કર્મફળ: સજા પરત્વે સજાગતા

–પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

સચ્ચે ફાંસી ચઢતે દેખે,

જુઠા મોજ ઉડાવે…

(એક ફીલ્મી ગીત)

કર્મફળના સીદ્ધાન્તને ચર્ચાપત્રી મીત્ર શ્રી. નીરાંતે અવૈજ્ઞાનીક તથા નીષ્ફળ લેખાવ્યો છે. (‘ગુજરાતમીત્ર’ તા. 05 ઓક્ટોબર, 2013) અને લખાણમાં ક્યાંક ‘બેવકુફી’ શબ્દ પણ પ્રયોજ્યો છે; જે સમ્પુર્ણ યોગ્ય વાત અને સત્ય હકીકત છે. કર્મફળનો અર્થ જો આપણે કરેલાં કર્મનો બદલો એવો ઘટાવીએ તો એ ‘નીષ્ફળ’ જ જાય એનું કારણ એક અસત્યમાંથી હમ્મેશાં બીજું અસત્ય જ જન્મે, અસત્યમાંથી સત્ય કદાપી નીપજી શકે જ નહીં ! એટલે કર્મનો સીદ્ધાન્ત જે જન્મ–પુર્વજન્મ તથા પુનર્જન્મ સાથે સંકળાયેલો છે. એમાં મુળભુત રીતે ‘આત્મા’ જ એક અસત્ય કપોળકલ્પીત પદાર્થ છે; ત્યાં વળી પુર્વજન્મ કે પુનર્જન્મની શક્યતા જ ક્યાં રહે ? આદીમાનવ આજના માનવી જેવો જ કુતુહલગ્રસ્ત અવશ્ય હતો, હોય જ; પરન્તુ ત્યારે વૈજ્ઞાનીક સત્યોની શોધને પક્ષે લગભગ શુન્ય જ હતું. પરીણામે તે બીચારો જડ–ચેતનની અવસ્થાઓ જોઈને તીવ્ર મુંઝવણ અર્થાત્ કુતુહલ અનુભવતો હશે; પરન્તુ ઉત્તર અર્થાત્ સત્ય ક્યાંયથી પ્રાપ્ત થવું એ ત્યારે અસંભવ જ હતું. એક જ દેહ જે ઘડી પહેલાં બોલતો, ચાલતો, સમજતો કે વીચારતો પણ હોય, તે ઘડીભરમાં સાવ ચેતનરહીત, લાકડા કે પથ્થર જેવો બની જાય, એ જોતાં પીડા સાથે કેટલું ભયંકર આશ્ચર્ય એ આદીમાનવને થતું હશે ! એટલે સાવ સ્વાભાવીક જ છે કે તે એટલી જ કલ્પના કરી શકે કે, આ દેહમાંથી કશુંક એવું નીકળીને સદાનું ચાલ્યું ગયું; જે એને હરતો–ફરતો ને કામ કરતો રાખતું હતું. આમ માનવજાતમાં આત્માની કલ્પના અસ્તીત્વમાં આવી.

એવી જ રીતે આ સુવીરાટ વીશ્વનું અકલ્પ્ય અને અદ્ ભુત સંચલન (‘સંચાલન’ નહીં, પણ ‘સંચલન’) જોઈને એના આદીમ ચીત્ત્તને ભારે કુતુહલ થતું હશે. પદાર્થના મુળભુત ગુણધર્મને વશ આ સમગ્ર તન્ત્ર, આપોઆપ તેની મેળે જ ચાલે છે – એવો તો વીચાર સુધ્ધાં કરવા પણ તે આદીમાનવ શક્તીમાન નહોતો કે ન તો એને એવું સત્ય જણાવી શકે એવી કોઈ અન્ય વ્યક્તી કે તત્ત્વ ત્યારે ત્યાં ઉપસ્થીત હતાં. આથી તેણે કોઈ અતીશક્તીશાળી કે સર્વશક્તીમાન સંચાલકની કલ્પના કરી. આમ આદીકાળથી જ માનવ સંસ્કૃતીમાં બે અસત્યો સર્વોપરી જેવાં પ્રવર્તમાન બન્યાં. ‘આત્મા અને પરમાત્મા’.. પરમ આશ્ચર્યની દુ:ખદ હકીકત આજે તો એ જ લેખવી રહી કે, હજી આજેય માનવજાતની વીરાટ બહુમતી આ અસત્યોને વળગી રહે છે ! કર્મફળના સીદ્ધાન્તની ચર્ચા હજી આજેય, વીજ્ઞાને આટલી હરણફાળ સત્યની દીશામાં સાધી છે ત્યારે પણ,  કરવી પડે છે એને વળી વધુ દુ:ખદ આશ્ચર્ય જ ગણવું રહ્યું.

