જ્ઞાન સાગરનું ઉંડાણ

–મુરજી ગડા

‘આપણે તો હજી જ્ઞાનસાગરના કીનારે છબછબીયાં કરી છીપલાં વીણી રહ્યા છીએ. એના ઉંડાણનો તાગ કોઈને નથી’

ત્રણસો વરસ પહેલાં થઈ ગયેલ ઉંચા ગજાના વૈજ્ઞાનીક આઈઝેક ન્યુટનના આ શબ્દો આજે પણ એટલા જ સાચા છે.

બાળક જ્યારે ભણવાનું શરુ કરે છે ત્યારે સૌથી પહેલાં એને એકડો શીખવાય છે. પ્રથમ વીષય ગણીતના પહેલા પાઠની આ શરુઆત છે. આગળ જતાં બાળક સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, ટકાવારી વગેરે શીખે છે. વર્ષો પહેલાં ગણીતનો વીસ્તાર આટલો જ હતો. આજે પણ મોટાભાગના લોકો માટે આનાથી વધુ જાણવું જરુરી હોતું નથી. એમની પુરી જીન્દગી આટલું ગણીત જાણવાથી વગર મુસીબતે પસાર થઈ જાય છે. વ્યાવહારીક ભાષામાં એમને ગણીત આવડે છે એમ કહેવાય છે.

વ્યવહારમાં પાયાનું ગણીત ભલે પુરતું હોય; પણ ગણીતનો વીષય તો એનાથી ઘણો વીશાળ છે. સરવાળા, બાદબાકી વગેરે અંકગણીત થયું, ગણીતની બીજી ઘણી શાખાઓ છે. હાઈ સ્કુલના પાઠ્યપુસ્તકોમાં વડીલો ડોકીયું કરે તો ગણીતના વીસ્તારનો વધુ ખ્યાલ આવે. આ તો એક અલ્પવીરામ માત્ર છે. કૉલેજમાં ગણીતનો વીષય લઈ ગ્રેજ્યુએટ થઈ શકાય છે. આગળ જતાં ગણીતમાં પીએચ. ડી. થઈ શકાય છે. તેઓ પણ સમ્પુર્ણ ગણીત જાણે છે એમ નથી હોતું.

મોટાભાગના લોકો માટે પાયાનું ગણીત પુરતું હોય તો આટલા બધા ગણીતની જરુર ખરી ? હા છે. જરુરત એ શોધની જનેતા છે. જરુર ન હોય તો ગણીત આટલું વીકસ્યું ન હોત. વીકસીત ગણીત, એડવાન્સ્ડ મેથેમેટીક્સ, વીજ્ઞાનનો પાયો છે. વીજ્ઞાન ટૅક્નૉલૉજીનો પાયો છે. ટૅક્નૉલૉજી આપણા વીકાસના પાયામાં છે. એના વગર આપણાં રહેવાનાં ઘર, પહેરવાનાં કપડાં, રોજીન્દા વપરાશની હજારો વસ્તુઓ, આરોગ્ય માટે જરુરી દવાઓ વગેરે કંઈ ન હોત.

માત્ર સરવાળા બાદબાકી વગેરે જાણનારને ગણીત આવડે છે એમ કહેવાય છે. જ્યારે વર્ષો સુધી વધુ ગણીત ભણનાર પણ નીષ્ણાત નથી ગણાતા. પરસ્પર વીરોધી લાગતાં આ બન્ને વીધાનો પોતપોતાની રીતે સાચાં છે. ગણીતની વાત આટલા વીસ્તારથી કરવાનું કારણ એ છે કે તે આપણા વેપારી સમાજના શ્વાસમાં હોવા છતાં; સામાન્ય માણસને એના વીસ્તારનો પુરો ખ્યાલ નથી. બીજા વીષયોની વાત તો બાજુએ રહી.

