ચેત મછન્દર

–હરનીશ જાની

બાબા ગોરખનાથે ગણેશને કહ્યું કે, ‘મારી પાસે એક એવી સ્કીમ છે કે જેનાથી તું માલામાલ થઈ જઈશ અને મને ખાસ્સી પબ્લીસીટી મળશે. આ અમેરીકામાં મારું પોતાનું તો કોઈ છે નહીં. સારું થયું તું મળી ગયો. મને તારા જેવા વીશ્વાસુની જરુર હતી.’

અમેરીકામાં ગણેશ શર્માનું વજન 250 પાઉન્ડ હતું. ભારતમાં 115 કીલો હતું. અમેરીકામાં એ ઓવરવેઈટ હતો અને ભારતમાં એ કોઠી હતો. આ વજન 45 વરસની માવજત પછી થયું હતું. આખી જીન્દગી મુમ્બઈમાં ‘પેરેડાઈઝ હીન્દુ લૉજ’માં રસોઈયાની પદવી ભોગવી હતી.

રસોઈ ચાખી ચાખીને શરીર વધાર્યું હતું. લૉજના ઓટલે જ સુવાનું મળતું એટલે ફેમીલી લાઈફનો અંત ત્યાં જ આવી ગયો હતો. બહેનની સીટીઝનશીપ ઉપર તે અમેરીકા આવી ગયો હતો. મુમ્બઈનો રસોઈયો ન્યુયૉર્કમાં શૅફ બની ગયો. ‘શેરે પંજાબ’માં તંદુરી ચીકન અને નાન શેકતો થઈ ગયો. પંજાબી ભોજનથી તેની ફાંદનું જતન થતું હતું. ગણેશને માથે એકે વાળ નહોતો પરન્તુ સુંદર દાઢી રાખતો. તે માથાના વાળની ખોટ આ રીતે દુર કરતો.

ગણેશને કદી લાગ્યું નહોતું કે તે જાડીયો છે. પરન્તુ અમેરીકન બહેન–બનેવી, હેલ્થ કૉન્શીયસ હતાં.

બહેને પ્રસ્તાવ મુક્યો, ‘તારે વજન ઘટાડવું પડશે.’ ગણેશ કહે કે ‘શા માટે મારે વજન ઘટાડવું જોઈએ ?’ બહેને અને બનેવીએ તેને પેન્સીલવેનીયાના ગોરખ આશ્રમમાં લઈ જવાનું નક્કી કરી દીધું.

દશ વરસ અગાઉ, ચાલીસેક વરસનો સન્તોકરામ ન્યુયૉર્કના કૅનેડી ઍરપોર્ટ ઉપર ઉતર્યો હતો. ઍરપોર્ટ ઉપર તેણે એક વાત નોંધી કે આપણા દેશના પ્રમાણમાં અમેરીકામાં જાડાં સ્ત્રીપુરુષો ઘણાં છે. લગભગ બધાં જ જાડાં છે. થોડા દીવસના વસવાટ પછી લાગ્યું કે બધા જ ડાયેટીન્ગ કરે છે. ખાસ કરીને, સ્ત્રીઓ, જે જાડી નથી તે તો ખાસ ડાયેટીન્ગ કરે છે. તે સ્ત્રીઓએ શરીરનું ડાયેટીન્ગ કરવા કરતાં; મગજનું ડાયેટીન્ગ કરવા જોઈએ એમ સન્તોકરામને લાગ્યું.

તે વીઝીટર વીઝા પર આવ્યો હતો. ‘વીઝા કી ઐસી તેસી. આપણે અહીં જ રહેવાના છીએ.’ એ એનો નીર્ણય હતો. મુમ્બઈની ‘પેરેડાઈઝ હીન્દુ લૉજ’માં અંધારીયા રસોઈઘરમાં મજુરી કર્યા પછી નકકી કર્યું હતું કે અમેરીકામાં રસોઈ કરવી નથી.

તેના બાપા કહેતા  ‘શીક્ષક થવું. છોકરાં ભલે ન ભણે. આપણને પગાર મળે. વકીલ થવું. કેસ જીતે કે હારે. આપણી ફી તો મળે ! પરન્તુ રસોઈયો ન રાંધે અને કડીયો દીવાલ ન ચણે તો ભુખે તો મરવું પડે; પણ ડંડા પડે તે નફામાં.’

