એક સ્થગીત સમાજ–2

04

એક સ્થગીત સમાજ–2

આપણે કેમ હારતા રહ્યા ?

મુળ લેખક : સુબોધ શાહ
રજુઆતકર્તા : મુરજી ગડા

ગત અંક 03 ( https://govindmaru.com/2015/03/27/culture-can-kill-3/ )માં આપણે ત્રણ મોટા ને મહત્ત્વના તફાવતોની વાત કરી જેને આપણાં પરાજયો અને પછાતપણા સાથે સીધો સમ્બન્ધ છે હવે પરાજયનાં કારણો જોઈએ.

કેટલાક લોકોમાં એક ખોટી માન્યતા છે કે ભારતીયો શારીરીક રીતે પડછન્દ કે મજબુત ન હોવાથી યુદ્ધમાં પાછા પડે છે. વાસ્તવીકતા છે કે: . નેપાલના ગુરખાઓ ઠીંગણા હોવા છતાં ખ્યાતી પામેલા સૈનીકો છે. વાયવ્ય ભારતની પંજાબી, જાટ, રાજપુત, વગેરે કોમો આક્રમણખોર પ્રજાઓ કરતાં કોઈ રીતે ઉતરતી ન હતી, એમની સામે સદીઓ સુધી પ્રાચીન યુગમાં એમણે ટક્કર ઝીલી હતી. દક્ષીણ ભારતની કેટલીક કોમો લડાયક છે; મરાઠા કોમે સર્જેલો ઈતીહાસ તો આપણે બધા જાણીએ જ છીએ. ઠીંગણા જાપાનીઝોએ ઉંચા રશીયન/કોકેસીયનને પરાભુત કરેલા છે. મજબુત બાંધાના ફ્રેન્ચ અને અમેરીકન લોકોને ઠીંગણા વીએટનામીઝ સામે મુશ્કેલી પડી હતી. દેહબળ કરતાં બુદ્ધીબળ, શસ્ત્રબળ, જુસ્સો, વ્યુહરચના, એવી એવી બાબતો આધુનીક સમયમાં વધુ નીર્ણાયક નીવડે છે. સત્ય એ છે કે આપણા પરાજયનાં કારણો શારીરીક નથી, બૌદ્ધીક છે; ભૌતીક કરતાં સામાજીક વધારે છે, ને વધુ ઉંડાં છે.

1.   એકતાનો અભાવ :

ઈતીહાસકારોએ અંદર અંદરના કુસમ્પને આપણા પરાજયોનું મોટું કારણ ગણાવ્યું છે. લગભગ બધા ભારતીયો એ જાણે છે, માને છે, તેથી એમાં થોડા ઉંડા ઉતરવાની જરુર છે.

રાજપુત કોમના હાથમાં દેશના રક્ષણની જવાબદારી હતી. આ કોમ બહાદુર, ઉદાત્ત ને આદર્શઘેલી હતી. છતાં ઘણાબધા રાજપુત રાજાઓ હંમેશાં ક્ષુદ્ર, ક્ષણીક અને સ્થાનીક બાબતોમાં એકબીજા સાથે ચડસાચડસીમાં અટવાયેલા રહેતા. તેઓ અંગત વફાદારીના, ખાનદાનીના ને ટેકીલાપણાના ખોટા ખ્યાલોમાં રાચતા. કાનપુરનો જયચન્દ રાઠોડ એના માસીઆઈ ભાઈ પૃથ્વીરાજ ચૌહાણ સામે લડ્યો ને એ બન્નેનો મહમદ ઘોરી સામે પરાજય થયો. જયપુરનો રાજા માનસીંહ, ઉદયપુરના રાણા પ્રતાપ સામે અકબર તરફથી લડ્યો. મીરઝા રાજા જયસીંહ શીવાજીની સામે ઔરંગઝેબના પક્ષમાં મોગલોને વફાદાર હતો. દક્ષીણ ભારતનાં પાંચ નાનાં મુસ્લીમ રાજ્યોએ એકઠાં થઈ, મુખ્યત્વે હીન્દુ એવાં સૈન્યોની મદદથી વીજયનગરના મહાન સામ્રાજ્યનો નાશ કર્યો. 1857માં મોટા ભાગની આમપ્રજા અને ભારતના રાજા–મહારાજાઓ અંગ્રેજો સામે લડવામાંથી અલીપ્ત રહ્યાં.

આટલા બધા કુસમ્પનું કારણ શું? આપણા સામાજીક અને જાહેર જીવનમાં એકતાનો અભાવ કાયમથી એટલો બધો દેખાય છે કે કુસમ્પ એ આપણા ‘કલ્ચર કે સંસ્કારો’નું અવીભાજ્ય અંગ બની ગયેલો લાગે છે. ભારતમાં આજે જોઈએ છીએ એવા વીખવાદો મુળભુત રીતે ઉપરના ઐતીહાસીક બનાવો કરતાં બહુ જુદા નથી. બે રાજ્યો વચ્ચે નદીનું પાણી તો ઠીક; પણ નાનકડા કો’ક ગામની સરહદો વીશેના વીવાદ દસકાઓ સુધી ઉકેલી શકાતા નથી. કેબીનેટની જવાબદારી સામુહીક ગણાય છે; છતાં કેબીનેટના પ્રધાનો ખાનગીમાં નહીં; જાહેરમાં ઝઘડે છે. ધાર્મીક કે ’સાંસ્કારીક’ પ્રવૃત્તીઓના પ્રચાર માટે રચાયેલી ભારતીય સંસ્થાઓના હોદ્દેદારો, માત્ર વ્યક્તીઓના અહમ્ ને પોષવા ખાતર જ, અતી અસંસ્કારી રીતે ઝઘડીને છુટા પડે છે. ’કૉ–ઓપરેટીવ’ હાઉસીંગ સોસાયટી, એક પણ મીટીંગનું સંચાલન સહકારથી કરી શકતી નથી. કુટુંબોમાં ક્ષુલ્લક કારણથી જામેલા ઝઘડા પેઢી દર પેઢી ચાલુ રહેતા આપણે બધાએ જોયા છે. આ બધાને શું કહેશો ? સંકુચીત માનસ ? અહંકાર ? ટુંકી દૃષ્ટી  ? ગમે તે કહો; પણ બહુમતીના હીત ખાતર એક્બીજા સાથે રહી સહકારથી કામ કરવાની અશક્તી આપણામાં ઉડીને આંખે વળગે તેવી છે.