એક અસત્યમાંથી બીજું અસત્ય જ પ્રગટે; એ સીદ્ધાન્તની પ્રક્રીયા અત્રે વધુ સ્પષ્ટ કરીએ તો, મુળમાં એવું જ બન્યું હશે કે માનવી, આદીમાનવે સમાજરચનાની દીશામાં જ્યારે થોડી ઘણી પ્રગતી કરી હશે; ત્યારે એવા સમાજને સ્વસ્થ તથા વ્યવસ્થીત રાખવા માટે કેટલાક સદાચારના નીયમો તેના અગ્રણીઓએ ઘડવા પડ્યા હશે. હવે માનવસ્વભાવ એવો જ વીચીત્ર આજ પર્યંત રહ્યો છે કે, તુચ્છ કે મહત્ કારણસર માણસ પ્રચલીત નીયમ–કાનુનનો ભંગ કરવા પ્રેરાય, અર્થાત્ એવું કંઈક કરી જ બેસે. હવે એવું વીનાશક પાયા ઉપર ન બને, એ માટે અગ્રણીઓને પક્ષે, સામાજીકોને માથે કશોક ભય યા ફરજ લાદવાની અનીવાર્યતા ઉદ્ ભવી હશે. એમાંથી જ કર્મફળનો સીદ્ધાન્ત પ્રગટ્યો. મતલબ કે, જો તમે કઈ ખોટું કામ (અર્થાત્ સમાજવીરોધી કૃત્ય) કરશો તો એની સજા તમારે ભોગવવી જ પડશે. એ ઉપરાન્ત ઈશ્વરનો ભય પણ દેખાડવામાં આવ્યો; પરન્તુ સમાજમાં સંશયવાદીઓ પણ જાગે જ; એવા લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો હશે કે ફલાણો – ફલાણો બેફામ દુર્વર્તન કરે છે. તોય સુખી છે, મોજ કરે છે ! એવું કેમ ? આવા પ્રશ્નનો સત્ય ઉત્ત્તર શક્ય જ નહીં; આજેય નથી; કારણ કે મુળ સીદ્ધાન્ત જ અસત્ય હતો અને છે. એટલે અગ્રણીઓએ એવો જવાબ બનાવી કાઢ્યો કે તે માણસ આજે તેના ગયા જન્મનાં સારાં કર્મોનાં સુફળ માણી રહ્યો છે; તે પુરાં થશે તે પછી કદાચ આવતા જન્મે તેને આજનાં દુષ્કૃત્યોનાં પાપનો બદલો મળશે જ. આમ, એક અસત્યને સત્ય ઠરાવવા માટે ત્રણ ત્રણ અસત્યો ભારપુર્વક રજુ કરવાં પડ્યાં, પ્રચારવાં પડ્યાં (1) આત્માનું અસ્તીત્વ (2) જન્મ – પુર્વજન્મ – પુનર્જન્મ (3) સજા કરનાર કોઈ શક્તીશાળી તત્ત્વ કે એવું કશુંક તન્ત્ર (જો કે ત્યારે ચાર્વાક્ જેવા આ સર્વ અસત્યોનો તાત્ત્વીક વીરોધ કરનારા વીવેકબુદ્ધીવાદીઓ અચુક જ પ્રગટેલા.)

