સુખની શોધ

–મુરજી ગડા

     લાંબા સમયથી ચાલી આવતી કહેવત, ‘પહેલું સુખ તે જાતે નર્યા’ અવારનવાર વાંચવા મળે છે. નાનપણમાં આવાં દસ સુખની યાદી ક્યાંક વાંચી હતી. એમાંથી જે યાદ છે તે આ પ્રમાણે હતું.

     પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે કોઠીમાં જાર, ત્રીજું સુખ તે સુશીલ નાર, ચોથું સુખ તે કુળનો તારનાર….. ત્યાર પછી સાચો મીત્ર, સારા પાડોશી, ન્યાયી રાજા જેવું કંઈક હતું બરાબર યાદ નથી.

     આવી કહેવતો તત્કાલીન જનસમુદાયના અનુભવનો નીચોડ હોય છે. સુખની અગત્યનો એમનો ક્રમ પણ ત્યારની વાસ્તવીકતા પર આધારીત હોય છે. એનું મહત્ત્વ કોઈપણ શાસ્ત્રના ઉપદેશ કરતાં જરાપણ ઓછું નથી, બલકે વધારે હોઈ શકે છે. શાસ્ત્રોમાં ‘શું હોવું જોઈએ’ એ કહેવામાં આવે છે, જ્યારે આવી કહેવતો ‘જે હકીકત છે તે’ વર્ણવે છે. આદર્શ ભલે ‘ધ્યેય’ હોય; ‘વાસ્તવીકતા’નું પોતાનું આગવું મહત્ત્વ છે.

     બધાનું અંતીમ ધ્યેય સુખી થવાનું હોય છે. જો કે દરેકની સુખની વ્યાખ્યા તેમ જ સુખી થવા માટેની જરુરીયાતો જુદી હોઈ શકે છે. ઉમ્મર પ્રમાણે એમાં ફેરફાર પણ થાય છે. યુવાનીમાં આનન્દનો અભાવ એ દુ:ખ છે. વૃદ્ધાવસ્થામાં દુ:ખનો અભાવ આનન્દ બની જાય છે.

     સમય સાથે દરેક વાતની યથાર્થતા બદલાતી હોવા છતાં; આગલી કહેવતનો મોટો ભાગ આજે પણ એટલું જ વજુદ ધરાવે છે. સુખનાં પહેલાં ચાર ક્ષેત્રો આજના સંદર્ભમાં સારું સ્વાસ્થ્ય, પાયાની જરુરીયાતો પુરતી સમ્પત્તી, સમજદાર પતી કે પત્ની, વંશવેલો વગેરે વાજબી છે. એનો ક્રમ પણ મોટા ભાગના લોકો માટે સાચો છે.

ધ્યાન દોરવા યોગ્ય બાબત એ છે કે આ બધાં સુખની યાદી રોજબરોજની જીન્દગી સાથે વણાયેલી આ પૃથ્વી લોકની જરુરીયાતો છે. આત્મકલ્યાણ, સ્વર્ગ, મોક્ષ જેવી પરલોકની વાતોની ગેરહાજરી સ્પષ્ટપણે બતાવે છે કે  જનસામાન્ય માટે શું અગત્યનું હતું. એમને અહીં જીવી, અહીં જ સુખી થવામાં રસ હતો, જે આજે પણ છે.

અધ્યાત્મની વાતો કરતા અને એને લગતી પ્રવૃત્તી કરતા લોકો પણ જ્યારે પોતાના ધર્મગુરુને ખાનગીમાં મળે છે ત્યારે એમના વાર્તાલાપનો વીષય ‘આ–લોક’ની પ્રવૃત્તી અંગે હોય છે. એની ફળશ્રુતી (ધનલાભ) માટે તેઓ ગુરુના આશીર્વાદ મેળવવા ઈચ્છતા હોય છે. ગુરુજી એવા આશીર્વાદ આપે પણ છે. અહીં આવા બધાની આધ્યાત્મીક પોકળતા છતી થાય છે.

મુળ કહેવતમાં નહોતી છતાંયે સુખની યાદીમાં સમાવવા લાયક, દરેક સમયકાળમાં અગત્યની એવી બે બાબતો વીશે લખવું જરુરી લાગે છે. એક છે વ્યક્તીગત સ્વતન્ત્રતા અને બીજી છે મનગમતી પ્રવૃત્તી.

