જમનાદાસ કોટેચા (સ્વ.?)

(રૅશનાલીસ્ટ જમનાદાસ કોટેચાને શ્રદ્ધાંજલી)

જમનાદાસ કોટેચા (સ્વ.?)

–પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’

‘હારતોરા અને સન્માનો એ બધું તો હાલે ભુલાઈ જવાનું. પરન્તુ આવતી પેઢીને કંઈક જીવનોપયોગી આપી જવાના આનંદનો વૈભવ આજે હું માણી રહ્યો છું. આપના પરીવારના – સભ્યોને તથા વંશવારસોને અન્ધશ્રદ્ધામાંથી મુક્ત થવાનો બોધ મળે, તો મારું આ પુસ્તક અને આ કાર્ય સાર્થક નીવડશે… ‘જમનાદાસ કોટેચા અને વીવેકબુદ્ધીવાદ’ – એ પુસ્તકની દસ હજાર નકલો સમાજને ચરણે ધરવાનો મેં દૃઢ સંકલ્પ કર્યો છે અને એ સંકલ્પમાં સૌએ મને પ્રોત્સાહન આપીને મારી આ જનકલ્યાણની પ્રવૃત્તીને સાર્થકતા બક્ષી છે.’

–જમનાદાસ કોટેચા

{‘રેશનાલીઝમની રફતાર’ (૨૦૧૧) પુસ્તકના પ્રાસ્તાવીક એવા અંતરના ઉદ્ગારમાંથી સાભાર..}

આપણા એક પ્રખર તથા અવીરામ એવા રૅશનાલીસ્ટ અગ્રણી શ્રી. જમનાદાસ કોટેચાનું તાજેતરમાં દુ:ખદ અને અણધાર્યું અવસાન થયું છે, એથી ગુજરાત રૅશનાલીઝમના આંદોલનને એક ન પુરાય તેવી ખોટ પડી જ. સામાન્યત: તો આવા શબ્દ કોઈપણ જાણીતી વ્યક્તીના અવસાન પ્રસંગે કાં તો ઔપચારીકતાના અભાવે અથવા તો સાચી વેદનાપુર્વક ઉદ્ગારવામાં આવે છે. પરન્તુ શ્રી. જમનાદાસના સંદર્ભમાં તો આ દુખોદ્ગાર સો ટકા સત્ય છે; જેનું કારણ પણ સ્પષ્ટ તથા પ્રેક્ષણીય છે; જે આપણે ઉપરના અવતરણમાંથી પામી શકીએ છીએ. રેશનાલીઝમની બહુવીધ પ્રકારે સેવા કરનાર શ્રી. જમનાદાસની પ્રધાન પ્રવૃત્તી તો બે; જેમાંની એક અજોડ અને અદ્વીતીય એવી પ્રવૃત્તી કોઈએ કરી નથી અને સંભવત: કોઈ કરી શકે પણ નહીં, એથી જ આ શોકોદ્ગાર કેવળ ઓપચારીક ન રહેતાં સો ટકા સાર્થક બની રહે છે. તેઓ તનતોડ શ્રમ તથા નીષ્ઠાપુર્વક, ગાંઠના ખર્ચે પણ, ચમત્કાર, મન્ત્રતન્ત્ર, જ્યોતીષાદી ફરેબી પ્રવૃત્તીનો વીરોધ કરવા દોડી જતા, એ પ્રવૃત્તીય અતીમુલ્યવાન છે જ. પરન્તુ એ અજોડ નથી. અન્યો પણ એટલી જ ધગશથી આ કાર્ય બજાવે જ છે. જ્યારે શ્રી. જમનાદાસની બીજી પ્રવૃત્તી ખરેખર જ અજોડ છે, જે કોઈએ ભાગ્યે જ કરી છે અને કરવી, એ પણ એવી સરળ – સહજ ઘટના નથી જ. આ પ્રવૃત્તીનો અણસાર તેઓએ લગભગ તેઓની ખરી ઘડીએ પ્રગટાવેલા નીવેદનમાં આપ્યો જ છે; જે મેં ઉપર ટાંક્યો છે. મતલબ કે તેઓએ હજારો પુસ્તકો (શબ્દશ: હજારો) જાતમહેનતે છપાવીને, વીના મુલ્યે સમાજમાં, ખાસ કરીને જ્યાં વહેંચવામાં વધુમાં વધુ સાર્થકતા છે, ત્યાં વહેચ્યાં છે.

