અન્તીમ ભ્રમણ: કાળની વીકરાળ લીલા

પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

વીદાય ! આજથી આ ‘રમણભ્રમણ’ આખરી વીદાય લે છે. તબીયત બેહદ કથળી ગઈ છે: હલનચલન બીલકુલ બંધ ! એક પડખું બદલતાંય મરણતોલ શ્વાસ ચઢી જાય છે. જીવવું, દુષ્કર છે, ત્યાં વળી લખવું ? (વય:92) ખેર ! મારાં દુ:ખ રડવાને બદલે ચાલો દોસ્તો, થોડાં સુખદ સંસ્મરણો વાગોળી લઈએ.

આજથી પુરાં આડત્રીસ વર્ષ અને ચારેક મહીના પુર્વે–1975ના ડીસેમ્બરમાં યા‘76ના જાન્યુઆરીમાં એક લેખ લખી મોકલતાં જણાવ્યું કે, ‘હું તો આવું કંઈક લખું, જો આપ ને માન્ય હોય તો !’ ‘ગુજરાતમીત્ર’ની મુળ માગ તો હાસ્યની કટારની હતી;કારણ કે ત્યારે હું મુમ્બઈના ‘જન્મભુમી’ દૈનીકમાં એવી હાસ્યની કોલમ ‘કટાક્ષીકા’ લખતો. પરન્તુ મારું મન તો રૅશનાલીઝમના ઉછાળા મારી રહ્યું હતું, મને ઢંઢોળતું કે, ‘આ તો એક દુર્લભ તક મળી છે, રખે ને એ ચુકતો ! હકીકત એવી હતી કે, સમાજમાં ધર્મઘેલછાઓ, અન્ધશ્રદ્ધાઓ, વહેમો, રુઢીઓ તથા કર્મકાંડો, ભેદભાવ અને શોષણનાં ઘોડાપુર ઉછળતાં હતાં, ત્યારે મારીય કશીક કામગીરી બની રહેતી હતી. મને થતું કે, જો માણસ રૅશનાલીસ્ટ બની રહે તો, આ તમામ અનીષ્ટો, પીડાઓ, યાતનાઓ, શોષણખોરી ક્ષણ માત્રમાં દુર થઈ જાય અને જેવી મુક્તી અને શાન્તી મારા જેવા વીચારના બધા રૅશનાલીસ્ટો માણતા હતા, તેવી મુક્તી અને શાન્તીથી આખો સમાજ જીવી શકે. પરન્તુ મારા એ વીચારો પ્રચારવાનો કોઈ માર્ગ મને સુઝતો નહીં – મળતો નહીં.

ત્યાં ‘ગુજરાતમીત્ર’ને જાણે ટેલીપથી થઈ ને એ વહારે ધાયું : એણે આમંત્રણ મોકલ્યું કે, ‘અમારા દૈનીકપત્રમાં એક કટાર લખો !’ ધન્ય ! ધન્ય !! એનો નામકરણ વીધી પ્રેમથી કરનારા મીત્રો ત્યારે હાજર હતા : સર્વશ્રી. ચન્દ્રકાન્ત પુરોહીત, ભગવતીકુમાર શર્મા, જયન્ત પાઠક અને તન્ત્રીશ્રી પ્રવીણકાન્ત રેશમવાળા તો ખરા જ : નામ પડ્યું ‘રમણભ્રમણ’. પરન્તુ પાયાનો પ્રશ્ર તો હજી આડો ઉભો જ હતો: એ સુત્રધારો ‘હાસ્ય’ માંગતા હતાઅને મારે તો ‘રુદન’ રજુ કરવું હતું ! વળી, એમ ચાર–છ માસ નીકળી ગયા. ત્યાં મેં એક લેખ લખ્યો ને પુરોહીતજીને પાઠવતાં જણાવ્યું કે, ‘હું તો આવું કંઈક લખું, જો આપ ને માન્ય હોય તો ! અને એ મંજુર’ એમ 1975ના ડીસેમ્બરમાં કે પછીના જાન્યુઆરીમાં આ ‘રમણભ્રમણ’નો જન્મ થયો, જે પછી તો ચાલ્યું, માત્ર ચાલ્યું જ નહીં;ખીલ્યું, ‘બેફામ’ વીકસ્યું (વકર્યું) ! ધીમે ધીમે એક રૅશનાલીસ્ટ કટાર તરીકે એ પ્રતીષ્ઠીત બન્યું, લોકપ્રીય થયું, લોક–અપ્રીય પણ એટલું જ થયું. અત્રેથી રજુ થતી વાતો લોકો માટે કંઈક નવી જ હતી, અસાધારણ હતી…

