ગુજરાતી સાહીત્યમાં ‘દલીત સાહીત્ય’ શબ્દ શા માટે પ્રયોજાવો જોઈએ ?

–દીનેશ પાંચાલ

       સુરતમાં સાહીત્ય પરીષદના અધીવેશનમાં અનેક દીગ્ગજો પધાર્યા હતા. તેમના ચીંતનાર્થે અત્રે એકાદ બે પ્રશ્નો રજુ કર્યા છે. એ સર્વવીદીત સત્ય છે કે મા સરસ્વતીના પવીત્ર સાહીત્યક્ષેત્રમાં આજે સ્થીતી ખાસ ગૌરવ લઈ શકાય એવી રહી નથી. બધાં ક્ષેત્રોમાં મુલ્યોનું ધોવાણ થયું છે તેમ સાહીત્યમાંય થયું છે. જુની પેઢીના સર્જકો, પન્નાલાલ પટેલ, પીતામ્બર પટેલ, ઈશ્વર પેટલીકર, ગોવર્ધનરામ ત્રીપાઠી, રવીન્દ્રનાથ, શરદબાબુ વગેરેનું પ્રદાન સાત્ત્વીક અને ચીરસ્મરણીય રહ્યું હતું. તેમના સર્જનમાં જીવન ધબકતું હતું. આજના બહુધા સર્જકો વાડાબંધીના ભોગ બન્યા છે. મૈત્રી–વીવેચનોનું પ્રદુષણ વધ્યું છે. રોયલ્ટી લેખકની બુદ્ધીશક્તીનું પારીશ્રમીક ગણાય એથી લેખક રોયલ્ટી ઝંખે તે અનુચીત નથી; પરંતુ એથી આગળ વધીને એવોર્ડો મેળવવા માટે પેંતરા કરવા, પાઠ્યપુસ્તકોમાં પોતાની કૃતીનો સમાવેશ કરાવવો અથવા પોતાના પુસ્તકને પાઠ્યપુસ્તક તરીકે ઘુસાડવું, એવી બધી જ ‘મેલીવીદ્યા’માં આજનો લેખક પારંગત થઈ ગયો છે. કહેવાતા ટોચના ધુરંધર સાહીત્યકારો વીશે પણ ઘણાં ઘૃણાસ્પદ સત્યો બહાર આવે છે. સાહીત્યકારો સાથે સાધારણ માણસનો અંતરંગ સમ્બન્ધ તુટી રહ્યો છે. શ્રી. ગોવર્ધનરામ ત્રીપાઠી કૃત ‘સરસ્વતીચંદ્ર’નો લોકજીવન પર એવો ગાઢ પ્રભાવ હતો કે લોકો તેમની નવલકથાનાં પાત્રો પરથી સન્તાનોનાં નામ રાખતા. આજે લેખકની કલમ અને કલ્પનામાં એવું કૌવત રહ્યું નથી. પ્રયોગખોરીના નામે એબ્સર્ડ (દુર્બોધ) સાહીત્ય ઠઠાડવામાં આવી રહ્યું છે. શાળાઓની, ગ્રામપંચાયતોની કે શહેરોની લાયબ્રેરીઓમાં લાખો રુપીયાનાં એવાં પુસ્તકો ઘુસાડવામાં આવે છે. મા સરસ્વતીનું ક્ષેત્ર ‘લીયા… દીયા’ જેવું સ્ટૉક–એક્સચેન્જ બની ચુક્યું છે. સાહીત્ય પરીષદમાં ભેગા થનારા લેખકો કેવળ સાહીત્યની ક્વૉલીટીની જ નહીં; આજના લેખકોની પણ ચર્ચા કરે તે જરુરી છે. પરન્તુ દુ:ખની વાત છે કે તેમ થતું નથી.

       હવે દલીતો અને તેમના સાહીત્ય પર નજર કરીએ. ગાંધીજીનું એક સ્વપ્ન દલીતોનો ઉદ્ધાર કરવાનું હતું. આજે પણ દેશના અમુક ભાગોમાં દલીતોની સ્થીતી દયનીય છે. યેનકેન પ્રકારેણ તેમનું શોષણ કરવામાં આવે છે. દલીતોને થતાં અન્યાય અને સામાજીક શોષણને કારણે ન છુટકે તેમણે ધર્મપરીવર્તન પણ કરવું પડે છે. આપણા બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરે એ જ કારણે બૌદ્ધ ધર્મ અંગીકાર કરવો પડેલો. દલીતો આપણી વસતીનું જ એક અંગ છે. આપણી સંસ્કૃતીમાંથી તેમની બાદબાકી શક્ય નથી. તેમને જો વીકાસની યોગ્ય તકો આપવામાં આવે તો તેઓમાંથી પણ અબ્દુલ કલામ કે બાબાસાહેબ આંબેડકર પ્રાપ્ત થઈ શકે છે. દલીતોએ પણ એક વાત સમજી લેવી પડશે. તેમણે પોતાનાં રખોપાં માટે સામાજીક હમદર્દીની દયા પર જીવવાને બદલે આત્મબળથી ઘુંટણીયાભેર ઉભા થવાની ઉત્કંઠા દાખવવી પડશે. યાદ રહે, પ્રગતી અને વીકાસ માટે નીષ્ઠા અને લગનનો કોઈ વીકલ્પ નથી. દલીતો ખુદની ખુમારીથી  સ્વયમ્ સંકલ્પ કરશે તો એક દીવસ જરુર એવો આવશે કે દલીતોને પોતાને કુવે પાણી ન ભરવા દેતા ઉજળીયાતો, કોઈ દલીતે શોધેલા મીનરલ વોટરથીય ચઢે એવા શ્રેષ્ઠ જળ માટે તેમના આંગણામાં લાઈન લગાડશે. આજે વીકાસના જમાનામાં હવે સ્થીતી એવી રહી નથી કે દ્રોણગુરુ કહે અને એકલવ્ય અંગુઠો કાપી આપે ! બલકે દલીતોએ એવો સુંદર વીકાસ કર્યો છે કે આજે કેટલાંય એકલવ્યો ડૉક્ટર બની દ્રોણ ગુરુઓના અંગુઠાનું ઓપરેશન કરીને તેમની વીદ્યાને જીવતદાન આપે છે. આ કાંઈ જેવા તેવા આશ્વાસનની વાત નથી. એક વાત મીનમેખ છે. કોઈએ પણ પ્રગતી કરવી હશે તો ઉછીનો ઉત્સાહ કામે નહીં લાગે. પ્રેરણા સ્વયંભુ હોવી જોઈશે. અન્તરીક્ષમાં પહોંચ્યા વીના કલ્પના ચાવલાને કે સુનીતા વીલીયમ્સને દુનીયા ઓળખી ના શકતી હોય તો ખીણમાં ઉભેલા દલીતોનો ઉદ્ધાર તો સ્વયમ્ બાબાસાહેબ આંબેડકર પણ ના કરી શકે.

