ધર્મકથાઓ અને પારાયણો ફક્ત રાતે જ યોજાય તો ?

raman-pathak1

સુરતના દૈનીક ‘ગુજરાતમીત્ર’માં સાપ્તાહીક કૉલમ ‘રમણભ્રમણ’ થકી દર શનીવારે લગભગ ચાર દાયકાઓ સુધી અને મુમ્બઈના તે સમયના દૈનીક ‘સમકાલીનમાં ‘સંશયની સાધના’ કૉલમ મારફત, સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં રૅશનાલીઝમનો મહીમા ઉજાગર કરનાર અને જીન્દગીભર રૅશનાલીઝમ (‘વીવેકબુદ્ધીવાદ’)ની રાહે એક સાચુકલા ‘માનવ’ જેવું જીવન જીવનાર રૅશનાલીઝમના ‘ભીષ્મપીતા’ રમણભાઈ પાઠક (વાચસ્પતી)નું તારીખ: 12 માર્ચ, 2015ના રોજ બારડોલીમાં એમના નીવાસસ્થાને દેહાવસાન થયું હતું. તે સમયે અમેરીકાસ્થીત એમનાં દીકરી શર્વરીબહેન ત્યાં હાજર હતાં. ‘અભીવ્યક્તી’ બ્લોગ, એના સર્વ લેખકમીત્રો અને સઘળા વાચકમીત્રો વતી સદ્ ગતને સાદર ભાવાંજલી..

પ્રા. રમણભાઈની ઈચ્છાનુસાર એમની સ્મશાનયાત્રાનો તો સવાલ જ નહોતો. એમણે દેહદાન કર્યું હતું. વીચારોમાં સ્પષ્ટ અને અડગ એવા પ્રા. રમણભાઈ ભલે હવે સદેહે આપણી વચ્ચે નથી રહ્યા; પરન્તુ અક્ષરદેહે એમની રૅશનલ વીચારયાત્રા ‘અભીવ્યક્તી’ બ્લોગ પર સદા જીવંત રહેશે… ‘અભીવ્યક્તી’ તરફથી એમનાં પુસ્તકો ‘વીવેક–વલ્લભ’ અને ‘વીવેક–વીજય’ ને ઈ.બુકનું રુપ આપવાનું અને એમના અક્ષરદેહને સૌ વાચકોને તે મફત ભેટરુપે ધરવાનું કામ ઝડપભેર ધપી રહ્યું છે. એમનાં અન્ય પુસ્તકોને પણ ઈ.બુકસ્વરુપ આપવાની અમારી નેમ છે.. એ જ એમના જીવનકાર્યને સાચી શ્રદ્ધાંજલી..

સદ્ ગતને ભાવભરી અંજલી..

  …ગોવીન્દ મારુ..

ધર્મકથાઓ અને પારાયણો ફક્ત રાતે જ યોજાય તો ?

પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)

કીં તદ બ્રહ્મ, કીમધ્યાત્મમ,

કીં કર્મ પુરુષોત્તમ ?

અધીભુતં ચ કીં પ્રોક્તમ,

અધીદૈવં કીમુચ્યતે ?

(શ્રી–ગીતા, 8/1)

એક નીવૃત્ત વૃદ્ધે બાગમાં કહ્યું કે હું વૃદ્ધાવસ્થાનો સમય ધાર્મીક પ્રવૃત્તીમાં ગાળું છું, તો બીજાએ વળી બીજા પ્રસંગે જણાવ્યું કે મારો મોટા ભાગનો સમય આધ્યાત્મીક પ્રવૃત્તીમાં વીતે છે. એ સાંભળી સાથેના મીત્રે પ્રશ્ન કર્યો કે ‘ધાર્મીક’ અને ‘આધ્યાત્મીક’ એ બે શબ્દોનો ચોક્કસ અર્થ શો ? એ બે વચ્ચે કોઈ અર્થભેદ ખરો ?