ગણીત એ જ્ઞાનસાગરનો એક વીષયમાત્ર છે. આજે દુનીયાની મોટી યુનીવર્સીટીઓમાં સો–સવાસો જેટલા અલગ વીષયોમાં ડીગ્રી લઈને ગ્રેજ્યુએટ થઈ શકાય છે. આ બધા વીષયોનાં પાઠ્યપુસ્તકો ભેગાં કરીએ તો લાયબ્રેરી બની જાય. પાઠ્યપુસ્તકો ઉપરાંત દરેક વીષયની કેટલીયે રેફરન્સ બુક્સ હોય છે જે વીશેષ માહીતીથી ભરપુર હોય છે. ડૉક્ટર, વકીલ, એન્જીનીયર વગેરે આ વાતને  સારી રીતે જાણે સમજે છે. બધા જ વીષયોનું જ્ઞાન સતત ઉંડું અને વીસ્તૃત થઈ રહ્યું છે.

માનવસમાજનું આ જ્ઞાન અવલોકન (observation), અર્થઘટન (interpretation), વીશ્વલેષણ (analysis), ચીન્તન (thinking), પ્રયોગ (experimentation) અને ક્યારેક વીસ્તૃતીકરણ (extrapolation)ના સંયુક્ત માર્ગે આવ્યું છે. માત્ર ચીન્તન કરવાથી કે ધ્યાન ધરવાથી બધું જ્ઞાન આવી જતું નથી.

આજથી અઢી હજાર વરસ પહેલાં જાગૃતીનો એક સમય આવ્યો હતો. ત્યારની બધી જ સંસ્કૃતીઓએ જ્ઞાનની બાબતમાં હરણફાળ ભરી હતી. જો કે ત્યારની એમની કોશીશ નૈતીકતા અને તત્ત્વજ્ઞાન પર વધુ કેન્દ્રીત હતી. તે સમયની એ માંગ હતી. અન્ય વીષયો પર માત્ર અછડતું ધ્યાન અપાયું હતું. ત્યાર પછીનું ફોકસ મુખ્યત્વે કળા અને સાહીત્ય જેવા વીષયોમાં હતું.

દરેક પ્રાચીન વીચારધારાના સાહીત્યમાં આ લોકનું જે પણ જ્ઞાન છે તે આજની સરખામણીમાં સાવ ઓછું હતું એમ કહેવામાં જરા પણ અતીશયોક્તી નથી. ત્યારનું મોટાભાગનું સાહીત્ય ભક્તી, પ્રાર્થના, જપ–તપ, નીતી, સમાજશાસ્ત્ર, મહાપુરુષોનાં જીવનચરીત્ર, દૃષ્ટાંતકથાઓ વગેરે વીશે હતું. મારા લેખોમાં આવી બાબતોની ચર્ચા થતી નથી. જે વીષયોની ચર્ચા થાય છે એ વીષય છે ઈતીહાસ, ભુગોળ, ખગોળ, વીજ્ઞાન વગેરે. પૌરાણીક સાહીત્યની આ વીષયોને લગતી માહીતીનો, આજનાં તારણો સાથે વીરોધાભાસ છે. આ બેમાંથી સાચું શું છે એ ત્યારે નક્કી થાય જ્યારે બન્ને બાજુની જાણકારી હોય. પ્રાચીન માન્યતાઓને આજના વીસ્તૃત જ્ઞાનસંદર્ભમાં મુલવવાની જરુર છે. આ વાત ફરી એક વાર કરી છે કારણ કે એ જ વાત ફરી ચર્ચામાં આવતી રહે છે.

કોઈ વીષયનો અછડતો ઉલ્લેખ એક વાત છે, જ્યારે ઉંડાણમાં એનું જ્ઞાન હોય એ સાવ અલગ વાત છે. વીષયના ઉંડાણની અગત્ય, લેખની શરુઆતમાં ગણીતના ઉદાહરણથી સમજાવી છે. પાણી તળાવમાં હોય છે, નદીમાં હોય છે અને દરીયામાં પણ હોય છે. એમના જથ્થા, ઉંડાણ અને ઉપયોગમાં ફરક છે. તળાવનું પાણી મર્યાદીત હોઈ સ્થાનીક ઉપયોગનું છે. એ સુકાઈ શકે છે. જ્યારે દરીયાનું પાણી પોતાની ખારાશ પાછળ છોડી, વરસાદરુપે વરસી, સર્વત્ર ઉપયોગમાં આવે છે. જ્ઞાનનું પણ આવું જ છે. એના થોડા સરળ દાખલા જોઈએ.