       આપણા દેશે શીક્ષણ, વીજ્ઞાન અને ટૅક્નોલૉજીના ક્ષેત્રે હરણફાળ પ્રગતી કરી છે. સૌને માટે વીકાસની એક જ શરત છે. દુનીયાના બજારમાં બુદ્ધીપ્રતીભા અને શીક્ષણનું ચલણ ચાલે છે. તે ચલણ તમારી પાસે હોવું જોઈશે. ભુતપુર્વ રાષ્ટ્રપતી અબ્દુલ કલામ દલીત વર્ગના છે. નાનપણમાં એ છાપાના ફેરીયા હતા. એમને દેશના સર્વોચ્ચ સ્થાને બીરાજતાં કોણ અટકાવી શક્યું ? એ ભણવામાં ‘ઢ’ નીકળ્યા હોત તો આટલી પ્રગતી કરી શક્યા હોત ખરા ?

       સમાજની એક રીત વખાણવા જેવી છે. તમારામાં કૌવત હશે તથા ભીતર ચેતનાનું અજવાળું હશે અને શીક્ષણ દ્વારા તમે સદીની સમકક્ષ વીકાસ સાધી શક્યા હશો તો સમાજ તમારા ચરણોમાં પડતા ખંચકાશે નહીં. તમે આત્મબળથી પ્રગતી કરશો તો તમારી દલીત જાતી તમારો વીકાસ રોકી શકશે નહીં. અને એ પણ એટલું જ સાચું છે કે આવડત નહીં હોય તો બ્રાહ્મણે, ક્ષત્રીયે કે વૈશ્યે પણ ભીખ માગવી પડશે. માણસની જાતી મહત્ત્વની નથી; ખ્યાતી મહત્ત્વની છે. અમીતાભ બચ્ચનની અટક પરમાર હોત તો પણ તે એટલી જ પ્રસીદ્ધી પામ્યા હોત. પ્રસીદ્ધી અમીતાભના નામમાં નથી અભીનયમાં છે. કૌવત હોય તો દલીતો પણ કોણી મારીને આગળ આવી શકે છે. દેશની સરકારી કે ખાનગી ઓફીસોમાં એક બે નહીં કરોડોની સંખ્યામાં દલીતો ઉંચેરાં સ્થાને બેઠા છે. દુનીયાના બજારમાં કાબેલીયતનું જ ચલણ ચાલતું હોય તો દલીતોએ ડરવાનું કોઈ કારણ નથી. આજે પણ સેંકડો દલીત નેતાઓ પાર્લામેન્ટની ખુરશી શોભાવે છે. તેમના વીકાસમાં ઉજળીયાતો કદી આડા આવ્યા નથી. સ્વ. સુરેશ જોષીએ સાહીત્યમાં દુર્બોધ સાહીત્યનો નવતર પ્રયોગ કરેલો.  એમની અટક ચૌહાણ હોત તો શું એ પ્રયોગ ન સ્વીકાર્યો હોત ? અખો અને કબીર શુદ્ર હતા; છતાં તેમનું તત્ત્વજ્ઞાન આજે કૉલેજોમાં ભણાવાય છે. કોઈ અનુસુચીતજાતીનો માણસ પાણીથી ચાલતા સ્કુટરની શોધ કરે તો શું ઉજળીયાતો તેને નહીં અપનાવશે ? અત્રે (સ્વપ્રસંશા માટે નહીં પણ ફક્ત) પુરાવા ખાતર એક વાત (થોડા સંકોચ અને ખાસ ક્ષમાયાચના સાથે) લખવી પડે છે. આ લખનારે ગુજરાતના મોટાભાગના છાપાઓમાં લખ્યું છે. કદી કોઈ તંત્રીએ એમ કહીને નીરાશ નથી કર્યો કે તમે શુદ્ર છો એથી તમને કૉલમ નહીં મળે. આ લખનારનાં પુસ્તકોને સાહીત્ય અકાદમીનો અને સાહીત્ય પરીષદનો, એમ બબ્બે એવોર્ડ મળ્યા ત્યારે નીર્ણાયક કમીટીમાં બ્રાહ્મણો પણ હશે જ; તેમણે મારી શુદ્રતાનું નહીં સાહીત્યીકતાનું જ મુલ્ય આંક્યું હતું. વળી કોઈ બ્રાહ્મણ સર્જકની નબળી કૃતીને તેમણે ઈનામ વંચીત રાખી હોય એવું પણ બન્યું હશે.

       એક વાત સમજાય છે. માણસે કયા કુળમાં જન્મ લીધો છે તેનું મહત્ત્વ નથી;  પણ જીવનમાં તે શું બની શક્યો છે તે વાત મહત્ત્વની છે. આફ્રીકાના જંગલમાં રહેતો માણસ ચન્દ્ર પર પહોંચી શકે તો આખી દુનીયાની આદરભરી નજર તેના તરફ મંડાયા વીના ના રહે. પછી લોકો આફ્રીકાના જંગલને ભુલી જાય છે. જો તમે કમળ બની શકશો તો કાદવ તમારું કાંઈ બગાડી શકશે નહીં. ગાંધીજી વાણીયા (ઉજળીયાત) હતા. પણ એમનો દીકરો હરીલાલ વેશ્યાગામી, જુગારી અને દારુડીયો બની ગયો હતો. કર્ણ (દાસીપુત્ર) કહેવાયેલો છતાં તેને ‘શ્રેષ્ઠ દાનેશ્વરી’ તરીકે આજે પણ ઓળખીએ છીએ.

       માનો કે ન માનો પણ સત્ય તો એ જ છે કે હવે હરીજન હોમમીનીસ્ટર બની શકે છે. કુંભારનો દીકરો કલેક્ટર બની શકે છે. સુથારનો દીકરો સાહીત્યકાર બની શકે છે અને લુહારનો દીકરો (શંકર–જયકીશનની જોડીનો જયકીશન) સંગીતકાર બની શકે છે. સમાજની અદાલતમાં ક્ષમતાનો આવો સુંદર પોએટીક જસ્ટીસ અમલી છે ત્યાં સુધી કોઈએ હીમ્મત હારવાની જરુર નથી. ચાલો, આપણે દુનીયાના એ દસ્તુરને માથે ચઢાવીએ અને એ વાતનો દૃઢપણે સ્વીકાર કરીએ કે કોઈ ઉંચ નથી કોઈ નીચ નથી. આપણે સૌ એક નીભાડામાં પાકેલા સંતાનો છીએ. વર્ષો પુર્વે આપણા પુર્વજો એ સત્ય સમજી શક્યા ન હતા. આપણે પણ એ સમજવામાં હજી અખાડા કરીશું તો બાવીસમી સદીમાં પણ અનામત આંદોલનો વેઠવાં પડશે. અનામત પ્રથાને ખતમ કરવાનો રામબાણ ઈલાજ એ જ કે કોઈને પછાત જ ન રહેવા દઈએ. ન રહેગા દલીત; ન હોગા કોઈ વ્યથીત…!

