પ્રતિનિધિત્વ કરે છે અને ‘ણ’ બીજા સિલેબલ પછી હલન્ત તરીકે કામ કરે છે. આથી ‘સગપણ’નો ‘ગ’ હલન્ત લખવાની જરૂર નથી અને ન લખવો એ સાચું છે. સિલેબલના છેડે ન હોય ત્યારે એ હલન્તનું પ્રતિનિધિત્વ નથી કરતા. જેમ કે ‘ગણેશ’ – પણ મને લાગે છે કે ‘ણ’ તો જ્યાં હશે ત્યાં સિલેબલનો અંત લાવી દે છે, જેમ કે, વણકર, જણતર, ભણતર. એટલે શ્રી બાબુભાઈની ‘સગ્પણ’ લખવાની વાત હું દલીલ તરીકે પણ સ્વીકારી શકતો નથી, પરંતુ એમણે ‘આપણા ‘અંત્ય’ ધ્વનિચિત્રને હલન્તના પ્રતિનિધિ માનવાના ભ્રામક ખ્યાલની જગ્યાએ સિલેબલના અંત્ય ધ્વનિચિત્રને હલન્ત માનવાનો મહત્વનો ખ્યાલ રજુ કર્યો છે, એના માટે એમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવી જ જોઈએ.
      આ અર્થમાં ઊંઝાથી આગળ જવાની દિશા તો એમણે દેખાડી જ આપી છે. પરંતુ એનો અર્થ એ જ થશે કે ઊંઝકો વધારે સઘનતાથી કામ કરે અને અટકેલી પ્રક્રિયાને આગળ લઈ જાય. આપણે સિલેબલ, ધ્વનિ, ધ્વનિનામ અને ધ્વનિચિત્રને વિદ્વાનોની ગોષ્ઠીઓમાંથી નિશાળો સુધી લઈ જવાં જોઇએ.

      Like

  19. Shantini bhukh chhe karanke yudha che
    ane yudha che aetla mate shantini bhukh chhe.

    Charcha chalu rakho.

    Amrut(Suman)Hazari.

    Like

  20. જોડણી અને જોડણીસુધારાના સંદર્ભમાં આ ત્રણ અવતરણો વાચકોને ગમશે એવી આશા:

    (1) “In practice, most languages do not have completely consistent and predictable relationships between their sounds and letters. Even where this might once have been the case, the incorporation of loanwords without respelling and the retention of etymological spellings or spellings which represent older pronunciations make it likely that there will be some cases where the spelling of a word falls outside the normal rules. (From: Mark Sebba, “Spelling and Society”, Cambridge University Press, 2007).”

    (2) “Orthographic change represents the abandonment of written tradition and as such it must cope with the gatekeepers of written tradition, the poets, priests, principals and professors, with the institutions and symbols that they create and serve, or be destined to oblivion. Indeed, the greater and grander the tradition of literacy, literature and liturgy in an orthographic community, the less likely that even minor systematic orthographic change will be freely accepted and the less likely that any orthographic change will be considered minor. (Fishman Advances in the creation and revision of writing systems 1977: XVI)”

    (3) “To sum up, it seems that successful reforms of orthographies, whether marginal modifications or total replacements, are rare. Conservatism is almost always the most attractive option for the majority of language users, who will be already-literate adults. The exception to this is where changes are motivated
    by a desire for symbolic renewal, as in the case of the script change from Cyrillic to Roman in Moldova and parts of Central Asia. Here, the reform could be presented as a part of being reborn as a new nation, looking West instead of East (or North) towards Russia. By contrast, the attempts to reform orthography in the newly reunited Germany found a public already tired of reform, unreceptive to further ‘rebirthing’: Orthography appeared to have become embroiled in a wave of more general anti-reform sentiment. For this was only one of a number of reforms undergoing extensive, controversial and frequently inconsequential discussion at the time. (Johnson 2000: 123) (From: Mark Sebba, “Spelling and Society”, Cambridge University Press, 2007).”

    Like

  21. જોડણીની આ ચર્ચામાં બાબુભાઈ જેવા વીદ્વાન આપણને મળ્યા તે, જુગલભાઈ કહે છે તેમ સદ્ નસીબી છે.. હજારીસાહેબકહે છે તેમ ચર્ચા ચાલુ રાખો..સુનીલભા કહે છે તેમ કોઈ પણ જાતની ઉગ્દીરતા વીના માગ ઠંડું રાખી વીચારી.. સૌએ ઘણું જાણવાનું બાકી છે.. આપણી પાસે બાબુભાઈ, દીપકભાઈ, ગાડાંભાઈ, જુગલભાઈ, ડૉ. નીશીથભાઈ જેવા હજી ઘણા નેટ પર સક્રીય છે. એમનો લાભ મળે છે ને કંઈ કેટલાયે જોજન દુર વસેલાઓ વચ્ચે સમાન રસવીષય પર જાણે લોકશીક્ષણ થઈ રહ્યું છે.. આનંદ.. બાબુભાઈ તમારો લાભ આપતા રહેજો….

    મિત્રો,

    કેટલાક પ્રશ્નોના ઉત્તર આમાંથી પણ મળવા સમ્ભવ છે.

    ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીજીએ આ લખ્યું ઈ. સ. ૧૮૯૬માં.. પાન ૧૧, ૧૨ ઉપર ઝીણવટભરેલા ઘણા નિયમો, લેખનના પોતાના વિશાળ જાતઅનુભવથી, ગો. મા. ત્રિપાઠીજીએ ઘડી આપેલા છે. તેમાંથી ‘ઈ–ઉ’ વિશે તેમણે કહેલી વાત માત્ર અહીં લીધી છે…

    કાશ, મહાત્માજીએ કોશ રચવા બેસાડેલી કોશકાર સમિતિએ, આટલી જ સૂચના ધ્યાનથી વાંચી હોત ને કોશરચનામાં તેનો અમલ કર્યો હોત, ગુજરાતીને સંસ્કૃત જેવી બનાવવાનો મોહ છોડ્યો હોત તો; ગાંધીજીના આશિષ પામેલા અને ૧૯૨૯માં પ્રકાશિત થયેલા આ ઐતિહાસિક ગ્રંથ ‘સાર્થ જોડણીકોશ’ની, તેમાં સર્જાયેલી ‘ઈ–ઉ’ની ભુલભુલામણીને લીધે, આજે આઠ–નવ દાયકામાં જે રેવડી દાણાદાણ થઈ છે તે નહીં થઈ હોત…
    હે રામ !
    હવે આગળ વાંચો. ..ઉત્તમ ગજ્જર..

    ‘સરસ્વતીચન્દ્ર’ની ત્રીજી આવૃત્તિ સમ્બન્ધે પ્રાસંગિક સૂચના (પાન બારમું)

    (ઉ) લૌકિક લિપિને આધારે ગુજરાતી શબ્દોમાં ‘ઇ’ હમેશ દીર્ઘ કરવી અને ‘ઉ’ હમેશ હ્રસ્વ કરવું. આ નિયમમાં વ્યગ્રતા ન આવે માટે લોકલિપિમાં દીર્ઘ સમેત ર્ કરી લખાતા ‘રૂ’ને પણ ‘રુ’ લખવું. ‘શ’ અને ‘ષ’ને ઠેકાણે લોકલિપિમાંનો ‘શ’ લખવો. આ વિષયમાં શુદ્ધાશુદ્ધના કાંઈ પણ તર્કવિતર્ક ન કરવા.
    આ નિયમો થોડા સહેલા, અપવાદ વિનાના, નિશ્ચય અને સર્વથી સમજાય તથા નિત્ય પાળી શકાય એવા લાગે છે. પછી તે કોઈને ગમે ન ગમે એ જુદો પ્રશ્ન છે.

    –ગો.મા.ત્રિ.
    –મુમ્બાઈ, શ્રાવણ માસ, વિક્રમાર્ક, ૧૯૫૨ (ઈ. સ. ૧૮૯૬)
    ‘સરસ્વતીચન્દ્ર – ભાગ ૧લો’ (બુદ્ધિધનનો કારભાર) મૂલ્ય : રૂપિયા બે, કુલ પાનાં : ૩૭૨, પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી – મુમ્બઈ, પ્રથમ આવૃત્તિ : ૧૮૮૭, બારમી આવૃત્તિ : ૧૯૫૬માં (જેમાંથી આ લખાણ લીધું.)
    ત્રીજી આવૃત્તિ સને ૧૮૯૬માં પ્રકાશિત થઈ ત્યારે લેખકે લખાતી જોડણી વિશેની આ સૂચના, પાન ૧૧–૧૨ ઉપર આપી છે. તેમાંથી પાન બાર પરનું લખાણ, જે ‘ઈ–ઉ’ના સન્દર્ભે છે તેટલું જ મૂક્યું છે.. જોડણી અને ભાષા પણ જેમ છે તેમ જ રાખી છે..

    અક્ષરાંકન : ઉત્તમ ગજ્જર.. uttamgajjar@gmail.com

    આભાર :
    આ ગ્રંથ ઉપલબ્ધ કરાવી આપવા બદલ સુરતના વિદ્વજ્જન શ્રી. રમેશભાઈ શુક્લનો દિલથી આભાર..
    ..ઉ.ગ.. સુરત

    Like

  22. જોડણીસુધારાની તરફેણ કરતા કેટલાક મિત્રો ‘જી’ અને ‘રૂ’ના સંદર્ભમાં પણ કેટલાક પ્રશ્નો ઊભા કરે છે. પણ, અહીં થોડીક ગેરસમજ થાય છે. કોઈ પણ લેખનવ્યવસ્થાના વિકાસમાં જેને હું હસ્તાક્ષરની કરકસરના નિયમ તરીકે ઓળખાવું છું એ નિયમ પણ કામ કરતો હોય છે. ‘જી’ અક્ષર એક જ strokeથી લખી શકાય જ્યારે જ્ + ઈ (ક + ઈ =કી)ની જેમ લખીએ તો એમાં બે strokes વપરાય. એ જ રીતે ‘રૂ’નું પણ સમજવાનું. બીજું, આ ‘જી’ અને ‘રૂ’નો પ્રશ્ન જોડણીનો નથી. એ તો ગ્લીફનો પ્રશ્ન છે. આપણે writing system, orthography, script, spelling, glyph વગરે વચ્ચે ભેદ પાડ્યા પછી જ આવી ચર્ચાઓ ઉપાડવી જોઈએ જેથી ચર્ચામાં સરળતા રહે અને કોઈને ગેરસમજ ન થાય.

    Like

    1. પરંતુ એક જ સ્ટ્રોકમાં માત્ર જી લખી શકાય છે. બીજા કોઈમાં નહીં. આમ માત્ર ‘જી’ બાબતમાં જ કાળજી લઈએ તો બીજાઓમાં તો બે સ્ટ્રોક જ છે તેનું શું? રુ પસદ ન હોય તો ‘રૂ’ને જ હ્રસ્વ ઉ સાથેનો કેમ ન માની શકાય? વળી શ્રી ઉત્તમભાઇએ મને એક અંગત ઇ-મેઇલમાં દીર્ઘ ‘ઈ’ની માત્રા તરીકે ‘જી’ની નવી માત્રા સાર્વત્રિક રીતે વાપરવા સૂચવ્યું હતું. આના પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.

      Like

      1. પેનથી લખતી વેળા હું રુને એક લસરકે લખું છું, જેમાં ૩ ના આંકડાને દોઢ ગણો કરવાનો થાય.

        સુથારસાહેબે યોગ્ય જ કહ્યું છે કે આ ચર્ચા બીજે રસ્તે ફંટાશે. છતાં આજનું આ ઉંડું ખેડાણ મને એટલે સુધી કહેવા લઈ જાય છે કે, આ બધી ચર્ચાઓને નેટ પર સૌને માટે ઉપલબ્ધ કરાવવી ઘટે. વીકીપીડીયા કે પછી બીજા કોઈ સારા અને સક્ષમ માધ્યમે એને મુકવી જોઈએ.

        એનું એક મહત્ત્વનુ કારણ એ છે કે, પ્રીન્ટ મીડીયામાં પંડીતો ધ્યાન આપતા નથી. (દીપકભાઈ કહે છે તેમ સગપણના સીલેબલને અલગ બતાવતાં શીખવ્યું નથી તે ખરું બાકી શ્રી જયંત કોઠારીના પુસ્તક “ભાષા પરિચય ગુજ.ભાષાનું વ્યાકરણ”માં આ વીગતે આપ્યું છે. સાહિત્યકોશમાં તે લેવાયું છે.)

        બીજી વાત એ કે, ગોવીંદભાઈ કહે છે તેમ નેટ પર કોઈ આ વાત કહેતું નથી એટલે સાંભળવાનો પ્રશ્ન જ નથી આવતો, બાકી મારો અનુભવ એવો છે કે, નેટ પરના વાચકો જ નહીં, લેખકો પણ સામાની વાતને સમજવાનો પ્રયત્ન નીષ્ઠાથી કરે છે. નેટ પર આ બધું આજે નથી, તો આવતીકાલે તો લાવવું જ પડશે. આ માટે જરુર પડે તો ફાળો કરીને પણ નેટ–લહીયાઓને કામ આપીને કાર્ય કરવું જોઈએ.

        બાકી યોગેન્દ્રભાઈ, પીન્કીબહેન, રામજીભાઈ આ બધાં તો નેટ પર આવવા માગતાં જ નથી જાણે. રામજીભાઈ માટે મેં સત્યાગ્રહ, અત્યાગ્રહ કર્યા પછી હવે સંબંધ તોડવાની ધમકીય આપી છે…(અમારા સંબંધોમાં આ સહજ છે !!)

        મજાના સમાચાર એ છે કે, ઈન્દુભાઈ જાનીએ શીખવાનું શરુ કરી દીધું છે !! indukumar.ny@gmail.com (આદરણીય નારાયણભાઈ દેસાઈ તો ક્યારનાય શીખી ગયા છે, આ ઉંમરે.)

        ગુરુ તો ગોવીદને બતાવે પણ અભીવ્યક્તી બ્લોગ દ્વારા ગોવીંદે (મારુ) આપણને ગુરુઓ આપ્યા છે !! એમને હવે કોઈ પણ હીસાબે છોડવા નથી. નવા ગ્રુપનું આ પુણ્યકર્મ જ ગણવું રહ્યું.

        Like

  23. દીપકભાઈ, માનવચિત્તનો સ્વભાવ જ કંઈક એવો છે. એ જ્યાં શક્ય હોય ત્યાં જ કરકસરનો ઉપયોગ કરે. બધે ન કરે. ‘જી’ અને ‘રૂ’માં એ શક્ય છે. એટલે એને એ નિયમ લાગુ પડે. બીજે ન લાગુ પડે. તમે ગુજરાતીમાં ‘ક’ એક જ સ્ટ્રોકમાં લખાતો જોયો હશે. એ જ રીતે, ખ, ઘ, ત, થ, ધ, ન, પ, ભ, મ, ય, અને વ પણ કેટલાક લોકો બે સ્ટ્રોકમાં લખે છે તો કેટલાક એક જ સ્ટ્રોકમાં. એટલે બીજે પણ એ નિયમ લાગુ તો પડે જ છે. લેખનવ્યવસ્થાનો વિકાસ ઘણાં બધાં પાસાં પર આધાર રાખતો હોય છે. તમે શાના પર લખો છો, ત્યાંથી માંડીને તમે શાના વડે લખો છો એ પણ એટલું જ મહત્ત્વનું બની રહેતું હોય છે. શિલાલેખોની ભાષા જુઓ. એના આકાર કેવા હોય છે! પછી, મંદિરોમાં તક્તીઓ પર કરવામાં આવતાં લખાણો જુઓ. આધુનિક મંદિરોની તક્તીઓમાં તમને જુદાજ પ્રકારના મરોડ દેખાશે. કેમ કે હવે ટાંકવા માટેનાં ઓજારો વધારે ધારદાર અને વધારે સરળ બન્યાં છે. મારા ઘરમાં મારા દાદાએ વસાવેલી તાબાંકૂંડી પરના અક્ષર સુવાચ્ય નથી પણ મારાં બાએ તાજેતરમાં વસાવેલાં વાસણો પરના અક્ષર સુવાચ્ય છે. એનો અર્થ એવો નથી કરવાનો કે મારા દાદાના જમાનાનો કંસારો અભણ હતો. એને પણ અક્ષરજ્ઞાન તો હતું જ પણ એ છીણીથી નામ કોતરતો હતો.

    Like

  24. What is this STROKE? Why we have to use a English word?

    In Gujarati ????

    Fatako ? Prahar ?Dhabkaro? Takoro?

    Like

  25. ‘સ્ટ્રોક’ માટે ‘લીટો’, ‘લીટી’ કે ‘ખસરો’ શબ્દ વાપરી શકાય. તમે જો બીજો કોઈ ગુજરાતી શબ્દ આપશો તો મને ચોક્કસ ગમશે. પણ, જો આપણે આ પ્રકારના, અર્થાત મૂળ પ્રશ્ન સાથે સીધા સંકળાયેલા ન હોય એવા પ્રશ્નો ઊભા કરતા રહીશું તો આપણી ચર્ચા ક્યાંક બીજે વળી જશે. એ ભયસ્થાનથી ચેતવા જેવું ખરું.

    Like

    1. ‘લસરકો’ શબ્દ છે જ. “મેં તો એક જ લસરકે લખી નાખ્યું.”

      Like

  26. श्री बाबुभाई सुतारनी वात घणी समजवा जेवी छे. में आ अगाउ घणी वार लख्यु छे के वर्ण(Phoneme), उपवर्ण(Allophone) वगेरे परीभाषाओ वडे भाषानु ध्वनीस्वरुप समजवु एक वात छे. जे भाषाने अत्यार सुधी लीपी न होय तेने माटे वर्णबीम्बक प्रतीलेखन घडवु उचीत गणाय – पण आपणी भाषाने सुदीर्घ लेखन परम्परा छे – संस्कृत भाषा साथेनो अनुबन्ध छे अने परीणामे आपणी अन्य भगीनीभाषाओ जोडेना सुनीश्चीत सम्बन्धो छे. ए वात आँखो सामे राखवी घटे.
    असमी भाषामा स्-श्-ष् ए त्रणेने स्थाने x चीह्नथी IPAमा दर्शावातो सङ्घर्षी उच्चाराय छे – आपणे त्याँ सुरती हवाकानु हाकमा बोलाय छे ते – पण लेखनमा तो जोडणी संस्कृत मुजबज कराय छे. बाङ्ग्लामा पण एम ज छे. माटे ज जॉनॉगॉनॉमॉनॉ ऑधिनायॉकॉ जॉयॉ हे भारॉतॉ भाग्गॉबिधाता एम न लखता जनगणमन अधिनायक जय हे भारतभाग्यविधाता एम लखे छे अने आपणने समजवु सुकर थाय छे. क्रश्ण-क्रुश्ण-क्रिश्ण-क्रिस्न वगेरे उच्चारभेदो होवा छता सौ पोपपोतानी लीपीमाना क जोडे ऋनु स्वरचीह्न प्रयोजे छे अने मूर्धन्य ष जोड़े मूर्धन्य ण जोडे छे. हुँ एने राष्ट्रीय जोडणी गणुँ छुँ – एनी जोडे अडपला करवाने अनीष्ट गणुँ छुँ.
    जोडणी-लीपी घणे भागे अभीन्न रीते वीचारणा मागी ले छे -जेम के मर्मर स्वरोने गुजरातीमा व्यक्त करवा नवु चीह्न घडवु के नही ए वीचार लीपीनो छे – न घडवु होय तो हाथवगा चीह्ननो समुचीत वीनीयोग शी रीते करवो ए वीचार जोडणीनो गणाय. श्री गांडाभाईए लख्यु हतु के डॉक्टर्स नही पण डॉक्टरो एवी जोडणी होवी जोईए – हवे आ तो व्याकरणनो वीषय गणाय. मने लागे छे के आ बधी बाबतो शुद्धलेखन एवा मथाळा हेठळ चर्चाय तो रुड़ थाय.
    आ पत्रमा मेँ देवनागरी लीपी वापरी छे, ँनो उपयोग कर्यो छे, मारी दृष्टीए बीनजरुरी शीरोबीन्दुओ बताड्या नथी, एकज ई-उ वापर्या छे अने -ज- जोडीने लख्यो छे – ए समजपुर्वकनु लेखन छे – आशा छे ए कँईक वीचार-मन्थन जगाडशे.

    Like

    1. મારો ખ્યાલ છે કે રાષ્ટ્રીય જોડણી જેવું કશું સિદ્ધાંતમાં અસ્તિત્વમાં નથી, વ્યવહારમાં સંસ્કૃત આધારિત વિકાસને કારણે એવું લાગે ખરૂં.

      આપણે એમ માનતા હોઈએ કે ગુજરાતીમાં જોડણી સુધારવી જોઈએ તો એમાં રાષ્ટ્રીય જોડણી જેવી કલ્પનાનું શું સ્થાન હોઈ શકે તે પણ વિચારવું જોઇએ. કારણ કે ઇ-ઈ અને ઉ-ઊ તો રાષ્ટ્રીય જોડણીમાં પણ છે, એટલું જ નહીં, ઘણીખરી ભાષાઓનાં ઉચ્ચારણમાં પણ છે જ.

      કઈં સુધારો કરવો હોય તો આપણે માત્ર ગુજરાતી પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો સારૂં થાય.લિપિની વાત કરીએ તો ઉર્દુ, સિંધીમાં તો આજે પણ દેવનાગરી નથી વપરાતી. કાશ્મીરી, ડોગરી વગેરેમાં દેવનાગરીનો ઉપયોગ બહુ પાછળથી આવ્યો.આ બધી જમણેથી ડાબે લખાતી ભાષાઓમાં દેવનાગરી જેવાં ચિહ્નો નથી. એમાં ઋ નથી. ષ નથી. તેમ છતાં આ બધી ભાષાઓ સંસ્કૃતથી અલગ નથી. આ ભાષાઓએ ‘ૠ’ અને ‘ષ’વાળાં ઉચ્ચારણો પોતાની લિપિઓમાં શી રીતે સમાવ્યાં હશે? આપણે જાણતા નથી.

      હા, અંગ્રેજી પણ ભારતની માન્ય ભાષા છે. એની રોમન લિપિ પણ માન્ય લિપિ છે. એમાં ઋ અને ષ સાથે શો વ્યવહાર થાય છે તે જોઈએ તો ઉર્દુ, સિંધીનો પણ ખ્યાલ આવી શકશે. અંગેજીમાં sh લખેલું હોય તો આપણે ‘શ’ વાંચીએ છીએ અને ‘ષ’ પણ વાંચીએ છીએ. જેમ કે Shashi અને Krishna. અહીં sh એટલે ‘શ’ અને ‘ષ’ બન્ને છે. કઈં સમસ્યા નડૅ છે? એટલે જોડણી સુધારવી હોય તો માત્ર ગુજરાતી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ અને અમુક ફેરફારો વિરુદ્ધ ભાષાના આંતરિક તત્વ સિવાયની દલીલો કરીએ તો એ દલીલો જ્યાં મર્યાદિત સુધારો કરવાનું અભિયાન ચાલે છે ત્યાં પણ આડે આવી શકે છે.

      Like

  27. મારું માનવું છે કે એક જમાનામાં સંસ્કૃત લોકો વડે બોલાતી ભાષા હતી.શ્રી કૃષ્ણ ભગવાને પણ સંસ્કૃતમાં જ ગીતા ની રચના કરી છે ને? પરંતુ એના સરળીકરણ રૂપે આજની અનેક ભારતીય ભાષાઓ નો જન્મ થયો છે.પ્રાંતે પ્રાંતે ઉચ્ચાર ભેદ પ્રમાણે લેખન માં એનું પ્રતિબિંબ પડ્યું જણાય છે.એવુજ લેટીન,હિબ્રુ ભાષા વિષે પણ થયું એમ મારું માનવું છે.ભાષા ને પણ ઉત્ક્રાંતિનો નિયમ તો લાગુ પડેજ ના.જે ભાષા શક્તિશાળી હશે તે ટકશે.અપના વયવહાર ઉપર પણ અંગ્રેજીનો પ્રભાવ તેનો દાખલો છે.વળી આપણું શિક્ષણનું માળખું પણ ગુજરાતી વિષે ગંભીર નથી લાગતું. માટે જ છેક અત્યારે વીર નર્મદ યુનિવર્સીટીમાં ગુજરાતી વિભાગ ચાલુ થયો.

    Like

  28. સ્વતંત્રતાપૂર્વે રાષ્ટ્રીય જોડણીનો ખ્યાલ હતો. ત્યારે આપણા સાક્ષરો અને રાજકારણીઓ એવું વિચારતા હતા કે જો આપણી પાસે રાષ્ટ્રીય જોડણી હશે તો આપણે પ્રજામાં રાજકીય, સાંસ્કૃતિક તેમજ સામાજિક એકતાની સ્થાપના કરી શકીશું. પણ, એ ખ્યાલ ઘણાએ સ્વીકાર્યો નહીં. હવે આપણે એક એવા સમયમાં જીવીએ છીએ જેમાં આ પ્રકારનો ખ્યાલ કોઈ સ્વીકારશે નહીં. વૈશ્વિકીકરણને પગલે સમાજમાં વૈયક્તિકતાનો ખ્યાલ વધી ગયો છે તો બીજી બાજુ રાજ્યો ધીમે ધીમે સાંસ્કૃતિક રાષ્ટ્રીયતાવાદ તરફ આગળ બધી રહ્યાં છે.

