ખોરાકની પસન્દગી : સ્વાસ્થ્ય માટે કે શાસ્ત્રોને આધારે ?

–મુરજી ગડા

જૈન મીત્રો સાથેની વાતચીતમાં એક પ્રશ્ન અવારનવાર પુછવામાં આવે છે. દુધ પ્રાણીઓનાં શરીરમાંથી આવતું હોવાથી એને હીંસક ગણાય કે અહીંસક?  આ પ્રશ્ન વ્યાપક હોવાથી એની ચર્ચા જાહેરમાં કરવી જરુરી લાગી છે. માત્ર જૈનોને જ નહીં; પણ અન્ય શાકાહારીઓને પણ તે ઉપયોગી થશે એ આશયથી આ લેખ લખ્યો છે.

જૈન વીચારધારામાં અહીંસાને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે, ખાસ કરીને ખોરાકની પસંદગીમાં. એક એવો વર્ગ છે જેણે દુધ તેમ જ દુધની બનાવટનો સદન્તર ત્યાગ કર્યો છે. તેઓ પોતાને (વેગન)વેજીટેરીયન ગણાવે છે અને આપણને લેક્ટો વેજીટેરીયન (દુધ વાપરતા શાકાહારી) કહે છે. બીજા ઘણા પ્રકારના લોકો છે, જેમની શાકાહારીની વ્યાખ્યા અને ખાનપાનની મર્યાદા આપણાથી અલગ પડે છે. એનાં ઉંડાણમાં જવું જરુરી નથી.

બાળકને શરીરના વીકાસ માટે અને પુખ્ત વયનાઓને શરીર ટકાવી રાખવા માટે સમતોલ આહારની જરુર પડે છે. દરેક પ્રદેશમાં જે સહેલાઈથી મળતું હતું તે એમનો મુખ્ય ખોરાક બન્યો. પાછળથી ધાર્મીક વીચારધારાઓને લીધે એમાં જરુરી ફેરફાર થયા.

દુધમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન, કેલ્શીયમ અને જરુરી વીટામીન હોય છે. ધાર્મીક કારણથી દુધ ન લેવું હોય તો આ બધાં જરુરી તત્ત્વોનો વીકલ્પ શોધવો પડે જે શાકાહારી માટે થોડું અઘરું છે.

દુધમાંથી બનતાં દહીં, છાશના સેવનમાં સુક્ષ્મ સ્તરે અહીંસા પાળવી શક્ય નથી. દહીં બનાવવા માટે દુધમાં ઉમેરાતું ‘મેળવણ’ બેક્ટેરીયાનો સમુહ છે. દુધમાં રહેલાં પોષક તત્ત્વોને લીધે આ બેક્ટેરીયા ઝડપથી વધે છે. દહીં છાશના આ બેક્ટેરીયા આપણી પાચનક્રીયા માટે ઘણા ઉપયોગી છે. એના ત્યાગથી જરુરી પોષણ ઉપરાન્ત આ ફાયદો પણ જતો રહે છે.

કેટલીક વાનગીઓના ઘટકમાં આથો લાવવો જરુરી હોય છે. આ આથો બેક્ટેરીયાને લીધે આવે છે. ક્યારેક આથો લાવવા માટે ‘યીસ્ટ’ (કહેવાતા બેક્ટેરીયા) ઉમેરવામાં આવે છે. આટલા સુક્ષ્મ સ્તરે અહીંસાથી દુર રહેવું હોય તો આવી બધી વાનગીઓ પણ ત્યજવી પડે. શક્ય છે કે શાસ્ત્રોમાં આવી બાબતની ચોખવટ નહીં કરી હોય.

હીંસા–અહીંસાની બાબતમાં કુદરત તટસ્થ છે. આપણા શરીરમાં જ મોટી સેના છે, જે બહારના જીવાણુ સાથે યુદ્ધ કરી આપણું રક્ષણ કરે છે. એ આપણા લોહીમાંના શ્વેતકણો છે.

દહીં, છાશ તેમ જ આથાવાળી વાનગીઓમાં રહેલા બેક્ટેરીયા વીશે આ લેખ દ્વારા જેમને ખબર પડી હોય એમને એટલું કહેવાનું કે ધર્મના નામે આ બધું ત્યજી દેવાથી તેઓ પોતાના સ્વાસ્થ્ય સાથે બાંધછોડ કરી રહ્યા છે. દુનીયાની એંસી ટકા પ્રજા માંસાહારી છે. શાસ્ત્રો પ્રમાણે જીવનભર માંસાહારનુ આવું ‘ઘોર પાપ’ કરનારને પાછો મનુષ્ય અવતાર ન મળે. એ ન્યાયે દુનીયાની માનવ વસતી સતત ઘટવી જોઈતી હતી. વાસ્તવમાં એ સતત વધી રહી છે. છેલ્લાં સો વરસમાં એ બે અબજથી વધી સાત અબજ નજીક પહોંચી છે. આ કેવી રીતે શક્ય બને? આનાથી એટલું સાબીત થાય છે કે ખોરાકની પસન્દગી સાથે પુનર્જન્મનો (જો પુનર્જન્મ હોય તો) સીધો સમ્બન્ધ નથી.

આનો અર્થ એમ પણ નથી કે બધા પ્રકારની આહાર–પસન્દગી સરખી છે. બેશક, સમતોલ શાકાહારી ભોજન પણ સમ્પૂર્ણ ખોરાક બની માણસને સંસ્કારીતાના અને સ્વાસ્થ્યના ઉંચા પગથીયે લઈ જઈ શકે છે. અહીંસા ઉપરાન્ત એની તરફેણમાં બીજા ઘણા મુદ્દા છે. એટલું ખ્યાલ રાખવાનું કે માત્ર ખોરાકની પસંદગી માણસને સારો કે ખરાબ નથી બનાવતી. શાકાહારી ન હોય એવા માણસો પણ પ્રામાણીક, નીતીવાન, અપરીગ્રહી, પ્રકૃતીપ્રેમી, પ્રકૃતીરક્ષક હોઈ શકે છે. ખોરાક એવો ન હોવો જોઈએ કે એનાથી પુરતું પોષણ ન મળે, એટલો શુષ્ક ન હોવો જોઈએ કે જમવાનું અધુરું લાગે કે જમવાનો કંટાળો આવે.