મેં કહ્યું, આવો જ પ્રશ્ન શ્રીમદ્ભગવદગીતામાં અર્જુને શ્રી. કૃષ્ણને કર્યો છે. જોકે કૃષ્ણભગવાને સ્પષ્ટ તથા વીગતવાર ઉત્તર નથી આપ્યો, ટુંકમાં જ બધું પતાવી દીધું છે. તો ચાલો, એ પરત્વે થોડું ચીન્તન કરીએ: વળી, એ એટલા માટે પણ જરુરી છે કે આજ કાલ સારા લેખકો અને વીદ્વાનો પણ ‘આધીભૌતીક’ શબ્દ ‘અલૌકીક’ના અર્થમાં પ્રયોજે છે; કારણ કે ‘અધી’ પુર્વગ એવો આભાસ ઉત્પન્ન કરે છે. કીન્તુ ખરેખર તો, આધીભૌતીક એટલે કેવળ ભૌતીક જ, અર્થાત્ સ્થુળ, જડ પદાર્થને લગતું. આ દુનીયાને લગતું વગેરે. ‘અલૌકીક’નો અર્થ ‘ભૌતીક’ શબ્દને અર્પવો હોય તો ‘અતીભૌતીક’ થાય, અર્થાત્ ‘અતી’ પુર્વગ લગાડવો રહે. ચાલો બસ, ભાષાવીજ્ઞાનનો આટલો ઈશારો જરા જરુરી જણાયો એટલે કરી લીધો.

મીત્રને મેં દાખલા દ્વારા આધ્યાત્મીક અને ધાર્મીક વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતાં કહ્યું, ડૉ. ગુણવંત શાહનાં ‘ગીતાપ્રવચનો’ તે આધ્યાત્મીક પ્રવૃત્તી કહેવાય, જ્યારે પુ. મોરારીબાપુની ‘રામાયણકથા’ તે ધાર્મીક પ્રવૃત્તી કહેવાય. શ્રી. અરવીંદનું ‘ચીન્તન’ તે આધ્યાત્મીક વીષય ગણાય, જ્યારે ‘શીક્ષાપત્રી’નો ઉપદેશ એ ધાર્મીક બોધ લેખાય. અગાઉ મેં એક પ્રસંગે ધર્મની ત્રણ શાખાઓ દર્શાવેલી: (1) ચીન્તન (2) ભક્તી અને (3) વીધીનીષેધો. જોકે ધાર્મીકતામાં કર્મકાંડ પણ સમાવીષ્ટ છે; પરન્તુ અમુક કર્મકાંડને પુજા ભક્તીમાં અને અન્યને વીધીનીષેધોમાં સમાવી લઈ શકાય. દા.ત., દેવને નવડાવવા, પત્ર, પુષ્પ, સુગંધ કે ફલાદી અર્પણ કરવાં એવું કર્મકાંડ તે ભક્તીમાં આવે, જ્યારે સંધ્યાકાળ પુર્વે જમીજ લેવું યા ભોજન પુર્વે સ્નાન કરવું જ, જેવા કર્મકાંડ વીધીનીષેધોમાં સમાવી લઈ શકાય.એવું જ લગ્નવીધી, શ્રાદ્ધવીધી આદી પરત્વે સમજી લેવું.

કેટલાક પુરુષો, વીશેષત: શીક્ષીત તથા સજાગ સામાજીકો, આજકાલ ધાર્મીકતા કરતાં આધ્યાત્મીકતાને ઉંચી ગણાવે છે અને શબ્દવ્યંજના પણ એમ જ સુચવે છે કે ધર્મની અપેક્ષાએ અધ્યાત્મ કંઈક સુક્ષ્મતર વીષય કે વીભાવના છે. ધર્મ મહદંશે સામાજીક વ્યવસ્થા લેખાય, જેમાં વ્યવહાર,ફરજો, માન્યતાઓ, ઉત્સવો, લેબલો આદી અનેક જીવનલીલાઓનો સમાવેશ થાય છે. જ્યારે અધ્યાત્મ એટલે આત્મા–પરમાત્મા વીષયક જ્ઞાન તેમજ ચીંતન.

જોકે આખરે તો આ બધી જ કપોળકલ્પનાઓ છે, એટલે કેવળ મીથ્યા પ્રવૃત્તી છે. કારણ કે આત્મા યા પરમાત્મા જેવાં કોઈ તત્ત્વો–સત્ત્વો વાસ્તવીક અસ્તીત્વ ધરાવે છે કે નહીં? – એ વીજ્ઞાને હજી શોધવું અને સીદ્ધ કરવું બાકી જ છે.અત્યાર સુધીમાં પ્રાપ્ત થયેલાં જ્ઞાન તથા તર્કવીવેક વડે તો એ જ સીદ્ધ થાય છે કે આત્મા યા પરમાત્મા જેવું કશું જ અસ્તીત્વ ધરાવતું નથી, જે છે તે બધી જ પદાર્થ લીલા છે, જડના જ બધા વીવર્તો છે. સદીઓ પુર્વે ચાર્વાક મુનીએ કહેલું કે ચૈતન્ય જેવો કોઈ સ્વતંત્ર પદાર્થ છે જ નહીં, માટે આત્મા નથી; પંચમહાભુતોના સંમીશ્રણમાંથી જ ચૈતન્યભાવ ઉદ્ભવે છે. હવે આધુનીક વીજ્ઞાન પણ એ જ સીદ્ધ કરે છે કે દ્રવ્ય (પદાર્થ) અને ઉર્જા એ બે ભીન્ન ભીન્ન તત્ત્વો નથી, એક જ છે અને એકનું અન્યમાં રુપાંતર થઈ શકે છે. દા.ત., કોઈપણ સ્થુળ પદાર્થ પ્રકાશના વેગે ગતી કરે તો એ ઉર્જામાં પરીવર્તીત થઈ જાય છે વગેરે…