    Like

  29. આપણે એવું માનીએ છીએ કે આ કે તે ભાષા ફલાણી કે ઢીંકણી ભાષા કરતાં વધારે શક્તિશાળી છે. અને જે શક્તિશાળી ભાષા હશે એ જ ટકી રહેશે. પણ, હકીકત એ છે કે કોઈ પણ ભાષા સ્વભાવે શક્તિશાળી નથી હોતી. જે તે ભાષાના ભાષકો જ ભાષાને શક્તિશાળી કે નબળી બનાવતા હોય છે. ગુજરાતી પ્રજાએ પોતાની ભાષાને રામભરોસે મૂકી દીધી છે. એક બાજુ રાજ્ય આપણી ભાષાને સમૃદ્ધ બનાવવાના ગંભીર પ્રયત્નો કરતું નથી તો બીજી બાજુ પ્રજા પણ. બાકી જે ભાષા પાસે આશરે દોઢેક હજાર જેટલાં વરસોનો ઇતિહાસ હોય એવી ભાષાની આવી માઠી દશા હોઈ શકે ખરી? મેં થોડાંક વરસો પહેલાં લખેલું કે ગુજરાતી ભાષા સમૃદ્ધ પ્રજાની ગરીબડી ભાષા છે. તો કેટલાક વાચકો મારા પર ઉશ્કેરાઈ ગયેલા. આપણી પાસે આ પ્રકારનો ભાષાપ્રેમ છે. તાજેતરમાં અમેરિકામાં તમિલ અને તેલુગુ પ્રજાએ પોતપોતાની ભાષામાં એક એક ચેર ઊભી કરાવી છે. તમિલ અને તેલુગુ પ્રજા તો હજી હમણાં અમેરિકામાં રહેવા આવી છે. પણ, એમનો ભાષાપ્રેમ એમને અહીં સુધી લઈ આવ્યો. ગુજરાતી પ્રજા તો કંઈ કેટલાંય વરસોથી અમેરિકામાં સ્થાયી થઈ છે. વળી બીજા દક્ષિણ એશિયાની પ્રજા કરતાં ગુજરાતી પ્રજા પૈસે ટકે વધારે સુખી છે. તો પણ એ પ્રજાએ અહીંની યુનિવર્સિટીઓમાં ગુજરાતી ભાષા અને સંસ્કૃતિની ચેર ઊભી કરવા માટે કંઈ કર્યું નથી. અરે ચેર ઊભી કરવાની વાત બાજુ પર રહી, જ્યાં ગુજરાતી પ્રજાની વસતિ વધારે છે એવા પ્રદેશની યુનિવર્સિટીઓમાં પણ ક્યાંય ગુજરાતી ભણાવાતું નથી. ન્યુ જર્સી કે ન્યૂયોર્કમાં એક પણ યુનિવર્સિટી ગુજરાતી વિષય નથી. કેલિફોર્િનયા કે ચિકાગોમાં પણ ક્યાંય ગુજરાતી ભાષા ભણાવાતી નથી. કેનેડામાં આટલા બધા ગુજરાતીઓ છે. ત્યાં પણ કોઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષય નથી. હું જે કહેવા માગું છું તે એ કે જે ભાષાની કાળજી સરકાર પણ ન લે અને પ્રજા પણ ન લે એ ભાષાનો નાશ નહીં થાય પણ એની અભિવ્યક્તિની ક્ષમતા અને એનું સામાજિક મહત્ત્વ તો ઘટી જ જવાનાં છે. આજે ગુજરાતી ભાષા એ પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે.

    Like

  30. માનનીય શ્રી બાબુભાઈની આ વાત તો આંખ ઉઘાડનારી છે. આપણે આજે ક્યાં છીએ તે આ મુદ્દે તો મેં આજે જ જાણ્યું.

    સાચ્ચે જ બહુ ઉપયોગી ચર્ચા ચાલી છે. હું વીનંતી કરું ઉત્તમભાઈને કે તેઓ પોતાના રવીવારીય લેખોમાં એકાદ પર આ ચર્ચાના મહત્ત્વના અંશોને મુકે. ગોવીંદભાઈ પણ પોતાના બહુ વંચાતા બ્લોગ પર અહીં જ એક નવો લેખ આપે. શ્રી દીપકભાઈ આ બધાનું સંકલન કરે તો આખી વાતને શાસ્ત્રીય રુપ આપી શકાય.

    આમાંની કેટલીક વાત તો પ્રીન્ટ મીડીયામાં કોઈ કદાચ આવવા જ ન દે !! શ્રી બાબુભાઈની વાતને પણ હસી કાઢનારા કે “કેટલાક વાચકો ઉશ્કેરાઈ જનારા” હોય તો તો પછી વાત ક્યાં જઈને અટકે ?!

    Like

  31. હું છેક ૧૯૯૭થી અમેરિકામાં ગુજરાતી ભાષા ભણાવું છું. આ સમયગાળા દરમિયાન મને જે કંઈ અનુભવો થયા છે એ સાચે જ વિચારતા કરી મૂકે એવા છે. અહીં એના એક બે નમૂના આપું છું.

    (૧)

    એક વાર હું એક મેળાવડામાં ગયો હતો. ત્યાં એક શ્રીમન્ત ગુજરાતીભાઈ સાથે મારો પરિચય કરાવતાં મારા મિત્રએ એમને કહ્યું: “આ બાબુભાઈ, યુપેનમાં ભણાવે છે.”
    “તમે શું કામ કરો છો બાબુભાઈ?”
    “હું ગુજરાતી ભણાવું છું.”
    “એ તો બરાબર પણ કંઈ કામ તો કરતા હશોને?”

    (૨)

    મારા ડીપાર્ટમેન્ટના વડા સાથે હું એક વાર ગુજરાતી ભાષા અને સાહિત્ય સાથે સંકળાયેલા એક અગ્રગણ્ય ગુજરાતી વડીલને મળવા ગયો. રેસ્ટોરન્ટમાં ખાતાં ખાતાં એ વડીલે મને કેટલો પગાર મળે છે એ વિષે પૂછ્યું. મારા ડીપાર્ટમેન્ટના વડા એમને મારો સાચો પગાર કહી દે એ પહેલાં જ મેં એમને મને જે પગાર મળતો હતો એમાં દસ હજાર ડોલર વધારે ઉમેરીને મારો પગાર કહી દીધો. પછી રસ્તામાં મારા ડીપાર્ટમેન્ટના વડાએ પૂછ્યું: બાબુભાઈ, તમે તમારા પગારના સંદર્ભમાં જૂઠું બોલ્યા. તમને ક્યાં એટલો પગાર મળે છે? મેં એમને કહ્યું: યુનિર્સિટી ઓફ પેન્સિલવેનિયાની આબરુ રાખવા માટે હું જૂઠું બોલેલો. જો હું ગુજરાતી પ્રજાને એમ કહું કે મેં ભાષાવિજ્ઞાનના બધા મળીને ચાલીસ કોર્સીસ લીધા છે તો એનાથી એઓ પ્રભાવિત નહીં થાય. પણ જો હું એમને એમ કહું કે મારે સિલેબસમાં એક પુસ્તક છે એની કિંમત અઢીસો ડોલર છે તો એનાથી એઓ પ્રભાવિત થઈ જશે અને કહેશે કે હાળું, બાબુભાઈ બહુ ભારે ભણી રહ્યા છે.

    (૩)

    એક વાર મારા એક મિત્ર કોઈક અગ્રગણ્ય ગુજરાતીને અકસ્માતે મળી ગયા. વાતમાંથી વાત નીકળતાં એ ગુજરાતીએ મારા મિત્રને પૂછ્યું: તમે પેલા બાબુભાઈને ઓળખો છો કે નહીં? મારા મિત્રએ હા પાડી. પછી એમણે કહ્યું: ખરો માણસ છે એ હોં. કક્કો-બારાખડી ભણાવવાના એ માણસ સિત્તેર હજાર ડોલર લે છે.

    જ્યારે મારા મિત્રએ મને આ વાત કરી ત્યારે મેં એને કહ્યું: આ વાત તું બધાંને કરજે. પણ, મારો પગાર એટલો જ રહેવા દેજે.

    એ વડીલ માટે ગુજરાતી ભાષા કક્કો-બારાખડીથી વધારે કંઈ ન હતી.

    (૪)

    એક વાર હું મારા વિદ્યાર્થીઓને લઈને એક ભારતીય સ્ટોરમાં ગયો. મને એમ કે એઓ ત્યાં જઈને ગુજરાતી ખાદ્યપદાર્થો વિષે વધારે સારી રીતે સમજી શકશે. એ સ્ટોરનો માલિક ગુજરાતી હતો. મને મારા વિદ્યાર્થીઓ સાથે ગુજરાતીમાં વાત કરતાં જોઈને એ ભાઈએ મને કહ્યું: ધોળિયાય ગુજરાતી બોલે છેને કાંઈ. મને થયું કે લાવ આ બાબત પર જરા ગર્વ લઈ લેવા દે. એટલે મેં ગર્વ લેતાં કહ્યું: હા, હું એમને ગુજરાતી ભણાવું છું. પછી એમણે મારા વિષે કેટલાક પ્રશ્નો પૂછ્યા. જ્યારે એમણે જાણ્યું કે આ લોકોએ મને છેક ગુજરાતથી અહીં ગુજરાતી ભાષા ભણાવવા માટે બોલાવ્યો છે ત્યારે એમણે મને કહ્યું: અરે યાર, મને કહ્યું હોત તો હું કલાકના બાર ડોલરના ભાવે ગુજરાતી ભણાવી આપત. મેં એમને કહ્યું: હજી પણ મોડું થયું નથી. તમે તમારો સી.વી. આ લોકોને મોકલી આપો. પણ, એ પહેલાં મારે એક પ્રશ્ન છે: “હું ઉંઘ્યો” અને “મેં કેરી કાપી” આ બન્ને વાક્યો ભૂતકાળમાં છે એમ છતાં એકમાં ‘હું’ કેમ અને બીજામાં ‘મેં’ કેમ? એ વિદ્વાને મને જવાબ આપ્યો: એ તો એમ જ હોય છે. બાપદાદાના જમાનાથી એમ જ ચાલતું આવ્યું છે.

    વધુ અનુભવો હવે પછી કયારેક…

    Like

    1. બાબુ ભાઈ
      અમેરિકાના અનુભવની ક્યાં વાત કરવી? આ મારો તાજેતરની અમદાવાદ મુલાકાતનો અનુભવ –

      પોપટનો રંગ કેવો?’

      કોઈ પરદેશી ભાષા બોલતો હોય તેમ તેણે મારી સામે જોયું .

      આખો અનુભવ અહીં –

      http://dhavalrajgeera.wordpress.com/2011/09/23/gujarati/

      આ સામાન્ય માણસના ઘરમાં ગુજરાતી બાબત વલણ છે.
      અને ગુજરાતી શિક્ષકો વિશે તો લખીએ એટલું ઓછું છે. કદાચ સફેદ કોલરની નોકરીઓમાં છેલ્લું સ્થાન ગુજરાતી શિક્ષકનું આવતું હશે.

      Like

  32. આ અગાઉ બીજી ઘણી જગ્યાઓએ આ બાબત ચર્ચામાં સક્રીય ભાગ લીધો છે. અહીં ચર્ચામાં કોઈ અશિષ્ઠ તત્વ આવેલું ન જોઈ હરખ થાય છે. આથી આવી ચર્ચાઓમાં ભાગ ન લેવાના નિર્ણયને બાજુએ મુકીને, મારા વિચાર રજુ કરું છું –
    ———————————-
    ગુજરાતી કે બીજી કોઈ પણ ભાષાના સંદર્ભે વ્યક્તિઓના ચાર પ્રકાર હોય છે-

    વિચારની ભાષા
    બોલવાની ભાષા
    વાંચવાની ભાષા
    લખવાની ભાષા

    આમાં પહેલા ત્રણમાં જોડણી કે વ્યાકરણનું ખાસ મહત્વ નથી. મોટા ભાગે, ગમે તેટલી ભૂલો હોય તો પણ, ખાસ તકલિફ વગર અભિવ્યક્તિ સમજાઈ જતી હોય છે. લખનારે જ સાવચેતી રાખવાની હોય છે – અર્થ બરાબર સમજાય તેની ચિવટ માટે.

    અને આ વર્ગ સૌથી નાનો છે. ગુજરાતીમાં કદાચ કૂલ વસ્તીના ૦.૧. % ટકા હશે. (વિશ્વભરના ૬ કરોડ ગુજરાતીઓ ગણો તો ૬૦,૦૦૦ , કદાચ તેથી પણ કમ )

    માત્ર આટલી નાની વસ્તી માટે પણ ભાષા શુદ્ધિનો આગ્રહ સરાહનીય છે – જરૂરી નથી. એ માટે અત્યાર સુધી પ્રચાર નહીં કરવાની ગુજરાતી ભાષા પરિશદની નીતિ બદલાઈ છે – વિકી, બ્લોગ જગત વિગેરેને સન્મામ આપતા થયા છે – એ આવકાર્ય બદલાવ છે. પણ.. એ માટેનો આગ્રહ મારી નજરે કદાચ ઓછો જરૂરી છે. નોંધ કરજો – મારા પોતાના વિચાર આ બાબત આમૂલ બદલાયા છે!
    —————————————-
    માનનીય દિપકભાઈની વાત ‘ સમૃદ્ધ પ્રજાની રાંક ભાષા’ બહુ જ ગમી. અહીં જણાવવાનો મારો મૂળ મુદ્દો આ જ છે .
    ભાષા શુદ્ધિના આવા આગ્રહો બાજુએ મૂકીને ગુજરાતીતાને સન્માનનીય બનાવવાનું ;અને ‘આપણી ભાષાનું ગૌરવ’ સામાન્ય માણસ’ માં પેદા થાય એ જોવાનું વધારે જરૂરી સમજું છું.
    ગુજરાતમાં રહેનાર અને ગુજરાતી માટે જીવ બાળનાર દરેક જણ છાતી હાથ મૂકીને કહી શકે તેમ છે ? – કે, તેના કુટુમ્બનાં બાળકો અંગ્રેજી નહીં પણ ગુજરાતી માધ્યમમાં જ હવેથી ભણશે?
    અને આમ ન થવા માટે હું કોઈને દોષ દેતો નથી. સમાજ જે દિશામાં જઈ રહ્યો હોય; તે કુદરતી પ્રક્રિયા છે. અંગ્રેજી માટેનો સામાન્ય માણસનો મોહ સાવ સ્વાભાવિક છે જ. ગુજરાતી પ્રેમી પણ આમાંથી બાકાત ન જ રહી શકે.

    પણ ભાષાનું ગૌરવ વધારવા અનેક દિશાઓમાં પ્રયત્નો જરૂરી સમજું છું. ભાષા શુદ્ધિના આગ્રહો માટે થતો પ્રયત્ન પંડિતો વચ્ચેની સાઠમારીના સ્તરથી આગળ કે ઊંચે આવે એ જળકુસુમવત વાત છે. લીપી સુધારના પ્રયત્નો તો એથી પણ વધારે અર્થહીન છે. બીજી બે બાબત છે , જે આ ૨૧મી સદીમાં નેટના માધ્યમના કારણે જરૂરી બની છે; પણ તે તરફ કોઈનું લક્ષ્ય ગયું જ નથી. સાહિત્ય પરિષદ પણ એ બાબત સાવ ઉદાસીન છે.

    જો આ બધી વ્યક્તિઓ નવી દિશાઓમાં કાર્યરત થશે, તો કશુંક નક્કર કામ થશે. નહીં તો ખાલી ‘વાણી વિલાસ’ જ થશે; ડ્રોઈંગ રૂમ ચર્ચાઓ થશે; સાઠમારીઓ જ થશે.

    ‘ ગુગમ’ નો વિચાર ફરીથી દોહરાવવા મન થાય છે –

    http://gadyasoor.wordpress.com/2010/03/05/googam/

    અને જુઓ તો ખરા.. ત્યાંય બહુ જ ચર્ચાઓ થઈ – ૧૦૩ કોમેન્ટ !! પણ દોઢ વરસ પૂરું થયું – સરવાળે સરવૈયું … શૂન્ય !!

    છેલ્લે … નક્કર કામ ભેખ અને બલિદાનોથી થાય છે – વાતોનાં વડાંથી નહીં .

    Like

    1. ઘણું વાંચવાનું મળ્યું છે! બધા પર એક સાથે જ પ્રતિભાવ આપી દઉં!

      શ્રી ડુમસિયા સાહેબ લખે છે કે સંસ્કૃત એક વખત લોકો દ્વારા બોલાતી ભાષા હતી. પરંતુ એ ખોટી છાપ છે. કાલીદાસનાં નિમ્ન વર્ગનાં પાત્રો પ્રાકૃત બોલે છે. સંસ્કૃત ઉચ્ચ વર્ગની ભાષા હતી, રાજકીય અને આર્થિક સતા પર આ વર્ગનો કબજો હતો. ગૌતમ બુદ્ધ અને મહાવીરે આ બ્રાહ્મણ-્ક્ષત્રીય એલાયન્સનો કાબુ તોડવા માટે લોકોની ભાષામાં ઉપદેશ આપ્યા. તે પછી મહાયાનીઓએ બ્રાહ્મણો્ને હરાવવા માટે એમની ભાષામાં જ લખવાનું શરૂ કર્યું અને સંસ્કૃતને પુનઃ પ્રતિષ્ઠા અપાવી. અંતે બ્રાહ્મણ વર્ગે એમને જ હરાવ્યા અને બૌદ્ધ ધર્મને દેશવટો આપ્યો. દરેક પ્રદેશમાં સંસ્કૃત પહેલાં પણ ભાષા હતી જ. એટલે સંસ્કૃતે ઉચ્ચ સત્તાધારીઓને જોડ્યા એ સાચું છે, સામાન્ય જનતા પણ એનાથી જોડાઈ ગઈ એમ ન માનવું જોઈએ. સંસ્કૃત બધી ભાષાઓની બહેન છે, પણ માતા નહીં. એની ભૂમિકા પણ સેતુ રૂપ રહી અને એ રીતે એ બહુ સમર્થ રહી.

      શ્રી બાબુભાઇએ લખ્યું છે કે કોઈ ભાષા નબળી કે શક્તિશાળી નથી હોતી, માત્ર ભાષકો એને નબળી કે શક્તિશાળી બનાવે છે. પરંતુ મેં ઉપર લખ્યું છે તે ધ્યાનમાં લેતાં સામાન્ય ભાષકો પરાધીન હોય છે. મારે તેની જીભ! અંગ્રેજી શીખવાનું નોકરી માટે જરૂરી હોય તો લોકો ગુજરાતીને ભોગે અંગ્રેજી શીખે, એમાં નવાઈ નથી. આ બાબતમાં હું શ્રી સુરેશભાઈ સાથે સંમત છું. આર્થિક તાકાત સામે સામાન્ય માણસનું કઈં ચાલતું નથી હોતું. આર્થિક રીતે સમર્થ વર્ગની ભાષા સૌની ભાષા બની રહે છે.

      બીજું જે ભાષામાં વિચારો વ્યક્ત થઈ શકે તે ટકે. આદિવાસીઓને સુધરેલા સમાજની ભાષામાં વિચારો વ્યક્ત કરવા પડે તો ર્એમની ભાષા તો મરી જ જાય. યુનેસ્કોના જણાવ્યા પ્રમાણે ભારતમાં આવી ૧૯૬ ભાષાઓ મરી જવાની છે. એ જ રીતે બ્રજ, અવધી, મૈથિલી વગેરે ભાષાઓ જ હતી અને એમણે પદ્ય સાહિત્ય ઘણું આપ્યું પણ શિક્ષિત વર્ગ નવા વિચારોના સંપર્કમાં આવ્યો ત્યારે એમને પદ્યાત્મક ભાષા અધૂરી લાગવા માંડી. નવા વિચારોને ઝીલવાની આ ભાષાઓની મર્યાદિત શક્તિને કારણે ગદ્ય સાહિત્ય ખડી બોલીમાં વિકસ્યું.

      નવા વિચારોની વાત કરીએ તો એમાં વૈજ્ઞાનિક સંશોધનોને પણ સામેલ કરી લેવાં જોઈએ. વૈજ્ઞાનિક સંશોધનો જે ભાષામાં અભિવ્યક્તિ પામે એ ભાષા પ્રબળ બને જ. એટલે ભાષાને ટકાવી રાખવાના પ્રયાસોને આડે આવે અથવા સહાયક બને એવાં ઘટકોની પણ ચિંતા કરવી જોઈએ.

      ભાષા લવચીક ન રહે તો મરી જાય એટલે ભાષા વિશે સતત સજાગ રહેવું જોઇએ. લિપિ એનું વાહન છે. એટલે જ લિપિની સુધારણા પણ મહત્વની છે.

      શ્રી બાબુભાઈના અનુભવો ‘સારા’ છે! (એટલે કે, અનુભવો ખરાબ છે પણ બાબુભાઈ પોતે સારાએવા અનુભવી છે!)

      Like

  33. ભાષકો પરાધિન હોય છે પણ અમુક ભાષાઓના જ. બધી ભાષાઓના નહીં. અને આ હકીકત જ બતાવે છે કે ભાષકો જ જે તે ભાષાને શક્તિશાળી બનાવી શકે. હું માનું છું કે અંગ્રેજી એક શક્તિશાળી ભાષા છે. એટલી બધી શક્તિશાળી કે એનામાં બીજી ભાષાઓને મારી નાખવાની મહત્તમ શક્તિ છે. આ અભિપ્રાય મારો નથી. ભાષાવિજ્ઞાનના એક ખૂબ જ ઊંચી કક્ષાના એક સામયિકમાં વર્ષો પહેલાં પ્રગટ થયેલા એક સંશોધન પેપરમાં આ વાત કરવામાં આવી છે. અગ્રેજી પછી બીજો નંબર રશિયનનો આવે છે.

    Like

  34. ભાષાવિજ્ઞાનીઓ બે પ્રકારના બહુભાષાવાદની વાત કરે છે. એક ઉમેરણ કરે, બીજો બાદબાકી કરે. ઉમેરણ કરતા બહુભાષાવાદમાં અંગ્રેજી જેવી ભાષાઓ સંશોધનના સ્તરે વપરાય અને એનાથી ગુજરાતી જેવી ભાષાઓ સમૃદ્ધ થાય. બાદબાકી કરતા બહુભાષાવાદમાં અગ્રેજી જેવી ભાષાઓ ગુજરાતી જેવી ભાષાઓનું સ્થાન લઈ લે. કેટલાક વિદ્વાનો એવું કહે છે કે ગુજરાતી ટકી રહેશે. પણ, કયા સ્વરૂપમાં એ વિષે એ ઝાઝી વાત કરતા નથી. અમને એવું કહેવામાં આવે છે કે લોકો જે ભાષા વાપરે એ વર્ગમાં ભણાવો. એની સામે એક આંતરરાષ્ટ્રીય કોન્સરન્સમાં દલીલ કરતાં મેં અસંખ્ય લખાણો આપણાં ગુજરાતી અખબારોમાંથી અને ટીવી પરથી આપ્યાં. એક ઉદાહરણ હતું: વડોદરાના એર પોર્ટ પર પ્લેન સાથે બર્ડ હીટ થતાં રહી ગયું (દિવ્યભાસ્કર). હવે જો હું આ ભાષા વર્ગમાં ભણાવું તો શું થાય? હા. ગુજરાતી અવશ્ય ટકી રહેશે પણ આ સ્વરૂપે. અમેરિકામાં મેં એક માને આવું વાક્ય બોલતાં સાંભળેલાં: બેટા બનાનું (કેળું) ખોલી (છોલી?) આપું કે?

    Like

  35. Mitro, Babubhai ye Angreji bhashani shakti vishe kahiu. Ha, aaje VIGNAN (Science) na shodhpatro, sansodhano, reports, shikshan Angreji vina adhuru chhe. Gujaratma pan vignan gujaratima shikhavvanu nakki karayu hatu parantu shabdabhandor tuko pade chhe. Sahitya hoi ke vignan, shabdabhandor ane vyakaran vina kevi rite pragati kari shakai?

    Duniyabharma vignan ne ek tatane bandhvu hoi to shaktishari Angreji bhasha kam kare.

    quantum Mechanics jevo vishai Shaktishari bhasha mange chhe.

    Like

  36. ભાષાપ્રેમી મીત્રો,
    છેલ્લાં ચાર વરસથી મારો બ્લોગ ‘ઉંઝાજોડણી’માં જ ચાલે છે; પણ જોડણી વીષયક લેખ તો મેં આ પહેલી જ વાર મુક્યો. મનમાં ડર તો હતો જ કે કૉમેન્ટનો વીભાગ કંઈ કુસ્તીનો અખાડો ન બની જાય તો સારું.
    પણ સમગ્ર ચર્ચાનું સ્તર જોતાં મારી બીક તો નીર્મુળ થઈ જ; પણ મારે કહેવું જોઈએ કે ચર્ચા ઘણા જ ઉંચા સ્તરની અને સત્ત્વસભર રહી. જરાયે ગુસ્સો, રોષ, ટોણા–મહેણાં સીવાયની આટલી નરવી અને નીષ્ઠાભરી ચર્ચા ભુતકાળમાં થતી મેં ભાળી નથી.. લીપી–જોડણીનો પ્રશ્ન અટપટો અને જરા આળો રહ્યો છે. જો કે પહેલાં એવું હશે; પણ જોડણીપ્રશ્ન પરત્વે હવે સૌનો અભીગમ બદલાયો જણાય છે. ચર્ચાકારોમાં વ્યક્ત થયેલો પરસ્પર સદ્ ભાવ, સહીષ્ણુતા અને વીરોધી મત પ્રતી પરસ્પર આદર, તે વાતની પ્રતીતી કરાવે છે.
    મને તો લાગ્યું કે ‘ભાષાશીક્ષણ’નો મઝેનો વર્ગ જ ચાલી રહ્યો છે ! મને તો ઘણું જાણવા મળ્યું. આ ચર્ચામાં ભાગ લેનાર સૌ સ્વજનોનો હું દીલથી આભાર માનું છું.. આ લેખનો બીજો મણકો તા. ૨૬/૦૧/૨૦૧૨ના પ્રજાસત્તાક દીને મુકીશું..
    ત્યારે આપણે સૌ ફરી મળીએ અને તંદુરસ્ત ચર્ચા આગળ વધારીએ..
    જય હો ગુજરાતી !
    ..ગોવીંદ મારુ

    Like

  37. વાચન અને લેખનક્ષેત્રે મારું પદાર્પણ નવું છે. હું સાહિત્યકાર નથી. મોટે ભાગે ઘટનાત્મક વાર્તાઓ લખતો થયો છું. ચાળીસ વરસથી તો અમેરીકામાં છું. ગમે તેમ, જોડણી એ મારી મોટી નબળાઈ છે. આ ચર્ચામાં આવેલી દરેક કૉમેન્ટ મેં ધ્યાનપૂર્વક વાંચી છે. ‘અભિવ્યક્તી’ના પ્રતિભાવો બહુ જ સહિષ્ણુ રહ્યા છે. અમેરિકન ઈગ્લીશ અને બ્રિટીશ ઈંગ્લીશમાં પણ કેટલો તફાવત છે! આપણે લેખન અને ઉચ્ચારમાં, ભાષા અને બોલીનો તફાવત સ્વીકાર્યો જ છે. કચ્છી ગુજરાતી, કાઠિયાવાડી, અમદાવાદી, ચરોતરી કે મારી હુરતી બોલીનાં લખાણ લખીએ છીએ, વાંચીએ છીએ. કયા જોડણીકોશમાં હુરતી એટલે સુરતી એવું લખ્યું છે ?
    ઉત્તમભાઈએ એમની કૉમેન્ટમાં ઈ, ઊ વગરનો શબ્દ “ખાતર” ખૂબ જ સરસ અને રમૂજી રીતે સમજાવ્યો છે.
    રૂઢિચુસ્ત સાક્ષરો અને ભાષાશાસ્ત્રીઓને સરળ ગુજરાતીના ગળપણ અંગે ડાયાબિટીઝ હોય એ પણ સ્વાભાવિક જ છે. નવી પેઢી એમના ખ્યાલ બહાર પણ જોડણી અંગે સ્વાતંત્ર્ય મેળવી રહી છે. પરિવર્તન થવાનું જ છે. નવી પેઢીને આ પળોજણ પાળવાનો સમય જ ક્યાં છે ?
    આજે વ્યક્તિગત વેબ-બ્લોગ્સ પર લખનાર–વાંચનારને કોઈ પ્રતિબંધ નથી. ‘સન્ડે ઈ–મહેફીલ’ અને ‘અભિવ્યતી’ બ્લોગ ‘ઉંઝાજોડણી’માં જ ચાલે છેને ! હજારો વાચકો વાંચે છે. કોઈને તેમાં કશો વાંધો નથી. આમાં આપણે સંપૂર્ણ સ્વતંત્ર છીએ.
    એ જોડણી અંગેની મોકળાશ શાળા અને યુનિવર્સીટીમાં સ્વીકારાય તો જ ગુજરાતી ભાષાની ‘અભિવ્યક્તી’ વહેતી રહેશે. ભાષાને મુક્ત રીતે વહેવા દો.
    આ ચર્ચામાં ગુજરાતની કૉલેજોના ગુજરાતી પ્રાધ્યાપકો અને ખાસ તો વિદ્યાર્થીઓએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવો જોઈએ. આને એક ગ્રાસ રૂટ ચળવળ કહી શકાય.
    મેં એક મિત્રને મેરી ક્રિસ્ટમસનો સંદેશ મોક્લ્યો. એમણે એમાં રહેલો એક જોડણીદોષ સુધારી આપ્યો ! ભાવ તો તેઓ સમજ્યા જ હશે એમ માનું. મને થાય, લખાણની ભૂલો જોતા રહેવાને બદલે લખાણના ભાવને પામવાનું સૌ ક્યારે શીખશે?
    .પ્રવીણકાન્ત શાસ્ત્રી.. ન્યુ જર્સી– અમેરીકા

    Like

  38. આજથી ભણવા અને ભણાવવાનું (હું યુનિવર્સિેટી ઓફ પેન્સિલવેનિયામાં સિનેમા સ્ટડીઝમાં માસ્ટર ડીગ્રીનો કોર્સ કરી રહ્યો છું) શરૂ થયું. એનો અર્થ એ થયો કે હવે હું ધીમે ધીમે મારા કામમાં પરોવાઈ જઈશ અને પરિણામે આ બ્લોગ પર હું મારા વિચારો રજુ નહીં કરું. ઉત્તમભાઈ, ગોવિંદભાઈ અને આ ચર્ચામાં ભાગ લેનાર તમામનો આભાર. પણ જતાં જતાં હું એક વાત ચોક્કસ કહીશ: લાગણીથી ચર્ચા ન કરો. લાગણીથી શંકરાચાર્ય કહે છે એવો આત્મઅનાત્મવિવેક ન થાય. જોડણી વિષે વાત કરતાં પહેલાં જોડણીવ્યવસ્થા સાચેસાચ શું છે? જગતની વિવિધ ભાષાઓમાં એ વ્યવસ્થા કયા પ્રકારની છે? જગતની કઈ ભાષાઓમાં જોડણી બદલવાના પ્રયાસો થયા છે અને એમાં કઈ ભાષાને કેમ કેટલી સફળતા કે નિષ્ફળતા મળી છે. જોડણી સાથે શું શું સંકળાયેલું છે? વગેરે વગેરે વગેરે વિષે આપણે ન જાણીએ ત્યાં સુધી જોડણીસુધારા વિષેની ચર્ચા ઉપરછલ્લી જ બની રહેવાની. આપણે જો કશાથી બચવા જેવું હોય તો આ ઉપરછલ્લી ચર્ચાઓથી. કેમ કે એવી ચર્ચાઓ અંતે અભિપ્રાયો બનીને રહી જતી હોય છે. અભિપ્રાયો પણ ક્યારેક જરૂરી બને ખરા પણ જોડણીઆયોજન જેવા વિષયમાં એમની ભૂમિકા ખૂબ જ નાનકડી બની જતી હોય છે. ફરી એક વાર બધાંનો આભાર.