આવો કર્મનો સીદ્ધાન્ત, અલબત્ત્ત, છે તો સારો જ – જો તેનો સફળ અમલ અથવા તો સામાજીકો દ્વારા પુરેપુરું પાલન થતું હોય તો ! પરન્તુ અસત્યોથી સદાચાર ભાગ્યે જ પ્રગટે અને પ્રગટે તોય સર્વદા અને સર્વથા સફળ નીવડે જ નહીં. વળી માનવી એક ભયંકર પ્રાણી છે. સ્વાર્થવશ કે આવેગોથી પ્રેરીત તે પછી ગમે તેવું ભયંકર કૃત્ય કરવા પણ લલચાઈ જાય છે; ત્યારે ફાંસી જેવી જીવલેણ સજાની પણ તે પરવા કરતો નથી ! પરીણામે કર્મફળને નામે આપવામાં આવતી પાપ–પુણ્યના બદલાની ‘ધાર્મીક’ ધમકી પણ બહુધા નીષ્ફળ જ નીવડે. જરાક વીષયાંતર કરીને કહું તો, હું ફાંસીની સજાનો વીરોધી છું; કારણ કે એમાં મને માણસજાતની પાશવી અસંસ્કારીતાનાં દર્શન થાય છે. એક વાર્તામાં વીખ્યાત વાર્તાકાર ચેખોવ કહે છે: ‘સદ્ ભાગ્યે આજે માનવજાત પ્રગતી કરી રહી છે. હવે એ દીવસ દુર નથી લાગતો કે જ્યારે એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે પાસપોર્ટની જરુર નહીં પડે અને ફાંસીની સજા રદ થઈ ગઈ હશે.’ દુર્ભાગ્યે ચેખોવની ચીર વીદાયને સો ઉપરાન્ત વર્ષો વીતી ગયાં; તોય માનવજાત એટલી આગેકુચ નથી કરી શકી. જો કે ત્યારે જ ચેખોવે માનવજાતની આ મર્યાદા પ્રતી અંગુલીનીર્દેશ કર્યો જ હતો. મતલબ કે પ્રસ્તુત વાર્તામાં વધારે એક પાત્ર આવું મંગલ ભાવી ભાખે છે, ત્યારે સાંભળનાર બીજું પાત્ર તત્કાલ એનો વીરોધ કરતાં કહે છે, ‘પછી તો ગમે તે માણસ બીજા ગમે તે જણનું ડોકું ભરબજારેય ઉડાવી દઈ શકશે કેમ ?’ મતલબ કે એ શ્રોતાજને તો ત્યારે ફાંસીની સજા નાબુદીનો વીરોધ જ કરેલો ! ચેખોવે સામાન્ય જનમાનસના પ્રતીકરુપે જ આ શ્રોતાના શબ્દો ટાંક્યા છે.

ફાંસીની સજા બીજા એક અર્થમાં પણ નીરર્થક હોઈ, નાબુદ કરવા જેવી છે; માયાબહેન કોડનાનીને 28 વરસની જેલની સજા ફરમાવતા ન્યાયાધીશ જ્યોત્સ્નાબહેન યાજ્ઞીકે જાહેર કર્યું કે, ‘આ અપરાધ જઘન્ય છે, ટેરેસ્ટ ઓફ ધ ફેર છે મતલબ કે ફાંસીની સજાને લાયક છે; પરન્તુ જો હું એમને ફાંસીની સજા આપું તો એક બે મીનીટમાં જ ગુનેગારને મુક્તી મળી જાય ! આથી જ  28 વરસ જેવી લાંબી સજા કરું છું. જેથી આટલી દીર્ઘ મુદત સુધી અપરાધી જેલમાં રહે તો એને પોતાનાં પાપ સમજાય અને એ બદલ પસ્તાવો અનુભવે – એ વધારે આવશ્યક ગણાય. આમ, ફાંસીની સજા એ ખરેખર ગુનેગાર માટે તો મુક્તી જ છે. પછી ભલેને પાછળ જીવતા રહેલાં મનોમન યા જાહેરમાં ખુશ થયા કરે.. આમ ફાંસીની સજા જંગલીયાત ભરી ઉપરાન્ત અર્થહીન પણ છે. જો કે મારી દૃષ્ટીએ માનવ સંસ્કારીતાનો મુદ્દો વધુ મહત્ત્વનો છે. અમુક સુધરેલા દેશોએ ફાંસીની સજા નાબુદ કરી પણ દીધી છે. ટુંકમાં, હાથપગ કે જીભ કાપી નાખવાં, આંખો ફોડી નાખવી, કાનમાં ધગધગતું સીસું રેડવું, માણસને જીવતો સળગાવી મારવો યા ફાંસીએ લટકાવી દેવો એ બધી બાર્બેરીયન યુગનાં જ અવશેષો ગણાય.