અહીંસાના આધારે ખોરાકની પસંદગીની આ વાતો હતી. ખોરાક ઉપરાન્ત રોજબરોજની અન્ય બાબતોમાં પણ હીંસા–અહીંસાનો વીચાર કરવાનો હોય છે. કાંદા, બટેટા, દુધ વગેરે ત્યજતાં પહેલાં બીજું ઘણું છોડવા જેવું અને કરવા જેવું છે એની થોડી વાતો કરીએ. અત્રે ધાર્મીક માન્યતાઓની સમીક્ષાનો પ્રયાસ નથી કર્યો. બલકે આજની વાસ્તવીકતા સાથે એમની વીસંગતી પ્રકાશમાં લાવવાની કોશીશ કરી છે

હીંસાના પ્રકારને ચાર વર્ગોમાં વહેંચી શકાય : પ્રત્યક્ષ, પરોક્ષ, નીવાર્ય અને અનીવાર્ય. જૈન વીચારધારામાં માનનાર પ્રત્યક્ષ હીંસા ન આચરે એવું સ્વીકારી લઈએ. ખેતીમાં થતી જીવહીંસા અનીવાર્ય છે. આપણે એના પરોક્ષ ભાગીદાર હોવા છતાં; ખેતપેદાશનો ઉપયોગ અનીવાર્ય હોવાથી એની ચર્ચા કરવી વ્યર્થ છે. અટકાવી શકાય એવી નીવાર્ય હીંસામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભાગીદાર થતા હોઈએ એવા ઘણા દાખલા છે, જે આપણે નીવારી શકીએ. અહીં એવા ચાર દૃષ્ટાંતોની વાત કરી છે.

રેશમ કેવી રીતે બને છે એની જેમને ખબર હોય તેઓ રેશમી વસ્ત્રો પહેરવાનો વીચાર સુધ્ધાં ન કરે. જેમને કદાચ ખ્યાલ ન હોય એમને જણાવવાનું કે એક મીટર રેશમનું કાપડ બનાવવામાં રેશમના લાખો કીડાઓનો નાશ કરાય છે.

કારખાનાઓમાં બનતી પ્રાણીજન્ય વસ્તુઓ માટેનો કાચો માલ સીધો કતલખાનામાંથી આવતો હોય છે. એવી વસ્તુઓના બીનજરુરી વપરાશથી પરોક્ષ રીતે હીંસાના ભાગીદાર બનીએ છીએ.

વાહનમાંથી નીકળતા ધુમાડાથી વાતાવરણ તો બગડે જ છે; સાથે સાથે હવામાંના કેટલાયે સુક્ષ્મ જીવ પણ મરે છે. જરુર વગર ગાડી લઈને નીકળી પડતા લોકો પ્રત્યક્ષ રીતે હીંસાના ભાગીદાર બને છે.

આપણા વપરાશની વસ્તુઓ બનાવવામાં જેટલી કુદરતી સમ્પત્તી વપરાય છે, જેટલી ઉર્જા વપરાય છે, જેટલું પર્યાવરણ બગડે છે, જેટલો કચરો પેદા થાય છે, જેટલા મજુરોનું શોષણ થાય છે, જેટલા બાળમજુરોનો દુરુપયોગ થાય છે; એ બધામાં એક પ્રકારની હીંસા રહેલી છે. આપણે જ્યારે પણ કોઈ વસ્તુની ખરીદી કરીએ છીએ ત્યારે પરોક્ષ રીતે આ હીંસાના ભાગીદાર બનીએ છીએ. ખાનપાન બાબતે અહીંસાને એક અન્તીમ સુધી લઈ જનાર આ બધી બાબતો પ્રત્યે સાવ ઉદાસીન રહે તો એમની અહીંસાની સમજ અધુરી કહેવાય.

બધા પ્રકારની હીંસા બને તેટલી ટાળવાનો સરળ ઉકેલ પણ જૈન વીચારધારામાં છે. એ છે ‘અપરીગ્રહ’નો. આપણે એને સગવડતાથી હાંસીયામાં ધકેલી દીધો છે. વાસ્તવમાં ‘અહીંસા’ અને ‘અપરીગ્રહ’ એકબીજા સાથે અભીન્ન રીતે સંકળાયેલાં છે. મોટો પરીગ્રહી અહીંસક ન હોઈ શકે. માણસ જેટલો અપરીગ્રહી એટલો વધુ અહીંસક ગણાય.

અહીં સંસાર છોડીને સાધુ બનવાની વાત નથી કે સ્વેચ્છાએ ગરીબી સ્વીકારવાની પણ વાત નથી. આજના સંદર્ભમાં બીનજરુરી ખરીદી ન કરવાથી અને બગાડ અટકાવવાથી પણ આ ક્ષેત્રમાં ઘણું કરી શકાય છે. કરુણતા એ વાતની છે કે, વધેલી સમ્પત્તીથી છકી ગયેલા, આડેધડ ખરીદી કરતા, વેડફાટ કરતા, કારણ વગર દોડાદોડ કરતા ઘણા લોકો પોતાને પ્રકૃતીપ્રેમી, પર્યાવરણવીદ્, જાગૃત નાગરીક વગેરે માને છે અને અપરીગ્રહી સાધુઓને નમે છે જ્યારે અપરીગ્રહી સંસારી પ્રત્યે ઉતરતી નજરે જુએ છે.