    Like

  39. એને ચીતરતાં નથી આવડતું એ લોકો પિકાસો જેવા ચિત્રો દોરવા મથે છે. પહેલાં લોકો પોતાની દલીલો રજુ કરવામાં ‘દૈવી તત્વો’નો આધાર લેતાં, હવે ‘વિજ્ઞાન’ને આગળ ધરે છે. મુબારક હો.

    મારાં જેવાં, ઉંઝા જોડણીનો વિરોધ કરનારાંઓને અર્ધદગ્ધ કહી, બહુ સિફતથી તમે વાર્તાલાપ આગળ વધે તેની કોઈ શક્યતા નાબૂદ કરી છે.

    એટલે હું અહીંથી જ વિરમીશ. મારે કહેવાનું કંઈ રહેતું નથી. મારો સમય વેડફશો નહિ.

    Like

    1. પ્રિય કિશોરભાઈ,

      આમ કરો તે કેમ ચાલે? હજી તો આંગણે આવ્યા જ અને પાછા જાઓ છો! તમે શ્રી બાબુભાઈની અને મારી કૉમેન્ટ્સ પર નજર નાખશો તો અમારી જોડણી ઊંઝા પ્રમાણે નથી એ તરત નજરે ચડશે. શ્રી બાબુભાઈએ તો શરૂઆત જ ઊંઝા વિરોધથી કરી છે. આમ છતાં હું તો માનું છું કે જોડણીમાં સુધારા થાય તો સારૂં. ઊંઝા કે ન-ઊંઝા.

      કબૂલ – પિકાસો જેવાં ચિત્ર બનાવતાં નથી આવડતું, અરે જોશું તો કદાચ સમજાશે પણ નહીં કે આ ખરેખર પિકાસોભાઈએ બનાવ્યું છે! પણ પિકાસોનાં ચિત્રો જોવાનો ધખારો છે એટલે જ તો ગોવિંદભાઈના બ્લૉગાંગણમાં ડખો કરવા ભેગા થયા છીએ! એટલે સમય આ ચર્ચા માટે ફાળવવાની વિનંતિ છે.

      આમ પણ બધા ધ્યેય સુધી જાતે પહોંચી ન શકે પણ યજ્ઞમાં એક મગબાફણું હોમવાનો અધિકાર તો સૌને છે (અને ફરજ પણ). જ્હૉન બાપ્ટિસ્ટે તો નિખાલસતાથી કહી જ દીધું હતું કે મારા પછી જે આવશે એના બૂટની વાધરી (? – સાચો શબ્દ છે?) બાંધવાને પણ હું લાયક નથી. અહીં ચર્ચા કરનારા કઈં જ નહીં કરી શકે એ કબૂલ. એમાં સમય વેડફાય એવું લાગે ખરૂં પણ ‘જે આવશે’ તેની રાહ જોવા માટે કઈંક તો તૈયારી કરવી જ પડે ને? તો આવો ને, આપણે ગોવિંદભાઈને ઓટલે સાથે બેઠા રાહ જોઇએ, આવનારાની!

      Like

  40. માનનીય કિશોરભાઈ, આ આખી ચર્ચાને એક સ્થાને એકઠી કરીને એને એક અભ્યાસનું રુપ આપવાના પ્રયત્નો અમે શરુ કરી દીધા છે. આપના ઉંડાણભર્યા અભ્યાસ અને અનુભવોને આવતી પેઢી માટેનું ભાથું ગણવાનું છે.

    આપની અહીંની હાજરી અમને મોટી હૈયાધારણ બની રહેશે.

    Like

  41. વિચારની ભાષા
    બોલવાની ભાષા
    વાંચવાની ભાષા
    લખવાની ભાષા…………………Things will get better if we all focus on this question

    otherwise we may end up loosing India’s easiest script in future.

    ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

    Like

  42. राष्ट्रीय जोडणी जेवी कल्पना छे के नही एवु मे कशु कह्युज नथी – आपणी भाषाओमा समान जोडणी जे शब्दोमा होय छे (अने लगभग आ वात संस्कृत तत्मस शब्दोने लागु पडे छे) एने हुँ राष्ट्रीय जोडणी गणुँ छुँ – जेने न गणवी होय ते न गणे. ए दरेकनो पोतानो वैयक्तीक मत छे. आपणे गुजराती भाषा शीखवी वधु सरळ अने वैज्ञानीक करवा इच्छीए छीए एवो आपणो दावो छे – माटे मे असमी-बाङ्ग्ला वगेरेनो दाखलो आप्यो छे – तत्सम जोडणीओ एमने क्याँय आडे आवती नथी – उच्चारो तद्दन भीन्न होवा छता. श्री बाबुभाईनी वात आँखो सामे राखो – परदेशस्थीत गुजरातीओ गुजराती भाषा माटे केटलु करी रह्या छे ते समजी लेवु घटे. हुँ तो एमनो दोष पण नथी गणतो. जे भाषा वहेवारमा होय तेज जीवन्त रहे. परदेशस्थीत गुजरातीओ एकज ई-उवाळी जोडणी करशु के अन्य परीवर्तनो करशु एटले पाछा गुजराती भाषा शीखवा माँडशे ए वात मारा गळे तो नथी उतरती. अरे, परदेशनी शी वात करीए – आपणीज आगामी पेढीओ माटे इङ्ग्लीशज व्यवहारभाषा बनी रही छे अने ए ज समस्या आपणी बधीज भाषाओनी छे. परीवर्तन शा माटे करवु जोईए अने कई दीशामा करवु जोईए ए बधु चर्चास्पद छे अने जोई शकीए छीए के केटला भीन्न भीन्न मतो सामे आवी रह्या छे.
    जोडणीनो सम्बन्ध भाषाना लीखीत स्वरुप वीषये छे – जे उच्चरीत भाषानी नजीक होय तेटलु वधु सारु पण ए 100 टका शक्य नथी – अने आवश्यक पण नथी.

    Like

  43. I converted above paragraph in to Gujarati Scrip
    डॉ निशीथ ध्रुव
    January 15, 2012 at 9:40 am

    I converted above paragraph in to Gujarati Scrip.
    Now Which paragraph appears to be more cluttered?Hindi or Gujarati? Why?
    which one requires more eye focus to read?

    Try this Gujarati script in BOLD or ITALIC form……….It looks even lot better.

    If we can write Sanskrit in Gujarati Script why not Hindi?

    રાષ્ટ્રીય જોડણી જેવી કલ્પના છે કે નહી એવુ મે કશુ કહ્યુજ નથી – આપણી ભાષાઓમા સમાન જોડણી જે શબ્દોમા હોય છે (અને લગભગ આ વાત સંસ્કૃત તત્મસ શબ્દોને લાગુ પડે છે) એને હુઁ રાષ્ટ્રીય જોડણી ગણુઁ છુઁ – જેને ન ગણવી હોય તે ન ગણે. એ દરેકનો પોતાનો વૈયક્તીક મત છે. આપણે ગુજરાતી ભાષા શીખવી વધુ સરળ અને વૈજ્ઞાનીક કરવા ઇચ્છીએ છીએ એવો આપણો દાવો છે – માટે મે અસમી-બાઙ્ગ્લા વગેરેનો દાખલો આપ્યો છે – તત્સમ જોડણીઓ એમને ક્યાઁય આડે આવતી નથી – ઉચ્ચારો તદ્દન ભીન્ન હોવા છતા. શ્રી બાબુભાઈની વાત આઁખો સામે રાખો – પરદેશસ્થીત ગુજરાતીઓ ગુજરાતી ભાષા માટે કેટલુ કરી રહ્યા છે તે સમજી લેવુ ઘટે. હુઁ તો એમનો દોષ પણ નથી ગણતો. જે ભાષા વહેવારમા હોય તેજ જીવન્ત રહે. પરદેશસ્થીત ગુજરાતીઓ એકજ ઈ-ઉવાળી જોડણી કરશુ કે અન્ય પરીવર્તનો કરશુ એટલે પાછા ગુજરાતી ભાષા શીખવા માઁડશે એ વાત મારા ગળે તો નથી ઉતરતી. અરે, પરદેશની શી વાત કરીએ – આપણીજ આગામી પેઢીઓ માટે ઇઙ્ગ્લીશજ વ્યવહારભાષા બની રહી છે અને એ જ સમસ્યા આપણી બધીજ ભાષાઓની છે. પરીવર્તન શા માટે કરવુ જોઈએ અને કઈ દીશામા કરવુ જોઈએ એ બધુ ચર્ચાસ્પદ છે અને જોઈ શકીએ છીએ કે કેટલા ભીન્ન ભીન્ન મતો સામે આવી રહ્યા છે.
    જોડણીનો સમ્બન્ધ ભાષાના લીખીત સ્વરુપ વીષયે છે – જે ઉચ્ચરીત ભાષાની નજીક હોય તેટલુ વધુ સારુ પણ એ 100 ટકા શક્ય નથી – અને આવશ્યક પણ નથી.

    Like

  44. સૌ પહેલો પ્રશ્ન તો એ પૂછવા જેવો છે કે આપણે જોડણી કોને કહીએ છીએ? મેં અગાઉ પણ લખ્યું હતું અને એનું અહીં પુનરાવર્તન કરું છું: ગુજરાતી મહદ્ અંશે syllabic ભાષા છે અને અંગ્રેજી alphabetic ભાષા છે. આમ હોવાથી ગુજરાતીમાં આપણે સૌ પહેલાં તો syllableની રચના કરતાં હોઈએ છીએ. જો ઊંઝા જોડણી પાસે વિચારીએ તો આપણે એમ કહેવું પડશે કે ગુજરાતીમાં ‘કિ’, ‘ખિ’, કે ‘કૂ’ કે ‘ખૂ’ જેવા સિલેબલ્સ નથી. કેવળ ‘કી’ કે ‘ખી’ કે ‘કૂ’ કે ‘ખુ’ જેવા જ સિલેબલ્સ છે. આ વિધાન સ્વીકારવું જરાક અઘરું પડી જાય. બની શકે કે હું ઊંઝા જોડણીથી ટેવાયેલો નથી એટલે મને એવું લાગતું હોય. ગુજરાતી બાળક કક્કો શીખતી વખતે હકીકતમાં તો મૂળ સિલેબલ શીખતો હોય છે. પછી બારાખડી શીખતી વખતે એ બીજા સિલેબલ કઈ રીતે બનાવાય એ વિષે શીખતો હોય છે. અને શબ્દ લખવાનું શરૂ કરે ત્યારે એ હકીકતમાં તો ગુજરાતીમાં સિલેબલ્સને કઈ રીતે ગોઠવવામાં આવે છે એ વિષે શીખતો હોય છે. અગ્રેંજી શીખતું બાળક સૌ પહેલાં આલ્ફાબેટ શીખતો હોય છે અને પછી એ આલ્ફાબેટને કઈ રીતે ગોઠવવામાં આવે છે એ વિષે શીખતો હોય છે. એનો અર્થ એ થયો કે ગુજરાતી જોડણીવ્યવસ્થા બે સ્તરીય છે જ્યારે અંગ્રેજી જોડણી વ્યવસ્થા એક સ્તરીય છે. ગુજરાતી જોડણી વ્યવસ્થા સિલેબલની રચના અને સિલેબલની ગોઠવણી એ બેની સાથે સંબંધ ધરાવે છે. એટલે ગુજરાતી જોડની બે સ્તરે ખોટી પડી શકે: એક તો સિલેબલના સ્તરે અને બીજું તે સિલેબલની ગોઠવણીના સ્તરે. જ્યારે હું ‘નદિ’ એમ લખું ત્યારે હું એમ કહીશકે મેં અહીં ‘દી’ સિલેબલને બદલે ‘દિ’ પસંદ કર્યો છે જે બરાબર નથી. ઊંઝા જોડણી એવું કેહવા માગે છે કે ગુજરાતીમાંથી ‘દિ’ કાઢી જ નાખો. એટલે બાળકે ‘દી’ જ લખવાનો રહે. બીજા શબ્દોમાં હું એમ કહીશ કે ઊંઝા જોડણી સિલેબિક લેખન પદ્ધતિને આલ્ફાબેટીક લેખન પદ્ધતિમાં ફેરવવાની તરફેણ કરે છે. જ્યારે વિદ્યાપીઠના કોશકારોએ સંસ્કૃતની તરફેણ કરી ત્યારે એમના મનમાં કદાચ બે ધ્યેય હશે: એક તે આપણો વાસો જાળવી રાખવાનો, અને બીજો તે એ વારસાનું જતન કરવાનો. પણ, આમાંની બીજી ઘટના ન બની. આધુનિકતાવાદી વલણે આપણને સંસ્કૃત ભાષાથી ઘણા દૂર કર્યા. આજે પણ સંસ્કૃતનું શિક્ષણ ખૂબ જ કથળી ગયેલું છે. કેટલાકને એ વાત જાણીને આશ્ચર્ય થશે કે હું ગુજરાતમાં રહીને નહીં પણ અહીં અમેરિકામાં આવ્યા પછી સંસ્કૃત ભાષા શીખ્યો છું. એનો અર્થ એ થયો કે સંસ્કૃત સાથેનો આપણો સંબંધ આટલો બધો નબળો પડી જશે એવું જોડણીકોશના રચયિતાઓએ વિચાર્યું જ ન હતું.

    Like

  45. જ્ઞાની પુરુષને સત્ય સમજાવવું, એ સરળ કાર્ય છે. એ જ રીતે સમ્પુર્ણ જ્ઞાનીને સત્ય સમજાવી શકાય. પરન્તુ જે અર્ધદગ્ધ છે, તેને સત્ય સમજાવવું અત્યન્ત દુષ્કર છે.
    –ભર્તૃહરી

    ભતૃહરિએ ઊંઝકો માટે જ આ લખ્યું લાગે છે.

    Unicode + Unjha – what a deadly combination! Anything on Unjha is always funny and hilarious.

    http://spancham.wordpress.com/2011/07/15/unicode-udyog/

    Like

  46. ઉત્તમભાઈએ હમણાં જ રમણ પાઠકનો ગુજરાત મિત્રમાં પ્રગટ થયેલો “ઊંઝા જોડણી એટલે (શાસ્ત્રીય) વૈજ્ઞાનિક જોડણી -૩’ મોકલ્યો છે. આ જવાબ હવે મારુ સાહેબ આ બ્લોગ પર પણ મૂકશે. એમાં રમણ પાઠકે મેં આ બ્લોગ પર જે ચર્ચા કરી છે એનો જવાબ આપ્યો છે. મને લાગે છે કે એમણે એ જવાબ પહેલાં તો આ બ્લોગ પર જ આપવો જોઈએ. જ્યાં ચર્ચા થતી હોય ત્યાં જ જવાબ અપાય અને એ પણ ચર્ચાને શોભે એવી ભાષામાં. જેમ કે, એમણે ત્રીજા ભાગમાં એવું પૂરવાર કરવાનો પ્રયાસ કર્યો છે કે મારામાં કોઈ વિવકેબુદ્ધિ નથી, હું લાકડાની તલવારથી લડી રહ્યો છું, હું બનાવટી વિદ્વાન છું. વગેરે વગેરે. વગેરે. એમની મુખ્ય દલીલ આટલી છે: એઓ કહે છે કે એમને એમના લેખમાં ક્યાંય પણ જે વાણી ન હોય એ લેખનમાં પણ ન હોય એવો દાવો કર્યો નથી. અમે અહીં પશ્ચિમમાં, કોઈ વિદ્વાન કંઈ લખે તો એના ફલિતાર્થને જોતા હોઈએ છીએ, એના શબ્દોને અમે અમુક સંજોગોમાં જ પકડતા હોઈએ છીએ,. હવે તમે એમનું આ વિધાન જુઓ: “ઊંઝા જોડણીનો પાયાનો મુખ્ય સિદ્ધાન્ત એ જ હોઈ શકે અને છે જ કે એકસરખા ઉચ્ચારણ માટે બબ્બે ચિહ્નો, હ્રસ્વ અને દીર્ઘના, એવો બીનજરૂરી નિયમ શા માટે?” ગુજરાતીમાં [ઇ] માટે ‘ઈ’ અને ‘ઈ’ અને [ઉ] માટે ‘ઉ’ અને ‘ઊ’ ચિ્હ્નો છે. એટલે કે એકજ ઉચ્ચારણ માટે બે ચિહ્નો છે. રમણ પાઠક કહે છે કે આવું ન હોવું જોઈએ. એમનું એક સરખું ઉચ્ચારણ થાય છે એટલે એમના માટે એક જ ચિહ્ન હોવું જોઈએ. આ જ વાતને તમે જરાક અમૂર્ત સ્તરે લઈ જાઓ તો એનો અર્થ એ થાય કે જો એક જ ધ્વનિ બોલાતો હોય તો એક જ ચિ્હન હોવું જોઈએ. અને આ જ વાતને તમે સિદ્ધાન્તના સ્તરે લઈ જાઓ તો એનો અર્થ એ થયો કે જે બોલાય તે જ લેખનમાં હોવું જોઈએ. મારું રેશનાલિસ્ટ ચિત્ત આ રીતે કામ કરે છે. રમણ પાઠકનું ચિત્ત જરા જુદી રીતે કામ કરી રહ્યું છે. હવે આ વાતને જરા આગળ લઈ જાઓ. જે બોલાય એ જ લેખનમાં હોય તો ‘કેરી’ અને ‘કેળું’માં ‘કે’ જુદી જુદી બોલાય છે. જો એમ હોય તો એમના માટે પણ બે જુદાં જુદાં ચિ્હ્નો હોવાં જોઈએ. મારી આ દલીલને રમણ પાઠક અવૈજ્ઞાનિક દલીલ તરીકે ઓળખાવે છે. પણ, એઓ આટલેથી અટક્યા હોત તો મને વાંધો ન હતો. એમણે તો આખા લેખમાં મારી ગુજરાતી ભાષા અને ભાષાવિજ્ઞાન વિશેની સમજની યથાશક્તિ ઠેકડી પણ ઉડાડી છે. આ પ્રકારની ભાષામાં વાત કરતા વિદ્વાનો સાથે સંવાદ શક્ય ન બને. અને ક્વચિત બને પણ ખરો તો એ સંવાદની ભાષા આ બ્લોગનું ગૌરવ સાચવે એવી નહીં હોય. મારે એવી ભાષા અહીં નથી વાપરવી. આ બ્લોગ પર હું દલીલો કરવા આવ્યો હતો, લડવા માટે નહીં. એટલે હું અહીંથી વિદાય લઉં છું. સબ કો સન્મતિ દે ભગવાનની પ્રાર્થના સાથે. અને હા, જતાં પહેલાં હું એક વાત અહીં કહેતો જાઉં છું: રમણ પાઠકે એમની ભાષામાં હું જવાબ તો આપવાનો જ છું. એ જવાબ હું ઉત્તમભાઈને મોકલીશ. આશા રાખીએ કે ઉત્તમભાઈ, જેટલી હોંશથી રમણ પાઠકનો લેખ બધાંને મોકલે છે એટલી જ હોંશથી મારો જવાબ પણ મોકલશે જ. એમ કરવામાં એઓ મામકા: નીતિ નહીં અપનાવે.

    Like

    1. શ્રી બાબુભાઈ,
      તમારી તલવાર અમને તો કોઈને વાગી નથી એટલે અમે તો એમાં કયું મટીરિયલ વપરાયું છે તે જાણતા નથી!
      રમણભાઇએ કહ્યું કે એ લાકડાની છે તો અમારે એ માની લેવું? શ્રી રમણભાઈના બીજા લેખની રાહ જોઈએ છીએ અને એ ૨૬મી જાન્યુઆરીએ આવશે. આ દરમિયાન ભાગ-૧ પરની ચર્ચાનો એમને અખબારમાં પ્રતિભાવ આપ્યો છે. એ સ્વતંત્ર લેખ નથી,માત્ર પ્રતિભાવ છે. એટલે શ્રી ગોવિંદભાઈ આ કહેવાતા ત્રીજા લેખને બીજા પહેલાં મૂકી શકે છે, એમ મને લાગે છે.
      શ્રી ગોવિંદભાઈ, શ્રી બાબુભાઈ ભાગ ન લેવાનું વિચારે એ તો મને યોગ્ય નથી લાગતું.

      Like

    2. શ્રી ઉત્તમભાઈ,

      આપનો આશય આ વાતને શાસ્ત્રીયપણે સૌમાં વહેંચવાનો જ છે પણ શ્રી રમણભાઈએ જો આવો જવાબ આપવા પાછળ સમદૃષ્ટી રાખવાને બદલે એને સામાન્ય વાચકોને અપાતા જવાબની જેમ જ ટ્રીટ કર્યો હોય તો તે બરાબર નથી. સુથારસાહેબ કહે છે તેમ આ ચર્ચા કરવા તેઓ તૈયાર તો છે જ પણ પછી સામે છેડે પણ એમની બરોબર રહીને સહીષ્ણુતાથી વાત કરવાની રહે.

      આપણે ગમે તેટલું સારું ઈચ્છીએ પણ છાપાંમાંની ઉગ્રતા વાતને વણસાવી દેતી હોય છે. શ્રી બાબુભાઈની વ્યસ્તતાનો પ્રશ્ન અને સામે છેડે જરુરી સ્વસ્થતાનો પ્રશ્ન આપણા સૌ ગ્રુપજનો માટે, શ્રી ગોવીંદભાઈ માટે અને વાચકો માટે પણ મુંઝવનારો બની રહે. બે વાચકોએ તો સુથાર સાહેબને પણ સરસ લખ્યું છે તે મારી વાતને પડઘાવે છે. હું પણ શ્રી બાબુભાઈને MGMGની રીતે જ વીનવું છું.

      કોઈની વાતને અધુરપથી સમજીને જાહેરમાં વલોવવીએ તો નવનીત તો નીકળતું નીકળે, વીષ તો રાહ જોઈને જ બેઠેલું હોય છે !!

      Like

    3. જેવું ‘એ’ ના બે ઉચ્ચારો માટે છે; તેવું ‘ઓ’ના બે ઉચ્ચારો માટે પણ છે.
      કોક ઊત્સાહી એ માટે પણ જૂદા ચિહ્ન વાપરે છે.

      Like

  47. બાબુ ભાઈ આ બ્લોગ ના વાંચક અમે પણ છીએ ભલે મુક છીએ પરંતુ બંને બાજુ ની વાતો વાંચી ને અમારા જીવન ના વ્યવહાર માં અનુસરણ પણ કરીય છીએ. માટે પ્લીઝ વિદાય લેવા ની વાત ના કરશો.

