સત્ય

–રશ્મીકાન્ત દેસાઈ

સત્યનું મુખ હીરણ્યમય પાત્ર વડે ઢંકાયેલું છે એમ ઉપનીષદો કહે છે. કયું સત્ય અને કયું પાત્ર એવો પ્રશ્ન પુછી શકાય.

સત્ય એટલે શું ? કોઈ કોઈ વાર વીજેતાના પ્રચારને સત્ય માનવામાં કે મનાવવામાં આવતું હોય છે. બીજી કેટલીક વાર અસત્યને ચાલાકીપુર્વક ઢાંકી દેવામાં આવે છે. થોડું થોડું જુઠાણું મોટા સત્યમાં ભેળવી દઈ એવી ચતુરાઈથી રજુ કરવામાં આવે છે કે અસત્ય જ સત્ય હોય તેવું જણાય છે.

ઘણાં ઢાંકણાંઓ પૈકી કયું ખોલવું ? પાત્ર પણ કાંઈ જેવું તેવું નથી હોતું. સોનેરી હોવાથી તે આકર્ષક અને મોહક હોય છે અને જોનારને મુલ્યવાન પણ જણાય છે. પરીણામે સત્યને છુપાવવાનું અત્યંત સરળ થઈ જાય છે. કોઈ કોઈ વાર કડવા સત્યને ‘સાત્ત્વીક’ અથવા સ્વીકાર્ય બનાવવા તેને મીઠા શબ્દોમાં રજુ કરવામાં આવે છે. શાબ્દીક મીઠાશ પણ એક પ્રકારનું હીરણ્યમય પાત્ર બની જાય છે. ઘણી વાર પ્રવચનકારોની વાગ્છટામાં કે લેખકોના ભારેખમ આધ્યાત્મીક જણાતા પણ ખરેખર તો પોલેપોલા શબ્દોમાં સત્યને છુપાવવાનું ખુબ જ સહેલું થઈ જાય છે.

સત્યનું મુખ શું કાયમ માટે ઢંકાયેલું રહી શકે ખરું ? હીરણ્યમય પાત્ર શું એવું સ્વયંસંચાલીત બનેલું છે કે કોઈએ ખસેડ્યું હોય તો તે આપમેળે જઈને સત્યને ફરીથી ઢાંકી દે ? સત્ય તો સદૈવ ઉઘાડું જ હોઈ શકે. કેવળ એટલું જ કે આપણે તેને જોઈ શકતા નથી; કારણ કે આપણે હકીકતોને પુર્વગ્રહોનાં ચશ્માંઓમાંથી જોતા હોઈએ છીએ. આપણી આંખો પર પડળ જામી જાય છે.

આ પડળો વીવીધ પ્રકારનાં હોય છે. કેટલાંક પડળો આપણી વીચારસરણી સંબંધીત હોય છે, જેવી કે મુડીવાદી, સમાજવાદી, ઈત્યાદી. બીજા કેટલાંક પડળો આપણા સ્વાર્થમાંથી ઉપજે છે. વળી આપણું મમત્વ પણ સત્ય દર્શન રુંધે છે. આપણી સંસ્કૃતી, ધર્મ કે પરમ્પરાથી પ્રતીકુળ હોય તેવું કોઈ પણ સત્ય જોવા આપણે તૈયાર નથી હોતા. પણ સૌથી પ્રબળ અવરોધ હોય છે આપણી શ્રદ્ધાનો. શ્રદ્ધા અને ભક્તીભાવનાના રુપાળા અંચળા હેઠળ આપણે ઘણાં અસત્યો અને અન્યાયોને ધરબી દીધા છે.

બુદ્ધી અને તર્કની મર્યાદા તો જાણવી જ જોઈએ પણ શ્રદ્ધા તેમ જ અશ્રદ્ધા બન્નેની મર્યાદા જાણવી પણ જરુરી છે.

સૌથી વધુ દુરુપયોગ શ્રદ્ધાની વીભાવના (concept)નો થયો છે. ‘શ્રદ્ધા’ને નામે આપણે અનેક બેહુદી માન્યતાઓ (જેવી કે શીતળામા અને બળીયાબાપાની પુજા)ને સ્વીકારી લઈએ છીએ. કારણ કે સાચી શ્રદ્ધા શી ચીજ છે તે આપણે સમજ્યા જ નથી. ઘણી વાર તો એમ પણ લાગે કે ક્યાંક શ્રદ્ધા એટલે ઈશ્વર તરીકે પોતાની પુજા કરાવવા માટે ગુરુઓએ ઉભી કરેલી ભ્રમણા તો નથી ને ? કે પછી ‘શ્રદ્ધા’ એટલે ઈશ્વરે આપેલી બુદ્ધી ન વાપરવા માટેનું બહાનું માત્ર ?

શ્રદ્ધા એટલે એવી વાત કે જે ન તો સાચી પુરવાર થઈ શકે ન તો ખોટી. દાખલા તરીકે ‘સત્યનો સદા જય’ જેવાં સુત્રોના સમર્થન માટે અનેક પ્રસંગો રજુ કરી શકાય; તેમ જ તેમના ખંડન માટે પણ કરી શકાય.  તેથી તે માનવા કે ન માનવા તે વ્યક્તીગત શ્રદ્ધા પર આધાર રાખે છે.  જે વાત સાચી કે ખોટી સાબીત થઈ શકે તે વાત શ્રદ્ધાનો વીષય રહેતી નથી. કોઈ વાત આપણે અત્યાર સુધી શ્રદ્ધાપુર્વક સાચી માનતા આવ્યા હોઈએ; પણ નવા મળી આવેલા પુરાવા પ્રમાણે તે ખોટી ઠરતી હોય તો તેને ‘શ્રદ્ધા’ને નામે વળગી રહેવું ન જોઈએ.

કોઈ એક વ્યક્તી પર, પુસ્તક પર કે વ્યવસ્થામાં શ્રદ્ધા રાખવી તે કાંઈ સાચી શ્રદ્ધા નથી. ઈશ્વર અને ઈશ્વરીય સીદ્ધાન્તો અને ગુણો જેવા કે સત્ય, અહીંસા, ન્યાય, પ્રેમ ઈત્યાદીમાં શ્રદ્ધા રાખીએ તો તે જ સાચી શ્રદ્ધા ગણી શકાય. ઘણું ખરું તો જેને આપણે ‘ઈશ્વર પરની શ્રદ્ધા’ માનતા હોઈએ છીએ તે ખરેખર તો ‘બીજા કોઈ પરની જ શ્રદ્ધા’ હોય છે. આપણે હીન્દુઓ વેદને ઈશ્વરવચન માનીએ છીએ અને તેથી વીષ્ણુ ઈત્યાદીને પરમેશ્વર તથા દેવો માનીએ છીએ. તેનું કારણ એ જ કે આપણા બચપણથી જ આપણા વડીલોએ શીખવ્યું હોય છે. વેદ પરની આપણી શ્રદ્ધા આમ ખરેખર તો આપણા વડીલો પરની શ્રદ્ધા જ હોય છે. હવે તો આપણે જાણીએ છીએ કે પૃથ્વી હેઠળ શેષનાગ નથી. તેથી તેના ખોળામાં સુતેલા વીષ્ણુ નથી. દશાવતાર તો થયા જ ક્યાંથી હોય ? અર્થાત વેદપુરાણોની વાર્તાઓ કેવળ કાલ્પનીક વાર્તાઓ જ છે, ઈતીહાસ નહીં; પછી ભલે તે ઘણી જ કુશળતાપુર્વક લખાઈ હોય.

પરન્તુ આટલું સ્પષ્ટ સત્ય પણ આપણે સ્વીકારી શકીશું નહીં; કારણ કે તેમ કરવામાં આપણું ‘વયમ્’ (સામુહીક અહમ્) નડશે. આપણા ‘અત્યંત મહાન’ ઋષીમુનીઓ તો કોઈ ભુલ કરી શકે જ નહીં; તેથી તેમણે કહેલી કે લખેલી બધી વાતોને આપણે માનવી જ રહી, એવું આપણું મમત્વ સત્યનો સ્વીકાર થતો અટકાવશે; એટલું જ નહીં પણ હજારો વર્ષોથી મનાતાં આવેલાં અસત્યોને સત્ય પુરવાર કરવા બધા જ પ્રયત્નો કરાવશે.

એક મુદ્દો એવો ઉભો કરવામાં આવશે કે શ્રદ્ધાના વીષયમાં તર્કનો ઉપયોગ ન કરી શકાય. આ પણ અણસમજનું જ પરીણામ છે. જો તે સાચું હોય તો બે વ્યક્તીઓ કેવળ પોતપોતાની શ્રદ્ધા જણાવી જ શકે, કોઈ પ્રકારનો વીચારવીમર્શ કરી ન શકે; પ્રજાના જુદાજુદા સમુહો પોતપોતાની શ્રદ્ધા–અન્ધશ્રદ્ધાઓમાં રાચ્યા કરે. આમ હોત તો શંકરાચાર્ય અને મંડનમીશ્ર વચ્ચે વીવાદ થઈ શક્યો ન હોત. તે સીવાય પણ ઘણા પ્રસંગે ચર્ચા વીચારણાઓ થઈ છે અને થાય છે તે પણ નીરાધાર બની જાય.