થોડીક આડવાત કરીએ તો, આવું સાદુંઅને સાચું સત્ય સહેજે સ્વીકારી લેવાને બદલે, લોકો આત્મા–પરમાત્માનાં કાર્યો તથા પરસ્પર સમ્બન્ધો સમજવા જીવનભર કથાપ્રવચનો સાંભળવા દોડે છે અને કેવળ મીથ્યા પ્રવૃત્તીમાં કીમતી સમય બરબાદ કરે છે. એક સરસ પ્રેરક પ્રસંગ અત્રે ટાંકવા જેવો સમજું છું: 1961ના વર્ષની આ ઘટના છે, જ્યારે ઈંગલેન્ડમાં ફ્રી–થીંકરો, એટલે કે રૅશનાલીસ્ટોની એક વીશ્વ પરીષદ મળેલી, જેમાં ભારતના જગવીખ્યાત તથા વીદ્વાન વીવેકબુદ્ધીવાદી અગ્રણી, શ્રીલંકાની રૅશનાલીસ્ટ સંસ્થાના પ્રતીનીધી તરીકે ડૉ. અબ્રાહમ કોવુર હાજરી આપવા માટે ગયા હતા. પરીષદમાં મુખ્ય વક્તા તરીકે બ્રીટનના મજુર પક્ષના તે વખતના સાંસદ લૉર્ડ ફ્રેનર બ્રોકવે પણ હતા, જેઓએ પોતાના પ્રવચનમાં કહ્યું કે, ‘પશ્ચીમના સુવીકસીત દેશોએ તથા ભૌતીકવાદી રાષ્ટ્રોએ પુર્વના ગરીબ અને અધ્યાત્મવાદી દેશોને મદદ આપવાનું બંધ કરી દેવું જોઈએ.’ આવું વીધાન સાંભળતાં ડૉ. કોવુરને તો તીવ્ર આઘાત લાગ્યો; કારણ કે લૉર્ડ બ્રોકવે ભારત, શ્રીલંકા જેવા પુર્વના દેશો પ્રતી વીશેષ સહાનુભુતી ધરાવનાર એક ઉદારમતવાદી તરીકે જાણીતા રાજપુરુષ હતા. પરીષદ બાદ ડૉ. કોવુરે, લૉર્ડ બ્રોકવેને આશ્ચર્યવત્ પ્રશ્ન કર્યો કે ‘આપ નામદાર તો અમારા હમદર્દ છો;છતાં કેમ એવું કહો છો કે સમૃદ્ધ પશ્ચીમી દેશોએ દરીદ્ર એશીયાઈ દેશોને મદદ કરવી જોઈએ નહીં ?’

જવાબમાં મંદ સ્મીત કરતાં લૉર્ડ બ્રોકવે બોલ્યા, ‘અમે પશ્ચીમી પ્રજાઓ સુખી તથા સમૃદ્ધ છીએ, એનું કારણ તો જાણો છો ને ? અમે લોકો દીનરાત કઠોર પરીશ્રમ કરીએ છીએ, વીજ્ઞાન તથા ટૅકનોલૉજીનો સમ્પુર્ણ વીનીયોગ કરીને અમે અમારી આ ધરતી પરના જ ભૌતીક જીવનને વધુ ને વધુ સુખી તથા સગવડભર્યું બનાવવાનો પુરુષાર્થ ખેડી રહ્યા છીએ, જ્યારે તમે પુર્વની ‘આધ્યાત્મીક’ પ્રજાઓ, મૃત્યુ અને મૃત્યુ પછીના બીજા ભવનું જીવન યા પછી જે હોય તે – એ અવસ્થા સુધારવા માટે કલ્પીત દેવીદેવતાઓને ખુશ કરવા પાછળ જ મોટા ભાગનાં સમય–શક્તી નીરર્થક વેડફ્યા કરો છો ! તમારા દેશોનાં કામ કરી શકે એવા સર્વ સશક્ત ને યુવાન સ્ત્રી–પુરુષો સુધ્ધાં જીવનના કેટલા બધા કલાકો કથાપારાયણો, દેવદર્શન, ભક્તીપુજા યા યાત્રાપ્રવાસો ને પદયાત્રાઓ પાછળ બરબાદ કરો છો અને કામ કરતા નથી ! ચાલુ ફરજે પણ કામ છોડી તમે લોકો ભક્તીવન્દના માટે નીકળી પડો છો ! આમ તમે તમારાં પાપે જ દુ:ખી થાઓ છો. અરે ! જ્યારે તમારો હજાર હાથવાળો ભગવાન જ તમને સહાય કરશે એવી શ્રદ્ધા તમે લોકો ધરાવો છો તો પછી શા માટે અમારી મદદ માંગો છો ? વગેરે.’