    Like

  48. વિદ્વાન અને શૈક્ષણિક સાહિત્યકારોની ક્ષમા યાચના સાથે, ભાષા અને જોડણી અગેનો મારો હળવો અભિગમ.
    નમસ્ટે. મારુ નામ પવિન સાસટરી. મારે બઢ્ઢા વિડવાનોને હાથ જોરીને વિનંટી કરવાની કે તમે બધા જોડનીની મારા મારી બંઢ કરી ડો. ઉં હુરટમાં નાન્નો ઉટો, ટિયારે અમારી ગલીમાં એકજ નાટના બે ટન ફેમિલી હામ હામે રેટા ઉટા. રોજ હવાર પરે ને ઘરમાં ને ઘરમાં ઝગરાની પ્રેક્ટિસ કરે પછી હામા વારાની હાઠે ઑતલા પરથી ગાલાગાલી કરે. ટુ નીચે ઉટર, ટુ નીચે ઉટર, તને બટાવી ડઉં. પન કોઈ નીચે ઊટરે નઈ. ટુ નીચે ઊટર. પન કૉઈ ડારો બન્ને નીચે નઈ ઉટરે. જો ઊટરે ટો અમને પોઈરાઓને મજા આવી જાય. નીચે ઊટરી ને એક બીજાની ફેંટ પકરે. પછી કે’ આજનો ડારૉ જવા ડઉ છું. કાલે બટાવી દઈશ કઈને ગરમા ભરાઈ જાય. હાંજે હાઠે જમ્મા હો બેહે. રાટના ગલીમા હેતરંગી લાખીને સોરાની બાતલી પીતા પીતા તીન પત્તી હો રમે.
    તમે બઢા વિડવાનો હાબુથી ઢોયલી ભાસામા સાહિટ્યિક ગાલાગાલી કરો ને પ્લાસસ્તિકની પિસ્તોલથી ધરાકા કરો, ને પછી સભામા ગાડી ટકિયે બેહીને તમે બૌ રૂપારા છૉ ને બૌ હારુ ગાવ છો એવી વાટો કરો તે બૌ હારુ ની કેવાય.
    મારી વાટ કરુ. આમ ટો મારુ નામ ‘પ્રવીણ’ પન મને ડિઝાઈનર લખવાનું ગ મે એતલે ‘પ્રવિણ’ લખટો. મારા પિટાશ્રી, કાકા, મામા બઢ્ઢા નિહાળમાં માસ્ટર. કાન પકરીને હિખવી ડિઢુ, વ ની ઉપર ડાડાજીની લાકરી ભેરવવાની. પાછરથી છટ્રી ની ઓઢારવાની.
    એક વાર ઉં મારા મામાને ટાં ગઈલો. રોજ હવારે મરગો બોલે. એક દારો મેં મરઘાને ને પુઈછું ‘દોસ્ટ મારે નિબંઢ લખવાનો છે. ગો લખું કે ઘો લખું. બૌ ગુંચવારો થાય છે. મને કે’ ટનેં હંભરાય ટેવું લખ. મે બીજો સવાલ પુઈછો. ટુ રોજ હવારને બડલે રાટના ટન વાગે કુકરે કૂક કરે તો ક માં વાંકુ પુછરુ કરવાનું કે હિધ્ધુ કરવાનું. મને કે કે તને હમરાય તેવું કરવાનું. ની હમજાય તો એક વાર લામ્બુ ને બીજી વાર ટૂંકુ લખવાનું.
    મેટ્રીક પછી મારા દોસ્તારે મને ગોલ્ડન સલા આપી. ડફોર ટુ આર્સ્ટમાં ની જટો. ટાં રમન ભાઈના મોટા ભઈ જયંટભાઈ છે. ટું કોઈબી ડિવસ પાસ નઈ ઠાય. ઍતલેતો ઉં સાયન્સમા પેઠેલો. ખાલી O, C, H કે N જેવા બે ચાર આલ્ફાબેત આવરે એતલે પાસ. જયંટભાઈ બે વરહ સાયન્સમાં હો ગુજરાટી હિખવ્ટા. એના કવિ સન્ન્મેલાનમાં જટો એટલે બે આખ્ની સરમમા ડયા ખાઈને મને પાસ કરેલો. એમટો મેં સરોજબેન હાથે અરીપુરા નિહારમાં છ મૈના નોકરી હો કરેલી. પણ મોટું ભુંગરુ જોઈને ફેકટરીમાં નાહિ ગૈલો. પછી સાહિટ્ય સાઢે લવ લફરા બન્ઢ કરેલા. ડોહો થઈને ગેર બેઠો. પછી સાહિટ્યને આંખ મારવાનું શરુ કઈરૂ.
    લખવાનું મન ઠીયું. એક ચોપરી ‘શ્વેટા’ (હાચ્ચુ વાંચો ટો “શ્વેતા”) લખી કારી. ઊટ્ટમભઈને આપી તૉ કે બધ્ધી જોડની ખોટ્ટી છે. ચોપરી, કચરાપેટીમાં ફેંકી દીઢી. મેં એને હમજાવવાની બૌ ભેજા મારી કરી કે મારાથી ઉંઝા કે સારથમાં પાસ થવાય નૈ. એતલે મેં મારી ઓપન મેરેજ જેવી ઓપન જોદનીકોસ રાખેલો છે.
    જરા ઢિરજ રાખહો ટો આપોઆપ આજના અંગેજી મિડિયામાં ભનતા પોઈરાઓ હુરટી, ચરોટરીઆ કે કાઠિયાવારી બોલતા ને આવરે ટેવી ગુજરાટી જોડની લખટા થઈ જહે. સાલુ એકજ હમજાટું નઠી.
    રમનભાઈએ હુરટના પેપરમાં સાયન્ટિફીક ઉંઝા જૉડનીમાં ટેનો લેખ કેમ ની લઈખો? ઝાં હુઢી પેપરવાલા, નિહાર કે કોલેજવારા, મેગેઝિનવારા કે સમ્સ્કૃટ ભનેલા ગુજરાટીવારાઓ; ઉંઝા માં નૈ છાપે તાં હુધી પાની વલોવીને જોનીવોકર કાઢવાની વાત છે.
    મારા ગાંડા ઘેલ્લા લખાન બડલ ગોવિંડભાઈ, રમનભાઈ, ઊટ્ટમભઈ, બાબુભાઈ અને બધ્ધા ભૈઓની લામ્બા થઈને કાન પકરીને માફી માંગું છું.

    Like

    1. એ પરવિન ભાઈ ( પરવિન બાબી યાદ આવી ગઈ! ) અને ગોવિંદભાઈ,

      ન્યાં કણે તો ખુશી એતલી બધ્ધી થૈ ગૈ કે બેવડ વલી જ્યો .
      અને આ ઠોકી માયરું …..

      ભૂલચૂક માફ ! લેવી દેવી નૈ !

      Like

  49. જોડણીદોષ વિનાની ભાષા
    (આ બોધકથા મેં ૧૭મી ઓક્ટોબર, ૨૦૧૦ના રોજ લખી હતી. આજે આ બોધકથા મને ઘણી પ્રસ્તુત લાગે છે.)

    એણે કહ્યું: અમે અમારી ભાષાની જોડણી એટલી બધી સરળ બનાવી દીધી છે કે જો કોઈએ એમાં ભૂલ કરવી હોય તો પણ ન કરી શકે. મને એની વાતમાં રસ પડ્યો. મેં એને પુછ્યું: એવી કેવી ભાષા જેમાં કોઈ જોડણીદોષ જ ન કરી શકે? એણે કહ્યું કે એક જમાનામાં તમે વાપરો છો એમ અમે પણ હ્રસ્વ-દીર્ઘ વાપરતા હતા અને જેમ તમારે ત્યાં થતું એમ અમારે ત્યાં પણ થતું. અમારા મોટા ભાગના માણસો જોડણીદોષ કરતા. પછી અમે સરકારને કહ્યું: ભાષા બચાવો, હ્રસ્વ-દીર્ઘ વચ્ચેનો ભેદ કાઢી નાખો. એ સાથે સરકારે જાહેર કર્યું: રાજ્યના વિકાસ માટે આપણે આપણી ભાષામાંથી હ્રસ્વ-દીર્ઘ વચ્ચેનો ભેદ કાઢી નાખવાની જાહેરાત કરીએ છીએ. હવે દરેકે કેવળ દીર્ઘ જ વાપરવાં. એ જાહેરાત પછી અમને એમ કે હવે કોઈ પણ માણસ જોડણીદોષ નહીં કરે. પણ, અમે ધાર્યું હતું એના કરતાં જરા ઊંધું થયું. જૂની પેઢીના લોકો, અલબત્ત આદતને કારણે, હ્રસ્વ-દીર્ઘ બન્ને વાપરતા રહ્યા અને એઓ પહેલાંની જેમ જ જોડણીદોષ કરતા રહ્યા. એને કારણે ઘણી બધી અરાજકતા ઊભી થવા માંડી. અમે સરકારને કહ્યું: આવું ન ચાલે. રાજ્યના વિકાસ માટે આપણા લોકો એક જમાનામાં આપણી ભાષામાં હ્રસ્વ-દીર્ઘ વચ્ચેનો ભેદ જળવાતો હતો એ વાત ભૂલી જાય એવી દવાની શોધ કરો. સરકારે ભાષાઊંટવૈજ્ઞાનિકોને બોલાવીને કહ્યું કે ભાઈ, શોધી કાઢો એવી દવા. ઊંટવૈજ્ઞાનિકોએ અઢી દહાડામાં જ એવી દવા શોધી કાઢી. સરકારે જે લોકો હજી પણ હ્રસ્વ-દીર્ઘ સાતે સંકળાયેલો જોડણીદોષ કરતા હતા એ બધ્ધાંને એ દવાનાં એક એક ઈન્જેક્શન આપી દીધાં. જો કે, તો પણ કેટલાક લોકો એવા રહ્યા ખરા જેઓ હ્રસ્વ-દીર્ઘ વચ્ચેનો ભેદ ભૂલી શકતા જ ન હતા. સરકારે એ લોકોને ગુજબેરીયામાં ખાસ ઊભી કરેલી ભાષાયાતના છાવણીઓમાં મોકલી આપ્યા. એ લોકોનું ત્યાં શું થયું એની હજી કોઈને ખબર નથી. પછી અમે સરકારને કહ્યું કે આપણે હવે એક પણ માણસ જોડણીદોષ કરતો નથી એની ખાતરી કરી લેવી જોઈએ. એટલે સરકારે એક ઢંઢેરો પીટ્યો: જે માણસ આપણી ભાષામાં જોડણીભૂલ કરશે એને દસ લાખ રૂપિયાનો એવોર્ડ આપવામાં આવશે. એ ઢંઢેરો સાંભળતાં જ લોકો વળગી લાગ્યા જોડણીભૂલ કરવા. પણ, કહું તો કોઈનાથી જોડણીભૂલ થાય. તો પણ કેટલાક લોકોએ અક્ષરક્રમ આડોઅવળો લખીને સરકાર સમક્ષ એવો દાવો કર્યો કે હજી પણ આપણી ભાષામાં જોડણીદોષ શક્ય છે. એ બધાએ સરકાર પાસે દસ દસ લાખ રૂપિયા માગ્યા અને સરકારે એ બધાંને દસ દસ લાખ આપ્યા. અમારી સરકાર સાચે જ વિકાસને વરેલી છે. ભાષા શુદ્ધ રહે એ માટે એ બદ્ધું જ કરી છૂટવા તૈયાર છે. એટલે સરકારે પાછા પેલા ઊંટવૈદોને બોલાવ્યા અને કહ્યું: લોકો અક્ષરક્રમમાં ભૂલ ન કરે એ માટે રસી શોધી કાઢો. ઊંટવૈદોએ ચાર દહાડામાં જ એવી રસી શોધી કાઢી. અને દસ દિવસમાં જ અમારી સરકારે તમામ લોકોને એ રસી આપી દીધી. પછી ભાગ્યે જ કોઈ અક્ષરક્રમની ભૂલ કરતું અને જો એવી ભૂલ કરતું તો એને લોકો દવાખાને લઈ જતા અને દાક્તર એને પેલી રસીનો ભારે ડોઝ આપી દેતા. જો કે, ઘણી વાર એ ડોઝની આડઅસર થતી. કેટલાક લોકો ક્યારેક પેન્ટની જગ્યાએ શર્ટ અને શર્ટની જગ્યાએ પેન્ટ પહેરવાનો પ્રયત્ન કરતા. પણ, એને જોડણીદોષ ન કહેવાય એટલે સરકારે એવી ઘટનાઓને કૌટુંબિક પ્રશ્નો તરીકે ઓળખાવી બાજુ પર મૂકી દીધેલી. મેં કહ્યું એમ અમારી સરકાર વિકાસને વરેલી છે. એણે નક્કી કર્યું હતું કે કોઈ પણ સંજોગોમાં આપણી ભાષાને જોડણીભૂલ ન થાય એવી બનાવવાની છે. એટલે સરકારે ફરી એક વાર ઢંઢેરો પીટ્યો: જે કોઈ જોડણીભૂલ કરશે એને દસ લાખ રૂપિયાનો એવોર્ડ આપવામાં આવશે. એટલે કેટલાક લોકોએ આડેધડ અનુસ્વાર મૂકીને સરકારને બતાવી આપ્યું કે જુઓ હજી પણ આપણી ભાષામાં જોડણીદોષ શક્ય છે. જો કે, આ વખતે નીતિશાસ્ત્રીઓ વચ્ચે પડ્યા. એમણે એક દાર્શનિક પ્રશ્ન ઊભો કર્યો: જાણી જોઈને કરવામાં આવેલી ભૂલને ભૂલ કહી શકાય ખરી? સરકારે એક પંચ બેસાડ્યું અને એ પંચને સાડા ત્રણ કલાકમાં આ પ્રશ્નનો ઉકેલ લઈ આવવાનું કહ્યું. પંચે પણ સાડા ત્રણ કલાકમાં જ એ પ્રકારના લખાણને જોડણી ભૂલ કહેવાનો ચૂકાદો આપી દીધો પછી, સરકારે એ લોકોને દસ દસ લાખ રૂપિયા આપ્યા અને ફરી એક વાર પેલા ઊંટવૈદોને તેડાવીને કહ્યું કે અનુસ્વારને નિયંત્રિત કરવાની દવા શોધી કાઢો. ઊંટવૈદોએ ખૂબ પ્રયત્નો કર્યા પણ એમને એવી દવા ન જડી. એટલામાં એક ભાષાનો જાણતલ જોશીડો આવ્યો. એણે આખી જીંદગી જોડણી સુધારાની ચળવળ ચલાવવા સિવાય બીજો કોઈ ધંધો કર્યો જ ન હતો. એણે કહ્યું: ભાષામાંથી અનુસ્વાર કાઢી નાખો. એ સાથે જ વિકાસને વરેલી અમારી સરકારે પણ જાહેરાત કરી: ભાષામાંથી અનુસ્વાર કાઢી નાખો. પછી, અમારી ભાષામાંથી અનુસ્વાર કાઢી નંખાયો. પછી સરકારે કહ્યું: જે કોઈ અનુસ્વાર વાપરશે એને ગુજબેરિયામાં મોકલી આપવામાં આવશે. હવે અમારા દેશમાં વસ્તિ ઘટી ગઈ છે અને ગુજબેરિયામાં વધી ગઈ છે. બીજું, હવે અમારા દેશમાં કોઈ જોડણીભૂલ કરતું નથી. પણ સાંભળ્યું છે કે ગુજબેરિયાના લોકો હજી પણ જોડણીભૂલો કરે છે. પણ, આની સમાન્તરે એક બીજી પણ વિચિત્ર ઘટના બની છે: અમારા ત્યાં બાળજન્મનો દર ઘટી રહ્યો છે અને ગુજબેરરિયામાં વધી રહ્યો છે. સરકારમાં વિકાસની વાત કરતા કેટલાક લોકો આ ઘટના માટે જોડણીદોષ વિનાની ભાષાને જવાબદાર ગણાવવા માંડ્યા છે. એઓ કહે છે કે સરળ જોડણીને કારણે આપણા દેશના નાગરિકો તમામ પ્રકારની સર્જનશક્તિ ગુમાવવા લાગ્યા છે.

    Like

  50. આશા રાખું કે મારુ સાહેબ પ્રા. રમણ પાઠકના બાકીના બે લેખો પણ આ બ્લોગ પર મૂકશે. કેમ કે, મેં જ્યારે મારા અભિપ્રાયો આપ્યા ત્યારે ઉત્તમભાઈએ ઈ-મેઈલ દ્વારા મોકલેલા પ્રા.રમણ પાઠકના બીજા લેખનો પણ ઉપયોગ કર્યો હતો જે લેખ અહીં મૂકવામાં આવ્યો નથી.

    Like

    1. વહાલા શ્રી બાબુભાઈ સાહેબ,
      નમસ્કાર.
      આજદીન સુધીમાં ૭૫ પ્રતીભાવો મળ્યા છે.. વીદ્વાન વાચકમીત્રોની સાથે આપશ્રીએ વીષયને ન્યાય આપતી આ ભાષાચર્ચામાં ભાગ લીધો તેનો મને આનન્દ છે. ભાષાવીજ્ઞાની તરીકે આપના જ્ઞાનનો બહુ જ સારો લાભ મળ્યો છે અને મળતો રહશે જ.. ૨૬મી જાન્યુઆરી,૨૦૧૨ના દીવસે ‘ઉંઝાજોડણી’ એટલે શાસ્ત્રીય(વૈજ્ઞાનીક) જોડણી – ૨ મારા બ્લોગ પર મુકવામાં આવશે. જે આપશ્રીને તેમજ સર્વ વાચકમીત્રોને વીદીત થાય.
      ધન્યવાદ…..

      Like

  51. English [ʃ] આટલી રીતે લખાય છે: sugar, sha, schist, issue, mansion, mission, conscious, ocean, suspicion, chaperone. (Writing System: Columas, Cambridge University, 2003માંથી). તો પણ કોઈ એમ નથી કહેતું કે અંગ્રેજી સહેલી બનાવો. બીજે ક્યાંય નહીં તો ગુજરાતમાં તો આપણે અંગ્રેજી સહેલી બનાવવાની ચળવળ ઉપાડવી જોઈએ. કેમ કે જો ગુજરાતી બાળકોને પ્રવર્તમાન ગુજરાતી જોડણીવ્યવસ્થા અઘરી પડતી હોય તો એમને અંગ્રેજી જોડણીવ્યવસ્થા પણ અઘરી પડવી જોઈએ. કેમ કે અંગ્રેજીમાં પણ એક જ ધ્વનિ માટે એક કરતાં વધારે ચિહ્નો છે અને એક જ ચિહ્ન માટે એક કરતાં વધારે ધ્વનિઓ છે. એવું તો ન જ બને કે ગુજરાતમાં બાળકો બે મગજ સાથે જનમતાં હોય. એક અંગ્રેજી ભાષા શીખવા માટે અને બીજું ગુજરાતી ભાષા શીખવા માટે. આશા રાખીએ કે જેઓ ‘સરળ જોડણી વ્યવસ્થા’ની તરફેણ કરે છે એઓ આ પ્રશ્નનો પણ જવાબ આપશે. આપણી ચર્ચા સિદ્ધાન્તની છે, કોઈ વ્યક્તિની નથી. મારું કામ જે તે સિદ્ધાન્તની બૌદ્ધિક ચકાસણી કરવા પૂરતું મર્યાદિત છે.

    Like

  52. માફ કરજો, “English [ ] આટલી રીતે લખાય છે”. આ વિધાન આ રીતે વાંચજો: “English [sh] આટલી રીતે લખાય છે.” મેં IPA (International Phonetic Alphabet)નો [sh] વાપરેલો પણ ઈન્ટરનેટ ટેકનોલોજીની કે મારી મર્યાદાને કારણે કેટલાંક બ્રાઉઝર પર એ અક્ષર પ્રગટ થતો નથી.

    Like

  53. બીજી ભાષાઓમાં સુધારા થાય છે ?
    –સ્વ. જયન્ત કોઠારી
    એક દલીલ એવી ઘણી વાર થાય છે કે અંગ્રેજી ભાષાની જોડણી આટલી બધી અતંત્ર હોવા છતાં એ લોકો એને બદલવાનું વીચારતા નથી, તો એવું વીચારવાની આપણે શી જરુર પડી ?

    આનો જવાબ એ છે કે અંગ્રેજી ભાષાની વર્તમાન જોડણીવ્યવસ્થા માન્ય થયાને ત્રણ–ચાર સૈકા થઈ ગયા છે, અંગ્રેજ પ્રજાની સો ટકા સાક્ષરતાને કારણે એને સર્વવ્યાપકતા મળી ચુકી છે. ઉપરાન્ત અંગ્રેજી ભાષાના આંતરરાષ્ટ્રીય વ્યાપ સાથે એ જોડણીને પણ આંતરરાષ્ટ્રીય વ્યાપ મળી ચુક્યો છે અને અતી વીશાળ ગ્રંથરાશી એ જોડણીમાં પ્રકાશીત થઈ ચુક્યો છે. આ બધી બાબતોમાં ગુજરાતી ભાષા ઘણી પાછળ છે. એટલે જોડણીસુધારને અવરોધક પરીબળો અંગ્રેજી ભાષા પરત્વે છે તેવાં આપણે ત્યાં નથી. સુધારાના પ્રયાસો અંગ્રેજી ભાષા પરત્વે નથી થયા એવું નથી; પણ આ પરીબળોને કારણે એ નીષ્ફળ ગયા તેવું આપણે થવા દેવાની કોઈ જરુર નથી.

    બીજી વાત એ છે કે અંગ્રેજી ભાષાની જોડણીમાં અમેરીકનોએ ભલે નાનકડો પણ ફેરફાર કર્યો છે. ને લીપી–જોડણીમાં ફેરફાર કરનાર બીજી ભાષાઓના દાખલા તો મળે જ છે. સ્પેનીશ અને પુર્વ યુરોપની ઘણી ભાષાઓએ જોડણી બદલી છે. સ્પેનીશ ભાષા માટે સર્વમાન્ય અધીકારથી સમયેસમયે નીયમો કાઢતી એક ભાષાઅકાદમી છે. વીસેક વર્ષ પહેલાં એણે જોડણીના નવા નીયમો કાઢ્યા છે. એનો હેતુ સરળતા લાવવાનો હતો અને એમાં શક્ય હોય ત્યાં સુધી સ્પેનીશ ભાષા જેમ બોલાય તેમ લખાય તેવું કરવાનો પ્રયત્ન હતો. તુર્કી, મલેશીયન, ઈન્ડોનેશીયન ભાષાઓએ તો લીપી પણ બદલી છે.

    આપણે ત્યાંની વાત કરીએ તો મરાઠી ભાષાએ પંદર વરસ પહેલાં જ એક નાનકડો પણ મહત્ત્વનો જોડણીસુધાર સ્વીકારી લીધો છે – સંસ્કૃત શબ્દોમાં પણ અન્ત્ય ‘ઈ’ દીર્ઘ કરવાનો. તેથી આપણો ‘કવિ’ હવે મરાઠીમાં બને છે ‘કવી’. (તેવી જ રીતે આજે મરાઠીમાં સર્વત્ર સૃષ્ટી, દૃષ્ટી, પ્રકૃતી, નીતી, રીતી, પ્રીતી વગરે લખાય છે.) આજે આ ફેરફાર ત્યાં સર્વવ્યાપક થઈ ચુક્યો છે. (મરાઠી શાળાઓમાં ભણાવાતાં પાઠ્યપુસ્તકોમાં આ બાબતની ચોકસાઈ કરી શકાય છે.) મળયાળમ લીપીને સરળ બનાવવા માટે એમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે.

    આ બધું બતાવે છે કે માન્ય જોડણીવ્યવસ્થામાં ફેરફાર ન થઈ શકે એ માન્યતા તુટી રહી છે. બલ્કે, ઘણાં અદ્યતન પરીબળો જોડણીવ્યવસ્થામાં પરીવર્તન માટે પ્રેરી રહ્યાં છે.

    –જયન્ત કોઠારી

    સ્વ. જયંત કોઠારી લીખીત ‘જોડણી–વ્યવસ્થામાં પરીવર્તન માટે લોકમતની કેળવણી’ (પ્રકાશકઃ મધુકાન્તા ગજ્જર, 53–ગુરુનગર, વરાછા રસ્તો, સુરત – 395 006 ..પ્રકાશન વર્ષ – મે 2000 .. ત્રીજું પુનર્મુદ્રણ – 2002 મુલ્યઃ કેવળ સદ્ ભાવ અને વીચાર–પ્રસાર સંક્ષેપકારઃ શ્રી. મહેન્દ્ર મેઘાણી)પુસ્તીકાના પાન ક્રમાંક 13 અને 14 ઉપરથી સાભાર..

