મારા લેખને નજર લાગી જશે તો ?

–કલ્પના દેસાઈ

આ કૉલમ શરુ કરતી વખતે મેં તંત્રીશ્રીને સૌથી અગત્યનો પહેલો જ સવાલ પુછેલો, ‘હું લેખ લખું તો ખરી; પણ મારા લેખને કે મારી કૉલમને ‘નજર લાગી જાય’ તો મારે શું કરવું ?’ મનમાં હસતાં તંત્રીશ્રીએ મને ધરપત આપેલી કે, ‘એવું કંઈ થશે નહીં. તમે તમારી મેળે લખો તો ખરાં ! વાચકોની નજર તમારા લેખ પર પડશે ત્યારે જોઈશું. તમારે ફક્ત એટલું ધ્યાન રાખવાનું કે, તમારા લેખ તરફથી વાચકો ‘નજર ન ફેરવી લે’ અથવા ‘નજર ન હટાવી લે’. બધાની નજરમાં સમાય એવો લેખ હશે ત્યારે તમારા ધ્યાનમાં લાવીશું ને ત્યારે તમારે લેખની ‘નજર ઉતારવી’ હોય તો ઉતારી લેશો.

મને પણ તંત્રીશ્રીની વાતમાં દમ લાગવાથી મેં થોડો દમ ભર્યો ને વીચાર્યું કે, વાત તો સાચી છે. મારે જ હવે નજર રાખવી પડશે કે, કયો લેખ નજર લાગે એવો લખવો ? કયો લેખ નજર ફરી જાય એવો લખવો? ને કયો લેખ નજરબંધ કરી દેવાય (આંખ બંધ કરી દેવાય) એવો લખવો ? પણ મને કેવી રીતે ખબર પડશે કે કયા લેખ પર વાચકોની રહેમ નજર પડી છે ને કયા લેખ પર બુરી નજર ! એટલે મેં ફરીથી તંત્રીશ્રીને તકલીફ આપી. ‘તમે એવું કરો ને કે, મારી કૉલમ જે પાના પર આવે છે, તેના એક ખુણે લીંબું–મરચાં ટાંગેલાં હોય એવું એક નાનકડું ચીત્ર દોરી રખાવોને કાયમને માટે ! પછી મને કોઈ ચીન્તા નહીં, કે ફલાણો લેખ વાચકોને ગમ્યો હશે તો ? કોઈ નજર લગાવી બેસશે તો ?’

‘એવું છે ને કે, જેમ માને પોતાનું બાળક વહાલું હોય તેમ દરેકને પોતાનું કામ વહાલું હોય. કલાકારને પોતાની કૃતી ને લેખકને લેખ ને કવીને કવીતા ને… બાકી જે ઉમેરવું હોય તે.’ તંત્રીશ્રીએ કહ્યું, ‘અમે કોઈ નવી પરમ્પરા શરુ કરવા નથી માંગતા. એટલે લેખને ખુણેખાંચરે કંઈ મુકીશું નહીં.’ મને થયું કે લીંબું મોંઘાં છે. દર શનીવારે સવારના પહોરમાં સ્ત્રીઓનો જીવ બાળવાનું પાપ તંત્રીશ્રી શી રીતે કરી શકે ? ચાલો, કંઈ વાંધો નહીં. પણ આ નજર લાગતી બચાવવાનું કંઈ વીચારવું તો પડશે જ.

લીધેલી વાતની પાછળ પડી જવાના મુળ સ્વભાવને કારણે, લેખને નજર લાગી જવાના મુદ્દે મારી નજર સતત ચકળવકળ થતી બધે શોધ્યા કરતી કે, એવી કઈ વસ્તુ તંત્રીશ્રીના મનમાં ઠસાવી શકું જેનો ફોટો મુકવા એ તૈયાર થઈ જાય. ને આખરે ‘લેખ રક્ષાકવચ’ મારી નજરમાં આવ્યું. મેં એકાદ જગ્યાએ એના વીશે વાંચેલું કે, જે લેખકને એવી બીક હોય કે એનો (ભુલમાં) લેખ ચોરાઈ જશે કે (ભુલમાં) એનો કોઈ અનુવાદ કરી લેશે અથવા (ભુલમાં) કોઈ પોતાના નામે છાપી મારશે તેવા લેખને બચાવવા માટે ને એના તરફ કોઈ ભુલમાંય નજર ઉઠાવીને પણ જોઈ ન શકે તે માટે ‘લેખ રક્ષાકવચ’, અમુક–તમુક જગ્યાએ, અમુક હજાર ભરવાથી મળી જશે. લેખને કોઈ દીવસ કોઈની નજર પણ નહીં લાગે.