અત્રે મહત્ત્વની વાત તો એ છે કે, સજાના ભયથી માણસ કદાપી સુધરતો નથી કે ગુનો યા દુષ્કૃત્ય કરતો અટકતો નથી. માટે કાનુની સજાઓની જેમ જ કર્મફળ જેવી ‘ધાર્મીક’ સજાઓ પણ નીષ્ફળ જ નીવડી છે. વધારામાં કર્મફળનો સીદ્ધાન્ત અસત્ય હોઈ, અજ્ઞાન તથા અન્ધશ્રદ્ધામાં જ વધારો કરે છે. માણસે હવે સજાઓને બદલે ગુનાખોરીની નાબુદી પ્રત્યે વીશેષ ધ્યાન આપવાની જરુર છે અને તે વૈજ્ઞાનીક સંસ્કારીતાના પ્રસારથી જ ઘણે અંશે શક્ય બને. આવી માન્યતાનો પુરાવો એ જ કે 18–19મી સદીની અપેક્ષાએ ક્રુર સજાઓ જેવી બાબતોમાં આજે માણસ ઘણો સુધર્યો છે; દા. ત.  આજે કોઈનેય જીવતો સળગાવી મારવાની સજા ક્યાંય થતી નથી.

ભરતવાક્ય

સ્વર્ગ નથી,  નરક નથી, આત્મા નથી, પુનર્જન્મ નથી

માટે યાવત્ જીવેત્ સુખં જીવેત્, ઋણ કૃત્વા ઘૃતં પીબેત્ !

અન્યોને લેશ માત્ર ખલેલ કે પીડા પહોંચાડ્યા વીના

ખાઓ, પીઓ અને જલસા કરો !

–ચાર્વાક્

–પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’

સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં વર્ષોથી ચીંતક–લેખક પ્રા. રમણ પાઠકની લોકપ્રીય કટાર રમણભ્રમણ’ પ્રગટ થતી રહે છે. તેમાં શનીવાર, 5 ઓક્ટોબર, 2013ના અંકમાં પ્રકાશીત થયેલો એમનો આ લેખ, લેખકના અને ગુજરાતમીત્ર’ ના સૌજન્યથી સાભાર…

(એ જ તા. 5ઓક્ટોબરે આ જ વીષયના અનુસન્ધાને એક  ચર્ચાપત્ર પ્રગટ થયો તે પણ આ સાથે નીચે છે..)

આસ્તીક–નાસ્તીકનો ભેદ

નાથુભાઈ ડોડીયા

       નાસ્તીકો દ્વારા આક્ષેપ થાય છે કે, આસ્તીકો, ધાર્મીક લોકો કર્મફળ સીદ્ધાન્તને સમજે છે, સ્વીકારે છે. આમ છતાં સમાજમાં અહીંસા, અસત્ય, ચોરી, ભ્રષ્ટાચાર, વ્યભીચાર વગેરનું પ્રમાણ વધતું જાય છે. આનો અર્થ એ થાય કે કર્મફળ સીદ્ધાન્ત અવૈજ્ઞાનીક અને નીરર્થક છે. આનું સમાધાન એ છે કે ભૌતીક જગતમાં કાર્ય–કારણનો સીદ્ધાન્ત પ્રવર્તે છે. એટલે કે કોઈ પણ કાર્યનું કારણ હોય જ છે. આવી જ રીતે આધ્યાત્મીક જગતમાં કર્મફળ સીદ્ધાન્ત છે. લોકોમાં બુદ્ધીશક્તી, પારીવારીક વાતાવરણ વગેરેમાં જે તફાવત દેખાય છે તેનું કારણ તેના સંચીત કર્મ જ છે.

