વીર નર્મદથી વીર દાભોળકર સુધી

ડૉ. ગુણવન્ત શાહ

સદ્ ગત સાહીત્યકાર યશવંત શુક્લ પાસેથી એક વાત સાંભળવા મળી હતી. વીર નર્મદના જમાનામાં શીક્ષકો વીદ્યાર્થીઓને એક વાત વારંવાર કહેતા કે: પૃથ્વી છે તો સપાટ, પરન્તુ ઈન્સપેક્ટર સાહેબ પુછે તો ગોળ કહેવાનું. રાંદેરની જે નીશાળમાં નર્મદે શીક્ષક તરીકે નોકરી કરી હતી તે જ નીશાળમાં લગભગ સો વર્ષ પછી ભણવાનું મળ્યું તેનું ગૌરવ છે. તાપી કીનારે આવેલા માંડવી ઓવારા પાસે આજે પણ એ પ્રાથમીક શાળા ઉભી છે. કહે છે કે સુરતથી હોડીમાં બેસીને સામે કાંઠે આવેલી એ નીશાળે આવતો અને તાપીમાં તરવાની મજા માણ્યા પછી આરામ કરતો. પુરતો આરામ કર્યા પછી એ નીશાળે જતો. નોકરીથી કંટાળીને નર્મદે રાજીનામું આપ્યું તેનું કાવ્ય હજી સચવાયું છે.

થોડાક દીવસ પર ઘરના માળીએ હોંશે હોંશે મારા હાથમાં ચાર–પાંચ પરવળ મુકી દીધાં. ઘરની સામે આવેલો અમારો પ્લોટ નાનકડું ખેતર બની ગયો છે. ઓર્ગેનીક ફાર્મીંગના પ્રસાદરુપે મળેલા પરવળ હાથમાં લીધાં ત્યારે કવી વડ્–ર્ઝવર્થના શબ્દો યાદ આવી ગયા:  ‘અ લીટલ પાલ્ટ્રી સમ બટર સર માઈ ઓન.’ પરવળ ભલે થોડાં; પણ ઘરનાં ખેતરનાં ! પરવળ પ્રાપ્તીનો નીર્મળ આનન્દ બીજી મીનીટે ખતમ થઈ ગયો જ્યારે માળી છત્રસીંહે કહ્યું: ‘સાહેબ, હું બહેન પાસે અગરબત્તી અને કાળો દોરો માગવાનો છું. પરવળના છોડને નજર ન લાગવી જોઈએ. ’અભીતાભ બચ્ચન અને છત્રસીંહને જોડતા અદૃશ્ય સેતુનું નામ ‘અંધશ્રદ્ધા’ છે. 

મહર્ષી દયારામ, દુર્ગારામ મહેતાજી અને વીર નર્મદ ક્યારના હારી ચુક્યા છે. અન્ધશ્રદ્ધા દુર કરવાના પ્રયત્નને કારણે બલીદાન આપનારા વીર નરેન્દ્ર દાભોળકની હત્યા એટલું સાબીત કરે છે કે અજ્ઞાનનું અંધારુ ભારે હઠીલું છે.

નાના હતા ત્યારે અમારા ફળીયામાં સામે આવેલાં બધાં ઘર બ્રાહ્મણોનાં હતાં. એક પણ ઘર યુવાન વયે થયેલી વીધવા સ્ત્રીઓ વીનાનું ન હતું. આજે પણ ઘરની સામે રહેતી વીધવા ફોઈઓ અને માસીઓનાં નામ યાદ છે. સ્વરાજ મળ્યું તે સમયગાળાની આ વાત છે. આજે 66 વર્ષ પછી વંચીત વૈધવ્ય સાથે જોડાયેલી ગંગાસ્વરુપ પીડાઓ ઓછી થવાનું નામ નથી લેતી. દહેજપ્રથા આજે પણ કાયમ છે. શીક્ષીત અને અતીશીક્ષીત પરીવારો આજે પણ દહેજ આપીને કે લઈને વીવાહનો નીર્ણય કરે છે. આજે પણ કાર્યના આરમ્ભ માટે શુભમુહર્ત જોવાય છે. આજે પણ મન્ત્રતન્ત્ર અને જાદુટોણાંમાં આંધળી શ્રદ્ધા રાખનારા ભણેલા; છતાંય અશીક્ષીત લોકોની સંખ્યા ઓછી નથી.