અહીંસા ઉપરાન્ત બીજી પણ એક બાબત ધ્યાનમાં લેવા જેવી છે. દરેક વસ્તુના બેફામ વપરાશથી આપણે ભાવી પ્રજા માટે દુષીત પર્યાવરણવાળી અને વપરાઈ ગયેલી કુદરતી સમ્પત્તીવાળી દુનીયા છોડી જઈએ છીએ. પૃથ્વી પર માત્ર આપણો જ અધીકાર નથી; ભાવી પેઢીઓનો પણ એટલો જ અધીકાર છે. એમના માટે આપણે કેવી દુનીયા છોડી જઈએ છીએ એના પરથી તેઓ આપણને મુલવવાના છે. આગલી પેઢીઓનો સમૃદ્ધ વારસો આવનારી પેઢીઓને કેવી સ્થીતીમાં આપવાનો છે એ વીચારણા માગી લેતો વીષય છે.

જે શાસ્ત્રોનાં લખાણને આધારે આટલી ચર્ચા થઈ છે એ શાસ્ત્રો વીશે થોડી વાત કરી લઈએ. સાદી સમજ પ્રમાણે પૌરાણીક પુસ્તકો (ગ્રંથો) શાસ્ત્રો કહેવાય છે. જો કે શાસ્ત્રનો સાચો અર્થ છે : ‘કોઈ પણ વીષયને લગતી વીસ્તૃત માહીતી આપતું પુસ્તક.’ એ વીષય જુનો કે નવો હોઈ શકે છે. એટલે જ ભૌતીકશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, સમાજશાસ્ત્ર જેવા શબ્દો વપરાય છે. એ હીસાબે ધર્મશાસ્ત્ર એક વીષય માત્ર ગણાય.

દરેક ધર્મના લોકો પોતાના શાસ્ત્રોમાં સમ્પુર્ણ સત્ય સમાયલું હોવાનું માને છે. ધર્મશાસ્ત્રો લખાયા પછી માનવસમાજનું વધેલું જ્ઞાન એમના મતે મીથ્યા છે. બદલાતા સમય પ્રમાણે સમાજની બદલાતી જરુરીયાતો એમને સ્પર્શતી નથી. આપણે વાસ્તવીક દુનીયામાં જીવીએ છીએ. જો સત્યને સ્વીકારવું હોય તો પોતાની બુદ્ધીનો ઉપયોગ કરી શાસ્ત્રોની મર્યાદા સ્વીકારવી રહી.

સદીઓ અગાઉ, તત્કાલીન રાજકીય, સામાજીક અને ધાર્મીક વાતાવરણમાં લખાયેલ શાસ્ત્રોની આચારસંહીતા વર્તમાન સંજોગોમાં કેટલી અસંગત થઈ ગઈ છે એના થોડા દાખલા અહીં આપ્યા છે.

જે શાસ્ત્ર દ્રવ્યદાનની વાત કરે; પણ રક્તદાન, ચક્ષુદાન, અવયવદાન, શરીરદાન વગેરેની વાત ન કરે એ શાસ્ત્ર આજના સંદર્ભમાં અધુરું છે.

જે શાસ્ત્ર સુક્ષ્મ સ્તરે અહીંસાની અને ક્ષમાની વાત કરે; પણ અન્યાય અને અત્યાચારનો સામનો કરવાની વાતને જરુરી મહત્ત્વ ન આપે એ શાસ્ત્ર પલાયનવાદી અને અધુરું છે.

જે શાસ્ત્ર કહેવાતા દેવદ્રવ્યનો ઉપયોગ માનવ હીતાર્થે કરવાનો નીષેધ ફરમાવે; એ શાસ્ત્ર આજના સન્દર્ભમાં (out dated) અવ્યવહારુ છે.

જે શાસ્ત્ર ક્ષત્રીયકુળને શ્રેષ્ઠ ગણી રાજાશાહીનો મહીમા કરે; જ્યારે લોકશાહીનો ઉલ્લેખ સુધ્ધાં ન કરે તે શાસ્ત્ર આજના સન્દર્ભમાં અવ્યવહારુ છે.

જે શાસ્ત્ર સ્ત્રીઓને પુરુષોથી ઉતરતી ગણે તે શાસ્ત્ર માત્ર આજના જ નહીં; હમ્મેશના સન્દર્ભમાં અવ્યવહારુ છે.

જે શાસ્ત્ર હજી પણ પૃથ્વી સપાટ હોવાની વાતો કરે; તે શાસ્ત્ર આજના સન્દર્ભમાં અવ્યવહારુ છે.

આધુનીક માણસ માત્ર બે લાખ વરસ પહેલાં જ અસ્તીત્વમાં આવ્યો છે. જે શાસ્ત્ર આદી માનવોનું આયુષ્ય કરોડો વરસ હોવાનું કહે; તે શાસ્ત્ર આજના સન્દર્ભમાં અવ્યવહારુ છે.

ધર્મશાસ્ત્રોમાં સમયાનુસાર સુધારા થવા એ નવી વાત નથી. સમય પ્રમાણે શાસ્રો બદલાતાં રહે છે. દરેક ધર્મના વીવીધ પંથોની ધર્મ વીશેની સમજમાં જે તફાવત છે તે ધર્મગુરુઓ દ્વારા શાસ્ત્રોમાં કરવામાં આવેલ ફેરફારનો પુરાવો છે. શાસ્રો લખનાર અને બદલાવનાર આપણા જેવા જ માણસો હતા. એમની મર્યાદા અહીં છતી થાય છે.