 2.   સાધનસમ્પત્તીનો અયોગ્ય વીનીયોગ :

માનવીય શક્તીઓ અને દુન્યવી સામગ્રીને એકત્ર કરી યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય નહીં, તો કોઈ યુદ્ધ કદી જીતાય નહીં. આ બાબતમાં આપણી નબળાઈ જાણીતી છે. પ્રાચીન સમયમાં વાહન અને સંદેશ વ્યવહારનાં સાધનો ટાંચાં હતાં ત્યારે ભારતને ઉત્તરમાં હીમાલયનું અને બાકીની ત્રણે દીશાઓમાં દરીયાનું કુદરતી રક્ષણ હતું. શસ્ત્રસામગ્રી સાથે મોટાં લશ્કરો વહન કરવામાં માનવજાત જેમ જેમ પ્રગતી કરતી ગઈ, તેમ તેમ આ સંરક્ષણનું મહત્ત્વ ઓછું થતું ગયું ને ભારતના વાયવ્ય દીશાના દરવાજા કાયમ માટે ખુલી ગયા. મહત્ત્વનો પ્રશ્ન આ છે : હજારો માઈલ દુરની આછી વસ્તીવાળા પ્રદેશોમાંથી આવેલા આ આક્રમકો હતા; એમને અજાણ્યા દુશ્મન દેશમાં પર્વતો ને રણ ઓળંગીને આવવાનું હતું; દરીયા જેવડાં લશ્કરોને કુચ કરવાની હતી; મહીનાઓ ને વર્ષો સુધી એમને પુરવઠો પુરો પાડવાનો હતો; તેઓ એ બધું જ કરી શક્યા. બીજી બાજુ, આપણો દેશ ગીચ વસ્તીવાળો હતો; પ્રદેશ આપણો જ ને જાણીતો હતો; દેશ સમૃદ્ધ હતો; તો પછી આવી સાધનસામગ્રી આપણે કેમ ઉભી કરી, વસાવી, વાપરી ન શક્યા ?

બન્ને વીશ્વયુ્દ્ધોમાં બ્રીટન અને અમેરીકાએ માનવશક્તીનું સંચાલન અને સાધનસામગ્રીનો વીનીયોગ કેવી અદ્ભુત કુશળતાથી ને ઘનીષ્ઠતાથી કર્યો એની કલ્પના ભારતમાં બહુ ઓછા લોકોને છે. પુરુષોનાં અનેક નાગરીક કામો સ્ત્રીઓએ ઉપાડી લીધાં. યુદ્ધમાં જોડાવાની પણ અમેરીકન સ્ત્રીઓએ શરુઆત કરી. જર્મનો બહાદુર હતા; પણ અમેરીકાની સાધનસર્વોપરીતાને તેઓ આંબી શક્યા નહીં. જાપાને કામીકાઝી નામે ઓળખાતા આત્મઘાતી સમર્પણનો આશરો લીધો હતો. યુદ્ધના દેવને એ જાતની આહુતીઓ ધરાવવી પડે છે અને એ સુધ્ધાં ઘણીવાર ઓછી પડે છે.

આપણું યુદ્ધ સંચાલન આ બધાંની સાથે સરખાવવા જેવું છે. આપણી સંરક્ષણ વ્યવસ્થા ઉલટા કરેલા પીરામીડ આકારની હતી–સાંકડા પાયા ઉપર પહોળી ટોચ. ક્ષત્રીયો વસ્તીના પાંચેક ટકા જેટલા, એ કેટલું ટકી શકે? સમાજ એના અર્ધા હીસ્સા (સ્ત્રીશક્તી)ને તથા વીશાળ બહુમતી (બીન–ક્ષત્રીય) પ્રજાને જ્યારે સંરક્ષણ કાર્યથી દુર રાખે, ત્યારે તે સ્વરક્ષણ કેવી રીતે કરી શકે? વર્ણભેદથી સડેલા આપણા સમાજમાં બ્રાહ્મણો રાજનીતી ઘડે; રજપુતો લડે; સ્ત્રીઓ રડે કે બળી મળે; બીજા બધા તમાશો જુએ ને ટીકા કરે. વીચારે તે લડે નહીં; લડે તે વીચારે નહીં. અલબત્ત, કો’ક ભવ્ય અપવાદો જરુર હતા જ; પણ યુદ્ધમાં અપવાદો નહીં, સમગ્ર પ્રજાનું હીર નીર્ણાયક ઠરે છે. ઝાંસીની રાણી જેવા અપવાદો બહુ બહુ તો બાવલાં બનીને પુજાય છે. હલદીઘાટના યુદ્ધમાં અકબરના 75,000 સૈનીકો સામે વીરશીરોમણી રાણા પ્રતાપ પાસે ફક્ત 22,000 સૈનીકો હતા, જેમાંના ઘણાબધા તીરકામઠાંથી લડવાવાળા આદીવાસી ભીલ લોકો હતા. મોગલ સૈનીકના લોખંડના બખ્તરને ભાગ્યે જ જુનાં તીરો ભેદી શકે. આવાં કામચલાઉ લશ્કરો જમાવતાં પણ રજપુતોને મુશ્કેલી પડતી. આપણાં મોટા ભાગનાં રાજ્યોને નાણાંની ને શસ્ત્રસરંજામની સખત તંગી ભોગવવી પડતી હતી. મરાઠાઓ જ્યાં જીતે ત્યાં ચોથ ને સરદેશમુખી ઉઘરાવે, સુરત શહેર લુંટે, પણ કાયમી આવક ક્યાં ? આર્થીક વ્યવસ્થાપન નહીં, કરવેરાનું આધારભુત માળખું નહીં, કાયમી આવકનાં સાધનો નહીં. પરીણામે, લશ્કરોનો મોટો ભાગ ઉતાવળે જમા કરેલા સ્વયંસેવક સૈનીકોનો હોય. શીસ્ત, તાલીમ, લાંબી યોજના કે પ્રેરક ધ્યેય મળે નહીં. અને આ બધું કેવા જમાનામાં ? જ્યારે દુશ્મનો ધંધાદારી પગારદાર સૈન્યો રાખતા; જ્યારે વફાદારીથી કામ થતાં; જ્યારે સત્તા, સંપત્તી કે માન મરતબો મેળવવા ખાતર જ યુદ્ધો લડાતાં, રાષ્ટ્રપ્રેમ ખાતર નહીં.