પુપ્પુલ જયકરે નોંધ્યું છે કે પંડીત જવાહરલાલ નહેરુની આખરી માંદગી વખતે રૅશનાલીઝમમાં માનનારા એ દર્દી માટે અન્ધશ્રદ્ધાનો આશ્રય લેવામાં આવેલો. વારાણસીમાં કોંગ્રેસી નેતા કમલાપતી ત્રીપાઠીએ ઈન્દીરા ગાંધીના કલ્યાણ માટે કેટલાક ખાસ યજ્ઞો કરાવ્યા હતા. હરીકોટા ખાતે GSLV ઉપગ્રહ લઈને રૉકેટ ઉપડે તેનું મુહુર્ત જોવાયું છે તેવું સાંભળ્યું છે. ઘણાખરા નેતાઓ, અભીનેતાઓ અને વીદ્વાનો અન્ધશ્રદ્ધાથી મુક્ત નથી. વીચારવું પડશે.

એકવીસમી સદીમાં જીવનારા મનુષ્ય પાસે એક મીજાજની અપેક્ષા રાખવામાં આવે છે: ‘મારી બુદ્ધીમાં ન ઉતરે એવી કોઈ બાબત હું નહીં સ્વીકારું. એ વાત બુદ્ધ, મહાવીર, ઈસુ, મહંમદ, કાર્લ માર્ક્સ કે ગાંધીએ કરી હોય તોય મારે ગળે ન ઉતરે ત્યાં સુધી એ નહીં સ્વીકારું.’ આવો સ્વતન્ત્ર મીજાજ શંકરાચાર્યના એક વીધાનમાં આબાદ પ્રગટ થયો:

‘અગ્નીનો સ્પર્શ શીતળ હોય છે’

એવી વાત વેદમાં થઈ હોય

તોય સ્વીકારી ન શકાય.

આવા સ્વતન્ત્ર મીજાજમાં બુદ્ધીનો જયજયકાર થતો દીસે છે. અગ્નીની શોધથી માંડીને ચક્ર, હોડી, સ્ટીમ એન્જીન, મોટરગાડી, વીમાન, રૉકેટ અને કમ્પ્યુટર સુધીની બધી શોધમાં મનુષ્યને પ્રાપ્ત થયેલી બુદ્ધીનો ફાળો રહેલો છે. બુદ્ધીનો એક પ્રવાહ તર્ક તરફ વહે છે અને બીજો પ્રવાહ જીવનની સમસ્યાઓના ઉકેલ તરફ વહે છે. બુદ્ધીના ઉપકારો અનન્ત છે. બુદ્ધીના એવરેસ્ટ પર આઈન્સ્ટાઈન વીરાજમાન છે.

શું માનવીને શ્રદ્ધા વીના ચાલે ખરું ? પ્રશાંત મહાસાગર પર કલાકો સુધી આઠ–નવ માઈલની ઉંચાઈએ એક જમ્બોજેટ લગભગ 500  માણસોને લઈને ઉડી રહ્યું છે. અન્દર બેઠેલા પેસેંજરો નીરાંતે ભોજન કર્યા પછી કઈ શ્રદ્ધાથી ઉંઘી ગયા છે ? એમને વીમાન બનાવનાર બોઈંગ કમ્પની પર અને વીમાન ચલાવનારા અજાણ્યા પાઈલટ પર ઉંડી શ્રદ્ધા છે. આવી શ્રદ્ધા વીના મનુષ્ય જીવી ન શકે. મનુષ્ય શ્રદ્ધા વીના તરી ન શકે અને અન્ધશ્રદ્ધા વીના ડુબી ન શકે. અન્ધશ્રદ્ધાને કારણે એ બળાત્કારના કેસમાં સંડોવાયેલા બાવાની પણ પુજા કરે છે ! અસ્વચ્છ બાવાઓ સામેની ઝુંબેશ હવે સ્વચ્છ સાધુજનોએ જ ઉઠાવવી પડશે. પ્રત્યેક આશ્રમના આર્થીક વહીવટનું સામાજીક ઓડીટ કરાવવાની ઉતાવળ આશ્રમના સંચાલકોને જ હોવી જોઈએ.