શ્રદ્ધા અને તર્ક એક બીજાના પર્યાય નથી; પણ પુરક છે, એક બીજા પર આધાર રાખે છે. ચમત્કાર કરનાર કોઈ ગુરુ અથવા ઈસુ ને ઈશ્વરીય વીભુતી કે પછી સ્વયં ઈશ્વરપુત્ર માનવા તે શ્રદ્ધા નથી; કારણ કે તે માન્યતા ચમત્કાર કરવાની તેમની શક્તી કે આવડત પર જ નીર્ભર હોય છે. આધુનીક વીજ્ઞાન જતે દીવસે બધા પ્રશ્નોના જવાબ આપી શકશે એવી માન્યતા પણ એક પ્રકારની શ્રદ્ધા જ છે, તર્ક નહીં; કારણ કે તે કશા પર આધારીત નથી.

વસ્તુત: તર્કના પાયામાં શ્રદ્ધા જ હોય છે. તર્કની શરુઆત કરતા પહેલાં કેટલાંક તથ્યો ગૃહીત કરવાં પડે એટલે કે સાબીતી આપ્યા વગર સ્વીકારવા પડે જાણે કે તે સ્વયંસીદ્ધ સત્ય (axiomatic, self-evident truth) હોય. આને અંગ્રેજીમાં પોસ્ટ્યુલેઈટ્સ (postulates) કહે છે. કયાં મુલ્યોને ગૃહીત કરવાં અને કયાંને નહીં, તે જે તે તાર્કીકની વ્યક્તીગત શ્રદ્ધા પર નીર્ભર કરે છે. દાખલા તરીકે આ લખનારની શ્રદ્ધા એવી છે કે પરમેશ્વર હમેશાં સત્ય અને ન્યાયનું સમર્થન કરે, તેથી વીપરીત વર્તન ન જ કરે, ને કોઈએ કર્યું હોય તો તેને માફ પણ ન જ કરે. કોઈને જો આ તથ્ય સ્વીકાર્ય ન હોય તો તે જુદા જ નીષ્કર્ષ પર આવી શકે.

તો પછી પ્રશ્ન એ થાય છે કે દરેક સમુહ પોતપોતાનાં ગૃહીતોને આધારે જુદાજુદા દેવોની પુજા કરે તો તેમાંથી એકેયને અન્ધશ્રદ્ધા કેમ ગણી શકાય ? ઉત્તર એ છે કે તર્કનું પરીણામ મુળભુત ગૃહીતને અનુરુપ હોવું જોઈએ. તેમ ના થાય તો ક્યાં તો આપણું ગૃહીત ખોટું હોવું જોઈએ અથવા પરમેશ્વરના નામે ઉપજાવેલી વાર્તા ખોટી હોવી જોઈએ. છતાં કોઈ તે વાર્તાને સાચી માને તો તેમની ‘શ્રદ્ધા’ ખરેખર તો અન્ધશ્રદ્ધા જ ગણી શકાય. આપણા જ ધર્મનાં આવાં એકબે ઉદાહરણો જુઓ:

ભગવાન શ્રી વીષ્ણુનો છઠ્ઠો અવતાર પુરો થાય તે પહેલાં જ રાવણનો વધ કરવા માટે સાતમા માનવ અવતારની જરુર પડી. છઠ્ઠો અવતાર પૃથ્વી પર જ વીચરતો હોવા છતાં રાવણનો વધ કેમ ન કરી શક્યો ? કૃષ્ણએ કંસનો વધ કર્યો; પણ કંસત્વનો કેમ નહીં ? આવી તો અનેક વીસંગતતાઓ અને મુલ્યદ્રોહના પુષ્કળ પ્રસંગો આપણા ધાર્મીક સાહીત્યમાંથી સાંપડે છે. વીષયાન્તર ટાળવા તેમનું સવીસ્તર વર્ણન અહીં ન કરતાં એક બીજા લખાણ (અસત્યો અને અન્યાયો https://sites.google.com/site/tatoodi/liesandinjustices%28guj%29 )માં કર્યું છે.

લગભગ બધા જ ધર્મો એમ માને છે કે પરમેશ્વર સર્વવ્યાપી, સર્વશક્તીમાન, સર્વજ્ઞ, દયાળુ અને ક્ષમાવાન ઈત્યાદી છે. છતાં બધા જ ધર્મોના કેટલાક નીયમો એવા હોય છે કે તે ઉપરોક્ત વર્ણનની અવગણના કરતા હોય છે અને અનુયાયીઓ તેમનો વગર વીચાર્યે અમલ કરતા હોય છે. અને તે પણ શ્રદ્ધાને નામે.

તર્કની શરુઆત શ્રદ્ધાથી થાય છે, તો તર્કના બીજા છેડે પણ શ્રદ્ધા હોય છે. જે પશ્નોના જવાબ આપણે તર્કથી નથી આપી શકતા તેમના ઉત્તર માટે આપણે શ્રદ્ધાની સહાય લેવી પડે છે. કેટલાક સંજોગોમાં તે ખોટું પણ નથી. પરંતુ જે બાબતો બુદ્ધીથી વીચારી શકાય તેમને માટે શ્રદ્ધાનો સહારો લેવો યોગ્ય નથી. વળી જેમ જેમ માનવજાતનું સામુહીક જ્ઞાન વધતું જાય તેમ તેમ તર્કનો આધાર વધારતા જવું જોઈએ. જેમ કે ઋષીઓએ ભલે એમ કહ્યું હોય કે પૃથ્વી શેષનાગ પર આધારીત છે; પણ હવે તો આપણે એ માન્યતા ફગાવવી જ રહી.

સત્યની શોધ સમયે એક મુદ્દો યાદ રાખવા જેવો છે.  જમીનમોજણીમાં એક નીયમ છે કે જે કંઈ માપ લો તેની ફેરચકાસણી કરો. ધારો કે જમીનના ઉંચાણ–નીચાણ (Level) માપવા છે.  એક સ્થળેથી બીજું સ્થળ કેટલું ઉંચું કે નીચું છે તે માપ્યું હોય તો તે બીજા સ્થળે જઈને અગાઉવાળું સ્થળ તેટલું જ નીચું કે ઉંચું છે તે માપી લો.  બંને માપ સરખા ન હોય તો એકમાં કે બંનેમાં ભુલ હોય તે સુધારવી જ પડે. તેવી જ રીતે કોઈ વાત લોકમાનસમાં રુઢ થઈ ગઈ હોય તેથી જ તે સાચી કે સારી છે તેમ માનવું જ જોઈએ એવું નથી.  ધારો કે તે ખોટી કે ખરાબ હોય તો શું એવો વીચાર કરવો જોઈએ. આપણા ધર્મની વાત જેવી બીજા કોઈ ધર્મની વાત હોય તો તે આપણે માનીએ ખરા ?  આપણી વાત પરધર્મીઓ સ્વીકારે એવી આશા આપણે રાખી શકીએ ખરા ?  જો ના, તો પછી આપણે કેમ તે માનીએ છીએ?  અન્ય ધર્મોની વાહીયાત વાતો આપણે નકારીએ છીએ તો આપણા ધર્મની કેમ નહીં ?

તર્ક તેમ જ શ્રદ્ધાની પારના પણ કેટલાક વીષયો છે. સૌથી મોટી ભુલ (આપણો અને) લગભગ બધા જ ધર્મો કરે છે: જન્મ પહેલાં અને મૃત્યુ પછીની આત્માની સ્થીતી અને ગતી જેવી બાબતો કે તે અંગેના પ્રશ્નોના જવાબ તેઓ આપે છે. આ જવાબો ન તો શ્રદ્ધા પર કે ન તો તર્ક પર આધારીત હોય છે. તે તો કાલ્પનીક અનુમાનો હોય છે. એક વાર કોઈએ કલ્પના કરી એટલે ‘અહો રુપમ્ અહો ધ્વની’ની જેમ તેમના સાથીઓએ અને શીષ્યોએ સ્વીકારી લીધી અને પ્રચલીત થતી ગઈ. તે કલ્પના ઈશ્વરના વર્ણનને અનુરુપ છે કે નહીં તે વીચારવાની તસ્દી કોણ લે ?