લૉર્ડ બ્રોકવેની વાત સાવ સાચી : બાવાબાપુઓનાં કથા–પારાયણોમાં આઠ–દસ દીવસો સુધી રોજના આઠદસ કલાક આપણા લાખો લોકો નવરાધુપ બેઠા જ રહે, કંઈ જ ઉત્પાદક કાર્ય ન કરે, અને વર્ષભર અનેક સ્થળે આવી વીનાશક પ્રવૃત્તી વળી અનેકાનેક રુપે ચાલ્યાં જ કરે ! પછી દેશ સમૃદ્ધ થાય જ ક્યાંથી ? અને આખર, આવાં કથા–પારાયણોથી લાભ શો ? પ્રજાનું આર્થીક ધોરણ તો કથળે જ; છતાં ધારો કે, નૈતીક ધોરણ પણ ઉંચુ આવતું હોય તોય ભલે માફ ! પરન્તુ એય કરુણ રીતે કથળ્યું જ સ્પષ્ટ રીતે સમજાય છે : આપણા જેવી ભયંકર ભ્રષ્ટાચારી તથા ઘોર અનૈતીક પ્રજા, આ દુનીયામાં બીજી બહુ થોડી જ હશે. ચાલો, તત્કાળ એક સુધારો તો કરી જ નાખીએ : કથાવાર્તા ને પાઠપારાયણો ફક્ત રાતે જ યોજી શકાય એવો કાયદો કરો ! બાપુઓ, સ્વામીઓ, મહારાજો તમેય સાંભળો છો કે ? તો જરા સહકાર આપશો !

આ થઈ ધાર્મીક પ્રવૃત્તીઓના વીનાશક પરીણામની વાત ! તો વળી, આધ્યાત્મીક પ્રવૃત્તીય એટલી જ મીથ્યા તથા મહદંશે વ્યક્તીગત અને થોડે અંશે રાષ્ટ્રીય અવનતી–હાની જન્માવનારી જ છે; કારણ કે એની પાછળ પણ નીરર્થક જ સમય–શક્તી વેડફાય છે. દા.ત., મારા એક મીત્ર મોટા વીદ્વાન તથા ઘણા સમજદાર પુરુષ છે; છતાં સંસ્કારવશ રોજ ધ્યાન કરે છે. હવે પોતાની એવી અન્ધશ્રદ્ધાનો બચાવ કરવા, એને ‘ગ્લોરીફાય’ કરવા એકદા તેઓ મને કહે, ‘હું કાંઈ પુજાભક્તીરુપે કે ચીત્તનાં શાંતીસ્વાસ્થ્ય જેવા સામાન્ય હેતુસર આ ધ્યાન નથી કરતો; હું તો વૈશ્વીક–કોસ્મીક લય સાથે મારા પોતાના લયનું અનુસંધાન સાધવા આવી આધ્યાત્મીક સાધના કરું છું.’

એ સાંભળી મેં તેઓની સમક્ષ ચાર પ્રશ્નો મુક્યા :

1. વીશ્વમાં યા બ્રહ્માંડમાં કશું લય જેવું છે ખરું ? ત્યાં તો અંધાધુંધ બળનો જ સીદ્ધાન્ત પ્રવર્તે છે, અને ઘોર અવ્યવસ્થા ચાલે છે. દા.ત., હમણાં જ એક વીરાટ ધુમકેતુને ગુરુનો ગ્રહ નીર્મમ ભાવે આખો ને આખો જ ગળી ગયો ! તો મીત્ર, બ્રહ્માંડમાં તો આવો છે કોસ્મીક લય !