આમ તો ગુજરાતમાં સુધારાવાદ કાંઈ નવો ન હતો, છેક નર્મદના યુગથી (19મી સદીના ઉત્તરાર્ધથી), અરે! ખરેખર તો એથી ય થોડો વહેલો ‘સુધારો’ ગુજરાતમાં પ્રવેશી ચુક્યો હતો. પરન્તુ એ બધા સામાજીક સવાલો હતા. વીધવા–વીવાહ, બાળલગ્ન, સતી થવાનો રીવાજ અને એવા અન્ય અનેક કુરીવાજો. જ્યારે મેં તો મુળમાં જ ઘા ઝીંકવા માંડ્યા: મતલબ કે બધાં જ અનીષ્ટોનાં મુળમાં છે, ધર્મ અને ઈશ્વર, ધર્મ ઘણા પ્રાચીન કાળમાં સ્થપાયેલ હોઈ, એમાં અપરમ્પાર અનીષ્ટો ઘુસી ગયેલાં અને વળી એની પકડ તો એવી ભયંકર નાગચુડ હતી કે, પ્રજા બાપડી રીબાતી હતી, તરફડતી હતી. વીચાર તો કરો : દસ–બાર વર્ષની બાલીકાવધુ વીધવા બને અને એને પછીએનું માથું બોડી, બાપડી લાચાર બાળાને જબરજસ્તીથી જીવતી સળગાવી મારવામાં આવે ! ખ્રીસ્તી સમાજમાં એ જ રીતે, યુવતીઓને ડાકણ ઠરાવીને યા વીજ્ઞાન કે સુધારાની વાત કરનારને ‘સેતાન’ લેખાવીને જીવતાં જ જલાવી મારવામાં આવતાં ! મીત્રો, ધર્મ એટલે શું? એનો જરાક તો વીચાર કરો ! કારણ કે આજેય પરીસ્થીતીમાં ઝાઝો સુધારો તો નથી જ દેખાતો અને ‘ઈશ્વર’ તો કદી પ્રગટ્યો જ નહીં !

પછી તો ‘રમણભ્રમણ’નો મધ્યાહ્ન યુગ આવ્યો: ભારે હીમ્મતથી અને કવચીત્ જાનના જોખમેય મેં અતીબંડખોર, ક્રાન્તીકારી લેખો ફટકારવા માંડ્યા. એકવાર તો એક સાધુવેશધારી છતાં ક્રોધી, સ્વામીજી લાઠી લઈને મને મારવા દોડેલા !ચોમેરથી ધાર્મીકો ‘ગુજરાતમીત્ર’ને પડકારતા: ‘રમણભ્રમણ’ બંધ કરો !’ પણ મબલખ ધન્યવાદ ઘટે છે ‘ગુજરાતમીત્ર’ને કે તે અડગ જ રહ્યું ! અને હુંય બેફીકર ને બીનધાસ્ત. પછી તો જામ્યું ! જો કે એ સમાજને એની આબોહવા આજની અપેક્ષાએ ઘણી જ સાનુકુળ (પ્રગતીશીલ) હતી, મતલબ કે લોકોની સહીષ્ણુતા ઘણી વધારે હતી. આજે કટ્ટરતા વધી છે અને એથી ‘રમણભ્રમણ’ જરા ફીકું પડ્યું છે. એનુંય મને મનદુ:ખ છે. એક દાખલો યાદગાર તથા નોંધપાત્ર છે. મેં એક લેખ લખ્યો. ‘મન્દીર નહીં;સંડાસ બાંધો’ જે પ્રગટ થતાં જ ધાર્મીકો ઉશ્કેરાયા.. પણ પછી તો એક અદ્ભુત ચમત્કાર બન્યો: પુ. મોરારીબાપુને લેખની આ વાત ખુબ ગમી ગઈ. તેઓએ મને બોલાવીને કહ્યું, ‘તમારો અનુરોધ ખુબ મુલ્યવાન છે. હું આ માટે આખી એક કથા જ ગામડામાં સંડાસ બાંધવાના લાભાર્થે કરવા માંગું છું’ અને ખરેખર જ એવી રામકથા તેઓશ્રીએ બારડોલીમાં જ કરી ! હવે આજે તો, સત્તાવાર ધોરણે અનુરોધ થાય છે કે, ‘દેશને દેવસ્થાનોની નહીં;સંડાસ બાંધવાની વધુ અનીવાર્યતા છે.’