મુળ વાત ખોરાકની પસંદગીની હતી. આપણે જે પણ કરવાનું કે ત્યજવાનું વીચારીએ એનાં પરીણામોને સમજી, સ્વીકારી પછી કરીએ એ જ આ લેખનો મુખ્ય હેતુ છે. આ જીવન આનન્દથી જીવવા માટે છે. પરલોકના ખ્યાલમાં પલાયનવાદી બનવા માટે નથી કે કોઈનો પડછાયો બનીને જીવવા માટે પણ નથી. કોઈને પણ હાની પહોંચાડ્યા વગર આપણને ગમતું હોય તે કરવા માટે છે. આવી પડેલ જવાબદારીઓ નીભાવવા માટે છે. સમાજનું હીતકારક ધ્યેય રાખવા માટે છે. આખરી નીર્ણય હમ્મેશાં આપણા હાથમાં હોય છે.

                –મુરજી ગડા

લેખક સમ્પર્ક:

શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા–390007 સેલફોન: 97267 99009 ઈ–મેલ: mggada@gmail.com

કચ્છી જૈન સમાજ,અમદાવાદના મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2011ના ઓગસ્ટ માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

 ♦ ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો,પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે,મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે,આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી.સેલફોન: 9537 88 00 66 .મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ:30/05/2014

 

20 Comments

  1. It is a very good and full of truths in this article. I agree with author 100%. Never follow anything blindly.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Like

  2. પ્રાણીઓમાં જીવ છે, તેવી જ રીતે ઝાડ, મુળીયા, કંદમુળ વગેરેમાં પણ જીવ છે, એ વિજ્ઞાને પુરાવર કરેલ છે, અને આપણે પણ જાણીએ છીએ.

    તે અનુસાર તો ફળફળાદી તથા શાકભાજી ખાવી પણ હિંસક ગણાશે.

    આ સત્ય વિચાર ગહન માંગી લે છે.

    કાસીમ અબ્બાસ

    Like

  3. I have always have and always want to debate this subject with those who claim that their diet is base on their religion. I strongly believe that no religion would prohibit any kind of diet that should be require for your health.

    Many time I have been asked by non-Hindu or non-Indian individual that why we (Hindu) do not consume beef/cow or they have commented that Hindu do not eat cow/beef because of their religion. I have always defend this by saying that it is not religion, it is your health. Human should not consume any product that is harsh to their digestive system. Larger animal flesh (namely beef) is harsh to digest and would require sufficient physical strenth to digest. Furthermore, i compared these products to human as engine oil to motor. Harder or thicker the engine oil harder it is on motor. Same way, harsher product is hader for human engine.

    As author mention 80% of world population are non-vegiterian. I also believe that if half this 80% turn in to vegiterian then we would have surplus of animal products and huge shortages of vegitables.

    Botom line is “આ જીવન આનન્દથી જીવવા માટે છે. પરલોકના ખ્યાલમાં પલાયનવાદી બનવા માટે નથી કે કોઈનો પડછાયો બનીને જીવવા માટે પણ નથી. કોઈને પણ હાની પહોંચાડ્યા વગર આપણને ગમતું હોય તે કરવા માટે છે”

    Enjoy your life with respact to others and dicipline to yourself.

    Like

  4. મિત્રો,
    આજે આપણે ખોરાકની વાત લઇને આવ્યા છીઅે, તો ખોરાકની જ વાત કરીઅે.
    અનાજ, વેજીટેબલ્સ, કંદમૂળ, ફળ ફૂલના છોડવા, બઘુ જ જમીનમાંથી આવે છે. ટૂંકમાં વનસ્પતિજન્ય બઘી જ ખાદ્ય વસ્તુઓ જમીનમાંથી જન્મીને, વિકસીને , પ્રાણિઓના ખોરાકનું રુપ લે છે. હિંસા અને અહિંસા બન્નેમાં માનનારાઓ, વનસ્પતિજન્ય ખોરાક આરોગે છે. ટૂંકમાં વનસ્પતિજન્ય ખોરાક માંસાહારી કે વેજીટેરીયન બન્ને જમીનમાં ઉગેલા શાકભાજી આરોગે છે.
    જમીનમાં ઉગવા માટે આ સર્વે વનસ્પતિને પોતાનો ખોરાક ( ખનીજ, કારબોહાયદ્રેટ, પ્રોટીન, ઉત્સેચકો, વિટામીન્સ, વિ….વિ….) જમીનમાંથી જ લેવો પડે. વનસ્પતિ પોતાના પાંદડામાં કે ફળોમાં મૂળતો પોતાનું જીવન જીવવા માટે ખોરાક બનાવીને સંગ્રહતી હોય છે.તેઓ પોતે શસક્ત હશે તો તેમના ફળજંદ પણ શસક્ત જન્મશે. ટૂકમાં વનસ્પતિ અેવું વિચારીને નથી ઉગતી કે માણસ નામનું પ્રાણિ મને ખોરાક બનાવીને પોતે તગડું થશે. અને મને વેપારનું સાઘન બનાવશે.

    હવે જે સાયકલ વડે વનસ્પતિ અને પ્રાણી અેક બીજા ઉપર આઘાર રાખીને આ સંસાર ચલાવે છે, તે બેલેન્સ કેવી રીતે પૃથ્વિના વાતાવરણમાં જાળવીને જીવે છે…‘કો અેક્ઝીસ્ટન્સ‘….જીવન જીવે છે તે સમજવા વિના હિંસા અને અહિંસાના ગીતો ખોરાકના રેફરન્સમાં નકામાં છે.

    વનસ્પતિ શ્વાસમાં કારબન ડાયોક્સાઇડ લે છે. તે ખોરાકમાં ખાતર લે છે….પહેલેના જમાનામાં પ્રાણિઓનો કચરો જ ખાતર તરીકે વપરાતો. આજે પણ તે ખાતર ઉત્તમ ખાતર ગણાય છે.ઉચ્છવાસમાં વનસ્પતિ ઓક્સિજન બહાર કાઢે છે. ટૂંકમાં ઓક્સિજન વનસ્પતિનો કચરો છે.

