ગુરુપુર્ણીમા એટલે ? ગુરુની ભક્તી નહીં; પણ તેની કસોટી કરવાનું પર્વ

ખુશ ખબર

છેલ્લાં છ વરસથી રૅશનલ વીચારોને પ્રસારવા મથતા મારા બ્લોગ ‘અભીવ્યક્તી’માં, જે લેખકના પચાસ લેખો મુકાયા હોય તેવા લેખકોના 25–25 લેખોની ઈ.બુક પ્રકાશીત કરવાનું નક્કી કર્યું છે. તે મુજબ પ્રા. રમણ પાઠક(વાચસ્પતી)ના 25 લેખોની પ્રથમ ‘ઈ.બુક’ તૈયાર કરી ને આજરોજ (તારીખ 18 જુન, 2014) પાઠકસાહેબના નીવાસસ્થાને બારડોલી અમે ગયા હતા. ત્યાં પ્રા. રમણભાઈની અમેરીકાનીવાસી દીકરી શર્વરીબહેન દેસાઈ, અન્ય મીત્રો અને આ લખનારની ઉપસ્થીતીમાં પ્રા. રમણ પાઠકના હસ્તે ઈ.બુક01નું લોકાર્પણ થયું હતું.

હવે પછીની બીજી ઈ.બુક લેખક શ્રી. દીનેશ પાંચાલના લેખોની અને ત્રીજી ઈ.બુક લેખક શ્રી. મુરજી ગડાના લેખોની બનશે.

‘અભીવ્યક્તી’ બ્લોગના મથાળે ઈ.બુક વીભાગમાં આ ઈ.બુક તેમ જ હવે પછી પ્રકાશીત થનારી ઈ.બુક્સ પણ મુકવામાં આવશે. આ ઈ.બુક વીભાગ (https://govindmaru.wordpress.com/e-books/)માંથી ઈ.બુક ડાઉનલોડકરવા વીનન્તી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને લખશે તો હું તે વાચકમીત્રને ઈ.બુક મોકલીશ.

ધન્યવાદ..

ગોવીંદ મારુ

લો, હવે વાંચો આજની પોસ્ટ શ્રી. રોહીત શાહનો લેખ ‘ગુરુપુર્ણીમા એટલે ? ગુરુની ભક્તી નહીં; પણ તેની કસોટી કરવાનું પર્વ લેખ માણી, મમળાવી, નીચે કૉમેન્ટ મુકવાનું ચુકશો નહીં. આભાર….

 ‘ગુરુપુર્ણીમા એટલે ? 

ગુરુની ભક્તી નહીં; પણ તેની કસોટી કરવાનું પર્વ’

રોહીત શાહ

ગયા વર્ષે ગુરુપુર્ણીમાના પર્વપ્રસંગે મેં એક લેખ લખ્યો હતો, એનું શીર્ષક હતું: ‘ગુરુપુર્ણીમા ગુરુની પુજા કરવા માટેનો દીવસ નથી; એ તો ગુરુની પરીક્ષા કરવા માટેનો દીવસ છે.’

આજે એ જ અનુસન્ધાનમાં આગળ વધવાનો ઈરાદો છે. ગુરુ એટલે સૌથી આદરપાત્ર વ્યક્તી. ગુરુ એટલે હૈયાના ઉમળકાપુર્વક ભક્તી કરવા યોગ્ય પાત્ર. આદર અને ભક્તી બન્ને અનલીમીટેડ કમ્પનીઓ જેવાં છે. કોઈક એક જ ફીક્સ દીવસે જ અને કોઈ એક જ ફીક્સ ટ્રેડીશન પ્રમાણે ભક્તી અને આદર વ્યક્ત કરી દેવાનાં ન હોય. ગુરુને જોઈને તેમના ગંધાતા પગમાં આળોટવા મંડી પડવું એ કાંઈ ગુરુભક્તી નથી. ગુરુને જોતાં જ આપણા ચહેરા પર કૃતજ્ઞતા છલકાય અને આંખો આદરભાવનો અભીષેક કરવા લાગે એ સાચી ગુરુભક્તી છે. બીજા લોકો ગુરુભક્તી કરે છે એટલે મારે પણ કરવી જોઈએ એમ સમજીને અથવા ગુરુજી સ્વયમ્ આગ્રહ કરે છે માટે હું તેમની સેવા–પુજા–ભક્તી કરું એમ નથી સોચવાનું. એમાં તો દમ્ભ, ભય, લાલચ, પ્રદર્શનવૃત્તી, ગુપ્ત અહંકાર ઘણું બધું પ્રવેશી જશે. શુદ્ધ ભક્તી અને સાચો આદર બહાર રહી જશે અને ગુરુભક્તીનાં ધતીંગોનો વીકૃત સેલાબ આવશે !