પૃથ્વી આપણા કરતાં એટલી મોટી છે કે આપણા દૃષ્ટીબીન્દુથી, વેન્ટેજ પૉઈન્ટથી, એનું સમ્પુર્ણ કદ અને સ્વરુપ દેખાતાં નથી. આ મર્યાદીત અવલોકનને લીધે પ્રાચીન કાળમાં બધાએ પોતપોતાની રીતે જે અર્થઘટન કર્યું તે એકબીજાથી ઘણું અલગ અને અધુરું હતું; કારણ કે તેઓ અવલોકનથી આગળ વધ્યા જ નહીં ! બધી જ પ્રાચીન સંસ્કૃતીઓએ બનાવેલા અને આજ સુધી સચવાયેલા પૃથ્વીના નકશા આ વાતના પુરાવા છે. બધાએ પોતાના પ્રદેશને પૃથ્વીના કેન્દ્રસ્થાને બતાવ્યા હતા. એમાંથી કોઈને પણ પૃથ્વીના સાચા કદ અને આકારની ખબર નહોતી.

આજે પૃથ્વી વીશેની જે સાચી અને સર્વસ્વીકૃત માહીતી છે તે ન સ્વીકારનાર અને પોતાની જુની માન્યતાઓને વળગી રહેનાર પણ એક વર્ગ છે. એટલું જ નહીં, પોતાની ખોટી માન્યતાનો પ્રચાર કરી શ્રદ્ધાળુઓને ગેરમાર્ગે દોરે છે. ભુતકાળની કોઈ વાત ખોટી સાબીત થાય તો એને મોકળા મને સ્વીકારી લેવાય. પહેલાનું કંઈ ખોટું ન જ હોય એમ કહેવું એ પોતાને જ છેતરવા જેવું છે.

રોજ સવારમાં નીયમીતપણે ઉગતો સુર્ય બધા જુએ છે. માત્ર એના અવલોકનથી કોઈને એક ધગધગતું ચક્ર લાગે છે. કોઈને ચમકતું પાકું ફળ લાગે છે. કોઈને સાત અશ્વના રથ પર બીરાજમાન તેજસ્વી પ્રતીભા દેખાય છે, તો કોઈ ક્યારે જોયો ન હોવા છતાં બે સુર્યની વાત કરે છે.

આજની અધીકૃત માહીતી પ્રમાણે સુર્ય એક વીશાળ અણુભઠ્ઠી છે. એમાં પેદા થતી ઉર્જા, ગરમી અને પ્રકાશના રુપમાં આપણી પાસે પહોંચે છે. સુર્યના કદ, બંધારણ, આયુષ્ય વગેરે કેટલીયે બાબતોની આજે ઉંડાણમાં માહીતી છે. આ જાણવા કેટલાયે ખંતીલા લોકોએ અવલોકનથી આગળ વધી બીજાં પગથીયાં સર કર્યાં છે.

સુર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ પણ બધા આદીકાળથી જુએ છે. એના વીશે જાતજાતની ભયાનક માન્યતાઓ ઉભી કરી તકસાધુઓએ ભોળા લોકોને ખુબ છેતર્યા છે. પૃથ્વી અને ચંદ્રના એકબીજા પર પડતા પડછાયા ગ્રહણ સર્જે છે જેનું સાચું જ્ઞાન ખગોળશાસ્ત્રીએ આપ્યું છે.

આ તો અનાયાસે થતાં અવલોકનની વાત હતી. આ ઉપરાંત આપણી નજર સામે દેખાતી અને અનુભવાતી કેટલીયે વસ્તુઓ અને બનાવો વીશે ઘણી અલગ માન્યતાઓ હતી. એમાંથી થોડી સાચી હતી; થોડી ખોટી હતી અને મોટાભાગની અધુરી હતી. આજે દરેક વીષયની ઘણી વધારે માહીતી હોવા છતાં એ શોધનાર માત્ર એક ડગલું આગળ વધ્યાની વાત કરે છે. કોઈ એવો દાવો નથી કરતું કે અમને બધું ખબર છે અને હવે કંઈ વધુ જાણવાનું બાકી નથી રહ્યું. ત્રીકાળજ્ઞાની કોઈ થયું નથી કે થવાનું નથી.

