મન્દીરની દીવાલ ઉપર થાય તે અમીઝરા, અને ઘરની દીવાલ ઉપર થાય તે ભેજ !

મન્દીરની દીવાલ ઉપર થાય તે અમીઝરા,  

અને ઘરની દીવાલ ઉપર થાય તે ભેજ !

–રોહીત શાહ

ચીંતનની ચાંદની

        ચમત્કારને નમસ્કાર કરવાની આપણી ઘેલછા સદીઓ જુની છે. આપણી અન્ધશ્રદ્ધા ઉપર કોઈ વ્યક્તી આંગળી મુકે તો તરત જ આપણે ખળભળી ઉઠીએ છીએ. અજ્ઞાન અને  આડંબરની બાદબાકી કરવામાં આવે તો આપણા અધ્યાત્મજગતનું અસ્તીત્વ જોખમાઈ જાય. પોતાના અજ્ઞાન પ્રત્યે અહોભાવ ધરાવનારા લોકોને આપણે  ભક્તો કહીએ છીએ !

        એક મન્દીરનો પુજારી વહેલી પરોઢથી માઈકમાં ભક્તીગીતોની કેસેટ વગાડીને આસપાસના રહીશોની નીદ્રાને ખલેલ પહોંચાડતો રહે છે. એ પોતે અભણ છે, તેથી એને ખબર જ નથી પડતી કે મન્દીરની આજુબાજુ રહેતા વીદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે કેવી શાન્તી જોઈએ ! ક્યારેક મોડી રાત સુધી ભક્તીના રાગડા તાણનારા લોકોને એટલુંય ભાન નથી રહેતું કે, આસપાસમાં કેટલાક એવા લોકો વસે છે, જેમને વહેલી સવારે નોકરી–વ્યવસાય માટે જવું પડે છે અને તેમને વહેલા સુઈ જવાની જરુર છે. આપણને ભક્તીનો ઉભરો આવે એટલે ગમે ત્યારે, ગમે તેટલા લોકોને ત્રાસ આપવાનો હક્ક મળી જાય ?

        ભક્તી કરવાની કોણ ના પાડે છે ? પણ ભક્તો જયારે ભગવાનને બહેરો સમજીને માઈક અને લાઉડસ્પીકર ઉપર વરસી પડે છે ત્યારે એમાં ભક્તી કરતાં પ્રદર્શન વધુ દેખાય છે. કબીરજી તો  કહે છે કે કીડીના પગમાં ઝાંઝર પહેરાવીએ અને તેનો જે રણકાર થાય એ રણકાર પણ ઈશ્વર સાંભળી શકે છે. કબીરજીની વાત છોડો, આપણે સ્વયમ્ ઈશ્વરને અંતર્યામી ક્યાં નથી કહેતા ? અંતર્યામી એટલે આપણા ચીત્તમાં–મનમાં જાગેલા વીચારને પણ જાણી લેનાર ! જો ભગવાન આપણા ભીતરની સંવેદનાનેય સ્પર્શવાનું સામર્થ્ય ધરાવતા હોય તો મોટા અવાજે રાગડા તાણવાની શી જરુર છે ?

        એક ચોક્કસ સમ્પ્રદાયના એક કહેવાતા ભક્ત પોતાના જ ઘરમાં રોજ સવારે તેમની ખાસ ભક્તી–ગીતોની કેસેટ વગાડવા માંડે છે. એમના આ પરમેનન્ટ ત્રાસથી કંટાળેલા, આસપાસમાં વસતા લોકો હવે એ મહાશયના સમગ્ર સમ્પ્રદાયને જ ધીક્કારવા લાગ્યા છે.

        ભક્તી કે આરાધના એવી રીતે થવાં જોઈએ કે જેને કારણે કોઈને ખલેલ ન પહોંચે. આપણે ભલે કોઈ પણ ધર્મ–સંપ્રદાય કે દેવ–દેવીમાં શ્રદ્ધા ધરાવતા હોઈએ; પરન્તુ એનું વરવું પ્રદર્શન તો ના જ કરવું જોઈએ ને !

        સામાન્ય રીતે આપણે ત્યાં એવી પરમ્પરા હતી કે મન્દીરો ગામના પાદરે હોય. મોટા ભાગનાં તીર્થો કાં તો જંગલમાં હશે અથવા તો કોઈ પર્વત ઉપર હશે. એનાં બે કારણો હતાં. એક કારણ તો એ કે માણસ જ્યારે ભક્તી કરવા જાય ત્યારે સાંસારીક બાબતો એને ખલેલ ન પહોંચાડે. રહેઠાણની આબોહવા કરતાં કંઈક જુદી આબોહવા મળે તો એની ભક્તી ખીલી ઉઠે. બીજું કારણ એ કે મન્દીરમાં થતાં ઘંટારવ અને આરતી વગેરેને કારણે માણસનું રોજીન્દુ જીવન ડીસ્ટર્બ ન થાય.

