શ્રદ્ધા–અન્ધશ્રદ્ધા

રમણ પાઠક (વાચસ્પતી)

        [71.] શ્રદ્ધા સેવવી અને સંશય ન કરવો એ અત્યંત હાનીકર્તા એવી પ્રમાદી મનોદશા છે, જેણે સદીઓથી માનવજાતને ઘોર યાતનાનો ભોગ બનાવી છે. ફીલસુફી–ચીન્તનદર્શનનું ઉદભવસ્થાન જ સંશય છે: ફીલોસોફી ઈઝ ડાઉટ– સંશય એટલે જ તત્વચીન્તન. આપણા પુર્વજોએ ધર્મનાં ફરમાનો પ્રત્યે થોડોક પણ સંશય દાખવ્યો હોત, તો કેટકેટલી ઘોર નરકયાતનામાંથી માણસ બચી ગયો હોત ! દા.ત., બાઈબલનું ફરમાન છે કે ‘તું ડાકણને જીવતી જવા દેતો નહીં !’ અને ડાકણ મનાતી સ્ત્રી ઉપર પાસવી અત્યાચારો ગુજારવાનો અને એને જીવતી જલાવી દેવાનો રવૈયો મધ્યયુગમાં શરુ થયો. ભારતમાં પતી પાછળ સતી થવાના ધાર્મીક ફરમાન નીમીત્તે લાખો કોડીલી કન્યાઓ, યુવતીઓ, પ્રૌઢાઓને એમાનાં જ સ્વજનોએ જબરજસ્તી જીવતી જલાવી દીધી. આ ઉપરાંત, ધર્મપાલનને નામે માણસ તેમ જ પશુની રાક્ષસી રીબામણીનો રવૈયો ભીષણ ચાલ્યો. અને આજેય નથી ચાલતો એવું આશ્વાસન લઈ શકાય એમ તો નથી જ. ચારપાંચ હજાર વર્ષ પુરાણો ધર્મનો ઈતીહાસ ઘોર માનવયાતનાથી ભયાનક કમકમાંપ્રેરક છે, જેમાં કોઈ ધર્મ અપવાદ નથી. માટે આજે શ્રદ્ધાળુઓએ ચેતી જવા જેવું છે, કારણ કે ઈતીહાસની એ ભુંડી આદત છે કે તે કશો બોધપાઠ આપતો નથી, અને એનું પુનરાવર્તન થયા જ કરે છે !

        [72.] જે રાષ્ટ્રમાં ધોધમાર કથા–પારાયણો નીરન્તર ચાલ્યા જ કરે છે, અને સો–બસો સાધુબાવાઓ રોજ રોજ નૈતીક બોધના ધોધ અવીરામ ઝીંક્યે રાખે છે, એ પ્રજા જ આવી ચોર, નીતીરહીત અને માનવતારહીત કેમ? આપણો એક પુર્વજ મનીષી કહી ગયો છે કે, દારીદ્રદોષો ગુણરાશીનાશી ! અર્થાત્ ગરીબી એક એવો સંહારક દોષ છે કે, જે તમામ સદ્ ગુણોનો નાશ કરી નાખે છે. નીતીમત્તા કે માનવતા સદ્બોધમાંથી નથી પ્રગટતી, એ તો સમૃદ્ધીનું જ સહજ પરીણામ છે. પશ્વીમી પ્રજાઓ વધુ નીતીવાન તથા માનવતાવાદી છે, એના મુળમાં એ લોકની સમૃદ્ધી છે. ભૌતીક સમૃદ્ધી માનસીક સમૃદ્ધીની જનની છે. ભુખ્યો માણસ કયું પાપ ન કરે ? તે મજબુરીથી પણ ચોરી કરે જ. આપણે બેફામ વસતી વધારતા જઈએ છીએ, અને એમ ગરીબીને વીસ્તારતા રહીએ છીએ. ટુંકમાં, આપણાં લગભગ તમામ અનીષ્ટોનાં મુળમાં, અનહદ અને અવીચારી વસતી વધારો જ છે. એને હજીયે જો અટકાવવી શકીએ, તો કદાચ બચી જઈએ; બાકી સર્વનાશ સુનીશ્ચીત જ છે.