ગુરુની પરીક્ષા કરો 

ગુરુની ભક્તી માત્ર ગુરુપુર્ણીમાના એક જ દીવસ માટે કરીએ તો આપણે અધુરા–વામણા ગણાઈએ. ગુરુભક્તી તો સતત, નીરન્તર કરવાની હોય. આજનું પર્વ તો ગુરુની પરીક્ષા કરવાનું પર્વ છે. જે ગુરુની આપણે હવે પછી લાઈફટાઈમ સેવાભક્તી કરવા ઉત્સાહી–હરખપદુડા છીએ, તે ગુરુ આપણી સેવાભક્તી માટે સુપાત્ર છે કે નહીં; કાબીલ છે કે નહીં એ ચકાસવાનું પર્વ એટલે ગુરુપુર્ણીમા. ઘરકામ માટે એક નોકર રાખીએ તોય તેની ટેસ્ટ લઈએ છીએ. કોઈ બીમારીનો ઈલાજ કરવામાં ડૉક્ટર નીષ્ફળજાય તો તરત આપણે બીજા ડૉક્ટરની પાસે જઈને તેની ટ્રીટમેન્ટ લઈએ છીએ. સોનું ખરીદતી વખતે કોઈ શાણો માણસ જરાય બેદરકારી ન રાખે. હૉલમાર્કનો સીક્કો હોય તોય પોતે છેતરાઈ તો નથી રહ્યોને, એની ચકાસણી કરે છે. યસ, ગુરુપુર્ણીમા એટલે ગુરુની ભક્તી કરવાનું નહીં, તેમની કસોટી કરવાનું પર્વ ! હવે તમે આ સત્ય સમજીગયા હશો.

જો તમને કોઈ પાખંડી ગુરુ ભેટી ગયો હશે તો તે તમને બીવડાવશે, નરકનો ભય બતાવીને પોતાનાં નેત્રો લાલઘુમ કરીને કહેશે : ‘મુર્ખ ! તું ગુરુની પરીક્ષા કરવા નીકળ્યો છે ? તારી ઓકાત શી છે ? ગુરુની કસોટી કરવા જઈશ તો રૌરવ નરકમાંય તને જગ્યા નહીં મળે ! તું મહાપાપી પુરવાર થઈ જઈશ.’

મુની કે મુનીમ ?

આવી ધમકી કે ભય આપે તેવા ગુરુના નામ પર ચોકડી મુકી દેવાની. ગુરુનું કામ જ્ઞાન આપવાનું છે, ધમકી આપવાનું નથી. ગુરુનું કામ માર્ગ બતાવવાનું છે, ભય પમાડવાનું નથી. સાચો ગુરુ તો તે છે જે આપણને ભયમુક્ત કરે, નીર્ભય અને નીર્દંભ બનાવે. જે ગુરુ પોતાના નામે કે ગુરુના નામે ટ્રસ્ટો ચલાવીને બારે મહીના ફંડફાળા ઉઘરાવ્યા કરતો હોય તે તો મુની નથી; મુનીમ છે. ગુરુ તે નથી, જે ચપટીઓ વગાડીને ફાલતુ આજ્ઞાઓ કરતો હોય અને શીષ્ય તે નથી, જે ગુરુની વાહીયાત આજ્ઞાઓને માથે ચઢાવ્યા કરતો હોય. ફંડફાળા કરનારા અને ફાલતુ આજ્ઞાઓ કરનારા ગુરુથી સાવધ રહેવું જોઈએ. લાંબો–મોટો પલાંઠો લગાવીને ઉંચા આસને ગોઠવાઈ જાય અને પોતાની નવ અંગે પુજા કરાવે, કીમતી ભેટ સોગાદો સ્વીકારે, વધારે કીમતી ભેટ આપનાર ભક્તને વધારે વહાલ કરે અને મોં પર કડવું સત્ય ઉચ્ચારનારને આઘો રાખે તેવા ગુરુથી તો આપણે સ્વયમ્ જ આઘા રહેવું જોઈએ. એમાં જ આપણી સેફ્ટી છે.