        હવે ગલીએ–ગલીએ અને મહોલ્લે–મહોલ્લે જાતજાતનાં ધર્મસ્થાનો ઉભાં કરી દેવાય છે. પહેલાં સાવ નાનકડી દેરી હોય, થોડા સમય પછી એનો ઘેરાવો વધતો જાય. દરરોજ હજારો લોકોને અવરજવરમાં તકલીફ પડે તોય સૌ મુંગે મોંએ વેઠતા રહે. એ જ રીતે તીર્થો પણ હવે જંગલ અને પર્વતની ટોચ છોડી દઈને હાઈવે ઉપર ઉતરી આવ્યાં છે. ઘરાકી વધુ રહે ને !

        એમાંય જો ક્યાંક ચમત્કારની અફવા ઉડી તો ટોળેટોળાં ઉમટી પડે. કોઈ દહેરાસરમાં અમીઝરા થાય છે; તો કોઈ મન્દીરની દીવાલ ઉપર જાતજાતનાં આધ્યાત્મીક આકારો ઉપસી આવે છે. કોઇ મુર્તી દુધ પી જાય છે; તો કોઈ દેવીનાં ઝાંઝર રણકી ઉઠે છે.  અરે  ભાઈ,  તમે  ધારીને  જોશો તો તમારા ઘરમાંય ઠેરઠેર અમીઝરા દેખાશે ! ઘરની દીવાલો ઉપર દેખાય તે ભેજ કહેવાય અને મંદીરની દીવાલો ઉપર દેખાય તે અમીઝરા કહેવાય ? પહાડ ઉપર તો મોટીમોટી શીલાઓમાંથી બારેમાસ ઝરણાં વહેતાં હોય છે,  એ જ પથ્થરમાંથી બનેલી મુર્તી ઉપર પાણીનું એકાદ બુંદ દેખાય તો લોકો હોબાળો મચાવી મુકે છે !

         દેવ–દેવી અને પરમાત્મા શા માટે ચમત્કાર કરે ? એને આપણી પાસેથી શું લઈ લેવું છે ? તમે એને સુખડી કે અન્ય પ્રસાદ રુપી લાંચ આપો તો જ એ તમારું કામ કરે ? શું ઈશ્વરને તમે કોઈ સરકારી ભ્રષ્ટ અધીકારી સમજો છો ?

        સદ્ ભાવથી ચઢીયાતી કોઈ સ્તુતી નથી, પ્રેમથી ચઢીયાતી કોઈ પ્રાર્થના નથી. પુરુષાર્થથી  ચઢીયાતી કોઈ પુજા નથી. નીતી અને નીષ્ઠા જેવું કોઈ નૈવેદ્ય નથી. અંધશ્રદ્ધા અને અજ્ઞાનને થોડીક વાર બાજુએ મુકીએ તો આ વાત સમજવાનું સાવ સરળ છે. 

–રોહીત શાહ

લેખક સંપર્ક: ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ–380 013 ફોન: 079-2747 3207 ઈ–મેઈલ: rohitshah.writer@gmail.com

  મંદીર–મસ્જીદ તુટે તો હોબાળો કરવાની જરુર નથી

          કોઈ મંદીર તુટી પડે તો ગભરાઈ જવાની જરુર નથી. એવું જ મસ્જીદનું…એ તુટે તો હોબાળો કે બબાલ કરવાની કોઈ જરુર નથી. એ તો વારંવાર બનશે અને વારંવાર ખંડીત થઈ ધુળમાં મળશે; પરંતુ માનવતા અને ઈન્સાનીયતનું મન્દીર એક વાર છીન્નભીન્ન થયું તો પુન: તેને ઉભું કરવાની કોઈમાં ક્ષમતા નથી. શું સાધારણ ઈંટ, સીમેન્ટ, ચુનાનું મુલ્ય; માનવતાની ઈંટ, ચારીત્ર્યનો ચુનો અને સત્યની સીમેન્ટથી ચડીયાતું હોઈ શકે ?