     જુની યાદીમાં સ્વતન્ત્રતાને સ્થાન નહોતું મળ્યું તે સમજી શકાય એમ છે. એ રાજાશાહીનો જમાનો હતો. ઉપરાન્ત, સમાજ અને ધર્મની પણ લોકો પર જોરદાર પકડ હતી. ગ્રામસમાજમાં રહેનાર માટે સ્વતન્ત્રતાની વાતો કરવી શક્ય નહોતી. આ વાત હડતાળો પાડવાની કે વાતવાતમાં વીરોધ કરવાની સ્વતન્ત્રતાની નથી. આ સ્વતન્ત્રતા છે વીચારોની તેમજ નૈતીક મર્યાદા ઉલ્લંઘ્યા વગર સ્વતન્ત્રપણે વર્તવાની.

પહેલાં જેમને વ્યક્તીગત સ્વતન્ત્રતા જોઈતી હતી તેઓ સંસાર છોડી, સાધુ બની જતા અથવા તો ડાકુ કે બહારવટીયા બનતા હતા. સ્વતંત્રતા માટે ચુકવવી પડતી આ ખુબ આકરી કીમ્મત હતી. હવે જ્યારે વ્યક્તી પરની સમજ અને ધર્મની પકડ ઢીલી પડી છે, રાજાશાહીને બદલે લોકશાહી આવી છે ત્યારે સ્વતન્ત્રતા ભોગવવી સહેલી થઈ છે. છતાં લોકોને વ્યક્તીગત સ્વતન્ત્રતાનું ખાસ મહત્ત્વ નથી હોતું. જેમને છે તે આ તક અને અધીકારની યોગ્ય કદર કરે છે. મોટાભાગના લોકોને બીજાના દોરવ્યા દોરાવાનું વધુ માફક આવે છે. ટોળામાં સમાવું વધુ ફાવે છે.

મનગમતી પ્રવૃત્તી કરવી પણ એક પ્રકારની સ્વતન્ત્રતા છે. બધાને પોતાના ધન્ધા–વ્યવસાયમાં ક્યારેક તો કંટાળો આવતો જ હોય છે. આ કંટાળો જ્યારે નીયમીત બને છે ત્યારે એમની પ્રવૃત્તી એક મજબુરી બને છે.

વર્ણ આધારીત સમાજવ્યવસ્થામાં બધાને બાપદાદાના વારસાગત ધન્ધા–વ્યવસાયમાં જોડાવું પડતું. એ જ ગામમાં અને સમાજમાં રહેવું પડતું. એમનું ભાવી જન્મ સાથે જ નક્કી થઈ જતું. ભાગ્ય, કર્મ વગેરેના ખ્યાલ આવી સમાજરચનાને લીધે આવે અને પાંગરે એ સ્વાભાવીક છે.

આજે શીક્ષણ અને ઉદ્યોગીકરણને લીધે વ્યવસાયના કેટલાયે નવાં ક્ષેત્રો ખુલ્યાં છે. લાયકાત કે આવડત હોય તો મનગમતા ક્ષેત્રમાં જઈ શકાય છે. હવે જન્મ સાથે વ્યવસાય નક્કી નથી થઈ જતો એટલે મનગમતી પ્રવૃત્તીની તક મળે છે. માણસ જ્યારે ગમતું કામ કરે છે ત્યારે એને કામનો ઉત્સાહ હોય છે. પરીણામે કામ વધુ સારું થાય છે અને થાક ઓછો લાગે છે. એનાથી સન્તોષ, સફળતા અને સાર્થકતા અનુભવાય છે.

આજની નવી સમાજવ્યવસ્થામાં નીવૃત્તીની વ્યાખ્યા બદલાઈ ગયેલ છે. નીવૃત્તી સાથે ફાજલ સમય અને સ્વતન્ત્રતા મળે છે. નીવૃત્ત ઉમ્મરે ઘણાનું સ્વાસ્થ્ય પણ સારું હોય છે. સ્ત્રીઓ માટે આ ખાસ લાગુ પડે છે. આવા સંજોગોમાં મનગમતી સકારાત્મક પ્રવૃત્તી માટે અવકાશ સાંપડે છે.