2. આપણો પોતાનો લય એટલે શું ? આ દેહ તો કુદરતના સર્વ અન્ધ કાનુનને જ આધીન એવું એક જડવત્ યંત્ર માત્ર છે, વધુમાં, વળી ભદ્દું અને ગંદું ! એમાં યાંત્રીક સંચલન સીવાય કોઈ ઉચ્ચતર લય નથી દેખાતો.

3. કોસ્મીક લય સાથે આપણા લયનું, જો એવું કંઈ હોય તો; એનું અનુસન્ધાન ધ્યાન દ્વારા સીદ્ધ થાય, એવો કોઈ નીયમ છે ખરો ? એનો પુરાવો શો ?

4. અને આખર, આવી બધી અનીશ્ચીત કડાકુટો કરવાથી લાભ શો ?

આપણો આત્મા પરમાત્મારુપ પરમ વૈશ્વીક ચૈતન્યનો જ એક અંશ છે, એવી અજ્ઞાનજનીત, પુરાણી આધ્યાત્મીક માન્યતામાંથી જ આવાં બધાં કર્મકાંડ પ્રગટ્યા સમજાય છે. અને હવે આ એકવીસમી સદીના વીજ્ઞાનયુગમાં જેમ અનેક કાલગ્રસ્ત અને કાલસાપેક્ષ ધાર્મીક માન્યતાઓ, વીધીનીષેધો તથા કર્મકાંડ આમુલ પરીવર્તન માગી લે છે; એજ રીતે આધ્યાત્મીકતાના ખોટા ખ્યાલો પણ બદલાવા જોઈએ. નાનાલાલીય પરીભાષામાં અંતે ઉદ્બોધું તો : ‘આત્મા તો દીઠો હોય તે દાખવે, આપણાં માનવીનાં તો છે આ શરીર !’

ભરતવાક્ય

યોગીક ક્રીયાઓ અથવા માનસીક એકાગ્રતા કે ધ્યાનાદી વડે જેવી અલૌકીક (અવાસ્તવીક) મનોગત અનુભુતીઓ પ્રાપ્ત થઈ શકે છે, બરાબર એવી જ (દીવ્ય) અનુભુતીઓ ગાંજો, એલ.એસ.ડી., મેસ્કેલીન, હેરોઈન, અફીણ, ભાંગ ઈત્યાદી નશીલાં દ્રવ્યોના સેવન દ્વારા પણ પ્રાપ્ત થઈ શકે છે. વળી, એવો જ અનુભવ ચોક્કસ બીમારીઓ દરમીયાન પણ માણસને થાય છે. એનો અર્થ એ જ કે કેફી દ્રવ્યો, તાન્ત્રીક પ્રયોગો, સમ્મોહન અથવા આત્મસમ્મોહન તેમ જ હોર્મોન–વીટામીનોની ખામીને પરીણામે ઉદ્ભવતા માનસીક રોગો એ સર્વ દ્વારા એકસરખી જ માનસીક ભ્રમણાઓ માણસના મનમાં ઉદ્ભવે છે. પરન્તુ અન્ધશ્રદ્ધાળુ જણ એને વીશ્વચેતના, બ્રહ્મજ્ઞાન યા મુક્તાવસ્થા ગણી–ગણાવી ખોટો જ ખુશ થતો ફરે છે.

 –ડો. અબ્રામ કોવુર

       પ્રા.રમણ પાઠક (વાચસ્પતી)

મુમ્બઈનું દૈનીક સમકાલીન (હવે બંધ છે)માં, દર મંગળવારે પ્રગટ થતી રહેલી પ્રા. રમણ પાઠકની લોકપ્રીય કટાર સંશયની સાધનામાં પ્રગટ થયેલા ઘણાબધા લેખોમાંથી, આપણા ગઝલકારમીત્ર વીજ્ઞાનવીદ્, રૅશનાલીસ્ટ અને  એમ. ટી. બૉઈઝ ટૅકનીકલ હાઈ સ્કુલ, સુરતના આચાર્ય શ્રી. સુનીલ શાહે પસંદ કરેલા લેખોનું, ડીસેમ્બર 2008માં, પુસ્તક વીવેકવલ્લભ ગ્રંથનું સમ્પાદન કર્યું. સુરતના રૅશનાલીસ્ટ ચીન્તક, વક્તા અને લેખક શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા vallabhitaliya@gmail.com )નો આર્થીક સહયોગ મળતાં તે પ્રકાશીત થયું.