ગમે તેવા વ્યભીચારી ગુંડાના નામ આગળ સંત અને પાછળ બાપુ શબ્દ વળગી શકે એ તો હીન્દુ વીચારધારાની શરમ છે. શું કુંભકર્ણ હીન્દુઓનો ઈષ્ટદેવતા છે ? આપણે ત્યાં આસ્તીકતા સાથે અન્ધશ્રદ્ધા આપોઆપ જોડાઈ જાય તેવો માહોલ છે. દુનીયામાં આસ્તીકો ભારે બહુમતીમાં છે અને નાસ્તીકો લઘુમતીમાં છે. આસ્તીકના ચરમ સૌન્દર્યને ભક્તી કહે છે. ભક્તી (ગીતાના શબ્દોમાં) અવ્યભીચારીણી હોય ત્યાં સુધી જ એ સ્વચ્છ રહી શકે. વેવલી ભક્તી આસ્તીકતાને ગંદી બનાવી મુકે છે. સંત તે છે, જે પોતાની આસ્તીકતાને સ્વચ્છ શ્રદ્ધા અને વીવેકયુક્ત બુદ્ધી સાથે જોડે છે. નાસ્તીકતાની અપાર શોભા બુદ્ધ અને મહાવીર દ્વારા પ્રગટ થઈ. નાસ્તીકતાની શોભા નાબુદ કરવાનું દુષ્કર્મ સ્તાલીન અને માઓ ઝેડોંગે કર્યું.

બન્ને સેતાનોએ લાખો મનુષ્યની કતલ ક્રાન્તીના નામે કરાવી હતી. નાસ્તીકતાની શોભા સ્વચ્છ રૅશનાલીઝમ દ્વારા પ્રગટ થતી દીસે  છે. નાસ્તીક માણસને ‘અશ્રદ્ધાળુ’ કહેવાની ભુલ કરશો નહીં. ભગવાન નથી એ બાબતમાં એની શ્રદ્ધા ઉંડી હોય છે.  કોઈ રૅશનાલીસ્ટ પ્રીયજનને ‘આઈ લવ યુ કહી શકે ? લવ જેવો બીન–રૅશનલ શબ્દ બીજો નથી. રૅશનાલીસ્ટ તે છે, જેની બુદ્ધી સત્યની શોધને માર્ગે વળી ગઈ છે. જુઠાબોલો રૅશનાલીસ્ટ પોતાની નાસ્તીકતાને બદનામ કરતો રહે છે. દંભ જેમ ભક્તને ન શોભે, તેમ રૅશનાલીસ્ટને પણ ન શોભે. કાર્લ માર્ક્સ પ્રત્યે અન્ધશ્રદ્ધા રાખનાર રૅશનાલીસ્ટ વેવલા ભક્ત કરતાં ચડીયાતો નથી. પશ્વીમ બંગાળના નાસ્તીક સામ્યવાદીઓ આજે પણ પોતાના ઓરડામાં સ્તાલીનની છબી રાખે છે. આવા લોકોને ‘રૅશનાલીસ્ટ’ કહેવાનું યોગ્ય નથી. રૅશનલ હોવાનું રસ્તામાં રેઢું નથી પડ્યું.

આદરણીય મોરારીબાપુની રામકથાનું શ્રવણ કરનારા ભક્તની મશ્કરી કરશો નહીં. નમાજ પઢવા જનારા કે બેથલેહામ જનારા કોઈ ભક્તની નીન્દા કરશો નહીં. વીર નરેન્દ્ર દાભોળકર જેવા સુધારકની શહાદતને વન્દન કરવા માટે સ્વચ્છ ભક્તોએ અને સાધુજનોએ જ પહેલ કરવી પડશે. જગતના બધા ધર્મોમાં કાળક્રમે પેઠેલી ગંદકી દુર કરવા માટેનાં પરીબળો જે તે ધર્મના વીચારપુરુષોએ જ મજબુત કરવાં પડશે. પ્રત્યેક ધર્મમાં બીલ્ડરો, કોન્ટ્રાક્ટરો, દલાલો અને માફીયાતત્ત્વો હોય છે. સાવધાન ! (વીર નર્મદજયન્તી તા. 24 ઓગસ્ટ, 2013ને દીવસે મહારાષ્ટ્ર ગુજરાત સાહીત્ય અકાદમી તરફથી મુમ્બઈમાં વીર નર્મદ પારીતોષીક સ્વીકારતી વખતે કરેલા પ્રવચનમાં બોલાયેલા અને ન બોલાયેલા શબ્દોનું સંકલન).

પાઘડીનો વળ છેડે

વીજ્ઞાન અને બૌદ્ધ ધર્મ વચ્ચે ઘણું સામ્ય છે;

કારણ કે બન્ને વાસ્તવીકતાની શોધ ચલાવી રહ્યાં છે.

બન્નેનું ધ્યેય માનવજાતની પીડા ઓછી કરવાનું છે

–દલાઈ લામા

નોધ: અમેરીકાના મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (MIT) દ્વારા યોજાયેલ સેમીનારમાં (સપ્ટેમ્બર, 2003) બોલાયલા શબ્દો.

