ધર્મ : નવી દૃષ્ટીએ

–સ્વામી શ્રી. સચ્ચીદાનંદજી(દંતાલીવાળા)

          પ્રશ્ન : આપણાં શાસ્ત્રોમાં આત્માની શુદ્ધી, મનની શુદ્ધી, વીચારોની શુદ્ધી વગેરે પર બહુ ભાર મુકાયો છે. પરંતુ કોઈ શાસ્ત્રમાં એમ કેમ નથી લખ્યું કે અલ્યા, કપડાં ચોખ્ખાં પહેરો, ઘર ચોખ્ખાં રાખો, આંગણાં સ્વચ્છ રાખો, શેરીમાં ગંદકી ના કરો, જ્યાં ત્યાં ઉકરડા ના કરો , ગમે ત્યાં ના થુંકો. ઝાડો–પેશાબ વગેરે કરવાની કોઈ શાસ્ત્રોક્ત વીધીઓ કેમ નથી ?

     ઉત્તર : બહુ મહત્વનો અને મુદ્દાનો પ્રશ્ન પુછાયો છે. આપણે ત્યાં જેટલી વાર પવીત્ર શબ્દ વપરાયો છે તેટલો બીજે ભાગ્યે જ ક્યાંય વપરાયો હશે. છતાં પવીત્રતા અને અસ્વચ્છતા બન્ને સાથે સાથે આનંદથી ચાલતાં રહે છે; કારણ કે પવીત્રતા અને અસ્વચ્છતાને ગાઢ મૈત્રી થઈ ગઈ છે. પવીત્રમાં પવીત્ર મન્દીરમાં એટલી જ અસ્વચ્છતા જોવા મળશે. આટલાં અસ્વચ્છ ધર્મસ્થાનો બીજે ભાગ્યે જ જોવા મળશે.

     મંદીરો પવીત્ર છે, ભગવાન પવીત્ર છે; પણ પુજારીઓ અસ્વચ્છ જોવા મળશે. ખાસ કરીને ઉપરથી દુરથી પ્રસાદ ફેંકનારાનાં  વસ્ત્રો મેલાં અને કેટલીક વાર તો ગન્ધ મારતાં જોવા મળશે. સતત નહાતા રહેવાથી તથા પાણીમાં પગ પલળતા રહેવાથી પગમાં ચીરા પડી ગયેલા જોવા મળશે. જો કે આવું બધે નથી હોતું; પણ જે સૌથી વધુ આભડછેટ રાખનારા અને પોતાને સૌથી વધુ પવીત્ર માનનારા લોકો છે તેમની આવી સ્થીતી ઘણી જગ્યાએ જોવા મળશે.

     આમ થવામાં અનેક કારણોની સાથે વીપુલ સામગ્રીથી પુજા–અર્ચન કરવું એ પણ એક કારણ છે. બીજા ધર્મો કશી સામગ્રી વીના જ પ્રાર્થના વગેરે કરે છે, જ્યારે આપણે વીપુલ સામગ્રીથી પુજા–અર્ચન કરીએ છીએ, જેમાં અબીલ–ગુલાલ, કંકુ, ચન્દન, ચોખા, દુધ, ગોળ, ઘી, પુષ્પો,  દહીં  વગેરે ઘણી સામગ્રી વપરાય છે. આ બધી સામગ્રી ગમે ત્યાં વેરાય છે, જેથી અસ્વચ્છતા વધે છે. દુધ–દહીં વગેરે પદાર્થો ચઢાવવાથી પણ અસ્વચ્છતા વધે છે. અસ્વચ્છતા અને ઘોંઘાટનો મેળ જામે છે. આ બધાને કોણ રોકે ? કોણ અળખા થાય ?

     હું જ્યારે કેન્યા ગયો હતો ત્યારે ત્યાં નવી નવી ગાયો આવેલી, જે બહુ દુધ આપતી. આપણા ભાઈઓ સોમવારે કે બીજા દીવસોમાં પણ મહાદેવજી પર ખુબ દુધ ચઢાવતા, તેમાં પણ સોમવતી અમાવાસ્યા હોય તો તો પછી પુછવું જ શું ? બધું દુધ બહારના એક નીશ્ચીત સ્થાનમાં ભેગું થાય, સડે, કીડા પડે, દુર્ગંધ મારે, વીદેશીઓ ફોટા પાડે અને તેમના દેશોમાં જઈને બતાવે કે જ્યાં ગરીબ બાળકોને દુધ પીવા મળતું નથી ત્યાં ભગવાનના નામે કેટલો દુર્વ્યય થાય છે વગેરે..