સન્તોકરામને વીચાર આવ્યો કે અમેરીકાના જાડા લોકોનો લાભ લેવો જોઈએ. તેમાં તેને અમેરીકામાં ઠરીઠામ થવાનો માર્ગ દેખાયો. લોકોના શરીર પર ઘણી ચરબી છે. અને જેના શરીર પર ચરબી નથી, એ લોકોના મગજમાં ચરબી ભરાઈ છે.

તેને થયું, અમેરીકાની આ ચરબીમાં ભારતીય વેદપુરાણની ભવ્ય સંસ્કૃતીનો મસાલો ભેગો કરીએ તો એક બેમીસાલ વાનગી તૈયાર થાય !

સંતોકરામે બીજું એ જોયું કે જ્યારે ભારત એકવીસમી સદીમાં પ્રયાણ કરી રહ્યું છે ત્યારે અમેરીકાના ‘દેશી’ઓ ઓગણીસમી સદી તરફ જઈ રહ્યા છે. ભારતમાં ઠેર ઠેર સાયબર કાફૅ ખુલી રહ્યા છે; ત્યારે અમેરીકામાં દીવસરાત નવાં મન્દીરો બની રહ્યાં છે. દેશમાંથી બધા દોરાધાગાવાળા અમેરીકા આવી ગયા છે. થોડા વખતમાં અમેરીકામાં ‘કુંભમેળો’ ભરાય તો નવાઈ નહીં ! આ બધા અન્ધશ્રદ્ધાળુ લોકોના ઉદ્ધાર માટે સાધુસન્તોના વેષમાં ભુવાઓ પણ આવી ગયા છે. ખરા સન્તો તો હીમાલય ગયા !

સન્તોકરામે પણ આ પરીસ્થીતીનો લાભ લઈ આ દુ:ખી આત્માઓનો ઉદ્ધાર કરવાનું નક્કી કર્યું.

તેણે જોયું કે અમેરીકામાં ‘વજન ઉતારવા’ની અબજો ડૉલરની ઈન્ડસ્ટ્રી છે. હજારો જીમનેશીયમ કસરત કરવા માટે છે. હજારો પુસ્તકો લખાય છે. ઍરોબીક–કસરતોના સેંકડો વીડીયો બને છે. તો આ ઈન્ડસ્ટ્રીમાં કેમ ન જોડાઈએ ? ભારતીય વેદપુરાણની સંસ્કૃતીને વજન ઉતારવાના તુક્કામાં જોડવી જોઈએ. ઋષીમુનીઓના મંત્રોચ્ચાર આ અમેરીકાની ધરતી પર ગજાવવા જોઈએ. જો નવગ્રહોને ખુશ રાખવાથી કોર્ટમાં કેસ જીતાતો હોય, પુત્ર જન્મ થતો હોય, ભાગી ગયેલી પત્ની જો પાછી આવતી હોય, તો તે ગ્રહોના મંત્રોચ્ચારથી વજન કેમ ન ઘટે ?

સન્તોકરામે અમેરીકાની ધરતીનો અભ્યાસ કર્યો. આ 2002મી સાલમાં 17લાખ ભારતીઓ અમેરીકામાં રહે છે. તેમાંના એક લાખ જાડીયાઓ આપણને વરસના ફક્ત દશ ડૉલર આપે તો પણ મીલીયન ડૉલર થાય. તેમાંના અડધા એડવર્ટાઈઝમાં ખર્ચાય. તો બીજે વરસે બે મીલીયનની શક્યતા થાય. દશ ડૉલરમાં આપણે તેને નવગ્રહોમાંથી કોઈપણ ગ્રહનો મંત્ર પકડાવી દેવાનો. શરત એટલી કે મંત્ર રોજ સવારે નહાયા પછી દશવાર જપવાનો. ‘નો ડાયેટીંગ’, ‘નો કસરત’, વજન ઉતરશે. વરસ પછી કોઈ નવરો ફરીયાદ કરવા આવે તો કહી દેવાનું ‘તમારી સાધનામાં ભલીવાર નહીં હોય.’ અમેરીકામાં દશ ડૉલર શી ચીજ છે ? પીઝા પણ હવે તો દશ ડૉલરનો નથી મળતો !

સન્તોકરામે વીચાર્યું મંત્રોચ્ચારથી વજન ઘટે કે ન ઘટે તે અગત્યનું નથી. પરન્તુ ગ્રહોના મંત્રોથી વજન ઘટી શકે એ વીચાર આ દોરાધાગાવાળી પ્રજાને વેચવાનો છે ! ખુબી એટલી જ છે. મારે એટલી જ બુદ્ધી વાપરવાની છે. દશ ડૉલર એના છે !