      –ડૉ. ગુણવન્ત શાહ

સમગ્ર ગુજરાતના દૈનીક ‘દીવ્ય ભાસ્કર’માં વર્ષોથી ચીંતક–લેખક ડૉ. ગુણવન્ત શાહની અતી લોકપ્રીય કટાર ‘વીચારોના વૃન્દાવન’માં પ્રકાશીત થતી રહે છે. તેમાં રવીવાર તા 01 સપ્ટેમ્બર, 2013ના અંકમાં પ્રકાશીત થયેલો એમનો આ લેખ, લેખકશ્રીના અને ‘દીવ્ય ભાસ્કર’ના સૌજન્યથી સાભાર..

લેખકસંપર્ક :

ડૉ. ગુણવન્તભાઈ શાહ, ‘ટહુકો’ – ૧૩૯ – વીનાયક સોસાયટી, જે.પી. રોડ, વડોદરા390 020 ફોન: (0265) 234 0673 બ્લોગ: http://gunvantshah.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: Govind Maru, 405, Krishna Apartments (Wing – B), Opp. Ayyappa Temple, Bonkode, KOPERKHERNE, Navi  Mumbai–400 709  સેલફોન:  8097 550 222 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જ  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ:  26–10–2013

9 Comments

 1. સરસ આર્ટીકલ છે. શ્રી ગુણવંતભાઈ શાહના દરેક લેખમાં કંઇકને કંઇક નવું જાણવા મળે છે.આભાર.

  Like

 2. Very good explanation of Shardhaa vs Andhshradhaa. Hopefully article like this give better exposure to Aam Jantaa where they realize reality of life.

  Like

 3. The thin unvisible line between true faith and blind faith is very difficult to erase. Either it is brave Narmad or Dabholkar the efforts by reformists bear no fruits. Look at the posters displayed in the trains going to Gujarat. The Subramanayam Swamy, MP is deneding all these fraud Babas, Sants!!! For him exposing these frauds is attacking Hinduism and Hindus!! I think he must have kept his brain in cold storage.

  Like

 4. મોરારીબાપુની રામકથાનું શ્રવણ કરનારા ભક્તની મશ્કરી કરશો નહીં. નમાજ પઢવા જનારા કે બેથલેહામ જનારા કોઈ ભક્તની નીન્દા કરશો નહીં….એ પણ અહીં વાંચવું પડે છે….નર્મદ અને ડાભોળકરને વંચાવવું પડશે…..

  Like

 5. “આજે પણ કાર્યના આરમ્ભ માટે શુભમુહર્ત જોવાય છે. આજે પણ મન્ત્રતન્ત્ર અને જાદુટોણાંમાં આંધળી શ્રદ્ધા રાખનારા ભણેલા; છતાંય અશીક્ષીત લોકોની સંખ્યા ઓછી નથી.” આપની આ વાત સો ટકા સાચી છે, ગુણવંતભાઈ. કમનસીબી એ છે કે અંધશ્રદ્ધામાં માનવામાં શીક્ષણ રોકી શકતું ન હોય તો એ શીક્ષણ પાંગળું કે એ શીક્ષણ લેનારની ખામી? કે આપ કહો છો તેમ ભણેલા પણ અશીક્ષીત?
  વળી “ગમે તેવા વ્યભીચારી ગુંડાના નામ આગળ સંત અને પાછળ બાપુ શબ્દ વળગી શકે એ તો હીન્દુ વીચારધારાની શરમ છે.” કદાચ આ ‘સંત’ શબ્દ વળગાડનારાઓ ધાર્મીક નથી.

  Like

 6. ડો. ગુણવંત શાહના આ લેખ જેવા કેટલાયે લેખો અભિવ્યક્તિના પાનાઓ ઉપર છપાઇ ચૂક્યા છે. દાખલાઓ જુદા જુદા સ્વરુપે પ્રસ્તુત કરાયા હતાં અને કરાઇ રહ્યા છે.
  આ લેખમાંનું અેક વાક્ય મારે માટે, તમારે માટે, લેખક માટે, વાચક માટે, આને માટે, પેલાને માટે અને આપણે બઘાને માટે અમલમાં મુકવા જેવું છે. સવાલ છે પહેલ કોણ કરેં સલાહોના તો ભંડારો ભરેલા છેં. તે વાક્ય છે……….