    પ્રાણિઓ ઓક્સિજન વિના જીવીના શકે, તે ઓક્સિજન જે વનસ્પતિના શરીરનો કચરો છે.
    વનસ્પતિનું શરીર કે તેના શરીરના કોઇ ને કોઇ અંગ પ્રાણિનો ખોરાક બને છે.

    ટૂંકમાં વનસ્પતિના જીવનચક્રમાંથી ઉત્પન્ન થયેલો કચરો પ્રાણિઓને માટે ખોરાક છે, જીવનદાતા છે, અને પ્રાણિઓના જીવનચક્રમાંથી ઉત્પન્ન થયેલો કચરો વનસ્પતિ માટે જીવનદાતા છે….ખોરાક છે.

    જમાનઓ પહેલાં અગ્નિસંસ્કાર થતો નહિં. ‘મીટટીસે આયા ઓર મીટટીમેં મીલ જાના‘ જેવું જીવન હતું અને આજે પણ મોટે ભાગે તે જ પરિસ્થિતિ છે. મૃત પ્રાણિઓ, વનસ્પતિનો ખોરાક તો જ્યારથી પ્રાણિઓનો જન્મ થયો ત્યારથી ચાલી આવે છે…..

    ‘ અપના મન છલનેવાલોં કો ચૈન કહાં હાય આરામ કહાં…………..‘
    ઘણું ઘણું લખી શકાય……..હાલમાં આટલું બસ…….

    અમૃત હઝારી.

    Like

  5. નોંઘ: પ્રાણિઓનો વાયુ કચરો કાર્બન ડાયોક્સાઇડ, વનસ્પતિ માટે ખોરાક બનાવવા માટેનું ઇનગ્રેડીઅન્ટ છે. અને આ પ્રોસેસ દરમ્યાન ઉત્પન્ન થયેલો ઓક્સિજન (કચરો), પ્રાણિઓ માટે જીવનદાતા……
    આભાર.
    અમૃત.

    Like

  6. Wah ! Topic is FOOD consumption by Humans.
    The Lekhak Gada introduced….Vegetatianism & Non-vegetatianism.
    Either will be ready to defend the Choice of food consumed for sustaining the LIFE.
    Was the Human originally Vegetarian or Non-vegetarian ?
    Some will say he kiled animals to survive….some will disagree by saying he was ALWAYS a Vegetarian. And, no end to the arguments.
    Did the Religion have had some infuence on our food habits ?
    Surely YES !
    Hindu Philosophy after the paasage of the time….seen that the Humans can survive with VEGETABLES + MILK as the Animal Source & to prevent killing of animals gave a NEW Direction.
    The JUDAISM ( another old Religion) gave “go” to vegetarian & Meat eating …but then CHRISTIANITY & ISLAM ….one coninued ALL meats & Islam talked of NO PORK.
    As these changes took place….Hinduism with the changes said of NO to BEEF specifically….& the reasoning behind being COWS giving MILK…Bullocks for FARMING & TRANSPORT as the ESSENTIAL to Human survival.
    Then the TOPIC of HINSA & AHISA.
    Just looking @ Animal world we kill insects, bugs , bacteria Etc….Jainism in the defence of AHISA gave the directions but can not be TOTALLY applicable practically as we kill so many “live”ones knowing or unknowingly .
    If FOOD taken to SUSTAIN LIFE must be OK….when one can avoid KILLING of ANIMALS & sustain oneself….the CHOICE is clear.
    FOOD for JUST the TASTE & ENJOYMENT is NOT OK.
    It is the MIND & the BRAIN that will guide the Humans in this FOOD CHOICES.
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Inviting ALL to the World out of RATIONALISM….to my Blog.
    Are are you ready to visit ?

    Like

  7. Rigveda (6/17/1) states that “Indra used to eat the meat of cow, calf, horse and buffalo.” Hinduism’s greatest propagator Swami Vivekanand said thus: “You will be surprised to know that according to ancient Hindu rites and rituals, a man cannot be a good Hindu who does not eat beef”. (The Complete Works of Swami Vivekanand, vol.3, p. 536).
    એટલે ભારતમાં બીફ ખવાતું જ હતું હિંદુઓમાં પણ પાછળથી બંધ થયું છે. હું કોઈ માંસાહાર ની તરફેણ કરતો નથી ફક્ત વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વડે મૂલવવાનો પ્રયાસ કરું છું. કુદરતની ફૂડ ચેનલમાં ત્રણ પ્રકારના પ્રાણીઓ છે. ગાય જેવા ટોટલ હર્બીવોરસ, એમના ઉપર નભતા વાઘ સિંહ ટોટલ કાર્નીવોરસ અને ઓમનીવોર્સ એટલે માનવ અને વાનર જેવા ઉભય આહારી . આપણી પાસે ગાય-ભેંસ જેવું ઘાસ પચાવે તેવું ચાર પેટા જઠરયુક્ત ઘાસના ફાઈબર ને તોડે તેવા બેક્ટેરિયા યુક્ત પાચનતંત્ર છે જ નહિ.. વાનર અને માનવ ઉભયઆહારી ખરો પણ તે માંસ અને ફળફળાદી સલાડ પચાવી શકે ઘાસ નહિ. માનવ પેદા થયે આશરે ૨૫ લાખ વર્ષ થયા. ૫ લાખ વર્ષ ઝાડ ઉપર રહ્યો છે તેવું મનાય છે. ખેતીની શરૂઆત ૧૦-૧૫ હજાર વર્ષ પહેલા થઇ છે. મતલબ આશરે ૨૪ લાખ અને ૮૫૦૦૦ વર્ષ સુધી એણે માંસ અને ફળફળાદી જ ખાધા છે, અનાજ પણ ખાધું નથી.. ઘાસમાં બધું જ છે બધાજ જરૂરી તત્વો છે પણ તે છુટા પાડી લોહીમાં ભેળવવાનું તંત્ર આપણી પાસે નથી. જે ગાય પાસે છે. ઉત્ક્રાન્તિના નિયમ પ્રમાણે હોજરી કોની ફેવર કરશે? ૨૪ લાખ વર્ષથી જે ખાતા હતા તેને કે ૧૫ હજાર વર્ષથી ખાઈએ છીએ તેને? કઠોળ અને અનાજમાં પણ બધું જ છે પણ તેમાંથી બધું પચાવીને એબસોર્બ કરવાનું આપણું પાચન તંત્ર હજુ શીખી રહ્યું છે. આપણા ગુજરાતીઓનો મુખ્ય ખોરાક દાળ-ભાત અને રોટલી છે.મતલબ ભાત અને ઘઉં રૂપે આપણે કાર્બોહાઈડ્રેટ ડબલ લઈએ છીએ અને દાળ કે કઠોળ એક વાટકી ખાઈને પ્રોટીન મેળવીએ છીએ. મતલબ બે ભાગ કાર્બોહાઈડ્રેટ અને ફક્ત નજીવું પ્રોટીન. જ્યારે પ્રોટીનની જરૂર ડબલ હોય છે. અને તે પણ કઠોળ નું પ્રોટીન જલદી હોજરીમાં એબસોર્બ થતું નથી. ખેર દુધમાં રહેલું લેક્ટોસ કોકેશિયન વારસો ધરાવતા નાં હોય તેવા લોકોને પચતું નથી.