આવી તો ઘણી જ ઘણી વાતો, સુખ, દુ:ખની વીશેષત: આનન્દનાં સંસ્મરણોરુપ યાદ આવે છે. પરન્તુ ‘રમણભ્રમણ’ના આ લેખના કદની તથા મારી શારીરીક શક્તીની ભારે મર્યાદા છે, એટલે અટકું. આજના વીદાય પ્રસંગે સર્વપ્રથમ તો હું ‘ગુજરાતમીત્ર’ના તન્ત્રીશ્રીઓનો અન્તરથી આભાર, ખુબ ખુબ આભાર માનું છું. આટલા પ્રલમ્બ સહપ્રવાસ દરમીયાન, તેઓએ કદીય, એક શબ્દમાંય એવું સુચન નથી કર્યું કે, ‘આમ નહીં;આમ લખો.આવું તો ન જ લખો’ એવા જ અડગ અભીગમ શ્રી. ચન્દ્રકાન્ત પુરોહીતનો રહ્યો. તેઓનો જેટલો આભાર માનું તેટલો ઓછો જ. ઘણીવાર આ કટાર બંધ કરવા મેં તો વીચાર્યું;પણ ભાઈ પુરોહીત બે જ શબ્દો કહે, ‘કેમ જીજા ?’ અને હું આજ્ઞાધીન બની રહું. એક મજાની વીચીત્ર વાત. અમે વાતવાતમાં જાણે વચનથી બંધાયા કે, ‘આપણા બેમાંથી કોઈ એક હયાત હોય, ત્યાં સુધી ‘રમણભ્રમણ’ પણ હયાત રહેવું જોઈએ !’હવે કાળની વીકરાળ લીલા તો જુઓ ? આજે અમે બન્ને હયાત છીએ;છતાં ‘રમણભ્રમણ’ અવસાન પામે છે !…