        [73.] હકીકતે, વરસાદ પડવો, ના પડવો કે અતીશય પડવો– એવી પ્રાકૃતીક પ્રક્રીયાને યજ્ઞ સાથે, ઈશ્વર સાથે યા માણસનાં પાપ–પુણ્ય સાથે લેશમાત્ર લેવાદેવા નથી. કુદરતના નીયમો અન્ધ અને અફર છે. આ કેવળ પછાત, અજ્ઞાન યા અભણ માણસની પરમ્પરાગત જડ મનોદશા નથી, પર્જન્યયજ્ઞ કરનારા બધા જ સુશીક્ષીત આગેવાનો હોય છે. આવાં બધાં અનીષ્ટો કે કૃત્યો આજે કોણ અટકાવી શકે ?

        [74.] વાસ્તવમાં પૃથ્વી ગોળ છે; એથી ક્ષીતીજ ગોળાકાર છે, અને પૃથ્વી ફરતે અસીમ અવકાશ છે; જ્યાં કોઈ દીશાઓ જ નથી. દીશા એ કેવળ માનવકલ્પના છે. ધારો કે કદાચ સુર્ય ઉગતો જ ના હોત, તો મનુષ્યને કદાપી દીશાઓની કલ્પના આવી જ ના હોત. પૃથ્વી ફરતેનો અવકાશ ચોરસ છે જ નહીં કે એને ચાર બાજુઓ હોય અને ચાર ખુણા હોય ! પરન્તુ સુર્યોદય– સુર્યાસ્તને પરીણામે જ માણસને દીશાની કલ્પના આવી, અને એણે તદનુસાર પુર્વ–પશ્વીમ જેવી બે દીશાઓ ગોઠવી કાઢી. પછી સ્વાભાવીક જ બાકીની બે દીશાઓ કલ્પવી રહે, તે ઉત્તર અને દક્ષીણ. આમ ચાર દીશાઓની કલ્પના ઉદ્ભવી, એટલે ચોરસ ક્ષીતીજની ભ્રમણાને પરીણામે ચાર ખુણા પણ કલ્પવા જ રહ્યા. મતલબ કે આઠ દીશા એ કેવળ કપોળકલ્પના જ છે, અને એ જ તો વાસ્તુશાસ્ત્રનો બુનીયાદી આધાર છે. માટે વાસ્તુશાસ્ત્ર પણ કપોળકલ્પના જ સીદ્ધ થાય છે. એ જ રીતે, અમુક દીશા શુભ અને અમુક અશુભ– એવી કલ્પના માણસને કેમ આવી, એ પણ સહેજે સમજી શકાય એવી વાત છે. સુર્યનો ઉદય એ સમગ્ર સજીવસૃષ્ટી માટે અને એ રીતે મનુષ્ય માટે પણ એક અત્યન્ત મંગલ, આનન્દદાયક, તથા સુખાકારી ઘટના છે; કારણ કે એથી અન્ધકાર દુર થાય, ઉષ્મા પ્રાપ્ત થાય, ઉદ્યમ થઈ શકે વગેરે અનેક સાનુકુળતાઓ ઉદ્ભવે, કલ્પના કરો કે, જ્યારે પ્રકાશનું એક પણ સાધન, દીપક આદી નહીં શોધાયું હોય, ત્યારે આદીમાનવ રાત્રીના ઘોર અન્ધકારથી કેવો અસહ્ય મુંઝાતો હશે, અને સુર્યોદયની કેવી ઉત્કટ પ્રતીક્ષા કરતો હશે ! વધુમાં વળી, આર્યો તો સુર્યપુજક હતા, અથવા તો એ જ કારણે સુર્યને લોકો પુજતા હતા. બસ, આવા મહામાનીતા સુર્યોદયને કારણે જ પુર્વ દીશા સૌથી વધુ શુભ–મંગલકારી બની ગઈ. વાસ્તુશાસ્ત્રીઓએ એને સુખ, શાન્તી, સમૃદ્ધી તથા ઐશ્વર્ય આપનારી લેખાવી. એથી ઉલટું, પશ્વીમ દીશાએ સુર્યાસ્ત થાય, ઉપરાન્ત એ બાજુ સમુદ્ર છે, અને વરસાદ પણ લગભગ એ દીશાએથી જ આવે. એટલે એ વરુણદેવનું અધીષ્ઠાન. પણ આખરે તો તે સુર્યાસ્તની જ દીશા ને ? એટલે વાસ્તુશાસ્ત્રીઓ એને ખાસ શુભ ગણાવતા નથી, જો કે અશુભ પણ નહીં. મીશ્ર ગોટાળા ચાલે છે.