અને હજી તો એ ક્ષેત્રે એમની એક ‘આખરી’ ભવ્ય યોજના હતી – એ ઉપરના અવતરણમાં તેઓએ જાહેર કર્યું જ છે. પોતાની પંચોતેરમી જન્મજયન્તી નીમીત્તે શ્રી. કોટેચા પ્રસ્તુત પુસ્તકની દસ હજાર, ફરીથી કહું કે દસ હજાર નકલો વીનામુલ્યે સમાજને ચરણે ધરવાના હતા. અને એવી અભીનવ તથા અતીકીમતી રીતે જ પોતાના અમૃત – મહોત્સવ ઉજવવા કૃતસંકલ્પ હતા, એય ખરેખર ‘વીશીષ્ટ જમનાદાસીય યોજના’ જ કહેવાય. પણ સમાજના કમનસીબે આ યોજના અમલી બને તે પહેલાં જ તેઓને અને તેઓના અણનમ સુદીર્ઘ તથા સંનીષ્ઠ આયોજનને, મૃત્યુએ નાકામીયાબ બનાવી દીધું ! ગુજરાતને પડેલી આવી ઉંડી અને અદ્વીતીય ખોટ અન્ય કોઈ રીતે પુરાય એવું શક્ય છે ખરું ?

એક અન્ય પ્રશસ્ય હકીકત પણ અત્રે નોંધવા જેવી છે: શ્રી. જમનાદાસ કોઈ મોટા ધનીક ગૃહસ્થ તો હતા નહીં કે જેથી પુસ્તકો છપાવી છપાવીને મફતમાં વહેંચી શકે. વાસ્તવમાં, તેઓ સામાન્ય મધ્યમ વર્ગના જ ‘નબીરા’ હતા. એટલે પુસ્તક – વીતરણની આ અજોડ ઉદારતમ યોજના માટે તો આવા મોટા ખર્ચ માટે પણ અનેક ઉદાર ગૃહસ્થોનાં સહકાર – સહાય મેળવતાં જે તેઓને વળી સહેલાઈથી મળી પણ રહેતાં હતાં. એનું કારણ એ જ કે, શ્રી. જમનાદાસની પ્રામાણીકતા તથા નીષ્ઠામાં લોકોને પુરેપુરો વીશ્વાસ હતો અને એમની આવી ઉમદા સેવાપ્રવૃત્તી બદલ તેઓ માટે ઉંચો અને ઉંડો આદરભાવ પણ હતો. શ્રી. જમનાદાસનું અવસાન ૭૮ વર્ષની વયે થયું. તેઓનું પ્રથમ પુસ્તક ‘હીપ્નોટીઝમ કે છલના’ મને આશરે ૧૯૭૨–૭૫માં મળેલું. એનો સીધો અર્થ એ જ કે, તેઓ છેલ્લાં ચાલીસેક વર્ષથી તો રૅશનાલીઝમના પ્રચારની પ્રવૃત્તી એકધારી – અવીરામ ચલાવી રહ્યા હતા. બીજી એટલી જ મહત્ત્વની અને આશ્ચર્યવત્ જાણવા જેવી હકીકત વળી એ કે, તેઓ ફક્ત  ગુજરાતી પાંચસાત ચોપડી જ ભણેલા હતા ! મતલબ કે તેઓ કોઈ લબ્ધપ્રતીષ્ઠીત રૅશનાલીસ્ટ મહાનુભાવોના ગ્રંથો વાંચીને રૅશનાલીસ્ટ નહોતા બન્યા. પરન્તુ સ્વકીય ચીન્તન, નીરીક્ષણ, અનુભવ, ઉંડાણથી તાત્ત્વીક વીચારવાની વૃત્તી અને સત્યનીષ્ઠાને પરીણામે જ રૅશનાલીસ્ટ બન્યા હતા. વધુમાં ત્યારે વાતાવરણ પણ એવું જાગ્રત કે જામેલું નહોતું. અરે, તેઓ પોતે જ કબુલે છે તેમ, ‘રૅશનાલીઝમ’ શબ્દ પણ એ નહોતા જાણતા ! પ્રારમ્ભે તો, તેઓ પોતાનાં લખાણોને ‘કોવુરવાદી’ સાહીત્ય કહીને ઓળખાવતા ! બીજી એટલી જ મહત્ત્વની વાત એ કે ઓછું ભણેલા; છતાં તેઓ સુન્દર, સચોટ અને પ્રભાવક શૈલીમાં લખતા, અને તેઓએ વાર્તાઓ પણ લખી છે ! ટુંકમાં, સુદૃઢ આત્મપ્રતીતી એ જ તેઓની પ્રવૃત્તી પાછળનું પ્રેરક પરીબળ હતું. ધાર્મીક, વૈષ્ણવ કુટુમ્બમાં જન્મેલા શ્રી. જમનાદાસનો આ પણ એક ‘ચમત્કાર’ જ છે.

