ભગવાનની ટ્રાન્સ્ફર

–કલ્પના દેસાઈ

એક છાપામાં ભગવાન ઘર બદલે છે એવા સમાચાર વાંચી મને ફાળ પડી. અરેરે ! ભગવાનને ઘર બદલવાની જરુર પડી ? શું ભગવાનને સગવડો ઓછી પડી ? છપ્પન ભોગના બદલે ચાલીસ–પચાસ ભોગમાં સમજાવી દેવાયા ? નદીઓનાં નીર ઓછાં પડ્યાં ? (આ વખતે તો બાકી પાણીની રેલમછેલ છે !) દુધ, દહીં, ઘી, પંચામૃત કે પછી ચન્દનના લેપમાં ભેળસેળથી કંટાળ્યા ? સોનાના હીરાજડીત છત્તર અને ચાંદીનાં પારણાં કે સીંહાસન જોઈ જોઈને આંખે અંધારાં આવવા માંડ્યાં ? કે પછી, ઝગારાથી આંખો મીંચાયેલી રહેવા માંડી ? ભક્તોના ભાવમાં ક્યાં ખોટ પડી કે ભગવાને ઘર બદલવાનો નીર્ણય કર્યો !

એ તો પછીથી ખબર પડી કે, ભગવાન તો ‘ભાવ’ના જ ભુખ્યા હોય એ વાત ભક્તો વીસરી ગયા, એટલે ભગવાન મોંઘા ભાવની ચીજવસ્તુઓના ઢગલામાં ભક્તોનો ‘ભાવ’ શોધતા રહી જાય અને નારાજ થાય તે પહેલાં એમની ટ્રાન્સ્ફર કરી નાંખો ! ભગવાનને પુછવાની તો જરુર જ શી ? એમ પણ ‘ટ્રાન્સ્ફર’ શબ્દમાં ‘સફર’ છે. એટલે જેની ટ્રાન્સ્ફર થાય તેણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ‘સફર’ કરવાની ને જગ્યા બદલવાથી જે કંઈ માથે પડે તે ચુપચાપ ‘સફર’ કરવાનું – ફેમીલી સહીત. ભગવાનને તો ફેમીલી જેવું કંઈ હોય નહીં ! એમને તો ભક્તો જ્યાં અને જેમ રાખે તેમ રહેવાનું ! (‘રામ’ રાખે તેમ રહીએ, એ વાત ભુલી જવાની.)

ભક્તો બીચારા ભોળા ને ભાવુક તો ખરા જ ! જ્યાં મન થયું ત્યાં નાનકડું દેરું ઉભું કરી દે. એટલે થોડા દીવસોમાં ત્યાં ભક્તોની ભીડ જામવા માંડે. જાણ્યા–મુક્યા વગર ને સમજ્યા વગર : ‘આ શેનું દે’રું છે ને અચાનક જ ભગવાન અહીં ક્યાંથી પ્રગટ થયા !’ તે કંઈ નહીં; બસ, બધા જાય છે માટે આપણે પણ ચાલો. બધા નાળીયેર ફોડે છે; આપણે પણ રસ્તાની કોરે કે ફુટપાથ પર કચરાના ઢગમાં વધારો કરો. ટ્રાફીક અટકે છે; કંઈ વાંધો નહીં. ‘જોતાં નથી, ભક્તો વાંકા વળીને પગે લાગે છે ? બીજી ગલીમાંથી નીકળી જાઓ. નહીં તો, આરતી થાય ત્યાં સુધી રોકાઈ જાઓ.’ આખા ગામમાં એક મન્દીર બહુ થઈ ગયું. ગલીએ ગલીએ અને ફુટપાથે ફુટપાથે, ભગવાનને સતત ટ્રાફીકના ઘોંઘાટમાં કેમ હેરાન કરવાના ? ‘ભઈ, શ્રદ્ધાની વાત છે. જ્યાં પ્રભુ પ્રગટે ત્યાં નાનકડું તો નાનકડું પણ મન્દીર બનાવીએ તો જ આ દુનીયા ટકી જશે. તમે શું સમજો ?’