  ‘વીર નરેન્દ્ર દાભોલકર જેવા સુઘારકોની શહાદતને વન્દન કરવા માટે સ્વચ્છ ભક્તોઅે અને સાઘુજનોઅે જ પહેલ કરવી પડશે.‘

  ‘આદરણીય‘ મુરારીબાપુ પહેલ કરશે? ભૂપેન્દ્રભાઇ કરશે ? તેમનું કહેલું માનવાવાળા તો લાખોની સંખ્યામા છે.શ્મશાન વૈરાગ્યને દૂર કરી શકશે??? સત્યના પ્રયોગો…તો ગાંઘી લખી શકે કે પછી મણીલાલ નભુભાઇ લખી શકે. સલાહોના ભંડાર રામાયણ કે મહાભારતના ગુણોને જુદા જુદા સ્વરુપે રજૂ કરનારા પોતાના જીવનને સત્યના પ્રયોગોમાં ઉતારી શકશે ?
  વીર તો નરેન્દ્ર દાભોલકર બની શકે ક્યાં તો ભગતસિંહ બની શકે. સલાહ આપનારા પોલીટીશીયનો નહિં. સ્વચ્છ ભક્તો અને સાઘુજનો ક્યાં શોઘવા ? ફક્ત વંદન કરીને સંતોષ માની લેવો ?????????????????
  હું કબુલ કરું છું કે મારી કોઇ હસ્તિ કે તાકાત નરેન્દ્ર દાભોલકર જેવા શહીદ થવાની નથી. પરંતુ મારાં અંગત જીવનમાં હું અંઘશ્રઘ્ઘાને તલ્લાક દઇ ચૂક્યો છું.

  Liked by 1 person

 7. આદરણીય ગુણવંતભાઇ સાથે અસંમત થવાનું કંઇ કારણ નથી, પરંતુ એમ લાગે છે કે અંધશ્રદ્ધા, દહેજ પ્રથા ઇત્યાદિ બાબત વાત કરતાં આપણે ચીલાચાલુ દલીલોમાં ઉતરી જઇએ છીએ. નરેન્દ્ર દાભોલકરની હત્યા અંધશ્રદ્ધાળુઓએ નથી કરી, પણ અંધશ્રદ્ધા ઉપર તાગડધિન્ના કરવાવાળાઓએ કરી છે. તે લોકો ભોળા, અજ્ઞાની કે અણસમજુ જરા પણ નથી. આધુનિક સાધનોથી તેઓ સુપરિચિત છે. તેમને જ્ઞાન આપવાની જરા પણ જરુર નથી.
  માણસ જાત સંપૂર્ણપણે રૅશનલ બની જાય તેવી અભિલાષા હું રાખતો નથી. દ્રઢ વિશ્વાસ અને શ્રદ્ધા તો કોઇ મહાત્માને સાધ્ય હોય. સારા કામમાં કોઇ શુકન જોવરાવે કે નાના બાળકને કાળું ટપકું કરે તે માનવસહજ છે, અયોગ્ય હોવા છતાં પણ.
  મૂર્ખ અને ધૂર્ત આયુર્વેદાચાર્યો, સ્વામીઓ, અને વર્તમાન અવતારોની સભાઓમાં દાક્તરો, વકીલો, તથા વૈજ્ઞાનિકોની હાજરી કમકમાં ઉપજાવે છે. તેની પાછળ અજ્ઞાન કરતાં નિષ્ઠાનો સદંતર અભાવ, દંભવૃત્તિ, લોભ, અને કાયરતા જ કામ કરતાં હોય છે. જ્ઞાન આપીને આપણે એ સૌને પાખંડમાં જ પરિવર્તિત કરી શકીશું. ઊંઘતાને તો જગાડી શકાય, પણ જે આંખ બંધ કરીને પડી રહેવા માંગતું હોય તેને કોણ જગાડી શકે?

  Liked by 1 person

 8. मेरे ब्लॉग के ऊपर मेने इसासे तकरीबन ६०० साल पहले हिन्दोस्तांमे एक समर्थ तत्व वेत्ता ब्रुहस्पतिका वाक्य लिखा है
  उनका सहायफ़ (ग्रन्थ )कहता है की वेद ,उपनिषद , छे शास्स्त्रो यकीं करने के काबिल नहीं है सिर्फ इन्सांकी ज़हन यकीं के काबिल है जहन = बुध्धि

  Like

 9. Misbeliefs & Superstitions are still prevalent in society even in upper so called educated mass. We are frustreted as our education failed to arouse curosity & anlytical &rational thinking.In treating patients we as a doctor come across this situations often &We become helpless as poor people spend more & condition of patient become more serious.
  Bharat Shah’s comments are reflecting facts.
  Dr Ashwin Shah

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s