વર્તમાનમાં ઘણા લોકો સુખની યાદીમાં ખાવું–પીવું, પહેરવું–ઓઢવું, હરવું–ફરવું, પાર્ટી–મેળાવડા–ઉજવણી વગેરે આનન્દની પ્રવૃત્તીઓનું આગવું સ્થાન હોય છે. એમના માટે મોજમજામાં સુખ છે. તે સીવાય કોઈને ધનસંચયમાં તો કોઈને માહીતીસંચયમાં સુખ દેખાય છે. કોઈ સમ્બન્ધો વધારવામાં સુખ જુએ છે તો કોઈ પરનીંદામાં. બધા પોતપોતાની રીતે સુખની શોધમાં પડ્યા છે.

સુખની આટલી લાંબી યાદી તપાસ્યા પછી પણ મુળ સવાલ તો હજી ઉભો જ છે. બધાને લાગુ પડે એવું સુખ કોને કહેવાય ? શબ્દકોશમાં સુખના ઘણા અર્થ આપેલા છે: આનન્દ, ચેન, શાન્તી, આરામ, સન્તોષ, તૃપ્તી વગેરેમાંનો કોઈ અર્થ બન્ધ બેસતો નથી લાગતો. સન્તોષકારક નથી જણાતો.

માણસ બીમાર થાય, ધન્ધામાં ખોટ ગઈ હોય કે કોઈ સ્વજનને ગુમાવ્યું હોય ત્યારે જરુર દુ:ખ થાય છે. એને નીવારી નથી શકાતું; પણ એને કેટલું મહત્ત્વ આપવું તેની સમજ અવશ્ય કેળવી શકાય છે. આ પ્રકારનાં દુ:ખના અભાવને પણ સુખ ગણી શકાય. દુ:ખનો અભાવ એ સુખની શરુઆત ખરી; પણ એનો પડાવ નથી. દુ:ખના અભાવથી માણસ આપોઆપ સુખી નથી થઈ જતો. ખાવાનું મળે એટલે ભુખનું દુ:ખ જતું રહે, તૃપ્તી થાય; પણ એ સ્થીતી કાયમ ટકતી નથી.

‘સન્તોષી નર સદા સુખી’ની જુની ને જાણીતી કહેવત સન્તોષને સુખનો મુકામ ગણે છે. અસન્તોષ એ દુ:ખનું કારણ જરુર છે; પણ સન્તોષને સુખનો આખરી મુકામ ગણવું જોખમી છે. સન્તોષથી થોડા સમય માટે સુખ મળતું હોય તો પણ; સંતોષી નર ‘સદા’ સુખી ન ગણાય. આપણી જરુરીયાતો, દૃષ્ટીકોણ વગેરે સમય પ્રમાણે બદલાતાં રહે છે. સંસારની જવાબદારીવાળા માણસ માટે સન્તોષ પ્રગતીનો બાધક બને છે. એટલે સન્તોષને સુખનો છેલ્લો મુકામ ગણવાને બદલે સુખની યાદીમાં ક્યાંક સ્થાન આપી શકાય.

ધર્મના રખેવાળો પાસેથી ‘સાચા’ સુખ વીશેની ઘણી વાતો સાંભળી છે; પણ તે ગળે ઉતરતી નથી. બુદ્ધી એને સ્વીકારતી નથી. શાશ્વત સુખની વાતો મૃગજળ ભાસે છે, પલાયનવાદી જણાય છે.

સુખ અને દુ:ખ વચ્ચેની એક સ્થીતી છે અલીપ્તતા – ઈન્ડીફરન્સ. મોટા ભાગના લોકો માત્ર એક–બે ટકા સમય માટે ખુશ (સુખી) હોય છે. એનાથી થોડા વધુ સમય માટે નાખુશ (દુ:ખી) હોય છે. બાકીના મહદ્ સમય માટે અલીપ્ત હોય છે. અઘરી ગણાતી સ્થીતપ્રજ્ઞતા આ અનાયાસે મળતી અલીપ્તતાથી બહુ દુર નથી લાગતી.