બીજું, આસ્તીક જગતમાં કર્મફળ સીદ્ધાન્તને માનનારાઓને ત્રણ ક્ષેત્રમાં વીભાજીત કરી શકાય. એક કર્મફળ સીદ્ધાન્તને શબ્દોમાં સ્વીકારે છે; એટલું જ નહીં કર્મફળ અવશ્ય મળશે જ, એમાંથી કોઈ પણ બચાવી શકશે નહીં એ સમજી શુભ કર્મો કરશે અને દુષીત કર્મોથી દુર રહેશે. બીજો, કર્મફળ સીદ્ધાન્તને શબ્દોમાં સ્વીકારે છે; પરન્તુ વાસ્તવીક જીવનમાં દુષીત કર્મોથી દુર રહેતો નથી. ત્રીજો, મોટા ભાગની વ્યક્તીઓને દુષીત કર્મો કરવામાં કોઈ ભય કે શરમ નથી. પરન્તુ તેના મળતા ફળથી ભયભીત તો રહે જ છે. વીવીધ મત–સંપ્રદાયોએ મુર્તીપુજા, મુર્તીદર્શન, નામસ્મરણ, ગંગાસ્નાન, તીર્થયાત્રા, કથાશ્રવણ, પૌરાણીક વ્રતો, મન્ત્રજાપ, ધર્મગ્રંથોના પાઠ, કવીતા–ભજન ગાન વગેરે સસ્તા નુસખા દ્વારા પાપ માફી, પાપમાંથી મુક્તી વગેરે વ્યવસ્થાઓ આપી છે. અહીં કર્મફળ સીદ્ધાન્તનો શબ્દ કે વ્યવહારમાં સહેજ પણ સ્વીકાર નથી. આવા આસ્તીકો બહુમતીમાં છે.

બીજી બાજુ નાસ્તીકો પણ શ્રેણીમાં વીભાજીત છે. એક, નૈતીકતા, નાગરીક ધર્મ કે માનવતાને નામે શુભકર્મો કરવા અને અહીંસા, અસત્ય, ચોરી, ભ્રષ્ટાચાર, વ્યભીચાર વગેરે અનીષ્ટોથી દુર રહેવાની વાત શબ્દોમાં સ્વીકારે છે અને તેનો જીવનમાં અમલ કરે છે. બીજો, નાસ્તીક ઉપરની વાતો શબ્દોમાં સ્વીકારે છે; પરન્તુ તેનો જીવનમાં અમલ કરતો નથી. ત્રીજો, નાસ્તીક જીવનમાં કોઈ નીતી–નીયમનું પાલન કર્યા વગર ખાઓ, પીવો અને મોજ–મજા કરો એ સુત્રને જીવનમાં અમલમાં મુકે છે. આવા નાસ્તીકોની સંખ્યા વીશેષ પ્રમાણમાં છે.

આસ્તીક અને નાસ્તીકમાં પ્રથમ શ્રેણીની વ્યક્તીઓની સંખ્યા નજીવી છે. બન્ને શુભ કર્મો કરવા અને અહીંસા, અસત્ય, ચોરી, ભ્રષ્ટાચાર, વ્યભીચાર વગેરેથી વાત કરે છે અને તે અનુસાર જીવન જીવે છે. આ બન્નેમાં તફાવત ફક્ત એટલો જ છે કે આસ્તીકો આ વાત ધર્મ અને ઈશ્વરના નામે કરે છે અને નાસ્તીકો નીતીશાસ્ત્ર, નાગરીક ધર્મ, માનવધર્મ વગેરેના નામે કરે છે.