3.   બૌદ્ધીક ને સાંસ્કારીક વલણો :

ઉપર વર્ણવી છે તેવી અનેક નબળાઈઓ સમજવા ખાતર જરુરી એવી બુદ્ધીમત્તા, એવી માન્યતાઓ અને એવાં વલણો આપણા સમાજમા હતાં ખરાં? યુદ્ધ જીતવા રાજકીય મુત્સદ્દીગીરી જોઈએ; લાંબા ગાળાની નીતી નક્કી કરીને યોજનાઓ ઘડવી પડે; એનો અમલ કરવા સંસ્થાકીય માળખું ઉભું કરવું પડે; માનવીય સંગઠન ને શસ્ત્રાસ્ત્રોની પુરતી તૈયારીઓ જોઈએ. આમાંનું કશું જ કરી શકવા આપણે અશક્ત નીવડ્યા. જીતવા માટે સૌથી પ્રથમ તો વૈચારીક સ્પષ્ટતા જોઈએ; પણ આપણે તો દ્વીધાઓમાં કાયમ અટવાયેલા હતા! હીંસા કે અહીંસા ? આ લોક કે પરલોક ? શત્રુને ક્ષમા કે શીક્ષા ? પહેલાં થડ કાપવું કે ડાળીઓ? ફક્ત સંરક્ષણ કરાય, કે સંરક્ષણના હેતુથી આક્રમણ યોગ્ય ગણાય? આપણી ફીલસુફીમાં જ પાર વગરની ખાંચખુંચ. પ્રશ્નોનો પાર નહીં, તર્કનો પાયો નહીં, બુદ્ધીનો આધાર નહીં અને શ્રદ્ધા તો અનરાધાર !

થોડી વીગતો તપાસીએ. આપણા યોદ્ધાઓ બહાદુર, પણ એકલવીર હતા. એકલા ગીત ગાવું અને ઓર્કેસ્ટ્રામાં સમુહગાન ગાવું, એ બે તદ્દન જુદા પ્રકારની આવડત માગી લે છે. આપણાં સૈન્યોમાં શીસ્તના કાયમના અભાવ વીશે, અંધાધુંધી ને અવ્યવસ્થા વીશે, કોઈ બેમત નથી. વ્યક્તીગત બહાદુરી માત્રથી યુદ્ધો જીતવાનો જમાનો મહાભારત કાળમાં હશે; હવે નથી. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કેડમાં બાળકને બાંધીને લડી હતી, એવી વાતોનું ગૌરવથી રટણ કરનાર પ્રજા ફક્ત વીરપુજક જ નહીં; પણ બાલીશતાની પુજક પણ ગણાવી જોઈએ. શુરવીરતા ગમે તેટલી હોય પણ શીસ્ત અને શસ્ત્ર સામે લાચાર બને છે. નવાં કે સુધારેલાં શસ્ત્રો સામે એનું બહુ ઉપજતું નથી. સીકંદરની ઝડપી અશ્વારોહી સેનાએ વરસાદમાં જેલમનું પુર ઓળંગી વીર પોરસની હાથીસેના પર સરસાઈ સીદ્ધ કરી હતી. બાબર પહેલી વાર દારુગોળો લઈ આવ્યો હતો. આપણે તીર ને તલવારને વળગી રહ્યા. મોગલ સામ્રાજયની સ્થાપનાનાં બે જ વર્ષ પછી જ્યારે એ ડગમગતું હતું ત્યારે મેવાડના રાણા સંગની સરદારી હેઠળ રજપુતો એકત્ર થયા. બહાદુર રાણા સંગના શરીર પર 80 તો ઘા હતા ! એની વીશાળ રજપુત સેના બાબરના નાના સૈન્ય સામે હારી ગઈ. બાબર પાસે તોપ હતી; રજપુતો પાસે ભાલા, તલવાર ને તીર હતાં. આપણાં નાજુક મગજ યુદ્ધકળાની બદલાતી આવશ્યકતાઓ સમજી ન શક્યાં. નાનકડાં પણ શીસ્તબદ્ધ યુરોપીયન સૈન્યો આપણાં લશ્કર નામે ઓળખાતાં ટોળાંઓને સહેલાઈથી હરાવવા માંડ્યાં ત્યાર પછી જ આપણા સુલતાનો જાગ્યા. આપણાં લશ્કરોને તાલીમ આપવા ટીપુ, સીંધીયા અને રણજીતસીંહ જેવાઓએ યુરોપીયન લોકોને રોકવા માંડ્યા ત્યારે તો ઘણું મોડું થઈ ગયું હતું. આવા યોદ્ધાઓની નીઃશંક મહાનતા બ્રીટીશ પુરને ખાળી શકી નહીં.

ઘણા બધા વીદ્વાન પુરુષો સુધ્ધાં સમજ્યા નથી કે અઢારમી સદીનું ભારત એક પાકા ફળ જેવું હતું, જે માત્ર હાથ અડાડવાથી જ તુટી પડવાની રાહ જોતું હતું. એક અંગ્રેજ કહે છે: ‘અર્ધા જાગતા–અર્ધા ઘેનમાં જ અમે સામ્રાજ્ય જીતી બેઠા’. જે યુદ્ધથી ભારતમાં બ્રીટીશ સત્તાનો પાયો નખાયો, તે પ્લાસીના નીર્ણાયક યુદ્ધ (1757)નો દાખલો જુઓ : લગભગ એક લાખના હીન્દી લશ્કરને હરાવ્યું ત્યારે બ્રીટીશ ખુવારી કેટલી થઈ? ફક્ત 150 માણસો. મરાઠી સત્તાનાં અન્તીમ વર્ષોમાં અંગ્રેજોએ યુદ્ધગીરી કરતાં વધારે તો મુત્સદ્દીગીરીમાં મરાઠા સરદારોને હરાવ્યા હતા. પશ્ચીમીયા પવનનું એક જ મોજું આવ્યું ને આપણા સ્નો–મેન(બર્ફીલા) સુલતાનો પળવારમાં પીગળી ગયા. સરખાવો આની સાથે: અમેરીકામાં સોળમી સદીની શરુઆતમાં કોર્તેઝ ને પીઝારો જેવા સ્પેનીશ વીજેતાઓએ શું કર્યું? રેડ ઈન્ડીયનોનાં આઝટેક અને માયા સામ્રાજ્યોનાં અર્ધો–પોણો લાખનાં લશ્કરોને પાંચસો હજાર યુરોપીયનોએ સર કર્યાં. વીજેતા પ્રજા એક જ (યુરોપીયન). હારનારી બન્ને પ્રજાઓ ‘ઈન્ડીયન–એક રેડ ઈન્ડીયન, બીજા આપણે.’ સરખામણી આપણે માટે બહુ શોભાસ્પદ તો નથી જ.