     એ જ મન્દીરમાં હું પ્રવચન કરતો હતો. મારું હૃદય કકળી ઉઠ્યું. અળખા થઈને પણ મારે તો મારું કર્તવ્ય બજાવવું જ જોઈએ. પુરા દોઢ કલાક સુધી મેં પ્રવચન કર્યું અને લોકોને સમજાવ્યું કે તમે ભગવાનને દુધ જરુર ધરાવો; બગાડો નહીં. બદામ–પીસ્તા–કેસર વગેરે નાખીને મણ બે મણ દુધ એક પાત્રમાં પ્રસાદ તરીકે આગળ ધરો અને પછી એ દુધ અનાથાશ્રમમાં મોકલી આપો. અનાથ બાળકોને પીવડાવો. ધર્મનો જયજયકાર થઈ જશે. અહીંના કાળાં બાળકો કહેશે કે વાહ, હીંદુ ધર્મ કેટલો સારો છે ! આપણને દુધ પીવડાવે છે, વગેરે વગેરે..

     મારી વાત ઘણાને ગમી, કેટલાકને ના ગમી; પણ શરુઆત આવી જ હોય. હમણાં જ મારા એક પરીચીત પટેલે પોતાની ભેંસનું દસ લીટર દુધ શીવજીને ધરાવી, બાલમંદીરનાં બાળકોને પીવડાવી દીધું. આ ધર્મક્રાન્તી છે. જો બધા જ આવો ઉપદેશ આપે તો ઘણો સુધારો થાય અને ઘણી અસ્વચ્છતા ઓછી થાય.

      આપણે ત્યાં પ્રાચીન કાળમાં ૠષીઓ સંધ્યા કરતા હતા. કદાચ ત્યારે મન્દીરો ન હતાં. સંધ્યામાં ખાસ કોઈ સામગ્રી જોઈતી નહીં. દર્ભાસન પર બેસીને બહુ જ સાદાઈથી સંધ્યા–પુજા થતી. પછી મહાત્મા ગાંધીજી પણ કશી જ સામગ્રી વીના પ્રાર્થના કરતા. તે એટલે સુધી કે દીપ તથા અગરબત્તી પણ નહીં વાપરતા; છતાં એમની પ્રાર્થનામાં મહાન શક્તી પ્રગટતી.

      સાચી વાત કરીએ તો આપણે મન્દીરોને કમર્શીયલ બનાવી દીધાં છે. એટલે બધા ભાવો પણ લખેલા હોય છે. ‘આ કરાવો તો આટલા પૈસા અને આ કરાવો તો આટલા પૈસા.’ ભેટની રકમ પ્રમાણે પ્રસાદ અપાય છે. આ બધું વ્યાપારીકરણ નહીં તો બીજું શું ? ભલે પૈસા લો; પણ મન્દીરોમાં સ્વચ્છતા તો રાખો ! પણ મોટે ભાગે આવું થતું નથી. પરદેશથી આવેલાં આપણાં ભાઈઓ–અહીંના પણ શીક્ષીત ભાઈઓને આવી અસ્વચ્છતાથી ભારોભાર ગ્લાની થાય છે. વ્યાપારી વૃત્તીથી તો ઘણા નાસ્તીક જેવા થઈ જાય છે. બીજીવાર જવાની ભાવના જ મરી જાય છે. જરુર છે સામગ્રી વીનાની ઉપાસનાની, જેથી મન્દીરો સ્વચ્છ રહે, લોકોની શ્રદ્ધા બની રહે અને વારમ્વાર જવાનું મન થાય.