    Like

  8. This is very appropriate subject which need to be clarified logically, instead of blindly following the scriptures. Thank you for sharing.

    Like

  9. અહીંસા અંગે સુંદર ચિંતન

    ધ્યેયહીન અને અકારણ હીંસા તો નીદનીય છે જ અને બીજી તરફ ડૉ. ચક્રવર્તી. કહે છે, ‘આ કેન્સરવાળા બધા સેલ પર રિસર્ચ કરે છે કે સેલને મારી નાખો, બાળી નાખો… પરંતુ મારું માનવું એવું છે કે The only people who have interest in our survival is bacteria. આપણા પહેલા બેક્ટેરિયા આવેલા. આપણા પેરેન્ટ્સ કરતાં આપણાં બેક્ટેરિયાને વધારે રસ છે કે આપણે વધારે જીવીએ ! કરોડો બેકટેરિયા શરીરમાં ઘર માંડીને બેસી ગયા છે અને મજા કરે છે ! એમણે કહ્યું કે બેકેટેરિયાની જો મદદ લઈએ તો they will solve the cancer problem. આ સાત વર્ષ પહેલાંની વાત છે. આ ભાઈએ નવો રસ્તો પકડ્યો. રિસર્ચ કર્યું. એમણે બેકટેરિયાનો આધાર લઈને બે દવા શોધી જે કેન્સરને દૂર કરી શકે…

    Like

  10. પ્રાણીઓમાં જીવ છે, તેવી જ રીતે ઝાડ, મુળીયા, કંદમુળ વગેરેમાં પણ જીવ છે, એ વિજ્ઞાને પુરાવર કરેલ છે, અને આપણે પણ જાણીએ છીએ.
    તમે લખ્યું છે કે,
    “ખેતીમાં થતી જીવહીંસા અનીવાર્ય છે. આપણે એના પરોક્ષ ભાગીદાર હોવા છતાં; ખેતપેદાશનો ઉપયોગ અનીવાર્ય હોવાથી એની ચર્ચા કરવી વ્યર્થ છે.”

    તે અનુસાર દુધ તો ઠીક પણ, ફળફળાદી તથા શાકભાજી ખાવી પણ હિંસક ગણાશે.

    કયા જૈન મુની કે અહીંસાના પુજારીઓ દુધ કે અનાજ-ફળ ફળાદી વગર રહેતાં હશે…..કે પછી આવા સમજણ વગરના કાયદાઓ માત્ર સામાન્ય લોકો ઉપરજ માથે પછાડવાના…..????

    તો એનો અર્થ એવો થયો ને કે ધર્મને આપણે સગવડ પ્રમાણે આપણને જેમ અનુકુળ આવે તેમ બનાવી લેવો….કે પછી દુધ-દહીં-છાસ-ઘી કે અનાજ-ફળ વગર માત્ર હવા-પાણી ઉપરજ જીવવાનું….પણ હવા-પાણીમાં પણ બેકટેરીઆ હોય તો તેને કેવી રીતે શ્વાસમાં-પેટમાં જતાં રોકવા….???? ધર્મનો અર્થ સમજવાને બદલે માત્ર પુંછડું પકડીને ચાલવાનું…..

    Like

  11. મિત્રો,
    વનસ્પતિનું ફૂલ ,પરાગ( પુરુષ) અને રજ (બીજ)( સ્ત્રી ) ઘરાવતું હોય છે. કોઇ ફૂલ બન્નેને સાથે પોતાનામાં રાખતાં હોય છે જ્યારે કોઇ ફૂલ ક્યાં તો પરાગ ( પુરુષ ) અથવા રજ ( સ્ત્રી ).
    ફળ, તે વનસ્પતિનું પ્રજનન દ્વારા જન્મેલું ,પાકેલું ગર્ભાશય છે. તે ગર્ભાશયમાં તે વનસ્પતિનાં બીજ હોય છે જે તેના પેરેન્ટ જેવો બીજો છોડ જન્માવવા માટે સક્ષમ હોય છે. બજારમાં વાવવા માટેનાં જે બીજો મળે છે તે ગર્ભાશયમાંથી મેળવવામાં આવે છે.

