ઈચ્છામૃત્યુ કે ઈચ્છાજીવન ?

–મુરજી ગડા

મહાભારતની કથામાં પીતામહ ભીષ્મને ઈચ્છામૃત્યુનું વરદાન મળેલું હોવાનુ કહેવાય છે. વર્તમાનમાં, જાતજાતનાં કારણોસર નાનામોટા ઘણા લોકોના આત્મહત્યાના સમાચાર છાપામાં અવારનવાર વાંચવામાં આવે છે. તાજેતરના અહેવાલ મુજબ 2012માં ભારતમાં કુલ 02 લાખ 58 હજાર લોકોએ આત્મહત્યા દ્વારા પોતાનું જીવન ટુંકાવ્યું હતું. એમનું મૃત્યુ કુદરતી નહીં; અકસ્માત નહીં; બલકે સ્વેચ્છાએ નોતરેલું હતું. આને સ્વેચ્છામૃત્યુ/ઈચ્છામૃત્યુ ન કહેવાય તો બીજું શું કહેવાય ? આનો મતલબ એ થયો કે ઈચ્છામૃત્યુનું ‘વરદાન’ માત્ર ભીષ્મને નહીં; બલકે બધાંને જ મળેલું છે. ભીષ્મને મળેલું વરદાન ‘ઈચ્છામૃત્યુ’નુ નહીં; પણ ‘ઈચ્છાજીવન’નું હતું એમ કહેવું વધારે યોગ્ય રહેશે. તેઓ ઈચ્છે એટલું લાંબું જીવી શકતા હતા; છતાં અમરત્વ નહોતું મળ્યું ! આ લેખમાં આપણે ઈચ્છાજીવન અને ઈચ્છામૃત્યુ બન્નેની વાત કરવી છે.

ઈચ્છીએ કે ન ઈચ્છીએ, દરેકનું મૃત્યુ ચોક્કસ છે. છતાં ઘણા લોકો એ વીશે વાત કરતા અજંપો/અકળામણ અનુભવે છે. એની ચર્ચા ટાળવાથી એને કોઈ ટાળી શકતું નથી. જો કે વૈજ્ઞાનીક શોધોને લીધે હવે એને જરુર પાછળ ઠેલી શકાય છે. એ જ્યાં સુધી નથી આવતું, ત્યાં સુધીનું જીવન આપણું છે. કેટલું અને કેવી રીતે જીવીએ તે પણ અમુક અંશે આપણા હાથમાં છે.

કોઈપણ આત્મહત્યાનો બનાવ એ કરુણ બાબત છે. સમાચારમાં આત્મહત્યા માટેનાં 5–6 મુખ્ય કારણો પણ આપ્યાં હતાં. એમાંથી યુવાનો દ્વારા કરાતી આત્મહત્યાનાં કારણ મોટેરાઓને ગૌણ લાગે છે અને નીવારી શકાય એવાં પણ હોય છે. મધ્યમ ઉંમરના કીસ્સામાં મોટેભાગે તે આર્થીક કારણોસર હોય છે અને સ્ત્રીઓના કીસ્સામાં બહુધા કૌટુંબીક કારણોસર હોય છે. લગભગ બધાને આ ખબર છે. એની ચર્ચા આ લેખનો વીષય નથી.

મોટી ઉંમરની વ્યક્તીઓ દ્વારા કરાતા આપઘાતનાં કારણ બહુદા  ‘માંદગીથી કંટાળી/જીવનથી કંટાળી’ જીવન ટુંકાવવાનાં હોય છે. મોટી ઉમરમાં ઈચ્છામૃત્યુ ઈચ્છતી દરેક વ્યક્તી માત્ર અસાધ્ય રોગ વખતે જ એવું ઈચ્છે છે એ જરુરી નથી. એમણે પોતાની વર્તમાન જીન્દગી માન્ય ન હોવાથી ટુંકાવી હોય એવી ઘટનાઓ બને જ છે. એની પાછળનાં કારણ ઘણાં હોઈ શકે છે, જે  ‘યુથનેસીયા’ની વ્યાખ્યામાં નથી આવતાં, તેમ જ કાયદાની ચર્ચામાં પણ આવતાં નથી. કાયદો આને માન્ય ન રાખે એ સમજી શકાય છે. છતાં આ એક કરુણ વાસ્તવીકતા હોવાથી એની ચર્ચા કરવી અસ્થાને નથી.

એક રીતે જોઈએ તો જીવનનો અંત ચાર તબક્કામાં આવી શકે છે. અંતની શરુઆતનો પહેલો તબક્કો છે, કૌટુંબીક અને સામાજીક જવાબદારીઓથી હાથ ઉંચા કરી દેવાનો. જો કે બધા આવું નથી કરતા; પણ ઘણા લોકો પોતાની વ્યાવસાયીક નીવૃત્તી પછીના સમયે, જ્યારે એમનાં સંતાનો પરણી જાય અને કમાતા થાય ત્યારે આવું કરતા જોયા છે. અજાણતામાં પણ તેઓ મુસીબતોને નોતરે છે.

નીવૃત્તીનો અર્થ ‘અર્થોપાર્જનમાંથી નીવૃત્તી’ છે, ‘કાર્યશીલતાનો સદંતર અભાવ’ નથી. એનો અર્થ પ્રવૃત્તીની દીશા બદલવાનો છે. શક્ય હોય તો, ‘સ્વ’ ના બદલે ‘પર’નો વીચાર કરવાનો છે. સામાન્ય રીતે વ્યાવસાયીક નીવૃત્તી 60–65 વર્ષે આવે છે. આજના સમયમાં આ ઉંમરે મોટાભાગનાં સ્ત્રી/પુરુષ શારીરીક અને માનસીક રીતે સ્વસ્થ/તંદુરસ્ત હોય છે. ત્યારે બધી જવાબદારીઓથી હાથ ઉંચા કરી દેવા એ યોગ્ય નથી. જેઓ એવું કરે છે, તેમના અંતનો પહેલો તબક્કો શરુ થાય છે એમ કહી શકાય. આ તબક્કાને ટાળવો કોઈના માટે પણ ખાસ અઘરું નથી.

વ્યક્તીના અંતનો બીજો તબક્કો ત્યારે આવે છે, જ્યારે એને એવું લાગવા માંડે છે કે હવે ઘરમાં/ કુટુંબમાં એનું પહેલા જેવું માન નથી રહ્યું; એ કુટુંબપર બોજ બની રહ્યા છે. વધુ અગત્યનું એ છે કે આ માત્ર એમની આશંકા નહીં; પણ વાસ્તવમાં સાચું હોય. કમનસીબે આવું ઘણા કીસ્સામાં બનતું હોવાનું જોયું/ જાણ્યું છે. આની પાછળ વાજબી–ગેરવાજબી જે પણ કારણ હોય; આ પરીસ્થીતીમાં સપડાયેલ વડીલ વ્યક્તીના શારીરીક અને માનસીક સ્વાસ્થ્ય પર એની અવળી અસર અવશ્ય પડે છે. આ તબક્કાનો સાવ વીકલ્પ નથી એમ પણ નથી. અમુક અંશે આ પણ નીવારી શકાય છે.