–મુની શ્રી. તરુણસાગરજી

તા. 7–મે–2007ના  ‘દીવ્ય ભાસ્કર’   દૈનીકની,  દર  સોમવારે પ્રગટતી ‘ધર્મદર્શન’ પુર્તીના પાન : 1  ઉપરથી સાભાર….

‘સન્ડે ઈ–મહેફીલ’ –  વર્ષઃ ત્રીજું – અંકઃ 105 – June 10, 2007માં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખક, અને ‘સન્ડે ઈ–મહેફીલ’ના સંપાદકશ્રીની પરવાનગીથી સાભાર…

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના  હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

♦ દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા અને મીત્રોને મોકલવા જોતા રહો મારો બ્લોગ: https://govindmaru.wordpress.com

અક્ષરાંકન: GOVIND MARU, 405, Evaz Apparel Housing Co-op.Society, B Wing, Opp. Ayyappa Temple, Samata Nagar, BONKODE VIAGE, Navi Mumbai 400709  સેલફોન: 8097 550 222 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 22–11–2013

12 Comments

  1. Reading this article ek bhajan yaad aaviyu “BHAKTI KARTAA CHHOOTE MARA PRAAN, PRABHUJI EVOO MANGOO CHHU” Question is what is Bhakti? Rohitbhai describe very well on how one can abuse and do ‘pradashan’ in name of Bhakti through Microphone. My take on Bhakti is same as Prathna and should be done in my own privacy and not with 1000 peoples around me. Also, one can do Bhakti by doing Sevaa. If you reach out one elder person and just talk with them for 10-15 minutes, it will be better than spending 3 hours behind microphone signing or listening someone singing.

    Also, all these Mandir – Masjid that are blocking everything, why can’t we block them from getting built? We must enlight and educate peoples so they can understand better.

    Yes, it is true that Mandir- Masjid should be away from normal civilization as Rohitbhai explain. But we don’t have time to go Jungle or Mountain top so we brought them to our gali.

    Very good article Rohitbhai.

    Like

  2. The author is 100% right. It is a god article to read & think over it.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Like

  3. Many rationalists believe that Ram is an imaginary character in Valmiki story, yet they will support BJP and RSS, whose slogan is “Mandir to vahiN Banega” and think calcium deposit under sea is “Ram Setu”. It must be remembered that those who have political power and media under their control, only their currency is valid. If parties with religious bent com into power, rationalism will be buried miles below the ground, and free thinkers of India will be behind bars.

    Like

  4. Robot shah hu nitya abhivyakti vanchuchhu ane rational abhigamm dharavu chhu aavuj lakhata raho thoda Anshe andhshradda ghati chhe

    Like

  5. બહુ સરસ. અભણ પ્રજા તો ઘેટાં વાદમાં માને પણ ભણેલા અને પોતાની જાતને સુધારાવાદીમાં ગણાવતા લોકો પણ તેમાં ભળી જાય છે ત્યારે એમ લાગે છે કે આના મુળીયાં જડમાંથી નહી ઉખાડવામાં આવે ત્યાં સુધી આ ઘેટાં વાદ મટશે નહીં.

    Like

  6. લેખકશ્રી રોહીતભાઈએ લખ્યું છે કે ત્રાસથી કંટાળેલા લોકો સમગ્ર સમ્પ્રદાયને ધીક્કારે છે. એમાં તથ્ય છે. રસ્તા ઉપર રથયાત્રા, વરઘોડા, માઈક ઢોલનો આવાજ જેને હેરાન કરતો હોય એના મનની હાલત ખરેખર દયાજનક છે અને પછી ધીક્કાર સુધી પરીસ્થીતી પહોંચે છે. એ હીસાબે ઔરંગઝેબ સારો કહેવાય જેણે કહેલ બધા સંગીતના સાધનો દફનમાં મુકી દો….