શરુઆતમાં તેણે મેઈલ–ઓર્ડરથી ધંધો પોતાના સ્ટુડીયો એપાર્ટમેન્ટમાંથી ચાલુ કર્યો. જન્મ તારીખ આપો. દશ ડૉલર મોકલો. ‘બાબા ગોરખનાથ’ તમને મંત્ર મોકલશે. ધાર્યું વજન પામશો. વાત સીધી હતી. કોઈ ‘ગોરખધંધો’ ન હતો.

ગોરખનાથની આગળ ‘બાબા’ લગાવી દીધું. જેથી મુસલમાન બીરાદરોને આકર્ષી શકાય. ‘બાબા ગોરખનાથ’ ! તેમને અજમેરથી મંત્રાવેલું તાવીજ મંગાવી આપશે.

તેણે સૌ પ્રથમ કામ કર્યું. એડવર્ટાઈઝ આપવાનું. સન્તોકરામનો મંત્ર હતો :

‘અરલી ટુ બેડ, અરલી ટુ રાઈઝ;

વર્ક લીટલ એન્ડ એડવર્ટાઈઝ.’

તે માને છે કે જાહેરાત વીનાનો ધંધો એટલે અંધારામાં કોઈ છોકરીને આંખ મારીએ તેવો. તમે શું કરો છો તે તમને ખબર છે; પરન્તુ બીજા કોઈને ખબર નથી.

આ ન્યુઝ પેપરમાં અને તે ન્યુઝ પેપરમાં બાબાએ ફુલ પેજ જાહેરખબરો આપવા માંડી. થોડા મેઈલ–ઓર્ડર આવવા માંડ્યા. ન્યુઝ પેપરોની પાંચ–દશ હજાર નકલો પુરતી નહોતી. ઈંગ્લૅન્ડ, ઓસ્ટ્રેલીયા, સીંગાપોર, આફ્રીકા – બધે જ ભારતીય છાપાંઓમાં બાબા ઝળક્યા. કહેવાની જરુર નથી કે હવે બાબા ગોરખનાથની જુદી ઓફીસ છે. ચાર–પાંચ છોકરીઓનો સ્ટાફ પણ છે. બાબાની જાહેરખબર પણ કેવી ? મોટા અક્ષરે – ‘મની બેક ગૅરન્ટી’, ‘ગ્રહોની શાંતી : શરીરની ક્રાંતી’, ‘સ્થાપના 1952’ ફોન નંબર – ફેક્ષ નંબર – ઈ.મેઈલ – વગેરે વગેરે બધું જ છપાવતા.

દેશપરદેશમાં લોકો શંકાશીલ થઈને અંદરોઅંદર વાતો કરવા લાગ્યા. આ વીજ્ઞાનના યુગમાં આમ બને ખરું ? ખોરાકની કૅલરી અને આ મંત્રોચ્ચારને સમ્બન્ધ ક્યાંથી હોઈ શકે ? તેમ છતાં મેઈલ–ઓર્ડરના પ્રવાહમાં કોઈ ભંગ ન થયો. કોઈ ન જાણે તેમ ઘણા ડૉક્ટરો પણ દશ ડૉલર મોકલવા લાગ્યા.

બાબા હવે ટીવી પર ઝળક્યા. બાબાએ વીચાર્યું : 250 મીલીયન અમેરીકનોમાં 150 મીલીયન જાડીયાઓ હશે. તેમને પણ સમદૃષ્ટી રાખી અને લાભ આપવો જોઈએ. આ ભણેલી પ્રજાને પણ અન્ધશ્રદ્ધા છોડતી નથી. ન્યુયોર્કમાં બહુમાળી મકાનોમાં બારમા માળ પછી સીધો ચૌદમો માળ હોય છે; કારણ કે આ ભણેલાઓ તેરના આંકડાથી ગભરાય છે. વર્જીન મેરીની આરસપહાણની મુર્તીની આંખમાંથી આંસુ સરે છે એ જોવા હજારો માણસ ઉમટે છે. તો આ લોકોને આપણા હજારો વરસ જુના ઋષીમુનીઓના મંત્રોચ્ચારનો જાદુ સમજાવવો અઘરો નથી.

બાબા ગોરખનાથ મંદ મંદ હસતા રહ્યા.