     સામાન્ય જીવનમાં પણ આવી જ દશા દેખાય છે. પરદેશમાં આપણે સ્વચ્છતા, શીસ્ત, પ્રામાણીકતા, સમયપાલન વગેરે જોઈએ અને તેમનાં વખાણ કરીએ એટલે ઘણાને ના ગમે. ઘણા મને કહે : ‘તમે પરદેશનાં વખાણ બહુ કરો છો.’  હું કહું કે જે સાચું હોય અને પ્રેરણાદાયી હોય તે તો લખવું જ જોઈએ ! સ્વચ્છતા, શીસ્ત, પ્રામાણીકતા, સમયપાલન વગેરે ગુણો આપણામાં હોય તો હું આપણાં પણ વખાણ કરું. જરુર કરું; પણ બતાવોને !

     મેં આફ્રીકામાં પણ કોઈને ખુલ્લામાં કુદરતી હાજતે જતાં જોયો નથી. તેના કુબાની બાજુમાં જ ઘાસનું બનાવેલું સંડાસ જરુર હોય. ભલે પ્રજાનો રંગ કાળો છે; પણ તે ખુલ્લામાં એકી–બેકી બેસતાં નથી.

     એક વાર હું મુંબઈથી અમદાવાદ આવું. સાથે શ્રી. યશવંત શુક્લ અને એક અમેરીકન ભાઈ હતા. સવારનો પહોર અને રેલના પાટા ઉપર જ કેટલાય પુરુષો કુદરતી હાજતે બેઠેલા. પેલા અમેરીકન ભાઈએ મને પુછ્યું, ‘આ બધા અહીં લાઈનસર કેમ બેઠા છે ?’ હું ગુંચવાયો કે આ પરદેશીને હવે શું કહેવું ? ત્યાં તો યશવંતભાઈ મારી મદદે આવ્યા. તેમણે ઠાવકું મોઢું રાખીને કહ્યું, ‘આ બધા સવારની પ્રાર્થના કરવા બેઠા છે.’ હું મનમાં ને મનમાં હસી પડ્યો. મને ખબર છે કે આ જુઠાણું બહુ લાંબું ચાલવાનું નથી. મેં એક ઝુંબેશ ચલાવી કે હવે મન્દીરો બાંધવા બંધ કરો; સંડાસો બાંધો. મને આનન્દ છે કે આ વાત આપણા મોરારીબાપુએ પણ ઉપાડી છે. આ ધર્મક્રાન્તી છે.

     પરદેશની સ્વચ્છતાનું મુખ્ય કારણ તેઓ કચરો પાડતા જ નથી. સીગરેટ પીએ કે ચોકલેટ ખાય; કાગળ, કાં તો ગારબેજમાં નાખે કે પછી પોતાના ગજવામાં મુકી દે. રોડ ઉપર નાખે જ નહીં; તે એટલે સુધી કે કોઈ સ્ત્રી (આ મેં નજરે જોયેલું છે) પોતાનું કુતરું લઈને ફરવા નીકળી હોય અને એ કુતરું હાજત કરે તો તરત જ પેલી બાઈ પ્લાસ્ટીકની થેલીમાં તેનો મળ ઝીલી લે અને પછી ગારબેજ આવે ત્યાં નાખી દે. રસ્તામાં ના રહેવા દે. આવી ટેવો છેક બચપણથી જ તેમને સંસ્કારના રુપમાં અપાય છે. એટલે કચરો પાડતા જ નથી, સ્વચ્છતા આપોઆપ રહે છે. જ્યારે આપણે બધું જ રોડ ઉપર જ્યાં–ત્યાં–ગમે ત્યાં, ગમે તેમ ફેંકી દઈએ છીએ. એટલે વાળેલો રોડ હોય તો પણ થોડી જ વારમાં કચરો કચરો થઈ જાય છે.

     આપણે આધ્યાત્મીક પ્રજા છીએ (ભૌતીક નથી) એવો ઢંઢેરો ગુરુલોકો વારમ્વાર પીટ્યે રાખે છે અને પ્રજા એક કાલ્પનીક કેફમાં રાચતી રહે છે. એટલે ગુરુલોકો આત્માનો સાક્ષાત્કાર, ઈશ્વરનો સાક્ષાત્કાર, કુંડલી જગાડવી, વીશ્વશાન્તી માટે યજ્ઞો કરવા, ૧૦૮ સપ્તાહ–પારાયણો કરીને પરલોક કેવી રીતે સુધરે તેની વાતો કરવી કે કૃષ્ણવીરહમાં ગોપીઓ કેવી રડતી હતી તે બધું સમજાવે, તેવી વાતો કરે. પણ જીવન કેવી રીતે જીવવું, સ્વચ્છતા–શીસ્ત–સમયપાલન વગેરે કેમ જાળવવાં તે ખાસ કોઈ શીખવાડતું નથી. આ બધા સામાન્ય, હલકા, તુચ્છ વીષયો છે તેમ સમજીને તેની ઉપેક્ષા થતી રહે છે. ધર્મગુરુજનોએ પુરો અભીગમ બદલવાની જરુર છે. સ્વચ્છતા અને શીસ્તને સર્વોચ્ચ પ્રાથમીકતા અપાવી જોઈએ. સમયપાલન પણ પોતાના દ્વારા જ સીદ્ધ કરી બતાવવું જોઈએ.