યુરોપમાં 1756 થી 1763 ના સપ્તવાર્ષીક વીગ્રહ પછી 1815ના વોટર્લુના યુદ્ધ સુધીના સમયગાળામાં બ્રીટીશરો આખી દુનીયામાં ભારે ભીડમાં હતા. અમેરીકન કોલોનીઓમાં બળવો થયો. ફ્રાન્સમાં નેપોલીયન જાગ્યો. ભારતમાં નાના ફડનવીસે મરાઠા રાજ્યને પાણીપત પછી ફરી ઉભું કરેલું. સીંધીયા, ટીપુ, નીઝામ, ત્રણે મજબુત હતા અને ફ્રેન્ચ સત્તાનો એમને પુરો ટેકો હતો. ફ્રેન્ચોના ટેકાનો પુરેપુરો ફાયદો અમેરીકન લોકોએ લીધો (1776 થી 1783) અને બ્રીટીશ સત્તાને પાણીચું આપ્યું. આપણે આ બધી પરીસ્થીતીનો કોઈ લાભ લઈ ન શક્યા. સામ, દામ, ભેદ અને દંડથી, વ્યુહરચના અને મુત્સદ્દીગીરી વાપરી, થોડાક અંગ્રેજોએ આપણા રાજકર્તાઓને વશ કર્યા. કૅનેડા, યુરોપ ને ભારત, ત્રણેય ખંડોમાં તેઓ લડ્યા ને જીત્યા. ભારતમાં તો અંગ્રેજ રાજાએ નહીં; એની વ્યાપારી પેઢી (ઈસ્ટ ઈન્ડીયા કંપની)એ આપણા રાજાઓ પર વીજય મેળવ્યો.

વ્યક્તીઓની વાત કરીએ તો, એક બાજુ થોમસ જેફરસન, બેન્જામીન ફ્રેંકલીન અને વીલીયમ પીટ (બ્રીટીશ વડાપ્રધાન) જેવી પશ્ચીમની વીભુતીઓ; અને બીજી બાજુ આપણા જાણીતા પુરુષો નાના ફડનવીસ, બાજીરાવ પેશ્વા અને ગંગાધર શાસ્ત્રી કે રામશાસ્ત્રીને મુકી જુઓ, કારણ તેઓ બધા સમકાલીનો હતા. કયા પક્ષે બુદ્ધી કે શક્તી વધુ જણાય છે ? આપણા મહાપુરુષો પ્રત્યે માથું નમાવીને પણ સ્વીકારવું જ પડે કે તેઓ અતીશય વામણા હતા. એ દીવા જેવી સ્પષ્ટ હકીકત છે. બધાનાં જીવનચરીત્રો હાથવગાં છે. પાણીપતની ત્રીજી લડાઈ પહેલાં જ મરાઠા સેનાપતી સદાશીવરાવ ભાઉના દુર્વર્તનથી જાટ રાજા પોતાની સેના લઈ જતો રહ્યો ને મરાઠાઓને જીવલેણ ફટકો પડ્યો એ જાણીતી વાત છે. મરાઠી સત્તાના સુર્યાસ્ત સમયે પેશ્વાના ધર્મચુસ્ત બ્રાહ્મણ વર્તુળ તરફથી એક પ્રશ્નમાં ગરમાગરમ વીવાદ થયો : ચન્દ્રસેન કાયસ્થ પ્રભુ (CKP) નામે ઓળખાતી ઉપજ્ઞાતી એ બ્રાહ્મણ કહેવાય કે ના કહેવાય ? પેશ્વાનો જ એક મોટો સરદાર એટલે ઈન્દોરનો હોલ્કર, ને એના ઉપર એ જ્ઞાતીનો પુર્ણ પ્રભાવ. પરીણામ ભયાનક આવ્યું. હોલ્કરે પેશ્વાની રાજધાની પુનામાં આવી એને લુંટ્યું.

સાફ પરીપ્રેક્ષ્ય (Prospective)માં મુકીને સાદી, સીધી ને સાચી વાત કહેવી હોય તો તે એક જ છે: આપણા કરતાં આપણા શત્રુઓમાં ઘણાં વધારે બુદ્ધી, કુનેહ અને સમજ હતાં. આ એક જ વાત આપણા ડહાપણની ડાહી ડાહી વાતોને બાજુએ મુકીને આત્મનીરીક્ષણ પ્રેરવા માટે બસ છે. આપણી પ્રજામાં લોકપ્રીય થયેલા કુસમ્પના બહાના કરતાં આ હકીકતમાં સત્યનો અંશ ઘણો વધુ છે. આપણા કુસમ્પનો લાભ તેઓ લઈ શક્યા; એમના કુસમ્પનો લાભ આપણે ન લઈ શક્યા. વામન બુદ્ધીની વ્યક્તીઓનો અતી સંકુચીત દૃષ્ટીવાળો આપણો સમાજ હતો. પરદેશીઓએ તોડ્યો એ પહેલાં જ અંદરથી એ તુટવા માંડ્યો હતો. બૌદ્ધ, જૈન, શૈવ, વૈશ્ણવ ધર્મના ઝઘડાઓ અનેક હતા. અહીંસાના ઉપદેશથી સમાજ બીન–લડાયક વલણવાળો બન્યો હતો. સંતોષના ઉપદેશથી સાહસ ને સીદ્ધીની અભીલાષા ઉડી ગઈ હતી. જૌહર, સતીપ્રથા, શુકન–અપશુકન, નસીબ ને ભવીષ્યકથન જેવા વહેમોએ સમાજને અંદરથી કોરી ખાધો હતો. તપ, ત્યાગ, બ્રહ્મચર્ય, નીર્મોહી જીવન, નીષ્કામ કર્મ, આ બધી માન્યતાઓએ લાંબા ગાળે આપણા દુશ્મનોને જ મદદ કરી.