એવી જ શ્રી. જમનાદાસની મોટી કે મહાન વીશીષ્ટતા તે વળી તેઓની અડગ હીમ્મ્ત : તેઓને અમે ‘જોરાવરનગરના જોરાવર જવાંમર્દ’ કહીને બીરદાવતા. મેં એક સ્થળે તેમના વીશે લખ્યું છે કે, સીંહ પણ જો અસત્ય અને અન્યાયી આચરણ કરતો હોય તો આ જોરાવરીયા જણ સીધું જ પોતાનું મસ્તક તેની બોડમાં નાખી તેને પડકારે – જરાય ડર્યા વીના જ ! (‘તહોમતદાર સત્ય સાંઈબાબા’ની પ્રસ્તાવના) તેઓની અડગ નીષ્ઠા પણ અદ્વીતીય જ છે. એક દાખલો : એક વાર તેઓ સવારેસવારે મારે ત્યાં સુરત આવી ચઢ્યા. ત્યારે મારે ત્યાં બેઠેલ એક મીત્ર પાસેથી તેઓએ સાંભળ્યું કે, મધ્યપ્રદેશમાં કોઈ ‘ચમત્કારીક’ શખ્સ તલવારના ઘા મારીને રોગો મટાડે છે, અરે, કેન્સરની ગાંઠ સુધ્ધાં કાપી નાખે છે ! હજી તો શ્વાસ પણ માંડ હેઠો બેઠેલો ને ચા નાસ્તો પણ એમનો એમ જ પડ્યો અને જમનાદાસ સીધા મધ્યપ્રદેશ જવા, પેલા ફરેબીને પડકારવા બસ, ઉપડી જ ગયા ! કેવી લગન ! રૅશનાલીઝમ પ્રત્યેની કેવી અફર નીષ્ઠા ! આવો રૅશનાલીસ્ટ યોદ્ધો બીજે ક્યાંથી મળે ! – મળશે ખરો ?

આવા પ્રખર રૅશનાલીસ્ટ તથા આટઆટલી ભવ્ય પ્રવૃત્તીઓ કરનાર શ્રી. જમનાદાસ કોટેચા પાછા એકદમ સરળ, નીખાલસ અને વીનમ્ર પુરુષ હતા. પોતાનાં કાર્યો તથા સીદ્ધીઓનો તેઓને કોઈ ગર્વ નહોતો. પ્રેમાળ, લાગણી ભીના મીત્ર, કુટુમ્બવત્સલ પીતા–વડીલ અને પુરેપુરા માનવતાવાદી, પરદુ:ખે ઉપકાર કરવાની વૃત્તીમાં સદાય સજાગ. તેઓએ ખાસ્સાં ડઝનેક પુસ્તકો લખ્યાં છે, અને વર્ષો સુધી એક કરતાં વધુ રૅશનાલીઝમ – પ્રચારક અખબારી કટારો (કૉલમો) ચલાવી છે.

ભરતવાક્ય

‘…..દરેક હપ્તે અમે દુરદર્શન, મંડી હાઉસ (દીલ્હી)ને નોટીસ આપતા રહ્યા. સાત હપ્તા પછી ‘સત્યકથા’ વાળી પ્લેટ હટાવી દેવામાં આવી, જેને કારણે અમારી લડત વધુ મજબુત બની. અમે તે વખતના દુરદર્શનના ડાયરેક્ટર ભાસ્કર ઘોષ અને પ્રસારણ મંત્રી એચ. કે. એલ. ભગતને વકીલ મારફત છેતરપીંડી સબબ નોટીસ આપીને સુરેન્દ્રનગર કોર્ટમાં તેમને હાજર કરવાની તજવીજ કરી. ત્યાં જ તે વખતના વડાપ્રધાન રાજીવ ગાંધીએ અમારા મામલે દરમીયાનગીરી કરી અને વાતને ભુલી જવા અમને વીનન્તી કરી અમે એ વીનન્તી માન્ય રાખી…’