     પ્રજાનું આ પ્રાથમીક ઘડતર છે. જો આ પ્રાથમીક ઘડતર જ નહીં કરાય અને કુંડલી જગાડવાની કાલ્પનીક વાતો જ કરવામાં આવશે તો ગામેગામ ધારાવી જેવી જ દશા થઈ જશે. જો કે થઈ જ ગઈ છે. કલ્પનામાંથી બહાર નીકળીને આપણે વાસ્તવીકતાને સમજીએ અને સ્વીકારીએ, જેથી આપણે મહાન થઈએ, દેશ મહાન બને અને ધર્મ પણ  ઉજ્જવળ બને

– સ્વામી શ્રી. સચ્ચીદાનંદજી (દંતાલીવાળા)

     (તા.૨૪ ડીસેમ્બર ૨૦૦૬ના ‘ગુજરાત સમાચાર’ દૈનીકની ‘રવીવારીય પુર્તી’માંથી સાભાર… છેલ્લાં કેટલાંક સપ્તાહોથી એક એક પ્રશ્ન લઈને તે ઉપર સ્વામીજી પોતાના વીચારો વીશદ રીતે આલેખે છે.. તેવો આ એક પ્રશ્ન અને તેનો સ્વામીજીનો ઉત્તર…ઉત્તમ ગજ્જર)

‘સન્ડે ઈમહેફીલ’ –– વર્ષ : બે ––  અંક : ૮૬ ––  જાન્યુઆરી ૨૮, ૨૦૦૭

સન્ડે ઈમહેફીલ’ માટે ‘ઉંઝા જોડણી’માં  અક્ષરાંકન: uttamgajjar@gmail.com

‘સન્ડે ઈ–મહેફીલ’ સૌજન્યથી સાભાર..ગોવીન્દ મારુ..

લેખક સમ્પર્ક:

સ્વામી શ્રી.સચ્ચીદાનંદજી (દંતાલીવાળા), ભક્તી નીકેતન આશ્રમ, પેટલાદ – 388 450 ફોન: (02697) 252 480

સુજ્ઞ વાચકો જોઈ શક્યા હશે કે, મારા બ્લોગના હોમ–પેઈજ પર મથાળે આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ, વર્ષવાર ગોઠવીને મુકી છે. જેથી, આ ‘રૅશનલ–વાચનયાત્રા’ માં મોડેથી જોડાયેલા જીજ્ઞાસુ વાચકો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે મીત્રોને મોકલવા માટે, ત્યાંથી જ મનગમતી પીડીએફ ડાઉનલોડ કરી શકે.

દર સપ્તાહે મુકાતા ‘રૅશનલ વીચારો માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ:  https://govindmaru.wordpress.com

પુન:અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારીસેલફોન: 99740 62600 –મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 24–05–2012

@@@@@@@@@

19 Comments

  1. લખાણની જોડણીમાં અશુદ્ધતા જોવા મળી. આમાં પણ શુદ્ધતા જાળવીએ તો ભાષાનો ધર્મ પણ જળવાઈ રહે

    Like

    1. ‘અભીવ્યક્તી’ના આમુખમાં જણાવ્યા મુજબ રૅશનલ વાચનયાત્રા એક જ ‘ઈ’ અને ‘ઉ’માં છે..