વીવેકવલ્લભ પુસ્તક (જે હાલ અપ્રાપ્ય છે.)નું આ પ્રકરણ–03, લેખકશ્રી અને સંપાદકશ્રીના સૌજન્યથી સાભાર… ..ગોવીન્દ મારુ..

અભીવ્યક્તી.બુક્સ વીશે :

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ અભીવ્યક્તી.બુક્સ’ મારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/ માં મુકી છે. સૌ વાચકબંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે.જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ–સરનામા સાથે મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત સાવધાની રાખીશ.. ..ગોવીન્દ મારુ..

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, એરુ ચાર રસ્તા, વીજલપોર પોસ્ટએરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 .મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 13/03/2015

20 Comments

  1. અમારા ઈસ્લામ ધર્મમાં પણ કરોડો અંધ્ધશ્રદ્ધાળુ મુસલમાનો વાઍઝ, મીલાદ, ઉર્સ ના મેળા(મરણતીથિ), કવ્વાલી, તાજીયા જુલુસ, મીલાદ જુલુસ અને પ્રકાર પ્રકાર ના નકામા અને ફાલતુ કાર્યક્રમોમાં કરોડોનો ધુમાડો કરે છે અને સમયની બરબાદી કરે છે. આ સર્વે વિષે ન તો મુસ્લિમ ધર્મશાસ્ત્ર કુરાન મજીદ માં કશું કહેવામાં આવેલ છે કે પયગંબર સાહેબ ના કથનો માં કશું કહેવામાં આવેલ છે.

    આ બધા ધતિન્ગો મુલ્લા મોલ્વીઑની રોટલી ને કાયમ રાખવા માટે નો ઍક ધંધો છે.

    આ વિષે મેં હાલમાં જ કેનેડાના ઉર્દૂ અઠવાડિકમાં “કહેવાતી ધાર્મિક કોન્ફરન્સો (પરિષદો) ની ભરમાર” શિર્ષક હેઠળ લખેલ છે.

    કાસીમ અબ્બાસ

    Liked by 1 person

  2. આદરણીય રમણભાઈને આપના બ્લોગ દ્વારા અંજલિ અર્પું છું.હમેશાં યાદ રહેશે. મારા પુસ્તક “સુશીલા”નું વિમોચન એમણે કર્યું હતું અને ત્રણ કલાક જલ્સો કર્યો હતો.તે દિવસે સ્નો પડ્યો હતો પણ ડોસાજી પ્રેમને વશ થઈને પધાર્યા હતા. શર્વરીબેનને અને પરિવારને દિલાસો પાઠવીએ છીએ.મારા સદનસીબે સરોજબેનની પણ રાજપીપલા કોલેજમાં ઓળખાણ થઈ હતી. પ્રભૂ એમના આત્માને શાંતિ બક્ષે. તમારી રેશનાલિઝમની ઝુંબેશને વધુ પ્રેરણામળે.

    Like

  3. પરમ પૂજ્ય રમણભાઇ, લોર્ડ બ્રોકવે અને ડો. કોવુરના…દરેક શબ્દો અને શબ્દાર્થો સાથે સહમત છું
    પ.પૂ. રમણભાઇને પ્રણામ અને ભાવાંજલી.
    અમૃત હઝારી.

    Like

  4. Khub saras lekh sathe khubj Dukhad samachar SARVARI BEN tamara pita bhartiya rationalism na pan pita ganai samay samay nu kam kari gayo RAMAN BHAI no deh mitavi gayo parantu rational people na magaj mathi RAMAN BHAI nu nam mitavava mate samay pan lachar thase evu maru manvu ane apeksha chhe.

    Like

  5. Janam ane Mrutiyu ye fix chhe. Parantu janam ane mrutiyu vache na samay maa aapne kevi kevi mithai o aapnaa bhaviko ne pirsiye ye aapnaa jivan nu mota ma motu laxya chhe. Param Poojya Shree Ramanbhai ye je rationalist bhari mithai o aapan ne pirsi chhe ye jaroor thi mis thashe. Aa badal emne mara khub khub aabhaar vidhi pranaam.