        [75.] ‘શ્રદ્ધા’ શબ્દની ચોક્કસ વીભાવના નક્કી કરીએ: ‘શ્રદ્ધા એટલે કાર્ય–કારણના અફર નીયમથી પર કે મુક્ત એવું કંઈક બનવાની દૃઢ અપેક્ષા કે આશા.’ હવે બીજી બાજુ, પ્રકૃતીનો જ એ અફર નીયમ છે કે કાર્ય–કારણ ન્યાયથી ભીન્ન કદાપી કશું બની શકે જ નહીં; એ જ છે વીજ્ઞાન. દા.ત., બે પરમાણુ હાઈડ્રોજન અને એક પરમાણુ ઓક્સીજન લઈને સંયોજન કરવાથી પાણી જ બને, કદાપી સોનું બની શકે નહીં; પછી એવી ઈતર શ્રદ્ધા ગમે તેટલી ગાઢ રાખીને એવું સંયોજન કરો તો પણ. અર્થાત્ કાર્ય–કારણ ન્યાયને અતીક્રમવાની આશા તે શ્રદ્ધા, જ્યારે પ્રસ્તુત ન્યાય પર આધાર રાખવો તે વીશ્વાસ. પેરેશુટ પર વીશ્વાસ રાખીને યોગ્ય વીમાનમાંથી સલામત કુદકો મારી શકાય; પરન્તુ ભગવાન પર શ્રદ્ધા રાખીને સામાન્ય ઝાડ પરથી પણ જો તમે કુદકો લગાવો તો પગ યા માથું ભાંગે જ. શ્રદ્ધા અને વીશ્વાસ વચ્ચે આ જ ભેદ છે.

        પરન્તુ આપણા અગ્રણીઓ, કથાકરો, પ્રવચનકારો અને ગુરુઓ, ‘શ્રદ્ધા’ શબ્દનો શીથીલ (લુઝલી) પ્રયોગ કરીને, સામાન્ય જનતાને ભરમાવે છે અને છેતરે છે. દા.ત., હમણાં જ એક વીખ્યાત સ્વામીજીએ મારા અત્ર–ઘોષીત મતનો વીરોધ કરતાં દાખલો ટાંક્યો કે મધર ટેરેસામાં જો શ્રદ્ધા ન હોય તો જીવનભર આટલી અફરતાથી દીનદુ:ખીયાની આવી સેવા ન કરી શકે. જો કે મધર ટેરેસા વીરુદ્ધ તો જાતજાતની ફરીયાદોય વળી થઈ જ છે: જેમ કે ઓશો રજનીશે એક વાર ટીકા કરેલી કે મધર શા માટે બધાં જ અનાથ બાળકોને સર્વપ્રથમ ખ્રીસ્તી બનાવી દે છે ? હમણાં વળી સંતતીનીયમન કે વસતીનીયંત્રણનો વીરોધ કરવા બદલ કે ખ્રીસ્તીઓનું અન્ય બાબતે ઉપરાણું લેવા બદલ પણ મધર ટીકાપાત્ર બન્યાં; છતાં એ વાત અત્રે અપ્રસ્તુત હોઈ જવા દઈએ.

        [76.] કોઈ પણ વસ્તુ કે મુદ્દા વીશે જ્યારે આપણે વાદ–પ્રતીવાદ કરીએ ત્યારે તે વસ્તુ કે પ્રશ્નની વીભાવના આપણા ચીત્તમાં સ્પષ્ટ હોવી જોઈએ. ખાસ કરીને ‘શ્રદ્ધા’ જેવા ભાવવાચક શબ્દ કે માનસીક ગુણ–વ્યાપારની ચર્ચા કરતાં પુર્વે તો એની ચોક્કસ વીભાવના અનીવાર્ય ગણાય. કોઈ પણ બાબતની ચર્ચા એની તંતોતંત ચોક્કસ વીભાવના વીના થઈ શકે નહીં– એવો તર્કશાસ્ત્ર, લોજીકનો સીદ્ધાન્ત છે. વીભાવના એટલે વ્યાખ્યા (ડેફીનેશન). મતલબ કે મુદ્દો ડેફીનેટ, એકદમ સ્પષ્ટ તથા સમ્પુર્ણ હોવો જોઈએ. લોજીકનો અન્ય નીયમ પણ છે કે પદાર્થની વ્યાખ્યા એક જ અને સમ્પુર્ણ હોવી જોઈએ; જેથી તે બાબતે ગોટાળો કે ગુંચવાડો ન થાય અને તો જ વાદવીવાદ સાર્થક નીવડે. ભાવ કે વસ્તુના તમામ ગુણધર્મને સમાવી લેતું અને એક પણ છટકબારી વીનાનું વર્ણન તે વ્યાખ્યા કહેવાય. ચોક્કસ વસ્તુ કે ભાવના અર્થવીસ્તારમાં પછી ગમે તે યા અપ્રસ્તુત ગુણલક્ષણ સમાવી દેવામાં આવે, તો એ અતીવ્યાપ્તીનો દોષ થયો કહેવાય. મેં ઉપર ટાંકેલા દાખલાઓમાં આ જ અતીવ્યાપ્તીદોષ છે અને એથી જ ત્યાં ‘શ્રદ્ધા’ શબ્દ હાસ્યાસ્પદ પ્રતીત થાય છે.