ગુરુ દ્રોણથી નફરત

જ્યારે–જ્યારે ગુરુની વાત નીકળે છે ત્યારે–ત્યારે મને ગુરુ દ્રોણ યાદ આવે છે. ગુરુદ્રોણનું ચીત્ર જોઈનેય મારું તો લોહી ઉકળી ઉઠે છે. એકલવ્ય રાજકુમાર નહોતો એટલે તેને ધનુર્વીદ્યા શીખવાડવાની ના પાડનાર ગુરુ દ્રોણને પછીથી ખબર પડે છે કે આ એકલવ્ય તો મારા પ્રીય શીષ્ય અર્જુનના સામર્થ્યને ઓવરટેક કરી શકે તેવો સમર્થ છે, ત્યારે તેના જમણા હાથનો અંગુઠો ગુરુદક્ષીણા રુપે માગી લઈને તેની સાથે ઘોર અન્યાય અને અત્યાચાર કર્યો હતો. અર્જુન તેમને એટલા માટે પ્રીય હતો કે તે રાજકુમાર હોવા ઉપરાન્ત આજ્ઞાકારી અને નીશાનબાજ હતો. હોશીયાર અને સમર્થ શીષ્ય પ્રત્યે પક્ષપાત કરે તે સાચો ગુરુ નથી. નબળા અને ગરીબ શીષ્ય પ્રત્યે વહાલ વહાવે, સમભાવ રાખે તે સાચો ગુરુ હોઈ શકે છે.

કૌરવો–પાંડવોની વચ્ચે જુગાર ખેલાયો, દ્રૌપદીને દાવ પર મુકવામાં આવી અને દુ:શાસન દ્વારા દ્રૌપદીનું ચીરહરણ થયું એ સમગ્ર ઘટનાક્રમ વખતે ગુરુ દ્રોણ સભામાં ઉપસ્થીત હતા છતાં; તેમણે કોઈને રોક્યા–ટોક્યા નહીં. કાયરતાભર્યું મૌન સેવીને બેસી રહ્યા. આવા સ્વાર્થી અને કાયર ગુરુઓ હોય તોય શું અને ન હોય તોય શું?  મીંઢા અને લુચ્ચા, લાલચુ અને ડરપોક ગુરુથી દુર રહે તે સાચો ગુરુભક્ત છે.

ગુરુદ્રોણે એકલવ્યનો અંગુઠો દક્ષીણામાં માગી લઈને એકલવ્યને સામર્થ્યહીન કરી દીધો તથા દ્રૌપદીની લાજ લુંટાતી જોઈનેય પોતે મૌન રહ્યા આ બે બાબતો માટે તેમને કદી માફ ન કરી શકાય. આમેય શીષ્ય ભુલ કરે તો માફ કરી શકાય (કારણ કે તે અજ્ઞાની છે); કીન્તુ ગુરુ કોઈ ગુસ્તાખી કરે તો તેને માફ ન કરી શકાય (કારણકે તે તો જ્ઞાની છે, જાણકાર છે).

શીષ્ય ભોળાભાવે ગુરુ માટે ગીફ્ટ લાવે તો તેને માફ કરી દેવાય; પણ ગુરુએ તેને કહેવું જોઈએ કે હું આ બધું ત્યાગીને સંયમને માર્ગે ચાલી રહ્યો છું. તું મને કોઈ પણ ગીફ્ટ આપે તો તને દોષ (પાપ) લાગે. ભક્ત તરફથી મળતી ગીફ્ટ વખતે ભક્તને આવી ચેતવણી આપીને, કોઈ પણ સંજોગોમાં ગીફ્ટનો અસ્વીકાર કરનારા ગુરુઓ કેટલા ?

ગુરુઓ કાયર બનીને કેમ બેઠા છે ?