માણસ સ્વભાવે ભુતકાળનો ગુલામ છે. એ વર્તમાનના પ્રશ્નો ઉકેલવા ભુતકાળની માહીતીનો આધાર લઈ એમાં અટવાય છે. માનવોમાં સદીઓના જ્ઞાન સાથે સદીઓનું અજ્ઞાન પણ ઉતરી આવ્યું છે. જ્યાં સર્જનશક્તી નબળી હોય ત્યાં અનુકરણવૃત્તી પાંગરે છે. આ વાત ભારત માટે ખાસ લાગુ પડે છે. જે ભવીષ્યદૃષ્ટા હોય એ જ સફળ નેતા થઈ શકે છે.

મીત્રો સાથેની ચર્ચામાં એક પ્રશ્ન અવારનવાર પુછાય છે કે બધા વૈજ્ઞાનીકો પશ્વીમના દેશોમાં જ કેમ થઈ ગયા, ભારતમાં કેમ નહીં ?

બુદ્ધીશાળી લોકો તો દરેક ભુમીમાં એટલા જ પેદા થાય છે. બુદ્ધી અને કલ્પનાશક્તી પર કોઈ જાતી, પ્રજા કે પ્રદેશનો ઈજારો નથી. ફરક એની ‘માવજત’માં છે, એને ખીલવા દેવામાં આવે છે. આપણે એકની એક વાત સદીઓથી દોહરાવે રાખીએ છીએ. (ભારતની સેંકડો વ્યક્તીઓએ એ જ રમાયણની કથા પોતાના શબ્દોમાં લખી છે.) બંધીયાર મનોવૃત્ત્તીની દુનીયામાં નવા વીચારના વીરોધીઓ કલ્પનાશક્તીને, નવા અખતરાઓને દબાવી દેવામાં સફળ થાય છે. આજે વીદેશમાં સફળતાના શીખરે પહોંચેલા ભારતીઓ અહીં રહ્યા હોત તો એટલા સફળ ન થયા હોત.

અર્વાચીન યુગમાં બંધીયાર મનોવૃત્ત્તીમાંથી બહાર નીકળવાની પહેલી શરુઆત ઈટલીના ફલોરન્સ શહેરથી થઈ. પછી થોડા સમયમાં સમગ્ર યુરોપ મુક્ત વીચારસરણીને આવકારવા લાગ્યું. ત્યારથી નવું તેમજ જુદું વીચારનારાઓમાં આવેલા જોમનું જે પરીણામ છે, એની અસર માત્ર વૈજ્ઞાનીક ક્ષેત્રે જ નહીં; પણ કળા, સાહીત્ય, ઈતીહાસ, ખગોળ વગેરે બધાં જ ક્ષેત્રોમાં થઈ. એને રેનેસાં અથવા નવજાગૃતી પણ કહે છે.

આપણે બંધીયાર મનોવૃત્ત્તીમાંથી બહાર નીકળવાની શરુઆત થોડા દાયકાઓ પહેલાં જ કરી છે, જેની અસર હવે દેખાવા લાગી છે. અત્યાર સુધી આપણે પરભવની ચીંતામાં આ ભવના પ્રશ્નો ઉકેલવા પ્રત્યે ઉદાસીન રહ્યા હતા. એ સમયગાળામાં ભારતમાં જે થોડા ઘણા વૈજ્ઞાનીકો થઈ ગયા, તેઓનાં નામ પણ સાવ થોડાને યાદ હશે. એમનું યોગદાન જાણવું તો દુરની વાત થઈ.

વૈજ્ઞાનીક સમુદાય લોકશાહી ઢબે કામ કરે છે. ત્યાં નાતજાતના ભેદભાવ નથી. બધાને પોતપોતાની કાબેલીયત પ્રમાણે યોગદાન આપવાની છુટ છે. ‘જાતે જુઓ, અનુભવો અને પછી સ્વીકારો’ એ વીજ્ઞાનનો મંત્ર છે. ‘અમારું કહ્યું સ્વીકારી લો’ એ બંધીયાર મનોવૃત્ત્તીની માંગ છે.