આજે પાંચ વરસ વીતી ગયાં; બાબા ગોરખનાથનો આશ્રમ ચાલુ થયે. પેન્સીલ્વેનીયાના પોકોનોઝ માઉન્ટનમાં 50 એકર જમીન પર, ખુબ રમણીય જગામાં, બરાબર વચોવચ આશ્રમનું ભવ્ય મકાન છે. આજુબાજુ રહેવાની સુંદર મઝાની નાનીનાની કૉટેજ છે. જેમાં જાડાભાઈઓ રહે છે. એક વીકેન્ડમાં બાબા હજાર હજાર ડૉલર ચાર્જ કરે છે.

સો એક જણ ‘ફીઝીકલ થેરાપી : થ્રુ સ્પીરીચ્યુલ થેરાપી’ મેળવવા માટે કાયમને માટે રહેતાં હોય છે. આશ્રમમાં ક્યારેય અગીયારસ કે ઉપવાસનું નામ નહીં લેવાનું. સમોસા–પકોડા–ગુલાબજાંબુ બધું ભરપુર મળે છે. ખાવું હોય તે ખાવાનું; પરન્તુ મંત્રજાપ ચુકવાનો નહીં. બાબા ગોરખનાથે આશ્રમમાં એકે વજન કાંટો રાખ્યો નથી. વજન ઘરે માપવાનું; અહીં તો મંત્ર તમારા શરીરનું જતન કરે છે. બાબા પાસે સર્વ પ્રકારની વાનગીઓ છે. ભાવુકો જાડા થાય છે. તેમનું વજન ઉતરે ન ઉતરે; પરન્તુ તેમને હમ્મેશાં લાગે છે કે તેઓ વજન ઉતારે છે. ખાવું હોય તે ખાય. મંત્રોચ્ચાર ભણે છે ! ‘નો કસરત’; ‘નો ડાયેટીંગ.’

છેવટે એક દીવસે બહેનબનેવી ગણેશને ‘ગોરખ આશ્રમ’ પર ઘસડી લાવ્યાં. આશ્રમના એરકંડીશન્ડ રુમમાં બધા ભાવુકો ગોરખનાથની હાજરીમાં મંત્રોચ્ચાર કરતા હતા. ગણેશ, ગોરખનાથની સામે ગોઠવાયો. તેણે ગોરખનાથને જોયા. તાકી તાકીને જોયા. આમને ક્યાંક જોયા છે. એમ તેણે વીચાર્યું. ગોરખનાથની આંખો ખુલી. તેમણે ગણેશને જોયો. ફરીથી જોયો. અને સ્મીત કર્યું. ગણેશની બત્તી ઝબકી. ‘આ તો મારો બેટો સન્તોકરામ !’ તેણે સામે સ્મીત કર્યું.

મંત્રજાપનું સૅશન પત્યું. સૌના વીખેરાયા પછી ગણેશને, બાબા પોતાના પ્રાઈવેટ રુમમાં લઈ ગયા. બન્ને એકમેકને ભેટ્યા. ગુડ ઓલ્ડ ડેઈઝની વાતો કરી. ‘પેરેડાઈઝ હીન્દુ લૉજ’ સંભારી. ગણેશે હસીને કહ્યું, ‘લે, તું તો દેશમાં ‘મહારાજ’ હતો અને અહીં પણ ‘મહારાજ’ રહ્યો !’

ગણેશે જોયું તો એ રુમમાં મહાત્માઓના ફોટા લટકાવ્યા હતા. બાબા બોલ્યા, ‘આ મારો પ્રેરણા રુમ છે. આ ફોટાઓ કરોડપતી સાધુઓના છે. અહીં રામકૃષ્ણ પરમહંસ કે વીવેકાનન્દ જેવા સન્તો ન શોભે. આ સાધુઓ અમેરીકા વારતહેવારે અમેરીકાના ભારતીઓનો ઉદ્ધાર કરવા આવે છે.’

ગણેશ બોલ્યો, ‘તેં તો ભગવાન રજનીશનો પણ ફોટો રાખ્યો છે ને !’

બાબા બોલ્યા, ‘ફોટો તો મારે રૉલ્સ રૉયઝનો લટકાવવો હતો; પણ તેમાં બેઠેલા રજનીશજી પણ સાથે આવી ગયા.’

ગણેશે કહ્યું, ‘આ ખાલી ફ્રેમો કેમ લટકાવી છે ?’

