દીવાળી, અન્ધશ્રદ્ધા, સફાઈ અને આપણે

–કામીની સંઘવી

માતા–પીતા સીવાય બાળકના જીવનમાં બીજી કોઈ વ્યક્તી મહત્ત્વની હોય તો તે ટીચર કે શીક્ષક છે. બાળક ઘરમાં જેટલો સમય તેના પેરેન્ટ્સ સાથે વીતાવે છે તેટલો જ ક્વૉલીટી ટાઈમ તે તેની સ્કુલ કે કૉલેજના શીક્ષકો સાથે પસાર કરે છે. તેથી જ બાળકના માનસીક અને શારીરીક વીકાસમાં માતા–પીતા પછી કોઈનો સૌથી વધુ સીંહફાળો હોય તો તે ટીચરનો છે. સારી–નરસી કેળવણી બાળક શીક્ષક પાસેથી જ ગ્રહણ કરતું હોય છે. હમણાં સુરતની બે ચાર સ્કુલમાં બાળકોને ઉદાહરણરુપ જીવન અને પર્યાવરણલક્ષી પાઠ ભણાવવામાં આવ્યા. આપણે બધા જ જાણીએ છીએ કે દીવાળી એ પ્રકાશનો તહેવાર છે. તેથી આપણે સૌ યથાશક્તી તે ઉજવાતા હોઈએ છીએ. પણ કોઈ બાળક માટે દીવાળીની ઉજવણી કેવી હોય ? તો કહો કે સ્કુલ–ટ્યુશનમાં રજા એટલે ભણવામાંથી છુટી એટલે મજા જ મજા ! બીજા નંબરે આવે રજામાં મજા કરવાની વાત. તો ઘરમાં જાત જાતનાં મીઠાઈ–ફરસાણ બને અને તે મરજી થાય તેમ ખાવાની મજા. ત્રીજા નંબર પર આવે નવાં કપડાં–શુઝ વગેરે લેવાં અને પહેરવાં. રાતે દોસ્તો સાથે ફટાકડા ફોડવા. હા, બાળક નાનું હોય તો ફટાકડા ફોડીને આનંદ લે જ; કારણ કે દીવાળી હર્ષ–ઉલ્લાસ અને પ્રકાશનો તહેવાર છે. પરંતુ હાયર સેકન્ડરીમાં ભણતા સોળ–સત્તર વર્ષના ટીનેજર્સ સમજણા કહેવાય. તેની પાસેથી તેમની ઉંમર પ્રમાણેના સમજદારીભર્યા વર્તનની અપેક્ષા રખાય. તેથી જ આ શાળા સંચાલકોએ તેમની શાળામાં ભણતાં અગીયાર–બારમા ધોરણના વીદ્યાર્થીઓ પાસે શપથ કે સોગંદ લેવડાવ્યા કે તેઓ હવેથી દીવાળીમાં ફટાકડા નહીં ફોડે. જેથી કરીને પૃથ્વી પર અવાજ અને હવાનું પ્રદુષણ ઘટે. ખુબ સરસ.. આજનાં ટીનેજર્સ બાળકો આવતીકાલે દેશના નાગરીક બનશે. ત્યારે દેશ માટે કે આ જગત માટે કંઈક પોઝીટીવ કરવાની તેમની વૃત્તીને વેગ મળશે. જીવનમાં ક્યાંક સમાજ પ્રત્યેની સમજદારીનો આછો આછો દીવો પણ ટમટમતો રહે તેથી વધું રુડું શું હોય ? કદાચ દીવાળી એ પ્રકાશનો તહેવાર છે તેની સાચી ઓળખ અહીં જ પ્રસ્થાપીત થશે.