અંતનો ત્રીજો તબક્કો છે શારીરીક કે માનસીક રીતે પરવશ થઈ જવાનો. લકવો થવો, અકસ્માતને લીધે પક્ષાઘાત થવો, મોટી ઉંમરે પડી જવાથી હાડકાં ભાંગી જવાં કે પછી ઉંમરને લીધે અતીશય શારીરીક નબળાઈ આવી જવી વગેરે કેટલાંક કારણોસર વ્યક્તી મોટેભાગે પરવશ તો ક્યારેક તદ્દન પથારીવશ બની જાય છે. ચીકીત્સા ક્ષેત્રે થયેલી પ્રગતીને લીધે આવી સ્થીતીમાં પણ દરદી લાંબો સમય, ક્યારેક દાયકા સુધી પણ, જીવીત રહી શકે છે. દરદી તેમ જ સમસ્ત કુટુંબ માટે આ એક ખુબ જ કઠીન સમય હોય છે. ગમે તેટલો પ્રેમ અને સમર્પણની ભાવના હોય તોયે, સંભાળ રાખનારની ધીરજની પણ એક મર્યાદા હોય છે. અંગ્રેજીમાં એને ‘CARE GIVER’S BURNOUT’ કહે છે. આવું કોઈ સાથે ન થાય એવું આપણે ઈચ્છીએ; તોયે એને રોકવો કોઈના હાથમાં નથી. સદનસીબે બધાને આ તબક્કામાંથી પસાર થવું પડતું નથી.

આમાં વળી, હાલ એક નવા પ્રકારના સંજોગો ઉભા થયા છે. નવી પેઢીના યુવાનોને પોતાના વ્યવસાય અર્થે અન્ય શહેર કે અન્ય દેશમાં જવાનું થાય છે. પરીણામે મોટી ઉંમરના વૃદ્ધ માતાપીતા એકલાં થઈ જાય છે. એમને એકબીજાની સંભાળ લેવી પડે છે. ધંધાદારી/બહારી મદદ મળી શકે; પણ એની એક મર્યાદા હોય છે. જે લોકો પુરી જીન્દગી ખુબ સ્વમાનભેર સ્વાવલંબી જીવન જીવ્યાં હોય એમના માટે પરવશ હાલતમાં જીવ્યે રાખવું આંતરીક રીતે ખુબ પીડાદાયક બને છે. એટલું જ નહીં, એમની સંભાળ રાખનારને આપવો પડતો ભોગ પણ એમને દુ:ખી કરે છે. આવી સ્થીતી ખુબ લાંબી ચાલતી હોવા છતાં મેડીકલ ભાષામાં ‘અસાધ્ય’ નથી ગણાતી. એવામાં જો એક પાર્ટનરનું મૃત્યુ થાય તો પરીસ્થીતી વધુ વણસે છે. પાછળ રહેનાર વ્યક્તી મનથી ભાંગી પડે છે.

 અંતનો ચોથો તબક્કો મૃત્યુ પહેલાંની છેલ્લી માંદગી છે. પાછું એ જ કારણ કે ચીકીત્સા ક્ષેત્રે થયેલી પ્રગતીને લીધે હૉસ્પીટલો દુષ્કર ગણાતા કેસને પણ સારો એવો સમય જીવીત રાખી શકે છે. જુદાં જુદાં સાચાં-ખોટાં કારણોસર હૉસ્પીટલના રોકાણને લંબાવાતું હોય એવું પણ બને છે. સર્વેક્ષણોમાં એવું તારણ નીકળ્યું છે કે માણસ પોતાની પુરી જીન્દગીમાં બધા પ્રકારની સારવાર પાછળ જેટલો ખર્ચ કરે છે, એનાથી વધારે ખર્ચ એની છેલ્લી માંદગીમાં થાય છે. છેલ્લી માંદગી એને કહેવાય, કે જેમાંથી એ સાજો થઈ ઘરે પાછો નથી આવતો.

બધાને પહેલા ત્રણમાંના દરેક તબક્કામાંથી પસાર થવું પડતું નથી; પણ ચોથા તબક્કામાંથી મોટી ઉંમરના બહુધા લોકો જાય છે. સામાન્ય રીતે આ સમયે દર્દી પોતે કોઈ પણ નીર્ણય કરવા જેવી સ્થીતીમાં હોતો નથી. એના જીવનનો નીર્ણય એના કુટુંબીજનોના હાથમાં હોય છે. સરકાર ઈચ્છામૃત્યુને કાયદેસર નથી કરતી; કારણ કે અહીં કાયદાનો ગેરલાભ લેવાની શક્યતા ખુબ વધી જાય છે.  આવા સંજોગોમાં દરેક વ્યક્તી પોતાના વસીયતનામા સાથે પોતાની છેલ્લી સારવાર વીશે પણ લખી જાય તો કુટુંબીજનોપર નીર્ણયનો બોજો ઓછો થઈ શકે છે.

ગરીબ લોકો માટે પૈસાના અભાવે અઘરો નીર્ણય પણ પ્રમાણમાં સહેલો બની જાય છે. પૈસાના અભાવે તેઓ મોંઘી સારવાર લઈ શકતા નથી; એટલે હૉસ્પીટલો પણ સમજીને એમની પાસેથી એવી અપેક્ષા રાખતી નથી. સરકારી કે અમુક ખાનગી હૉસ્પીટલના જનરલ વોર્ડમાં દાખલ થનાર દર્દી ‘મરવા’ માટે આવ્યો છે એવું સમજી એની સારવારમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાના કીસ્સા સાંભળ્યા છે. જો આ સાચું હોય તો આને ‘પૅસીવ યુથનેસીયા’ કહેવાય કે નહીં ? સરકારી હૉસ્પીટલોમાં આ થતું હોય તો આજ સુધી કેટલા ડોક્ટરો/ અધીકારીઓને સજા થઈ છે ?

ધનીકો માટે પૈસાનો સવાલ નડતો ન હોવાથી એમના માટે નીર્ણય સહેલો થઈ જાય છે. માત્ર મધ્યમ વર્ગના લોકો જ અવઢવમાં મુકાય છે. એમના માટે માત્ર પૈસા જ એક સમસ્યા નથી; બલકે બહોળા કુટુંબની તેમ જ સમાજની સંભવીત ટીકાનો પણ વીચાર કરવો પડે છે. કમનસીબે આર્થીક રીતે મધ્યમ વર્ગના ગણાતા લોકો માટે એમના ખરા વારસદાર, પુત્ર/પુત્રી નહીં; પણ ‘હેલ્થ કેર ઈન્ડસ્ટી’/ ‘હૉસ્પીટલ’ બની જાય છે. આ કરુણ વાસ્તવીકતા છે.