દ્રૌપદીના વસ્ત્રહરણ પ્રસંગે કૃપાચાર્ય, દ્રોણાચાર્ય જેવા ગુરુઓ કાયર બની રહ્યા હતા. આજે પણ હજારો ગૅન્ગ–રેપની ઘટનાઓ સામે હજારો ગુરુઓ કાયર બની બેઠા છે. ત્યાગી–સંયમી, કહેવાતા મહાત્માઓ વગેરેને માથે નોકરી–વ્યવસાયની કે ફૅમીલીની કોઈ જવાબદારીનું બર્ડન તો હોતું નથી ! એવા લોકો દુરાચારીઓને સજા કરાવવા કેમ મેદાનમાં ઉતરતા નથી ? શ્રેષ્ઠ ગોચરી અને છપ્પનભોગ આરોગનારા ગુરુઓ સરકાર સામે ભુખહડતાળ કરે, મરણાંત અનશન કરે તો અન્યાય–અત્યાચારના ટાંટીયા ઢીલા પડે જ.

ઉંચા આસને બેસીને ભક્તોને વાહીયાત ઉપદેશો આપવા,પોથી–વૈકુંઠનાં અવાસ્તવીક ખ્વાબો બતાવવાં, ફંડફાળા ઉઘરાવવા – આ બધાં કામ સહેલાં છે અને અર્થહીન પણ છે. જે ગુરુઓ આવાં કાર્યો કરતાં ફરે છે તે ગુરુઓ સ્વયમ્ નરકના અધીકારી બનશે એવી ખુલ્લી ચેતવણી આપણે અવશ્ય આપી શકીએ.

ચમત્કારો કરીને વહેમો ફેલાવવાનો કારોબાર કરતાં ગુરુઓથી વેગળા રહેવું એ અધ્યાત્મનો સાચો માર્ગ છે. આટલું નાનકડું સત્ય ગુરુપુર્ણીમાના પર્વપ્રસંગે પ્રત્યેક આત્માર્થીએ આત્મસાત્કરવું જોઈએ.

રોહીત શાહ

મુમ્બઈના સાંધ્ય–દૈનીક ‘મીડડે’ (12 જુલાઈ, 2013ની આવૃત્તી)માં પ્રગટ થતી એમની  લોકપ્રીય કટાર મન્ડે-મંથનમાંથી.. લેખકશ્રીના અને ‘મીડ–ડે’ ના સૌજન્યથી સાભાર…

લેખક સંપર્ક: શ્રી. રોહીત શાહ, ‘અનેકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ્સ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન: (079) 2747 3207 મેઈલ: rohitshah.writer@gmail.com

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તીબ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત ખાતરી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ:  govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 18/07/2014

14 Comments

  1. હે માનવ, આ બઘી માથાકુટ અને વ્યાખ્યાબાજી છોડ. તું તારી જાતને ઓળખ. તું જ તારો ગુરુ અને તું જ તારો શિષ્ય છે. તારો રોજીદો જાતઅનુભવ તારો ગાઇડ છે. તને ફક્ત તારામાં વિશ્વાસ હોવો જરુરી છે.
    અમૃત હઝારી.

    Like

  2. ઈ-બુક ડાઉનલોડ કરી લીધી છે. અભિપ્રાય નહીં આપું કારણ કે મારી એટલી યોગ્યતા નથી.
    તમને અને શ્રી ઉત્તમભાઈને અભિનંદન.

    Like

  3. મેં એક ભજન બનાવ્યું છે તેની છેલ્લી કડી નીચે લખું છું
    ગુરુ ગોતવા” આતાએ” ઝાઝા ફાફા માર્યાં (પણ)
    મનના ગુરુએ ભ્રમણાઓ ભાંગી રે સદ્ગુરુ એને નો મળ્યા રે જી આતા (હિંમત લાલ )

    Like

  4. गुरु साक्षात परब्रह्म એ મુળ જ્ઞાન ને છોડી ને “માત્ર નબળું/ખોટું જ જોવું” એ ટૂંકી દ્રષ્ટિ ના આધારે ઉંધે પાટે ચડવું તે મને તો યોગ્ય નથી લાગતું…. છેવટે કોને શું કહ્યું તેને જાણી /વિચારીને આપણે શું કરવું ?? તે તો વિવેક બુદ્ધિ થી આપણે જ નક્કી કરવાનું હોય છે.. તેને અનુસરવું….. કોઈ ના દોષ જોવામાં આપણો અમૂલ્ય સમય કેમ બરબાદ કરવો?? !! માટે વેળાસર ચેતી જવાને આહ્વાહન છે.. SP