       દલીતો વીશે આટલી પેટછુટી વાત કર્યા બાદ સાહીત્ય ક્ષેત્ર માટે પણ દલીત સાહીત્ય સમ્બન્ધે એક ફરીયાદ રહી છે તેની ચર્ચા જરુરી અને ખાસ મહત્ત્વની છે. હમણા દલીતો વીશે એક પુસ્તક વાંચવા મળ્યું. ‘ટ્રુથ એબાઉટ દલીત: કાસ્ટ સીસ્ટમ એન્ડ અન્ટચેબીલીટી’ નામના એ પુસ્તકના લેખક ઓલીવર ડીસોઝા 20 વર્ષોથી દલીત ચળચળ સાથે સંકળાયેલા છે. તેમણે દલીતોનાં વીવીધ પ્રશ્નો અને સમસ્યાઓની વીગતે છણાવટ કરી છે. એકવીસમી સદીનાં આધુનીક અજવાળામાં પણ દલીતોનો ઈલાકો શા માટે અંધારીયો રહી ગયો છે તેની વાત એમણે કરી છે. પરન્તુ અત્રે આ લખનારની મુળ ફરીયાદ એ છે કે દલીતો દ્વારા રચાયેલા સાહીત્યને ‘દલીત સાહીત્ય’ તરીકે શા માટે ઓળખવામાં આવે છે ? મા સરસ્વતીના પવીત્ર સાહીત્યમન્દીરમાં આ તે કેવી આભડછેટ ? સમાજમાં તેમને હંમેશને માટે દલીત તરીકે જ સ્થાપી દેવાની એ કુચેષ્ઠા નહીં તો બીજું શું છે ? એ શબ્દ સાહીત્યમાં શી રીતે પ્રવેશી શક્યો તેનું આશ્ચર્ય થાય છે અને એ વાતે જાગૃત દલીતો એનો વીરોધ શા માટે નથી કરતા ? સાહીત્ય તો કેવળ સાહીત્ય જ હોઈ શકે. એમાં ‘દલીત– ઉજળીયાત’ જેવા ભેદ પાડી જ ન શકાય. શું જૉસેફ મેકવાનની નવલકથા ‘આંગળીયાત’માંથી દાલીત્યની ગંધ આવે છે ? ભુતપુર્વ રાષ્ટ્રપતી ડૉ. અબ્દુલ કલામની આત્મકથા ‘અગનપંખ’માંથી દલીતતા ડોકાય છે ? સાહીત્યનો એક જગસ્વીકૃત માપદંડ છે. એ ચકાસણીમાં જે ખરું ઉતરે તે સાહીત્ય કહેવાય. સાહીત્યની ઓળખ તેના લખનાર પરથી નહીં તેના સાત્ત્વીક ધોરણ પરથી જ થઈ શકે. (ગાંધીજીનું સાહીત્ય ‘વાણીયા સાહીત્ય’ અને ગોડસેનું સાહીત્ય ‘ગુંડા સાહીત્ય’ એમ ન કહેવાય.) વાલીયામાંથી વાલ્મીકી બનેલા ઋષીએ રામાયણ લખ્યું. એ ‘રામાયણ’ને ‘લુંટારા સાહીત્ય’ તરીકે ન ઓળખાવી શકાય. જરા કલ્પના તો કરો, ‘રામાયણ’ને ‘દલીત સાહીત્ય’ તરીકે ઓળખીશું તો કેવું લાગશે ?

       મુળ વાત એટલી જ, સાહીત્ય કેવળ અને કેવળ સાહીત્ય જ હોય. તેમાં ‘દલીત’ શબ્દ ઉમેરીને અસ્પૃશ્યતાના પેલા પુરાણા પોપડાને ઉખેડવા જેવો નથી. અનુસુચીત જાતીની માટેનો પ્રચલીત શબ્દ હવે જાહેરમાં બોલી કે લખી શકાતો નથી. કોઈ તેનો ઉપયોગ કરે તો તેના પર ‘એટ્રોસીટી એક્ટ’ મુજબ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. તે જ પ્રકારની સજાનું પ્રાવધાન આવા જાતીભેદ ઉભો કરનારા નામ માટે (અર્થાત્ ‘દલીત સાહીત્ય’ શબ્દપ્રયોગ માટે) પણ હોવું જોઈએ.

       ઉદાહરણો તો અનેક આપી શકાય. પણ માણસનું જ ઉદાહરણ લઈએ. કોઈ પણ જ્ઞાતી, કોમ કે ધર્મના લોકોની દૈહીક રચના સરખી હોય છે. સાહીત્ય પણ દેહ રચના જેવું છે. બહુબહુ તો બળવાન દેહ અને નબળો દેહ એવું વર્ગીકરણ કરી શકાય, તેમ ઉત્કૃષ્ટ કોટીનું સાહીત્ય અને નબળી કોટીનું સાહીત્ય એવો ભેદ (વ્યવસ્થા ખાતર) પાડી શકાય. પણ અહીં ખરો રંજ એ વાતનો છે કે ઉત્તમ, મધ્ય અને કનીષ્ઠની ગણતરીથી વર્ગભેદ પાડવામાં આવતો નથી. દલીત દ્વારા રચાયેલું સાહીત્ય સર્વશ્રેષ્ઠ હોય તો પણ તેને ‘દલીત સાહીત્ય’ના નામે જ ઓળખવામાં આવે છે. આવા અપમાનજનક જાતીભેદનો સૌથી મોટો વાંધો દલીત સમાજના અગ્રણીઓને હોવો જોઈએ. જરા વીચારો : સોનું (Gold) એટલે સોનું. એના પ્રકારો જરુર હોઈ શકે. જેમ કે વીસ કૅરેટ, બાવીસ કૅરેટ, ચોવીસ કૅરેટ વગેરે. પણ આ બધા તો ઓળખ માટે માણસે ઉભાં કરેલાં (વ્યવસ્થાપકીય) વર્ગીકરણો છે. સોનાનું મુળ ‘હેમતત્ત્વ’ તો એક જ હોય શકે ને ! કોઈ દલીત વ્યક્તી ચોવીસ કૅરેટ સોનું વેચતો હોય તેને ‘દલીત સુવર્ણ’ કહેવાની ભુલ કરાય ખરી ?