સુખ જ્યાં પણ હોય, એના સુધી પહોંચવાનો એક માર્ગ છે સફળતા. આવી પડેલી જવાબદારીઓ ઉત્સાહથી નભાવવી એ સફળતાની સાદી–સીધી વ્યાખ્યા છે. પોતાના વ્યવસાયમાં નીપુણતા અને  પ્રામાણીકતા કેળવવી એ પણ સફળતા છે. કમનસીબે વ્યવહારમાં સફળતાનો માપદંડ પૈસો અને સત્તા મનાય છે. પૈસો ઘણા અભાવોને પુરો કરી શકે છે તેમ જ પૈસાનો અભાવ અન્ય સફળતાને ગૌણ પણ બનાવે છે. આ વાસ્તવીકતા સ્વીકારીએ તો પણ આવી સફળતા લાંબો સમય ન પણ ટકે.

સુખના મુકામ સુધી પહોંચવાનો સફળતા કરતાં વધારે સચોટ માર્ગ છે સાર્થકતા. સાર્થકતા કોને કહેવાય ?

ભારત જેવા અતી ધાર્મીક દેશમાં સાચા ખોટા બધા સાધુ મહાત્મા પોતપોતાની રીતે સમાજને સુખ, શાન્તી, સફળતા, સાર્થકતાનો કીમીયો બતાવતા આવ્યા છે. આ બધા પલાયનવાદી માર્ગો કરતાં આ લેખકને અંગ્રેજીમાં વાચેલું એક વીધાન વધારે વાજબી લાગે છે. ‘IS THE WORLD ANY BETTER PLACE BECAUSE OF YOU?’ – ‘તમારા લીધે દુનીયામાં કંઈ સુધાર આવ્યો છે ?’ જો જવાબ ‘હા’ હોય તો જીવન સાર્થક થયું કહેવાય. ભલે ને આખી જીન્દગીમાં ક્યારે પણ પુજાપાઠ, વ્રત, તપ, જાત્રાઓ વગેરે કંઈ કર્યું ન હોય !

સાર્થકતાની માત્રાને સુધારાની માત્રા સાથે સીધો સમ્બન્ધ છે. ‘જે વધારે સુધાર લાવે તે વધારે સાર્થક’ ગણાય. આ ધોરણે જોઈએ તો વૈજ્ઞાનીકો, સમાજસુધારકો, સર્જકો, સમાજસેવકો, કાયદો–વ્યવસ્થા જાળવનારા વગેરે બધા પોતાની રીતે સાર્થક થયા ગણાય. સમ્પત્તી અને સત્તા હાંસલ કરનારા સફળતાની સાથે આપોઆપ સાર્થક નથી થઈ જતા. એમની ‘સમ્પત્તી/સત્તાનો અન્ય માટે કરેલ સદુપયોગ’ એમને સાર્થક બનાવે છે.

એની બીજી બાજુએ પ્રામાણીકપણે પોતાની ફરજ બજાવનાર સફાઈ કામદાર કે માળી (બાગવાન)ને કોઈ સફળ ન ગણે; છતાં તેઓ પોતાની મર્યાદામાં સાર્થક ગણાય. એમને લીધે દુનીયાનો એક નાનકડો ભાગ સ્વચ્છ રહે છે, સુંદર બને છે.

આટલી લાંબી યાદી તપાસ્યા પછી એટલું કહી શકાય કે કોઈ એક બાબતમાં સુખ સમાયેલું નથી. સફળ થવાની સાથે મહત્તમ સાર્થક બનવાની કોશીશ કરશું તો સુખ આપોઆપ આપણને ગોતતું આવશે. એની પાછળ દોડવાની જરુર નહીં રહે. યાદી બનાવવાની પણ જરુર નહીં રહે.

–મુરજી ગડા

લેખક સમ્પર્ક: શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 ફોન: (0265) 23 11 548 સેલફોન: 97267 99009 ઈ.મેઈલ: mggada@gmail.com

કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મંદીર’ માસીકના 2012ના ફેબ્રુઆરી માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: Govind Maru, 405, Krishna (Evaz Apparel) Apartments, B Wing, Opp. Balaji Garden, Sector 12-A, KOPARKHAIRNE, Navi Mumbai – 400 7009 સેલફોન: 80975 50222 ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ15/02/2013

8

23 Comments

 1. શ્રી મુરજીભાઇ ગડાનો બહુ જ સમજવા જેવો પ્રેરક લેખ .

  શ્રી ગોવિંદભાઈને એમના બ્લોગ અભિવ્યક્તિ મારફતે

  આવા લેખો દ્વારા સમાજમાં જાગૃતિ લાવવા માટે અભિનંદન

  Like

 2. પ્રાણીમાત્રની બે ઈચ્છાઓ હોય છે.