–નાથુભાઈ ડોડીયા

‘ગુજરાતમીત્ર’ ના સોમવાર, 5 ઓક્ટોબર, 2013ના અંકમાં પ્રકાશીત થયેલો આ ચર્ચાપત્ર, ચર્ચાપત્રીના અને ગુજરાતમીત્ર’ ના સૌજન્યથી સાભાર…

ચર્ચાપત્રી સમ્પર્ક: શ્રી. નાથુભાઈ કેશવલાલ ડોડીયા‘સીદ્ધાર્થ’, મન્દીરવાળી ગલીમાં, જ્યોતીનગર, ગોદાવરી પાર્ક પાસે, મક્તમપુર –ઝાડેશ્વર રોડ, ભરુચ – 392 001 ફોન: 02642 225671 સેલફોન: 99988 07256

લેખક સંપર્ક:  પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’, એ–4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કોમ્પલેક્ષ, બારડોલી – 394 641 સેલફોન: 99258 62606

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: Govind Maru, 405, Krishna Apartments, B Wing, Opp. Balaji Garden, Sector 12 E, Bonkode Village, KOPARKHAIRNE, Navi Mumbai – 400709 સેલફોન: 80975 50222 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

 પોસ્ટ કર્યા તારીખ: 10/01/2014

 

 

13 Comments

 1. એક અસત્યમાંથી બીજું અસત્ય જ પ્રગટે. અન્યોને લેશ માત્ર ખલેલ કે પીડા પહોંચાડ્યા વીના, ખાઓ, પીઓ અને જલસા કરો ! –પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’

  ચર્ચાપત્ર આસ્તીક – નાસ્તીક ભેદ – નાથુભાઈ ડોડીયા

  આ પોસ્ટમાં લગભગ બધું આવી જાય છે.

  કર્મન સીધ્ધાંતમાં હોઈ શકે છે હવે ઈશ્ર્વર, પ્રભુ નામની કાલ્પનીક વાર્તા કે કથાનો અંત આવશે.

  Like

 2. raman bhai khub saras lekh aa lekh ( bharat vakya ) pramane manav jivan gujare jem ke anyo ne lesh matra khalel ke pida apya vagar jivavu aatalu jo manushya palan kare to badhi pida no ukel aavi jai fakt bej liti ma badhu j aavi jai chhe

  Like

 3. કર્મફળ?
  સુખ કદી નહિ, શાંતિ નહિ વા, દુઃખના અહર્નિશ દરિયા તરવા;
  વન્હિ, નિશાચર, વન વન ગામી, પતિએ ત્યાગી, રાક્ષસ કામી.

  સન્નારી હે ! પાવન પૂજ્યા ! એવાં તે શાં પાપ કીધેલાં
  કે રામને જ પામી? From Subodh Shah, NJ.

  Like

 4. કર્મના સિઘ્ઘાંત અને પુન્:જન્મને ( રિનકાર્નેશન ) હિંદુ ઘર્મ સંયોજે છે. શ્રી રમણભાઇના લેખમાં તે વિષેની સંપુર્ણ વિગત સુંદર શબ્દોમાં સમજાવવામાં આવી છે. શ્રી નાથુભાઇ ડોડીયાના લેખમાં પણ આસ્તીક અને નાસ્તીકની માનસિક પરિસ્થિતિની ક્લીયર સમજ આપવામાં આવી છે.

  સહમત છું.

  કર્મફળના વિચારોને પગલે……….

  રીનકાર્નેશન અને રીબર્થના વિષયને જો વિચારીને બીજા ઘર્મો શું કહે છે અને તેને હિંદુ ઘર્મના વિચારો સાથે સરખાવી શકાય ? તે હેતુથી મેં થોડો અભ્યાસ કર્યો. ફાઇન્ડીંગ્સ નીચે પ્રમાણે છે.
  (૧) બૌઘ્ઘ ઘર્મ રીબર્થમાં માને છે પરંતુ રીનકાર્નેશનમાં માનતો નથી. તે આત્મા, અેક શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશે છે ( રીનકાર્નેશન ) તેમાં નથી માનતો. તે માને છે કે જેમ અેક સળગતી મીણબત્તી બીજી નહિ સળગતી મીણ બત્તીને સળગવામાં મદદરુપ થાય છે તેમ જ રીબર્થ થાય છે.