હવે, બીજા લેખકોની નજરમાં પણ જો એ ‘લેખ રક્ષાકવચ’ આવી ગયું અને હું લેવા પહોંચું તે પહેલાં બધાં વેચાઈ ગયાં હોય, તો પછી મારા લેખને નજર લાગતાં કોઈ બચાવી નહીં શકે. મારી બીક સાચી જ પડી. હું પહોંચી ત્યારે તો ત્યાં કાગડા પણ નહોતા ઉડતા. મેં ચારે બાજુ નજર ફેરવીને જોયું, એક જગ્યાએ મને લાગ્યું કે, અહીં કંઈક કામ થાય એવું છે. એક નાનકડી દુકાનમાં જાતજાતની માળાઓ લટકાવેલી ને શો–કેસમાં લૉકેટ/લૉકીટ સજાવેલાં. બહાર દુકાન કરતાં મોટ્ટું બોર્ડ લટકાવેલું. ‘ખાસ ઓફર. ત્રણ દીવસ માટે જ.’ લેખકો અને કવીઓને એમના લેખો અને કવીતાઓને લોકોની નજરથી બચાવવા ખાસ સોનાના તારમાં પરોવેલાં, અસ્સલ ચીની મણકાઓની બનેલી માળામાં બાંધેલાં, મંત્રેલાં લૉકીટ મળશે. પહેલાં સો ગ્રાહકોને 50% ઓછા ભાવે અને પછીના સો ગ્રાહકોને 25% ઓછા ભાવે લૉકીટ મળશે. વહેલાં તે પહેલાંના ધોરણે દુકાન ખાલી કરવાની છે. ત્રણ દીવસ પછી દુકાન, બીજા શહેરોમાં બીજા લેખકો ને કવીઓનું કલ્યાણ કરવાનું હોવાથી બંધ થઈ જશે. દોડો… દોડો… દોડો…’

મેં તો દુકાનમાં બધે નજર દોડાવીને એક પછી એક લૉકીટ હાથમાં લઈને હાથમાં જોતાં જોતાં આખરે એક લૉકીટ પસંદ કર્યું. લેખ કરતાં પણ લૉકીટ પર નજર બગડે એટલું સુંદર લૉકીટ હતું. મેં ભાવ પુછ્યો, ‘પાંચ હજાર રુપીયા.’ જવાબ સાંભળીને જ મારી આંખો પહોળી થઈ ગઈ ! પણ લેખને બચાવવા હોય તો બે વાત નહીં ચાલે, એવું વીચારીને મનમાં નક્કી કર્યું કે, ‘એક લૉકીટવાળી માળા લઈ જ લઉં. હવે પછીના લેખને નજર નહીં લાગે એટલું તો નક્કી.’ દુકાનવાળા પાસેથી માળા લઈને ગળામાં પહેરી લીધી. પૈસા આપવા જાઉં તે પહેલાં જ મારી આંખ ફરકવા માંડી ! આટલો મોટો ચમત્કાર ? કંઈ શુભ બનવાનું કે અશુભ બનવાનું ? બન્ને આંખ ફરકતાં મારે શું સમજવું ? મને લાગ્યું કે, મને જાણે અંદરથી કોઈ આદેશ કરે છે, ‘તારો લેખ છાપામાં ક્યાં છપાય ને તું એનાથી કેટલે દુર ગળામાં લૉકીટ સોહાવીને બેસે, તેનો કેટલોક પ્રભાવ તારા લેખ પર પડવાનો ? એના કરતાં આ પૈસા સાચવીને મુકી રાખ. મોંઘવારીમાં કાગળ–પેન લેવા કામ આવશે. લેખને નજર લાગે કે ન લાગે એ બધી ખટખટમાં પડવા કરતાં, લોકોની નજર લેખ પર પડે ને પછી ઠરે ને પછી નજરમાં વસે એવું કંઈક કર !’

દુકાનવાળાની નજર સામે જ મેં મારા ગળામાંથી માળા કાઢીને બાજુએ મુકી દેતાં એની નજર ફરી ગઈ. ‘કેમ બહેન ? શું થયું ? બીજી માળા પણ છે, એનાથી અડધા ભાવની. આટલી જ ગેરંટીથી તમારું કામ કરશે. લઈ જાઓ.’ પણ હવે મારે કોઈની નજરથી લેખને બચાવવાનો નહોતો. ‘લેખ રક્ષા–મંત્ર’ તો મને મળી ચુક્યો હતો.