વીજ્ઞાન શું છે ? એનું કાર્યક્ષેત્ર શું છે ? એની રજુઆત એકથી વધુ વખત થઈ ગઈ છે. વીજ્ઞાનનો મુળ હેતુ કુદરતના નીયમ સમજી એનો માનવહીત માટે ઉપયોગ કરવાનો છે. જેટલું ચોક્કસપણે સાબીત થઈ ગયું છે એને સત્ય તરીકે સ્વીકારવાનું છે. જેની ચોકસાઈમાં હજી કચાસ છે એને ‘શક્યતા’ માનવાની છે. જે કુદરતી નીયમોથી વીરુદ્ધની વાતો છે, જાતઅનુભવ વીરુદ્ધની વાતો છે એમનો અસ્વીકાર કરવાનો છે. આટલું બધું સરળ હોવા છતાં વીજ્ઞાનનો વીરોધ શા માટે થાય છે ?

વૈજ્ઞાનીક સત્યો વ્યક્તીલક્ષી નહીં; પણ વસ્તુલક્ષી હોય છે. કોઈ પણ વ્યક્તી ક્યાંય પણ તેમને અજમાવી શકે છે. નવી માહીતી મળતાં એમાં જરુરી ફેરફાર કરવાનો અવકાશ હોય છે. એટલે જ તો વધુ સારા અને સગવડીયાં નવાં ઉપકરણો આપણને મળતાં રહે છે.

આ બધી ભૌતીક જગતની વાતો થઈ. પરલોક જેવી કાલ્પનીક જગતની વાતોને સંપુર્ણપણે વૈજ્ઞાનીક રીતે સાબીત કરી શકાતી નથી કે નકારી શકાતી નથી. એની વાસ્તવીકતાને, શક્ય છે ત્યાં સુધી વૈજ્ઞાનીક સત્યોને આધારે અને પછી તાર્કીક રીતે મુલવવી પડે છે. એ બધું આ લેખમાળામાં પહેલાં જ ચર્ચાઈ ગયું છે.

મહાપુરુષોએ શું કહ્યું છે તે અગણીત વાર વાચ્યું અને સાંભળ્યું છે. એનો કોઈ વીવાદ નથી. એમના નામે પાછળથી જે ઉમેરવામાં આવ્યું છે તેમ જ એમાં જે મતભેદ છે એને ઉકેલવાની જરુર છે. અન્ય મહાપુરુષોએ શું કહ્યું છે તે જાણવાની પણ જેમને ઈચ્છા ન થતી હોય તેઓ હઠાગ્રહી ગણાય.

લેખના શરુઆતના વાક્યને ફરી એકવાર યાદ કરીએ. જ્ઞાનસાગરના ઉંડાણનો તાગ કોઈને નથી. મનની બારી ખુલ્લી રાખીએ અને નવા વીચારોને આવકારીએ તો સાચા જ્ઞાનમાં વધારો થાય.

–મુરજી ગડા

લેખક સમ્પર્ક:

શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 ફોન: (0265)  23 11 548  સેલફોન: 97267 99009 ઈ.મેઈલ: mggada@gmail.com

કચ્છી વીશા ઓસવાળ સમાજના મુખપત્ર પગદંડી માસીકના 2009ના માર્ચ માસના અંકમાં અને કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2012ના ઓક્ટોબર માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

 ♦ ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: GOVIND MARU, 405, Krishna Apartments, Wing-B,  Opp. Ayyappa Temple, BONKODE, KOPEKHAIRNE, Navi Mumbai –400709 સેલફોન: 8097 550 222 ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com  

પોસ્ટ કર્યા તારીખ: 19/10/2013

15 Comments

  1. જ્ઞાન:-આ શબ્દ છે નાનો પણ એની પાછળની બૃહદતા અચરજ છે.