       આ લખનારને શ્રી. જૉસેફ મેકવાનની ‘આંગળીયાત’ નવલકથા એટલી જ ગમેલી, જેટલી શ્રી. ભગવતીકુમાર શર્માની ‘અસુર્યલોક’ ગમેલી. બન્ને ઉત્તમ અને પુરસ્કૃત કૃતીઓ છે. સ્વીકાર્યું કે સામાજીક વ્યવસ્થા ખાતર બન્ને લેખકોને અલગ તારવવા પડે. મતલબ મેકવાન સાહેબને બ્રાહ્મણ ન કહી શકાય અને શર્માજીને દલીત ન કહી શકાય. પણ તેમના સાહીત્યની એક સરખી ઉત્કૃષ્ટતાનું જાતી આધારીત વર્ગીકરણ શી રીતે થઈ શકે ? (શું એમ કહી શકાય કે બ્રાહ્મણની ગભાણમાં બાંધેલી ગાય દુધ આપે તે ઉજળીયાતનું પવીત્ર દુધ… અને દલીતની ગભાણમાં બાંધેલી ગાયનું દુધ અપવીત્ર ?) એક વાત નીશ્વીત છે. સાહીત્ય જગતમાં સૌની પેન ભલે નોખી હોય; પણ તેમાંથી નીપજતા સાહીત્ય વચ્ચે તો ઉંચનીચના ભેદ ન હોવા જોઈએ. આમ જ ચાલ્યું તો આગળ જતાં ઘણાં વીભાજન થશે.  સાહીત્યમાં પણ વર્ણવ્યવસ્થા પ્રવેશશે. પ્રશ્ન એટલો જ કે આપણે બ્રાહ્મણો દ્વારા રચાયેલા સાહીત્યને ‘બ્રહ્મ સાહીત્ય’ નથી કહેતા. ક્ષત્રીય દ્વારા રચાયેલા સાહીત્યને ‘વીર સાહીત્ય’ નથી કહેતા. વૈશ્ય દ્વારા રચાયેલા સાહીત્યને ‘વાણીજ્ય સાહીત્ય’ નથી કહેતા. તો દલીતો દ્વારા રચાયેલા સાહીત્યને ‘દલીત સાહીત્ય’ શા માટે કહીએ છીએ ? (એ રીતે તો આપણે છુતાછુતની અન્ટચેબીલીટી ઘુસાડી દઈશું.) ભવીષ્યમાં કોઈ દલીત જાતીના સાહીત્યકારને નોબેલ પારીતોષીક મળશે તોય આપણે  કહીશું – ભારતના ફલાણા દલીત સાહીત્યને નોબેલ પારીતોષીક મળ્યું. (સાહીત્ય નોબેલ પારીતોષીક કક્ષાનું હોય તો પણ તે દલીત ? ઉજળીયાતો દ્વારા આ તે કેવું ચતુરાઈપુર્વકનું શોષણ !)

       યકીન માનજો, ઐશ્વર્યા રાયની અટક ઐશ્વર્યા રાઠોડ હોત તો પણ તે ‘બ્યુટી ક્વીન’નો ઈલકાબ જીતી ગઈ હોત. ઉજળીયાતોએ વીચારવું રહ્યું કે ઐશ્વર્યા રાઠોડના સૌંદર્યને આપણે ‘દલીત સૌંદર્ય’ કહેવાની મુર્ખામી ના જ કરી હોત. તો સાહીત્યમાં ‘દલીત’ શબ્દનું લેબલ શા માટે લગાડવું જોઈએ ? સાહીત્યને માત્ર સાહીત્યના નામે જ ઓળખવામાં આવે તે વધુ ન્યાયોચીત ગણાય. ફીલ્મ ‘ખામોશી’માં ગુલઝાર સાહેબે એક સુંદર ગીત લખ્યું છે. ‘હમને દેખી હૈં ઉન આંખોંકી મહેકતી ખુશ્બુ…’ અને પછી આગળ કંઈક એવી પંક્તી આવે છે: ‘પ્યારકો પ્યાર હી રહને દો કોઈ નામ ન દો…!’ ગુલઝાર સાહેબની એ સલાહ અહીં જરા જુદી રીતે લાગુ પડે છે. મતલબ પ્રેમ તો હર હાલમાં પ્રેમ જ હોય છે. દલીતોના પ્યારને ‘દલીત પ્રેમ’ અને ઉજળીયાતના પ્યારને ‘સવર્ણ પ્રેમ’ કહેવાની જરુર ખરી ? સાહીત્યમાં પણ એવા વર્ણભેદ ઉભા કરવાની જરુર નથી. અર્થાત્ સાહીત્યને સાહીત્ય જ રહેવા દઈએ, કોઈ નામ ન આપીએ. ખેર, સાહીત્યમાં દલીત શબ્દ ઘુસાડનારાઓને અંતે એટલું જ કહેવાનું કે ‘દલીત’ શબ્દ લેખકને માટે પ્રયોજવામાં આવે છે પણ તે (અજ્ઞાનવશ અથવા તો ઈરાદાપુર્વક) એવી ખોટી રીતે ઉપયોગમાં લેવાય છે કે તે સીધો સાહીત્યને સ્પર્શે છે. એ બે રીતે વાંધાજનક છે. એકવીસમી સદીમાં જ્યારે તમામ ક્ષેત્રે નવરચનાનો વાયુ ફુંકાઈ રહ્યો છે ત્યારે કમસે કમ સાહીત્યમાં આવા જાતીભેદ ન હોવા જોઈએ. અને બીજું મહત્ત્વનું કારણ એ છે કે ‘દલીત’ શબ્દ પછાત જાતી માટે વપરાતો હોવાથી જાણ્યેઅજાણ્યે  એ શબ્દનો સુચીતાર્થ સાહીત્યની ગુણવત્તાને ઝાંખપ લગાડે છે. ન્યાયની વાત એટલી જ કે ‘દલીત’ શબ્દનો અર્થ જો પછાત, અવીકસીત કે નબળુ એવો થતો હોય તો બ્રાહ્મણ લેખકની નબળી કૃતીની ગણના પણ ‘દલીત સાહીત્યમાં’ થવી જોઈએ. પણ તેમ થતું નથી. બીજી તરફ દલીતો દ્વારા રચાયેલા ઉત્કૃષ્ટ સાહીત્યની ગણના પણ દલીત સાહીત્ય તરીકે જ થાય છે. અંતે સાહીત્યના દીગ્ગજોને એ બાબત પર વીચારવા વીનન્તી છે કે દલીત દ્વારા રચાયેલા સાહીત્યને ‘દલીત સાહીત્ય’ કહેવું એટલે પાગલખાનામાં કામ કરતા ડૉક્ટરને ‘પાગલ ડૉક્ટર’ કહેવા જેવી ભુલ ગણાય. (અથવા ‘અ’ વર્ગના સભ્યને ‘અસભ્ય’ કહેવા જેવી મુર્ખામી ગણાય) શું એ ભુલ સુધારી ન શકાય ? મોતી સાચું હોય અને તે કાળા છીપલામાંથી નીકળ્યું હોય તેથી તે ‘કાળુ મોતી’ ન કહી શકાય. એકવીસમી સદીના આ વીકસીતયુગમાં અર્જુન કરતાં એકલવ્ય ચડીયાતો હોઈ શકે એ સત્ય સ્વીકારવામાં કોઈએ અખાડા ન કરવા જોઈએ. આશા રાખીએ કે દલીતો અને સવર્ણો બન્ને, ‘દલીત સાહીત્ય’ના આ મુદ્દા પર – માત્ર આ ને આ જ મુદ્દા પર ઉંડાણથી વીચારીને પ્રામાણીક અને તટસ્થ પ્રતીભાવો આપશે.   