–કલ્પના દેસાઈ

સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકની ‘સન્નારી’ પુર્તીમાં વર્ષોથી કલ્પના દેસાઈની લોકપ્રીય હાસ્ય–કટાર ‘જીન્દગી તડકા મારકે’ પ્રગટ થતી રહે છે. તેમાંથી કેટલાક ચુંટેલા લેખોના સંગ્રહ ‘Punch ત્યાં પરમેશ્વર(પ્રકાશક : હર્ષ પ્રકાશન, 403, ઓમદર્શન ફ્લૅટ્સ, મહાવીર સોસાયટી, મહાલક્ષ્મી ચાર રસ્તા, પાલડી, અમદાવાદ –380 007 આવૃત્તી : પ્રથમ જુલાઈ, 2013 પૃષ્ઠસંખ્યા : 8 + 176 = 184 મુલ્ય : 125/- રુપીયા) માંથી લેખીકા અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર….

લેખીકા સંપર્ક: કલ્પના દેસાઈ ‘ગુલમહોર’, ઉચ્છલ – 394 375 જીલ્લો: તાપી ફોન: (૦2628) 231 123 સેલફોન: 99094 28199 ઈ–મેલ : kalpanadesai.in@gmail.com

‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: Govind Maru, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો:નવસારી. સેલફોન: +91 80975 50222+91 80975 50222 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ:  4/04/2014

13 Comments

  1. It is a good article. In life, it is up to you to believe or not.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Like

  2. આ સુંદર લેખના લેખિકા કલ્પના દેસાઇને કહેવાનું કે હું જે લખું છું તે નરી કલ્પના નથી. હું કલ્પનામાં વિહરતો નથી….મારી આજુબાજુ જે કાંઇ થતું હોય તે હું મારા જન્મના દિવસથી ઓબ્ઝર્વ કરતો આવ્યો છું.
    હું જન્મેલો ત્યારે થોડો કાળો પરંતુ સુંદર કહેવાય તેવો હતો. મારી મા મને મારા કપાળ ઉપર જમણી બાજુ મેસનો કાળો ટીકો કરતી. કમરે અને હાથમાં કાડાં ઉપર કાળો દોરો બાંઘતી જેથી કોઇની ખરાબ નજર મારાં શરીરમાં પ્રવેશે નહિં. પરંતુ કોઇની સારી નજર વિષે તે શું વિચારતી તે હું આજ સુઘી સમજી શક્યો નથી. પણ મને હંમેશા લાગણી થતી કે મારી માંની નજર તો મીઠી સાકર જેવી છે. કોઇ વિઝીટરોને મેં અેવું પણ કહેતા શાંભળેલા કે માંની મીઠી નજર પણ ખરાબ પરિણામો આપે. મારે તેનો અનુભવ કરવાનો હજી બાકી છે.
    જ્યારે હું પાંચ વરસનો થયો ત્યારે કોઇ બહારનો માણસ મને ટીકી ટીકીને અેકીટશે જોતો હતો. ત્યાંજ મારી માઅે તેને બે ચાર સંભળાવી દીઘેલી અને પેલો જીવ બચાવવા અને મારી માંની નજરથી બચવા ઉડતો હોય તેમ દોડતો ભાગેલો તે હજુ મને યાદ છે. મને હંમેશા મારી માંની મીઠી નજર લાગતી.
    જ્યારે હું દસ વરસનો થયો ત્યારે મને કોઇ જ્યોતિષે કહેલી વાત યાદ રહી ગઇ છે…..‘બાળક હોય કે પછી ઘર કે દુકાન….તેને જો નજર લાગી જાય તો બરબાદી નોતરેં છે. તે જ્યોતિષ બુરી નજર વાલે તેરા મુંહ કાલા કહીને કોઇ દેવ કે દાનવનું નામ ગણગણતો અને કહેતો કે તેની પાસે બુરી નજર ઉતારવાના સચોટ ઉપાયો છે. ચાર્જ ફક્ત ૨૦૦૦ રુપિયા….અેક બેઠકના… અને ઓછામાં ઓછી દસ બેઠક કરવી પડે.
    જ્યારે હું ૧૬ વરસનો થયો ત્યારે મને સુંદર હોય કે ના હોય પરંતુ યુવતીઓને જોયા જ કરવાનું મન થતું, ગમતું. તે યુવતીને નજર લાગતી કે નહિં તેની મને પરવા ન્હોતી.
    જ્યારે હું વીસ વરસનો થયો ત્યારે તો ગમતીને પોતાની કરવાનું સુર ચઢતું. પરંતું આટલી મારી નજરો છતાં તે યુવતીના વાળ પણ સફેદ ન્હોતા થતાં. મારી નજર જ કાંઇ કાચી હોવાનો મને અહેસાસ થતો……મને ભાન થતું. અને વિચારોનું વાવાઝોડું મને કહેતું કે તે યુવતી નજર ઉતારવાનાં ઉપાયો જાણતી હોવી જોઇઅે.પછી અેમ પણ થતું કે તે મારો વહેમ પણ હોઇ શકે.
    અેક ઉપાય લીંબુ મરચાંનો. ઓવારીને બાળી નાંખવાનો. બીજો ઉપાય કદાચ મારું શાભળેલું ખરું ના પણ હોય પરંતુ તે છે…….અેકીટશે ટીકી ટીકીને જાતી વ્યક્તિના માથા ઉપર નાળિયેર ફોડવું….કોઇ ચિંતા કરવી નહિં. દરેક ગામના પોલીસો પણ ભગત, ભૂઆના પુજારી હોય છે…….
    લગ્ન પછી પત્નિનો ખ્યાલ કરવાનું કામ કરવું પડેલું અને પહેલાં બાળક પછી તે બાળકને બુરી નજરથી બચાવવાનું શરું કરવું પડેલું….પત્નિના તેવાં કામમાંથી મુક્તિ મળેલી. બીજૂ બાળક આવ્યુ ત્યારે પત્નિ અને પહેલાં બાળક સહિત બઘાની નોકરીમાંથી મુક્તિ મળેલી. બીજા બાળક વખતે બાળક પ્રેમ ઓછો થઇ જતો હોય તેવું લોકો કહેતા શાંભળેલા.