♦    ગીતા અને યુદ્ધનું તત્ત્વજ્ઞાન :

નીર્મોહી જીવન અને નીષ્કામ કર્મ એ ગીતાનું હાર્દ છે અને ગીતા એ હીન્દુત્વનું હાર્દ છે. ગીતા એ સાધારણ પુસ્તક નથી; સદીઓથી એણે આપણા સંસ્કારોનું ને જીવનનું ઘડતર કર્યું છે. તેથી થોડાક સામાન્ય બુદ્ધીના વાસ્તવીક સવાલો પુછવા જરુરી છે. નીર્મોહી જીવન અને નીષ્કામ કર્મના આદર્શો વ્યક્તીગત જીવનમાં અવશ્ય ઉપયોગી થઈ શકે; પણ એક કલ્પના કરો : મારો શત્રુ એના ધર્મમાં ને ધ્યેયમાં કટ્ટર રીતે પ્રતીબદ્ધ છે. કોઈ પણ રીતે જીતવાના એકમેવ હેતુથી તે મરણીયો થઈ લડે છે. બીજી બાજુ હું, નીર્મોહી ને નીષ્કામ છું. હાર કે જીત બન્નેને હું સરખાં ગણું છું. મારી ફરજ છે એમ માનીને લાગણી વીના હું લડું છું. ધારો કે બીજી બધી પરીસ્થીતીઓ સમાન હોય, તો કોનો જીતવાનો સંભવ વધારે છે? મારો કે મારા શત્રુનો ? જવાબમાં જરાય શંકા નથી; ને આ કલ્પના પણ નથી. આવી પરીસ્થીતીમાં શત્રુ જ જીતે –મુસ્લીમો મધ્ય યુગમાં આ રીતે જ હીન્દુઓ સામે જીત્યા છે ને જીતતા આવ્યા છે. આપણે જોઈએ, વીચારીએ, શત્રુને પણ ચાહીએ; કારણ આત્મા એક છે ને અમર છે. શત્રુ કાંઈ ના વીચારે, ફક્ત તલવાર ચલાવે. કૃષ્ણએ અર્જુનને લડવા પ્રેર્યો, એ શા માટે? એ તારી ફરજ છે માટે; અને આમેય તે કોઈ કોઈને મારતું નથી; કારણ આત્મા અમર છે’. ભાર છે ફીલસુફી ઉપર; વ્યવહાર ઉપર નહીં – લડવું તે સ્વબચાવ માટે નહીં, શત્રુ ખરાબ છે માટે નહીં, એને ધીક્કારવા માટે નહીં – ભીષ્મને કેમ ધીક્કારાય? મધ્યયુગમાં મુસ્લીમ જીહાદ માનીને લડતો હોય અને હીન્દુ ધર્મયુદ્ધ માનીને લડતો હોય, એટલે બન્ને પોતપોતાના ધર્મ માટે લડે છે એ તો સરખું જ થયું ! ફરક માત્ર એટલો જ કે એક માણસ ‘કાફીર’ને દીલથી ધીક્કારે છે; બીજો શત્રુમાં પણ અમર આત્મા નીહાળે છે. કોણ જીતશે? હીન્દુ એની ફીલસુફીમાં જીતશે; મુસ્લીમ એની જીહાદમાં. સંતોષ અને સફળતામાં શો ફરક? એ જ કે આપણને સંતોષ મળ્યો; શત્રુને સફળતા. દુનીયામાં બધી જાતના લોકો હોય, ને તૈયાર પણ હોય – કેટલાક મરવા માટે, કેટલાક એમ કરવામાં એમને મદદ કરવા માટે. બીજા વીશ્વયુદ્ધનો નામાંકીત અમેરીકન જનરલ પેટ્ટન એના સૈનીકોને શું કહેતો હતો તે સાંભળો : ‘આપણે દેશ માટે યુદ્ધમાં મરી ફીટવા આવ્યા નથી. આપણે તો પેલો હરામી શયતાન (શત્રુ) એના દેશ માટે મરી ફીટે એવું કરવા આવ્યા છીએ.’

આપણો આદર્શ વીર અર્જુન છે. યુદ્ધ પહેલાં જ એ પાણીમાં બેસી જાય છે. મહાયુદ્ધ તો ઘણા સમયથી નક્કી થયેલું ને ચર્ચાતું હતું. બધાને રુબરુ સામે ઉભેલા જોયા પછી જ એને ખ્યાલ આવ્યો કે એને પ્રીય કુટુમ્બીજનો સામે લડવાનું છે ? યુદ્ધની પુર્વતૈયારીઓ દરમીયાન શંકાઓ હોય તે સારું હોઈ શકે; પરન્તુ એકવાર નીર્ણય લેવાઈ ગયા પછી યુદ્ધ જાહેર થાય, સેનાઓ સામસામે આવી જાય, ત્યારે યુદ્ધભુમી ઉપર જ સેનાપતી આનાકાની કરે, એ પરીસ્થીતી માત્ર અયોગ્ય જ નહીં; અત્યંત હાનીકારક પણ છે. દ્વીધાગ્રસ્ત વીર યુદ્ધ જીતી શકે એવો સંભવ ઓછો; કદાચ જીતે તો પણ અંતે તો કરુણાન્તીકા જ સર્જાય – પછી એ હીરો હેમ્લેટ હોય કે અર્જુન; વ્યક્તી હોય કે સમાજ. ભાવનાઓની ભુલભુલામણીમાં ફસાયેલો એ સેનાપતી છે. શેક્સપીયરનો હેમ્લેટ જ જોઈ લો : ‘To be or not to be, that is the question.’ દુશ્મનને ચાહતો અર્જુન આપણો નેતા છે – શ્રેષ્ઠ અને શુરવીર; પણ આદર્શો વીશે દ્વીધાગ્રસ્ત (Split Personality). હીન્દુઓ લડે છે ખરા; પણ ખોટા કારણથી, ખોટાં ધ્યેયો ને ખોટા આદર્શો માટે. બીજાઓ જીતવા માટે લડે છે; આપણે ફરજ બજાવવા લડીએ છીએ. બીજાને જોઈએ છે સફળતા; આપણને જોઈતું કાંઈ નથી. બીજાઓ નીષ્ફળતા વેઠી નહીં લે; આપણે બધું વેઠી લઈશું. અરે, કોક વાર સફળતા પણ વેઠી લઈશું, જો એ ભાગ્યમાં ભટકાઈ જાય તો ! આપણે શત્રુને ધીક્કારતા નથી, એ આપણને છોડતા નથી. આપણને ‘આ લોક’ ગમતો નથી; તેઓ આપણને ‘પરલોક’ મોકલે છે. આપણે આપણને બચાવી શકતા નથી; પણ અમર આત્માને તો બચાવીએ છીએ ને ? ધારો છો કે, પ્રાચીન કાળની આ ફીલસુફી વર્તમાનમાં હીન્દુ સમાજને બચાવી શકે ?