    Like

  5. ગુરૂ બ્ર્ર્હ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરૂ દેવો મહેશ્વરઃ ! ગુરૂ સાક્ષાત પરં બ્રહ્મ તસ્મૈ શ્રી ગુર્વે નમ: !!
    ગુરૂઓને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કહેવાનો આ શ્લોક પણ કોઈ ગુરૂએ જ પોતા માટે રચી શિષ્યો પાસે રજૂ કરી ગવડાવતા હોવા જોઈએ. દેશ ભરમાં આ શ્લોકને વ્યાજબી ઠેરવે તેઓ એક પણ ગુરૂ દ્રષ્ટિ ગોચર થતો નથી.લોકોને મુર્ખ બનાવી ડરાવી માત્ર અને માત્ર ધન અને ધન જ એકથું કરવાની મુખ્ય પ્રવૃતિ બની ગઈ છે તે એકસોને એક ટકા રૌરાવ
    નર્કના જ વાસી થશે તે નિઃશંક છે.

    Like

  6. ગુરુ કોણ અને કોને ગણવા ? આ પ્રશ્ન ધાર્મિક વેવલાઈમાં ડૂબેલા ને રત લોકો માટે છે કેમકે તેમને ગુરુ વિના સ્વર્ગની સીડી કોણ બતાવશે ?

    જનતાનો અંધ શ્રધાળુ અને પોકળ ધાર્મિક વર્ગ હમેશ ધર્મના નામે સમાજને નુકસાન કરતો આવ્યો છે, કદાચ તેમની પોલી ડરપોક ધાર્મિકતાને લઈને બેચાર સારા કામ કરી લીધા હશે પણ સમાજના નવા અભિગમમાં કે કોઈ સુધારામાં સહકાર આપવાનું તેમને સ્વીકાર્ય નથી,આ કોઈ નવી વાત નથી આપણા કવિ નર્મદ પણ હારી થાકીને મરી ગયા પણ હજુ આ વર્ગ પોકળ ધાર્મિકતામાં અટવાયો છે !

    હિન્દુધર્મના દરેક ફાંટમાં આ ગુરુઓએ ઘણું નુકસાન કર્યું છે અને હાલના તબ્બક્કે કરતા કરી રહ્યા છે તેથી સામાજિક જોઈતા સુધારામાં તેઓ નડતા આવ્યા છે. ‘નરો વા કુંજરો વા ‘ નું વલણ સમાજને ખુબ નડ્યું છે!

    આ ગુરુપ્રથા ને મુકો ‘ડામ’ અને રોળાતા/કચડાતા, નબળા અને દુખી લોકોની સેવાને ગુરુનું કામ સમજીને હવે તેમાં જનતાના આ વર્ગે જોડાઈ જવું એજ સાચી ગુરુ દક્ષિણા ગણાશે. ગુરુ પૂર્ણિમા ભલે પંચાંગમાં આવતી રહે !!

    Like

  7. રોહિતભાઈ, તમે ગમે કહો પણ, મને તો એ ગુરુંવર્યોને પાદવંદના કરવાનું મન થાય છે. આજકાલ અત્રતત્ર મેનેજમેન્ટ ગુરુઓની વાતો થતી રહે છે; પણ, સાચા મેનેજમેન્ટ ગુરુતો છે; આપણા પૂ, પાદશ્રી શ્રી શ્રી શ્રીમદ 108–1008. હું તો તેમના વિચારોથી પ્રભાવિત છું. કદાચ ચાણક્ય પણ, આવું ઉમદા વિચારસૂત્ર નહી આપી શક્યા હોય! ગુરુ કહે તે કરો! ગુરુ કરે તે ના કરો! લ્યો છેને, એક જ સૂત્રમાં આપણને મ્હાત કરી દીધા! ગુરુ કરે તો આંખો મીંચી દો! અને કહે તો પેલી વાર્તાના વાંસળીવાળાની જ્યમ તેમને પાછળ ઊંધું ઘાલી દોડતા રહો! વાહ! એક સાથે સહસ્ર હરિભક્તોને હરીકંઠ કહેતાં ગાળિયો પહેરાવી તેમના ડચકારે એક વિશાલ ઘેટાના ટોળાને ગુરુવર્યની પાછળ દોડતા કરી દેનાર ગુરુની સમર્થતાને હું વંદના કરું છું!
    બીજું સૂત્ર છે; ” ભગવાનકે ઘર દેર હૈ પર અંધેર નહીં. ” ભક્તો પરસેવે રેબઝેબ થઇ શ્રી શ્રીની રાહ જોતા હોય અને શ્રી શ્રી વાટ જોવડાવ્યા પછી ત્રણ ચાર કલાકે પધરામણી કરે એને તમે વક્રતાથી ના જોશો! તેઓ શ્રી શ્રી આ રીતે હરિભક્તોને પ્રેરણા આપતા હોય છે. ધૈર્ય કેળવો! વિશ્વાસ રાખો! વિશ્વાસથી જ હરી મળે છે.