પ્રભુ વધારેમાં વધારે દર્શન પણ શ્રાવણ મહીનામાં જ આપે, બોલો ! ભલે મોંઘાં તો મોંઘાં; પણ લોકો શાકભાજી તો લાવશે જ. લાવશે તે ખાવા માટે નહીં; પણ સાચવીને કાપવા માટે ! નસીબ જો જોર કરી જાય તો, કોઈકના ઘરે ટામેટાંનાં બીમાં કે વેંગણનાં બીમાં અથવા કંદ–સુરણ કે બટાકાના કોઈક આકારમાં ભગવાનના દર્શન થઈ જાય, શી ખબર ? ગયા સોમવારની જ વાત છે. મારી પાડોશણ અચાનક મારા ઘરે આવી ચડી.

‘આ જુઓ, શું છે?’

‘વેંગણ.’

‘ના, બરાબર જુઓ.’

‘વેંગણનું ફાડચું.’

‘એમ નહીં; ધારીને જુઓ.’

વેંગણના ફાડચામાં ઈયળ ફરતી હશે અને કોઈક નવી જાતની ઈયળ હશે, કે પછી ઈયળનાં ઈંડાં દેખાતાં હશે અથવા તો કોઈ નવી જાતનું જ કંઈ જીવડું–બીવડું નીકળ્યું હશે તે બતાવવા મને આવી હશે, એમ સમજીને મેં એક જુનો પુરાણો, સંઘરી રાખેલો બીલોરી કાચ કાઢીને ધારીને જોયું. વેંગણે એનો સફેદ રંગ છોડવા માંડેલો અને આછો કથ્થઈ રંગ પકડવા માંડેલો એટલું મને તો સમજાયું.

મેં કહ્યું, ‘વેંગણ હવે કથ્થઈ થવા માંડ્યું છે, એમ જ ને ?’

‘ભગવાન.. ભગવાન ! તમને આમાં નાગ નથી દેખાતો ?’

‘આમાં ? વેંગણમાં નાગ ! ક્યાં છે ?’

‘જુઓ, આ બીયાં છે ને તેને ધારીને જુઓ. નાગનો આકાર છે કે નહીં ?’

મેં બીયાંને ધારી ધારીને જોયાં. મને તો ક્યાંય પણ નાગ તો શું, અળસીયું પણ દેખાયું નહીં. મેં નીરાશાથી એમની સામે જોયું. એ નારાજ થઈને ઉઠીને મારે ત્યાંથી જતાં રહ્યાં. બીજા દીવસે મેં છાપામાં મારી પાડોશણનો ફોટો જોયો. હાથમાં ટ્રૉફીની જેમ વેંગણનું ફાડચું બધાંને બતાવતાં હોય એમ ઉભાં રહીને ફોટો પડાવેલો ! એમની સામે લાઈનમાં પંદર–વીસ ભક્તો હાથ જોડીને ઉભેલા ! પાડોશણ ખુશ હતી કે, એનો છાપામાં ફોટો આવ્યો અને એના ઘરે વેંગણમાં નાગદેવતાનાં દર્શન થઈ ગયાં. હવે નાગદેવતા પ્રસન્ન થઈને શું કરશે ? કોણ જાણે ! હું ખુશ હતી કે, ચાલો આ બહાને પાડોશણ ખુશ હતી. બીજાના સુખે સુખી રહેવાનું, ભાઈ !