જો કે ત્યાં હાજર કેટલાક વાંકદેખા શીક્ષકો અને વાલીઓ અને પેરેન્ટ્સના મતે આ બધા સોગંદ લેવા કે લેવડાવવા એ ધતીંગ છે. છોકરાઓ તો ફટાકડા ફોડે જ ને ! છોકરા ફટાકડા નહીં ફોડે તો કોણ આપણે ફોડીશું ? કબુલ, છોકરાઓ ફટાકડા ફોડે જ; પણ તે પંદર–સોળ વર્ષની વયથી નીચેનાં હોય તો. વળી અવાજ કે હવાનું પ્રદુષણ ન ફેલાય તેવા ફટાકડા ફોડવાની કોણ ના કહે છે ? પંદર વર્ષની વયથી મોટાં બાળકો આવાં સમાજહીતનાં કામ કરે તે ઈચ્છનીય જ છે. ભલે ને તે શપથ લેનાર સો–બસોમાંથી દસ–વીસ બાળકો પણ તેનું પાલન કરે તો તે સમાજ અને માનવહીતમાં જ છે. છેલ્લાં પાંચ–સાત વર્ષથી આ પ્રથા સુરતની આ બે–ચાર સ્કુલમાં ચાલે છે.  ફટાકડા નહીં ફોડવાના સોગંદ લેનાર અને હવે યુવક–યુવતી બનેલાં તે સ્કુલના ભુતપુર્વ વીદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે, તેમાંથી ઘણાંએ તે સોગંદ પાળ્યા છે. અને તેઓ દીવાળીમાં ફટાકડા ફોડતા નથી. વળી તેમનાં નાનાં ભાઈ–બહેનને પણ ફટાકડા ન ફોડવાની કસમ લેવડાવે છે. કદાચ આ નાની નાની હરકતોથી જ બાળકોનાં હૃદયમાં દેશ કે સમાજ પ્રત્યેના ઋણની રેખા આંકી શકાય.

છેલ્લાં દસ–બાર વર્ષમાં દીવાળીના દીવસોમાં સુતળી કે લક્ષ્મી બૉમ્બના તીવ્ર અવાજો મોટાં શહેરમાં માથાંનો દુ:ખાવો બનતા જાય છે. સુપ્રીમ કોર્ટે રાતે દસથી સવારે છ વાગ્યા સુધી અવાજ પ્રદુષણ પર નીષેધ ફરમાવ્યો છે; પણ દીવાળીના દીવસોમાં તે નીયમોની ઐસી કી તૈસી કરવામાં બાળકો જ નહીં; વાલીઓ પણ મોટો ભાગ ભજવે છે. વળી સપરમા દીવસોમાં ક્યાં કોઈ સાથે માથાકુટ કરવી ?  લોકોનાં એવાં વલણને કારણે જે આ ફટાકડાના અવાજથી ત્રસ્ત થાય છે તેવા સીનીયર સીટીઝન કે બીમાર કે નવજાત શીશુની માતાઓ ફટાકડા ફોડતા લોકો સાથે વાદ–વીવાદ કરવાનું ટાળે છે. જેને કારણે મોટાં શહેરોના રાજમાર્ગ ફટાકડાના અવાજથી ત્રસ્ત છે. તેથી દીવાળી કે નવા વર્ષે લોકોનાં ઘર સીવાય બધે જ ફટાકડા ફોડવાથી ઉત્પન્ન થતા ટનબંધ કચરાઓના ઠેર ઠેર ઢેર છવાયેલાં હોય છે. આપણું ઘર જેમ આપણે દીવાળીમાં વાળી–ચોળીને સાફ રાખીએ છીએ, તેમ આપણી સોસાયટી, આપણી શેરી, આપણું ગામ–શહેર અને દેશને અવાજ અને હવાના પ્રદુષણથી મુક્ત રાખવાની આપણી ફરજ નથી?

માતા એ સો શીક્ષકની ગરજ સારે છે તેવું વારંવાર આપણે કહીએ છીએ. તે જ માતા દીવાળીના તહેવારોમાં આડકતરી રીતે પોતાનું ઘર તો સાફ કરે છે, જેથી તેના ઘરમાં લક્ષ્મીજીનો પ્રવેશ અને વાસ થાય. તે બધાં માટે તે શુકન–અપશુકનના નામે અન્ધશ્રદ્ધાનું તો વહન કરે જ છે; પણ સાથે સાથે જાહેરસ્થાન પર ધર્મ કે રીતરીવાજના નામે પ્રદુષણ ચોક્કસ ફેલાવે છે.