    Like

  7. ચોરે ને ચૌટે મંદિર, મસ્જીદ,ચર્ચ અને…..અને……સ્વ…સ્વ….અને સ્વ..સ્વાર્થ..જ સ્વાર્થ .હોય ત્યાં..કોણ સમજાવે કે…..મનકી આંખે ખોલ તુજે પીયા મીલેંગે………
    વસ્તી વઘારાના પ્રમાણમાં તેમનો પણ વઘારો થવો જોઇઅેને ?…..ભક્તને અગવડ પડે તે કેમ કરી પરવડે ? પછી વાત આવી કોનો દેવ અને કયો દેવ મોટો ? આમ નીચી પડવા તો ના જ દેવાય ને ? ઢોલ નગારા કાંઇ આજે વાગવા શરુ થયા છે ? ઢોલ નગારા, મંજીરાં અને ઘંટારવ વિના આરતી કેવી હોય ? આજથી ૫૦ કે ૧૦૦ વરસો પહેલાં પણ મંદિરોમાં સવાર સાંજ આરતીઓ દરરોજ હાઇ પીચ સરગમોથી જ થતી અને આજે પણ થાય છે. મસ્જીદોમાં પણ માઇકો વરસોથી બાંગ પોકારવા માટે વપરાય છે.ગણપતીના સરઘસ હોય કે તાજીયા નીકળેલાં હોય ,આજે વઘેલી વસ્તી પોતાના કામ વગરનાં સંઘંષૅભર્યા સમયને આવા કામમાં ઇન્વેસ્ટ કરે છે. નફાની આશમાં……વો સુબહ કભી તો આયેગી…..મુક્તિ……..મનમાં કહેતો હશે કે…..છોડ હવે આ જંજાળમાંથી……અને ઘેંટાનાં ટોળામાં જોડાઇ જાય……
    માઇકમાં આરતી ગાવી કે બાંગ પોકારવી તે પણ આવી જ કોઇ મનોદશા માંથી જન્મી હશે.
    આ માનવીના પગરખાંમાં પગ મુકી જોવા જેવી ઇચ્છા કોઇક વખત જરુરથી થઇ પણ આવે છે. પરંતુ ફરી પાછી પેલી ઢંઢોળતી વાત યાદ આવી જાય છે કે….સાઇદ શરાબ પીને દે મસ્જિદમેં બેઠ કે, યા ફીર વો જગા બતાં દે જહાં પર ખુદા ના હો.
    અને…………..વઘુ આવતી વખતે………
    અમૃત હઝારી.
    ન્યુ જર્સી. અમેરીકા.

    Like

  8. વિચારોના વનમાં અટવાયેલા મગજમાં અચાનક ઝબકારો થયો. રોજીંદા જીવતાં દાખલાઓ આંખ સામે તરી આવ્યા.
    મોટી ઉમરે અમેરિકા આવતાં ભાઇઓ અને બહેનોને શરુઆતમાં અમેરિકામાં શ્મશાન શાંતિ લાગે. અહિં તો કાર કે ખટારા વાળા પણ બિનજરુરી હોર્ન નથી વગાડતા. બીચારા ગુંગળાઇ મરે. કોઇ અવાજ નહિં….કોઇ જોડે વાતચીત કરવી હોય તો સામેનું પાત્ર શોઘવું પડે. અને વાત કરનાર ભારતીય સિવાયનો બીજો જો મળી ગયો તો તો આવી જ બને…..’શા’…કેટલું ઘીમું બોલે છે કે કાંઇ હમજ ની પડી.’…
    અવાજ જ અવાજની દુનિયામાંથી શાંતિની દુનિયામાં ગુંગળામણ અનુભવાય. થોડા દિવસો જેમ તેમ વિતાવીને વિનવણી શરુ કરે કે અહિં તો નથી ગમતું….પાછા ભારત જવું છે. ત્યાં તો વસ્તી જ વસ્તી….ઘર ને ગામ ભરેલાં ભરેલાં લાગે. જીવંત લાગે. અહિં તો શા’….મહાણ જેવું લાગે…..બે જણ જો મોટે અવાજે વાત કરતાં હોય તો લોકો તેમને બીજા ગ્રહના નિવાસી હોય તે રીતે જૂઅે છે. અહિં આફ્રિકન અમેરિકનો પણ ઉંચા અવાજે વાતો કરનારાઓમાં ગણાય છે.