    વહાલા બાબુભાઈ અને મીત્રો,
    બનવા જોગ છે કે તમારા કોઈ પ્રશ્નનો જવાબ આ નાનકડા લખાણમાંથી મળે..
    અક્ષરાંકન : ઉત્તમ ગજ્જર – સુરત.. uttamgajjar@gmail.com
    January 23, 2002

    Like

    1. શ્રી બાબુભાઈ,
      મારો ખ્યાલ છે કે આજે જે રીતે ‘શ’ અંગ્રેજીમાં લખાય છે એવો શેક્સ્પીઅરના સમયમાં લખાતો નહોતો. એના માટે અલગ ચિત્ર હતું. વળી સાયાસ અને અનાયાસ રીતે અંગ્રેજી માટેની લિપિમાં ફેરફાર થયા જ છે. આ બાબતમાં મારે એક લાંબું ક્વૉટેશન અનુવાદ કરીને મૂકવું પડે તેમ છે. એમાં આળસે મને ઇંટરનેટ્ની સુવિધા લેવા પ્રેરતાં આ લિંક મળી છે એ જોવા વિનંતિ છે. આપે આ જોઈ જ હશે પરંતુ બીજા મિત્રો પણ જોઈ શકે તે માટે અહીં આપું છુંઃ http://en.wikipedia.org/wiki/English_alphabet.
      આના પરથી નક્કી થશે કે અંગ્રેજી સહિત કોઈ પણ ભાષામાં એટલી પવિત્ર ચીજ નથી રહી કે એમાં ફેરફાર ન જ થઈ શકે.
      હવે જોડણીના ફેરફારોના મુદ્દા પર વિચારીએ તો મરાઠીમાં છેલ્લે આવતા હ્રસ્વ ‘ઇ’ને દીર્ઘ ‘ઈ” બનાવી દેવાયો છે. બીજા ‘ઇ’ હ્રસ્વ હોય તો હ્રસ્વ જ રહ્યા છે. આપે કદાચ આ વાત પર ધ્યાન નથી આપ્યું. અહીં હું પણ આજના મહારાષ્ટ્ર ટાઇમ્સમાંથી ઉદાહરણ તરીકે કૉપી-પેસ્ટ કરૂં છું એમાં સંસ્કૃતના ‘વિકૃતિ’, ‘વૃત્તિ’, ‘રાશિ’અને ‘ગણપતિ’ના અંતિમ દીર્ઘ ઈ તરફ ધ્યાન દોરવા માગું છું કદાચ ‘આણિ’ શબ્દ જે મરાઠીનો જ છે તે જ અંતમાં હ્રસ્વ ‘ઇ’ વાળો એટલે કે આવા ફેરફારથી મુક્ત રહ્યો છે. જૂઓ ઉદાહરણોઃ
      ૧)ही तर ‘टांग’ वर करण्याची विकृतीः बाळासाहेब
      23 Jan 2012, 0756 hrs IST
      ૨) माझ्या या निर्णयासाठी कार्याध्यक्षांची संशयी वृत्ती सर्वाधिक जबाबदार आहे. माझ्या भावाच्या लग्नाला राज ठाकरे आले, तर मी मनसेत जाणार म्हणून संशय घेतला गेला.
      ૩) वाचा या राशीचे सोमवार २३ जानेवारीचे सविस्तर भविष्य.
      ૪) आजचा गणपती /श्री भूलिंगेश्वर गणेश, चेंबूर /मागील गणपती/गणपती पाठवा

      હવે મૂળ મુદ્દો તો એ છે કે જોડણીમાં સુધારો કરવો જરૂરી હોય તો એનાં કારણો શાં હોવાં જોઇએ? સરળતા અને ઓછી ભૂલો થાય એ વ્યવહારૂ (પ્રૅગ્મૅટિક) દલીલ છે. એના લાભ પણ છે જ. પરંતુ એની સામે કદાચ દલીલ ખાતર કહી શકાય કે જેવી આક્રુતિ દેખાય તેવો જ ઉચ્ચાર બા્ળકોને શીખવવાની શિક્ષકોને તાલીમ આપીએ તો આ દોષ નિવારી શકાય.
      પરંતુ ખરેખર એવું કરી શકાય એમ છે? આપણે બોલીએ છીએ અને કદાચ સદીઓથી બોલતા રહ્યા છીએ તે ખરેખર ઇ-ઉ અને ઈ-ઊ છે કે એમની વચ્ચેનો સરેરાશ સ્વર છે? હિન્દીભાષીઓ જે રીતે ઇ-ઈ અને ઉ-ઊના ભેદ ઉચ્ચારમાં કરે છે એવા ભેદ આપણે ત્યાં છે? એ લોકો જે રીતે ‘નીતિ’ શબ્દ બોલે છે તે જ રીતે આપણે બોલીએ છીએ?
      આજે ‘શ’ અને ‘ષ’ વચ્ચેનો ભેદ કોણ કળી શકે એમ છે? ‘ઋતુ’ને બદલે ‘રુતુ’, ‘કૃષ્ણ’ને બદલે ‘ક્રુશ્ણ’ લખ્યું હોય તો આંખને ન ગમે પરંતુ વાંચતી વખતે ઉચ્ચારમાં કઈં ફેર પડે છે? . ‘અજ્ઞ’ અને ‘નગ્ન’ના ઉચ્ચારોમાં કઈં ફેર છે? ન હોય તો શા માટે? આનાં કારણો પર વિચાર કરીને ફેરફારો કરવા જોઇએ.
      xxx xxx
      આ સાથે શ્રી રમણભાઈના ત્રીજા લેખ વિશે પણ મારે કઈંક કહેવાનું છે. આશા છે કે શ્રી રમણભાઈ આના પર વિચાર કરશે. એમણે આ પ્ર્રતિભાવ અહીં જ આપવો જોઇતો હતો એમાં તો શંકા નથી જ પરંતુ તેના વિશે અહીં ચર્ચા તો થઈ જ ચૂકી છે. એટલે થોડી વિશેષ ચર્ચા અસ્થાને નહીં ગણાય.
      શ્રી રમણભાઈ ‘રૅશનાલિસ્ટ બિરાદર’ તરીકે ઓળખાવીને શ્રી ગોવિંદભાઈનો આભાર માને છે અને કહે છે કે “અતાર્કિક, (અહીં અલ્પવિરામ હશે જ) પાયા વગરની કે અવૈજ્ઞાનિક દલીલ પર લાગી પડે ત્યારે વ્યર્થ વિતંડાવાદ થાય જેમાં કશું જ પામવા જેવું ન રહે.” તે પછી તેઓ ઉમેરે છેઃ “જોડણી વિશેની ચર્ચામાં પણ આમ જ બન્યું…” આ અભિપ્રાય અહીં થયેલી આખી ચર્ચા માટે છે કે કેમ?
      પરંતુ એમણે આગળ ચાલતાં વધારે વિવાદાસ્પદ વાત કરી છે, જેને જોડણી સાથે કઈં સંબંધ નથી! એમણે “રૅશનલિઝમ વિરોધી મિત્રો” રૅશનાલિસ્ટો વિરુદ્ધ કપોળકલ્પિત તલવાર લાકડાની હોય કે ન હોય તે લઈને કૂદી પડતા હોવાનું કહ્યું છે. મને ન સમજાયું કે જોડણી સુધારને રૅશનાલિઝમ સાથે શો સંબંધ? જોડણીના મુદ્દાને રૅશનાલિઝમ સાથે જોડવા પાછળ કઈં રૅશનાલિઝમ હોય તો મને દેખાતું નથી. તો આ ‘ઇસ્લામ ખતરે મેં હય” ટાઇપ નારો નથી બની જતો?
      એમને એ જ દલીલ વારંવાર કરવામાં સમય અને શક્તિનો બગાડ લાગે છે! રૅશનાલિઝમ હોય કે જોડણી, બન્ને એક જ સિકાની બે બાજુ હોય કે અલગ સિક્કા, આપણે જે માનતા હોઇએ એના માટે દલીલો તો કરવી જ પડે, અને તે પણ, ન માનતા હોય તેવા પરનાતીલા સાથે જ દલીલ થાય; નાતીલા સાથે ચર્ચા કરવામાં પણ સમય તો વેડફાય જ માત્ર ફાયદો એ કે બધા ડોકાં હલાવીને વિઘ્ન નાખ્યા વિના ધરાઈને સાંભળે અને મોટો ઓડકાર ખાઈને ઘરે જાય. જય હો!

      Like

      1. હું એમ નથી કહેવા માગતો કે જોડણીમાં કોઈ પરિવતર્તન ન જ કરી શકાય. કેટલાંક પરિવર્તનો આપમેળે થતાં હોય છે, કેટલાંક સભાનતાપૂર્વક કરવામાં આવતાં હોય છે. પણ, એ બન્ને પ્રકારનાં પરિવર્તનોમાં અનિયમિતતાઓ તો રહી જ જવાની. તમે મરાઠી ભાષાનું ઉદાહરણ આપ્યું છે. પણ, એમાં ય અંતિમે તો બે ચિહ્નો રહી જ જાય છે. મોટા ભાગના, ખાસ કરીને અમેરિકન સંરચનાવાદીઓ પછીના ભાષાવૈજ્ઞાનિકો, એક વાત સાથે સંમત થાય છે કે આપણે શબ્દના લેખિતસ્વરૂપને એના સમગ્ર સ્વરૂપમાં યાદ રાખતા હોઈએ છીએ અને લખતી વખતે આપણે એ સ્વરૂપને કાગળ પર ઉતારતા હોઈએ છીએ. ગુજરાતી પ્રજા જોડણીમાં ભૂલો કરે છે એની પાછળનું એક કારણ એ છે કે એની ભાષાની જોડણીવ્યવસ્થા સાથે સંકળાયેલી સ્મૃતિ ઘણી બધી નબળી પડી ગઈ છે. મોટા ભાગની ભાષાઓમાં આવું થાય છે. અંગ્રેજી ભાષા પણ એનાથી મુક્ત નથી. એનો અર્થ એ થયો કે જો આપણે જોડણી વ્યવસ્થા મજબૂત બનાવવી હોય તો આપણે સૌ પહેલાં તો એનાં કારણો શોધવાં જોઈએ. ઊંઝા જોડણી સાથે સંકળાયેલા મોટા ભાગના મહાનુભાવો એ માટે જોડણીકોશને અને એમાં આપવામાં આવેલા જોડણીના નિયમોને જવાબદાર ગણાવે છે. જે બરાબર નથી. જો જોડણીકોશના નિયમો બરાબર રચવામાં ન આવ્યા હોય તો આપણે એ નિયમોને ફરીથી રચવાનો પ્રયાસ કરવો જોએ. અને જો કોઈ સંરચનાગત કારણોસર આપણે એમ કરી શકીએ એમ ન હોઈએ તો એ વિષે આપણે બધાંએ વિચારવું જોઈએ. હું માનું છું કે આપણી જોડણી નબળી પડવા માટે એક બાજુ આપણી શિક્ષણવ્યવસ્થા જવાબદાર છે તો બીજી બાજુ આપણી ગુજરાતી ભાષા પરત્ત્વેનો બદલાયેલો અભિગમ પણ જવાબદાર છે. અંગ્રેજીમાં જોડણીની ભૂલો કરતો માણસ આપણને અજ્ઞાની લાગશે. ગુજરાતીમાં જોડણીભૂલ કરતો માણસ આપણને ઝાઝો ખૂંચશે નહીં. પરિવર્તનો કરાય પણ ભાષાને ઓછામાં ઓછી ‘પીડા’ થાય એ રીતે પરિવર્તનો કરવાં જોઈએ.

        Like

      2. પ્રા. રમણ પાઠકના ત્રીજા લેખ વિષે હું અહીં ઝાઝું કહેવા માગતો નથી. ઊંઝા જોડણીના સમર્થકો પર મારો આરોપ છે કે એઓ રમણ પાઠકે વાપરેલી એકેડેમિક બદબોઈ કરતી ભાષાને છાવરી રહ્યા છે. એઓ રેશનાલિસ્ટ છે કે નહીં એ મારો વિષય નતી. મારો વિષય એટલો જ છે કે એમણે જે પ્રકારની વાપરી છે એ પ્રકારની ભાષા શું આ ચર્ચામાં શોભે એવી છે. જે રણમેદાનમાં લડાઈ થતી હોય ત્યાં લડવાને બદલે કોઈ માણસ એના ઘરમાં લડાઈનો મોરચો ખોલે તો આપને એની સાથે કઈ રીતે લડવાનું. ઊંઝા જોડણીના સમર્સાથકો સાથે ભૂતકાળમાં પણ મારે આવું બન્યું છે. એ વખતે દયાશંકર જોશીએ મને ગુજરાતી સાહિત્ય પરિષદ અને રઘુવીર ચૌધરીના ‘ચમચા’ તરીકે ઓળખાવેલો ત્યારે આ સમર્થકોમાંનો એક પણ માણસ મારા પડખે ઊભો રહ્યો ન હતો. ત્યાર પછી મેં નક્કી કરેલું કે આ ચર્ચામાં હું કદી પણ ભાગ નહીં લઉં. પણ, મારુ સાહેબના આ બ્લોગ પર મેં ચર્ચામાં ભાગ લીધો. કારણ કે મને ખબર જ ન હતી કે મારુ સાહેબ પણ ઊંંઝા જોડણીના સમર્થકોમાંના એક છે. ઘણા બધા મિત્રો ઊંઝા જોડણીના સમર્થકો સાથે ચર્ચા કરવાનું ટાળે છે એનું કારણ એમની ભાષામાં રહેલી એક ચોક્કસ પ્રકારની અભદ્રતા જવાબદાર છે. પ્રા. રમણ પાઠકના ત્રીજા લેખના સંદર્ભમાં હું એક પુસ્તિકા લખી રહ્યો છું. મેં ગઈ કાલથી રોજના બે કલાક એ માટે ઓછું ઉંઘવાનું નક્કી કર્યું છે.

        Like

  54. ઉત્તમભાઈ, જયન્ત કોઠારીની દલીલનો અર્થ એવો કરી શકાય ખરો કે જ્યાં પ્રતિકારની શક્યતા વધારે હોય અને જ્યાં વર્તમાન જોડણીવ્યવસ્થાની સ્વીકૃતિનું પ્રમાણ વધારે હોય ત્યાં જોડણી સુધારો ન કરો તો ચાલે? ગુજરાતમાં ૨૦૦૧ની વસ્તિગણતરી પ્રમાણે ૬૯.૯૭% અક્ષરજ્ઞાન હતું. એમાંના કેટલા ટકા માણસો ઊંઝા જોડણીમાં લખે છે? તમને તો ખબર છે જ્યારે અમદાવાદમાં ઊંઝા જોડણીની તરફેણમાં સરઘસ નીકળ્યું ત્યારે એમાં કેટલા માણસો જોડાયા હતા. વાત મરાઠીની. કોઠારી કહે છે કે હવે મરાઠીમાં કેવળ દીર્ઘ-ઈ જ લખાય છે પણ મેં હમણાં જ મારા મરાઠી વિષયના પ્રોફેસર સાથે વાત કરી. એ કહે છે કે મહારાષ્ટ્ર સરકારે જોડણીના નિયમો બનાવ્યા છે પણ એ એટલા બધા સંકુલ છે કે લોકો એ નિયમો વાંચતા પણ નથી. એણે એમ પણ કહ્યું કે ના, અમે હજી ‘કવિ’ જ લખીએ છીએ. હવે કોઠારીએ આ માહિતી ક્યાંથી લીધી છે એ વિષે એમણે કંઈ લખ્યું નથી. વધુમાં, હું પણ મરાઠી ભાષા વિષે વધારે જાણતો નથી. એ સંજોગોમાં હું અહિં મહારાષ્ટ્ર ટાઈમ્સની આજની આવૃત્તિનો એક ફકરો અહિં મૂકીશ: नदीमला भटकळने दिल्लीत बोलावले आणि स्फोटकं तसेच डेटोनेटरने भरलेली एक कापडी पिशवी दिली. ती स्फोटकं १३ / ७च्या स्फोटात वापरण्यात आले होते, असेही सांगण्यात आले. नकी याला दीड लाख रुपये कमिशन म्हणून भटकळ कडून देण्यात आले होते. नदीम आणि नकी यांनी दोन अॅक्टिवा चोरल्या त्याचाच वापर स्फोटात करण्यात आला होता. तसेच अन्य दोन बाईकही त्यांनी चोरल्या होत्या पण त्याचा उपयोग पुढे करणार होते म्हणून बिहारमध्ये ठेवण्यात आल्या होते. त्याही एटीएसने जप्त केल्या आहेत. (http://maharashtratimes.indiatimes.com/articleshow/11602916.cms) અહીં दिल्लीत, आणि, पिशवी, दिली, જેવા શબ્દોમાં હ્રસ્વ-ઇ છે જ્યારે भरलेली कापडी, पिशवी જેવા શબ્દોમાં દીર્ઘ-ઇ છે. આ સાબિત કરે છે કે મરાઠીમાં હજી પણ ઇ-ઈ વચ્જચેનો ભેદ જળવાય છે. અને આ એ વાત પણ સાબિત કરે છે કે જયન્ત કોઠારી ખોટા છે. એ જ રીતે મલયાલમ ભાષાનો પ્રશ્ન પણ જુદા પ્રકારનો છે. એક તો એ ભાષા દેવનાગરીમાં લખાતી નથી. વળી, એમાં જે ફેરફારો કરવામાં આવ્યા છે એ ડાયાક્રીટીક પૂરતા. અને એ પણ સંયુક્ત અક્ષરો પૂરતા. એ સુધારા વર્તમાન લેખન વ્યવસ્થાને ‘ઈજા’ ન થાય એ રીતે સૂચવવામાં આવેલા છે. વધુ વિગત માટે જુઓ: P. N. Kunjan Pillaiનો મલયાલમ જોડણીઆયોજન પરનો અહેવાલ. એનો અર્થ એ થયો કે અહીં પણ જયન્ત કોઠારી મૂળ વાત સમજવામાં નિષ્ફળ ગયા છે. મલયાલમમાં જે કંઈ પરિવર્તનો લાવવામાં આવ્યાં છે એ પ્રિન્ટીંગ ટેકનોલોજીને સરળ બનાવવા માટે લાવવામાં આવ્યાં છે. એવું તો ગુજરાતમાં પણ ક્યાં નથી બન્યું. શિરોરેખા પારસી અખબારોએ કાઢી નાખી. એ જમાનામાં બેજ વિરામચિહ્નો (આમ તો એક જ ચિહ્વ) વાપરવામાં આવતાં હતાં. પછી, આપણે ધીમે ધીમે શબ્દો વચ્ચે અવકાશ મૂકતા ગયા. શરૂઆતમાં એ અવકાશની જગ્યાએ ટપકું મૂકતા હતા. પછી, એ ટપકું પણ ગયું. પછી, અંગ્રેજી ભાષાનાં વિરામચિહ્નો વાપરવા માંડ્યા. આ બધું ‘આયોજન’ ભાષાવિજ્ઞાનીઓ જેને covert planning કહે છે એના જ એક ભાગ રૂપે થયેલું.

    Like

    1. ચર્ચા કોની સાથે કરાય? આ એક દાર્શનિક પ્રશ્ન છે. ઊંઝા જોડણીના સમર્થકોને બે જૂથમાં વહેંચી શકાય. એક જૂથ પાસે ભાષાવિજ્ઞાનની ઔપચારિક કહી શકાય એવી કોઈ તાલિમ નથી. અને બીજા જૂથ પાસે ભાષાવિજ્ઞાનની તાલિમ છે પણ એ તાલિમ કાળગ્રસ્ત થઈ ગયેલી છે. એ લોકો ભાષાવિજ્ઞાની તરીકે જનમ્યા પછી મોટા જ નથી થયા. એઓ હજી વર્ણાત્મક ભાષાવિજ્ઞાનનો ઘૂઘરો વગાડ્યા કરે છે. કોઈ કહેશે કે અમે ગુજરાતી ભાષા બોલીએ છીએ, લખીએ છીએ, એટલે અમને અધિકાર છે કંઈ પણ કહેવાનો. આ તો રતિક્રીડાનો અનુભવી gynecologist હોવાનો દાવો કરે એવી વાત થઈ.

      Like

      1. એઓ હજી વર્ણાત્મક ભાષાવિજ્ઞાનનો ઘૂઘરો વગાડ્યા કરે છે. આ તો રતિક્રીડાનો અનુભવી gynecologist હોવાનો દાવો કરે એવી વાત થઈ.

        Wow. Very poetic expressions! I love this classification.

        Like

    2. ભાઈ ગોવીન્દ મારુના બ્લોગમાં શરુ થયેલી જોડણીની ચર્ચામાં સ્વ. જયંત કોઠારીના સને ૨૦૦૦માં લખાયેલા લખાણની નકલ મેં ચોંટાડેલી,
      ( https://govindmaru.wordpress.com/2012/01/05/raman-pathak-16/#comment-4269 )
      Uttam Gajjar… January 23, 2012 – 3-55 pm તે આ પ્રમાણે હતી :
      ‘આપણે ત્યાંની વાત કરીએ તો મરાઠી ભાષાએ પંદર વરસ પહેલાં જ એક નાનકડો પણ મહત્ત્વનો જોડણીસુધાર સ્વીકારી લીધો છે – સંસ્કૃત શબ્દોમાં અન્ત્ય ‘ઈ’ દીર્ઘ કરવાનો. તેથી આપણો ‘કવિ’ હવે મરાઠીમાં બને છે ‘કવી’. (તેવી જ રીતે આજે મરાઠીમાં સર્વત્ર સૃષ્ટી, દૃષ્ટી, પ્રકૃતી, નીતી, રીતી, પ્રીતી વગરે લખાય છે.) આજે આ ફેરફાર ત્યાં સર્વવ્યાપક થઈ ચુક્યો છે. (મરાઠી શાળાઓમાં ભણાવાતાં પાઠ્યપુસ્તકોમાં આ બાબતની ચોકસાઈ કરી શકાય છે.)’
      હવે આજે ફરી આ કથનની ખરાઈ કરવા માટે ધોરણ પાંચથી નવ સુધીનાં મરાઠી ભાષાનાં સઘળાં પાઠ્યપુસ્તકો હજી ગઈ કાલે જ હું મેળવી શક્યો. તેનાં પાનેપાનાં મેં તપાસ્યાં છે. મરાઠી ‘ભાષાસમીતી’એ સુધારો કર્યો જ છે; પણ તે માત્ર ‘ઇ’કારાંત સંસ્કૃત તત્સમ શબ્દોમાં જ. પા.પુ.માં સર્વત્ર, જે જે સંસ્કૃત શબ્દોને અન્તે ‘ઇ’ હ્રસ્વ આવતી હોય ત્યાં દીર્ઘ ‘ઈ’ કરી જ છે. દા.ત. કવી, ઈત્યાદી, પ્રગતી, સૃષ્ટી, દૃષ્ટી, પ્રકૃતી, નીતી, રીતી, પ્રીતી…
      બીજી ખુબીની વાત એ છે કે સામાસીક શબ્દોમાં જો તેવો શબ્દ છેલ્લો હોય તો જ ‘દયાબુદ્ધી’ લખાશે; પણ પહેલો હોય તો ‘બુદ્ધિપૂર્વક’ લખાશે એવો નીયમ છે !
      એટલે આજની તારીખે પણ જયન્તભાઈનું કથન સાચું અને ચોકસાઈપુર્વકનું છે. આ માહીતી ડૉ.નીશીથ ધ્રુવે ૧૯૯૯માં ‘ઉંઝા જોડણીપરીષદ’માં આપેલી. 2000ની સાલમાં મેં મહારાષ્ટ્રથી પા.પુ. મંગાવી ખાતરી કરી સ્વ. જયન્તભાઈને આ માહીતી ફરીથી આપેલી. તે પુસ્તકો દસ વરસ મારી પાસે રહ્યાં. ગયે વરસે જ તે જરુરતમંદોને આપી દીધાં. દસ વરસ પછી આજે ફરી મંગાવ્યાં. નીયમ બદલાઈ ગયો છે કે કેમ તે ચકાસવા. વીસ વરસથી બાળકોને આમ જ ભણાવાય છે; છતાં તે વાત છાપાના તંત્રી સુધી પહોંચી ન હોય તેવું બને અને તેથી જ તેઓ રુઢીગત રીતે લખતા હશે. નવી જોડણી શીખેલા તરુણમાંના કોઈ તંત્રી બને ત્યાં સુધી રાહ જોવી જોઈશે !
      ..ઉત્તમ ગજ્જર.. uttamgajjar@gmail.com February 22, 2012

      Like

      1. અંત્યાક્ષર પુરતું જ શા માટે ? તત્સમના શબ્દોને અપવાદ ગણવાથી તો જોડણીના નીયમોની અરાજકતા વધી જ જાય છે, બલકે અરાજકતા સાબીત થઈ જાય છે.

        ગુજરાતીમાં જે શબ્દ આવે તે ગમે તે ભાષાનો કેમ ન હોય ? તે ગુજરાતી જ બની જતો હોઈ એને ગુજ.ના જ નીયમો લાગુ પડે….

        ઈરાન અને ઇરાક શબ્દોમાં જ જુઓ ! ઇરાક અરબીનો છે અને ઈરાન ફારસીનો છે એટલે બન્નેની જોડણી જુદી રાખી છે !! હવે ગુજરાતીઓને કેમ ખબર પડે કે કયો અરબી અને કયો ફારસી છે ?! અર્થાત્ સાચી ગુજ. જોડણી કરવા માટે ગુજરાતીઓએ અરબી–ફારસીના નીયમો પણ શીખવાના ??

        સંસ્કૃતના નીયમો આજે કયા ગુજરાતીના પ્રોફેસરને આવડતા હશે ? સંસ્કૃતના નીયમો જાણો તો જ તમે ગુજરાતી સાચું લખી શકો એ ક્યાંનો ન્યાય ?

        Like

  55. સ્પેનિશ ભાષાની જોડણીમાં સુધારાની બાબતમાં પણ જયંત કોઠારી ખોટા છે. અહીં, વીકીપીડીયામાં જે લખ્યું છે એ હું ટાંકું છું: In spite of the regular orthography of Spanish (especially when compared to English), there have been several initiatives to reform its spelling: Andrés Bello succeeded in making his proposal official in several South American countries, but they later returned to the standard set by the Real Academia Española.[21] Another initiative, the Ortografia Fonetika Rasional Ispanoamerikana, remained a curiosity. Juan Ramón Jiménez proposed changing ⟨ge⟩ and ⟨gi⟩ to ⟨je⟩ and ⟨ji⟩, but this is only applied in editions of his works or those of his wife, Zenobia Camprubí. Gabriel García Márquez raised the issue of reform during a congress at Zacatecas, most notoriously advocating for the suppression of ⟨h⟩, which is mute in Spanish, but, despite his prestige, no serious changes were adopted. The Academies, however, from time to time have made minor changes, such as allowing este instead of éste (‘this one’), when there is no possible confusion. (http://en.wikipedia.org/wiki/Spanish_orthography#Reform_proposals). અહીં ચોખ્ખુ લખ્યું છે કે કેટલાક જોડણી સુધારા સ્વીકાર્તા પછી સરકારે મૂળ જોડણી તરફ પાછા વળવું પડ્યું હતું.

    Like

  56. જર્મન ભાષામાં જોડણી સુધારો કઈ રીતે અને કેવો થયો એ વિષે જાણવા માટે વાંચો: http://en.wikipedia.org/wiki/German_orthography_reform_of_1996
    અને આ: Sally A. Johnson “Spelling Trouble: Language, Ideology And The Reform Of German Orthography” (Multilingual Matters Limited, 2005)

    Like

  57. તુર્કી ભાષાની બાબતમાં પણ કોઠારી કાચા અને અધૂરા છે. તુર્કી ભાષામાં જોડણિ સુધારા નથી થયા. આખી લેખન વ્યવસ્થાજ બદલવામાં આવી હતી. જુઓ: http://en.wikipedia.org/wiki/Turkish_alphabet, http://home.vicnet.net.au/~ozideas/wturk.htm, અને આવું કરવા માટે કેટલાકં સંરચનાગત કારણો જવાબદાર હતાં.

    Like

  58. બાબુભાઈ, ભૂતકાળના અનુભવે મેં જોયું છે કે આ ઊંઝાટિયાઓ આગળ એકેડેમિક ચર્ચાનો કશો અર્થ સરતો નથી. પાકા ઘડે કાંઠા કેમ ચડાવવા? ઊંઝાટિયાઓ વારે વારે કાળગ્રસ્ત થયેલા કોઠારી, પટેલ કે આલિયા-માલિયાઓનો હવાલો આપી એમની વાતને વજ્ઞાનિક અને એકેડેમિક સિદ્ધ કરવાના પ્રયત્નોમાંથી ઊંચા આવતા નથી. તમારા જ્ઞાન અને શક્તિ ‘ભેંસ આગળ ભાગવત’ થી આગળ વધે એમ લાગતું નથી.

    ગુજરાતી બ્લોગજગતમાં ૨૦૦૭થી ઊંઝાનો ઉપાડો શરૂ થયો છે. ધાકધમકી ભરી ભાષા અને સાઠેનાઠાઓના ટોળા વડે ઊંઝા સામે અવાજ ઉઠાવનારાઓને ઘેરી લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. જો કે એના ઉપદ્રવને સહ્ય કરવાનો એક રસ્તો શોધી શકાયો છે – ઉપહાસ. હવે ગુજરાતી બ્લોગવિશ્વ ઊંઝાનું નામ પડતાથી સાથે કશાક તમાશાની મોજમાં મરકી ઊઠે છે. ઊંઝાટિયાઓ કે ઊંઝકોની વાતો/દલીલોમાથી જે હાસ્ય અને રમૂજ ઉત્પન્ન થાય છે એ જ ગુજરાતી બ્લોગજગતમાં એમનું આગવું પ્રદાન છે. ઊંઝાટિયાઓ સાથેની ઓનલાઈન મૂઠભેડથી પડેલા ઘાના ઘા-બાજરિયા રૂપે ઊંઝાકાવ્યોનું એક આખું ગુચ્છ થયું છે.