આજકાલ એક બીજો રીવાજ પણ વધી રહ્યો છે અને તે ધનતેરસના દીવસે મુહુર્ત જોઈને સોના–ચાંદીની ખરીદી કરવાનો. વળી તેમાં પણ અમુક–તમુક નક્ષત્ર જોઈને સોના–ચાંદીની ખરીદી કરવા માટે ઝવેરીની દુકાનોમાં લાંબી લાઈન હોય. એક–બે કલાકે તમારો નંબર આવે. ભલે થાકી જવાય; પણ શું થાય ? શુકન માટે ધનતેરસના દીવસે પણ ખરીદી તો કરવી જ જોઈએ ! હવે દીવાળીના તો બધા દીવસો જ શુકનવંતા અને સપરમા ગણાય છે. તો તેમાં મુહુર્ત જોવાની વાત ક્યાં આવી ? પણ બસ, વર્ષ સારું જાય, ઘરમાં લક્ષ્મી આવે એટલે પણ આમ કરવું જોઈએ. સીમ્પ્લી, વેસ્ટ ઓફ ટાઈમ અને વેસ્ટ ઓફ મની ! ધનતેરસના દીવસે સોનાચાંદીના માર્કેટમાં તેજી હોય એટલે ભાવ ઉંચા હોય. ઉપરથી ઝવેરીઓ  ઘડામણી પણ ડબલ વસુલ કરે. છતાં આપણે બીજા દીવસોમાં ખરીદી કરવાને બદલે તે દીવસે જ ખરીદી કરીને પણ લુંટાઈએ છીએ. કારણ કે મુહુર્ત તો સાચવવું જોઈએ તેવો પરીવારની ગૃહીણીનો જ આગ્રહ હોય ! બહેનોની અન્ધશ્રદ્ધા કાળી ચૌદશે તો માઝા મુકે. ચાર રસ્તા પર ‘કકળાટ’ કાઢવા જાય અને રસ્તા પર વડાં મુકે. તમે ધાર્મીક છો અને શ્રદ્ધાથી ઘરમાં પુજન કરો તો ઓક્કે. પણ ચાર રસ્તા પર ‘કકળાટ’ના નામે વડાં મુકવાં તે આજના સમય પ્રમાણે કેટલું યોગ્ય લાગે ? મને યાદ છે અમારી સોસાયટીની બાજુમાં જ ઝુંપડપટ્ટી હતી. સોસાયટીના રહેવાસીઓ સોસાયટીના ચાર રસ્તા પર વડાં મુકવા બહેનો ઘરેથી નીકળે તે સાથે જ ઝુંપડપટ્ટીનાં બાળકો આગળ–પાછળ ચાલવા માંડે. ચાર રસ્તા પર લોકો વડાં મુકે ના મુકે ને પેલાં ગરીબ બાળકો તરત ઉઠાવી લે અને ખાઈ પણ જાય. ચાર રસ્તા પર વડાં મુક્વાથી લોકોના ઘરનો કકળાટ ઓછો થતો હશે કે નહીં તે તો રામ જાણે; પણ કોઈના પેટની આગ કે ભુખ તો જરુર મીટાવે છે. તો પછી શા માટે અન્નના ખોટા રીતીરીવાજ પાછળ વ્યય કરવો ? અન્નપુર્ણા અન્નનો વ્યય અટકાવે તો તે સમાજસેવા કહેવાય. વળી બહેનો નવા વર્ષે કે દીવાળીની રાતે ચાર રસ્તા પર ઘરના જુનાં ઝાડુ અને માટલાં મુકી આવે. એટલે નવા વર્ષે તમે ઘરની બહાર નીકળો તો બધા જ ચાર રસ્તા પર માટલામાં ઝાડુ ભેરવેલાં દેખાય. સરકાર કે નગરપાલીકા આમેય તહેવારોના દીવસોમાં માણસોની ખેંચ અનુભવતી હોય, તેમાં શહેરના દરેક ચાર રસ્તા પર ઝાડુને માટલાં ઉંચકવા તો ક્યાંથી કોઈ નવરું હોય ?

આપણા વડા પ્રધાને બહુ સરસ સુત્ર આપ્યું કે દેશને સ્વચ્છ બનાવો. તેમાં ઘણાંય મહીલામંડળો હઈશો હઈશો કરતાં જોડાઈ ગયાં, લાંબા સાવરણા લઈને રસ્તા સાફ કરવા ઉતરી પડ્યાં અને પોતાનો પ્રચાર અને પ્રસાર કરી લીધો. પણ હવે શું ? આપણો દેશ સાફ રાખવાના સોગંદ લીધા છે તે તહેવારો આવતાં આપણે ભુલી જઈએ છીએ ? દેશ કે દુનીયાને બદલવાના ખ્વાબ જોતાં પહેલાં દરેકે પોતાની જાતને બદલવી પડે તો જ બદલાવ શકય બને. કોઈ પણ સરકાર લોકોની સક્રીય ભાગીદારી વીના સફળ ન બની શકે. તે વાત પછી વીકાસની હોય કે સફાઈની કે આતંકવાદની. પાવર ઓફ ફોર્ટીનાઈન એટલે કે મહીલા મતદાનનો પ્રભાવ આપણે ગત ઈલેક્શનમાં જોયો છે. તો આ પાવર ઓફ ફોર્ટીનાઈન દેશની અન્ધશ્રદ્ધા કે ગંદકીની સફાઈ માટે યોગ્ય રીતે વપરાય તે ઈચ્છનીય નથી ?