  ૧. દુ:ખની નિવૃત્તિ
  ૨. આનંદની પ્રાપ્તિ

  રાજકુમાર સિદ્ધાર્થ મહેલોના વૈભવમાં ઉછર્યા હતા. સુખ, આનંદ, અનુકુળતાની તેમને કોઈ કમી નહોતી. એક વખત તેમણે રોગી જોયો, વૃદ્ધ જોયો અને મૃતદેહ જોયો. તેમનું માનસ ચિંતન કરવા લાગ્યું કે અરે આ સંસારમાં માત્ર સુખ નથી સાથે સાથે દુ:ખ પણ છે. દુ:ખની નિવૃત્તિ માટે તેઓ સુખ વૈભવ છોડીને એકાંતમાં ચાલ્યા ગયા. આકરી તપશ્ચર્યાઓ કરી. છેવટે મધ્યમ માર્ગ લાધ્યો અને દુ:ખની નિવૃત્તિના ઈચ્છુકોને તેઓ શાશ્વત સુખનો માર્ગ દેખાડવા લાગ્યાં.

  હાલમાં વિજ્ઞાને ઘણી સુવિધાઓ વિકસાવી છે. તેમ છતાં રોગ, ઘડપણ અને મૃત્યુને હજુ નાથી શક્યું નથી. તેમ છતાં માનવ જરુરીયાતોની સગવડ માટેના વિજ્ઞાનના પુરુષાર્થની કિંમત જરા પણ ઓછી ન આંકી શકાય. આવી સુવિધાઓના સમયે પ્રત્યેક વ્યક્તિ પોતાના સુખની સાથે સાથે સમાજના સુખ માટે અને સમસ્ત પર્યાવરણના હિત માટેય તેમનો ફાળો આપે તો તેમના જીવન સાર્થક ગણાય.

  જ્યાં સુધી ભૌતિક જગત છે અને જીવન છે ત્યાં સુધી ભૌતિક સગવડોની અને વ્યવસ્થાની આવશ્યકતા રહેશે. તેવી જ રીતે જ્યાં સુધી રોગ, ઘડપણ અને મૃત્યું છે ત્યાં સુધી તેની નિવૃત્તિ માટેના પ્રયાસો પણ થતાં રહેશે.

  મધ્યમ માર્ગ તેવો હોવો જોઈએ કે જેમાં બાહ્ય ભૌતિક જગત અને વ્યક્તિના આંતર જગત બંનેનો વિકાસ થઈ શકતો હોય.

  Like

 3. great article. alas, our school and college going children are missing out on such benevolent wisdom ! o sylabus and textbook makers, when will you come out of your ignorabnce and learn to teach our new generations the right lessons for betterment of everybody’s life? right education is the key to any transformation, but will these exploiters ever allow the masses any light that will liberate them ? lot of thanks and congrats, gada saheb.

  Like

 4. સાર્થકતા સુધી મંઝીલ કાપવાની તર્કની સારી રાહ દર્શાવી.
  સુખ, સફળતા અને સાર્થકતાની દરેકની અલગ અલગ વ્યાખ્યાઓ હોય શકે. કારણ કે પ્રમાણિકતાથી કાર્ય પૂર્ણ કર્યા પછી સફળતા (achieve થાય પણ Success થાય એવું ન કહી શકાય) મળે એવી કોઈ ગેરન્ટી હોતી નથી. સમાજને (જેમાં કુંટુંબ પણ આવી જાય) કંઈક ઉપયોગી થઈ શકાય તો જીવન સાર્થક જ ગણાયને !

  Like

 5. સાર્થકતા અંગેનો વિચાર તાજગી સભર રહ્યો.

  Like

 6. ‘IS THE WORLD ANY BETTER PLACE BECAUSE OF YOU?’

  —————-
  Wonderful.

  श्लोकार्धेन प्रवक्ष्यामि, यदुक्तं ग्रन्थ कोटिभिः
  परोपकारः पूण्याय पापाय परपीडनं ।

  Like

 7. Friends,
  I am still in learning process of using Gujarati fonts. It gives me pleasure to learn something new and share with others.

  I was reading and found some quotes which may be of high value happiness, to share with all my friends. They are in English.