કોઈપણ યુદ્ધનાં ધ્યેય અને હેતુઓ શા છે ? એમની માંડણી ને રજુઆત કેવી રીતે થાય છે? એના ઉપર એ યુદ્ધનાં પરીણામનો ઘણો આધાર હોય છે. જુના સમયમાં રાજા, દેશ ને સન્માન માટે લોકો લડતા; મુસ્લીમો જીહાદ માટે લડ્યા; ક્રુઝેડો ધર્મ માટે લડાઈ; બે વીશ્વયુદ્ધો લોકશાહી બચાવવા લડાયાં. સારાં કે ખોટાં પણ ધ્યેય અને હેતુઓ સ્પષ્ટ હતાં. દુધ–દહીંમાં પગ રાખીને લડાય નહીં; લડાય તો જીતાય નહીં. દ્વીધા અને અનાસક્તીનો યોગ યુદ્ધમાં અશક્તી ઉત્પન્ન કરે. ધ્યેયબદ્ધતા, એકમેવ લક્ષ્ય, નીર્ણયાત્મક નેતૃત્વ, પ્રતીબદ્ધ પ્રજાશક્તી, આમાંનું કંઈ પણ ખુટતું હોય તો યુદ્ધ જીતાય નહીં. આ પ્રકારના ગુણો હીન્દુ માનસમાં કેળવાયા જ નહીં એ એમના સદીઓ જુના પરાજયોનું મહત્ત્વનું ને મુળભુત કારણ છે.

લડાઈમાં હાર થાય એ લાંબા ગાળે ખરેખર મોટી આપત્તી હોય પણ ખરી; ના પણ હોય. પરન્તુ તાર્કીક તારણો કાઢીને હારને અનીવાર્ય ગણવી, વાજબી ઠરાવવી –Rationalize કરવી – એનાથી એ હાર ખરેખરી ને કાયમી આપત્તી બને છે. નસીબવાદ, માયાવાદ અને અનાસક્તીયોગ જેવાં તત્ત્વજ્ઞાનનાં તોરણો બાંધીને ભારતમાં આ કામ થયું છે અને તેથી જ બીન–વ્યાવહારીક ને નકારાત્મક અભીગમ આપણાં માનસતન્ત્રમાં જામી ગયેલ છે. આવાં વલણોથી પરલોક કદાચ જીતાય; આ લોકનાં યુદ્ધો જીતાય નહીં. યુદ્ધમાં તો વીજયાકાંક્ષા અનીવાર્ય છે, ધ્યેયનીષ્ઠા વીધાયક છે, સુસજ્જતા નીર્ણાયક છે. આપણામાં એકેય નહોતાં. આપણામાં તો હતી એક અદમ્ય ઈચ્છા આ અસાર સંસારથી છુટવાની. એમાં આપણા શત્રુઓએ સહાય કરી. આપણે શાસ્ત્રો ટાંક્યાં; એમણે શસ્ત્રો તાક્યાં. આપણે તપ આદર્યાં; એમણે તલવાર ચલાવી. શું વધુ કારગત નીવડ્યું એની સાક્ષી ઈતીહાસ પુરે છે.

♦   ફક્ત સો વર્ષ પહેલાંના ભારતની વાસ્તવીકતાઓ :

ચોખ્ખી ચણાક વાત છે કે આપણી સમાજવ્યવસ્થા પરદેશીઓના પડકાર સામે ઉભી રહી શકી નહીં. પુનરપી પરાજય, પુનરપી પરાજય, એ કદી અકસ્માત ન હોઈ શકે. આપણી હાર માત્ર એક નબળાઈ ન હતી; એ તો રાજકીય, નૈતીક, ધાર્મીક, સામાજીક, સમગ્ર તન્ત્રવ્યવસ્થાની નીષ્ફળતા હતી. કોઈને આ વીશે હજી પણ શંકા હોય તો માત્ર સોએક વરસ પુર્વેના (1850 થી 1900) ભારતની પરીસ્થીતી પર નજર ફેંકવાથી ખાતરી થશે. એના સાક્ષીપુરાવા હાજર છે, અંદાજો બાંધવાની કે કલ્પના કરવાની જરુર નથી.

એ સમયે અંગ્રેજી શીક્ષણની શરુઆત થયેલી. પણ પ્રચાર નહીં; વીજળી કે વીમાન ન હતાં, મોટરગાડી કે ફોન પણ નહીં; એટલે સમાજ ઉપર આજના જેવી પાશ્ચાત્ય અસરો નહીંવત્ હતી. તેથી જુનું ભારત આધુનીકતાથી લગભગ અસ્પૃષ્ટ દશામાં જોવાની તક અહીં મળે છે. આજે પણ આપણાં ગામડાંમાં આમાંનું ઘણુંબધું દૃષ્ટીએ ચડે છે.