લગભગ બધા જ ધાર્મીક લેખકો પોતાની વાતના સમર્થન માટે બીજાના લખાણ કે વક્તવ્યનો આધાર લેતા હોય છે. એકાદ ‘મહામુની’ એ કશું કહ્યું કે તે પરમ્પરા ચાલુ થઈ ગઈ. કર્ણોપકર્ણ તે વાત સાચી મનાતી ગઈ. તેની યથાર્થતા ચકાસવાની હીંમત કે દરકાર કોઈનાથી ના કરાઈ. જેમ કે ચોર્યાસી લાખ જન્મો લીધા પછી માનવ અવતાર મળે તે માન્યતા ચકાસવી હોય તો પણ કેવી રીતે ? પ્રત્યેક અવતાર સરેરાશ એક દીવસ જીવે, અને બે અવતાર વચ્ચે જરા પણ વીલમ્બ ના થાય એમ ગણીએ તો પણ તે પુરા કરવા માટે 23,333 વરસ લાગે.  કોઈ એક જીવાત્માની 83,99,999 જન્મોની યાત્રા જોવા માટે કયા મહામુની જીવ્યા હોય ?  અને બીજા કયા મુની જીવવાના હોય કે તે પેલા મહામુનીના કથનને સમર્થન આપી શકે કે તેનું ખંડન કરી શકે. માટે ‘ચાલવા દો ને, આપણું શું જાય છે ?’ એવા ભાવ સાથે આ ગપગોળો ચાલવા દીધો એટલું જ નહીં; પણ તેનો લાભ ઉઠાવ્યો, ભોળી જનતાને વધારે ભોળવીને.

આપણા ધર્મગુરુઓ કહે છે કે ‘બ્રહ્મ સત્ય જગત્ મીથ્યા’. બ્રહ્મ કદાચ સત્ય હશે; પરંતુ જગત જો મીથ્યા હોય તો પછી કૃષ્ણ પણ મીથ્યાગુરુ જ ગણાવા ન જોઈએ ? શંકરાચાર્ય અને અન્ય જગદગુરુઓ પણ મીથ્યાગુરુઓ જ હોય ને ? આ સુત્રનું વીવેચન પણ તર્ક પર જ આધારીત હોય છે. જગતની બધી વસ્તુઓ બદલાયા કરે છે તેથી તે મીથ્યા છે અને બ્રહ્મ બદલાતું નથી તેથી સત્ય છે, એમ આપણને સમજાવવામાં આવે છે. એટલે ખરેખર તો એમ કહેવું જોઈએ કે ‘બ્રહ્મ નીત્ય જગત્ અન્યથા’. પણ બદલાયા કરે તેથી જ કાંઈ જગત મીથ્યા નથી થઈ જતું.

સત્ય અને ન્યાય પરસ્પર આધાર રાખે છે. ન્યાય વીનાનું સત્ય નકામું છે, સત્ય વીના ન્યાય અશક્ય છે. એટલે જો કોઈ વાત બેમાંથી એક્નું સમર્થન કરતી ન હોય તો તે સમાજને માટે નીરુપયોગી તો ખરી જ; પણ હાનીકારક પણ હોઈ શકે છે. તેથી જે અસત્યો અને અન્યાયોને આપણે અત્યાર સુધી સ્વીકારી અને ચલાવી લીધાં છે તેને ઉઘાડાં પાડવાં જોઈએ કે જેથી તેમણે કરેલા નુકસાનને અટકાવી અને સુધારી શકાય.

–રશ્મીકાન્ત ચ. દેસાઈ

લેખક: Rashmikant C. Desai

35 Raleigh Road, Kendall Park, NJ 08824-1040 USA

ફોન: (Home) 732 422 9766  .મેઈલ: tatoodi@gmail.com  લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

લેખકની વેબસાઈટ: https://sites.google.com/site/tatoodi/

 ‘અભીવ્યક્તીઈ.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ અભીવ્યક્તીઈ.બુક્સ મારા બ્લોગના મથાળે  ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/  માં મુકી છે. સૌ વાચક બંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.

જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક મોકલી આપીશ.

♦●♦●♦ રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તેમને માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે. 

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર. પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. .મેઈલ: govindmaru@yahoo.co.in  (હાલ અમેરીકાના પ્રવાસે..)

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 5/12/2014

22 Comments

  1. “સત્ય જોડા પહેરીને તય્યાર થાય ત્યાં સુધી અસત્ય પૂરા જગતમાં ફરી વળે છે.”

    “સત્ય અને અસત્યમાં ફેર કેવળ “અ” નો છે.”

    કાસીમ અબ્બાસ

    Liked by 3 people

  2. It is a very article to read and think over it to improve our life.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Like

  3. પૌરાણિક વાતો એ વાર્તાઓ જ છે. કેટલાક એને ધર્મ માને છે, કેટલાક એને સંસ્કૃતિ માને છે. માન્યતાઓનો પ્રભાવ એ આજ્કાલનો નથી. એ સંસ્કૃતિ પેઢી દર પેઢી હજારો વર્ષથી સમાજ અને માનસમાં વણાઈ ચૂકી છે. પૌરાણિક વાર્તાઓના પાત્રોનું પોસ્ટમોર્ટમ એ વિન્ડમિલના રાક્ષકો સાથે લડવા જેવું જ છે. એક યા બીજી માયથોલોજી વિશ્વભરમાં છે જ. ધર્મ તરીકે નહિ પણ પુરાણોને સાહિત્ય તરીકે સમજવાની અને અપનાવવાની જરૂર છે. કુરિવાજોને ધર્મથી અળગા કરીને નાશ કરવાના રસ્તાઓ શોધવા જરૂરી છે. સ્થાપીત ધર્મોને સદંતર દફનાવવાને માટે તો તમારી આગામી સત્તર પેઢી પણ પુરતી ન થાય. શ્રી ગોવિંદભાઈ મારુ અને એમના સૌ વિદ્વાન લેખકો અને તેમના ધ્યેય માટેના પ્રમાણિક પ્રયાસો માનનીય છે એમાં શંકાને સ્થાન નથી.

    Like

  4. મિત્રો,
    આજનો વિષય ‘સત્ય‘ છે.
    સત્ય અને અસત્યની વ્યાખ્યા….. સત્ય શું છે ?. અને અસત્યથી અે કેટલું વેગળું છે ? તે જાણવાનું કાર્ય. આર્ટીકલમાં દાખલા આપીને સમજ આપવાની કોશીશ કરવામાં આવી છે. ગાંઘીજીઅે પોતની આત્મકથાને સત્યના પ્રયોગો કહીને સમાજને આપી છે. અેમણે પણ સત્યનું જીવન જીવવાના પ્રયોગો કરી જોયેલા. તેમણે જીવનની જે પરિસ્થિતિ માટે અેક સત્યાગ્રહિનું કાર્ય કરેલું, તે તે પરિસ્થિતિનું વર્ણન પણ ત્યાં મળી રહે છે. તેઓ કેટલું સત્ય પામેલા તે આત્મકથા વાંચનારે જાતે જ નક્કિ કરવાનું રહે છે. વાંચનારના તે તે પરિસ્થિતિ માટેના પોતાના વિચારો જુદા પણ હોઇ શકે છે. ગાંઘીજીના જીવનના સમય કરતાં આજનો ૨૦૧૪ની સાલનો સમય અને સામાજીક પરિસ્થિતિ પણ જુદા છે, તે ઘ્યાનમાં રાખવું પડે.ખોટા કર્મો, અેટલે કે જેના પરિણામો નુકશાનજનક આવેલાં હોય અને તેની દિલથી કબુલાત કરીને માફી માંગવી, અે માફી માંગવાની ક્રિયા, અેક સત્ય કહેવાય અેવું હું સમજું છું.
    ફીઝીકલ સત્યનો દાખલો હું આપવાની કોશીશ કરું છું.
    ઇજીપ્તના કિંગ ટુટેનખામેનને જે પીરામીડમાં દફનાવેલાં તેને આજે ૨૦૧૪ની સાલમાં ૩૩૩૮ જેટલાં વરસો થઇ ગયા છે. (૧૩૩૨ બી.સી. …૧૩૨૩ બી.સી. ) તેની કબરમાંથી ૬ ચેરીયત, પરફ્યુમ, તેલ, સોનાના ઘરેણાઓ વિ. વિ. (લીસ્ટ લાંબુ છે.) મળ્યા છે. તેનો અર્થ અે કે ૩૩૩૩ વરસો પહેલાં ઇજીપ્તમાં ચેરીયત ઉર્ફે ઘોડાની બગીનો ઉપયોગ થતો હતો. પીરામીડ બાંઘવાની સીવીલ અેન્જીનીયરીંગની પણ આ અેક ફીઝીકલ સાબિતિ છે. અેટલેકે સત્ય સાબિત થયું. ૫૦૦૦ વરસો પહેલાં ભારત દેશમાં વિમાન હતાં…અા હતું…તે હતુંં…..અને આજની અેન્જીનીયરીંગ વિદ્યાના પાયાના બઘુ જ નોલેજ હતું અેમ કહેવાય છે….પરંતું તેને ફીઝીકલી સાબિત કરનારા કોઇપણ સબુત મળતાં નથી. અા વાતની પુષ્ટી કરતાં
    લેખકશ્રી રશ્મિકાંતભાઇ કહે છે કે….‘ વસ્તુત: તર્કના પાયામાં શ્રઘ્ઘા જ હોય છે. તર્કની શરુઅાત કરતાં પહેલાં કેટલાક તથ્યો ગૃહિત કરવાં પડે, અેટલે કે સાબીતી વગર સ્વીકારવાં પડે. જાણે કે તે સ્વયંસિઘ્ઘ સત્ય ( Axiomatic, self-evidant truth.)હોય….(.Postulate….= Anything assumed without proof ). પરંતુ મારે મન શ્રઘ્ઘા અને સત્યને કોઇપણ ન્હાવા નીચોવવાનો પણ સંબંઘ નથી. તર્ક પણ વેગળું છે. લેખકશ્રી કહે છે કે,‘ બુઘ્ઘિ અને તર્કની મર્યાદા તો જાણવી જ જોઇઅે. શ્રઘ્ઘા અને અશ્રઘ્ઘાની મર્યાદા જાણવી પણ જરુરી છે.‘
    ‘શ્રઘ્ઘા અેટલે અેવી વાત કે જે ન તો સાચી પુરવાર થઇ શકે ન તો ખોટી.‘
    અભિવ્યક્તિ બ્લોગની શરુઆતમા. આપેલો ગૈતમ બુઘ્ઘનો સંદેશો અેક અતિ ઉપયોગી સાબિતિ છે કે જે સત્ય અને અસત્યની વ્યાખ્યા આપે છે.
    બીજી અેક વાતનો વિચાર કરીયે……
    થીયરી : દરેક ખોટું કરનારને પહેલેથી જ ખબર હોય છે કે સત્ય શું છે. ( તર્ક)
    પ્રેક્ટીકલ : ( સાબિતિ) દા.ત. મનુભાઇને છનુભાઇને ત્યાં ચોરી કરવી છે. હવે આ ચોરી કેવી રીતે કરવી તેનું મનુભાઇને પહેલેથી પ્લાનીંગ કરવું પડશે. તે તેનાં કાર્યમાં મદદ કરતી બઘી જ પરિસ્થિતિનો વિગતે અભ્યાસ કરશે. તેનો ઘ્યેય છે ચોરી કરવી.જો આ પ્લાનીંગમાં તે ખોટો પડે તો તે નાપાસ થાય. અેટલે કે મનુભાઇને ખબર છે કે ચોરી કરવી અે અેક ખોટું કે અસત્યનું કામ છે…અને તે તે જાણવા છતાં પણ તેને અવગણીને ચોરી કરવાનું પ્લાનીંગ કરે છે. વિચારીને જોજો કે આપણે પણ આપણી સત્યની જાણને અવગણીને ખોટું કે અસત્યનું કામ કરતાં હોઇઅે છીઅે. જેમકે આપણું સ્વાર્થનું કામ કઢાવવા લાંચ આપવી.
    સરસ આર્ટીકલ જે મનન, ચિંતન કરવાં પ્રેરે છે.
    વિજ્ઞાન અેક અેવી જ્ઞાનની શાખા છે કે જે દરેક અજાણી( અસત્ય) વસ્તુને જાણવાના(સત્ય) અખૂટ અને અટૂટ પ્રયત્નો કરે છે અને તે પણ સાબિતિ મેળવીને. આ સાબિતિ માનવ જીવનને મદદરુપ થાય છે.
    અને મને શતપથ બ્રાહ્મણ ૧૪:૪:૧:૩૦, ની આ પ્રાર્થના કરવાવાળા માટે ખૂબ આદર છે….