  Collection:

  (1) Old Proverb. : Those who bring sunshine into the lives of others cannot keep it from themselves.

  (2) Unknown : Do you want happiness in life ?
  Follow this………….

  ” Never be beggars of LOVE, Always be donors of LOVE.”

  (3) Mahatma Gandhi.: Happiness is when what you think, what you say and what you do, are in HARMONY.

  (4) Gautam Buddha: What we are today comes from our thoughts of yesterday, and our present thoughts build our life of tomorrow : our life is the creation of our mind.

  (5) Booker T. Washington : I think I began learning long ago that those who are HAPPIEST, are those who do the most for others.

  ****************************************

  I have a suggestion : If possible, please read a book in Gujarati, “Silence Please” by Dr. I.K.Vijaliwala and a specific story : “Odakar Amrutno” It gives the real meaning / account of Satisfaction and happiness of a common cobbler’s daily real life.

  Make others happy and be happy.

  Thanks.

  Amrut Hazari.

  Like

 8. સુખ દુખ એટલે પિડા, અને પિડાનો નાશ અને આનંદ. ( – ૦ + ) બધા પ્રાણીમા આ છે. માણસ સિવાયના કોઇ પ્રાણીને આ વાતની ખબર જ નથી અને દરકાર પણ નથી. કેમ કે એ પ્રારંભિક અવસ્થામાં જ છે જે રિતે કુદરતે આપ્યા હતા એ રીત. પિડા એટલા માટે આપેલી જેથી પ્રાણી એના જીવનની રક્ષા કરી શકે. ભૂખ કે તરસની પિડાથી ખાવાપિવા પ્રેરાય, ઠંડી ગરમીને પિડા કોઇ સલામત જગ્યાએ લઈ જાય, માર વાગવાની પિડાને લિધી યા તો માર મારવા વાળાનો પ્રિતિકાર કરે યા નાસવા નો પ્રયત્ન કર. વાત્સલ્યનો આનંદ એમના બચ્ચાને ધ્યાન અને ઉછેરમા કામ લાગે છે અને કામવાસનાનો આણદ નવિ પ્રજા ને જન્મ આપવાના કામમા લગે છે.

  માનવ જાતના સુખદુખ મનવ જાત સાથે જ વિકસિત થઈ ગયા છે. પેટ ચોળીને જાતે ઉભા કરેલા સુખદુખો છે. ગમે એટલી વ્યખ્યાઓ, ગમે એટલી ફિલસુફીઓ કરો, સુખદુખ નો અંત કબર કે સ્મશાન સિવાય ક્યાંય નથી.

  ભૂખ એક અસલી પિડા હતી, મગજને કારણે માનવીને થયું કે ખાવાની વસ્તુને સમેટીને ભેગી કરીએ તો જ્યારે ભૂખ લાગે તો ખાવા થાય. મગજ ના કારણે માણસને થયું કે આપણે બીજા જંગલી પ્રાણીથી અલગ થવા કપડા પહેરવા જોઈએ. આ એક નવુ દુખ બન્યુ એ લોકો માટે જેમની તાકાત કપડા ખરીદવાની નથી. આવી તો હજારો બાબતો છે અને એ બધી બાબતોને રુપિયા દ્વારા ઉકેલી શકાય એવો કિમિયો પણ ગોતી કાઢ્યો. અત્યારનૂ મૂળ ફોકસ રુપિયો બની ગયો છે. હાલના સુખ દુખ રુપિયા સાથે ચાલે છે.