બાબા બોલ્યા, ‘ગાંડા, એ તો ‘પંડીત મહારાજ’ અને ‘સૈયદ પીર’ની જાહેર ખબરના કટીંગ્સ છે. તે લોકોની પ્રેરણાથી તો આપણે આ પ્રવૃત્તી ચાલુ કરી છે. એમના દોરાધાગા પાછળ લોકો દોડે છે; તો આપણા મંત્રો પણ તેમને આકર્ષે છે. જો તું કેવો દોડતો આવી ગયો ?’

બાબાએ ગણેશને તથા તેનાં બહેન–બનેવીને મહાપ્રસાદ જમીને જવાનો આગ્રહ કર્યો. ગણેશ જાતજાતની મીઠાઈ જોઈને ખુશ થઈ ગયો. બાબા ગોરખનાથે ગણેશને કહ્યું: ‘આવતા વીક એન્ડમાં તું એકલો આવજે.’

બીજા શનીવારે ગણેશ, બાબાના ‘ગોરખ આશ્રમ’ પર ગયો. બાબા રાહ જોતા હતા. તેમને પોતાના પ્રાઈવેટ રુમમાં લઈ ગયા. પછી બોલ્યા ‘જો આ કોન્ટ્રાક્ટ. મેં વકીલ પાસે બનાવડાવ્યો છે. તેમાં હું તને ગેરેન્ટી આપું છું કે એક વરસમાં મારે મંત્રો વડે તારું વજન સો પાઉન્ડ ઉતારી દેવાનું. ઉતરે છે એવો ભાસ દરેકને થાય છે. અને તારું સો પાઉન્ડ વજન ઉતરવાનું નથી. એટલે તારે મને કોર્ટમાં લઈ જવાનો અને દાવો માંડવાનો – પાંચ દશ મીલીયનનો. મેં મારા ધંધાનો કરોડોનો ઈન્સ્યોરન્સ લીધો છે. આ દેશમાં તો કૉફીનો કપ એક સ્ત્રી પર પડ્યો અને તે દાઝી ગઈ તો સ્ટોરવાળાએ 70 લાખ ડૉલર ચુકવવા પડ્યા હતા. આવા ખેલ આ દેશમાં બહુ થતા હોય છે. એટલે તારું વજન ઉતર્યું નથી એટલે તું જરુર જીતીશ.’

ગણેશ કહે, ‘પરન્તુ હું ન જીતું તો ?’

બાબા કહે, ‘તું કેમ ન જીતે ? તારા માટે કોઈ જ્યુઈશ લૉયર ગોતીશું. અને મારા માટે  ઈમીગ્રેશનવાળા દેશી વકીલને પકડીશું.’

બાબાએ વાત આગળ ચલાવી.

‘આપણે જે પૈસાની વાત કરીએ છીએ તે મારી ઈન્સ્યોરન્સ કંપની તરફથી મળશે. અને જે કાંઈ પૈસા તને મળે તેમાં અડધો ભાગ મારો. તને પૈસા મળશે અને મને પણ પૈસા મળશે. અને પબ્લીસીટી મળશે તે નફામાં.’

ગણેશે કશું જ ગુમાવવાનું નહોતું – વજન સુધ્ધાં નહીં. તે સમ્મત થઈ ગયો. કોન્ટ્રાક્ટ પર સહી કરી દીધી. બાબા ગોરખનાથ પોતે જ નૉટરી પબ્લીક હતા. ભોજન પર પ્રતીબંધ નથી તેનો આનન્દ ગણેશને હતો. દર મહીને બાબાને વજનનો રીપોર્ટ આપવાનો અને શક્ય હોય તો ગોરખ આશ્રમ પર ચક્કર લગાવી જવાનું અને મહાપ્રસાદ જમીને ઘેર જવાનું.