    અસતો મા સદગમય , તમસો મા જ્યોર્ગમય , મૃત્યોમાૅ અમૃતં ગમય…
    અસતમાંથી મને સતમાંં લઇ જા…, અંઘકારમાંથી મને પ્રકાશમાં લઇ જા….મૃત્યુમાંથી મને અમરતામાં લઇ જા.

    અંઘકારને હું અંઘશ્રઘ્ઘા તરીકે જોઉ છું.

    અમૃત હઝારી.

    અહિં સત્ય અે છે કે ઇજીપ્ત પાસે સત્યની સાબિતિ હાજર છે.

    Like

  5. સરસ લેખ છે.
    આપણુ જીવન કુદરતના નીયમો અને સમાજના/દેશના નીયમો આધીન હોય છે.
    કુદરતના નીયમ/ સત્યો અને માનવ સમાજના નીયમ/સત્યો અલગ છે. માનવ સમાજના સત્યો કાળ અને સ્થળ પ્રમાણે બદલાતા આવ્યા છે, એ એક સનાતન સત્ય છે. સનાતન સત્યો જૂજ છે. કુદરતના નીયમોને સત્ય ગણીયે તો વીજ્ઞાન એ ધીરે ધીરે શોધી રહ્યં છે. વૈષ્વીક સ્થરે સમાજના સત્યો સમાન થવાની શક્યતા હાલ નહીંવત છે.
    . “આધુનીક વીજ્ઞાન જતે દીવસે બધા પ્રશ્નોના જવાબ આપી શકશે એવી માન્યતા પણ એક પ્રકારની શ્રદ્ધા જ છે, તર્ક નહીં; કારણ કે તે કશા પર આધારીત નથી.”
    લેખના આ એક વાક્ય પ્રત્યે મને વાંધો છે. છેલ્લા બસો વરસના સમયગાળાની વીજ્ઞાનની સીધ્ધી જોતાં એની ભાવી શક્યતાઓ વીષે શંકા કરવી વાજબી નથી. એને ચોક્કસ નહીં તો “educated guess” અવશ્ય કહી શકાય. “educated guess” ને શ્રધ્ધા અને તર્કની વચ્ચે ક્યાં બેસાડી શકાય?

    Like

  6. માનવ સમાજના સત્યો કાળ અને સ્થળ પ્રમાણે બદલાતા આવ્યા છે, એ એક સનાતન સત્ય છે. સનાતન સત્યો જૂજ છે. કુદરતના નીયમોને સત્ય ગણીયે તો વીજ્ઞાન એ ધીરે ધીરે શોધી રહ્યં છે. વૈષ્વીક સ્થરે સમાજના સત્યો સમાન થવાની શક્યતા હાલ નહીંવત છે.

    Like

  7. Satya ane Asatya vachhe bhed chhe j . Pan satya etle shu ? ‘Seeing is beliving” shu aa satya chhe ? Ghani Vastu jova chhata te khoti hoy chhe.Udaharan Tarike : Railway na be pata upar ubha rahiye.,to be pata bhega thata dekhay.Practicle kari jojo. . To Shu be Pata Bhega hoy chhe..

    Diwali ma taramandal fodti vakhate gol gol fervi jojo, To ek chakardu bantu dekhashe. To shu e chakardu hoy chhe.

    Apane dekhatu hova chhata pan te satya nathi j. To Satya Etle Shu ???.

    Ved ane upnishad ni vyakhya pramane je sat taraf lai jay te

    .Mane bhagwan k allah ke Jisus taraf lai jay te. .

    Marama bija raraf jovani drashti badlay etle k mane anukul na hoy pan tenama Ram jovani drasti dekhade te..Maro swarth na sadhay to te manas nakamo chhe, te vicharvane badle hu pan kyank khoto hoi shaku chhu ane kharekhar chhu ke nahi,te vicharvani prerana ape te etle satya.

    Shu bhagwan chhe tenu testing laboratory ma thai shake. ???.

    Jo Andhashraddha thi pan manas pap karto atke to mari drashie te sat taraf chhe.Etle k Satya j chhe.

    Like

    1. માણસ અંધશ્રધ્ધાથી પાપ કરતો અટકે તે તો ઘણી સારી વાત છે. પરંતુ કોઈ અંધશ્રદ્ધા ફેલાવીને બીજાઓ સાથે છેતરપીંડી કરે, ઈશ્વરના નામે શોષણ કરે તો શું? મારી સમજ પ્રમાણે આ અભિયાન ઈશ્વરના નામે કરવામાં આવતી છેતરપીંડી અને શોષણ જેવા અનિષ્ટો વિરુદ્ધનું છે, ઈશ્વર વિરુદ્ધનું નહિ.

      Liked by 1 person

  8. Tamara badha j lekh bhagawan ne udadi devana hoy chhe. Tena karta bhagawan ne vachhe rakhine potanu tatha samajnu kai rite development thay,te prakarna lekh hova joie.

    I dislike your whole comments.

    Tame badha shabda ni ramat rami ne koi adhkachro buddhi valo manas jarurthi bhotvai jay,pan bidhhi valo to nahi j.

    Like

  9. એક ચોખવટ કરવાની રહી ગઈ. સત્ય અને શ્રદ્ધાનું વિવરણ કરવામાં મશગુલ રહીને આપણી ફરજ બજાવવાનું ચુકી ના જવું જોઈએ.