    Like

    1. પંચમભાઈ, આભાર. તમારી વાત સાચી છે પણ જો અવિવેકીની સામે હું પણ અવિવેકી બનું તો હું પણ એમના જેવો જ બની જાઉં. એ ભયસ્થાનથી ચેતવા જેવું ખરું. મારી તો એક જ ભલામણ છે બધાંને. જોડણીની ચર્ચા કરતાં પહેલાં એ ચર્ચા કરવા માટેની યોગ્યતા કેળવો. કોઈ માણસ ગુ્સ્સામાં બીજા માણસને એમ કહે કે હું તને ફાંસીએ ચડાવી દેવાનો આદેશ આપું છું તો કોઈ પણ સરકાર એ માણસને ફાંસી નહીં આપે. કેમ કે એણે એ માટેનો અધિકાર પ્રાપ્ત કર્યો નથી. બરાબર એમ જ કોઈક એમ કહે કે જોડણી કો બદલ ડાલો તો કોઈ બદલશે નહીં કેમ કે એ કહેવાનો અધિકાર આપણે પ્રાપ્ત કર્યો નથી. વધારે નહીં તો આપણે ભાષાવિજ્ઞાનનાં બે ચાર પ્રાથમિક પુસ્તકો જોવાં જોઈએ. એ પણ તાજેતરમાં પ્રગટ થયેલાં. એ જ રીતે લેખનવ્યવસ્થા પરનાં બે ત્રણ પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ. એ જ રીતે, વાંચન અને લેખન પદ્ધતિ પર પણ એક બે પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ. કેમ કે જોડણીને લેખન અને વાંચન સાતે સંબંધ છે. બરાબર એમ જ જોડણીવ્યવસ્થા પરનાં અને ભાષાઆયોજન પરનાં પુસ્તકોનો પણ બરાબર અભ્યાસ કરવો જોઈએ. અને છેલ્લે, વધારે નહીં તો પાંચેક ભાષાઓની જોડણીવ્યવસ્થા, એમાં થયેલા જોડણીઆયોજન વગેરેનેો અભ્યાસ કરવો જોઈએ. આટલું કર્યા પછી પણ જોડણીની ચર્ચા કરવાનો અધિકાર તો નથી જ મળતો. સાચો અધિકાર તો પાછા જોડણીવ્યવસ્થા પર કંઈક સંશોધન કર્યા પછી જ પ્રાપ્ત થાય. મેં. મારા પીએચડીના એક કોર્સના ભાગ રૂપે જોડણીવ્યવસ્થાનો અભ્યાસ કર્યો છે. મેં જે સંશોધનો વાંચ્યાં છે એની આગળ આ બધી ચર્ચાઓ વામણી લાગે. જયંત કોઠારી, યોગેન્દ્ર વ્યાસ, ઊર્મિ દેસાઈ બધાં જ વર્ણનાત્મક ભાષાવિજ્ઞાનનાં માણસ. એમાંનાં કેવળ ઊર્મિ દેસાઈ જરા આગળ વધેલાં. પણ, વર્ણનાત્મક ભાષાવિજ્ઞાનનો ઘરઝુરાપો એમને ચેક સંરચનાવાદ કે જનરેટીવ ભાષાવિજ્ઞાન સુધી ન લઈ ગયો. બાકી, દયાશંકર વિશે હું નહીં બોલું. કેમકે કોઈકને એમાં પૂર્વગ્રહ દેખાશે.

      Like

      1. શ્રી બાબુભાઈ,
        મારી કૉમેન્ટના જવાબમાં આપે જે લખ્યું છે તે સમજી શકાય એવું છે. લિપિમાં કઈં ફેરફાર કરવા હોય તો ભાષાને પીડા આપ્યા વિના જ કરવા જોઇએ. આમ છતાં મને ક્યારેક લાગ્યું છે કે ભાષા (અથવા જોડણી) માણસોને પીડા આપે છે! આમ લાગવાનું કારણ એ કે ભાષા સાથે વ્યવહાર કરવાની નોકરી લાંબો વખત કરી તેને કારણે અમુક સમસ્યાઓ આવી અને એના ઉકેલ હોઈ શકે કે કેમ તે વિચારવાની હંમેશાં ઇચ્છા રહી. મુખ્ય વ્યવહાર પણ જોડણી કરતાં ઉચ્ચાર સાથે રહ્યો એટલે ક્યારેક એમ પણ બને કે જોડણી દોષોની ઉપેક્ષા કરી હોય. ‘દિપક’ લખો કે ‘દીપક’ – વાંચનારો ‘દપક’ કે ‘દોપક’ બોલે એવી શક્યતા ન જણાઇ હોય તો જોડણી સુધારીને પાનું ચીતરી નાખવાનો ઈગોઇ સંતોષ લેતાં જીવ નથી ચાલ્યો. આમ આપ જોઈ શકશો કે મને તો એ પણ ખબર નથી કે હું ગાયનેકૉલોજિસ્ટ છું કે રતિક્રીડાનો નિષ્ણાત!
        જોડણીના ઊંઝીકરણ વિશે મારો દૃષ્ટિકોણ થોડો જુદો છે પરંતુ એ એમની સાથેના સૌહાર્દપૂર્ણ સંબંધોમાં આડે નથી આવતો. એમની સાથે અમુક સમાનતાનો પણ સ્વીકાર કરૂં છું. મને એ પણ ખબર છે કે મારી તલવાર તો લાકડાની જ છે! એ લોકો નહીં કહે તો કદાચ આપ કહી દેશો એટલે અજ્ઞાનનું પત્તું પહેલાં જ ચાલી દેવામાં માલ છે!
        મેં અંગ્રેજીની લિંક મૂકી હતી તે વાસ્તવમાં તો મારી જાતને જ આશ્વસ્ત કરતી હતી કે લિપિ પવિત્ર વસ્તુ નથી. આપે આપેલી લિંકો પણ ઘણા સફળ-અસફળ પ્રયાસોની જ માહિતી છે. મેં પણ મરાઠીનાં ઉદાહરણો આપના જેમ મહારાષ્ટ્ર ટાઇમ્સમાંથી જ લીધાં તે તો માત્ર મુદ્દો સ્પષ્ટ કરવા માટે જ.
        હજી આપ મારા અમુક પ્રશ્નોના જવાબ આપો તો સંતોષ થાય. મેં પૂછ્યું હતું કે આપણે બોલીએ છીએ એ સરેરાશ ‘ઇ’ સ્વર છે કે હિન્દીભાષીઓની જેમ આપણે પણ હ્રસ્વ-દીર્ઘના ભેદ કરી શકીએ છીએ? ‘ઋ’ના વિકલ્પે ‘રુ’ કેમ ન લખી શકાય? ‘શ’ અને ‘ષ’નો ઉચ્ચારભેદ કોઈ બોલીને (પુસ્તકિયા વ્યાખ્યા દ્વારા નહીં) સમજાવી શકશે?
        ‘સ’ અને ‘શ’ બરાબર લખનારા પણ જાતે જ વાંચતી વખતે બન્નેને એકમેકનું સ્થાન લેવા યોગ્ય માનતા હોય એ સ્થિતિમાં આપની વાત સાચી જ છે કે આપણે જોડણી તો માત્ર મનમાં અંકાઈ ગયેલા ચિત્રને યાદ કરીને કરીએ છીએ! કેટલાંક ચિત્રો તો અવશ્ય ખોટાં છે. અર્થહીન ચિત્રો પીડા તો આપે જ છે. હાલમાં જ અનુભવ થયો કે ‘નિઃસંકોચ’ નું અર્થપૂર્ણ ધ્વનિચિત્ર બરાબર લખ્યું હોવા છતાં વાંચનારે એક વાર ઉચ્ચાર કર્યો, ‘નીસંકોચ’ અને બીજી વાર ‘નીશંકોચ’ ! શું કરવું?
        આપે કેટલાક અંગત ઉલ્લેખો કર્યા છે તે બાબતમાં મારે એટલું જ કહેવાનું છે કે હું પણ આવાં દયાવાન તત્વોની દયાનો શિકાર બન્યો છું પરંતુ એમની સ-નામ ચર્ચા કરીને હું એમના મનુષ્યત્વને અકારણ માન્યતા આપવા નથી માગતો.

        Like

  59. મેં શરૂઆતમાં કહ્યું હતું એમ આપણે ગ્લીફ અને જોડણી વચ્ચે ભેદ પાડવો જોઈએ. રૂ અને ર્ અને ઊ (અહીં લખી શકાય એમ નહીં હોવાથી આમ આપ્યું છે), જી અને જ્ અને ઈ એ બધા ગ્લીફ છે. એમાં પરિવર્તન લાવવાથી ભાષાને ખાસ પીડા નહીં પહોંચે. એ જ રીતે, ઋ-નું રાજકારણ જરા જુદા જ પ્રકારનું છે. સમગ્ર ભારતને તમે ru (Krushna) અને ri (Krishna)માં વિભાજિત કરી શકો. જો કે, હિન્દી ફિલ્મોને કારણે, અંગ્રેજીના વધતા પ્રભાવને કારણે અને આંતરિક માઈગ્રેશનને કારણે હવે ri (Krishna)નું વર્ચસ્વ વધતું જાય છે. મૂળ સંસ્કૃતમાં એ સ્વર હતો. હવે એ સ્વર નથી રહ્યો. હું તો માનું છું કે મૂળ તત્સમ શબ્દોને એ જ પ્રમાણે લખવા જોઈએ. કેમ કે આપણે જ્યારે પણ જરૂર પડે છે ત્યારે આપણે સંસ્કૃત પાસે જઈએ છીએ. જેમ કે, નવા શબ્દો બનાવાના હોય ત્યારે. હા, જો આપણે ગુજરાતી ભાષાને ડી-સંસ્કૃતાઈઝ્ડ કરીએ અને અનુવાદ કે બીજા કોઈ પણ સંજોગોમાં જરૂર પડે ત્યારે આપણે આપણી બોલીઓ તરફ વળિએ તો કદાચ પરિસ્થિતિ જુદા પ્રકારની હશે. આપણે એમ તો કહેવાના નથી કે અમદાવાદથી મુંબઈ જવા માટે અદ્ધરિયું સવારના આઠ વાગે ઉપડશે. (અદ્ધરિયુ = વિમાન, આદિવાસી બોલીમાં),. વધુ એકાદ બે દિવસમાં.

    Like

    1. આ જ ચર્ચા દરમિયાન મેં ‘ઋ’ વિશે રશિયન ભાશાના ઉચ્ચારોની લિંક આપવાની સાથે વિસ્તારથી ચર્ચા કરી છે. પરંતુ અહીં સંદર્ભવશ ફરીથી… ‘ઋ’ પોતે સ્વર હોય એવો સંભવ નથી, મૂળ તો એની અંદર રહેલો ‘ઇ’ (અથવા ઉ) જે જીભને આખી જ અંદર ખેંચીને રશિયનો બોલે છે તે સ્વર છે. એનો ઉપયોગ બીજા વ્યંજનો સાથે પણ થાય છે. એટલે ‘ઋ’ને સ્વર માનવાનું તો ઋગ્વૈદિક આર્યોનું લક્ષણ છે, આ સ્વર આપણી પાસે નથી એટલે જ આપણે એને આપના ‘ઇ’ અથવા ‘ઉ’માં પરિવર્તિત કર્યો છે જોડણી એ જ રહી છે પણ ઉચ્ચાર તો ત્રણ હજાર વર્ષથી નથી બચ્યો!
      હું સંસ્કૃતને ગુજરાતીની માતા તો નથી માનતો પરંતુ ગુજરાતીને ડી-સંસ્કૃતાઇઝ તો કરી શકાય એમ પણ નથી. સવાલ રી-સંસ્કૃતાઇઝેશનનો અથવા સંસ્કૃતાઇઝેશનને પરાણે પકડી રાખવાનો છે.(આદિવાસીઓ આપણા શાસક હોત તો અધ્‍ધરિયું શબ્દ આપણને અજાયબઘરનું પ્રાણી ન લાગતો હોત, એ ઇતિહાસમાન્ય સત્ય છે).
      આપણે નવા શબ્દો બનાવવા માટે સંસ્ક્રુત ભાષા પાસે જઈએ છીએ એ વાત સાચી છે પણ સંસ્કૃત લિપિ પાસે નથી જતા! આમ પણ, માત્ર નવા શબ્દો શા માટે, પ્રચલિત શબ્દો્માં પણ આપણે સંસ્કૃતને સંપૂર્ણ અનુસરતા નથી. આપણે ‘માથે મીંડું’થી કામ ચલાવીએ છીએ – અંત, કાંડ, કંપન વગેરે જોડણીનો સંસ્કૃત સ્વીકાર કરે છે?.
      પરંતુ આપની નજરે પણ કેટલાક સુધારા શક્ય અને યોગ્ય છે તે બહુ ઉપયોગી સલાહ છે. આ બાબતમાં જરા ઊંડાણથી માર્ગદર્શન આપશો તો ઉપયોગી થશે.

      Like

      1. (૧) હું સંસ્કૃતનો વિદ્વાન નથી પણ સંસ્કૃત ભાષાના આધુનિક પાણિનિ ગણાતા પ્રો. કાર્ડોનાએ ઋ અને લૃ નો સંસ્કૃત સ્વરમાં સમાવેશ કર્યો છે. જુઓ એમનું સંસ્કૃત ભાષા પરનું પ્રકરણ ‘ઈન્ડો-આર્યન લેંગ્વેજીજ’ પુસ્તકમાં. (૨) તમે સંસ્કૃતને ગુજરાતી ભાષાની જનેતા ન માનતા હો એની સાથે ઝગડો કરીને શું કરવાનું? પણ, કારણો આપો તો વાંચીશું. (૩) જોડણીકોશે જ્યારે સંસ્કૃતની તરફેણમાં જોડણી સ્વીકારી ત્યારે જ સંસ્કૃતાઈઝેશન થઈ ગયું હતું. ઊંઝા પ્રસ્તાવ હવે ડી-સંસ્કૃતાઈઝેશનની તરફેણ કરે છે, (૪) સંસ્કૃત પાસેથી લિપિ આપણે લઈ આવ્યા છીએ. એમાં કેટલાક ફેરફારો પણ કર્યા છે. હવે એ ફેરખારો રૂઢિ બની ગયા હોવાથી એમાં ઝાઝો ફેરફાર કરવાની જરૂર નથી. (૫) અનુસ્વાર માટે Varma, Siddheshwar (1929), Critical studies in the phonetic observations of Indian grammarians પુસ્તક જુઓ. અછડતી માહિતી માટે વિકીપીડિયાની આ એન્ટ્રી જુઓ: http://en.wikipedia.org/wiki/Anusvara#CITEREFVarma1929.

        Like

  60. આ બધું છેવટે તો માતૃભાષા માટે છે. સુધારાઓ કે સુધારાઓનો વીરોધ એ ભાષાની સેવા જ છે. ભાષાનો ઉપયોગ કરનારાં સાવ અભણ માણસથી લઈને વીદ્વાનો સુધીના અને સામાન્ય વાચકોથી લઈને મહાન લેખકો સુધીના તો ભાષા ભણનારાંથી લઈને ભાષા શીખવનારાં એમ સૌ કોઈ એના પ્રયોજકો છે.

    પણ શ્રી બાબુભાઈ કહે છે તેમ આ વીરોધ માટે એક જ પ્રકારની વીદ્રોહ માટે ખાસ પ્રયત્નપુર્વકની જેને અભદ્ર જ કહેવી રહી તેવી ભાષાનો પ્રયોગ સર્વથા ત્યાજ્ય ગણવો જોઈએ. ઉંઝાવાસીઓના એક જ ઘરમાં મોરચા ખુલે તે તો શરમની જ બાબત છે પણ હું તો કહું કે બન્ને પક્ષોને એક જ ઘરના – માતૃભાષાના ઘરના – ગણીને આખી વાતને એરણે રાખવી જોઈશે. શ્રી સુથારસાહેબે સાચું જકહ્યું છે કે, ભાષાના સુધારાઓ તો આપોઆપ જ થતા રહેતા હોય છે. કોઈ વ્યક્તી કે સમુહને લાગે કે સુધારાઓ જરુરી છે તો પછી એને માટેના પ્રયત્નો સ્વસ્થતાથી જ કરવાના હોય.

    ગોવીંદભાઈ મારુના બ્લોગ પર આખી ચર્ચા શરુ થઈ તે સ્વસ્થતાને દર્શાવનારી છે. પણ રમણભાઈએ જે ભાષામાં જવાબો આપ્યા તે આખી વાતને ફંગોળી દેનારી બની જાય, જો એવી જ ભાષાનો પ્રયોગ સૌ કરે. શ્રી બાબુભાઈએ ખરું જ કહ્યું કે એવી ભાષાનો પ્રયોગ તેઓ ન જ કરે. આ બ્લોગ પર પણ એવી ભાષા આવે એટલે શ્રી મારુએ રચેલો મંડપ વીંખાય.

    આરંભમાં મેં મારા બ્લોગ પર ઉત્સાહમાં આવી જઈને પ્રચારના મોહમાં ઉગ્રતા રાખી તો મને જવાબો મળી ગયા. આદરણીય શ્રી કનુભાઈએ મને કેવળ માતૃભાષાનું કામ કરવાનું લક્ષ્ય સુચવ્યું અને પરીણામે થોડી જાગૃતી ભાષાશુદ્ધી અંગે જોવા મળી છે. ઉંઝાની હોય કે સાર્થકોશની હોય, શુદ્ધી તો ભાષાની થવી ઘટે. માતૃભાષાના નીમીત્તે કોઈ પક્ષ સામાને અભદ્રતાભરી ભાષામાં સંબોધે ત્યારે નુકસાન તો ભાષાભાષી બન્નેને થાય છે.

    દૈનીકપત્રમાંની ભાષાનો જવાબ, શ્રી બાબુભાઈએ એમની વ્યસ્તતા વચ્ચે પણ આમાં જોડાઈને, જે રીતે આપ્યો છે તે મારા જેવાને પ્રેરણાદાયી છે.

    Like

    1. હું જ્યારે બીજા કોઈકના બ્લોગ પર લખતો હોઉં ત્યારે હું એ બ્લોગનો અતિથિ કહેવાઉં. એમ હોવાથી હું એ બ્લોગરના આંગણામાં આવેલું સરગવાનું વૃક્ષ કાપી ન શકુ. અને જો કાપું તો એ અનૈતિકતા કહેવાય. જુગલકિશોરભાઈની વાત સાચી છે. આપણામાંનું કોણ એવું છે જે ગુજરાતી ભાષાનો વિકાસ નથી ઇચ્છતું? એ વાત જુદી છે કે આપણી વિકાસની વિભાવનાઓ જુદી જુદી છે. એ વિભાવનાઓ જુદી જુદી પૂર્વધારણાઓ પર રચાયેલી છે. સૌ પહેલાં તો એ પૂર્વધારણાઓ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. એ પણ સહાનુભૂતિપૂર્વક. પછી, એ પૂર્વધારણાઓમાં કોઈ ખામી હોય તો એના પરત્ત્વે ધ્યાન ખેંચવું જોઈએ. અને જો એમ લાગે કે કોઈ એક પક્ષની પૂર્વધારણા ખૂબ નબળી છે, કે કાળગ્રસ્ત છે તો એને જેમ સડેલું ફળ બાજુ પર મૂકી દઈએ એમ મૂકી દેવાની. હું દૃઢપણે માનું છું કે જોડણીવ્યવસ્થાની પણ એક પરંપરા હોય છે. જેમ લખનારના ચિત્તમાં ધ્વનિને ચિહ્નમાં મૂકવાના નિયમો હોય છે એમ વાંચનારના ચિત્તમાં પણ ચિ્હનોને ધ્વનિના રૂપમાં મૂકવાના નિયમો હોય છે. આ નિયમોમાં રાતોરાત આમૂલ પરિવર્તન ત્યારે જ લાવી શકાય જ્યારે અક્ષરજ્ઞાનનું પ્રમાણ ઓછું હોય. પણ એનો અર્થ એવો નથી કરવાનો કે આ નિયમોને સ્પર્શી જ ન શકાય. જોડણીઆયોજકો માટએ સૌથી વધારે શિરદર્દ જો કોઈ પ્રશ્ન હોય તો એ છે કે કેટલું ધ્વનિતંત્ર (ફોનોલોજી) લેખનસ્વરૂપમાં પ્રગટ થવું જોઈએ. જગતમાં ભાગ્યે જ કોઈક એવી ભાષા હશે કે જેનું સંપૂર્ણ ધ્વનિતંત્ર લેખનસ્વરૂપમાં પણ પ્રગટ થતું હોય. ગુજરાતીમાં ‘સંત’, ‘સંપ’, વગેરે ‘સન્ત’ અને ‘સમ્પ’ તરીકે પણ લખાય છે. આ આખો પ્રશ્ન ધ્વનિતંત્ર અને લેખન વચ્ચેના સબંધ સાથે સંકળાયેલો છે. સુરેશ જોષી આ પ્રકારના શબ્દોમાં ધ્વનિતંત્ર પ્રગટ કરતા. પણ, મર્યાદિત સ્વરૂપમાં,. ‘અંક’ માટે કે ‘મંછી’ માટે એઓ ‘અઙ્ક’ કે ‘મઞ્છી’ એમ ન હતા લખતા. ઘણાએ એમના આ વલણની ટીકા કરી છે. એ ટીકા વ્યાજબી છે કે નહીં એ વિષે આપણી વચ્ચે મતભેદની શક્યાતઓ છે. અંગ્રેજીમાં catનું બહુવચન cats, થાય અને dogનું બહુવચન dogz થાય. પણ,dogz આવતો -z એઓ s તરીકે જ લખે છે. એનો અર્થ એ થયો કે એઓ અહીં ધ્વનિતંત્રને લેખનમાં પ્રગટ કરતા નથી. અહીં એક સાદો નિયમ છે: ધ્વનિતંત્ર જો નિયમને વશ વર્તીને ચાલતું હોય તો એને લેખનમાં પ્રગટ ન કરો તો પણ ચાલે. એટલે કોઈ એક સંજોગોમાં આપણે હ્રસ્વ-ઈ લખતા હોઈએ પણ અમુક સંજોગોમાં જો એ દીર્ઘ-ઈ બની જતો હોય તો એને હ્રસ્વ-ઈ તરીકે લખવામાં વાંધો નથી. કેમ કે, એનું દીર્ઘત્વ ભાખી શકાય એવું હોય છે. જોડણીકોશના રચયિતાઓએ જ્યારે અંગ્રેજીમાંથી આયાત કરવામાં આવેલા શબ્દોમાં ઍ અને ઑ વાપરવાનું નક્કી કર્યું ત્યારે એમણે અંગ્રેજી ભાષાના શબ્દોને વિદેશી શબ્દો તરીકે સ્વીકારેલા અને ઐએબિક-પર્શિયન ભાષાના શબ્દોને એ રીતે નહીં સ્વીકારેલા. અહીં એમની ‘ઉછીના શબ્દોની’ વિભાવના પ્રગટ થાય છે. એમણે એ વિભાવના અંગ્રેજી પૂરતા મર્યાદિત રાખેલી. હવે આપણે આ વિભાવનાને પડકારી શકીએ અને કહી શકીએ કે આપણે બધ્ધા જ ઉછીના શબ્દો માટે એક સરખી નીતિ રાખવી જોઈએ. જો કે, અહીં એમ મુશ્કેલી ઊભી થાય છે. આપણામાંના કેટલા એરેબિક કે પર્શિયન જાણે છે? એટલે આપણને કઈ રીતે ખબર પડે કે મૂળ એરેબિક કે પર્શિયનમાં એ શબ્દમાં વિવૃત્ત ઍ કે ઑ છે? વળી હવે આપણે એરેબિક પર્શિયનમાંથી બહુ ઓછા શબ્દો ઉછીના લઈએ છીએ. એટલે એ શબ્દો ભલે એમના એમ રહ્યા.

      Like

      1. શ્રી બાબુભાઇએ વીચારણાના મુદ્દે છેક ‘ચર્ચા’ જેવા તદ્દન ‘પ્રાથમીક્ તબક્કા’એ પણ જરુરી એવાં સુક્ષ્મ પગથીયાં પાડી બતાવ્યાં છે !! વાતની નાજુકાઈને ધ્યાને રાખીને (કેમ કે આ વાત માનવસ્વભાવનાં આળાં પાસાંને સ્પર્શે છે) એમણે છે…ક ચર્ચાના તબક્કાથી આરંભ કરીને આ પગથીયાં સમજાવ્યાં છે !

        બીજાના બ્લૉગ પર રાખવી જોઈતી કાળજીનો પણ ઉલ્લેખ કરીને એમણે ચર્ચાનું ભૌતીક પાસું પણ સ્પષ્ટ કર્યું છે ! ત્યાર બાદની તેમની વીષય પરની રજુઆતમાં આયોજકોની મુંઝવણ સુધીનું સઘળું આવરી લેવાયું છે જેમાં ભાષા અંગેના ઘણા મુદ્દાઓ છે. મારું પોતાનું જ્ઞાન આ દીશામાં નહીંવત્ એટલે હું એ બધાંમાં ભાગ્યે જ પડું છું.

        કોશની “જરુરીયાત”ને મુદ્દે ગાંધીજીએ બહુ આક્રોશપુર્વક લખ્યું છે. સ્વાતંત્ર્યની ચળવળના ચીંતાજનક સમયે પણ તેમણે ભાષાને યાદ કરી, પણ એ સમયે સૌની વ્યસ્તતાએ કરીને જે ત્રણ મહાનુભાવોને એમણે કામ સોંપ્યું એ લોકોની નીષ્ઠા ઉપરાંત એ કાર્ય અંગેની લાયકાત કેટલી એ અંગે પણ ચર્ચાઓ થઈ છે. એમાં કદાચ આ પગથીયાંઓમાંનું સૌથી પહેલું પગથીયું જ ઉતાવળે ચડી જવાયું હોય એમ જણાય છે.

        ગાંધીજીએ તો રમણભાઈને સમય ન હોય તો પોતે સામે ચાલીને મળવા જવા તૈયાર થયા હતા. નરસીંહરાવને બાપુએ લખેલી ચીટ્ટી પણ બાપુની તાલાવેલી બતાવે છે.

        ત્રણેય નીષ્ઠાવાન મહાનુભાવોએ એ કામ ‘જે રીતે’ અને ‘જે જે ધોરણો’ નજર સામે રાખીને કર્યું તેના વીગતે ખુલાસા સંપાદકો –કાકાસાહેબ અને મ. પ્ર.–એ કર્યા જ છે. પણ પછી ? વીદ્યાપીઠે ગાંધીજીના ગયા પછી કોશની કાળજી કેટલી લીધી એ વીચારવાનો મુદ્દો છે. છેલ્લી આવૃત્તીમાંનાં ત્રણે નીવેદનોમાં રહેલી જે ક્ષતીઓ મેં બતાવી છે તેનો જવાબ સુદ્ધાં મને મળ્યો નથી. કોશની પુરવણીનું પૅચવર્ક તેમણે કોશના સંપાદનરુપે ગણાવ્યું છે !