  પિડા હોવી અને પિડા નહી હોવી અને આનંદ થવો એ માત્ર લાગણીની અવસ્થા છે. કઈ ઉર્મી મગજને કઈ રીતે આંદોલીત કરે છે એના પરથી મગજ નક્કી કરે છે કે આ દુખ છે કે સુખ.સુખ એક નશો પણ કહી શકાય, બાળક માતાની કોખમાથી લઈને અવતરે છે. એને માતાના લોહીના ધબકારા અને એનો લય યાદ છે, એ એનું શરુઆતનું પારણુ હતું. બહાર પણ જ્યારે એને પારણામાં હિંચકાવીએ કે હાથમાં લઈને લય બધ્ધ હલાવીએ તો રડવાનું બંધ કરી શાંત થઈ જાય છે અને ઉંઘવા લાગે છે. બાળકને તો કોઇ સમજ નથી કે મને હિંચોળે તો મારે ખૂશ થવુ જોઈએ. મગજ જુની યાદ સાથે મેળવીને નકી કરી આપે છે કે આ આંદોલનો અને લય સુખ છે.
  બ્રહ્માન્ડની લગભગ બધી શક્તિઓ ફ્રિક્વન્સિ કે આંદોલન થી જ વહન થતી હોય છે એમ મગજની કામગીરી પણ આંદોલનને કારણે જ થાય છે.
  વારંવારના એક જ જાતના સુખ થી મગજ સુખના સંવેદનો નથી પેદા કરી શકતું. આથી નશેડીની જેમ સુખ પામવાના સાધનોનો ડોજ વધારવો પડતો હોય છે. ધનિક માણસો પણ દુખી એટલા માટે છે કે એમણે લગભગ સુખના બધાજ સાધનો વાપરી લિધા હોય છે.
  કોઇ નવા સાધનની શોધ ના થાય ત્યા સુધી એમને દુખી જ થવાનું છે. સુખ ગોતવામાં ડ્રગના રવાડે ચડી જાય છે કારણ કે એને સ્થાપિત સુખોમા મજા નથી આવતી.

  દારુ પિવાવાળા કદાચ સાચુ જ કહેતા હશે, ગમ ભુલવા માટે પિવે છે. માણસ વિચારશૂન્ય થઈ જાય પછી દુખ શેનું.

  Like

 9. શ્રીમુરજીભાઈ ગડાએ બહુ સુંદર વાત કરી. આદર્શોની કાલ્પનીક દુનિયામાં રાચવા કરતાં પ્રેક્ટીકલ થઈ આ દુનિયાને આપણા તરફથી કંઈક કન્સ્ટ્રક્ટીવ કૉન્ટ્રીબ્યુશન થાય તો જ આ જીવન સાર્થક થયું ગણાય. આના સંદર્ભમાં વાડીલાલ ડગલીએ એમના પુસ્તક ‘શિયાળાની સવારનો તડકો’ પુસ્તકમાં જે વાત કરી હતી તે વાચકો માટે અહીં ટાંકું છું.

  જીવન સફળ ગયું કે એળે ગયું એ નક્કી કરવાનો માપદંડ આવો હોવો જોઈએઃ કોઈ પણ સર્જનાત્મક પ્રવૃતિ કરીને આ સંસારના વૈભવમાં ચપટીક પણ ઉમેરે તેનું જીવન સફળ અને જે તૈયાર ભાણે જમીને ચાલતા થાય તેનું જીવન નિષ્ફળ. કોઈ થોડી કવિતા લખે, કોઈ વાર્તા લખે, કોઈ દર્દીઓની સેવા કરે, કોઈ અંધજનો માટે પુસ્તકો તૈયાર કરાવે, કોઈ કૂરિવાજો જેવા કે દહેજ, બાળલગ્નો, લાંચરૂશ્વત વિગેરે. સામે માથું ઉંચકે, કોઈ હરિજનને પોતાને ત્યાં રસોઈયા તરીકે રાખે, કોઈ બાળકોને ભેગા કરી નિયમિત વાર્તા કહે, કોઈ વૃધ્ધોને સત્સંગમાં કે મંદિરે લઈ જાય, કોઈ અભણ માણસને મનીઓર્ડરનું ફોર્મ ભરી આપે, કોઈ આદિવાસીઓની વચ્ચે કામ કરતાં કરતાં દેહ પાડે – આ બધી સર્જનાત્મક પ્રવૃતિ છે અને રોજ નહી તો ક્યારેક ક્યારેક પણ તેનો અમલ કરે છે તે સૌ આ સંસારનું આભુષણ છે.

  રોજ એકાદ સારું કામ કરી લેવાનો મોકો મળે ત્યારે જતો ન કરીએ. આટલું થાય તો ય મોટું કામ થાય. આપણા પોતાના કામ આપણે જે જુસ્સાથી કરીએ છીએ તેવો જુસ્સો બીજાના કામ કરવા માટે રોજ પાંચ દશ મિનિટ પણ આપીએ તો આ સંસારની વિદાય લેવાની ઘડીએ જીવન એળે ગયાનો વસવસો થોડો ઓછો થાય.