    મા. પ્રવીણભાઈ,
    પુરાણોની વાર્તાઓમાંથી જે બોધપાઠ શીખવા જેવો હોય તે શીખીને બાકીની વાતોને અવગણવી જોઈએ. પણ તેમ થતું નથી. તેથી આ લખવા પ્રેરાયો હતો. જેમ કે રુદ્ર મહાલયના ભૂમિપૂજન સમયે મારેલી ખુંટી સહેજ હલાવવાથી તેમાંથી શેષનાગના લોહીની ટશર ફૂટી નીકળી હતી તેવું લખાયું હોય તો તે ખોટું છે એમ તો કહેવું જ જોઈએ. કારણ કે આવી વાર્તાઓને લીધે જ્યોતિષ અને જોશીઓ પરની પ્રજાની ‘શ્રદ્ધા’ને ટેકો મળે છે.

    સ્થાપિત ધર્મોને સદંતર દફનાવવાનો વિચાર નથી. નકર મેં હિંદુ ધર્મ છોડ્યો હોત. આપણું પાયાનું તત્વજ્ઞાન મને પ્રિય છે. પણ આપણો ધર્મ બધી રીતે શ્રેષ્ઠ છે અને જે કાંઇ ચાલ્યું આવ્યું છે તે જ કાયમ માટે ચાલુ રાખવું જ જોઈએ એવા ધર્મપ્રચારકોના આગ્રહનો વિરોધ કરવો જોઈએ એમ મને લાગે છે. મેં ધર્મ બદલ્યો નથી તેના કારણો મારી વેબ સાઈટ પર જુદા લખાણમાં જણાવ્યા છે.

    મા. અમૃતભાઈ,
    મારી દસ વર્ષની વયે મારા મોટા ભાઈએ મને ‘સત્યના પ્રયોગો’ વાંચવા આપ્યું ત્યારે જ વિચાર આવેલો કે ‘સત્યનું તો પાલન કરવાનું હોય, પ્રયોગ થોડા કરવાના હોય?’ સત્ય બોલી જોઈએ પણ ધાર્યું કામ ના થાય તો અસત્ય બોલવાની તૈયારી પણ રાખીએ? દૂધ અને તેના ઉત્પાદનો ન ખાવાની પ્રતિજ્ઞા કરી. પ્રયોગ કર્યો. ના ફાવ્યા. તેથી છટકબારી શોધી. બકરીનું દૂધ પીવા માંડ્યું. તેમાં ‘વ્રતનો ભંગ થયો’ નહોતો. પણ જાણી સમજીને સહેતુક ભંગ કરવામાં આવ્યો હતો. એક જ વાર થયું હોય તો તે થઇ ગયું ગણાય. પણ વારંવાર કરીએ તેને થઇ ગયેલું કહી શકાય? અસલ પ્રતિજ્ઞા નહોતી લેવી જોઈતી તે કબુલ કરીને ગાય ભેંસના દુધ દહીં પણ લેવા માંડ્યા હોત તો સત્યનું પાલન થયું હોત. માનવ ઇતિહાસના સર્વશ્રેષ્ઠ પુરુષની આ વાત કેવળ ઉદાહરણ તરીકે જણાવું છું તેમનું અપમાન કરવા માટે નહિ.

    સત્યને છુપાવવા અને અસત્યને બિરદાવવા માટે જ શ્રદ્ધાનો ઉપયોગ કરવામાં આવતો હોય તો ‘શ્રઘ્ઘા અને સત્યને કોઇપણ ન્હાવા નીચોવવાનો પણ સંબંઘ નથી’ એમ કહી શકાય. પણ હંમેશા તેમ થતું નથી.

    સાબિતી મળતી હોય તો તો ઘણી સારી વાત છે પણ તેની રાહ જોવામાં કરવા જેવા સારા અને સાચા કામો કરવાના રહી ના જવા જોઈએ.

    મા. મુરજીભાઈ,
    વૈશ્વિક સ્તરે સમાજના સત્યો સમાન ના થાય તો ભલે પણ હાલ તુરત તો શ્રદ્ધા પર ટકી રહેલા કેટલાક અન્યાયો તો અટકાવી શકાય ને? દાખલા તરીકે વેદમાં આવે છે કે બ્રાહ્મણો બ્રહ્માના મુખમાંથી ઉત્પન્ન થયા વગેરે. તેને આધારે શૂદ્રોને હડધૂત કરવામાં આવે છે. તો તેમ કરનારાઓને પૂછીએ કે ‘હે મસ્તકો, બાહુઓ ઈત્યાદી સજ્જનો, શુદ્રો રૂપી પગ વિના તમે કશે પણ જશો કેમ કરીને?’

    “આધુનીક વીજ્ઞાન જતે દીવસે બધા પ્રશ્નોના જવાબ આપી શકશે એવી માન્યતા” એક educated guess છે તે કબુલ. તેથી અત્યારના તબક્કે તે શ્રદ્ધા ગણીએ જે જતે દિવસે સત્ય બનવાની ક્ષમતા ધરાવે છે. પૃથ્વી શેષનાગના શિર પર હોવાની શ્રધ્ધાને ફગાવવાથી વિપરીત આવું પગલું પણ ભરી શકાય. હાલ પુરતું ચાર્લ્સ ડાર્વિનનો ઉત્ક્રાન્તીવાદ એક થીયરી કહેવાય છે. એક સમય એવો પણ આવી શકે કે જયારે તેને પણ ન્યુટન અને ઓહ્મના કાયદાની જેમ ”ડાર્વિનનો કાયદો’ કહેવાશે. પણ ઉતાવળ શી છે?

    Like

  10. સ્નેહિશ્રી રશ્મિકાંત દેસાઇ ઉર્ફે ઉન્ઘીખોપડી,
    તમારી ચર્ચાની ચાવી ઘણાં તાળા ખોલી ગઇ.મઝા આવી. આ ચર્ચાને બીજા પરિપેક્ષ્યમાં વળાંક આપવાનો વિચાર કર્યો છે…મૂળહેતુને પકડી રાખીને…લોજીક વાપરીને…..
    સવાલ થયો……..
    ‘સત્ય‘ અને ‘અસત્ય‘ની વ્યાખ્યા કોણે બનાવી હશે ?
    લોજીક વાપરતાં જવાબ મળ્યો……( પુરાણો, ઉપનીશદો.વિ…વિ…ના સંદર્ભમાં નહિ વિચારવાનું )
    જવાબ: વિશાળ જનમાનસે.
    સત્ય અેટલે સાચુ….અસત્ય અેટલે ખોટુ. બઘુ જ સાપેક્ષ…..
    સમજ, શિક્ષણ, ભાષા, પોતાના વિચારો દર્શાવિ શકવાની ક્ષમતા જ્યારે માનવે પ્રાપ્ત કરી હશે ત્યારે…….જ્યારે માનવે કોઇ ઘ્યેય પ્રાપ્તિનો વિચાર કર્યો હશે ત્યારે તેણે તે ઘ્યેય પ્રપ્તિ માટે રસ્તાઓ શોઘ્યા હશે. ઘ્યેય અેટલે જે મેળવતાં ફાયદો થાયેલો કહેવાય…અને તે ઘ્યેય પ્રાપ્તિમાં નાસીપાસ થાય, તેનો અર્થ નુકશાન થયુ કહેવાય. લોજીક વારીઅે તો સત્ય અેટલે જે સાબિતિરુપ છે તે…ફાયદો. અને અસત્ય અેટલે સાબિતિરુપ મળ્યુ નથી તે.
    વિશાળ જનમાનસે તે સમયે વ્યાખ્યા કરી હશે કે જે કર્મ કરવાથી ફળ રુપે જે કાંઇ પ્રપ્ત થાય છે તે સત્યનો માર્ગ…સત્ય પામવાનો માર્ગ.અને જે કર્મ કરતાં ફળ રુપે કાંઇ ના મળે પરંતુ કાંઇ હાથ ના આવતાં નુકશાન થયેલું ગણાય તે કર્મ કરવાનો રસ્તો તે અસત્ય. વિશાળ જનમાનસ અને વિશાળ સામાજીક માનવોને જે કર્મનું ફળ ફાયદામંદ રહે તે સત્ય અને વિશાળ સામાજીક માનવને જે કર્મ કરતાં નુકશાન જાય તે અસત્ય. ફાયદો અને નુકશાન અને તે પણ વિશાળ સમાજ અને વિશાળ જનમાનસના સંદર્ભમાં.વિશાળ સામાજીક દ્રષ્ટિમાં જે વસ્તુ ખરી ( ફાયદાકારક) તે સત્ય. અને જે વસ્તુ ખોટી ( નુકશાનકારક)તે અસત્ય.
    દાખલાથી લોજીક સમજવાની કોશીશ કરીઅે……
    મનુભાઇ માટે ચોરી કરીને ફાયદાની પ્રાપ્તિ તે સાબિતિથી સત્ય છે કે મનુભાઇને ફાયદો થયો છે. અને છનુભાઇને નુકશાન…હવે અે જ મનુભાઇને ત્યાં જો બીજો કોઇ ચોર ઘાડ પાડે અને તેમાં ચોરીને કારણે તેને નુકશાન જાય તો તે ચોરીના કર્મને કે ક્રિયાને ખોટી કહેશે….અેક જ પ્રકારની ક્રિયા…ચોરી કરવી…મનુભાઇને સત્ય અને અસત્યનો અનુભવ કરાવે છે……નફો…નુકશાન….સાબિતિના રુપે….નફો થયો નતે સાચુ છે….નુકશાન ગયુ તે જે કર્મથી થયુ તે ખોટુ છે…અસત્ય…
    વિશાળ જનસમુદાયને જે કર્મ કરવાથી ફાયદો તે સત્ય અને જે કર્મ કરવાથી નુકશાન તે અસત્યનો માર્ગ.
    અા તો લોજીક વાપરી જોયુ….ચર્ચા વઘુ આગળ વઘી શકે……
    અમૃત હઝારી.