–કામીની સંઘવી

‘મુંબઈ સમાચાર’ દૈનીક, મુમ્બઈની તા. 16 ઓક્ટોબર, 2014ની ‘લાડકી’ પુર્તીમાં, પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘દીલ કે ઝરોખોં સે’માં પ્રગટ થયેલો એમનો આ લેખ, લેખીકાના અને ‘મુંબઈ સમાચાર’ના સૌજન્યથી સાભાર…

લેખીકા સમ્પર્ક:

કામીની સંધવી, D-804, New Suncity, Aptt., B/H. Bhulka Bhavan School, Anand Mahal Road, Adajan, Surat-395 009 સેલફોન: 94271-39563 ઈ.મેઈલ: kaminiparikh25@yahoo.in 

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા મારો આ ‘રૅશનલ’ બ્લોગ ‘અભીવ્યક્તી’ નીયમીત  https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જરuttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ17/10/2014

15 Comments

  1. If and only if 10% of each society residant follow this,we would have clean and peacefull Diwali celebration…….. NAMO have done what he think he can do… Now it is citizen of India need to follow what NAMO has asked for….. As Kaminiben mention: It is woman and their blindfaith drive most of activity. Only if some of ‘Mahila Mandal” get out and advocate others, we may see changes.

    Like

  2. Kamini bahen khub Saras lekh ane anukaran yogya parantu aajna netao are khud vadapradhan jeva ne pan paryavaran ni padinathi Ganga aarti nepalma 2.5 ton sukhad nu Dan ane have gangasuddhi Karan desh na darek neta matlalchu chhe deshmathi andhshraddha bhagavvi hoi to rational vichar dhara dharavta neta joiye aapna modi saheb vat vivekanand ni kare Ane vartan ma moto virodhabhas jova male chhe hamnaj raolji.com par 2.5 ton hulhad nu don lekh aankh ughadnaro hato aajna netaoe rationalism apnavava jevu chhe toj desh mathi andhshraddha ghatse.

    Like

  3. So that there is no misunderstanding: Clarification is in order. This is not aimed at any person. It is aimed at one’s self. Ask yourself this question: Am I clean? Do I meticulously clean my body, mind and actions everyday? If one experiences cleanliness ones self, others will follow, Everyday, where I live, I see elderly people picking up scraps thrown by others.

    Like

  4. . તેથી જ આ શાળા સંચાલકોએ તેમની શાળામાં ભણતાં અગીયાર–બારમા ધોરણના વીદ્યાર્થીઓ પાસે શપથ કે સોગંદ લેવડાવ્યા કે તેઓ હવેથી દીવાળીમાં ફટાકડા નહીં ફોડે. જેથી કરીને પૃથ્વી પર અવાજ અને હવાનું પ્રદુષણ ઘટે. ખુબ સરસ.. આજનાં ટીનેજર્સ બાળકો આવતીકાલે દેશના નાગરીક બનશે. ત્યારે દેશ માટે કે આ જગત માટે કંઈક પોઝીટીવ કરવાની તેમની વૃત્તીને વેગ મળશે. જીવનમાં ક્યાંક સમાજ પ્રત્યેની સમજદારીનો આછો આછો દીવો પણ ટમટમતો રહે તેથી વધું રુડું શું હોય ? કદાચ દીવાળી એ પ્રકાશનો તહેવાર છે તેની સાચી ઓળખ અહીં જ પ્રસ્થાપીત થશે………………
    Nice Lekh.
    Good Habits when from DEEP WITHIN then they LAST.
    An Act of CLEANINESS must be a part of you & NOT a show of a Day !
    Chandravadan
    Inviting –કામીની સંઘવી to my Blog.
    Govindbhai..See you @ Chandrapukar

    Like

  5. ખૂબ સુંદર લેખ…લેખક અને બ્લોગર બંનેને અભિનંદન

    Like

  6. આપણો દેશ સાફ રાખવાના સોગંદ લીધા છે તે તહેવારો આવતાં આપણે ભુલી જઈએ છીએ ? દેશ કે દુનીયાને બદલવાના ખ્વાબ જોતાં પહેલાં દરેકે પોતાની જાતને બદલવી પડે તો જ બદલાવ શકય બને. કોઈ પણ સરકાર લોકોની સક્રીય ભાગીદારી વીના સફળ ન બની શકે

    આવી સમજણ દેશના દરેક નાગરિકમાં હોય તો બધા દિવસો દિવાળીના દિવસો બની જાય !