દીનેશ પાંચાલ

ખાસ નોંધ:

લેખક શ્રી. દીનેશ પાંચાલે આ લેખ ‘અભીવ્યક્તી’ માટે જ ખાસ લખ્યો અને મને રુબરુ તે આપ્યો તે બદલ તેમનો આભાર.. ‘અભીવ્યક્તી’ના વાચકમીત્રો લેખકની સાથે સમ્મત ન હોય તો કોઈ વ્યક્તી કે સમાજની લાગણી દુભાય તેવી આક્ષેપબાજી તેઓના પ્રતીભાવમાં વ્યક્ત ન કરવા તેમ જ વીષયાંતર ન કરવા ખાસ વીનન્તી… આમ છતાં, કોઈ પ્રશ્ન ઉપસ્થીત થાય તો તે માટે જે તે પ્રતીભાવક જવાબદાર રહેશે તેની નોંધ લેવી.  ધન્યવાદ..

–ગોવીન્દ મારુ

કર્મ પરથી જ…

     જે માણસ કોઈ પણ પ્રાપંચીક દુ:ખથી ડરતો નથી, કોઈ વસ્તુ પર જેને આસક્તી નથી, તેને હું બ્રાહ્મણ કહું છું. બીજાએ દીધેલ ગાળો, વધ, બંધ વગેરે જે સહન કરે છે, ક્ષમા જ જેનું બળ છે, તેને હું બ્રાહ્મણ ગણું છું.

     જન્મથી કોઈ બ્રાહ્મણ થતો નથી કે અબ્રાહ્મણ થતો નથી. કર્મથી જ બ્રાહ્મણ કે અબ્રાહ્મણ થાય છે. ખેડુત કર્મ વડે થાય છે, ચોર કર્મથી થાય છે, સીપાઈ કર્મથી થાય છે અને રાજા પણ કર્મથી જ થાય છે. કર્મથી જ આ જગત ચાલે છે.

–ગૌતમ બુદ્ધ ( ‘મોતીની ઢગલી’માંથી સાભાર…)

Dinesh Panchal
Dinesh Panchal

લેખક સમ્પર્ક: શ્રી. દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 ફોન: 02637 242 098 સેલફોન: 94281 60508

લેખકનાં પુસ્તકો ‘મનનાં મોરપીંછ’ અને ‘અંતરના ઈન્દ્રધનુષ’ અનુક્રમે ‘ગુજરાતી સાહીત્ય અકાદમી’ અને ‘ગુજરાતી સાહીત્ય પરીષદ’ પારીતોષીકથી પુરસ્કૃત થયાં છે તે માટે ‘અભીવ્યક્તી’ના વાચકમીત્રો વતી શ્રી. દીનેશ પાંચાલને અભીનન્દન….

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: Govind Maru, 405, Krishna (Evaz Apparel) Apartments, B Wing, Opp. Balaji Garden, Sector 12-A, KOPARKHAIRNE. Navi Mumbai 400 709 સેલફોન: 8097 550 222 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જ  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 22–02–2013

5

 

                       

30 Comments

  1. વાત તો મનનીય છે ! સાહિત્ય સાહિત્યજ છે અને હોવું ઘટે ! જુનાગઢ રહ્યો એટલા વર્ષ બંન્ને લાઈબ્રેરી નો સભ્ય હતો- અને લગભગ તમામ ગુજરાતી -( અનુવાદિત સહિત), સાહિત્ય નામે વાંચેલ , કોઈ લેખકના નામ કે અટકની અસરથી અજાણ રહીને! ઉત્તમ વાત એજ કે ઉત્તમ અભિવ્યક્તિ હોય ,સારો સંદેશ,કે વિચાર હોય તે હંમેશાં આવકાર્ય અને સ્વિકાર્ય રહેશેજ!

    Like

  2. Friends,
    (1) Have you ever heard of a publication house, named, ” GUJARATI DALIT SAHITYA ACADEMY.” Amdavad ?

    In the August 2012, issue of GUJARAT DARPAN, a free monthly, being published by Shri Subhash Shah and Shri Kalpesh Shah, ( Since last 20 years) (1188 Green Street, Iselin,NJ,08830. USA),( Ph: 732-983-9286 & 732-404-0096)( E.mail: gujaratdarpan@gmail.com)I have reviewed, in the section “GUJARAT DARPAN GYAN PARAB”, My section, a compilation book titled “HAYATI.” Edited by, Guest Editor, Shri Farukh Shah & published by, GUJARATI DALIT SHAHITYA ACADEMY, Amdavad.

    Please, go to http://www.gujaratdarpan.com and go to the section ” GUJARAT DARPAN GYAN PARAB” (Aug,2012) Reviewed by: Dr. Amrut(Suman)Hazari.( My regular Section) Page No. 124 & 130. You will have the review. I have expressed my views. You will find same message, that Shri Dinesh Panchal has expressed.

    (2). Shri Jaikishan, music director was not Luhar. He was Suthar. His sister was living in my moholla in Valsad. He came to attend marriage (Mosaru) of his bhanej also named..Jaikishan who was a optician.

    (3) See my comments in my review about”VARNAVYAVASHTHA” in sahitya.

    Gujarat Darpan is also published every month from…Chicago, Georgia, California, Canada, London and NADIYAD in Gujarat. Each of these publication carries “GUJARAT DARPAN GYAN PARAB” section.

    Thanks.
    Amrut(Suman)Hazari.

