ધર્મે મને ખુબ વેદના આપી છે

અભીવ્યક્તી’ બ્લોગના સાતમા જન્મ દીવસે ‘ઈ.બુક–02

અન્ધશ્રદ્ધા, માનસને પ્રદુષીત કરતી માન્યતાઓ – વહેમ દુર કરવા માટેની જાગૃતી આણવા માટે ‘ઉંઝા જોડણી’માં લખાતો મારો રૅશનલ બ્લોગ ‘અભીવ્યક્તી’ 6(છ) વરસ પુરાં કરી આજે સાતમા વરસમાં પગરણ માંડે છે. ત્યારે અભીવ્યક્તીબ્લોગના સાતમાં જન્મ દીવસે શ્રી. દીનેશ પાંચાલના લેખોની અભીવ્યક્તી ઈ.બુક–02 પ્રકાશીત કરતાં હું આનન્દ અને ગૌરવની લાગણી અનુભવું છું.

હવે પછી લેખક શ્રી. મુરજી ગડાના લેખોની અભીવ્યક્તી ઈ.બુક–03 આગામી ઓક્ટોબર, 2014માં અમેરીકાથી પ્રકાશીત કરવામાં આવશે..

‘અભીવ્યક્તી’ બ્લોગના મથાળે ઈ.બુક્સ વીભાગમાં આ અગાઉ પ્રકાશીત થયેલ તેમ જ હવે પછી પ્રકાશીત થનારી ઈ.બુક્સ આ સાથેની (https://govindmaru.wordpress.com/ebooks/) લીંક પરથી ડાઉનલોડ કરવા વીનન્તી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને (govindmaru@yahoo.co.in) પર, પોતાનાં નામ–સરનામા સાથે લખશે તો હું તે વાચકમીત્રને ઈ.બુક મોકલી આપીશ.

ધન્યવાદ..

–ગોવીંદ મારુ

 લો, હવે વાંચો આજની પોસ્ટ પ્રા. જગદીશ બારોટનો લેખ ‘ધર્મે મને ખુબ વેદના આપી છે’ લેખ માણી, મમળાવી, નીચે કૉમેન્ટ મુકવાનું ચુકશો નહીં. આભાર….

ધર્મે મને ખુબ વેદના આપી છે 

 –પ્રા. જગદીશ બારોટ

ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લાના છેક છેવાડાના એક નાનકડા ગામમાં મારો જન્મ થયો. માંડ પાંચ વર્ષની ઉંમરે મેં પીતાનું સુખ ગુમાવ્યું. મારી માતાના માથે મુસીબતોનું આભ તુટી પડ્યું. ધર્મના નામે અનેક બંધનો, મર્યાદાઓ, કુરીવાજો સમાજે લાદી દીધેલાં. આશરે ચાલીસેક વર્ષની ઉંમરે મારી માતા વીધવા બની. તેનો લગ્નચુડો ફોડી નાખવામાં આવ્યો. માથાના વાળ કાઢી નાખી ટકો કરવામાં આવ્યો. કાળાં કપડાં પહેરાવવામાં આવ્યાં. શરીર ઉપરના દાગીના ઉતારી લેવામાં આવ્યા. દાંત ઉપર સોનાની વરખો હતી તે પણ કાઢી નાખી. આમ માત્ર તેને કદરુપી જ ના કરી; પણ ત્રણ વર્ષ સુધી તેને ઘરની બહાર પણ નીકળવાનું નહીં (એટલે કે ખુણો પાળવાનો) એવો પ્રતીબન્ધ ! એક વર્ષ સુધી રોજ સવાર–સાંજ મહોલ્લા/ગામના બૈરાં સાથે બેસીને રોવા–કુટવાનું. માથાં કુટી કુટીને તો તેની આંખોની દૃષ્ટી પણ નબળી પડી ગઈ.

એક રુમના મેડા ઉપરના મકાનમાં આખો દીવસ પુરાઈ રહેવાનું. સંડાસ જવા રાતનું અંધારુ થાય ત્યાં સુધી રાહ જોવાની. સાઈઠ વર્ષ પહેલાં સંડાસ બાથરુમની તો કલ્પના પણ ન થઈ શકે. તે જમાનામાં સંડાસ જવા રાત્રે ગામથી દુર ઝાડીમાં જતાં પણ બીક લાગે તેવી પરીસ્થીતી હતી. ચોમાસામાં શી સ્થીતી થતી હશે તેની તો કલ્પના જ કરવી રહી. રાત્રે મા સંડાસ જઈને પરત ન આવે ત્યાં સુધી અમને બાળકોને પણ અજંપો રહેતો.

ગામના કુવા ઉપરથી ડોલ વડે ખેંચીને પાણી લાવવાના તે દીવસો હતા. ઈલેક્ટ્રીક મોટરો કે ઉંચી પાણીની ટાંકીઓ તો નહીં; પણ ઓઈલ એન્જીન પણ આવ્યા નહોતાં. તેમાં પણ રીવાજ એટલા ખરાબ કે ગામની વહુ હોય તે કુવા ઉપર પાણી ભરવા જઈ ના શકે. બહેન–દીકરીઓ કે પુરુષોએ જ પાણી ભરી લાવવાનું. તે વખતે એક આના(આજના 6–7 રુપીયા)માં એક બેડું પાણી મજુર બાઈ લાવી આપતી. પરન્તુ પૈસા આપીને પાણી ભરાવવાની અમારી સ્થીતી નહોતી. તેથી પાણી ભરવાનું મારે ભાગે આવતું. સવારે લેસન કરવાના સમયે હું પાણી ભરતો અને સાંજે નીશાળેથી છુટીને ભેંસોની દેખભાળ કરું, પાણી પીવડાવું અને ચાર–પુળો કરવામાં મદદ કરતો.

ઘરમાં બાથરુમ તો નહીં; સીમેન્ટની ચોકડી પણ નહોતી. મા બીચારી એક નાના તગારામાં (જે ભેંસોને ખાણ મુકવા વપરાતું તેમાં) નાહી લેતી. સારું હતું કે ઘરમાં છાણ–માટીનું લીપણ હતું જેથી નહાતી વખતે તગારું નાનું હોવાથી આજુબાજુ ઢોળાતું પાણી છાણ–માટીના લીંપણમાં ચુસાઈ જતું. દીવસે પેશાબ કરવાનો થાય તો બહાર તો જવાય નહીં; તેથી માટીના કુંડામાં પેશાબ કરી, રાત્રે અંધારું થાય ત્યારે બહાર ઉકરડામાં રેડી આવે.

વીધવા સ્ત્રી કોઈ શુભ પ્રસંગોમાં, કોઈ ધાર્મીકવીધી કરી શકે નહીં. તે સામે મળે તો અપશુકન ગણવામાં આવે. તેને એક અછુત જેવી જ ગણવામાં આવે. જો કે યુરોપની જેમ ડાકણ ગણી અને સતી વીરોધી કાયદાને કારણે તેને સતી તરીકે પતી સાથે ચીતામાં બળી મરવાની ફરજ નહોતી પાડી. તેને સળગાવી દેવામાં નહોતી આવતી; પણ જાણે તે જ પોતાના પતીના મૃત્યુનું કારણ હોય તેવો વ્યવહાર તેની સાથે જરુર થતો. ક્યાંક–ક્યાંક તો સાસુ એવું પણ સંભળાવતી કે, ‘તું જ મારા દીકરાને ખાઈ ગઈ છે.’ જો કે મારા કીસ્સામાં મારાં દાદા–દાદી વહેલાં ગુજરી ગયેલાં; તેથી માને સાસુનો કોઈ ત્રાસ વેઠવાનો નહોતો. પરન્તુ મહોલ્લાની કેટલીક સ્ત્રીઓ મારી માને દુભાવવાની તકો છોડતી નહીં જે મારે માટે અસહ્ય થઈ પડતું.