    Like

  8. વિઠ્ઠલ ટલાટીભાઇના કટાક્ષ બાણોઅે મારા અેક અનુભવની વાત યાદ ડેવડાવી.
    ત્યારે ન્યુજર્સીમાં શ્રીશ્રીની સભાનું આયોજન થઇ રહ્યું હતું. તે માટે મીડીયાની અેક મીટીંગ બોલાવવામાં આવી હતી. શ્રી મુકેશ કાશીવાલા કંડક્ટ કરતાં હતાં. શ્રીશ્રીના ખૂબ ખૂબ ભણેલાં ચેલાઓ શ્રીશ્રીના પેટભરીને વખાણ કરતાં થિકતાં ન્હોતા. અેમ પણ કહેવાયુ કે શ્રીશ્રીને તો મોટા મોટા દેશના વડાઓ સાથે ગાઢ પરિચય છે અને ત બઘા શ્રીશ્રીની સલાહ લે છે.
    જે જે મીડીયાવાળા ભાઇ બહેનને જે જે સવાલો હતાં તે પુછાયા…ભણેલાં ચેલાઓઅે જવાબો આપ્યા. અને મુકેશભાઇઅે કહ્યુ કે હવે છેલ્લો સવાલ કોઇને પૂછવો હોય તો પૂછે.
    મેં આંગળી ઉંચી કરી.
    ( જે બન્યુ હતું તે કહેવા આ લખું છું, મારાં વખાણ કરવાં માટે નહિં.)
    મેં પૂરૂયું , ‘ તમારાં કહેવા મુજબ શ્રીશ્રીને દુનિયાનાં મોટા મોટા દેશોનાં વડાઓ સાથે સંબંઘો છે અને તે વડાઓ શ્રીશ્રીની સલાહ પણ લે છે…..તો….શ્રીશ્રી તે વડાઓને કેમ સમજાવતાં નથી કે દુનિયામાં ચાલતાં યુઘ્ઘો બંઘ કરાવે અને શાંતિની સ્થાપના કરવાં માટે તે તે વડાઓને સમજાવે ?‘
    જવાબ આપનાર ભણેસરીઅે સમય મર્યાદાની વાત કરીને સભાને તે જ ઘડીઅે અટોપી લીઘી. મારા સવાલનો જવાબ આપ્યો નહિં.
    જય જય શ્રીશ્રી…..વિમાનમાં અને વિમાનમાં જ જેનું જીવન પસાર થતું હોય તે સાઘુ પ્રાણાયમના ક્લાસીસ ચલાવીને ૩ કે ૪ દિવસમાં રાક્ષસને દેવ બનાવવાનાં રસ્તા બતાવે ?
    ક્લાસીસ ચલાવનારા તો તેમનાં ચેલાઓ તેઓ તો બોઘી વચન કહીને પાછા વિમાનમાં……
    ચેલા બહોત હોગા તો ગુરુ અપને આપ ભાગેગા, ઉક્તિ કદાચ ખોટી હશે.
    ગુરુ ચેલાનું તો અેક સૂત્ર…..તેરા ભી ભલા…..મેરા ભી ભલા…..
    અમૃત હઝારી.