    Like

  11. મા. શ્રી અમૃતભાઈ,

    આપે મને બરાબરનો પકડ્યો ખરો. WordPress મારું ‘તતુડી’ ઉપનામ સ્વીકારતું નથી. તેથી મારા મિત્રોએ આપેલું ‘ઉંધીખોપરી’ વાપરવું પડે છે જે યોગ્ય તો છે જ.
    વળી ગુગલબેનને ઊંઝા લીપી આવડતી નથી અને મારી મીનીટે પાંચ શબ્દોની ઝડપ વધુ ઘટી ના જાય તેટલા માટે ભેળસેળીયા લીપીમાં લખવું પડે છે. તે બદલ મા. શ્રી ગોવીંદભાઈ અને સૌ વાચકોની દરગુજર ચાહું છું.
    “સરસ આર્ટીકલ જે મનન, ચિંતન કરવાં પ્રેરે છે.” એમ લખીને મને પ્રોત્સાહન આપવા બદલ આપનો ઘણો આભાર.
    હવે આપના પ્રતિભાવનો પ્રપ્રતીભાવ આપું.
    ‘કયું સત્ય અને કયું પાત્ર એવો પ્રશ્ન પુછી શકાય.’ એમ તો મેં શરુઆતમાંજ જણાવ્યું છે. પાત્ર જો સત્ય હોય તો તેને ખસેડવાનું ના હોય, મતલબ પાત્ર તે અસત્ય.
    ઈન્ટરનેટ પર એક ટૂંકી વિડીઓ કલીપ બતાવે છે જેમાં 64=65 પુરવાર કરે છે. 8×8 ના ચોરસને ચાર ટુકડામાં કાપી તેમને એવી જુદી રીતે ગોઠવે છે કે 13 x 5 નો લંબ ચોરસ બને. તે એટલી ઝડપથી પૂરી થઇ જાય છે કે શી છેતરપીંડી કરી તે તરત તો નથી પકડાતી. અસત્યના સમર્થનમાં આવી તરકીબો વપરાતી હોય છે.
    બધા સત્યો સાપેક્ષ નથી હોતા.
    તુલસીદાસજી કહી ગયા છે:
    જબ જાનકીનાથ સહાય કરે તબ કૌન બિગાડ કરે નર તેરો
    સુરજ મંગલ સોમ ભૃગુસુત બુધ ઔર ગુરુ વરદાયક તેરો
    રાહુ કેતુ કી નાહી ગમ્યતા સંગ શનિચર હોત ઊંચેરો
    આ કથન સાપેક્ષ નથી. (જો કે પરમેશ્વરની સહાય મેળવવા માટે આપણે લાયકાત મેળવવી પડે). પણ તે જ તુલસીદાસે એમ પણ કહ્યું છે કે:
    ઢોલ ચમાર પશુ ઔર નારી યે સબ તાડન કે અધિકારી
    આ એક સ્થળકાળ નિરપેક્ષ સનાતન અસત્ય છે. છતાં રામજી અને તેમના અનન્ય ભક્ત તુલસીદાસ પ્રત્યેની શ્રધ્ધાને લીધે ભાવુકો રામધૂનમાં તેનો સમાવેશ કરે છે. માટે હું કહું છું કે શ્રદ્ધા પણ સત્ય (અને અસત્ય) ને ઢાંકી દેવાનું કામ કરતી હોય છે.
    બીજું ઉદાહરણ આપું તો न हि कल्याणकृत्कश्चित् दुर्गतिं तात गच्छति એ કૃષ્ણવાક્યને નિરપેક્ષ સત્ય ગણી શકાય પરંતુ તેમનાજ यज्ञात्भवति पर्जन्यो ને માની ના શકાય.
    ઘણી બાબતો એવી હોય છે કે મનુભાઈ, છનુભાઈ, ચીનુભાઈ, રશ્મીભાઈ કે અમૃતભાઈ સૌને એક સરખી લાગુ પડતી હોય છે. એવી કેટલીક બાબતો પેલા બીજા posting માં ચર્ચી છે. https://sites.google.com/site/tatoodi/asatyo-ane-an-yayo
    આ બધી વાત લખવાનો હેતુ અંધશ્રદ્ધા વિરુદ્ધના અભિયાન ને થોડું વધારે બળ પૂરું પાડવાનો છે. કારણ કે કોઈ કોઈ મિત્રો ખોટી કે ખરાબ માન્યતાના બચાવ માટે શ્રદ્ધાની ઢાલ આગળ ધરતા હોય છે. તેથી મારો પ્રયત્ન છે કે ‘મિત્રો, શ્રદ્ધા શ્રદ્ધા ના કરો, વિચાર કરો’.

    Like

  12. અધ્યાત્મ જગતના અનેક શબ્દો કાળક્રમે તેના અર્થ ખોઈ ચુક્યા છે. આપણી પાસે જે ડિક્શનરીના અર્થ છે અથવા બહુજન સ્વિકૃત અર્થ છે તેને આધારે અહીં વિવાદ ચાલ્યે જાય છે. વ્યક્તિ વ્યક્તિ દીઠ આ શબ્દોના જુદા જુદા અર્થ છે અને દરેકને ભ્રમ છે કે મારો અર્થ સાચો. હું જેને શ્રધ્ધા, અશ્રધ્ધા, અંધશ્રધ્ધા, પ્રેમ, સત્ય, ઈશ્વર, ધર્મ સમજું તે જ સાચું છે અને તેની ઉપર વિવાદ પર વિવાદ ચાલે જાય છે.
    સાવ સાદી વાત છે કે જે વિષયો જીવવાના છે, અનુભવવાના છે તેની ઉપર ચર્ચાઓ થાય છે. પ્રેમમાં જીવી શકાય અનુભવી શકાય તેની ગમે તેટલી ચર્ચાઓ અને વ્યાખ્યાઓ કરીએ તો પણ પ્રેમનો સ્વાદ ન મેળવી શકાય. સત્યનુ પણ એવું જ છે તમે સત્યમાં જીવી શકો સત્યનો આનંદ માણી શકો સત્યમાં અભય જીવન અનુભવી શકો. પરંતુ સત્યને ચર્ચાનો વિષય બનાવી ક્યારેય કોઈ નિષ્કર્ષ પર આવી ન શકાય. અને કોઈને થાય કે નિષ્કર્ષ મળી ગયો તો તે ભ્રમણા સિવાય કાંઈ ન હોય. ગોવીંદભાઈએ બ્લોગની શરુઆતમાં જ બુધ્ધના વચનો મોટાં અક્ષરે મુક્યા છે. જેમાં બુધ્ધ વારંવાર કહે છે કે તમે માનતા નહીં, ભલે હું કહું. તમારા અનુભવમાં ઉતારજો અને તમારો અનુભવ જે કહે તે તમારુ સત્ય છે. પરંતુ આપણા તમામ વિચારો, મંતવ્યો, અભિપ્રાયો ના મૂળમા માન્યતાઓ છે અનુભવ નહીં સત્યની માન્યતાઓ અનુભવ નહી. પરંતુ દલીલોતો એવી કરીએ કે સત્ય ઉપલબ્ધ્ધ થઈ ગયું. આ અહમનો ખેલ ખબર નથી કેટલાંને દેખાતો હશે?

    Liked by 1 person

    1. ગૌતમ બુદ્ધ અનુભવ કરવાની ભલામણ નથી કરતા, પોતપોતાની વિવેક બુદ્ધિ વાપરવા કહે છે. તેઓ તો શ્રધ્ધાને પોષનારું હોય તેની પણ ના પાડે છે. બુદ્ધિથી ખરું લાગે તો જ સ્વીકારવા કહે છે.
      દરેક વ્યક્તી પોતાના અનુભવમાં જ જીવી શકે ખરી? એકબીજાના અનુભવોના આધારે તો સમાજ ચાલે અને પ્રગતિ કરે. બુદ્ધે પણ પોતાનો અનુભવ જણાવ્યો તો પશુબલી જેવા દુષણો બંધ થઇ શક્યા.