    માનવ સ્ત્રી પ્રજનન દ્વારા પોતાના ગર્ભાશયમાં પોતાનું બાળક નવ મહિના રાખી, ગર્ભાશયમાના સંગ્રહિત ખોરાક વડે પોષીને પરિપક્વ કરીને જન્મ આપે છે. તેજ રીતે વનસ્પતિનું ફળ બને છે.

    અર્થ કેવો કરવો તે દરેક વાચકનો અઘિકાર છે.
    અમૃત હઝારી.

    Like

  12. What to eat and what not to eat is individual preferance and should not be impacted by their religious belief. As Bhupendrasingh said in his comment: we human were nonvegiterian at one time in past.

    Only thing I would want to add here : Before rejecting any food, think of those who can not even have aby kind of food to eat by end of day.

    Like

  13. દૂધ હિંસક કે અહિંસક ખોરાક છે કે કેમ એ ચર્ચાથી વિશેષ તો પોતાને નીતિમત્તાવાળા માનતા ( અને એટલે જ પોતાને પ્રાણીઓથી ઊંચેરા માનતા ) આપણે સૌએ એ ચર્ચા કરવાની જરૂર છે કે પોતાના સંતાનોના ખોરાક માટે સર્જાયેલું આ દૂધ જે તે જનાવરના બચ્ચાઓને બદલે આપણે પી જઈએ છીએ કે દૂધના અન્ય સ્વરૂપે ખાઈ જઈએ છીએ ત્યારે આપણે કેટલા નીતિવાન છીએ કે કેટલા સ્વાર્થી અને દંભી છીએ. !

    Like

  14. નીરવ પટેલની દલીલ ‘પોતાના સંતાનોના ખોરાક માટે સર્જાયેલું આ દૂધ જે તે જનાવરના બચ્ચાઓને બદલે આપણે પી જઈએ છીએ કે દૂધના અન્ય સ્વરૂપે ખાઈ જઈએ છીએ ત્યારે આપણે કેટલા નીતિવાન છીએ કે કેટલા સ્વાર્થી અને દંભી છીએ. !’ કેટલી વ્યાજબી છે? મારા માટે જરા પણ નહિ. પ્રથમ તો દુધાળા પશુઓ મોટા ભાગે બચ્ચાને જરૂર હોય તેથી વધુ દૂધ ઉત્પાદન કરે છે. બીજું દૂધ જો વર્જ્ય ગણાય માનવીના ઉપયોઉંગ માટે તો પશુપાલકો કેટલાય માત્ર આ વ્યવસાય પર જીવન નિર્વહન કરે છે…તેમનું શું? એ તો ઠીક..પશુપાલનના વ્યવસાયની જરૂર શું? આ દુધાળા પશુઓ કોઈ જ નહિ રાખે…તો ક્યાં રહેશે? જંગલમાં? કોઈ સારસંભાળ ના રાખે તો જંગલમાં સુરક્ષિત નથી જ.

    Like

  15. મિત્રો,
    નિરવ પટેલની વાત ગમી. નિતિન ભાવસારને વેપારની ચિંતા છે. ગાય કે ભેંસ કે બકરી કે ઉંટડી કે ……………….જ્યારે પ્રેગનન્ટ બને ત્યારે જ કુદરતી ક્રમ મુજબ પોતાના બાળક માટે પોતાના સતનમાં કોઇ ચોક્કસ સમય માટે દુઘ બનાવે છે. માનવ સ્ત્રીના સ્તનમાં પણ તે જ રીતે બાળક અમુક ઉમરનું થાય ત્યાં સુઘી જ દુઘ બને છે પછી વસુકાઇ જાય છે. શા માટે ભાઇ ? ( મિલ્ક બનવાનો સમય જુદો, જુદો હોઇ શકે.)
    સાબિત થાય છે કે
    કુદરતી નિયમ છે કે સ્ત્રી પ્રાણિના સ્તનમાં બનતું દુઘ ફક્ત તેના બચ્ચા માટે જ હોય છે. પ્રાણિઓ જાહેર નથી કરતાં કે, ‘હે માનવ, આવ અને જો મારાં સ્તનમાં જરાં વઘારે દુઘ બન્યું છે તો દોહી લે , અને વેપાર કર..નફો કર…ભગવાન તારું ભલું કરશે.‘ જે બોલતાં નથી તેને માટે તો, દલા તરવાડી બનીને માનવી વર્તે છે…..વાડી રે વાડી…..લઉં રીંગણા બે ત્રણ ?……લે ને ભાઇ બે…ચાર…..પ્રાણિઓને દોહી લઇને તેના દુઘનો વેપાર ? છી…છી….છી……
    આ વાત સમજાવતો સચોટ દાખલો આપું.
    જે બોલી શકે છે….સમજી શકે છે….પીર પડાઇ અનુભવી શકે છે…..તેઓ જ્યારે દુનિયાને કહે કે હું અનુભવી શકું છું કે આજે મારાં સ્તનમાં જરુરીઆત કરતાં વઘું દુઘ બન્યુ છે તો મારો વિચાર છે કે જરુરીઆતમંદ બાળકને તે મળે. વેપાર થકી નહિં પરંતુ દાન તરીકે મળે.
    આ ઉમદા વિચાર સાથે સુરતમાં સુરતી મોઢ વણિક મહિલા મંડળોનું હ્યુમન મિલ્ક ડોનેશન મંડળ ચાલુ કર્યુ છે. સિક્કાની બન્ને બાજુને સમજીને. માનવ મિલ્ક…જરુરીઆતમંદ માનવ બાળકો માટે જ. વોલેન્ટીયર બનીને….સ્વયંસેવક બનીને…સમજી વિચારીને………દાન. માનસિક શાંતિના પ્રગત્યને માટે.