પહેલા મહીને ગણેશનો ફોન આવ્યો કે મારું દશ પાઉન્ડ વજન ઓછું થયું છે. બાબા મને એમ કહેશે : ગણેશ, એક ટંક ન જમે તો પણ દશ પાઉન્ડ તો વજન ઉતરે. બીજા મહીને ગણેશનો ફોન આવ્યો કે તે મંત્રોચ્ચાર બરાબર કરે છે. અને બીજા દશ પાઉન્ડ વજન ઘટ્યું. બાબાએ વાત હસી કાઢી. ત્રીજા મહીને બાબાએ એને મળવા બોલાવ્યો. ગણેશે ખાસ્સી ત્રીસ પાઉન્ડની ચરબી ઉતારી હતી ! બાબાએ તેને ગુલાબજાંબુ–સમોસા–પુરીઓનો છપ્પન ભોગ ખવડાવીને ઘેર મોકલ્યો. બે મહીના પછી ગણેશે બાબાને કહ્યું કે લગભગ 50 પાઉન્ડ વજન ઓછું થયું. હવે બાબા ગુંચવાયા. ‘સાલા, આ મંત્રો તો સાચા લાગે છે !’ ગણેશે કહ્યું કે ખોરાક તો એનો એ જ છે ! બાબાએ તેને ગુરુના ગ્રહ પરથી લઈ લીધો અને શનીના મંત્રોચ્ચાર આપ્યા. ઉત્સાહમાં ને ઉત્સાહમાં ગણેશ એક નાનકડી વાત કહેવાનું ચુકી ગયો હતો કે તેણે ઘર બદલ્યું છે અને પાંચમા માળે લીફ્ટ વીનાના બીલ્ડીન્ગમાં રહે છે. અને એણે રોજ પાંચ–છ વાર ઉપરનીચે જવું પડે છે.

બાબાએ જોયું તો શની મહારાજે પણ કોઈ ચમત્કાર ન કર્યો. ગણેશ વજન ગુમાવતો હતો. દશ મહીને ગણેશ મળવા આવ્યો ત્યારે તેનું વજન સો પાઉન્ડ ઘટી ગયું હતું.

બાબા ગોરખનાથના હાથમાંથી વધારે પૈસાદાર થવાની સ્કીમ છટકી ગઈ. આશ્ચર્ય તો એ વાતનું હતું કે, ‘સાલા, ગ્રહોના આ મંત્રો વજન ઘટાડી શકે છે !’

નીરાશ ન થતાં બાબા ગોરખનાથે ગણેશને કહ્યું ‘મને બેપાંચ દીવસ આપ. અને રવીવારના દરેક ન્યુઝ પેપરમાં આપણી નવી જાહેરખબર જોવા મળશે. પછી આપણે નવો કોન્ટ્રાક્ટ કરીશું.

ગણેશ ખુબ આનન્દભેર આશ્રમમાં મહાપ્રસાદ આરોગીને ઘેર ગયો.

બીજા રવીવારનું છાપું તેણે ખોલ્યું. અંદર ફુલ પેજની ઍડ હતી.

‘ગ્રહોના મંત્રોચ્ચારથી માથાના વાળ ઉગાડો –બાબા ગોરખનાથ.’

–હરનીશ જાની

 2003માં પ્રકાશીત થયેલા, લેખકના હાસ્ય વાર્તાસંગ્રહ ‘સુધન’ (પ્રકાશકઃ સુનીતાબહેન ચૌધરી, રંગદ્વાર પ્રકાશન, 15, યુનીવર્સીટી પ્લાઝા, દાદાસાહેબનાં પગલાં પાસે, નવરંગપુરા, અમદાવાદ – 380 009 eMail : rangdwar.prakashan@gmail.com પૃષ્ઠ સંખ્યા – 180, મુલ્ય– 100/- રુપીયા)માંથી લેખકશ્રીની પરવાનગીથી સાભાર.. ..ગોવીન્દ મારુ..

લેખક–સમ્પર્ક:

Harnish Jani

4, Pleasant Drive, YARDVILLE, NJ – 08620 – USA

E-Mailharnishjani5@gmail.com    –   Phone – 001-609-585-0861

‘અભીવ્યક્તીઈ.બુક્સ

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ ‘અભીવ્યક્તી–ઈ.બુક્સ મારા બ્લોગના મથાળે  ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/  માં મુકી છે. સૌ વાચકબંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.

જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક મોકલી આપીશ.

 ‘રૅશનલ–વાચનયાત્રા’માં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’ બ્લોગના હોમ–પેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.. ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66  ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 26–12–2014

25 Comments

  1. As they say America is land of opportunity. One just need to manage properly. Yes, being in USA, I have noticed so many new commer has came with similar advertisement, if it is either Vastushashtra, Jyotishi, or simple Dora-Dhaga. Not to long ago, dismissed inspector from south India came to USA and claim himself Shiv-devotee. He progress with opening of his Ashrama in Metro Atlanta area and start selling reti (sand) as Shive-bhabhooti. 1 oz (30 gram) bag sold for more than $1000. When local media caught on this, he point out stating that he doesnot do this kind of thing, yet his assistance has done this.

    Needless to say, Ashrama got close quick, and he fled with ample $$$.