      Like

  2. ભાઈ શ્રી નટવરલાલ:

    જે ગોવિંદભાઈ તરફથી બ્લોગ ચલાવવામાં આવે છે, તેનું લખાણ ઊંઝા જોડણીમાં છે. આ એક લખવાની નવી પધ્ધતિ છે. મૂખ્ય કારણ એજ કે જેને વ્યાકરણનું પૂરેપૂરું જ્ઞાન ન હોય તે સહેલાયથી લખી શકે છે. જે વ્યક્તિ વ્યાકરણનું પૂરેપૂરું જ્ઞાન હોવાનો દાવો કરે તે પણ ભૂલ તો કરેજ છે.

    સ્વામી સચ્ચિદાનંદનો જે લેખ છાપવામાં આવ્યો છે તેની જોડણી ગુજરાત સમાચારમાં વ્યાકરણ પ્રમાણે હશે એવું મારું માનવું છે. સ્વામીજીના દરેક પુસ્તકો છપાવા પહેલાં જોડણી વિગેરે ચકાસી જોવામાં આવે છે અને પછી તે “ગૂર્જર સાહિત્ય ભવન” અમદાવાદવાળા છાપે છે, છતાં એમાં વ્યાકરણની દ્રષ્ટિએ ભૂલો થતી હોય છે.

    Like

  3. It is a good article & the author is truthful. I full y agree with his views. We can learn & improve our life. Drop all old beliefs and start implementing goo ideas and see result.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Like

  4. પ્રજાનું આ પ્રાથમીક ઘડતર છે. જો આ પ્રાથમીક ઘડતર જ નહીં કરાય અને કુંડલી જગાડવાની કાલ્પનીક વાતો જ કરવામાં આવશે તો ગામેગામ ધારાવી જેવી જ દશા થઈ જશે. જો કે થઈ જ ગઈ છે. કલ્પનામાંથી બહાર નીકળીને આપણે વાસ્તવીકતાને સમજીએ અને સ્વીકારીએ, જેથી આપણે મહાન થઈએ, દેશ મહાન બને અને ધર્મ પણ ઉજ્જવળ બને

    – સ્વામી શ્રી. સચ્ચીદાનંદજી (દંતાલીવાળા)
    Nice Post, Govindbhai !
    Swami Sachchianandji is spreading the “Message of Change” in all his lectures/teachings….I salute him !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Inviting ALL to Chandrapukar !

    Like

  5. વર્ષોથી અહીં વેલીંગ્ટનમાં દર શનીવારે સવારે રેડીયો પર એક કલાકનો ભજનનો પ્રોગ્રામ હોય છે. એમાં સ્વામીજીના પ્રવચનમાંથી બેત્રણ મીનીટ જેટલો થોડો ભાગ આપવામાં આવે છે, જે હું લગભગ નીયમીત સાંભળું છું.
    આ પોસ્ટ મુકી તે મને ગમ્યું. હાર્દીક આભાર અને ધન્યવાદ ગોવીંદભાઈ.

    Like

  6. swamijini kutarani hajat ni vat, me pan mari london visit wakhte najre joi chhe ane ahi bdhane,aa vat karuchhu.traficsense visepan kahuchhu ane aabadhu apna deshma thai avu,jowani tamnache. hu swamijino vachakchhoo

    Like

    1. સ્વામીજીનું પુસ્તક ‘મારા અનુભવો’ લખાયું ત્યારે તેમણે પશ્ચીમનો પ્રવાસ કર્યો નહોતો. તેમની વીચારવાની રીત મૌલીક છે. હું અનીશ્વરવાદી હોવા છતાં તેમના આશ્રમમાં ચાર દીવસ રહ્યો છું અને ઘણી ચર્ચા કરી છે. મારા એક પ્રશ્નના જવાબમાં કહ્યું, “જયારે ધર્મ અને વીજ્ઞાન વચ્ચે તફાવત હોય ત્યારે વીજ્ઞાનની વાત માનવી”.
      વીક્રમ દલાલ (અમદાવાદ)

      Like

  7. સ્વામીજી ની વાતો માં સ્વચ્છતા, શિસ્ત, સમયપાલન અને તેને અનુલક્ષીને સંસ્કાર અને તે માંથી નીપજતી ટેવ એ જીવવા જેવા ધર્મો છે..
    કોઈ ને બતાવવા નહિ પણ “તેના વગર જીવીજ ના શકાય” તે વો અભિગમ આત્મસંતોષ અને ઉન્નત જીવન પ્રદાન કરે છે તેવો મારો અનુભવ છે..
    આ સરળ મંત્રો स्वांत-सुखाय જીવવા અને બીજાને તેવું જીવન જીવવા પ્રેરવા ને માટે અનુરોધ છે..