  લેખકઃ વાડીલાલ ડગલી

  Like

 10. Friends,
  One may consider this as a negative approach to the center theme of the subject, but it is the reality….., truth………

  We are discussing (1) Human / material happiness and (2) devine happiness.

  (1).

  * A devil will enjoy torture..(.PARPIDAN )
  * A good person will enjoy..Helping others ..( PAROPKAR )

  * A thief will have pleasure in stealing…does not matter he / she is rich or poor. Rich may enjoy KARCHORI…PROFIT….ULLU BANAVAVANU….& Poor may have his own method / act to satisfy his / her lust / need and enjoy.

  *** The pleasure,/ satisfaction / happiness / joy / delight /gratifiction / well-being / delite …..may be………SACRED /THEOLOGIAN…………or……………….. human / material / mundane / physical.

  “OUR LIFE IS THE CREATION OF OUR MIND.”………Gautam Budhha.

  Mane game chhe aetale mane sukh chhe…..Mane nathi gamatu…..aetale dukh chhe……( Favorable = Sukh & Unfavorable = Dukh.)

  A song…( Sansari & sanyashi…..)
  ” Sansarse bhage firte ho…bhagavanko tum kya paoge…..?
  ………………
  ……………….
  Ye bhog bhi ek tapasya he tum tyagke maare kya jano..!!!!!!!!!!…”

  ONLY YOU & YOU ARE THE CREATOR OF YOUR ‘SUKH’ and DESTROYER of YOUR ‘SUKH’. ( Why talk about ‘DUKH’ ? )

  Amrut (Suman) Hazari.

  Like

 11. Friends,
  Yesterday I was watching a TV station. One news moved me. Two
  Well known and well reputed musicians have started a volunteer service club to help hospitalised patients recover fast… THE SERVICE IS KNOWN BY, ” MUSIC REMEDY.” Hospitals have welcomed this volunteer service in person by great musicians.
  They go to the hospitals and meet with the ailing young children and old patients in their ward. They ask children / old patients about the songs of their liking, ( THE ENJOY MOST)and sing for them. Children get engrossed ( SAYUJYA = SAMPURNA TADATMIYA )and feel releived of the pain for that time of period.
  Research have prooved…”THIS HELPS,heal fast.”
  Hundreds of reputed , big name musicians have joined this club. THESE MUSICIANS feels happy and satisfied for their services…’.SARTHAKTA NO ANUBHA’….KARE CHHE.

  THIS ‘SARTHAKTA’ = SUKH. (REALITY OF LIFE)

  Amrut Hazari.

  Like

 12. સુખ પાના હૈ તો પહલે દુઃખ કો જાનોઃ ઓશો

  યદિ દુખ કો મિટાના હો, તો સુખ કી કલ્પના છોડ઼ દેની પડ઼ેગી ઔર દુ:ખ કો હી જાનના પડ઼ેગા| જો દુખ કો જાનતા હૈ, ઉસકા દુ:ખ મિટ જાતા હૈ| જો સુખ કો માનતા હૈ, ઉસકા દુખ છિપ જાતા હૈ; મિટતા નહીં, ભીતર ચલા જાતા હૈ| અગર અજ્ઞાન કો મિટાના હૈ, તો જ્ઞાન કી કલ્પના નહીં કરની હૈ-અજ્ઞાન કો હી જાનના હૈ| અજ્ઞાન કો જો જાનતા હૈ, વહ જ્ઞાન કો ઉપલબ્ધ હો જાતા હૈ| લેકિન જો જ્ઞાન કો, ઝૂઠે જ્ઞાન કો, કલ્પિત જ્ઞાન કો પકડ઼ લેતા હૈ, ઉસકા અજ્ઞાન છિપ જાતા હૈ, અજ્ઞાન મિટતા નહીં, ઔર જ્ઞાન ઉસે મિલતા નહીં, ક્યોંકિ કલ્પિત જ્ઞાન કા કોઈ ભી અર્થ નહીં હૈ|

  Like

 13. maro janam ane maro ant ej aa duniya, jivte jiv maranne jano , kon jane kyo janam, dildar ne jag lage dildar, ketlu jivya karta kevu jivan jivya e mhatvnu che, santoshi jiva sada sukhi, jivanma abhivadan, man shradha e badhu ape to male jo magsho to jiv ane kelvsho to jagat tamaru che.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s