મારા મનમાં પ્રશ્ન ઉઠતો કે પુરુષ વીધુર થાય છે તો તરત જ બીજાં લગ્ન થઈ શકે છે તો વીધવા સ્ત્રીનાં પુનર્લગ્ન કેમ નહીં થવા દેવાતાં હોય ને છેક મોટી ઉંમરે મને સમજાયું કે ભાઈ, ધર્મ પુસ્તકો લખનાર અને સમાજના બધા કાયદા ઘડનાર તો પુરુષો જ છે ને ? તેઓ પોતાનું અહીત તો કરે જ નહીં. પરન્તુ સ્રીઓની વેદના તેમને ક્યાંથી સમજાય ?

નાના ગામડામાં દુ:ખના દહાડા વીતાવવાના. તકલીફો ડગલે ને પગલે આવે જ. મા આંસુ સારતી હોય તે જોઈ હું પણ ચોધાર આંસુએ રોઈ રહેતો. મોટી બહેનને ચૌદ વરસની ઉંમરે પરણાવી સાસરે વળાવેલી અને નાની બહેન પીતાના મૃત્યુ સમયે માત્ર છ માસની હતી. તેથી માને મારાથી બનતી બધી મદદ કરતો. જેમાં પાણી ભરવું, બળતણ માટે લાકડાં લઈ આવવાં, ભેંસોની દેખભાળ અને બીજા નાનાં મોટાં કામો કરતો. કોઈ કોઈ વાર તો માને ઘંટી તાણવામાં (પથ્થરના બે પડવાળી હાથે દળવાની ઘંટી) અને વલોણું ખેંચવામાં પણ મદદ કરતો. મારી ઉંમરના બધા છોકરા રમતા હોય ત્યારે હું માને મદદ કરવામાં રોકાયેલો રહેતો.

ભેંસોનું છાણમુતર સાફ કરવા ગામની એક વૃદ્ધ દલીત મહીલા આવતી. કમનસીબે તે પણ વીધવા હતી. એને કોઈ આધાર નહોતો. આ વૃદ્ધ મહીલા છાણનો ટોપલો ભરીને ઉપાડી ગામ બહાર ઉકરડે નાખી આવતી. એક વખતે ટોપલાનું વજન વધુ હોવાથી ઉપાડી શકતી નહોતી. તેથી મેં તેને માથે મુકવામાં મદદ કરી. મહોલ્લાની સ્ત્રીઓએ મારી માને વધામણી ખાધી કે તમારો દીકરો દલીત મહીલાને અડી ગયો છે. માએ મને ફરી આવું નહીં કરવાના ઠપકા સાથે ઠંડા પાણીએ નવડાવી પછી જ ઘરમાં આવવા દીધેલો. મને એ સમજાતું નહોતું કે માણસ કુતરાં કે ભુંડ જેવાં ગંદાં પ્રાણીઓને અડે તો અભડાતો નથી; પણ માણસ–માણસને અડવાથી કેવી રીતે અભડાતો હશે ? આવી જ વેદના મને મન્દીર બહાર ઉભેલા દલીત માણસોને જોઈને થતી કે તેઓને કેમ અંદર આવવા દેવાતાં નહીં હોય ! તે જમાનામાં પીવાના પાણી માટે ગામનો એક સાર્વજનીક કુવો રહેતો જેમાંથી ડોલ વડે ખેંચીને પાણી ભરાતું. પરન્તુ દલીત વસ્તીને કુવામાંથી પાણી ભરવાનો કોઈ અધીકાર નહોતો. તેમની એવી સ્થીતી તો હોય નહીં કે પોતાનો અલગ કુવો બનાવી શકે. સરકાર પણ તે જમાનામાં આવા લોકોની કોઈ પરવા કરતી નહીં. તેથી સવારથી સાંજ સુધી દલીત કન્યાઓ માટલું લઈ, પાણી ભરતા સવર્ણોને કરગરતી રહે; ત્યારે કોઈ દયાવાન માટલું ભરાતાં ડોલમાં વધેલું પાણી દલીતોના માટલામાં રેડે. આજે પણ આવું દૃશ્ય મારી નજર સામે આવે છે તો મને કમકમા આવે છે.

માતા દુ:ખ અને વેદના સહન કરતીકરતી અમને મોટા કરતી હતી અને સાથે સાથે અમારા ભલા માટે ધાર્મીક વીધીવીધાનો, વ્રત, પુજા અને સાધુ–સંતોની સેવા–સ્વાધ્યાય કરતી રહેતી. કોઈ સાધુ મહાત્માને જમવા બોલાવ્યા હોય તો મા તેમના પગ ધોઈને ચરણામૃત પીતી અને અમને પીવડાવતી ત્યારે પણ મને ખુબ વેદના થતી. પોતાના કુટુમ્બની આફતો ઓછી થાય અને પોતાનાં બાળકોનું શુભ થાય તે આશયથી મા સાધુઓના પગ ધોઈ પીતી રહી અને ધર્મમાં બતાવેલાં આકરાં વ્રત/ ઉપવાસ/ ધુપ/ નૈવેદ્ય વગેરે કરતી રહી. માત્ર એક ટાઈમ ચા પીને વારંવાર આકરા ઉપવાસ કરવાથી માની કાયા સાવ કૃશ થઈ ગઈ હતી. પવન આવે તો પણ ઉડી જાય તેવી તેની કાયા થઈ ગઈ હતી. પેટમાં સખત બળતરા થાય છે તેવી બુમો રોજ પાડતી. અમે કોઈક કોઈક વાર તેને પેટ ચોળી આપતા. હવે મને સમજાય છે કે મા ભુખ વેઠીને એસીડીટીનો શીકાર બની હશે. ફરાળ કરવાની તો આર્થીક હાલત નહોતી અને કામનો ઢસરડો તો સવારથી સાંજ સુધી ચાલુ રહેતો. માની આવી હાલત જોઈ હું ખુબ વેદના અનુભવતો.

કથા–વાર્તામાં સ્વામીજી કહેતા કે, ‘તીનો કાલમેં સંસાર હૈ હી નહીં’ ત્યારે મને પ્રશ્ન થતો કે જો સંસાર નથી તો આ બધું શું છે ? વળી, કોઈ સ્વામી કહેતા કે ‘યે સબ માયા કા ખેલ હૈ ! ઔર માયા તો જુઠી હૈ !’ ત્યારે થતું કે આ બધી માયા જુઠી હશે ? પણ આ ભુખ–તરસ લાગે છે તેનું શું ? મારી મા ને હું આ વેદના વેઠીએ છીએ તેનું શું ? કોઈ સ્વામી વળી કહેતા કે ‘ઘોર કલીયુગ આ ગયા હૈ! વીજ્ઞાનને સત્યાનાશ કર દીયા હૈ ! અગલા જનમ સુધાર લો !’ મને સમજાતું નહોતું કે આગલો જનમ સુધારવાનું કે મરણ પછી સ્વર્ગ મેળવવાની વાત તો પછી આવે. હાલ આ ભવમાં જે તકલીફો પડે છે તેનો શો ઉપાય ? પણ સ્વામીજી તો પાકું ભાણું જમીને મને પાન લેવા મોકલતા તે પણ તમાકુવાળું. આવા પાનના રેલા મોઢામાંથી નીકળતા હોય અને ઉપદેશ આપતા હોય કે, ‘યે સંસાર જુઠ હૈ. સબ માયા કા ખેલ હૈ. પુણ્ય દાન કરો, સાધુ–સંતો કી સેવા કરો ઔર અગલા ભવ સુધાર લો.’