        જોડણીવીચાર માટેની કદાચ આઠમી સમીતીમાં તો જે નીષ્ણાતોને મુકાયા તે અંગે ગાંધીજી કદાચ અંધારામાં રહ્યાનું નોંધાયું છે. નહીંતર કોશીયાને સમજાવવાની વાત કરનાર જોડણીના નીયમોમાંનો પહેલો જ નીયમ કેવી રીતે ચાલવા દે ?! ૩૩ નીયમોમાંનો પહેલો અને છેલ્લો નીયમ ગુજરાતીઓને આજ સુધી તકલીફ આપતો આવ્યો જણાય છે.

        આજે તો ભાષા માટે જરુરી હોય તેવી બાબતોમાં પણ આપણાં મન આળાં થઈ ગયાં છે. બન્ને પક્ષોમાં શું કે એક જ પક્ષના ઘરમાં શું સૌ જાણે સામસામે ઉભાં છે ! આક્રોશને અભદ્રતાથી વ્યક્ત કરવા માટે કાવ્યનો વીષય અને કાવ્યની ભાષાને પણ અભદ્ર બનાવી દેવા સુધી આપણે જઈ શકીએ છીએ !! ભાષાને ગરીમાવાન રાખવા કે તેને વધુ ગરીમા આપવા માટે લડનારાઓ ભાષાને ખુદને પણ અભદ્રતાથી પ્રયોજે છે !

        આપણે આ પ્લેટફોર્મને વધુને વધુ બૌધીકતાથી, જ્ઞાન સાથે, સ્વસ્થતાપુર્વક માણીએ એવી પ્રાર્થના સાથે… …– જુ.

        Like

      2. ” આક્રોશને અભદ્રતાથી વ્યક્ત કરવા માટે કાવ્યનો વીષય અને કાવ્યની ભાષાને પણ અભદ્ર બનાવી દેવા સુધી આપણે જઈ શકીએ છીએ !! ભાષાને ગરીમાવાન રાખવા કે તેને વધુ ગરીમા આપવા માટે લડનારાઓ ભાષાને ખુદને પણ અભદ્રતાથી પ્રયોજે છે ! ”

        ઉપરનાં વાક્યો, લિખિત ભાષાની ઓઠે રહેલા સૂક્ષ્મ આક્રોશને સુષ્ઠુ શબ્દોની ભદ્રતાથી ઢાંકી શકે છે? ઝીણું ચુંથવું હોય તો આ પણ એક બૌધિક અભદ્રતાથી ભિન્ન નથી.

        કવિતાની ભાષા એના ભાષા/શબ્દકર્મ, અર્થસ્ફોટ અને રસનિષ્પત્તિથી ગરિમાવાન બને છે. કવિનું કામ કુંભકર્ણોને જગાડવાનું અને ગોબેલ્સોને ઉઘાડા પાડવાનું પણ હોય છે. કવિ એની જરૂરિયાત મુજબ ભાષા પ્રયોજે છે. ગરિમા અને ભદ્રતાની વ્યાખ્યાઓ કાળે કાળે અને વ્યક્તિએ વ્યક્તિએ બદલાતી હોય છે. ખાસ કરીને વિરોધી મત આવે ત્યારે બહુ સગવડપૂર્વક ગરિમા, ભદ્રતા અને વિવેકના મૂલ્યો પાટલી બદલતાં હોય છે. કાવ્યની ભાષા, વિષય અને શૈલિ વિશે અનેક મતમતાંતર હોઈ શકે. પણ એ સાપેક્ષ બાબત છે.

        Like

  61. જુ.ભાઈ, બાબુભાઈ અને પાછા જુ.ભાઈની છેલ્લી ત્રણ કૉમેન્ટની સાથે પુરો સમ્મત થઈ સહી હું કરું છું.. બાબુભાઈનો તો હું ખુબ ઋણી છું.. કંઈ કેટલીય વાતો એમની પાસેથી જાણવા મળી..
    ફરી કદીક વીગતે લખીશ મારી વાત.. ..ઉ.મ..

    Like

  62. આભાર. બીજી એકબે વાત. જોડ઼ણીતંત્રનો વિચાર કરતી વખતે ભાષાવિજ્ઞાનમાં જેને phonological awareness તરીકે ઓળખવામાં આવે છે એની પણ વાત કરવી જોઈએ. આપણે બધાંએ એક વાત નોંધી હશે કે જ્યારે બાળક ‘છોકરો’ જેવો શબ્દ વાંચતાં શીખે છે ત્યારે એ સૌ પહેલાં ‘છો’ પછી ‘ક’ પછી ‘રો’ વાંચતો હોય છે. પછી શિક્ષકે એને એ શબ્દ વાંચી બતાવે અને કહે: ‘છોક.રો’. એ સાથે જ બાળક પણ ‘છોક.રો’ બોલે છે અને પછી ધીમે ધીમે એ પોતે જે શબ્દ શીખ્યો છે એના સિલેબલ વિષે સભાનતા કેળવતો જાય છે. મજાની વાત એ છે કે આ આખી પ્રક્રિયામાં શિક્ષકને પણ ખબર નથી હોતી કે એ બાળકને ગુજરાતી ભાષાનું સિલેબીફેકેશન શીખવાડે છે અને એ જ રીતે બાળકને પણ ખબર નથી હોતી કે એ ગુજરાતી ભાષાનું સિલેબિફીકશન શીખી રહ્યો છે. અને અહીં બાળક એમ પણ નથી કહેવાનું કે હું ‘છોક.રો’માં ‘ક’ ‘અ’ વિના બોલું છું એટલે મારે એને ખોડો કરવો પડશે. કેમ કે, એ તો આપની ભાષાના ધ્વનિતંત્રનો એક ભાગ છે. એનો ફોનોલોજીમાં સમાવેશ થઈ જાય છે. એનો અર્થ એ થયો કે આપણે આ ફોનોલોજીકલ પ્રોસેસને પણ જોડણીતંત્રથી બહાર રાખવો જોઈએ. જોડણીતંત્રના પુન:આયોજન માટે આ અને આવા ઘણા બધા પ્રશ્નોની વિસ્તારથી ચર્ચા થવી જોઈએ.

    Like

  63. ગુજરાતી ભાષામાં ‘હ’નો પ્રશ્ન પણ ખૂબ પેચિદો છે. હું મર્મર ની વાત નથી કરતો. કેમ કે એ માટે હું લાયક નતી. પણ, ‘બહેન’ જેવા શબ્દોમાં આવતા ‘હ’ની વાત કરું છું. સામાન્ય નિયમ એવો છે કે કેટલીક બોલીમાં જ્યારે બે સ્વર વચ્ચે હ્ આવે ત્યારે એ હ્ દૂર થઈ જતો હોય છે. હવે જુઓ ‘બહેન’માં શું થાય છે એ: bahen -> baen -> ben. પહેલાં બે સ્વર વચ્ચેનો હ્ નીકળી ગયો. પછી ae નો વિવૃત્ત ઍ થઈ ગયો. આ પણ predictable છે. એમ હોવાથી એ પણ જોડણીમાં ન આવે તો ચાલે. હું એમ કહેવા માગું છું કે જે ફોનોલોજીકલી predictable હોય એને જોડણીમાં લાવવાની જરુર નથી કેમ કે એ તથાકથિત અનિયમિતતાની કાળજી ફોનોલોજીએ લઈ લીધી છે.

    Like

    1. શ્રી બાબુભાઈ,
      આપણા વચ્ચે ટેલીપથીથી વ્યહવાર થતો હોય એમ લાગે છે. આજે કોઈ ટેકનિકલ પ્રોબ્લેમને કારણે મેં ઋ અને કાર્ડોના વિશે પ્રતિભાવ લખ્યો હતો તે પોસ્ટ ન થઈ શક્યો. તે પછી શ્રી જુગલભાઈની અપીલ અને આપનો જવાબ વાંચવા મળ્યાં. ટેલીપથીની વાત ‘બહેન” બાબતમાં છે. મેં પણ એના વિશે જ વાત કરી હતી. ઑક્સફર્ડ ડિક્શનરી પ્રચારમાં હોય એવા શબ્દોનો સમાવેશ કરે છે, પરંતુ શ્રી કે. કા. શાસ્ત્રીના બ્રૂહદ્‍ ગુજરાતી કોશમાં પણ ‘બેન’ નથી! આપણે વ્યહવારને બદલે થિયરી પર ભાર મૂક્યો છે તેને કારણે જે સમસ્યાઓ ઊભી થાય છે તેનું નિરાકરણ કરવા માટે તો સક્રિય બનવું જ જોઈએ. એમાં આપણે જે લોકો આવી ખામીઓ જોઈ શકતા હોય એમના વચ્ચે ચર્ચા દ્વારા એક સર્વ સામાન્ય મત કેળવવાના પ્રયત્ન કરવા જોઈએ અને વિશ્વાસ રાખવો જોઈએ કે આપણે સફળ થશું જ.
      તમે પીઝોનો દાખલો આપ્યો છે તે સારો છે. હું આકાશવાણીમાં જોડાયો ત્યારે મારી બા કહેતી કે “રેડિયામાં બોલે છે!” પં ડિતોએ ભલે ને અંગ્રેજી શબ્દોની આમન્યા જાળવી હોય પરંતુ સામાન્ય માણસ એવા અતિથિ શબ્દોને પણ ઘરના બનાવી દે છે અને પીઝાને પીઝો બનાવી દે છે, અને ગુજરાતી વ્યાકરણના જે નિયમો ‘ડબ્બો’ને લાગુ પડે તે જ નિયમ રેડિયોને લાગુ કરીને એમને ‘આપણા’ શબ્દ બનાવી દે છે!
      ભાષાને સંસ્કૃતિ સાથે લાગે વળગે નહીં એમ કહેવું ખોટું છે. જે બાબત વ્યવહારમાં હોય તેના માટે જ આપણે શબ્દો બનાવીએ છીએ. કોઈ ભાષામાંથી અનુવાદ કરીએ ત્યારે ખ્યાલ આવે કે અમુક કન્સેપ્ટ આપણે ત્યાં નથી એટલે જ એના માટેના શબ્દો પણ આપણી પાસે નથી હોતા. ભાષાને સંસ્કૃતિ સાથે સીધો સંબંધ છે. આનું સીધું ઉદાહરણ શેર બજારમાં વપરાતા કેટલાક ગુજરાતી શબ્દો છે જે હવે સર્વ વ્યાપી બની ગયા છે.

      Like

      1. ‘પીઝો’ અને ‘રેડિયામાં’ બે જુદા કિસ્સા છે. મને ‘રેડિયા’ શબ્દમાં રસ પડી ગયો. છેક વરસોથી ગુજરાતી વ્યાકરણશાસ્ત્રીઓ એવું કહેતા આવ્યા છે કે ગુજરાતીમાં એક oblique વિભક્તિ છે જે દા.ત. ‘છોકરો’ ને -ને લાગડીએ ત્યારે લાગે. એટલે કે ‘છોકરો + ને’ ‘છોકરાને’ બને. જો કે, હું આ વાત સાથે સંમત થતો નથી. મારું કહેવું એમ છે કે જો પુલ્લિંગને વિભક્તિ લાગે તો સ્ત્રીલિંગને કેમ ન લાગે. હજી સુધી મેં એવી કોઈ ભાષા જોઈ નતી જેમાં વિભક્તિ લિંગ પ્રમાણે નક્કી થતી હોય. પણ, પંડિત પણ આવું કહે છે, વ્યાસ પણ આવું કહે છે, દેસાઈ પણ આવું કહે છે. તમને આશ્ચર્ઓ થશે કે આ વિશે નર્મદે કંઈક જુદું કહેવાનું હતું. મને એના શબ્દો યાદ નથી પણ એણે એમ કહેલું કે આ કંઈ લય જેવું છે. આ વાતને મીસ્ત્રીએ જરાક આગળ વધારેલી. પણ, એ હિંમત કરીને આગળ જઈ શક્યા ન હતા. પણ, મેં એનો નિયમ શોધી કાઢ્યો છે. હું માનું છું કે આ ‘રેડિયો;’નો -ઓ’ એ નિયમને કારણે -આ બને છે. મારો નિયમ કંઈક આમ છે: postposition phraseમાં આવતા તમામ પુલ્લિગ -ઓ અને નપુસંકલિંગ -ઉં -આ બની જાય છે.” હવે આ નિયમ સાવ સાદો છે પણ એને સમજાવવો ખૂબ અઘરો છે. તમે મને આ નિયમ વિગતે સમજાવવાનું ન કહેશો. પણ, આ નિયમ નર્મદ અને મીસ્ત્રીની વાતને બીજગણિતની ભાષામાં મૂકી આપે છે. હવે જે લોકો ‘રેડિયોમાં’ એમ કહેતા હોય એમણે આ નિયમ સ્વીકાર્યો નતી એમ કહી શકાય. એટલે કે એમણે ‘-ઓ’ને પુલ્લિંગ તરીકે નતી સ્વીકાર્યો પણ મૂળ અંગ્રેજી ભાષામાં જેમ છે એમ જ સ્વીકાર્યો છે. તમારાં બાએ એને પુલ્લિંગ તરીકે સ્વીકાર્યો છે. અહીં સાચું શું અને ખોટું શું એ જરા પણ મહત્ત્વનું નથી. તમારાં બાએ ગુજરાતી ભાષાના પ્રવર્તમાન નિયમને સાચી રીતે વિસ્તાર્યો છે એમ કહી શકાય અને બીજાઓએ એને સાચી રીતે નથી વિસ્તાર્યો એમ કહી શકાય. ભાષાવિજ્ઞાનની આ જ મજા છે. એ તમને સાચા અર્થમાં લોકસાહીના ભક્ત બનાવી દે. મને તમે મોકલેલું આ ઉદાહરણ મને ગમ્યું. આભાર.

        Like

  64. હવે ક્લાસમાં જવાનો વખત થઈ ગયો છે પણ એ પહેલાં એક વાત. ઉછીના લાવવામાં આવતા શબ્દોએ પણ આપણી ભાષાનું ‘ગ્રીન કાર્ડ’ મેળવવું પડતું હોય છે. હું બે શબ્દો આપું. સૌ પહેલાં baby શબ્દ લો. એ શબ્દને આપણે /bebi/ તરીકે જોયો. પછી એના પાછલા -iને આપણે સ્ત્રીલિંગ તરીકે જોયો. પછી આપણે આ એક રૂપઘટક ધરાવતા શબ્દને beb + i એમ બે રૂપઘટકમાં વહેંચી નાખ્યો. પછી, એનું પુલ્લિંગ બનાવવા માટે આપણે -i ની જગ્યાએ -o લગાડ્યો. એને કારણે આપણને beb-o મળ્યો. પછી સ્વર એડજસ્ટમેન્ટ દ્વારા આપણે babo બનાવ્યો. આ બધું સાહજિક રીતે થયું. કોઈ ભાષાવિજ્ઞાનીએ એના માટે પરિશ્રમ કરવો પડ્યો નથી. એ જ રીતે pizza શબ્દ લો. કેટલાક ગુજરાતી ભાષકોએ આ શબ્દને ‘ગ્રીનકાર્ડ’ આપવા માટે એનું રીએનાલેસિસ કર્યું. એના પાછલા -aને બહુવચનનું મૂલ્ય આપ્યું. અને એ રીતે એ piz-a શબ્દ બનાવ્યો. પછી, એ -aને પડતો મૂકીને એની જગ્યાએ એકવચન -o લગાડ્યો. અને એક નવો શબ્દ બનાવ્યો: pizo. ચાલો, એક પીઝો મંગાવી લો ત્યારે. આવી તો અનેક અજાયબીઓ છે ગુજરાતી ભાષામાં. હું મારા ગુજરાતી ક્લાસમાં પહેલા દિવસે જ એક હોમવર્ક આપતો હોઉં છું: ચંદ્રને મામા કેમ કહીએ છીએ? જયંત કોઠારીએ એક મુલાકાતમાં કહ્યું છે કે ભાષાને સંસ્કૃતિ સાથે કંઈ લાગે વળગે નહીં, ત્યારે આ પ્રશ્ન ખૂબ મહત્ત્વનો બની રહે છે. તમે પણ વિચાર કરજો.

    Like

    1. ચંદ્રને મામા કેમ કહીએ છીએ? જયંત કોઠારીએ એક મુલાકાતમાં કહ્યું છે કે ભાષાને સંસ્કૃતિ સાથે કંઈ લાગે વળગે નહીં, ત્યારે આ પ્રશ્ન ખૂબ મહત્ત્વનો બની રહે છે. તમે પણ વિચાર કરજો.
      Very interesting and relevant observation. I can’t resit putting the following link:
      http://tahuko.com/?p=7749

      Like

  65. પ્લીઝ, આગળ લખતા રહો.. બાબુભાઈ,
    ઘણું જાણે પહેલી જ વાર નજર સામે આવે છે..
    આ તો મઝેની શબ્દયાત્રા જ છે !
    ધન્યવાદ અને આભાર પણ..ઉ.મ..

    Like

  66. દીપકભાઈ, હું એક વાત લખવાની ભૂલી ગયો. મેં જે નિયમ આપ્યો છે એને ભાષાવિજ્ઞાનમાં ‘ધ્વનિતંત્ર-વાક્યતંત્ર વચ્ચેના વ્યવહારના નિયમ (phonology-syntax interaction rule)’ તરીકે ઓળખાવવામાં આવે છે.

    Like

    1. મઝા આવી ગઈ, બાબુભાઈ. નિયમ સહેલાઇથી સમજી શકાયો. ટૂંકમાં પુરુષો અને નપુંસકોને સ્ત્રી બનાવી દઈએ ત્યારે જ એ કામના થાય! (એટલે કે ઓકારાન્ત પુલ્લિંગ અને ઉકરાન્ત નપું.ને ‘આકારાન્તમાં બદલ્યા પછી જ વાક્યમાં પ્રયોગ થઈ શકે). પહેલાં તો બાની મશ્કરી કરતા કે બાએ રૅડિયોને ડબ્બો બનાવી દીધો!.પણ પછી જ્ઞાન લાધ્યું કે એ જ સાચું છે.એને ડબ્બો ન બનાવીએ તે ન ચાલે. નર્મદ વધારે સાચા છે એમ લાગે છે. મને લાગે છે કે આપને આપના શાસકોની ભાષાનો આદર કરતા હતા એટલે એની સાથે છેડછાડ કરવાની હિમ્મત ન કરી. પરંતુ ફારસીના ‘દર્વાઝા’ને આપણે દરવાજો બનાવી દેતાં અચકાયા નથી. વાક્યમાં વપરીએ ત્યારે મૂળ આકારાન્ત માત્ર વિકાર રૂપે આવે છે! આ ખરો વિકાસ થયો.
      એ જ રીતે ‘દેહલીઝ’માં તો ગુજરાતીભાષીઓની કુશળત સોળે કલાએ ખીલી છે -દેહલીઝ-ડેલી (સ્ત્રીલિંગ) અને તેમાંથી ‘ડેલો’! અને વાક્યમાં “ડેલામાં કોણ ગયું?” અહીં અકારાન્ત ‘ઝ’ હટી ગયો અને ‘લી’ને સ્ત્રીલિંગ માનીને ચાલ્યા.મૂળ દેહલીઝ પણ સ્ત્રીલિંગ છે ને! આમાં દેહલીઝ (એટલે કે ઉંબર)નો અર્થ પણ વિસ્તારી નાખ્યો.

      ‘પીઝા’ને શું માનીએ છીએ તે મહત્વનું છે. પુલ્લિંગ, સ્ત્રીલિંગ કે નપું? એનું પહેલી વિભક્તિમાં ઓ-કરણ કરનારા એને પુલ્લિંગ માને છે. આનું કારણ કદાચ ‘રોટલો’ એમના મનમાં હશે.વિદેશી શબ્દો મૂળ સંસ્કૃતિમાં ઉપલબ્ધ પદાર્થ અથવા ભાષામાં ઉપલબ્ધ નજીકના શબ્દનું જ લિંગ લેતા હોય છે ગુજરાતીમાં ‘પીઝા’ જ રાખીએ તો એનો ઉપયોગ બહુવચનમાં જ કરવો પડે! રોટલો -પીઝો, બે રોટલા – બે પીઝા. નપું હોય તો પીઝું થાય અને “બે પીઝાં” અથવા “પીઝામાં શું નાખ્યું છે?” એમ બોલવાનું થાય!

      ઋ બાબતમાં મેં પહેલાં લખ્યું છે તે પણ રશિયામાં રહેવાનો મોકો મળતાં જે અનુભવ થયો તેને આધારે
      છે. સંસ્કૃત આપણી ભાષાની માતા નથી એના્ સંકેત ઋગ્વેદમાં છે. ઘણા શબ્દો એવા છે જે લૌકિક સંસ્કૃતમાં નથી આવ્યા પણ સીધાજ ગુજરાતી અને બીજી ભાષાઓમાં દેખાય છે. અહીં એના પર વિસ્તાર નહીં કરૂં પણ એક શબ્દ ખેડૂતો માટે છે ‘ચર્ષણિનામ’. આ શબ્દ સંસ્કૃતમાં નથી આવ્યો, પણ ગુજરાતીના
      ચાસ શબ્દમાં એનું અસ્તિત્વ છે! ઋગ્વેદકાળમાં પણ બીજી ભાષાઓ હતી.

      Like

  67. મેં આ પહેલાં શ્રી. દિપકભાઈને એક ઈ-મેઈલમાં લખેલું કે હું ખાસ ગુજરાતી જાણતો નથી, અહીં ન્યુઝીલેન્ડ આવવાનું થયેલું તે પણ મારી ગણીતશીક્ષક તરીકેની લાયકાતને કારણે. વળી ૩૭ વર્ષથી અહીં છું, આથી ગુજરાતીમાં આ સમય દરમીયાન આવેલા પરીવર્તનથી સાવ અજાણ. છતાં ૧૯૮૭માં અહીં વયસ્કો માટે ગુજરાતી શીખવવાના વર્ગો ચલાવવા માટે શીક્ષકની જાહેરાત વખતે મેં અરજી કરેલી અને મારી પસંદગી થયેલી. તે સમયે મારી પાસે માત્ર અંગ્રેજી જ જાણનારને ગુજરાતી શીખવવા માટેનું કોઈ સંદર્ભ પુસ્તક ન હતું. આથી મેં મારી રીતે કંઈક વીચારીને જે રીતે ગુજરાતી શીખવેલું તેની એક બે વાતો.
    બધા કક્કા મેં શરુઆતથી શીખવ્યા ન હતા. અંગ્રેજી મુળાક્ષરો સાથે જેનું થોડું ઘણું સામ્ય હોય તે અક્ષરો અને એક બે ચીહ્નોથી શરુ કરી પ્રત્યક્ષ પધ્ધતીથી શબ્દો પહેલાં બોલતાં અને પછી લખતાં બતાવેલું. જેમ કે આપણે પહેલાં ચાર ABCD શીખતા. એમાં ત્રીજીનો J આપણા ‘જ’ને ઘણો જ મળતો આવે છે. એને કાનો લગાડો એટલે ‘જા’.
    આ સાથે શ્રી. બાબુભાઈએ જે ઉંડાણથી વાતો કરી છે અને જે પરીભાષા વાપરી છે, એની તો મને કશી જાણ હતી જ નહંી, એ તો મેં આજે જ જાણ્યું. આથી મેં એમ કહ્યું હતું કે:
    Names of letters – characters and their sounds are two different things in English language, but in Gujarati it is the same. That is the name of a letter and its sound both are the same. For example in English C is ka (ક) as in cat, car etc. but before e, i and y it is sa ( સ ) as in lace, city, cycle. Here C is the name and ka(ક) or sa(સ) is the sound of C in different words. But in Gujarati ka and sa are both the names and sounds also of the letters, and unlike English sound of a letter remains the same in Gujarati every time, that is it does not depend where and how it comes in a word.
    શ્રી બાબુભાઈની વાતો અહીં વાંચ્યા પછી મને મારા અજ્ઞાનની જાણ થઈ. આ મેં ૧૯૮૭માં અહીં શીખવેલું.
    મારું અજ્ઞાન જોતાં મારે કશી વાત કહેવી ન હતી, પણ આ બધી જાણકારી મને મળી એ માટે શ્રી બાબુભાઈનો અને અન્ય સહુ વીદ્વાનોનો આભાર માનવા માટે ખાસ મારે આ લખવાનું થયું છે. ફરીથી શ્રી. બાબુભાઈ તથા અન્ય સહુનો અને ગોવીંદભાઈએ ફરીથી એમના બ્લોગ મારફત તક આપી એ બદલ એમનો હાર્દીક આભાર.
    બીજી એક વાત મારે કહેવી જોઈએ કે હું ગુજરાતીમાં જોડણી બાબત અરાજકતા ન રહે એટલા માટે જરુરી ફેરફેરોને અનુમોદન આપું છું, અને તેથી જ ઉંઝા જોડણી હું વાપરું છું. મારો બ્લોગ પણ લોકો વાંચે છે, જે મને મળતા ઈ-મેઈલ પરથી માલમ પડે છે, એટલે કે એક જ ઈ-ઉ વાપરવાથી લોકોને વાંચવામાં કે સમજવામાં મુશ્કેલી પડતી હોય એમ લાગતું નથી. જો કે મારે વાદવીવાદમાં પડવું નથી.

    Like

    1. શ્રી ગાંડાભાઈ, આપે તો વાંચ્યા વગર જ સાચો રસ્તો લીધો. પોલું તો સૌ વગાડી દે, આપે તો સાંબેલું વગાડી દીધું! જ્યોતીન્દ્ર દવેએ તો એક હાસ્યલેખમાં અંગ્રેજી આલ્ફાબેટ ગુજરાતીમાંથી બની છે એમ સાબીત કર્યું છે તે પણ આજ રીતે સમાનતા શોધીને!
      સાચું છે ગુજરાતીમાં ધ્વનિચિત્રનું નામ અને ધ્વનિ એક જ છે. મેં પણ આ જ વાત આ પહેલાં લખી છે. બહુ તો મેં પણ વાંચ્યું નથી પણ ‘સાંભળવા’ની મથામણ કરીને જે સમજાયું તે સમજ્યો છું. પારિભાષિક શબ્દો કદાચ ન પણ સમજાય.