ભાઈ શ્રી. ભગવતીકુમાર શર્માનો પણ એટલો જ ઋણી છું. તેઓ વીચારથી અસમ્મત છતાં; ‘રમણભ્રમણ’ તો ચાલુ રહેવું જ જોઈએ, એવો તેઓનો આગ્રહ ! ખુબ ખુબ આભાર ! એ જ રીતે તન્ત્રી વીભાગના ભુતપુર્વ તથા વર્તમાન સર્વ મીત્રો–મુરબ્બીઓનો હું સર્વભાવે અનહદ આભારી છું. મને એક ઘટના યાદ આવે છે: મુ. બટુકભાઈ દીક્ષીત ખુબ કડક તંત્રી (તંત્રી વીભાગના મુખ્ય સમ્પાદક) ગણાતા. એક વાર તેઓએ મારા લેખમાં નજીવો સુધારો કર્યો, અલબત્ત તેય ફક્ત શીર્ષકમાં ! છતાં મેં વાંધો દર્શાવ્યો, તો તેઓએ મારા આગ્રહ સાથે સમ્મત થતાં, ‘સોરી’ કહ્યું. આવા ખેલદીલ હતા એ બધા મીત્રો ! આજેય તંત્રીવીભાગના મીત્રો મારા પ્રતી એટલા જ ઉદાર છે. એમાંય ખાસ અને ખુબ ખુબ આભાર માનું શ્રી. નરેન્દ્ર જોશીનો, જેઓ સંભવત: ‘રમણભ્રમણ’ની સંભાળમાં છે. અનેકવાર હું લેખ મોકલ્યા પછી ફોનથી સુધારા કે ઉમેરા કરાવું; જે ખુબ ‘આનન્દ’થી તેઓ અચુક કરી આપે. તેઓએ ક્યારેય કંટાળો બતાવ્યો નથી. આવા સ્નેહભર્યા સહકાર બદલ બીજું તો શું કહું – કરું ? સુરતના રૅશનાલીસ્ટ બીરાદરોનો અને સ્વૈચ્છીક કુરીયર–સેવા આપતા ધનસુખભાઈ ઢીમ્મરનો તો આભારેય શું અને કેટલો માનું ? અને છેલ્લે, જેઓનો હું સૌથી વધુ ઋણી બનું છું, એ તો છે વાચકો, ‘રમણભ્રમણ’નું વીશાળ અને કદરદાન વાચકવૃંદ : વધાવી લેનાર તથા વીરોધ કરનાર ઉભયનો હું સરખો જ હાર્દીક આભારી છું. કેટલાક મીત્રો તો સામે ચાલીને સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, તમારી કટાર વાંચીને જ અમે રૅશનાલીસ્ટ બન્યા !’ હું ધન્ય ધન્ય અને કૃતકૃત્ય… તો પુન:પુન: સૌનો અંત:કરણપુર્વક આભાર અને ભારોભાર ઉષ્માભરી વીદાય !

ભરતવાક્ય

Old Order Changed

Yielding Place To New.

(એક અંગ્રેજી કહેવત)

પ્રા. રમણ પાઠકવાચસ્પતી

સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં વર્ષોથી પ્રા. રમણ પાઠકની લોકપ્રીય કટારરમણભ્રમણ’ પ્રગટ થતી રહે છે. તેમાં શનીવાર, 26એપ્રીલ, 2014ના અંકમાં પ્રકાશીત થયેલો એમનો આ લેખ,લેખકના અને ગુજરાતમીત્ર’ના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક: પ્રા. રમણ પાઠક વાચસ્પતી’, એ–4, નટરાજ એપાર્ટમેન્ટ, પાટીદાર જીન કોમ્પલેક્ષ, બારડોલી – 394 641 સેલફોન: 99258 62606

 ‘રૅશનલવાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ:ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 23/05/2014

17 Comments

 1. આવા સરસ લેખો હવે વધારે વાંચવા નહીં મલે તેનો અફસોસ તો જરૂર થશે, પણ, ઉંમર તો સમયનો તકાદો છે, તેને માન આપવુંજ પડે….!!! પણ, જે લખ્યું છે, લખાયું છે, તે પણ ઉત્તમ છે, જમાનાને જરૂરત પણ હતી, છે અને રહેશે.

  Like

  1. આવા સરસ લેખો હવે વધારે વાંચવા નહીં મલે તેનો અફસોસ તો જરૂર થશે, પણ…………એમના જુના લેખો જો અહીં રજુ થતા રહેશે, તો અમારા જેવાને એ માણવાનો આનંદ થશે.

   Like

 2. આદરણીય રમણભાઈનો આ લેખ વાંચતાં હૈયું બેસી ગયું એમને અને સરોજબેનને ૧૯૬૨માં રાજપીપલા કોલેજમાં મળવાનું થયું હતું અને નાતો બંધાયો હતો. છેલ્લે ૨૦૦૯માં મારા પુસ્તકનું વિમોચન પૂ.રમણભાઈના હસ્તે થયું હતું તેમના પ્રીતિપાત્ર બનવાનું ગૌરવ છે..ભગવાન એમને તંદુરસ્તી બક્ષે એ જ પ્રાર્થના.

  Like

 3. had a grt honor and pleasure to extend hospiitality to RAPA while he stayed with us in london. he was horrified to see me with a tilak chandlo on my foreheadwhen i along with my son bidhen recd. him at LHR. he virtualy lost heis breadth when he found complete set of his books!!! however,he had tears in his eyes when we parted at the gatwick air port,on his way to U.S.
  i was shocked when i was in gandhinagar to attnd Yogi Maharaj Shatabdi mahotsav when some one informed me that in a diwali issue patakji has wriiten an article abt me and my son. Wow!!! this is the best part of our hindu samaj.despite diff. thinking we respect each othe.