    અમૃત હઝારી.

    Like

  3. A Lekh by Kalpanaben Desai on this Blog.
    Yes..the same Kalpana I had seen on her Blog.
    Is she the Hasya-Lekhika ?
    Abhivayaki is serious….but one Question by Kalpanaji made Govindbhai laugh & he was in the trap….more Quesestions by Kalpanaben & more interested Govindbhai became.
    AND….now we have this Post.
    Nice Lekh,Kalpanaben.
    Enjoyed it !
    Dr. Chandravadan Mistry
    http://www.chandrapukar.wordpress.com
    Inviting ALL to my Blog Chandrapukar !
    “Najar Nathi Lagi”Tamara LekhNe ….Not to worry !

    Like

  4. કલ્પના દેસાઈ જાણીતાં હાસ્ય લેખિકા છે. એમનો આ લેખ એની ખાતરી કરાવે છે .

    તાજેતરમાં જ તેઓએ એમનો હાસ્ય લેખો માટેનો ઓન લાઈન બ્લોગ લપ્પન- છપ્પન એ

    નામે શરુ કર્યો છે . આ બ્લોગની લીંક આ છે .

    http://kalpanadesai-in.blogspot.in/2014_03_30_archive.html

    Like

  5. Respected Kaplanaben
    Wonderful article! Love the humour!
    Respected Amrutbhai
    Equally wonderful and humorous comment! Very nice!
    Sincerely
    A. Dave

    Like

  6. Khub sundae lekh ghanivar gammat sathe gnan vanchyu chhe ane Aa lekh hasya sathe gnan no adbhutsangam chhe.

    Like

  7. અમુક માણસની નજર સારી જગ્યાએ પડે એટલે તેને બગડ્યા વગર તે ન રહે અને તો ય તમે તેને પકડીને ગુનેગાર ન ઠેરવી શકો તેને નજર લાગી કહેવાતી હશે?

    Like

  8. ખુબ સરસ હાસ્યલેખ. આવા જ ‘નજર લાગી જાય એવા’ લેખો લખતા રહો કલ્પનાબેન.

    Like

  9. ખૂબ સારો હાસ્યલેખ …! ન…જ…ર… લાગી જાય (સળગી જાય !!!) તો લાગવા દેવી. ઉપાયોની જરૂર નથી.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s