      Like

    2. ગુજરાતીમાં આંકડા માટે નામ છે. જેમ કે ‘એકડો’, ‘બગડો’ ‘તગડો’. જગતની બહુ ઓછી ભાષાઓમાં આવી વ્યવસ્થા છે. આપણે મૂળે વેપારી પ્રજા, ગણતરીમાં સરળતા પડે એ માટે આપણે ઘણું બધું ગોઠવી કાડ્યું છે. બીજું, ‘અરાજકતા’ કોને કહેવી એ એક પ્રશ્ન છે. વરસો પહેલાં થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ શોધાયો ત્યારે એવું કહેવામાં આવેલું કે યોગ્ય તક મળતાં સિસ્ટમ અરાજકતા તરફ જતી હોય છે. આનો વિરોધ કરતાં એક વૈજ્ઞાનિકે એમ કહ્યું કે ના, એવું નથી થતું. તક મળતાં સિસ્ટમ-૧ સિસ્ટમ-૨ બનવા તરફ જતી હોય છે. કેવળ નામ બદલતાં જ એના ગૂણ પણ બદલાઈ ગયા. ભૌતિકવિજ્ઞાનમાં હાઈઝનબર્ગે અનિશ્ચિતતાનો સિદ્ધાન્ત આપ્યો. વરસો પછૌ બોહરે એમ કહ્યું કે તમે નિશ્ચિતતા માટે ગયા તો અનિશ્ચિતા મળી. પણ, એક વાત તો નિશ્ચિત છે કે જ્યારે અ અ હોય ત્યારે એ બ ન હોય અને જ્યારે એ બ હોય ત્યારે એ અ ન હોય. અ અ હોય કે બ હોય એ નક્કી કરી શકાતું નથી એની ચિન્તા કરવાની જરૂર નથી. કહેવાનો આશય એટલો કે જો પ્રવર્તમાન જોડણીવ્યવસ્થા અરાજકતાથી ભરેલી હોત તો આપણે સંવાદ ન કરી શકત. આખો પ્રશ્ન અહીં સિસ્ટમ-૧ની જગ્યાએ સિસ્ટમ-૨ને મૂકવાનો છે અને સિસ્ટમ-રના ટેકેદારો એવું માની રહ્યા છે કે સિસ્ટમ-૧માં અરાજકતા છે વગેરે, આપણી પ્રવર્તમાન જોડણીવ્યવસ્થાને થરમોડાયનેમિક્સના બીજા નિયમ વડે સમજી શકાય ખરી? તમે તપ ગણિતના માણસ છો. વિચારજો.

      Like

  68. ફારસી ‘દર્વાઝા’નું ગુજરાતી ‘દરવાજા’ અકારણે નથી થયું. ગુજરાતી ભાષામાં એક નિયમ છે અને આ નિયમ જગતની અનેક ભાષાઓમાં પણ છે. એને સાદી ગુજરાતીમાં સંયુક્તાક્ષર સરળ બનાવવાનો નિયમ કહે છે. ગુજરાતીમાં, ‘કર્મ’નું ‘કરમ’, ‘ધર્મ’નું ‘ધરમ’ થયું એમ ‘દર્વાઝા’નું ‘દરવાજા’ થયું. જોકે,આમાં બે નિયમો કામ કરી ગયા. એક તે સંયુક્તાક્ષર સરળ બનાવવાનો અને બીજો ઝ ને જ બનાવવાનો. આ સંયુક્ત અક્ષરો મન ફાવે એમ નતી આવતા. એમાં પણ એક સિદ્ધાન્ત, જે સોનોરિટીના સિદ્ધાન્ત તરીકે ઓળખાય છે એ કામ કરતો હોય છે. દરેક ભાષામાં કેટલાક સંયુક્ત અક્ષરો હોય છે અને એ સંયુક્ત અક્ષરો અમુક જગ્યાએ જ આવે. જેમ કે, ગુજરાતીમાં ‘ક્ત’ શબ્દની શરૂઆતમાં નથી આવતો. પાલિમાં અને પ્રાકૃતમાં આ સંયુક્તઅક્ષરોનું સ્વરૂપ જુદુ હતું. ગુજરાતીમાં એ રી-સંસકૃતાઈઝેશનના ભાગ રૂપે આવ્યા. બાકી, ‘કર્મ’નું ‘કમ્મ’ થયેલું. પછી, ગુજરાતીમાં એનું ‘કામ’ બન્યું પણ ‘ક્મ’ની જગ્યાએ ‘કર્મ’ આવ્યું અને એનું ‘કરમ’ પણ બોલાય છે. ગુજરાતી ભાષામાં આજકાલ બોલીઓમા ંલખવાનું વલણ વધતું જાય છે. એ લેખકોમાંના લગભગ નવ્વાણું ટકાને આ સરલીકરણની ખબર નથી અને એથી ક્યારેક એનો વધારે પડતો ઉપયોગ કરે છે તો ક્યારે ઓછો. મેં પ્રો. કાર્ડોનાના હાથ નીચે અશોકના શિલાલેખોમાં આવતા આવા અક્ષરો પર કામ કરેલું. પણ, એ કામ એક વિદ્યાર્થી તરીકેનું હતું. મેં એવું પ્રતિપાદન કરવાનો પ્રયત્ન કર્યો હતો કે ‘કર્મ;નું ‘કમ્મ’ વગેરે સોનોરિટિની ઉચ્ચવચ્ચતામાં આવેલાં પરિવર્તનો જવાબદાર છે. મેં એકે એક પરિવર્તન માટે એક એક નિયમ આપવાને બદલે, એક ગ્લોબલ નિયમ આપેલો. હજી પણ એ પેપરનો ડેટા સાચવી રાખ્યો છે. ક્યારેક એના પર કામ કરીશ એવા લોભમાં. પણ,. મને નથી લાગતું કે મને કદી પણ એના પર કામ કરવાનો સમય મળશે.

    Like

    1. દરવાજાના સંયુક્તાક્ષરની વાત બરાબર છે. આમ પણ ઉચ્ચારમાં તો એ દર્વાજા જ રહે છે. મેં ધ્યાન ખેંચ્યું હતું એના ‘દરવાજો’ રૂપ તરફ. એ ખરૂં ગુજરાતીકરણ છે. ફરી વિભક્તિ સાથે એ દરવાજા જ બને છે. સોનોરિટીનો નિયમ સમજવાની મઝા આવશે. પરંતુ અશોકના શિલાલેખો પરનું કામ આગળ નથી વધ્યું એ દુઃખની વાત છે. આશા છે કે આ દિશામાં આપ આગળ વધશો.

      Like

    1. વહાલા ગુજરાતપ્લસ,

      તમે આપેલી નીચેની http://kamalahindi.blogspot.com/
      http://kamalahindi.blogspot.com/2011/12/blog-post_14.html

      આ બે લીંકે આજે મને બહુ જ સુખદ યાત્રા કરાવી. સાચે જ, હીન્દીવાળા હવે દરેક અક્ષર પર શીરોરેખા ખેંચી ખેંચી ત્રાસી ગયા જણાય છે. તેઓ તે ઉપરાંત પણ પાંડુલીપીમાં ફેરફાર પ્રચલીત કરવા માગે છે. એકે તો ગુજરાતી લીપીએ શીરોરેખાવાળી દેવનાગરી લીપીમાંથી મુક્તી મેળવી પોતીકી લીપી ઉભી કરી તેની બહુ જ પ્રસંશા કરી છે તે વાંચવા જેવું છે. તેઓ લખે છે:
      प्रस्तुतकर्ताkamalahindiपर3:36 am
      1 टिप्पणियाँ:
      saralhindiJan 24, 2012 01:52 PM
      Why not create a Federation For Simple National Language Script, India?

      In the past India has spent so much time in creating new language scripts under different rulers. Now in the internet age some languages may disappear if they are not simplified or made translatable.

      As you know that Gujarati Script is a simplified version of Devnagari script without horizontal lines. In fact it’s a developed Devnagari script where you write comparatively lesser times lifting the pen.

      Sure, Hindi is spoken by more peoples in India but it’s not technical and very cluttered language with horizontal lines. It’s writings in newspapers look like an old Sanskrit language. If you look all Indian languages in Google Transliteration IME you will find Gujarati script very simple computer-usable language Script. Gujarati alphabet is very very easy for foreigners to learn and practice.

      We all know that Devnagari is not the script of Hindi to begin with. Basically it is the script of Sanskrit, unquestionably the language of India, not any region.

      Sanskrit language used horizontal lines for grammatical lengthy meaningful words.

      Besides languages in a Devnagari script which Indian old or current languages or world languages use horizontal lines to make words more cluttered in appearance? Why draw lines if not needed?

      As you know China has simplify it’s language to make it computer usable. Also most of European countries and other world countries use English Script for their national languages.

      Think, Why most Hindi song lyrics are written in English but not in Hindi?

      People don’t mind learning Hindi but India needs one easy Script for all languages and that’s Gujarati Script. But let the people of India decide what they want.

      Please do express your opinion about this.

      http://saralhindi.wordpress.com/

      http://saralhindi.wordpress.com/2011/08/11/%E0%AA%AE%E0%AB%81%E0%AA%B2%E0%AA%BE%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%B0/

      Why not add a Gujarati script converter to the site?

      Thanks,
      પ્રત્યુત્તરમાં ત્યાં કૉમેન્ટના ચોકઠામાં ચોંટાડવા મેં નીચે પ્રમાણે લખેલું; પણ મારી અણઆવડતને કારણે તે ત્યાં ચોંટ્યું જ નહીં ! મેં મારી આઈડી પણ અંદર આપી જ છે. આપમાંથી જો કોઈ ત્યાં મને તે ચોંટાડી આપે તો ઋણી રહીશ..તે આ પ્રમાણે છે:
      મીત્ર,

      આપને હીન્દીકો રોમન લીપીમેં ન લીખનેકા અનુરોધ કીયા…ધન્યવાદ.. મગર હમેં સોચના ચાહીયે કી ક્યોં લોગ હીન્દીકો રોમન લીપીમેં લીખના પસંદ કરતે હૈં ? સીનેમાજગત બહુત બડા હૈ. પ્રાય: વહાં સબસે જ્યાદા રોમનાઈઝ્ડ હીન્દી લીપીકા પ્રચલન હૈ. સીનેમાકે પોસ્ટર્સ, ગીત વગૈરહ, મોબાઈલકે એસેમેસ સબ રોમનાઈઝ્ડ હીન્દી લીપીમેં લીખે જાતે હૈ. ઔર વહાંસે ઉચ્ચારણકી ગરબડી શુરુ હો જાતી હૈ : રામા, લક્ષ્મણા, યોગા, મીશ્રા, સીન્હા વગૈરહ..

      ગુજરાતીયોંને ન સીર્ફ લીપીકો સરલ કીયા; અબ બીસ સાલસે યહાં ગુજરાતમેં નયા આંદોલન ચલ રહા હૈ. ‘જોડણીસુધાર’-Spelling Reform કે નામસે. ૧૯૯૯મેં ગુજરાતકે ‘ઉંઝા’ નગરમેં એક ‘જોડણીપરીષદ’ બુલાઈ ગઈ. કરીબ ૩૦૦ સદસ્ય આયે થે. ઉસમેં ભાષાવીજ્ઞાની, આચાર્ય–પ્રાચાર્ય, તંત્રી, લેખક, કવી, શીક્ષક સભી પ્રકારકે ભાષારસીક મહાનુભાવ ઉપસ્થી થે. દો દીન બહસ ચલી. બહુતસે સુધાર કરનેકી માંગ થી; ફીર ભી વીદ્વાનોંને એક હી બાતકો મંજુર કીયા. વહ યહ કી, ‘હમારી ગુજરાતી લીખાવટમેં હમ દો ‘ઈ’ ઔર દો ‘ઉ’કા ઈસ્તેમાલ કરતે હૈં (હીન્દી કી તરહ). પરીષદને તય કીયા કી ‘‘આજસે હમ સબ હમારી લીખાવટમેં એક હી ‘ઈ’ ઔર એક હી ‘ઉ’ કા ઈસ્તેમાલ કરેંગે.’’ (જૈસે યહ કૉમેન્ટ લીખનેમેં મૈને કીયા ગયા હૈ.)

      બાદ મેં ક્યા ક્યા હુઆ યહ બાતેં બડી રોમાંચક હૈ જો મૈં યહ શની–રવી છુટ્ટીકે દીનોંમે સવીસ્તર લીખુંગા..
      એક દીન હમારા હી હૈ…
      ધન્યવાદ..
      ઉત્તમ ગજ્જર..સુરત.. uttamgajjar@gmail.com

      હવે આ લીંક જુઓ : http://saralhindi.wordpress.com/2011/12/31/%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AD%E0%AB%81-%E0%AA%A4%E0%AB%81%E0%AA%AE-%E0%AA%AE%E0%AB%87%E0%AA%B0%E0%AB%87-%E0%AA%AE%E0%AA%A8-%E0%AA%95%E0%AB%80-%E0%AA%9C%E0%AA%BE%E0%AA%A8%E0%AB%8B/
      આ હીન્દીભાષી મીત્રે તો પોતાના હીન્દી વાચક માટે હીન્દીનું લખાણ ગુજરાતી લીપીમાં જ મુકવા માંડ્યું ! ગુજરાતી લીપી માટે ગર્વ થાય તેવી આ ઘટના જણાઈ !

      મીત્ર ગુજરાતપ્લસ, લીંક મોકલવા બદલ ધન્યવાદ..ઉ.મ..સુરત

      Like

  69. હું નથી માનતો કે લોકો ‘દર્વાજા’ બોલતા. પણ, એનો અર્થ એવો નથી કરવાનો કે તમે ખોટા છો. તમે જેવું અર્થઘટન કરો છો એવું આપણા કેટલાક ભાષાવિજ્ઞાનીઓએ પણ કર્યું છે. એમણે ‘છોકરો’ શબ્દ ‘છોક્રો’ તરીકે સ્વીકાર્યો છે. એમાં ભૂલ એક જ થઈ છે. અને એ perceptionની. સંયુક્તવ્યંજનો મેં કહ્યું એમ ખૂબ જ રસનો વિષય છે. એવા વ્યંજનો સાથે એક પ્રશ્ન પ્રથ્મ વ્યંજનના સ્થાનનો સંકળાયેલો છે. દા.ત. ‘સત્ય’ શબ્દ લો. બોલતી વખતે ત્ સ-ની સાતે જાય છે, જ્યારે લખતી વખતે એ ‘ય’ની સાથે જાય છે. ભાષાવિજ્ઞાનમાં આને (The property of a consonant being analysed as acting simultaneously as the coda of one syllable and the onset of the following syllable.) તરીકે ઓળખવામાં આવે છે. આવા વ્યંજનો,રૂપક વાપરીને કહું તો, બે ઘર વચ્ચેની એક દિવાલ જેવા હોય છે. બન્ને ઘરના માલિકો એ દિવાલ પર પોતાનો માલિકીહક્ક રજુ કરી શકે,બીજું, ‘દરવાજો’નું ‘દરવાજા’ મેં ક્યો છે એ નિયમના કારણે થાય છે કે એના બહુવચનના કારણે એ નક્કકી કરવું પડે. “મેં દરવાજા પર ચિત્ર દોર્યુ’માં ‘દરવાજો’ મેં કહ્યું છે એ નિયમને કારણે ‘દરવાજા’ બને છે. પણ, “એના ઘરને ચાર દરવાજા છે’ એમાં વળી બીજો નિયમ કામ કરે છે. જદ્યારે બે સ્વર પાસપાસે આવે ત્યારે એ કાં તો એકબીજામાં ભલી જાય, કાં તો બન્નેમાંથી કોઈ એક બીજાથી અલગ પ્રકારની ઓળખ કેળવી લે. ‘darvajo + o’ કરીએ ત્યારે બે ‘ઓ’ ભેગા થાય એટલે પહેલો -ઓ’ પોતાની ઓળખ બદલી નાખે. એને પેલા -ઓમાં ભળવું નથી. પછી, એમાંનો એક -ઓ ખરી પડે. એનાં પણ કારણો ચે. આ બધું ખૂબ રસ પડે એવું છે પણ સરળતાથી ગુજરાતી ભાષામાં સમજાવવાનું અઘરું છે. આધુનિક ભાષાવિજ્ઞાનીઓ આ બધું formal ભાષા વડે પ્રગટ કરતા હોય છે. એ ભાષા હસ્તગત કરતાં વરસો લાગી જાય. એ પણ એક પ્રકારનું ગણિત જ છે.

    Like

    1. સાચે જ, બાબુભાઈ, તમે સમજાવેલી ‘દરવાજા’ની વાતે ભારે રસ, કુતુહલ અને વીસ્મય પેદાં કર્યાં મારામાં.. કેવી છે શબ્દોની લીલા ! તમારી કૉમેન્ટ જેમ જેમ વાંચું તેમ તેમ મને એમ થાય કે આ ઉમ્મરે હુંય ભાષાવીજ્ઞાન ભણવા લાગું ! પણ હવે તે શક્ય નથી.. કંઈ નહીં તમે અમારી પાસે જ છો.. આવું રસપ્રદ ભણાવતા રહેજો..
      ફરી આભાર..ઉ.મ..

      Like

  70. charcha sari chali chhe, pan I wish ene koik nam aapjo. Unjha ma 1999 pachhi aagar kai thyu nathi…..I wish aa unjha aagar vadhe.
    English ma pan British and American na tafavat chhe j.
    Amal mate Gujarat sahitya parishad ma ek satra gothavava do. Koi jamaniyo yajaman male em yajaman to e loko shdhi kadhashe.
    Hope navi pedhi ne teno labh male ane bhasha prem vadhe

    Like

    1. વહાલા હરેશભાઈ,

      લાગણીભર્યો તમારો પ્રશ્ન મને ગમ્યો. હા, એક વાત સાચી કે 1999માં ભરાયેલી પહેલી ‘જોડણીપરીષદ’ પછી બીજી એવી ‘જોડણીપરીષદ’ ભરાઈ નથી.. પણ હવે તે અંગે સક્રીય વીચારણા અને આયોજન થઈ રહ્યું છે.. નજીકના ભવીષ્યમાં તેમ થાય તેવું બને.. 1999માં ‘ઉંઝા’ મુકામે જે ગુજરાતી ભાષાની પ્રથમ જોડણી પરીષદ ભરાઈ તેમાં જેમણે નામ નોંધણી કરાવી હતી તેવા 252 ડેલીગેટ્સ આવ્યા હતા.. જેમાં ભાષાવીજ્ઞાનીઓ, આચાર્યો–પ્રાચાર્યો, શીક્ષકો–પ્રાધ્યાપકો, છાપાં–સામયીકોના તંત્રીઓ, સાહીત્ય સર્જકો, સામાજીક કાર્યકરો, ડૉક્ટરો, મુદ્રણ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યાવસાયીકો, નીવૃત્ત કુલપતીઓ વગેરે પધારેલા.. આજુબાજુના સ્થાનીક ભાષારસીયા સો એક જણા હશે.. સૌનાં નામો, તેમનું રહેણાક અને તેમના વ્યવસાયની આખી યાદી પણ તમને જોવા મળી શકે નીચેના ગ્રંથમાં :
      (“ઉંઝાજોડણી પરીષદ: એક દસ્તાવેજ”
      નામે 200 પાનનો, રુપીયા 125ની કીંમતનો, એક ઐતીહાસીક દસ્તાવેજી ગ્રંથ, ‘ગુજરાતી ભાષાપરીષદ’ તરફથી હાલ પ્રગટ કરવામાં આવ્યો છે. 9-10 જાન્યુઆરી, 1999ના દીવસો દરમ્યાન ઉંઝામાં ચાલેલી ‘જોડણીપરીષદ’–ચર્ચાના ઓડીયો રેકોર્ડીંગ પરથી આ દસ્તાવેજ, છ વરસે, ભાષાપ્રેમી આદરણીય શ્રી. રતીલાલ ચંદરયાની પ્રેરણા અને આર્થીક સહયોગથી તૈયાર થયો. બધી બેઠકોમાંના સૌ વક્તાઓનાં મંતવ્યો અને ચર્ચા, બેઠકાધ્યક્ષોનાં વીદ્વત્તાપુર્ણ વ્યાખ્યાનો, ભાગ લેનાર વીદ્વાનોની નામાવલી વગેરે ઝીણીઝીણી વીગત તેમાં આપી છે. ભાષાનાં ભાવી વીકાસ–સુધારણા માટે આ ગ્રંથ એક માર્ગદર્શક કેડી સમ છે. ગ્રંથ મેળવવા લખો:
      શ્રી.ઈન્દુકુમાર જાની, મંત્રી, ‘ગુજરાતી ભાષાપરીષદ’, ‘ખેતભવન’, ગાંધી આશ્રમની બાજુમાં, અમદાવાદ–380 027
      બે દીવસની વીસ્તૃત અને સઘન ચર્ચાવીચારણાને અંતે પરીષદે સર્વાનુમતે ઠરાવ્યું :
      •અખીલ ગુજરાત જોડણી પરીષદનો ઠરાવ•
      ગુજરાતીમાં ‘ઈ–ઉ’ની જોડણીના પ્રવર્તમાન નીયમો અતાર્કીક અને ઘણી વીસંગતતાઓથી ભરેલા છે, તેમ જ ગુજરાતી ભાષામાં ‘ઈ–ઉ’નું હ્રસ્વત્વ–દીર્ઘત્વ અર્થભેદક ન હોઈને એ અવાસ્તવીક પણ છે. તેથી હવે પછી તે નીયમો છોડી દેવા અને લેખનમાં સર્વત્ર એક ‘ઈ’ અને ‘ઉ’ યોજવા. ‘ઇ’ માટે દીર્ઘ ઈ ( ી )નું અને ‘ઊ’ માટે હ્રસ્વ ઉ ( ુ )નું ચીહ્ન રાખવું.
      (ઉંઝા: તા. 9-10 જાન્યુઆરી, 1999)

      હવે તે પછી શું થયું તેની વાત. ત્યાં જ પ્રતીજ્ઞા–પત્રો ભરાયાં કે હું એક ‘ઈ–ઉ’માં જ લખીશ. તે દીવસથી આજદીન સુધીમાં, એક દૈનીક અને વીસેક જેટલાં સામયીક એક ‘ઈ–ઉ’માં પ્રકાશીત થાય છે.. લ્પ જેટલા સર્જકોનાં ૧૭૮ જેટલાં પુસ્તકો ‘ઉંઝાજોડણી’માં પ્રકાશીત થયાં છે. કમસકમ બેએક ડઝન જેટલાં બ્લોગ અને વેબસાઈટ્સ એક ‘ઈ–ઉ’માં ચાલે છે. સેંકડો પરીસમ્વાદો થયા છે. શાળા–કૉલેજોના વીદ્યાર્થીઓને અને શીક્ષકો–આચાર્યોને આ સુધારાથી વાકેફ કરાવાયા છે.. ચાળીસેક જેટલી પુસ્તીકાઓ અમે સ્વખર્ચે પ્રકાશીત કરી છે અને સૌ ભાષારસીકોને તે મફત ઘરબેઠે પહોંચાડી છે. સ્વ. જયંત કોઠારી લીખીત અને મહેન્દ્ર મેઘાણી સંક્ષેપીત ‘જોડણી–વ્યવસ્થામાં પરીવર્તન માટે લોકમતની કેળવણી’ પુસ્તીકાની વીસેક હજાર જેટલી પુસ્તીકાઓ છુટ્ટે હાથે વહેંચી છે. હા, સંસ્થાકીય, સરકારનો અને કેટલાક વીદ્વાનોનો સાથ નથી મળ્યો અથવા ઓછો મળ્યો છે. છતાં હજી ભરસક પ્રયાસો તો ચાલુ જ છે..
      બસ, આજે આટલું સાવ ટુંકમાં.. વાંચવા મન થાય તો લખજો.. પુસ્તક મોકલીશ.. ઉત્તમ ગજ્જર..સુરત.. uttamgajjar@gmail.com

      Like

    1. હરેશ,
      ચર્ચાથી ધરાયા નથી, કદાચ સૌ પોતાના ઘા પંપાળે છે! ક્યાં વાગ્યું? હું આના પરથી એક કટાક્ષિકા લખી શકું છું, માત્ર એમાં આવે એવાં પાત્રો મોટાં માથાં છે અને એમની ઢિશુમ ઢિશુમની બીક લાગે છે. જો કે આ કટાક્ષિકાનું મેદાન આ બ્લૉગને ન બનાવાય, મારા બ્લૉગ પર આવવું પડે! સૌ હથિયાર (જોડા ચંપલ સહિત) ઘરે મૂકીને આવે તો થાય.
      પણ જવા દો, આપણે ગંભીર પ્રજા. માત્ર ફોટોગ્રાફર ‘સ્માઇલ’ કહે ત્યારે હસીએ!

      Like

      1. દિપકભાઈ,
        જો ઢિશૂમ ઢિશુમની બીક લાગતી હોય તો …
        તમારી કટાક્ષિકા માટે ‘ હાસ્ય દરબાર ‘ પર રજૂ કરવાની ગેરન્ટી આપું છું. અમે આ પંડિતાઈ ચર્ચામાંથી આનંદ નિપજાવવાના તમારા પ્રયત્નોને વધાવી લઈશું. તમારી હાસ્ય દરબાર પર પણ પધારતા રહેવાની ખેલદિલી અમે દિલથી માણી છે. બાકી કોઈ પંડિતો, સાક્ષરો અને કહેવાતા સાહિત્ય રસિકોને નિર્ભેળ હાસ્યમાં રસ નથી – એવો અનુભવ છે. આ ગોવિંદભાઈ થોડાક આપણા જેવા ખરા, તે કદીક ‘લાઈક’ કરી જાય છે !

        અમારા જેવા સાવ સામાન્ય માણસોને શોગિયા ડાચાં નહીં ; પણ હસવા/ હસાવવામાં રસ છે. પણ એટલું જોજો કે બન્ને પક્ષ બરાબર ઝપટાય. અને કશી કડવાશ ન ઊભી થાય.

        Like

      2. સુરેશભાઈ, તમે લખો છો કે “પણ એટલું જોજો કે બન્ને પક્ષ બરાબર ઝપટાય. અને કશી કડવાશ ન ઊભી થાય.”
        પણ બન્ને પક્ષ બરાબર ઝપટાયા અને કશી કડવાશ ઊભી ન થઈ એવું સર્ટીફિકેટ આપીશકો તે પહેલાં તો હું આઈસીયૂમાં હોઉં તો શું? અને માર ખાવી જ હોય તો તમારા હાસ્ય દરબારમાં કાં ખાઉં? ત્યાં તો બધા હસવાના અને એને જોક જ માનશે,ને હું તો ધીબાતો હોઈશ! એટલે મારી બારીમાં બેઠાં બેઠાં જ માર ખાવાનું પસંદ કરીશ

        Like

      3. નામ ‘માબા’ હો કે ‘હાદ’ હો…. તમારી શૈલી કોઈને કડવી લાગે તેવી નહીં જ હોય- એની ખાતરી છે. અને છતાંય તમને માર પડે – તો અમે મોં ફેરવી બાજુએ બેસી જઈએ, એવા ૧૪ આનાની ટિકીટવાળા થોડા છીએ? ભાષા સરળ કરવી અમનેય ગમે છે, તાળીઓ પાડીને બેસી નહીં રહીએ – સાથે બે ઠુંસા અમેય ખમી ખાશું.

        Like

  71. ઊંઝા જોડણી ????

    In future Will Hindi media approve this Jodani if Gujarati is written in Devanagari Lipi??

    Think,How Hindi/Gujarati Script converter will work if Unza Jodani is adopted??

    For Example….
    गिनीज़ बुक ऑफ वर्ल्ड रिकार्ड और चिकित्सकों की एक टीम की जांच में चंद्र बहादुर डांगी का कद 21.5 इंच मापा गया है.

    ગિનીજ઼ બુક ઑફ વર્લ્ડ રિકાર્ડ ઔર ચિકિત્સકોં કી એક ટીમ કી જાંચ મેં ચંદ્ર બહાદુર ડાંગી કા કદ 21.5 ઇંચ માપા ગયા હૈ.

    Sooner or later you have to follow Hindi Jodani method.

    Like

Leave a comment