અહીં પણ કુટુંબીજનો ઈચ્છે ત્યારે દરદીને ઘરે લઈ જઈ શકે છે. એના માટે ‘અગેન્સ્ટ મેડીકલ ઍડવાઈસ’નું ફોર્મ સાઈન કરવાનું હોય છે. આ રીતે મેડીકલ સારવાર અટકાવવી એને પણ ‘પૅસીવ યુથનેસીયા’ કહેવાય આવું તો ભારતમાં રોજ અને બધે જ બને છે. આમાં કાયદો વચ્ચે પડતો નથી.

ઈચ્છામૃત્યુની શક્યતા ત્રીજા તબક્કાના કીસ્સામાં પણ ઉભી થઈ શકે છે : ખાસ કરીને એકાકી જીવન જીવતા લોકોમાં. વૃદ્ધાવસ્થા માત્ર શારીરીક અવસ્થા નથી, એ માનસીક અવસ્થા પણ હોઈ શકે છે.  એમના આ નીર્ણય પાછળ સ્વાસ્થ્ય ઉપરાંત અન્ય કેટલાંક કારણો હોય છે. જે પણ ત્યાં પહોંચે છે તેમાંથી માનસીક રીતે સ્વસ્થ દર્દી પોતે પોતાના ભાવી વીશે નીર્ણય કરવાની પોઝીશનમાં હોય છે. વૃદ્ધાશ્રમનો વીકલ્પ એમને મંજુર નથી હોતો. તેઓ કાયદેસર નહીં તો તાર્કીક/ નૈતીક રીતે ‘માનભેર મૃત્યુના’ હકદાર ગણાય કે નહીં એ ઉંડી ચર્ચાનો વીષય છે. આ વીષય ખુબ જ સંવેદનશીલ હોવાથી એના ઉંડાણમાં જવાનું અત્યારે ટાળીએ.

પ્રવર્તમાન કાયદા પ્રમાણે આત્મહત્યા ગુનો ગણાય છે. દરેક ગુના પાછળ કોઈ ગુનેગાર હોય છે. કાયદો આત્મહત્યાની કોશીશ કરનારને ગુનેગાર ગણે છે. જો કે મોટા ભાગના કીસ્સામાં આપણી સમાજવ્યવસ્થા, પરંપરા જે તે સમાજના રીવાજો, વગેરે પણ આડકતરી રીતે ગુનેગાર હોય છે. આવા ગુનેગારોને સજા કરવી શક્ય નથી; પણ ભવીષ્યમાં આવાં કારણોને લીધે આત્મહત્યા ન થાય એના માટે પણ સરકાર કાગળ પર સુધ્ધાં કશું કરે છે ખરી ?

કાયદો તો છેલ્લી ક્ષણ સુધી શક્ય હોય તે સારવારની હીમાયત કરે છે. જે કુટુંબ એટલો ખર્ચ કરી શકવા સમર્થ ન હોય એનો ખર્ચ કોણ આપે ? અને કોઈ તાણી–ખેંચીને જાતે ખર્ચ કરે તો એમની ભવીષ્યની જરુરીયાતો પર ભારે કાપ મુકવાનો વારો આવે. સંતાનોના ભણતરના ભોગે, કે પછી પાયાની સુવીધાઓના ભોગે, વયોવૃદ્ધ વડીલોની આવરદા થોડાં અઠવાડીયાં કે થોડા મહીના લંબાવવાનો નીર્ણય મધ્યમ વર્ગના કુટુંબ માટે ખુબ અઘરો બની જાય છે. આવા સંજોગોમાં કાયદો, નૈતીકતા, પ્રેમ, ધર્મ ઉપરાંત આર્થીક સંજોગો પણ ઘણો ભાગ ભજવે છે. કાયદા બનાવનાર અને એનું પાલન કરનાર આવા પ્રશ્નોનો કેટલો વીચાર કરે છે ? કાયદો અંધ છે અને સમાજ પણ ક્રુર બની શકે છે. આવા અઘરા પ્રશ્નોના ચોખ્ખા ઉત્તર શક્ય નથી. માત્ર અંતહીન ચર્ચા કરી શકાય.

વૈદીક સમાજરચનાની વર્ણવ્યવસ્થાની કાળી બાજુ વીશે મારા લેખોમાં ઘણું કહેવાયું છે. ત્યારની ‘આશ્રમવ્યવસ્થા’ વીશે લખવાનો આજે વારો આવ્યો છે. પ્રાચીન ગ્રંથોમાં વર્ણવાયેલ ‘વાનપ્રસ્થાશ્રમ’ માનવજીવનના 50 અને 60ના દાયકાને લાગુ પડે છે, જેને આગળ વર્ણવાયેલા આપણા અંતના પહેલા અને બીજા તબક્કા સાથે સરખાવી શકાય. ત્યારનો ચોથો તબક્કો ‘સન્યસ્તાશ્રમ’ કહેવાતો. નામ તો રુડુંરુપાળું છે; પણ એનો જરા ઉંડાણમાં વીચાર કરીએ તો સાચો ખ્યાલ આવે. 70 વટાવી ચુકેલ માણસ જંગલમાં કેટલું જીવી શકે ? શું ખાય ? હીંસક પ્રાણીઓથી પોતાને કેવી રીતે બચાવી શકે ? બધા જ શીકારી નહોતા. અને હોય તોયે મોટી ઉંમરે કેટલા કાબેલ હોય ? મહાભારતના અંતમાં, હસ્તીનાપુરના મહારાજ ધૃતરાષ્ટ્રને પોતાની રાણીઓ સાથે જંગલમાં જતો બતાવાયો છે. આને ‘પૅસીવ યુથનેસીયા’ કહેવાય કે ‘ઍક્ટીવ યુથનેસિયા’ ?

આજનો કે આવનારો કાયદો ગમે તે કહે, ભારતમાં બધું પહેલાંથી ચાલતું આવ્યું છે, આજે પણ ચાલે છે, અને ભવીષ્યમાં પણ ચાલતું રહેવાનું છે. આ સત્યનો સ્વીકાર કરવો રહ્યો. હા, આની તાત્ત્વીક ચર્ચા કરવાની બધાને છુટ છે.