    Like

  2. મનની બારી ખુલ્લી રાખીએ અને નવા વીચારોને આવકારીએ તો સાચા જ્ઞાનમાં વધારો થાય. Knowledge is Power. Their was Lunar eclipse today which was know 3+ years ago. And precisely, it was known where on earth it would occur or visible by exact time. This was possible in ancient time as well, however, not to normal public. Author talk about power of Math and how it has helped many scientist to discover new things. Unfortunately, Indian who did discover math yet did not utilize as westerner did. This may be the reason why we have more scientist from West.

    Like

    1. ————This was possible in ancient time as well, however, not to normal public.————- Unfortunately, Indian who did discover math yet did not utilize as westerner did.——————

      These two statements are only partially true.

      Nobody in ancient times knew why eclipse happens. Prevalent belief the world over was that the earth was flat and at the center of the universe. Someone with an inquisitive mind may have found out that eclipse happens only on a full moon day or a new moon night, but could not figure out the reason.

      Every civilization had their own method of counting. That was the extent of math at the time. It was a basic need of every developing society. When it came to counting large numbers, they ran into a problem. India was first to introduce zero, which made counting easy.

      Amrut Hazari, in his comment below, has given one reason to why we lost interest in research and development.

      Like

  3. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

    મુરબ્બી મુરજીભાઈ ગડાએ નીવૃત્તીનાં છેલ્લા પાંચ વરસથી જૈન સામયીક ‘પગદંડી’માં અને અમદાવાદથી પ્રગટતા ‘મંગલ મંદીર’માં લખવાનું શરુ કર્યુ. એમના વીચારો પ્રચલીત સામાજીક માન્યતાઓથી વીરુદ્ધ જ હોય છે; પણ શૈલી એવી સૌમ્ય હોય કે વીરોધાભાસ જણાઈ આવે નહીં. હવે એમણે‘વીવેકપંથી’ ને ‘વૈશ્વીક માનવવાદ’માં પણ લખવાનું શરુ કર્યું છે. ૪ માર્ચ, ૨૦૧૧….

    ‘વીવેકપંથી’ના 98માં અંકમાં શ્રી મુરજી ગડાએ વર્ષોની ગુંચ ઉકેલી દીધી છે…. સીએ મહેન્દ્ર શાહ મુંબઈ….

    Like

  4. પ્રિય ગોવિંદ ભાઈ તમે બહુ ઉત્તમ પ્રકાર નું લખાણ મોકલો છો તમારો અને મુરજીભાઇ નો હું આભાર માનું છું।

    Like

  5. “માનવોમાં સદીઓના જ્ઞાન સાથે સદીઓનું અજ્ઞાન પણ ઉતરી આવ્યું છે.” બહુ સાચું અને સચોટ કથન છે.

    જ્ઞાનના ઊંડાણની તો વાત જ શું કરું. હું તો મારા અંતહીન અજ્ઞાનની જ વાત કરી શકું. દરેક નવું જ્ઞાન એવો અહેસાસ કરાવે છે કે “આ વાત હું નહોતો જાણતો”. મેં જેટલું વાંચ્યું છે તે એકઠું કરું તો લાઈબ્રેરીના એક કબાટનું એક ખાનું ભરાય તો પણ હું ધન્યતા અનુભવીશ.

    Like

  6. અત્યાર સુધી આપણે પરભવની ચીંતામાં આ ભવના પ્રશ્નો ઉકેલવા પ્રત્યે ઉદાસીન રહ્યા હતા.
    તદ્દન સાચી વાત છે પણ હજુ લોકો પરભવની ચીંતા ક્યાં છોડી શક્યા છે?
    ધન્યવાદ.

    Like

  7. Wonderfully and logically presented the important point in a convincing way. This article gives boost to thinking process of rational persons. Thanks Shri Govindbhai for bringing such beautiful article of Shri Murji Gada.

    Like

  8. શ્રી મુરજી ગડાના આ લેખમાં ‘જ્ઞાનવિજ્ઞાનયોગ‘ ખૂબજ સુંદર રીતે સમજાવવામાં આવ્યો છે. અભિનંદન. આજના જમાનાની આ તાતી જરુરત છે.

    શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમાં અઘ્યાય, ’જ્ઞાનવિજ્ઞાનયોગ’માં શ્રી ભગવાનુવાચ…….( શ્લોક–૨ )…..હું તને વિજ્ઞાન સહિત આ જ્ઞાન પૂરેપૂરું કહીશ. જેને જાણ્યા પછી આ લોકમાં બીજું કંઇ પણ જાણવાયોગ્ય બાકી રહેતું નથી.

    તો પછી કયો હિંદુ બીજો સવાલ કરશે ?…………….

    અઘ્યાય–૧૦. શ્લોક– ૧૧…….તેમની ઉપર કૃપા કરીને તેમના અંત:કરણમાં રહેલો હું જ્ઞાનરુપી પ્રકાશમય દીવાથી તેમના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલાં અંઘકારનો નાશ કરું છું.

    સાચે જ હવે આ દુનિયામાં કૃષ્ણ શિવાય બીજા કશાને પણ જાણવાની જરુરત છે ?
    યદા યદાહી ઘર્મશ્ય….ગ્લાનિ…….માટે દરેક હિંદુ તેના વચન પાળવા આવવાના સમયની રાહ જોઇને બેઠો છે.

    ’હું’ માથી પહેલાં બહાર આવો.

    Like

  9. ’હું’ માથી પહેલાં બહાર આવો. Yes indeed, we need to come out of “I”. “I” itself present biggest ego where ‘WE’ represent unity. As far as calculation of astronomical math, I strongly believe that it is in Veda. It is something we have not bother applying which may leads in to how far behind we felt from Westerner.

    Like

  10. જ્ઞાનપિપાસા, સંશોઘનની માતા છે. અને સવાલ, Why ?..અને Observation…. તેનાં ખાતર અને પાણી છે. સવાલનો જવાબ શોઘવા પાછળનો એકાગ્રતાપૂર્ણ અભ્યાસ….કહો કે પાગલપનપૂર્ણ અભ્યાસ સફળતાની ચાવી છે. કરોળીયાની વાત તો બઘાને ખબર છે……કરંતા જાળ કરોળીયો……..
    આ વાતનો જીવંત દાખલો આપુ છું.
    દાદાનું નામ : નગીન પટેલ.. રીસર્ચ સાયન્ટીસ્ટ.
    દાદીનું નામ : કલા પટેલ.
    પિતાનું નામ : નીલ પટેલ. ડોક્ટર. M.D.
    માતાનું નામ : શીલા પટેલ.ગ્રેજ્યુએટ.
    દિકરીનું નામ : સૂર્યા પટેલ. ૪ વષૅની ઉમર. સવાલો કરવાં તેની સ્પેશ્યાલીટી. Why ?.
    એક દિવસ સોફામાં સુતા સુતા છતમાં મુકેલી ગ્લાસ વિન્ડોમાંથી જોતાં જોતાં અચાનક બુમ પાડી……..ગ્રાન્ડમાં…..ગ્રાનડમાં…લુક..યોર હાઉસ ઇઝ મુવીંગ………
    કલાબેન તેની પાસે ગયા. પ્રેમથી ગળે લગાડી અને સમજાવ્યુ કે , દિકરા….આપણું હાઉસ ઇઝ નોત મુવીંગ બટ ઇટ ઇઝ ઘી ક્લાઉડ ઘેટ ઇઝ મુવીંગ..અવર હાઉસ ઇઝ સ્ટેડી…..અને તે સમજી ગઇ.
    ચાર વરસની ઉમરમાં જે બાળક આ પ્રકારનું ઝીણું અવલોકન કરે, તે બાળક ભવિષ્યમાં જરુરથી પોતાની જ્ઞાનપિપાસા…વિજ્ઞાનપિપાસા સંતોષી લેશે અને દુનિયાને કાંઇક નવું આપશે.

    Like

  11. What is the likelihood of that 4 year old boy’s name being Amrut Hazari? Would you please answer that to us here?

    Like

  12. priy govindbhai tame ganit vishe bahu vigatthi maahi ti aapi આનાથી મને થોડુક જાણવા મળ્યું ગણિતની વિગત ઉપરથી ખબર પડી કે ગણિત પણ આકાશ જેટલું વિશાલ છે

    Like

Leave a comment