      Like

    2. અનુભવ પણ જુદા જુદા હોઈ શકે છે. જેમ કે સીંગદાણા જેવો સલામત લાગતો ખોરાક ખાવાથી પ્રાણઘાતક એલર્જી પણ થઇ શકે છે. આધ્યાત્મિક ‘અનુભવ’ પણ નોખા નોખા હોય. છતાં કોઈ એક સામાન્ય (general) નીયમ બનાવવો પડે. ગૌતમ બુધ્ધે પણ તેમના સંઘના સભ્યો માટે નીયમો બનાવ્યા હતા, તેમને બધાને પોતપોતાના ‘અનુભવ’ પ્રમાણે વર્તવાની છુટ નહોતી આપી. પ્રારંભમાં સ્ત્રીઓને પ્રવેશ નહોતા આપતા પણ શિષ્ય આનંદના આગ્રહથી તેમને લેવાની સંમતિ આપી પણ સ્ત્રીઓ માટે ખાસ વધારાના નીયમો બનાવ્યા. તેનું કારણ તેમનો એકલાનો અનુભવ નહિ પણ પ્રજાના સામાન્ય અનુભવોના લીધે જરૂરી જણાયા. દરેક વ્યક્તી પોતપોતાના અનુભવ પ્રમાણે વર્તે તો ગુંચવાડો ના પેદા થાય? ને જો નીયમો બનાવવા જ પડે તો તે સત્યને આધારે કે બનાવનારની મુન્સફીને આધારે? આમાં ‘અહં’ ક્યાં આવ્યું?

      Like

  13. રશ્મીભાઈ,
    ધર્મના નામે, ઇશ્વરના નામે, જ્યોતિષના નામે અને બીજા અનેક હથકંડાઓ અજમાવી, દુકાનો ખુલેલી છે અને ખુલ્લેઆમ લુંટ ચાલી રહી છે. અહીં અનેક મિત્રો છે જે બુધ્ધીશાળી વર્ગમાંથી આવે છે અને તેમને આ ચાલી રહેલી લુંટ ખુંચે છે અને તેમનો બળાપો કાઢે છે.આશય અવશ્ય શુભ છે પરંતુ બળાપો કાઢવામાં તેઓ ભુલી જાય છે કે વિરોધ શેનો કરવાનો છે. ધર્મના નામે ચાલતી દુકાનોનો વિરોધ જરુર થવો જોઈએ પરંતું હું જોઊં છું કે દુકાનોના વિરોધના બદલે હિન્દુ ધર્મને ભાંડવાનુ વધુ થાય છે. મારી સમજ છે ધર્મતો બચવો જોઈએ પરંતુ દુકાનો બંધ થવી જોઈએ. ધર્મ વગરનો માણસ પશુથી અધિક કાંઈ નથી તેની સમજ જરુરી છે.માણસમાં ભગવાનની સંભાવના છે તો શૈતાનની સંભાવના પણ છે અને તેજ તેની ગરિમા છે.માણસ લાઓત્સે પણ બની શકે અને લાદેન પણ.માણસ બુધ્ધ પણ બની શકે અને બગદાદી પણ.
    ઈશ્વરના નામે ચાલતી દુકાનોનો વિરોધ બરોબર છે પણ ભાન ભુલી ઈશ્વરનો ઈન્કાર કરવો એ બીજી મુર્ખતા છે. એક અતિ પરથી બીજી અતિ પર જવું એ મુર્ખતાની નિશાની છે. જ્યોતિષના નામે કહેવાતા જ્યોતિષીઓ છેતરપીંડી કરે છે તે તરફ આંગળી જરુર ચિંધી શકાય પરંતુ જ્યોતિષ શાસ્ત્રને સમજ્યા વગર તે હંબગ છે અને તેની વિરોધમાં દલીલો કરવી તેમા કોઈ બુધ્ધીમાની નથી.અહીં હું જોઊછું કે જ્યોતિષ શાસ્ત્રનો દુરુપયોગ અટકાવવાની જગ્યાએ લોકો જ્યોતિષશાસ્ત્રાને ગાળો દેવામાં લાગી જાય છે. આવા લોકો વિજ્ઞાનને સમર્થન આપે છે ત્યારે તે ભુલી જાય છે કે વિજ્ઞાનનો પણ દુરઊપયોગ થાય છે પરંતુ તેથી કોઈ વિજ્ઞાનને ગાળો ન ભાંડી શકે કે એમ ન કહી શકે કે વિજ્ઞાન વાહિયાત છે અને અસલ તો ધર્મ જ છે.
    બુધ્ધના વચનો સ્વબોધ અને સ્વાનુભવમાંથી આવ્યા છે તે દેખાય છે? બુધ્ધ ગીતાના કે ઉપનિષદોના વચનો દોહરાવતા નથી. સ્વાનુભવને કારણે એ જે બોલે તે ઉપનિષદ બને છે.બુધ્ધ વાત કરે છે વિવેક બુધ્ધીની અને આપણ સમજીએ છીએ બુધ્ધી. આપણને વિવેક શું છે તેની ખબર નથી. ચાર ચોપડી ભણ્યા, કોઈ ઉંચા પદે બેસી ગયા કે થોડું ધન કિર્તી કમાવી લીધા અને ચાર માણસ આપણને સફળ અને હોંશિયાર ગણે એટલે આપણે સમજી લઈએ છીએ કે હું વિવેક બુધ્ધી ધરાવું છું. વિવેક જ્યાં સુધી ભિતરનો દિવો પ્રગટતો નથી ત્યાં સુધી કેવી રીતે આવે? ભિતર એકવાર દીવો પ્રગટી જાય પછી હવે બીજાના દિવાની જરુર નથી આપણા દિવાના અજવાળે હવે આપણે આપણો માર્ગ નક્કી કરી શકીએ. પરંતુ જાતને પુછી લેવું કે ભિતર દીવો પ્રગટેલો છે? આપણો મારગ આપણે નક્કી કરી શકીએ છીએ? પ્રમાણિકતાથી જોશો તો જણાશે કે જવાબ છે “ના”.
    પછી આપણી પોતાની વ્યાખ્યા છે વિવેકની. અને દરેકની પોતપોતાની વ્યાખ્યા છે. અને દરેકને એમજ લાગે છે કે હુ બુધ્ધીમાન અને વિવેકી છું અને બીજા મુર્ખ. આવું આશારામના અનુયાયીઓને અને રામપાલના અનુયાયીઓને પણ લાગે અને તેથી જ તો તેઓ તેમની સાથે જોડાયેલા છે. પરંતુ વિવેક જેવા બહુમુલ્ય શબ્દનુ આપણે એટલુ અધઃપતન કર્યું છે કે તે હવે તેનો મુળભુત અર્થ ખોઈ ચુક્યો છે અને આપણને ભ્રમણા થાય છે કે હું વિવેકી છું. એવું જ સત્ય માટે પણ છે.
    શરદ.

    Like

  14. અનુભવ અલગ અલગ ન હોય અભિવ્યક્તિ અલગ અલગ હોઈ શકે. આગમાં હાથ નાંખો તો તમે દાઝો અને હું પણ. અનુભવ એક જ થાય. પણ તમે કવિ હ તો કાવ્યાત્મક ભાષામાં અનુભવ વર્ણવો અને ચિત્રકાર હોઊં તો ચિત્રની ભાષામા અનુભવ વ્યક્ત કરું. નાનુ બાળક કોઈ ભાષા ન જાણતું હોય તો રડીને અભિવ્યક્ત કરે.

    Like

    1. સારું થયું કે આપે આવો પ્રતિભાવ આપ્યો. આપનો ઘણો આભાર. કારણ કે હવે મારા લખાણનો મુદ્દો દર્શાવી શકાશે. અહીં આપણા બેમાંથી કોણ સાચું ને કોણ ખોટું તે પ્રશ્ન નથી.
      I have no hard feelings between us.

      આપણા ચતુર વાંચકો સમક્ષ બે ગૃહીત (postulates) રજુ થયા છે. વીચારવા જેવી વાત એ છે કે આપને અને મને જુદા જુદા ગૃહીત કેમ ગમ્યા? .એક કહે છે કે બધાના અનુભવો સરખા જ હોય કેવળ અભીવ્યક્તિ જુદી જુદી હોય, બીજું કહે છે કે અનુભવો પણ જુદા જુદા હોઈ શકે અને અભીવ્યક્તિ પણ જુદી જુદી હોય. બંનેના પક્ષે તેના ઉદાહરણ આપવામાં આવ્યા છે. પહેલું ગૃહીત સાચું હોય તો શું પરિણામ આવે અને જો બીજું સાચું હોય તો શું થાય તે વિચારીને સુજ્ઞ વાંચકો પોતેજ નક્કી કરે કે કયું સ્વીકારવું.

      આમાં સામેલ થવા આપણા વાંચકોને આમંત્રણ આપીએ?