આ ભગવાન પણ અજબ છે ! ક્યાંથી ક્યાં ને કેવાં કેવાં સ્વરુપે દર્શન આપ્યે રાખે છે ! જો શાકભાજીમાં ને ફળોમાં જ દર્શન આપવાના હોય તો આ મન્દીરો–મસ્જીદો–ગુરુદ્વારા અને ચર્ચોના ભગવાન ક્યાં જશે ? સાંભળ્યું છે કે, પરદેશમાં તો ભગવાન ઈસુ મન્દીર માટે થઈને પોતાનું ઘર ખાલી કરી આપે છે ! ભગવાનોમાં પણ અન્દર અન્દર કેટલો સમ્પ છે ! એમની ત્યાગભાવના કેટલી વીશાળ છે ! શું એ વાત માનવામાં આવે કે, ભગવાનને સોના–ચાંદી અને રુપીયા કે હીરામોતી જ પ્રીય છે ? મોટા મોટા મહેલો અને પ્રાસાદો સીવાય પ્રભુને ગમે નહીં ? ભગવાન જો બોલતા હોત તો, એમના ઘરને બદલે સ્કુલો, હૉસ્પીટલો અને ગરીબોનાં નીવાસસ્થાનો ના બંધાયાં હોત ? પણ એ ભગવાને સમજવાનું છે કે આપણે ? તમે વીચાર કરતા થાઓ એટલે હું જરા આ મન્દીરના ડોનેશનમાં મારા તરફથી પાંચસો ને એક લખાવી દઉં. બધા આપે છે ને હું ના આપું, તો કેટલું ખરાબ દેખાય ?

                           –કલ્પના દેસાઈ

સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકની ‘સન્નારી’ પુર્તીમાં વર્ષોથી કલ્પના દેસાઈની લોકપ્રીય હાસ્ય–કટારજીન્દગી તડકા મારકે’ પ્રગટ થતી રહે છે. તેમાં શનીવાર, 24 ઓગસ્ટ, 2013ના અંકમાં પ્રકાશીત થયેલો એમનો આ લેખ, લેખીકાના અને ‘ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…

(‘લપ્પન–છપ્પન’, ‘ચાલતાં ચાલતાં સીંગાપોર’ અને ‘હાસ્યાત્ સદા મંગલમ્’ જેવાં પુસ્તકોનાં આ લેખીકાનું, હાલ જ એક નવું પુસ્તક પ્રકાશીત થયું : ‘Punch ત્યાં પરમેશ્વર’ (પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદgoorjar@gmail.com  મુલ્ય : રુપીયા –૧૨૫/– )

લેખીકા સંપર્ક:  કલ્પના દેસાઈ ‘ગુલમહોર’, ઉચ્છલ – 394 375 જીલ્લો: તાપી ફોન: (૦2628) 231123 સેલફોન: 99094 28199 ઈ–મેલ : kalpanadesai.in@gmail.com

 ‘રૅશનલવાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: Govind Maru, 405, Krishna Apartments, B Wing, Opp. Balaji Garden, Sector 12 E, KOPARKHAIRNE, Navi Mumbai – 400709 સેલફોન: 80975 50222 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 11/10/2013

 

22 Comments

  1. આટલી હળવાશથી રજૂ કરી વાંચકોને વિચાર કરતા કરી મૂકવા, એ એક કળા છે.
    કલ્પનાબેન ને અભિનંદન.

    આસ્વાદ કરાવવા માટે આભાર.

    – સુરેશ શાહ, સિંગાપોર

    Like

  2. હે લોકો,
    હું જે કાંઇ કહું તે પરંપરાગત છે એમ જાણી ખરું માનશો નહીં. તમારી પુર્વપરંપરાને અનુસરીને છે એમ જાણી ખરું માનશો નહીં. આવું હશે એમ જાણી ખરું માનશો નહીં……………….
    પણ તમારી વિવેબુદ્ધિથી મારો ઉપદેશ ખરો લાગે તો જ તમે તેનો સ્વીકાર કરજો.
    –ગૌતમ બુદ્ધ.
    ( ભગવાન બુદ્ધ નહીં….ગેરસમજ કરવી નહીં )

    વિવેકબુદ્ધિ એટલે શું ?
    તે વેચાતી ક્યાં મલે ?
    તેનો આસરે ભાવ શું હોય છે ?
    ચોખ્ખી મળે કે ભેળસેરવાળી પણ મલે. ?
    ભેળસેળના પરસંતેજ કેટલાં ? અસરકારક પ્યોરીટી કેટલાં ટકાવાળી કહેવાય. ?
    અગત્યનો સવાલ : તે સરકારી કાયદાથી પાબન્દ છે ? કે કાળાબજારમાં પણ મલે છે ?
    અને……..અને……….

    અમૃત હઝારી.
    ઇઝલીન, ન્યુ જર્સી, અમેરીકા.