    Like

  3. જ્યારે દલિત સાહિત્ય શબ્દનું નામકરણ પહેલુંવહેલું થયું ત્યારે એ શબ્દનો શ્રી.ચંદ્રકાંત બક્ષીએ વિરોધ કરતો લેખ લખેલો પણ કોઇએ એમની વાતને મહત્ત્વ ન આપ્યું એ દુ:ખદ ઘટના કહેવાય.પૂ.બાપુએ (ગાંધીજીનું નામ લેવા બદલ માફી ચાહું છું કારણકે આપણે એ નામને વર્ષોથી વટાવી ખાધું છે.) કહેલું કે જ્યારે કોઇ નીચલા સ્તરની
    વ્યક્તિ પોતાની શક્તિથી ભારતનો વડાપ્રધાનનો હોદ્દો મેળવશે ત્યારે ભારતમાં ખરીઆઝાદી આવી ગણાશે.માણસ જાતિનું મૂળ આફ્રિકાનું ગણાય છે ત્યાંથી બધે માણસ જાતનો વિકાસ થયો છે.DNA Test માટે
    જુદી જુદી જગ્યાથી Blood લેવામાં આવ્યું મધ્ય એશિયામાંના ઘણા Sampleમાંથી ફકત એકજ Sample
    મૂળ આફ્રિકાનો એટલે કે Pure નીકળ્યો બાકીના બધા sample મિશ્રિત આવ્યા. મદુરાઇ-મદ્રાસના લગભગ ૮૦૦ જેટલા
    Samples બીજા Samplesની જેમ મિશ્રિત દેખાયા.ફક્ત એક જ Sample ઓસ્ટ્રેલિયાના Sampleના
    DNA સાથે મળતો આવ્યો એટલે માણસ ભારતમાંથી migrate થઇને ઓસ્ટ્રેલિયા ગયો હશે. ટૂંકમાં એટલું
    નક્કી થાય કે ભારતમાં કોઇ ઊંચનીચ નથી.મારો દીકરો અમેરીકામાં Molecular Biologyમાં PHD કરે છે તેણે એનો DNA Test કરાવ્યો તો એવું ફલિત થયું કે માતૃપક્ષે ઓસ્ટ્રેલિયા આવે છે એનો મતલબ એ કે માતૃપક્ષમાંથી કોઇ migrate થઇને ઓસ્ટ્રેલિયા ગયું હશે.નહિ કે ત્યાંથી કોઇ India આવ્યું હશે.પિતૃપક્ષે એમ જણાયું કે North Afrikaથી નીકળીને એડનની ખાડી ઓળંગીને ઇરાન થઇને મધ્ય એશિયામાંથી યુરોપ થઇને North Indiaમાં આવીને સ્થિર થયા હશે.મને એવી ખબર છે કે માણસના Afrikaથી થયેલ Migrationની ફિલ્મ પણ ઉતરી છે પણ મેં જોઇ નથી.વેદમાં પણ એમ કહેવાયું કે મારા ઘરમાં ચાર વર્ણના માણસો વસે છે
    મારો મોટો દીકરો કર્મકાંડ કરાવે છે તેથી તે બ્રાહ્મણ છે બીજો દીકરો લશ્કરમાં એટલે તે ક્ષત્રિય છે ત્રીજો વેપાર કરે છે તે વૈશ્ય અને ચોથો સાફસફાઇનું કામ કરે છે તે શૂદ્ર છે.પછી પાછળથી જ્ઞાતિપ્રથા ઘુસી ગઇ તેનાથી આપણને ભરપાઇ થાય નહિ એવું નુકસાન થયું છે અસ્તુ.

    Like

    1. શ્રી કિશોરભાઈ,
      તમે ગાંધીજીનો એક વિચાર લખ્યો છે તેમાં થોડો હકીકત દોષ જણાય છે. તમે કહો છો કે ” જ્યારે કોઇ નીચલા સ્તરનીવ્યક્તિ પોતાની શક્તિથી ભારતનો વડાપ્રધાનનો હોદ્દો મેળવશે ત્યારે ભારતમાં ખરી આઝાદી આવી ગણાશે”.

      આમાં ‘પોતાની શક્તિથી” એ ગાંધીજીએ કહ્યું હોય એમાં શંકા છે. એ તો જાણતા જ હતા કે એ વખતની (અને આજની સ્થિતિમાં પણ ) કોઈ દલિત “પોતાની શક્તિથી” દેશનો વડો પ્રધાન ન બની શકે. એમનો કહેવાનો અર્થ એ જ હતો કે એક દલિત પણ વડા પ્રધાન તરીકે સ્વીકાર્ય બને એવી માનસિકતા ઊભી થવી જોઈએ.

      Like

  4. સમાજ વિભાજિત હશે તો સાહિત્ય પણ વિભાજિત હશે જ. આજ સુધીનું સાહિત્ય ઊંચા પ્રકારનું હોય તો પણ એ ઉચ્ચ વર્ગનું સાહિત્ય હતું. શું એમાં ગાંધી યુગ (વાર્તા ‘ખેમી’)થી પહેલાં સમાજના નિયમો વિશે છણાવટ થતી હતી? પહેલાં સ્થિતિ એ હતી કે સમાજનો એક ચોક્કસ વર્ગ જ સાહિત્ય સુધી પહોંચી શક્યો હતો. છેક હમણાં સુધી સ્થિતિ એ હતી કે સાહિત્ય પર એ વર્ગનો ઇજારો હતો. એ વર્ગ જેને સાહિત્ય કહે તે સાહિત્ય અને જેને સાહિત્યકાર કહે તે સાહિત્યકાર – એવી સ્થિતિ હતી.

    સામાન્ય રીતે આપણે જે ચર્ચાઓ કરતા હોઈએ છીએ તેમાં અમૂર્ત ખ્યાલોને બહુ મહત્વ આપીએ છીએ, જાણે એ ખ્યાલ આકાશમાંથી ટપક્યો હોય. ‘સાહિત્ય’ની વ્યાખ્યા આકાશમાંથી નથી ટપકી, સમાજમાં જ વિકસી છે. આપણી ચર્ચાઓમાં આ કારણે ઐતિહાસિક દૃષ્ટિ નથી હોતી. ખરો વિચાર તો એ હોત કે ‘દલિત સાહિત્ય’ જેવી નવી વ્યાખ્યા કેમ પેદા થઈ? આનાં કોઈ સામાજિક કારણો છે?

    આપણા સાહિત્યમાં સામાજિક સંદર્ભો કેટલા મળે છે? સારામાં સારા લેખકોની રચનાઓ વ્યક્તિગત દ્વન્દ્વ અને મધ્યવર્ગીય વિસંવાદો અને વિષાદોની કહાની બની રહે છે. ક્યાંય સમાજની પ્રવર્તમાન સ્થિતિ્નું પ્રતિબિંબ જોવા નથી મળતું..