માએ નીશાળ તો જોઈ જ નહોતી; કારણ કે તે જમાનામાં કન્યાઓને ભણાવવાની કોઈ દરકાર જ નહોતી. કહેવત હતી કે, ‘ડાહ્યો દીકરો દેશાવર વસે અને ડાહી દીકરી રસોડે પેસે.’ તે વખતમાં દેશાવર એટલે દુરનું ગામ કે શહેર અને બહુ બહુ તો મુમ્બઈ, માળવા (હાલનું ઈન્દોર) કે કલકત્તા. દેશાવર એટલે વીદેશ નહીં; કારણ કે ધર્મમાં દરીયો ઓળંગવાની મનાઈ હતી. દરીયો ઓળંગી વીદેશ જનાર વટલાઈ જતા એટલે કે વીધર્મીઓ (જેમને મલેચ્છ કહેવામાં આવતા) કે જે માંસાહાર કરતા, દારુ પીતા અને તેમની સ્ત્રીઓ વધુ સુધારાવાદી હતી, જેને ખરાબ બાબતો ગણવામાં આવતી. તેમના વાદે ચઢી વટલાઈ જવાય. આને કારણે આપણો વીદેશો સાથેનો સમ્પર્ક અને વેપાર (થોડા અપવાદો બાદ કરતાં) થઈ શક્યો નહીં. આપણે દરીયાને સાચવી શક્યા નહીં અને વીદેશીઓ આપણને લુંટતા રહ્યા અને છેવટે ગુલામ બનાવ્યા.

હું ભણવામાં ખુબ તેજસ્વી હતો. અહીંનું શીક્ષણ પુરું કરી વીદેશ ભણવા જવા આતુર હતો. પણ માનો આગ્રહ હતો કે વીદેશ જતાં પહેલાં અહીં લગ્ન કરીને જા. કારણ કે જો હું વીદેશી સ્ત્રી જોડે લગ્ન કરું તો સમાજ મને ન્યાત બહાર મુકે, અમારો બહીષ્કાર થાય અને અમારું જીવવું ભારે થઈ જાય. તેથી માએ નાની ઉંમરે જ મને પરણાવી દીધો અને પછી તો વીદેશ જવાનું એક યા બીજા બહાને લંબાતું જ ગયું. જો કે છેવટે વીદેશની નોકરી અને કાયમી વસવાટ બન્ને શક્ય બન્યાં; પણ ત્યાં સુધીમાં મા આ દુનીયામાં રહી નહીં. મને વેદના એ વાતની હતી કે ધર્મના નામે કેટલાં આશાસ્પદ યુવાન–યુવતીઓને વીદેશ જતાં રોકી તેમનો વીકાસ રુંધવામાં આવ્યો હશે ? મને ખ્યાલ છે ત્યાં સુધી મહાત્મા ગાંધીજીની માતા પણ ગાંધીજીને આ જ કારણોસર વીદેશ મોકલવા રાજી નહોતા અને બેરીસ્ટર થઈ ઈંગલેન્ડથી પાછા આવ્યા ત્યારે ન્યાતે તેમને કાશી મોકલી પંડીતો પાસે પ્રાયશ્વીત્ત કરાવેલું.

મા ખુબ ધાર્મીક વૃત્તીની હોવાથી હું પણ ધાર્મીક બનું, સાધુ સંતોની સેવા કરું, દાન–ધરમ કરું, તેવી તેની ભાવના રહેતી. માની ભાવનાને ઠેસ પહોંચાડવા કે તેને વધુ દુ:ખી કરવા હું ઈચ્છતો નહોતો. તેથી ધાર્મીક ક્રીયાઓ (વીધી–વીધાનો) અને ધાર્મીક વાચનમાં હું વધુ ને વધુ રસ લેતો થયો. ધર્મનું વાચન/ મનન/ ચીન્તન અને સ્વાધ્યાય વધતાં ગયાં તેમ મારી વેદના વધતી ગઈ. ધર્મે ચાર બાબતો પર ભાર મુક્યો તે છે : અવતારવાદ, કર્મવાદ (કર્મનો સીદ્ધાન્ત), જાતીવાદ (વર્ણાશ્રમ ધર્મ) અને પુનર્જન્મવાદ. મને આ ચારે વાદમાં ખુબ અહીત થતું અનુભવાય છે. મારી મુંઝવણો અને વેદનાઓ હું યોગ્ય જગ્યાએ વ્યક્ત કરતો રહું છું; પણ મને યોગ્ય જવાબ/ ખુલાસા મળતા નથી અને મારી વેદનામાં વધારો થતો જાય છે.

અવતારવાદ કહે છે કે દુનીયામાં જ્યારે અધર્મ અને અત્યાચાર વધી જશે ત્યારે પ્રભુ અવતાર લેશે અને બધાં દુ:ખનું નીવારણ કરશે. આનો અર્થ લોકો એમ કરે છે કે : કર્તાહર્તા ભગવાન જ છે. તે જ આપણાં દુ:ખ દુર કરી શકે. તેની ઈચ્છા વીના પાંદડું પણ હાલી ના શકે. એટલે કે આપણે કશુ કરવાનું નથી. બધું ભગવાન કરશે. આપણે તો દુ:ખ સહન કરવાનાં અને પ્રભુને પધારવા વીનન્તીઓ/ પ્રાર્થના કરતાં રહેવાનું. આમાં આપણે નીર્વીર્ય અને બીચારા બનીને રહેતાં ટેવાયા. કુદરતના કોપ સહન કરતાં રહ્યાં અને માળા ફેરવતા રહ્યાં. આમાં ને આમાં વીદેશી મહમ્મદ ગઝની સત્તર વખત સોમનાથનું મન્દીર લુંટી ગયો અને આપણે જોતાં રહ્યાં. મહાદેવજી પણ વીચારતા હશે કે, ભાઈ, મારે જ બધું કરવાનું હોત તો હું તને આ પૃથ્વી પર ભાર વધારવા શું કામ મોકલત ? વેદમાં તો કહ્યું છે કે ‘તું કામ કરતાં કરતાં સો વરસ જીવવાની ઈચ્છા રાખ.’ પણ આપણે તો ગ્રહોની વક્રદૃષ્ટી મીટાવવાની વીધીઓના કામમમાંથી ઉંચા આવતા નથી !

કર્મવાદનો અર્થ આપણા ધર્મગુરુઓએ એવો સમજાવ્યો છે કે તારી આ ભવની બધી તકલીફો એ તારાં ગયાં જન્મોનાં કર્મોનું ફળ છે. જે તારે ભોગવવાં જ રહ્યાં. એટલે કે એનો કોઈ ઉપાય જ નથી. બસ, કરમનાં ફળ ભોગવ્યે રાખો ! રીબાતા રહો અને પ્રભુભજન કરતા રહો. આ જગત તો માયા છે. સંસાર તો અસાર છે. કષ્ટ વેઠો, વેદના સહન કરો. પૈસો હાથનો મેલ છે. સુખનો ત્યાગ કરો. સાધુસંતોની સેવા કરો. બધી તકલીફો માત્ર ભગવાન જ દુર કરી શકે. જુદા જુદા નંગની વીંટીઓ પહેરતા રહો. મન્દીરો બાંધતા રહો. ભજન કીર્તન કરતા રહો. પ્રભુ બધું ઠીક કરી દેશે. તમારે કંઈ કરવાનું નથી. તમે તે માટે શક્તીમાન પણ નથી. હરીની ઈચ્છા વીના પાન્દડું પણ હાલી શકતું નથી.