  (૨) ખ્રિસ્તિ ઘર્મ રીનકાર્નેશનમાં નથી માનતો.

  (૩) ઇસ્લામ ઘર્મ રીનકાર્નેશનમાં નથી માનતો.

  (૪) જૈનીઝમ રીનકાર્નેશનમાં માને છે.

  ( સંપૂર્ણ વિગતો જાણવા, કોમ્પ્યુટરમાં, Do Islam believe in reincarnation ? or Christianity…or Jainism…or Buddhism….સવાલ અેન્ટર કરશો તો ખુબ માહિતિ મળશે.)

  સચ્ચે ફાંસી ચઢતે દેખે, જુઠા મૌજ ઉડાવે…..તો રોજીંદો અનુભવ છે. દર મિનિટે ઘરમાંનો અને બહારની દુનિયાનો રીવાજ કે નિયમ છે. કર્મનો સિઘ્ઘાંત તો પુસ્તકને પાને રાખવા માટે હોય છે….રોજીંદા સ્વાર્થી કારભાર માટે નહિં.

  દરેક અસત્ય આચરનારને પહેલેથી ખબર હોય છે કે સત્ય શું છે…તો જ તે અસત્યનું આયોજન કરી શકે ને ? અને અેક અસત્યને ઢાંકવા બીજુ…અને ત્રીજુ….અને તેની હારમાળા……..બીંદાસ અને પરિણામની પરવાહ નહી કરનાર જ આ પગલું ભરી શકે. દરેક સફળ પોલીટીશીયનને માટે પહેલું ક્વોલીફીકેશન જરુરી છે તે છે….જુઠ…લુચ્ચાઇ….લફંગાઇ….પાટલી બદલવાની કરામત…..અને અસત્ય…..આટલું આચરીને તે જે ભેગુ કરે છે તે તેની પાંચ પેઢીને માટે પુરતું હોય છે…હુ કેર્સ…….

  ખૂબ જ સુંદર લેખ. મન હરખાયુ.
  અમૃત હઝારી.

  Like

 5. Rationalism….Kartavya Palan (Performing your Duties)…..Feelings for Humanity (Manvata)……are ALL towards that PARAM SATYA.
  Rationalism that EMBRACES ALL the Above but in DENIAL of the DIVINE can not be towards that PARAM SATYA.
  Think DEEP within your HEARTS….You can ONLY GIVE LOVE to OTHERS.
  Forget the THOUGHTS of ASTIK/NASTIK ..or THIS ISONLY THE RIGHT PATH in LIFE.
  Think of ONE’S SELF first….think DEEP WITHIN….what your ATMA tells please LISTEN & then you will STOP saying “ALL on DEVOTIONAL (Bhakti) PATH are WRONG.
  This is my SIMPLE UNDERSTANDING of the HUMANS.
  Nathubhai’s Lekh on KARMFAL..nice !
  May it bring the “rethinking” in the MINDS of many ( who often seem to presume to always right..& others always wrong )
  DR. CHANDRAVADAN MISTRY

  Avjo !

  Like

  1. Ben jevi drashti tevi shrusti nahi pan jevi shrushti tevi drashti apanavo to sacha khota no khyal rahe ane Toj andhlu anukaran thi bachi Sakai ane asharam tatha narayansai nu bal maran thai

   Like

 6. Friends.
  I receive Facebook messages….Two of them are submitted for munching….Thanks.

  (1) Ramesh Desai sent : ” Just before truth has put on shoes, lie has travelled half the world.” by: James Kelhan.

  (2).ડો. શરદ ઠાકરે લખ્યુ કે, ‘ જીવન જીવવાની સચ્ચાઇ……
  આજકી સચ્ચાઇ,
  અજીબ હે યે બાત કી દૂસરે કો મદદ કરનેકા સમય કીસીકે પાસ નહિ હે….
  લેકીન…..
  દૂસરો કે કાર્યોમેં અડંગે ડાલનેકા સમય સબકે પાસ હે.‘
  આભાર.
  અમૃત હઝારી.