    If human do this 3 thing everyday : Learn to forgiveyourself, learn to accept who you are, and learn to love yourself, then you will not need any Baba or guru.

    Like

  2. સ્નેહિ હરનિશભાઇ,
    ચેત મછંદર ગોરખ આયા.
    મને સો ટકા યાદ છે કે જ્યોતિન્દ્ર દવેને દેવી સરસ્વતિઅે વરદાન આપેલું હતું કે ગુજરાતની ભૂમિમાં જ્યારે જ્યારે મૌલિક શુક્ષ્મ હાસ્ય દ્વારા જ્ઞાનોપાસનાની જરુરત વર્તાશે ત્યારે ત્યારે તેમનો પુન:જનમ થશે. આજે તે વરદાન સાચુ પડેલું સમજાયું.
    આજની આ કોમેંટને અહિ વિરામ આપુ છું. વઘુ આવતી કોમેંટમાં. જોતા રહેજો……
    અમૃત હઝારી.

    Like

  3. Truth is always bitter and you told the truth. Yes, number of temples are opening almost every day. Every body starts their own cult just to create their own followers. “Religion” per se has become a business where these hypocrites make lot of money. I don’t find fault with these so called “pandyas” but I find fault with blind faith followers. Enough said.

    Like

  4. दूनीया झूकती है झूकानेवाला चाहीए.दील्ली वाला एक बाबा रोज अमरीकाके टीवी पर आधा घंटा अपना कमाल दीखाताहै.मैं ईस कारण वह टीवी चेनल बंध करता हूं.श्रीगोवींदभाईसे प्रार्थना है की उसे पुछेकी धंधा भारतमें और जाहेरात अमरीकी टीवी पर क्यूं?

    Like

  5. ઍવું લાગે છે કે હિન્દુઓ અને મુસલમાનોમાં તિવ્ર હરીફાઈ થઈ રહી છે. તકસાધુ મુસલમાનો ઍટલે કે બનવટી બાબાઓ ની તાવીજ દોરા ધાગાવાળી લોભામણી અને ગેરમાર્ગે દોરાવતી જાહેરાતો થી ઉત્તર અમેરિકાના અખબારો ભરેલા હોય છે. અન્ધ્ધશ્રધાળુઑ ના પૈસે આવા તકસાધુઑ ઉત્તર અમેરીકામાં આવીને કરોડપતિ થઈ ગયા છે.

    કાસીમ અબ્બાસ

    Like

  6. હરનિશભાઈએ (દલપતરામના શબ્દોમાં કહીએ તો) ” ચાર પગાંની જાન આ જોડી બેપગાં સારુ, સમજે તો સારું નહીં તો હસવા વારુ.” ફેર એટલો જ છે કે ચારપગાં શ્રદ્ધા- અશ્રદ્ધા, ભગવાન, ધર્મ જેવાં કશાંમાં માનતાં નથી. એમનું કામ તો બરાબર ચાલતું હોય એમ લાગે છે.

    Like

  7. આવા તો કેટલાય સાચા કિસ્સા આપણે અહીં બનતા જોઇએ છીએ. અમારા જેવા લખે છે. પણ આપણા દેશી અંધશ્રધ્ધાળુઓ ક્યારેય સુધરવાના નથી. આપણે તો માત્ર અરણ્યરુદન કર્યા કરવાનું છે. એક બની બેઠેલા બાબા, કેટરીના કેફ જેવી રુપાળી સ્ત્રીને મા પાર્વતીજીનો અવતાર બતાવીને, એમના ફોટાના ચરણસ્પર્ષ કરાવે છે. અને ગાંડા ગુજરાતીઓ એમ કરે છે પણ ખરા. આ બાબા ડીસ-એબિલિટી, મેડીકેઇડ ( મેડીકેઇડ નહીં ) અને ફૂડકૂપન્સ લે છે અને બાબાના ધંધામાંથી મળેલી રોકડી પર તાગડધિન્ના કરે છે. શ્રીરામ…શ્રીરામ…
    નવીન બેન્કર