જાતીવાદ અને વર્ણપ્રથામાં સુથાર–લુહાર કે દરજીના દીકરાને પેઢી દર પેઢી તેના બાપદાદાનો ધંધો જ કરવાનો. તેને બીજો કોઈ કામધંધો કરવાનો અધીકાર જ નહીં. શુદ્ર હમ્મેશાં શુદ્ર જ રહે. શુદ્ર કે સ્ત્રીઓ વેદ વાંચી/ સાંભળી શકે નહીં. જો સાંભળે તો તેના કાનમાં શીશું રેડવું. ઉજળીયાત વર્ગ પેઢી દર પેઢી શુદ્રો અને પછાત જાતીઓનું શોષણ કરતાં જ રહે. વર્ણપ્રથા એ હીન્દુ ધર્મનું સૌથી મોટું કલંક ગણાય છે અને જાતીવાદથી પ્રજા અંદરોઅંદર લડતી–ઝઘડતી અને વીભાજીત થતી રહી અને તેનો લાભ ધનીકો/ રાજકારણીઓ લેતા રહ્યા. આચાર્ય રજનીશ કહેતા કે જાતીપ્રથા માત્ર ને માત્ર વીજ્ઞાન જ મીટાવી શકશે. તેઓ રેલગાડીનો દાખલો આપતા કે રેલગાડીમાં તમારી બાજુમાં શુદ્ર પણ બેસી શકે અને ગરીબ પણ બેસી શકે જે ધીરે ધીરે જાતીપ્રથા નાબુદ કરશે. આવા તો બીજા અનેક દાખલા છે.

જાતીવાદનો ભોગ મારી માતા પણ ખુબ ખરાબ રીતે બનેલી અને તેને ખુબ સહન કરવાનું આવેલું. અમારી જ્ઞાતીમાં ગોળપ્રથા ખુબ જડ રીતે પ્રવર્તમાન હતી. ધર્મમાં વર્ણવેલી વર્ણસંકર પ્રજા પેદા ના થાય અને સમાજમાં માનમોભો વધે તેથી ઉંચ–નીચનાં ગોળ બનાવેલાં. જેમાં ચડોતરનો ગોળ, છનો ગોળ, સત્તાવીસનો ગોળ જેવા ભેદ પાડેલા અને દીકરીને પોતાના ગોળથી ઉપરના ગોળમાં પરણાવવાની પ્રથા અને ગૌરવ હતાં. પણ આ ગૌરવ લેવાની ઉંચી કીંમત દહેજ રુપે ચુકવવી પડતી.

મારા પીતા અને મારી માના પીતા, છના ગોળના હતા, તેથી મારી માના પીતા તેને પોતાનાથી ઉંચા ચડોતરના ગોળમાં પરણાવવા માંગતા હતા. પરન્તુ મારી માના દાદા ખુબ સુધારાવાદી હતા. ન્યાતમાં તેઓ આગેવાન હતા અને પૈસેટકે સુખી હતા. તેથી તેમણે પહેલ કરીને મારી માને બરોબરીના એટલે છના ગોળમાં પરણાવી. દાદા તો ગુજરી ગયા; પરન્તુ મારી માના પીતા ખુબ લાંબુ જીવ્યા. (માના પીતા 95 વર્ષ અને મા 101 વર્ષ જીવ્યાં) માના પીતાને આ સમ્બન્ધ મંજુર નહોતો એટલે મા સાથે તેમનું વર્તન અણગમા ભરેલું રહેતું. તેમાં પણ મા વીધવા થતાં પરીસ્થીતી વધુ વીકટ બની. માના ભાઈઓ ખુબ ભલા હતા. પરન્તુ નાનાની ધાક વધુ હતી. ભાણેજ તરીકે અમને હુંફ કે આશ્વાસન ખુબ ઓછું મળતું. જો કે આ કડવાશ અમારી આર્થીક સ્થીતી સુધરતાં ઓછી થઈ. પરન્તુ મા વીધવા થઈ ત્યારે તેને જોઈએ તેવી હુંફ, આશ્વાસન કે મદદ મળી નહીં. માને આ વાતનો રંજ કાયમ રહ્યા કરતો. અમે પણ ચડોતરનાં ભાણેજો અને અમારી વચ્ચેનો ભેદ જોઈ વેદના અનુભવતાં. જોકે અમે પગભર થતાં મોસાળનો પ્રેમ ખુબ મળ્યો. પણ અમારું બાળપણ આવા પ્રેમના અભાવમાં વીત્યું. જડ ગોળપ્રથાને નાબુદ કરવાના મારી માના–દાદાના પ્રયત્નો એળે ગયા અને તે પછી પણ લાંબો સમય નીર્દોષ દીકરીઓ ગોળપ્રથા અને દહેજપ્રથાનો ભોગ બનતી રહી.

પુનર્જન્મવાદ આપણને આવતો ભવ સુધારી લેવાની પ્રેરણા આપે છે. આ ભવ ગમે તેમ કરીને ભોગવી લો પણ આવતો ભવ સુધારી લો. મુઆ પછી સ્વર્ગ મેળવવા આ ભવમાં બધી વેદના, બધાં કષ્ટો ભોગવી લો. અત્યારે ભલે નરક ભોગવવું પડે; પણ મુઆ પછી સ્વર્ગ મળે તેવા પ્રયત્ન કરો. સ્વર્ગ કોઈએ જોયું નથી. મુઆ પછી કોઈ કહેવા પાછું આવવાનું નથી કે સ્વર્ગ કેવું અને ક્યાં છે. પણ ધર્મે શીખવાડ્યું છે કે સ્વર્ગ એટલે એશ–આરામ. સ્વર્ગ એટલે બધી સગવડો. સ્વર્ગ એટલે અપ્સરાઓનાં નાચ–ગાન અને સ્વર્ગ એટલે વૈભવવીલાસ અને સુરા–પાન ! તો પછી ભાઈ, આ બધું તો અહીં હાજર છે તે બધું પામીને સ્વર્ગ અહીં જ ભોગવને ! તો ધર્મ કહે છે : ના, અહીં તો નરક ભોગવ. આવતા ભવમાં તને સ્વર્ગ મળશે. અત્યારે ભુખ્યો રહે (ઉપવાસ કર) તો આવતે ભવ તને ભોજન મળશે. બસ, માણસને નીરાશાવાદી અને પલાયાનવાદી બનાવવાની જ વાત છે. કારણ કે સંસાર તો અસાર છે. આ બધા માયાના ખેલ છે. તીનો કાલમેં જગત હૈ નહીં. પુછીએ : બાપુ જગત નથી તો આ શું છે ? તો કહે : બસ ! સબ જુઠી માયા હૈ ! પુછીએ કે : બાપુ, જુઠા આ જગતમાં ભુખ છે, તરસ છે, દુ:ખ છે, સમસ્યાઓ છે. તો કહે : આત્મા ન ખાતા હૈ, ન પીતા હૈ ! બસ, સાક્ષીભાવ સે સબ દેખ રહા હૈ ! પણ બાપુ કેન્સરની પીડાનું શું ? તો કહે : આત્મા ન જન્મતા હૈ, ન મરતા હૈ.

પારકે પૈસે તાગડધીન્ના કરતા બાવાજીને નાની ઉંમરે પીતાનું સુખ ગુમાવેલા બાળકની હાડમારીઓ અને વીધવાના આંસુ ક્યાંથી સમજાય ? વીવેકાનન્દજી જેવો કોઈક સાચો સાધુ જ કહી શકે કે, ‘જે ધર્મ વીધવાનાં આંસુ ના લુછી શકે અને ભુખ્યા બાળકને રોટલો ના આપી શકે તેવા ધર્મની મારે કોઈ જરુર નથી.’ વીવેકાનન્દજીએ એમ પણ કહ્યું છે કે, ‘જુનો ધર્મ એમ કહેતો કે જે ઈશ્વરમાં વીશ્વાસ નથી કરતો તે નાસ્તીક છે. નવો ધર્મ એમ કહે છે કે જે પોતાની જાતમાં વીશ્વાસ (આત્મવીશ્વાસ) નથી કરતો તે નાસ્તીક છે.’ પણ આ ખોખલો થઈ ગયેલો ધર્મ ના તો આત્મવીશ્વાસ વધારવાની વાત કરે છે; ના માનવી હોવાનું ગૌરવ વધારે છે. બસ ! અવતારવાદ, કર્મવાદ, વર્ણવાદ, પુન:જન્મવાદની રેકર્ડ જ વગાડ્યા કરે છે… તે જ મારી વેદનાનું કારણ છે.