    Like

  6. આળસુ બનાવવા માટે મદદ ન કરવી જોઈએ અને લોકોનો સમય બરબાદ કરવા કથા કારોને પણ ન બોલાવવા જોઈએ .
    મને ઘણા લોકો કહેછે કે તમારે આ શાકભાજી વાવવી ખજૂરના ઠલયાની બ્રેસ્લેતો માળાઓ બનાવવી બ્લોગમાં લખવું . એવી નકામી મેહનત કરવા કરતા પ્રભુ ભજન કરો તો તમારો પરભવ સુધરશે મેં કીધું હું સ્વર્ગ નર્ક પુનર જન્મ આત્મા છેજ નહિ એવું હું દૃઢ પણે માનું છું .
    જ્યાં સુધી જીવો સુખેથી જીવો મરવું એતો નિશ્ચિત છે
    મર્યા પછી પાછું નથી આવવું એપણ એટલું નિશ્ચિત છે .

    Liked by 1 person

  7. સરસ લેખ.
    સાથે સાથે રમણભાઈને ભાવભરી શ્રદ્ધાંજલી આપું છું. શર્વરીબેનને દસમા ધોરણમાં બારડોલી હાઈસ્કુલમાં ૧૯૬૬ આસપાસ ભણાવવાનું થયેલું અને એમના ઘરે ગણીતનું ટ્યુશન પણ આપ્યું હતું. એ રીતે રમણભાઈ અને સરોજબેનના પરીચયમાં આવવાનું થયેલું.

    Like

  8. First of all for Ramanbhai RIP. I know very well he won’t.

    My friend Mr. Qasim Abbas has rightly said that we Muslims are also not lagging behind in following ‘Blind Faith.’ He has rightly quoted examples of this.

    Lord Broakway was absolutely right in what he said. We Indians and for that matter South Asians are very ‘Religiously minded’ and ‘Spiritual.’ We have so many religious rituals from birth to even after death that we pollute our rivers, seas 24/7. And all this in the name of religions!! It is high time now to change our rituals. This is nothing but following blind faith.

    Dr. Dabholkar and Com. Pansare fought against blind faith and paid price with their lives. Their murderers are still at large. Many more will have tollo the course charted by them.

    How many man hours we are wasting in attending Kathas and Bayans? Our so called ‘Spiritual leaders’ never ever say anything about this to their blind followers. We export spirituality. We want to make secular West and Europe spiritual.

    People should stop attending katahas and other religious gatherings. Please invest your time and energies for some productive purposes.

    Firoz Khan
    Journalist, Cloumnist and Socail Activist.
    Toronto (Canada)

    Like

  9. શ્રી રમણભાઈ પાઠકનું અવસાન થયું જાણી એટલા માટે દુઃખ લાગે કે,માનવતાવાદી તટસ્થ વિચારશ્રેણી ધરાવતા લોકોના જન્મ માટે દુનિયાને રાહ જોવી પડે છે.આમ તો જન્મ, વૃદ્ધિ, પ્રજનન, જરા અને મૃત્યુ સજીવ સૃષ્ટિનો સ્વાભાવિક અનિવાર્ય ક્રમ છે.
    મને એક તર્ક સુઝે છે, કથા પારાયણ દિવસે કે રાત્રે ય શું કામ?! જ્યારે મોટાભાગની પ્રજા નિરક્ષર હતી ત્યારે ખેતીપ્રધાન પ્રદેશમાં નવરાશની પળોનો ઉપયોગ Brain Washing માટે થતો! અત્યારે મૂડીવાદી ઔદ્યોગિક જુથો સસ્તી મજૂરી માટૅ ગરીબી ટકાવી રાખવા અને નિર્માલ્યપણું વિકસાવવા અથવા ક્રાન્તિકારી માનસ સ્થગિત કરવાના ભાગ રુપે લોકોને ઇરાદાપૂર્વક પારાયણ-કથા-યાત્રા – ઉત્સવો-તહેવારો માં જોતરી રાખે છે! અને એમાંથી ય નફો રળી લ્યે છે. હવે તો ૨૪ કલાક ૨૦ ટી.વી. ચેનલો દરેક ધર્મ-સમ્પ્રદાયના લોકોને ઉપદેશી રહી છે! દરેક પારાયણ બ્રોડકાસ્ટ થય છે,૨૦લાખ રુપિયા કથાકાર લઇ જાય છે, ૨૦લાખ ચેનલવાળા!! અને લોકો “આંખનું કાજળ ગાલે ઘસી” કામે લાગી જાય છે. નેપોલિયન કહેતોઃ Religion is what keeps the poor from murdering the rich.
    ગોવિન્દભાઇ તરફ થોડો પક્ષપાત છે નહીં તો હું ઊંઝા જોડણી વાંચતો જ નથી!! કે મારા લખાણ સંસ્કૃત પ્રધાન ગુજરાતી જોડણી માં પ્રદર્શિત થાય એવું જક્કી વલણ રાખું ખરો….. ઇતિ શ્રેયમ્ ભૂયાત્ …..
    ભવસુખ શિલુ.