    સબકો સન્મતિ દે ભગવાન !

    Like

  7. કામીનીબહેન સંઘવીની સફાઈ બાબત બરોબર વાંચો.

    સુપ્રીમ કોર્ટે રાતે દસથી સવારે છ વાગ્યા સુધી અવાજ પ્રદુષણ પર નીષેધ ફરમાવ્યો છે.

    દીવાળીના દીવસોમાં તે નીયમોની ઐસી કી તૈસી કરવામાં બાળકો જ નહીં; વાલીઓ પણ મોટો ભાગ ભજવે છે.

    સુપ્રીમ કોર્ટે આમ લોકોને ઘણીં રીતે મદદ કરેલ છે. લોકો કાયદાના પાલન માટે આગળ આવે છે.

    પહેલાં પોપાબાઈના રાજ જેવું હતું. રાજા મહારાજાના જમાનાની જેમ જેના હાથમાં તલવાર હોય એ વીંઝવા માંડતા.

    અભ્યાસ પછી લોકોને ખબર પડવા લાગી અને સારુ નરસું પોતે અથવા કાયદા દ્વારા નક્કી કરવા લાગ્યા.

    હજી પણ રસ્તા ઉપર વરઘોડા, નાચ ગાન કરી જનતાને હેરાન કરવામાં આવે છે. ઉત્સવના નામે લોકોને બાન લઈ ત્રાસ આપવામાં આવે છે.

    એકમ, બીજ, નાગ પંચમી, કૃષ્ણ અષ્ઠમી, રામ નવમી, તેરસ, ચૌદસના નામે રજાઓ પાડી જે વ્યય થાય છે એ પણ બંધ થવું જોઈએ.

    રાષ્ટ્રપતી, વડા પ્રધાન વાર તહેવારે આવા વ્યય બદલ જનતાને અભીનંદન આપે છે એ બંધ થવા જોઇએ.

    Like

  8. મિત્રો,
    સૌને દિવાળીની શુભકામના અને હિન્દુ નવા વષૅ (૨૦૭૧)ની શભેચ્છાઓ. કામિનીબેને દિવાળી આવી ફટાકડા લાવી….નો સંદર્ભ લઇને આ આર્ટીકલ લખ્યો છે. મુખ્ય મુદ્દો પોલ્યુશનનો છે…સફાઇનો છે. બાળકો ઉપર પેરેન્ટની ઇન્ફલુઅન્સ પહેલી પછી ટીચરની પડે છે તેમ કહ્યુ..ટીચરે સોગંદ લેવડવ્યા અને થોડા બાળકોઅે પાળ્યા અે સારી વાત થઇ. મારા મતે જેમ જેમ બાળક મોટું થતું જાય તેમ તેમ (૨૧મી સદીમાં) શાળામાં કે બહાર તેના ફ્રેન્ડ સર્કલની અસર સૌથી વઘુ પડતી જાય છે. મા બાપને પણ તેની ખબર મોડે મોડે પડતી હોય છે.
    પોલ્યુશનના જુદા જુદા પ્રકારો હોય છે. ઘર અને સમાજની સૌથી વઘુ અસર બાળકના મન ઉપર જો પડતી હોય તો ઘરમાના અને સમાજના, સામાજીક કે ઘાર્મિક વાતાવરણની. સમાજમાં હિન્દુ, મુસ્લીમ, ખ્રિસ્તી, પારસી,….વિ. વિ આવી જાય.
    ફટાકડાં આજકાલ ફક્ત દિવાળીમાં જ ફોડાતા નથી. લગ્નની જાન. ઘાર્મિક સરઘસો દ્વારા પણ કરે છે.
    મસ્જદની સ્પીકરો થકી થતી બાંગ.
    અને…અને…..આવાં બીજા પ્રસંગોમાં ફક્ત ફટાકડા નહિં પરંતુ બીજા પ્રકારના પોલ્યુટીંગ રસાયણો પણ વપરાય છે.