    દલિત સાહિત્યકારો જે નવી વિભાવનાઓ, બિંબો, વેદનાઓ અને યાતનાઓ લઈને આવે છે તે વ્યથાને કદી કહેવાતા સાહિત્યમાં સ્થાન મળ્યું છે? મુખ્ય ધારાનું સાહિત્ય વ્યક્તિવાદી બની ગયું છે. સમાજને નજર સમક્ષ રાખીને વાંચનાર કોઈ પણ માણસને એ સંતોષ આપી શકે તેમ નથી. બીજી બાજુ દલિતો દ્વારા રચાયેલા સાહિત્યમાં વ્યક્તિગત અનુભવો હોવા છતાં એના સામાજિક સંદર્ભોની મુખ્ય ભૂમિકા રહે છે. મુખ્ય પાત્ર પરવશ છે, એ હીરો નથી. એ ઘટનાઓને આકાર નથી આપતો, ઘટનાઓ એને આકાર આપે છે. અને આ ઘટનાઓ વિચારજગતના દ્વન્દ્વોમાંથી પ્રગટતી નથી. સામે મોં ફાડીને ગરજતા રોજના યથાર્થમાંથી જન્મે છે.

    આને દલિત સાહિત્ય ન કહેવું હોય તો ભલે એને “સામાજિક સાહિત્ય” નામ આપો. એ કલા ખાતર કલા તરીકે નથી રચાતું, ભાષાની ચમત્કૃતિપૂર્ણ પ્રયોગો સાથે આપણો સાક્ષાત્કાર કરાવવા માટે નથી કહેવાતું…એ તો “હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ”ની વાચા છે સાહિત્ય એનું માત્ર વાહન છે, તેથી વિશેષ કશું નહીં.અમેરિકામાં પણ બ્લૅક સાહિત્ય, બ્લૅક ફિલ્મો પણ છે. દરેક દલિત અને વંચિત પ્રજાએ અભિવ્યક્તિનાં પરંપરાગત સાધનો વાપરતી વખતે ઉન્મુક્તિનો ઉદ્દેશ સામે રાખ્યો છે, એટલે જ હું તો ઝવેરચંદ મેઘાણીના સાહિત્યને પણ દલિત સાહિત્ય કહેવાનું યોગ્ય માનીશ અને ફ્રાન્ઝ ફૅનનની The Wretched of the Earth વાંચવાની ભલામણ કરીશ.

    વિસ્તાર થયો છે તો ક્ષમા કરશો.

    Like

  5. જ્ઞાતીસુચક શબ્દ સાહીત્યના પ્રકારમાં વાપરવામાં આવે એ ખરેખર મને તો આશ્ચર્યજનક અને બીલકુલ અનુચીત લાગે છે. અમેરીકામાં બ્લેક સાહીત્ય કે બ્લેક ફીલ્મો હોવાનું કારણ ત્યાં વર્ષો પહેલાં જે જાતીભેદ હતો તે સમયની અસર કદાચ હશે. આથી એને યોગ્ય તો ન જ કહી શકાય.
    સમયોચીત સુંદર લેખ. હાર્દીક અભીનંદન અને આભાર.

    Like

  6. દલિત સાહિત્ય અમેરિકાનું હોય કે હિન્દુસ્તાનનું હોય ખરેખર સવાલ તો એ પૂછવાનો હોય કે આ કાળી કે દલિત અભિવ્યક્તિ શું છે? નહી કે એને દલિત કે બ્લેક શા માટે કહેવાયું અને કોણે આ સંજ્ઞા પ્રયોજી હતી !! હયાતીનો આફ્રિકન-અમેરિકન વિશેષાંક થયો,સળંગ અંક ૫૭
    સપ્ટેમ્બર ૨૦૧૧,તેમાં દલિત અભિવ્યક્તિ લેખ મૂક્યો છે જ્યાં આ જ ચર્ચા થઈ હતી,ત્યાં મેં જણાવ્યું હતું અંતે કે પોતાની ધરતીથી દૂર ખસી ગયેલો માણસ કાળી અભિવ્યક્તિ છે અને પોતાની સામાજિક ઓળખમાંથી ખસી ગયેલો માણસ દલિત અભિવ્યક્તિ છે.

    Like

    1. તમારો “દલિત અભિવ્યક્તિ” પ્રયોગ સારો લાગ્યો. પરંતુ સાહિત્યના મઠાધીશો ‘અભિવ્યક્તિ’ને ‘સાહિત્ય’ કરતાં ઊતરતી દેખાડવા માટે નવી નવી વ્યાખ્યાઓ ઘડી કાઢશે અને મોટી ચર્ચાઓ શરૂ થઈ જશે કે “અભિવ્યક્તિ સાહિત્ય ક્યારે બને?”

      બધું આ દુનિયામાં Haves નક્કી કરે છે, Have-nots માત્ર પાછળ ઘસડાય છે. એટલે આજ સુધી બ્રહ્મ-સાહિત્ય ચાલ્યું તો હવે નવજાગરણનું ‘દલિત સાહિત્ય પણ ચાલવા દો. યાદ રાખીએ કે ‘બ્રહ્મ-સાહિત્ય’ જેવો શબ્દ અસ્તિત્વમાં નથી આવ્યો તેનું કારણ એ કે એ taken for granted હતું. સવાલ તો હવે ઊભો થયો છે.

      Like

  7. IF AISHWARYA RAI WOULD HAVE BEEN DALIT AND IN INDIA SHE NEVER WOULD HAVE WON THE BEAUTY CONTEST. we totally forget that this caste system is only prevalent in Hindu society – which is irrevocable and unerasable. Wise people try to erase the identity of the marginalized people by such futile attempts of creating such uproar. Let Have nots have something to hold on Mr. Panchal.
    comments from Dr. Pradip I. Martin. Surat. 9426104471.

    Like

    1. ડૉ. પ્રદીપભાઈ,
      સીમાડે રોકી રખાયેલાં વસુંધરાનાં દવલાં જણની કદી આઇડેન્ટિટી હતી જ નહીં. બધું શાંતિથી ચાલતું હતું. એક વાલિયો લુંટારો વાલ્મીકિ બની ગયો એ વાત સમાજની ન્યાયનીતિના ઉદાહરણ તરીકે ટાંકવામાં આવે છે. ખરેખર જ વાલિયો વાલ્મીકિ બન્યો હોય તો પણ એના પરથી સમાજનું વાસ્તવિક ચિત્ર ન મળી શકે. એક આંબેડકરની પ્રતિભા પણ સમાજ સામેના સંઘર્ષનું પ્રતીક છે, સમાજની ઉદારતાનું નહીં. સમગ્ર જનચેતના જાગે ત્યારે આઇડેન્ટિટી બને છે અને હવે બનવા લાગી છે. તકલીફ જ એ છે ને!

      Like

  8. ગુજરાતી સાહિત્યમાં આવું ડિંડક ચાલે છે આજ ખબર પડી. “દલિત સાહિત્ય”નૂ નામ આજે સાંભળ્યું. શું એક આખી જાતિને હંમેશને માટે લઘુતાગ્રંથીમાં ધકેલી દેવી છે ? આ લેખના લેખકે દલિતોને છાતી તાણીને ઉભા થવાની હાકલ કરી છે. અહીં તો સાહિત્યકારોમાં જ ભેદ ? કોઇએ બક્ષી સાહેબ ની વાત કરી, એતો બધાને ઠંઠોરે એવા હતા, તો પછી કેમ ચાલુ રહ્યુ ?