    Liked by 1 person

  10. શ્રી રમણભાઈ પાઠકજીની ગુજરાતમિત્રમાં અવારનવાર “રમણ ભ્રમણ” વાચવાનું ગમતું. પછી તો થોડાક પુસ્તકો પણ વાંચેલા. ત્યારબાદ નક્કી કરેલું કે આ નીડરતાથી અને વાસ્તવિકતા રજુ કરતા મહામાનવને સદેહે જરૂર મળવું. જે ફેબ્રુઆરી ‘૧૫ માં પહેલી અને છેલ્લીવાર શક્ય બનેલુ.. એઓ છેલ્લી અવસ્થામાં બારડોલીમાં યશ હોસ્પીટલની બાજુના બિલ્ડીગમાં ચોથા માળે પથારી વશ હતા છતાં પણ આગતા સ્વાગતાનો વિવેક ચુક્યા ના હતા. ૧૦-૧૨ મીનીટની વાતચીત બાદ છુટા પડતા એમને પણ મારા જેટલોજ આનદ થયેલો.
    ” એ મહામાનવને ભાવભરી હાર્દિક શ્રદ્ધાંજલિ , એમની રેશનાલીઝમની મશાલ વધુને વધુ પ્રજવલીત જલતી રહે” !!! રેશનાલીઝમમાં માનનારા એમની જેવા બીજા નીડર લેખકો આગળ આવે તો કેવું રૂડું ???

    Like

  11. પૂજ્ય રમણભાઇ પાઠકને ભાવભરી હાર્દિક શ્રધ્ધાંજલી. વડલો કદિ મરતો નથી. રેશનાલીસ્ટોના આદ્ય પુરુષને સૌ એટલા માટે કાયમ યાદ કરશે કે એમણે તેમના બુધ્ધિગમ્ય રેશનલ વિચારો આપણને ભેટ ધરી તેઓ વિદાય થયા છે. આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લેતા રહીયે.
    @ રોહિત દરજી ‘ કર્મ ‘ , હિંમતનગર

    Liked by 1 person

  12. પહેલું તો રમણદાદાને ભીષ્મ પિતામહની ઉપમા આપવી નહિ. એમાં મને રમણદાદાનું અપમાન જેવું લાગે છે. કારણ રમણદાદા કૌરવો-પાંડવો ની સભામાં હાજર હોય અને દ્રૌપદીના ચીર ખેંચાય અને રમણદાદા હાજર હોય તો દ્રૌપદીને કૃષ્ણના આવવાની રાહ જોવી નો પડત. એક અફસોસ આખી જીંદગી રહેવાનો કે એમને રૂબરૂ મળી નાં શક્યો.. ગુજરાતે રેશનાલીઝમનો એક સિંહ ગુમાવ્યો..

    Liked by 1 person

    1. माधव क्यांये नथी… मुंबईना गुलाब भेदा, दामजी सावला अने मुंबई सुरत…. गुजराती रेशनल समाजना हीसाबे हुं नसीबदार…..

      Like

  13. આદરણીય રમણભાઈને હાર્દિક શ્રધ્ધાંજલિ અર્પું છું. શર્વરીબેનને અને પરિવારને દિલાસો પાઠવીએ છીએ. પ્રભુ એમના આત્માને શાંતિ બક્ષે.

    Like

  14. આદરણીય રમણભાઈને ક્યારે ય રૂબરૂ મળાયું નહિ તે અફસોસ હંમેશ માટે રહેશે. તેમના લેખો વાંચી ને જ કદાચ મારાં રેશનાલીઝ્મના વિચારોનું ઘડતર થયુ હશે તેમ માનું છું. તેમની વિદાયથી રેશનાલીઝ્મ વિચારોનો ફેલાવો અટકે નહિ તે જોવાની જવાબદારી ગુજરાતના ચિંતકો અને વિચારકોની રહેશે ! તેમના મારી આદરભરી શ્રધ્ધાંજલિ અર્પુ છું.

    Like

  15. રમણભાઈની વિદાય એટલે રેશનાલીસ્મ પરિવાર માટે એક આઘાત કહેવાય. પરિવારના સર્વેની જવાબદારી એમના અંધશ્રદ્ધા નિર્મુલન કાર્યને વિશેષ રૂપથી ઉપાડી કરાતું કાર્ય ખરી શ્રદ્ધાંજલિ કહેવાશે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s