સીદ્ધપુર એ ઉત્તર ગુજરાતનું પવીત્ર યાત્રાધામ ગણાય છે. સરસ્વતી નદીને કીનારે આવેલા આ યાત્રાધામમાં મૃતકોની દહનવીધીનું મોટું માહાત્મ્ય છે. મૃતકના મોક્ષ માટે સમગ્ર ઉત્તર ગુજરાત અને દુરદુરથી મૃતકોના શબ અહીં દહનવીધી માટે લાવવામાં આવે છે. મારા ગામથી સીદ્ધપુર આશરે 25 કી.મી. થાય. મારા પીતાના મૃત્યુ સમયે રોડ કે પરીવહનની કોઈ સુવીધા વીકસી નહોતી. ધુળીયા રસ્તે પગપાળા કે બળદગાડામાં મુસાફરી થતી. તે વખતે પણ આજની જેમ સીદ્ધપુરમાં સરસ્વતીને કીનારે શબની દહનવીધી અને ધાર્મીક ઉત્તરક્રીયાનું ખુબ મહત્ત્વ હતું અને તેમાં ગૌરવ પણ રહેતું. ઉમ્મરલાયક વ્યક્તીને જો સીદ્ધપુર લઈ જવામાં આવે તો તેની પાછળ બારમા વગેરેનો ખુબ ખર્ચ પણ કરવાનો રહેતો હતો.

મારા પીતાના મૃત્યુ સમયે આર્થીક સ્થીતી તો ખરાબ હતી જ તેથી બારમું વગેરે થઈ શકે તેમ નહોતાં. વળી પીતાજી ચોમાસાની ઋતુમાં અકાળે (હાર્ટએટેકથી) મૃત્યુ પામ્યા હતા. કાચા રસ્તે અને નદીનાળાં ઉભરાતાં હોઈ કુટુમ્બના સમજુ વડીલોએ તેમના શબને સીદ્ધપુર ના લઈ જવાનો નીર્ણય લીધો. તેમના શબની દહનવીધી ગામના સ્મશાનમાં જ પતાવેલી. માતાને આ વાતનું ભારોભાર દુ:ખ રહેતું. દુ:ખ એ વાતનું રહેતું કે જો સીદ્ધપુર લઈ ગયા હોત તો તેમના આત્માનો મોક્ષ થાત. ઉપરાન્ત સીદ્ધપુર ના લઈ જવાથી સમાજમાં અમારું ખુબ ખરાબ દેખાતું હતું. મા મારી સમક્ષ અવારનવાર દુ:ખ વ્યક્ત કરતી. તે સાંભળી મને પણ અપાર વેદના થતી.

–જગદીશ બારોટ

લેખક સમ્પર્ક:

Jagdish Barot, Ph.D.

1745, California Avenue, Windsor, Ontario state, Canada, Post code – N9B3T5

TEL 001- 519 254 6869     eMail : jagdishbarot@yahoo.com

વંચીતલક્ષી, વીકાસપ્રવૃત્તી, વૈજ્ઞાનીક અભીગમ અને શોષણવીહીન સમાજરચના માટે પ્રતીબદ્ધ પાક્ષીક ‘નયા માર્ગ’ (‘નયા માર્ગ’ ટ્રસ્ટ, નયા માર્ગ કાર્યાલય, ખેતભવન, ગાંધી આશ્રમની બાજુમાં,અમદાવાદ380 027 ફોન : (779) 2755 7772 વાર્ષીક લવાજમ : રુપીયા 150/-) ના 2014ના ઓગસ્ટ માસના અંક 15માં પહેલે પાને પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રી અને ‘નયા માર્ગ’ના તંત્રી શ્રી. ઈન્દુકુમાર જાનીની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.com/વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી, ઈ.મેલ : govindmaru@gmail.com

પ્રુફવાચન સૌજન્ય ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 22/08/2014

55 Comments

  1. ધર્મના નામે:

    અંધ્શ્રધ્ધાળુઓ ના પૈસે કરોડોની કીંમત ના મસ્જીદો, મંદિરો, દેવળો વગેરે તૈયાર થઈ જાય છે, પરંતુ ગરીબો અને નિરાધારોની ઝુંપડીઓ કાચી ને કાચી જ રહે છે.

    મોટા પેટ વાળા મોલવીઓ, સાધુઓ તથા પાસ્ટરો ને બત્રીસ જાત ના પક્વાનો અને મેવાઓ સહેલાઈથી મળી રહે છે, પરંતુ દરિદ્રો ને બે ટંક્નુ ભોજન નથી મળતું.

    માટે:

    ધર્મે ગરીબો અને નિરાધારોને ઘણી જ વેદના આપેલ છે.

    કાસીમ અબ્બાસ

    Liked by 1 person

    1. You are very right. I fully agree with you. How long we can tolerate these? We should endeavor to expose them and awaken people. Thanks for your awakening and courage to express the views.
      With kind regards,
      Jagdish Barot

      Liked by 1 person

  2. ‘અભીવ્યક્તી’ બ્લોગના સાતમા જન્મ દીવસે Shree Govindji Maaroo temaj her ek vaachak mitro ne khub khub abhinandan. May we see many many more blogs with truck load of eye openings information.

    Amrutkaka has used all the words to explain feelings from Jagdishbhai blog. I hope and do humble request that if we see anything like his experience, please plese help to put fullstop to this Barberic activities.

    Liked by 1 person

  3. બહુજ સરસ આપવીતીની રજુઆતકરવામાં આવેલ છે.અંધશ્રધ્ધાલુને વંચાવવી જેથી સુધરે.

    Liked by 1 person

    1. Thanks for your comments. I appreciate and hope that the article will help to some extend in eradicating such evils
      Kind regards
      Jagdish Bart

      Liked by 1 person

  4. જેને અહીં ધર્મ કહેવામાં આવ્યો છે તે ખરેખર અધર્મ છે.

    Liked by 1 person

  5. Abhivyakti blog na satma varas ma mangalpravesh nimtte govindbhai maru sarve lekhak mitro vachakone abhinandan sathe darek lekho newspaper dwara ke vadharani purti dwara prachar prasar thai toj madhyam vargi manusyo sudhi Lok chetna lavisakai mate darek lekho koi pan paper ma aave teva prayatno thava joiye sathe Jagdish barot ne lakhvanu ke dharme tamne eklanej nahi samagra. Manav jat ne khub nuksan pahochadyu chhe tamaro prayatna manushya ni aankh kholvano chhe dhanyavad.

    Liked by 1 person

  6. Eye opening article written by Prof. Jagdish Barot. Every believer should read this article. Congratulation to Prof. Jagdish Barot for writing this article.

    Narendra Masrani
    Mobile No. 098201 38943

    Liked by 1 person

  7. તમારી કેફીઅત વાંચીને આંખ ભીની થઈ ગઈ.
    “જો કે આ કડવાશ અમારી આર્થીક સ્થીતી સુધરતાં ઓછી થઈ.” માત્ર ધર્મ કે સમાજ જ નહીં પરંતુ કહેવાતા સગાઓ પણ ત્રાસ આપતા હોય છે.