    Like

  3. ચાલો ટ્રાન્સ્ફર તો ટ્રાન્સફર.

    પત્થરથી રીંગણાં સુધીની સફર….

    કલ્પના દેસાઈએ જેવીરીતે ટ્રન્સ્ફર કરેલ છે એમ હવે ભગવાનને જીવનમાંથી ડીસમીસ કરવા વીનંત્તી.

    Like

  4. ભારતમાં વેંગણના બીજમાં નાગ દેવતા દેખાય તે નવું નથી. પકિસ્તાનમાં આ પહેલા વેંગણના બીજમાં પયગંબર સાહેબનું નામ દેખાયાના ઘણા બનાવો બની ચુક્યા છે.

    “ઝુકતી હે દુનિયા, ઝુકાનેવાલા ચાહિયે” તે આનું નામ.

    કાસીમ અબ્બાસ

    Like

  5. very fine! where you have travelled even without Passport/Visa have reached u.s.a.
    in my previous mail have wrttien some thing pl ignore it.
    my coump has cahnged the format and have studiy it and then follow.Sorry more the misunderstanding.

    Like

  6. કેમ છો ? કલ્પનાબેન આરીતે મળવાની કલ્પના પણ નહતી..
    તમારો લેખ વાંચ્યો.અગાઉ મેં ‘રીગણ ને નજર લાગે ?’નામનું ચર્ચાપત્ર લખ્યું હતું.વાચ્યું હશે. હવે, હું પણ,આ વિભાગમાં જોડાયો છું.ઉત્તમ ભાઈ ની મહેરબાની થી..

    Like

  7. Incidents to fool ….with Labh to someone !
    પણ એ ભગવાને સમજવાનું છે કે આપણે ? તમે વીચાર કરતા થાઓ એટલે હું જરા આ મન્દીરના ડોનેશનમાં મારા તરફથી પાંચસો ને એક લખાવી દઉં. બધા આપે છે ને હું ના આપું, તો કેટલું ખરાબ દેખાય ?
    Your Words “BhagvanNe SamjavaNu chhe”.
    I like that, Kalpanaji !
    I always disagree with those who claim the that THERE IS NO GOD.
    I also disagree with those whose BELIEF in GOD is based on ANDHSHRADHDHA.
    You give an example of the Andh-Shradhdha !
    God is WITHIN & God is EVERYWHERE….but this needs the FAITH & the PATH of TRUTH.
    Kalpanaji…Hope you are inspired to write MORE 1

    DR. CHANDRAVADAN MISTRY

    Like

  8. બહુ જ સુંદર કટાક્ષોથી ભરપુર લેખ લખવા અને બ્લોગ પર મુકવા બદલ કલ્પનાજીને અને ગોવીન્દકુમારને અભીનંદન. આપણને તો નવા મંદીરો માટે જ નહીં પણ નવા ભગવાનોને ઉત્તપન્ન કરવા માટે નોબેલ પ્રાઈઝ મળવું જોઈએ. મઝા આવી ગઈ – મરક મરક હાસ્ય માટે આભાર.

    Like

  9. લેખની ટ્રાન્સ્ફર આ બ્લૉગમાં થવાથી મને તો સુંદર અભિપ્રાયોનો લાભ મળ્યો!
    આભાર સૌનો.

    Like

  10. “એમ પણ ‘ટ્રાન્સ્ફર’ શબ્દમાં ‘સફર’ છે. એટલે જેની ટ્રાન્સ્ફર થાય તેણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ‘સફર’ કરવાની ને જગ્યા બદલવાથી જે કંઈ માથે પડે તે ચુપચાપ ‘સફર’ કરવાનું – ફેમીલી સહીત. ભગવાનને તો ફેમીલી જેવું કંઈ હોય નહીં !”

    વાહ, ‘સફર’ શબ્દનો મજાનો શ્લેષ ! ગુજરાતી ‘સફર’ શબ્દે ‘મુસાફરી’ અને અંગ્રેજી ‘Suffer’ શબ્દે ‘સહન કરવું’ !