        આપણે શ્રદ્ધા, મનોબળ, હીમ્મત, સાહસ, સહનશીલતા, વીશ્વાસ, આત્મવીશ્વાસ, સુદૃઢ આશા–અપેક્ષા એ સર્વેને માટે ઘણી વાર અચોક્કસ ભાવે–લુઝલી ‘શ્રદ્ધા’ શબ્દ પ્રયોજતા હોઈએ છીએ, અર્થાત્ ભીન્ન–ભીન્ન મન:સ્થીતીઓની આપણે ભેળસેળ કરી નાખીએ છીએ અને એથી જ હાનીકર્તા એવી ‘શ્રદ્ધા’નું કુલક્ષણ આવકાર્ય ગણાઈ જાય છે અને ભારે તારીફ, અનધીકાર છતાં; પામી જાય છે.

રમણ પાઠક (વાચસ્પતી)

 ‘ગુજરાતમીત્ર દૈનીક,સુરતમાં વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી (હવે બંધ) એમની લોકપ્રીય કટાર રમણભ્રમણના લેખોમાંના જુદા જુદા મુદ્દાઓ વીશે, જુદા જુદા વીષયોનું સંકલન કરીને સુરત શહેરના શ્રી. વીજય ભગતે : vmbhagat@gmail.com ) વીવેકવીજય (પુસ્તક માટે ભાઈ વીજય ભગતનો મેઈલ પર સમ્પર્ક સાધવા વીનન્તી) ગ્રંથ સાકાર કર્યો. રૅશનાલીઝમના પાઠ્યપુસ્તક સમા આ ગ્રંથનું ઐતીહાસીક વીમોચન પુ. મોરારીબાપુને હસ્તે સુરતના ‘રંગઉપવન’માં થયું. તે પુસ્તક  વીવેકવીજયના પ્રકરણ : 04માંના ઉપરોક્ત મુદ્દા ક્રમાંક : 71 થી 76 સુધીના આ મુદ્દા, લેખક અને સંપાદકશ્રીના સૌજન્યથી સાભાર ..ગોવીન્દ મારુ..

નીચે આપેલી લીન્ક ઉપર ક્લીક કરશો તો વીવેકવીજય ગ્રંથ વીશે વધુ જાણકારી મળશે :

https://govindmaru.wordpress.com/2010/12/17/raman-pathak-11/

લેખકસંપર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક વાચસ્પતી હવે આપણી વચ્ચે નથી.

અભીવ્યક્તી.બુક્સ વીશે :

અત્યાર સુધીમાં પ્રકાશીત થયેલી ત્રણ અભીવ્યક્તી.બુક્સ મારા બ્લોગના મથાળે ઈ.બુક વીભાગ https://govindmaru.wordpress.com/e-books/ માં મુકી છે. સૌ વાચકબંધુઓને ત્યાંથી તે ડાઉનલોડ કરી લેવા વીનંતી છે. જો કોઈ વાચકમીત્રને ઈ.બુક ડાઉનલોડ કરવાની ફાવટ ન હોય તો મને govindmaru@yahoo.co.in પર, પોતાનાં નામ–સરનામા સાથે મેલ લખશે તો હું તે વાચકમીત્રને આ ઈ.બુક્સ મોકલી આપીશ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત સાવધાની રાખીશ.. ..ગોવીન્દ મારુ..

 રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા અભીવ્યક્તી બ્લોગના હોમપેઈજ પર મથાળે, આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ : એરુ એ. સી. – 396 450  જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 .મેઈલ : govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 10/07/2015

8 Comments

  1. ‘અભિવ્યક્તિ’ વાંચવાનું એક વ્યસન થઈ ગયું છે. દર લેખ સાથે કાંઇક નવું જ જાણવા મળે છે. નવી દ્ર્ષ્ટી પ્રાપ્ત થાય છે. ગોવિન્દભાઇ આપનો અને આપના સર્વે લેખકમિત્રોનો ખુબ ખુબ આભાર.
    નવીન બેન્કર ( હ્યુસ્ટન)

    Liked by 1 person

  2. Saras Raman Pathak na lekh hu gujarat mitra ma “Ramanbhraman” sharu thai ne Ramanbhai e lakhvanu bandh karyu tya sudhi vanchya chhe.. Temaane farithi vanchava no lahavo aapta raheso. Aabhar… Govind Maru farithi…

    Liked by 1 person

  3. આજથી હજારો કે લાખો વર્ષ પહેલા, જ્યારે માનવીને “ધર્મ” નામની વસ્તુ મળેલ હતી, ત્યારે “ધર્મ” ચોખો અને પવિત્ર હતો અને તેના પરની શ્રદ્ધા પણ ચોખી હતી. અત્યારે “ધર્મ” નામની વસ્તુ તેના અસલ રૂપ, આકાર અને અસલ ધ્યેય થી બદલીને બહુજ કદરૂપા રૂપ, આકાર અને ધ્યેયમાં આવી ગયેલ છે, અને “અંધશ્રદ્ધા નું રૂપ લઈ લીધેલ છે. આ સત્ય બધા ધર્મોને લાગુ પડે છે.

    કાસીમ અબ્બાસ

    Liked by 1 person

  4. નારણભાઈ દેસાઈએ કહેલ કે પહેલાં બુદ્ધિથી સમજો અને પછી તે સમજણ ઉપર શ્રદ્ધા રાખો. પણ બને છે એવું કે દરેક વિષયમાં વ્યક્તિની ચાંચ ડૂબે નહીં એટલે કોઈક ને કોઈકની બુદ્ધિનો આશ્રય લેવો પડે. જો કોઈકે કશોક ફાયદો કોઈકને કરાવી દીધો હોય અને તે વ્યક્તિ આપણને ફાયદો કરાવી દેશે કારણ કે તેના અનુયાયી પણ ઘણા છે માટે તેના ઉપર શ્રદ્ધા રાખો. એટલે બને એવું કે તે બાવાજી શ્રદ્ધાનું પાત્ર બને. સંસ્કૃતમાં એક સુભાષિત છે કે
    શ્રુતિઃ વિભીન્ના, સ્મૃતયઃ ચ ભીન્ના,
    ન એકઃ મૂનિઃ યસ્ય વચઃ પ્રમાણં
    ધર્મસ્ય તત્ત્વં, નિહિતં ગુહાયાં,
    મહાજનાઃ યત્ર ગતાઃ સ પન્થાઃ

    વેદો અને ઉપનિશદો જુદું જુદું કહે છે. કોઈ એવો ચિંતક નથી કે જેને પ્રમાણભૂત માની શકાય. શું કરવું જોઇએ તે કોઈ ગુફામાં રહેલું હશે. તેથી વધુ લોકો જ્યાં જાય ત્યાં જવું. [જે સૌનું થશે તે વહુ નું થશે (આપણું થશે) ]

    પણ જે દેખાય છે તે વધુ લોકો છે કે નથી દેખાતા તેમને વધુ ગણવા? એટલે જે ની પાસે જેટલા હોય તેટલાને પોતાના વાડામાં પુરી રાખે અને ગુરુ મહિમાના સુત્રો પઢાવે. સંત રજનીશમલ, ઓશો આસારામ, જેવા અનેક પોતાનો ધંધો ચલાવે તો જેમણે ખગોળ ના પદાર્થોની ગતિની ગણત્રીઓ સમજી તેઓ શા માટે જ્યોતિષ શાસ્ત્ર ન ચલાવે?

    દિશાઓ સાપેક્ષ છે. અને ગતિ પણ સાપેક્ષ છે. પવનો, પ્રકાશ અને વરસાદ આ સાપેક્ષ દિશાઓને અનુસરે છે. આપણને કુદરતી તત્વો જોવા ગમે છે. આપણી માનસિક અને શારીરિક તંદુરસ્તી પણ આ સાપેક્ષ દિશાઓમાંથી આવતા પવનો, પ્રકાશ, અને વરસાદનની ઉપર વધતા ઓછા પ્રમાણમાં આધાર રાખે છે. પણ માણસે હમેશાં પોતાને શું પોષાય છે તે પ્રમાણે ચાદર ને અનુરુપ સોડ તાણવી.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s