*   *   *  *

અંગત કેફીયત:   

ઘણા સમયથી આ વીષય પર લેખ લખવાની મારી ઈચ્છા હતી; પણ એની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખતાં, એનો અમલ થયો નહીં. ‘મંગલ મંદીર’ના નવેમ્બર, 2014ના અંકના તંત્રીલેખમાં ‘ચર્ચા માટેનું આમંત્રણ’ જોતાં જાહેરમાં ચર્ચા કરવાનું વીચાર્યું છે. જો ચર્ચા આગળ વધે તો વધુ ઉંડાણમાં જઈ શકાય.

 –મુરજી ગડા

લેખક સમ્પર્ક:  

શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 સેલફોન: 972  679 9009  મેલ: mggada@gmail.com

 ‘અભીવ્યક્તીઈ.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ અભીવ્યક્તીઈ.બુક્સ મારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/  માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.

જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક મોકલી આપીશ.

  ‘રૅશનલવાચનયાત્રા’ માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ…

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના  પહેલા દરવાજા સામે, વીજલપોર  પોસ્ટ:  એરુ . સી. – 396  450 જીલ્લો: નવસારી. .મેઈલ: govindmaru@yahoo.co.in (હાલ અમેરીકાના પ્રવાસે)

પ્રુફવાચન સૌજન્યઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com  

પોસ્ટ કર્યા તારીખ: 21/11/2014

25 Comments

  1. ભીષ્મનું જીવન બીજાની ઈચ્છા પ્રમાણે વીત્યું હતું; પહેલા બાપની, પછી અપરમાતાની, પછી ધ્રુતરાષ્ટ્રની. પરેચ્છા જીવન વાળી વ્યકતી ઇચ્છામૃત્યુ હોય તો યે શું અને ના હોય તો યે શું?

    Liked by 1 person

  2. સ્નેહિશ્રી મુરજીભાઇ,
    આજનો વિષય હરેક યુગમાં એક જીવંત પ્રશ્ન છે. અભિનંદન. ભીષ્મપિતાનો દાખલો, તેમના મૃત્યુને શું કહેવું તે માટે તમે તમારા વિચાર મુક્યા છે. લેખના ચોથા પેરેગ્રાફમાં તમે એક અંગ્રેજી મેડીકલ ટર્મ મૂકી છે…‘યુથેનેશીયા‘…આ ટર્મને વિકિપીડીયા આ શબ્દોમાં સમજાવે છે. “The act or practice of killing hopelessly sick or injured individuals ( as persons or domestic animals) in a relatively painless way for resons of mercy. Also the act or practice of allowing a hopelessly sick or injured to die by taking less than complete medical measures to prolong life – called also – mercy killing.”
    ‘અંતના ચાર તબક્કા‘ ના ત્રીજા તબક્કાના પ્રશ્નમાં જ્યારે એક પાર્ટનરનું મૃત્યુ થાય ત્યારની પરિસ્થિતીની વાત માટે…..જીવનના આ તબક્કે સેક્ષ અસ્થાને હોય છે. જેની જરુરીયાત રહે છે તે છે પોતાના કોઇ તરફથી મળતી હૂફ. એક બીજા સાથે બેસીને પોતાના શારિરિક કે સામાજીક પ્રશ્નો વહેંચી શકે. વેસ્ટર્ન ….પશ્ચિમની દુનીયામાં ૭૦ કે ૭૫ વરસના સ્ત્રી, પુરુષો પોતાના મનગમતા પાર્ટનરો શોઘી લઇને બાકીનું જીવન આનંદપૂર્વક ગુજારે છે. તેમના બાળકો પણ આનંદભેર તેમાં બહાલી આપે છે. હિંદુ ઘરમમાં કદાચ આ પગલાને ગાંડપણ ગણવામાં આવે છે કે પછી તેનો બહિષ્કાર કરવામાં આવે છે. કુવામાંના દેડકાઓ. આપણે ૨૧મી સદીમાં જીવીએ છીએ છતાં પણ ભારતીય સંસ્કૃતિ???????????????.
    આજના વિષયને લગતી અેક વઘુ માહિતિ જે આજના સબ્જેક્ટને લાયક છે તેની વાત કરીએ. ૧૭મી સદીની જાપાનની વાત છે….
    Harakiri OR Seppuki.:
    These words basically explain…Stomach kutting / abdomen cutting is a form of Japanese ritual…yes RITUAL by disemboweiment. Seppiki was originally RESERVED ONLY for Samurai. Part of the Samurai bushido honor code. Seppuki was either used VOLUNTARILY by Samurai to die with honor, rather than fall into the hands of their enemies, and likely suffer torture.
    Female RITUAL sucide, known as JIGAKI, was practiced by the wives of Samurai who has committed seppuki.
    આપણા દેશમાં સાજસ્થાનમાં યુઘ્ઘમાં શહિદ થયેલાં રાજાની રાણી ક્યાંતો કેશરીયા કરતી અથવા સતી થતી. તેઓ કેશરીયા કરીને મુસ્લીમોના હાથમાં પડવાનુ ટાળતી…પવિત્રતા જાળવવા માટે. સામાન્ય રીતે દેશમાં સતી થવાનો પણ રીવાજ હતો.
    સમય સમયની વાતો જુદી જુદી છે. પરંતુ એડલ્ટ નર્સીંગ હોમમાં જઇને જાત અનુભવ મેળવવાની હું ભલામણ કરું છું. થીયરેટીકલ લેખ અને પ્રેક્ટીકલ અનુભવમાં આસમાન જમીનનો ફરક છે. હું એક નર્સીંગ હોમમાં વોલેન્ટીયર તરીકે જાઉ છું. આવા સંજોગોમાંનો અનુભવ જરુરથી વિચારોમાં પરિવર્તન લાવશે. કારણકે તારા પછી મારો અને મારાં પછી તારો વારો તો ઉભેલો જ છે….
    આ વિષય દરેકની જીંદગીને સ્પર્શે છે. મારી, તારી અને પેલાની જીંદગીને…માટે જાગો…..

    Liked by 1 person

  3. Good ideas. Thanks, Murjibhai.
    When a car becomes too old and unworkable, the owner has to decide for himself whether to keep spending money and energy to save it; or to scrap it.

    When my own bodily machine becomes too old and infirm, I must decide for myself whether to keep spending money and energy to save it; or to scrap it (by allowing it to die a natural painless dignified death without artificial means).

    That is what may be called a rational decision for each one of us, if we have enough good sense to tell everyone concerned while we are healthy. We need not throw the responsibility of making that personal decision on our relatives, doctors or government.
    Thanks. — Subodh Shah — NJ.