    Liked by 1 person

  8. સૌથી પ્રથમ ગોવિંદભાઈ અને તેમના જાગૃત બ્લોગને અભિનંદન. વહેમ અને કુરિવાજ નાબુદી માટે સતત આઠ વર્ષ સુધી બ્લોગ ચાલુ રહે એ સિદ્ધિ નાનીસૂની નથી. દરેક વ્યક્તિની જીવનધારાના પ્રવાહોની દિશા અલગ હોઈ શકે. જે અનુભવોમાંથી શ્રી જગદિશભાઈ કે દિનેશભાઈ પસાર થયા હોય તેવા અનુભવો કદાચ શહેરમાં શિક્ષીત સમાજમાં રહેલી વ્યક્તિને ન પણ થાય. કેટલાક અધર્મ અને સામાજિક કુરિવાજો ધર્મને નામે ઘૂસી જાય અને સાચા ધર્મની આખી ઈમેજ જ બદલાઈ જાય.
    મારી પોતાની ધર્મ અંગેની માન્યતા એ મારી અંગત વાત છે. જે કુદરતી પરિબળો માનવીના નિયંત્રણમાં નથી એને ઈશ્વરી શક્તિ ગણવા પ્રેરાઉં છું.
    દુઃખદ વાત એ છે સામાજિક કુરિવાજોને ધર્મનું સ્વરૂપ અપાઈ ગયું છે.
    મોટા મહાલય સમા મંદિરો માટે અને એની સામેના આકોશ બાબતમાં મારા વિચારો કંઈક અલગ છે પણ અત્યારે એ ચર્ચા અસ્થાને ગણાય.
    આશા છે કે જગદિશભાઈની મનોવ્યથા સમય જતાં હળવી થઈ હશે. વૈધવ્યની વેદના પુરુષ પ્રધાન સમાજે સર્જી હતી. સમાજની સ્ત્રીઓ એ પણ એને પોષણ આપ્યું હતું કે વિધવા સ્ત્રીની કુરૂપતા તેના શિયળનું રક્ષક બની શકે.
    મારી નોવૅલ “શ્વેતા” એક આધુનિક યુવાન વિધવાની જ છે. સમય અને રસ હોય તો મારા બ્લોગ પર અભિવ્યક્તિના વાચકોને વાંચવા મારું હાર્દિક આમંત્રણ છે.

    Liked by 1 person

      1. You Welcome Jagdishbhai. I am 74. I have seen that in the past, specially in the villages and interior areas in Gujarat it was custome to save heads of widow. I have seen some of old ladies in my relation. But it was past. Today time has changed. More and more social change are coming. Unfortunately bad customs are linked with religion. I consider religion is very personal belief and should not linked with any customs good or bad. Jagdishbhai, nobody can change past. We have to look forward.
        My warm regards to you and your family.. .

        Liked by 1 person

  9. પ્રોફેસર સાહેબ, તમે ખુશ નસીબ છો કારણ કે તમે ભજન,ભક્તો , ભગવાન અને ભારતને છોડી દીધા છે. આપની કથનીમાં ભારતની અંધશ્રધ્ધા અને ખોખલી ધાર્મિક્તાના કરુણ શૈલીમાં આપે દર્શન કરાવ્યા છે. આંખો રોઇ પડે છે. અનુભવોનો નિચોડ આ લેખમાં ખૂબ જ સરસ રીતે આલેખ્યો છે. જે વેદના આપે તેને ધર્મ કેવી રીતે કહેવાય ? અજ્ઞાન અને અધર્મને કારણે જ ભારત અમેરિકાથી 50 વર્ષ પાછળ છે. પણ કોઇની આંખ ઉઘડતી જ નથી. હું એવા ધર્મની વેદના સહેતો નથી.હું આઝાદ છું. મારા મનને ગમે તે કરુ છું. હું કહેવાતા ધર્મથી મુક્તિનો આનંદ માણું છું. આપના જેવા બુધ્ધિરત્નોને સો સો સલામ કરુ છું. હું હરિના મારગમાં નહીં, hurry ના મારગમાં માનનારો રેશનાલીસ્ટ માનવ છું. આપનો લેખ ફેસબુક ઉપર મુકીને લોકોના દિલ ઢંઢોળી તો જોવું?
    @ રોહિત દરજી ” કર્મ ” , હિંમતનગર

    Liked by 2 people

    1. Dear Sir/Madam (iastphonetic),
      No, sir/Madam.
      Please excuse me, but you appear to be a little bit confused.

      This has nothing to do with the rich and the poor.
      Such blind faith in so-called religious rites and wrong beliefs is equally prevalent among all classes of Hindu society. Sorry to differ from you.
      Thanks. —-Subodh Shah —

      Liked by 2 people

  10. Very nice article. Congratulations !
    I have personally seen and experienced most of this. That is why I agree with every word.
    I guess the conditions are only a little better now.
    But think: How could we live for 2000 years in this kind of society? Is there any wonder that millions of Hindus converted to other religions?
    Thanks. —Subodh Shah — NJ, USA.

    Liked by 1 person

    1. Dear Subodhbhai,
      Thanks for your comments here and the personal call.
      It was my pleasure talking to you. I must also congratulate you for your efforts to awaken the society from religious and cultural myths and superstitions.
      I was impressed and inspired by reading your book- Culture can kill.
      Looking forward to meeting you at the soonest possible and with kind regards,
      Jagdish Barot

      Liked by 2 people

  11. Respected Barot Saheb
    Phenomenal article! Your experiences are heart – wrenching. This article should be read by all who claim that hindu religion is the most docile and gentle religion. All religions were designed for one thing only – to keep some people in power over all others, and in doing so, to exploit and torture others. Period. This eye opening article should be read by all apologists.
    Thank you!
    Respectfully,
    A. Dave

    Liked by 2 people

  12. પ્રિય ગોવિંદભાઈ મારું અને પ્રિય જગદીશભાઈ બારોટ
    તમારા તરફથી કુરિવાજોની વાત વાંચી એનો ઉપાય તો કોઈ ધોકા વાળો સંત પૈદા થાય તો સુધારો થાય એમ છે .
    હરિજનોને કુવેથી પાણી પણ ભરવા ન દેવાય આને ધર્મ કહેવાય ? ઓરન્ગ્ઝેબે જજિયા વેરો નાખ્યો એ વેરો આ હરીજ્નોએ ભર્યો પણ પોતાનો ધર્મ ન છોડ્યો .
    जिन्होंने जज्या वेरा भरके अपना धर्म संभाला है
    ऐसे भाइओको रखके दूर धरमको मार डाला है
    બાકી ગોવિંદ ભાઈ ભલ ભલાએ પોતાનો ધર્મ છોડી દીધો હતો .જેની આપણ ને ખબર છે . આતાના પ્રેમ ભાવ

    Liked by 2 people

    1. Thanks for your comments. If not dhokawala then let it be kalam (indipen) wala (pen is mightier than sword).
      Kind regards,
      Jagdish Barot

      Liked by 1 person

  13. હદ થઈ ગઈ ! ધર્મને નામે દાદાગીરી ! મોંઘવારી કરતાં પણ વધુ ઘાતક શસ્ત્ર. સ્ત્રીઓ જ બદલાવ લાવી શકે પોતાની દીકરી–વહુને ફરજિયાત ધર્મનું પાલન કરાવવામાંથી મુક્તિ આપીને. સરસ લેખ.