    Like

  9. આ જ વીષયે કેટલાક વર્ષ પહેલાં મેં લખેલો લેખ share કરું છું :
    * ‘ગુરુમહીમા’નો ખયાલ ફેરવીચાર માંગે છે – કીરણ ત્રીવેદી

    “ગુરુ મહાન છે, ગુરુ દેવ સમાન છે.” આ ખયાલ ફેરવીચાર માંગે છે. આજે હવે ભેદભાવ વગર, નીષ્પક્ષ રીતે બધાને સમાન ગણવાનો સમય છે; એમાંજ સૌની પ્રગતી પણ સમાયેલી છે. કોઈ ઉંચા આસને ને કોઈ એના ચરણે એ વીચાર જ ગેરવાજબી છે. પૌરાણીક યુગનો દ્રોણાચાર્ય- એકલવ્યનો દાખલો હોય કે વાઈબ્રન્ટ યુગનો પાટણના બળાત્કારી ગુરુઓનો દાખલો હોય; ‘ગુરુમહીમા’ના ખયાલી દાબમાં ગેરલાભ લેવાયાના દાખલા વધુ છે. સહજ-સરળ-વાસ્તવીક વીભાવના તો એ છે કે ગુરુ પણ માનવી છે, એક માનવીમાં હોય તેવી સારપ કે બદીઓ એમાં પણ હોવાની. બહુ બહુ તો સારા નબળા પ્રોફેસનલની જેમ કોઈ કોઈ સારો ગુરુ છે તો કોઈ નબળો.

    ગુરુ કહે તે બધું સાચું, ગુરુ સામે બોલાય જ નહીં, ગુરુ તો આખી જીંદગી તમારો ગુરુ રહે છે – આવી ભુલભરેલી માન્યતાઓને કારણે જ નબળા ગુરુઓ ખોટું-અધકચરું જ્ઞાન આપે છે કે ક્યારેક નુકશાનકર્તા વીચારો રોપે છે – ‘ને છતાં વીદ્યાર્થીઓ ચુપચાપ બધું દીમાગમાં ભર્યા કરે છે. ભાષણ ને બદલે સંવાદની ભુમીકા આજના શીક્ષણ માટે વધુ ઉપયોગી છે, પરંતુ ઉંચા આસને બેઠેલા ગુરુને સવાલ કરતાં શીષ્યો નથી ગમતા. એમાયે ગુરુના મર્યાદીત જ્ઞાનને પડકારનારા કે નવી – જુદી વાત કરનારા શીષ્યોને તો તોફાની, ગુમાની અને અસંસ્કારી તરીકેનું લેબલીંગ જ કરી દેવામાં આવે છે. સમજદાર વ્યક્તીઓ જાણે જ છે કે નવી પેઢી પાસેથી આપણે પણ ખુબ શીખવાનું છે. નવી દ્રષ્ટી, તાજો અભીગમ, અનોખી અભીવ્યક્તી, છેલ્લામાં છેલ્લી માહીતી, નવા જમાનાની તરકીબો… વગેરે વગેરે ઘણું. હકીકતે દરેક પચાસી વટાવી ચુકેલા ‘પંતુજીઓ’ માટે તો આ નવલોહીયાઓ જ નવા યુગ સાથેની હાથવગી કડી છે. તરવરીયા શીષ્યો જ ગુરુઓની સજ્જતા બરકરાર રાખી શકે. એ અર્થમાં ગુરુ-શીષ્ય સંબંધ લેતી-દેતીનો છે જ. એટલે જ કહેવાયું છે કે ‘વહેંચતા જ્ઞાન વધે’. આ સંદર્ભમાં આજની વીભાવના ‘નોલેજ શેરીંગ’ની છે, ‘નોલેજ ડીપાર્ટિંગની નહી.

    .યાદ કરો, એક સમય એવો પણ હતો કે વર્ણ-વ્યવસ્થામાં બ્રાહ્મણોએ જ્ઞાન ઉપર પોતાનો ઈજારો સ્થાપી દીધેલો. સમાજમાં ઉચ્ચવર્ણ ગણાતાં લોકોને જ વીદ્યા મેળવવાનો અધીકાર હતો. સંસ્કૃતને તો સીક્રેટ લેન્ગ્વેજ બનાવી દેવામાં આવેલી. કહે છે શુદ્રો ગણાતા દલીત-વંચીત વર્ગની વ્યક્તી જો સંસ્કૃત સાંભળી જાય તો પણ એના કાનમાં ગરમાગરમ તેલ રેડવામાં આવતું હતું! ક્યા ગુરુની વાત કરીએ? એવા અમાનવીય સમયમાં વીદ્યા પણ સત્તાના કેન્દ્રીકરણ માટેનું સાધન હતી, તેવા સંજોગોમાં વીદ્યા ‘આપનાર’ સન્માનનીય, પુજનીય લાગે તે સ્વાભાવીક હતું.