    Liked by 1 person

  4. માત્ર લેખ જ નહીં પણ પ્રતિભાવો પણ ઘણાં સરસ. હજારી સાહેબનો પ્રતિભાવ તો એક સ્વતંત્ર લેખની કક્ષાનો કહેવાય. મૃત્યુ દરેક જીવ માટે અનિવાર્ય એતો કૃષ્ણભગવાને જાત્સ્યહી ધ્રુવોર્મૃત્યુ ન કહ્યું હોત તો પણ જ્ન્મેલો જીવ જાણતો જ હોય છે. કૃષ્ણ પણ માનવ હતા અને પારધીએ એનું ખુન કર્યું હતું. રામ પણ મનુષ્ય હતા અને એમણે પણ સરયુ નદીમાં આત્મહત્યા કરી હતી. આજે ‘ડેથ ડોક્ટર’ જેવા કેટલાયે ડોક્ટરો મુંગે મોઢે દરદીની ઈચ્છા પ્રમાણે સીધી આડકતરી રીતે જીવનનો અંત લાવવામાં મદદ કરતા જ હોય છે. લિવિંગ વીલ દ્વારા કે ફેમિલીની કન્સેન્ટ્થી લાઈફ સપોર્ટ દૂર કરાય છે. એ પણ એક મર્સી કીલિંગ જ છે.
    હું ૧૨-૧૩ વર્ષનો હતો. સમૃધ્ધ મિત્રના પિતાને ગળાનું કેન્સર હતું. બોમ્બેની ટાટા હોસ્પિટલમાં ટ્રિટમેન્ટ લીધા પછી પણ પરિસ્થિતી એટલી બગડી ગઈ કે ગળાનો ભાગ ખુલ્લો થઈ લોહી-પરુ દર અડધા કલાકે સાફ કરવા પડતા. આમ છતાં જીવ જતો ન હતો. અને આષ્ચર્ય તો એ કે સભાન પણે યાતનામાં રિબાતા હતા. ઘરના કબાટમાં રાયફલ હતી. બોલાતું ન હતું. ઈશારતથી રાયફલ તરફ અગુલીનિર્દેશ કરતા અને પોતાને સૂટ કરવા છોકરાંઓને વિનવતા. શું એ ઈચ્છામૃત્યુની ભુખ ન હતી? આ સુરતમાં ૧૯૫૦-૫૧ની જાતે જોયલી અનુભવેલી વાત છે.
    સાથે સાથે એક બીજી પણ વાત ધ્યાનમાં આવે છે. જેને મોતની સજા થઈ હોય તે કેદીને પણ સ્યુસાઈડ વૉચમાં રાખવામાં આવે છે. એમને પણ સ્વેચ્છા મૃત્યુ નથી મળતું.
    દરેક માનવીને એક ઈચ્છા હોય છે. હું દુઃખ ભોગવ્યા વગર મરું. કોઈની પાસે કોઈ જાતની સેવા કરાવ્યા વગર મરું. માનું છું કે આ વાંચનાર દરેક વ્યક્તિ પણ ચોક્કસ રીતે આવું જ ઈચ્છા મૃતયુઝંખતી હશે.
    બસ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી બીજાને શારીરિક, માનસિક, સામાજિક કે આર્થિક રીતે પીડા આપ્યા વગર જાતે મસ્ત થઈને જીવવાનો આનંદ માણી લો. “there is one life to live”

    Like

  5. Well said and explained. Amrutkaka also have enlighten through Japaneese tradition as well as our Hindu tradition of Sati.

    And Shashtrisaaheb no Anoobhav. I have also experience similar. And I have had previladge of unplugging twice in my life.

    From my experience, I always believe that one should live only upto self manage. Once you have to live as ‘burden’ to others, it is time to checkout. Unfortunately, “MAYA” hold us up.

    May be upcoming generation will have better understanding and less “MAYA” where one can end their life as they wish.

    Like

  6. ખુબ જ સુંદર વિચારો સહિતનો લેખ -પ્રતિભાવો પણ સુદર !!!
    ૬૦-૬૫વર્ષ જીવી ચુકેલા, જેઓ કુંટુંબ-પરિવારમાં હડે-હડે થતા હોય , માનસીક-શારીરીક સદા અન્યો પર નિર્ભર રહેતા હોય ત્યારે ઈચ્છા મૃત્યુ આશીર્વાદ જ ગણાય.
    આજકાલ વૃદ્ધોની આવી હાલત થવાના અને ચોકાવનારા કિસ્સાઓ પ્રતિદિન વધતા જ જાય યુંએસેએના થોડાક રાજ્યોમાં આવી કાયદાકિય જોગવાઈઓ છે.

    Like

  7. જીવનમાં સમજવા જેવો એક સુંદર લેખ છે……ઘણા બધાના ઘરોમાં આવું હોય તો પણ બહુ ઓછા લોકોને ખબર પડે, પણ જો હોસ્પિટલોમાં જોવા જાવ તો ખબર પડે, કેટલાયે લોકો મરવા કરતાં પણ બદતર હાલતમાં રીબાતા હોય છે…કોઇનો પગ ટંગાયેલો હોય, નાકમાં નળી મુકી હોય, હાથમાં ગ્લુકોઝની સળી ઘુસાડી હોય, બીજા હાથમાં બ્લડ પ્રેસરની ટ્યુબ મોનીટર સાથે જોડી હોય, દર્દીને કોઈ પણ જાતનું ભાન ન હોય, હવે, આવા લોકો ઈચ્છામૃત્યુ ઈચ્છે તો પણ મરી નથી શકતાં, અને ડોક્ટરો પણ આનો અંત જાણતાજ હોય છે….. પણ કાયદા પાસે લાચાર બની જાય છે….

    બહુ સુંદર લેખ છે…..

    Like

  8. ખુબજ સંશોધન કરીને લખાયેલો ઉત્‍તમ લેખ……લેખકને ધન્‍યવાદ

    Like

  9. આ બ્લોગના બધા લેખક અને મોટાભાગના વાચકો રૅશનલ વીચારો ધરાવે છે. એમના પ્રતિભાવ હકારાત્મક હોય તે સમજી શકાય એમ છે. મુખ્ય મુદ્દો આમ સમાજને એ સમજાવવાનું છે. આવા વીષયની ખુલ્લી ચર્ચા ખુબ અઘરી છે. આ વાતની ચર્ચાથી ૮૦ના અને ક્યારેક ૯૦ના દાયકાના લોકોની પણ લાગણી દુભાય છે.