    Liked by 2 people

    1. પ્રિય કલ્પના બેન
      તમારી વાત મને ગમી સ્ત્રી શક્તિએજ રણ ચંડી બનવું પડશે
      મારી વાત બેન તમને કહું તો હું સ્ત્રી શક્તિનો પુજારી છું .મારી મા થી માંડીને મને હું જે સ્ત્રી શકિતના પરિચયમાં આવેલો છું .એણેજ મને ઘડે લો છે . હું બ્લોગ જગતમાં “આતા “તરીકે ઓળખાઉં છું .
      “आता ” न बुतखाने जाता न बूत परस्ती करता है
      बुतां को घर बुला करके इबादत उसकी करता है

      Liked by 2 people

    2. કલ્પનાબેન હું મારા ઉર્દુ કલામનો અર્થ લખતા ભૂ લી ગયો એટલે હવે લખું છું .
      કલામ = કવિતાની કડી /// બુતખાના=મંદિર
      બુતપરસ્તી = મૂર્તિ પૂજા // બુતાં= સુંદરીઓ
      ઈબાદત = પૂજા

      Liked by 2 people

  14. બધુંજ સાચું છે, અતી દુખદ છે, અને હજી પણ ગરીબ વર્ગોમાં આમાનું ઘણુ મોજુદ છે.
    સ્વ. મીત્ર લેખક જોસેફ મેકવાનની.સત્ય ઘટના આધારીત ઘણી વાર્તાઓ આવા કુરીવાજોની વાતો એમની આગવી શૈલીમાં કહે છે.
    બીજી ચીંતાની વાત એ છે કે નવી સરકાર જુની ધાર્મીક માન્યતાઓ અને વીધીવીધાનોને પ્રોત્સાહન આપી રહી છે. આશા રાખીએ કે ઓછા થયેલા કેટલાક કુરીવાજો ફરી પાછા શરુ ન થઈ જાય.

    Liked by 2 people

    1. Shree M GADA
      Bharat praja j abhan andhshraddhlu chhe toj dharma na name dhating karya abhan ne vadapradhan banave je Chhas vaare sobhayatta rathyayra vovekanandyatra bas yatra oj kadhi chhe ane poojao aartij kari chhe Hindu prajane yatra puja aarti vagere dharmiksabdo no nasho chadhavi ne gumrah kare chhe tajuj udaharan Nepal ma chandan chadhavi ne puru padyu have abhan dharmik jo dhanik hase to teni nakal karse tamarivat sathe sampurn sahmat prajane andhshraddha mukt karva rajae ( neta ) e sudharvu pade pan aapnoto vadoneta j ati dharmik tya asha ralhvi vyarth chhe.

      Liked by 1 person

  15. મિત્રો,
    સૌઅે પોતાના હ્રદયનું દુ:ખ ઉલેચી લીઘું. પરંતું કોઇઅે ‘પણ‘ ના લીઘું કે આજથી હું મારા પોતાના ઘરમાં ધરમના નામે થતાં આ ધતીન્ગોને થવા નહિ દઉ. મારી બાને, બહેનને, પત્નિને, ભાભીને, વહુને, દિકરીઓને, મારા પિતાજીને, ભાઇને, જમાઇને, દિકરાઓને, આ ખોટા કામોનો વિરોઘ કરવા સમજાવીશ. પહેલું પગથીયું મારા ઘરેથી. નરકની બિકથી ડરવાનું ભૂલવું ભારે છે. મહા મહેનતનું કામ છે. અેક અકેલાં થક જાયે તો મીલ કર બોજ ઉઠાના…..સમાજમાં ડાકણ, ભૂત,પ્રેત…નથી તે સમજાવતાં શ્રી કિરીટભાઇ જેવાને સાથ આપીઅે. અંઘશ્રઘ્ઘાને દૂર કરવાનાં તેમના પ્રયાસને મદદ કરીઅે. તેઓ હાલમાં અમેરીકાના પ્રવાસે આવેલાં છે. તો ચાલો આજથી આ બ્લોગમાં આજ આર્ટીકલમાં આપણું ‘પણ‘ જાહેર કરીઅે. હું અમૃત મણીલાલ હઝારી આજથી મારાં ઘરમાં, ઘરમને નામે થતાં ઢતીંગોને, સમજાવટથી થતાં અટકાવવાનું ‘પ્રણ‘ લઉં છું.તમારા સૌનો સાથ મળશે તેવી અપેક્ષા. ટીંપે ટીંપે સરોવર ભરાય………….

    Liked by 3 people

    1. અમૃતભાઈ,
      આવું પ્રણ મનોમન દાયકાઓ પહેલાં લીધેલું છે. ૧૦૦% સફળ થવાની ગેરંટી કોઈ ન આપી શકે. હવે પ્રણ લીધા વગર કરવું ઘણુ સહેલું થઈ ગયુ છે. એના બે સામાજીક અને એક વ્યક્તીગત કારણ છે. સામાજીક કારણોમાં; ૧) સમય ઘણો બદલાઈ ગયો છે અને ૨) શહેરીકરણને લીધે વીરોધ પહેલા જેટલો જડબેસલાક નથી હોતો. વ્યક્તીગત કારણમા. હવે આપણેજ વડીલ થઈ ગયા હોવાથી ઉમરનો/નાનપણનો બાધ નડતો નથી.

      Liked by 2 people

      1. Dear M. Gada,
        Since many years, I have also personally promised myself to do what Amrutbhai has advocated and you have rightly supported.

        But I have a question: I think it helps to declare such decisions in public, because common people need good examples to follow. Don’t you think so? After all, we need many more people to become more rationalist minded.
        What Amrutbhai says can help us a lot to move the masses.
        Thanks. —Subodh Shah —

        Liked by 2 people

    2. You are right Subodhbhai, The thing is, everyone here at Abhivyakti seems to be in agreement. Those who are still not even after reading this blog for 6 years, can not be helped.
      We need to let know our views to general public elsewhere. I get plenty occasions to do that here in Vadodara. Whenever I am asked about why I do not participate in any religious activities, I explain it to them in as much detail as they are willing to listen. I do not believe in lecturing anyone who is not curious to know the other viewpoint. Some believers, who know me, still keep doing that. For example, I get personal emails from Abhivyakti readers that we all are misguided and he sees me as a potential candidate to be converted back to a believer.

      Liked by 1 person

  16. શ્રી કિરીટભાઇ શાહ…..‘ ભૂત,પ્રેત, જાદુ, વહેમ, ભુવા,ભરાડી સામે છેલ્લા ૩૦ વરસોથી વૈજ્ઞાનિક અભિયાન ચલાવે છે. ન્યુજર્સીમાં કોન્ટેક નામ અને કોન્ટેક નંબર. શ્રી સુરેશભાઇ જાની અને શ્રીમતિ દિપ્તીબેન જાની. ફોન નં : 201-432-2163.
    જે સંસ્થાને તેમનો કાર્યક્રમ ગોઠવવો હોય તેમણે ઉપરના ફોન ઉપર શ્રી સુરેશભાઇ અથવો શ્રીમતિ દિપ્તિબેનનો સંપર્ક કરવો. શ્રકિરીટભાઇ પોતે વિજ્ઞાનના સ્નાતક છે.

    Liked by 1 person

  17. હૃદયદ્રાવક…. હું તો વિજાપુરમાં બારોટવાસમાં મોટો થયેલો છું. આ બધું મેં જોએલું છે. અમારો સમાજ પણ આવો જ હતો.. મારા ફાધર ગુજરી ગયા ત્યારે મારા મધરને આમાંનું કશું કરવા દીધેલું નહિ..

    Liked by 3 people

  18. ખુબજ અસરકારક, સચોટ અને હ્રદયદ્રાવક લેખ. ધર્મને નામે ચાલતા આવા ઢોગ ધતીગો અને અધ્ધ્શ્રધ્ધાના ભમ્મરિયા કુવામાંથી બહાર નીકળવા સ્ત્રીજાતીએ અભિયાન છેડવું પડશે. આજના ઢોગી ધર્મ ધુરંધરો, સાધુબાવાઓ બહેનોને ડરાવી ગભરાવી અને વહેમ ગુસાડી આવતો ભવ સુધારવા આ ભવનાં શિકાર બનાવી દુખી દુખી કરી નાખે છે.