      Like

  15. રશ્મીભાઈ;
    લખાણ બહુ લાંબુ થાય તો વાચકનો રસભંગ થાય તેથી મેં ટુંકમાં લખ્યું પરંતુ મને લાગે છે કે થોડું વિસ્તૃત લખવાથી સમજવુ વધુ સરળ થશે.
    પહેલી વાતતો આપણી પાસે અનુભવવા માટેની જે ઈન્દ્રિયો છે જેને જ્ઞાનેન્દ્રિયો કહીએ છીએ તેની મર્યાદા છે પરિણામે ઈન્દ્રિયોથી આપણે જે અનુભવીયે કે જાણીએ છીએ તે ૧૦૦% સત્ય નથી હોતું.
    જેમકે અત્યારે હું અહીં કમ્પ્યુટરરુમમાં બેઠો છું અને મને બાજુના રુમમાથી આવતા અવાજના તરંગો મારા કાન પકડી શકે છે પરંતુ અહીં રેડિયો તરંગો પણ મોજુદ છે જે મારા કાન પકડી નથી શકતા પણ સત્ય એ છે કે આ રુમમાં રેડિયો તરંગો છે. આવુંજ આપણી ઘાણેન્દ્રિય સાથે છે આપણા કરતાં કુતરાઓની ઘાણેન્દ્રિય વધુ સક્રિય હોવાથી તે સુંઘવા માત્રથી વસ્તુઓને પરખી શકે છે જે આપણે નથી પરખી શકતા. આમ આપણી તમામ ઈન્દ્રિયોની એક મર્યાદા છે અને તે વ્યક્તિ વ્યક્તિએ બદલાય છે તેથી એકને જે વસ્તુ તીખી લાગે તે અન્યને ન લાગે અથવા ઓછી લાગે. આમ ઈન્દ્રિયો દ્વારા આપણને જે અનુભવો થાય છે તે અલગ અલગ હોય છે. એ ઉપરાંત આ ઈન્દ્રિયો જ્યારે કોઈ પ્રભાવ હેઠળ હોય ત્યારે પણ અનુભવ અલગ થાય છે. જેમ કે બિમારીમાં ભોજનનો સ્વાદ કડવો થઈ જાય છે. કારણકે બિમારીને કારણે સ્વાદેન્દ્રિય પ્રભાવિત થયેલી છે.
    એ રીતે એક ખાસ પરિસ્થિતિનુ નિર્માણ થાય જે આપણી જ્ઞાનેદ્રિયને, મનને અને બુધ્ધીને પ્રભાવિત કરે ત્યારે એક ભ્રમણા ઉભી થાય અને તે સત્યની આડે પરદો ઉભો કરી નાખે.રણપ્રદેશમાં મૃગજળ કે એક મિત્રએ અગાઊ કહ્યું તેમ રેલગાડીના બે પાટા એક બીજાને મળતા દેખાય કે બાજુની ટ્રેન ચાલે અને એમ થાય કે આપણી ટ્રેન ચાલી આ બધા દૃષ્ટિ ભ્રમણા ના ઉદાહરણ છે. પરંતુ કેટલીક પરિસ્થિતી આપણા મન અને બુધ્ધીને પણ પ્રભાવિત કરે છે. આ વાત સમજવી થોડી કઠીન છે એટલે ઉદાહરણથી સમજાવું. જેમકે વૈશ્ણવ ઘરમાં જનમ્યા અને કૃષ્ણને (બાળપણથી રેડેલાં સંસ્કારોને કારણે) આપણુ મન અને બુધ્ધી પ્રભાવિત થઈ એ સ્વિકારી લે કે કૃષ્ણ ભગવાન છે. આ સંસ્કાર એટલાં ગહેરાં હોય કે તેને કળવા પણ મુશ્કેલ હોય છે અને તે ભ્રમણા છે તે સ્વિકારવુ તો અતિ કઠીન છે. હવે આવો જીવ જ્યારે ધ્યાનમાં ઉતરે કે ભગવાનના દર્શન થયાનો દાવો કરે તો તેને મુરલી નાદ સંભળાય અથવા કૃષ્ણનુ જે સ્વરુપ તેના અચેતન મનમાં છપાયેલું હોય તેનુ તેને દર્શન થાય અને તે સમજે કે ભગવાનના દર્શન થયા.એ વ્યક્તિ ખોટું બોલતો હોય તેવું પણ નથી ખરેખર તેને કૃષ્ણનુ સદેહ સ્વરુપ દેખાયું હોય કે મુરલી નાદ સંભળાયો હોય. પરંતુ આ દર્શન એક ભ્રમણા સિવાય કાંઈ નહોય. તે સત્ય નથી હોતું.
    રશ્મીભાઈ, આપણુ મન ખુબ જટીલ છે અને તે જાત જાતની ભ્રમણાઓ ઉભી કરે અને તેને આપણે સત્ય માની લેતા હોઈએ છીએ અને એટલે ઉપર ઊપરથી જોઈએ તો એવું લાગે કે બધાના અનુભવો જુદા જુદા છે.
    હું જ્યારે અનુભવ બધાનો એક જ હોઈ શકે તેમ કહુ છું તો મારો ઈશારો સત્યના અનુભવ બાબતે છે વ્યક્તિ વ્યક્તિએ જુદા જુદા દેહ, મન અને બુધ્ધી જે સંસ્કારીત હોવાને કારણે જુદા જુદા ભેદ અને ભ્રમણા ઉભી કરે છે તે બાબતે નથી.
    હું કહું છું કૃષ્ણનો અને ક્રાઈસ્ટનો અનુભવ જુદો ન હોઈ શકે. હું કહું છું મહાવીર અને મહંમદ અનુભવ જુદો ન હોઈ શકે. હું કહું છુ કે મીરાં અને મંસુરનો અનુભવ જુદો ન હોઈ શકે. અને એટલે જ તો એ બધાની અભિવ્યક્તિ ભલે ગમે તેટલી જુદી હોય, પણ સ્વાદ એક જ છે. એ લોકોએ જે તે સમયને અને સ્થળને અનુકુળ જે તે નિયમો બનાવ્યા હોય તે અલગ હોય પણ તેમની વાતનુ જે એસેન્સ છે તેમાં કદી ભેદ ન હોઈ શકે. અને એજ તો પહેચાન છે સત્યને ઉપલ્બધ વ્યક્તિની. હજારો વર્ષ પહેલાં જે કૃષ્ણ કહી ગયા હોય તે જ વાત આજે બુધ્ધાત્વને ઉપલબ્ધ્ધ કોઈ કરસનદાસ પણ કરશે. સમય અને સ્થળાનુસાર નિયમો બદાલાઈ શકે જેમકે મહાવીરના જમાનામાં ચમડાના જુતાજ મળતા અને ચામડા માટૅ પશુ હિંસા થતી તેથી તેમને જુતા ન પહેરવાનો નિયમ સાધકો માટૅ બનાવ્યો હોય. પરંતુ આજે કેન્વાસના જુતા ઉપલબ્ધ્ધ છે અને તેમા કોઈ હિંસા નથી તેથી મહાવીર સ્વામી ફરી જન્મ લે તો જુતા ન પહેરવાનો નિયમ ન બનાવે. હા, કદાચ કેનવાસના જ જુતા પહેરવાનો નિયમ બનાવે તે શક્ય છે. બુધ્ધ પુરુષો સમય, સ્થળ અને જે લોકોને સંબોધીત કરતાં હોય તેને અનુરુપ નિયમો બનાવતા હોય છે તેથી નિયમ ભેદ બુધ્ધે બુધ્ધે હોઈ શકે.
    મને લાગે છે આટલી સ્પસ્ટતા આપને સંતોષ આપશે.
    શરદ.

    Like

  16. I support the original writer of this great article. (His “khopari” is very well in place, it is not at all “oondhi” !). My reasons are:

    1. There is a lot of variation in experience — we see that everyday in life. Gandhiji’s experience was very different from Ambedkar’s in childhood.

    The way we express it also varies with each individual.
    I cannot express my love the way a great poet can express.

    In the case of the example of fire also, experience varies a lot, depending on the kind of fire, intensity of fire, duration of exposure, and several such other factors.
    Thanks. —Subodh Shah — USA.

    Like

  17. બહુ સમજવા જેવી વાત છે . મને તો એવું લાગે છે કે . ભારતના જેટલા પ્રાચીન ગ્રંથો છે ,વેદથી મહાભારત શુધી ગીતા પણ મહાભારતનો એક ભાગ છે એમાં કશું સત્ય હોય એવું બુદ્ધ અને જૈન થી પહેલા થઇ ગએલા બૃહસ્પતિને લાગેલું નહિ . સ્વર્ગ નર્ક આત્મા મોક્ષ પુનર્જન્મ એવું કશું સાચું નથી , ફક્ત મનુષ્યની બુદ્ધિજ સત્ય છે . અને આ એકવીસમી સદીમાં જોવા જાઓ તો આકાશના ગ્રહોની તપાસ માણસની બુધ્દ્ધીજ કરી શકી છે . કોઈ પુરાણમાં ચંદ્રની અંદર શું છે , ત્યાં કેવી રીતે જવાય એ માણસની બુધ્ધિએજ નક્કી કર્યું છે . કોઈ પ્રાણ કે બીજા કોઈ શાસ્ત્રમાં લખ્યું હોય એવી મને ખબર નથી કોઈ પ્રખર વિદ્વાન ને ખબર હોય તો એ જાણે

    Like

Leave a comment