    ‘વેગુ’ ઉપરની તાજી જ મુલાકાત પછી અહીં અચાનક, કલ્પનાબહેન, ફરીથી આપની મુલાકાત થઈ જવાનો અનેરો આનંદ.

    વળી પ્રતિભાવકોમાં ‘વીકેવી’ભાઈ, કાસિમ અબ્બાસભાઈ કાલાવડવાળા જેવા મુક્ત વિચારકોનો અને અન્ય મિત્રોનો ‘ગોવિંદભાઈ’ના આ બ્લોગે ભેટો થઈ જવો એ પણ મારે મન ખુશનસીબીની વાત છે.

    રીંગણમાંની બિયારણ થકીની નાગની આકૃતિના આભાસની વાત ઉપરથી વર્ષો પહેલાં આ જ મતલબના કોઈક પ્રતિષ્ઠિત સામયિકમાં વાંચેલા લેખની યાદ આવી ગઈ. તેમાં પણ રીંગણના ફાડિયામાં પાકી ગએલા દાણાઓથી જે આકૃતિ ઉપસવાની વાત હતી, તેનાં ત્રણ અર્થઘટનો બતાવાયાં હતાં. વિશ્વના ત્રણ બહુમતી અનુયાયીઓ ધરાવતા ધર્મો પૈકીના ખ્રિસ્તીઓના ‘ક્રોસ’, મુસ્લીમોના અરબી શબ્દ ‘અલ્લાહ’ અને હિંદુઓના ‘ઓહ્મ’ જેવા આકારો થકી ત્રણેય ધર્મોના સમન્વયનો તેમાં નિષ્કર્ષ લાવી દેવામાં આવ્યો હતો.

    આ બધું જોગાનુજોગ તો હોય જ, સાથેસાથે જોનારની જેવી દૃષ્ટિ અને તેમાં ‘મનોમન સાક્ષી’ એવા ભાવનું મનોવિજ્ઞાન પણ ખરું જ.

    હળવી શૈલીએ લખાએલા આ લેખ બદલ કલ્પનાબહેનની કલ્પનાને અને તેમની અભિવ્યક્તિને અભિનંદન.

    Like

  11. હળવાશ અને કટાક્ષ, સુંદર સુમેળ.

    કોઈ બિચારે લખી લખીને લક્યો પ્રભુ પર કાગળ

    સરનામાંમા એમ લક્યું કે મંદિર મસ્જીદ આગળ

    ઠેકા સાથે પાછો આવ્યો સરનામું ના ઉકલ્યું છે

    ત્યારે મુજ્ને ખબર પડી ઈશ્વર તેં ઘર બદલ્યું છે

    Like

  12. Kalpanaaben actually brought valid point. It is not just in India that people visualize their BHAGWAAN in food, It is in USA as well, Not to long ago, Lady visualize “Mother Mary” on bread toast….. and then that piece of bread sold on Amazon for over thousand of US dollars.

    Why do we need Temple or Mosaic or Church? Why do we go to temple?

    My thoughts: Temple or Mosaic or Church are design to utilize as a “Medium” for human to socialize. Prayer can be done at any place. However, impact of prayer is all on base of what fashion you do it in. You do not go to Mall to do prayer, and if you do, impact would not be same. As far as lavishing “Chadhaavaa” or so called Prasaad is for us. As my Mama used to tell me that “BHAJAN ANE BHOJAN” ye be saathe j hoi chhe. Without Bhojan Human has no time to do Bhajan. This goes for any religion. So Temple or Mosaic or Church are necessary for social gathering. It is not important which form of GOD is sitting or standing their.

    I also notice that human when they are at their religious place, they always rush to do ‘Darshan’… I have always wonder why?

    Like

  13. ભગવાન ભાગવાનો નથી કારણકે ભગાડનાર કરતાં ભજનારાની જનસંખ્યા વિસ્તરતી જાય છે. દેશનાં મંદીરોમા વષે એકાદ વાર જનાર પરદેશમાં વસ્યા પછી વધુ આસ્તિક બનતો જાય છે.અને દર શનીવાર અને રવીવારે મંદેરે જવામાં માને છે. મંદીરો પણ વધી રહ્યાં છે.આ બધું ક્યાં જઇને અને ક્યારે અટકશે???????????