  Like

 4. આજનો લેખ …
  યાદ
  ‘ જિબ્રાન કહે છે તેમ ચિત્તનાં આ રણક્ષેત્રમાં સુલેહ કરાવવાનું કામ કોઈ બહારનાથી નહીં બને ! પોતે જ પોતાની પ્રકૃતિને ચાહનાર ન બને ત્યાં સુધી એ કામ નહીં બને અંતરમાં ઉતારવાનું કામ જાતે જ કરવાનું છે. જો કે જગતનાં સઘળા વિદ્વાનોએ આમ જ કર્યું છે, પોતાને જે સત્ય લાગ્યું તે સામે ધરી દીધું છે અને પછી કહ્યું છે; “विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु” આવા વિચારના મા. રમણભાઇના અમે ભાવક ચાહક.તેમા અમારી દિકરી યામિની તેઓના ન કેવળ ભાવક ચાહક પણ અભ્યાસુ ખાસ કરીને સરોજબેનના સાહીત્યના.
  છેલ્લે બે વર્ષ પહેલા અમે નટરાજ એપાર્ટમેન્ટમાં તેમને મળવા ગયા ત્યારે ચિ યામિનીએ આપેલ લાકડી ભેટ આપી તો તે અંગે તેમણે ખાસ ઉલ્લેખ કરી રમુજી લેખ લખ્યો!
  તેઓના વિચાર સાથે કોકવાર મતભેદ હતા પણ મનભેદ કદી નહીં અને મુલાકાતો મધુરી યાદ સાથે એમના ‘અન્તીમ ભ્રમણ…’ ના કુદરતી કરુણ સત્ય આગળ લાચાર દિલ ધડાકે છે..દયા ભાવમાંથી કરુણરસમા પરીવર્તન થયેલો .આવો આનંદ જ્યારે વ્યાપી વળે અણુઅણુમાં, ત્યારે ભાવક-વાચકના બધા જ ભાવો શાંત થઈને વીગલીત થઈ જાય છે,

  Like

 5. I remember very well having read his column regularly during my stay in Surat for short periods as my Karma bhoomi was Mumbai. Sometime I disagree with him and his writings but always respected him and hold him in high esteem. it is really painful to know that ‘Raman Bhraman’ will now not be published.

  Raman bhai, I think you gave back to this society more than what you gain from it. Please be happy.

  Wishing you speedy recovery and of course, painless life.

  Firoz Khan
  Toronto, Canada.

  Like

 6. શ્રી ગોવીન્દભાઈ,

  જો ‘રમણભ્રમણ’ ના જુના લેખો અહીં રજુ કરશો, તો મારા જેવા વાચકો ને ઘણો જ આનંદ થસે.

  કારણ કે અમને એ લેખો વાંચવાનો મોકો જ નથી મળ્યો.

  ધન્યવાદ.

  Like

  1. વહાલા વસંતભાઈ,
   ‘ગો.મારુ’ હયાત હોય, ત્યાં સુધી પ્રા. રમણભાઈ પાઠક (વાચસ્પતી)ના લેખ ‘અભીવ્યક્તી’ પર પોસ્ટ થતાં રહેશે…

   Like

 7. મુ. રમણભાઈએ મારા પુસ્તકનું વિમોચન કર્યા બાદ આપેલા વક્તવ્યમાં, એમના રમૂજી સ્વભાવનો અને એમની અદ્ભૂત યાદશક્તિનો આબાદ પરિચય કરાવ્યો હતો. આ લેખ એમના મજબૂત મનોબળનો પુરાવો છે.