    ભારતીયો જ્યાં જાય ત્યાં ભારતીયતા લેતા જાય. અહિં ન્યુ જર્શીમાં નવરાત્રીના ગરબા માટે કોઇ કોઇ જગ્યાઅે શેરી ગરબાની પરવાનગી લઇ લીઘી છે. દા.ત. જર્શી સીટી ઇન ન્યુ જર્શી…હવે અેડીશનમાં પણ આવતા વષૅથી શેરી ગરબા માટેની પરવાનગી મળી છે અેવી વાત બહાર આવી છે. પોલિટીક્સ ખૂબ મદદ કરે છે. વોટબેંક જીંદાબાદ. આ પહેલાં ફક્ત વિક ઍન્ડમાં ગરબાં બંઘ બારણે રમવાની પરવાનગી, બીજાને ડીસટર્બ ન કરો તો જ અપાતી.
    હાઇવે ઉપર રસ્તાની નજીક રહેનારને સાઉન્ડપોલ્યુશનથી બચાવવા સાઉન્ડબેરીયર વોલ ઉભી કરવામાં આવે છે.
    દરેક દેશના લોકોને તેમના દેશનો આઝાદી દિવસ કે બીજો કોઇ માન્ય દિવસ ખુલ્લામાં શહેરનાં રસ્તાઓ પર
    મનાવવાની પરવાનગી પોલીસ પ્રોટેક્શન હેઠળ આપવામાં આવે છે….. બેંડ બાજા સહિત.
    વિજ્ઞાન માટે કહી શકાય કે…’ જ્યાં જ્યાં વિજ્ઞાન પૂજાય છે, ત્યાં ત્યાં દેવતાઓ રમતા દેખાય છે. (દેવતા = તંદુરસ્તી….હેલ્ઠ……આનંદ…..)
    અમૃત હઝારી.

    Like

  9. Very well describe Amrutkaka. In USA and most of Western world everyone like to practice “LOVE THY NEIGHBOR” Because of this everyone has conscious mind of not disturbing others. I have had experience similarity when I visit India after 12 years. It took few days for me to get used to all noise…..

    …and yes power of ‘Vote Bank’ bring all of the politician to our function as VIP guest yet most of them has no clue what each of things we do in name of our culture or religion.

    Like

  10. અમેરિકાની ઘરતી ઉપર ૨૮ ડીસેમ્બરે થેંક્સગીવીંગની ઉજવણી થશે. મારા અને મારા ફેમીલીના સભ્યો તરફથી આપ સૌનો તમારા પ્રેમ અને સહકાર માટે હાર્દિક આભાર માનું છું.
    આ દિવસે કુદરતનો તેના ઘાન્યો / ખોરાક માટે અને કુટુંબીઓનો, મિત્રોનો તેમના પ્રેમ અને મિત્રતાને માટે, આભાર મનાવવામાં આવે છે.
    આપણા આ આર્ટીકલના વિષયને આજે કહિયે…..“.મનની દીવાલ પર થાય તે અમીઝરણાં…“
    ચાલો સાથે મળીને પરમ શકતિને વિનંતી કરીયે કે સૌના મને અમીઝરણાં ઝરે………
    આપનો,
    અમૃત હઝારી.
    અમેરીકા.

    Like

  11. થિંક્સગીવીંગનો ઉલ્લેખ થયો તો આપણા હરેકના જીવનને સ્પર્શતો પ્રશ્ન મનમાં જન્મીયો.
    આભાર કુદરતનો તેણે આપેલા ઘાન્યો, ફૂડ, ખોરાક માટે મનાવવામાં આવે છે. કુદરતના ઘરતી ઉપરના દેવદૂતો આપણા ખેડૂતો રહ્યા. તેમનો ખેતીવાડી થકી ઉગાડેલાં ખોરાક માટે આભાર માનવો જ જોઇઅે.
    ભારતમાં ખેડૂતો દેવાદાર, લુટાયેલા, અશક્ત, ગુલામની દશામાં જીવી રહ્યા છે. તેમની ખેતીલાયક જમીન પૈસાવાળા અને સરકાર ભેગા થઇને પોતાના બીઝનેશ માટે પડાવી લે છે. વિચારો કે જ્યારે ખેડૂત જ ના રહેશે ત્યારે ઘાન્યો કોણ ઉગાડશે ? વિચારીયે કે જયારે ૫૦ ટકા ખેડૂત હશે અને વસ્તીવઘારો ડબલ હશે ત્યારે ડીમાન્ડ અને સપ્લાઇનૂં ઇમબેલ્નસ થશે. પછી શું ? તો પછી ૧૦૦ ટકા ખેડૂતો નહિ હોય ત્યારે શું પરિસ્થિતિ હશે?
    બિનખેતીનિ જ જમીન ઉઘ્યોગો માટે વાપરીને ખેતીલાયક જમીનને વાવવા ખે૪ુતોને પ્રોત્સાહન આપવું જ જોઇઅે. ખેડૂતોની તંદુરસ્તીનો પહેલો ખ્યાલ કરવો જોઇઅેં તેમને આર્થિક મદદ કરવી જોઇઅે. પરદેશથી અનાજ કેટલું મંગાવાશે ? કેટલું કોહડાવશે?…..
    આ વિષય ઉપર ચર્ચા ચલાવો તો દેશદાઝ દેખાશે.
    આભાર.
    અમૃત.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s