  Like

 7. આવી દસ પચાસ વ્યક્તિઓ બુદ્ધિ ને વેચી આવી ચર્ચા કરતા હોઈ છે. અંતે છેલ્લા શ્વાસ લેતી વખતે કોક વાર પરમાત્મા ની કૃપા થી જ્ઞાન થાય છે.
  શ્રીજી મહારાજે વચનામૃત કહ્યું છે કે નિત્ય પૂજા કરતી વખતે પ્રાથના કરવી કે મને ચાર પ્રકારના મનુષ્યોથી દુર રાખજો ,”કુડા પંથી ,સુષ્ક વેદાન્તી, શક્તિ પંથી અને નાસ્તિક ”
  આજે “હું ભગવાનમાં માનતો નથી એ વ્યક્તિ ની ગણના “highly intellectuals’ માં થાય છે’
  there is not a day I’ve passed without feeling HIS presence.
  Pushkar Brahmbhatt

  Like

 8. પુનર્જન્મના ચોંકાવનારા કિસ્સા ન્યૂઝ મિડિયા મારફત જાણ્યા પછી ચોક્કસપણે કહી શકાય નહી કે પુનર્જન્મ નથી જ. મારો એવો પણ દાવો નથી કે પુનર્જન્મ છે જ…. ખાતરી વગર કોઈ ખ્યાલને વળગી રહેવું તે રેશનાલીસ્ટના વિચાર વિરૂદ્ધ છે ખરૂ?

  Like

 9. ઉપર કર્મ સીંદ્ધાત અને બુદ્ધ મહાવીર જૈન ધર્મ વગેરે ઉલ્લેખ છે.

  હકીકતમાં મહાવીરના જમાનામાં લખવાની સગવડ હતી જ નહીં અને બધું મૌખીકથી ચાલતું હતું.

  મહાવીર પોતે કર્મ કે પુનઃજન્મ બાબત કાંઇ જ જણાવેલ નથી.

  મહાવીર પછીના ૨૦૦ વર્ષમાં દીગમ્બર અને શ્વેતામ્બર બે ભાગ થયા પહેલાં જૈનોને કર્મ અને પુનઃ જન્મના પ્રચાર વગર તકલીફ થવા લાગી અને કર્મ પુનઃ જન્મનું માનસ પ્રદુષણ શરુ થયું. છેવટે જૈનોમાં બે ભાગ થયા.

  આ બન્ને ભાગને પણ ૪૦૦-૬૦૦ વરસ પછી અકડામણ થવા લાગી. એટલે પાછા બન્ને ભાગ કર્મ અને પુનઃજન્મના પ્રચાર પ્રસારમાં ખુપી ગયા અને મહાવીર પછી ૧૦૦૦ વરસમાં એટલેકે ૫-૬ સદીમાં એમણે કર્મ અને પુનઃજન્મનો એટલો બધો પ્રચાર કર્યો કે હીન્દુઓથી પણ આગળ નીકળી ગયા.

  મને તો લાગે છે ચાર્વાક કે ચાર્વાકવાદ એ મહાવીરનો વાદ હતો અને જૈનોને થયેલ અકડામણને કારણે એમણે કર્મ અને પુનઃજન્મનું પ્રદુષણ ફેલાવી દીધું.

  કોઈક આજ નહીં તો કાલ શંશોધન કરી જરુર બતાવશે કે સાચી હકીકત શું છે?

  Like

  1. bhai shree v k vora buddha ane mahavir pahela krishna thaya hata kharu ne to mara manava pramane tyare pan lakhavani sagavad nahi j hoi chhataye aapane geeta ne sachi maniye chhiye ane geeta atle karma avu ( kahevata santo bapuo dah dhu pa pu o kahe chhe ) te aapane sachu maniye chhiye khare khar to aapanane je vahevarik drashti e sachu lage tej svikarvu rahyu khare khar to dharma atle andhshraddha ane vignyan atle triji ankh ( buddhi ) ane aapani potani vivek buddhi thi je yogya lage tej satya

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s