    Like

  9. Right.Idea must have come from Marathi, where there is a specific genre of Dalit literature.Maharshtra has been hot bed of dalit politics too.Gujarat,Gujaratis and Gujarati literature should steer clear of such artificial divisions.Gujaratis don’t find any difference between poetry of Kishan Sosa or Krushna Dave or Krishna of Dwarka! Let us keep it that way.Those trying to introduce so called dalit literature are doing disservice to Gujarat.

    Like

  10. Very good Discussion, indirectly a Reflection of our Ancient tradition of “Varnasharam’ since Vedic Times. India is a Hotbed of Irrational Division of Society. Since ancient times, we have remained Divided, Never United. Our History is the Proof (of Pudding, is in the Eating).

    The World is Suffering on account of this Man-Made Division. Racism and Fanaticism of Religions prevail even now, in the Scientific and Technological World. It is the Human Nature to Create Superior and Inferior People. It is the Arrogance of The Mightier over The Suppressed. The “CLASS” Society has taken different route in Politics – Rich & Poor, Upper & Lower, Educated and Uneducated, White & Black/Yellow/Wheatish, etc.

    The Modern World is Changing the Terminology – European, Asian, African, Chinese, Japanese, etc. Division for Recognizing the Difference may be acceptable, Not the Level, e.g. Upper & Lower, Superior & Inferior, etc.
    Division may remain, but Dividedness is Not acceptable.

    Fakirchand J. Dalal
    U.S.A.
    Friday, February 22, 2013

    Like

  11. મિત્રો,
    મને ખુશી છે કે હુ હવે ગુજરાતી લખવાનુ શરૂ કરી રહ્યો છુ. ભૂલચુક માફ કરજો.
    વઘુ હવે પછી.
    આભાર.
    અમરત હઝારી.

    Like

  12. ઉતમભાઇ ગજજર તમારો આભાર. ગુજરાતી શીખવવા માટે.
    અમરત હઝારી.

    Like

    1. વહાલા અમૃતભાઈ,

      તમે ગુજરાતીમાં લખવાનું શરુ કર્યું તેનો આનન્દ અને ગૌરવ….

      અંગ્રેજીમાં કૉમેન્ટ લખતાં સર્વ પ્રતીભાવકમીત્રોને વીનન્તી કે તમે ગુજરાતીમાં ટાઈપ કરતા શીખી જાઓ ત્યાં સુધી માન. ઉત્તમભાઈ ગજ્જર તમને લખતાં શીખવશે… નીચે દર્શાવેલ ફોન/મેઈલ આઈ.ડી. પર તેઓનો સમ્પર્ક કરવા વીનન્તી છે.

      ધન્યવાદ…

      Uttam & Madhu Gajjar,
      53-Guraunagar, Varachha Road,
      SURAT-395 006 -INDIA
      Phone : (0261)255 3591
      eMail : uttamgajjar@gmail.com
      Webpages : https://sites.google.com/site/semahefil/
      & http://lakhe-gujarat.weebly.com/

      –ગોવીન્દ મારુ

      Like

  13. મોટાઓ(દિગ્ગજો) પોતાની લીટીને લાંબી દેખાડવા સામેનાની લાંબી થતી લીટીને નાની દેખાડવા ગમે તે હદ સુધી જતા હોય છે !. જે કદાચ માનવ જીવનનુ નગ્ન સત્ય !!
    શ્રીદિનેશભાઇને આ વાત ખુબ જ અસરકારક રીતે રજુ કરવા બદલ ,ધન્યવાદ!!!

    Like

  14. દલિત શબ્દ જ ડિક્ષનેરીમાંથી કાઢી નાખવો જોઈએ. જ્યાં સુધી એક કોમને દલિત તરીકે ઓળખ્યા કરીશું ત્યાંસુધી કોઈ ફરક પડવાનો નથી.

    Like

      1. ના… માણસ એટલે માણસ. બાકી શબ્દો નાં રાજકારણ નો કોઈ અંત જ નહિ આવે.

        Like

  15. શ્રી દિનેશભાઈ પંચાલ અને શ્રી ગોવિંદ મારૂ નો ઘણો ખૂબ ખૂબ અભાર. આ તો જાણે મારાં દિલની વાત નો જ પડઘો હોય તેવો લેખ છે અને એકદમ અસરકારક રીતે લખાયેલો છે. આ જ વાત મારા બ્લોગ પોસ્ટ પર તા: 2જી ફેબ્રુઆરી 2010 માં લખી હતી.
    બ્લોગ પોસ્ટ:- http://dumasia.wordpress.com/2010/02/02/what-is-dalit-saheetya/

    Like

  16. Ideally, the “last name” and all possible references to castism should be eradicated from Indian systems. However, who would like to do that? Unfortunately, “divide and rule” continues to work well fo many folks.

    Like

    1. @ Mehul Bhai…

      ખરેખર રાજકરણીઓએ શબ્દોની રમત રમી સાહીત્ય અને સાહીત્યની કલમને ભુઠી બનાવેલ છે….

      Like

      1. @ Mehul Bhai …..

        ખરેખર તો રાજકરણીઓએ શબ્દોની રમત રમી સાહીત્ય અને સાહીત્યની કલમને બુઠી બનાવેલ છે….

        Like

  17. ભારત અને અમેરિકા બંનેમાં દલિતો છે….અમેરિકાના દલિતોના મસીહા માર્ટીન અને ભારતમાં બાબાસાહેબ છે. અમેરિકામાં નીગ્રો\બ્લેક નું આગવું સાહિત્યિક સ્થાન અપાયું છે જેને “Black Literature” કહેવાય છે……તો ભારતમાં દલિતોના સાહિત્યને નામકરણ આપવામાં તમારા પેટમાં કેમ ચૂક આવે છે ?!! શું તમે જાતીવાદી તો નથી ને?

    Like

  18. दलित कविता दलित समाज की समग्रतम पीड़ा स्‍वानुभूति है। जो परंपरा से चली आ रही मिथकीय चेतना को तोड़ती है। स्‍वयं के नए शिल्‍प को गढ़ता है।

    Like

  19. લેખમાં બહુ સુંદર છણાવટ કરી છે. બહુ સુંદર અને સમજવા જેવો લેખ છે

    Like

  20. જ્યારે કોઇ પણ માણસ દલીત શબ્દ બોલે છે ત્યારે જ બિચારા ,કચડાયેલા એવો ભાવ દેખાઇ આવે છે જેથી અન્ય કોઇ શબ્દ વાપરવો જોઇએ એઓ મારો અંગત અભેપ્રાય છે

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s