    આ સંસ્થાના હ્યુમન મિલ્ક ડોનેશન કિમ્પે લિમ્કા બુકમાં સ્થાન મેળવ્યુ છે.( માહિતિ: જ્યોતિર્ઘર માસિક , મે ૨૦૧૪.)

    મે, ૨૦૧૪ના જ્યોતિર્ઘરના અંકમાં, પ્રભાબેન પટેલ, પ્રમુખ, જાગૃતિ મહિલા મંડળ, મુંબઇ, લખે છે કે,‘ આટલી વિશાળ સંખ્યા જોઇ હું ખૂબ જ પ્રભાવિત થઇ છું. ઘાત્રી માતાઓ પોતાના ઘાવણનું દાન કરી લોક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે તે પ્રશંસાને પાત્ર છે. નવજાત બાળકોને વિનામૂલ્યે ઘાવણ આપી બાળકોને બચાવવામાં અને તેનો વિકાસ કરવાંમાં તેમ જ તંદુરસ્ત જીવન બક્ષવામાં જે માતાઓ ભાગીદાર બની છે, અે પ્રશંસાને પાત્ર અને ગૌરવ લેવા જેવી વાત છે…ઘન્ય છે…..‘

    હવે આપણે વેપારી બુઘ્ઘિના સ્વાર્થિ પ્રાણિ…..વિચાર કરીઅે…..
    આભાર……
    અમૂત હઝારી.

    રક્તદાન પણ આવાં દાનનો અેક પ્રકાર છે.

    Like

    1. Dhanyavad amrutbhai human milk donation mandal ni jankari aapva badal ane aa rite Manila o ma je bhavna pragte teni sathe potana balakone vahelu dhavan chhodavnari baheno mate pan potani tandurasti jalvai rahe ane chhelle sudhi dhavan aavava Devu joiye vahelu dhavan bandh karvu te prakruti ni virudh chhe. Ane chhelle sudhi dhavan aavava devathi Stan cancer jevi bimari thi pan thoda anshe bachi sakai chhe.

      Like

  16. જીવવા માટે ..કુદરતે અજબ વ્યવસ્થાઓ દરેક જીવ કાજે કરી છે ને તે સૃષ્ટિને પોષે છે. માનવ એ બુધ્ધી શક્તિથી પ્રયોગો કરતો આગળ વધે છે..દરેક વસ્તુની એક આચાર સંહિતા ઘડાય..એ કુદરતી સમતોલન માટે આવશ્યક છે. એનો ભંગ થતાં પોષણને બદલે વિકારો ને રોગો થયાના દાખલા વિશ્વતરે જોવા મળે છે.ચીકન..બર્ડ ફલ્યુનો કાતીલ ભય અને સ્વાર્થે…કેટલાય પક્ષીઓને જીવતા દાટી દેવા પડે છે. સારી રીતે જીવીએ પણ પરોક્ષ રીતે પણ

    હિંસાનો અતિરેક નીવારીએ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  17. આહારની બાબતમાં ગુજરાતીઓ ખાસ પૂર્વગ્રહ વડે પીડાતા હોય છે. અમે જોબ પર બ્રેકમાં ખાવા બેસતા તો એક ઇન્ડોનેશિયન ભાઈ જુદા ટેબલ પર રોજ રાઈસ અને માછલીનું ભોજન લઈને જમવા બેસતો. અમારી સાથે એક સ્વામીનારાયણ ભાઈ હતા તે આ જોઈ કાયમ મોઢું મચકોડતા. માછલીની ગંધ આવે એટલે નાક ઊંચુંનીચું કરી નાખતા અને મોઢા પર સખત ધૃણા ભાવ લાવી બડબડ કરતા કે મુઓ કેવું ખાય છે, ગંધાય છે, સાલો નરકમાં જશે, દુર બેસતો નથી વગેરે વગેરે. પેલો ખરેખર સમજીને જુદા ટેબલ પર જ બેસતો. ભાષા એને ભલે આવડતી નાં હોય પણ ચહેરાના ભાવની ભાષા જાણી જતો. અને મનમાં ગુસ્સે પણ થતો. મેં મારા સ્વામીનારાયણ મિત્રને કહ્યું ભાઈ આમ ધૃણા કરવાનો તમને કોઈ હક નથી, જુઓ તે પણ તમારી જેમ જમતા પહેલા પ્રાર્થના કરીને ખાય છે. તેનો ખોરાક છે તે ખાય છે. રવીન્દ્રનાથ ટાગોર પણ રોજ ભાત અને મચ્છી જ ખાતા. દલાઈ લામા પણ દરિયાઈ જીવજંતુઓ ખાવાના શોખીન છે. ગુજરાતીઓ ખાસ આહારની બાબતમાં વિશિષ્ટ પૂર્વગ્રહ વડે પીડાતા હોય છે. એમાં લેખકો પણ આવી જાય અરે કહેવાતા રેશનાલો પણ આવી જાય. મહાન ગુજરાતી રેશનાલીસ્ટ પણ આહારની બાબતમાં વૈજ્ઞાનિક સત્યો પચાવી શકે નહિ અને આહારની બાબતમાં તદ્દન ઇરેશનલ ખયાલો ધરાવતા હોય છે. હહાહાહાહા

    Like

  18. વૈજ્ઞાનીક સત્ય :: ઘરમાં માબાપ સાથે ઉછેર થાય છે. રેશનલ વીચાર કે રેશનલીસ્ટ તો પાછળથી બનવું પડે છે. શાકાહારી હોય એને બધું પચાવતા થોડોક સમય તો લાગે. બાકી માછલી મારકેટ કે મુંબઈની લોકલ ટ્રેનમાં માછલી ડબ્બાની બાજુમાં બેસીએ તો અહ્હા હા શું મજા આવે બધાને જોવામાં….બધા રેશનલીસ્ટોએ આ અનુભવ લેવો જોઈએ.

    Like

Leave a comment