    .પોતાના અવમુલ્યન માટે ગુરુઓ પણ ઓછા જવાબદાર નથી. પ્રથમથી જ ગુરુસેવાના નામે શીષ્ય પાસેથી ચાકરી લેવાની પ્રથા રહી છે, આજે હવે કોને ગમે? છતાં ઉચ્ચ અભ્યાસો, ખાસ કરીને પીએચડી જેવા સ્તરે પણ વીષય-નીષ્ણાત ‘ગાઈડ’ ગુરુઓ હજુ આજે પણ પોતાના વીદ્યાર્થીને નોકરની જેમ ઘરેલુ / વ્યક્તીગત કામો કરાવતા જોવા મળે છે.

    .શીક્ષણ ઉપરાંત કારકીર્દીના ક્ષેત્રે પણ વ્યક્તીના શરુઆતના વર્ષોમાં ટ્રીક્સ ઓફ ટ્રેડ શીખવનાર બોસ, મેનેજર કે સાથીદારને ‘ગુરુ’ ગણી / ગણાવીને જીન્દગી આખી સલામ મારવાની પરંપરા પડેલી છે. કલા, સાહીત્ય, સાયન્સ અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં તો ખાસ. ક્ષેત્રમાં નવા-સવા આવેલા માણસને શીખવાની જરુર છે, તો સામે પક્ષે બોસ હોય કે સાથીદાર, નવોદીત પાસેથી કામ લેવાની એમની પણ જરુરીયાત છે. આવા ગરજના સંબંધ ન હોય તો પણ, જેમ કે કલા-સાહીત્યમાં નવોદીતને કોઈ સીદ્ધહસ્ત સાથે સમજદારીનો સંબંધ કે દોસ્તીનો માહોલ બંધાયો, ને એમાંથી શીખીને નવોદીત એ ક્ષેત્રેમાં નામ-દામ કમાય તો શીરસ્તો છે કે પેલા સીદ્ધહસ્તને તેણે જીન્દગી આખી ગુરુપદે રાખવાનો! મોટા ભાગના કીસ્સાઓમાં તો શીષ્ય ગુરુ કરતાં સવાયો જ હોય છે (કારણ કે નવા જમાનામાં ગુરુઓ જુનવાણી સાબીત થવાના) છતાં આ સમીકરણ રહે અને અંતે નર્યો દંભ રહે.

    .એ કરતાં દોસ્તીના, સમાનતાના સંબંધો લાંબા ગાળે ગુરુ-શીષ્ય બન્ને માટે સીધા-સરળ-વાસ્તવીક અને માનવીય રહે છે. અહીં પણ નોલેજ-શેરીંગ બન્ને પક્ષે ફાયદો કરાવતી પ્રક્રીયા છે, લાંબે ગાળે તો રોલ-રીવર્સલની સંભાવના પણ રહે છે! એના વ્યાપક સ્વીકારમાં જ સમાજનું હીત છે.

    Like

    1. Je aapan ne ullu banavi jai te
      ( aaj na badhaj guruo ma upar nu lakshan hoi chhe mate aaj na badhaj guru te guru ghantal ganai )

      Like

  10. પ્રિય વિનોદભાઈ
    પથ્થરનાં મંદીરોતો બનાવે છે ,પણ ઉપર સોનાના પતરાથી મઢે છે અને પોતાના અભિમાનમાં વધારો કરે છે .

    Like

  11. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો …….. જિસને ગોવિંદ દિયો બતાય !!!!!
    આ રચના ક્યાં ગોવિંદે (ભગવાને) બનાવેલી ??
    એ કોઈ ગુરુ ગન્તાલે જ બનાવેલી રચના છે. જેથી એ વર્ગની મહત્તા જળવાઈ રહે. જે દરેક કહેવાતા સાધુ બાવાઓ ગુરુઓ સંતો કે મહાત્માઓ કે કથાકારો એમના વાણી વિલાસ કે પ્રવચનની શરુઆત આ મંત્રથી જ કરતા હોય છે.

    Liked by 1 person

Leave a comment