    Like

  8. સ્નેહિશ્રી દિપકભાઇ,
    ચારપગાની વાત સાચી છે…તેમને, ભગવાન, ખુદા, ક્રાઇસ્ટ, પયગંબર, દેવ, દેવી કોણ? તેઓ તો પોતાના જીવન જીવીને માણસ દ્વારા અેક્સપ્લોઇટ થઇને આ જીવન પુરું કરે છે. આ આખા લેખનું મૂળ ‘ અેક્સપ્લોઇટેશન‘ જ છે. ઉલ્લુ બનાવીને કે પછી મજબુરીનો ગેરલાભ લઇને સામેવાળાના જીવન સાથે ખેલવાડ કરવો. માણસ અને ફક્ત માણસ, સમજીને…પુરા જ્ઞાન સાથે જે કોઇ હાથમાં આવે તેનું અેક્સપ્લોઇટેશન કરે છે.અક્સપ્લોઇટેશનના પ્રકારો જુદા જુદા હોવાના…તે શીકાર અને શીકારીના અને તેમની વચ્ચેના વાતાવરણ ઉપર આઘાર રાખે છે. ‘વેપાર‘ શબ્દ આ અક્સપ્લોઇટેશનની પ્રક્રિયા છે. પોતાના સ્વાર્થિ મતલબ માટે સામેવાળાનો (ગેર)લાભ લેવો. અમુક વેપારને વિશાળજનમાનસે મંજૂરી આપી છે. બીજા વેપાર, માણસે ઘડેલાં અને વિશાળજનમાનસે સ્વીકારેલાં કાયદાની અૈસી તૈસી કરીને કરવામાં આવે છે જેનું નિરુપણ જાની સાહેબે કર્યુ છે.
    નવા વષૅની સૌને શુભેચ્છા. માનવતા ભરેલાં જીવન જીવવા માટે દરેકને મન અને તનની તંદુરસ્તી પ્રાપ્ત થાય.
    અમુત હઝારી.

    Like

  9. આપ સૌ મિત્રોનો આભાર,કાસિમભાઈની વાત સાચી છે. પરંતુ હું બીજા ધર્મો પર ટીકા કરવાથી દૂર રહું છું. તેને માટે આપ લખો. ખરેખર તો મારે બાબાઓના બ્હાને હાસ્ય ઉપજાવવું હતું તમે ધ્યાન આપશો તો ઘણાં મારા બનાવેલા કોટેશન્સ દેખાશે. જેવા કે “અર્લી ટુ રાઈઝ અર્લી ટુ બેડ વર્ક લિટલને એડવર્ટાઈઝ.”
    થેન્ક યુ ગોવિન્દભાઈ .

    Like

  10. હરનીશ જાની ના માર્મિક હાસ્ય લેખો તાજગી આપે છે.

    Like

  11. માણસને બધું જલ્દી જલ્દી અને સહેલાઈથી મેળવી લેવું છે અને એટલે જ આવા પાખંડી બાબાઓ બિલાડીના ટોપની જેમ ફાટી નીકળે છે. શું અમેરિકા કે શું ભારત. આવું તો સદીઓથી ચાલતું આવ્યું છે. કવિ તુલસીદાસે પણ કહ્યું હતું…… तुलसी इस संसारमें पाखंडी की माँग, गली गली गोरस फिरे, मदिरा बैठे बिकाई !

    Like

  12. It is very interesting and with full of truths. Thanks for this good article.

    Thanks,

    Pradeep H. Desai
    USA

    Like

  13. Enjoy your article.

    લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ના મરે. કોઈને વજન ઉતારવાનો લોભ તો કોઈને પૈસા કમાવાનો

    Like

  14. પ્રિય ગોવિંદ ભાઈ
    મને ખુબ ગમીજાય એવું સાહિત્ય પીરસવા બદલ આભાર
    બાબા હરનીશ જાની અને ભાઈ શ્રી શ્રી શ્રી શ્રી ગોવિંદ મારૂને આતા બાપુ ભુવા બાબાના જય ગુરુ ગોરખ નાથ

    Liked by 1 person

  15. અને વી કે વોરા સાહેબને કેમ ભૂલાય એમને ગુરુ ગોરખનાથ અને ગુરુ મત્સ્યેન્દ્ર નાથ બંનેના જય જય

    Liked by 1 person

  16. પ્રિય વોરા ભાઈ
    તમારી આગળ ગુરુ ગોરખ નાથ અને એમના ગુરુ મત્સ્યેન્દ્ર નાથની મેં જય બોલાવી એ તમને ગમી એથી મને ઘણી ખુશી થઇ .

    Liked by 1 person

  17. અપના દેશમાં અને આપના દેશી ભાઈઓએ જ્યાં વસવાટ કર્યો છે ત્યાં અંધશ્રદ્ધા સાથે લઈને ગયા છે .

    Like

Leave a comment