    Like

  14. This reminds me of the book I read few years ago. “The History of God” by Karen Armstrong. I liked the way she put it “God did not creat us, but we created God according to our economic needs. We have forgotten the crux of the matter, humanity, and emphasizing more on paripheral and rituals.” How true it is.
    Also I read another book “Ishawrno Inkar” by Narsinhbhaai Patel. This book is woth while to read. Remember Akha na Chhappa.
    Thank you for this article

    Like

  15. બધાજ વિષયો માટે કોલેજ છે પણ યોગ્ય કર્મ કાન્ડીઓ માટે નથી.આ લોકોને યોગ્ય શિક્ષણ આપી સર્ટીફિકેટ વિના કર્મકાંડો કરવાનો હક આપવો જોઈએ નહિ.

    Like

  16. આર્ટીકલનું નામ છે…’ભગવાનની ટરાન્સફર. ’ ભગવાનની બદલી…..મતલબ કે પબ્લીક સર્વિસમાં કોઇ અેક ડીપાર્ટમેન્ટમાં કામ કરતાં ભગવાનની બદલી અેજ પબ્લીક સર્વિસ ઓફીસના કોઇ બીજા ડીપાર્ટમેન્ટમાં કરવામાં આવી છે કે પછી કરવાનો વિચાર થઇ રહ્યો છે. મતલબ કે ભગવાનનાં કોઇ ઉપરી અઘિકારી આ કામ કરે છે.

    ભગવાન પબ્લીક સર્વિસમાં તો છે જ. પૃથ્વિ ઉપરનાં જીવનનું મેનેજમેન્ટ કહેવાય છે કે તે જ કરે છે. બીજા કોઇની આ કામમાં ચાંચ ડૂબતી નથી. તેમની બદલીના પ્રશ્ને પબ્લિક સર્વિસ ડીપાર્ટમેન્ટમાં આંઘાઘૂઘી ફેલાવી દીઘી છે. પોતાના બચાવમાં ભગવાને પોતે આપેલું વચન યાદ કરાવ્યુ…યદા યદા હિ ઘર્મસ્ય ગ્લાનીર ભવતી ભારત……સાથે સાથે તેમણે આજની ભારતની ચારે દિશાઓથી થયેલી દશાની પૂરી વિગતે સમજ પણ આપી.
    પરંતુ ઉપરી અઘિકારી મક્ક્મ રહ્યા છે.

    ટગ ઓફ વોર જેવી નાજુક પરિસ્થિતિ આજે પબ્લિક સર્વિસ ઓફીસમાં પ્રવર્તે છે. નારદજી જેવાં વકીલે પણ હાથ ઘોઇ નાંખ્યા છે.

    બ્રહ્મા, ઘી સર્જક, વિષ્ણુ, ઘી પાલક અને મહેશ, ઘી મારક ની મીટીંગમાં ૨૪ કલાકની હુંસાટુસી પછે નિર્ણય લેવાયો છે કે ( લીક થયેલી વાત છે ….ખરી ખોટીનું ચેકીંગ દરેક વાચકે પોતે કરી લેવું. ) છો ને પોતાને કરમે મરતાં…..સમજાવી સમજાવીને હવે તો થાક્યા…..મા બાપ જનમ આપે, મોટા કરે, પરણાવે….પછી પણ ???? હવે તો હદ થઇ છે.
    સૌને કહો કે કરમકી ગતી ન્યારી…..કરેલાં ભોગવો….

    મને ત્યારે ખબર પડી કે ઉંઘમાં મારી આ બકવાસ સાંભળીને મારી પત્નિઅે મારા મોં પર આઇસ ઠંડા પાણીનો છંટકાવ કર્યો……..

    Like

  17. મેં આવા તમામ ગતકડાંમાંથી મુક્તિ મેળવી લીધી છે. ભગવાન એ વળી શું? બેન, તમારા હળવા વિચારો ગમ્યા.
    @ રોહિત દરજી” કર્મ” , હિંમતનગર

    Like

Leave a comment