    વ્હાય દિવાળી ઓન્લી ? ગણપતી સ્થાપ્ના અને વિસર્જન કેમ નહીં? મસ્જીદની બાંગ કેમ નહીં ? અને……..કેમ નહીં ????????????????????????????પાન ખાયે સૈયા હમાર…???? હોલીની પીચકારી અને પાન પીચકારીમાં શું ફરક છે ? અબીલ, ગુલાલની બોંછારો શું કહે છે ? ગરબા ?

    ભારતની ગંદકીના તો કેટલાં બઘાં પ્રકારો છે., જે માનવ જીવન માટે મહા નુકશાન કર્તા છે. સમાજ અને ઘરોથી થતી ગંદકી કરનારાઓ તો મોટી ઉમરના નાગરીકો છે. ફરી પાછુ કહું છું કે મોટી ઉમરનાં નાગરીકો જ પોલ્યુશન કરતાં હોય છે. કુવામાં જે હોય તેજ હવાડામાં પણ આવે. શરુઆત ‘સ્વ‘થી કરો.

    પારસી કોમ્યુનીટી જ અેક અેવો ઘર્મ પાળે છે અને રોજીંદુ જીવન જીવે છે કે તે લગભગ કોઇપણ પ્રકારનું પોલ્યુશન નથી કરતી. બુઘ્ઘ ઘર્મને પણ તેમની સાથે મુકી શકાય.

    તેમની પાસે તો કાંઇક શીખીયે.

    પરદેશો પાસેથી કાંઇક શીખીયે. ત્યાં પોલ્યુશન કરનારને સજા કરાય છે.

    હિન્દુઓઅે અમેરીકામાં કોઇ કોઇ જગ્યાઅે અવાજ પોલ્યુશન કરવાની પરવાનગી મેળવી છે…જાહેરમાં ગરબાનો કાર્યક્રમ યોજીને.

    નરેન્દ્રભાઇઅે જે જે પોલ્યુશનની વાતો કરીને તેનાં નિવારણને હાથ ઉપર લીઘું છે તે જો પુરી શ્રઘ્ઘાથી અને પરમેનન્ટ બેઇઝ ઉપર કરવામા આવશે તો જ ભારતનું ભાવી ઉજ્જવળ બનશે, નહિ તો ભૂતકાળ, તનો વર્તમાન અને ભવિશ્ય પણ બનીને રહેશે.

    મોટી ઉમરનાં બઘા જ નાગરીકો ( ટીચરો તેમાં આવી જાય છે. ) અને હિન્દુ ઘર્મના પૂજારીઓ, સાઘુ, સંતો, ઇસ્લામના ઘાર્મિક વડાઓ, મુલ્લાઓ..કારખાનાઓના માલીકો….અવાજ, રાસાયણીક, અને બીજા પોલ્યુશનથી મુક્તિ અપાવી શકશે. પોતાના અંગત અને, અથવા બીજા સ્વાર્થથી દોરાઇને ચાલનારાઓની હાજરીમાં આ અભિગમ બિચારો શું કરે ?????????????????????????????????????

    ગંદકીનો , પોલ્યુશનનો પ્રશ્ન અાપણે મોટા પાયા ઉપર વિચારીયે…ફક્ત બાળકો અને દિવાળી પુરતો નહીં.

    અમૃત હઝારી.

    Like

  9. શ્રી ગોવિંદભાઈ

    તહેવારની બીજી બાજુ, લોકોનો અભિગમ ..સઘળું સાચી સુખાકારી માટેની દિશા પકડે તો , સૌનો ઉમંગ બેવડાય. સાચી વાત સૌએ ગાંઠે બાંધવા જેવી…આપની આ વિચાર જ્યોત સાચા અંધકારને મીટાવતી રહે, એવી શુભેચ્છા સાથે નૂતન વર્ષાભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  10. સર્વે વાચકોનો આાભાર. ગણેશ વિસર્જન થી લઈને હોળી સુધીના તહેવારોમાં આપણાં ધર્મામાં પ્રવર્તી અંધશ્રધ્ધા વિશે લખી ચુકી છું. એટલે અહીં તેનું પુનરાવર્તન ટાળવા માટે જ તે બાકાત રાખ્યું.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s