  Like

 8. ‘રમણભ્રમણ’ની વિદાય અને રમણભાઇની અસ્વસ્થ તબિયતના સમાચારથી મન ઉદ્વિગ્ન થઇ ગયું. ૧૯૬૭માં કે એ દરમ્યાન, ;નવચેતન’ માટે સરોજબેન પાઠકનો ઇન્ટર્વ્યૂ લેવા, તેમના બારડોલીના નિવાસસ્થાને હું ગયેલો, ત્યારે બસ..એક જ વખત એમને મળવાનું થયેલું. ૧૯૭૦ ના કોઇ અંકમાં એ ઇન્ટર્વ્યુ છપાયેલો. રંમણભાઇના સંસ્મરણો અંગે એક જુદો લેખ જ લખાશે. એમને કારણે તો હું આજે રેશનાલીસ્ટ બન્યો છું.
  નવીન બેન્કર ( હ્યુસ્ટન)

  Like

 9. Saute to murrabi Ramanbhai . At 92 and in very poor health condition he can

  write such nice last article is really surprising and inspiring to all of us .

  His services through his best rational articles in Gujarat Mitra will be long remembered .

  Like

 10. raman bhraman gujarat mitra ma thi bandh thase pan rational people na mate to sada avismarniya rahese govind bhai ne namra nivedan ke raman bhraman lekh sangrah pustak bahar pade to khub saru ane pustak bahar pade to pm_patel@hotmail.com par janavso biji kshama raman bhai ni mangvani ke hu bardoli raman bhai ne rubru malva 3 var emna ghare gayo hato ane emni pase ( vivek vallabh ) pustak vanchava mate lavyo hato be var aakhu pustak vanchyu parantu mare achanak USA aavva nu thata pustak parat na karvano vasvaso haju rahe chhe. pustak bahar padva mate sahkar ni jarur pade to e mail karso karan ke shree raman bhai ne vanchya pachito mandiro karmakand vagere ma sahkar aapvanu bandh karyu chhe ane raman bhraman lekh sangrah pustak bahar pade to samaj upyogi thase.

  Like

 11. શરુઆતમાં કહેવા દો કે રમણભાઇની તંદુરસ્તીના સમાચારે દુ:ખી કરી દીઘો.
  આજથી ચાર પાંચ વરસો પહેલાં ન્યુ જર્સીની ‘ગુજરાત દર્પણ‘ની ઓફીસમાં તેમની સાથે મુલાકાત થઇ હતી. તેમની દિકરીને ત્યાં આવેલાં અને ગુજરાત દર્પણને તેમની મુલાકાતનો લાભ મળેલો. જોગાનું જોગ મારી પુસ્તકોના અવલોકનની કટાર, ‘ગુજરાત દર્પણ જ્ઞાન પરબ‘ માટે તેમના અેક પુસ્તકનું અવલોકન તેજ મહિનામાં છપાયું હતું. (સંક્ષિપ્તમાં). તેમને તેની કોપી આપી. પરંતું તેમને હસ્તપ્રત વાંચવી હતી. મેં તે પણ આપી અને તે તેઓ સાથે લઇ ગયેલાં. મુલાકાત દરમ્યાન તેમના લેખોની મારાં વિચારો ઉપર થયેલી અસરની વાતો થયેલી. મને તેઓના વિચારો થકી જીવનને, સમાજને, જુદા ચશ્મા વડે જોવાની ટેવ પડી હતી…તે અસરની વાત મેં તેમની સામે કબુલી હતી…આ મેમરી જીવંત…છે અને રહેશે.
  ઓલમાયતી કુદરતને પ્રાર્થના કરું છું કે તેમને શક્તિ આપે અને શાંતિ અર્પે…અનંતની યાત્રા તો સૌઅે કરવાની જ છે. તે યાત્રા પહેલાના તેમના સર્વે વરસો તંદુરસ્ત અને સુખદ બને…..અને આપણને કોઇ લહિયા દ્વારા લખાવેલા લેખો પિરસતા રહે……..

  અમૃત હઝારી.

  Like

 12. ગુજરાતમાં રેશનાલીઝમનો અડીખમ સ્થંભ ભલે શારીરિક રીતે નબળા પડ્યા મનથી એવા જ મજબુત છે. એમનું વિચારામૃત પીને ઘડાયેલા એમનું કામ આગળ ધપાવતા જ રહેશે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s