    Liked by 1 person

  19. હા અને ખાસ મુદ્દાની વાત !!!!
    ડીકલેર કે અન ડીકલેર યુધ્ધો કરતા ધર્મયુધ્ધો( crusade) માં બમણો કે ત્રણઘણો માનવ સંહાર થયો છે. જેનો આજસુધીનો ઈતિહાસ સાક્ષી છે. તો એવા ધર્મોની શી જરૂર કે જે માનવજાતને સુખચેન કે શાંતિથી જીવવા નહિ દે.

    Liked by 1 person

  20. ધર્મે મને ખુબ વેદના આપી છે …..આનાથી વધારે કશું વાંચવાનું હોય જ નહીં આ વાક્ય જ સુત્ર છે.અને દરેક સુત્ર અતિશય ઘનિષ્ઠ તત્વજ્ઞાન છે.

    Liked by 1 person

  21. જેમ ઘરમાં બોલાતી ભાષા બાળક બોલતા શીખે છે તેમ ઘરમાં પળાતો ધર્મ બાળક પાળે છે. જયારે પત્ની કે પુત્રવધુના રૂપે બીજી વ્યક્તી કુટુંબમાં પ્રવેશે ત્યારે તે તેના ઉછેર મુજબ વર્તશે. તેમનામાં ધર્મ કે ક્રીયાકાંડ બાબતે સમઝણ આપી શકાય તો ઉત્તમ. જો બળજબરી કરવામાં આવે તો કુટુંબમાં કડવાશ થશે. સૌને દુખી થવાનો અધીકાર છે.

    Liked by 1 person

  22. God will be really happy if you build a basic facilities, for poor & needy people,by building a toilet, not by building a million dollar temple in USA or any where..

    Liked by 1 person

    1. Can we request all our sanyashi (monks), pithadhipati, sadhus and priests to take the one year program each of building toilets, schools, hospitals, libraries and play grounds – the five modern temples?
      Jagdish Barot

      Liked by 1 person

  23. ભારતમાં આ પરીસ્થીતી વરસોથી ચાલુ છે. સતી પ્રથા, દુધ પીતી પ્રથા વગેરે વગેરે અંગ્રેજોને ખબર હતી. એ માટે પ્રજા કે લોકસેવકો તૈયાર ન હતા એટલે સુધારા ઘણાં સમય પચી શરુ થયા. આજે પણ પત્થર પુજા અને કર્મમાં લોકો એટલા જ માને છે. આજે પણ લોકો સમજે છે કે સ્ત્રીનું વીધવા થવું, દલીત કે નીચ જાતીમાં જન્મ લેવું એ કર્મના કારણે થાય છે. પત્થર પુજા ચોથી પાંચમી સદીથી એટલી વીકસી કે છેવટે ઈશ્લામનો જન્મ થયો. ઈશ્લામના શાસકો અને અંગ્રેજોએ સુધારા માટે ઘણી કોશીષ કરી. સ્વતંત્ર ભારતની સંસદમાં સોમનાથ મંદીર અને રામ મંદીરની ચર્ચા હજી પણ નીયમીત થાય છે.

    Liked by 2 people

    1. કર્મના સીદ્ધાંત પ્રમાણે દેશમાં ઈશ્લામના શાસકોએ જે રાજ કર્યું અને દેશમાં (ભારત પાકીસ્તાન સહીત) ઈશ્લામનો ફેલાવો થયો એ હીસાબ જામતો નથી…

      Like

  24. આપણા ભાઈઓ કુરિવાજો અંધ શ્રદ્ધા ના વિરોધમાં ઘણું ઘણું લખે છે . પણ એ પરિસ્થિતિ બદલતા ઘણો સમય લાગશે .ઇસુ થી આશરે 600 વરસ પહેલાં
    બૃહસ્પતિ નામના ધર્મ સુધારકે એક બુક લખી એમાં પોતાના વિચારો રજુ કર્યા .એના કહેવા પ્રમાણે સ્વર્ગ। નર્ક નથી .પુનર્જન્મ નથી . છ શાસ્ત્રો વેદ ઉપનિષદ .પુરાણો વગેરે માનવા જેવા નથી એના સિદ્ધાંતો વિશ્વાસ પાત્ર નથી .ફક્ત માણસની બુધ્ધિજ વિશ્વાસ પાત્ર છે . ચેતનવંતા શરીરથી ભિન્ન આત્મા નથી। એના કહેવા પ્રમાણે માંસ એ મનુષ્યનો ખોરાક નથી .એનો શ્લોક છે .
    यावतजीवेत् सुखम् जीवित नास्ति मृत्यरगोचर
    भस्मी भूतस्य देहस्य पुनरागमनं कुत:
    ऐना पुस्तकने बाली नाख्वामा आव्युं आने एने मारी नाख्वामा आव्यो .

    Liked by 1 person

  25. Kudos to Dr. Barot to believe in himself despite all these miseries and ills he and his family had to suffer.
    Let us find the source of all troubles for girls, women, widows and casteism.
    Read Manu Smriti and you will find the source of all ills.
    Even today, many Kathakars are glorifying many rituals and customs which are setting the mind set of poor villagers to continue these wrongs.
    Until the mindset of these gurus is changed, by education, laws and/or public pressure society will not progress at faster rate.
    Gandhiji, Ram Manohar Rai, Vivekanand had campaigned against social ills during their life times,but very little progress.
    It has to start with women, mothers, education at all levels.
    Hope your realist society will have the answers and plan tyo implement the reforms.

    Liked by 1 person

  26. ધર્માચાર્યો સિવાય બધાને ધર્મ વેદના જ આપે છે. તેમાંથી બચવા માટે ધર્મોપદેશક થઇ જવું જોઈએ. धर्मं चर નો અર્થ જ એ છે કે ધર્મને ચરી જઈને પોતાનું ભલું કરો.

    Liked by 1 person

  27. પુરૂષ જાતિ કરતા સ્ત્રીઓને ધર્મના નામે/કારણે ઘણું જ ભોગવવું પડ્યું છે. પતિની હુંફ ગુમાવ્યા પછી સ્ત્રીઓને વધુ સંભાળની જરૂરત હોય છે. એથી ઉલ્ટું ભારત જેવા ઈતિહાસમાં ગૌરવશાળી ગણાતા દેશમાં આવી પ્રથાઓ કોણે શરૂ કરી હશે? આ યાતનાઓ માટે મારી પાસે આંસુ સિવાય બીજું કંઈ જ નથી. ભારતમાં હજી કશે તો આવી પ્રથાઓ અમલમાં તો નહિ હોય?

    Liked by 1 person

  28. ધર્મનો અર્થ વેદના થાય છે. હીન્દુ, ખ્રીસ્તી કે ઈશ્લામ ધર્મના અનુયાયી પોતાને સુધારાવાદી કે અહીંસાના પુજારી જરુર કહે છે પણ છેવટે તો એ આંતકવાદી પ્રવૃત્તી કરે છે.

    ભારતમાં હીન્દુઓ વરસોથી કહે છે અમે અંહીસાના પુજારી છીએ, બીજાની જમીન પચાવી પાડતા નથી, યુદ્ધની શરુઆત કરતા નથી, વગેરે, વગેરે…. પણ વીધવા, ગરીબાઈ, આત્મા, કર્મ અને પત્થર પુજાની વાત આવે એટલે સમજી લેવાનું કે બાબરી મસ્જીદના ઢાંચાને તોડી પાડવાની કાર્યવાહી….

    Liked by 1 person

Leave a comment