ભલભલા પ્રધાનો કે મહારથીઓ સામે સત્યને ખાતર લોકહીતાર્થે સફળતાપુર્વક બાથ ભીડવાની જમનાદાસની વીવેકબુદ્ધીવાદી હીમ્મતનો એક નમુનો: ‘રૅશનાલીઝમની રફતાર’ પૃષ્ઠ –૨૨૩)

–પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’

ગુજરાતમીત્ર’, દૈનીક, સુરતમાં વર્ષોથી પ્રગટ થતી એમની (શનીવાર, 20 ઓક્ટોબર, 2011ની)લોકપ્રીય કટારરમણભ્રમણમાંથી..લેખકના અનેગુજરાતમીત્રના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક: પ્રા. રમણ પાઠક, એ–4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કોમ્પલેક્ષ, બારડોલી – 394 641 ફોન(02622) 222 176 સેલફોન99258 62606

♦●♦●♦રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી’ બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન:ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર (નવસારી) પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 99740 62600 ઈ–મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય:ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ9112012

 ♦●♦●♦●♦●♦

10 Comments

 1. Jorawarnagarna Jorawar Jawamard Shri Jamnadas Kotechane…. mara lakh kakh vandan……….( JJJJK ).

  Amrut (Suman) Hazari.

  Like

 2. શ્રી જમનાદાસ કોટેચાએ તો આ દુનિયામાંથી પોતાનો માર્ગ કરી લીધો અને
  કંઈકના અંધ શ્રદ્ધાના પડળ પણ ખોલતા ગયા,પણ અંધશ્રધ્ધામાં રાચતા સમાજની ચામડી ગેંડા જેવી હોય છે,તેને જલ્દી અસર નથી થતી.
  તેમની રાહે ચાલવા વાળા સમાજનો વર્ગ હજુ ઘણો નાનો છે,પાણીની સરવાણીની જેમ સાધુ,સંતો,બાબાઓ અને કથાકારો જે રીતે ફૂટી નીકળે છે તેમ જમનાદાસ કોટેચા નથી પેદા થતા!
  તેમને આ લેખમાં રમણ ભાઈએ આપેલી અંજલી યથાવત છે.

  Like

 3. I was shocked and extremely grieved on reading about the heartbreading news of sad demise of Shri Jamnadas Kotecha. He was brave, bold, fearless and straightforward in the field of rationalism. His invaluable contribution in promoting rationalism shall always be remembered by us. It is a great loss to the Rationalists and Rationalism movement. My hearatfelt condolences to his bereaved family. SHRI JAMNADAS KOTECHA IS NOT PHYSICALLY PRESENT AMONG US BUT BY HIS ACTS AND DEEDS HE IS IMMORTAL.

  Like

 4. એક નવી સમજ સાથેના સમર્પિત વ્યક્તિત્ત્વને સાદર શ્રધ્ધાંજલિ.
  શ્રી ગોવિંદભાઈ..સામાજિક ચેતના જગવતું આપનું કાર્ય સાચા રાહે આગળ ધપે
  એ ભાવ સાથે નવલું વર્ષ આપને તથા પરિવારને સુખ સમૃધ્ધિ અર્પે એવી શુભેચ્છાઓ.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 5. == શ્રદ્ધાજંલી ==

  ગુજરાતી પાંચ સાત ચોપડી ભણેલા ૭૮ વરસના જમનાદાસ કોટેચા સ્વકીય ચીંતન, નીરીક્ષણ અને અનુભવથી રેશનાલીસ્ટ બન્યા હતા.

  ચાલીસેક વરસથી રેશનાલીઝમની પ્રચાર પ્રવૃત્તી ચલાવતા હતા અને જાત મહેનતે હજારો પુસ્તકો છપાવી, વીના મુલ્યે વહેચ્યા.

  Like

 6. ન પુરાય એવી ખોટ. કહેવાતી શ્રધ્ધા એ માત્ર આડંબર છે અને ભક્તિની કે પરંપરાની વાતો ભારતના લોકો માટે સમયનો વેડફાટ છે, આવો આપણે જમનાદાસને અનુસરીએ,

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s