કેવું હતું એ ભારત ? 85 ટકાથી વધારે વસ્તી ગામડાંમાં રહેતી, અંગુઠાછાપ અભણ, શ્રદ્ધાળુ. પુરાતન પદ્ધતીથી ખેતી કરતી. પીવાના પાણી માટે ગામમાં એક કુવો ઉપલાં વર્ણો માટે, બીજો નીચલાં વર્ણો માટે, ત્રીજો અસ્પૃશ્યો માટે. દરેક જ્ઞાતી પોતપોતાના અલગ લત્તાઓમાં રહે. ક્યાંય પણ જવું હોય તો કાચા રસ્તા પર કાદવ–કીચડમાં ચાલતા જવાનું. ઉપલા વર્ગનાં બેચાર પૈસાવાળાં કુટુમ્બો કે દરબાર જેવા પાસે ઘોડો હોય. મોટા ખેડુતો બળદગાડાં રાખે. સુથાર, લુહાર, મોચી ને કુંભાર જેવા વંશપરમ્પરાના જુના ધંધાઓ ઉપર ગામડાં નભે જાય. ઔદ્યોગીકરણનું નામ નહીં. અસ્પૃશ્યતા સર્વત્ર ને સ્વાભાવીક. દવાખાનું ભાગ્યે જ હોય, હોય તો પોસાય નહીં; એટલે ડોશીમાનું વૈદું ને આયુર્વેદ વનસ્પતીઓ એ દરેક રોગની દવા. ચેપી રોગોની ભરમાર, વહેમો બેસુમાર. બાળજન્મ ને બાળમરણ બન્ને ઉંચાં, આયુમર્યાદા અતીશય નીચી. પીંઢારા ને ઠગોની ટોળીઓ અંગ્રેજ સત્તાએ હમણાં હમણાં જ જેર કરેલી; પણ બહારવટીયા ને લુંટારાનો કાયમનો ત્રાસ. તેથી ડાહ્યા માણસો ઘરમાં ખાડા ખોદી પૈસા દાટે. ગાયભેંસનું છાણ ભેગું કરવું એ સ્ત્રીઓની રોજની ઉપયોગી આર્થીક પ્રવૃત્તી; કારણ છાણાં કે લાકડું એ જ બળતણ હતું. કુવેથી પાણી ભરી લાવવું, ઢોર સાચવવાં, રસોઈ કરવી, એ સ્ત્રીઓની મુખ્ય પ્રવૃત્તીઓ. બાળકો ખેતી ને પશુપાલનમાં મદદ કરે. ગામમાં શાળા જો હોય તો પ્રાથમીક ચારેક ધોરણ પુરતી; પણ હાજરી પાંખી. શાળાએ જવું ન ગમતું હોય એવા કોઈ છોકરાને બેચાર મોટા છોકરાઓ ટાંગાટોળી કરી ઉંચકીને શાળાએ લઈ આવે; ને માસ્તર સાહેબ નેતરની સોટીથી એની બરાબર ખબર લે. સ્ત્રીશીક્ષણની શરુઆત હજી થઈ ન હતી. વીધવાવીવાહ નીચલી નાતોમાં ખરો; ઉપલી નાતોમાં અકલ્પ્ય. વીધવાઓની સ્થીતી દયનીય. બાળલગ્નો બહુ જ સામાન્ય ને પ્રચલીત. મારી માતાનું લગ્ન એની 13 વર્ષની ઉંમરે થયેલું. લોકમાન્ય ટીળકની એક નાની સરખી વાત જુઓ : 12 વર્ષથી ઓછી ઉંમરની સ્ત્રીઓનાં લગ્નો ઉપર પ્રતીબન્ધ મુકતા કાયદાને એમણે ટેકો આપવાની ના પાડી. તેથી સુધારક મીત્ર આગરકરથી એ છુટા પડ્યા. અને ટીળક તો એ જમાનામાં ક્રાન્તીકારી નેતા ને સમાજસુધારક કહેવાતા !

મેં પોતે બીજા વીશ્વયુદ્ધ પહેલાં આમાંનું લગભગ બધું નાનપણમાં નજરોનજર જોયેલું છે, અને આ તો આપણી અવદશાનું એક આછું એવું જ રેખાચીત્ર છે. આજના ઘણા શીક્ષીત યુવાનોએ ગામડું જોયેલું હોતું નથી. એમને આવી હકીકતોથી આશ્ચર્ય સાથે આંચકો લાગે છે. વધુ વીગતો વધુ આઘાતજનક થશે. આ જ સમયના યુરોપ કે અમેરીકાની આધુનીક પ્રગતીની જરાક પણ કલ્પના જેને હોય એને શું થશે એ મને ખબર નથી.

આવા અતીશય નીરાશાજનક સમાજતન્ત્રમાં આપણે સદીઓ સુધી શાથી સપડાયા? અને હજી કેમ છીએ? એનાં કારણો આપણી પરમ્પરાગત માન્યતાઓ-સંસ્કારોમાં ઉંડાં દટાયેલાં છે. એની વાત હવે પછીના પ્રકરણમાં જોઈશું.

–સુબોધ શાહ

શ્રી.સુબોધ શાહનું અંગ્રેજીમાં લખાયેલું ‘Culture Can Kill’ પુસ્તકના એક પ્રકરણમાંથી ઉપરોક્ત લેખ, કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2013ના ઓક્ટોબર માસના અંકમાં પ્રકાશીત થયો હતો. આ લેખ, લેખકશ્રી અને રજુઆતકર્તાશ્રીની પરવાનગીથી સાભાર…

લેખકસમ્પર્ક :

Subodh Shah, 499A Stockton Lane, MonroeTwp, NJ – 08831. USA

Ph : 1-732-392-6689   eMail : ssubodh@yahoo.com

પુસ્તક માટે સમ્પર્ક : www.AuthorHouse.com  (Publisher)   or

http://www.amazon.com/Culture-Can-Kill-Beliefs-Advancement/dp/1420880586

રજુઆતકર્તા : શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા –390007 સેલફોન : 972 679 9009 ઈ–મેલ : mggada@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષીયુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ : એરુ એ. સી. – 396 450 જીલ્લો : નવસારી સેલફોન : 9537 88 00 66  ઈ.મેલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 17/04/2015

18 Comments

 1. અને હજી પણ હારતાજ જઈએ છીએ .અને જ્યાં સુધી વહેમ ,અજ્ઞાનતા . આંધળો વિશ્વાસ છે ત્યાં સુધી હારતાજ રહેવાના

  Like

 2. બહુ લાંબા વખત પછી સરસ જુદા વિષય પર લેખ વાંચવા મળ્યો. અભિનંદન. આવી જ વાતો મેં સ્વામી સચ્ચિદાનંદના પ્રવચનોમાં સાંભળી છે. મારા પોતાના પણ આવા જ વિચારો છે. હું પણ કાંઈક આવું જ લખું છું. સુબોધભાઈને સો સો સલામ.લેખ દરેકે વાંચવા જેવો છે.