    Like

  10. જીવનથી કંટાળીને થતું મ્રુત્યુ આત્મહત્યા અને અનેક લોકોના પ્રાણ બચાવવા પોતાની જાતે જીવન ટુંકાવતા કોઈ રાજા જળસમાધિ લે તો ત્યાગ કહી શકાય પણ ઈચ્છા મૃત્યુ તો મારા મતે તે છે કે કહીએ ત્યારે અને કહીએ તે રીતે સામે ચાલીને કુદરતી મૃત્યુ મળે. આત્મહત્યા એ કુદરત વિરૂધ્ધનું કર્મ છે. જ્યારે ઈચ્છામૃત્યુમાં કુદરત સાથે છે. આત્મહત્યાને જેમ ઉતેજન ન જ આપી શકાય તેમ બિમારીની પીડા વધારતૂ અકુદરતી જીવન લંબાવવા માટે લાઈફ સપોર્ટ પર કે અન્ય ત્રાસદાયક પરિસ્થિતિ વચ્ચે ભીંસાતા મૃત્યુ સમાન જીવનને પણ ઉત્તેજન ન આપવું જોઈએ. પણ અંતને પાત્ર હોવા છતાં હત્યા તે હત્યા જ છે પછી તે આત્મહત્યા હોય કે લડાઈમાં સ્વબચાવ માટે સૈનિક દ્વારા થતી અન્યની હત્યા હોય. મૃત્યુનો સ્વીકાર કરવો તેનો મતલબ એવો નથી કે તેને ઉત્તેજન આપવું. આવા પીડાદાયક મૃત્યુ કે આત્મહત્યાનો સ્વીકાર કે અસ્વીકાર કે ચર્ચા પણ અણસમજ ધરાવતા લોકોને ગેરમાર્ગે દોરી શકે. તટસ્થતા અને અદબ સાથે તેની દિલગીરી જ હોવી ઘટે. અને આવા મૃત્યુ અટકાવવાના યોગ્ય દિશાના સંનિષ્ઠ પ્રયત્નો થવા ઘટે.

    Like

  11. જૈનોમાં સંથારો કરવાનો રીવાજ હોય છે. તેમાં વ્યક્તિ ખાવાનું બંધ કરી દે છે કે જેથી જતે દિવસે મરણ થાય. તેમ ના કરીએ તો પણ દવા લેવાનું તો બંધ કરી શકાય કે જેથી કષ્ટદાયક જીવન લંબાયા ના કરે.

    Like

  12. મિત્રો,
    આખી જીંદગી પોતાની ઇચ્છાને અનુસરવાની દરેક જીવંતની ઇચ્છા હોય છે. ઘણી વખત પરાણે…અનીચ્છાઅે પણ બીજાની ઇચ્છાને પરવસ થવું પડે છે. આજની ચર્ચા ‘ ઇચ્છામૃત્યુ કે ઇચ્છાજીવન‘ના વિષયને આવરે છે. મૂળ…ઇચ્છા….છે. આત્મહત્યા નથી. ક્યા શબ્દનો કયો અર્થ કાઢવો અે દરેકની પોતાની ઇચ્છા છે. જે વ્યક્તિ પોતાની તબીયતને કારણે પોતાના અને બીજાને થતાં દુ:ખ અને હાલાંકી દૂર કરવા અને પોતાના શરીરને વઘુ રીબાતું અોછું કરવાનું વિચારતી હોય ( આર્થિક રીતે પણ.) તેને પરદુ:ખભંજન કહેવાય. આ તેની પોતાની ઇચ્છા છે. અને તે ઇચ્છાને તેના પોતાના પણ સ્વીકારતા હોય તો તેને આનંદપૂર્વક સ્વીકારવું અે ઇચ્છામુત્યુ ઇચ્છનારનુ માન રાખેલું કહેવાય. ગૈાતમ બુઘ્ઘના આદેશમાં આજ વાત કહેવાયેલી છે. આજે નવા નવા ઇન્ટરપ્રિટેશન કરનાર જ્યારે પોતાનો સમય આવશે ત્યારે વિચારો બદલે તેવું પણ બની શકે. સરકારે બનાવેલા દરેક કાયદા શું રોજીંદા જીવનમાં ઉપયોગમાં લઇ શકાય તેવા હોય છે ?

    Like

  13. महाभारत अने रामायणनी कथामां घणां एवा पात्रो छे जेमना म्रुत्यु पछी हीन्दु वीधी प्रमाणे करवानी कारवाई करवामां आवेल नथी. जेमके सीताना म्रुत्यु पछी, राम क्रुष्णना म्रुत्यु पछीनी वीधी. आम अपम्रुत्युने कारणे आ हीन्दु कथाओना आत्माओ प्रुथ्वी आसपास भटके छे अने आखी दुनीयामां जापान, चीन, भारत, अरब के युरोपना देशो अने अमेरीकाना देशोना लोकोने अलग अलग रीते आ भटकती आत्माओ हेरान करे छे. कोईक आत्महत्या करी ले छे….

    Like

  14. આ લેખમાં કોઈપણ પ્રકારની હત્યા કે આત્મહત્યાને પ્રોત્સાહન આપવાની વાત તો દૂર રહી, .વાજબી પણ નથી ગણી. જેને ગમે તેમ કરીને, ગમે તે સંજોગોમાં જીવવૂ હોય, તે તેનો હક છે. બીજા કોઈને એ નીર્ણય કરવાનો હક નથી. અહીં એક બીજો સવાલ ઉભો થાય છે. જો સારવાર ખુબજ ખર્ચાળ હોય, વ્યક્તી પાસે એટલા પૈસા ન હોય તો બીજા પાસેથી (સરકાર અને કુટુંબ) એ ખર્ચની કેટલી અપેક્ષા રાખી શકાય એ વળી નવો વીષય છે જેને આ લેખમા આવરવામાં નથી આવ્યો.
    માણસ જ્યારે નીર્ણય કરવા જેવી સ્થીતીમા નહોય ત્યારે એના કુટુંબને એ અઘરો નીર્ણય કરવો પડે છે. ઍમની આ દુવીધા ટાળવા પોતાના વસીયતનામામાં અંતીમ ઈચ્છાનો ઉલ્લેખ કરેલો હોય તો એમના માટે વધુ સહેલું થાય.
    અમુક લોકોના મનમાં એવો ભ્રમ હોય છે કે વસીયતનામું બનાવવું એટલે જાણેકે મ્રુત્યુને આમંત્રણ આપવું. મોટી ઉંમરના લોકો પણ વસીયતનામું બનાવવાથી દૂર ભાગતા હોય એવા કેતલાય લોકોને હું જાણું છું