    અસ્તુ,

    શૈલેષ મહેતા

    Like

  8. સાચી વાત કરીએ તો આપણે મન્દીરોને કમર્શીયલ બનાવી દીધાં છે. એટલે બધા ભાવો પણ લખેલા હોય છે. ‘આ કરાવો તો આટલા પૈસા અને આ કરાવો તો આટલા પૈસા.’ ભેટની રકમ પ્રમાણે પ્રસાદ અપાય છે. આ બધું વ્યાપારીકરણ નહીં તો બીજું શું ? ભલે પૈસા લો; પણ મન્દીરોમાં સ્વચ્છતા તો રાખો ! પણ મોટે ભાગે આવું થતું નથી. પરદેશથી આવેલાં આપણાં ભાઈઓ–અહીંના પણ શીક્ષીત ભાઈઓને આવી અસ્વચ્છતાથી ભારોભાર ગ્લાની થાય છે. વ્યાપારી વૃત્તીથી તો ઘણા નાસ્તીક જેવા થઈ જાય છે………………………….

    ………this may lead people towards rationalism !!

    Priests get paid but rationalists??

    http://daytontemple.com/index.php?page=services

    http://www.kytemple.org/Forms/PoojaDetails.aspx

    http://www.hindutemplestlouis.org/Temple/Poojas/PrivatePoojas.aspx

    do you see any spiritual articles on these above websites?

    Like

    1. માટે જ મેં મંદિર માં રૂપિયા પૈસા કે ભેટ આપવાનું બંધ કર્યું છે..
      તેને બદલે આપણી આસ પાસ જે ને જરૂર હોય તેને યોગ્ય તપાસ કરીને
      પૈસા નહિ પણ ખુટતી સામગ્રી પહોંચાહ્ડવી જેના થી તેમની મહેનત ના અન્વયે તેમ ની જરૂરીયાત પોષાય ..
      સ્વચ્છતા અને shist ને સ્વ આચરણ દ્વારા પ્રોત્સાહિત / પ્રચલિત કરવા .. તે મેન્દીરે આંટા marya કરતા અને ભેટ સોગાદો ના ચડવા કાર્ય કરતા
      વિશેષ સમાજ ઉપયોગી સાબિત થાય તેવું મારું દ્રઢ અને સ્પષ્ટ માનવું છે..
      અસ્તુ
      શૈલેષ મહેતા

      Like

  9. It’s a very good article & the author is truthful. I full y agree with his views. We can learn & improve our life and pass this article among our friend circle and relatives.
    Urmila & Jitendra Gandhi, Mississauga, Canada.

    Like

  10. સ્વામીજી, એક ક્રાંતિકારી વિચારધારા ધરાવતા એકમાત્ર ગુજરાતી સંત છે. તેમના પુસ્તકો અને તેમના વ્યાખ્યાનો તે બાબત ની પુષ્ટિ કરે છે.

    તેઓ ધર્મક્રાંન્તિના પ્રણેતા છે. તે એકમાત્ર એવા સંત છે કે જે ખુલ્લેઆમ ધર્મ ના બાહ્યાંદ્મ્બરો ને માનતા નથી અને ખુલ્લા પાડે છે. તેથી જ તે મારા પ્રેરણાદાયી છે.
    તેમની દરેક વાત આધુનિકતા ના સમન્વય સાથે ધર્મની નીતિ સાથે, શિસ્ત, સંસ્કાર અને સમાજ ના ઉત્થાન માટે ની હોય છે.

    Like

  11. Swami Sachchidanand and Murari Bapu continue to Preach Changes in our Temples and and our Day-to-day Life. Still People who are Believers in The Traditions do Not want to CHANGE. My thinking is that People who Administer Religious Temples and Children’s Classes have to Lead in these matters.
    There are so many things related to Waste, Cleanliness and Discipline, exists in Foreign Countries as well. Higher Education does not Change the behavior. Money also does Not Help in the Change. Education of- ‘How to Live Day-to-Day Life’ , is Necessary. Normally, this is also NOT taught in Schools. Parents by setting up Good Examples themselves can Do a Lot in this. Both Parents have been Working in America as they want to Live in `Higher Standards’. They have No time to Maintain their House-Hold also. They depend on Machines to help them. Hired Labour is doing what they are told to do.