  Liked by 1 person

 3. It is 100% true. It is a good article for reading and thinking.

  Thanks,

  Pradeep H. Desai

  Indianapolis, USA

  Like

 4. આ લોક, પરલોક, પાપ, પૂણય, હિંસા, અહિંસા, સંચિત કર્મ, સ્વર્ગ, નર્ક, દેવ, દેવી, રાક્ષસ, વિ…વિ….માંથી આજે ૨૧મી સદીમાં ભણેલાં ગણેલાં ડોક્ટરો, ઇન્જનીયરો, વિજ્ઞાનીઅો છુટી શક્યા નથી. અરે અમેરીકામાં પણ આ સારું મુહૃત અને ખરાબ મુહૃતના ઘંઘા ચાલુ છે. અમેરિકામાં સામાજીક સંસ્થાઓ પણ વર્ગવિગ્રહથી પર નથી. પોત પોતાના જુથ બનાવીને પોતાની લડાઇઓ સરકારી સોલ્યુશન શોઘે છે. કહે કે અમે તો સમાજસેવા કરવાવાળા. પરંતુ હું ? સબસે બડા…..દરેકના પક્ષ જુદા…..દરેક પોતાની પરેડ કાઢે. આ કુસંપ અમેરિકામાં પણ ભારતીયોમાં હજી જીવિત છે.અેકતા ? અમે કાંઇ મુરખ છીઅે ? અમે કોઇના હાથ નીચે કામ કરીઅે? અને આ કારણથી જ ભારતીયો અમેરિકામાં કોઇ બેનીફીટ મેળવી શકતા નથી. પાંચ જણા બોલે તેની પિપુડી કોણ સાંભળે? લાખ માણસો ભેગા થઇને અેક હાં પાડે તો સરકાર ઘ્રુજે…..પણ …….અંદરો અંદર ટાંટીયા ખેંચવામાંથી જ ઉંચા નથી આવવું અે તેમનો જન્મસિઘ્ઘ અઘિકાર છે. ભૂતકાળની ભૂલોમાંથી શીખવાની સલાહ રોજે અપાય છે પરંતુ જ્યારે પોતાને અમલમાં મુકવાનો સમય આવે ત્યારે તે અેકલવીર બની જાય છે. કહેવાયુ છે કે,‘ ઉદાહરણ આપવું સહેલું છે પરંતુ ઉદાહરણ બનવું અશક્ય છે.‘ તમારા સવાલના જવાબમાં કહું કે, આ પ્રાચિનકાળની ફીલસુફી વર્તમાનના હિન્દુ સમાજને બચાવી નિહ શકે. જ્યાં સુઘી સાઘુઓ,પુજારીૌ, કર્મકાંડીઓ અને કથાકારોની આંખ ના ખૂલે ત્યાં સુઘી તો નહિ જ. પોલીટીશીયનો અને વેપારીઓ તો ઓપોરચ્યુનિસ્ટ…..તમારાં આ પ્રકરણો અંગત સ્વાર્થિઓને કદાચ નહિ પણ ગમે…ગુસ્સો પણ કરે….છતાં સમાજના ભલાં માટે બોલવું પણ પડે…આજકાલ સુભાષચંન્દ્ર બોઝની આઝાદીના લડાયક પ્રયત્નોની વાત બહાર પડી રહી છે….અહિસાની સામે યુઘ્ઘ. વિગતો જે બહાર આવી રહી છે…સીક્રેટ ડોક્યુમેન્ટસ્ના રુપે તે કદાચ ભારતની આઝાદીનો ઇતિહાસ જ બદલી નાંખશે અેવું લાગી રહ્યું છે..અંગ્રેજોની છેલ્લા દિવસોની મુશકેલીઓના ડોક્યુમેંટસ્ કાંઇક જુદા જ સંજોગો દર્શાવે છે…..સુબોઘભાઇનું અેનાલીટીકલ વિચારોનું આ પ્રકરણ શબ્દે શબ્દ મંજુર છે….હાર્દિક અભિનંદન.

  Liked by 1 person

 5. લેખકશ્રીએ ખુબજ તટસ્થતા થી વિચારોત્તેજક લેખ લખ્યો છે, અંગ્રેજી માં કહી શકાય “આઇ ઓપનર આર્ટિકલ “.લેખ મા જણાવેલ હકીકતો ભુતકાળ મા જેટ્લી રીલેવંટ હતી એટ્લીજ વર્તમાન માં અને કમનસીબે,ભવિષ્ય મા પણ રહેશે.

  Like

 6. Excellent and Impressive analysis, You are writting and we are all reading and appreciating but not implement. Without imlement you can not find any result.
  Now a days people want only result which our leaders does not have.

  Leader should be result oriented like Modi. Let us hope we find result within
  5 years.

  Ramesh Mehta

  Like

 7. Europe ke chin ni jem aa deshne koi mahan samulgi vacharik kranti,bhale pachhi e tyan ni jem lohiyal hoy, kare evo neta male to j aa deshnu kaink thai shake…Nahi to pachhi atyare Na.Mo. kare chhe em juda juda desho farine technology ane paisani bhikh mangya karvani…

  Like

  1. To Shri tpb (Tushar Bhatt)1951:
   You have a very good idea when you say that our country needs “mahan samulgi vaicharik kranti” meaning a great basic ideological revolution. I congratulate you.
   But I request you to think a little more when you want to keep waiting for a leader. You say: “evo neta male to j aa deshnu kaink thai shake”. My humble thought is given below for your consideration:

   In a democracy, leaders arise from society, they do not drop from the sky. What we need is enough numbers of rational minded common men like you and me so that they can create an ideological revolution through a strong society. For example, the American and the French peoples had no famous leaders when they started their revolutions. Yet those people gave the world the great values of “Liberty, Equality, Fraternity”. Common people in a strong society first prepare a suitable ground-culture and then, the leaders arise in natural course to lead them.

   In short, our common people need to give up their old Values and ideals, and adopt new thoughts before any Kranti takes place. Washington and Napoleon, both arose after (not before) the above revolutions were started by the agitated people themselves.

   Thank you for your good ideas. —-Subodh Shah —

   Liked by 1 person

   1. ————What we need is enough numbers of rational minded common men like you and me so that they can create an ideological revolution through a strong society.———-

    I completely agree with you. Please sign me up in your group. 🙂

    Like

 8. This article is full of very pointed and effective statements. Many thanks and congratulations to the author. I eagerly await the next and subsequent articles.
  I hope our youngsters will take this very seriously and act on it.

  Like

 9. Good article.
  Better we had communist government after Independence, to break all caste based structure and economic system. still villages are divided in caste based streets and name of street also based on caste??. Still people hate each other based on upper or lower caste.
  Rajen maheshwari

  Like

  1. Rajenbhai,
   You are quite right about the hold of castes on our Indian minds.

   Perhaps you may be surprised to know that here in the USA also, we, the highly educated rich Hindus organize ourselves into clubs, conduct picnics and do many other social activities based on our membership in our original castes and sub-castes. Thanks. — Subodh Shah —

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s