    Liked by 1 person

  15. કુદરતી મૃત્યુની વાત કરીયે તો, જેનું જીવન કુદરતી હોય એનુજ મૃત્યુ કુદરતી ગણાય.
    થોડું ઉંડાણમા સમજીયે. વેંટીલે્ટર પર મુકાયેલ દરદીનું જીવન બાહ્ય સાધન વડે લંબાવવામા આવે છે. એ જીવન કુદરતી નથી. એજ પ્રમાણે વાઈટલ ઓર્ગન ટ્રાંસપ્લાટ કરેલ હોય એનું જીવન પણ બાહ્ય અંગોની મદદથી લંબાવાયું છે, કુદરતી નથી. નાના બાળકોને વેક્સીનેશન કરી, ચેપી રોગોથી બચાવી એમનું જીવન લંબાવાય છે. ડાયબેટીસ, હાઈપર ટેન્શન, કલેસ્ટોરલ વગેરી ની ગોળીઓ નિયમીત લઈ આપણે પણ આપણુ જીવન લંબાવીયે છીયે. આ બધું “ઈચ્છાજીવન” ગણાય. આ બધી શોધો પહેલાનું આયુષ્ય ઘણું ટુંકુ હતુ. આ બધું કરવાનો આપણને હક્ક છે તો પછી પાછલી ઉંમરમા કોઈને “ઈચ્છામૃત્યુ” જોઈતું હોય તો એનો હક્ક છીનવી લેવો યોગ્ય ગણાય?. કાયદો, એના પોતાના કારણોસર, મંજુરી ન આપે પણ વ્યક્તીતિગત, નૈતીક, સમાજીક, આર્થીક બાબતો ધ્યાનમાં લેતાં શું ઉત્તર મળે છે?

    Liked by 1 person

  16. હવે જન્મ અને મૃત્યુ વ્યક્તિગત ઘટના ન રહેતાં, સામાજીક, રાષ્ટ્રવ્યાપી તેમજ વિશ્વવ્યાપી ઘટના બની ગઈ છે. ઉપરાંત એમાં આર્થિક પાસું પણ ઉમેરાયું છે.
    ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ કરી, આપણા પોતાના અંશના (potential) નવા જીવનને અટકાવી જન્મનો કુદરતી અધીકાર આપણે છીનવી લીધો છે. વિશાળ ફલક્પર વસ્તીવધારાની સમસ્યા હલ કરવા માટે આ જરુરી બન્યું છે. વ્યક્તિગત સ્તરે, બાળકો ઉછેરવા ખુબ મોઘું હોવાનુ કારણ આગળ ધરાય છે. સાચું કે સારું શું છે એની ચર્ચા નથી. સમયની આ માગ છે.
    બીજા છેડે, સરેરાશ આયુષ્ય વધ્યું હોવાથી વસ્તિવધારો અટકતો નથી. આંકડા શસ્ત્રીઓ ૯ અબજે વસ્તી સ્થીર થવાની વાત કરે છે. જ્યારે ત્યાં પહોચશું ત્યારે નવા ચહેરા કદાચ ૧૨ અબજની સીમા આપશે.
    “કલ્યાણ રાજ્ય” (Welfare States) બનેલા વીકસીત દેશો વૃધ્ધોની સારસંભાળના આર્થીક બોજ હેઠળ દબાઈ રહ્યા છે. યુવાવર્ગ તરફથી વધેલા કરભારનો વીરોધ થઈ રહ્યો છે. આ બધા સંજોગોમાં ઈચ્છામૃત્યુ ઈચ્છનારને એ છુટ આપવાની વાતને ટેકો મળી રહ્યો છે. એક એવો પણ વીચાર વહેતો થયો છે કે અમુક ઉંમર પછી સરકાર તરફથી મળતી “Medicare” ની સબસીડી ઓછી કરવી. ભવીષમાં એવો સમય પણ આવી શકે છે. ઈચ્છામૃત્યુને નૈતીકતા કે માનવતાના નજરીયાથી ન જોતાં સમયની માગ પ્રમાણે જોવું જરુરી બની શકે.
    જન્મનો હક તો છીનવી લીધો છે, પાકટ ઉમરે જેની ઈચ્છા હોય તેનો મૃત્યુનો હક તો રહેવા દો.

    Liked by 1 person

  17. મુર્જીભાઈના બધા જ લેખોમાં એમના મનનીય વિચારો ધ્યાન ખેંચે છે .

    આ લેખમાં તેઓએ માણસના જીવનની ગાડીના અંતિમ સ્ટેશન મૃત્યુ વિષે અને ઇચ્છા મૃત્યુ

    વિષે કેટલા સરસ વિચારો રજુ કર્યા છે ! ધન્યવાદ

    Like

  18. A disciple from Holand asked Osho about “Euthanasia” and the answer by Osho is interesting for the readers here and the writer (Mr. Murjibhai Gada).

    Q.The main issue in the coming parliamentary election in Holland is euthanasia. Politicians are fighting about the right formula for legislation of the issue. Please comment.

    Ans. Osho:
    Euthanasia, or the freedom to choose your death, should be accepted as a birthright of every human being.

    A limit can be put to it, for example, seventy-five years. After the age of seventy-five the hospitals should be ready to help anybody who wants to get rid of their body. Every hospital should have a place for dying people, and those who have chosen to die should be given special consideration and help. Their death should be beautiful.

    Every hospital should have a teacher of meditation. The person who is going to die should be given one month and will be allowed… if he changes his mind he can go back, because nobody is forcing him. Emotional people who want to commit suicide cannot remain emotional for one month – emotionality can be momentary. Most of the people who commit suicide, if they had waited one moment longer, they would not have committed suicide at all. It is out of anger, out of jealousy, out of hatred or something that they forget the value of life.

    The whole problem is that the politicians think accepting euthanasia means suicide is no longer a crime. No, it does not mean that. Suicide is still a crime.

    Euthanasia will be with the permission of the medical board. One month’s rest in the hospital – every kind of help that can be given to the person to become calm and quiet… all friends coming to meet him, his wife, his children, because he is going on a long journey. There is no question of preventing him – he has lived long, and he does not want to go on living, his work is finished.

    And he should be taught meditation in this one month, so that he can do meditation while death comes. And for death, medical help should be given so it comes like a sleep –slowly slowly, side by side with meditation, sleep going deeper. We can change thousands of people’s deaths into enlightenment.

    And there is no fear of suicide, because he is not going to commit suicide; if somebody tries to commit suicide he will still be committing a crime. He is asking permission. With the permission of the medical board… and he has one month’s time in which he can change his mind at any moment. On the last day he can say, “I don’t want to die” – then he can go home. There is no problem in it: it is his decision.

    Right now there is a very strange situation in many countries. People try to commit suicide – if they succeed, good; if they don’t succeed, then the court gives them the death sentence. Strange! — they themselves were doing that. They were caught in the middle. Now for two years a trial will go on; judges and advocates will be arguing, and this and that, and finally the man has to be hanged, again. He was doing that in the very first place, by himself! Why all this nonsense?

    And euthanasia is becoming more and more a need, because with medical science progressing people are living longer. Scientists have not come across any skeleton from five thousand years ago of a person who was more than forty years old when he died. Five thousand years ago the longest a person was going to live was forty, and out of ten children born nine were going to die within two years – only one would survive – so life was immensely valuable.