    The `Outward Show’ has become a Normal Mentality. There is No atrtempt to Change Wrong Habits. Some Try to keep their Homes Clean. But when they go to Temples or to Parties at Friends’ Places, or Celebrations at Outside Rented Halls, they behave Differently and Carelessly. `Not to Go on Time’ has become a Tradition. When they go to American Friends for Parties, etc. They reach on Time and Behave Differently. So there is a Duality of `Teeth to SHOW and Teeth to Chew’. This is so because they are `Self-Centered’. There is NO Community Sense in their Behavior. This is Not Ignorance, This is a `Mental Make Up’ which Needs a Basic Change in ATTITUDE.

    ‘CLEANLINESS is Next to GODLINESS’. We have to Act Uniformally at HOME and Elsewhere -Outside. RELIGION is A Way `How to Live” and `Help The NEEDY’. IDOLS in the Temple Don’t Speak or Teach. People who Lead and/or Manage Need to `Learn and Teach’, Both. We have to Change Our Gurus First. They have to Learn about the Civic Sense Themselves. They have to Learn to Make a Living by themselves. Being a GURU is Not a Profession, it is a Service. That is Religion. Shastras and Stotras can BE LEARNT through Technology and Science, these days. What we have to Do “That is which is Not Taught at Home and in Schools/Colleges”.

    Let us SET AN EXAMPLE. “JAI AHINSA”.

    Fakirchand J. Dalal
    9001 Good Luck Road,
    Lanham, Maryland 20706.
    U.S.A..

    Like

  12. સ્વામી શ્રી સચ્ચિદાનાન્દજીનું સાહિત્ય એટલેકે પ્રવચનની ટેપ, ઓડીઓ બુક, અને બીજી અન્ય માહિતી વિના મૂલ્યે સાંભળી શકાય કે ડાઉન લોડ કરી શકાય છે.

    http://www.sachchidanandji.org

    આ જાહેરાત નથી. જાહેરાતમાં પૈસા બનાવવાનો સ્વાર્થ હોય પરંતુ આ ધર્મના નામે ભટકાઈગયેલી, ગુમરાહ થઇ ગયેલી પ્રજાને સાચે માર્ગે દોરવાનો એક પ્રયત્ન છે. સ્વામીજી ચેલા-ચેલી બનાવતા નથી, દિક્ષા-મંત્ર આપતા નથી, કોઈપણ જાતનું ઉઘરાણું કરતા નથી કે મંદિરો બનાવતા નથી. માનવતાથી શરૂ થતા આપણાં સનાતન ધર્મના પ્રસંશક છે. એક હાથે દાનના પૈસા આવે તો બીજા હાથે માનવ-કલ્યાણની જાહેર સંસ્થાને પ્રવચન પછી સગવડતા પ્રમાણે સામેથી દાનમાં પૈસા આપી દે છે. સ્વામીજીનો કોઈ સંપ્રદાય નથી અને પરંપરાગત ગાદીનો રિવાજ નથી. સ્વામીજીના ત્રણ વૃદ્ધાશ્રમો દંતાલી, કોબા અને ઊંઝા મુકામે ચાલે છે, જ્યાં રહેવાની સગવડ ગુમાવી બેઠેલા, તરછોડાયેલા વૃદ્ધોને બહુ મામુલી રકમે અથવા કોઈ સંજોગોમાં વિના મૂલ્યે આશરો આપવામાં આવે છે.

    વધુ માહિતી માટે ફોન કરવા વિનંતી છે.

    ભીખુભાઈ મિસ્ત્રી.
    Houston, Texas, USA
    Phone: 281 879 0545

    Like

  13. મેં એક ઝુંબેશ ચલાવી કે હવે મન્દીરો બાંધવા બંધ કરો; સંડાસો બાંધો. મને આનન્દ છે કે આ વાત આપણા મોરારીબાપુએ પણ ઉપાડી છે. આ ધર્મક્રાન્તી છે………….
    Bill Gates to reinvent the toilet……………
    http://thoughtfulindia.com/2012/05/bill-gates-to-reinvent-the-toilet/

    Like

Leave a comment