    And Hippocrates gave the oath to the medical profession that you have to help life in every case. He was not aware, he was not a seer. He had not the insight to see that a day could come when out of ten children, all ten would survive. Now that is happening. On the one hand, nine more children are surviving; and on the other hand, medical science helps people to live longer – ninety years, one hundred years is not rare. In developed countries it is very easy to find a ninety-year-old person or a one-hundred-year-old person.

    In the Soviet Union there are people who have reached one hundred and fifty years, and there are a few thousand people who have reached one hundred and eighty years of age – and they are still working. But now life has become boring. One hundred and eighty years, just think of it, doing the same thing… even the bones will be hurting. And they have yet no possibility of death; death still seems to be far away – they are still working and healthy.

    In America there are thousands of people in the hospitals just lying in their beds with all kinds of instruments connected to them. Many are on artificial breathing machines. What is the point if the person himself cannot breathe? What do you expect him to do? And why are you burdening the whole nation with this person when there are many people dying on the streets, starving?

    Thirty million people in America are on the streets without shelter, without food, without clothes, and thousands of people are taking up hospital beds, doctors, nurses – their work, their labor, medicines. Everybody knows they will die sooner or later, but as long as you can you should keep them alive.

    They want to die. They shout that they want to die, but the doctor cannot help in that. These people certainly need some rights; they are being forced to live, and force is in every way undemocratic.

    So I want it to be a very rational thing. Make it seventy-five years or eighty years; then life is lived enough. The children are grown up… when you are eighty your children will be fifty, fifty-five; they are getting old. Now there is no need for you to be bothered and worried. You are retired; now you are simply a burden, you don’t know what to do.

    And that is why old people are so irritable: because they don’t have any work, they don’t have any respect, they don’t have any dignity. Nobody bothers about them, nobody takes note of them. They are ready to fight and be angry and shout. These are simply their frustrations that are showing; the real thing is they want to die. But they cannot even say it. It is unchristian, it is irreligious – the very idea of death.

    They should be given freedom, but not only to die; they should be given the freedom of one month’s training in how to die. In that training meditation should be a basic part; physical care should be a basic part. They should die healthy, whole, silent, peaceful – slowly slipping deep into sleep.

    And if meditation has been joined with sleep they may die enlightened. They may know that only the body is left behind, and they are part of eternity.

    Their death will be better than the ordinary death, because in the ordinary death you don’t have the chance of becoming enlightened. In fact more and more people will prefer to die in the hospitals, in the special institutes for death where every arrangement is made. You can leave life in a joyous, ecstatic way, with great thankfulness and gratitude.

    I am all for euthanasia, but with these conditions.

    Osho, Socrates Poisoned Again after 25 Centuries, Ch 1, Q 4

    Like

    1. Very clear and interesting views. There are few factual errors and some exagerations, but I won’t go into that.
      there are two points I like to make here.
      The Jain practice of “Santharo” is more or less similar to one month “cooling off period” described herre, with few exceptions.
      What Osho could say openly and clearly from where he stood, I can not, specially when i am addressing very orthodox readers in India,

      Like

  19. Convincing. The reality will depend on each decision maker…”.To die OR Not to die.”
    In theory..If this is applied, many related problems…personal, family, human, economicl, national, and many more….will be solved.
    આ ઇચ્છામૃત્યુ હશે. મેં મારા જીવનના બઘા જ કર્મો…કાર્યો…સંતુષપૂર્વક પુરા કરી દીઘા છે. મારે માટે હવે કાંઇ જ કરવાનું બાકી નથી. મારા બાળકો અને તેમના બાળકોને શુભાષિશ આપીને હવે મારે જીવનને પૂર્ણવિરામ…સંપૂર્ણ વિરામ આપવો છે. સન્યાશ્રમની વ્યાખ્યા બદલીને હોસ્પિટલમાં શાંતિની સોડમા ચિરનિદ્રા લેવી છે. જેવો જનમસિઘ્ઘ અઘિકાર, તેવો મૃત્યુંજયનો અઘિકાર……. મૃત્યુ ઉપર વિજય…….
    સમજવા જેવી વાત…સમજ હકારાત્મક થઇ તો….મુત્યુંજય……
    દરેક વિકાસ પામેલા દેશમાં મુત્યુંજય હોસ્પિટલોનું નિર્માણ થાય તેવું ઇચ્છવુ. જોઇએ.
    દરેક વિકાસ પામેલા દેશમાં ૬૦, ૬૫ વષૅની વ્યક્તિઓનો ઓપીનીયન પોલ લેવો જરુરી છે.
    અમૃત હઝારી.

    Like

  20. પહેલાના જમાનામાં વસ્તી ઓછો. સર્વાઈવલ માટે કપરી પરિસ્થિતિ. રોગ એટલા કે વસ્તી અત્યંત કંટ્રોલમાં જ રહે. એટલે સ્વેચ્છા મૃત્યુનો કોન્સેપ્ટ સ્વીકારવો એમાં ઉત્ક્રાંતિનો હેતુ સરે નહિ. એટલે આત્મહત્યાને પાપ ગણેલું, અને વધુ બીક બતાવવા એક વાર આપઘાત કરો તો બીજા સાત જન્મ કરવો પડે તેવું પણ કહેલું હશે. આમેય બહુ જીવવાના હોય નહિ અને એમાય પાછા આત્મહત્યા કે સ્વેચ્છા મૃત્યુ સ્વીકારે તો ઉત્ક્રાંતિમાં ગરબડ પેદા થાય. હવે ખુબ વસ્તી છે તો સ્વેચ્છા મૃત્યુ કોન્સેપ્ટ સ્વીકારવામાં મને તો વાંધો લાગતો નથી. મુરજીભાઇ ને ખુબ ખુબ ધન્યવાદ…

    Like

  21. we all live on batteries.Some can be charged to a limit but eventually they all will die.A clock is ticking as long as battery is there.

    One may Google search Euthanasia,Population,Death,World population clock in Wikipedia

    As of this time:
    Current World Population
    7,276,828,508
    view all people on 1 page >
    TODAY
    Births today
    237,036
    Deaths today
    97,804
    Population Growth today
    139,232
    THIS YEAR
    Births this year
    125,170,399
    Deaths this year
    51,646,809
    Population Growth this year
    73,523,590

    Like

  22. “મહાભારતના અંતમાં, હસ્તીનાપુરના મહારાજ ધૃતરાષ્ટ્રને પોતાની રાણીઓ સાથે જંગલમાં જતો બતાવાયો છે. આને ‘પૅસીવ યુથનેસીયા’ કહેવાય કે નહીં ?”
    🙂

    Like

  23. 😉 😉 Thank you.

    I stand corrected for the last sentence. It should read, ” આને ‘પૅસીવ યુથનેસીયા’ કહેવાય કે “ઍક્ટીવ યુથનેસિયા” ?”

    Like

Leave a comment